અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ/અઢાર – અભય અસવાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
અઢાર – અભય અસવાર

૧૯૧૭થી ૧૯૨૧નો કાળ દેશને સારુ અભૂતપૂર્વ જાગૃતિનો અને મહાદેવભાઈને સારુ રાષ્ટ્રવ્યાપી અહિંસક આંદોલનમાં ઝંપલાવવાનો કાળ હતો. આ કાળ દરમિયાન નિદ્રામાં સૂતેલા દેશને જગાડવાનો ગાંધીજીએ અથાગ પ્રયત્ન કર્યો અને દેશે પણ એમના અહિંસાના શંખનાદનો સારો એવો જવાબ આપ્યો હતો. આપણા દેશની સ્વતંત્રતાના ઇતિહાસમાં આ કાળમાં ગાંધીજીના સત્યાગ્રહના સાધનનો રાષ્ટ્રવ્યાપી પ્રયોગ થયો જેને લીધે પ્રજાએ એક અનેરું ચેતન અનુભવ્યું. ગાંધીજીની આગેવાની હેઠળ આપણા દેશમાં ત્રીસ વર્ષ સુધી જે અહિંસક આંદોલન ચાલ્યું તેમાં દર દાયકે એક એક મોટું મોજું આવ્યું. આ કાળ દરમિયાન દેશે તે પ્રકારનું પ્રથમ મોજું અનુભવ્યું. દેશે પહેલી વાર અભયને ઘોડે સવારી કરી જાણી. આબાલવૃદ્ધ નરનારી સૌ કોઈએ પોતાની નાડીમાં જાણે વીજળીનો સંચાર અનુભવ્યો. જેનું હૃદય સદા ગાંધીજીની અમૃતવાણીનું પાન કરવા તલસ્યું રહેતું, જેના ચિત્તની વીણા પર આસપાસના હર આંદોલનનો પ્રતિધ્વનિ ઊઠતો, તે મહાદેવભાઈ ગાંધીની રણભેરીના જવાબમાં થનગની ઊઠે તેમાં નવાઈ નહોતી. તેમણે માંદગી દરમિયાન આવી ગયેલી નિરાશાને ખંખેરી નાખી. તેમણે કુરુક્ષેત્રના અર્જુનની માફક મોહમાંથી મુક્ત થઈ, વિગતજ્વર બની ધર્મક્ષેત્રમાં ઝંપલાવવા કમર કસી.

મહાદેવભાઈની ભૂમિકા સમજવા સારુ થોડો ઇતિહાસ જોઈ લેવો જરૂરી છે. આ અરસામાં દેશમાં એટલી બધી ઘટનાઓ બની ગઈ કે તે બધીનો ઉલ્લેખ કરવો પણ શક્ય નથી. પણ એમાંની મુખ્ય મુખ્ય ઘટનાઓનું સ્મરણ કરી લેવું દેશ, ગાંધી અને મહાદેવભાઈ ત્રણેયની ગતિવિધિને સમજવા સારુ જરૂરી છે. અલબત્ત, આમાં પણ રાજકારણની ઘણી વિગતોને પડતી મૂકવી પડશે. અને એ પણ ધ્યાનમાં રાખવું પડશે કે ઘણીખરી ઐતિહાસિક ઘટનાઓમાં મુખ્ય ભાગ ગાંધીજીએ જ ભજવ્યો હતો. મહાદેવભાઈએ તો યથાસંભવ સેવા દ્વારા એમની પ્રવૃત્તિઓને પુષ્ટ કરવાનું જ કામ કર્યું હતું.

મૉન્ટગ્યૂ અને ચેમ્સફર્ડનો સંયુક્ત અહેવાલ ૧૯૧૮ના જુલાઈમાં બહાર પડ્યો. દેશના બંધારણના સુધારા સંબંધી એ અહેવાલ અંગે દેશના નેતાઓનો પ્રતિભાવ અલગ અલગ પ્રકારનો હતો. ગાંધીજીનો મત એવો હતો કે સૂચિત સુધારાઓનો સ્વીકાર કરવો, યુદ્ધપ્રયાસોમાં મદદ કરવી અને પછી મૉન્ટફર્ડ રિપોર્ટમાં દેશના લાભની દૃષ્ટિએ વિશેષ સુધારાઓ સારુ જરૂર પડે તો આંદોલન કરવું. તે વખતે ગાંધીજીની ભૂમિકા બ્રિટિશ સામ્રાજ્યના વફાદાર નાગરિકની હતી. તેમણે તે વખતે મહમદઅલી ઝીણાને લખ્યું હતું:

‘જો દરેક હોમરૂલ લીગર લશ્કરભરતી કરનારો શક્તિશાળી એજંટ બને તેની સાથે સાથે જ બંધારણીય હકો માટે લડતો રહે, તો આપણે કૉંગ્રેસ લીગ યોજના માત્ર જેમાં આપણે સંમત હોઈએ એટલા જ ફેરફારો સાથે નક્કી પસાર કરાવી શકીએ.’૧

પરંતુ રૉલેટ કમિટીએ આવીને યુદ્ધ પતે પછી ભારતને સ્વાતંત્ર્યની દિશામાં જરૂર ‘કાંઈક’ (ડોમિનિયન સ્ટેટ્સ જેવું) મળશે એવી ઘણાખરા નેતાઓની આશા પર પાણી ફેરવ્યું.

રૉલેટના સૂચિત ધારાની વિરુદ્ધ ફેબ્રુઆરી ૧૯૧૯માં હોમરૂલ લીગને આશ્રયે મળેલ જાહેરસભામાં ગાંધીજીનું ભાષણ વાંચી સંભળાવવામાં આવ્યું હતું. આ કાયદાઓમાં કોઈ પણ સરકારી અમલદારને કોઈ પણ નાગરિક ઉપર ફરિયાદ કરવાની છૂટ આપવામાં આવી. આ ફરિયાદ કોઈ પણ કોર્ટમાં ચાલી શકે અને ગવર્નર-જનરલની કાઉન્સિલને યોગ્ય લાગે તેમ કોર્ટ બદલી પણ શકે. ‘જાહેર લાભને ખાતર’ કોર્ટમાં ચાલેલા કોઈ પણ કામ અંગે પ્રસિદ્ધિ થતી કોર્ટ રોકી શકે, તપાસ દરમિયાન જો એમ જોવામાં આવે કે તહોમતદારે એની ઉપર જે તહોમત મૂકવામાં આવ્યું છે તે ઉપરાંત બીજો કંઈ ગુનો પણ કર્યો છે તો તેની પણ સજા થઈ શકે.

આવી કોર્ટોમાં કરવામાં આવેલી સજા સામે હાઈકોર્ટમાં નહીં જઈ શકાય.

કોઈ પણ વ્યક્તિની પાસે એક વર્ષની સારી ચાલચલગતની માગણી કરી શકાય.

તેના રહેઠાણની અથવા રહેઠાણની ફેરબદલીની ખબર આપવાનો આદેશ કરી શકાય.

જે કોઈ કામથી સરકારને સુલેહનો ભંગ થાય અથવા કોઈની સલામતીને નુકસાન પહોંચે તો તે કામ બંધ કરવાનું ફરમાન તે વ્યક્તિ પર સરકાર કાઢી શકે.

હુકમમાં જણાવ્યા પ્રમાણે એણે પોલીસમાં હાજરી આપવી.

આ કાયદો એમ તો એક જ વર્ષ સુધી લાગુ પાડી શકાય પણ વર્ષ પૂરું થતાં સરકાર તેને ફરીથી લાગુ કરી શકે.

કોઈ પણ વ્યક્તિ પર શંકા જાય કે તેને લીધે શાંતિ જોખમમાં છે તો તેને વગર વૉરંટ ગિરફતાર કરી શકાય, એના રહેઠાણની તપાસ કરી શકાય અને જો તેવી વ્યક્તિ તેને સારુ નિષિદ્ધ એવા સ્થાનમાં મળે તો ગમે તે પોલીસ અમલદાર તેને ગિરફતાર કરી શકે અને પંદર દિવસ સુધી એને અટકાયતમાં રાખી શકાય.

આ તથા આવા પ્રકારની અનેક કલમો આ બે બિલોમાં હતી, જેને કારણે હરકોઈ માણસની ઉપર માત્ર શકથી વગર તપાસે કેટલાક હુકમો નીકળી શકતા હતા અને સ્થાનિક સરકારને તેમ કરવાની છૂટ મળતી હતી. આની કેટલીક કલમોને લીધે પોતાને નિર્દોષ સાબિત કરવાની જવાબદારી તહોમતદાર પર આવી પડતી હતી.૨

રૉલેટ દ્વારા સૂચિત ક્રિમિનલ લૉ ઍમેન્ડમૅન્ટ બિલ તથા ક્રિમિનલ લૉ ઇમર્જન્સી પાવર બિલો અંગે ગાંધીજીએ કહ્યું હતું કે,

‘રૉલેટ સમિતિના આ રિપોર્ટમાં એવું કશું નથી કે આ બિલ દાખલ કરવાં પડે. માટે આ બિલોનો ધીરજ અને દૃઢ નિશ્ચય સાથે વિરોધ કરવા માટે લોકમત તૈયાર કરવાની આપણી સહુની ફરજ થઈ પડે છે. … એક બાજુથી લોકોના અધિકારોમાં વધારો કરવો અને બીજી બાજુથી એમના અધિકારો ઉપર અસહ્ય પ્રતિબંધ મૂકવો એ બેહૂદી વાત છે. …’૩

સૂચિત ધારો કાયદો બને તે પહેલાં જ એની સામે સત્યાગ્રહ કરવાનો વિચાર આવ્યો. સાબરમતી આશ્રમમાં સત્યાગ્રહની આ પ્રતિજ્ઞા ઉપર ૨૪મી ફેબ્રુઆરીએ સહીઓ થઈ હતી. બેમાંથી એક બિલને માર્ચ માસમાં કાયદાનું રૂપ મળ્યું. બીજું બિલ મોકૂફ રાખવામાં આવ્યું હતું. પહેલી ‘સત્યાગ્રહ પત્રિકા’માં હેન્રી ડેવિડ થૉરોના સવિનય કાયદાભંગના વિચારોનાં ઉદ્ધરણો આપવામાં આવ્યાં.

માર્ચમાં મુંબઈમાં સત્યાગ્રહ સમિતિની કારોબારી રચાઈ જેના અધ્યક્ષ ગાંધીજીને નીમવામાં આવ્યા.

આ બાજુ દીનશા વાચ્છા, સુરેન્દ્રનાથ બેનરજી, શાસ્ત્રી અને શફીએ ‘પૅસિવ રેઝિસ્ટન્સ’ ની સામે એક જાહેરનામું બહાર પાડ્યું. આમ નરમ દળના કેટલાક આગેવાનો ગાંધીજીથી જુદા ફંટાયા.

રૉલેટ કાયદાનો વિરોધ કેવી રીતે કરવો તેને અંગે ગાંધીજીના મનમાં સતત ચિંતન ચાલતું હતું. તામિલનાડુના પ્રવાસમાં અચાનક એમને સૂઝ્યું કે એક નિશ્ચિત તારીખે હડતાળ, ઉપવાસ અને નિષિદ્ધ સાહિત્યનો જાહેરમાં વેચાણનો કાર્યક્રમ રાખી શકાય.

રાજનૈતિક કારણસર દેશવ્યાપી ઉપવાસ, હડતાળ વગેરેનો કાર્યક્રમ દેશના ઇતિહાસમાં આ પહેલી વાર અપાતો હતો.

સત્યાગ્રહનો પ્રારંભ ૩૦મી માર્ચનો નક્કી કરવામાં આવ્યો હતો. પણ આખા દેશમાં ખબર ન પહોંચાડી શકાય એમ લાગવાથી પાછળથી તે દિવસ બદલીને તેની પછીનો રવિવાર એટલે છઠ્ઠી એપ્રિલ નક્કી કરવામાં આવ્યો. દિલ્હીની ઘટના અંગે महादेवभाईनी डायरी — પુસ્તક પાંચમાંના પૃષ્ઠ બાવન પર નીચે મુજબની પાદટીપ આપવામાં આવી છે:

‘આ ફેરફારની ખબર દિલ્હી નહીં પહોંચી શકી હોવાથી ત્યાં ૩૦મી માર્ચે વિરોધદિન ઊજવવામાં આવ્યો. શહેરમાં સંપૂર્ણ હડતાળ હતી. સાંજે ચાર વાગ્યે સરઘસ અને પછી જાહેરસભા રાખવામાં આવી હતી. આવી સંપૂર્ણ હડતાળ દિલ્હી જેવા શહેરના ઇતિહાસમાં અપૂર્વ હતી. એટલે એ જોઈ ગોરા પોલીસ-અમલદારો ચોંકેલા. સવારનો વખત તો શાંતિમાં પસાર થઈ ગયો, પણ બપોરે બે વાગ્યા પછી સરઘસમાં જોડાવાના ઇરાદાથી જતા લોકો ઉપર ગમે તેવે બહાને સ્ટેશન આગળ ગોરા સોલ્જરોએ મશીનગન ચલાવી. તેમાં ડઝનેક માણસ ઘાયલ થયા તથા મરાયા. થોડી વાર પછી ચાંદની ચોકમાં ક્લૉક ટાવર આગળ ગોળીબાર કરવામાં આવ્યો અને ત્યાં પણ દસેક જણ જખમી થયા. છતાં સ્વામી શ્રદ્ધાનંદજીની સરદારી નીચે સરઘસ નીકળ્યું અને જાહેરસભા થઈ. તેમાં ચાળીસ હજાર માણસની હાજરી હતી. સભા પૂરી થયા પછી સ્વામી શ્રદ્ધાનંદજી લોકો શાંતિપૂર્વક પોતપોતાને ઘેર પહોંચી જાય એની વ્યવસ્થા કરતા હતા ત્યારે એક ગુરખા સિપાઈએ સ્વામીજીની છાતી સામે બંદૂક ધરીને કહેલું, ‘તુમકો છેદ દંગે.’ સ્વામીજીએ જવાબ આપ્યો: ‘મેં ખડા હૂં, ગોલી ચલાઓ,’ પછી તો આઠદસ રાઇફલો તેમની સામે તાકવામાં આવી. પણ સ્વામીજી અડગ ઊભા રહ્યા એટલે પેલા ગુરખાઓ શરમાઈને જતા રહ્યા.’૪

