અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ/આઠ – વકીલાત: નોકરીઓ: દિશાની શોધ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
આઠ – વકીલાત: નોકરીઓ: દિશાની શોધ

કૉલેજનું શિક્ષણ પૂરું કર્યા બાદ આગળ શું કરવું એ પ્રશ્ન દરેક વિચાર કરનાર વિદ્યાર્થીના મનમાં ઊઠે છે. જે વિદ્યાર્થી તેજસ્વી હોય તેને અનેક વિકલ્પો સૂઝે. જે શ્રેય અને પ્રેયનો વિચાર કરતો હોય તેને આંતરિક ગડમથલો અનુભવવી પડે. મહાદેવ તેજસ્વી પણ હતા અને અંતરમુખ પણ હતા.

વિદ્યાભ્યાસકાળમાં છેવટના ભાગમાં એમની દૈવી સંપત્તિની કસોટી કરનારો એક પ્રસંગ પણ બની ગયો. બી. એ. થયા પછી આગળ શું કરવું એનો વિચાર આવ્યો ત્યારે પ્રથમ તો એમ. એ. કરવાનો વિચાર કર્યો. એમાં મુખ્ય આકર્ષણ એ હતું કે સંસ્કૃત વિષય લઈને શાંકરભાષ્યનો ઊંડો અભ્યાસ કરી લેવો. પણ તે વરસે પાઠ્યક્રમમાં રામાનુજનું ભાષ્ય હતું એ જાણ્યું તેથી તેમણે એમ. એ. કરવાનો વિચાર પડતો મૂકી એલએલ. બી.માં નામ નોંધાવ્યું. ઘર પર આર્થિક બોજો ન પડે એ દૃષ્ટિએ સાથે સાથે નોકરી કરવાનું પણ ચાલુ રાખ્યું. બી. એ.માં પ્રથમ વર્ગમાં પાસ થયા હતા તેથી ઓરિયેન્ટલ ટ્રાન્સલેટરની ઑફિસમાં માસિક રૂપિયા સાઠના પગારની નોકરી મળી. કાયદાની કૉલેજના વડા તે વખતે ડી. એફ. મુલ્લા અને હિંદુ કાયદાના અધ્યાપક પાછળથી રાજનૈતિક વિષ્ટિઓ માટે જાણીતા થયેલા શ્રી મુકુંદરાવ જયકર હતા.

એલએલ. બી.ની છેલ્લી પરીક્ષાના દિવસો હતા. મહાદેવભાઈ રાતે મોડે સુધી એકાગ્ર ચિત્તે વાંચતા હતા. બીજે દિવસે ઊઠીને પેપર આપવા જવાનું છે એ વિચારે વાચન આટોપી, દીવો ઓલવી પથારી તરફ જાય છે ત્યાં જુએ છે કે પથારીમાં કોઈક સૂતું છે. મહાદેવભાઈના સોહામણા વ્યક્તિત્વથી મુગ્ધ થયેલી કોઈ રમણીએ ગુપચુપ આવીને મહાદેવભાઈની પથારી પર કબજો જમાવ્યો હતો. મહાદેવભાઈને આંચકો ખાતા જોઈને પેલીએ એમને જરા હસીને લલચાવવા પ્રયત્ન કર્યો, ત્યારે જ મહાદેવભાઈને એ લલનાનો આશય સમજાયો. આ પ્રસંગે મહાદેવભાઈના ચલિત થવાનો તો પ્રશ્ન જ ઊભો થતો નહોતો કારણ, આખો કાંડ એકપક્ષી ફસાવટનો અને ફૂવડ જેવો જડ હતો. પણ અડધી રાતે બાઈ, જે ઓળખીતી પણ હતી અને સગી પણ થતી હતી, તેને ફજેત કર્યા વિના ત્યાંથી કાઢવાનો પ્રશ્ન હતો. જેમતેમ કરી મહાદેવભાઈએ બાઈને એનો ધર્મ સમજાવ્યો, બાઈ છાને પગલે ત્યાંથી સરકી ગઈ. પણ પછી મહાદેવભાઈને ઊંઘ શી રીતે આવે? બીજે દિવસે ઈક્વિટી (નૈતિક ન્યાય)નું પેપર હતું. મહાદેવભાઈનો એ પાકો વિષય હતો, પણ પરીક્ષા હૉલમાં પહોંચતાં મહાદેવભાઈને અંધારાં આવતાં હતાં, અને ધરતી ચક્કર ચક્કર ફરતી લાગતી હતી. મન કેમે કર્યું એકાગ્ર થતું નહોતું. આખરે થોડી વાર આ જ અવસ્થામાં ગાળ્યા બાદ પરીક્ષાપત્ર અધૂરું મૂકીને જ ઊઠી આવ્યા. એમનું પડેલું વીલું મોં જોઈને સાથીઓને થયું કે પેપર મનગમતું નહીં આવ્યું હોય, પણ એ લોકો એમને વહેલા પાછા આવવાનું કારણ પૂછે તે પહેલાં તો મહાદેવભાઈએ રીતસર પોક જ મૂકી. સાથીઓ હેબતાઈ ગયા. છોટુભાઈએ પોતાની ઢબથી આશ્વાસન આપ્યું, ‘ગુજરાતી નિહાળના પોઈરાની પેઠે ભેંકડો હું કામ તાણતો છે? હરમ નથી આવતી તને? લોક જોહે તો હું કેહે? બીજી પરીક્ષા કાં નથી આવતી? ઘેરથી પૈહા તો મગાવવા પડતા છે નથી, પછી તને કોણ પૂછવાનું ઉતું?’ મહાદેવભાઈ માંડ માંડ શાંત તો રહ્યા, પણ પરીક્ષામાંથી વહેલા ઊઠીને આવવાનું અસલ કારણ કોઈને કહી ન શક્યા. દુર્ગાબહેન ત્યારે મુંબઈમાં નહોતાં. એ પાછાં આવ્યાં અને એકાંત શોધીને પોતે કેવી કસોટીમાંથી પસાર થયા હતા, તેની આખી કહાણી એમને કહી ત્યારે મહાદેવભાઈના મનનો ભાર થોડો હળવો થયો. એ વર્ષ તો એલએલ. બી.માં નાપાસ જ થયા. ત્યાર સુધીમાં એમના ગાઢ મિત્ર બની ચૂકેલા નરહરિભાઈ બીજે વર્ષે એમની સાથે સૂવા અને વાંચવા આવતા ત્યારે મહાદેવભાઈએ એમને પણ આ વાત કહી હતી. એ વર્ષે એલએલ. બી.માં કોઈ પ્રથમ વર્ગમાં નહોતું આવ્યું. પણ ઈક્વિટીમાં મહાદેવભાઈને યુનિવર્સિટીમાં સૌથી વધારે અંક મળ્યા હતા એમ તા. ૧૯–૧૨–૧૯૧૩ને રોજ આવેલા પરિણામ પરથી જાણવા મળ્યું.

આપણી શિક્ષણપદ્ધતિમાં ભણ્યા પછી હવે શું કરવું એ પ્રશ્ન દરેક યુવાનને આવે છે. મહાદેવભાઈની સામે પણ એ પ્રશ્ન આવીને ઊભો રહે એ સ્વાભાવિક હતું. ભણતર દરમિયાન અનેક વિષયોમાં એમને રસ પેદા થયો હતો અને તે રસ પાંગર્યો પણ હતો. ગરીબ પરિવારના મોટા દીકરા તરીકેની જવાબદારીનું ભાન કૉલેજમાં જતી વખતે પણ મહાદેવભાઈને હતું, તો તે કૉલેજમાંથી સારી રીતે પસાર થયા પછી એ ભાન વધુ તીવ્ર બને એ પણ સ્વાભાવિક હતું. દેશના પ્રશ્નોમાં રસ જાગી ચૂક્યો હતો. દેશને માટે ‘કાંઈક’ કરી છૂટવાની તમન્ના મનમાં જાગી ચૂકી હતી, એમ મહાસભાના અધિવેશન દરમિયાન કૉલેજના છેલ્લા વર્ષમાં મુંબઈથી ઠેઠ અલાહાબાદ સુધી જઈ આવેલા તેના ઉપરથી સ્પષ્ટ જણાતું હતું. આ બાહ્ય પરિસ્થિતિને કારણે ઊભી થતી વૃત્તિઓ હતી, પણ એમની આંતરયાત્રા પણ નિરંતર સાથે સાથે જ ચાલતી હતી. ગોધરાવાળા બાપજીનો દેહાસક્તિત્યાગ જોઈને તો તેઓ એમના આશક બની ચૂક્યા હતા. કૉલેજકાળ દરમિયાન જે કાંઈ પદ્યરચનાઓ કરી હતી, તેમાં મોટે ભાગે ભજનો હતાં. મહાદેવના મનમાં ચાલતી ગડમથલ શ્રેય અને પ્રેય વચ્ચેની નહીં, પણ બે શ્રેયસ્કર માર્ગો વચ્ચે વિવેકપૂર્વક પસંદગી કરવાની હતી. ડિસેમ્બર ૧૯૧૩માં મહાદેવભાઈ એલએલ.બી. થયા. નવેમ્બર ૧૯૧૭માં તેઓ પ્રત્યક્ષ રીતે ગાંધીજી સાથે કામમાં જોડાયા. આ ચાર વર્ષો એટલે એકવીસથી પચીસ વરસના થયા તે દરમિયાન તેમણે જે ઠેકઠેકાણે કામો લીધાં, તેને આપણે થોડાં વિગતવાર જોઈશું તો આપણને દેખાઈ આવશે કે એ કામોની પસંદગી અને ફેરબદલીઓ અને છેવટે ધ્યેયની વરણી પાછળ અર્થપ્રાપ્તિ કે કીર્તિનો વિચાર એ ગૌણ હતો. અને પિતૃસેવા, પોતાની અભિવ્યક્તિ, આંતરિક વિકાસની ઝંખના અને આધ્યાત્મિક માર્ગની શોધ એ મુખ્ય પ્રેરક તત્ત્વો હતાં. પાછળથી બરાબર અડધું જીવન જે યજ્ઞમાં તેઓ આહુતિ આપવાના હતા તેનો યજ્ઞમંડપ રચવા, અને તેની વેદીને લીંપીગૂંપીને પ્રસ્તુત કરવાનાં આ ચાર વર્ષો હતાં.

