અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ/સત્તર – માંદગી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સત્તર – માંદગી

शरीरमाद्यम् खलु धर्मसाधनम् કે नाडयमात्मा बलहीनेन लभ्य: વગેરે મંત્રો મહાદેવભાઈ નાનપણથી શીખેલા, પણ શરીર તરફ જોવાનીયે એમને ફુરસદ મળે તો ને? નાનપણમાં રમતગમત સારુયે સમય કાઢેલો નહીં. મોટપણમાં યોગાસન કરેલાં નહીં. માત્ર ચાલવાનો અભ્યાસ ખરો. કૉલેજકાળ દરમિયાન મુંબઈના ઘણા રસ્તાઓ માપી કાઢેલા. ગાંધીજી સાથે જોડાયા પછી આશ્રમથી નવજીવન કાર્યાલય, જે તે વખતે ખજૂરીની પોળમાં હતું, ત્યાં સુધી ઘણી વાર ચાલતા જ જવાનું થતું. ૧૯૩૬થી ‘૩૮ સુધી મગનવાડીથી સેવાગ્રામ સુધી જવા-આવવાના અગિયાર માઈલ, કોઈક કોઈક દિવસ બે ટપ્પા, એટલે કે બાવીસ માઈલ! સૈન્યભરતીના જમાનામાં ગાંધીજીએ અઠ્ઠાવીસ માઈલનું લક્ષ્યાંક આપેલું, જે મહાદેવે બીજા જ દિવસથી દૈનિક ક્રમમાં સમાવી દીધું હતું તે આપણે જોઈ ગયા.

પણ મૂળ કાઠું મજબૂત, અને તે અનાયાસે જ સ્વસ્થ રહેતું. પચીસ વરસની ગાંધીજી સાથેની ‘ચાકરી’માં બે વાર માંદગીને લીધે લાંબી રજાઓ લેવી પડેલી. બાકી શનિ-રવિ, દશેરા-દિવાળી, જન્મતિથિ-પુણ્યતિથિ, બંધ-હડતાળ એમણે કદી જાણ્યું નહોતું. ત્રીજી વારની માંદગીમાં કાયમની રજા લઈ લીધી.

પહેલી માંદગી ગાંધીજી સાથે જોડાયા ત્યાર પછી લગભગ બે વરસે એટલે કે સપ્ટેમ્બર ૧૯૧૯માં આવી. પહેલાં તો એમ ધાર્યું કે થાકનો તાવ હશે. પણ દિવસોના દિવસો સુધી ઊતર્યો નહીં એટલે સમજાયું કે મુદતિયો તાવ — ટાઇફૉઈડ છે. ગાંધીજી તો રોગમાત્ર માણસની પોતાની ભૂલને લીધે થાય છે, તેમાંયે ખાસ કરીને જીભના ચટાકાને લીધે થાય છે એમ માનનારા. એક વાર શ્રી (શ્રીનિવાસ) શાસ્ત્રિયાર જેવા નેતાને લખી દીધેલું:

‘તમારે એવા કડક દાક્તરની જરૂર છે જે નિર્દય થઈને તમારી પાસે સંપૂર્ણ ઉપવાસ કરાવે અને પાણીના ઉપચાર કરે. પણ અત્યારના ભારે અખતરાખોર ધંધાદારીઓ પાસેથી તો પરવાનદાર ખૂન સિવાય બીજાની આશા રાખી શકાય એમ નથી. જ્યારે જ્યારે તમારી માંદગીનું હું સાંભળું છું ત્યારે ત્યારે કોઈ ને કોઈ દાક્તરને ગોળીએ મારવાનું મને મન થઈ આવે છે. પણ મારી અહિંસા આડી આવે છે. તમારે માટે અને હિંદુસ્તાનને માટે એ સુખની વસ્તુ છે કે કોઈ દિવસ પાર્લમેન્ટમાં બેસવાની મારી મહત્ત્વાકાંક્ષા છે જ નહીં. નહીં તો હું તો એવો કાયદો દાખલ કરું કે જે માણસો વારંવાર માંદા પડતા હોય તેઓ પાર્લમેન્ટના મેમ્બર થવાને લાયક ગણાય નહીં.’૧

મહાદેવભાઈ આવા કડક દાક્તરના હાથમાં પડ્યા હતા. મહાદેવની માંદગીના આ લાંબા ગાળા દરમિયાન ગાંધીજીને આશ્રમ બહાર જ રહેવાનું થયું હતું, એ એક રીતે જોઈએ તો મહાદેવભાઈને માટે સારું જ હતું, એમ માનવાને મન થાય! કારણ કડક દાક્તરની આકરી નજરમાંથી ખસી ગયા હશે. પણ આ દાક્તર એવા હતા કે એમની ગેરહાજરીમાં પણ આશ્રમમાં ઉપચારના નિયમો તો એ દાક્તરના આદેશ મુજબ જ ચાલતા! અને પાછા દાક્તર વજ્રથી કઠોર હતા તો સાથે કુસુમથી પણ મૃદુયે ક્યાં નહોતા? તેથી કોઈકને લખતા કે, ‘પોતાના મનસ્વીપણાથી મહાદેવ માંદા પડ્યા છે,’ તો બીજી બાજુ રોજેરોજ કાગળો લખીને જ્યાં હોય ત્યાંથી એમની ખબર મેળવતા રહેતા અને એ વિશે પૂછપરછ કરતા. કોક વાર કાંઈ સમાચાર ન આવે તો તારની વાટ જોતા. એમને વાંચવાની તકલીફ ન પડે એટલે કેટલીક વાર મહાદેવને બદલે એમની સેવામાં રત એવા કોઈ પરિચારકને લખતા. એક વાર નરહરિભાઈને લખ્યું, ‘પંજાબનું કામ ન હોય તો અહીં એક ક્ષણ પણ અત્યારે ન રહું, પણ ત્યાં આવીને મહાદેવને ભેટું.’ બીજી વાર એસ્થર ફેરિંગને લખ્યું, ‘એને ગજા ઉપરાંતનો બોજો ઉઠાવવો પડે છે.’ એક વાર એ બાઈ સાથેની વાતચીતમાં મહાદેવભાઈએ કહ્યું, ‘હું આમ માંદો પડું છું ત્યારે આશ્રમમાં રહેવાનો મને અધિકાર નથી.’ બાઈએ આ વાત ગાંધીજીને જણાવી, તેનો નિર્દેશ કરી ગાંધીજીએ લખ્યું: ‘પોતાની તબિયતની એ નકામી ચિંતા કરે છે. એના શરીર માટે નહીં, પણ એના આત્માને માટે સૌ એને ચાહે છે. એના મંદવાડમાં એની ચાકરી કરવી એ, મિત્રોને માટે લહાવો છે.’૨ નરહરિભાઈ તરફથી મહાદેવભાઈની તબિયતના સમાચાર આપતા પત્ર રોજેરોજ મળતા. તેમને લખ્યું, ‘તમારા કાગળો નિયમસર આવે છે. એ મને ખૂબ શાંતિ આપે છે. મારો કાગળ તમારી ઇચ્છા થાય ત્યારે જ મહાદેવને વંચાવજો. ફાડી નાખવો હોય તો ફાડી નાખજો.’૩

