અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ/અઠ્ઠાવીસ – સ્વરાજની તૈયારી તરીકે આત્મશુદ્ધિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
અઠ્ઠાવીસ – સ્વરાજની તૈયારી તરીકે આત્મશુદ્ધિ

બારડોલીનો સફળ સત્યાગ્રહ તો આઝાદીની અહિંસક લડાઈની યાત્રાનો એક પડાવ હતો. એની અસર ભલે દેશને ખૂણે ખૂણે પડી હોય, પણ એનું કાર્યક્ષેત્ર મર્યાદિત હતું. સરદાર વલ્લભભાઈએ કાર્યક્ષેત્રને જાણીજોઈને બારડોલી પૂરતું મર્યાદિત રાખ્યું હતું અને સમજીબૂઝીને એને સ્વરાજની વ્યાપક લડત અને અસહકાર આંદોલનથી અલગ રાખ્યું હતું. એટલે સુધી કે રાજાજી અને ગંગાધરરાવ દેશપાંડે જેવા અડીખમ સત્યાગ્રહીઓ સાબરમતીમાં ગાંધીજીને મળવા આવ્યા ત્યારે તેમણે બારડોલી જઈ આવવાની ઇચ્છા વ્યક્ત કરી છતાં ગાંધીજીએ તેમને ત્યાં જતાં વાર્યા હતા. જે કેટલાક આગેવાનો ‘બહાર’થી બારડોલી આવ્યા હતા તે સૌ સીધા અસહકારની ચળવળમાં ન પડ્યા હોય એવા જ હતા. સરદારે બારડોલી સત્યાગ્રહને એક મર્યાદિત સીમામાં રાખ્યો હતો. તેને લીધે જ સામે પક્ષે પણ એ મુંબઈ સરકારનો જમીન મહેસૂલનો વિષય ગણાતો રહ્યો. કેન્દ્ર સરકારે એમાં અવશ્ય રસ લીધો. અને એમ તો એની ચર્ચા છેક ઇંગ્લંડ સુધી થઈ, પણ તે મુંબઈ સરકારના એક તાલુકાના ખેડૂતોના પ્રશ્ન તરીકે.

સ્વરાજ માટેનાં અહિંસક આંદોલનોમાંથી મોટા ભાગનાં આંદોલનો એક રીતે જોઈએ તો, આમ મર્યાદિત ક્ષેત્ર પૂરતાં સીમિત હતાં. ચંપારણ, મિલમજૂરોનું ધર્મયુદ્ધ, ખેડા સત્યાગ્રહ, નાગપુર, વાઈકોમ વગેરે આંદોલનો આ પ્રકારનાં જ ગણી શકાય. પણ નાગપુર સત્યાગ્રહનો લડતનો મુદ્દો આના કરતાં પણ વધારે સીમિત હતો તે છતાં ત્યાં સત્યાગ્રહીઓ પ્રાંત બહારથી ગયા હતા. વાઈકોમમાં કેરળના સત્યાગ્રહીઓ ઉપરાંત તામિલનાડુના સત્યાગ્રહીઓ પણ ભળ્યા હતા. બારડોલીમાં ગુજરાત બહારથી કોઈ સત્યાગ્રહી નહોતા આવ્યા. આમ, બારડોલી સત્યાગ્રહ એ એક ચોક્કસ ક્ષેત્ર પૂરતો, ચોક્કસ મુદ્દાને લઈને, ચોક્કસ પ્રદેશના સત્યાગ્રહીઓ દ્વારા ચલાવાયેલો સત્યાગ્રહ હતો. તેને લીધે એને આપણે વ્યાપક સત્યાગ્રહની પ્રયોગશાળા કહી શકીએ.

આ પ્રયોગશાળાની પહેલી શરત એ હતી કે તેનો પ્રયોગ કરનાર વૈજ્ઞાનિકે પોતે પૂરા સજ્જ હોવું જોઈએ. મહાદેવભાઈ એ બરાબર સમજતા હતા. ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતક સંમેલન આગળ બોલવા સારુ આચાર્ય કાકાસાહેબ કાલેલકરે મહાદેવભાઈને નિમંત્રણ આપ્યું અને એમની આનાકાની છતાં એમની પાસે બોલાવવાનો આગ્રહ રાખ્યો. મહાદેવભાઈએ ખૂબ ચિંતન, મનન અને આત્મમંથન પછી એક અતિ ગંભીર વ્યાખ્યાન આપ્યું, જેનો વિશેષ ઉલ્લેખ આપણે આ પ્રકરણને અંતે વિગતવાર કરીશું. અહીં આપણે માત્ર એટલો જ ઉલ્લેખ કરીએ કે, એ વ્યાખ્યાન મહાદેવભાઈએ ૧૯૩૦ની જાન્યુઆરીની ૧૨મી તારીખે આપ્યું હતું. બરાબર ત્રણ માસ પછી આવનાર રાષ્ટ્રવ્યાપી લડતનાં પડઘમ ત્યાં સુધીમાં વાગી ગયાં હતાં. તેથી એ વ્યાખ્યાનમાં એનો નિર્દેશ હતો. ‘(આ) તુમુલ યુદ્ધને માટે તૈયાર થનાર સૈનિક સાચી આત્મશુદ્ધિ સાધીને પોતાની જાતને પવિત્ર બલિદાન તરીકે તૈયાર કરે’.૧ એ આ વ્યાખ્યાનનો મૂળ મંત્ર હતો.

બારડોલી સત્યાગ્રહથી માંડીને ૧૯૩૦ના વ્યાપક સત્યાગ્રહ સુધીનો કાળ દેશને માટે વ્યાપક તૈયારીનો અને મહાદેવભાઈને માટે એ વ્યાપક તૈયારીની સાથે કદમ મિલાવતાં મિલાવતાંયે ઊંડી આત્મશુદ્ધિ સાધવાનો હતો.

દેશે એ કાળમાં જ સાઇમન કમિશનનો ઠેર ઠેર, જબરદસ્ત વિરોધ કર્યો હતો. એ વિરોધ કરવામાં નાનામોટા અનેક લડવૈયાઓએ હસતે મોઢે પોલીસનો જુલમ સહ્યો હતો. કંઈ કેટલાયે લાઠીઓ ઝીલી હતી. જવાહરલાલજીનાં વયોવૃદ્ધ માતાજીને પોલીસે ધક્કે ચડાવ્યાં હતાં. લાહોરમાં ૩૦મી ઑક્ટોબરે પંજાબ કેસરી લાલા લજપતરાય જેવા પીઢ આગેવાનોને છાતીમાં પોલીસે બંદૂકના કુંદા માર્યા હતા, જેને પરિણામે તેમને એવી માંદગી આવી હતી કે એમાંથી એ કદી ઊઠી જ શક્યા નહોતા. ૧૭મી નવેમ્બરે તેઓ મૃત્યુ પામ્યા હતા.૨

કૉંગ્રેસે ‘ડોમિનિયન સ્ટેટ્સ’ — ‘સાંસ્થાનિક સ્વરાજ’ સારુ દેશમાં એકતા સ્થાપવા તનતોડ પ્રયત્ન કર્યા હતા. અને મોતીલાલ નેહરુની આગેવાની હેઠળ બનેલી નેહરુ કમિટીનો આ અંગેનો અહેવાલ આખા દેશમાં લગભગ સર્વસંમતિ પામી ચૂકયો હતો. તે પહેલાં કૉંગ્રેસનું ધ્યેય પૂર્ણ સ્વરાજ હોવું જોઈએ કે ‘ડોમિનિયન સ્ટેટ્સ’ તે મુદ્દા અંગે તેના પીઢ અને જુવાન કાર્યકર્તાઓ વચ્ચે તીવ્ર મતભેદો થયા હતા. પૂર્ણસ્વરાજનું ધ્યેય રાખીને આગળ વધવું જોઈએ એવો આગ્રહ રાખનારાઓમાં તાજેતરમાં યુરોપયાત્રા કરીને પાછા ફરેલા જવાહરલાલજી મુખ્ય હતા. અને બંગાળમાં સુભાષચંદ્ર બોઝ અને તેમના સાથીઓ તેમને જોશભેર ટેકો આપતા હતા. આ બાજુ સાંસ્થાનિક સ્વરાજની વાત કરવામાં મુખ્ય આગેવાન મોતીલાલજી હતા અને તેમને બીજા કેટલાક આગેવાનોનો ટેકો હતો. આ પ્રશ્ન અંગે મહાસમિતિની એક બેઠક કલકત્તામાં ભરાઈ ત્યારે ગાંધીજીએ બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવનારની ભૂમિકા અદા કરી હતી. અલબત્ત, એક દિવસ વિષયવિચારણીમાં એક વાત પર સંમત થયા પછી બીજે દિવસે ખુલ્લા અધિવેશનમાં એ બાંધછોડવાળા નિર્ણયનો વિરોધ કરીને સુભાષબાબુએ ગાંધીજી ઉપર બહુ સારી છાપ પાડી નહોતી. છતાં ખુલ્લા અધિવેશનમાં સરકાર પાસે એક વરસમાં ડોમિનિયન સ્ટેટ્સ આપવાની માગણી કરવી અને ૩૧મી ડિસેમ્બર, ૧૯૨૯ સુધીમાં તે ન આપવામાં આવે તો ૧૯૩૦ના પહેલા દિવસથી કૉંગ્રેસનું ધ્યેય ‘પૂર્ણ સ્વરાજ’ ઠરાવી અને તેને અંગે વ્યાપક ચળવળ ચલાવવી એવો એ બાંધછોડના ઠરાવમાં નિર્ણય થયો હતો. ૧૯૨૯નું વર્ષ એને માટેની તૈયારીનું વર્ષ ગણવામાં આવ્યું હતું. આ વર્ષ દરમિયાન કૉંગ્રેસ તરફ ઠેર ઠેર એના સંગઠનને મજબૂત કરવાના પ્રયાસો થયા. બીજી બાજુ દેશમાં ઠેર ઠેર છૂટીછવાઈ હિંસાના અનેક પ્રસંગો થયા. ત્રીજી તરફથી ખાદી, અસ્પૃશ્યતાનિવારણ, કોમી એકતા વગેરે રચનાત્મક કાર્યો અંગે કમિટીઓ બની અને એ કમિટીઓ મારફત ઠેર ઠેર અનેક પ્રકારની રચનાત્મક પ્રવૃત્તિઓ ચાલી.