આપણે જોઈ ગયા કે શાંકરભાષ્યનો ઊંડો અભ્યાસ કરવાનો અવસર મળે એમ નહોતું તેથી મહાદેવભાઈએ સંસ્કૃત લઈને એમ. એ. કરવાને બદલે એલએલ.બી.નો અભ્યાસ કરવાનું ઠરાવ્યું. એમાં એક લાભ એ હતો કે અભ્યાસ ખાતર પિતા પર આર્થિક બોજો ન રહ અને બની શકે તો એમને સારુ ‘કાંઈક’ સહાય પણ મોકલી શકાય. ઠેઠ ૧૯૧૫ના જૂનમાં મહાદેવ ઓરિયેન્ટલ ટ્રાન્સલેટરની ઑફિસમાંથી છૂટા થયા. આ પાંચેક વર્ષની નોકરી એમને સારુ વ્યક્તિત્વઘડતરની એક સીડીરૂપ થઈ રહી. એમના અક્ષરો, જે મૂળમાં જ સુંદર હતા, તેમાં આ વર્ષો દરમિયાન પરિપક્વતા આવી. મૃત્યુ પછી પચાસ વર્ષેય અત્યંત ઝડપથી લખાયેલી એમની ડાયરીઓ સહેલાઈથી વાંચી શકાય છે, તેની પાછળ એક મોટું કારણ આ સુંદર અક્ષરો હતા. કામમાં તો સરકાર જેને વાંધા ભરેલું લખાણ ગણીને જપ્ત કરી શકે એવાં ફરફરિયાં, પુસ્તિકા કે પુસ્તકોનું ભાષાંતર કરવાનું મુખ્ય હતું. ઘણીખરી સરકારી ઑફિસોમાં હોય છે તેમ કામ પ્રમાણમાં ઓછું હતું પણ તેને લંબાવીને દિવસ ટૂંકાવવાનો માર્ગ મહાદેવભાઈએ લીધો નહીં, પોતાને ભાગે આવેલું કામ લગભગ અડધા સમયમાં પતાવીને એ બીજા સાથીઓને મદદ કરવા દોડી જતા. કોઈ વાર એવું કામ ન મળે ત્યારે પોતાની સાહિત્યપ્રવૃત્તિને પોષે તેવું કાંઈ વાચન કરતા.

જે સાહિત્ય એમને તપાસી જવાનું આવ્યું તેમાં શ્રી મોહનલાલ પંડ્યા લિખિત वनस्पतिनी औषधि નામનું પુસ્તક હતું. પાછળથી ખેડા જિલ્લાના આગેવાન કાર્યકર તરીકે જાણીતા થયેલા અને લોકજીભે ‘ડુંગળીચોર’ તરીકે વિખ્યાત થયેલા શ્રી મોહનલાલ કામેશ્વર પંડ્યા, ગાંધીભક્ત બન્યા તે પહેલાં ઉદ્દામવાદી હતા. એમની આ પુસ્તિકામાં બૉંબ બનાવવાની રીતની સમજણ આપવામાં આવી હતી. મહાદેવભાઈએ પંડ્યાજીની આ પુસ્તિકા વિશે ‘વાંધા ભરેલી.’ એવો અભિપ્રાય આપ્યો. મુંબઈ સરકારે તરત જ પુસ્તકને જપ્ત કર્યું.

લોકમાન્ય બાળ ગંગાધર ટિળકનો અતિ પ્રસિદ્ધ ગ્રંથ गीतारहस्य પણ આ રીતે મહાદેવભાઈ પાસે મૂળ હસ્તપ્રતરૂપે આવેલો. કારણ, એ ગ્રંથ બ્રહ્મદેશના લાંબા કારાવાસ દરમિયાન પૂરો થયો હતો. આ ગ્રંથ એમ તો મહાદેવભાઈને રાજનૈતિક દૃષ્ટિએ તપાસવાનો હતો, પણ મહાદેવભાઈ સારુ તો એણે અત્યંત રસપૂર્વક અધ્યયન કરવાની સામગ્રી પૂરી પાડી. મહાદેવભાઈનો મૂળ રસનો વિષય ગીતા. ટિળક મહારાજના પુસ્તકે એ રસ તો તૃપ્ત કર્યો જ, ઉપરાંત એમની વિદ્ધત્તાએ મહાદેવના જ્ઞાનયોગને તથા એમની કર્મયોગ વિશેની ધગશે મહાદેવના કર્મયોગને પણ પુષ્ટિ આપી.

ઓરિયેન્ટલ ટ્રાન્સલેટરની ઑફિસમાં મહાદેવભાઈના એક અધિકારી તરીકે જહાંગીરજી એદલજી સંજાણા નામના એક પારસી ગૃહસ્થ હતા. મહાદેવની કાર્યક્ષમતા અને સ્વભાવનું માધુર્ય જોઈને ઉપરી અધિકારી શ્રી સંજાણાનું દિલ મોહિત થઈ ગયેલું. એ ઑફિસમાંથી નિવૃત્ત થયા પછી પણ તેમનો મહાદેવ જોડેનો સંબંધ એવો ને એવો મધુર રહ્યો હતો. અને એક વાર તેમણે મહાદેવભાઈ સારુ એક ભલામણચિઠ્ઠી પણ લખી આપેલી.

બીજા એક અધિકારી ઝેડ. એ. બારની કરીને હતા. તેમણે પોતાની આ ઑફિસમાંની નોકરી અંગેનાં સ્મરણોનું એક પુસ્તક લખ્યું: रोमान्स ऑफ ध ओरिअेन्टल ट्रान्सलेटर ऑफिस નામે. તેઓ જાતે તો મહાદેવભાઈના સીધા પરિચયમાં આવ્યા નહોતા, છતાં એમના કાળ દરમિયાન કામ કરી ગયેલા આ જુવાનિયાની કીર્તિગાથા એમના કાન સુધી એટલી સારી રીતે પહોંચી ગઈ હતી કે, પ્રત્યક્ષ રીતે પરિચિત નહીં એવી વ્યક્તિ વિશે પણ તેઓ લખે છે:

‘એમનું જીવન બહુ સાદું હતું. એ આનંદી સ્વભાવના હતા. અને જ્યારે મળે ત્યારે હસતા જ હોય. એમની રીતભાત એટલી ભલમનસાઈ અને સભ્યતાભરેલી હતી કે એમને જોતાં જ એમના ઉપર વહાલ ઊપજે. જેઓ નિરાશાવાદી માનસ ધરાવતા તેઓ એમનો પરિચય થતાં જ આશાવાદી બની જતા. એમણે કોઈ દિવસ કોઈનું અપમાન કર્યું નહોતું અને કોઈને નારાજ કર્યા નહોતા. કાર્ડિનલ ન્યૂમેને “સદ્ગૃહસ્થતા”૧ની જે વ્યાખ્યા આપી છે તે બરાબર છે.

