અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ/ઓગણત્રીસ – મહાભિનિષ્ક્રમણ

ઓગણત્રીસ – મહાભિનિષ્ક્રમણ

૧૯૩૦નો ‘નમક સત્યાગ્રહ’ આઝાદીની અહિંસક લડાઈના ઇતિહાસમાં એક અત્યંત મહત્ત્વપૂર્ણ પ્રકરણ હતું. આટલા વિશાળ પાયા પર દેશે તે પહેલાં કદી અહિંસક પ્રતિકારનો પ્રયોગ કર્યો નહોતો. દુનિયાના ઇતિહાસમાં પણ એનો જોટો જડે એમ નથી. ભારતના ઇતિહાસમાં ત્યાર પહેલાં અને ત્યાર બાદ પણ ક્યારેય અહિંસા આટલી સક્રિય અને કારગત નીવડેલી નહીં મળે. આ લડતમાં ગુજરાત કેન્દ્રસ્થાને હતું. ગુજરાતના આંદોલનમાં મહાદેવભાઈનું સ્થાન કદાચ ગાંધીજી પછી બીજા ક્રમે હતું.

એનું કારણ સ્પષ્ટ હતું. ગુજરાતમાં એકએકથી ચડે તેવાં આંદોલનોને નેતૃત્વ આપનાર સરદાર વલ્લભભાઈને દાંડીકૂચ પહેલાં જ સરકારે ગિરફતાર કરી લીધા હતા. ગાંધીજી પોતે તો આખી કૂચ દરમિયાન અને ત્યાર પછી પણ થોડા દિવસો છૂટા હતા. પણ તેઓ કાં કૂચમાં હતા અથવા સુરત જિલ્લામાં હતા. આખા ગુજરાતની જુદી જુદી ટુકડીઓનું સંકલન કરવાનું કામ અવિધિસર રીતે ગાંધીજીએ જ મહાદેવભાઈને સોંપ્યું હતું. બીજા આગેવાનો પોતપોતાના મોરચા પર સક્રિય હતા. મહાદેવભાઈ અમદાવાદ હતા, પણ અમદાવાદ બહારનાં કેન્દ્રોની પણ તેઓ ચિંતા રાખતા.

આ આંદોલન અંગે સરકારે વલ્લભભાઈને કૂચ શરૂ થાય તે પહેલાં પકડ્યા, અને ગાંધીજીને દાંડીમાં મીઠું પકવ્યા પછી પણ ઘણા દિવસ છૂટા રહેવા દીધા. વ્યૂહરચનાની દૃષ્ટિએ સરકારની આ બેવડી ભૂલ હતી. સરદારને પકડવાથી આંદોલન શરૂ થાય તે પહેલાં વાતાવરણ ગરમ થઈ ગયું હતું. ગાંધીજીને છૂટા રાખવાથી એ ગરમી દિવસોદિવસ વધતી ગઈ અને તે અહિંસક આંદોલનની દૃષ્ટિએ સાચી દિશામાં વપરાઈ.

મહાદેવભાઈને આ બંને પરિસ્થિતિનો લાભ મળ્યો. આંદોલનના ઉત્તમ ખબરપત્રી તરીકે તેમણે સરદારની ગિરફતારીનો પણ લાભ લીધો અને આંદોલનના એક પરિપક્વ નાયક તરીકે તેમણે સેનાપતિની વ્યૂહરચનાને પ્રાંતવ્યાપી આકાર આપ્યો.

એ દિવસોને જરા નિકટથી જોઈએ.

લાહોરની કૉંગ્રેસમાં સવિનય કાનૂનભંગની રાષ્ટ્રીય ચળવળનું સુકાન ગાંધીજીના હાથમાં સોંપવામાં આવ્યું ત્યારથી દેશની નજર એમની ઉપર હતી. સવિનયભંગ સારુ તેઓ કયો મુદ્દો પસંદ કરે છે અને રાષ્ટ્રીય ચળવળનો આરંભ કરવા કયું ક્ષેત્ર પસંદ કરે છે એ જાણવા માત્ર તેમના સમર્થકો જ નહીં, પણ તેમના વિરોધીઓ અને અમુક અંશે તટસ્થ એવાં સમાચારપત્રો અને સમાચાર સંસ્થાઓ પણ આતુર હતાં. સાબરમતીના આશ્રમમાં છૂપી પોલીસ અને દેશીવિદેશી છાપાંના પ્રતિનિધિઓની અવરજવર વધી ગઈ હતી.

છવ્વીસમી જાન્યુઆરીએ દેશભરમાં અસંખ્ય ઠેકાણે જાહેરમાં પાઠ કરવા અને સંકલ્પબદ્ધ થવા સારુ ગાંધીજીએ તૈયાર કરેલી પૂર્ણસ્વરાજની પ્રતિજ્ઞા એ આખા દેશને લડત સારુ સજ્જ કરનાર પહેલું પગલું હતી. ૨૩મી ફેબ્રુઆરીએ नवजीवनમાં પ્રગટ થયેલ ‘ઋષિનો શાપ’ નામનો મહાદેવભાઈનો લેખ એ આ રાષ્ટ્રીય પ્રતિજ્ઞાના એક સમર્થ ભાષ્ય સમાન હતો. એ ભાષ્યમાં તેમણે રાષ્ટ્રીય લડતના ઇતિહાસ જોડે તે કાળે પ્રવર્તતી દેશની આર્થિક, સામાજિક, રાજનૈતિક પરિસ્થિતિનું અનુસંધાન કરી આપ્યું. છવ્વીસમી જાન્યુઆરી પછી હજારો લોકોએ આ પ્રતિજ્ઞા વિશે પોતપોતાના ક્ષેત્રમાં ભાષણો આપ્યાં હશે. એમાંનાં અનેકને મહાદેવભાઈનું આ ભાષ્ય માર્ગદર્શક ચાવીરૂપ નીવડ્યું હશે.

સવિનયભંગનો ચોક્કસ મુદ્દો જાહેર નહોતો થયો. પણ કોઈ પણ ‘આંદોલન’ શરૂ કરતાં પહેલાં જ ગાંધીજીએ મુંબઈના શ્રી બોમનજીને એક પત્ર દ્વારા ઇંગ્લંડના વડા પ્રધાન રામ્સે મૅકડૉનાલ્ડને પોતાની અગિયાર માગણીઓ પાઠવી હતી. શ્રી બોમનજીએ એ વડા પ્રધાનને પહોંચાડવાની જવાબદારી લીધી હતી. આ મુદ્દાઓ સ્વરાજની માગણીમાં તાત્કાલિક અમલમાં મૂકવા જેવું શું છે તેનો નક્કર કાર્યક્રમ રજૂ કરતા હતા. ગાંધીજીના જ શબ્દોમાં, સંક્ષેપમાં, તે મુદ્દાઓ નીચે મુજબના હતા:

૧. સંપૂર્ણ દારૂનિષેધ થાય;

ર. હૂંડિયામણનો દર રૂપિયાના ૧૬ પેન્સ ગણાય;

૩. જમીનમહેસૂલ ઓછામાં ઓછું અડધું કરી નાખવામાં આવે અને પછી ધારાસભાના અંકુશ તળે તે મૂકવામાં આવે;

૪. મીઠાનો કર તદ્દન નાબૂદ થાય;

પ. લશ્કરી ખર્ચ હાલ છે તેના કરતાં અડધું કરી નાખી તેમાં ઘટાડો કરવાની શરૂઆત થાય;

૬. આ પ્રમાણે કરવાથી મહેસૂલમાં થતા ઘટાડાને અંગે મોટા મોટા પગારદારોના પગાર અડધા અથવા તેથી જેટલા ઓછા કરવાનું ઘટે તેટલા ઓછા કરવામાં આવે;

૭. પરદેશી કાપડ ઉપર સ્વદેશીની પૂરેપૂરી રક્ષા થાય એટલી જકાત નાખવામાં આવે;

૮. શ્રી હાજીનો હિંદી દરિયાકાંઠાનો વેપાર સંબંધી કાયદાનો ખરડો પસાર કરવામાં આવે;

૯. સામાન્ય ન્યાયની અદાલતોએ ખૂનના અથવા ખૂનમાં મદદ કરવાના ગુના માટે જેમને તકસીરવાર ઠરાવ્યા હોય તેવા સિવાયના બધા રાજકીય કેદીઓને છોડી દેવામાં આવે, બીજા રાજકીય ગુનાઓ માટે કામ ચાલતાં હોય તે બધાં બંધ થાય; રાજદ્રોહ વિશેની કલમ ૧૨૪અ, ૧૮૧૮નું રેગ્યુલેશન અને એવા જ બીજા કાયદા રદ થાય, અને આજે દેશવટો ભોગવી રહેલા હિંદીને દરેક દેશમાં પાછા આવવાની પરવાનગી મળે;

૧૦. સી.આઈ.ડી., (ગુપ્તચર ખાતું) નાબૂદ કરવામાં આવે અથવા ધારાસભાના અંકુશ નીચે મૂકવામાં આવે;

૧૧. ધારાસભાના અંકુશ તળે રહીને આત્મરક્ષણને માટે જેને બંદૂક જેવાં હથિયાર જોઈએ તેને તેવાં હથિયાર મેળવવાનો પરવાનો આપવામાં આવે.૨

ઉપરોક્ત અગિયાર મુદ્દાઓ પૈકી કોઈ પણ એકાદ મુદ્દાને સવિનયભંગના આરંભ તરીકે લેવો જોઈએ, એમ ગાંધીજીની વ્યૂહરચના ગોઠવી આપનાર બુદ્ધિ કહેતી હતી. ત્યાં સુધીના લગભગ બધા સત્યાગ્રહો કોઈ ને કોઈ ચોક્કસ મુદ્દાને લઈને ચલાવવામાં આવ્યા હતા. આ વખતે ગાંધીજી કયો મુદ્દો હાથ ધરશે તે દુનિયા જાણતી નહોતી. છાપાંવાળાઓ આ અંગે ગાંધીજીને અવારનવાર પૂછપરછ પણ કરતા, પરંતુ જ્યાં સુધી અંતરમાંથી કાંઈ સૂઝે નહીં ત્યાં સુધી ગાંધીજી કોઈ નિશ્ચિત કાર્યક્રમ આપતા નહોતા. કેટલાક અધીરા સૈનિકો એનાથી અકળાતા. કેટલાક ટીકાકારો કાર્યક્રમ જાહેર નહોતો થતો તેમાં ગાંધીજીની મુત્સદ્દીગીરી જોતા હતા. કોઈક એમ કહેતું કે મીઠાનો કાયદો તોડવાનું મહાદેવભાઈએ ગાંધીજીને સુઝાડ્યું, પણ જે કાંઈ પ્રમાણ આને અંગેનાં મળે છે તેની ઉપરથી તો એમ જ લાગે છે કે કાર્યક્રમ ગાંધીજીને પોતાની અંતરસૂઝથી જ જડ્યો હશે. કર્ણોપકર્ણ સાંભળેલી કથા એવી પણ છે કે પં. મોતીલાલજીને લાગ્યું કે આવડી મોટી સરકાર સામે ટક્કર લેવાનું કામ અને તે આ ચપટી મીઠું પકવવાથી કેમ થઈ શકે? તેમણે અકળાઈને ગાંધીજીને આ અંગે પત્ર લખ્યો. ગાંધીજીએ ઠંડે કલેજે જવાબ આપ્યો કે, ‘અજમાવીને જોઈ લો.’ મોતીલાલજી તેથી વધુ અકળાયા. પણ તોયે કૉંગ્રેસે આ કાર્યક્રમની આગેવાની ગાંધીજીને સોંપી હતી એટલે મોતીલાલજીએ શિસ્ત માની સરકારને નોટિસ આપી કે અમુક દિવસે અમુક સમયે તેઓ ગેરકાયદેસર મીઠું પકવશે. તે દિવસે સવારે કાર્યક્રમ થવાનો હતો તે પહેલાં જ પોલીસ મોતીલાલજીનાં બારણાં ખખડાવતી આવી પહોંચી. મોતીલાલજીએ જેલ જતાં પહેલાં માત્ર એક પોસ્ટકાર્ડ જ ગાંધીજીને લખ્યો: ‘અજમાવતાં પહેલાં જ જોઈ લીધું!’ આ કાર્યક્રમ ઉપરછલ્લી નજરે જોતાં કેટલો અનાકર્ષક હતો, અને એમાં સરકારને હચમચાવવાની કેવી તાકાત હતી તે બતાવવા ખાતર જ એ સાંભળેલી કથા અહીં લખી દીધી છે.

બીજી માર્ચે એક વિસ્તૃત પત્રમાં ગાંધીજી વાઇસરૉય લૉર્ડ અર્વિનને છેલ્લી વાર સમજાવતાં આ કાર્યક્રમ શરૂ કરવાનાં કારણો આપે છે. પ્રથમ તો એમ સમજાવે છે કે અંગ્રેજી રાજને તેઓ એક બલા માનતા થઈ ગયા છતાં એક પણ અંગ્રેજને નુકસાન પહોંચાડવાનો તેમનો ઇરાદો નહોતો. ગાંધીજીએ અંગ્રેજી રાજના અભિશાપનાં કારણો આંગળીને વેઢે ગણી શકાય એટલા શબ્દોમાં પણ ભારે અસરકારક રીતે વર્ણવ્યાં:

આ રાજ્યે એક એવા પ્રકારનું તંત્ર ગોઠવી દીધું છે કે એથી દેશ સદૈવ વધતા પ્રમાણમાં ચુસાયા જ કરે; વળી, એ તંત્રનો લશ્કરી અને દીવાની ખર્ચ એટલો તો સત્યાનાશ વાળનારો છે કે દેશને એ કદી પોસાઈ શકે એમ નથી. આને પરિણામે, હિંદુસ્તાનની રાંકડી કોટ્યવધિ પ્રજા ભિખારી થઈ ગઈ છે.

રાજકીય દૃષ્ટિએ આ રાજ્યે અમને લગભગ ગુલામ બનાવી દીધા છે. અમારી સંસ્કૃતિના પાયા જ એણે ઉખાડવા માંડ્યા છે, અને પ્રજાને નિ:શસ્ત્ર કરવાની એની નીતિએ અમારી માનવતાને હણી નાખી છે. સંસ્કૃતિના નાશથી થયેલી આધ્યાત્મિક હાનિમાં નિ:શસ્ત્ર દશાનો ઉમેરો થવાથી કાયર, અસહાય અધીનતાના જેવી મનોદશા અમારી પ્રજામાં કેળવાઈ છે.૩

ગાંધીજીની ભાષામાં નમ્રતા ભારોભાર છે, પણ સાચી વાત પરખાવવામાં તેમણે જરાય કચાશ રાખી નથી. દાખલા તરીકે તેઓ સ્પષ્ટપણે કહે છે:

દેખીતી રીતે જગતમાં સૌથી વધારે ખર્ચાળ એવા પરદેશી રાજતંત્રને નિભાવવાને માટે આ બધાં પાપો ચાલુ રાખવામાં આવે છે. આપનો જ પગાર લો. એ માસિક રૂ. ૨૧,૦૦૦થી વધુ છે. એ ઉપરાંત તેમાં ભથ્થાં અને બીજા આડાઅવળા ઉમેરા જુદા. આ સામે ઇંગ્લંડના મુખ્યપ્રધાનનો પગાર સરખાવો. એને વર્ષ ૫,૦૦૦ પાઉન્ડ, એટલે, આજના ભાવે, મહિને રૂ.૫,૪૦૦થી કાંઈક વધુ મળે છે. જે દેશમાં દરેક માણસની સરેરાશ દૈનિક આવક બે આનાથી ઓછી છે, ત્યાં આપને રૂ. ૭૦૦થી વધારેનો રોજ મળે છે; જ્યારે ઇંગ્લંડના વતનીની સરેરાશ દૈનિક આવક લગભગ રૂ. રની ગણાય છે, ત્યારે તેના મુખ્યપ્રધાનને માત્ર રૂ. ૧૮૦નો રોજ મળે છે. આ રીતે આપ એક હિંદીની સરેરાશ દૈનિક આવક કરતાં ૫,૦૦૦ ગણો પગાર લો છો. જ્યારે બ્રિટનના મુખ્ય પ્રધાન એક અંગ્રેજની સરેરાશ આવક કરતાં ૯૦ ગણો પગાર લે છે. હું આ અજબ વિષમતા ઉપર જરા ધ્યાનપૂર્વક વિચારી જોવા આપને હાથ જોડીને વિનંતી કરું છું. એક કઠોર પણ સાચી હકીકત બરાબર સમજાય તે માટે મારે આપનો અંગત દાખલો જ ટાંકવો પડ્યો છે; નહીં તો અંગત રીતે મારા મનમાં આપને વિશે એટલો આદરભાવ છે કે આપની લાગણી દુભાય એવું કહેવા હું ન ચાહું.૪

પત્રને અંતે તેઓ કહે છે:

હું જાણું છું કે અહિંસાત્મક લડત ઉપાડવામાં ગાંડું સાહસ કહી શકાય એવું જોખમ હું ખેડી રહ્યો છું. પણ ગંભીરમાં ગંભીર જોખમો ખેડ્યા વિના સત્યનો જય થયો નથી. જે પ્રજા પોતાના કરતાં વધારે મોટી અને પ્રાચીન, અને પોતાના જેટલી જ સંસ્કારી પ્રજાનો જાણ્યેઅજાણ્યે નાશ કરી રહી છે, તે પ્રજાનો હૃદયપલટો કરવા માટે જેટલું જોખમ ખેડવું પડે તેટલું ઓછું.

બ્રિટિશ પ્રજા સાથેનો સંબંધ તોડી નાખવાની અમને ઇચ્છા થાય છે, તેનું કારણ ઉપલા અન્યાયો જ છે. એ દૂર થતાં રસ્તો સરળ થશે. પછી સુલેહનો માર્ગ ખુલ્લો થશે. હિંદ સાથેના બ્રિટિશ વેપારમાંથી લોભનું પાપ નીકળી જાય તો અમારી સ્વતંત્રતા સ્વીકારવામાં મુશ્કેલી નહીં રહે. હું આપને આદરપૂર્વક વીનવું છું કે આ અન્યાયોને સ્વીકારો, તેને તત્કાળ દૂર કરવાનો માર્ગ કાઢો, અને આ રીતે સર્વ માનવજાતનું કલ્યાણ શોધવાના આશયથી જ બે સરખા દરજ્જાના પક્ષો સલાહ માટે ભેગા થાય એવો માર્ગ લો, આથી સ્વેચ્છાપૂર્વક મિત્રતા બંધાશે…૪

પત્ર લઈ જનાર ભાઈ રેજિનાલ્ડ રોનાલ્ડ્સને પત્ર વાંચી તેની જોડે સંમત હોય તો જ એ પત્ર લઈ જવા ગાંધીજીએ સૂચના આપી હતી. આશ્રમમાં ભાઈ રેજિનાલ્ડનું નામ ‘અંગદ’ પડ્યું હતું! અલબત્ત, ગાંધીજીના પત્રનો જવાબ વાઇસરૉયના સચિવ તરફથી તોછડો જ આવ્યો. ગાંધીજીએ કહ્યું કે, મેં ‘રોટી માગી અને મને પથરો મળ્યો!’

લાહોર કૉંગ્રેસ અને દાંડીકૂચની વચ્ચેના અઢી માસમાં તો દેશના વાતાવરણમાં ઠીક ઠીક ફેરફારો થઈ ગયા. દેશમાં છૂટીછવાઈ હિંસાના પ્રસંગો બન્યા કરતા હતા. તેને પહોંચી વળવાનો ઉપાય ગાંધીજીને એક જ દેખાયો — પોતાની જાતને અહિંસક લડાઈમાં હોમી દેવાનો. એકસઠ વર્ષની વયે ગાંધીજી એક રાષ્ટ્રીય ચળવળ આપીને દેશનાં હિંસક તત્ત્વોને ટાઢાં પાડીને અહિંસક આંદોલનને વેગવાન કરી શક્યા. આ કામમાં ગાંધીજીની ભારત આવ્યા પછીની ચૌદ-પંદર વરસની તાલીમ ખૂબ કામ આવી. એમણે જે સેનાનાયકોને તૈયાર કર્યા હતા તે સૌ કોઈ રાષ્ટ્રીય સંગ્રામમાં પોતાનો ભાગ કુશળતાથી ભજવી શક્યા અને આ સંગ્રામમાં હજારો નવા સૈનિકો આકર્ષાયા, જોડાયા અને તાલીમ પામ્યા!

