સ્વરૂપસન્નિધાન/લલિત નિબંધ-મણિલાલ હ. પટેલ

From Ekatra Wiki
Revision as of 03:05, 29 December 2023 by Meghdhanu (talk | contribs) (replaced with proofread text)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
લલિત નિબંધ

મણિલાલ હ. પટેલ

સાહિત્યના રચના અને કાર્યની દૃષ્ટિએ બે વિભાગ કરનારા મીમાંસકોએ, નિબંધને લલિતેતર (નોન-ક્રિએટિવ) સાહિત્યના ખાનામાં મૂકેલો. કવિતા-વાર્તા-નવલકથા વગેરે સર્જનાત્મક (ક્રિએટિવ) સાહિત્ય પ્રકારો (genre)ની પંગતમાં આરંભે તો ગુજરાતી વિવેચને પણ નિબંધને નથી બેસવા દીધો. એને ચરિત્ર, ડાયરી, પ્રવાસ વગેરે લલિતેતર સાહિત્યના પ્રકારોમાં ગોઠવ્યો હતો. વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને હું એમ કહીશ કે પ્રારંભિક કાળનાં નિબંધને આપણે ‘જ્ઞાન આપનારા સાહિત્ય' (લિટરેચર ફોર નૉલેજ)ના ખાનામાં બેસાડેલો; કવિતા અને કથાસાહિત્યની જેમ એ રસલક્ષી કે સૌંદર્યલક્ષી આનંદ પણ આપે છે એમ હોતું સ્વીકારાયું. આનાં વાજબી કારણો પણ મળેલાં. ‘નિબંધ’ શબ્દ કે સંજ્ઞાના ઓઠે ત્યારે આપણે (કૈંક અંશે આજે પણ) ઘણું ઘણું એકઠું કરતા હતા. કશા ક્રિએટિવ સ્વરૂપમાં ન બેસે એને નિબંધ કરી નાખવાનું વલણ પણ હતું ચરિત્ર નિબંધ સંજ્ઞા અને વિવેચનલેખને નિબંધ ગણાવવાની વાત એનાં ઉદાહરણો છે. અલબત્ત નિબંધ શબ્દસંજ્ઞા સાધારણ લંબાઈની અને એકકેન્દ્રી શિસ્તમાં ચાલતી ગદ્યરચનાને સંકેત છે એટલે આમ બન્યું હશે? આપણે, શાળાકીય શિસ્તથી લખાયેલાં 'ભૂતનિબંધ’ અને ‘જ્ઞાતિનિબંધ' જેવાં દલપતરામનાં લખાણોને નિબંધ તરીકે ઓળખાવ્યાં નર્મદનાં બોધપ્રધાન, વ્યાખ્યાન કે વક્તૃત્વની છટાવાળાં લખાણોને તથા એના ‘ટીકા કરવાની રીત’ ‘કવિ અને કવિતા' જેવાં વિવેચનગ્રંથી લખાણોને પણ નિબંધના ખાનામાં મૂક્યાં છે. વિચારકેન્દ્રી અને વસ્તુનિષ્ઠ એવી મણિલાલ દ્વિવેદીની લધુ ગદ્યરચનાઓને, ન્હાનાલાલની ભાવનાપ્રધાન અને ભાવકતાથી છલકાતી ઉદ્બોધનાત્મક રીતિમાં લખાયેલી ગદ્યકૃતિઓને; નરસિંહરાવની વિદ્વતાપૂર્ણતાને દર્શાવતી પણ કૈંક વિખરાવવાળી રચનાઓને પણ નિબંધ સંજ્ઞા નીચે જ મૂકી છે. એ જ રીતે રમણભાઈ નીલકંઠ કે જ્યોતીન્દ્ર દવેની હાસ્યપ્રધાન રચનાઓને કે અન્યોનાં ચિત્રાત્મક યા ચરિત્રાત્મક લખાણોને પણ ‘નિબંધ' ગણાવીએ છીએ. કિશોરલાલ મશરૂવાળાનાં ચિંતનસભર લખાણો અને ગાંધીજીનાં નિશ્ચિત ઉદ્દેશથી લખાયેલાં સાદા સરળ લેખોને ય નિબંધની ન્યાતમાં મૂકનારા આપણે કાલેલકરના પ્રવાસવર્ણનો સમેત સર્જનાત્મક છટા લઈ આવતા સુરેશ જોષી, ઉમાશંકર જોશી, ભોળાભાઈ પટેલ, દિગીશ મહેતા અને બકુલ ત્રિપાઠી (તથા એ પછીની પેઢીના નિબંધકારો) ઇત્યાદિની આવા પ્રકારની રચનાઓને પણ નિબંધ તરીકે ઓળખાવીએ છીએ, ત્યારે આ પ્રકારના-આમ તો સમજીને સમજાવી શકાય એવા – ‘કેઓસ’માંથી માર્ગ કરવાનું કામ અઘરું છે પણ અશક્ય નથી. ‘લલિતેતર સાહિત્ય પ્રકારોમાં નિબંધ સૌથી વધુ સાહિત્યિક છે’ એવું વિધાન કરીને ય આપણે નિબંધને ‘નોન-ક્રિએટિવ’ સાહિત્ય સ્વરૂપો (લલિતેતર સાહિત્યસ્વરૂપો)માં જ રહેવા દઈએ એ આજે તો ઉચિત જણાતું નથી. જે તે કૃતિના પરીક્ષણને અંતે જ એના પ્રકાર વિશેનું ખાનું એને ફાળવવું ઘટે. આજે રચાતી નિબંધનામી જે તે સારી રચનાઓમાં ક્રિએટિવ લિટરેચરનાં લક્ષણો ખાસ્સી રીતે જોવા મળે છે. ત્યારે નિબંધને હવે જ્ઞાનલક્ષી સાહિત્ય પ્રકારના – કૈંક ઓરમાયા લાગતા ખાનામાંથી આપણે ‘લિટરેચર ઑવ પાવર’ (રસઆનંદલક્ષી સાહિત્ય)ની હરોળમાં લાવ્યા છીએ તે સારું જ થયું છે. નિબંધના બે વિભાગ — ૧. લલિત નિબંધ અને ૨. લલિતેતર નિબંધ – પાડ્યા પછી નિબંધને સમજવાનું કાર્ય થોડું વધારે સરળ બન્યું છે. આ વિભાગો રચનાનો ઉદ્દેશ અને રચનાની રીતિને લલિત કરીને પાડ્યા છે એ કહેવાની ભાગ્યે જ જરૂર હોય. લલિતેતર નિબંધમાં પણ સાહિત્યિક ગુણવત્તા આવે, આણી શકાય; બલકે એ ‘સાહિત્ય’ લેખેની એની દિશા પણ છે. લલિત નિબંધને તો આપણે, બને એટલી એક પૂર્ણ, સાહિત્યિક-રચના તરીકે જ આવકારીએ છીએ એ યાદ રહે. લલિત નિબંધની એની પોતાની, નિજી ઓળખ શું? આ ઓળખ સુધી પહોંચવાની ભૂમિકા સારું આપણે થોડી વ્યાખ્યાઓમાંથી પણ પસાર થઈશું. ‘આધુનિક સાહિત્ય સંજ્ઞાકોશ’ (સં. ચન્દ્રકાન્ત ટોપીવાળા, વગેરે)માં નિબંધ ESSAYની ઓળખ આ રીતે આપી છેઃ ‘વિશ્વ સાહિત્યમાં આ સ્વરૂપનો આરંભ ૧૫૮૦માં ફ્રેન્ચ લેખક મોન્તેઈનના આ પ્રકારનાં લખાણોથી થયો. અન્ય સાહિત્યસ્વરૂપોની સરખામણીમાં નિબંધ ઘણો મુક્ત સાહિત્યપ્રકાર છે. મોટે ભાગે, ગદ્યમાં લખાતી, સાધારણ લંબાઈની, આ રચના આત્મલક્ષી કે પરલક્ષી કાલ્પનિક કે વાસ્તવિક વિષયવસ્તુની આસપાસ વણેલી હોય છે. સામાન્ય રીતે તેના વિષયાનુસાર નિબંધને ૧. લલિત, ર. લલિતેતર એવા બે વિભાગોમાં વહેંચવામાં આવે છે. ગુજરાતી સાહિત્યમાં લલિત નિબંધનું ખેડાણ નોંધપાત્ર પ્રમાણમાં થયું છે.’ (પૃ. ૯૩) આ વ્યાખ્યા વાંચતાં નિબંધ વિશે કેટલીક વાતો તરત સ્પષ્ટ થાય છે. એક તો નિબંધને અન્યોની જેમ ઝાઝાં બંધનો નથી, જાણે એ નિબંધ વહેતી (પોતે પોતાનું નિબંધન રચતી) રચના છે. (એટલે તો અઘરી છે!) બીજું, એ બધા ગદ્યમાં લખાતી લઘુરચના છે પોતાની વાત-વિગત કે સંવેદનનું આલેખન થઈ જાય એટલે એ તરત અટકી જાય. ત્રીજું, તે એને વિષયબાધ ભાગ્યે જ હોય છે અને ચોથું તે એની લેખનરીતિ આમ મુક્ત, લેખકના ‘મૂડ’ (મિજાજ) પ્રમાણેની; આત્મલક્ષી કે પરલક્ષી પણ હોય. લલિત નિબંધ માટે આપણે ત્યાં ‘અંગત નિબંધ' (Personal essay) શબ્દ પણ પ્રયોજાય છે. એની વ્યાખ્યા જુઓ ‘જેનો વિષય આત્મકથાત્મક હોય અને સંભાષણપરક રીતે અંગત શૈલીમાં લખાયા હોય તેવા નિબંધો’ તે અંગત નિબંધો. (એજન-પૃ. ૧૯૩) ‘સર્જક નિબંધ’ એવો પર્યાય પણ આપણે સુરેશ જોષીના નિબંધો માટે વાપર્યો છે. લલિત નિબંધ સંજ્ઞા અંગત અને ‘સર્જક’-બેઉ શબ્દો વડે સૂચવાતાં લક્ષણવલણને પણ સમાવી લેતી હોવાથી ‘લલિત નિબંધ’ સંજ્ઞા સ્વીકારવામાં વાંધો નથી. આપણે ત્યાં એ રૂઢ પણ થઈ જ છે. લલિત નિબંધ વધુમાં વધુ વૈયક્તિક (Personal) છે. એમાં સર્જકનાં રસરુચિ સમેત એની સમગ્ર આંતર-શ્રીને પ્રગટવાનો ત્યાં અવકાશ છે. (‘જનાન્તિકે’ના નિબંધો આનું સૌથી સારું ઉદાહરણ છે.) લલિત નિબંધ સર્જક અને ભાવક વચ્ચે યોજાતી ગોષ્ઠી છે; કહો કે એ સીધો આંતર સંવાદ છે; નિરાંત જીવે સર્જક પોતાની વાત જાણે કે વિશ્રંભકથા રૂપે ભાવકને કહે છે. ભાવક એમાં મૂક સંમતિ આપતો જાય એમ રચના આગળ વધતી, વિવિધ સ્તરોમાં પ્રવેશતી તથા દૂર જઈને પોતાના કેન્દ્રમાં પાછી વળતી પમાય છે. (‘દૂરના એ સૂર’ અને ‘વિકુંઠ નથી જાવું’ માંથી આવાં ઉદાહરણો ઘણાં મળી આવવાનાં.) લલિત નિબંધમાં સર્જક પોતાનાં કોઈ એકાદ વિચાર કે સંવેદનને (કે ઊર્મિ-વૃત્તિના પ્ર-વેગને પણ) સંયત સ્વરમાં સહજ રીતે વર્ણવે છે. એની રીતિમાં એ પરિસરવર્ણન કરે, દૃષ્ટાંતો લે કે આપણને કન્વિન્સ કરવાનો કોઈ સ્વાભાવિક રસ્તો પકડે છે. આ દરેક વખતે એની શૈલીમાં એની અંગતતાની મુદ્રા હોય. કશાક વિચારને આલેખે ત્યારે પણ ભાષાની વિશેષ અર્થ આપવાની શક્તિને એ લેખે લગાડતો હોય છે. કેમ કે એણે સીધું કહેવું છે ને વળી સોંસરું કહેવું છે. સ્વાભાવિક કહેવું છે ને સર્જકતા પ્રયોજી પોતાના સંવેદન કે વિચારને અસરકારક રીતે આલેખવો છે. (આનાં ઉદાહરણ તરીકે-‘પ્રથમ પુરુષ એકવચન’, ‘વેઈટ્-અ-બિટ્’, ‘શાલભંજિકા’ અને ‘જરા મોટેથી’માંથી કેટલાંક નિબંધો ટાંકી શકાશે.)