એમને મળવાનો કોઈ મોકો મને મળ્યો નહીં એ હું મારી જિંદગીની એક કમનસીબી ગણું છું. પરંતુ એમના સહાધ્યાયીઓ શ્રી બ્રેલ્વી અને શ્રી વૈકુંઠભાઈ મહેતા તરફથી અને શ્રી સંજાણા તરફથી એમના વિશે મેં જે સાંભળ્યું તેનાથી મારા મનમાં એમના માટે પ્રેમ અને માન ઉત્પન્ન થયાં છે. … ઑફિસમાં એમનું કાર્ય સામાન્ય કરતાં ઊંચી કોટિનું હતું. એ બહુ મહેનતુ અને વાચનના ભારે શોખીન હતા.’૨

ઓરિયેન્ટલ ટ્રાન્સલેટરની ઑફિસમાં ઑફિસના ચાલુ કામકાજની દૃષ્ટિએ રોજેરોજ કરેલા અનુવાદના કામે મહાદેવભાઈને ભાષાંતર કરવાનો ઉત્તમ મહાવરો પૂરો પાડ્યો. ગમે તેટલા પ્રતિભાશાળી સંગીતકારને પણ માત્ર પોતાના સાધનાકાળ દરમિયાન જ નહીં, પણ છેવટ સુધી પોતાના સંગીતને તાજું રાખવા સારુ રિયાઝની જરૂર પડે છે. ઓરિયેન્ટલ ટ્રાન્સલેટરની ઑફિસે મહાદેવભાઈને એમની અનુવાદકળાને પ્રથમ રિયાઝ પૂરી પાડી, જે રિયાઝ એમની છેવટ સુધી ચાલુ રહેવાની હતી. આ કળાની પહેલી પરીક્ષા તેઓ ઓરિયેન્ટલ ટ્રાન્સલેટર ઑફિસમાં કામ કરતા હતા ત્યારે જ થઈ ગઈ અને તેમાં તેમને ઝળહળતી સફળતા મળી. ૧૯૧૫માં ફાર્બસ સભાએ લૉર્ડ મોર્લીના કઠણ અંગ્રેજીમાં લખેલા ગ્રંથ ऑन कॉम्प्रोमाइझનો ગુજરાતીમાં તરજુમો કરવા સારુ રૂ. ૧, ૦૦૦ના પુરસ્કારની જાહેરાત કરી. તે કાળના એક હજાર રૂપિયા એ ઘણું મોટું ઇનામ ગણાય. આ સ્પર્ધામાં ઊતરવા સારુ અનેક લોકોએ પુસ્તકનાં થોડાં પૃષ્ઠો ભાષાંતર કરીને ફાર્બસ સભાની ચકાસણી સમિતિ આગળ મોકલાવ્યાં. તેમાં ભળનારાઓમાં મહાદેવભાઈ કદાચ સૌથી ઓછી વયના જુવાન હશે. ભલભલા ‘સાક્ષર’ ગણાતા લોકોએ પોતપોતાની ભાષાંતરકળાના નમૂનાઓ મોકલેલા. તે સર્વમાં ચકાસણી સમિતિએ મહાદેવભાઈના નમૂનાની પસંદગી કરી અને તેમને ઇનામ આપવાનું ઠરાવ્યું. ત્યાર બાદ ગુજરાતી સાહિત્ય પરિષદનું સંમેલન સુરતમાં ભરાયું ત્યારે ઘણા લોકો યુવાન મહાદેવ તરફ આંગળી ચીંધી ‘પેલો ऑन कॉम्प्रोमाइझવાળો મહાદેવ હરિભાઈ દેસાઈ’ એમ કાંઈક અહોભાવથી, કાંઈક ઈર્ષ્યા અને કાંઈક આશ્ચર્યની લાગણી સાથે કહેતા.

પોતાના કુટુંબ પ્રત્યેની ફરજનું ભાન મહાદેવભાઈને સદા રહેતું. કૉલેજમાં ગયા ત્યારે કરકસરવાળું જીવન ગાળવા પાછળ પણ પિતા પર આર્થિક બોજો ન આવી પડે એનું ભાન એ કારણ મુખ્ય હતું. બની શકે તો સ્નેહાળ પિતાની જવાબદારીઓ પૈકી કેટલીક ઉઠાવી લેવાની પણ એમની વૃત્તિ હતી. મહાદેવભાઈનાં માતાનું અવસાન તો ૧૮૯૯માં થયેલું એ આપણે જોઈ ગયા છીએ. ત્યાર બાદ પિતા હરિભાઈએ ઇચ્છાબહેન જોડે લગ્ન કરેલાં એ પણ આપણે જાણીએ છીએ. આ લગ્નથી તેમને ચાર સંતાન હતાં: ઠાકોર ઉર્ફે જનાર્દન, શાંતા, નિર્મળા અને પરમાનંદ. તેમાં નિર્મળા અને પરમાનંદના જન્મ તો મહાદેવભાઈ ગાંધીજી સાથે જોડાયા તે વખતે કે તે પછી થયેલા. પણ ઠાકોર અને શાંતા ઝડપભેર મોટાં થઈ રહ્યાં હતાં. તેમને વિશે મહાદેવનો ખાસ પ્રેમભાવ હતો. ઠાકોરના જનોઈસંસ્કાર ૧૯૧૪માં સુરતમાં થયેલા. તેમાં મહાદેવભાઈએ હાજર રહી પૂરી મદદ કરેલી. શાંતાબહેન તો મહાદેવભાઈ કરતાં ઘણાં વર્ષ નાનાં, પણ આજે, મહાદેવભાઈના મૃત્યુને પચાસ વરસ થવા આવ્યાં તોયે, ‘મોટા ભાઈ’ નામનો ઉલ્લેખ કરતાંની સાથે જ એમની આંખોમાં આંસુ ઊભરાય છે.

૧૯૧૪ના મેની ૧લી તારીખે હરિભાઈની બદલી અમદાવાદમાં ‘મહાલક્ષ્મી સ્ત્રી અધ્યાપન મંદિર’માં હેડમાસ્તર તરીકે થઈ. તેમણે સાંકડી શેરીમાં દેવજી સરૈયાની પોળમાં રહેવાનું રાખ્યું.

વકીલાતનું ભણતા હતા તે દરમિયાન જ મહાદેવભાઈને એક એવી મૈત્રી થઈ હતી કે જેણે એમના જીવનને ઘડવામાં મોટો ફાળો આપ્યો હતો. મૂળ ખેડા જિલ્લાના કઠલાલ ગામના શ્રી નરહરિ પરીખની ઓળખાણ, બંનેના સામાન્ય દોસ્ત એવા શ્રી મનુભાઈ મહેતા મારફત મુંબઈમાં થયેલી. રાજા પંચમ જૉર્જના આગમન વખતે એમના સ્વાગત-સમારોહ વખતે પ્રથમ પરિચય થયેલો. શ્રી નરહરિભાઈના મોટા ભાઈ શ્રી શંકરલાલ પરીખ ગામના તેજસ્વી જુવાનો પૈકી એક હતા. પાછળથી તેમણે તે જ ગામના શ્રી મોહનલાલ પંડ્યાની સાથે ખેડા જિલ્લાની રાજકીય ચળવળમાં આગેવાની ભરેલો ભાગ ભજવેલો. મહાદેવ અને નરહરિની મૈત્રી જોતજોતામાં ઘનિષ્ઠ બની ગઈ. નરહરિભાઈની મૈત્રીને લીધે મહાદેવભાઈને કૉલેજના વિષયો કરતાં ઇતર વિષયોમાં રસ લેવાની વધુ તક મળી. બંને સાથે મળીને સુરત સાહિત્ય પરિષદના સંમેલનમાં ગયેલા. બંનેએ સાથે મળીને બંગાળી સાહિત્યમાં ચંચુપાત કરવા માંડેલો. બંનેએ સાથે જ ગાંધીજીનાં પ્રથમ દર્શન કરેલાં, પણ તે વાત તો આગળ ઉપર.

સાહિત્ય અંગેનો મહાદેવભાઈનો શોખ નરહરિભાઈને મળ્યા તે પહેલાંનો. કૉલેજકાળ દરમિયાન જ તેમણે તે કાળ સુધીમાં પ્રસિદ્ધ થયેલું ઉત્તમ ગુજરાતી સાહિત્ય વાંચી નાખેલું, ‘ભોળા શંભુ’ના તખલ્લુસથી તેઓ અવારનવાર કૉલેજના સામયિકમાં કાંઈક લખાણ પણ આપતા. પદ્ય પર પણ તેમણે હાથ અજમાવી જોયેલો, પણ તે મુખ્યત્વે ભજનો પર. તક મળે તો સાહિત્યકારોની મુલાકાતો પણ તેઓ લેતા. સાક્ષર શ્રી નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાને તેઓ એકથી વધારે વાર મળેલા. તા. ૨૪–૩–૧૯૧૫ને રોજ પ્રથમ વાર મળ્યા ત્યારે પ્રત્યક્ષ પરિચય તો ક્યાંથી હોય? વૈકુંઠભાઈ મહેતા પાસેથી એક ઓળખપત્ર સાથે લઈ ગયા હતા. તે પત્રમાં મહાદેવ વિશે એમ કહેલું કે તેઓ ગુજરાતી સાહિત્યના સારા અભ્યાસી છે, ફાર્બસ સભાએ મોર્લીના ऑन कॉम्प्रोमाइझનો અનુવાદ કરવા સારુ એમની પસંદગી કરી હતી તેની પણ યાદ આપી હતી.