મહાદેવભાઈએ મીઠાના મુદ્દાને લોકપ્રિય બનાવવામાં नवजीवन અને यंग इन्डियाના એમના લેખો દ્વારા સારો એવો ભાગ ભજવ્યો. ‘સબરસ સર્વસંગ્રહ’ના મથાળા હેઠળ તેમણે ત્રણ લેખો લખ્યા, જેમાંથી પહેલા બે એમના નામે અને છેલ્લો કોઈના નામ વિના છપાયો છે. આ લેખમાળાથી नवजीवन વાંચનાર હજારો લોકોએ અને એ લેખો પરથી ઉતારા આપનાર છાપાંઓ તથા પત્રિકાઓ વાંચનાર લાખો લોકોએ તે લેખો જોયા હશે. ગાંધીજી મીઠાના પ્રશ્નના મુદ્દા પર સત્યાગ્રહ કરવાનો વિચાર કરી રહ્યા છે એવા સમાચાર છાપાંઓમાં છપાયા. ત્યાં સુધીમાં ગાંધીજીએ પોતાનો નિશ્ચય તો જાહેર કર્યો નહોતો. પણ છાપાંઓની આ અનધિકૃત જાહેરાતનો એક લાભ એ થયો કે ગાંધીજી ઉપર અનેક લોકોએ મીઠાના કાયદા અંગે અનેક પ્રકારની માહિતીઓ આપતી સામગ્રી મોકલી આપી. ગાંધીજીએ પોતાની પાસે આમ અનાયાસ આવેલી સામગ્રીનો ઉપયોગ કર્યો. મહાદેવભાઈએ તો રીતસર એ વિષયનો અભ્યાસ કરીને ‘સબરસ સર્વસંગ્રહ’ના લેખો છાપ્યા હતા. આમ આપણા દેશની આઝાદીની લડાઈના ઇતિહાસમાં સૌથી મોટા આ જંગ પાછળ આખા દેશના કરોડો લોકો અને પશુઓની જરૂરિયાત, ગાંધીજીની હૈયાસૂઝ, મહાદેવભાઈની વિદ્વત્તા અને સ્વયંસેવકો તથા નાગરિક સ્ત્રીપુરુષોની અપાર સહનશક્તિ અને નિષ્ઠાએ કામ કર્યું હતું.

કાર્યક્રમની પૂરી રૂપરેખા બહાર પડે તે પહેલાં જ ગાંધીજીએ ‘હું કેદ થાઉં ત્યારે’ નામના લેખ મારફત લોકોને એવી પરિસ્થિતિ સારુ તૈયાર કરી દીધા હતા. અહિંસક લડાઈના આગેવાન તરીકે તેઓ એ બાબતમાં કાળજી રાખે કે તેમના જેલ ગયા પછી પણ લોકો શાંતિ જાળવે, એ તો સ્વાભાવિક હતું. પણ ગાંધીજીનો એક ઉદ્દેશ આ અહિંસક આંદોલન દરમિયાન દેશમાં ઉત્પન્ન થઈ રહેલા હિંસાના વાતાવરણને ખાળવાનો પણ હતો. તેથી તેમણે આ લેખમાં સ્પષ્ટ કર્યું કે શાંતિ જાળવવી એનો અર્થ ચૂપ બેઠા રહેવું કે ચુમાઈને બેસી રહેવું એવો નથી થતો. પોતાના જેલવાસના સંજોગમાં ગાંધીજીને દેશ પાસે વધુ પવિત્ર અને તીવ્ર બલિદાનની અપેક્ષા હતી.

દાંડીકૂચના થોડા દિવસો પહેલાં જ સાબરમતી આશ્રમમાં શીતળાનો વાવર આવ્યો હતો. આશ્રમનાં ત્રણ કુમળાં૫ બાળકોનો, આશ્રમવાસીઓની ભારે માવજત છતાં શીતળાએ ભોગ લીધો. આ વિશે મહાદેવભાઈ ૯–૩૦–’૩૦ના नवजीवनમાં લખે છે:

આ ઘટનામાં અનેક જણની અનેક પ્રકારની કસોટી હતી. દરરોજ ગીતાનો પાઠ કરતા, અને જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મરેલાનો જન્મ નિશ્ચિત છે એમ કાને સાંભળતા અને જીભે બોલતા આશ્રમવાસીઓને, મૃત્યુએ થોડા જ દિવસમાં ત્રણ વાર પ્રત્યક્ષ દર્શન દીધાં; વહાલામાં વહાલાં તેજસ્વી બાળકોને ઝડપીને દર્શન દીધાં એ એમના ગીતાપાઠની કસોટી હતી. ત્રણે બાળકોનાં માબાપ એ કસોટીમાંથી સંપૂર્ણપણે પાર ઊતર્યાં, એમ, યમરાજ પણ તેમનું પ્રમાણપત્ર મળી શકતું હોય તો આપે. કશો રોકકળાટ નહોતો એમ કહેવાની તો જરૂર જ ન હોય, પણ એ બાળકોને વળાવનારાં વળાવી આવ્યાં, બાકીનાં પોતપોતાના કામે રહ્યાં. બાળકોનાં માબાપોનાં નિત્યકર્મમાંયે કશો જ ફેર ન પડ્યો. એક બાળકના પિતાએ બાળકના પ્રાણ જવા લાગ્યા ત્યારે ધીરજથી બાળકને૬ કહ્યું, ‘ભાઈ, રામનામ લે.’ બાળકે બેચાર વાર રામનામ લીધું, પછી બોલાતું નથી એમ નિશાની કરી બતાવી. બીજા બાળકના પિતાએ સાયંપ્રાર્થનાના સમયે જ્યારે બાળકના છેલ્લા શ્વાસ ચાલી રહ્યા છે ત્યારે બાળકને તેની માને સોંપ્યો. માએ ખુશીથી બાળકના પિતાને પ્રાર્થનામાં જવાની રજા આપી. એ પ્રાર્થનામાં ગયા. स्थितप्रज्ञस्य का भाषाનો ઉચ્ચાર પ્રાર્થનામાં થતાંની સાથે બાળકે ઘેર પ્રાણ તજ્યા. પ્રાર્થના પૂરી થતાંની સાથે પિતાને ખબર આપવામાં આવી, એટલે પ્રાર્થનામાંથી ઝટ ઘેર જવાને બદલે પિતાએ૭ સ્વસ્થ ચિત્તે ઉલ્લાસથી પ્રાર્થનામંડળને રામનામની ધૂન લેવરાવી. આના કરતાં બીજું વધારે ધન્ય દૃશ્ય કયું હોય? આ લખી રહ્યો છું ત્યારે મને તો ભાસે છે કે મારામાં એ સ્વસ્થતાની શક્તિ નથી, મૃત્યુને એવી રીતે આવકાર દેવાની તૈયારી નથી, એટલે એ ત્રણે માબાપોને સહેજે મારું માથું નમી રહ્યું છે.૮

બીજી બાજુ ગાંધીજીની કસોટી સૈદ્ધાંતિક હતી. મહાદેવભાઈ ઉપરોક્ત લેખમાં આગળ એનું વર્ણન કરે છે:

આ એક કસોટી. બીજી હૃદયબળની કસોટી હતી. ‘આજ સુધી પાણીના અને માટીના ઉપચારો કરતાં અનેક સાથીઓના વ્યાધિ શાંત કરી શક્યો છું; પોતાના પુત્ર ઉપર પણ એ પ્રયોગ કર્યા છે, અને એકે પ્રસંગે એ ઉપચારોની નિષ્ફળતા વિશે શંકા સરખી નથી થઈ. આ વેળા આ ત્રણ બાળકોના પ્રસંગોમાં મારા ઉપાય કામ ન આવ્યા. એમાં પણ ઈશ્વર મારી કસોટી કરતો ન હોય? અમોઘ લાગતા ઉપાય પણ નિષ્ફળ થવાના છે એમ તો ન હોય? પણ એમ મારાથી કેમ ડરી જવાય? આખી જિંદગી પોતાના ઉપર, પોતાનાંના ઉપર અને બીજાંઓ ઉપર પ્રયોગ કરવામાં ગઈ છે. જે વસ્તુને સત્ય માની છે તેનાથી પ્રયોગમાં ઘડીક વાર હાનિ દેખાતી હોય તોપણ કેમ ડરવું? જગતના જે જે શાસ્ત્રીઓએ સત્યની શોધ કરી છે તેમણે તેમ કરતાં પોતાના પ્રાણ આપ્યા છે. આટલાં મૃત્યુથી હું ડરી જાઉં તો હું પ્રાણ શી રીતે આપવાનો હતો?

એ જ મનોમંથનના ગર્ભમાં બીજું મંથન રહેલું હતું:

મૃત્યુ, જન્મથી જરાયે જુદું નથી; જીવન અને મૃત્યુ એ એક જ સિક્કાની બે બાજુ છે એમ માનનારો હું રહ્યો. તે, આમ ત્રણ મૃત્યુથી હું ડરું તો મારી માન્યતા શા કામની? મારી ઈશ્વરશ્રદ્ધા શા કામની? જે લડત માથા ઉપર ઝઝૂમી રહી છે તે લડતમાં તો ત્રણ નહીં, હજારો અને લાખોની આહુતિ કદાચ આપવી પડે, તેથી ડગીને હું લડત બંધ કરું તો મારી ઈશ્વરશ્રદ્ધાનો કશો અર્થ ન રહે. એમ કેમ ન માનું કે મૃત્યુનાં આમ થોડા જ દિવસમાં અનેક વાર દર્શન કરાવીને ભગવાન મારું હૃદય વધારે કઠણ અને મજબૂત કરવા ઇચ્છતો હોય, લડતને માટે વધારે તૈયાર કરતો હોય?૮

તે જ દિવસોમાં આશ્રમમાં સ્વ. મગનલાલ ગાંધીની નાની પુત્રી રુક્મિણીબહેનનાં લગ્ન પણ લેવાયાં હતાં. ગાંધીજીએ બાળકોનાં મરણ વખતે જે સ્થિરતા રાખી હતી એટલી જ અનાસક્ત બુદ્ધિથી આ લગ્ન પણ આટોપ્યું. પંડિત નારાયણ મોરેશ્વર ખરેનો સૌથી નાનો પુત્ર શીતળાથી મૃત્યુ પામ્યો હતો. છતાં તેમણે પણ ગાંધીજી જેવી જ સ્થિતપ્રજ્ઞતા દેખાડીને રુક્મિણીબહેનના લગ્નમાં પૌરોહિત્ય કર્યું.

ઉપર જણાવેલા પેલા લેખમાં મહાદેવભાઈએ આશ્રમમાં દાંડીકૂચની થઈ રહેલી તૈયારીઓ વિશે પણ લખ્યું છે:

ભાવિ ઘટનાઓના ભણકારા ગાંધીજીના મનમાં કેવા વાગતા હશે તેની કાંઈક ઝાંખી થાય છે. જ્યારથી આશ્રમમાં લડતની વાત ઊપડી ત્યારથી બહેનોનો, એમાં જોડાવાનો ઉત્સાહ અદમ્ય હતો. બહેનોના ઉત્સાહનું માપ કાઢવા બહેનોની પાસે ગાંધીજીએ નામો તો લીધાં, પણ એક દિવસ તેમને કહી દીધું: ‘આરંભમાં હું તમને લઈ જવા માગતો નથી.’ બહેનો નિરુત્સાહ થઈ. કંઈક હતાશ થઈ, એટલે તેમને ગાંધીજીએ પોતાની ‘શિવલરી’ [સ્ત્રીદાક્ષિણ્ય] બતાવી: ‘હિંદુમુસલમાનો વચ્ચેનાં જૂનાં યુદ્ધો વિશે કહેવાય છે કે મુસલમાનો પોતાની આગળ ગાય રાખતા કે જેથી ગોપૂજક હિંદુઓને હુમલો કરતાં મૂંઝવણ થઈ પડે. આ વાત સાચી હોય કે ખોટી હોય તેની સાથે આપણને લેવાદેવા નથી. પણ ક્ષત્રિયથી એવું ન થાય. અંગ્રેજો ગમે તેવા હોય, પણ તેમને વિશે આપણે એટલું જાણીએ છીએ કે તેઓ સ્ત્રીઓ ઉપર એકાએક હાથ ન ઉપાડે. એટલે ગમે તેટલું સંકટ સહન કરવાની વાતો કરનારા આપણે, આપણી ટુકડીને મોખરે સ્ત્રીઓને રાખીએ એ આપણને ન શોભે. આપણી ખૂબ મારપીટ ખમવાની પણ તૈયારી હોય તો તેમાંથી બચી જવાને માટે આપણે સ્ત્રીઓને આગળ કરીએ એ કેમ બને?

સ્ત્રીઓ સમજી ગઈ. પણ તેથી ભવિષ્યમાં સ્ત્રીઓ યુદ્ધમાંથી અલગ રહેશે એમ નથી એવું તેમને ગાંધીજીએ અભયદાન દીધું, ‘જ્યારે પુરુષોએ પૂરેપૂરો ભોગ આપ્યો હશે ત્યારે તમને જેલમાં મોકલતાં મને જરાયે સંકોચ ન થાય,’ એવું તેમને આશ્વાસન દીધું. બહેનોએ આ આશ્વાસન ઝીલી લીધું. અને જેલની બહાર રહીને જેલના કરતાં વધારે કામ કરી બતાવવાનું બીડું ઝડપ્યું. જ્યારે આશ્રમ લગભગ આખો ખાલી થવાનો છે ત્યારે પણ આશ્રમની મુખ્ય મુખ્ય પ્રવૃત્તિઓ — ખાદીની, ગૌશાળાની, ચર્માલયની, બાળશાળાની, કન્યાશાળાની — સ્ત્રીઓ શા સારુ ન ઉઠાવી લે એ વિચારને માટે બહેનો ભેગી મળી રહી છે, અને કામની વહેંચણી ચાલી રહી છે. જાણે આ કામ ઉઠાવી લેવાની તેમને સૌને તાલીમ મળે એ અર્થ, અને જેલમાં અમુક કલાક કામ કરવાની ટેવ પડી જાય એ અર્થે પણ, સ્ત્રીઓને આ રીતે આ કામ વહેંચી લેવાનું ગાંધીજીએ ઉત્તેજન આપ્યું છે.

અને આ બધી પ્રવૃત્તિઓ સંભાળી રહેલા મુખ્ય મુખ્ય માણસોને પણ ગાંધીજીએ પોતાની પહેલી ટુકડીમાં લીધા છે. પ્રથમ ઉત્તમ બલિદાન આપવાં જોઈએ. શુદ્ધમાં શુદ્ધ બલિદાનનો વિચાર કરી રહ્યો છું ત્યારે તો મને લાગે છે કે આપણું બલિદાન તો શુદ્ધતમ નથી પણ મલિન છે. પણ આથી વધારે સારું બલિદાન હું ક્યાં શોધવા જાઉં? એટલે જ મેં આશ્રમની તાલીમ લઈ રહેલાઓમાંથી લેવા જેવા બધાને વીણી કાઢ્યા છે, અને માત્ર બેપાંચ માણસોને રાખીને આખો આશ્રમ ખાલી કર્યો છે. તા. ૧૨મીએ આપણે કૂચ કરીએ ત્યાં સુધી હજી આમાંથી જેમને નીકળવાની ઇચ્છા હોય તે નીકળી જઈ શકે છે, પણ પાછળથી કોઈ નીકળવા ઇચ્છશે તો મને માથાનો ઘા લાગશે. આ બધાએ એ પણ સમજી લેવાનું છે કે આ આખરી ફેંસલો છે. આ લડત થોડા દિવસમાં આટોપાય તો થોડા દિવસ, અનેક વર્ષો ચાલે તો અનેક વર્ષો સુધી એમાં ઝૂઝવું પડશે, અને સ્વતંત્રતા લઈને જ એમાંથી નીકળી શકાશે કે મરીને છૂટી શકાશે એ ખચીત માનજો. જેલ જ મળશે એમ ન માનતા. લાઠીઓ પડશે તેની પણ તૈયારી રાખજો.

બે વ્યક્તિઓ હતી જે દરેક રીતે યોગ્ય હતી — મીરાંબહેન અને મિ. રેજિનાલ્ડ રૉનાલ્ડ્સ. એમનું શું કરવું? પહેલા સત્યાગ્રહીઓમાં પોતે હોય એ બાબતમાં બીજા કોઈ કરતાં એમની ઇન્તેજારી ઓછી નહોતી. ગાંધીજીએ કહ્યું: ‘ના; તમે નહીં, તમારા માટે આનાથી મોટું અને ઘણું વધારે પવિત્ર કાર્ય છે. તમે ઇંગ્લંડમાં જન્મ્યાં છો એટલે તમારી પાસેથી વધુ મોટી તપશ્ચર્યાની હું આશા રાખું છું. એ છે, દુ:ખને આહ્વાન દેવાની ઇચ્છાનો ત્યાગ, અને પાછળ રહી આશ્રમની પ્રવૃત્તિઓમાંથી જેટલી બને તેટલીને ચલાવવામાં મદદ કરવી તે. એ કાર્ય કરવાને કારણે, એટલે કે આશ્રમના સભ્યો તરીકે તેમને ઉપાડી જવામાં આવે તો તો બહુ સારું. અને જો એમ ન થાય તો હું એવા દિનની આશા રાખું છું કે જ્યારે આશ્રમનાં પુખ્ત વયનાં બધાં સ્ત્રીપુરુપોને ઉપાડી જવામાં આવે પછી તમે અહીં રહેશો અને ટ્રસ્ટી તરીકે આશ્રમની મિલકતને સંભાળશો અને પાછળ મૂકી જવામાં આવેલાં બધાં સગીર છોકરા-છોકરીઓની સંભાળ લેશો. તમારી એ સિદ્ધિ તમારો ગર્વ અને આનંદ હશે.૯

આશ્રમી મહિલાઓમાં એક દુર્ગાબહેન પણ ખરાંને? તેઓ પણ આશ્રમની બીજી બહેનો જેટલાં જ આ જંગમાં ઝંપલાવવા ઉત્સુક હતાં. તેથી જ બહેનોના પ્રતિનિધિમંડળ સાથે ગાંધીજી પાસે ફરિયાદ કરવા ગયેલાં, કે અમને કેમ તમારી જોડે કૂચમાં નથી લઈ જતા? મહાદેવભાઈએ ઉપરોક્ત ઉદ્ધરણમાં નોંધી છે તે દલીલ ઉપરાંત ગાંધીજીએ એક બીજી પણ વધારાની દલીલ કરી હતી. તેમણે બહેનોને સમજાવ્યું હતું કે તેમની જોડે કૂચમાં દાંડી સુધી જવું એ તો સાવ સહેલું કામ હતું. બહેનો પાસે તો તેમને વધારે સાહસ અને વધારે પરાક્રમની અપેક્ષા હતી. તેથી યોગ્ય સમયે તેઓ બહેનોને વધુ બહાદુરીનું કામ સોંપશે. આ દલીલની એ બહેનોની જેમ દુર્ગાબહેન પર પણ ઘણી સારી અસર થઈ હતી. અને ખરેખર બેક માસમાં જ ગાંધીજીનાં આ વચનોની અને આશ્રમની બહેનોની બહાદુરીની પરીક્ષા પણ થઈ ગઈ હતી. ઇતિહાસની દૃષ્ટિએ આ થોડાંક અઠવાડિયાં પાછળની ઘટના છે, પણ આપણે તેને અહીં લઈ લઈએ છીએ. શ્રી નરહરિભાઈને ધારાસણાના સત્યાગ્રહમાં બેસુમાર માર પડેલો અને તેઓ બેશુદ્ધ થઈને પડી ગયા હતા. તે વખતે સાબરમતી પાસેના એક પીઠામાં પિકેટિંગમાં કામ કરનાર શ્રીમતી મણિબહેન પરીખની કેવી કસોટી થઈ હતી તેનું વર્ણન, અત્યંત સંયત ભાષામાં એમની દીકરી વનમાળાએ નીચે મુજબ કર્યું છે:

હજુ તો અહીં આવ્યાને દસ-બાર દિવસ થયા હશે એટલામાં શહેરમાંથી આવનારા ભાઈઓ ખબર લાવવા માંડ્યા કે ધારાસણામાં તો બધાને પકડી લે છે ને ખૂબ લાઠીમાર કરે છે. સાચા કે વિશ્વાસપાત્ર ખબર તો એ નાના, અંદર આવેલા રેલવેયાર્ડમાં કાંઈ મળે એમ હતું જ નહીં. મણિબહેને પેલા ભાઈઓને કહ્યું કે તમે કૉંગ્રેસ હાઉસમાં જઈ નરહરિભાઈ વિશે કાંઈ ખબર મળે તો મેળવી લાવો. એ ભાઈ જરા ઊડતી જ ખબર લઈ આવ્યા કે નરહરિભાઈ તો ગુજરી ગયા છે. એવું બનેલું કે એ બેભાન થઈ ગયેલા એ કોઈએ જોયેલું ને ખબર આપી કે ગુજરી ગયા!