મહાદેવભાઈની તે કાળની ડાયરીઓની તારીખો અંગે અત્યંત ચીવટવાળા સંપાદક શ્રી ચંદુલાલ ભગુભાઈ દલાલની ગણતરી મુજબ એ કાળના ૫૧૪ દિવસોમાંથી ૪૫૦ દિવસો મહાદેવભાઈએ ગાંધીજીથી અલગ વિતાવ્યા હતા.૩

બારડોલી સત્યાગ્રહ વખતે ઘણો સમય મહાદેવભાઈ બારડોલીમાં હતા. સરદાર અને સ્વામી આનંદ સાથે સિમલા જઈને મહાદેવભાઈએ બારડોલી સત્યાગ્રહનો પૂર્વાર્ધ લખ્યો. પછી તપાસસમિતિ આગળ લોકોના એક પ્રતિનિધિ તરીકે તેમણે કામગીરી બજાવી. બારડોલી પછી આખા દેશમાંથી વલ્લભભાઈની માગ આવવા લાગી. દક્ષિણ ભારત, બિહાર વગેરેના તેમના દીર્ઘ પ્રવાસોમાં મહાદેવભાઈને પોતાની સાથે રાખવાની તેમણે ગાંધીજી પાસેથી સંમતિ મેળવી લીધી હતી. સરદાર જ્યાં જતા ત્યાં ગાંધીજીની જ વાત કરતાં એ મહાદેવભાઈને સારુ સમાધાનનો અને આનંદનો વિષય હતો. હનુમાન વિશે એવી કહેતી છે કે એમને રામકથા એટલી પ્રિય છે કે જ્યાં ક્યાંય પણ રામકથા ચાલતી હોય ત્યાં તેઓ પહોંચી જાય. ગાંધીકથા વિશે મહાદેવભાઈની ભૂમિકા પણ તેવી જ. તેથી ગાંધીવિચારનું ગાન કરતાં વલ્લભભાઈનાં ભાષણો અને એમની નાનીમોટી દરેક ગતિવિધિનો અહેવાલ આપવામાં મહાદેવભાઈને રસ ચડતો. અલબત્ત, શરીરથી અલગ હોવા છતાંયે મન અને આત્માથી તેઓ હરહંમેશ ગાંધીજીનું સાન્નિધ્ય અનુભવતા.

સાચી આત્મશુદ્ધિ સાધીને પોતાની જાતને પવિત્ર બલિદાન તરીકે તૈયાર કરવાની મહાદેવભાઈની વાત માત્ર વિદ્યાપીઠના સ્નાતકો પૂરતી જ નહોતી. સત્યાગ્રહી ક્રાંતિનો આરંભ પોતાની જાતથી જ શરૂ થતો હોય છે. તેથી મહાદેવભાઈનું ચિંતનમનન સદા આત્મશુદ્ધિ અર્થે જ ચાલતું. વલ્લભભાઈ સાથેના પ્રવાસો ગાંધીજી સાથેના પ્રવાસો કરતાં પ્રમાણમાં ઓછા આકરા હતા. ગાંધીજી સાથેના પ્રવાસોમાં ભાષણો ઉપરાંત મુલાકાતોની પણ વિગતવાર નોંધ હોય. સરદાર સાથેના પ્રવાસોમાં ઘણી વાર ભાષણોના માત્ર સાર આપવાથી કામ ચાલી જતું, અને સરદાર વતીનો પત્રવ્યવહાર બહુ ઓછો કરવો પડતો. ખુદ સરદાર જ ગાંધીજીના વિચારોને સરળ લોકભોગ્ય શૈલીમાં સમજાવતા તેથી ગાંધીજીના વિચારોને અવનવા શ્રોતાઓ કે વાચકો આગળ અવનવી રીતે સમજાવવાની જવાબદારીમાંથી મહાદેવભાઈ મુક્ત રહેતા.

પરિણામે મહાદેવભાઈને ચિંતનમનન અને ગાંધીજીને પ્રેમપત્રો લખવાની થોડીઘણી ફુરસદ રહેતી. એમ તો ‘વહાલી દુર્ગા’ને પણ સરેરાશ અઠવાડિયામાં બેત્રણ પત્રો તો મહાદેવભાઈએ લખ્યા જ હશે, પણ, આપણા દુર્ભાગ્યે, દુર્ગાબહેને તે પત્રોને પોતાના હૈયામાં સંઘરી રાખીને એના અક્ષરદેહનો નાશ કરી દીધો છે, તેથી બંનેના એ પાવનકારી ખૂણામાં પ્રવેશ કરવાનો આપણને મોકો મળે એમ નથી. એ મંગળત્રિકોણની ત્રીજી ભુજા ગાંધીજી જોડેના એટલી જ નિયમિતતાથી થયેલ પત્રવ્યવહારમાંથી યજ્ઞશિષ્ટ એવી પ્રસાદી આપણે સારુ રહેવા પામી છે તેમાંથી થોડી આત્મશુદ્ધિના મહાદેવભાઈના પ્રયાસના સાક્ષી તરીકે માણીશું. આ બાબતમાં આપણે મહાદેવભાઈના લેખો તથા ઉદ્ગારોને પ્રથમ લઈ પછી ગાંધીજી સાથેના પત્રવ્યવહારને તેની સાથે ગૂંથી લઈશું.

૧૯૨૧થી આત્મશુદ્ધિનો જે યજ્ઞ આરંભાયેલો તેની જ્વાળાઓ ૧૯૨૯–’૩૦માં વધુ તીવ્ર અને વધુ પાવક બનવી જોઈએ એમ મહાદેવભાઈ માનતા હતા. દેશમાં હિંસાનું વાતાવરણ હતું તેથી વધુ શુદ્ધ અહિંસા જ એનો મુકાબલો કરી શકે એમ તેઓ માનતા.

ચિત્તશુદ્ધિનો આરંભ થાય પ્રામાણિકતાથી. નીતિના મૂળમાં પણ મુખ્ય તત્ત્વ ઈમાનદારી જ છે. નીતિના કેટલાક નિયમો દેશકાળ મુજબ બદલાઈ શકે, બદલાતા રહેવા જોઈએ. પણ નીતિનો એક નિયમ કોઈ દેશ કે કોઈ કાળે ન બદલાય — તે સત્યનો. તેથી જ મહાદેવભાઈ પોતાના હૃદયને સત્યની કસોટી પર કસીને તેને સ્ફટિક-શું નિર્મળ રાખવા પ્રયત્ન કરતા. એ જ કારણે બીજી કોઈ ચર્ચા કરતી વખતે પણ તેઓ આ બાબતમાં બાંધછોડ કરવા તૈયાર નહોતા. લાહોરથી દિલ્હી જતાં ટ્રેનમાં એક જુવાનિયા સાથેની ચર્ચામાં તેઓ હિંસા-અહિંસાના પ્રશ્ન સુધી ઉદારતા રાખવા તૈયાર હતા, પણ પ્રામાણિકતાની બાબતમાં નહીં.

‘તમારી રીતો વિશે હું કાંઈ કહેતો નથી; પણ તમારી અપ્રામાણિકતાને હું સહન કરી શકું નહીં. તમે ભલે હિંસામાં અને અંધાધૂંધી પેદા થાય એવાં કૃત્યોમાં માનો, પણ હું માગું છું કે તમે પ્રામાણિકતામાં પણ માનો.’૪

વર્ણન તો છે બંગલોર ડેરીની એક ગાયનું. પણ તેમાં મહાદેવભાઈની તે વખતની ચિંતનધારા અને તેમનાં સનાતન મૂલ્યો બંને પ્રગટે છે:

ગીતાના નવમા અધ્યાયમાં ભગવાન… કોલ આપીને કહે છે કે અતિશય દુરાચારી માણસ પણ મને ભજીને ધર્માત્મા થઈ શકે છે અને શાંતિ પામે છે. ‘પાપયોનિ’ હોય એવાં પણ મારો આશ્રય લઈને ‘પરાગતિ’ને પામે છે. આ ‘પાપયોનિ’ની વ્યાખ્યા ગીતાજીમાં નથી આપી. … પણ ‘પાપયોનિ’માં પશુપંખી આવતાં હોય તો આશ્ચર્ય નહીં. કારણ, ગજેન્દ્ર આદિનો મોક્ષ સુપ્રસિદ્ધ છે. અને જે પશુઓમાં પ્રેમની શક્તિ હોય, અને ત્યાગની શક્તિ હોય… તો તેમને ‘પરાગતિ’ મળવાનો સંભવ શા સારુ ન હોય?’ અને ‘જો સાધુ અને પરોપકારી જીવન જીવવું એ જ ઈશ્વરસ્મરણ હોય તો એ ગોમાતા અનેક નામધારી મનુષ્યો કરતાં ‘પરાગતિ’ની વિશેષ અધિકારી હતી.’૫