સાક્ષર શ્રી નરસિંહરાવના યુવાન પુત્ર નલિનનું થોડા દિવસ અગાઉ જ અવસાન થયું હતું. છતાં નરસિંહરાવે મહાદેવભાઈને મુલાકાત આપી હતી. મહાદેવભાઈનાં ભજનોને ‘સારાં’ કહ્યાં, છતાં ‘છાપરે ચડાવવા જેવાં નહોતાં’ માન્યાં. મહાદેવભાઈનાં રૂપ અને વ્યક્તિત્વની નરસિંહરાવ પર સારી છાપ પડી હોવી જોઈએ, કારણ કે તે વિના ‘અનાવલો છે, પણ નાગર જેવો દેખાય છે’ એવો અભિપ્રાય આપ્યો ન હોત!

ટૂંકમાં મહાદેવની સાહિત્યસાધના ચાલી રહી હતી.

પાછળથી તા. ૧૩–૧–૧૯૧૬ને દિને ટાગોરની चित्रांगदाનો અનુવાદ મહાદેવભાઈએ નરસિંહરાવને ભેટ મોકલ્યો ત્યારે તેની પહોંચ સ્વીકારતાં સાક્ષરશ્રીએ લખ્યું: ‘નલિન ભાષાંતર કરવાનો હતો. લાગણીને સંતોષ છે કે કોકે તો કર્યું, અને તે યોગ્ય જણે.’

નરહરિભાઈ અને મહાદેવભાઈ એક જ વર્ષે, ૧૯૧૩માં એલએલ. બી. પાસ થયા. પછી નરહરિભાઈએ તરત અમદાવાદમાં વકીલાત શરૂ કરી દીધી. હરિભાઈ અમદાવાદ જઈને રહ્યા પછી મહાદેવે પણ ત્યાં જઈને વકીલાત કરવાનું ઠરાવ્યું. તેમાં પિતૃસ્નેહની સાથે સાથે મિત્રસ્નેહનું આકર્ષણ પણ કામ કરતું હશે. ૧૯૧૫ના જૂન માસમાં તેમણે મુંબઈ ઓરિયેન્ટલ ટ્રાન્સલેટરની ઑફિસમાંથી રાજીનામું આપ્યું. તે જ માસમાં તેમણે અમદાવાદની ડિસ્ટ્રિકટ કોર્ટમાં વકીલ તરીકેની સનદ લીધી. રહેવાનું પિતાની સાથે જ સાંકડી શેરીમાં રાખ્યું. નરહરિભાઈ તે વખતે રાયપુર કામેશ્વરની પોળમાં રહેતા, તેથી બંને મિત્રો સહેલાઈથી એકબીજાને મળી શકતા. કોર્ટમાં જ્યારે બીજા વકીલો નવરાશના વખતમાં ભેગા મળીને ગામગપાટા મારતા અથવા પાનાં ટીચતા, ત્યારે આ બે મિત્રો કોર્ટને એક જ ખૂણે બેસીને બંગાળી સાહિત્યનો અનુવાદ કરતા. ટાગોરની चित्रांगदा ઉપરાંત विदाय अभिशापનો તરજુમો તેમણે આમ કરેલો. બંને મિત્રોએ સાથે મળીને ભવિષ્યમાં કરવાનાં કામો અંગે કેટલાયે મનસૂબાઓ ઘડી રાખેલા. તેમાં એક મનસૂબો ટાગોરની સર્વ કૃતિઓ ગુજરાતી વાચકો સુધી પહોંચાડવાનો હતો. કાળક્રમે બદલાયેલા પ્રવાહોને લીધે એ અભિલાષા તો પાર પડી નહીં, પણ બંનેએ સાથે મળી કે અલગ અલગ પણ જે ભાષાંતરો કર્યાં તેનાથી ગુજરાતી ભાષાની ઉત્તમ સેવા થઈ છે એમ સૌ વિવેચકો સ્વીકારે છે.

મુંબઈ હતા તે કાળ દરમિયાન જેમ મહાદેવભાઈએ સહજ રીતે જે મોટેરાંઓને મળી શકાય તેવાઓનો સત્સંગ સાધવાનો સાયાસ પ્રયાસ કરેલો. તેમ જ સમવયસ્ક પ્રતિભાશાળી તરુણો સાથે અનાયાસ જ મિત્રતા કેળવેલી. એમાં પહેલા શ્રી વૈકુંઠભાઈ મહેતા અને પાછળથી શ્રી નરહરિભાઈ સાથેની મૈત્રીનો ઉલ્લેખ આપણે આગળ ઉપર કર્યો. વકીલનું ભણતા હતા ત્યારે પરેલમાં ઘર હતું તે વખતના બે પાડોશીઓ જોડે આજીવન મૈત્રી રહી. બંને મહાદેવભાઈથી સહેજ મોટા — વૈકુંઠભાઈ અને નરહરિભાઈની જેમ જ. પરેલના આ બે પાડોશીઓ પાછળથી સાક્ષર તરીકે પ્રસિદ્ધ થયેલા શ્રી રામનારાયણ વિશ્વનાથ પાઠક અને જાણીતા બાળકેળવણીકાર શ્રી ગિજુભાઈ બધેકા. આ જ કક્ષાના મિત્રોમાં સૈયદ અબદુલ્લા બ્રેલ્વીનો પણ સમાવેશ થાય, જેમનો ઉલ્લેખ પણ આપણે આગળ ઉપર કરી ચૂક્યા છીએ.

આ સર્વ મિત્રોએ એકબીજાને પોતાની મિત્રતાથી પુષ્ટ જ કર્યા છે. સૌ પરસ્પર ગુણાનુરાગી હતા. એકબીજાની પ્રગતિમાં રસ લેતા. એકબીજાને સલાહ આપતા. કોઈએ કોઈની પ્રગતિમાં બાધા નથી નાખી. પોતપોતાના ક્ષેત્રમાં સૈાએ ઝળહળ્યા છે. જાણે બધા… सहवीर्यं करवा वहै, तेजस्विनाऽवधीतमस्तुની પ્રાર્થના કરીને આવ્યા હોય તેવા.

અમદાવાદની કોર્ટમાં વકીલ તરીકે મહાદેવભાઈને ઝાઝું કામ મળ્યું જ નહોતું. આજે જેમ સેંકડો વકીલો સનદ મેળવ્યા પછી કેસ મેળવ્યા વિના આમતેમ આંટા મારતા ફરે છે, તેવી જ તેમની દશા થઈ હશે. એકબે ચરિત્રકારોએ એમ કહ્યું છે કે વકીલાતમાં મહાદેવભાઈનું ચિત્ત ચોંટ્યું નહોતું, તે બરાબર નથી. વાસ્તવમાં એમને વકીલ તરીકે બ્રીફ જ ક્યાં મળી હતી કે તેમાં એમનું ચિત્ત ચોંટ્યું હતું કે નહીં એવો નિર્ણય કરી શકાય? જૂન ૧૯૧૫માં તેમને સનદ મળી. ૧૯૧૬ની આખર સુધીમાં કે ૧૯૧૭ના આરંભ સુધી તેઓ અમદાવાદ હતા. આ દોઢ વર્ષ દરમિયાન તેમને માત્ર એક જ કેસ મળ્યો હતો. તે કેસ મિત્ર રામનારાયણ પાઠક, જેઓ ત્યારે સાદરા ગામમાં કામ કરતા હતા, તેમની ભલામણથી મળ્યો હતો. મહીકાંઠા એજન્સી નીચેના કોઈ દરબારની મુંબઈના ગવર્નરને અરજી કરવાની હતી. તેની ફીના મહાદેવભાઈને ૧૨૫ રૂપિયા મળેલા. બીજો કેસ તો ખરું જોતાં કેસ જ ન કહેવાય તેવો હતો. શ્રી મોહનલાલ પંડ્યાએ લખેલી वनस्पतिनी औषधिओ નામની ચોપડી વાંધાભરેલી હોવાનો શેરો મહાદેવભાઈ ઓરિયેન્ટલ ટ્રાન્સલેટરની ઑફિસમાં કામ કરતા હતા ત્યારે કરી ચૂક્યા હતા, તે આપણે આગળ ઉપર જોઈ ગયા. શ્રી પંડ્યા એક કાળે વડોદરા રાજ્યના ડેરી સુપરિન્ટેન્ડેન્ટ હતા. સને ૧૯૧૨માં હિંદ સરકારની ગાયકવાડ ઉપર અવકૃપા થયેલી ત્યારે શ્રી પંડ્યાને રાજ્યની નોકરીમાંથી છૂટા કરવાની હિંદ સરકારે ફરજ પાડેલી. પછી રાજ્યદ્રોહના ગુનામાં સંડોવવા પોલીસે ભારે પ્રયત્નો કરેલા. એકાદ વર્ષ સુધી તો શ્રી પંડ્યાજી પોલીસથી છૂપા રહ્યા. પણ પછી ખુલ્લા રહેવા લાગ્યા. સરકારને તેમનો કશો ગુનો મળ્યો નહોતો છતાં એમની પાછળ સી. આઈ. ડી.ની ચોકી મૂકેલી. પંડ્યાજી એમને થાપ મારીને એક જગ્યાથી બીજી જગ્યાએ ચાલ્યા જતા. એ તે વખતે બહાદુરીનું કામ ગણાતું. સી. આઈ. ડી.ના લફરામાંથી છૂટવા પંડ્યાજીએ નરહરિભાઈની સલાહ માગી. તેમણે મહાદેવભાઈ પાસે મુંબઈના ગવર્નરને અરજી કરાવી. મહાદેવભાઈનું વકીલાતનું આ બીજું કામ.