મણિબહેનના મનની હાલત તે વખતે કેવી રહી હશે એની તો કલ્પના જ કરવી રહી. પણ એટલાં મક્કમ ને દ્દઢનિશ્ચયી કે પીઠું છોડીને ગયાં નહીં ને માનસિક વેદના અનુભવતાં રહ્યાં. પછી (મણિબહેને) આશ્રમમાં સંદેશો મોકલ્યો કે નરહરિભાઈ વિશે સાચી ખબર કાઢીને મને કહેવડાવો. સંદેશો લાવનાર ભાઈ સાથે સાંજે પાછી આવીશ, એમ કહીને વનમાળા [આશ્રમમાંથી] પોતાની માને મળવા ગઈ. તે વખતે મણિબહેનની હાલત એવી હશે કે વનમાળા પણ જો પાસે હોય તો પોતાને જરા આશ્વાસન રહે. એટલે એમણે એને પોતાની પાસે રોકી લીધી.

ત્રણચાર દિવસ પછી ધારાસણાથી ખબર આવ્યા કે નરહરિભાઈને સખત લાઠીમાર પડ્યો છે પણ મરતાં બચ્યા છે ને એમને પકડીને નાસિક જેલમાં લઈ ગયા છે. આ ખબર લઈને દુર્ગાબહેન પોતે જ મણિબહેન પાસે ગયાં. પોતે પાંચછ દિવસ કેવી ભયંકર યાતનામાં કાઢ્યા છે એનું વર્ણન મણિબહેને પોતાની બહેનપણી પાસે કર્યું, આટલા દિવસ સાચવી રાખેલી હિંમત જતી રહી ને એ ધ્રુસકે ધ્રુસકે રડ્યાં.૧૦

આ સંગ્રામ વખતે ગાંધીજીએ એક કુશળ સેનાપતિની જેમ વ્યૂહરચના કરી હતી. સત્યાગ્રહી ટુકડીમાં જોડાનારા તરીકે તેમણે આશ્રમવાસીઓને જ પસંદ કર્યા હતા. પણ તે વખતે તેમણે યોજનાપૂર્વક કેટલાક લોકોને એ કૂચથી બહાર રાખ્યા હતા. સાબરમતી આશ્રમના મોટા ભાગનું નામ તે વખતે ‘ઉદ્યોગમંદિર’ પડી ચૂક્યું હતું. અને માત્ર એની ઉપાસનાભૂમિ પૂરતું જ ‘સત્યાગ્રહ આશ્રમ’ નામ ચાલુ રાખવામાં આવ્યું હતું. એ ઉદ્યોગમંદિરના કાર્યવાહક મંડળના પ્રમુખ મહાદેવભાઈ અને ઉપપ્રમુખ ઇમામસાહેબ અબદુલ કાદર બાવાઝીર બંનેને ગાંધીજીએ દાંડીકૂચમાંથી બાકાત રાખ્યા હતા. મહાદેવભાઈને બહાર રાખવા પાછળ જો પોતે વહેલા પકડાઈ જાય તો બહાર રહીને મહાદેવભાઈ આ અહિંસક લડાઈને માર્ગદર્શન આપી શકે એવી યોજના હતી અને ઇમામસાહેબને બહાર રાખવા પાછળ જરૂર પડ્યે આશ્રમનાં સર્વ બાળકોની સંભાળ રાખી શકે એવી દૃષ્ટિ હતી.

મહાદેવભાઈએ પોતાને માથે આવેલું કામ ક્યારનુંયે શરૂ કરી દીધું હતું. नवजीवन અને यंग इन्डियाમાં લેખો ઉપરાંત તેમણે ગાંધીજી સાથેના બહારના લોકોના આ વિશેના પત્રવ્યવહારમાં પણ પોતાનો ફાળો આપ્યો હતો. વલ્લભભાઈની ગિરફતારીને આવનાર લડતની અગ્રદૂત સમ બનાવવામાં મહાદેવભાઈની કલમે મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો. ૧૯૨૮–’૨૯માં એમની સાથે રહીને કરેલું કામ મહાદેવભાઈની કલમમાં હજી ઊનું ઊનું વહેતું હતું. यंग इन्डियाના ૧૨–૩–’૩૦ના અંકમાં ‘હાઉ સરદાર વૉઝ ઇમ્પ્રિઝન્ડ?’ (સરદારને જેલ ભેગા કેવી રીતે કર્યા?) લખીને તેમણે માત્ર ગુજરાતની જ નહીં, પણ આખા દેશની જનતાને સરદારના ‘લોખંડી’ સ્વભાવનો એક વાર ફરી પરિચય આપ્યો હતો, અને સાથે સાથે અંગ્રેજ સરકારના નોકરો કેવા જડ હતા એની પણ ઝાંખી કરાવી હતી. જેલ જતાં પહેલાં સરદારે ગુજરાતના લોકોને સંદેશો આપતાં પંદર વરસથી આકરી તપશ્ચર્યા કરી રહેલા ગાંધીજીએ ગુજરાત સારુ જે કાંઈ કર્યું હતું તેનો બદલો વાળવાનો આ મોકો ન ચૂકવા સલાહ આપી હતી; ગાંધીજી જેલની બહાર હોય ત્યાં સુધી એમની આજ્ઞા પાળવાની તથા જેલ જાય તો ત્યાર બાદ, ભરૂચની એક સભામાં સરદારે અહિંસક લડતને જોરદાર કરવા જે કાર્યક્રમ૧૧ સૂચવ્યો હતો, તે મુજબ આચરણ કરવા આગ્રહ કર્યો હતો.

સાબરમતી જેલમાં આચાર્ય કૃપાલાની સાથે જઈને મહાદેવભાઈ સરદારની મુલાકાત લઈ આવ્યા. એ મુલાકાતનું વર્ણન સૌ સૈનિકોનાં હૈયાંમાં વજ્ર-શી શક્તિ પૂરે તેવું હતું. સત્યાગ્રહીઓએ જેલને કેવી મંગલદૃષ્ટિએ જોવાની છે તેનો સ્પષ્ટ ખ્યાલ આ મુલાકાતના વર્ણનનાં પહેલાં બે વાક્યોમાં જ આવી જાય એમ છે:

‘એનું એ જ ખડખડાટ હસવું, એના એ જ કટાક્ષ અને એનો એ જ ખુશમિજાજ: કોને લાગે કે સરદારનાં જેલમાં દર્શન કરીએ છીએ?’૧૨

આખી મુલાકાત તો અહીં શી રીતે અપાય, પણ મહાદેવભાઈની કલમનો જાદુ સમજાય એવાં થોડાં વાક્યો આખી રોમાંચક મુલાકાતમાંથી સારવીને અહીં આપીએ છીએ:

‘તમને કેમ રાખે છે, એ પૂછતાં એમણે કહ્યું: ‘ચોર-લૂંટારાને જેવી રીતે રાખે છે તેવી રીતે મને પણ રાખે છે. બહુ આનંદ છે. આના જેવી લહેર જિંદગીમાં કોઈ વાર આવી નહોતી… ખોરાકનું તો શું પૂછવું? જેલમાં કાંઈ મોજ કરવા થોડા આવ્યા છીએ? કાંઈક જાડા રોટલા અને દાળ એક દિવસ, અને રોટલા-શાક બીજે દિવસે એમ આપે છે. ઘોડાને ખપે એવું તો હોય છે જ.’ ‘પણ માણસને ખપે એવું હોય છે કે નહીં?’ શા સારુ નહીં? પાયખાને જવાનું ઠેકાણું નહોતું તે અહીં એક વાર નિયમિત પાયખાને જાઉં છું, પછી શું જોઈએ? પણ એની તું ચિંતા શા સારુ કરે છે? ત્રણ મહિના૧૩ હવા ભરખીને રહી શકું એમ છું.’ કહીને ખડખડાટ હસી જેલનો દરવાજે ગજાવી મૂક્યો.૧૪

સાબરમતી આશ્રમમાં અને એની પ્રાર્થનાભૂમિ પર પણ ખબરપત્રીઓનાં ટોળાં ગાંધીજીની ‘વ્યૂહરચના’ સમજવા સારુ ઊમટવા લાગ્યાં. અનેક ખબરપત્રીઓ સાથે થયેલી ગાંધીજીની વાતોને ભેગી કરીને મહાદેવભાઈ એને સંવાદરૂપે नवजीवनમાં આપે છે. મુલાકાતોને સંવાદરૂપે પ્રગટ કરીને તેને વધુ ચોટદાર બનાવવી એ મહાદેવભાઈની કલમની લાક્ષણિકતાઓ પૈકી એક હતી. માત્ર ગણ્યાગાંઠ્યા નમૂના જ નીચે આપ્યા છે:

પ્ર. ‘આપ કઈ જાતનું રાજતંત્ર માગો છો?’

જ. ‘જે તંત્ર પ્રજાની ઇચ્છાને વર્તે અને તેનો અમલ કરે તે.’

પ્ર. ‘આપનું પ્રજાકીય તંત્ર કેવા પ્રકારનું હશે?’

જ. ‘મને એની ખબર નથી; મને તો એની નીતિમાં જ રસ છે. અને નીતિ

એટલે પ્રજાની ઇચ્છાને પહોંચી વળવાનો સાધનમાર્ગ. એ સાધન બે જ હોઈ શકે: એક દગો, છળકપટ અને હિંસા; બીજું અહિંસા અને સત્ય.’

પ્ર. ‘ત્યારે અહિંસા સાથે દગોફટકો ન હોય?’

જ. ‘ના; નહીં જ હોય. દગોફટકો એ જ એક જાતની હિંસા છે.’

પ્ર. ‘આપને નથી લાગતું કે પરદેશી માલનો બહિષ્કાર એ સવિનયભંગ કરતાં વધારે અસરકારક થાત?’

જ. ‘ના. એ (કાર્યક્રમ) તૂટી પડ્યો. અમદાવાદ અને મુંબઈની મિલોએ ભળતું જ કાપડ મોકલી દેશને દગો દીધો, અને જે મિલનું શુદ્ધ કાપડ મોકલ્યું તો તેના દમ બાંધીને ભાવ લીધા. … વિદેશી વસ્ત્રબહિષ્કારમાં ૩૦ કરોડ પ્રજાનો સહકાર જોઈએ, જ્યારે સવિનય કાનૂનભંગમાં તો દસ હજાર તેજસ્વી સ્ત્રીપુરુષો નીકળી આવે તો બેડો પાર થાય.’

પ્ર. ‘એ કેવી રીતે? એ બધાંને જેલમાં પૂરવામાં આવશે એટલે થઈ રહ્યું.’

જ. ‘એ બાજી ખેલી જુએ તો ખરા, આ લોકોની ઉપેક્ષા કરતાં પહેલાં સરકારે એમને ફાંસીએ લટકાવવા પડશે.’

પ્ર. ‘આપની લડતને પરિણામે ખૂનામરકી ન થાય?’

જ. ‘થાય; બાકી મારો પ્રયત્ન તો હિંસાને રોકવાનો જ છે… અહિંસાત્મક હિલચાલ ન હોય તો દેશનો આ તંત્રની સામેનો વિરોધ ખૂનામરકીમાં જ પરિણમે.

પ્ર. ‘આપે પહેલાં કહ્યું હતું કે સવિનયભંગ માટે મુહૂર્ત નથી હજી. આજે એવું તો શું થયું છે કે આપે આપનો વિચાર ફેરવ્યો છે?’

જ. ‘મને ખાતરી છે કે મુહૂર્ત આવી ચૂક્યું છે. કારણ કહું? બહારનું તો ખાસ કાંઈ નથી બન્યું. પણ મારા મનમાં જે ગડમથલ ચાલી રહી હતી અને જે મને અત્યાર સુધી રોકતી હતી તે હવે શમી ગઈ છે.’

પ્ર. ‘એ અંતરની ગડમથલ શી હતી?’

જ. ‘તમે જાણો છો કે હું અહિંસાને દૃષ્ટિમાં રાખીને જ બધી પેરવી કરતો હતો. પણ વધતી જતી હિંસાની સામે મારે એ વિચારને વર્તનમાં કેવી રીતે મૂકવો એ મને સૂઝતું નહોતું. હવે મને દીવા જેવું સાફ દેખાય છે કે આજે મેં લીધેલા માર્ગથી હું ખૂનામરકીનું જોખમ હળવું કરું છું.’૧૫

મહાદેવભાઈએ नवजीवनના ૧૬–૩–’૩૦ના અંકમાં ગાંધીજીએ દાંડીકૂચ સારુ પસંદ કરેલી ટુકડીના સભ્યોનો પરિચય આપ્યો.૧૬ દેશવિદેશથી તે કાળે એકઠા થયેલા ચાળીસેક જેટલા ખબરપત્રીઓમાંથી કોઈએ સત્યાગ્રહીઓ વિશે મહાદેવભાઈ જેટલી વિગતવાર માહિતી નહોતી આપી.૧૬

દાંડી જવા સારુ ગાંધીજી સાબરમતી આશ્રમથી નીકળ્યા તેની મહાદેવભાઈએ ભગવાન બુદ્ધના મહાભિનિષ્ક્રમણ સાથે સરખામણી કરી. એ વર્ણન એવું સજીવ હતું કે नवजीवनના ૧૬–૩–’૩૦ના ‘મહાભિનિષ્ક્રમણ’ શીર્ષકના મહાદેવભાઈના લેખનો ઠીકઠીક એવો અંશ નીચે આપ્યો છે:

‘૧૨મી માર્ચને શુભ દિવસે ગાંધીજી અને તેમના સાથીઓએ આશ્રમમાંથી પ્રયાણ કર્યું તે વેળાનાં દૃશ્યો ઘણાંએ વર્તમાનપત્રોમાં જોયાં હશે, ઘણાંએ પ્રત્યક્ષ જોયાં હશે, અને છતાં કાંઈક ને કાંઈક જાણે કહેવાનું બાકી જ રહી જાય છે. ગીતાજી ઉપર સેંકડો માણસોએ ટીકા લખી, હજી લખાતી થોડી જ બંધ પડી છે?

આશ્રમની પ્રાર્થનાભૂમિ ઉપર ગયા અઠવાડિયામાં મેળા ભરાતા. ૧૦મીની રાત્રે એ બેત્રણ હજારની મેદનીને ગાંધીજીએ જાગ્રત કરી, ૧૧મીની રાત્રે દસ હજારનો સમૂહ એકઠો થયો. કોઈના મનમાં હતું કે ગાંધીજી પકડાશે તો એમનાં છેલ્લાં દર્શન કરી લઈએ, કોઈના મનમાં હતું કે એમનાં છેલ્લાં વચન સાંભળી લઈએ, કોઈને મહાન સલ્તનતની સામે લડવા જનાર ખોબા જેટલા માણસની ટુકડીનું દર્શન જ ચમત્કારિક હતું; સૌને આ રાજ્યની સામે મોરચા મંડાવાના છે એની ખબર હતી. ત્યાં જઈએ છીએ તેમાં એ યુદ્ધની સાથે આપણી સહાનુભૂતિ છે એમ મનાશે, રાજદ્રોહની ભાવનાથી આવ્યા છીએ એમ મનાશે એવી તેમને ધાસ્તી નહોતી. પણ એ બધા રાજદ્રોહીઓ હતા અને દેશપ્રેમીઓ હતા એમ કહેવામાં મને જરાય અતિશયતા નથી લાગતી.

પણ એમાં તો સરકારી નોકરો હતા, મિલમાલિકો હતા, મજૂરો હતા — ત્રણ મિલમાલિકોનાં કુટુંબોએ તો આખી રાત આશ્રમમાં જાગરણ કર્યાં હતાં, ચાર મિલમાલિકનાં કુટુંબો ગાંધીજીને આશીર્વાદ દેવા આવ્યાં હતાં, અને મિલમજૂરોએ આખી રાત ભજનો કરી ગાંધીજીની જય પોકારી રાત વિતાડી. સામાન્ય પ્રેક્ષકો હતા, અને સર પ્રભાશંકર પટ્ટણી જેવા અસામાન્ય પ્રેક્ષક પણ હતા. આ બધા આ રાજ્યને ટકાવવાને માટે ભેગા થયા હતા એમ તો કોઈ ન જ કહે, રાજ્યની હસ્તી મટાડવાના ગાંધીજીના શુભ કાર્યમાં અને અસાધારણ સાધનથી થતા પ્રયત્નમાં સહાનુભૂતિ દાખવવા, આશીર્વાદ આપવા ભેગા થયા હતા એ વિશે કોણ શંકા કરશે?

હા; એક વાત એટલી જ સિદ્ધ છે. ગાંધીજીએ કહ્યું છે તેમ, કોઈની આંખમાં ઝેર નહોતું. કારણ, ગાંધીજીની આંખમાં ઝેર નહોતું. ગાંધીજીના આ મહાપ્રયાણમાં ક્યાંયે કડવાશ નહોતી, અને વેરઝેરના ભાવ વિના ગુલામીમાંથી મુક્ત થઈ શકાય એવી નવી ઉત્પન્ન થયેલી ભાવનાનું દર્શન કરવા જાણે સૌ ભેગા થયા હતા.

આ બધાંને બોલાવવા કોઈએ ઢંઢરો નહોતો પીટ્યો, સભામાં જવા માટે વિનંતીપત્રો કાઢવામાં આવે છે તેવા વિનંતીપત્રો નહોતા નીકળ્યા. છતાં સૌ આવ્યાં — આબાલવૃદ્ધ, સૌ કોમોના અને સૌ જાતિના લોકો માઈલો ને માઈલો સુધી એ ઐતિહાસિક પ્રયાણના દર્શનના ઉત્સુક થઈને બેસી રહ્યાં; દર્શન થતાં ધન, અક્ષત, કુંકુમ અને પુષ્પની વૃષ્ટિ કરી, એનો કોણ બીજો અર્થ કરી શકે?

કુતૂહલખોરો પણ હતા; મોટરમાં વિરાજીને સિનેમાનાં પટચિત્રો ઉત્પન્ન કરનારા અખબારનવીસો અને તસવીરનવીસો પણ હતા;૧૭ — એઓ તો કોઈ આગ લાગી હોય કે જલપ્રલય થાય ત્યાં પણ એટલા જ કુતૂહલથી જાય, સરકાર ગોળી ચલાવતી હોય તો તેનાં પણ એટલા જ કુતૂહલથી ચિત્રો કાઢે. આ અજબ જાગૃતિ સાંખી ન શકવાથી એને કોઈ પણ રીતે ઉતારી પાડવાનો પ્રયત્ન કરનારા અખબારવાળા પણ હતા, અને કેવળ કુતૂહલભાવે ‘ગાંધી આ તે શાં ધતિંગ લઈ બેઠો છે’ એમ વિચારતા છૂટાછવાયા ગોરાઓ પણ હતા; અને પરદેશથી આ અપૂર્વ યુદ્ધનો અભ્યાસ કરવા આવેલા તટસ્થ વર્તમાનપત્રકારો પણ હતા. પણ કોઈને એ ગોરાઓનો દ્વેષ નહોતો, કટાક્ષખોર અખબારનવીસોનો પણ દ્વેષ નહોતો; સરકારે પોતાના લશ્કર કે સિપાહીઓનો દેખાવ જ નહોતો કર્યો એટલે તેનો દ્વેષ કરવાનો હોય જ નહી.

પણ વિરાટ દૃશ્યમાં એક પ્રકારનું ગાંભીર્ય હતું તે દેખાયા વિના રહેતું નહોતું. મોટાં મોટાં શ્રીમંત કુટુંબની બહેનોની આંખો ગાંધીજીને વિદાય દેતાં ભીની થતી હતી; ‘વૈષ્ણવ જન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે,’ ગવાયું અને ‘ભણે નરસૈયો તેનું દર્શન કરતાં, કુળ એકોતેર તાર્યાં રે.’ એ પૂરું થતાં પ્રયાણ શરૂ થયું ત્યારે એવા આદર્શ વૈષ્ણવ જનનાં દર્શન કરીને એકોતેર કુળ તારવાનો ભાવ આણનારા ભાવિકો ત્યાં હતા; ગાંધીજીની એ વેળાની ગંભીર મુખાકૃતિ ઉપર આશક થનાર મુસલમાન મિત્ર પણ ત્યાં હતા; અયોધ્યાનો ત્યાગ કરી પંચવટી તરફ પ્રયાણ કરતા રામચંદ્રજીને યાદ કરી આંખો ભીની કરનારી અનેક બહેનો હતી; અને સર ચીનુભાઈએ આપેલા ઉમદા ઘોડાની બાદશાહી ચાલ જોઈને૧૯ શિવાજીના ઘોડાની યાદ કરનારી મહારાષ્ટ્રી બહેનો પણ હતી.