ગોળીબારમાં લોકો તરફ થયેલી હિંસાનાં વર્ણનો છાપામાં જોઈને ગાંધીજી ખૂબ ખિન્ન થયેલા. પાછળથી જ્યારે ત્યાંના સમાચાર કાર્યકર્તાઓ તરફથી મળ્યા ત્યારે તેમને સમજાયું કે પોલીસે તો કીડી પર કટક ચડાવ્યું હતું. લોકોની હિંમતના સમાચાર સાંભળીને તેમને થોડી ટાઢક થઈ હતી. તેમણે એક પત્રમાં લખ્યું:

‘સાઠ માણસો મરી ગયા તેનું મને જરાયે નથી લાગતું. ચાળીસ હજાર માણસોએ રાત્રે સભા ભરી શાંતિ જાળવી એ મને ભારે લાગે છે. ૧૦,૦૦૦ માણસો જેલમાં જાય તેથી કાંઈ આપણે બહુ દુ:ખ ખમ્યાં એમ હું ન માનું. પણ ૧૦,૦૦૦ માણસોના પ્રાણ જાય એ મને હરખઘેલો કરી મૂકે, કારણ, ભોગથી [બલિદાનથી] જ સ્વતંત્રતા શોધવાની આ લડત છે. આપણે તો દિલ્હીમાં બન્યું તેમાં એટલો પ્રભુનો પાડ માનવાનો કે આપણાથી કોઈ સિપાઈને ઈજા થઈ નથી.’૫

છઠ્ઠી એપ્રિલની ઉજવણીનો અહેવાલ મહાદેવભાઈની ડાયરીમાં નીચે મુજબ છે:

‘૬–૪–’૧૯, રવિવારનો દિવસ મુંબઈમાં ભારે ઊજવાયો. લગભગ બે લાખ માણસ દરિયા ઉપર ભેગા થયા હતા. માધવબાગ સુધી જે શાંતિથી એઓએ કૂચ કરી તે કોઈ પણ જણને હેરત પમાડે એવી હતી. મિલમજૂરો મિલમાલિકોની રજા ન હોવાને લીધે જોડાઈ શક્યા નહોતા. પણ તેમને જોડાવાની ફરજ પણ પાડવામાં નહોતી આવી. મુસલમાનોએ પણ ભારે કીધી. પીલહાઉસની ઉપરની મસ્જિદમાં બાપુ, મિસિસ નાયડુ તથા જમનાદાસ ગયાં અને હૃદય હલમલાવનારાં ભાષણો કર્યાં. રામનવમીએ સ્વદેશીવ્રત લેવાનો ઠરાવ થયો. મસ્જિદમાં એક બીજું વ્રત લેવાની સૂચના કરી કે જુમ્મા મસ્જિદમાં ભેગા મળી હિંદુ-મુસલમાને સત્યાગ્રહનું વ્રત લેવું કે તેઓ એકબીજા સાથે દિલ સાફ રાખીને બંને એક જ છે, સ્વપ્ને પણ જુદા હતા નહીં અને થશે નહીં એવી રીતે ભવિષ્યમાં વર્તશે.’૬

છઠ્ઠી એપ્રિલનો એ કાર્યક્રમ પ્રતિબંધિત સાહિત્ય ખુલ્લામાં વેચવાનો હતો. ગાંધીજીએ પોતે તેમાં પોતાના સાથીઓ જોડે ભાગ લીધો હતો. એક પત્રમાં એનું વર્ણન કરતાં મહાદેવભાઈ કહે છે:

‘અહીં તો કાલે હદ વળી ગઈ. સાંજે સાધારણ સભાની મિટિંગ થઈ… બાપુએ… અગાઉથી પાંચસે-છસેં ચોપડીઓ મગાવી રાખી હતી. સભા ચાલતી હતી તે દરમિયાન પોલીસનો ટેલિફોન આવ્યો કે શેની સભા ચાલે છે, શું થાય છે તે જણાવો. ઑફિસના માલિકે બાપુને પૂછ્યાગાછ્યા વિના જવાબ દઈ દીધો: “I am busy, can’t talk with you just yet.” (હું કામમાં છું. અત્યારે તમારી સાથે વાત નથી કરી શકતો.) બધાને લાગ્યું કે પોલીસનો દરોડો પડશે, કેટલાકનાં હૈયાં ધડકવા માંડ્યાં પણ હશે. અનસૂયાબહેન કહેતાં હતાં કે મારા હાથ ઠંડાગાર થઈ ગયા હતા. પણ પોલીસ ન આવી. બાપુએ તો કહી રાખ્યું હતું કે, “હું તમારા બધાનો સિપાઈ છું, પણ આ લડતમાં તમારો સરદાર છું, એટલે મારું કહેલું જ તમે બધા કરશો. પોલીસ આવ્યે ગુપચુપ બેસજો, હું હિસાબ પતાવી લઈશ અને તમને હુકમ આપું તેનો અમલ કરજો.”

‘આખરે સાંજે સાત વાગ્યે બધા વેચવા નીકળી પડ્યા. બાપુ અને અનસૂયાબહેન મોટરમાં. મોટરના શૉફર અને મથુરાદાસ हिंद स्वराज, हिंद स्वराज એમ બૂમો પાડે અને બોરીબંદર, ઝવેરીબજાર આગળ લોકોનાં ટોળેટોળાં ચોપડી લઈ જાય. બાપુનો સ્ટૉક ત્રણ વખત ખૂટ્યો, ત્રણ વખત ઘેરથી લઈ ગયા. ચોપડીઓ માટે પૈસાનો વરસાદ વરસ્યો. બે જણાઓએ એક નકલના સો સો રૂપિયા આપ્યા. તેમાંના એક તો મુસલમાન ગૃહસ્થ હતા. રૂપિયો રૂપિયો આપનારા તો સેંકડો જણ હતા. મેં મારી ચોપડીઓ મારા જેવા મવાલીઓમાં ચર્ચગેટ સ્ટેશન ઉપર વેચી નાખી. આખો દેખાવ અલૌકિક હતો. કોઈ ઠેકાણે જમનાદાસ મોટરમાં ઊભા ઊભા हिंद स्वराज પોકારે, ટ્રામો ચાલતી હોય ત્યાં, થિયેટરો આગળ, હોટલો આગળ. हिंद स्वराजના બે આના કરતાં ફેરી ફરે. કોઈ ઠેકાણે બૅંકર, કોઈ ઠેકાણે ઉમર સોબાની, કોઈ ઠેકાણે સરોજિની નાયડુ, અને કોઈ ઠેકાણે હૉર્નિમૅન. મોટરની ઉપર પાટિયાં મારેલાં — “લૂંટો લૂંટો જપ્ત કરેલું સાહિત્ય, મહાત્મા ગાંધીનું हिंद स्वराज, ખરીદો, વાંચો અને વહેંચો.” છ વાગ્યા સુધીમાં તો હજારો નકલો મુંબઈના ઘરેઘરમાં ફેલાઈ ગઈ હશે.’૭

પછી આ ઘટનાનું રાજનૈતિક મહત્ત્વ સમજાવતાં મહાદેવભાઈ લખે છે:

‘લોકોમાં આનાથી બહુ નીડરતા આવી છે. કેટલાક બચી ગયેલા ડરપોકોને પણ પસ્તાવો થશે.’

પોલીસઅત્યાચારોનો આરંભ રાજધાની દિલ્હીથી થયો, પણ પાછળથી પંજાબ, ગુજરાત વગેરેમાં ફેલાયો. ગાંધીજી પર પંજાબના આગેવાનોનું નિમંત્રણ આવતાં તેઓ મુંબઈથી પંજાબ જવા નીકળ્યા. સાથે મહાદેવભાઈ તો ખરા જ. દિલ્હીની નજીક આવતાં પલવલ પાસે કોસીકલાં સ્ટેશન આગળ ગાડી ખાસ ઊભી રખાવી ગાંધીજીને દિલ્હી તથા પંજાબમાં પ્રવેશવાની બંધી ફરમાવવામાં આવી અને મુંબઈ ઇલાકામાં જ રહેવાનો હુકમ બજાવવામાં આવ્યો. ગાંધીજીએ હુકમનો અનાદર કર્યો એટલે એમને પકડવામાં આવ્યા. મહાદેવે પોતાની ડાયરીમાં તો માત્ર એટલું જ નોંધ્યું છે કે,

‘મને દિલ્હી જઈ શ્રદ્ધાનંદજીને ખબર આપવા ને લોકોને શાંત રાખવાનું કહ્યું. પોતાનો સંદેશો પણ મને ઝડપથી લખાવી નાખ્યો. મેં વલ્લભભાઈને તારથી ખબર આપ્યા. શ્રદ્ધાનંદજીને મળ્યા પછી દિલ્હીથી મુંબઈ જવા નીકળ્યો. મગનલાલભાઈ તથા નરહરિને મુંબઈ મળવા બોલાવ્યા.’૮

દિલ્હી પહોંચી મહાદેવભાઈએ મહાત્મા ગાંધીના મંત્રી તરીકે છાપાંજોગ નીચેનું નિવેદન બહાર પાડ્યું:

‘એપ્રિલ ૯, ૧૯૧૯: મહાત્મા ગાંધી દિલ્હી જતા હતા ત્યારે રસ્તામાં કોસી સ્ટેશને એમના ઉપર એવી મતલબનો હુકમ બજાવવામાં આવ્યો કે તમારે પંજાબમાં દાખલ થવું નહીં, દિલ્હીમાં પ્રવેશવું નહીં, માત્ર મુંબઈમાં જ રહેવું. જે અધિકારીએ આ હુકમ બજાવ્યો એણે ગાંધીજી સાથે બહુ જ નમ્રતાભર્યો વર્તાવ દાખવ્યો અને એમને ખાતરી આપી કે જો આપ આ હુકમનો અનાદર કરવાનો નિર્ણય કરશો તો મારે ઘણા દુ:ખ સાથે આપને પકડવા પડશે, પરંતુ એ કારણે આપણી વચ્ચે કશી કડવાશ પેદા થશે નહીં. મહાત્મા ગાંધીએ હસતાં હસતાં કહ્યું કે મારે તો આ હુકમ માનવાનો ઇન્કાર જ કરવો પડશે, કેમ કે એમ કરવું એ મારું કર્તવ્ય છે; અને આપે પણ આપની જે ફરજ હોય તે બજાવવી જોઈએ. તે પછી જે થોડી મિનિટો અમને મળી તે દરમિયાન ગાંધીજીએ મને નીચે લખેલો સંદેશો લખાવી દીધો. એમના લેખી સંદેશામાં કહેવાયું છે તેમ એમણે મને જે મૌખિક સંદેશો આપ્યો તેમાં પણ એ મુદ્દા ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે કે તેમના પકડાવાથી કોઈએ ગુસ્સે થવાનું નથી, તેમ કોઈએ એવું કામ કરવાનું નથી જેમાં અસત્ય કે હિંસાનો રંગ લાગેલો હોય, કેમ કે એમ થાય તો આ પવિત્ર કાર્યને કલંક લાગે.’૯

પણ મહાદેવભાઈએ લખેલ એક અંગત પત્ર પરથી એમ જણાય છે કે ગાંધીજીએ પકડાતાં પહેલાં મહાદેવભાઈને કહ્યું હતું કે તેઓ એમને પોતાના વારસદાર નીમે છે. આ શબ્દો કેવળ ખાનગી ઉદ્ગારોમાં જ કહ્યા હતા. મહાદેવભાઈ આ બાબત પોતાના પત્રમાં લખે છે:

‘એ પદનો અધિકારી મેં મારી જાતને ગણ્યો જ નથી.’ પછી જાણે કે પોતાનો જીવનમંત્ર જપતા હોય તેમ લખે છે, ‘મારી મનોકામના તો છે હનુમાન જેવાને આદર્શ રાખી તેની સ્વાર્પણસેવા પોતાનામાં ઉતારવી અને કેવળ સેવાભક્તિથી તરી જવું.’૧૦

અહીં બે ક્ષણ આપણે મહાદેવભાઈ અને ગાંધીજીના સંબંધ અંગે વિચાર કરી લઈએ. મહાદેવભાઈએ એકથી વધારે વાર ગાંધીજી વિશે વિચાર કરતાં એમને રામને સ્થાને મૂક્યા છે — જેમ આ પ્રસંગમાં કર્યું છે તેમ. એક જગાએ પોતાને તુલસીદાસને સ્થાને મૂકતાં પણ સંકોચ અનુભવ્યો છે, પણ ગાંધીજીને રામને સ્થાને મૂકતાં એવો સંકોચ અનુભવ્યો નથી. પ્રશ્ન એ ઊઠે છે કે મહાદેવભાઈ ગાંધીજીને અવતારી પુરુષ માનતા હતા કે કેમ? આ પ્રશ્નનો ઉત્તર સમજવા સારુ ગાંધીજીના अनासक्तियोगનું મહાદેવભાઈએ કરેલા અંગ્રેજી રૂપાંતર Gita According to Gandhiમાંનું૧૧ ‘મારું નિવેદન’ My Submission નામની પ્રસ્તાવના વાંચવી જોઈએ. તેમાં ‘અવતાર’ નામનો પરિચ્છેદ આ વિષયની દાર્શનિક ભૂમિકા સ્પષ્ટ કરે છે.