*
‘એસઈ’ – Essai – આ ફ્રેન્ચ શબ્દનો અર્થ થાય છે – પ્રયત્ન! સમજી શકાશે કે નિબંધકાર, essayમાં કશુંક કહેવાનો પ્રયત્ન કરે છે —પોતીકી રીતે કહેવાનો આ પ્રયત્ન છે. ‘નિબંધ’ શબ્દ સંસ્કૃત-ગુજરાતીમાં, રચવું, જોડવું, બાંધવું, સાંકળવું એવી અર્થછાયાઓ આપે છે. અહીં એટલું સ્પષ્ટ કરી લઈએ કે પ્રબંધ-શોધપ્રબંધ આદિ સંશોધનલક્ષી દીર્ધ નિબંધો માટે અંગ્રેજીમાં ‘Thesis' શબ્દ છે. આપણે એને શોધ-નિબંધ કે શોધ-પ્રબંધ કહીએ છીએ તે ઉચિત લાગે છે. વિવેચનના લેખ માટે Article શબ્દ છે એમ સમીક્ષાઅવલોકન માટે રિવ્યુ (Re-view) શબ્દ છે. એટલ ગુજરાતીમાં આપણે નિબંધ એમ કહીએ ત્યારે બહુધા લલિત નિબંધન આપણે સૂચવીએ છીએ- એમાં વિચારપ્રધાન (ડિસકર્સિવ) જેવા એકમેકના પર્યાયો સર્જનાત્મક નિબંધ (ક્રિએટિવ એસે)ને જ ચીંધે છે.