આમ વકીલાતનાં વર્ષો તો તેમનાં નિષ્ફળ જ ગયાં હતાં એમ કહી શકાય. પાછળથી નરહરિભાઈ ઉપરના એક પત્રમાં મહાદેવભાઈએ એવો ઉલ્લેખ કર્યો છે કે, ‘જે જિંદગીને નકામી માની કેટલીક વાર કંટાળતો’… તેવું માનવાને આ પણ એક કારણ હશે એમ કલ્પી શકાય છે.

માત્ર કામ વિનાના અન્ય વકીલોની જેમ મહાદેવભાઈને જિંદગી વેડફી નાખવી નહોતી. તેથી તેમણે અમદાવાદના નિવાસ દરમિયાન પોતાના સમયનો ઉપયોગ માટે ભાગે વિદ્યાવ્યાસંગમાં જ કર્યો હોય એમ લાગે છે. જ્યારે બીજા વકીલો નવરાશના સમયે ‘સ્કેંડલ રૂમ’ (નિંદાખાનું)માં ગાળતા ત્યારે મહાદેવ કાં નરહરિ સાથે બેસીને ભાષાંતર કરતા હોય, કાં કોઈ ગંભીર પુસ્તકનું વાચન કરતા હોય. નરહરિભાઈના કહેવા મુજબ તે વખતે વકીલોને સારુ બે ક્લબો વિશેષ હતી. પ્રસિદ્ધ ગુજરાત ક્લબમાં ઘણાખરા વકીલો જતા. ઉપરાંત તેમાં શહેરના બીજા પણ અનેક પ્રતિષ્ઠિત નાગરિકો જતા. બીજી ક્લબ વકીલો માટે ખાસ હતી. નરહરિભાઈ ગુજરાત ક્લબના સભ્ય થયા હતા, જ્યારે મહાદેવભાઈ હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટના સભ્ય થયા હતા. આ ક્લબની લાઇબ્રેરી વધુ સારી ગણાતી હતી. એ ક્લબનો લાભ મહાદેવભાઈએ આ દોઢ વર્ષ દરમિયાન ઠીક ઠીક પ્રમાણમાં ઉઠાવ્યો હશે એમ અનુમાન કરી શકાય છે.

તા. ૩૦–૧૧–૧૯૧૬ના રોજ પિતા શ્રી હરિભાઈ પોતાની નોકરીમાંથી નિવૃત્ત થયા એટલે અમદાવાદવાળું ઘર બંધ કરવાનો પ્રશ્ન આવ્યો. પિતાની નોકરી ચાલુ હતી ત્યાં સુધી તો ખાસ કમાણી ન કરનાર દીકરા અને નિવૃત્તિની નજીક પહોંચેલા બાપનું ઘરખર્ચ સંયુક્ત રીતે ચાલતું તેથી કામ નભી ગયું હશે, પણ મહાદેવને જ આધારે ઘર ચલાવવાનું આવે તો વકીલ તરીકે કામ મળે તેની રાહ જોયા કરવી પાલવે એમ નહોતી, તેથી તેમણે ફરી નોકરીની શોધ માંડી. ફરી એક વાર આર્થિક કટોકટીને પ્રસંગે મિત્ર વૈકુંઠભાઈની સહાય કામ લાગી. વૈકુંઠભાઈ મહેતા તે વખતે મુંબઈમાં બૉમ્બે સેન્ટ્રલ કૉ-ઓપરેટિવ બૅંકના મૅનેજરને સ્થાને હતા. બૅંક અનેક જુદી જુદી મંડળીઓને પૈસા ધીરતી. આ મંડળીઓના કામકાજ અંગે તપાસ રાખવાની બૅંકને જરૂર હતી. વૈકુંઠભાઈની સૂચનાથી મહાદેવભાઈએ બૅંકના ઇન્સ્પેક્ટરની ૧૨૫ રૂપિયાના પગારે નોકરી સ્વીકારી. તેઓ મુંબઈ રહેવા ગયા. ગુજરાત અને મહારાષ્ટ્રની બૅંકોના નિરીક્ષણનું કામ તેમને સોંપાયું. તેમને આ કામ શરૂઆતમાં ખૂબ ફાવ્યું. એમણે પૂરા ઉત્સાહ અને ઈમાનદારીથી એ કામ ઉપાડી લીધું. બંને પ્રાંતોનાં ગામડાંઓમાં ઊંડે સુધી તેઓ મુસાફરી કરતા અને માત્ર બૅંકની જ નહીં, પણ ત્યાંની સમગ્ર પરિસ્થિતિની પૂરી ભાળ કાઢી લાવતા. આ તકનો લાભ લઈને તેમણે મરાઠી ભાષા પણ શીખી લીધી. ગાંધીજી સાથે જોડાયા પછી એક વાર શ્રી કાકાસાહેબ કાલેલકરે મહાદેવભાઈની પ્રવાહી મરાઠીની પ્રશંસા કરતાં તેમને પૂછ્યું, ‘આટલી સરસ મરાઠી તમે ક્યાં શીખ્યા?’ કાકાસાહેબ જાણતા હતા કે વરસો સુધી મુંબઈમાં રહેલો ગુજરાતી પણ ભાગ્યે જ શુદ્ધ મરાઠી બોલતો હોય છે. મહાદેવે જરા મલકાઈને સહેજ ગર્વભેર કહેલું, ‘એ તો મહારાષ્ટ્રનાં ગામડાંઓ ખૂંદતાં એનાં બળદગાડાંમાં મહારાષ્ટ્રના લોકો સાથે બેસી એમની ચમચીઓમાંથી પાન ચાવતાં ચાવતાં શીખ્યો છું.’ ગાંધીજી સાથે જોડાયા બાદ પણ ઘણા મરાઠી પત્રોના જવાબ મરાઠી ભાષામાં જ લખતા. સામાન્ય રીતે ભાષા અને વ્યાકરણ વિશે બહુ ‘ચિકિત્સા’૩ કરનાર મહારાષ્ટ્રવાસી મિત્રો મહાદેવભાઈની મરાઠીનું ‘કૌતુક’૪ કરતા. ભાષાનો મહાદેવભાઈનો આ શોખ અને નવી નવી ભાષાઓની ખૂબી સમજી લઈને એનો શુદ્ધ અને સંસ્કારી રીતે ઉપયોગ કરવાનું મહાદેવભાઈનું કૌશલ તેમને સહેજે અનેક નવા પ્રદેશના મિત્ર બનાવી દેતું.

પરંતુ બૅંકના ઇન્સ્પેક્ટર તરીકેની કારકિર્દીનો ખરો ઉપયોગ તો તેમણે ગામડાંની પરિસ્થિતિને સમજવામાં અને સંસ્થાઓના સંચાલનની આંટીઘૂંટીઓ સમજવામાં કરેલો. તેમના અહેવાલો ચીલાચાલુ ઇન્સ્પેક્ટરોના જેવા નહોતા. આ અહેવાલોમાં એક પ્રકારની તાજગી રહેતી. એમના આ કામ અંગે શ્રી વૈકુંઠભાઈ મહેતા કહે છે, ‘જેમ બીજાં કામો તે દીપાવતા તેમ આ કામ પણ એમણે દીપાવ્યું હતું. જે મંડળીઓની મુલાકાત તેઓ લેતા — પછી તે ગુજરાતમાં હો કે મહારાષ્ટ્રમાં હો — તે મંડળીના કાર્યકર્તાઓ તથા સભાસદો સાથે બહુ મીઠો સંબંધ તેઓ બાંધી આવતા. મંડળીઓની પરિસ્થિતિ તથા એના સભાસદોની જરૂરિયાતો વગેરે બાબતમાં તેમનાં નિવેદનો માહિતીથી તથા કીમતી સૂચનાઓથી ભરેલાં હોતાં એટલું જ નહીં પણ શૈલી અને ભાષાની દૃષ્ટિએ મનન કરવા લાયક થઈ પડતાં.’૫