છતાં એ દૃશ્યોનાં અનેક ચિત્રો મન ઉપર આવે છે અને ખસી જાય છે; આ આદર્શ ‘વૈષ્ણવ’ [ને જોઈ] લંકા જીતવા જનારા રામચંદ્રજી, અને વિજયી શિવાજીના કરતાં મારી આંખ આગળ બુદ્ધ ભગવાનનું મહાભિનિષ્ક્રમણ જાણે તર્યા કરે છે. ‘દુ:ખડૂબ્યા ઓ જગજન! આ હું આવ્યો રે!’ એ ભાવથી ‘શ્યામ રજની’ના અંધકારને ભેદતા, જગતની વિદાય લેતા બુદ્ધ ભગવાનના મનમાં જે ભાવ હશે તે ભાવ ગાંધીજીના મનમાં હોય તો આશ્ચર્ય નથી. બુદ્ધ ભગવાને મૌન સેવ્યું હતું, પોતાના મનમાં ચાલી રહેતા અનેક સંકલ્પોની કોઈને વાત કરી નહોતી, ગાંધીજીએ પોતાની મનોવેદનાની આખા જગતને સાક્ષી કરી એટલો આ દૃશ્ય અને પેલા દૃશ્યમાં ભેદ હતો. પણ ગાંધીજી જે પ્રતિજ્ઞા કરીને નીકળ્યા, જે પ્રતિજ્ઞા એમણે પોતાના સાથીઓ પાસે લેવરાવી, છેલ્લા દિવસ અથવા છેલ્લી ઘડી સુધી જે પ્રકારની ચેતવણી એઓ એ સૈનિકોને આપતા રહ્યા તેમાં રહેલું ગાંભીર્ય સમજનાર, આ પ્રયાણને મહાભિનિષ્કમણ ન કહેશે તો શું કહેશે?…

જે મોટી જવાબદારી શિર ઉપર લઈને જવાના છીએ તેની પાસે એક જ મૂડી છે. આશ્રમવાસીઓ પાસે એક જ મૂડી છે. આપણે વિદ્વત્તાની મૂડી બતાવી શકતા નથી. આપણી પાસે એક જ પૂંજી છે — આપણા યમનિયમોનું પાલન અથવા પાલનનો આપણો ભગીરથ પ્રયત્ન. જે વ્રતોની પ્રતિષ્ઠા કરીને આશ્રમ સ્થાપ્યું તે જ વ્રતો આપણું અમોલું ધન છે. આપણે બધા એ વ્રતો પાળનારા હોવા જ જોઈએ. એ વ્રતો વિશે આજે પણ કશી શંકા હોય તો તે, છેવટની ઘડીએ પણ નીકળી જઈ શકે છે…

‘આ આખરી ફેંસલો છે, આ નાટક નથી. વલ્લભભાઈના જેલ જવાની ખબર આવી ત્યારે પંડિતજીએ ગાયું ‘શિર સાટે નટવરને વરીએ’, એ શિર સાટાની આ લડત છે, સંભવ છે કે એમાં હુલ્લડો થાય, ખૂનામરકી થાય તોયે ભાગી છૂટવાનું નથી. [ભાગી છૂટીએ] તો સ્વરાજ ન મળશે, હુલ્લડ થાય તો આપણા લોકોના હાથે — હિંદુઓના હાથે, મુસલમાનોના હાથે — પણ મરી જઈ શકીએ છીએ. અને એમ હુલ્લડમાં ખપી જઈને આપણી અહિંસાને સાર્થક કરવાનું તો મળવાનું છે જ…

‘યાદ રાખજો, આ જિંદગીભરની ફકીરી છે;… આ મહા ધર્મયુદ્ધ છે; એક મહાવ્યાપક યજ્ઞ કરીએ છીએ. અને એમાં સૌએ હોમાઈ જવાનું છે. તમારી અશક્તિ હોય તો ખસી જજો. તમારી અશક્તિ એ તમારી શરમ નથી પણ મારી શરમ છે, કારણ, મને પ્રભુએ જે શક્તિ આપી છે તે તમારા સૌમાં છે, આત્મમાત્ર એક છે…’

આ, આ યુગનું મહાભિનિષ્ક્રમણ નહીં તો બીજું શું? એવા હું જાણું છું જેઓ એને મહાભિનિષ્ક્રમણ માનવાને તૈયાર થાય, અહિંસાના એક અનુપમ, અપૂર્વ પ્રયાસ તરીકે માનવાને તૈયાર થાય, છતાં શંકા કરે છે કે આ ‘અંધારામાં કૂદકો તો ન હોય?’ પણ બુદ્ધ ભગવાનને પણ કવિએ ‘ચાલ્યો, શ્યામ રજનીમાં ચાલ્યો’ કહીને વર્ણવ્યા છે. આપણે માટે એ શ્યામ રજની છે; પેલા હજારો પ્રેમિક પ્રેક્ષકોને માટે પણ એ શ્યામ રજની હોય એવો સંભવ છે. ગાંધીજી તો એ રજની ઉજાળનાર જ્યોતિ, સત્ય અને અહિંસાનાં અહર્નિશ દર્શન છે એટલે એ રજની નથી. આપણી સૌની રજની ફીટતાં જેટલી વાર લાગે તેટલી એ લડત લંબાશે. ગાંધીજી તો એ લડત લાંબી હોય કે ટૂંકી એ વિશે બેપરવા છે…૧૯

મહાભિનિષ્ક્રમણને પ્રથમ દિવસથી મહાદેવ-મોહન વચ્ચે પત્રવ્યવહાર શરૂ. એક જણ नवजीवन સંભાળે છે; રોજેરોજ ગાંધીજીનો મંત્ર ઝિલાવવા જંગી સભાઓ કરે છે; આશ્રમની દેખરેખ રાખે છે, બીજો એકસઠ વર્ષની વયે સરેરાશ અઢાર-વીસ કિલોમીટર કૂચ જુવાનોને શરમાવે એવી ગતિ અને સ્ફૂર્તિથી કરે છે; હજારોનાં ટોળાંને એકથી વધારે વાર સંબોધે છે, ખબરપત્રીઓના પ્રશ્નોની ઝડીને પહોંચી વળે છે; આગેવાનો સાથે મસલત ગોઠવે છે; અને અઠ્યોતેર સૈનિકોની ટુકડીના ચારિત્ર્ય અંગે ક્ષણેક્ષણ જાગરૂક રહીને રોજેરોજ એને ઘસીને ઉજાળે છે. અને આ બધાની વચ્ચેય પત્રવ્યવહાર ચાલે છે. મહાદેવે લખેલા ઘણા પત્રો આજે અપ્રાપ્ય છે. પણ બાપુના પત્રોમાંથી ઘણા જળવાયા છે, જે મહાદેવભાઈના પત્રો અંગેય થોડો ખ્યાલ આપી જાય છે.

પહેલો પત્ર મહાદેવે ૧૨મીએ લખ્યો જણાય છે, કારણ ૧૩મીનો એનો જવાબ ઉપલબ્ધ છે:

ચિ. મહાદેવ,

તમારો કાગળ મળ્યો હતો. તમને ઈશ્વર બધું બક્ષશે. આશ્રમે અત્યારે ઉજાળ્યું એમ ગણીએ. છતાં જાગૃતિ તો સારી પેઠે આવવાની બાકી છે. ઝટ ફુલાઈ જઈ નથી શકતા. જે હું છૂટો જ રહું તો ડૂબકી તો મારી જ જજો. દુર્ગાને અપવાસથી હાનિલાભ થયા હોય તેનું વર્ણન ઇચ્છું છું.

૧૩–૩–’૩૦બાપુના આશીર્વાદ૨૦

[તા. ક.] તેને નોખો કાગળ લખવો હતો, હવે નહીં લખું.૨૦

અને પંદરમીએ તો મહાદેવભાઈ ગુરુની આજ્ઞા મુજબ ‘ડૂબકી મારી’ પણ આવે છે. જુઓ ૨૩–૩–’૩૦ના नवजीवनના ‘ગાંધીજી સાથે બે ઘડી’ નામના લેખનો શરૂઆતનો ભાગ:

‘કાકાસાહેબ અને હું જે દિવસે નડિયાદ જવાને અમદાવાદ સ્ટેશને ગાડીમાં બેઠા તે દિવસે ગાડીમાં ભીડનો પાર નહોતો. બધાંયે ગાંધીજીની કૂચની વાતો કરતા હતા. અમદાવાદમાં દર્શન કરીને તૃપ્ત ન થયેલા બેત્રણ હજાર માણસો નડિયાદ જવા નીકળ્યા હતા. અમારે તો કામને અંગે જવાનું હતું.

નડિયાદ સ્ટેશનેથી ઊતરતાં ભાગ્યે જ કોઈને પૂછવું પડે કે ગાંધીજી ક્યાં ઊતર્યા છે? બધા રસ્તાના માણસો સંતરામ મંદિરના રસ્તા તરફ જ વળતા હતા. અને મનુષ્યોની એ અખંડ ધારામાં જે કોઈ નવું આવે તે ભળી જતું. સંતરામ મંદિરની દીવાલની બહાર માણસોની એટલી મોટી મેદની જામી હતી કે સ્થાનિક કાર્યકર્તાઓના પરિચય વિના ગાંધીજી પાસે પહોંચવું અશક્યવત્ હતું. પણ અમારે સદ્ભાગ્યે ફૂલચંદભાઈએ અમને દૂરથી જોયા, અને એ અમને ગાંધીજીને જ્યાં ઉતારો આપ્યો હતો તે ઝરૂખામાં એક ખાનગી રસ્તે લઈ ગયા. આ ખાનગી રસ્તે ઘૂસેલા માણસોની સંખ્યા પણ હજારેક હશે. ઝરૂખામાં માણસોની ભરતી એટલી બધી હતી કે ગૂંગળાઈ જવાને માટે થોડા જ વધારેની જરૂર હોય. આ મંડળની મધ્યમાં બેસીને ગાંધીજી પોતાનું સાયંકાળનું ભોજન કરતા હતા. ભોજન કરતાં કરતાં એક તરફથી પગ માલિશ થતા હતા, બીજી તરફથી અગત્યની વાતો ચાલતી હતી. ખાતી વેળા પણ ગાંધીજીને લોકો નચિંત કેમ ન બેસવા દેતા હશે, એ સહેજે થયું, પણ જેવા અમે ‘કામે’ ગયા હતા તેવા બીજા બધા પણ ‘કામે’ જ આવ્યા હશે તો આ બાર વર્ષમાં એમને નચિંત જીવે ખાતાં કોઈ દિવસ જોયા નથી, તો હવે શેના જોવાના હોય?૨૧

કૉંગ્રેસ મહાસમિતિ ક્યાં ભરવી એને અંગે કૉંગ્રેસ-પ્રમુખ જવાહરલાલજીના તારનો જવાબ આપવાનો છે, ટુકડીની જમવાની વ્યવસ્થા આણંદમાં કરવી કે બોરીઆવીમાં કરવી એને અંગે નિર્ણય આપવાનો છે, ત્યારે મહાદેવ સાથે તો અંદરના સંકલ્પની વાત જ પહેલી આગળ આવે છે:

મારા તરફ વળીને કહે, ‘આજ સુધી તો ભગવાને ઠીક નભાવ્યું છે, પણ મુશ્કેલી ઠીક આવી. આ લોકોએ એક ગામથી બીજા ગામનાં અંતર અટકળે જ માની લીધેલાં, એટલે દસ માઈલને બદલે પંદર માઈલ ચાલવાનું થાય છે. ઘોડા પર બેસવાનો અથવા ગાડાનો ઉપયોગ કરવાનો મને આગ્રહ કરવામાં આવે છે, પણ મારા મનનો સંકલ્પ તો પેલા અમરનાથ અથવા બદરીકેદાર જનારા યાત્રાળુઓના જેવો છે કે થાકું તો બેસી જવું પણ આખો પંથ પગે જ કાપવો. આપણી પણ ધર્મયાત્રા જ છે ને?૨૨

બીજે દિવસે સવારે મહાદેવભાઈએ જોયું કે બીજા સાથીઓથી કલાકેક વહેલા ઊઠીને ગાંધીજી ટપાલ પતાવતાં દીવાનું તેલ ખૂટ્યું, અને પાસે સૂતેલા, થાકેલા સ્વયંસેવકને ન જગાડવાના ખ્યાલે ચંદ્રપ્રકાશમાં જ લખતા હતા. મહાદેવભાઈએ પૂછ્યું કે આટલા પ્રકાશમાં શી રીતે લખો છો? તો કહે: ‘લખાય છે તો સારી રીતે; વંચાતું નથી.’ સૈનિકોના દૈનિક કાર્યક્રમમાં આશ્રમનું સમયપત્રક જાળવવાનો આગ્રહ રાખવામાં આવ્યો હતો. તેથી આ ‘જંગમ આશ્રમ’માં બે સમયની પ્રાર્થના, યજ્ઞનું કાંતવાનું અને દિવસને અંતે રોજનીશી લખવાનું વ્રત ગણીને આગ્રહપૂર્વક કરવામાં આવે છે. સૈનિક ટુકડીના સભ્યોને ઉપર જણાવ્યાં તે કામો ઉપરાંત અનેક જુદી જુદી જવાબદારીઓનાં કામો પણ વહેંચવામાં આવ્યાં હતાં. પોતાની નડિયાદની મુલાકાતના વર્ણનમાં છેલ્લા ફકરામાં મહાદેવભાઈનું વ્યક્તિત્વ દેખાઈ આવે છે:

આપણી તો આ ધર્મયાત્રા છે, અને ધર્મયાત્રામાં આપણી એક પણ ક્ષણ નકામી ન જવી જોઈએ. આપણી યાત્રામાં એ વસ્તુનું સ્થાન મહત્ત્વનું છે. આપણાથી દિવસમાં એક પણ કાર્ય એવું ન થાય કે જેથી આપણને શરમાવું પડે અને તે પ્રતિક્ષણ આત્મશુદ્ધિ અને આત્મપરીક્ષામાં ન જતી હોય.

સ્વરાજ ન મળે ત્યાં સુધી શાંતિ ન લેવાની અને સરકારને શાંતિ ન આપવાની પ્રતિજ્ઞાનું ગાંભીર્ય ક્ષણેક્ષણનો હિસાબ રાખવાની આ ચીવટમાંથી સમજી શકાય છે. આશ્રમમાંથી નીકળ્યા ત્યાર પછી ગાંધીજીને વધારે શાંતિ અથવા આરામ મળશે એમ ધાર્યું હતું, પણ સ્વરાજ વિના, આશ્રમમાં કે આશ્રમની બહાર, જેલમાં કે જેલ બહાર, શાંતિની આશા વ્યર્થ છે એ સમજી શકાશે.૨૩

દાંડીકૂચ અંગે ત્રણ જુદી જુદી કંપનીઓએ ફિલ્મ ઉતારી. મુંબઈ, સંયુક્ત પ્રાંત અને પંજાબની સરકારોએ આ ફિલ્મોને અપ્રમાણિત જાહેર કરી. એ બિના વિશે ટીકા કરતાં મહાદેવભાઈએ ૨૭–૩–’૩૦ના यंग इन्डियाમાં લખ્યું:

એ યાદ રાખવા જેવું છે કે મુંબઈના ફિલ્મ સેન્સર બોર્ડે એને વાંધાભરી નહીં હોવાનું પ્રમાણપત્ર આપ્યું હતું. પણ… [એ] સરકારોને પોતાનાં એવાં કારણો હશે જે સેન્સર બોર્ડની દૃષ્ટિમર્યાદાની બહાર હશે. જો આ ફિલ્મો આટલી બધી સ્ફોટક હતી તો નવાઈ એ લાગે છે કે કૂચને જ જે એનાથી સેંકડોગણી સ્ફોટક હોવી જોઈએ તેને દિનપ્રતિદિન કેમ આગળ વધવા દેવામાં આવે છે? પણ સરકારની વ્યૂહરચનાને છણવામાં કોઈ અર્થ નથી. એ રચનામાં મૂર્ખાઈ હોય, છેતરપિંડી હોય, ગમે તે હોય; સત્યાગ્રહીની વ્યૂહરચના તો એક જ છે — ઉઘાડા છોગે સત્યમય અને અહિંસક કાર્ય. છતાં પણ લાગતાવળગતા દરેકને કહેવાની જરૂર છે કે હિંદુસ્તાનની સ્વાતંત્ર્યની લડત સિનેમાની ફિલ્મો ઉપર લેશમાત્ર આધાર રાખતી નથી. જે લડતની શુભ શરૂઆત સને ૧૯૧૯ના એપ્રિલ માસની છઠ્ઠી તારીખે થઈ હતી અને જેનાથી લૉર્ડ ચેમ્સફર્ડ અને લૉર્ડ લૉઇડ મૂંઝાયા અને ગૂંચાયા હતા તે લડત સિનેમા- ફિલ્મો ઉપર આધાર રાખતી નહોતી. અને એવી ફિલ્મોના આધારે રોકાઈ પણ નહોતી.૨૪

મહાદેવભાઈ યાદ અપાવે છે કે પ્રાચીન કાળમાં રામાયણ કે મહાભારત કાળમાં કે અર્વાચીન કાળમાં ફ્રેંચ કે અમેરિકન ક્રાંતિ વખતે કોઈ સિનેમેટોગ્રાફ નહોતા છતાં દેશભક્તિની લાગણી તો હતી જ. ફ્રેંચ અને અમેરિકન ક્રાંતિના દિવસોએ ત્યાંના નાગરિકોની લાગણી આજે પણ પુલકિત થાય છે અને તેરમી એપ્રિલના કાંડના દિનને ભારતના નાગરિકોની યાદદાસ્તમાંથી કોઈ ભૂંસી શકે એમ નથી.

દાંડીકૂચના દિવસો દરમિયાન પટેલ – તલાટીઓનાં રાજીનામાંઓ જોઈને સરકારી પ્રકાશન ખાતાએ શરૂઆતમાં એવા ગપગોળા ચલાવ્યા કે કોઈએ રાજીનામાં આપ્યાં જ નથી. પછી કહ્યું કે એની સંખ્યા ઓછી છે, પછી કહ્યું કે એમની પાસેથી બળજબરીથી રાજીનામાં લેવામાં આવ્યાં છે અને તેઓ એને પાછાં લેવા ઉત્સુક છે.

‘દેખીતી આંખે પાટા’ નામના એક લેખમાં મહાદેવભાઈએ नवजीवनના ૬–૪–’૩૦ના અંકમાં આનો જવાબ આપતાં સુરત જિલ્લાનાં રાજીનામાંઓ મેળવવામાં પોતાનો હાથ હતો તે અનુભવને આધારે અનેક તાલુકાના પટેલ – તલાટીઓમાં અનેક રાજીનામાંના નક્કર દાખલાઓ આપીને આ અસત્યને ખુલ્લું પાડ્યું. આ લેખમાં મહાદેવભાઈએ ગાંધીજી સારુ ‘સત્યસંઘ-મર્યાદમણિ’ એવાં વિશેષણો વાપર્યાં. સામાન્ય રીતે આ બંને વિશેષણો રામચંદ્ર વિશે વપરાય છે.

દાંડીકૂચ શરૂ થઈ તે પહેલાં સરદારે ભરૂચની એક સભામાં આવતા સંગ્રામને એક ધર્મયુદ્ધ તરીકે વર્ણવેલો. તેનો રિપોર્ટ કેટલાંક અંગ્રેજી છાપાંઓએ રિલિજિયસ વૉર એવો અનુવાદ કરીને છાપ્યો, જેનો અર્થ ધર્મની લડાઈ એવો થાય. મહાદેવભાઈએ ‘ધર્મયુદ્ધ’ નામના લેખમાં ૬–૪–’૩૦ને દિને नवजीवनમાં એ અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું કે:

એમાં હિંદુઓ પરધર્મીઓની સામે ‘હરહર મહાદેવ’ કરીને નથી નીકળવાના કે મુસલમાનો, … ‘દીન દીન’ કરીને નથી નીકળવાના. બલકે એમાં હિંદુ, મુસલમાન, પારસી, ખ્રિસ્તી, યહૂદી, હિંદી તેમ જ અંગ્રેજ સામેલ થવાના છે. એટલે આ લડાઈ ‘જેહાદ’ નથી કે ધર્મને અંગે માંડેલ સંગ્રામ નથી.