મોન્ટેઈને તો કહેલું કે (આ મોન્ટેઈનને નિબંધનો જનક માનીએ છીએ-એનો સમય હતો ૧૫૩૩થી ૧૫૯૨ ફ્રાન્સ) નિબંધમાં હું મને આલેખું છું. બેકને નિબંધમાં તત્ત્વદર્શન અને ચિંતન પર ભાર મૂકેલો. આમ પણ, આપણે કાલેલકર-ટાગોર-સુરેશ જોષીને વાંચીએ છીએ ત્યારે અનુભવ થાય છે કે એમના નિબંધોમાં એમની અંગત સંવેદનસૃષ્ટિ એક તરફ છે; તો બીજી તરફ તત્ત્વ વિચાર દર્શનને સ્પર્શતા વિચારોનું પણ આલેખન મળે છે. આમ આ મુદ્દો નિબંધમાં સમાવી શકાતા વિષયવૈવિધ્યને- એના વ્યાપને સૂચવે છે. પણ ઘણી વાર એક જ નિબંધમાં – અરે, ૩-૪ પરિચ્છેદના નિબંધમાં સર્જક પોતાની વાત કરતાં કરતાં સહજ રીતે જ ચિંતન-દર્શન સુધી આવી પહોંચે છે. દા. ત. ૧. ‘ગ્રીષ્મ આવે છે ને મન ઝાલ્યું રહેતું નથી. શૈશવ અને કૈશોર્યનું સંગી પેલું ગુજરાતની પૂર્વ સરહદના તાપી કાંઠાનું, અરણ્ય યાદ આવે છે ને મન ઝૂરે છે. વૈશાખ અને જેઠમાં ફૂંકાતા વાયરાના તાલ સાથે તાલ મેળવી ઝડતી લ્હેરતી અરણ્યની વનરાજિ દૃષ્ટિગોચર થાય છે. ત્યાં જાણે જીવનના એક અંશનું કાળરૂપી રાવણ હરણ કરી ગયો છે. એને ફરીથી પ્રાપ્ત કરવાને માટેનો સેતુબન્ધ બાંધવાનો પુરુષાર્થ હજીય કરવો બાકી છે.’ (સુરેશ જોષી સંચય-પૃ. ૧૦) ૨. ‘આજે અશોકનાં પુષ્પ જોઈને મારું મન ઉદાસ થઈ ગયું છે. કાલે કોણ જાણે કોઈ વસ્તુ દેખીને કોઈ સહૃદયમાં ઉદાસીની રેખા ફૂટી નીકળશે. જે વાતોને હું અત્યંત મૂલ્યવાન સમજું છું અને જેના પ્રચાર-પ્રસાર માટે જોરજોરથી બોલીને ગળું દુ:ખાવી રહ્યો છું એમાંથી કેટલી જીવશે અને કેટલી પ્રવાહપતિત થશે એ કોણ જાણે છે?’ (હજારીપ્રસાદ દ્વિવેદી-‘અશોક કે ફૂલ’માંથી) જ્હોન્સને નિબંધમાં સ્વૈરવિહારને મહત્ત્વ આપ્યું છે. ‘An Essay is a loose sally of the mind, an irregular, indigested piece, not a reg-ular and orderly composition.' આમ છતાં વિચારસંવેદનના ક્રમિક આલેખવાળી અને ‘કમ્પોઝીન્સ’ની રીતે ચુસ્ત હોય એવી નિબંધ રચનાઓ પણ મળે જ છે. બલકે એની છાપ વધારે પ્રભાવક હોય છે. સ્વરૂપમાં આવાં આંતરિક પરિવર્તનો આવતાં રહે છે- ને એ એની જીવંતતાની પ્રતીતિ કરાવતાં રહે છે. આપણે ત્યાં રામનારાયણ પાઠકે તો સ્વૈરવિહારીના ઉપનામથી લખેલા નિબંધોને ‘સ્વૈરવિહાર’ના શીર્ષક તળે ગ્રંથસ્થ કર્યા છે એ જાણીતી વાત છે. પણ સ્વૈરવિહારમાં આકારબદ્ધતાનો વિરોધ છે એવું નહીં કહેવાય. એમાં અવકાશ છે, વિષયાંતર કરવાની મોકળાશ છે છતાં અંતે પેલા મૂળના આરંભેલા તંતુ સાથે તો છેડા ગાંઠવાનું રહે જ છે. આ જ તો નિબંધનું નિર્બંધપણે થતું નિબંધન છે!

  • નિબંધ ઓછામાં ઓછું સર્જકના સંવિતને વૈયક્તિક મુદ્રા સાથે, આપ્તજનની ઉષ્મા તથા કૈંક મુક્ત મને છતાં પ્રમાણમાં સંક્ષેપથી આલેખે છે.
  • નિબંધની ન્યૂનતમ અપેક્ષાને નર્મદે આ શબ્દોમાં મૂકી છે- પોતાના મનની કલ્પના કાગળ પર સંબંધ રાખી લખી જણાવવી. નવલરામ નોંધે છે- પોતાના જે વિચારો હોય તે બીજાને બરોબર લખી જણાવવા નર્મદના મનમાં જે છે તે Personal essayની નજીકનું છે ને નવલરામ વિચાર ચિંતનને લક્ષે છે.
  • પશ્ચિમમાં વૈયક્તિક મિજાજની રચનાઓ ઓગણીસમા શતકમાં થવા લાગેલી. ગુજરાતીમાં વીસમા શતકના મધ્યભાગમાં આ વલણ પ્રવેશે છે ને પછી વ્યાપક બને છે.