કોઈ કોઈ વાર મહાદેવભાઈ, માંદગી દરમિયાન, ગાંધીજીના કાગળ વિના આકળા-અધીરા થઈ જતા. એમણે એક વાર ગાંધીજીને નામે એવો તાર કર્યો કે જેવો કોઈ આશક જ પોતાની માશૂકને કરી શકે:

I am well on the mend But why art thou so unkind? Oh, for a love-letter from you!૪

(મારું સુધારા પર છે. પણ તું શાને આટલો દયાહીન? એકાદ પ્રેમપત્ર તો લખ!)

મહાદેવભાઈની આ બીમારી ખૂબ લાંબી ચાલી. છ અઠવાડિયાં સુધી તો તાવ જ ન ઊતર્યો. પછી શરીર વળતાં મહિનાઓ વીત્યા. હવાફેર માટે તેઓ માથેરાન અને સિંહગઢ પણ ગયા. હવાફેર ખાતર પણ ગાંધીજીથી વિખૂટા રહેવું પડતું તે મહાદેવભાઈને અસહ્ય લાગતું. ગાંધીજી તેમને પત્ર લખી સમજાવતા કે છૂટા રહેવાથી તેમનામાં શહૂર આવશે. મહાદેવભાઈ ગાંધીજીનો આશ્રય શોધતા. ગાંધીજીએ લખ્યું:

‘મેં તમને કબીરવડ માની લીધા. તમારે આફૂસની કલમ થવું હોય તો ભલે થાવ, પણ તમારે તો સદાય કલમ જ રહેવાની ઇચ્છા લાગે છે? … પોલાકને હું કહેતો હતો કે તેને બે સ્ત્રીઓ છે. એક મિસિસ પોલાક અને બીજી હું. કેમ કે તેનું અંતર બેની પાસે જ ઠાલવે, બેની ઉપર જ રિસાય. તમને પણ પોલાકના જેવી જ હવે ટેવ પડી લાગે છે. પણ દુર્ગા શું કહેશે?’૫

૧૧–૯–૧૯૧૯થી ૨૯–૪–’૨૦ સુધી મહાદેવભાઈએ ડાયરી નથી લખી. એનાથી અનુમાન થાય છે કે માંદગી અને ત્યાર બાદ શરીર વળતાં તથા સંપૂર્ણ સ્વાસ્થ્ય મેળવતાં કુલ સાતેક માસ થઈ ગયા હશે.

માંદગી દરમિયાન દુર્ગાબહેન તો અહોનિશ ખડે પગે એમની પડખે જ હતાં. માંદાની સેવા ઉપરાંત તેમની ઉપર તે વખતે પરિચર્યા સારુ આવેલા સૌ વડીલો સારુ રાંધવા-કરવાની પણ જવાબદારી હતી. મહાદેવની માંદગીના સમાચાર જાણતાં જ હરિભાઈ દિહેણથી દોડી આવેલા. સુરતથી ડૉ. ચંદુલાલ (‘દાક્તરકાકા’ — ચંદુલાલ ઘેલાભાઈ દેસાઈ) પણ આવી પહોંચ્યા હતા. સુરત પાછા ગયા પછી તેમણે એક પત્રમાં લખ્યું હતું: ‘પ્રભુ એ નિર્દોષ બાળક ઉપર કૃપા કરશે એવો દૃઢ ભરોસો રાખજો.’૬

મહાદેવની નિત્ય સેવા કરનાર આશ્રમવાસી મિત્રો તો હતા જ. આશ્રમજીવનનો આ એક મોટો લહાવો છે. એનો કોઈ પણ સભ્ય માંદો પડે ત્યારે એની પૂછપરછ અને સેવાચાકરી કરનારાઓનો કદી તોટો નથી પડતો. તેમાં મહાદેવભાઈ તો સૌના પ્રેમપાત્ર. પછી ચાકરીની શી મણા હોય? પણ આ અંગે એક વિશેષ નોંધ મહાદેવભાઈના જીવલગ દોસ્ત નરહરિભાઈએ કરી છે તે સમજવા જેવી છે. તેઓ કહે છે: ‘સામાન્ય રીતે એવું મનાય છે કે, સારવાર કરનારની દરદી ઉપર બહુ મમતા બંધાઈ જાય છે, પણ દરદી તો ઘરના બધા માણસો ઉપર અને સારવાર કરનાર ઉપર જહાંગીરી જ ચલાવે છે. પણ મહાદેવ એ નિયમમાં અપવાદ હતા. દરદી તરીકે પણ તેઓ કેટલા મીઠા અને આનંદી રહી શકતા એનો અનુભવ ૧૯૨૦માં તેઓ છ અઠવાડિયાંની ટાઇફૉઈડની બીમારીમાં રહ્યા તે વખતે મને થયેલો. પોતાને ગમે તેટલું કષ્ટ થતું હોય પણ એ કષ્ટમાંયે પોતાનો વિનોદ તેઓ ખોઈ બેસતા નહીં. અને આસપાસનાં બધાંને તેઓ હસાવતા જ રહેતા.’૭ એમની વિનોદવૃત્તિનો પુરાવો આપતો એક કિસ્સો શ્રી ચંદુલાલ દલાલે આપ્યો છે તે આખો જ નીચે આપીએ છીએ:

‘ટાઇફૉઈડ શરૂ થયા પછી પચીસ દિવસ બાદ પણ વિનોદના ફુવારા ઉડાડતા પત્રો લખતા. એક વખત ગાંધીજીને લખ્યું, “પથારીમાં પડ્યો પડ્યો કંટાળું તો ખરો જ, એટલે આજે તો થઈ ગઈ છે ઇચ્છા ખૂબ હસવાની, અને જે મારામાં કાંઈ દૈવત હોય તો હસાવવાની!” પછી એમના ઉપરના કામના બોજાનો ઉલ્લેખ કરતાં લખ્યું, “તમને હસવાનો વખત પણ ક્યાંથી હશે? પણ આજે તો માંદાની ખાતર અરધો કલાક કહાડો. આપણે જરાક હસીએ.” ’

આ પત્રમાં એ પ્રેમલીલા, તર્કલીલા અને કુતર્કલીલા એમ ત્રણ પ્રકારની લીલાઓ વિશે લખતાં ચગ્યા. આમાં બીજી બે લીલાઓ છોડી, કેવળ પ્રેમલીલાઓ વિશે જે લખ્યું તે અહીં ઉતાર્યું છે:

‘આ તાવની સાથે મારે કંઈક અજબ પ્રેમગ્રંથિ બંધાઈ છે, અને આ પચીસ દિવસની પ્રેમલીલાનું વર્ણન તમારી આગળ મારે આજે કરવું છે.

‘સહેજે સવાલ થશે કે આ પ્રેમલીલામાં પ્રિયા કોણ? હવે, હું તો પડ્યો, અનાવલા બાદશાહ. તે, અનાવલો કાંઈ સહેજે કોઈની બૈરી થાય ખરો કે? માટે પ્રિયા તો તાવબાઈ — હું જરા ઇશ્કી રહ્યો એટલે એનું મધુરું નામ તાપીબાઈ રાખ્યું છે.

‘તમને થશે કે દુર્ગાની સંમતિ લીધી કે નહીં? સવાલ અનુચિત છે. કારણ, અનાવલા બાદશાહ એકની પર બીજી કરતાં, કે’ દહાડે આગલીની સંમતિ લે છે? અને હું તો મરવાનો ત્યાં સુધી કંઈ અનાવલાપણાની દ્વારકાની છાપ મારી ઉપરથી ફિટવાની છે શું જે?

‘પણ આ તો પ્રેમલીલાનો ઉપોદ્ઘાત થયો. તમને લીલા સાંભળવાની જરા ઉત્કંઠા તો થઈ હશે. હવે કહું. જુઓને — તાપીબાઈ તો પહેલાં થોડા દહાડા આવ્યાં અને કાનમાં મધુરું મધુરું ગાવા લાગ્યાં કે, “મુજને તુજ શું જૂની પ્રીતડી.” બંદા ફસાયા. અમારી પ્રીતિ તો પછી વધતી ચાલી: દસ દહાડા થયા. તાપીબાઈને ઘર ગમ્યું. અને વધારે નખરાં કરવા લાગ્યાં. બંદા વધારે ફસાતા ગયા. પંદર દિવસ થયા, વીસ થવા આવ્યા. એટલે અમે તો પરમ અભેદ સાધ્યો. અને તાપીબાઈ હું, કે હું તાપીબાઈ એનું ભાને નહીં રહ્યું. અમે તો अेकमेवाद्वितीयम् સાધ્યું.

‘પણ કોણ જાણે શું થયું, તે, પેલું કહ્યું છે ને કે The course of true love never did run smooth તેમ ત્રેવીસમે દિવસે કોઈ દુશ્મન અમારી વચ્ચે આવ્યો. તાપીબાઈનાં તો સવારે દર્શન નહીં મળે. પણ રજા લીધા વિના ગયેલાં એટલે બપોરે આવ્યાં ને કહે કે, “હું તો રજા લેવાનું ભૂલી ગઈ એટલે પાછી આવી.”

‘કોણ જાણે કેમ મને તેની તરફ અપ્રીતિ થઈ. પહેલાં તો હું એને બાથમાં ભીડતો તે હવે થવા લાગ્યું કે ઠીક, સવારે બલા જાય છે. પણ બપોરે પાછી રજા માગવા આવે જ. આજે થયા પચીસ — સવારે ભટકે છે, પણ હજી રજા માગવા આવવાનું છોડ્યું નથી.

‘આસપાસના લોકો અમારી આ પ્રેમકથા અને અંતની વઢવાડની વાત જાણી ગયા છે; અને કહે કે અઠ્યાવીસ દિવસે લુચ્ચાંઓ છૂટાછેટા કરવાનાં છે.’

નરહરિભાઈ, મહાદેવભાઈની ચાકરીમાં હતા. એનો નિર્દેશ કરી આ જ કાગળમાં મહાદેવભાઈએ લખ્યું:

‘મેં તો, (તમે) હસતા નહીં, એની સાથે પ્રેમ માંડ્યો છે. આ વળી અનાવલાભાઈનો ત્રીજો ગોટાળો — અને એમાં પણ કહેવાની જરૂર નથી કે પ્રિયા તો નરહરિ જ. એટલે મને તો સહેજે પ્રિયા તરફ પક્ષપાત હોય.’

છેવટે ‘મોહન, તારા મુખડાની માયા લાગી રે, મોહન તારા.’૮

પોતાની માંદગીને મહાદેવભાઈએ ‘બાદશાહી’ તરીકે વર્ણવી. એક વાર પરમ મિત્ર શ્રી વૈકુંઠભાઈ મહેતા એમની ખબર કાઢવા આવ્યા. તેમને કહે:

‘મોટા બાદશાહ કરતાં પણ મારી સારવાર ભારે થઈ રહી છે. કાકાસાહેબ બે વખત આવીને શરીર દાબી જાય છે, બરફના છૂંદાની પોટલી કરી તે પોતાના માથા ઉપર દબાવી તેની સુંદર પાઘડી બનાવી સતત મારે માથે રાખવાનો ઇજારો નરહરિએ લીધો છે, કાકાસાહેબ અને નરહરિ દરરોજ પથારીમાં જ મને ગરમ પાણીમાં બોળેલા ભીના ટુવાલથી સ્નાન કરાવે છે ત્યારે કાકાસાહેબ એમના આંગણામાં ઉગાડેલાં હોલીહોકનાં ટગર ટગર જોનારાં ફૂલોની વાત કરી ત્યાં જવાની મારી ઉત્કંઠા વધારે છે. સંગીતશાસ્ત્રી પંડિત ખરે બેત્રણ વાર આવીને પોતાનું મધુરું સંગીત સંભળાવી જાય છે. કિશોરલાલભાઈ કોઈ ને કોઈ વાતો કરી મને રીઝવી જાય છે. સ્વામી તથા જુગતરામભાઈ આખો દિવસ નવજીવનમાં કામ કરીને રાતે અહીં આવીને ખડા થઈ જાય છે. પિતાશ્રી અને આ દાક્તરકાકા તો અહીં બેઠા જ રહે છે. અને આ બધા ઉપરાંત બાપુ પંજાબમાં ગમે તેટલા કામમાં હોય છતાં રોજ તેમનો સુંદર કાગળ તો ટપાલમાં હોય છે જ. કહો, આવી સારવાર કોઈની થતી હશે?’