ગાંધીજી પર ૨–૧૨–’૨૯ને દિને ટ્રેનમાંથી લખેલ પત્રનો આ અંશ જુઓ:

એક-દોઢ વાગ્યે સૂવા પામ્યો તોપણ ચાર વાગ્યે આંખ ઊઘડી ગઈ. પ્રાર્થના કરી. (પ્રાર્થનાનું લખું છું એટલે હમેશાં મુસાફરીમાં ચાર વાગ્યે ઊઠી જવાય છે; હમેશાં પ્રાર્થના કરું જ છું એમ ન માનશો. ) આ તો ભગવાન દયાળુ હોય છે ત્યારે જગાડે છે એટલે લખું છું. અને શાંતિથી ગીતા વાંચું છું ત્યારે હમેશાં કોઈ શ્લોક ઉપર વિચાર ચાલ્યા જ કરે છે. અને આખો દિવસ એના ભણકારા કાન ઉપર વાગ્યા જ કરે છે. આજનો શ્લોક આ:

अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः । सर्वं ज्ञानप्लवेनैव वृजिनं संतरिष्यसि ।।6

(ગી: ૪: શ્લો. ૩૬)

આપનું ભાષાંતર તપાસતાં કાકાની સાથે ચર્ચા થતી તેમાં ચર્ચાનો એક વિષય આ હતો — ઉપનિષદ અને ગીતામાં, કેવળ જ્ઞાનથી પાપને તરી શકાય એ સિદ્ધાંત છે ખરો. પ્લેટોનો જૂનો સિદ્ધાંત Virtue is Knowledge છે. તેની સાથે આ સિદ્ધાંત કેટલો મળતો છે? કે મુદ્દલ મળતો જ નથી? શ્લોકમાં ‘વૃજિનં’ લખ્યું છે એ જરા મારા ખુલાસા સાથે બંધબેસતું નથી, પણ મને ખુલાસો આજે સવારે આ પ્રમાણે મળી રહ્યો. પ્લેટોનું Knowledge અને આપણું ‘જ્ઞાન’ સરખાં નથી. ‘જ્ઞાન’ની તો, પછી, આગળ જતાં ગીતાકારે જ વ્યાખ્યા કરી છે. (એ ૧૩મા અધ્યાયની elaborate વ્યાખ્યાની હું વાત નથી કરતો)૭ પણ આ જ અધ્યાયમાં ‘न हि ज्ञानेन सदृशं पवित्रमिह विद्यते‘૮ કરીને કહ્યું છે ને, તે પણ તે જ્ઞાન તો યોગસંસિધ્ય થઈને, कालेन — કાળે કરીને, મેળવી શકાય; અને તે પણ શ્રદ્ધાવાન, તત્પર અને સંયતેન્દ્રિય મેળવી શકે;૯ એમ કહીને જાણે, ‘વૃજિનં’થી થતો ખોટો આભાસ ટાળ્યો છે. પણ ત્યારે, પાપીઓમાં પાપી માટે આ વચનમાં ભગવાનનો કોલ રહેલો શી રીતે કહેવાય? એવો પાપી શ્રદ્ધાવાન ક્યારે થાય? સંયમી ક્યારે થાય? તત્પર ક્યારે થાય?

હવે નવમા અધ્યાયમાં આપેલો કોલ લઈએ:

अपि चेत्सुदुराचारो भजते मामनन्यभाक् । साधुरेव स मन्तव्यः सम्यग्व्यवसितो हि सः ।।10

(ગીતા: આ. ૯ લો. ૩૦)

અહીં જ્ઞાનથી તરી જવાની વાત નથી કરી, પણ ભક્તિથી તરવાની વાત કરી છે. ‘સુદુરાચાર’ માણસ અનન્ય ભક્તિથી, ભજતો તરત થઈ જાય? અને છતાં બીજા જ શ્લોકમાં પેલા ‘વૃજિનં’ જેવું જ ‘ક્ષિપ્રં’ લખ્યું છે. સુદુરાચાર માણસ ક્ષિપ્ર-ધર્માત્મા-થઈ શકતો હોય તો, આપ ઘણી વાર કહો છો કે વ્યભિચાર કરનાર માણસે આપઘાત કરવો જોઈએ, પ્રતિજ્ઞાનો ભંગ કરનાર માણસ આપઘાત કરી શકે, એ કેટલે સુધી યોગ્ય છે? મને તો न मे भक्तः प्रणश्यति એ ભગવાનના કોલમાં એવો અર્થ નીકળતો લાગે છે કે, ‘મારી ભક્તિ કરનાર સુદુરાચાર એક વાર થઈ ગયેલો હોય તોપણ તેને આપઘાત કરવાપણું નથી.’ અહીં ‘प्रणश्यति‘નો અર્થ વિનાશ નથી એ તો છે જ, પણ વિનાશનો અર્થ જ આપઘાત કરવો જોઈએ, અને આપના કહેવાની સાથે એને એવી રીતે સાંકળી શકાય કે સુદુરાચાર માણસ ભક્તિ તરફ ન ઢળે તો તેનો વિનાશ જ છે, તેનો ઘાત છે, અથવા તેને આપઘાત કરવાપણું જ સિલક રહે છે; પણ તેને જે ભગવાનની દયાથી ભગવચ્છરણ લાધે તો આપઘાત કરવાપણું નથી. મારી આ સમજણ સાચી છે?

છતાં ત્યાંયે ‘ક્ષિપ્રં’નો અર્થ તો ‘કાલેન’ જ થતો હોય એવી શંકા રહી જાય છે.

ગીતા, જીવનનો શબ્દકોશ છે એ આપનું વચન પદે પદે સાચું લાગ્યા જ કરે છે, પણ ઘણી વાર ગીતા (? ગીતાનું) ગાઢ ચિંતન પણ પડતો અટકાવતું નથી; માત્ર પતન પછી પ્રજાળી નાખનાર સંતાપ કરાવે છે એ શું?

આ વખતના કાર્યવાહક મંડળમાં આપે કાઢેલા ઉદ્ગારોના ભણકારા જાણે હજી કાનમાં વાગ્યા કરે છે. માણસ પોતાની નબળાઈથી બીજાને માપ્યા કરે છે એ વાત અક્ષરેઅક્ષર સાચી છે. પેટનો બળ્યો ગામ બાળે એ કહેવતનો અર્થ પણ એ જ હશે?૧૫

બીજે દિવસે પટણાના સદાકત આશ્રમથી મહાદેવભાઈ ગાંધીજીને એક પત્રમાં પોતાનું પ્રગટ ચિંતન ચાલુ રાખે છે:

આજે સવારે પ્રાર્થનામાં ‘મેં તો બિરદ ભરોસે બહુનામી’ ભજન ફરીફરીને ગાયું: ગઈ કાલે ગીતાજીના શ્લોકની ચર્ચા કરી છે, તેના અનુસંધાનમાં પૂછું છું:

‘ગજ અરુ ગીધ તારિ હૈ ગુનિકા કુટિલ અજામિલ કામી.’

એ બધાંને, જે અવતારે પાપો અને અધર્માચરણ કર્યા તે જ અવતારે મુક્તિ મળી હશે? એ બધાંની ‘क्षिप्रं’ भवति धर्मात्मा, शाश्वच्छान्ति निर्गच्छति’ની ગતિ થઈ હશે? કે એમાં ‘તારિ હૈ’નો અર્થ માત્ર એટલો કે પાપાચરણમાંથી છોડાવ્યાં ને ભગવત્ભજન તરફ વાળ્યાં?

આજના અધ્યાયમાંથી ચર્ચાને માટે આ શ્લોકો જડી આવ્યા:

न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः । न कर्मफलसंयोगं स्वभावस्तु प्रवर्तते ।। नादत्ते कस्यचित्पापं न चैव सुकृतं विभुः ।

(गीता: 5 ः 14-15)

ન કર્તાપણું, ન કર્મો સર્જતો લોકનાં પ્રભુ; ન કર્મફળયોગેય, સ્વભાવ જ પ્રવર્તતો, લે નહીં કોઈનું પાપ, ન તો પુણ્યેય એ વિભુ.

(ગીતાધ્વનિ: ૫: ૧૪-૧૫)

અને છતાં

भोक्तारं यज्ञतपसां सर्वलोकमहेश्वरम् । सुहृदं सर्वभूतानां ज्ञात्वा मां शान्तिमृच्छति ।।

(गीता: 5 ः 29)

મને સૌ ભૂતનો મિત્ર; સર્વલોકમહેશ્વર યજ્ઞ ને તપનો ભોક્તા જાણી એ શાંતિ પામતો.

(ગીતાધ્વનિ: ૫-૨૯)

પહેલો શ્લોક અને પછીના શ્લોકાર્ધમાંથી કોઈ નિરાશ થયેલો માણસ નાસ્તિકતા કાઢે તો? નથી ભગવાનને પાપની સાથે લેવાદેવા, નથી પુણ્યની સાથે, એ તો સ્વભાવને જ પ્રવર્તવા દે છે.

‘The moving finger writes and having writ Moves on, nor all thy piety and wit Can lure it back to cancel half a line Nor all thy tears wash a word out of it.’

લખે જ અંગુલિઓ તેને જે લખ્યે જ જાય છે ભૂંસે ના ધર્મનિષ્ઠા કે તારું શાણપણુંય જે ધોઈ ના શકતા એકે શબ્દ વા આંસુઓ તવ.

— એ ઉમર ખય્યામની નાસ્તિકતાના આમાં ભણકારા સંભળાતા હોય એમ લાગે છે. અને છતાં ભગવાન તો ‘सुहृदं सर्वभूतानां‘ પોતાને વર્ણવે છે. જો એ, સ્વભાવને જ પ્રવર્તવા દે, અને અળગો રહી પાપપુણ્ય જોયા કરે તો એ સર્વ ભૂતોનો સુહૃદ શી રીતે થયો? અને પેલો ભૂંડો સ્વભાવ કોણ?