લલિત નિબંધ આત્મનેપદ સ્વરૂપ છે. આ પ્રકારમાં થતી રચનાઓ તત્ત્વતઃ વ્યક્તિત્વનિર્ભર હોય છે. નિબંધનું પ્રથમ ઘટકતત્ત્વ તે (નિબંધનું પ્રાણતત્ત્વ પણ) સર્જકના વ્યક્તિત્વનું પ્રાગટ્ય. લેખકનું અંતરપદ્મ એમાં દલદલ ઊઘડી આવવું ઘટે. વિષય તો નિમિત્ત છે. ઓઠું છે. વિષય નિમિત્તે સર્જક પોતાનાં સંવેદનો આલેખે છે. કથન વર્ણનમાં છલકાતું નિબંધકારનું વ્યક્તિત્વ પોતાની અંતર્ગત ભાવસૃષ્ટિને ઊઘાડે છે ત્યારે એમાં સહજ રીતે માનસી અને જગતની અંતર્બહિર વાતો-વિગતો સાથે વેદનાઓ પણ ઊપસી આવે છે. લલિત નિબંધનો રચયિતા એવો સંવેદનપટુ જીવ હોય છે જે આ જગતની નાનામાં નાની ઘટના – કૂંપળ ફૂટવાની, ફૂલ ખરવાની, શિશુના હાસ્યની, વરસાદની, મરણની, તાવ-ઊંઘની કે પવન વાયાની – તરફ પોતાનો પ્રત્યાઘાત આપ્યા વિના નથી રહી શકતો. રવીન્દ્રનાથ, કાલેલકર અને સુરેશ જોષી એનાં ઉદાહરણો છે. થોડાક દૃષ્ટાંતોથી નિબંધનાં ઘટકતત્ત્વો (વિષયવસ્તુ-અભિવ્યક્તિ રીતિ)ને સમજીએ. રવીન્દ્રનાથ ટાગોર એક (પત્ર)નિબંધમાં લખે છે ‘હું ચિત્રકાર છું એવી નામના જ મારી કવિ તરીકેની નામનાને ઢાંકી દઈને ફેલાતી જાય છે. વારંવાર પેલા સ્ટુડિયોનો વિચાર આવે છે. મયૂરાક્ષી નદીને કિનારે સાલવનની છાયામાં, ખુલ્લી બારીની પાસે બહાર એક તાડનું ઝાડ-ટટાર ઊભેલું છે. તેનાં જ પાંદડાંની કંપમાન છાયાને સાથે લઈને તડકો મારી દીવાલ ઉપર આવી પડ્યો છે; – જાંબુડાની ડાળ ઉપર બેસીને કબૂતર આખી બપોર બોલ્યા કરે છે, નદીને કિનારે કિનારે છાયાવાળી એક વીથિ ચાલી જાય છે-ઝાડ કુડચીનાં ફૂલથી ભરાઈ ગયાં છે. લિંબુનાં ફૂલની વાસથી હવા ભારે થઈ ગઈ છે. જારૂલ, પલાશ અને મંદાર વચ્ચે હરીફાઈ ચાલે છે: સરગવાનાં ફૂલનાં ઝૂમખાં હવામાં ઝૂલે છે; પીપળાનાં પાંદડાં ઝલમલ થાય છે- મારી બારીની નજીક સુધી ચમેલીની વેલી ચડી ગઈ.’ (રવીન્દ્ર પત્ર મર્મર, પૃ. ૩૮-૩૯)
કકવિનું વર્ણન (વાંચતાં લાગે છે કે જાણે સુરેશ જોષીને વાંચી રહ્યા છીએ.) ચાલ્યા જ કરે છે... કવિ અટકે છે ને કહે છે મારે હવે ઝાઝું જીવવાનું નથી, તો પાછો મારા સ્ટુડિયોમાં પહોંચી જાઉં, ચિત્રો કરવા, લખવા. અહીં કવિએ લૅન્ડસ્કેપ કર્યો છે -સૂક્ષ્મ વિગતો સાથેનો ભૂખંડ શબ્દમાં ઝિલાયો છે- એક કવિના વ્યક્તિત્વની મુદ્રા વિના આ કદાચ શક્ય નહોતું. હવે સુરેશ જોષીને તપાસીએ. એમનાં તો કેટકેટલાં દ્રષ્ટાંતો લઈએ એમ થાય છે! એટલે ગમે તે ઉપાડી લઈએ, ચાલો– અહીં જોઉં છું તો શીમળો દિગમ્બર થઈ ગયો છે ને એને ઉન્મત્ત અનુરાગની ટશરો ફુટવા માંડી છે. કેસૂડામાં વસન્તની પગલી ખોવાઈ ગઈ છે. અવકાશનું પાત્ર પંચમ સૂરથી છલોછલ ભરાઈ ચૂકયું છે. લીમડા પર મંજરી બેઠી છે-ઝીણા ઝીણા અક્ષરે કોઈ નિશાળિયો પાટી ભરી દે એવી ખીચોખીચ. ચંદ્ર દેખાય છે ને મૌનના સાગરમાં ભરતી આવે છે. કશીક અક્રમ જલ્પના હવાને મુખે છે. માલવિકા-બકુલિકાના અંચલ હવામાં ફરક્યા કરે છે. સવાર વેળાની સુરખીમાં ચાર હોઠના દાબ વચ્ચેની ભીની ઉષ્મા છે. ને ક્ષિતિજના અર્ધ નિમીલિત ચક્ષુમાં કામવિહ્વળ કપોતિનીની આંખની રતાશ છે. કોઈનો દૃઢ બલિષ્ઠ વન્ય અસંયત પેશલ અનુરાગ જો પોતાના તરફ મને ખેંચે નહીં તો શીમળાના રૂની જેમ અહીં તો મારું બધું ઉડી જવા બેઠું છે. કશાનો હિસાબ રાખી શકાતો નથી.... શ્રીપુરાંત કાઢતાં મુશ્કેલી ઊભી થવાની છે.’ (ભાવયામિ : પૃ ૪૭-૪૮)
અહીં છલકાતું લેખકનું વ્યક્તિત્વ આપણને સરાબોર કરી દે છે. લેખકની તનમનની સૃષ્ટિમાં પ્રકૃતિપ્રભાવે ઊઠતાં સંચલનોનું આ આલેખન અંતે જતાં તો સર્જક ચિત્તનો આસ્વાદ્ય એકરાર બની રહે છે અને એક નવા વિચારની સામે આપણને લાવી મૂકે છે. નિબંધની રચના તે આ અર્થમાં ‘સર્જન લીલા’ છે. નિબંધકાર અભિવ્યક્તિને પ્રભાવક બનાવવા સહજ કાવ્યાત્મકતાનો પણ આધાર લે છે. સુરેશભાઈમાંથી જ થોડાં સ્મરણવગાં દૃષ્ટાંતો ટાંકું – ખંડિત કે તંદ્રા જેવી ઊંઘને વર્ણવતાં એ કહે છે. આજકાલ ઊંઘનું પોત પાતળું પડી ગયું છે. ભીખારણની જર્જરિત કંથા જેવું. વળી કહે છે, ફકીરની સાંધા સાંધાવાળી ગોદડી જેવી ઊંઘ. તાવ વેળાના શરીરને વનમાં લાગેલા દવ સંદર્ભે અને એ કાળના મનને, દવમાંથી બચવા બહાર છલાંગતા ચિત્તા સાથે એ સરખાવે છે, પવનનાં તો એમણે બધાં રૂપો ઇન્દ્રિયગમ્ય બનાવ્યાં છે. ને અંધકારને સ્પર્શ્ય-નક્કર ચિતર્યો છે. તોય આટલી પંક્તિઓ નોંધું ‘રાતે એકધારો વરસાદ ટપકે છે -પૃથ્વી ટચૂકડી બાળા હતી ત્યારે ભગવાન એને વાતો કહેતા હશે તેની ધારા જેવો.’ ‘તાર પરથી સીધી લીટીએ ટીપાં સરે છે- જાણે હવા મણકા સેરવીને આંક શીખવા બેઠી છે.’ ‘વડ જટામાં ગંગા ઝીલતા હોય એવી અદાથી શિવના પાઠમાં ઊભા છે, પગ નીચે તૃણનાં બીજની પાંખોનો ફફડાટ સંભળાય છે’. (એજન પૃ. ૪૬) સંયત સ્વરની આ કવિતામાં એક જાતની શિષ્ટતાનો પણ અનુભવ થાય છે. નિબંધકાર વર્ણનનો, કથનાત્મકતાનો અને નાટ્યાત્મકતાનો પણ લાભ એની અભિવ્યક્તિ સંદર્ભે ઉઠાવે છે. એ બીજાં સ્વરૂપોના કશાક સુચારુ વિશેષને પોતાની વાત અને વ્યક્તિમત્તાને ખોલી આપવા સારુ પ્રયોજે છે! સાવ સ્વાભાવિક રીતે. વર્ણન માટે કાકાસાહેબનો ‘મધ્યાહનું કાવ્ય’ નિબંધ જાણીતો છે. એવો જ નિબંધ છે-‘કાદવનું કાવ્ય.’ ‘નદી કાંઠે કાદવ સૂકાઈને તેનાં ચોસલાં પડે છે ત્યારે તે કેટલાં સુંદર દેખાય છે! વધારે તાપથી તે જ ચોસલાં નંદવાય અને વાંકાં વળી જાય ત્યારે સુકાયેલાં કોપરા જેવાં દેખાય છે. નદીકાંઠે માઈલો સુધી સપાટ અને લીસો કાદવ પથરાયેલો હોય ત્યારે તે દૃશ્ય ઓછું સુંદર નથી હોતું. આ કાદવનો પૃષ્ઠભાગ કંઈક સુકાતાં તેના ઉપર બગલા, ગીધ અને બીજાં નાનાં મોટાં પક્ષીઓ જ્યારે ચાલે છે ત્યારે તે ત્રણ નખ આગળ અને અંગૂઠો પાછળ એવા તેમનાં પદચિહ્નો મધ્ય એશિયાના રસ્તાની જેમ દૂર દૂર સુધી પડેલાં જોઈ આ રસ્તે આપણો કાફલો (caravan) લઈ જઈએ એમ આપણને થાય છે.’ (જીવનનું કાવ્ય-પૃ ર૦પ-૬)
લેખક આપણને પંકમાંથી પંકજ તરફ અને છેવટે ચિંતનના પ્રદેશમાં લાવીને છોડી મૂકે છે. નિબંધની આવી સમૃદ્ધિ ભાવકને સમૃદ્ધ કરે છે. સ્થિતિ-પરિસ્થિતિને બરોબર સૂક્ષ્મતાથી આલેખતું વર્ણન નિબંધને વધારે મૂલ્યવાન — વિષય આલેખન અને સાહિત્યિકતાના સંદર્ભમાં – બનાવે છે. ગુલામ મોહમ્મદ શેખના ‘ઘેર જતાં’ શ્રેણીના નિબંધોમાંથી દૃષ્ટાંત લેવાનું મન થાય છે. ‘કયા જનમનાં પાપ’માં શ્રી શેખે ફાઈન આર્ટ્સ કૉલેજના ઝાંપે પડી રહેલી એક ડોશીનું એવું જ ચિત્રાત્મક આલેખન કરી સંનિધિકરણ રચી ભાવકના ચિત્તને વિચારતું કરી મૂક્યું છે ‘ડોશીની છાજલીમાં એમનો ચહેરો અંધારાનું રૂપ લે છે અને આજુબાજુ તડકો જાણે ધડીમ્ ધડીમ્ ઢોલની જેમ ઘરબે છે. આજુબાજુનાં ઝાડ પર પાંદડાં સૂકાયાં છે. ઘણાં ખર્યા છે, ખરે છે. મને ખરતાં પાંદડાંનો જૂનવાણી મોહ છે. નાગાં થતાં ઝાડ, ખરતાં કેસૂડાં અને બીજી બાજુ ગરમાળા પર ભરખમ લચતાં ફૂલ જાણે ઉનાળાની જ પ્રતિકૃતિ. ડોશીના ઝાડા-પેશાબને તડકો ક્ષણવારમાં સૂકવી નાખતો હશે. ડોશી સૂકાતાં જતાં હોય તો એની માત્રા તપાસી શકાતી નથી કારણ કે શરીર તો હવે સૂકા ઝાડ જેવું થઈ ગયું છે-વધતું ય નથી અને ઘટતું ય નથી. એમનો સંસાર પણ સ્થગિત છે. વધતો ય નથી ને ઘટતો નથી. તડકો ગાભાની આરપાર કાણાં કરતો હશે, ડોશીનાં લૂગડાં ય જળતાં હશે પણ ડોશી તો ગાભા લૂગડામાં એક થઈ પડછાયાની પોટલી જેમ ઝાંપે એવાં પડ્યાં છે કે હવે તો આવતા-જતાની નજર પણ એમના પર પડતી નથી.’ (ગુજરાતી સર્જનાત્મક ગદ્ય : સં સુરેશ જોષી, પૃ ૧૫૦)
અહીં સૂકાં ઝાડ પાંદડાં સાથે ડોશીને મૂકીને લેખકે ભર્યા ભાદર્યા જીવન વચ્ચે પ્રસરતા જતા મરણને મૂકી આપ્યું છે એ જોયું? સૂકાં ઝાડ પાંદડાં સાથે ડોશીની એકાકારતા રચીને લેખકે તડકો-ગરમાળોની ઉનાળુ હસ્તી સામે નિઃશેષ થતા જીવનને આપણા ચિત્તમાં ધરબી દીધું છે. વાર્તાકારે આટલું કહેવા-કરવા આખી વાર્તામાં ન જાણે કેવા કેવા પ્રપંચો અને કીમિયા-કારસા કરવા પડે છે. એટલે તો નિબંધકારને પ્રત્યક્ષતાનો આ લાભ છે એવો ભાગ્યે જ અન્યોને છે. વર્ણનમાં વિશ્રંભકથા કહેતો નિબંધકાર ભાવકને ખભે હાથ મૂકીને એને પોતાની સાથે કેવી રીતે ચાલતો-મહાલતો કરી દે છે એનાં દૃષ્ટાંતો પણ મળે. એ માટે હું દિગીશ મહેતાના દૂરના એ સૂરમાંથી ઉદાહરણ લઈ બતાવું એમ થાય છે. તો સાંપ્રતની આ ક્ષણ પર ઊભો રહીને નિબંધકાર કોઈ સ્થળવિશેષને એના સંસ્કૃતિ તથા સંસ્કાર વારસા સંદર્ભે વર્ણવતાં ભૂત-વર્તમાનની કેવી રમણાઓ આલેખે છે એ દર્શાવવા આપણે ભોળાભાઈ પટેલના 'વિદિશા', ‘શાલભંજિકા'માંથી જરૂર ઉદાહરણો ટાંકી શકીએ. કોઈ નિબંધકાર કથનનો-કથાકથનનો આશ્રય પણ લે છે. જોસેફ મેકવાનનો ‘વ્યતીતની વાટે’ હમણાં બહાર પડેલો (‘પર્સનલ એસેઝ’નો) સંગ્રહ આ દૃષ્ટિએ ધ્યાનપાત્ર છે. ‘તારાએ એકવાર આંખ ભરીને મુખીને જોઈ લીધા. રંગ ભરેલી ડોલ ને પિચકારી આઘાં મેલી દીધાં, એક હાથનો ઘુમટો ખેંચ્યો. થાળમાંથી બે મૂઠડા ગુલાલ ભર્યો ને રમરમાટ કરતી એ દોડી. એને ઉત્પ્રેરનાર અને આસપાસ ઊભેલાં સૌના જીવ એક અણધાર્યા આતંકમાં બંધાઈ ગયા ને ફાટી આંખે સૌ જોતાં રહ્યાં ને છેક મુખીની કને જઈને એણે બંને મુટ્ટીઓના રંગ વડે મુખીને રંગી નાખ્યો! ચીતર્યા મનેખની જેમ તારાની સાહેલડીઓ દિંગ થઈ જોઈ રહી અને એક વસવાયી નારીના ગુલાલ ગુલાલાઈ ગયેલા મુખીને ભાળી એમના સાગરીતો ખડખડાટ હસી પડેલા...’ (‘વ્યતીતની વાટે’ પૃ. ૩૦)
સુરેશ જોષીએ કહેલું – ‘જાનપદી સૃષ્ટિને સજીવ કરનારા ગદ્યલેખકો પણ આગવું સામર્થ્ય પ્રકટ કરે છે.’ જોસેફના આ નિબંધોમાં એ દિશામાં સારું કામ થયેલું છે. નિબંધકારનું વ્યક્તિત્વ એના અહમ્‌ને વળોટી જાય, વળી એ આત્મરતિમાંથી બહાર નીકળીને પોતાની આસપાસના પરિસરને આલેખે અને એમ વ્યાપક ભૂમિકાએ નિબંધને સ્વીકૃત બનાવે એ જરૂરી હોય છે. ઉક્ત દૃષ્ટાંતોમાં પણ આ વાત ચરિતાર્થ થતી દેખાય છે. નિબંધમાં નિસર્ગ અને નિગૂઢ માનવહૃદય આલેખાય છે. કોઈ સાંપ્રત સમસ્યા સંદર્ભે જીવનચિંતનને કે કોઈ વિચારને પણ લલિત નિબંધ આલેખે છે. વિષય તો એને માટે આધાર બીજ છે. આવાં આધાર બીજ લઈને સુમન શાહ અને શિરીષ પંચાલે નિબંધો કર્યા છે એ ધ્યાનપાત્ર છે. એમાંથી ઉદાહરણ લઈએ. ‘અનાકર્ષક મોર’ નિબંધમાં સુમન શાહ કહે છે ‘પ્રકૃતિને બાજુ પર મૂકીને માણસે સંસ્કૃતિ વિકસાવી છે. પણ સંસ્કૃતિ સાથે માનવપ્રકૃતિનો કશો મેળ નથી. આપણી સિસ્ટમ અને આપણું અસ્તિત્વ એકબીજાના મૂળમાં નથી. ક્યાંક કશીક પાયાની ભૂલ થઈ ગઈ છે. પોતાના જીવનમાં માણસ હાર્‌મની ઝંખે છે; પણ જીવન સતત એને બસૂર લાગે છે. રોજ આપણી રાહ જોતો મોર પણ એક દિવસ અનાકર્ષક લાગે છે. એના રંગની ચમક પછી તો આંખને વાગે છે પણ ખરી.’ (વેઈટ-એ-બિટ્ : પૃ. ૫)
યંત્ર યુગ-અણુ યુગના માનવીની આ પ્રકૃતિ છે. અહીં વિચારને વ્યક્તિતાનો પણ સંસ્પર્શ થયો છે. ‘આ રહ્યું નરક’માં શિરીષ પંચાલ કહે છે ‘આ દૂષિત સંસ્કૃતિનો ઉદ્ધાર કરવા કોણ આવવાનું છે? પ્રતીક્ષા સફળ થશે? પશ્ચિમના કેટલાક વિચારકો ઈશ્વરના પુનરાગમનની વાતો કરી છે. ઈશ્વર આવે ત્યાં સુધી પ્રતીક્ષા કરવાની? પણ જો એમ ન જ થવાનું હોય તો?... કોઈ હતાશ થઈને સ્તોત્ર રચી નહીં કાઢે?’ ‘હે સુજલા, સુફલા કહેવાતી ધરતી માતા! તું હવે અનુર્વરા બની ગઈ છે. એને ઉર્વરા કરવા માટે લાવારસની જરૂર છે, પૃથ્વીના પેટાળમાંથી ધગધગતો લાવારસ ભલે ધરતી પર રેલાઈ જાય, ભલે બારે મેઘ તૂટી પડે, ચારે બાજુએ જળ જળ થઈ જાય. વીજળીઓ થાય, ઝળહળ ઝળહળ થઈ જાય-કદાચ એ પ્રકાશમાંથી નવી સંસ્કૃતિ જન્મશે. માનવી આશાવાદી છે, પણ એની આશા-શ્રદ્ધાને ય ટકી રહેવા માટે સોયની અણી જેટલો પણ આધાર હોવો જોઈએ. એટલો આધાર જ જો નહીં હોય તો!' (જરા મોટેથી : પૃ ર૭)
અભિવ્યક્તિની છટા પણ અહીં તો આસ્વાદ્ય છે. આપણને તળ ઉપર કરી મૂકતી સ્થિતિ વિશેનો આ વિચાર સર્જકની જીવન નિસબતને ચીંધે છે. નિબંધ આમ તો વ્યક્તિથી સમષ્ટિ તરફ ગતિ કરે છે, ને છેવટે નિજમાં પાછો વળે છે. નિબંધલેખનને ‘નિજલીલા’ કહે છે. કોઈ એકાદ ફૂલ પર મંડરાતો ભમરો પાછો બીજાં ફૂલો પર સેલ્લારો લેતો ઊડે છે-દૂર જાય છે ને નજીક આવે છે-પાછો દૂર જાય છે- થોડાં બીજાં ફૂલો સુંધે છે ને છેવટે પેલા પ્રથમ ચાખેલા ફૂલ પર આવીને બેસી જાય છે. પાંખો બીડી દે છે ન જાણે ક્ષણવાર માટે સમાધિસ્થ થઈ જાય છે. નિબંધકારનું પણ આવું જ છે. નિબંધકાર આપણને તળેટીમાંથી ઊંચકીને ઘડીવારમાં તો શિખર પર મૂકી દે છે. એના કથનમાં એવી નાટ્યાત્મકતા પણ હોય છે-જુઓ ‘સવારે માથામાંનો ધોળો વાળ જોઈને ચિરંજીવીએ સાવ સહજ રીતે પૂછ્યું 'આ તમારો વાળ ધોળો કેમ થઈ ગયો?’ જીવન મરણનો પ્રશ્ન હતો. મેં જવાબ વાળ્યો ‘તું મારી પાસે સૂવે છે ને તને રોજ રૂપાંપરી રાતે આકાશમાં રમવા ઉપાડી જાય છે એની રૂપેરી પાંખની રજ જરાક ખરી ગઈ તે મારા વાળને વળગી.’ શિશુએ ખુશ થઈને કહ્યું ‘તો તો હું પરીને કહીશ કે મારા મોટાભાઈનું આખું માથું રૂપેરી કરી નાખો.