મહાદેવભાઈના અનેક વહેવાર, અને ખાસ કરીને ગાંધીજી વિશેના એમના ઉદ્ગારોને લીધે આપણને એમ લાગે કે મહાદેવભાઈ ગાંધીજીને અવતારી પુરુષ માનતા હતા. હિન્દુ પરંપરામાં આવી માન્યતા કાંઈ અજાણી કે ઢાંકપિછોડો કરવા જેવી નથી ગણાઈ.

મહાદેવભાઈ ગાંધીજીની સેવામાં પોતાની જાતને ધન્ય માનતા. બંને વચ્ચે ક્યારેક કાંઈક મતભેદ થાય તો ભૂલ પોતામાં જ હશે એમ માનીને તે શોધવા પ્રયત્ન કરતા, એ ભૂલ શોધી ન જડે, અથવા સુધરી શકે એવી ન લાગે તો પોતે ગાંધીજીને લાયક નથી એમ માનતા અને એનું પ્રાયશ્ચિત્ત કરવા કે ગાંધીજીથી દૂર ખસી જવા તૈયાર થતા. આ અર્થમાં તેઓ ગાંધીજીના સગુણ સાકાર ભક્ત હતા એમ કહી શકાય. પરંતુ તેઓ ગાંધીજીના આંધળા ભક્ત નહોતા. એમ જો જોઈએ તો મહાદેવભાઈનું જીવન ‘ભક્તિનું અખંડ કાવ્ય’ સમું હતું. પણ તેમણે ગાંધીભક્તિનું કોઈ ભજન નથી રચ્યું. તેઓ ગાંધીજીને સિદ્ધ નહીં, સાધક જ માનતા હતા — ભલે પોતાનાથી ઘણા આગળ વધી ગયેલા સાધક હોય. ગાંધીજી કદી ભૂલ કરે જ નહીં, એમ તેઓ નહોતા માનતા. ગાંધીજીમાં ચમત્કારો કરવાની કાંઈક અલૌકિક શક્તિ છે, એવું તેઓ નહોતા માનતા. તેમનામાં સામાન્ય લોકો કરતાં ઘણો વધારે દિવ્યાંશ છે એવું તેઓ માનતા. પણ ગાંધીજી દેહધારી છે અને શરીર પોતાનો ધર્મ બજાવ્યે જાય છે, માટે એમનું શરીર સચવાયેલું રહે તે સારુ મહાદેવ સદા ચિંતિત રહેતા.

મહાદેવભાઈ એમ પણ માનતા કે એક બાજુ આખા વિશ્વમાં અને બીજી બાજુ દરેક વ્યક્તિમાં ઓછેવત્તે અંશે અપૂર્ણતાથી પૂર્ણતા તરફ, અસત્યથી સત્ય તરફ જનારી એક વૈશ્વિક પ્રક્રિયા નિરંતર ચાલી રહી છે. જે લોકો પોતાની જાતને શૂન્યવત્ બનાવે, અનાસક્તિ અને નિષ્કામ કર્મની ચરમસીમા સુધી પહોંચી જાય અને તેમ કરતાં પોતાને પૂર્ણ બનાવે તેને મહાદેવભાઈ અવતારી પુરુષ લેખતા. સાથે સાથે તેઓ એમ પણ માનતા કે છેવટે કોઈ પણ વ્યક્તિને અવતારી પુરુષ માનવાનું પ્રયોજન પોતામાં તેના જેવા ગુણો લાવવાની ઇચ્છા એ હોય છે. એટલે મહાદેવભાઈનો પોતાનો પ્રયાસ અહર્નિશ પોતાની જાતને શૂન્યવત્ બનાવવાનો અને નિષ્કામભાવે કર્મ આચરી પરમ પૂર્ણતા પ્રાપ્ત કરવાનો હતો. પૂર્ણતા તરફની તેમની સાધના એક તરફથી વ્યક્તિગત ગુણવિકાસની હતી, તો બીજી તરફ, સેવાના માધ્યમ દ્વારા, અને અહમ્ને ઓગાળતાં જતાં તેને સમાજમાં જાતિ, ભાષા, ધર્મ, દેશના વાડાઓ ઓળંગીને ક્ષિતિજવ્યાપી બનાવવાની હતી. એ પૂર્ણતા એમને આત્મસમર્પણમાં દેખાતી હતી. સીમમાંથી અસીમ સુધી પહોંચવાનું માધ્યમ તેમણે ગાંધીજીની સેવાને બનાવી દીધું હતું. પૂર્ણતા અને શૂન્યતા ત્યાં એક બિંદુમાં ભળી જતી હતી. પૂનાના આગાખાન મહેલમાં, ૧૯૪૨ની ૧૫ ઑગસ્ટે લીધેલા અંતિમ શ્વાસની ઘડી એ વૈશ્વિક ચેતનામાં પોતાની વૈયક્તિક ચેતનાને એકાકાર કરવાની ઘડી હશે?

આ સંદર્ભમાં નરહરિભાઈ સાથે મહાદેવભાઈનો ૧૯૧૯માં થયેલો એક પત્રવ્યવહાર ખૂબ ઉદ્બોધક છે. નરહરિભાઈ શ્રી મજમુદાર નામની વ્યક્તિ જોડે થયેલી વાતચીતનો અહેવાલ આપે છે:

‘બાપુના વિશે બહુ સરસ બોલવા માંડ્યો. પહેલાં તો કહે, ગાંધી હઠીલો તો પહેલેથી જ. છેક નાનો હતો ત્યારથી. અને કંઈક વિચાર થયો કે તરત અમલમાં મૂકનાર. … એ માણસમાં કાંઈક દેવતાઈ શક્તિ તો નાનપણથી જ. અત્યારે પણ લિટલ નૉલેજ (અલ્પજ્ઞાન), એમાઉન્ટ ઑફ ઇગોટિઝમ (ખાસ્સો અહમ્) ઍન્ડ પર્ફેક્ટ ઇગ્નોરન્સ ઑફ હિસ્ટરી (અને ઇતિહાસનું સંપૂર્ણ અજ્ઞાન) હોવા છતાં એનામાં કાંઈ ઇન્ટ્યુઇટિવ ઇન્સ્પિરેશન (અન્તરસૂઝવાળી પ્રેરણા) છે તેથી જે પાસા નાખે છે તે સવળા પડે છે. એને ન ઓળખતો હોય તેને તો કેટલીક વખત માણસ સ્કીમિંગ (કાવતરાબાજ) પણ લાગે. પણ જરાયે સ્કીમિંગ નથી. કામ હાથમાં લીધા પછી મૅથડ્ઝ (કાર્યપદ્ધતિઓ) ને બધાનો વિચાર તો કરે છે. સાચો એના જેવો કોઈ નહીં. પણ સત્યની સાથે એનામાં મને ઇગો (અહમ્) બહુ લાગે છે. બસ તે કહે તે જ સત્ય. સત્ય તો દુનિયામાં અનાદિકાળથી છે અને હવે મેં કહાડ્યું તે જ સત્ય એમ કહેવા લાગ્યો છે. જેનેતેને કહેવું કે મને તો આ સત્ય લાગે છે. હું આમ કહું છું. તમને નાપસંદ હોય તો તમે તમારે રસ્તે, હું મારે રસ્તે, એ શું? પણ એ જ એની ખૂબી છે. એને લીધે જ એ ફાવે છે. અને એનું બળ પણ ઝાઝું એમાં રહેલું છે કે દુ:ખી અને ગરીબોનો એ બેલી છે. તેમનાં ઝૂંપડાંમાં જઈ દયા વિસ્તારનારો એ છે. હિંદુસ્તાન અત્યારે દુ:ખી છે એટલે આ તારનારને પૂજે છે. હિંદુસ્તાન તો શું પણ અત્યારે ઇજિપ્તમાં જઈને ઊભો રહે તો ત્યાં પણ “મહાત્મા ગાંધીજી કી જય” બોલે. અને હું તો એટલે સુધી કહું છું કે જર્મની અને રશિયાને પણ કોઈ દિલાસો આપી શકે તો તે ગાંધી જ છે. તું યાદ રાખજે હું ભવિષ્ય ભાખું છું. અમે સાથે ઇંગ્લંડ ગયા. મારે માટે એ થોડું રોકાયો. અને હું તો ખાઈને બેસી રહું છું અને એ તો ચઢ્યે જ ગયો. અત્યારે (હું) એના પગ આગળ બેસવાને પણ લાયક નથી. ખરો મહાત્મા છે. અવતારી છે. જિસસ ક્રાઇસ્ટ કરતાં ચઢે. હું તો આશ્રમમાં આવતાં ડરું છું. મને એમ લાગે કે કદાચ હું મારું પાપ ત્યાં અડકાડી દઉં. એની સામું હું જોઈ શકતો નથી. એના પગનો સ્પર્શ કરવામાં અભિમાન લઉં છું. જે અત્યારે એને પૂજતા નથી તે લાઇફ (જિંદગી) ગુમાવે છે. એના આપણે કંટેપરરી (સમકાલીન) છીએ એ પણ મોટું ભાગ્ય માનવાનું છે. મને કહે કે હવે બરાબર સેવા કરજે. … એક વાત ભૂલી ગયો. કહે કે એનું મૃત્યુ કોઈક અને તે હિંદીના ઘાથી જ થવાનું છે. બધા પ્રોક્ટ્સ (પયગંબરો) એમ જ મૂઆ છે. … આપણો જ કોઈ માણસ એને શૂટ કરશે અને તેમાંથી નવું હિંદ ઉત્પન્ન થશે. આ વાત અત્યારે તો હૃદય કંપાવી નાખે છે. મજમુદારે [કહ્યું] એ તો જાણે ઠીક, પણ તમેય એ જ વાત લખી રહ્યા છો… પ્રભુએ નીર્મ્યું હશે એ થશે. તન અને મનથી કામ કરવું એ જ આપણા તો હાથમાં છે.’૧૨

મહાદેવભાઈના જવાબનો થોડો ભાગ:

‘મજમુદારની ઍનૅલિસિસ બહુ જબરી છે. બહુ ખરી છે. એ જે ઇગોની વાત કરે છે તે ઇગો સ્થૂળ ઇગો નહીં. બહુ સૂક્ષ્મ ઊંડે ઊંડે ગોતીએ તો દેખાય એવો ઇગો હું એમનામાં જોઉં છું. પછી એમ હોય ખરું કે એ ઈગો સ્પિરિચ્યુઅલ લાઇફ — (આધ્યાત્મિક જીવન)ને માટે આવશ્યક હોય. હું તો બાપુમાં પ્રત્યેક ક્ષણે ઇવૉલ્યુશન (ઉત્ક્રાંતિ) થતું હોય એમ જોઈ રહ્યો છું. અને એઓ પ્રત્યેક પળે પળે વધારે વધારે પૂજ્ય બનતા જાય છે. છતાં પર્ફેક્શન (પૂર્ણતા) પર હજી એમને પહોંચવાનું છે. આ કહું છું એટલે કોઈ વ્યક્તિને પર્ફેક્ટ માનીને બાપુને તેનાથી નીચા માનું છું એમ છે જ નહીં. મને તો એમ લાગે છે કે અવતાર જે થઈ ગયા છે તે બાપુના કરતાં શું ચઢતા હોઈ શકે? તમે આ કાગળ ત્યાં બેસીને જ્યારે લખતા હશો ત્યારે પંડિતજીના વાંદર-સેક્રેટરીને હું કહેતો હતો કે આવા દેવતાઈ પુરુષના સંસર્ગમાં આવ્યા એ પણ આપણાં ભાગ્ય. …’૧૨

ગાંધી-મહાદેવની જુગલબંધીની ઐતિહાસિક કથા આગળ ચલાવીએ.

ટ્રેનમાંથી ધરપકડનો હુકમ આવ્યા બાદ ગાંધીજીએ ‘મારા દેશબાંધવો’ને સંબોધીને જે સંદેશો મહાદેવને ઉતાવળે લખાવ્યો તેના કેટલાક દિલચસ્પ અંશો:

‘મેં હુકમોનો અનાદર કર્યો છે. એટલે થોડી જ વારમાં પકડાઈને હું સ્વતંત્ર બનીશ. મારા શરીરને તેઓ અટકમાં લઈ જશે. રૉલેટ કાયદા આપણા દેશની ધારાપોથીને કલંકિત બનાવી રહ્યા છે તેવે વખતે બહાર છૂટા રહેવું મને ભારે કઠતું હતું. તમારે સૌએ સત્યાગ્રહ-પ્રતિજ્ઞામાં સ્પષ્ટ જણાવેલી ફરજ પાળવાની છે. … હું આશા રાખું છું કે મને પકડવાથી તમે કોઈ રોષે ભરાશો નહીં. … આપણે જો સત્યના માર્ગમાંથી રજ પણ ચળીશું અથવા અંગ્રેજ કે હિંદી કોઈની સામે હિંસા આચરીશું તો આપણે આરંભેલા કામને જરૂર વણસાડીશું.

‘હિંદુ-મુસલમાન એકતાનાં મૂળ લોકોમાં અત્યારે સજ્જડ પડેલાં દેખાય છે, તે હું આશા રાખું છું કે સત્ય ઘટના બનશે…

‘સ્વદેશીવ્રત પર ધ્યાન આપશો. જેમ જેમ સત્યાગ્રહ વિશે તમારા વિચારો પરિપક્વ થતા જશે તેમ તેમ તમને જણાશે કે હિંદુ-મુસલમાન એકતા અને સ્વદેશી એ સત્યાગ્રહનાં જ અંગો છે.