આ જ લેખમાં મહાદેવભાઈએ ધર્મયુદ્ધ શબ્દનું મહત્ત્વ સમજાવતાં કહ્યું હતું કે,

આ લડતનું સાધન ધાર્મિક છે અને ધ્યેય પણ ધાર્મિક છે. અહિંસા અને સત્યમાં જેને વિશ્વાસ ન હોય તે આ લડતમાં જોડાઈ શકતા નથી… આ દેશનું સંપૂર્ણ સ્વરાજ એટલે આ દેશના કરોડો ગરીબોનું સ્વરાજ છે… એટલે સાધન અને ધ્યેય બંનેની દૃષ્ટિએ આ લડત અગાઉ લડાયેલી કોઈ પણ લડત કરતાં વિલક્ષણ પ્રકારની છે. આ વિલક્ષણતા જો સમજવામાં આવે તો ગાંધીજી પોતાની કૂચને ધર્મયાત્રા કહે છે તે, પોતાના સૈનિકોના વિચાર, વાણી અને વર્તન વિશે આઠે પહોર જાગ્રત રહે તે, તથા વારંવાર પોતાના હૃદયનો જ્વાળામુખી ખુલ્લો મૂકે છે તે સહેજે સમજાશે.૨૫

છેવટે મહાદેવભાઈ કહે છે:

‘જેમ જેમ ધર્મયુદ્ધ જામતું જશે તેમ તેમ હજી વધુ આત્મશુદ્ધિના, વધુ સંયમના અને વધુ આત્મનિરીક્ષણના પુરાવા આપણને મળતા જશે.’૨૬

૧૨મી માર્ચે સાબરમતી આશ્રમથી ગાંધીજીએ શરૂ કરેલી કૂચ જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ ગુજરાતમાં અને દેશના અન્ય ભાગોમાં પણ જાગૃતિ વધતી ગઈ. અમદાવાદ શહેરે તે દિવસનો મિજાજ લાંબા ગાળા સુધી જાળવી રાખ્યો. મહાદેવભાઈનું કામ અમદાવાદમાં રહીને અથવા આસપાસનાં ક્ષેત્રોમાં ફરી આવીને ગુજરાતના જંગનું સંચાલન કરવાનું હતું. રોજેરોજ એમની માગણી સભાઓમાં મુખ્ય વક્તા તરીકે આવવા સારુ થવા લાગી. ખુદ અમદાવાદ શહેરમાં જાહેરસભા સારુ બીજાં મેદાનો નાનાં પડવા લાગ્યાં. એટલે સાબરમતી નદીના વિશાળ પટ પર વિરાટ સભાઓ ગોઠવાવા લાગી. એક ટેબલ પર ઊભા રહીને મહાદેવભાઈ બોલે અને સભાની વચ્ચે અમુક અમુક અંતરે બીજા ઊભા રહે તે મહાદેવભાઈના શબ્દો ફરી ઉચ્ચારે; એમ લાઉડસ્પીકર વિના જ હજારોની સભામાં ભાષણો થતાં. એકબે વાર તો સાબરમતીના તટ પર એટલી વિશાળ સભા થયેલી કે લોકો એલિસબ્રિજ પર ઊભા રહીને સાંભળતા હતા. આખું દૃશ્ય સફેદ ટોપીઓના કોઈ વિરાટ પટ જેવું બની રહેતું. અલબત્ત, આ વિશાળ સભાઓમાં ભાષણો ખાસ લાંબાં થતાં નહીં. બહુ મોટી સભાઓ તો ગેરકાયદેસર રીતે પકવી આણેલા મીઠાના લિલામ માટેની થતી.

સત્યાગ્રહીઓની ટુકડીઓને જુદે જુદે સ્થળે ફરજ પર મોકલતી વખતે નાની નાની સભાઓ થતી તેમાં વક્તાઓ વિષયના ઊંડાણમાં જતા. એવી સભાઓમાં જ મહાદેવભાઈ આ ધર્મયુદ્ધનું રહસ્ય વિવિધ રીતે સમજાવતા. જાહેરસભાઓમાં તો સત્યાગ્રહની પ્રક્રિયા વિશે માહિતી જ અપાતી. છઠ્ઠી એપ્રિલે ગાંધીજીએ દાંડીના દરિયાકિનારે મીઠું પકવ્યું તે દિવસથી આખા દેશમાં ગેરકાયદેસર મીઠું પકવવાના કાર્યક્રમો ચાલ્યા, અમદાવાદમાં એક સભામાં મહાદેવભાઈએ કહ્યું કે,

આજે આખા દેશમાં જ્યાં જ્યાં બની શકશે ત્યાં ત્યાં લોકો ‘નિમકહલાલ’ બનવાનો આરંભ કરી રહ્યા હશે… એઓ (ગાંધીજી) કહે છે કે હિંદુસ્તાનના ગરીબોની પ્રત્યે આપણે નિમકહરામ રહ્યા છીએ, એટલે દેશને નિમકહરામ રહ્યા છીએ. તે મીઠાના કાયદાને નાબૂદ કરીને આપણે નિમકહલાલ બનીએ… મીઠાના રાક્ષસી કાયદા પ્રમાણે કુદરતી મીઠું એકઠું કરવું, માટીમાં ભળેલું મીઠું જુદું પાડવું; દરિયાના પાણીમાંથી સૂર્યનારાયણના તાપે અથવા ઉકાળીને મીઠું બનાવવું — એ ગુનો છે; એ મીઠું વેચવું એ ગુનો છે; એ મીઠું પરરાજ્યની સરહદમાંથી બ્રિટિશ સરહદમાં જકાત વિના લાવવું એ ગુનો છે. એ બધા પ્રકારના ‘ગુના’ કરવાની ગુજરાતે તૈયારી કરી લીધી છે… આપણે ત્યાં પ્રાંતિક સમિતિ તરફથી સ્વયંસેવકોને ધોલેરા અને દાંડીનું કુદરતી મીઠું વહેંચવામાં આવ્યું છે. એ વેચવાને માટે સ્વ. દાદાભાઈ નવરોજીનાં પૌત્રી બહેન ખુરશેદબહેન અને શેઠ અંબાલાલ સારાભાઈનાં પુત્રી મૃદુલા સ્વયંસેવિકા બન્યાં છે. આપણી પાસે બહુ મીઠું નથી એટલે દરેક સ્વયંસેવક અને સ્વયંસેવિકાને એક એક તોલા મીઠાનાં પડીકાં આપવામાં આવ્યાં છે. ‘સ્વરાજ્ય સબરસ,’ ‘સ્વરાજ સબરસ’ પોકારતાં પોકારતાં એ ભાઈઓ અને બહેનો એને અમદાવાદ શહેરમાં વેચવા નીકળી પડશે… જેઓ આ સૈનિકોને આશીર્વાદ આપવાને આવ્યા છો તેઓ આ સૈનિકોનાં ખીસાં ભરજો. એક તોલા મીઠાની કિંમત નથી, પણ એક તોલો મીઠું વેચીને રાક્ષસી કાયદો તોડવાની જેટલી કિંમત કરીએ તેટલી… ઓછી છે…ખરીદનાર પણ બરોબર સમજી લે કે એ મીઠું ખરીદવું એ પણ ગુનો છે… એ ગુનો સેંકડો અને હજારો જણ કરીને આપણે મીઠાના કાયદાને નાબૂદ કરશું. મીઠાના વેચાણના બધા પૈસા સત્યાગ્રહની લડતમાં જ જમા થશે… આ લડત જીતવાની એકલી એક જ શરત અહિંસાની છે. એને ધ્રુવતારાની જેમ નિરંતર આગળ રાખીને આગળ ધપજો… આપણે ત્યાં હવે ‘નિમકહલાલ’ અને ‘નિમકહરામ’ એવા બે વર્ગ સિવાય ત્રીજો વર્ગ જ રહ્યો નથી.૨૭

કૂચમાં ગાંધીજી સાથેના સૈનિકોએ ચણામમરા ખાવાના શરૂ કર્યા એટલે અમદાવાદ, ધોલેરા વગેરે સ્થળોએ પણ સ્વયંસેવકોએ ચણામમરા ફાકીને રહેવાનું શરૂ કરી પોતાની જાતને દરિદ્રનારાયણ સાથે એકતાર કરી.

પોતાનાં રોજેરોજનાં ભાષણોમાં મહાદેવભાઈ સત્યાગ્રહની પ્રગતિના સમાચારો પણ આપતા, જે સાંભળનારા ખૂબ ઉત્સાહ અનુભવતા.

૭મી એપ્રિલે દાંડીથી પત્ર લખીને ગાંધીજીએ મહાદેવભાઈની મારફત ગુજરાતને અભિનંદન આપ્યાં. વળી, પોતાના આ સેનાનાયકને સેનાપતિ પત્રો દ્વારા સલાહ આપતા, અથવા એમની પાસે સલાહ માગતા પણ ખરા. જાહેરસભામાં મીઠું વેચવું કે નહીં, સ્ત્રીઓને કયા પ્રકારનું કામ સોંપવું વગેરે પ્રશ્નોની ચર્ચા આમ પત્રવ્યવહાર દ્વારા થયેલી. ૮–૪–’૩૦ને રોજ ગુજરાત કૉલેજ વિદ્યાર્થી સંઘ અને યુવક સંઘના આશ્રય હેઠળ એક સભા અમદાવાદના વિદ્યાર્થીઓની મળી. સભાના પ્રમુખપદેથી મહાદેવભાઈએ યુવકોને સલાહ આપતાં આખો કાર્યક્રમ જ આપી દીધો:

તમારી પાસે પુષ્કળ કામો છે. દા. ત., કજિયાનાં કારખાનાં બંધ કરાવવાનું, દારૂનિષેધનું, સરકારી ગુલામખાનાં બંધ પાડવાનું તથા ગામડાંમાં પ્રચાર કરવાનું. ગૂજરાત વિદ્યાપીઠના વિઘાર્થીઓના ગ્રામપ્રચારે જ બારડોલી જીત્યું છે. આવતે વર્ષે મહેસૂલની ભયંકર લડત ચાલવાની છે તે વખતે એ ગ્રામપ્રચાર કામ આવશે. ગુજરાત આજે એટલું જાગ્યું છે કે કદાચ એ એકલું સ્વરાજ મેળવી લેશે ત્યારે બીજા પ્રાંતો આશ્ચર્યમાં ગરકાવ થઈ જશે. હજુ તો પેલા બાવાને (કૃપાલાનીને) બોલાવી હું ગુજરાત કૉલેજ બંધ પાડવાનો છું.૨૮

અમદાવાદની પોલીસે મીઠું ક્યાંથી આવ્યું તેની શોધ માટે અઢીસો રૂપિયાનું ઇનામ કાઢ્યું. મહાદેવભાઈએ ૮મી એપ્રિલની સાંજે જાહેરસભામાં કહ્યું:

‘એક હજારનું કાઢો તો હું, ખબર આપું અને લાખનું ઇનામ કાઢો તો ગાંધીજી ખબર આપે, અમારે એ ખાદીના કામમાં આવશે.’૨૯

એ વાત સાંભળી ગાંધીજીએ મહાદેવભાઈને ૧૧મીએ લખ્યું:

‘તમે ૨૫૦ના ઇનામનો જવાબ ભલે આપ્યો, પણ ૨૫૦ રૂપિયા લઈને પણ શું કામ જવાબ ન આપીએ? જો એમ કરતાં કેસ ચલાવે તો વળી આપણો મારગ સાફ થાય છે.’૩૦

ધોલેરામાં પોલીસ અત્યાચારની વાત સાંભળીને ગાંધીજીએ મહાદેવભાઈને લખ્યું કે:

ધોલેરા તરફ નવીન રીતે જ અમલદારવર્ગ કામ લઈ રહેલ છે. મને લાગે છે કે ત્યાં તમે એક આંટો મારી આવો તો સારું. હું આજથી૩૧ આસપાસનાં ગામડાંમાં જવા માંડ્યો છું. આ અઠવાડિયું આ તાલુકાની બહાર કે એની આસપાસથી આગળ નથી વધવાની ઇચ્છા. પણ કદાચ જરૂર જણાય તો ધોલેરા કે એવી કોઈ જગ્યાએ જવા હું તૈયાર રહીશ.૩૨

નવમી એપ્રિલની સભામાં મહાદેવભાઈ સેનાનાયકની ભાષામાં બોલે છે:

હવે આપણી પાસે અનેક ઠેકાણેથી મીઠું આવી રહ્યું છે. તેની પોલીસને ખબર આપું છું. તા. ૧૩મીએ મીઠાનો ડુંગર કરવો છે. હવે હું ઢગલાબંધ કાઢવા માગું છું. સેવકો ઉપર કાંઈ પણ થશે તો હું બહેનોને બહાર પાડીશ; અને જોઉં છું કે તેમના શરીરને કોણ હાથ અડાડી શકે છે. તા. ૧૩મીએ પરદેશી કાપડની મોટી હોળી કરવી છે. એ માટે સ્વયંસેવકો પરદેશી કાપડ ઉઘરાવવા નીકળશે. માટે ઢગલાબંધ કાપડ આપવા તૈયાર રહેજો. જે કોઈ શહેરીઓને આ લડતમાં જે કાંઈ મદદ કરવી હોય તેમણે પ્રાંતિક સમિતિમાં આપી જવું.૩૩

વળી,

લડતનો રંગ જામતો જાય છે. અત્યારે આપણે ભેગા મળ્યા છીએ ત્યારે શુંયે ચાલી રહ્યું હશે તેની આપણને ખબર નથી… જેને સખત કેદ મેળવવી હોય તેણે વાંદરા કે મુંબઈ જવું. સાદી કેદ જોઈતી હોય તો વીરમગામ જવું! બીજું ક્ષેત્ર સુરત અને ભરૂચ ઊઘડ્યું છે. જેણે છૂટા રહેવું હોય તેણે ઊભા રહી ભાષણ કરવું… ગઈ કાલે અમદાવાદની પોલીસને ધન્યવાદ આપ્યો હતો પણ એ જીરવી ન શકી. ધોલેરામાં પોલીસે જેમ કૂતરા-બિલાડાનો અવતાર લીધો છે તેવો જ અવતાર આપણી પોલીસે લીધો છે. આજે જે ભાઈ ઉપર જંગલી વર્તન ચાલેલ તે ભાઈ અહીં છે. તેમનો અંગૂઠો સૂજી ગયો છે. પોલીસ કેટલી પશુતા સુધી જાય છે એ જોવાનો પ્રસંગ આ છે…૩૪

ગાંધીજીની ઇચ્છા મુજબ મહાદેવભાઈ દસમીએ ધોલેરા પહોંચી ગયા. ત્યાંથી તેમણે લખ્યું:

જાહેર રીતે મીઠું પકવવાના એક સ્થળેથી૩૫ હું હમણાં જ ચાલ્યો આવું છું. મને થતું હતું, મને પકડવામાં આવશે, પણ હજી સુધી કાંઈ બન્યું નથી. લોકોનાં ટોળાં એટલાં મોટાં હતાં કે અમારા સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી નહીં. અલબત્ત, એમની ઇચ્છા હોય તો, પછીથી, એઓ, અમને પહોંચી શકે છે. અમારા બિનજકાતી મીઠાનો નમૂનો આ સાથે મોકલું છું. આશા રાખું છું કે આપને ગમશે.

મહાદેવ૩૬

ઉપરનો પત્ર અંગ્રેજીમાં લખાયેલ છે. એમ જણાય છે કે મૂળ તેમણે તે કૉંગ્રેસ-અધ્યક્ષ જવાહરલાલજીને મોકલ્યો હતો અને તેની નકલ ગાંધીજીને મોકલી હતી.

૧૦મીના જાહેર ભાષણમાં મહાદેવભાઈ પ્રશ્ન ઉઠાવે છે:

સરકાર રાજદ્રોહ માટે, ઉશ્કેરણી કરવા માટે, અને ગેરકાયદેસરની મંડળી માટે નેતાઓને જ્યારે પકડે છે, ત્યારે મીઠાનો કાયદો ક્યાં ગયો? એ માટે તો બહુ ઓછા પકડાયા છે. પણ આમાં તો સરકારની ચાલબાજી છે. સરકાર જેમ બીજી રીતે જબરી છે તેમ જૂઠાણું ફેલાવવામાં પણ જબરી છે. વિલાયતમાં તો કદાચ એમ ખબર આપવામાં આવી હશે કે ગાંધીજીએ એક ખાબોચિયામાં મીઠું બનાવ્યું અને કેટલીક જગ્યાએ કાયદાનો ભંગ થાય છે. રામ્સે મૅકડૉનાલ્ડે દસ વર્ષ પહેલાં લખેલી પોતાની ચોપડીમાં મીઠાના કાયદાને અન્યાયી કહ્યો છે. આવી સ્થિતિમાં ગાંધીજીને પકડે તો સરકાર બદનામ થાય, બીજી ધરપકડોમાં પણ ઇન્ડિયન પીનલ કોડની કલમો લગાડી સરકાર એવું જૂઠાણું ફેલાવવા માગે છે કે મીઠાના કાયદાનો બહુ ભંગ થયો ન હતો.૩૭

વળી એમણે આગળ કહ્યું હતું:

ધોલેરા અહીંથી સો માઈલ દૂર છે. વચમાં લાઇનદોરી છે. ત્યાંથી આવતી વખતે પોલીસે અમારી મોટર રોકી હતી. એની સાથે વાત કરતાં મેં એને એમ કહ્યું હતું કે, ‘તું આ નોકરી કરી શા માટે હેવાન બને છે? કાલે તું અમારા ઉપર ગોળી ચલાવીશ!’ એણે જવાબમાં કહ્યું હતું કે, ‘હું ગોળી ચલાવીશ પણ આસમાન નહીં ચલાવવા દે. અમે તો ઇચ્છીએ છીએ કે આ સરકાર નાબૂદ થાય, પણ તમારામાં તાકાત ક્યાં છે?’