(‘જનાન્તિકે' પૃ. રર)
પીડા અને આનંદમિશ્રિત જીવનના આવા સત્યને નિબંધ વિના સદ્ય હૃદયસ્થ કરાવવાનું ગજું બીજા કોઈનું નથી એમ લાગે છે? નિબંધકાર ભાવ-વિચારને અનુરૂપ સહજ ભાષા પ્રયોજે છે. નિસર્ગશ્રીનું આલેખન કરતાં એની ભાષા કાવ્યસંદેશ બને એ સહજ છે. કાલેલકર, સુજો અને ભોળાભાઈમાં આપણને એ દેખાયું પણ છે. તો વિચારને વ્યક્ત કરતી ભાષા એનાં વળ-બળ પ્રમાણે આવતી જાય છે. પદાર્થને વર્ણવતી ભાષાનું આ ઉદાહરણ જુઓ ‘જાત ભાતનાં તાળાં-આ ખંભાતી, આ અલીગઢી, આ ગોદરેજ, આ...નામ દીધે જાઓ! જે તાળું જલદી ન ખૂલે, અનેક પ્રકારની ચાવીના અનુનય પછી ખૂલે, તે ઉત્તમ! કેટકેટલે ઠેકાણે તાળા મારવાની વ્યવસ્થા! કેટકેટલે ઠેકાણે તાળાં! ઘરને તાળું-એ તો ઠીક મોટરને, સાઈકલનેય તાળું, બિસ્તરાને ય તાળું ને ટિફિનને પણ!'