‘…ઇંગ્લંડથી ટપકી પડેલા સુધારા તે ગમે તેટલા મોકલે, મને આપવામાં આવ્યા હોય તોપણ તેનાથી નહીં, પણ આપણા પોતાના કષ્ટસહનથી જ આપણા ધ્યેય આપણે પહોંચી શકવાના છીએ. …’૧૩

ગાંધીજીને મુંબઈ લાવીને છોડી મૂકવામાં આવ્યા. એમની ઇચ્છા કાયદાનો ભંગ કરી ફરીને પંજાબ જવાની હતી, પણ તેમણે સાંભળ્યું કે મુંબઈમાં તોફાનો થયાં છે એટલે તેને શમાવવા મુંબઈમાં રોકાઈ ગયા. તેમણે જાહેર કર્યું કે હિંસા ચાલુ રહેશે તો તેઓ લડત બંધ રાખશે.

૧૨મીએ અમદાવાદમાં ફાટી નીકળેલા તોફાનના સમાચાર સાંભળી ગાંધીજી ત્યાં ગયા. કમિશનરને મળ્યા. ૧૪મીએ આશ્રમમાં એક સભા થઈ જેમાં હિંસાના પ્રાયશ્ચિત્ત તરીકે ગાંધીજીએ ઉપવાસ પર ઊતરવાની જાહેરાત કરી.

મુંબઈ-અમદાવાદ બંને ઠેકાણે ગાંધીજી કમિશનરને મળ્યા. મગનલાલભાઈ, ઇમામસાહેબ, વિનોબા, નરહરિભાઈ અને બીજા આશ્રમવાસીઓ અમદાવાદમાં ઘેર ઘેર જઈને શાંતિ સારુ ફર્યા હતા. બંને ઠેકાણેથી શાંતિ માટેની પત્રિકાઓ બહાર પાડવામાં આવી હતી. વલસાડ સ્ટેશનેથી મહાદેવભાઈ આશ્રમના વ્યવસ્થાપક શ્રી મગનલાલ ગાંધીને અભિનંદન આપે છે:

‘આપણા આશ્રમબંધુઓએ જે ભાગ ભજવ્યો છે તે વાંચીને મને હરખનાં આંસુ આવ્યાં. ઇમામસાહેબ ભડવીરની માફક ઘૂમી રહ્યા છે એમ જોઈ શકું છું. તેમને મારી ખાસ સલામ કહેશો. તમે તો બચ્ચાંઓને સંગ્રામમાં નાખી તેમને શૂરથી ઘૂમતા જોઈ આનંદ માનનારા ઘરડેરાંનો આનંદ લેતા હશો. સ્ત્રીઓનાં પરાક્રમો વિશે વધારે સાંભળવા ઇંતેજાર છું.’૧૪

ટૂંકમાં, ભારતમાં શાંતિસેનાનો અહીં આરંભ થયો. હુલ્લડ વખતે કે હુલ્લડ પછી તેને શમાવવા સારુ શાંતિસેના જે જે કામો કરે છે, તે લગભગ સઘળાં મુંબઈમાં ગાંધીજી સાથે રહીને મહાદેવભાઈએ કર્યાં. તે કામોની અહીં ટૂંકી નોંધ લેવી અસ્થાને નથી:

જનતાને ચેતવવી; લોકોની વચ્ચે પહોંચી જવું; પ્રત્યક્ષ હિંસા કે ભાંગફોડને રોકવા પ્રયાસ કરવો; ઘેર ઘેર જઈને લોકોને સમજૂતી આપવી.

સરકારી અમલદારો સાથે વાટાઘાટો કરી આખી સ્થિતિ અંગે સરકાર કેવો ક્યાસ કાઢે છે તે સમજવું અને પોતાનો અંદાજ અમલદારોને જણાવવો; શાંતિ માટેના ઉપાયો વિચારવા; કાયદો અને વ્યવસ્થાને નામે અધિકારીઓ કે સિપાઈઓ અતિશયતા કે અત્યાચાર ન કરે તેની કાળજી રાખવી.

જાહેર જનતાજોગ નિવેદન બહાર પાડવું; શહેરમાં થયેલી હિંસા અંગે ચૂપ બેઠેલા નાગરિકો પણ જવાબદાર છે તે વાતનું ભાન કરાવવું; શાંતિનો વિચાર સમજાવતી પત્રિકાઓ બહાર પાડવી; જાતતપાસ દ્વારા સાચી માહિતી મેળવીને તથા તેને પ્રગટ કરીને ખોટી અફવાઓને ફેલાતી અટકાવવી; પ્રાયશ્ચિત્તના કાર્ય તરીકે નેતા દ્વારા અનશન અને સહાનુભૂતિવાળાઓને તેમાં એકાદ દિવસ પૂરતા ભળવાની છૂટ આપવી.

મદ્રાસમાં ૧૮–૩–૧૯૧૯ના રોજ થયેલી સત્યાગ્રહી કાર્યકર્તાઓની સભામાં આંદોલન ચલાવવાની વ્યૂહરચના અંગે વિચારણા થઈ. આખા કાર્યક્રમની નોંધ મહાદેવભાઈએ લીધી. છેવટે તેઓ કહે છે: ‘આપણે સૌએ આપણી જાતને વિનાશકારી નહીં, પણ રચનાત્મક સેના તરીકે અને જરૂર પડે તો આત્મવિલોપન કરનારી સેના તરીકે સમજવી.’ આ એક વિચારમાં રચનાત્મક સેનામાં શાંતિસેનાનું વિધાયક સ્વરૂપ અને ‘આત્મવિલોપનકારી સેના’માં શાંતિસેનાનું અંતિમ બિંદુ આવી જાય છે. ઠેઠ ૧૯૧૯ના માર્ચ મહિનામાં વપરાયેલું આ વાક્ય એક તરફ બીજરૂપે એક મોટો વિચાર રજૂ કરી દે છે અને બીજી તરફ મહાદેવભાઈના જીવનની કાર્યપદ્ધતિ અને એનું અંતિમ લક્ષ્ય પણ સ્પષ્ટ કરે છે.

કમિશનરોની સાથેની વાતચીત વખતે મહાદેવભાઈ ગાંધીજી સાથે ગયા હતા. મુંબઈના કમિશનર જોડેની વાત તેમણે વિગતવાર નોંધી છે. તે નોંધમાં સરકારી અમલદારની આવે પ્રસંગે નાગરિકોને નીતિના ઉપદેશ આપવાની તુમાખીભરી વૃત્તિ અને ગાંધીજીની અપમાન ગળી ન જવાની, છતાં નમ્રતા ન ખોવાની વૃત્તિ એમાં સ્પષ્ટપણે પ્રગટ થાય છે. કમિશનરે આ કામમાં ગાંધીજીને સાથ આપતા આગેવાનોની નિંદા પણ ઘણા ખરાબ શબ્દોમાં કરી. ગાંધીજીએ આમાંની એક પણ માન્ય નહોતી રાખી અને વારંવાર એમ પણ જણાવ્યું કે મારે કોઈની બદબોઈ સાંભળવાનું કામ નથી. એ લોકો વિશે ગાંધીજીએ પોતાનો અભિપ્રાય પણ સ્પષ્ટ શબ્દોમાં સંભળાવ્યો હતો. આ નોંધમાં ટપકાવેલા સંવાદો દ્વારા પોતાના સાથી વિશે બિનપાયાદાર વાતોમાં ટાપસી ન પુરાવવાની અને મનમાં શંકાને પ્રવેશ પણ ન કરવા દેવાની અને તેમ કરી સાથીઓ વચ્ચે ફૂટ પડતી આરંભથી જ ડામી દેવાની કુશળતાને મહાદેવભાઈએ છતી કરી. આજે જ્યારે ગાંધીજી કે એમના તે સમયના કોઈ સાથી હયાત નથી ત્યારે આવા પ્રસંગોએ નેતૃત્વે કેવી રીતે કામ કરવું તેનો દાખલો આ નોંધ દ્વારા મહાદેવભાઈ આપણી આગળ મૂકતા ગયા છે.

ગાંધીજી અમદાવાદમાં તોફાનો શમાવવા મથતા હતા, ત્યારે પેલી બાજુ પંજાબ ભડકે બળતું હતું. લાહોરમાં ગોળીબાર થયો હતો. પંજાબમાં એકબે સ્થળે રેલના પાટા ઉખેડવામાં આવ્યા હતા. ૧૩મી એપ્રિલે અમૃતસરના જલિયાંવાલા બાગમાં ડાયર નામના એક અંગ્રેજ અમલદારે બધી બાજુથી ઘેરાયેલા એવા સ્થળે બહાર જવાના એકમાત્ર સ્થાન પર બંદૂકધારી સિપાઈઓને ગોઠવી દઈ, લોકોને વિખેરાવાની તક પણ આપ્યા વિના, મશીનગનો વડે બેફામ ગોળીઓ ચલાવી. વીસેક હજારની ભીડ ઉપર કુલ ૧૬૦૦ રાઉન્ડ ગોળીના ચલાવવામાં આવ્યા. દારૂગોળો ખૂટ્યો ત્યારે જ ગોળીબાર અટક્યો. અમૃતસરની એક ગલીમાં લોકોએ મિસ શેરવૂડ નામની એક મિશનરી સ્ત્રી પર હુમલો કર્યો હતો. તેનો બદલો લેવા એ ગલીમાંથી જે કોઈ જાય તેને પેટેથી ચાલીને જવાનો હુકમ બહાર પાડવામાં આવ્યો. પંજાબમાં ઠેર ઠેર ફટકા મારવા સારુ માંચડા ઊભા કરવામાં આવ્યા અને જાહેરમાં લોકોને નાગા કરી ફટકા મારવામાં આવ્યા. લશ્કરી પંચે અમૃતસરમાં ૨૧૮ જણ પર ખટલા ચલાવ્યા. તેમાંથી ૫૧ને મૃત્યુદંડ, ૪૮ને જન્મટીપ, રને દસ વર્ષ, ૭૯ને સાત વર્ષ, ૧૦ને ૫ વર્ષ, ૧૩ને ૩ વર્ષ અને ૧૧ને તેનાથી ઓછી મુદતની સજા ફટકારવામાં આવી. પાછળથી થયેલી તપાસ દરમિયાન જવાબદાર અમલદારોએ પોતે જે કાંઈ કર્યું હતું તેનો જરાયે પસ્તાવો ન જણાવ્યો. બલકે વધુ તક મળી હોત તો વધુ કડક થયા હોત એમ જણાવ્યું. જલિયાંવાલા બાગમાં ચારસોથી વધુ લોકો મર્યા, હજારથી વધુ ઘાયલ થયા. બીજે દિવસે પંજાબના કેટલાક જિલ્લાઓમાં માર્શલ લૉ જાહેર કરવામાં આવ્યો. અનેક ઠેકાણે તારનાં દોરડાં કપાયાં. પંજાબના કેટલાક નેતાઓને દેશનિકાલ કરવામાં આવ્યા. ૧૮મી તારીખે ગાંધીજીએ સવિનયભંગની લડત થોડા વખત સારુ મોકૂફીની જાહેરાત કરી.

આ બાજુ बॉम्बे क्रॉनिकलની રાષ્ટ્રીયતા તરફ ઢળતી નીતિ જોઈને તેના તંત્રી શ્રી હોર્નિમૅનને દેશ છોડી જવા હુકમ આપવામાં આવ્યો. એ હુકમની વિરુદ્ધ હડતાળ પડી.

મે માસમાં પંજાબમાંથી માર્શલ લૉ હઠાવવાની અને પંજાબની ઘટનાની સંપૂર્ણ તપાસની માગણી થઈ. પંજાબના લેફ્ટનન્ટ-ગવર્નર તરીકે સર માઇકલ ઑડવાયર હતા, તેને ઠેકાણે ૧૯૧૯ના જુલાઈ માસ પહેલાં સર એડવર્ડ મેકલેગને લેફ્ટનન્ટ બનાવવામાં આવ્યા. જલિયાંવાલા બાગના કાંડની દેશ અને દુનિયા પર ભારે અસર થઈ. બ્રિટિશ સામ્રાજ્યવાદના તોરતરીકાની જાંઘ દુનિયા આગળ ઉઘાડી પડી ગઈ. કવિ શ્રી રવીન્દ્રનાથ ઠાકુરે પોતાને મળેલી ‘સર’ની પદવી પાછી આપવાની તૈયારી જાહેર કરી. ઇંગ્લંડની પાર્લમેન્ટમાં પણ જલિયાંવાલા બાગની ચર્ચા થઈ. ત્યાં આ કાંડ કરનાર ડાયરની ‘નિર્ણયબુદ્ધિના દોષથી — ભૂલ (error of judgment) થઈ હતી’, એટલું જ કહેવામાં આવ્યું. એને કોઈ સજા ન થઈ. એણે પોતે તો ઘમંડપૂર્વક એમ કહ્યું કે, ‘મેં જે કાંઈ કર્યું તે બધું જાણીજોઈને સમજીબૂઝીને જ કર્યું હતું.’

પંજાબમાં રેલવેની હદ સિવાય બાકી ભાગમાંથી જૂન માસમાં માર્શલ લૉ પાછો ખેંચાયો. રૉલેટ કાયદો પાછો ખેંચાય નહીં અને પંજાબની તપાસ થાય નહીં તો જુલાઈ માસમાં સત્યાગ્રહ ફરી શરૂ કરવાની મહેતલ ગાંધીજીએ આપી. તોફાનની તપાસ ન થાય ત્યાં સુધી લશ્કરી કાયદા મુજબ થયેલી સજાઓ મોકૂફ રાખવાની પણ માગણી ગાંધીજીએ કરી, જે સરકારે કાને ન દીધી. જુલાઈમાં કલકત્તામાં કૉંગ્રેસ કમિટીની બેઠક થઈ, જેમાં સત્યાગ્રહ પુન: આદરવાનો વિચાર તત્કાળ પૂરતો પડતો મૂકવામાં આવ્યો. આ કાળ દરમિયાન ઠેર ઠેર સ્વદેશી વસ્તુ ભંડારો ખૂલતા હતા. પંજાબ, ગુજરાત અને બીજે ઠેકાણે થયેલી હિંસા અને પોલીસ-અત્યાચારો બાબતમાં લૉર્ડ હંટરની આગેવાની હેઠળ એક તપાસપંચ નિમાયું. હંટર ભારત પહોંચે તે પહેલા ગાંધીજી પરના (પંજાબમાં પ્રવેશબંધી જેવા) સર્વ પ્રતિબંધો પાછા ખેંચી લેવાની સૂચના હિંદ સરકારે મુંબઈ, મદ્રાસ વગેરેની પ્રાંતિક સરકારોને આપી.