ધોલેરામાં શું ચાલે છે એ હું પ્રત્યક્ષ જોઈને આવ્યો છું. અમૃતલાલશેઠના સો-દોઢસો સ્વયંસેવકો છે. પણ એમને ધન્ય છે. એઓ ત્યાંથી ચાર માઈલ દૂર મીઠું ભેગું કરવા જાય છે. ચાર અમલદારો અને બીજા પોલીસો એમનો મુકાબલો કરવા બેસે છે. એ તો મુકાબલો પણ કહી ન શકાય, કારણ કે પંદર-સત્તર વર્ષના છોકરા પર સાત-આઠ પોલીસો તૂટી પડે, અને છતાં, એ પાંચ-સાત મિનિટ જહેમત ચાલે. (પોલીસો) એની આંગળીઓ છૂંદી નાખે, લોહી નીકળે, અને નીચે પાડી નાખીને મીઠું ખૂંચવી લે. બીજા પચાસ વર્ષની ઉંમરના સૈનિક શ્રી નગીનદાસ મોદીએ પણ તેમને એટલી જ સખ્ત જહેમત આપી હતી,૩૭

રોજેરોજ ગાંધીજી અને મહાદેવભાઈ વચ્ચે પત્રવ્યવહાર ચાલે છે. કોઈ શંકા ઉઠાવે છે કે આમ મીઠું લઈ આવવું એ ‘સ્મગલિંગ’ (ચોરીછૂપીથી લાવવું) ન ગણાય? ૧૧–૪–’૩૦ને દિન ગાંધીજી મહાદેવભાઈને લખે છે:

લોકો છુપાવે નહીં એટલે સ્મગલિંગ નથી. સ્મગલિંગ તો ત્યારે જ હોય જ્યારે છુપાવવાનો ઇરાદો હોય. એટલે તમે જે ચલાવી રહ્યા છો તે બરાબર છે. મીઠું લાવનાર પણ જાહેર કરી દે (છેવટે) કે તે ક્યાંથી લાવેલ છે. માણસ ટપાલમાં મીઠું મગાવે તો ક્યાં નથી મગાવી શકતો?…૩૮

એ જ પત્રમાં ગાંધીજી મહાદેવભાઈને લખે છે:

‘તમે સાસ ખાઈને કામ કરજો. બીજાઓથી થાય તે સોંપતા જજો.’૩૮

આંદોલન રાષ્ટ્રીય બન્યું૩૯ ત્યાર પછી અઠવાડિયે અઠવાડિયે ગુજરાતના પૂરા આંદોલનના સમાચાર મહાદેવભાઈએ ગુજરાતની પ્રજાને नवजीवन દ્વારા આપવા માંડ્યા. ‘પ્રથમ સપ્તાહ’ લેખના કેટલાક ભાગ ઇતિહાસની નોંધ અને મહાદેવભાઈના મિજાજની નોંધ સારુ નીચે આપ્યા છે:

તા. ૧૨મી માર્ચે ગાંધીજીએ મહાભિનિષ્ક્રમણ કર્યું તે વેળા કદાચ એમણે પણ આશા ન રાખી હોય એવી જાગૃતિ આખા દેશમાં જણાઈ રહી છે. …

ગુજરાતમાં તો તા. ૬ઠ્ઠીએ જ આરંભ થયો; અને સુરત, ભરૂચ, ખેડા અને અમદાવાદ એમ ચાર જિલ્લાઓમાં જેટલે સ્થાને સત્યાગ્રહ કરી શકાય તેટલે સ્થાને કરવાની પેરવી કરવામાં આવી. ૧૯૩૦ના સત્યાગ્રહના ઇતિહાસમાં દાંડીની, આટની, બદલપુરની, લસુન્દ્રાની, ધોલેરાની અને વીરમગામની લડાઈઓની પ્રથમ નોંધ લેવાશે… હજારોની સંખ્યામાં સુરત-અમદાવાદમાં ‘સ્વરાજ-સબરસ’નાં પડીકાં વેચાયાં, ઊભરાતા ઉત્સાહે સ્વયંસેવકોએ અદાલતનાં મકાનોમાં પણ પડીકાં વેચ્યાં, પોલીસ-થાણા આગળ વેચ્યાં, પોલીસ અમલદારોને વેચવાની માગણી કરીને શરમાવ્યા, ખરીદનારાઓએ પોતાનાં નામો જાહેર કર્યાં એટલું જ નહીં પણ પોલીસને આહ્વાન કર્યું: ‘પકડાય તો પકડો,’ દાંડીની આસપાસનાં ગામોમાં તો ગામોનાં ગામો ભળ્યાં — સ્ત્રી, પુરુષો, બાળકો સહિત — અને આજે આટ અને ભીમરાડ જેવા ગામમાં દરેક ઘરમાં ‘ચોરીનું મીઠું’ આખા વર્ષને માટે સંઘરવામાં આવ્યું છે. લસુન્દ્રામાં બહિષ્કાર સંગઠન એટલું સખત થઈ પડ્યું કે પોલીસને, ત્યાં જીવવું મુશ્કેલ થઈ પડ્યું. એટલે તો લોકોને માટે દ્વાર ખુલ્લાં થયાં. કેટલાને પકડે અને કેટલાને રોકે? પોલીસ પણ થાકીને ભાગી છે, અને મીઠાના કાયદાનું નામનિશાન ત્યાં રહ્યું નથી. …

લોકોની જાગૃતિની શી વાત કરવી? અમદાવાદની રેતીમાં હજારો માણસો રોજ સાંજે ભેગા થાય છે, એમને કશો નવો સંદેશો મળતો નથી, એમની આગળ મોટાં ભાષણો થતાં નથી, છતાં લોકો ઊભરાતા રહે છે. બહેનો આઠ વાગ્યા સુધી બેસતાં થાકતી નથી. વેપારીઓ અનેક પ્રકારની મદદ આપવાને તૈયાર થયા છે. બહેનો મીઠું વેચવાને માટે નીકળવાની રજા માગે છે, સ્વદેશીનાં વ્રતો લેવાને તૈયાર થઈ રહી છે. પ્રાંતિક સમિતિમાં પરદેશી કાપડના ઢગલા થાય છે. મીઠાને માટે પૈસા આપતાં લોકો પાછું ફરીને જોતા નથી. તા. ૧૦મીએ એટલે પાંચમે દિવસે મીઠાનાં વેચાણની આવક ૩,૬૦૦ રૂપિયા જેટલી થઈ હતી. ભાઈ ચીમનલાલ બ્રોકરે વકીલાત છોડી, ગાંધીજી કહે તે કામ કરવાની તૈયારી બતાવી છે. શ્રી વામનરાવ મુકાદમ એમ. એલ. સી.નું રાજીનામું આપી સૈનિક તરીકે જોડાયા છે. શ્રી સ્વામીનારાયણ૪૦ ધોલેરા ગયા. ત્યાંનાં દૃશ્યો જોઈને તેમને પણ સત્યાગ્રહ કરવાનું મન થઈ ગયું. તેમણે જાહેરસભામાં મીઠું વેચ્યું અને તા. ૧૩મીએ જાહેર રીતે વેચવા નીકળવાના છે. મિલમાલિકોમાંથી શ્રી રણછોડલાલભાઈએ ભજવેલો ભાગ તો રોમાંચ ઉપજાવનારો છે… અમદાવાદ શહેરનાં સારાં સારાં કુટુંબોના અનેક પુત્રો છે, સરકારી નોકરોના પુત્રો છે, પેન્શનર પણ છે (જેઓ ધોળકાની ટુકડીમાં પકડાઈ ગયા), સ્ત્રીઓ છે, મુસલમાનો છે, પુષ્કળ મજૂરો છે… સાચી લોકજાગૃતિ એકલવાયી સંકુચિત રહેતી નથી; એ વ્યાપક સ્વરૂપ જ લે છે.

પ્રથમ બલિદાનોમાં ખાદીસેવકોનો હિસ્સો મોટો, કે રાષ્ટ્રીય વિદ્યાપીઠવાળાઓનો મોટો, કે બધી રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં પડેલા સેવકોનો હિસ્સો મોટો એ કહેવું મુશ્કેલ થઈ પડશે… શૌકત-મહમદની૪૧ ખુશામત કરીને સરકાર તેમની પાસે ગમે તેવાં વચનો બોલાવે૪૨ મહેરઅલી અને આબિદઅલી જેવા શૂરવીર જુવાનોને જેલમાં જતાં તેઓ રોકી શક્યા નથી. ભાઈ બહેરામ મહેતા[ને] — [અને] દારૂનિષેધની ચળવળના અઠંગ કાર્યકર્તાને — જેલમાં મોકલીને પારસી કોમ અભિમાન લેતી હશે કે કેમ તે હું નથી જાણતો પણ મીઠુબહેન તો જરૂર તેમની અદેખાઈ કરતાં બેઠાં હશે…

સરકારના રંગ જોવા હોય તો જુદા જુદા પ્રાંતોમાં જુદા જુદા જોવાના મળે છે. એક જ ગુનાને માટે સાદી કેદ અને ‘અ’ વર્ગ જોઈતો હોય તો જાઓ અમદાવાદમાં અથવા મુંબઈમાં; સખત કેદ(ની) જોઈતી હોય તો મુંબઈથી નજદીક વાંદરા અને વિલેપારલે જાઓ; સખત મજૂરી સાથે બેડીઓ પહેરવાનો ઉમળકો હોય તો ગુંડાશાહીના રાજ ખેડામાં જાઓ; અખાડામાં કસાયેલા શરીરને વધારે કસવાં હોય તો વઢવાણ અને ધોલેરા જાઓ. હજી બીજા પ્રાંતોની કથા આવતી જશે તેમ સરકારના વધુ રંગો દેખાતા જશે…

થોડાકને પકડ્યા, પછી સરકાર થાકી, જ્યાં આભ ફાટ્યું છે ત્યાં હાથ દીધેલે ક્યાં પત્તો લાગે? એટલે હવે સરકારે પશુબળનો ઉપયોગ કરવા માંડ્યો છે. અમદાવાદના બેત્રણ સૈનિકોના અંગૂઠા ઊતરી ગયા છે, ધંધૂકાને૪૩ વિશે હું જુદી નોંધ લખું છું, વીરમગામમાં અનેકનાં બાવડાં ઢીલાં કર્યાં છે…

‘ગેરકાયદેસર ટોળી’ શબ્દ આજ સુધી તો તોફાનીઓ અને ગુંડાઓની ટોળીને લાગુ પડતો. આજે એ સત્યાગ્રહીઓની શાંત વ્યવસ્થિત ટોળીઓને લાગુ પાડવામાં આવે છે. ફૂલચંદ શાહને આવી ટોળીના સભ્ય તરીકે અને ક્રાંતિકારક ગીતો ગાવા માટે પકડવામાં આવ્યા. એમાંનું (એક) ગીત —

‘કરો સાંધા ઢીલા સરકારના રે’

— એ હતું. જ્યારે ફૂલચંદભાઈ ઉપર કેસ ચાલતો હતો ત્યારે બહાર હજારો માણસો મૅજિસ્ટ્રેટના કાન ફાટી જાય એવી રીતે એ જ ગીત લલકારતા હતા અને બ્રિટિશ ન્યાય ઉપર હસતા હતા…

હવે ધોલેરાની થોડી હકીકત આપી દઉં. શ્રી અમૃતલાલ શેઠે પસંદ કરેલા સૈનિકો કાઠિયાવાડને અને અમૃતલાલ શેઠ બંનેને શોભાવી રહ્યા છે. ધોલેરાથી ચાર માઈલ ચાલી એઓ મીઠું લાવે છે. એ મીઠું લાવતાં એમને પકડવામાં આવે છે. પકડીને બે અંગ્રેજ અમલદારો, એક મુસલમાન અમલદાર અને એક હિંદુ અમલદારની ચોકડીની નજરોનજર, એમના ઉપર હુમલો થાય છે. પાંચછ લઠ્ઠ સિપાહીઓ એમના ઉપર હુમલો કરે છે. કાઠિયાવાડનો સૈનિક — પછી તે સત્તર વર્ષનો હોય કે સત્તાવન વર્ષનો — આ પાંચછ લઠિયાઓની સાથે પાંચસાત મિનિટ સુધી ટક્કર ઝીલે છે. એ ટક્કર ઝીલતાં પેલા પશુઓ કરડે છે, નખ દે છે, આંગળીમાંથી લોહી નીકળે તો પરવા રાખતા નથી. ફ્લેચર નામના અંગ્રેજ અમલદારે મને સવારે૪૪ કહ્યું: ‘તમારા સૈનિકો બહુ સુંદર રીતે વર્તી રહ્યા છે.’ મેં કહ્યું, ‘એ સાચું, પણ તમારા ઉપર એ સુંદર વર્તાવની કશી અસર નથી થતી એ દુ:ખની વાત છે. તમારા સૈનિકો હેવાન બને છે, એ શરમની વાત છે.’ પેલો કહે: ‘એ તો ફૂટબૉલ જેવી રમત છે, રમતમાં ઉઝરડા નથી પડતા?’ ઘડીક પછી જ એ ‘ફૂટબૉલ’ની રમત ચાલી અને એમ સૈનિકની આંગળીમાંથી લોહી નીકળતું હતું તે મેં એને બતાવ્યું ત્યારે કહે: ‘કમનસીબની વાત છે. હું દિલગીર છું. પણ આટલા માણસો હું એટલા ખાતર વાપરું છું કે તેથી ઓછામાં ઓછું બળ વાપરવું પડે…’

આમ, એક તરફથી આપણા સૈનિકો કશું બોલ્યા વિના, અપશબ્દ ઉચ્ચાર્યા વિના, આંગળી ઉગામ્યા વિના, શૂરાતન દાખવી રહ્યા છે. ત્યારે આપણા જ ‘સૈનિકો’ જે સરકારી નોકરીમાં આપણને બેવડા નિમકહરામ નીવડેલા છે તે, આ લોકોને બચકાં ભરે છે, લોહી કાઢે છે. મેં સિપાહીઓની સાથે વાતો કરી. પેલા મારનારાઓને નામર્દ કહ્યા, એમની ઉપર કશી અસર ન થઈ. પણ દૂર બીજા ઊભા હતા તેઓ શરમાયા. તેમણે કહ્યું: ‘શું કરીએ? પાપી પેટને માટે કરવું પડે છે.’ મેં કહ્યું: ‘કૂતરા પણ બનવું પડે?’ ‘કાયદો એવું કરાવે છે એટલે શું થાય? ‘… પાછા વળતાં લાઇનદોરીના સિપાહીએ એની એ જ વાત કરી. પેન્શનની આશાએ નોકરી કરીએ છીએ એમ કહ્યું અને અફસોસ નાખ્યો કે, ‘ગાંધીજી તો સેવા કરી રહ્યા છે, પણ સરકારનો અંત હજી આવતો નથી એ દુ:ખની વાત છે. અમને ખાતરી થાય કે એ અંત આવી રહ્યો છે તો તરત છોડીએ.’ એ મુસલમાન હતો. આગળ બોલતાં કહ્યું: ‘દિલ્હીમાં મારા કાકા શૌકત — મહંમદે સ્વરાજ લેવાની આશા આપેલી. ૧૯૨૧માં તે ન મળ્યું — આ વર્ષે પણ શી આશા રખાય?’ મેં કહ્યું: ‘વારુ ત્યારે આશા પડે ત્યારે છોડજે. પણ હેવાન ન બનજે, બદનામી ન લેજે, ભાઈ ઉપર ગોળી કદી ન છોડીશ.’ એટલે ગળગળો થઈને એ બોલ્યો: ‘ગોળી છોડવાનું ભલે મને મન થાય. આસમાન (એટલે ખુદા) ગોળી છૂટવા નહીં દે…’

આ હેવાનિયત કરનાર પણ આપણા ભાઈઓ છે. જ્યાં જ્યાં સિપાહીઓનો ભેટો થાય ત્યાં ત્યાં એમની સાથે ભાઈચારો કરવો અને એમને નિમકહલાલ થવાનું સમજાવવું એ દરેકનું કર્તવ્ય છે; પણ તે ઉપરાંત મોટું કર્તવ્ય એ છે કે એ લોકોને સ્વરાજ આંખ આગળ આવી રહ્યું છે એવી આપણા વર્તનથી ખાતરી કરી આપવી…

અહિંસક રીતે વ્યાપક સવિનયભંગ કેવી રીતે થઈ શકે છે એ તો જગતે જોઈ લીધું છે અને લૉર્ડ અર્વિન પોતાના ડાહ્યા સલાહકારોને પૂછતા થઈ ગયા હશે કે, ‘આ સવિનયભંગ હજારો માણસો કરી રહ્યાં છે, પોલીસ હેવાન બને છે છતાં કેમ ક્યાંય તોફાન-અત્યાચાર નથી થતાં? તમે સવિનયભંગની મને આપેલી વ્યાખ્યા તો ખોટી લાગે છે,’ પણ આ તો આપણા આપભોગ અને સંકટસહનની પહેલી પૂણી છે. હજી ગોળીબારની બાકી છે. એ પછી લૉર્ડ અર્વિનને પાકી ખાતરી થશે.૪૫

ગાંધીજીની કલ્પના કરતાં એમને વધુ દિવસો છૂટા રાખવામાં આવ્યા હતા. મહાદેવભાઈને પણ છઠ્ઠી એપ્રિલે રાતે સાડા દસ પછી ગાંધીજીએ લખ્યું:

મણિલાલ કોઠારી પકડાયાનું સાંભળ્યું છે. રામદાસ વગેરે તો પકડાયા જ છે. સરસ થઈ રહ્યું છે. તમારા પણ દહાડા અથવા કલાક ગણવા. હું તો બહાર રહું તોયે ઠીક છે, અંદર જાઉં તોયે ઠીક છે… વખત મળે તો ઓરતોને ઑર્ગેનાઇઝ કરી લેજો. આશ્રમની બહેનો પહેલ કરે તો હરકત નથી; કદાચ આવશ્યક હોય. આ ઉલ્લેખ મદ્યપાન વિશે છે… અહીં તો હજુ કોઈના ઉપર હાથ નથી નાખ્યો. સરોજિનીદેવી અહીં રહ્યાં છે, ને અબ્બાસ ડોસા (તૈયબજી) પકડાય તો એણે જગ્યા લેવાનો નિશ્ચય કર્યો છે…૪૬

વળી ૧૪મી એપ્રિલ:

તમને સવારે તો કાગળ મોકલ્યો જ છે. આ, બીજો. રાતના સાડા દસ વાગ્યા છે. જવાહર પણ ગયો. અહીંથી પંડ્યા,૪૭ ઘિયા૪૮ ઇ. ગયા. કહે છે કે જુગતરામ૪૯ને પણ ઉપાડે છે. આ બધાને આરામની આવશ્યકતા તો હતી જ. એકસાસે કામ કરી રહ્યા હતા. લોકો તો પોતાની મેળે કામ કરતા થઈ ગયા લાગે છે… બાને તો તૈયાર કરીને જ લાવજો. સામાન લાવવો હોય તો લાવે. એને સારુ તો કામ કાઢી જ રાખ્યું છે.૫૦

એક ભાષણમાં મહાદેવભાઈએ કહ્યું:

ધોલેરાથી આવીને એ દિવસે મેં સભામાં ત્યાંની ચળવળનું વર્ણન આપ્યું હતું. ત્યાર બાદ મને અહીંયાંના પોલીસ અમલદારો મળ્યા અને જણાવ્યું કે, ‘અમે એ લોકોને વધારે સભ્ય વર્તન રાખવા અને બળજોરી નહીં કરવા માટે હુકમ મોકલ્યા છે.’ પણ ધોલેરાના છેલ્લા સમાચાર ત્રાસજનક છે. ભાઈ અંબાલાલ શુક્લ પર જે ત્રાસ ગુજાર્યો છે તેમાંથી તો આ રાજ્યની જે બદનામી થઈ તેવી ભાગ્યે જ થઈ હશે. અંબાલાલ પર આઠ-દસ પોલીસ તૂટી પડ્યા, એમની છાતી પર મુક્કા માર્યા, ગળે નખ દીધા અને છેવટના એમનાં ગુહ્યાંગ પણ દબાવવામાં આવ્યાં. આનાથી વધારે દુષ્ટ અત્યાચાર બીજા હોઈ જ ન શકે. સ્વયંસેવકો એમને હૉસ્પિટલમાં લઈ ગયા અને ઇંજેક્શન પછી જ્યારે એમને દોઢ કલાકે ભાન આવ્યું ત્યારે એમણે પૂછ્યું, ‘હું સરકારી હૉસ્પિટલમાં તો નથી ને?’ ત્યાર બાદ એમણે જણાવ્યું કે, ‘મારી પાસે હજી મીઠું છે,’ એમનું શૂરાતન આખા ગુજરાતમાં ગવાશે. એમનામાં જે અહિંસા જીવી રહી છે તેનાથી આ રાજ્યનો નાશ નક્કી છે.૫૧

૧૫મીએ ગાંધીજી પાસે ખોટી અફવા પહોંચી ગઈ કે મહાદેવભાઈને પકડ્યા. તેમણે તરત જ લખ્યું:

ચિ. મહાદેવ,

હમણાં સાંભળ્યું કે તમને ઉપાડ્યા!!! ભલે. આરામ મળશે. આટલા દહાડા બહાર રાખ્યા એ પણ આશ્ચર્ય હતું. લોકો જેમ તવાય તેમ સારું છે.