(‘નંદ સામવેદી'માંથી) આ ગદ્યને જયદેવ શુક્લના ‘તાળું’ કાવ્યના ગદ્ય સાથે સરખાવવાનું સુજ્ઞો પર છોડી દઉ છું પણ એ વાતે ધ્યાન દોરું કે નિબંધકાર ગદ્યની અનેક છટાઓ યોજે છે. જાણે મોજાં પર સવાર થનારો એ મનમોજી! ભાષાની શક્તિને, શબ્દના નાદલય-કાકુ-સ્વરભાવ-આરોહ-અવરોહને પ્રયોજીને પોતાની વાતને પાર પાડે છે નિબંધકાર!

*

વિશ્વ સાહિત્યના નિબંધકારો વિશે મેં વાંચ્યું છે-એમના બધાના નિબંધો વાંચવાનું બન્યું નથી. પણ ભારતીય ભાષાઓના નિબંધકારોમાં રવીન્દ્રનાથ, હજારીપ્રસાદ-મહાદેવી-મલયજ (હિન્દી) અને ગ્રેસ (મરાઠી) આદિના નિબંધો ધ્યાનપાત્ર છે. ગુજરાતીમાં કેટલાક ધ્યાનપાત્ર નિબંધ સંગ્રહો -મારી દૃષ્ટિએ- આ રહ્યા. જીવનનો આનંદ, ઓતરાતી દીવાલો, ગોષ્ઠી, જનાન્તિકે, ઈદમ્ સર્વમ્, દૂરના એ સૂર, વિદિશા-કાંચનજંઘા-શાલભંજિકા, નંદ સામવેદી, નીરવ સંવાદ, વગડાને તરસ ટહૂકાની, ઝાકળ ભીનાં પારિજાત, હથેળીનું આકાશ, વૈકુંઠ નથી જાવું, મન સાથે મૈત્રી, વેઈટ્-એ-બિટ, ચૂઈંગમ, જરા મોટેથી વગેરે. હાસ્યનિબંધોને પણ અહીં સમાવીએ તો સ્વૈરવિહારી- જ્યોતીન્દ્ર દવે, બકુલ ત્રિપાઠી-વિનોદ ભટ્ટ-રતિલાલ બોરીસાગરના નિબંધો વધુ અભ્યાસપાત્ર છે એમ કબૂલવું પડે. પશ્ચિમના વિવેચને હાસ્યપ્રધાન નિબંધને અહીં જ સમાવ્યો છે. સ્વીફ્ટનો ‘અ મોડેસ્ટ પ્રપોઝલ' નિબંધ સેટાયરનું જાણીતું ઉદાહરણ છે.