પહેલું વિશ્વયુદ્ધ પૂરું થાય તે પહેલાં જ તુર્કીની ખિલાફત અંગે એક પ્રશ્ન ઉદ્ભવેલો, જેણે હિંદના મુસલમાનોને ઉદ્વિગ્ન કરી મૂકેલા. તુર્કીનો સુલતાન ખલીફા કહેવાતો. આખી ઇસ્લામી આલમ તેને ધર્મગુરુ માનતી. હિંદુસ્તાનના મુસલમાનોને યુદ્ધમાં પોતાના પક્ષમાં રાખવાના હેતુથી અંગ્રેજ સરકારે એવી જાહેરાત કરેલી કે યુદ્ધ પછી બીજા શત્રુઓનું ગમે તે કરવામાં આવે, પણ જર્મનીને સાથ આપનાર તુર્કીના સુલતાનની હકૂમતને અમે આંચ નહીં આવવા દઈએ. લગભગ એ જ વખતે અંગ્રેજો પોતાનાં મિત્રરાજ્યો સાથે જે ગુપ્ત વાર્તાલાપ ચલાવતા હતા તેમાં એવી યોજના ઘડવામાં આવી રહી હતી કે તુર્કીના ભાગલા પાડી તેની વહેંચણી કરવી. યુરોપમાં આ વાત જાણીતી થઈ ગયેલી. પણ સખત સેન્સરશિપને લીધે ભારતમાં તેની જાણ થવા નહોતી પામી. જ્યારે એની જાણ થઈ ત્યારે મુસલમાનોનાં દિલ દુભાયાં. વચનભંગ અને અન્યાય થયો એવી તીવ્ર લાગણી તેમનામાં થઈ. ૧૯૧૮ના એપ્રિલ માસમાં યુદ્ધ પરિષદમાં ગયા ત્યારે આ વાત ગાંધીજીએ વાઇસરૉય આગળ મૂકેલી, પણ આ તો છાપાંના સમાચાર છે, સરકાર તરફથી અધિકૃત રીતે ન કહેવાય ત્યાં સુધી શું કામ માની લો છો? — એવી દલીલ વાઇસરૉયે કરી, જે ગાંધીજીએ માની લીધી હતી. ખિલાફતના પ્રશ્ન અંગે મુસલમાનોને દુભાયેલા જોઈને પોતાના દેશબાંધવોને આફતને વખતે મદદ કરવી જ જોઈએ એમ વિચારી ગાંધીજીએ ખિલાફતના પ્રશ્નને પોતાનો બનાવ્યો. ૧૯૨૦માં ઉલેમાઓની એક સભામાં બોલતાં તેમને સ્ફુર્યું કે આવા અન્યાય સામે તો અસહકાર પણ થઈ શકે.

તે જ વર્ષના મે માસની ૨૮મીએ હંટર કમિટીનો રિપોર્ટ બહાર પડ્યો. સવિનયભંગની હિલચાલથી કાયદાને માન આપવાની વૃત્તિ શિથિલ થઈ હતી એટલી બાબત આખી કમિટી એકમત હતી, પણ બાકી બધી બાબતમાં કમિટીના ગોરા સભ્યો અને હિંદી સભ્યોના અભિપ્રાયો સાવ જુદા જુદા હતા. હિંદી સભ્યોએ સ્પષ્ટ અભિપ્રાય આપ્યો કે તોફાનોને બળવો માનીને લશ્કરી કાયદો જાહેર કરવામાં સરકારે ભૂલ કરી હતી અને એના અમલ દરમિયાન જે જુલમો ગુજાર્યા તે અમાનુષી અને હિંદી પ્રજાને સારુ અપમાનકારક હતા. છતાં હિંદી સરકારે કમિટીના ગોરા સભ્યોનો એ અભિપ્રાય સ્વીકાર્યો અને તે અનુસાર તેણે જે અહેવાલ બહાર પાડ્યો તે ઢાંકપિછોડો કરનારો હતો. તેમાં પંજાબના ગવર્નર માઇકલ ઑડવાયરની ભારે શક્તિ અને હિંમતથી કરેલા કામ બદલ કદર કરવામાં આવી હતી.

તેથી દેશની ચળવળમાં ખિલાફતની સાથે પંજાબના અત્યાચારોનો મુદ્દો ભળ્યો અને જ્યાં સુધી સ્વરાજ્ય ન મળે ત્યાં સુધી આવા અન્યાયો તો થયા કરે, એમ સમજીને ત્રીજો મુદ્દો સ્વરાજનો જોડાયો. આમ ત્રણ મુદ્દા પર અસહકારની લડત મંડાઈ. પ્રજા તરફથી પંજાબના જુલમોની તપાસ કરવા સારુ એક કમિટી નિયુક્ત કરવામાં આવી હતી જેમાં ગાંધીજીએ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. તે કમિટીએ ૧૯૧૯ના નવેમ્બર માસમાં પંજાબના દરેક જિલ્લામાં ફરીને સરકારી જુલમ વિશેની વિગતવાર માહિતી એકઠી કરી હતી.

હંટર કમિટી અમદાવાદ આવી ત્યારે તેના સભ્યોએ ગાંધીજીની ખૂબ લંબાણથી તપાસ કરી હતી. આખી તપાસનો રિપોર્ટ મહાદેવભાઈની ડાયરીનાં પાનાંનાં પાનાં ભરે છે. આ તપાસ દરમિયાન ગાંધીજીએ આપેલા ઉત્તરો તેમનું સ્તર બીજા સાક્ષીઓ કરતાં કેટલા ઊંચા પ્રકારનું હતું તેની પ્રતીતિ કરાવે છે. કેટલીક પ્રશ્નોત્તરી:

મિ. હંટરના પ્રશ્નો મુખ્યત્વે સત્યાગ્રહના સિદ્ધાંતને લગતા હતા. એનો થોડો નમૂનો જોઈએ:

લૉ, હંટર: ટૂંકમાં (સત્યાગ્રહ)નું સ્વરૂપ સમજાવશો જરા?

ગાંધીજી: શારીરિક બળને બદલે આત્મિક બળથી અને શુદ્ધ સત્યના જોર ઉપર લડવાની હિમાયત કરનારી આ હિલચાલ છે. મારી દૃષ્ટિએ, એ કૌટુંબિક ક્ષેત્રમાં લાગુ કરવામાં આવતો ન્યાય રાજદ્વારી ક્ષેત્રમાં પણ લાગુ કરવાનો યત્ન છે, અને પોતાનાં દુ:ખોની દાદ મેળવવા જતાં એ એક જ રસ્તે પ્રજા ખૂનામરકીના ભયમાંથી બચી શકે તેમ છે.

સ.: મિ. ગાંધી, તમે જરા સત્યાગ્રહ-પ્રતિજ્ઞા તરફ સરકારની દૃષ્ટિએ જોશો? ધારો કે તમે પોતે જ ગવર્નર હો તો તમારી સરકાર સામે ઉપાડવામાં આવેલી આવી હિલચાલ વિશે તમે શું કરો?

જ.: જો દેશનો કારભાર મારા હાથમાં હોય અને શુદ્ધ સત્યને જ શોધવા ખાતર કોઈ લોકો ચોક્કસ કાયદાઓને માન આપવાની ના પાડે તો હું તેમના કૃત્યને કાયદેસર જ ગણું અને તેમને હું મારા કરી લઉં. સાચો સત્યાગ્રહી જાતે માગે તે જ હક પોતાના વિરોધીઓને પણ આપે છે.

સ.: કાયદાના સવિનયભંગનો સિદ્ધાંત તમને જોખમકારક નથી લાગતો?

જ.: મારી માન્યતા એથી ઊલટી છે. દેશને ખૂનામરકીના વિચારો કરવામાંથી છોડાવી લેવાનો શુદ્ધ હેતુ જ કેવળ એના મૂળમાં રહેલો છે.૧૫

મિ. હંટર અને બીજા સભ્યો આશ્રમ જોવા ગયા હતા.

૧૯૧૯ની આખર સને ૧૯૨૦ના આરંભના પાંચેક માસ મહાદેવભાઈએ માંદગીમાં કાઢ્યા હતા, જેની વાત આપણે આગલા પ્રકરણમાં કરી ચૂક્યા છીએ. આ દરમિયાન બંગાળના સાત્ત્વિક પ્રકૃતિના શ્રી કૃષ્ણદાસ નામના એક સજ્જને ગાંધીજીના સચિવ તરીકે કામ કર્યું હતું.૧૬ દરમિયાન ગાંધીજી અસહકાર, સવિનયભંગ, ખિલાફત, પંજાબના અત્યાચાર વગેરે વિશે સમજાવતા દેશમાં અનેક સ્થળોએ ફર્યા હતા. તેમણે પંજાબના અત્યાચારોની પ્રજાકીય તપાસ પૂરી કરી હતી.

૧૯૨૦ના ઑગસ્ટની પહેલી તારીખથી અસહકાર આંદોલન શરૂ થવાનું હતું તેની આગલી રાતે જ લોકમાન્ય ટિળકનું અવસાન થયું, જાણે કે સ્વરાજ્યપ્રાપ્તિના અધૂરા રહેલા પોતાના કામની સોંપણી ગાંધીજીને કરતા જતા હોય તેવી આ સ્થિતિ હતી. એ મહિનામાં ગાંધીજીએ મદ્રાસની મુસાફરી કરી હતી અને ઑગસ્ટ માસની આખરી તારીખે જીવનભર ખાદી પહેરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

એક પ્રવાસનું વર્ણન વાચકોને થોડો ખ્યાલ ને થોડી રમૂજ આપવા સારુ નીચે આપ્યું છે. મહાદેવભાઈ લખે છે:

‘મિટિંગમાંથી હમણાં જ આવ્યા. રાતના દસ વાગ્યા છે. હજી અમારા રોજા ખૂલ્યા નથી. ખૂલશે ત્યારે પણ શાનાથી ખૂલશે એ હરિ જાણે. ચોખામાં કાંકરા તો હોવાના જ. … હમણાં હમણાં મારી પાસે સંભાળવાની વસ્તુઓ વધતી જાય છે. અને હું ભૂલતો જાઉં છું. અનેક પ્રકારના હાર બાપુને મળે છે. રામપુરમાં તો ખોટા કસબના ૫૦-૬૦ હાર ભેગા થયા હતા. તે ત્યાં જ હું રાખી આવ્યો. લખનૌમાં ખાસ સોનેરી કસબનો હાર ૧૦-૧૫ રૂપિયાનો હશે — મૌલાના અબદુલ બારીએ આપેલો. એ તો જાણે ક્યાંયે વીસરાય જ નહીં એવો કહેવાય, પણ હું મુંબઈ વીસરી આવ્યો છું. … બાવાની ઝોળીમાં આ વસ્તુઓ માય શી રીતે? એક ચાંદીની અત્તરદાની પણ આપેલી, તે મેં સંભાળીને રાખેલી. પણ ચોરાઈ છે. અહીંનો પ્રદેશ મુસલમાનોનો છે. પાંચ પાંચ શેર નર્યા ગુલાબનાં ફૂલોના ઢગલેઢગલા હાર આવે છે. આજે બાપુની ઉપર આખો ગુલાબનો જ મંડપ હતો. ફૂલોનું કાંઈ અર્ક જેવુંયે કાઢી લેવાની હિકમત મને આવડતી હોત તો ઠીક થાત… તાંજોરના હાર અને કલગી જરા વિચિત્ર પ્રકારનાં હતાં. એક હાર કેવળ પિથના, એટલે કે, વનસ્પતિના ગરનાં બનાવેલાં ફૂલોનો હતો. એમાં બહુ કળા રહેલી છે. અને એ તો બાળકોને બતાવવા માટે પણ લાવવા જેવો છે, પણ શી રીતે લાવીશ? એક કલગી તો રમૂજી મળી છે. પહેલી એક એકથી ચડતી ત્રણ લવિંગની હાર, પછી તેથી ચડતી એક મોતીની હાર — સાચાં નહીં હો, નહીં તો હું તો લેત જ નહીં. પછી એક એલચીની હાર, પછી લવિંગની હાર અને વચ્ચે મધ્યપુષ્પને બદલે જાવંત્રીમાં મઢેલું એક જાયફળ અને જાયફળ ઉપર તારથી ભેરવેલું એક દોડતું હરણું. આ પણ લાવવાનું મન થાય છે, પણ મને લાગે છે કે આ વર્ણન મેં તાદૃશ આપ્યું છે એટલે નહીં લાવું તો ચાલશે. અને અંદરની સામગ્રી પથરાવાળા ચોખાનું ભોજન લીધા પછી મુખવાસ તરીકે ઠીક કામ આવશે.