એક ખાસ ઘટનાનો ઉલ્લેખ કરીને વૈકુંઠભાઈ આગળ કહે છે, ‘ખેડા જિલ્લામાં એક સહકારી મંડળીની મુલાકાત લીધા પછી ભાઈ મહાદેવે અમુક ભલામણ કરી હતી અને તેનો અમલ કરવા માટે તે સીધી બૅંક ઉપર મોકલી આપી હતી. સીધી મોકલી આપવાનું કારણ એ હતું કે સરકારના સહકારી ખાતા તરફથી તે વિભાગમાં ઑનરરી ઑર્ગેનાઇઝર (માનદ પ્રચારક) તરીકે જે ભાઈ કામ કરતા તેમણે મંડળીની લોન માટેની અરજી પૂરતા કારણ વિના અટકાવી રાખી હતી, પણ મહાદેવે બધી હકીકત સીધી બૅંકને મોકલી આપી એટલે પેલા ભાઈને લાગ્યું કે પોતાની અવગણના થઈ. ચાલુ રૂઢિ મુજબ આ ભલામણ તેમની મારફત થવી જોઈતી હતી એવી તેમણે સહકારી વડા અધિકારી (રજિસ્ટ્રાર)ને ફરિયાદ કરી અને જણાવ્યું કે આ પ્રમાણે કામકાજમાં બિન-જવાબદાર તત્ત્વ દાખલ થાય. વસ્તુત: એ પ્રચારકને નાણાં ધીરવાનાં નહોતાં ને કાયદેસર તેમની કશી જવાબદારી આવતી નહોતી. છતાં સહકારી ખાતાના વડાએ બૅંકને સૂચના કરી કે ભાઈ મહાદેવને તાકીદ આપે કે ચાલતી રૂઢિને અવલંબીને કામ કરે અને જે ભલામણ ભાઈ મહાદેવે કરી હતી તે તપાસ માટે માનદ પ્રચારકને મોકલી આપે. ખુલાસો પૂછતાં ભાઈ મહાદેવે એવો મુદ્દાસર સચોટ ઉત્તર આપ્યો કે તે વાંચ્યા પછી પોતાની સૂચના બાબત સરકારી રજિસ્ટ્રાર કાંઈ આગ્રહ રાખી શક્યા નહીં, ઊલટું એમને કબૂલ કરવું પડ્યું કે સીધો પત્રવ્યવહાર કરીને ભાઈ મહાદેવે મંડળીની અગવડ દૂર કરી તેની સેવા કરી હતી.

‘નવી સંસ્થામાં નિખાલસપણાની, નીડરપણાની અને સેવાભાવની આ છાપ ભાઈ મહાદેવે પાડી તે માટે બૅંકના તે વખતના સંચાલક તરીકે હું તેમનો કાયમી ઋણી છું.’૬

શ્રી વૈકુંઠભાઈ મહાદેવભાઈના એકબે બીજા ગુણોનું વર્ણન કરતાં આ જ સંદર્ભમાં કહે છે:

‘બીજી એક વાતની છાપ મારી સ્મૃતિ ઉપર રહી ગઈ છે તે એ છે કે તેમનાં ઑફિશિયલ નિવેદનોમાં પણ સાહિત્યિક શૈલીની છાપ ઊઠી આવતી હતી અને તેમના સુંદર અક્ષર અમારી ઑફિસમાં સૌનાં મન હરી લેતા. તેમને મુસાફરીમાં ઘણી અગવડો વેઠવી પડતી છતાં તેમના અંગત કાગળોમાં, ખેડૂતને માટે ઊંડી લાગણી અને ગ્રામજીવન પ્રત્યે સાહજિક પ્રેમ દેખાઈ આવતો. ભાઈ મહાદેવ વધારે કવિ હતા કે ફિલસૂફ તે હું કહી શકતો નથી, પણ તેમના કાગળોમાં આવતાં વર્ણનોમાં અત્યાર સુધી સુપ્ત રહેલો કવિ ચોક્કસ દેખાતો હતો. કૉલેજમાં હું તેમને સારા અભ્યાસી અને પુષ્કળ વાચનના રસવાળા તરીકે ઓળખતો પણ આ વખતના મારા પરિચયમાં તેમનામાં સાહિત્યિક કળા પ્રથમ પંક્તિની છે. તે હું જોઈ શક્યો. ગુજરાતી તેમ જ અંગ્રેજી બંને ભાષાઓ પર તેમનું સરખું જ પ્રભુત્વ હતું.’૭

બૅંકના ઇન્સ્પેક્ટર હતા તે દરમિયાન મહાદેવભાઈએ તે વખતની સહકારી મંડળીઓની નબળાઈઓ બૅંક આગળ ઉઘાડી પાડી હતી. આ અંગે નરહરિભાઈ કહે છે કે:

‘ઘણા શાહુકારો સહકારી મંડળીના સભ્ય થતા અને દેવું પાછું ન ભરી શકે એવા પોતાના દેણદારોને મંડળી પાસે નાણાં ધિરાવી પોતાનું લેણું વસૂલ કરી લેતા. એક સોસાયટીના સેક્રેટરીએ તો સોસાયટીના પૈસા ઉચાપત પણ કરેલા. મહાદેવે ધમકાવીને એની પાસે પૈસા ભરાવી દીધા. મહાદેવને ઇન્સ્પેક્ટર તરીકે જુદાં જુદાં ગામે ફરવાનું થતું તે માટે તેઓ સાથે એક માણસ રાખતા અને પોતાની રસોઈ કરી લેવાનાં બધાં સાધન રાખતા. કોઈ જગ્યાએ ધર્મશાળામાં કે એવા જાહેર સ્થળમાં ઊતરવાનું ન મળે ત્યારે જ સોસાયટીના સેક્રેટરીને ત્યાં રહેતા. તે પ્રમાણે એક સેક્રેટરીને ત્યાં મહાદેવ રાત્રે સૂઈ રહેલા, તેનું હૃદયદ્રાવક વર્ણન એક દિવસ મારી આગળ કરેલું. પેલો સેક્રટરી દારૂથી ચકચૂર થઈ ઘેર આવ્યો. આખી રાત સ્ત્રીને હેરાન કરી. ઘરમાં જ એક અજાણ્યા માણસ સૂતેલા એટલે પેલી સ્ત્રીએ પોતાનાં ડૂસકાં દબાવવા બહુ પ્રયત્ન કરેલો પણ મહાદેવ એ સાંભળી ગયા. મનમાં તો થયું કે ઊઠીને પેલાને સીધો કરું, પણ આટલી મોડી રાતે વરવહુની વઢવાડમાં વચ્ચે પડવાનું ઠીક ન લાગ્યું. એને વિશે પણ બહુ કડક રિપોર્ટ મહાદેવે કરેલો.

મહાદેવના આવા રિપોર્ટો સરકારી રજિસ્ટ્રારને વધારે પડતા આકરા લાગતા. તેમને થતું કે સહકારી પ્રવૃત્તિ માંડ માંડ શરૂ થાય છે ત્યાં આવું કડકપણું રાખીશું તો મંડળીઓની સંખ્યા વધારી શકીશું નહીં. ભાઈ મહાદેવના દિલે આ વિચારસરણી સામે બળવો કર્યો, વળી સખત રખડપટ્ટીથી પણ એ કંટાળ્યા હતા. એટલે આ નોકરી છોડી દીધી.’૮

પિતાશ્રી નિવૃત્ત થયા હતા. પોતે વકીલાત શરૂ કરી ત્યારથી તે પહેલાં કરેલી નોકરી આગળ ઉપર જ છોડી ચૂક્યા હતા. આ બીજી વાર છોડી, એટલે દરેક ભણેલા જુવાનિયાની આગળ ઉત્પન્ન થાય છે તે પ્રશ્ન મહાદેવભાઈ આગળ પણ ઊભો થયો: ‘હવે શું?’

વકીલાતકાળ દરમિયાન જ નરહરિભાઈની સાથે ગાંધીજીને મળવા જઈ ચૂક્યા હતા. એ પ્રથમ મુલાકાત અને ત્યાર બાદની મુલાકાતો મહાદેવભાઈના જીવનને નવો વળાંક આપનારી થઈ રહેવાની હતી. પણ તેને આપણે આગળ ઉપર, સ્વતંત્ર પ્રકરણમાં વિસ્તાર અને વિગતપૂર્વક લેવાના છીએ. ગાંધીજીએ પોતાની પાસે જોડાતાં પહેલાં એકાદ વર્ષ ‘ખેલી ખાવાની’ સલાહ આપી. પિતાશ્રી નિવૃત્ત થયા પછી સ્વાભાવિક રીતે જ ઇચ્છતા હશે કે ભણેલોગણેલો મોટો દીકરો ઘર સારુ કાંઈક કમાતો થાય. લગ્ન તો વર્ષો પહેલાં થઈ ચૂક્યાં હતાં, પણ ગૃહસ્થ તરીકે હમણાં હમણાં જ રહેવા માંડ્યું હતું. તેથી મહાદેવે જુદી જુદી જગાએ નોકરીની શોધ કરવા માંડી.