પરિશિષ્ટ

૧. લલિત નિબંધને કેટલાકે સોશ્યલ ક્રિટિસિઝમ અર્થે પ્રયોજ્યો ને છેવટ જતાં એમાંથી નવલકથા આવી એમ કહેનારા પણ છે. અંગ્રેજીમાં યુરપમાં લલિત નિબંધ લખનારાઓમાં મૉન્ટેઈન, જ્હોન્સન (બંને પ્રકારો છે.) લેમ્બ હેઝલિટ (થોડા), એ. જી. ગાર્ડિનર, રોબર્ટ લિન્ડ, એસ. જે. પર્લમન વગેરે નામો મહત્ત્વનાં છે. ૨. આજે જ્યારે આપણે ત્યાં લલિત નિબંધ વધુ પ્રમાણમાં ખેડાય છે, ત્યારે યુરોપમાં એ ઘણો ઓછો ખેડાતો હોવાનું કહેવાય છે. વળી ગુજરાતીમાં (બંગાળીમાં ટાગોર વગેરેમાં તો હિન્દીમાં હજારીપ્રસાદ આદિમાં છે એવા) કાવ્યગંધી ગદ્યવાળા લલિત નિબંધો ઘણા મળે છે; યુરપમાં એવા નિબંધો ભાગ્યે જ મળે છે. ૩. ઉમાશંકર જોશીએ લલિત અને લલિતેતર નિબંધ એવા ભાગ પાડ્યા જ છે. આ બંને પ્રકારોમાં કેટલીક પાયાનો ભેદ છે. પણ એ ભેદ વિરોધી સમીકરણો જેવો ચુસ્ત ન ગણાવો ઘટે. લલિતેતર નિબંધમાં પશ્ચિમી વિવેચકોએ શાળાકીય નિબંધલેખનથી થિસીસ સુધીના (ઈમ્પર્સનલ) નિબંધને ગણાવ્યા છે. આવા જાણીતા નિબંધકારોમાં હેઝલીટ (કેટલાક નિબંધો) બેકન. રસ્કિન કાર્લાઈલ, ગાર્ડિનર, ન્યૂમર વગેરે જાણીતા છે. ગુજરાતીમાં મણિલાલ દ્વિવેદી, કિશોરલાલ મશરૂવાળા, સ્વામી આનંદ જેવાનાં નામ ખૂબ જ ધ્યાનપાત્ર છે. સુમન શાહ, શિરીષ પંચાલ, ઈશ્વરભાઈ પટેલ, અમૃતલાલ યાજ્ઞિક, સચ્ચિદાનંદ, યશવંત શુક્લ જેવાના ઘણા નિબંધોને આપણે ત્યાં પણ ઈમ્પર્સનલ એસેઝમાં ખુશીથી મૂકી શકાશે. ૪. વિજયરાય વૈદ્ય જેવાએ કથનપરાયણ, વર્ણનપરાયણ, વિચાર-ચિંતન પરાયણ નિબંધ એવા ભાગો સૂચવેલા, પણ લલિત નિબંધમાં કે ઈતર નિબંધમાં આ બધું ઘણી વાર સમગ્ર ભાતમાં ભળેલું હોય છે. એવા આ પ્રકારો શાળાકીય કે અભ્યાસના નિબંધો પરતા પાડી શકાશે, ને અન્યથા. ૫. ઉમાશંકર જોશીએ લલિત નિબંધ, સર્જક નિબંધ, અંગત (પર્સનલ) નિબંધ એવા પર્યાયો યોજ્યા છે એ ધ્યાનપાત્ર છે. આ પર્યાયો લલિત નિબંધને જ સૂચવે છે એ ખરું, પણ ડૉ. પ્રમોદકુમાર પટેલ જેવા વિવેચકોને લાગે છે કે આ દરેક સંજ્ઞાપ્રયોજનમાં કૈંક પોતીકો પણ હોવાનો. ને એ વાત સ્વીકાર્ય છે -કેમ કે એનાથી નિબંધની સમૃદ્ધિ વધે છે ને એનું નોખાપણું ચિલિત થાય છે. ૬. નિબંધમાં વૈયક્તિક જીવનની મુદ્રાનું, સર્જકના વ્યક્તિત્વનું મહત્ત્વ છે. પણ સાથે એનું કેન્દ્રીભૂત સંવેદન કે વિચારવલણ ન અળપાઈ જાય એ જોવાનું રહે છે. ઘણી વ્યાખ્યાઓ(સંદર્ભગ્રંથો જુઓ)માં આ બધું નિર્દિષ્ટ છે. નિબંધન નિબંધત્વ-એનો આકાર, સમગ્ર છાપ, એનો પરિમાણબદ્ધ પ્રભાવ મહત્ત્વનાં છે. જેમના નિબંધો પર પણ ઘણા બધા આક્ષેપો (હાઈબ્રિડાઈઝ કર્યાના ને એવા બધા) થયા છે એવા સુ. જો. એ ‘આત્મનેપદી' (સં. સુમન શાહ)ની એમની મુલાકાતોમાં નિબંધના રૂપસ્વરૂપ અને રૂપાયન પ્રક્રિયા વિશે જે કહ્યું છે એ સુજ્ઞ જનોએ પુનઃ જોઈ જવા જેવું છે. લલિત નિબંધના ગદ્ય અને કવિતા વચ્ચેનાં સામ્ય-ભેદને સુરેશભાઈ આ રીતે મૂકે છે ‘સંસ્કૃતમાં ‘કાવ્ય’ બહુ જ વિશાળ અર્થમાં વપરાયેલો શબ્દ છે. બાણભટ્ટની કાદંબરી કાવ્ય નાટક પણ કાવ્યનું રૂપ ગણાય. દૃશ્યકાવ્ય અને શ્રાવ્યકાવ્ય એ રીતે. હું એમ કહું કે લાગણી અથવા ભાવદશા એ જ્યાં અમુક વાસ્તવિક તથ્યને, હકીકતને ખૂબ અડીને ઘસાઈને ચાલતી હોય ત્યાં કવિતા ન જ આવી શકે એવું નથી. ત્યાંય આપણું હૃદય તો બધાને સ્પર્શતું હોય છે. તો જ્યાં હૃદયનો સ્પર્શ થાય છે, ને હૃદયને તમે બોલવા દો, તરકટી જાળમાંથી તમે મુક્ત થઈ જાવ અને જે વસ્તુ આમ બીજી રીતે જોડાતી નથી તેને તમારી ચેતનાને છૂટ્ટો દોર આપીને જોડવાનું કરો તો ત્યાં કવિતા આવે. ત્યાં જરૂર છે. એની, કારણ કે એમાં જે સંબંધો જોડાય છે એ સંબંધો વિશિષ્ટ પ્રકારનાં છે અને એ સંબંધ જોડવાની મને જ્યાં અનિવાર્યતા લાગતી હોય ત્યાં કાવ્યના સ્તર પર મારે પહોંચવું જ પડે. એટલે કે પદ્ય હોય કે ગદ્ય એનો સવાલ નથી. નહીં તો વાલેરીએ એમ કહેલું કે prose walks and po-ety dances. આમાં પણ એવું લાલિત્ય આવે ને નૃત્યની ભંગી તમને એમાં દેખાય એવું બની શકે.’ (આત્મનેપદી, પૃ. ૧૧૭-૧૮) ઉમાશંકરે લલિત નિબંધને ઊર્મિકાવ્ય સાથે સરખાવ્યો છે (શૈલી અને સ્વરૂપ, પૃ. પ૮) એ પણ આ સંદર્ભમાં જોઈ જવા જેવું છે. ૭. લલિત નિબંધ માટે ‘નિબંધિકા', 'નિર્બંધિકા’ કે ‘હળવા નિબંધો’ એવી સંજ્ઞાઓ જે જે સંકેતો કરવા રચાઈ હોય તે તે સંકેતો એમાં બરોબર ઉપસતા નથી. બલકે હાસ્યનિબંધને હળવો નિબંધ કે નિબંધિકા કહીએ તો એમાં કૈંક અગંભીરતાની છાપ પડે છે. જે સાચું નથી. તો લલિત નિબંધ-સર્જક નિબંધ એવી સંજ્ઞા વાપરવી જ ઉચિત લાગે છે.

*

સંદર્ભગ્રંથો: ૧. આધુનિક સાહિત્ય સંજ્ઞા કોશ-ડૉ. ટોપીવાળા વગેરે ર. આત્મપદી – સં. સુમન શાહ ૩. શૈલી અને સ્વરૂપ – ઉમાશંકર જોશી ૪. એસઈસ્ટ પાસ્ટ એન્ડ પ્રેઝન્ટ – જે. બી. પ્રિસ્ટલી ૫. ધ આર્ટ ઓવ ધ એસઈસ્ટ – સી. એચ. લૉકીટ્ટ ૬. જૂનું નર્મ ગદ્ય ૭. જૂઈ અને કેતકી – વિજયરાય વૈદ્ય ૮. ભાવયામિ – સં. શિરીષ પંચાલ ૯. ગુજરાતી સાહિત્યની વિકાસરેખા ૧-૨ – ડૉ. ધીરભાઈ ઠકર ૧૦. સ્વાતંત્ર્યોત્તર ગુજરાત – સં. શિરીષ પંચાલ.