તાંજોરમાં થોડા ગુજરાતીઓ છે. બહુ કાળ ઉપર આવેલા એટલે હવે તો માત્ર ગુજરાતી તોતડું તોતડું બોલવાના પ્રયાસ કરે છે, છતાં તેઓમાં બાપુને માટે અભિમાન લેવા જેટલું ગુજરાતીપણું રહ્યું એટલે ગુજરાતી તરીકે બાપુનો સત્કાર કર્યો. એઓએ કસબી ભરતની કોરની બે શાલો બાપુને આપી છે. એટલે આ ભાર વધ્યો છે. આજે વળી નવો ભાર વધ્યો. અહીંના લોકોએ ચાંદીની એક પાનપેટીમાં માનપત્ર આપ્યું છે. હું પાન ખાતો નથી, બાકી મને એમ લાગે છે કે આ પેટી જાળવવાની ખાતર પાન ખાવાની ટેવ પાડું તો કાંઈ ખોટું નહીં, ખરું ને?… પણ આ તો નવરાપણાની નિશાની બતાવવા માંડ્યો.’૧૭

હંટર કમિટીનો રિપોર્ટ, જલિયાંવાલા બાગમાં જુલમ ગુજારનાર ડાયર જેવા અમલદારોને સજા કરવાને બદલે તેમણે કરેલ કુકૃત્યને ભૂલ ‘નિર્ણયબુદ્ધિના દોષથી થયેલી’ (error of judgment) કહીને તેમને જતા કરવા, ઇંગ્લંડમાં એમને સારુ ફાળો ભેગો થવો; વિશ્વયુદ્ધ પછી દેશને બંધારણીય માર્ગે કાંઈક વધુ અધિકારો આપવાને બદલે હિંદીઓની નાગરિક સ્વતંત્રતા પર તરાપ મારનારા રૉલેટ કાયદા આપવા — આવાં આવાં કારણોને લીધે બ્રિટિશ સામ્રાજ્યના વફાદાર નાગરિક ગાંધી હવે અંગ્રેજ સરકાર સાથે અસહકારને રસ્તે વળ્યા. હિંદી મહાસભાએ પ્રથમ કલકત્તા અને ત્યાર બાદ નાગપુરનાં અધિવેશનોમાં અસહકારના ઠરાવ પસાર કરીને ગાંધીને માર્ગે જવાનો સંકલ્પ કર્યો. આ કાળની રોમહર્ષણ ઘટનાઓના ચિત્તાકર્ષક અહેવાલો महादेवभाईनी डायरी ભાગ-૪ અને ૫માં મોજૂદ છે. અહીં તેના નમૂનાઓ આપવા પણ અશક્ય છે.૧૮ ચિત્તરંજન દાસ, મોતીલાલ નેહરુ જેવા ધુરંધરોએ શરૂઆતમાં અસહકારના કાર્યક્રમોનો વિરોધ કર્યો હતો. પણ ટૂંક ગાળામાં જ બંનેએ આ કાર્યક્રમમાં લોકોને જગાડવા તેમ જ તેમને સંગઠિત કરવાની રહેલી શક્તિને પિછાણી હતી, તેથી તેમણે ગાંધીજીને સાથ દીધો હતો. કૉંગ્રેસની જુવાન નેતાગીરી સમા રાજગોપાલાચારી, વલ્લભભાઈ, જવાહરલાલ વગેરે તો અસહકારને માર્ગે જવા થનગનતા જ હતા. યુગપ્રવાહ અસહકારની તરફેણમાં હતો, એ પ્રવાહથી વિખૂટા પડનાર, ખાસ કરીને વિનીત દળના, દીનશા વાચ્છા, એની બેસંટ, સુરેન્દ્રનાથ બેનરજી, નૃ. ચિ. કેળકર આદિ જે અસહકારના રાષ્ટ્રીય કાર્યક્રમમાં ન ભળ્યા તેઓ રાષ્ટ્રના મુખ્ય પ્રવાહથી આઘે ફેંકાઈ ગયા. અલબત્ત, અસહકારથી અલગ રહેનાર લોકોને સરકારે કાંઈક ને કાંઈક સંમાન આપીને પુરસ્કાર્યા. સર તેજબહાદુર સપ્રુને વાઇસરૉયની કારોબારીના સભ્ય, તથા લૉર્ડ સિંહાને બિહારના ગવર્નર બનાવવામાં આવ્યા. સુરેન્દ્રનાથ બેનરજીને ‘સર’નો ખિતાબ મળ્યો.

આ બાજુ નાગપુરની કૉંગ્રેસ પછી ગાંધીજીએ કૉંગ્રેસને વ્યાપક સંસ્થા બનાવવાના પ્રયત્નો શરૂ કર્યા. રાષ્ટ્રીય કૉંગ્રેસે પોતાની પ્રાંતરચના અંગ્રેજોના વહીવટને આધારે રાખવાને બદલે ભાષાવાર કરી. કૉંગ્રેસના પ્રાથમિક સભ્યોની મોટા પાયા પર ભરતી થવા લાગી. કૉંગ્રેસની ઘણી સભાઓ તથા બીજાં કામકાજ પ્રાંતીય ભાષા કે હિન્દીમાં ચાલવા લાગ્યાં.

લોકમાન્ય ટિળકના મરણ પછી એમની પાછળ ટિળક સ્વરાજ ફંડ ઉઘરાવવાનો કાર્યક્રમ બન્યો. એની સાથે જ ગામેગામ રેંટિયા વસાવવા અને કૉંગ્રેસના પ્રાથમિક સભ્યો નોંધવાના કાર્યક્રમો ચાલ્યા. આ ત્રણેય કાર્યક્રમોને લીધે એના ઇતિહાસમાં પહેલી વાર કૉંગ્રેસ એ વિશિષ્ટ વર્ગની સંસ્થા મટી લોકોની સંસ્થા બની. લોકોમાં ભળવાના અને લોકમય થવાના આ કાર્યક્રમમાં મહાદેવભાઈ પણ પોતાની રીતે ગાંધીજી સાથે ખરા જ. કૉંગ્રેસના નેતાઓમાં વલ્લભભાઈ જોડે મહાદેવભાઈને ખેડામાં જે સંબંધ બંધાયો તે આખું જીવન ઘનિષ્ઠતર થતો રહ્યો. રાજગોપાલાચારી સાથે ગાંધીજીની ઓળખાણ મહાદેવભાઈએ જ કરાવેલી. એમની સાથેનો સંબંધ એક ઊંચી સાંસ્કૃતિક સપાટીનો હતો. રાજાજીના સંસ્કારી સ્વભાવને લીધે જ મહાદેવભાઈએ એક ટ્રેનયાત્રામાં તપખીરની ડબ્બીને કાયમને માટે ‘વદા કરેલી’. જવાહરલાલજી સાથે વધુ ઘનિષ્ઠ સંબંધ હવે પછી અલાહાબાદમાં અને લખનૌ જેલમાં બંધાવાનો હતો. નેતાઓ સાથેના સંબંધો ઉપરાંત લોકો સાથે હળવામળવાનું મહાદેવભાઈ ચૂકતા નહીં.

ગાંધીજી સાથે જોડાયા ત્યારે મહાદેવભાઈને લખવાનો મહાવરો હતો, પણ જાહેરમાં બોલવાની એમને ટેવ નહોતી. શરૂઆતમાં થોડાં વર્ષો સુધી તેઓ સભાક્ષોભ અનુભવતા. સત્યાગ્રહ આશ્રમ સાબરમતીના રાષ્ટ્રીય વિદ્યામંદિરના હસ્તલિખિત દ્વિમાસિક मधपूडोમાં મહાદેવભાઈએ જાહેર સભામાં બોલવાના પોતાના અનુભવને વર્ણવ્યો છે. એક વાર મહાદેવભાઈ સુરતથી દિહેણ જતા હતા. વચ્ચે રાંદેર ગામે ત્યાંની કિશોરોની ટુકડીના કોઈ આગેવાને મહાદેવભાઈને ઓળખી લીધા. એણે દિહેણથી પાછા આવતાં રાંદેરની એક સભામાં ભાષણ કરવાનું વચન લીધા પછી જ મહાદેવભાઈને આગળ જવા દીધા! પાછળથી તો મહાદેવભાઈ એક સારા વક્તા બનેલા. લોકો સાથે મધુરતાથી વાતચીત કરીને ગાંધીજીના વિચાર સમજાવવાનો અભ્યાસ એમને અમદાવાદ ને ખેડામાં થઈ ચૂકેલો. દેશભરના પ્રવાસમાં પણ રોજેરોજ એના પ્રસંગો આવતા. પણ મહાદેવભાઈ સારુ જાહેર ભાષણનો આ પહેલો જ પ્રસંગ કહેવાય. હા, પહેલાં વિદ્યાર્થી અવસ્થામાં, છોટુભાઈ જોડે હજીરાની નજીક દામકા ગામમાં દારૂતાડી છોડાવા અંગે બોલી ચૂકેલા, પણ તે તો, આપણે આગળ જોયું છે તેમ, પડદા પાછળ રહીને લોકો આગળથી મોં છુપાવીને બોલેલા. જાહેરમાં શ્રોતાઓ આગળ બોલવાનો રાંદેરમાં પહેલો પ્રસંગ હતો. ટિળક સ્વરાજ ફાળો આ પ્રસંગે તેમની મદદે ધાયો. તેમની જ કલમે આ પ્રસંગનું થોડું વર્ણન જોઈએ:

‘અગડંબગડં કંઈક મેં ૨૦-૨૫ મિનિટ સંભળાવ્યું અને આ અનુભવની કેવળ ગ્લાનિ જ મારે ભાગે ન રહે એ સાવચેતી તરત જ લઈ ભાઈ શૌકતઅલી તથા ગાંધીજીની ભિક્ષાવૃત્તિની મેં મદદ લીધી. મેં તો ટિળક સ્વરાજ ફંડ માટે પૈસાની ભીખ માગવાની હિંમત કરી. … અર્ધા કલાકમાં રૂ. ૭૨–૨–૦ ભેગા થયા એટલે મારા જીવને ટાઢક વળી.’૧૯

આગળના દિવસોમાં એમને જાહેર સભાઓને સંબોધવાનો અભ્યાસ થતો ગયો. જ્યાં મોટી સભાઓ હોય અથવા જે દિવસે ગાંધીજીનું મૌન હોય તે દિવસે ગાંધીજીનું લિખિત ભાષણ — જે મોટે ભાગે કાંતતા કે પેટ પર માટીનો પાટો મૂકી સૂઈને આરામ કરતા — ત્યારે મહાદેવભાઈને લખાવેલું હોય, તે ભાષણ — મહાદેવભાઈ વાંચી સંભળાવતા. ખેડાના સત્યાગ્રહના દિવસોથી જ સરકારની છૂપી પોલીસની નોંધમાં ગાંધીજી અને એમના સાથીઓની જાહેર પ્રવૃત્તિઓ ટાંકેલી જોવા મળે છે. તેમાં ઠેકઠેકાણે, અને કેટલીક જગાએ રાષ્ટ્રીય છાપાંઓમાં પણ એ બાબત ટપકાવેલી જોવા જડે છે કે ગાંધીજીનું ભાષણ મહાદેવભાઈએ વાંચ્યું હતું. છતાં નરહરિભાઈની ઉપર લખેલા પત્રોમાં લગભગ ૧૯૨૦ના અંત કે ૧૯૨૧ના આરંભ સુધી મહાદેવભાઈ પોતાના સભાક્ષોભનું વર્ણન કરે છે. એકબે ઠેકાણે એ વર્ણનમાં પણ મહાદેવભાઈને ગાંધીજીનો જ કંઈક ગુણ દેખાય છે. તેઓ કહે છે, ‘બાપુ આ રીતે મને જાહેરમાં બોલવાની તાલીમ આપે છે, પણ મારો ક્ષોભ હજી પૂરો ગયો નથી.’

પણ એક બીજું ક્ષેત્ર એવું હતું કે જ્યાં મહાદેવભાઈ ભાગ્યે જ ક્ષોભ અનુભવતા. તે ક્ષેત્ર લેખનનું. ગાંધીજીએ જ્યારે જ્યારે દેશમાં કે વિદેશમાં જાહેર પ્રવૃત્તિ કરી છે ત્યારે ત્યારે તેમણે કોઈ ને કોઈ વિચારપત્ર ચલાવ્યું છે. ભારતમાં यंग इन्डिया, नवजीवन અને हरिजन પત્રો તેમણે એ મુજબ જ ચલાવેલાં. આ પત્રોમાં મહાદેવભાઈ શરૂઆતથી તે ૧૯૪૨ના ઑગસ્ટ માસ સુધી સતત લખતા. પરંતુ પત્રકારત્વના ક્ષેત્રમાં મહાદેવભાઈના પ્રવેશની વાતો આપણે આગળ ઉપર જોઈશું.

માંદગીના દિવસોને બાદ કરતાં મહાદેવભાઈનું સ્થાન ગાંધીજીની સાથે જ હતું. તે દરમિયાન ગાંધીજીની પ્રવૃત્તિની નોંધ કરવા ઉપરાંત સ્વતંત્ર રીતે લોકો જોડે ચર્ચાવિચારણા કરવી એ પણ મહાદેવભાઈનું કામ હતું. કપડાં ધોવાં, ક્યાંક ક્યાંક નવા સ્થળે જઈને ઝાડુ લગાવવું, કે પાણીનું માટલું ભરવા જેવાં અંગત સેવાનાં કામો પણ આવતાં. તે ઉપરાંત ગાંધીજીના પત્રવ્યવહારનો એક અંશ સંભાળવો અને પ્રવાસનાં મનોરમ વર્ણનોથી यंग इन्डिया કે नवजीवनની કટારો, મોટે ભાગે અલગ અલગ લેખો દ્વારા અને કોઈક વાર એક જ લેખ બંને ભાષાઓમાં લખીને ભરવી એ કામ પણ મહાદેવભાઈને સારુ ૧૯૨૦–’૨૧ના ગાળામાં સ્વાભાવિક અને રોજેરોજનું થઈ પડ્યું. એક ને એક પ્રકારના પત્રો એક કરતાં વધારે લોકોને લખવાના હોય તો કોઈક વાર મહાદેવભાઈ એ જ પત્ર બીજાને વંચાવવાનું સૂચવીને પતાવતા. ‘કાગળો પણ બહુ લખવાના થાય છે. વલ્લભભાઈને મળીને તમે મુખ્તેસર વાતો કરતા હો તો સરસ થાય. મારે બે ઠેકાણે લખવું પડે એ જરા ભારે છે.’૨૦

આ પત્રોમાંથી અનેક તે કાળના મહાદેવભાઈના વ્યસ્ત જીવનની ઝાંખી કરાવે તેવા છે. પણ બે કાર્યક્રમો વચ્ચેના ગાળામાં ઝટપટ પત્ર ચીતરી કાઢતા હોય તે છતાંયે તેમાં તેમનું અને ગાંધીજીનું વ્યક્તિત્વ પૂરું ખીલી ઊઠે છે. ૭મી માર્ચ, ૧૯૧૯ને દિન દિલ્હીથી નરહરિભાઈને લખેલ પત્રનો થોડો ભાગ જુઓ:

‘કાલે (૧૯૧૯, માર્ચ ૬) રામપુર જઈ આવ્યા. શૌકતઅલીને મળ્યા. એમનું મહારાક્ષસી શરીર, એમનો ભલભલાને આંજી નાખે એવો તાપ, એમની બાળકના જેવી સરળતા અને પ્રેમળતા — આ બધાનું વર્ણન કરવા બેસું તો મારે મારો સેક્રેટરીનો ધંધો છોડવો પડે. એમની સાથે સત્યાગ્રહ કરવાના કરાર થઈ ગયા છે. બધા કરારને કબૂલ થયા છે, અને રૉલેટ બિલની લડતમાં એમને માટેની લડત પણ શામેલ કરવી પડશે.