આવા કાગળો લખ્યા કરું તો વાંચતાં થાકશો નહીં. ગીતાની આવૃત્તિ ઉપરાંત આપ ગીતા ઉપર લેખમાળા લખશો તો આ કાગળો એ લેખમાળાને માટે પણ ઉપયોગી થશે. કાકાની સાથે વાંચતાં સૂઝેલા વીસ સવાલો તો કાકા પાસે પડ્યા જ છે; પણ આ તો પ્રાર્થનાસમયે ગીતાની સાથે થતી તન્મયતાના ફળરૂપે છે.’૧૨

વળી સદાકત આશ્રમ, પટણાથી જ તારીખ વિનાના એક પત્રમાં મહાદેવભાઈ, એમની મૂંઝવણ રજૂ કરે છે:

ત્રીજા અધ્યાયનો પાછલો ભાગ મને સદાય મૂંઝવે છે. अथ केन प्रयुक्तोऽयं पापं चरति पूरुषः (તો પછી નર કોનાથી પ્રેરાઈને પાપ આચરે? — ગીતાધ્વનિ: ૩: શ્લો. ૩૬) એ સવાલનો જવાબ બહુ Cryptic (દુર્બોધ) નથી લાગતો? મહાપાપી હોય તેને એ શ્લોકમાંથી શું શીખવાનું મળે? પાપનું જેટલું ઊંડું પૃથક્કરણ હોવું જોઈએ તેટલું ઊંડું નથી લાગતું, અને પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત્ત એ શબ્દો ગીતાજીમાં છે જ નહીં, એનું કારણ શું? એ બંને વસ્તુ ગીતાકારને માન્ય ન હશે? છઠ્ઠા અધ્યાયમાં સ્પષ્ટ કહી દીધું છે કે ‘अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते’ (તોયે અભ્યાસ-વૈરાગ્યે એને ઝાલવું શક્ય છે. ગીતાધ્વનિ: ૬: ૩૫) એ અભ્યાસ અને વૈરાગ્ય પામરોને કેમ સૂઝે? અને કેમ લાધે? એવા પામરોને માટે ‘भजते माम् अनन्यभाक्‘ (એક ચિત્તે ભજે મને. ગીતાધ્વનિ: ૯: ૩૦) એ વસ્તુ મૂકી હશે?૧૩

પટણામાં શંભુબાબુને ઘેરેથી લખેલ ૫–૧૨–’૨૯ અને ભાગલપુરથી ૬ – ૧૨ – ‘૨૯ના રોજ લખેલ પત્રના અંશો પણ અહીં જ લઈએ:

મારા ઉઠાવેલા અને ઊઠતા પ્રશ્નોનો થોડો થોડો જવાબ રોજ રોજ મળતો જ રહે છે. સુદુરાચાર અનન્ય ભક્તિથી ભજે તો સાધુ થાય, પણ એ અનન્ય ભક્તિથી ભજી ક્યારે શકે? એનો જવાબ આજના સાતમા અધ્યાયના શ્લોકમાં મળે છે:

येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणाम् । ते द्वन्द्वमोहनिर्मुक्ता भजन्ते मां दृढव्रताः ।।

(गीता: ૭: ૨૮)

પણ જે પુણ્યશાળીનાં પાપકર્મ ગળી ગયાં, તે કંદ્ર મોહ છૂટેલા મને દઢ વ્રતે ભજે.

(ગીતાધ્વનિ: ૭: ૨૮)

દઢવ્રત થઈને તે જ ભજી શકે જેના પાપનો અંત આવી ગયેલો હોય છે. પાપનો અંત ન આવ્યો હોય — ‘કામ, ક્રોધ, લોભ, મોહનું જ્યાં લગી મૂળ ન જાય જી’૧૪ — ત્યાં લગી ભગવન્નામ લેતો માણસ પણ સાધુતાને પંથે નથી જ ચઢી શકતો.૧૫

આજે સવારે ‘નરહરિ, ચંચલ હૈ મતિ મેરી’ ભજન ગાયું. એમાં આવે.

સબ ઘટ અંતર રમસિ નિરંતર, મેં દેખન નહીં જાના.

એની ઉપર વારંવાર વિચાર આવ્યો અને પરમાત્માની વિભૂતિઓ અને પરમાત્માનાં અનેક રૂપોના ગીતાના ઉલ્લેખને ધ્યાનમાં લઈને મેં મન સાથે પૂછ્યા કીધું કે કોઈ સ્ત્રીના ઉપર ભયંકર અત્યાચાર થાય, તેને પાપાચારમાં કોઈ દુષ્ટ નાખે, એ અત્યાચારી દુષ્ટને પેલી સ્ત્રી શુદ્ધ પિશાચ અને શેતાન માનવાના ભાનમાં આવે તો તે પિશાચમાં પણ ભગવાન ‘રમસિ નિરંતર’ એમ એ સ્ત્રીએ શી રીતે માનવું? મને લાગે છે કે હિંસાનું ક્યાંય સ્થાન હોય, ક્યાંયે એને પરવાનગી હોય તો ચારિત્ર્યભ્રષ્ટ કરનારા પિશાચોના નિકંદનમાં એનો પ્રયોગ થઈ શકે, અને એ નિષ્કામ ભાવે, ‘એ પિશાચના શરીરનો નાશ કરું છું. અને એનામાં ભગવાન રમતો હોય તો તેને પાપી ખોળિયામાંથી મુક્ત કરું છું’ એમ માનીને તેનો સંહાર થઈ શકે.

આ તો તદ્દન અવ્યવસ્થિત વિચાર અવ્યવસ્થિત રીતે મુકાયો છે; પણ મારા ગાંડાઘેલા બોલવાનો મર્મ આપ તો સમજી જ લો છો એટલે પૂછું છું. ‘સબ ઘટ અંતર રમસિ નિરંતર’ એ ભારે સમસ્યા છે.’૧૬

આ ગંભીર ચિંતન અને જિજ્ઞાસાની સાથે મહાદેવભાઈનો સ્થાયીભાવ ભક્તિનો હતો જ. તેથી જ ડિસેમ્બર, ૧૯૨૯ની બીજીએ સ્વાધ્યાયને અંતે મહાદેવભાઈ લખે છે: ‘જવાબ આપવાનો સમય ન હોય તો ન આપતા. હું ચાતકની જેમ રાહ નહીં જાઉં.’૧૭ પણ તેઓ મિલનાતુર તો છે જ. બનતાં સુધી બે દિવસ પછી જ તારીખ વગરના પત્રમાં લખે છે:

‘વલ્લભભાઈને સમજાવી રહ્યો છું કે મને સુરત લઈ જવાનો આગ્રહ કરવાને બદલે વર્ધા આવવા દે. બનતાં સુધી તો આવીશ.’૧૮

પણ પછી પોતાના જ પ્રયત્નથી સંતોષ નથી થતો એટલે પાંચમીએ માશૂકનો સહકાર ઇચ્છે છે:

‘મને વર્ધા બોલાવવાને માટે એક લીટી આપ વલ્લભભાઈને લખો તો કેવું સારું!’૧૯

અને એ તો દેખીતું જ છે કે મહાદેવનો પ્રેમ એકતરફી નહોતો. બારડોલી સત્યાગ્રહ વખતે ગાંધીજીએ સમજીબૂઝીને મહાદેવભાઈને વલ્લભભાઈ પાસે જવા દીધા હતા. પણ પછી તો વચ્ચે ચાર-પાંચ દિવસ સારુ મહાદેવભાઈને વલ્લભભાઈ સાથે બારડોલી જવા દેતાં આકરું લાગે છે. ગાંધીજી ૩–૨–’૩૦ના મૌનવારે મહાદેવભાઈને લખે છે:

વલ્લભભાઈએ પોતે જ ચાર કે પાંચ દહાડાનું કહ્યું હતું. બ્રહ્માંડ તૂટે તોયે ૧૨મીએ સવારે તો તમારે હાજરી પુરાવવી જ રહી. બીજાઓને તૈયાર કરી દેવા એ તમારું કામ છે ના? … તમે આજે ગયા હશો તો તમે પાછા વળશો ત્યારે મારી ગણતરી પ્રમાણે તમારે ૮મીએ પાછા આવવું રહ્યું.૨૦

વચ્ચે મહાદેવભાઈ બારડોલી સત્યાગ્રહ પછી સિમલા ગયા ત્યારે ગાંધીજીએ ઍન્ડ્રૂઝસાહેબને લખ્યું:

મહાદેવ સિમલાથી આજે પાછા ફરે છે. એમને થોડો આરામ મળ્યો તથા રોજિંદા કામમાંથી છૂટી શક્યા તેનો મને આનંદ છે. બેશક સિમલામાં રહીને જ બારડોલી વિશેના પોતાના આગામી પુસ્તકનાં પ્રકરણો એમણે લખ્યાં. વલ્લભભાઈ તથા સ્વામી પણ આજે સિમલાથી આવે છે. જોકે સિમલાના વાતાવરણથી ત્રણે કંટાળી ગયા હતા.૨૧

ફરી ‘૨૯ના ઑક્ટોબરમાં સાંભળ્યું કે મહાદેવભાઈને કાંઈક અસુખ છે. એટલે તરત ગાંધીજીએ લખ્યું:

તમે માંદા પડો છો એ સહન નથી થતું. હવે તો સાવ આરામ થઈ ગયો છે [હશે]. સેવા કરવામાં પણ કાંઈક પ્રમાણ જાળવવું પડતું હશે, અને તે સેવાને અર્થે અહીં ‘દેહરખો ધર્મ’ કહેવતનો કાંઈક ઉપયોગ હોવાનો સંભવ છે. સૌથી વધારે કામઢા માણસને સૌથી વધારે નવરાશ હોય છે એ અંગ્રેજી અનુભવ તો છે જ, ને સાચો છે. એની મતલબ તો એ છે કે જેણે પ્રામાણિકપણે કર્તવ્ય સાચવ્યું છે તેને અમુક આરામનો અધિકાર છે જ. એ આવશ્યક નવરાશ ઉપર કોઈને તરાપ મારવાનો અધિકાર ન હોય.૨૨

મહાદેવ અને મોહનનો પ્રેમ ઉભયપક્ષી હતો. તેનો અંતિમ આદર્શ એકાત્મ સાધવાનો હતો. પરંતુ અદ્વૈતની સાધના કરનાર મહાદેવને કોઈ કોઈ વાર દ્વૈતની મધુરતા ચાખવાનું મન થઈ જાય છે. વલ્લભભાઈ સાથે તામિલનાડુમાં ફરતાં મહાદેવભાઈ લખે છે:

હિંદુસ્તાનના જુદા જુદા પ્રાંતોમાં ગાંધીજી સાથે પ્રવાસ કરવાનો લાભ જ્યારે મને મળતો હતો ત્યારે મને ઘણી વખત એવી ઇચ્છા થઈ આવતી હતી કે એમની સાથેમાંના એક તરીકે હોવાને બદલે હું પણ લોકસમુદાય પૈકીના એક તરીકે એમનાં દર્શન કરતો હોઉં અને ‘મહાત્મા ગાંધી કી જે’ના પોકાર પાડતો હોઉં તો કેવું મજાનું! એમની પ્રશંસા કરતાં એ ટોળાની હું અદેખાઈ કરતો હતો, લોકોને થઈ આવતી લાગણીઓ અનુભવવાની મને ઇચ્છા થઈ આવતી હતી, એમના મનમાં ઊભરાઈ આવતા ભાવમાં ભાગીદારી કરવાનું મને મન થઈ આવતું હતું.૨૩

વલ્લભભાઈ સાથેનાં પ્રવાસવર્ણનોમાં પણ મહાદેવભાઈ ગાંધીજી સાથેના પ્રવાસનાં વર્ણનો કરવા જેવી જ મસ્તી અનુભવે છે. કારણ, વલ્લભભાઈ, બારડોલીના વિજય પછી પણ ગર્વ અનુભવવાને બદલે અત્યંત નમ્રતા અનુભવે છે અને પોતાને સદા ગાંધીજીના સૈનિક તરીકે જ ઓળખાવે છે.

જ્યારે મહાદેવભાઈ વલ્લભભાઈની સભાઓ હજારો જુવાનોથી ખીચોખીચ ભરેલી જુએ છે, અને તેમને જેમ જેમ સાંભળે તેમ તેમ વધુ ને વધુ સાંભળવાની ઇચ્છા કરતા જુએ છે ત્યારે મહાદેવભાઈ એ જુવાનિયાઓ માંહ્યલા થઈ જવા ઇચ્છે છે, પણ સરદારની સાથે છે, તેથી તેમ નથી કરી શકતા. આ મર્યાદાને તેઓ ‘બંધન’ લેખે છે.

વલ્લભભાઈ પટેલને સાંભળનારા હજારો વિદ્યાર્થીઓ પૈકીના એક તરીકે આ હેવાલ લખવાનો હોત તો મને બહુ ગમત… આ પ્રાંતની આ મારી પહેલી મુલાકાત છે કે જ્યારે ગાંધીજી નથી; અને તેથી, એમની હાજરીની રોમાંચક ઉત્તેજના નથી ત્યારે પણ એમના અને એમના સિદ્ધાંતો વિશે લોકો શું ધારે છે એનો ખ્યાલ મેળવવાનું મારે માટે શક્ય બન્યું.૨૪

તામિલનાડુની સભાના આયોજક ચક્રવર્તી રાજગોપાલાચારી હતા. તેઓ વલ્લભભાઈના સાથી અને મહાદેવભાઈના મિત્ર હતા. બંને મહેમાનોનો તેઓ સરખો લાભ લેવા ઇચ્છતા હતા. તેથી તેમણે ખેડૂતોની સભામાં મહાદેવભાઈ બારડોલીના સત્યાગ્રહની વાત કહે અને વલ્લભભાઈ ખેડૂતોને સંબોધીને સંદેશ આપે એવો રિવાજ પાડ્યો. મહાદેવભાઈને વલ્લભભાઈએ શું કહ્યું એ લખતાં તો શૂર છૂટે છે, પણ પોતે પણ બોલ્યા હતા એ વાત તો જાણે ભૂલી જ જાય છે! વલ્લભભાઈનાં ભાષણોના તેઓ સારગર્ભિત હેવાલ આપે છે. બારડોલી સત્યાગ્રહના દિવસોમાં એમણે આ કામ नवजीवनના વાચકો સારુ સ્વરાજની તૈયારી તરીકે કાંઈક વધુ વિસ્તારથી કર્યું હતું. ત્યાંના અહેવાલો લખવામાં એક સરળતા હતી. સરદારની સિંહગર્જનાને તેઓ એમના જ ચોટડૂક શબ્દોમાં યથાતથ આપી શકતા. અહીં ભાષણ અંગ્રેજીમાં અપાય છે. તેથી મહાદેવભાઈને ભાષાંતર કરવું પડે છે. ભાષાંતરકર્તાની સાથે સાથે કોઈક વાર મહાદેવભાઈનો વિવેચક પણ જાગે છે, પણ એ વિવેચક પાછો પ્રશંસક પણ છે. તેથી તેઓ અભિપ્રાય આપે છે:

બારડોલી સિવાય બહાર જઈને ભાગ્યે જ એઓ કદી બોલ્યા હશે, આટલાં વર્ષોનું આગ્રહપૂર્વક સેવેલું એમનું મૌન આજે હજારોને જાગ્રત કરનારી વાણીમાં પ્રગટી રહ્યું છે. એમણે સાહિત્ય વાંચેલું નથી. એમણે બોલવાની કળા કેળવેલી નથી અને અંગ્રેજી ભૂલવાનો પ્રયત્ન કર્યો છે. છતાં જ્યારે મદ્રાસમાં આવીને એમણે મોં ઉઘાડ્યું ત્યારે અંગ્રેજી વાણીમાં — ભલે ને કોઈ વાર અંદર વ્યાકરણની ભૂલો થતી હોય; તેવી વાણીમાં — બારડોલીના ખેડૂતોએ તળપદી ગુજરાતી વાણીમાં જે ચમત્કાર જોયો હતો તે જ ચમત્કાર મદ્રાસની અંગ્રેજીરસિક આલમે જોયો. આનો મર્મ શ્રી વલ્લભભાઈના આગ્રહપૂર્વક સેવેલા મૌનમાં, અન્યાયની સામે લડવાની એમની અદ્ભુત શક્તિમાં અને ક્ષણે ક્ષણે ભભૂકી ઊઠતી એમની દેશભક્તિમાં છે. આટલી વસ્તુ જેનામાં હોય, જેને પ્રજાને અમુક સંદેશો આપવાનો હોય, તેને વાણીની ખુશામત નથી કરવી પડતી, વાણી તેની ખુશામત કરતી તેની પાછળ દોડે છે.૨૪

સરદારનાં ભાષણોની નોંધની સાથે સાથે એ ભાષણોની લોકહૃદય પર કેવી અસર પડતી હતી તેના દાખલાઓ આપવાનું પણ મહાદેવભાઈ ચૂકતા નથી. તામિલનાડુમાં બ્રાહ્મણ-બ્રાહ્મણેતર ભેદો પર સરદાર સખત ચાબખા મારે છે. પરંતુ બંને સમુદાયો પર તેની સારી અસર પડે છે.

એક વૃદ્ધ ખેડૂતની સમજ ઉપર ખૂબ અજવાળું પડ્યું, અને એને શ્રી વલ્લભભાઈનાં ભાષણોનો એવો તો રંગ લાગ્યો કે એ અમારી સાથે પ્રવાસમાં જોડાયો. આજ સુધી ખેડૂતોનાં દુ:ખો જાણનારો, ખેડૂતોને આટલું સમજાવી જાગ્રત કરનાર શ્રી વલ્લભભાઈ જેવો કોઈ નથી આવ્યો, એમ એ અમને કહેતો જાય અને ભાષણો સાંભળીને ઘેલો થતો જાય!૨૬

અને ભાષણનો બીજો ભાગ એટલો બધો હૃદયસ્પર્શી હતો કે એક બ્રાહ્મણ સજ્જન બોલી ઊઠ્યા: यथाऽमृतस्य संप्राप्तिः यथा वर्षमनूदके૨૭ તો વળી એક અગ્રગણ્ય મિત્રે કહ્યું: ‘વલ્લભભાઈ આટલું બોલી શકતા હશે, આટલા હલાવી શકતા હશે એની એમને કલ્પના નહોતી.૨૮

વલ્લભભાઈની સાથે મહાદેવભાઈ બિહારયાત્રામાં પણ જોડાયા હતા.