વૈકુંઠભાઈએ જવાબ આપ્યો: ‘તમે સાચે જ એ બધાના અધિકારી છો, એ બધું સુપાત્રે જ થાય છે.’૯

સ્વાભાવિક રીતે જ માંદગી દરમિયાન આત્મચિંતન અને ઈશ્વરપ્રાર્થના કરવાનો મોકો મળ્યો. મહાદેવભાઈ એમાંથી શાના ચૂકે? લગભગ સતત ભગવત્સ્મરણ ચાલુ રહેતું. ગાંધીજીની ટાઇફૉઈડ રોગની સારવાર એટલે દરદીને સંપૂર્ણ આરામ, રોજ એક વાર એનિમા દ્વારા પણ પેટ સાફ રાખવું. પ્રવાહી સિવાય બીજો ખોરાક નહીં, અને ‘સ્પોંન્જ’ સ્નાન.

આ જ બીમારી દરમિયાન મહાદેવભાઈએ ‘ટાઇફૉઈડમાં તવાઈ રહેલો એક જીવ’ એવા મથાળા નીચે એક પ્રાર્થના લખી:

‘હે પરમાત્મન્, જે જીવમાં તમે વિરાજો છો તેના વિચાર, વાણી અને વર્તનમાં તમારું ઓજ, તેજ અને રજ આપો.

‘હે પરમાત્મન્, આ જીવ જ્યાં સુધી સંકલ્પ- વિકલ્પશીલ છે ત્યાં સુધી એનો એકે અશુભ સંકલ્પ ન ફળો. શુદ્ધ, શુભ સંકલ્પનું ગમે તે થાઓ.

‘હે પરમાત્મન્, પંચમહાભૂતોનો સંઘ હું નથી પણ સચ્ચિત્સુખરૂપ નિષ્કલ બ્રહ્મ હું છું એવી બુદ્ધિનો સદાકાળ આ જીવનમાં ઉદય કરો.’10

માંદગીમાંથી નીકળ્યા પછી શરીર વળવાની ક્રિયામાં જે લાંબો વખત લાગ્યો તેનાથી મહાદેવભાઈ ઘણી વાર કંટાળતા. વારંવાર એમને એમ પણ થઈ આવતું કે આવા શરીર સાથે હું ગાંધીજીનો સહવાસી થવાને લાયક નથી. આ આશયનો સિંહગઢથી લખેલ એક પત્રનો જવાબ આપતાં ગાંધીજી લખે છે:

‘તમારે હવે તમારી નિરાશામાંથી, તમારી શૂન્યતામાંથી નીકળી જવાની જરૂર છે. શહૂર એની મેળે આવશે. બળાત્કારથી નહીં આવે. મારાથી દૂર જવાથી એ નહીં આવે. મારી પાસે રહેતાં જે કામ થઈ શકે તે કરવાથી જ આવવાનું છે.

‘શાંતિ તે ક્યાંયથી વેચાતી મળવાની હતી? મહેલમાં મહાલતો રાજા ભારે અશાંત હોય ને જોબ જેવો મહાવ્યથાથી પીડાતો શાંત હોઈ શકે. બનિયનને ક્યાં પોતાની જેલમાં થોડી શાંતિ હતી? તમે ખાટલામાં પડ્યે શાંતિ નહોતી ભોગવી? જીવ વલખાં ન મારે તો શાંતિ ભોગવે. … તમારું શરીર ચાલે તેથી વધારે શું? તેની ગતિ તમે ન રોકો, તમે તેને સારુ જોઈતા ઉપાય લો એટલે બસ છે. मन एवं मनुष्याणाम्માં કેટલું જોર છે એ કોણ જાણે છે? હમેશાં સાંભળીએ તેથી કંઈ તેનું સત્ય ઓછું થાય છે કે? અને જો તેનું સત્ય તમે માનો તો એ ગોખીને તમારો શોક, તમારી ગ્લાનિ, તમારી નિરાશા, તમારા તરંગો શમાવી દો.’૧૧

ખિલાફતનો પ્રશ્ન લઈને ગાંધીજીના ઇંગ્લંડ જવાની વાત ચાલતી હતી તેનો ઇશારો કરી તેઓ આગળ કહે છે:

‘…મારે હવે જવું જોઈએ એમ લાગે છે. મારે એટલે આપણે. મેં શૌકતઅલીને લખ્યું છે. તે મુંબઈ છે. અહીં તેડાવેલ છે, પછી ખબર પડશે. તમે જરાયે વિહ્વળ ન થજો — પરમ શાંતિ ભોગવી રાહ જોજો. થવાનું હશે તે થશે. તમારી ચિંતા, તમારો પોશાક એ બધું મારે જ જોવાનું છે ના? એટલે તમને કહું ચાલો ત્યારે ચાલજો. મને ઉતાવળ નથી, કેમ કે હું ઘેર બેઠો છું. … શરીરને ખૂબ બાંધો એટલે બીજાને પહોંચી વળશો. …’૧૧

પાછળથી અલાહાબાદ ગયા ત્યાં પણ મહાદેવભાઈએ પ્રમાણમાં ટૂંકી એવી માંદગી ભોગવેલી. તે વખતે મહાદેવભાઈએ એક પત્રમાં ગાંધીજી પાસે માગણી કરેલી કે, ‘આપ મને ચિ. મહાદેવ ન લખો?’ પછી એમણે કહેવત યાદ કરતાં કહ્યું કે આની પણ માગણી કરવી પડી એટલે કિંમત ઘટી ગઈ — ‘આપ દિયા સો દૂધ બરાબર, માંગ લિયા સો પાની’. જવાબમાં ગાંધીજીએ ‘માગ્યા વિણ તો મા ના પીરસે’ એ કહેવત યાદ દેવડાવી. પોતાના પત્રમાં મહાદેવભાઈએ થોડાં ભજનો ટાંક્યાં હતાં. તેને વિશે ગાંધીજીએ લખ્યું:

‘તમારાં ભજનો મળ્યાં છે. … માંદગીમાં કાવ્યશક્તિ વધે પણ તે બતાવવામાંયે સાજા થતાં વાર લાગે. તેને સંઘરતાં છતાં તે માંદગી પછી સાજા થયા પછી દેખાવ આપે તો વધારે શોભે છે. માંદગીનો પ્રસંગ એ અંતર્નાદોને સાંભળવાનો ગણી પોતાને જોયા કરવાથી તેજ વધે છે.