સદ્ભાગ્યે મહાદેવને નોકરી માટે ઝાઝાં ઝાવાં નાખવાં ન પડ્યાં. એનું સૌથી મુખ્ય કારણ આ વર્ષો દરમિયાન મહાદેવે કેળવેલી મૈત્રીઓ એ હતું. એક કરતાં વધારે મિત્રો મહાદેવને કાંઈક પણ મદદ કરી શકાતી હોય તો તરત કરવા રાજી હતા. બીજું કારણ એમના સુંદર અક્ષર જ્યાં જ્યાં અરજી કરે ત્યાં ધ્યાન ખેંચે એવા હતા. વળી જે કોઈ ધ્યાનથી જુએ તો એમની લખવાની શૈલી પણ ખૂબ આકર્ષક હતી. વ્યક્તિગત મુલાકાત વખતે તેઓ થોડા શરમાળ હતા એ વાત એમની વિરુદ્ધ જતી હશે, પણ એમનું વ્યક્તિત્વ દરેક રીતે સામાનું મન હરી લે તેવું હતું. એમની વાણીમાં મૃદુતાની સાથે સ્પષ્ટતા હતી. આવાં આવાં કારણોને લીધે એમને સારુ નોકરી શોધવી એ આજે સામાન્ય રીતે કોઈ સરેરાશ ભણેલા યુવાનને સારુ જેટલું અઘરું કામ થઈ પડે છે તેટલું અઘરું ન થયું. જો એમણે મથામણ અનુભવી હોય તો તે એક કરતાં વધારે મળતી તકો વચ્ચે પસંદગી કરવામાં જ.

સહકારી બૅંકના ઇન્સ્પેક્ટરનું કામ છોડવા પાછળ મુખ્ય કારણ એ હતું કે સહકારી મંડળીઓના કાર્યકરો પાસે ઇન્સ્પેક્ટર તરીકે મહાદેવભાઈ જે જાતનાં ઊંચાં ધોરણોની અપેક્ષા રાખતા હતા તેવી અપેક્ષા રાખવાથી નવી નવી શરૂ થતી સહકારી પ્રવૃત્તિ વિકસી નહીં શકે એમ કેટલાક સહકારી અધિકારીઓ માનતા હતા, એ આપણે જોઈ ગયા. શ્રી વૈકુંઠભાઈ જેવા લોકોનો મત, અલબત્ત, એવો નહોતો. તેઓ એમ માનતા હતા કે મહાદેવ સહકારી પ્રવૃત્તિને નીતિમત્તા અને કાર્યદક્ષતાનાં કેટલાંક નવાં ધોરણો પૂરા પાડી રહ્યા હતા. તેથી એમણે ‘એનું ઋણ હું કદી નહીં ભૂલું’ એવા આશયનું વચન પણ કહેલું, નરહરિભાઈનો મત છે કે સારી પેઠે રખડપટ્ટીથી મહાદેવ થાક્યા અને કંટાળ્યા પણ હશે. મહાદેવના સૌથી નિકટના મિત્ર તરીકે મહાદેવનો થાક કે એમનો કંટાળો સમજી શકે એવા નરહરિ જ હતા. તેથી એમના એ અનુમાનમાં પણ તથ્ય હશે જ. આ નોકરી છોડવામાં એક બીજું કારણ સતત રખડપટ્ટીથી ઊલટું પણ હતું. આ અરસામાં બૅંક ઇન્સ્પેક્ટરની જગા કમી કરીને મહાદેવને મુંબઈની ઑફિસમાં આવીને કામ કરવાનું કહ્યું. મહાદેવનું મન એ નિર્ણયથી ખાટું થયું હોય તોપણ નવાઈ નહીં.

સંકટ સમયે સદા સહાયક થતા મિત્ર વૈકુંઠભાઈએ મુંબઈના એક જાણીતા સામાજિક કાર્યકર શ્રી જમનાદાસ દ્વારકાદાસ સારુ ભલામણ લખી આપી. તેઓ તે વખતે यंग इन्डिया નામનું અંગ્રેજી છાપું ચલાવતા, જે પાછળથી ગાંધીજીને હવાલે કરવામાં આવ્યું હતું. यंग इन्डियाમાં કાંઈક કામ આપવા વૈકુંઠભાઈએ મહાદેવ સારુ ભલામણ કરી હતી. જમનાદાસ દ્વારકાદાસ મહાદેવની સેવાઓ यंग इन्डिया સારુ નહીં, પણ પોતાના અંગત મંત્રી તરીકે લેવા ઇચ્છતા હતા. વૈકુંઠભાઈના પિતા સર લલ્લુભાઈ શામળદાસને પણ પ્રેમ હતો. તેમણે એક પત્ર હૈદરાબાદ રાજ્યની સહકારી બૅંકને લખ્યો હતો. એમાં મહાદેવને મૅનેજરના સ્થાને લેવાની ભલામણ કરી હતી તથા શરૂઆતમાં રૂ. ૧૫૦નો પગાર આપવાની તૈયારી બતાવી હતી. તેને બદલે થોડો વધુ આપવા દબાણ કરતો શેરો માર્યો હતો. હૈદરાબાદમાં કામ મળે તો મહાદેવે ૩૦૦ના પગારની અપેક્ષા રાખી હતી.

વળી ત્રીજી તરફ ૧–૯–૧૯૧૬થી શ્રીમતી એની બેસન્ટે હોમરૂલ લીગની સ્થાપના કરી હતી. મુંબઈમાં જમનાદાસ દ્વારકાદાસ અને શંકરલાલ બૅંકર એના ક્રિયાશીલ સભ્યો હતા. આ લીગના કામ માટે એ લોકો કોઈ માણસ શોધતા હતા. એમની નજર મહાદેવ પર ઠરતી હતી.

જમનાદાસનું મન મહાદેવને અંગત મંત્રી તરીકે લેવાનું હતું. શંકરલાલનું મન મહાદેવને હોમરૂલ લીગના કામમાં જોતરવાનું હતું. મહાદેવને એ નહોતું સમજાતું કે શંકરલાલ એક તરફથી ગાંધીજીના ભક્ત હતા અને બીજી તરફથી તેઓ તેમને હોમરૂલ લીગના કામમાં કેમ જોડવા માગતા હતા.

આ દરમિયાન, બૅંકમાં કામ કરતા હતા ત્યારે જ, તેમણે હિંદ સરકારના ઉદ્યોગખાતામાં આસિસ્ટંટ ડિરેક્ટરના સ્થાન માટે અરજી કરી હતી. ૨૩–૨–’૧૭ના રોજ તેમની ઉપર તાર આવ્યો કે જેમાં તેમને ૧૪૦ના પગાર સાથે ૨૩–૨–’૧૭થી હાજર થવા કહેવામાં આવ્યું હતું. તે વખતે તેમને બૅંકમાં રૂ. ૧૨૫નો પગાર હતો. તેથી આ નવી નોકરીમાં પગાર થોડો વધુ મળતો હતો. પણ જે કામ કરતા હતા, તેને પૂરતી નોટિસ આપ્યા વિના છૂટા થવું એ મહાદેવને યોગ્ય ન લાગ્યું, તેથી તેમણે નવી નોકરીનો વિચાર પડતો મૂક્યો.

બૅંકના વ્યવસ્થાપકોએ જ્યારે ઇન્સ્પેક્ટરની જગ્યા કમી કરી ત્યારે મહાદેવને મુંબઈની મુખ્ય ઑફિસમાં કામ કરવા સૂચવ્યું હતું તે આપણે જોઈ ગયા. એ કામ એમને રુચતું નહોતું. એમણે રાજીનામું આપવા વિચાર્યું. એ પહેલાં ચાર અઠવાડિયાંની રજા લઈ, એક અઠવાડિયું દુર્ગાબહેન સાથે ગાળી, ત્રણ અઠવાડિયાં નરહરિભાઈ સાથે ગાળવાના વિચારથી એમણે રાજીનામા પહેલાંની એક માસની રજા માગી. નરહરિભાઈ ત્યાં સુધીમાં ગાંધીજીના આશ્રમમાં સ્થિર થઈ ગયા હતા. તેથી આ ત્રણ અઠવાડિયાં દરમિયાન પોતે ગાંધીજી સાથે જોડાવું કે નહીં એનો વિચાર કરી શકશે, એવી પણ એમને આશા હશે. પણ બૅંકે આવી રજાની મંજૂરી ન આપી અને એમને એટલા ને એટલા જ પગારે બૅંકના આસિસ્ટંટ મૅનેજરનો હોદ્દો સ્વીકારવો એવું ફરમાવ્યું. આ વ્યવસ્થા સ્વીકારવા મિત્રો — ખાસ કરીને વૈકુંઠભાઈ — આગ્રહ કરતા હતા, પણ તેમણે જ પાછી મહાદેવભાઈને यंग इन्डियाમાં કાંઈક કામ આપવાની ભલામણચિઠ્ઠી પણ લખી આપેલી.

પેલી બાજુ જમનાદાસ દ્વારકાદાસ તેમને અંગત મંત્રી તરીકે લેવા આડકતરી રીતે પ્રયત્ન કરી રહ્યા હતા. ૧૨–૮–’૧૭ના રોજ જમનાદાસ સાથે મહાદેવના એક મિત્ર શ્રી વકીલે મહાદેવભાઈ વિશે છેવટની વાતો કરી. જમનાદાસે બસોનો પગાર આપવા કહ્યું, અને મહાદેવભાઈ બહુ આનાકાની કરે તો અઢીસો આપવાની પણ તૈયારી બતાવી.