અબકી ટેક હમારી લાજ રાખો ગિરિધારી

બાપુના આશીર્વાદ

કલકત્તા, કરાંચી અને પૂનાથી અશાંતિના સમાચાર આવ્યા. તે સાંભળી મહાદેવભાઈએ અમદાવાદની એક સભામાં કહ્યું:

આ દેવ અને અસુરનો સંગ્રામ છે. સરકાર તો આસુરી શક્તિ છે જ; પણ આપણામાં રહેલા અસુર સામે પણ આપણે લડવાનું છે… કરાંચીમાં પ્રજાને ચીડવનાર પોલીસ જ. કલકત્તામાં કારણ આપનાર, ઉશ્કેરણી કરનાર પોલીસ જ, પણ કલકત્તામાં ઈજા કરનાર, તોફાન કરનાર, (ટ્રામ) બાળનાર આપણા લોકો હતા. અને તા. છઠ્ઠીથી પવિત્ર લડતમાં જોડાનાર આપણે, હિંદી કે યુરોપિયન જાનમાલને નુકસાન ન કરવાની પ્રતિજ્ઞા લીધી છે. અને ખરેખર, તેથી, આવા બનાવો બને એ આપણી બેશરમી અને દિલગીરી છે. ગાંધીજી નુસખો શોધવાનું કહેતા હતા તે એ કે શાંતિના બધાય સ્વયંસેવકો હિંસા ફાટી નીકળે ત્યારે એમાં ભસ્મીભૂત થઈ જાય. હસીને બેસી ન રહે. લડત પ્રચંડ વેગમાં હોય ત્યારે પણ હિંસાને અટકાવવાની બ્રેક એ જ છે. એ કસોટીએ જયરામદાસ૫૩ ચડ્યા છે. સેનગુપ્તા અને સુભાષ બંને કલકત્તાના રમખાણ વખતે જેલમાં હતા. પ્રજાનાયકોને જેલમાં પૂરી સરકાર ઉપર શાંતિ જાળવવાની બેવડી જવાબદારી આવી પડે છે. સરકાર જ, તેથી, રમખાણ માટે જવાબદાર છે. ગુજરાતના સ્વયંસેવકોએ બધાના પ્રમાણમાં પોતાનું નામ દીપાવ્યું છે.૫૪

‘બીજું સપ્તાહ’ નામના ૨૦–૪–’૩૦ને દિન नवजीवनમાં પ્રગટ થયેલા લેખની કેટલીક અગત્યની વાતો:

ગુજરાતમાં બલિદાનોની ઉત્તરોત્તર વૃદ્ધિ થતી જ ગઈ છે. વીણી વીણીને સરકારે ગુજરાતના સેવકોને ઉપાડવા માંડ્યા છે… આમ શાંતિસેવકોને પકડીને અશાંતિ સ્થાપવાનાં સરકારનાં ફાંફાં બધાં અહીં તો ફોક ગયાં છે. ગુજરાતમાં મીઠાના કાયદાનો સવિનયભંગ જેવો થયો તેવો ભાગ્યે જ બીજે કોઈ ઠેકાણે થયો હશે. આજે અમદાવાદની ટુકડીના ભાઈ રમણીકલાલ ચૂનીલાલ નામના નવજવાન પાસેથી તો મીઠું ઝૂંટવી લેવા માટે તેમની બગલમાં બટકું ભર્યું, અને બીજી બગલમાં વિખેડા૫૫ ભર્યા, હાથ અને પગ પર જોડાની એડી ભરાવી, મોઢે ડૂચો દીધો, ગળું દાબ્યું અને છેવટે ગુહ્ય ભાગની ગોળીઓ દબાવી ત્યારે રમણીકલાલ બેભાન થઈ ગયા. ભાઈ રમણીકલાલને સ્ટ્રેચર પર સુવડાવી છાવણીમાં લાવ્યા, પાણી છાંટ્યું ત્યારે ભાન આવ્યું. હાલ શેક ચાલે છે. શરીર આખું ગૂમડા જેવું થઈ ગયું છે. તેમની હિંમત કોઈ પણ શૂરા ક્ષત્રિયને દીપાવે તેવી છે. ફોજદારને રાત્રે અગિયાર વાગ્યે ભાઈ રમણીકલાલની તબિયત જોવાનું સૂઝ્યું, અને છાવણીમાં આવ્યા; પણ ત્યારે તો ઘાયલ થયેલ ભાઈની આંખ ઘેરાઈ ગઈ હતી.૫૬

ગાંધીજીએ ધોલેરા અને વીરમગામના સૈનિકોને ખાસ સંદેશો મોકલ્યો. તેમાં ગાંધીજીને જેણે આ સમાચારો મોકલ્યા હતા તેમને સાવધાન રહેવા અને સિદ્ધ કરવા તૈયાર રહેવા સૂચવ્યું. તેમણે એમ પણ લખ્યું કે સત્યાગ્રહના જે ઉપચારો આજ લગી લેવાયા છે તેના કરતાં પણ વધારે ઉગ્ર લેવાય તેવા મોજૂદ છે. જેમની ઉપર અત્યાચારો થયા હતા તેમને નિર્ભય રહેવાની તેમણે સલાહ આપી. અને છેવટે એમ પણ કહ્યું કે અત્યાચારો અટક્યા ન હોય તો તેઓ જાતે ત્યાં જવા અધીરા થઈ રહ્યા હતા. ‘ઈશ્વરરકૃપા હશે તો હું ત્યાં પહોંચીશ ને નિવારણ સૂચવીશ!’ છેવટે ગાંધીજીએ બાંહેધરી આપી હતી કે ‘સુરત જિલ્લાના કાર્યને પહોંચતા છતાં મારું મન ધોલેરા કે વીરમગામમાં પરોવાયેલું રહે છે.૫૭

દેવદાસ ગાંધી દિલ્હીથી પકડાયા. ‘લો આ જેલમાં પહોંચ્યા’થી શરૂ થતા ૧૨–૪–’૩૦ના પત્રમાં તેમણે દિલ્હી જેલથી ત્યાંના આંદોલનનું આબેહૂબ અને રમૂજી વર્ણન આપી છેવટે એક ગંભીર બાબત અંગે સ્પષ્ટતા કરી:

તમે લખો છો કે રાઉન્ડ ટેબલ કૉન્ફરન્સ વગેરેની બાબતમાં મારો મત બાપુથી જુદો પડતો હોય તો મારે સ્વયંસેવક બની લડતમાં જોડાવું ન જોઈએ. મારો મત તો તમે જાણો છો એ જ છે. જે ચેન્જ ઑવ હાર્ટ (હૃદયપરિવર્તન) બાપુ માગતા હતા તે આ પ્રસંગે જોવામાં આવ્યું હતું. જો સંપૂર્ણ નહોતું જોવામાં આવતું તો તેનાં સ્પષ્ટ કારણો હતાં. ચેન્જ સંપૂર્ણ કરાવવામાં સરકારને બાપુની જ મદદની જરૂર હતી. એ મદદ ગર્ભિત રીતે એમણે માગી પણ હતી. કેટલીક આવશ્યક મર્યાદા છે. સાથે ડોમિનિયન સ્ટેટ્સ (સ્થાનિક સ્વરાજ) મળી જાત એમ હું માનું છું.

આમ છતાં લડતમાં ન જોડાવાનું સબળ કારણ નથી. બાપુના ૧૧ મુદ્દાઓ મને ગમ્યા છે, અને તેને માટે જ આ લડત છે. તેમાંથી અરધા પણ જો સરકાર સ્વીકારવા તૈયાર ન થાય તો તેની સાથે લડ્યે જ છૂટકો છે. બીજું કારણ ડિસિપ્લિન (શિસ્ત) છે — એ ડિસિપ્લિનને લીધે પણ હું જોડાયો છું.

આ બધું ટૂંકમાં પતાવું છું. તમને લંબાણથી લખવાની જરૂર પણ નથી.૫૮

૨૦મી એપ્રિલે ગાંધીજીએ મહાદેવભાઈને લખ્યું:

‘બે દિવસથી તમારો કાગળ નથી. ધોલેરા-વીરમગામ વિશે જાણવા ઉત્સુક છું. લખજો કે લખાવજો. ચિત્તાગોંગમાં તો બળવો જ થયો એમ જણાય છે. રામ રાખે તેમ રહીએ.’૫૯

૨૩મી એપ્રિલે તો આખરે મહાદેવભાઈની ધરપકડ થઈ. ધરપકડ અને ત્યાર પછીની એમની મનોદશાનું વર્ણન મહાદેવભાઈએ અત્યંત પ્રભાવક શૈલીમાં કર્યું છે. એનો ઘણોખરો ભાગ ટાંકીએ:

બે વખત મારા પકડાવાની બૂમ ઊઠી, અને બંને વખત એ ખોટી પડી. પહેલી વાર તો એ ખબર એટલી બધી ફેલાઈ ગઈ કે મારા જીવતાં મને મારી મૃત્યુનોંધ ઘણાં છાપાંમાં વાંચવાની મળી. પણ આ વેળા હું સાચે જ પકડાયો છે. આ વેળા સાચે જ વાઘ આવ્યો, છતાં વાઘ આવ્યો એમ કહેવાને બદલે હું વાઘની પાસે ગયો એમ કહેવાને હરકત નથી, અને એટલી મારી દિલગીરી છે. રાજદ્રોહનો પ્રચાર કરવાનું તો છેલ્લાં દસ વર્ષમાં મેં જરાય બાકી નથી રાખ્યું. છેલ્લા સત્તર દિવસમાં મીઠાના કાયદાનો ભંગ જેટલી રીતે અમદાવાદમાં બેસીને થઈ શકે તેટલી રીતે કર્યો, હજારો પાસે કરાવ્યો. તોયે મને ન પકડ્યો. એનું મને જરાયે દુ:ખ નહોતું. કારણ, મારી બધી ઘડીઓ કામમાં રોકાયેલી હતી… આખરે તો એક અડપલામાં જ હું અને મારા સાથી પકડાયા. જે પોલીસ અમલદારોએ અમારી મીઠાની ગૂણીવાળી લૉરી રોકી તેમણે મને બહુ વીનવ્યો, ‘તમારે પકડાવાની જરૂર નથી, તમે બીજી મોટરમાં હતા; શા સારુ આ લૉરીમાં બેસો છો?’ પણ એ ભલા અમલદારોના કરતાં મારો આ કર્તવ્યનો ખ્યાલ જુદો હતો. જે જુવાનો મારી સૂચનાથી, અને મારી આજ્ઞાથી કહું તો મારી આજ્ઞાથી, મીઠું લાવ્યા હતા, તેમને લૉરીમાં રાખીને હું અળગો ઊભો રહું એ મારે માટે અસહ્ય હતું. એટલે મેં કહ્યું, ‘મીઠાની ગૂણો મારી છે, મારા કહેવાથી આ સૌ એ ગૂણો લાવ્યા છે અને અમને સૌને ન પકડો ત્યાં સુધી એ ગૂણ ન મળે.’ અમલદારને પકડવાનો અધિકાર નહોતો, એટલે લૉરી સાથે અમને ‘ગાયકવાડની હવેલી’માં લાવવામાં આવ્યા. પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ, કલેક્ટર વગેરે વચ્ચે બે કલાક મસલત ચાલી, અને સ્વાભિમાનનો મર્મ જાણનારા આઇરિશ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટે બહાર આવી કહ્યું: ‘તમે મીઠું ન આપો તો તમને પકડ્યા સિવાય બીજો રસ્તો નથી.’ હેવાનિયત ચલાવવાને બદલે અમને સૌને પકડવાનો સભ્ય રસ્તો લીધા બદલ એ પોલીસ અમલદારનો હું આભારી છું…

હસીને એણે મને કહ્યું: ‘તમે આમ પકડાશો એવી મારી કલ્પના નહોતી, તમે વીરમગામ હશો એવું હું ધારતો હતો.’ આ વચનમાં જેવી એની ભલમનસાઈ હતી તેવો મારે માટે જાણે મીઠો ઠપકો હતો. આ લખી રહ્યો છું ત્યારે મને એ ઠપકાનું ભાન જરા મૂંઝવે છે. સંભવ છે કે આ માસમાં જ આ લડત અતિશય આકરું સ્વરૂપ લેશે… દેશમાં થોડા જ દિવસમાં અપૂર્વ બલિદાનોનો મહાયજ્ઞ થવાનો છે, ત્યાં આમ પકડાઈ જવું એ બહુ ગમતું તો નથી જ. જે દિવસે ગાંધીજી પોતાના સૈનિકો સાથે ગોળીઓના વરસાદ નીચે દટાઈ જશે તે દિવસે હું તેમની સાથે હઈશ. મારા કેટલાક ચૂંટેલા ભેરુબંધોને લઈને ત્યાં પહોંચી જઈશ, એવું સ્વપ્ન હું જોતો હતો, ત્યાં તો હું પકડાઈ ગયો…

પણ એ મહાબલિદાન આપવાને માટે અનેક જન્મની તપશ્ચર્યા જોઈએ, અપાર આત્મશુદ્ધિ જોઈએ…

આ વિચાર કરતાં પ્રીતમદાસનું અમર વચન યાદ આવે છે:

‘માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખનારા દાઝે જોને.’

જેલમાં જવામાં આજે ‘મહાસુખ માણવા’પણું નથી રહ્યું, કારણ કે જેલ એ પાવકની જ્વાળા નથી. પાવકની જ્વાળા તો બહાર સળગી રહી છે, સળગવાની છે. જેલમાં જઈને બેસનારા એ ‘દેખનારા’ છે, વિલાસ ભોગવનારા છે. જેલની બહાર રહીને કાર્ય કરનારા, પાવકની જ્વાળામાં ભસ્મ થવાને માટે તૈયારી કરનારા એ ખરેખરા ‘માંહી પડ્યા’ છે, અને એ ‘મહાસુખ’નો લહાવો મારે નથી રહ્યો, અને જેલમાં જઈને દેખીને દાઝવાનું રહ્યું છે એનું મને દુ:ખ છે…૬૦

ન્યાયાધીશે મહાદેવભાઈને છ માસની કેદ તથા રૂ. ૨૫૦/-નો દંડ અને તે ન ભરે તો બીજા દોઢ માસની કેદની સજા ફરમાવી હતી.

મહાદેવભાઈને જેલ જતાં ‘અડપલાં કરતાં પકડાયો’ એમ વસવસો કરેલો તે વિશે અને જેલમાં ગયો તેથી મરનારા સાથે નહીં રહી શકાય એમ કષ્ટ અનુભવેલું તેને લક્ષમાં રાખીને ગાંધીજીએ મહાદેવભાઈને ૨૫–૪–’૩૦ને દિન એક પત્રમાં લખ્યું:

તમને આશીર્વાદ છે જ.

તમારાથી લૉરી ઉપર ચડ્યા વિના ન જ ચાલે એમ હતું, છતાં, મારી દૃષ્ટિએ દોષ તો થયો છે. આ દોષદર્શન, ખરું જોતાં બીજાઓને સારુ છે. પણ ભલે તમારે સારુ પણ હોય. મોટર ખોવાની કશી જરૂર ન હતી. હું સમજ્યો હતો કે તમે ગંગાની કાવડ કરશો. એ મને બહુ ગમ્યું હતું. ધારો કે પાંચ પાંચ માઈલ છેટે કે એવે અંતરે છાવણી નાખી હોય, પચીસ-પચીસની ટુકડી પાંચ પાંચ શેર લઈને નીકળે એટલે થયું ત્રણ મણ પાંચ શેર; બીજે મુકામે સોંપીને ત્યાં રહે. ત્યાંની ટુકડી ત્રીજે મુકામે પહોંચાડે; બીજી પાછી વળે એટલે પહેલી ધોલેરા પહોંચે. આમાં ભારે તાલીમ હતી ને મીઠાનો સુખેથી બચાવ થાત. નુકસાન કાંઈ જાત નહીં. તમે કર્યું તેમાં ગાડું ખોવાપણું હતું ને લૉરી તો ખોવાની જ હતી. વળી કાંઈક છાનું રાખવાપણું પણ હતું, છાનું રાખવાની શક્તિ ઉપર તમારી જીત હતી. આપણી પાસે એમ છાનું રાખવાનું તો કાંઈ હોય જ નહીં. આવી રીતે છાના રાખવામાં સામાન્ય યુદ્ધની ચતુરાઈની વાત આવી. એ આપણે સારુ વર્જ્ય છે. અને, લૉરીમાં રહેલા મીઠાનો કબજો લેતાં પોલીસે બહુ વધારે બળ વાપરવું પડે એમ, આપણે, વગર કારણ ન કરીએ. એટલે તમારી રચનામાં બહાદુરી તો ખૂબ હતી. ચતુરાઈ પણ તેટલી જ હતી; પણ શુદ્ધ અહિંસા ન હતી.

છતાં આજના વાયુમાંથી તમને આ વસ્તુ ન જડત, હું પોતે ક્યાં ભૂલ કરી જતો હોઈશ એની શી ખબર પડે? માત્ર એક પગલું હું તો વિચાર્યા વિના લેતો જ નથી; ને દરેક નવા પગલાને સારુ મને વિચારવાનો સમય મળે છે. આજકાલનું વિચારવું કેવળ પ્રાર્થનારૂપે છે. બુદ્ધિનો પ્રયોગ નથી કરતો. હૃદયમાં જ તપાસી જાઉં છું.

સ્વામીએ ભાયંદરથી મીઠું ઉપાડવા ધાર્યું હતું. એમાં પણ આવો દોષ આવી જાત. ધારાસણા મારી નજરે પડ્યું છે પણ તેની પાસે પણ કોઈને જવા નથી દેતો. કબજે લેવાનો આખર નિશ્ચય થશે તો જાહેર રીતે નોટિસ આપીને સંઘ નીકળશે.

આટલું મેં લખ્યું છે તેથી મુદ્દલ પશ્ચાત્તાપ ન કરતા, દુ:ખ ન માનતા. તમને જેલમાં અહિંસાનું સૂક્ષ્મ દર્શન કરવામાં મદદ મળે તે જ સારુ લખ્યું છે. એમ છતાં તમે ભલે પકડાયા, ગોળીબોળી મળત નહીં; ને અતિશય કામને લીધે કદાચ માંદા…

મરેલા, ને રહેલા, બંને સરખા પુણ્યશાળી ગણાય. મરે એ જ પુણ્યશાળી અથવા એ વધારે પુણ્યશાળી એમ માનવાનું કારણ નથી…

હવે ખૂબ આરામ લેજો. તકલી લાકડાની બનાવજો. ખૂબ કાંતજો, ખાદી થઈ રહી છે.૬૧ બીજા કેદીઓની પાસે કંતાવજો.૬૨

કોર્ટમાંથી જેલ તરફ જતાં લોકોનું ટોળું મહાદેવભાઈને હાર પહેરાવવા ઇચ્છતું હતું, તેને ન ગણકારી ગોરા સાર્જન્ટે જેલની ગાડીને હંકારી મૂકી, તેથી રોષે ભરાઈને કોઈ અણસમજુએ પથરો ફેંક્યો તે સાર્જન્ટની દાઢી પર વાગ્યો. સાર્જન્ટ ગાળો ભાંડવા લાગ્યો, મહાદેવભાઈએ ખૂબ દર્દભર્યા સ્વરે દિલગીરી પ્રદર્શિત કરી. પણ પેલાની ગાળો ચાલુ જ રહી. એટલે મહાદેવભાઈએ કહ્યું કે, ‘તમે એ પથરો મને મારો, અથવા લાવો હું જાતે જ મારી લઉં, જો એનાથી શાંતિ થતી હોય તો!’ પેલાને મહાદેવભાઈની સત્યાગ્રહી વૃત્તિ સમજાઈ અને એ બીજી વાતે વળગ્યો. જેલગાડી આશ્રમ સામેથી પસાર થતી હતી ત્યારે મહાદેવભાઈએ સાર્જન્ટને ક્યારેક આશ્રમમાં આવવા નોતરું આપ્યું અને એનું નામ પૂછ્યું. નામ લખવા સાર્જન્ટે પેન માગી. ત્યાં તો જેલના દરવાજો આવી પહોંચ્યો. સાર્જન્ટ પેન પાછી આપવા જતો હતો તેને મહાદેવભાઈએ આ પ્રસંગની યાદમાં પેન રાખી લેવા આગ્રહ કર્યો અને પોતે પથરો માગી લીધો. અને તેને ગાડી બહાર ફેંકતાં બોલ્યા, ‘આની જેમ આ પ્રસંગની કડવી યાદને પણ ફેંકી દેજો.’ સાર્જન્ટે હસતા મોઢે કહ્યું, ‘એ તો ક્યારનીયે ભુલાઈ ગઈ છે!’

મહાદેવભાઈ જેલ ગયા તે પહેલાં કલકત્તાથી આવેલ એક પત્રનો ઉલ્લેખ કરવા જેવો છે ‘ધ એવેકન્ડ રૅવોલ્યૂશનરી યૂથ ઍસોસિયેશન’ નામના હિંસામાં વિશ્વાસ ધરાવનાર એક ક્રાંતિકારી મંડળે તે ૨–૪–’૩૦ને દિન લખ્યો હતો. પત્ર નીચે મુજબ હતો:

અમારી કાઉન્સિલની હાવરામાં મળેલી બેઠકમાં નીચે પ્રમાણે ઠરાવ કર્યો છે. એની, મહાત્માજીને જાણ કરવા વિનંતી છે.

અહિંસક ચળવળનું પરિણામ નિહાળવા માટે, હિંદની સ્વરાજમુક્તિ માટેની ચળવળને, બંગાળા, આજથી (તા. ૬–૪–’૩૦થી) પાંચ વર્ષ માટે બંધ રાખે છે.