બિહારમાં જતાં સાથે મહાદેવભાઈએ નોંધ્યું:

અનેક નેતાઓ બિહારમાં જતા હશે, પણ ગાંધીજીનો કાર્યક્રમ લઈને જનારા નેતા પાછળ ગાંધીજીના પ્રથમ શિષ્ય તરીકે જેમને એઓ વર્ણવે છે એવા સરદારની પાછળ, બિહારીઓ જેવા ઘેલા થાય છે, તેવા ભાગ્યે જ બીજા નેતા પાછળ ઘેલા થતા હશે. વલ્લભભાઈની તો બિહારની આ પહેલી જ મુલાકાત હતી, છતાં જાણે બિહારમાં આવીને એમનાં જૂનાં સ્મરણો તાજાં થતાં હોય એમ લાગ્યું. તામિલ પ્રાંતમાં વલ્લભભાઈને મળેલું માન કાંઈ જેવુંતેવું નહોતું, પણ બિહારના માનમાં તામિલ પ્રાંતના માન કરતાં વિશેષતા એ હતી કે એ આખું માન ગાંધીજીની ભક્તિના ભણકારારૂપ હતું. પંદર દિવસમાં બિહારના ઘણા જિલ્લાઓમાં અમે ફર્યા. બધે હજારો કિસાનોનાં ટોળાં આવતાં તે ગાંધીજીએ કહેલી વાત જ નવે મુખે સાંભળવાની ઉત્કંઠાથી આવતાં. ચંપારણમાં જેમ ગાંધીજીએ તેમને ઉગાર્યા તેવી રીતે ગાંધીજીના શિષ્ય તેમની બીજી આફતોમાંથી તેમને ઉગારશે એ શ્રદ્ધાથી આવતાં તામિલ પ્રાંતમાં ભાગ્યે જ એક માનપત્રમાં વિઠ્ઠલભાઈનું નામ વલ્લભભાઈ સાથે જોડાયેલું ન હોય એમ બને. સાલેમમાં તો માનપત્રમાં સ્પષ્ટ આવા ઉદ્ગારો હતા: ‘તમે બે ભાઈઓમાંથી કોની સેવા વધારે ચડિયાતી છે તે કહેવું મુશ્કેલ છે.’ બિહારમાં એક પણ માનપત્રમાં વિઠ્ઠલભાઈનું નામ જ નહોતું. વિઠ્ઠલભાઈની સેવા બિહારીઓ નથી જાણતા એમ નહીં, પણ બિહારીઓને એ વસ્તુ જ અપ્રસ્તુત લાગતી. તેમનાં માનપત્રોમાં તો કેવળ ગાંધીજીના સત્યાગ્રહના અને સત્યાગ્રહનો મંત્ર ઉત્તમ રીતે ઝીલનાર તરીકે વલ્લભભાઈનાં વખાણ આવતાં.૨૯

મહાદેવભાઈ વલ્લભભાઈના પ્રશંસક મુખ્યત્વે વલ્લભભાઈની ગાંધીભક્તિને લીધે જ હતા, એમ આપણે આગળ ઉપર કહી ગયા. ‘લૉંગ લિવ રૅવોલ્યૂશન’ (ક્રાંતિનો જય) અને ‘ડાઉન વિથ ઇમ્પીરિયલિઝમ’ (સામ્રાજ્યવાદનો ક્ષય)ના પોકારો કરતા સમાજવાદીઓને ઉદ્દેશીને વલ્લભભાઈએ જે કહ્યું તે આ વાતની સાખ પૂરે તેમ છે:

એક વાર ક્રાંતિ કરો પછી ‘જે’ બોલાવો. જે વસ્તુ નથી તેની જય શી બોલાવવી? હા; એક ક્રાંતિની જય બોલાવાય. તમારે ત્યાં ચંપારણમાં ‘રૅવોલ્યૂશન’ થયું હતું એ ‘રૅવોલ્યૂશન’થી તમે દેશવિદેશમાં જાણીતા થયા, અને એનો અર્થ ખેડૂત સમજે છે. એટલે તમારે નવા રાષ્ટ્રધ્વનિની જરૂર હોય તો બોલોને ‘ચંપારણના સત્યાગ્રહનો જય’. એ ધ્વનિ ખેડૂતોને જેવા હલાવશે તેવો બીજો કોઈ ધ્વનિ નહીં હલાવી શકે.

અને તમે ‘ક્રાંતિ’ ‘ક્રાંતિ’ શું કરો છો? તમે તમારા જીવનમાં તો ક્રાંતિ કરી નથી, જૂના વહેમો અને રીતરિવાજોને તમે વળગી રહેલા છો, પર્દો તોડવાની તમારી હિંમત નથી; ચાલુ શાળાઓ અને મહાશાળાઓમાં જઈને તમારે ક્રાંતિ કરવી છે, તે શી રીતે થવાની હતી? ‘મહાત્મા ગાંધીજી કી જે’ના ધ્વનિમાં જે ક્રાંતિની જય પોકારાય છે તેવી બીજા કયા ધ્વનિમાં સંભળાય છે? કારણ, મહાત્માજી એટલે ક્રાંતિનો અવતાર.૩૦

શું ગાંધીજી વિશે હોય કે શું વલ્લભભાઈ વિશે, એક છાપાના ખબરપત્રી તરીકે મહાદેવભાઈની દ્યુતિ જાજ્વલ્યમાન જ હતી. એ હેવાલ પછી બિહારના સાંથાલ લોકોનાં જીવન વિશે હોય;૩૧ કે કવિવર રવીન્દ્રનાથ જોડે સાબરમતી આશ્રમમાં ગાંધીજીની મુલાકાત અંગે હોય;૩૨ અથવા ખાદી વિશેના બે વિદેશી વિદ્વાનોના નવા અને જૂના એવા અભિપ્રાયો ટાંકતો હોય;૩૩ એમની પ્રતિભા એવી ને એવી જ છે. પરંતુ મહાદેવભાઈ માત્ર અહેવાલ આપનાર ખબરપત્રી નથી. તેઓ અહેવાલની સાથે સાથે રાજનૈતિક, આર્થિક અને સામાજિક સ્થિતિનું વિશ્લેષણ પણ કરતા જાય છે. બિહારનું એવી જાતનું વિશ્લેપણ૩૪ મહાદેવની સૂક્ષ્મ વિશ્લેષક બુદ્ધિનો ખ્યાલ આપે જ છે, સાથે સાથે લખાણ દ્વારા વાચકને એક ચોક્કસ દિશામાં દોરવાની તેમની નેતૃત્વશક્તિ પણ પ્રગટ કરે છે. જેનું ચિંતન નિત્ય નિયમિત ચાલતું હતું તે ગીતાની ભાષા પણ મૂળ રૂપમાં અનેક વાર મહાદેવભાઈના પત્રકાર તરીકેની ભાષામાં ઊતરી આવતી. જલાલપુર તાલુકામાં દારૂબંધીના પ્રચાર વિશે મહાદેવભાઈ કહે છે:

‘ … ગમે તેમ હોય પણ શુદ્ધિનું એકે કામ એળે જતું જ નથી, એમાં આરંભનો નાશ નથી, એમાં પ્રત્યવાય આડે આવતો નથી, અને એનું અલ્પ પાલન પણ મહાભયમાંથી બચાવે છે.’૩૫

રાષ્ટ્રવ્યાપી અહિંસક આંદોલનની તૈયારીના વર્ષમાં મહાદેવભાઈ આંદોલનના એક આગેવાન તરીકે પણ પ્રગટ્યા છે. ગાંધીજી આ વર્ષમાં રચનાત્મક કાર્યો અને આશ્રમના પ્રશ્નોમાંથી નીકળીને દેશના રાજકારણના મંચ પર પાછા પ્રવેશી ચૂક્યા છે. લાહોર કૉંગ્રેસના ઠરાવ દ્વારા ગાંધીજીને આવતા સવિનયભંગ આંદોલનની નેતાગીરી સોંપવામાં આવી ત્યારથી તેઓ એ મંચના નાયક છે. ત્યાર પહેલાં તેઓ તેના અગ્રગણ્ય આગેવાનો પૈકી એક હતા. મહાદેવભાઈનું સ્થાન ભલે બહાર ગાંધીજીના અંગત મંત્રી તરીકેનું હતું, પણ ગાંધીજીને મન મહાદેવ સલાહકાર પણ હતા. ૧૯૩૦ના વર્ષમાં કૉંગ્રેસના પ્રમુખ કોણ થાય એ પ્રશ્ન ચર્ચાયો ત્યારે ગાંધીજીએ મહાદેવભાઈની પણ સલાહ લીધેલી. મહાદેવભાઈએ, સ્વાભાવિક રીતે જ સરદારનું નામ આગળ કરેલું. પણ એ બાબતમાં ગાંધીજી તેમને માત્ર બારડોલીના વિજયના જોરે જ કૉંગ્રેસ-પ્રમુખ બનાવવા માગતા નહોતા, તેથી તેમણે મહાદેવભાઈને લખ્યું:

વલ્લભભાઈ વિશે તમે લખો છો એ મને બરોબર નથી લાગતું. એને હમણાં પ્રમુખ બનાવીને વટાવી ખાવા જેવું થાય. છતાં લખનૌ તો તમારે બધાએ આવવાનું જ છે; એટલે વધારે વિચારીશું. હું તો કશા વિચાર કરતો જ નથી. आत्मसंस्थं मनः कृत्वा न किंचिदपि चिन्तयेत्૩૫ એ વખતે ઈશ્વર મદદે આવશે.૩૬

આ જ વર્ષે ગાંધીજીનું નામ પણ કૉંગ્રેસ-પ્રમુખ તરીકે સૂચવાયું હતું. પણ તેમણે તેનો અસ્વીકાર કર્યો હતો. અને વલ્લભભાઈ તો ‘જ્યાં સેનાપતિ જવાની ના પાડે ત્યાં હું સિપાઈ જવાની શી રીતે હિંમત કરું?’ એમ કહીને ખસી ગયેલા.૩૭

રાષ્ટ્રીય પરિસ્થિતિને સમજનાર અને જનતાને ગાંધી-માર્ગે દોરી જનાર આગેવાન તરીકે મહાદેવભાઈ લાહોર કૉંગ્રેસના વર્ણન અને ત્યાર પછીના પ્રવાસવર્ણનમાં વિશેષરૂપે દેખાય છે. લાહોરના ઠરાવ મુજબ ગાંધીજીએ ઘડેલી પૂર્ણ સ્વરાજની પ્રતિજ્ઞા, જેનો તે વર્ષથી દર વર્ષે દેશભરમાં ૨૬મી જાન્યુઆરીએ પાઠ થતો, તે પ્રતિજ્ઞાનું ભાષ્ય ‘ઋપિનો શાપ’ નામના લેખમાં મહાદેવભાઈએ કર્યો. આ ભાષ્ય ભાવના અને તર્ક બંને રીતે સ્વરાજ-આંદોલનના આ મૂળ દસ્તાવેજો પૈકી એકનું આંકડાઓથી ભરપૂર અને સાથે સાથે ભાવનાઓથી સભર એવું વિવરણ પ્રસ્તુત કરે છે.