= નિબંધ વિશેની અન્ય સામગ્રી =
નિબંધમાં કર્તાનું વ્યક્તિત્વ

નિબંધકાર વિષયના ઓઠે ઓઠે પોતાની જાતને અને વિષય સાથેના પોતાના સંબંધને વ્યક્ત કરતો હોય છે. વિષયની એની ચર્ચામાં, વિષયની આડશે પોતાનાં સંવેદનો, અનુભૂતિઓ અને કલ્પનાઓને તે લડાવતો હોય છે. રચનાના સ્તરેતરમાં, કણેકણમાં, એનાં લય-દ્યુતિ પ્રકટતાં રહે છે. કહો કે વિષયમાંથી, સમગ્ર રચનામાંથી એનું વ્યક્તિત્વ છલકાઈને બહાર આવે છે. એના બે પારદર્શક અને હૂંફાળા વ્યક્તિત્વના પરિચયમાંથી આપણે જગત અને માનવી સાથેના એના રાગ-રોષને જાણી શકીએ છીએ, એની અંતર્ગત વેદનાઓનો અને આનંદનો આપણને તાળો મળી જાય છે. એના ગમા-અણગમાઓનું ગણિત આપણને હાથવગું બને છે. રચનામાં તે કશા ભેદભાવ કે અંતર રાખ્યા વિના ભાવકની સામે પોતાનું હૃદય બહાર કાઢીને જવા દેતો હોય અને એ હૃદયને જ જાણે સ્વયંમેવ બોલવા દેવું હોય એટલી સહજતાથી તે અંગત વાર્તાલાપ માંડે છે. ભાવકને તે કશુંય પરાયું લાગવા દેતો નથી. ભાવકનો સન્મિત્ર બનીને તે ગોષ્ઠી આરંભે છે. એક આપ્તજન બીજા આપ્તજનને વર્ષો પછી મળે અને બંને એક હરફ પણ ન ઉચ્ચારે છતાં બંનેની આંખમાં જે નિર્મલ પ્રેમ વર્ષતો હોય, બંનેની કીકીઓમાં વિશ્વાસનો જે સંકેત વર્તાય, તે જ ઉભયના સંબંધની સચ્ચાઈને પુરવાર કરી આપે છે. નિબંધમાં પણ સર્જક અને વાચક વચ્ચે વિશ્વાસનો આવો એક સેતુ રચાતો હોય છે. નિબંધકારનું ભાવક સાથેનું આવું સૌજન્ય ભાવકને આપ્તજનની ઉષ્મા આપી રહે છે. કોઈપણ સારા નિબંધનો વિષય આમ સર્જકનું વૈવિધ્યભર્યું, મધુર વ્યક્તિત્વ પોતે છે. નિબંધમાં બીજું બધું પશ્ચાદ્ભૂમાં નંખાઈ જાય તો ચાલે પણ એના શબ્દ શબ્દ ઉપર સર્જકના વ્યક્તિત્વની મુદ્રા તો અંકિત થયેલી માલૂમ પડવી જોઈએ. જેમ કોઈ ઊંચા પ્રકારના પુષ્પોમાંથી રસ કાઢી લેતાં એના અર્કમાંથી કિંમતી અત્તર આપણા હાથમાં આવે છે, તેમ નિબંધ પણ સર્જકના સમૃદ્ધ વ્યક્તિત્વના અર્કરૂપ હોવો જોઈએ. પ્રિસ્ટલીએ લેખના નિબંધોને માત્ર લૅમ્બના વ્યક્તિત્વની અભિવ્યક્તિ જ નહિ પણ તેના સમગ્ર વ્યક્તિત્વના અર્ક તરીકે ઓળખાવ્યા છે, તે આ સંદર્ભમાં સાચું છે. નિબંધવાચનના અંતે વિષય કદાચ વિસ્મરણના ગર્તમાં ધકેલાઈ જાય, પણ ચિત્ત ઉપર એક અમીટ છાપ અંકાઈ જાય છે તે તો એના સર્જકના આકર્ષક વ્યક્તિત્વની જ. નિબંધમાં આમ આકર્ષણ વિષયનું નહિ, વ્યક્તિત્વનું હોય છે. વ્યક્તિત્વ જ વાચકને નિબંધના અંત સુધી જકડી રાખે છે.

નિબંધમાં વિષયસામગ્રી

નિબંધસ્વરૂપની વિશેષતા જ એ રહી છે કે એમાં અનેક વિષયોની અલપઝલપ હોવા છતાં કોઈ વિષય એને માટે મહત્ત્વનો નથી. કારણ કે નિબંધકાર વિષયને નહિ, પોતાને આલેખતો હોય છે. વિષયનું કશું જ મૂલ્ય હોય તો પેલા પડને પ્રકાશિત કરવા પૂરતું. આવા નિમિત્તરૂપ વિષય માટે તો એની સામે વિશાળ ધરતી, અકલિત નિસર્ગ અને નિગૂઢ માનવહૃદય પડેલાં છે. સ્થળમાં સ્થૂળ તત્ત્વથી માંડીને સૂક્ષ્મમાં સૂક્ષ્મ તત્ત્વ નિબંધનો વિષય થઈ શકે. પછી એ દીવાસ્વપ્નને આલેખે કે સત્યકથાને નિરૂપે; કોઈ લડાઈ વિશે લખે કે દફનક્રિયાની વાત કરે; ધુમ્મસ, વટવૃક્ષ કે ક્ષિતિજ જેવા પ્રાકૃતિક વિષયો લે, અથવા તો કીડી, ખિસકોલી કે અમીબા ઉપર લખે; તાજમહેલનું વર્ણન કરે કે મિત્રતાની કલા ઉપર સંભાષણ આપે; ધર્મની ચર્ચા કરે કે મૃત્યુનું વિમર્શન કરે – આ બધું જ નિબંધની સામગ્રી થઈ શકે. પણ અહીં આપણે ઉપર જોયું તેમ, વિષયના પ્રતિપાદન કરતાં વિષયને અવલંબીને સર્જકનું વ્યક્તિત્વ કેવું ને કેટલી સચોટતાથી અખંડ રીતે ઊતરી આવ્યું છે તે અગત્યનું છે. આ અર્થમાં જ અન્ય કલાસ્વરૂપો કરતાં નિબંધમાં વિષયનું મહત્ત્વ ઓછું અંકાય છે. નિબંધમાં વિષય સર્જકના વ્યક્તિત્વને ઉઠાવ આપનાર ઉદ્દીપન વિભાવનું કાર્ય કરે છે. વિષય એ નિબંધનું સાધન છે, સાધ્ય છે વ્યક્તિત્વનું પ્રાકટ્ય. બુદ્ધદેવ બસુએ નિબંધકારના વિષય સાથેના સંબંધની વાતના સંદર્ભમાં ‘અલિધર્મી હિલ્લોલ' એવો શબ્દપ્રયોગ બહુ સમુચિત રીતે કર્યો છે, જેમ ભ્રમર વારંવાર પુષ્પો પાસે જાય અને હિલ્લોલ સાથે વળી વારંવાર પાછો આવે- એ રીતે જ નિબંધકાર એકાધિક વિષયો તરફ વારંવાર ખેંચાતો રહે છે પણ પાછો ફરી ફરીને આવીને ઊભો તો રહે છે પંડ પાસે જ, નિબંધકાર આમ વિષયને ઉકેલતા ઉકલતાં આખો ઉકેલાઈ જતો હોય છે. રચનાનું સંગતિ કેન્દ્ર -Cohesive point- આમ વિષય નહિ વ્યક્તિત્વ બને છે. વાચકને જાદુ કરે છે તે વિષય નહિ, તદ્‌નિમિત્તે ક્ષત-વિક્ષત થતી રહેલી એની ચેતના. – પ્રવીણ દરજી;
લલિત નિબંધ, પૃ. ૧૪-૧૫, પૃ. ૧૭-૧૮