‘બે રાતની લાગટ મુસાફરીથી બાપુ થાક્યા એટલું જ નહીં પણ હું પણ થાક્યો. છતાં કામના ઢગલા છે. ડઝનબંધી તારો આવે છે. અને માણસોને મળવાનું પણ બહુ થાય છે, હું તો આજે “ત્રાહિ ત્રાહિ” પોકારી રહ્યો છું કે પરમેશ્વર બાપુને કોઈ પણ રીતે સલામત રાખે.

‘આજે મહંમદઅલી અને શૌકતઅલીના સંબંધમાં સર જેમ્સ ડુબોલેને મળવા ગયા છે. ચાર વાગ્યાના ગયા છે, સવા છ થયા, હજી નથી આવ્યા. વાઇસરૉયના ઇન્ટરવ્યૂનું જેવું પરિણામ આવ્યું તેવું જ કદાચ આનું પણ આવશે. “મળ્યા, ભેટ્યા અને માલેકુમ સલામ કરી છૂટા પડ્યા. તું તારો રસ્તો સમાલ અને હું મારો સમાલું.” વાઇસરૉયે બાપુને પૂછેલું, તારે દેશમાં એનાર્કી (અરાજકતા) જોઈએ છે? બાપુ કહે, “I don’t want it, you are inviting it. That could be the only result of the bills” (મારે નથી જોઈતી, પણ તમે જ તેને તેડો છો. આ ધારાઓનું (રૉલેટ ધારાઓનું) એ જ પરિણામ આવી શકે.) બાપુને કહ્યું, “તું એકલો શું કરી શકશે?” બાપુ કહે, “The moral strength of one man is sufficient to bend an empire” (એક માણસની નૈતિક તાકાત આખા સામ્રાજ્યને ઝુકાવવા સારુ પૂરતી છે.) વાઇસરૉય હસ્યા, અને કહ્યું, “Mr. Gandhi, you are unpractical” (મિ. ગાંધી, તમે અવ્યવહારુ છો.) બાપુ કહે, “That may be. But I believe that I am the most practical of men on earth.” (હોઈશ કદાચ, પણ હું તો એમ માનું છું કે આખી દુનિયામાં સૌથી વધુ વ્યવહારુ માણસ હું જ છું.) વાઇસરૉય વળી હસ્યા. તમારે રિફૉર્મ્સ (સુધારાઓ) જોઈએ છે કે નહીં? બિલની સામે સત્યાગ્રહ કરશો તો રિફૉર્મ્સ નહીં મળે એ દલીલની સામે એમણે (ગાંધીજીએ) કહ્યું, “The price is too heavy. The Government may as well keep the reforms to themselves. We don’t want them.” (એની કિંમત બહુ ભારે છે. સરકાર રાખે એના સુધારા એને ઘેર. અમારે તે નથી ખપતા.) …મેં વાતોનો સાર આપી દીધો. મારે જલદી પૂરું કરવું જોઈએ … આવીને તરત અહીં સભા બોલાવી છે. ત્યાં જવાનું છે. કાલે અકળાવી નાખે એવા રામપુરવાસીઓના સત્કારથી બાપુ બહુ જ થાક્યા છે. એટલે આજે તો ટૂંકામાં હિંદી ભાષણ લખાવી ગયા છે. મેં તેની શુદ્ધ પ્રત તૈયાર કરી રાખી છે, ઍસોસિયેટેડ પ્રેસ માટે અંગ્રેજી કરી રાખ્યું છે, અને તેઓ આવે અને મને ખેંચી જાય તે પહેલાં આ કાગળ લખું છું. મિટિંગમાં ભાષણ હું જ વાંચીશ, અને ભાષણ વંચાઈ રહેશે કે સરકી આવીશું એવો બંદોબસ્ત રાખ્યો છે.’૨૧

મહાદેવ ભક્ત હતા. તેથી એમને બાપુના રોજ નવા નવા ગુણો દેખાતા. રોજેરોજ તેઓ જે પત્રો લખતા તેમાં પણ એનું વર્ણન કરવાનું ચૂકતા નહીં. ૧૯૧૯ના માર્ચની ૭મી પછી અહોભાવની કોઈક ઘડીએ લખેલ પત્રનો એક અંશ જુઓ:

હું કહી ગયો છું, તેમ બાપુની તો સોળે કળાઓ હમણાં ખીલેલી છે. રોજના ૧૪-૧૫ કલાક જેટલું કામ કરતા હશે અને જરાય થાકતા લાગતા જ નથી. એમને એમની આશાની સફળતા જોમ આપી રહી છે એમ સ્પષ્ટ દેખાય છે. દિવસમાં બબ્બે ત્રણ ત્રણ ભાષણો, અનેક અગત્યના કાગળો, તાર, પ્રેસ મૅસેજ, અનેક માણસો સાથે વાતચીતો, અનેક ડાલમડોલ આત્માને સ્થિર કરવાનું, અનેકની શંકાનું સમાધાન, અનેક મુત્સદ્દીઓને મળી, તેમની પાસે કામ કઢાવી લેવાનું ચાલુ જ છે. શ્રીકૃષ્ણ ભગવાનની કાર્યધુરંધરતા વારંવાર યાદ આવે છે. અને તેમની સમક્ષ બેસવાનું, એમના ચરણ સેવવાનું સદ્ભાગ્ય છે એથી ગર્વ થાય છે. ત્યારે ઘડીક મન માનવાને પણ તૈયાર નથી થતું કે એ સદ્ભાગ્ય ખરે જ મારા કપાળમાં હશે! હું તો એને જરાય લાયક નથી.

આજે બપોરે ચાર વાગ્યે ઘેરથી નીકળ્યા ત્યાર સુધી ઉકેલેલું કામ કહી દઉં? સવારના પાંચ વાગ્યે કલકત્તા સૌને ખખડાવી નાખે એવો તાર, છ વાગ્યાથી આઠ વાગ્યા સુધી સર પટ્ટણીની સાથે મુલાકાત, તેની સાથે મૉન્ટેગ્યૂને મોકલેલો સંદેશો. આ સંદેશો મોકલતી વેળાનું જોશ અપૂર્વ — ભાષણ કરતા હોય તેમ તેના કરતાં વધારે પ્રૌઢ વાણી નીકળતી હતી, શબ્દેશબ્દ અગ્નિઝરતો હતો. પછી જમનાદાસને એક કલાક સર્મન (લાંબું ભાષણ) — પછી એક કલાક મુસલમાનો અને હિંદુનો પ્રૉબ્લેમ કેમ હાથ ધરવો તે સંબંધે ઉમર સોબાનીને સર્મન. પછી સ્વદેશી વ્રત ઉપર જાહેર લેખ, પછી હિંદુ-મુસ્લિમના ઐક્યવ્રત સંબંધે જાહેર લેખ, સત્યાગ્રહી પ્રતિજ્ઞાપત્રનું ભાષાંતર, દરમિયાન બલીબહેન — બહેન-ભાઈ સાથે વાતો. દરમિયાન કેટલાયે જણા પૈસા આપવા આવેલા તેમને પૈસા ખર્ચવાના સારા રસ્તા પર સર્મન. સ્ટેશન ઉપર આવતાં પહેલાં ઝટપટ પાંચ મિનિટ રસ્તામાં મરણપથારીએ પડેલા આનંદશંકરભાઈની મુલાકાત, સ્ટેશને આવી સત્યાગ્રહીઓને સંકટ સમયે સૂચના — ગાડી ઊપડી ત્યાં સુધી, અને ગાડી ઊપડ્યા પછી સ્વદેશી ઉપરના જાહેર પત્રનું અંગ્રેજી પાલઘર સુધી કરાવ્યું. હું હમણાં તપાસી રહ્યો છું. અને રાત્રે છ વાગ્યે નવસારી પોસ્ટ કરીશ. … (ગાંધીજી) ઘસઘસાટ ઊંઘી ગયા છે. [આ] કાગળ ગાડીમાં લખેલ છે એટલે અક્ષર માટે માફી આપશો. આ તો મેં તમારી આગળ લાંબો વખત થયાં ઊભરા નહોતા કાઢ્યા એટલે ચળ આવતી હતી તે આજે પૂરી કરી.’૨૨

અસહકાર આંદોલનની અભય અસવારી લઈને નીકળી પડેલા ગાંધીજીને પોતાનાથી મોટી ઉંમરના અને પોતાના કરતાં ઘણા વધારે જાણીતા એવા નેતાઓનો પણ મુકાબલો કરવો પડતો, એક પત્રમાં મહાદેવભાઈ કહે છે:

અલાહાબાદમાં મોતીલાલ નેહરુને ત્યાં ઊતર્યા. એના જેવું ખર્ચાળ કુટુંબ એકે નથી જોયું. રાજાના કરતાં વધારે ઠાઠથી રહે છે. વર્ષેદહાડે લાખ રૂપિયાનો ખર્ચ હશે. સૉક્રેટિસની ઉપર કરપ્ટર ઑફ યૂથ (જુવાનોને બગાડનાર)નો ચાર્જ (આરોપ) આવ્યો તેવો ચાર્જ ભવિષ્યમાં બાપુ માટે પણ આવશે. મોતીલાલનો દીકરો જવાહરલાલ છે તેણે સહી કરી છે.૨૩ બાપની ઇચ્છાવિરુદ્ધ છે. એટલે બાપુ ડોસાડોસીને સમજાવતા હતા. બાપુ કહે, ‘મારો એકનો એક દીકરો. બૅરિસ્ટર થયેલો. વિદ્વાન. બહુ એશઆરામમાં ઊછરેલો, ભારેમાં (ભારે) ઘોડા ખેલાવનારો. તે કેમ સત્યાગ્રહનાં દુ:ખ સહન કરે?’ બાપુ કહે કે, ‘એ દીકરો ઘોડા ખેલાવે તે તમને ગમે કે હજારો માણસની સરદારી કરી ભારે સરકાર સામે ઝૂઝતો હોય તે તમને ગમે? તમે તમારા દીકરાને આટલો પંપાળશો, પણ કાલે એને શું થશે તેની તમને શી ખબર છે? તમે એને મખમલની તળાઈમાં ઘાલી રાખશો તેમાં તો એ મખમલના જેવો પોચો ગાભો જ રહેવાનો.’ એની માને કહે, ‘તમને ત્રીસ વર્ષના છોકરા પર આટલો અત્યાચાર ચલાવતાં કંપારી નથી છૂટતી? મને તો શરમ આવે. મેં તો સોળ વર્ષના મારા છોકરા થયા કે તેને મિત્ર ગણ્યા. આપણે કુટુંબના વાડાઓમાંથી ક્યારે નીકળીશું? આજકાલ આપણી માતાઓ જંતુઓ-જંતુડાંઓ જણે છે, દીકરાઓ નથી જણતી.’ પેલી બિચારી ગભરાઈ. ભોંઠી પડી ગઈ. અને પછી મોં જ નહીં બતાવ્યું.૨૪

પંડિતજીને (મદનમોહન માલવિયાજીને) ત્યાં ગયા. તેનાં પત્નીને ભાષણ આપ્યું:

‘તમારે પંડિતજીને મર્દ બનાવવા જોઈએ. મને તબિયત સાચવવાનું શું કહો છો? પંડિતજી ક્યાં તબિયત સાચવે છે? — અને તબિયત નથી સાચવતા એટલે કઠણાઈ પણ એમનામાં નથી.’ એટલે પેલી બિચારી કહે, ‘વિલાયત જાને કી ભી બાત કર રહે હૈ. મુઝે તો વહ બિલકુલ પસંદ નહીં હૈ.’ બાપુ કહે, ‘હા બરોબર, એમાં હું તમને સોએ સો ટકા મળતો આવું છું. એમણે હરગિજ ત્યાં જવાની જરૂર નથી. તમારે અટકાવવા જ જોઈએ. ત્યાં એમનું કશું જ કામ નથી. અને હાલ તો જે ભારે જંગ મચાવ્યો છે તેમાં એમણે પડવું જોઈએ. આપણી આબરૂ જાય એવી વારી આવી છે. તમે તો તમારા દીકરાઓની આમાં આહુતિ આપી શકો એમ હું માગું છું. તમારું માતાપણું તેમાં છે.’ એટલે માલવિયાજીના નાના છોકરા બોલ્યા, ‘મહારાજને ઠીક કહા, અબ હમકો ભી જોર આયા. ઔર સત્યાગ્રહ મેં શામિલ હોને કો માતાજી ઇજાજત દેગી.’ આવી ગમત ચાલે છે.૨૫