લાહોરમાં કેટલાક લોકોએ ઘોંઘાટ કર્યો હતો, કેટલાકે અહિંસાના વિરોધમાં ચવાઈ ગયેલી દલીલો કરી હતી. મહાદેવભાઈએ લાહોર કૉંગ્રેસ પછીનો મુખ્ય ઠરાવ नवजीवनમાં આપતાં એકરાર કર્યો હતો કે:

લાહોરની કૉંગ્રેસ અનેક રીતે ‘અપૂર્વ’ કહેવાય. એના અનેક અને વિધવિધ રંગો વર્ણવવાને માટે શાંતિ જોઈએ, ધીરજ જોઈએ, અક્રોધ જોઈએ, એટલે અત્યારે તો મૌન સેવવું જ યોગ્ય ધારું છું. કારણ, આ લખતાં ત્રણેનો અભાવ છે.૩૮

પરંતુ ૯–ર–’૩૦નું नवजीवन બહાર પડતાં સુધીમાં તો કૉંગ્રેસની અંદર વિક્ષોભકારક તત્ત્વો અંગેનો ક્ષોભ ખંખેરી નાખ્યો છે. ત્યારે એમનો પુણ્યપ્રકોપ પ્રગટે છે. ભારતના અંગ્રેજ સમર્થક અને વિલાયતનાં છાપાંઓ પર એ લેખનું મથાળું ‘ભલે સિધાવો!’ ત્યાર પછી બાર વર્ષે ગાંધીજીએ ઉચ્ચારેલા ‘ભારત છોડો’ (ક્વિટ ઇન્ડિયા)ના મહાઘોષની પૂર્વસૂચના આપે તેવું છે. એ લેખનો, ત્રણ લીટીનો છેલ્લો ફકરો આખા લેખનો મિજાજ પરખાવે તેવો છે:

ટૂંકમાં હિંદુ આજે પોકારીને બ્રિટનને કહે છે: ‘તમે ભલે ગાંસડેપોટલે સિધાવો, અમારી ચિંતા કરવાની જરૂર નથી. અમારી દશા છે એના કરતાં બૂરી ન થાય, કદાચ સુધરવાનો સંભવ છે.’૩૯

માત્ર એક બાબત મહાદેવભાઈએ કરેલું વિધાન એવું હતું કે જેને ગુણારોપણ કહી શકાય, અચૂક ભવિષ્યવાણી કહેવું, પછીનો ઇતિહાસ જોતાં મુશ્કેલ છે, પ્રસંગ કૉંગ્રેસનાં સંસ્મરણોનો છે:

ઠરાવ થયો ને બીજે દિવસે બસ્તી૪૦નો એક ખેડૂત ગાંધીજીના તંબૂમાં આવ્યો. ગાંધીજીને કંઈક પૂછવા આવ્યો હતો. ગાંધીજી તો નહોતા, એટલે ઠૂંઠવાતો ઠૂંઠવાતો સગડી પાસે બેઠો, અને પછી પૂછવા લાગ્યો: ‘સ્વરાજ મિલ ગયા? નેહરુજી કા લડકા બાદશાહ ભયલ બા?૪૧ દિલહી કી ગાદીસે બડા લાટ ગયા?’ એ બિચારો સાચે જ માનતો હતો કે લાહોરથી સીધા દિલ્હી જઈને ‘બડા લાટ’ (વાઇસરૉય)ને રજા આપી જવાહરલાલ ગાદીએ બેસશે! એને બિચારાને ક્યાં ખબર હતી કે જવાહરલાલને નથી રાજા ગમતા કે રાજગાદી ગમતી? ૪૨

આ થઈ રાજકારણની વાતો. આપણે પાછા જ્યાંથી આ પ્રકરણ શરૂ કર્યું હતું ત્યાં ફરીએ. મહાદેવભાઈએ સ્વાતંત્ર્યની રાષ્ટ્રવ્યાપી લડતની તૈયારીની અનિવાર્ય શરત માની હતી ચિત્તશુદ્ધિને. ગીતામાં ભલે ‘પાપ’ કે ‘પશ્ચાત્તાપ’ શબ્દો નહીં આવતા હોય અને એ હકીકત મહાદેવભાઈનું કુતૂહલ જગાવતી હોય, પણ તેઓ પોતે તો ચિત્તશુદ્ધિનો રાજમાર્ગ કરેલી ભૂલોનો સમાજ આગળ એકરાર, તે અંગે હૃદયપૂર્વક પશ્ચાત્તાપ, એવી ભૂલો ન કરવાનો દઢ નિર્ધાર અને પોતાનો સંકલ્પ પાર પાડવા સારુ અત્યંત નમ્રતાપૂર્વક ઈશ્વરની પ્રાર્થના એને જ માનતા હતા.

આ જ કાળમાં મહાદેવભાઈએ લખેલ મૌલિક વાર્તા ‘માસ્તર વજુભાઈ’૪૩ના નાયક નિર્મળ હૃદયના વિદ્યાર્થી રમણિકને કહે છે, ‘કાંઈ નહીં, તેં એ ગુનો કબૂલ કર્યો એટલે ઈશ્વરે તને માફ કર્યો જ છે એમ સમજજે. તેમાં તને તો આટલો પ્રશ્ચાત્તાપ થયો. તેં તારાં આંસુએ તારો ગુનો ધોઈ નાખ્યો.’૪૪ આ વિધાનમાં મહાદેવભાઈની પોતાની પાપ અને પશ્ચાત્તાપ બાબતની માન્યતા અને તેમની શ્રદ્ધા બંને પ્રગટ થાય છે.

આ અરસામાં જ પોતાની ડાયરીમાં મહાદેવભાઈએ ગાંધીજી અને વિનોબાજીના પ્રાર્થના વિશેના અત્યંત ગંભીર ઉદ્ગારો ખૂબ વિસ્તારથી ટાંક્યા છે. ગાંધીજીનાં એ વચનોના વાક્યે વાકયે મહાદેવભાઈ ડોલ્યા છે અને એના અક્ષરેઅક્ષરને તેમણે પોતાના હૃદયમાં આંક્યો છે. આપણે માત્ર થોડાં જ વાક્યો લઈએ:

ઈશ્વરની પાસે માગણી કરવાની હોય તોયે તે માગણી આપણી આત્મશુદ્ધિને માટેની જ હોય. આત્માનું શૌચ, આત્માનું પરિશોધન એ જ પ્રાર્થના છે. આત્મા આપણામાં મૂર્છિત સ્થિતિમાં છે, એના ઉપર અંધકાર, અજ્ઞાનનાં કેટલાંય પડો ચડેલાં છે; એ દબાઈ રહેલો છે. પ્રાર્થના કરીને આપણે એમાંનું એક એક પડ ઉખેડીએ છીએ, એટલે જે માણસ આત્મજાગૃતિમાં, ધર્મજાગૃતિમાં માને છે તે માણસને માટે પ્રાર્થના એ મોટામાં મોટું તત્ત્વ છે.૪૫

૧૨–૧–’૩૦ને રોજ અમદાવાદમાં ભરાયેલ સ્નાતક સંમેલનમાં સારી પેઠે આનાકાની છતાં કાકાસાહેબની આજ્ઞાને વશ થઈને મહાદેવભાઈને સંમેલનના પ્રમુખ થવું પડ્યું હતું. પ્રમુખ તરીકેનું પોતાનું ભાષણ શ્રોતાઓનાં મોં જોઈને લાગણીના ઊભરાથી આપવામાં આવ્યું નહોતું. એ ભાષણ ઠીક ઠીક વિચારને અંતે સમજીબૂજીને સમાજદેવતા આગળ પોતાની ભૂલનો એકરાર કરવા લખીને તૈયાર આણવામાં આવ્યું. સત્યના પૂજારીના એ પરમ ઉપાસક અને सत्यना प्रयोगोના ભાષાંતરકર્તા જ આવો એકરાર કરી શકે. ભાષણના છેવટના ભાગમાં:

આત્મશુદ્ધિની વાત કરતાં એક અંગત ઉલ્લેખ કરું તો મને ક્ષમા કરશો. આપણામાંનો દરેક જણ જે પોતાની શાંત અને જ્ઞાનની ઘડીમાં પોતાના અંતરને પૂછશે કે સ્વરાજ કેમ નથી આવતું તો એને સ્પષ્ટ જવાબ મળશે કે ‘કારણ, તું મેલો છે, તેં સ્વરાજની કશી તૈયારી નથી કરી.’ આપણી સ્વરાજની લડત જ દુનિયાની સ્વરાજની લડતો કરતાં જુદા પ્રકારની છે. દુનિયામાં આવી લડતો લડાઈ છે તે હિંસક લડતો હતી, સિપાહીઓની મારવાની અને મરવાની શક્તિ ઉપર જ તેનો આધાર હતો, ઘણી વાર સિપાહી નહીં પણ શસ્ત્રબળથી, મનુષ્યબળથી, રાસાયણિક ઝેરના બળથી એક પ્રજાની બીજી પ્રજાનો સંહાર કરવાની શક્તિ ઉપર એવી લડતો આધાર રાખતી. આપણી લડત એ ધર્મયુદ્ધ છે અને ધર્મયુદ્ધમાં સામેલ થનાર દરેક અવયવની શુદ્ધિ ઉપર એ યુદ્ધની સફળતાનો આધાર રહે છે. આ વિચારો જ્યારે જ્યારે હું મારો પોતાનો વિચાર કરતો ત્યારે મને ખૂંચતા. સત્યાગ્રહાશ્રમમાં રહી સત્ય અને બ્રહ્મચર્યનાં જેવાં મહાવ્રતો વિશે શિથિલતા મેં બતાવી હતી એ સદા મને ખૂંચતું, પણ એ શિથિલતા અને વ્રતભંગનો એકરાર કરીને આત્મશુદ્ધિ નહોતી કરી. ગયે વર્ષે, વર્ષની આખરે મહાલડત જાગવાની છે એ ભાવે સ્વરાજસિદ્ધિમાં મારો કશો જ હિસ્સો નહીં તો આટલો હિસ્સો તો હોય જ એમ નિશ્ચય કરીને મારાં પાપનો એકરાર કરીને હું શુદ્ધ થયો. તમારામાંની એક બહેન પણ સત્યના વ્રતનું ભયંકર ઉલ્લંઘન કરી રહી હતી. એ, તેને મોડું મોડું ભાન થતાં સાવધાન થઈ અને પોતાના દોષનો એકરાર કરી શુદ્ધ થઈ. આ બંને આત્મશુદ્ધિનું વધારે વર્ણન આપતાં મને શરમ આવે કે સંકોચ થાય એમ નથી, પણ એકરાર કરવામાં પણ કોઈ વાર અભિમાનની ગંધ કદાચ આવતી હશે; એટલે એ જોખમમાંથી બચવાની ખાતર અને અપરિચિત સમાજને આઘાત ન આપવાની ખાતર પણ એના ઇતિહાસમાં હું ન ઊતરું. હું તો તમે મારા જેવા કાચા સૈનિકને તમારો પ્રમુખ નીમ્યો છે એટલે મારું અધૂરાપણું અને આત્મશુદ્ધિના મારા પ્રયત્નની વાત કરીને મારા જેવા બીજાને ચેતવવાની આટલી તક સાધું છું. પાપ કરતાં શરમ ન થાય તો પાપ કબૂલ કરતાં તો શરમ થવી જ ન જોઈએ. પાપ કરવામાં જેટલું અકલ્યાણ છે તેટલું પાપ કબૂલ કરવામાં તો હોય જ નહીં. પાપ, જગત આગળ અભિમાન વિના દાંડી પીટીને કબૂલ કરનારા કોઈ ગાંધીજી કે ઑગસ્ટિન કે રૂસો જેવા વિરલ હશે, પણ સ્વજનો આગળ, જેને પોતાનું પાપ ઢાંકીને માણસે છેતર્યા હોય તેની આગળ, પાપનો એકરાર કરીને પાપ, સૌ કોઈ ધોઈ શકે છે, પાપ કબૂલ કરતાં જે પોતા ઉપર દયા નહીં કરશે તેની ઉપર, ભગવાનને દયા કરવાની ફરજ પડશે એવું ટૉલ્સ્ટૉયનું વચન છે.

પણ આ લંબાઈ રહેલા ભાષણને અંતે પાપ અને પાપના એકરારની ફિલસૂફી કરવાનો મારો હેતુ નહોતો. સહેજે, અનાયાસે એ આવી ગયું એટલે લખ્યું છે. તમારું પ્રમુખપદ સ્વીકારવાની આનાકાનીમાં પણ મારા દોષનું તાજું ભાન મને દબાવતું હતું એ વાત મુખ્ય હતી. એ દોષ જાણતા છતાં કાકાસાહેબે મને આગ્રહ કર્યો એ એમની અપાર ઉદારતા બતાવે છે. એટલો દોષી છતાં હું તમારી પાસે આવીને ઊભો રહ્યો એટલું કબૂલ કરીને જ એ ઉદારતાનો હું કંઈક જવાબ વાળી શકું છું; અને એટલું મારું આત્મવૃત્ત કહીને ભાવિ યુદ્ધ માટે ઝંખી રહેલા દરેક ભાઈ અને બહેનને વીનવું છું કે પોતાનું શુદ્ધમાં શુદ્ધ બલિદાન આપવાને માટે સૌ પોતપોતાનાં હૃદયને ખૂબ તપાસે, શરીરને શોધી જુએ, અને સાચી આત્મશુદ્ધિ કરી લે. એ આત્મશુદ્ધિ કરવામાં જ સ્વરાજ અરધું તો મળી રહેવાનું છે.૪૬

નોંધ:

૧. महादेवभाईनी डायरी – ૧૩ : પૃ. ૧૪૩.

૨. ચંદુલાલ ભ. દલાલ: गांधीजीनी दिनवारी : પૃ. ૨૪૨.

૩. એજન, પ્રસ્તાવના, પૃ. ૬.

૪. એજન, પૃ. ૧૨૮.

૫. એજન, પૃ. ૪૫-૪૬.

૬. હશે તું સર્વ પાપીમાં મહાપાપીય જે કદી,

  તોયે તારીશ સૌ પાપ જ્ઞાનનૌકા વડે જ તું, (ગીતા ૪: ૩૬)

૭. અસલમાં પણ આ શબ્દો આ પ્રમાણે કૌંસમાં છે.

૮. નથી જ જ્ઞાનના જેવું પવિત્ર જગમાં કંઈ (ગીતા ૪: ૩૮)

૯. ગીતા ૪: ૩૯.

૧૦. મોટોયે કો દુરાચારી એકચિત્તે ભજે મને

  સાધુ જ તે થયો માનો, કાં જે નિશ્ચયમાં ઠર્યો. (ગીતા ૯: ૩૦)

૧૧. महादेवभाईनी डायरी – ૧૩ : પૃ. ૭૬થી ૭૮.

૧૨. એજન, પૃ. ૭૮-૭૯. ગુજરાતી અનુવાદ: નારાયણ દેસાઈ.

૧૩. એજન, પૃ. ૮૦.

૧૪. ફૂટનોટ રદ કરી છે.

૧૫. નિષ્કુળાનંદનું ભજન.

૧૬. महादेवभाईनी डायरी – ૧૩ : પૃ. ૮૦થી ૮૧.

૧૭. એજન, પૃ. ૮૧-૮૨.

૧૮. એજન, પૃ. ૭૮.

૧૯. એજન, પૃ. ૮૦.

૨૦. એજન, પૃ. ૮૧.

૨૧. એજન, પૃ. ૧૬૪.

૨૨. गांधीजीनो अक्षरदेह – ૩૭ : પૃ. ૨૭૫.

૨૩. महादेवभाईनी डायरी – ૧૩ : પૃ. ૫૨.

૨૪. એજન, પૃ. ૪.

૨૫. महादेवभाईनी डायरी – ૧૩ : પૃ. ૧૬-૧૭.

૨૬. એજન, પૃ. ૨૪

૨૭. એજન, પૃ. ૨૬ ભાવાર્થ: અમૃતની પ્રાપ્તિ સમાન અને દુકાળમાં વરસાદ જેવું.

૨૮. એજન, પૃ. ૧૬.

૨૯. એજન, પૃ. ૮૩.

૩૦. એજન, પૃ. ૮૫.

૩૧. એજન, પૃ. ૧૦૪.

૩૨. એજન, પૃ. ૧૫૫થી ૧૬૪.

૩૩. એજન, પૃ. ૧૦૬થી ૧૧૦.

૩૪. એજન, પૃ. ૮૪ અને ૯૯-૧૦૪.

૩૫. એજન, પૃ. ૫૧-૫૨.

૩૬. ગીતા ૬-૨૫ ભાવાર્થ: આત્મામાં મનને રાખી ન ચિંતવવું કાંઈએ.

૩૭. महादेवभाईनी डायरी – ૧૩ : પૃ. ૩૫-૩૬.

૩૮. ૧૯૩૧માં ગાંધી-ઇર્વિન કરાર પછી કરાંચી કૉંગ્રેસમાં પ્રમુખ તરીકે વરાયેલા.

૩૯. नवजीवन, ૫–૧–૩૦, महादेवभाईनी डायरी – ૧૩ : પૃ. ૧૧૦.

૪૦. महादेवभाईनी डायरी – ૧૩ : પૃ. ૧૬૯.

૪૧. ઉત્તર પ્રદેશનો એક જિલ્લો.

૪૨. ભયલ બા? એટલે ‘બની ગયા છે?’

૪૩. महादेवभाईनी डायरी – ૧૩ : પૃ. ૧૧૭.

૪૪. આ વાર્તા शिक्षण अने साहित्यના ૧૭–૧૧–’૨૯ના અંકમાં છપાઈ હતી.

૪૫. महादेवभाईनी डायरी – ૧૩ : પૃ. ૬૭.

૪૬. એજન, પૃ. ૧૫૨.

૪૭. એજન, પૃ. ૧૪૩થી ૧૪૫.