આ સંસ્થાની શાખાઓને અને ભગિની સંસ્થાઓને, એમની પ્રવૃત્તિઓ કામચલાઉ બંધ રાખવા માટે હુકમો અને પત્રો મોકલી આપવામાં આવ્યા છે.૬૩

સાબરમતીની જેલની બાબલાને નવાઈ નહોતી. રોજ સવાર-સાંજ બાપુજીની ‘લાકડી’ થઈ એ ફરવા જતો ત્યારે જેલની હદ બહારના ફાટક પર હાથ દઈને પાછા ફરવાનો બાપુનો ક્રમ હતો. પણ જેલના મુખ્ય ફાટકની અંદર એણે તે પહેલાં કોઈ દિવસ પ્રવેશ કર્યો નહોતો. તેથી દુર્ગાબહેનની સાથે જ્યારે તેણે મુખ્ય લોખંડી ફાટકની વચ્ચેની નાની બારી જેવા ફાટકમાંથી અંદર પ્રવેશ કર્યો, અને તરત જ એ ફાટક બંધ કરી દેવામાં આવ્યું ત્યારે એને સહજ નવાઈ લાગી. જેલરની ઑફિસમાં એ બંનેને ઝાઝો વખત વાટ જોવી પડી નહીં, જેલની અંદરનો મુખ્ય લોખંડી ફાટક જેવડો મોટો દરવાજા ખૂલ્યો અને તેમાંથી મહાદેવભાઈએ પ્રવેશ કર્યો. દુર્ગાબહેનને મહાદેવભાઈના કેદીના વેશની નવાઈ નહોતી. પણ બાબલાને એ વેશમાં ‘કાકા’ જરા અવનવા લાગ્યા. માત્ર એમનો મરક મરક થતો ચહેરો ને એમની અમીઝર આંખો એનાં એ જ હતાં. અને એનાં માથા, ગાલ અને પીઠ પર ફરતો કાકાનો હાથ પણ એવો ને એવો જ વહાલસોયો હતો. ‘બા’ અને ‘કાકા’ કાંઈક વાતો કરતાં હશે, પણ બાબલાને જેલની અંદરની સૃષ્ટિ કેવી હશે એ જ જાણવાની તીવ્ર જિજ્ઞાસા હતી. અને ‘મુલાકાત’ના નિશ્ચિત સમયમાંથી પણ કાકાએ બા સાથેની વાતોની વચ્ચે વચ્ચેથી સમય આપી એ જિજ્ઞાસાને તૃપ્ત કરેલી. એ વર્ણન આજે સાઠ વરસ પછી વિગતવાર યાદ નથી, પણ એ સ્નેહ અને એ તૃપ્તિકર દૃષ્ટિ આ લેખક ભૂલી શકે એમ નથી.

મહાદેવભાઈએ સાબરમતી જેલમાં પણ, આગ્રાની જેલની માફક જ, આશ્રમના જીવન જેવું જીવન ગોઠવી દીધું હતું. બે વેળાની પ્રાર્થનામાં બીજા પણ અનેક સાથીઓ ભળતા. જેલમાં સોંપાયેલા કામ ઉપરાંત સૂત્રયજ્ઞ પણ ચાલુ થઈ ગયો હતો. જેલમાં ઉપલબ્ધ પુસ્તકોમાંથી વીણી વીણીને તેમણે વાંચવા માંડ્યાં હતાં. ગઈ વખતની માફક ડાયરી લખવાનો રિવાજ તો તેમણે નહોતો રાખ્યો, પણ વાંચેલાં પુસ્તકોમાંથી કાંઈક ગમી જાય તો એનો સાર લખી લેતા. પુસ્તકપ્રેમી વાલજીભાઈ ગો. દેસાઈ પાસેથી લીધેલ ध किंगडम ऑफ गॉड इझ विधिन यूनी મહાદેવભાઈ પર ખૂબ સારી છાપ પડી. તેથી તેમણે તેનો પ્રશંસામિશ્રિત સાર પોતાની નોંધપોથીમાં ટપકાવી લીધો. એ નોંધ વાંચીને તે કોઈ પણ સહૃદય વાચકને આખું પુસ્તક વાંચવા પ્રેરે તેવો છે.

મહાદેવભાઈએ જેલ જતાં સંગ્રામ અંગે પોતાની જવાબદારી બુઝુર્ગ આશ્રમવાસી ઇમામસાહેબને સોંપી હતી.

આ દિવસોમાં મહાદેવની જવાબદારી અને કામગીરી કેવી હતી એ તો આપણે ગાંધીજીના શબ્દોમાં જ જોઈએ:

મહાદેવને થયેલી સજાની નોંધ તો મારે લેવી જ જોઈએ. સરકારના જૂઠા નામ હેઠળ આજે જે અંધાધૂંધી ચાલી રહી છે તેમાં અધિકારીઓને પક્ષે મહાદેવની ધરપકડ એક વિનયભર્યું અને સંકોચભર્યું કાર્ય હતું. જોકે એમણે વીરમગામ અને ધોલેરાથી માંડીને અમદાવાદ સુધીના આખા ગુજરાતને સળગાવી મૂક્યું હતું. છતાં અધિકારીઓ એટલું સમજી ગયા હતા કે એ આગ જીવનદાયી હતી, તેઓ પોતાના અમલ કરતાં મહાદેવના અમલ હેઠળ વધારે સલામત હતા અને પોતે પેદા કરેલાં બળો ઉપર તે સારોસરખો કાબૂ રાખી શકતા હતા.

પરંતુ અધિકારીઓ માટે તેમને છૂટા રાખવાનું મહાદેવે અશક્ય બનાવી મૂક્યું. તેમણે ધોલેરાથી એક લારી ભરીને મીઠું છૂપી રીતે લાવવાની ગોઠવણ કરી. અધિકારીઓ પૂરા જાગ્રત હતા. તેમણે લારીને આંતરી લીધી. તેમણે એવી આશા રાખી હતી કે મહાદેવ એમાં નહીં હોય. પણ મહાદેવ જોઈ ગયા કે લારીનો કબજો એમાંના કીમતી માલ સાથે લેવાવાનો છે એટલે પાછળ આવતી મોટરમાંથી પોતે ઊતરી પડ્યા અને લારીમાં કૂદી પડ્યા. એટલે જો અધિકારીઓએ લારીનો કબજો લેવો હોય તો મહાદેવની ધરપકડ કર્યા વગર તેમનો છૂટકો નહોતો. અને એ સંજોગોમાં મહાદેવ પણ લારીમાં કૂદી પડ્યા સિવાય રહી શકે એમ નહોતું. તેમની સાથે જે એક યુવક હતો તે બીજે દિવસે તેની છેવટની એલએલ. બી.ની પરીક્ષામાં બેસવાનો હતો. ગુજરાત કૉલેજના બે યુવાનો હતા અને બે પૈસાદાર માણસોના દીકરાઓ હતા. લૉરી એક મિલમાલિક રણછોડલાલે આપી હતી. લારીની કેવી વલે થશે એની ચેતવણી આપતાં તેમણે કહેલું, ‘સ્વરાજ માટે હું જ્યારે બધું ગુમાવવા તૈયાર છું ત્યારે લારી ગુમાવવી પડે એનો ડર શો?’

મહાદેવને જરૂરી આરામ મળ્યો છે. સખત કામ કરનારા સેંકડો કાર્યકરો માટે જેલ એક આરામગૃહ બન્યું છે. પોતે કહે છે તેમ મહાદેવની ઝંખના તો ‘આથી પણ વધારે સારા ભાગ્યની હતી, પણ દેખીતી રીતે જ તેને લાયક બનવાને હજી વાર હતી.’૬૪

મહાદેવભાઈ અને સ્વામી આનંદની ધરપકડ પછી વિશેષ કરીને એ બે જણાના જેલવાસને ધ્યાનમાં રાખીને ગાંધીજીએ ‘મારી કસોટી’ નામનો લેખ લખ્યો, જે नवजीवन ૨૭–૪–’૩૦ને દિન પ્રગટ થયો. આખો લેખ મહાદેવ, સ્વામી વગેરેના કામનું મહત્ત્વ તો સમજાવે જ છે, પણ મુખ્યત્વે એ ગાંધીજીની ઈશ્વરાર્પિત ભૂમિકાને સ્પષ્ટ કરે તેવો છે:

મારી કસોટી સરકાર સરસ રીતે કરી રહી છે. એમ કરવાનો તેને અધિકાર છે. મારા હાથ કાપે તો કદાચ હું હારી જાઉં, અથવા હારું નહીં તોપણ એકલો પડી જાઉં, એમ તે માને. દુન્યવી નજરે આ બરાબર જ લાગે. અને તેથી જ મહાદેવ ગયા, સ્વામી ગયા. બીજા સાથીઓ જૂના ને ભાઈ મુનશી જેવા નવાને હું છોડી દઉં.

મહાદેવ અને સ્વામી એટલે यंग इन्डिया ઇત્યાદિ. સ્વામી नवजीवनમાંથી નીકળ્યા એટલે તેમનો સંબંધ તૂટ્યો એવું હતું જ નહીં. એ તો હું આશ્રમના વાલીઓમાં નથી છતાં તેનો છું તેના જેવું છે. नवजीवन એટલે સ્વામી જ. મુંબઈ બેઠા नवजीवनની સંભાળ તો તે રાખતા જ હતા. અથાગ મહેનતથી તેમણે જમનાલાલજીને અસ્પૃશ્યતાના કામમાં મદદ કરી હતી. અથાગ મહેનતથી તેમણે વિલેપારલેના કામને શોભાવ્યું હતું. મહાદેવની આજકાલની પ્રવૃત્તિ તો હું અહીં ખૂણે પડ્યો જાણું તેના કરતાં અમદાવાદની નજીક રહેનારા ગુજરાતીઓ વધારે જાણે.

પણ મહાદેવ અને સ્વામી જ્યાં ગયા ત્યાં એક એક સાથી જાય તોયે શું? હું મને એકલો ગણતો જ નથી. મારો સાથી, બેલી, સલાહકાર — જે કહું તે ઈશ્વર છે. મહાદેવ, સ્વામી કે સરદારને ભરોસે કે કોઈ મનુષ્યને ભરોસે આ લડત નથી ઊપડી. એટલે ગમે તેટલા સાથીઓ ઊપડે છતાં હું નિશ્ચિત છું. નિર્બળને ચિંતા શાની? બળિયાનું બળ કોઈ હણે, નિર્બળનું બળ કોણ હણી શકે?

પણ નિર્બળ છતાં મને હું બળવાન લાગું છું, કેમ કે ઈશ્વરને બળે હું ઝૂઝું છું. તેનો પ્રેર્યો હું ખાઉં છું, પીઉં છું, લખું છું, બોલું છું, એટલે મારો કશા પ્રકારનો બોજો હું અનુભવતો નથી.

મહાદેવ, સ્વામી કે રમણીકલાલનું પકડાવું મને સાલતું નથી. તેમને આરામ મળશે. આરામની તેમને જરૂર હતી. ચિંતા કરું તો ચિત્તાગોંગની, પેશાવરની, એની અસર તો હૃદય ઉપર થાય છે, પણ ચિંતા નથી થતી.

આ હિંસા-અહિંસાનું દ્વંદ્વ છે. મારામાં જેટલી અહિંસા હશે તે પ્રમાણે મને અહિંસક ઉપાયો સૂઝ્યા કરશે, ને તે હું છૂટો છું ત્યાં લગી પ્રજાને બતાવ્યા કરીશ. હું નહીં હોઉં ત્યારે પણ જે અહિંસા વ્યાપક થઈ હશે તો લોકો તે પ્રમાણે દોરાયા જ કરશે. જેઓ અહિંસાના પાશમાં નથી આવ્યા તેઓ પણ જો લોકોમાં ખરી અહિંસા આવી હશે તો છેવટે આવ્યા વિના નહીં રહે.૬૫

આ કારાવાસ ૧૯૩૧ની ૨૬મી જાન્યુઆરીએ, જ્યારે ગાંધીજી, કૉંગ્રેસ કારોબારીના સભ્યો અને બીજા અનેકને છોડવામાં આવ્યા ત્યારે પૂરો થયો. ત્યાર બાદ પ્યારેલાલ સાથે અલાહાબાદમાં પં., મોતીલાલજીને ત્યાં ભેગા થયા ત્યારે, ૨૯–૧–’૩૧ને દિન મહાદેવભાઈએ ‘મહાભિનિષ્ક્રમણ’-શા આંદોલનમાં કેટલાક મિત્રો કે આશ્રમવાસીઓના અનુભવો અંગે ટાંકેલા ઉદ્ગારો આ યજ્ઞ અંગે તેમની પોતાની ભૂમિકા કેવી હતી તે સ્પષ્ટ કરે છે. એમના ચિંતન અને ભાષા પર પડેલો ગીતાનો જેટલો પ્રભાવ તેમાં દેખાય છે તેટલો પરગુણ પરમાણુને પર્વત કરીને પોતાની જાતને અલ્પાત્મા માનવાનો તેમના સ્વભાવ પણ છતો થાય છે:

રાત્રે ટમાટાં, વટાણા, રોટીનું ખાણું પ્યારેલાલ સાથે ખાતાં [એણે જેલમાં અનુભવેલા] પોતાના વીતકની રોમાંચક કહાણી કહી સંભળાવી. ભગવાને જ આ લડતમાં દરેકને પોતપોતાની લાયકાત પ્રમાણે આપ્યું છે. ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् ૬૬નો ન્યાય આ લડતમાં જેવો થયેલો જાઉં છું તેવો ભાગ્યે જ બીજે કોઈ પ્રસંગે થયો હશે. નરહરિ ઉપરનો લાઠીમાર, પ્યારેલાલના સત્ય અને માનુષી વર્તન માટેના અગિયાર ઉપવાસ, અને પછી ગીતા માટેના છ ઉપવાસ, ખરાબમાં ખરાબ તબિયતમાં ૧૦૪ ડિગ્રી તાવ સાથે આપેલું કામ કરવાની દૃઢતા, ત્યાંના રાક્ષસ જેવા જેલર અને ડૉક્ટર અને ડે. જેલરને સમજાવવાની, તેનું હૃદય જીતવાની આતુરતા — આમાં, આશ્રમનો અહિંસાધર્મ મૂર્તિમંત થયેલો મેં જોયો. પણ જાણે આ બધા ઉપર કળશ ચઢાવ્યો ગંગાબહેન, મૈત્રી, વસુમતી અને આશ્રમની બીજી બહેનોએ. એ બધાં રોજ ‘ददामि बुद्धियोगं तं येन मामुपयान्ति ते’ ૬૭ બોલનારાએ ગીતાનો પાઠ સફળ કર્યો. બાપુએ કહ્યું: ‘આશ્રમને આ બહેનોએ અમર કર્યું; પણ આ બહેનોને આ પ્રકારની તપશ્ચર્યા અને આ પ્રકારની આશ્રમસેવા કરવાની તક મળી એ એમની પ્રપત્તિ, એમની યોગ્યતાની પરાકાષ્ઠા સૂચવે છે. ઊંડે ઊંડે એ સૌના ચરણમાં મારું માથું અને હૃદય ઝૂકે છે; અને એ બધાંના પરિચયને અને સાથી કહેવડાવવાને લાયક થાઉં એમ પરમાત્મા પાસે હૃદય માગણી કરે છે.’૬૮

નોંધ:

૧. પટ્ટાભી સીતારામૈયા: हिस्टरी ऑफ ध कॉंग्रेस પૃ. ૬૨૦.

૨. गांधीजीनो अक्षहदेह – ૪૨ : પૃ. ૪૩૩.

૩. गांधीजीनो अक्षहदेह – ૪૩ : પૃ. ૩.

૪. गांधीजीनो अक्षहदेह – ૪૩ : પૃ. ૫ આપ એક હિંદીની સરેરાશ દૈનિક આવક કરતાં ૫,૦૦૦ ગણો પગાર લો છો જ્યારે બ્રિટનના મુખ્યપ્રધાન એક અંગ્રેજની સરેરાશ આવક કરતાં ૯૦ગણો પગાર લે છે. અનુ. ચિ. ના. પટેલ.

૫. ગીતા ભગવાનભાઈ પરમાર, વસંત નારાયણ ખરે અને મેઘજી મથુરદાસ આસર.

૬. મેઘજીને.

૭. પંડિત નારાયણ મોરેશ્વર ખરે — વસન્તના પિતા.

૮. महादेवभाईनी डायरी – ૧૩ : પૃ. ૨૧૦થી ૨૧૩માંથી સારવીને.

૯. એજન, પૃ. ૨૧૪-૨૧૬.

૧૦. વનમાળા દૈસાઈ नरहरिभाई: પૃ. ૮૫-૮૬.

૧૧. આ કાર્યક્રમનો મુખ્ય ભાગ નીચે મુજબ હતો:

  ૧. તમામ પટેલ-તલાટીઓ રાજીનામાં આપે.
  ૨. દરેક ખેડૂત પોતાના દીકરાને નોકરીમાંથી બોલાવી લે.
  ૩. ખેડૂતો સરકારી અમલદારોનો પૂરેપૂરો બહિષ્કાર કરે.
  ૪. કોઈ ખેડૂત વકીલ કે અદાલતનો આશરો ન શોધે.
  ૫. દારૂતાડીનું એક પણ પીઠું પોતાની હદમાં ન ચાલવા દે.
  ૬. વિદેશી કપડાં બાળીને ખાદી પહેરે.
  ૭. પોતાની શક્તિનું માપ કાઢીને કર ન ભરે.

૧૨. महादेवभाइनी डायरी – ૧૩ : પૃ. ૨૩૦.

૧૩. વલ્લભભાઈને ત્રણ માસની સજા થઈ હતી.

૧૪. महादेवभाईनी डायरी – ૧૩ : પૃ. ૨૩૦થી ૨૩૨માંથી સારવીને.

૧૫. એજન, પૃ. ૨૩૭થી ૨૪૭માંથી સારવીને.

૧૬. એજન, પૃ. ૨૪૩થી ૨૪૯.

૧૭. શારદા ફિલ્મ કંપની, શ્રીકૃષ્ણ ફિલ્મ કંપની અને રણજિત ફિલ્મ કંપની નામની ત્રણ ફિલ્મ કંપનીઓએ ફિલ્મો ઉતારી હતી.

૧૮. વિજયના પ્રતીક તરીકે સર ચીનુભાઈએ એક સફેદ ઘોડો શણગારીને, કૂચ કરનારની સાથે મોકલ્યો હતો. અમદાવાદની હદ વટાવ્યા પછી ચંડોળા તળાવ પહોંચ્યા પછી એને પાછો લાવવામાં આવ્યો હતો.

૧૯. महादेवभाईनी डायरी. – ૧૩ : પૃ. ૨૫૫થી ૨૬૦માંથી સારવીને.

૨૦. महादेवभाईनी डायरी. – ૪૩ : પૃ. ૭૮.

૨૧. महादेवभाईनी डायरी. – ૧૩ : પૃ. ૨૬૧.

૨૨. એજન, પૃ. ૨૬૨.

૨૩. એજન, પૃ. ૨૬૬-૨૬૭માંથી સારવીને.

૨૪. એજન, પૃ. ૨૭૨-૨૭૩.

૨૫. એજન, પૃ. ૨૯૯.

૨૬. એજન, પૃ. ૩૦૧.

૨૭. એજન, પૃ. ૩૦૩થી ૩૦૬માંથી સારવીને.

૨૮. એજન, પૃ. ૩૧૦-૩૧૧.

૨૯. એજન, પૃ. ૩૧૨.

૩૦. એજન, પૃ. ૩૨૦.

૩૧. ૮–૪–’૩૦થી.

૩૨. महादेवभाईनी डायरी. – ૧૩ : પૃ. ૩૧૨.

૩૩. એજન, પૃ. ૩૧૩-૩૧૪.

૩૪. એજન, પૃ. ૩૧૩.

૩૫. ધોલેરાથી.

૩૬. महादेवभाईनी डायरी. – ૧૩ : પૃ. ૩૧૬-૩૧૭.

૩૭. એજન, પૃ. ૩૧૭-૩૧૮.

૩૮. એજન, પૃ. ૩૨૧.

૩૯. ૬–૪–’૩૦

૪૦. પ્રોફેસર જેઠાલાલ સ્વામીનારાયણ — તેઓ ગુજરાત કૉલેજમાં ગણિતશાસ્ત્રના અધ્યાપક હતા અને અસહકાર આંદોલનમાં જોડાયા તેથી તે જગાએથી રાજીનામું આપ્યું હતું.

૪૧. અલીભાઈઓ.

૪૨. महादेवभाईनी डायरी – ૧૩ : પૃ. ૨૧૬, ૨૧૭ અને તેની પાદટીપો જુઓ.

૪૩. અહીં ‘ધોલેરા’ હોવું જોઈએ એમ આગળ આવતા લખાણ પરથી લાગે છે.

૪૪. ૧૦–૪–’૩૦ના રોજ