‘તમારી તબિયત સારી છે એવા ખબરો … એ તારથી આવ્યા છે.

‘તમારાં વ્રતો પાળવાનું સંપૂર્ણ બળ તમને ઈશ્વર આપો. તમે બંને સુખી રહીને સેવા કરો.’૧૨

ગાંધીજીએ ‘ચિરંજીવી’ કહી સંબોધ્યા તેથી મહાદેવભાઈએ ‘આપ દિયા સો દૂધ બરાબર’ કહેવતને ફરી યાદ કરી લખ્યું: ‘આ તો ભિક્ષાનું ફળ છે…’ ‘માંગ લિયા સો પાની’ એમ થયું, પણ મને તો આપનું ગંગોદક પણ ક્ષીર બરાબર છે.’૧૩

મહાદેવભાઈએ જે ભજનો મોકલ્યાં હતાં તે એમનાં બનાવેલાં નહોતાં. તેથી તેમણે લખ્યું, ‘આપને મોકલાવેલાં સમર્થ ભક્તોનાં ભજનોને આપ મારાં સમજ્યા? મેં એક પણ વાક્યથી એવો ભાસ આપને નથી આપ્યો કે એ ભજન મારાં હોય!!’ પણ છતાંય ગાંધીજીની ટીકાના મર્મને મહાદેવભાઈએ શિરોધાર્ય કરી કે તે ટીકા એમની બીજી પ્રવૃત્તિને લાગુ પડતી હતી. ‘મેં માંદગીમાંથી બેઠા થયે … મને ઉદ્ગારો ઈશ્વરે સ્ફુરાવ્યા તેને સંઘર્યા છે ખરા, તે “મારાં કાવ્યો” તમે કહી શકો ખરા.’ અને પછી એ વખતે થયેલી દિવ્ય અનુભૂતિનું વર્ણન તેઓ નીચે મુજબ કરે છે:

‘કાવ્ય બનાવવાપણું જ્યાં નથી, જ્યાં કડી કડીના ભણકારા પડે છે ત્યાં એ ટીકા લાગુ ન પડે. ભણકારા વાગે ત્યાં તે ટીપી લેવામાં અમૂઝણ થાય. આવી દશા મારી થઈ છે, એટલે લખીને હું તો શાંત થયો છું. ટાઇફૉઈડ વખતે દોઢ વર્ષ ઉપર ત્રણ જ દિવસ એ divine afflatus — એ મસ્તાવસ્થા — રહેલી અને સુંદર ભાષાંતર પથારીમાંથી dictate કરાવેલાં. આ વખતે જરા કામ વધ્યું છે — સ્વતંત્ર જ ઘણાંખરાં આવ્યાં છે. તેને, કહેતા હો તો બાળી મૂકું — કારણ તેમાંથી નામના મેળવવાનો સંભવ જ નથી, ત્યાં લાલચ તો ક્યાંથી જ હોય? બાકી મારી માંદગીનાં સ્મરણો તરીકે એ ભલે રહે. આત્મા માટે પથ્ય, સુખદ એવી માંદગીમાં પ્રભુએ કેટલા નિર્મળ ઉદ્ગાર કઢાવ્યા છે તેના સ્મરણ તરીકે, અને એવા કઠણ અવસરે પરમાર્થમાં ચિત્ત પરોવવા માટે પ્રભુના સદાના ઋણના સ્મરણ તરીકે તે ભલે રહે. બાકી બીજા કોઈ હેતુએ નહીં, મિત્રોને એ બતાવું છું — કારણ એ મારી સ્વભાવની નબળાઈ છે — જે વસ્તુને હું કાંઈક સારી માનું તેનો ઉપયોગ મારા એકલાથી ન જ થાય — (જેમ દુર્ગા કાંઈ સારું ખાવાનું કરે તે પંડિતજી કે જવાહરલાલને ખવરાવ્યા વિના ન રહેવાય તેમ)!૧૪ એ ભજનો કે કાવ્યો કે જે કહો તે લખવાં મને અનિવાર્ય — બલકે વારું તો અપથ્ય અસર થાય એવી સ્થિતિ હતી.

‘આ મારું psychological analysis૧૫ છે. એ પંડિતજીને ગળે નથી ઊતર્યું. એમણે એક દિવસ મારું કાવ્ય વાંચ્યું, તે માટે આનંદ જાહેર કર્યો, પણ બીજે દિવસેથી એમણે મારા ઉપર જાપ્તો મૂક્યો અને કહ્યું કે, “તને કાંઈ પણ લખવાની મનાઈ છે.” અને “તારી કાવ્યશક્તિ કે excitement૧૬ કે inspiration૧૭ વિશે મારી સાથે તારે વાત ન કરવી કે કાંઈ પણ લખે તે મને ન બતાવવું. એ ન વાંચવાનું હું વ્રત લઉં છું.” ’

‘મેં કહ્યું, “આપ દિલ્હી જાઓ ત્યાં સુધી અખંડ મૌન ધારણ કરવાને તૈયાર છું;” તે પણ તેમને ન રુચ્યું.’