ગાંધીજી જ્યારે મોતીલાલજી અને તેમનાં પત્નીને જવાહરલાલજીને અસહકાર આંદોલનમાં પડવા દેવા સમજાવતા હતા ત્યારે લગભગ એ જ અરસામાં મહાદેવભાઈ જવાહરલાલજીની નાની બહેન કૃષ્ણા પર પોતાની ભૂરખી નાખી રહ્યા હતા. કૃષ્ણાબહેનના જ શબ્દોમાં:

‘આ જ દિવસોમાં મેં માંસાહાર છોડ્યો. મને એનો ખૂબ ચટકો હતો ને એક દિવસે બપોરે મહાદેવભાઈ દેસાઈએ મને જમતી જોઈ. મારી થાળીમાં પીરસાયેલ જુદા જુદા પ્રકારની માંસની વાનગી જોઈને તેમને ભારે આંચકો લાગ્યો. અને ત્યાં ને ત્યાં જ તેમણે મને શાકાહાર વિશે એક લાંબું પ્રવચન સંભળાવ્યું. હું કાંઈ એમ સહેલાઈથી માનું એમ નહોતી. પણ મહાદેવભાઈએ દિવસોના દિવસો સુધી જ્યારે જ્યારે જુએ ત્યારે સમજાવવાનું ચાલુ રાખ્યું. મેં મારી મોટી બહેનના લગ્નની ઉજવણી ચાલુ હતી ત્યારે જ માંસ છોડી દીધું. એને લીધે મારી મા સિવાય બીજાં બધાંને ખૂબ અફસોસ થયો. મારી મા જોકે રાજીના રેડ થઈ ગઈ. એને માંસ જરાય નહોતું ગમતું અને એનું ચાલે તો એ કદી માંસને સ્પર્શ પણ ન કરત. એની માંદગી દરમિયાન એને બળજબરીથી શોરબા કે બીજા કોઈ રૂપમાં માંસ ખવડાવવામાં આવતું. ત્રણ વર્ષ સુધી મેં કોઈ પણ પ્રકારનું માંસ ન ખાધું — જોકે મને ઘણી વાર એ ખાવાની લાલસા થતી. પછી એક ક્રિસમસમાં મારાં પિતરાઈ ભાઈબહેનો જોડે એકાદ અઠવાડિયું વિતાવવા ગઈ. એ બધાને માંસ આરોગતા જોઈને મારે સારુ લોભસંવરણ અશક્ય થઈ પડ્યું ને મેં નમતું જોખ્યું!’૨૬

હવે મહાદેવભાઈના ૭મી માર્ચ પછી લખેલા ઉપરોક્ત પત્રમાંથી એક રમૂજી પ્રસંગ ટાંકીએ:

‘રામપુરમાં શૌકતઅલીને ત્યાં ઊતર્યા હતા. તેનું વર્ણન તો મેં જરાક આપી દીધું છે, મોટા જાડા જબરા કુતુબમિનાર જેવા. સ્ટેશન પર મને ભેટ્યા ત્યારે ખરે જ મને થયું કે મને કચડીને ચૂરેચૂરો કરશે, પણ બાળક જેવા પવિત્ર અને સરળ અને ખુશમિજાજ. એમણે નવાબને ત્યાં બાપુને માટે બકરી મોકલવાનું લખેલું. તેણે એક નહીં, બે નહીં અને અઢાર બકરીઓ મોકલેલી અને શૌકતઅલીએ એક મણ દૂધ રાખેલું. નવાબ એટલે અઢાર બકરી ન આપે તો એને શોભે?’૨૭

અસહકાર નિમિત્તે શરૂઆતમાં લોકજુવાળ આવ્યો હતો. મહાદેવ ગાંધીજી પાસે આવ્યા ત્યાર પછી ચાર વર્ષમાં તો ગાંધીજીને દેશના આખા રાજકારણ પર છાયી જતા તેમણે જોયા હતા. અલબત્ત, મહાદેવને આકર્ષણ ગાંધીજીની પ્રસિદ્ધિનું નહોતું. તેમને આકર્ષણ હતું તેમના સદ્ગુણોનું. તેથી મહાદેવ લોકઆંદોલનની ભરતીઓટથી વિચલિત થાય એમ નહોતા. તેમણે પોતાની જાતને જે વ્યક્તિને સમર્પી હતી તે તો ‘सुखदु:खे समे कृत्वा, लाभालाभौ जया जयौ’ ગણીને સ્થિર પગલે ચિત્તશુદ્ધિ અને રાષ્ટ્રમુક્તિની દિશામાં આગળ વધી રહી હતી. તેના મહાદેવ અહોનિશ સાક્ષી હતા. ગાંધીજીને કોઈ ભલુંભૂરું કહે તેથી મહાદેવ વ્યથિત થતા, સફળતા–નિષ્ફળતા કરતાં તેમને પીડા હતી લોકોની અજ્ઞાનતાની. છઠ્ઠી એપ્રિલે મુંબઈએ દેખાડેલ ઉત્સાહનું વર્ણન આપણે આગળ ઉપર જોઈ ગયા. એ જ માસની અંતિમ તારીખે — આ માસ દરમિયાન થયેલ ઘટનાઓ — જલિયાંવાલા બાગકાંડ, ગાંધીજીની ધરપકડ, મુંબઈ, ગુજરાત, પંજાબ, દિલ્હીમાં તોફાનો ને પોલીસ-અત્યાચાર, ટૂંકા ગાળા માટે આંદોલન મોકૂફ રાખવું, ગાંધીજીના ઉપવાસ વગેરે — ને લીધે એ મહાનગરીનું વાતાવરણ સાવ જુદું જ હતું. જુઓ એક પત્રમાં મહાદેવભાઈનું વર્ણન:

‘અહીં સ્થિતિ બહુ વિષમ છે. જે ટોળાંઓ ‘ગાંધીજી કી જૈ’ કહીને થોડા દિવસ ઉપર ગાંડાતૂર હતાં તેઓ આજે ગાળોના વરસાદ વરસાવે છે. એકે દિવસ આ ગાળોથી ભરેલા કાગળો સિવાય જતો નથી. લડત બંધ પડી. (મુલતવી રહી) હૉર્નિમૅન ગયો.૨૮ ગયો તે તો જાણે કૂતરો મરી ગયો! યાદ રાખજો તમારા હાલ મિસિસ બેસંટ જેવા અને દીનશા વાચ્છા જેવા નહીં થાય તો! ગાંધી તો સરકારને વગર પૈસાનો જમાદાર મળ્યો છે! આખરે વાણિયાભાઈ કેની! સરકારથી દબાઈ ગયા, અને તે એવા દબાયા કે મિટિંગો પણ નથી કરવા દેતા. આપણે કાંઈ એના બાપનાં દેવાં નથી કીધાં. જેમ સરકારના ગુલામ નથી, તેમ ગાંધીના પણ ગુલામ નથી! હડતાળ પાડીશું, મિટિંગો ભરીશું, પોકારો કરીશું! ગાફેલ ટોળાંઓના અવાજના આ થોડા પડઘા છે. બાપુનું હૈયું કપાઈ જાય છે એમ જોઉં છું, પણ બેવકૂફ માણસોને પણ કલાકના કલાક સમજાવતાં અચકાતા નથી. એટલે હાલ તો War with darkness and the Powers of darkness — (અંધકાર અને અંધકારની તાકાતો સામે લડાઈ) ચાલી રહી છે. આ બધું જોઈને મને કેટલું દુ:ખ થાય છે તે કલ્પવાને તમારી સહૃદયતા પૂરતી છે. મને તો એમ લાગે છે કે આપણાં ગાંડાં ટોળાંઓ જ કોઈ દિવસ બાપુનો પ્રાણ લેશે — અને એ પોતાના સત્યનો અને ધર્મનો જય એમના પ્રાણત્યાગથી પુરવાર કરશે.’૨૯

પણ મુંબઈના લોકોની આ નિરાશા પણ ક્ષણિક પુરવાર થવાની હતી. ૧૯૨૧માં અસહકાર આંદોલનનું મોજું આખા દેશ પર ફેલાઈ જવાનું હતું. મુંબઈ તેમાં આગળ પડતો ભાગ લેવાનું હતું.

અસહકારનું આંદોલન દેશની આઝાદીની લડાઈના ઇતિહાસમાં અનોખું પાનું ઉઘાડી ગયું. તેણે સૌપ્રથમ તો દેશને અભયનો પાઠ પઢાવી લોકોને માટીમાંથી મર્દ બનાવ્યા. પિતાની આજ્ઞાને પણ અવગણીને જુવાનિયાઓને બલિદાનને પંથે નીકળી પડવા પ્રેર્યા. દેશના ભણેલાગણેલા લોકોનાં મનમાંથી જેલનો ભય કાઢ્યો. અંગ્રેજ સરકારની ધાક એ આંદોલનથી ઘટી. જો આપણે આઝાદીના આંદોલન ભણી પાછા વળીને નજર નાખીએ તો આપણને જણાઈ આવશે કે જ્યારે જ્યારે પણ ત્યાગ કે બલિદાનની હાકલ કરનાર આંદોલનો આવ્યાં છે (૧૯૨૧, ૧૯૩૦, ૧૯૪૨ જેવાં) ત્યારે તેમાંથી દેશને નવા સેવકોનો ફાલ મળ્યો છે. આ સેવકોએ પોતાના સ્વાર્થ કરતાં સમાજની સેવાને વધારે મહત્ત્વ આપ્યું અને પરિણામે તેણે આખા દેશને અપૂર્વ જાગૃતિ અને ઉત્સાહ બક્ષ્યાં.

ગાંધીજીના પીર, બબર્ચી, ભિસ્તી અને સચિવ હોવા ઉપરાંત અસહકાર આંદોલનમાં મહાદેવભાઈનું એક આગવું પ્રદાન એક પત્રકાર તરીકે હતું તેની વાત આગળ ઉપર.

નોંધ:

૧. महादेवभाईनी डायरी – ૪ : પૃ. ૧૩૮.

૨. गांधीजीनो अक्षरदेह – ૧૫ : પૃ. ૧૦૬થી ૧૧૧માંથી સારવીને.

૩. गांधीजीनो अक्षरदेह – ૧૫ : પૃ. ૮૨.

૪. महादेवभाईनी डायरी – ૫ : પૃ. ૫૨ — પાદટીપ.

૫. ગાંધી સ્મારક સંગ્રહાલય, સાબરમતીના પત્રસંગ્રહમાંથી.

૬. महादेवभाईनी डायरी – ૫ : પૃ. ૫૩.

૭. ૭–૪–૧૯૧૯ના રોજ નરહરિ પરીખને લખેલા પત્રમાંથી, ગાંધી સ્મારક સંગ્રહાલયના પત્રસંગ્રહમાંથી.

૮. महादेवभाईनी डायरी – ૫ : પૃ. ૫૬–૫૭.

૯. गांधीजीनो अक्षरदेह – ૧૫ : પૃ. ૧૯૯.

૧૦. ગાંધી સ્મારક સંગ્રહાલય, સાબરમતીના એક પત્ર ઉપરથી ચંદુલાલ દલાલ: स्व. महादेवभाई देसाई स्मृतिचित्रो: પૃ. ૫૧.

૧૧. ગાંધીજીના अनासक्तियोगનું મહાદેવભાઈએ કરેલું અંગ્રેજી રૂપાંતર.

૧૨. ગાંધી સ્મારક સંગ્રહાલય, સાબરમતીના પત્રસંગ્રહમાંથી.

૧૩. महादेवभाईनी डायरी – ૫ : પૃ. ૫૭–૫૮માંથી સારવીને.

૧૪. ગાંધી સ્મારક સંગ્રહાલય, સાબરમતીના પત્રસંગ્રહમાંથી.

૧૫. महादेवभाईनी डायरी – ૫ : પૃ. ૧૨૧થી ૧૩૦માંથી સારવીને.

૧૬. કૃષ્ણદાસે પોતાના અનુભવોનું વિવરણ सेवन मन्थ्स विथ महात्मा गांधी નામના ગ્રંથમાં આપ્યું છે.

૧૭. ગાંધી સ્મારક સંગ્રહાલય, સાબરમતીના પત્રસંગ્રહમાંથી.

૧૮. નાગપુર કૉંગ્રેસના વિગતવાર વર્ણન સારુ જુઓ महादेवभाईनी डायरी – ૫ : પૃ. ૪૫૭થી ૪૬૨.

૧૯. વજુભાઈ શાહ: सर्वे शुभोपमा योग्य महादेवभाई: પૃ. ૩૭.

૨૦. ગાંધી સ્મારક સંગ્રહાલય, સાબરમતીના પત્રસંગ્રહમાંથી.

૨૧. એજન.

૨૨. ગાંધી સ્મારક સંગ્રહાલય, સાબરમતીના પત્રસંગ્રહમાંથી.

૨૩. અસહકારની પ્રતિજ્ઞા પર.

૨૪. ગાંધી સ્મારક સંગ્રહાલય, સાબરમતીના પત્રસંગ્રહમાંથી.

૨૫. એજન.

૨૬. કૃષ્ણા હઠીસિંહ: विथ नो रिग्रेट्स: પૃ. ૧૬.

૨૭. ગાંધી સ્મારક સંગ્રહાલય, સાબરમતીના પત્રસંગ્રહમાંથી.

૨૮. बॉम्बे क्रॉनिकलના અંગ્રેજ તંત્રી જેમને હિંદમાંથી દેશનિકાલ કરવામાં આવ્યા હતા.

૨૯. ગાંધી સ્મારક સંગ્રહાલય, સાબરમતીના પત્રસંગ્રહમાંથી.