પણ મને લાગે છે કે પંડિતજી પ્રેમમાં મારી psychology — મનોદશા — નહોતા સમજ્યા, કે ન સમજ્યો હતો મશ્કરો પ્રોફેસર, જેણે કહ્યું કે, ‘તને તો બાપુ વારસ કરવા ધારે છે; તે, આમ ભજન અને કાવ્યમાં તણાશે તો બાપુને વારસના નામની પોક મૂકવી પડશે!’ આ મશ્કરીભરેલી ટીકામાં થોડો તથ્યાંશ રહેલો છે. મને આ દિવસોમાં અધ્યાત્મનાં જ કેમ સ્વપ્નાં આવે અને સ્વદેશી-સ્વરાજનાં કેમ ન આવે? અને એવું એકે નથી આવ્યું. મારા એક જ લખાણમાં — માંદગીના લખાણમાં — હિંદુસ્તાનનો અને આપનો ઉલ્લેખ છે.’ પણ તેને હું શું કરું? મારાથી કૃત્રિમ સ્વપ્નાં લવાય ખરાં? એ તો કોઈ નઠારો માણસ સ્વપ્નામાં વિષય વિશે બકતો હોય તેનો બકવાદ દૂર કરવાનું તેને કહેવા જેવું છે. માત્ર તફાવત એ છે કે નઠારો માણસ બહાર એમ કહાવે છે કે પોતે સારો છે; જ્યારે મેં મારા વિશે કાંઈ કહાવ્યું જ નથી. ૯મી એપ્રિલ, ૧૯૧૯ને ધન્ય દિને આપ પકડાયા તેની થોડી ઘડી પહેલાં (કેવળ ખાનગી ઉદ્ગારોમાં)૧૮ આપે મને વારસનો ઇલકાબ આપ્યો — અને તે ઉદ્ગારો બિલકુલ sacred૧૯ હોવા છતાં તે વાતનો દુરુપયોગ કરી ગિદવાનીએ મને જગતની બત્રીસીએ ચઢાવ્યો તે દુ:ખ હજી મારી છાતીમાંથી નીકળ્યું નથી. મેં એ પદનો અધિકારી મને ગણ્યો જ નથી. મારું ambition — પુરુષાર્થ — કેવળ અનન્ય ભક્તિ — સાધુજનની (આપના જેવા સાધુજન મને કોઈક જ દેખાય છે)૨૦ કરીને આત્મસાક્ષાત્કાર કરવો. હનુમાન જેવાને આદર્શ રાખી તેની સ્વાર્પણ-સેવા પોતામાં ઉતારવી, અને કેવળ સેવાભક્તિથી તરી જવું એ જ મારો પુરુષાર્થ છે. બીજો કોઈ પુરુષાર્થ મને ગમ્યો નથી, અને એ પુરુષાર્થને અનુકૂળ હું મારું વર્તન જ્યાં સુધી રખાય ત્યાં સુધી રાખી રહ્યો છું.

પણ આ તો બીજી વાત ઉપર ઊતરી પડ્યો.૬ કાવ્યશક્તિ સંઘરતાં છતાં તે, પાછી, સાજા થયા પછી દેખાવ આપે તો વધારે શોભે છે,’ એ વધારે શોભાનો લોભ રાખી, હું કેમ, જે રતન-ઘડી મળી હોય તેને જવા દઉં! મેં જોયું કે ગઈ માંદગી વખતે એ દશા ત્રણ દિવસ નભી, અને પછી મારી કાવ્યશક્તિ (જે અગાઉ કોઈ દિવસ જણાઈ ન હતી, અને તેમાં અંગ્રેજી પદ્ય તો કદી લખ્યાં જ ન હતાં)૨૧ ઊડી ગઈ તે આ માંદગીમાં સજીવન થઈ, તેને પુન: જાગ્રત કરવા માટે ન માથેરાનની રમ્ય ટેકરી, કે આપના કાવ્યોત્તેજક સમાગમ સાથેનો સિંહગઢનો સુખવાસ કામ આવ્યાં. એ તો ધન્ય માંદગીમાં જ પાછી લાધી. લાધી તેથી સુખે ન હતું, દુ:ખે ન હતું. મને થયું કે પ્રભુએ મને માંદગીમાં જ આવી પ્રાર્થનાશક્તિની — એકાગ્રતાશક્તિની — ધન્ય પળો આપવા ધાર્યું હશે. આપે Prof. James’s Varieties of Religious Experienceનું અમોલ પુસ્તક નથી વાંચ્યું, નહીં તો મારે આટલું લંબાણ કરવાની જરૂર જ ન રહે.

હવે રહી એક બીજી ટીકા: ‘તમારો ધર્મ ભજનો મોકલવાનો (કે કરવાનો?) ન હતો; પણ જલદી પથારીમાંથી ઊઠવાનો જ હતો.’ બીજું વાક્ય: ‘માંદગીનો પ્રસંગ એ અંતર્નાદો સાંભળવાનો ગણી પોતાને જ જોયા કરવાથી તેજ વધે છે.’ આ બંને ટીકાનો જવાબ ઉપરના પૅરેગ્રાફમાં આવે છે. પણ એના વધારે ઉત્તરમાં એક confession૨૨ કરી લઉં. પ્રથમ — કે મારો બેઠા થવાનો ધર્મ મેં ‘આશાવાદ’ના લેખનું૨૩ ભાષાંતર dictate કરીને તાવ વધાર્યો ત્યારે મેં તોડેલો; અને તેટલા પૂરતી આપની ટીકા બરોબર છે. બાકી, મારાં બીજાં જાગરણોથી મારાં કેવળ આનંદ અને કૃતજ્ઞતા પ્રેરિત અપાર અશ્રુઓથી અને તે બતાવનારા ઉદ્ગારોથી તો મારી છાતી અને મગજનો ભાર મેં હલકો કર્યો છે. આપની ટીકાનું બીજું વાક્ય અમર છે; પણ તે એક આશા અને ઇચ્છામાં જ રહી જાય છે. એ આદર્શ સ્થિતિ છે. તેમાં પણ મનોદશાની વાત તો આવે છે. કોઈક કેવળ ઈશ્વરાનુભવ સુખ ભોગવતો તેમાં લીન થાય, કોઈ બકબકાટ કરે. બંને હોઈ શકે; જોકે ખરા શૂર અને પરખંદા તો તે જ જે કબીરજી કહે છે તેમ:

जो देखे सो कहै नहीं, कहै सो देखै नाँहीं, सुनै सो समझावै नहीं, रसन स्त्रवन द्रिग काहि जानि बूजि जड होई रहे, बल तजी निर्बल होय कह कबीरना दास को, गंजी सके नहीं कोय24

આવો કોઈનો ગાંજ્યો ન જાય એવો ભક્ત કે દાસ હું આ જન્મમાં થઈશ કે નહીં તે ખબર નથી. જોકે પ્રયાસ અને પુરુષાર્થ એ માટે જ છે. પણ આજે હું નથી, એટલે મારા મનના ઉદ્ગારો વૈખરીમાં ઊતરે એ નિવારણ થઈ શકે એમ વાત નથી. પણ હું મૌન સેવવાનો પ્રયત્ન કરીશ. મૌનવારના આપના એ ઉદ્ગારનો મર્મ મારો મનવો સમજ્યા વિના રહે એમ નથી. બે દિવસ થયા કશું લખ્યું નથી. કદાચ કાર્યશક્તિ વિદાય લેતી હોય, પણ તેની મને શી પરવા?

આ જ વિશે બોલતાં એક બીજી વાત. આપે કહ્યું કે, ‘સારા થવાનો મારો ધર્મ હતો’, મોતીલાલજીએ કહ્યું કે ‘You should not work yourself up into a frenzy; you are an adjudged lunatic; you foolish boy you should think more of your flesh and bone than of soaring in heights aetherial or aerial (આવેશમાં આવી જવાય એટલી હદ સુધી તારે તારી જાતને ઉશ્કેરવી નહીં; કાયદા પ્રમાણે તો તું ગાંડો જ ઠર્યો છે. મૂર્ખ છોકરા, હવામાં અને આકાશમાં ઊંચે ચઢવાને બદલે તારે તારાં હાડચામ વિશે વધુ ધ્યાન આપવું જોઈએ.) તે દિવસે હું જરા ચિડાયેલો excite થયેલ હોઈશ એ સાચું, પણ પંડિતજીએ મને (ડાક્ટર થયા છતાં) ખૂબ ચીડવ્યો હતો એ પણ સાચું, એટલે મેં જવાબ આપ્યો હતો કે, I have thought so long and so much of flesh and bone that it was high time i thought of the spirit; I would recommend the same to you. (હાડચામ વિશે એટલો બધો વખત અને એટલો બધો વિચાર મેં કર્યો છે કે આત્મા વિશે વિચારવાનો સમય પાકી ગયો છે. તમે પણ એમ કરો એવી મારી ભલામણ છે.) પણ એ ઉદ્ગાર રાજસી કે તામસી ન હતા, સાત્ત્વિક હતા એમ આજે મારું હૃદય સાક્ષી પૂરે છે, ‘સારા થવાનો ધર્મ’ એ શબ્દો મને પંડિતજીના વાક્યની યાદ આપે છે, જોકે આપના ઉદ્ગાર અને પંડિતજીના ઉદ્ગારના પ્રેરક ભાવમાં તો આસમાન-જમીનનું અંતર રહેલું છે, ‘જીવન મોરા હિ ભલા જે સત સુમિરન હોય’ એ જ મારું તો લક્ષ્ય છે. હું પ્રભુસ્મરણ કરતો હોઉં તો મારે તે છોડી સારા થવાનું ચિંતન કરવું.૨૫

વળી મહાદેવભાઈ પોતાના પત્રમાં ઊંડી તત્ત્વચર્ચામાં ઊતરી જાય છે:

‘અગોચર રહેતા સંતસંન્યાસીઓની આપને તેટલી કિંમત નથી જેટલી પ્રગટપણે કાર્ય કરતા કર્મયોગી સંન્યાસીઓની છે. તેમાં પ્રશ્ન એ આવે છે કે આત્મોન્નતિ અર્થે માણસ પોતાનું જીવન ખરચી શકે કે કેમ? અને ખરચે તો પારકાની સેવાની — ‘दु:खतप्तानां प्राणिनाम् आर्त्तिनाशनं’ની કામના તે શી રીતે કરી શકે? આ પ્રશ્નનો નિવેડો આર. એલ. સ્ટીવન્સન — મારા માનીતા લેખકે પોતાના એક નિબંધમાં થૉરોની આત્મોન્નતિપરાયણતા — અથવા અવધૂત દશા કહું? — ની જરા વધારે પડતી આકરી ટીકા કરતાં આમ આણ્યો છે. (હું સાર ટાંકું છું)

Of these two philosophies the one pursues self-improvement — a Churlish mangy dog; the other up with early morn, in the best of health, follows the Nymph Happiness, buxom, blithe, and debonair. Happiness is at least not solitary — it joys to communicate. it loves others, for it depends on them for existence. While self-improvement dwindles towards the prig, the very name and appearance of happy man breathe of good nature, and help the rest of us. (આ બે વિચારધારામાંથી એક, આત્મસુધારણાની પાછળ પડનારો છે — એક ગમાર ખસિયલ કૂતરો; અને બીજો, સવારમાં વહેલા ઊઠે છે, એની ઉત્તમ તબિયત છે, સુખ નામની પરીની પાછળ પાછળ જાય છે, હૃષ્ટપુષ્ટ, મોજીલી અને ખુશમિજાજી એવી એ પરી કાંઈ નહીં તો એકાંતવાસી તો નથી જ; તેને બીજાઓની સાથે સંસર્ગમાં આનંદ આવે છે, તે બીજાને ચાહે છે. કારણ, પોતાના અસ્તિત્વ માટે એ બીજાના ઉપર આધાર રાખે છે. એક બાજુથી જ્યારે, આત્મસુધારણાવાળો ચોખલિયો બની જાય છે ત્યારે સુખી માણસ એના નામ અને દર્શનથી ઉમદા સ્વભાવની સુગંધ પ્રેરે છે અને આપણ બધાને મદદ કરે છે.)

આમાં self-improvementવાળાને prig કહ્યો છે એ અન્યાય છે — એને ‘प्राणिनाम् आर्त्तिनाशनम्’ની કામના કદી ન રહે; પણ કોઈ ભારે સત્પુરુષના ચરણ સેવી તરી જવાનો લોભ રહે છે. તેમાં મારા આત્માની વિનમ્રતા જ છે — prigginess, (ચિબાવલાપણું) ક્યાંયે નથી. જગતનું કલ્યાણ કરવાનો લોભ ન રાખું, કારણ, શક્તિ તેટલી ન મળે, અને જગતનું કલ્યાણ કરીશ એ વૃત્તિ પણ મારી મનોદશામાં નથી આવી શકતી માટે. ‘કિસકા કરોગે કલ્યાણ — દેહ કા યા આત્મા કા’ એ ભજન યાદ આવે છે. Self-improvementની જ — આત્મોન્નતિની જ ઉપાસના ભક્તકવિઓએ કરી છે; તેમણે બીજાના કલ્યાણનો અભરખો રાખ્યો જ નથી. નરસિંહ મહેતાએ ‘હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મોજન્મ અવતાર રે’ એમાં જનસેવા કરવા માટે તે જન્મોજન્મ અવતાર માગે એવો અર્થ લઈએ તોપણ તે જ ભક્તકવિ એમ ગાઈ ગયા છે કે:

‘રામનામશું તાળી લાગી, સકળ તીરથ તેના તનમાં રે,’

‘ભણે નરસૈયો કે તત્ત્વ શોધ્યા વિના રત્ન ચિંતામણિ જન્મ ખોયો’

‘શરીર શોધ્યા વિના સાર નહીં સાંપડે, પંડિત પાર નહીં પાયો પોથે;’

ઇત્યાદિ. એમાં શરીર શોધવાની જે વાત છે તે કેવળ આત્મોન્નતિની જ વાત છે. ખરી વાત મને એ જ લાગે છે કે જે પ્રભુભક્તિથી રંગાયેલો છે, ઘાયલ થયો છે, તેને બીજી વાતની જ સૂઝ નથી પડતી — ન સુખ પોતાનું કે પારકાનું — તેને તો એ જ લક્ષ છે કે જાણવું તો એવું જાણવું કે ‘अेकेन खलु विज्ञातेन सर्वं विज्ञातं भवति;’ જોવું તો એવું જોવું કે જેની સામે કોટિ રવિ-શશી ઝાંખા પડે; માણવું તો એવું માણવું કે જેની આગળ સહસ્ત્ર સ્વર્ગસુખ ઝાંઝવાં જણાય. એ જ દૃષ્ટિથી કબીરજી કહી ગયા છે કે:

एेसे तो सत्गुरु मिले, जिनसों रहिये लागा, सबही जग शीतल भया (जब) मिटी आपनी आगा.

પોતાની આગ બૂઝવવામાં જ સબ જગને શીતલ કરવાપણું છે. પોતાના જ્ઞાન-સાક્ષાત્કાર-સ્વાનુભવ-શાંતિ આત્મરતિ-માં જ જગતની શાંતિ રહેલી છે. એ કેવો ઉન્નત, વિનમ્ર ભાવ છે? એટલે એમનો પંથ ન્યારો છે, દોહ્યલો છે; છતાં ઉત્તમ છે એ તો ના ન પડાય. એમાં રહેલી દલીલ તો અતૂટ છે, પણ એમાં રહેલો અનુભવ વધારે સ્ફુટ અને અતૂટ છે — જેને વિશે આપણે બિનઅનુભવીએ તો મૌન ધરે જ છૂટકો.’૨૬

અંતમાં પોતાની માંદગીને વિશે દૃઢતાપૂર્વક માનતા હતા તે તેમના જ શબ્દોમાં જોઈએ:

‘મારી માંદગીને મેં ઈશ્વરદત્ત આશીર્વાદ જ માની છે, કારણ, મને પ્રાર્થના — સ્વાનુભૂતિ — ની ઘડી એમાં બહુ મળી છે. આ છેલ્લા સાત દિવસમાં ચોવીસે કલાકમાં એકે અનિષ્ટ વિચાર સુધ્ધાં સ્ફુર્યો નથી એમ દિલ નમ્રતાથી કહી શકે ખરું એ સ્થિતિ તો ભારે જ કહેવાય ને? પણ એ જોબન સૌ કાળ રહેશે કે નહીં તે તો એ જોબન આપનારો જાણે. એ માંદગીમાં મારી આત્મનિરીક્ષણની શક્તિ જેટલી ખૂલી છે, મારી વિવેચનશક્તિ — critical faculty — જેટલી ખીલી છે, મને જે ઉત્તમ નિશ્ચયો બાંધવાની, આત્મોન્નતિના ઉપાય શોધવાની, યોજવાની જે તક મળી છે તે ક્યારેય નથી મળી, એટલે મને આ માંદગી માટે શોચ તો થતો જ નથી — શોચ પારકાની સેવા લેવી પડી એટલો.’૨૭

નોંધ:

૧. महादेवभाईनी डायरी – ૪ : પૃ. ૧૬૯.

૨. ચંદુલાલ દલાલ: स्व. महादेव देसाई स्मृतिचित्रो: पृ. ૫૬.

૩. ગાંધીજીનો અક્ષરદેહ – ૧૭ : પૃ. ૨૮.

૪. હસ્તલિખિત તારની ઝૅરોક્સ નકલ.

૫. ચંદુલાલ દલાલ: स्व. महोदव देसाई स्मृतिचित्रो: पृ. ૭૦.

૬. એજન, પૃ. ૫૬.

૭. નરહરિ પરીખ: महादेवभाईनुं पूर्वचरित: પૃ. ૯૦.

૮. ચંદુલાલ દલાલ: स्व. महादेव देसाई स्मृतिचित्रो: પૃ. ૫૭થી ૫૯.

૯. નરહરિ પરીખ: महादेवभाईनुं पूर्वचरित: પૃ. ૯૦-૯૧.

૧૦. ચંદુલાલ દલાલ: स्व. महादेवभाई देसाई स्मृतिचित्रो: પૃ. ૫૭.

૧૧. गांधीजीनो अक्षरदेह – ૧૭ : પૃ. ૩૯૯. પત્ર ૧૬૯/૧.

૧૨. गांधीजीनो अक्षरदेह – ૨૧ : પૃ. ૩૮૩.

૧૩. महादेवभाईनी डायरी – ૧૬ : પૃ. ૩૬–૩૭.

૧૪. અસલમાં પણ આ શબ્દો આવા કૌંસમાં છે.

૧૫. માનસિક પૃથક્કરણ.

૧૬. ઉત્તેજના.

૧૭. પ્રેરણા.

૧૮. અસલમાં પણ આ શબ્દો આવા કૌંસમાં છે.

૧૯. પવિત્ર.

૨૦. અસલમાં પણ આ શબ્દો આવા કૌંસમાં છે.

૨૧. અસલમાં પણ આ શબ્દો આવા કૌંસમાં છે.

૨૨. કબૂલાત.

૨૩. नवजीवन અંક તા. ૨૩–૧૦–’૨૧.

૨૪. જોડણી માટે કબીરની સાખીઓ જોતાં એમ માલૂમ પડે છે કે આ લીટીના પાછલા ભાગના શબ્દો છે, ‘પણ ન વકરે કોય!’

૨૫. महादेवभाईनी डायरी – ૧૬: પૃ. ૨૩થી ૨૭.

૨૬. એજન. પૃ. ૨૮થી ૩૦.

૨૭. એજન, પૃ. ૩૧.