પોતાના ભાવિ અંગે મહાદેવભાઈ મિત્રોની સલાહસૂચનાઓ લેતા રહેતા. પાછળથી ‘अखंड आनंद’ના તંત્રી તરીકે જાણીતા થયેલા શ્રી મનુ સૂબેદાર જમનાદાસની નોકરીની સખત વિરુદ્ધ હતા. આ અગાઉ શ્રીમતી બેસંટ ઉપર નજરકેદનો હુકમ ફરમાવવામાં આવ્યો હતો. સૂબેદારને એમ હતું કે શ્રીમતી બેસંટ પછી જો તેમના પટ્ટશિષ્ય જમનાદાસ દ્વારકાદાસને પણ નજરકેદ કરવામાં આવે તો મહાદેવ લટકતા રહેશે. તેમનો બીજો વાંધો એ હતો કે જમનાદાસ સાથે જોડાવામાં મહાદેવભાઈને કશું નવું શીખવાનું નહીં મળે. ઊલટો તેમને કામનો ઢસરડો કરવો પડશે અને જમનાદાસની છાયા બનીને રહેવું પડશે. મહાદેવભાઈને આ બીજો મુદ્દો વિચારવા જેવો લાગ્યો. પહેલા મુદ્દા અંગે શ્રી ભૂલાભાઈ દેસાઈ સાથે વાત કરતાં તેમણે આખી વાતને જ હસી કાઢીને કહ્યું કે જમનાદાસને નજરકેદ રાખે એ બનવું સંભવિત જ નથી.

શ્રી સૂબેદાર સંસ્થાનું મંત્રીપદ સ્વીકારવાના પક્ષમાં હતા. અંગત મંત્રીપદની વિરુદ્ધ.

શંકરલાલે સંસ્થાના મંત્રીપદ સારું રૂ. ૧૫૦ની તૈયારી બતાવી, એ જ વખતે જમનાદાસે અંગત મંત્રીપદ માટે રૂ. ૨૦૦ આપવાની તૈયારી બતાવી.

મહાદેવભાઈનું વલણ અંગત મંત્રીપદ સ્વીકારવાનું હતું એમ લાગે છે. તેઓ માનતા હતા કે જો જમનાદાસ સાથે તેમને પણ નજરકેદ રાખે તો તેઓ તેને આવકારે, પણ જો એકલા જમનાદાસને જ નજરકેદ રાખે તો તેમના ગયા પછી શું કરવું એને અંગે તેઓ સ્પષ્ટ નહોતા.

હૈદરાબાદની બૅંક તરફથી કાંઈ જવાબ આવ્યો નહોતો, એટલે બધી વાતો નરહરિભાઈ સાથે ચર્ચી લેવા તેમણે એક રવિવારનો દિવસ (૨૬–૮–૧૯૧૭) નરહરિ સાથે ગાળ્યો.

મોટો નિર્ણય હજી નજર સામે સ્પષ્ટ આવ્યો નહોતો. ગડમથલ ચાલતી હતી. એ સ્પષ્ટ છે કે આ કાળ દરમિયાન મહાદેવભાઈને ઘણા નિર્ણયો આર્થિક બાબતને ધ્યાનમાં રાખીને કરવા પડ્યા હતા. એટલે જ તેમણે હૈદરાબાદની બૅંક પાસે રૂ. ૩૦૦ની માગણી કરી હતી, અને એટલે પંદરેક દિવસ સારુ તેમણે જમનાદાસ દ્વારકાદાસનું મંત્રીપદ પણ સ્વીકાર્યું હતું. અંગત મંત્રી તરીકે તેમણે જમનાદાસ સારુ ભરૂચની રાજકીય પરિષદમાં પ્રમુખ તરીકેનું ભાષણ લખી આપ્યું હતું. હોમરૂલ લીગ સારુ તેમણે તે વખતે હિંદના વજીર મૉંટેગ્યૂના એક રાજનૈતિક મહત્ત્વના ભાષણનો ગુજરાતી અનુવાદ કરી આપ્યો હતો. આ અનુવાદ ઘણાને ગમ્યો હતો.

જ્યાં નોકરીનો જ સવાલ હોય ત્યાં વધુ પગાર ક્યાં મળે છે તે જોવું એવો મહાદેવભાઈનો વિચાર હોય એમ લાગે છે. જોકે તેની પાછળ કુટુંબ પ્રત્યેની ફરજ, નોકરી જ જો કરવી હોય તો લાયકાત મુજબ પગાર કેમ ન લેવો એવો ભાવ હશે. વ્યક્તિગત રીતે પૈસા બાબત તેમને લાભ થયો હશે એમ કહી શકાતું નથી કારણ, તેમ હોત તો તેઓ આગલી નોકરીમાં નોટિસ આપવાની પરવા કર્યા વિના જ હિંદ સરકારના ઉદ્યોગ વિભાગની નોકરીમાં જોડાઈ ગયા હોત.

નરહરિભાઈ મહાદેવની આંતરિક ગડમથલના સાક્ષી હતા. તેમને મહાદેવભાઈએ એક પત્રમાં એ સ્પષ્ટ જણાવી દીધું હતું કે, ‘પૈસા કમાવાની લોલુપતા વિશે તમે ગમે તેટલા કડક થઈને બોલો, પણ મારા અનેક અવગુણો છતાં એ અવગુણ મારામાં નથી એ હું સમજું છું.’ આમ તો આખી જિંદગી મહાદેવભાઈએ પોતાના રાઈ જેવડા દોષોને પહાડ જેવા મોટા ગણાવ્યા હતા. તેથી જે તેઓ પોતાનામાં પૈસા વિશેની લોલુપતા ન હોવા વિશે છાતી ઠોકીને કહેતા હોય તો એમ જ માનવું યોગ્ય થશે કે તેમણે આ વચન પોતાની જાતને બરાબર તપાસીને પછી જ કહ્યું હશે. એ હકીકત સાચી છે કે તેમણે આ છેલ્લાં ત્રણ વર્ષો દરમિયાન કઈ નોકરીમાં વધારે પૈસા મળે છે તેની ચિંતા પણ કરી છે, પરંતુ તે વર્ષો સુધી પિતાને કાંઈ મદદ કર્યા વિના ભણતર ચાલુ રાખ્યું હતું અને વકીલાતમાં ખાસ કાંઈ કમાણી ન કીધી અને પિતાની સાથે રહીને પોતાની પત્નીનો ચાલુ ખર્ચ નિવૃત્ત થવાની અણી પર આવેલા મોટી ઉંમરના પિતા પર પડવા દીધો હતો તેનું વળતર વાળવાના ઇરાદાથી હશે એમ માનવું જોઈએ.

ઉપરાંત એ તો સ્પષ્ટ છે કે જ્યારે જ્યારે પણ તેમણે પૈસાનો વિચાર કર્યો ત્યારે બીજા મુદ્દાઓને ગૌણ બનાવીને, અર્થદાસ બનીને નહીં. બીજી એલએલ. બી.ની પરીક્ષામાંથી તેઓ ઊઠી ગયા ત્યાર બાદ માંદા પડી ગયેલા. અભ્યાસ સારુ ટર્મ તો ભરવાની નહોતી તેથી ઑફિસમાંથી લાંબી રજા લઈ ક્યાંક હવાફેર સારુ જઈ આવવાનો વિચાર કરતા હતા. એટલામાં એક શ્રીમંત કચ્છી કુટુંબ થોડા મહિના માટે પોતાના મૂળ વતનમાં જવાનું હતું અને તેમને પોતાના દીકરા સારુ ટ્યૂશન આપનાર કોઈકની જરૂર હતી, તેની ભાળ મળી. હવે આ લોકો સાથે મહેનતાણા અંગે શરત કરતાં મહાદેવભાઈએ પહેલી ચોખવટ ચોક્કસપણે એ કરી લીધી કે એમની સાથે જવામાં પોતાનો ઉદ્દેશ પૈસાની કમાણીનો નહીં પણ હવાફેરનો છે તેથી છોકરાને નક્કી કરેલો વખત ભણાવવામાં આપવા સિવાય બાકી બધો વખત પોતાનો રહેશે, અને એમના વેપારધંધા કે અંગત કૌટુંબિક જરૂરિયાત અંગે બીજું કામ એમને સોંપી શકાશે નહીં. તેઓ જો પૈસા ભણી મોં કરીને જતા હોત તો આવી શરત કરવાને બદલે શેઠના માનીતા થવાનો અને તેમને રીઝવીને વધુ પૈસા કઢાવવાનો પ્રયાસ કરતા. એમની શરત સ્વીકારાઈ ત્યાર બાદ જ તેઓ કચ્છ ગયા હતા. અલબત્ત, એમની સ્વાભાવિક મધુરતાને લીધે એમની શરતની કડકાઈ ઢંકાઈ ગઈ હતી. મહાદેવે આખા કુટુંબનાં દિલ જીતી લીધાં. છોકરો તો મહાદેવભાઈ પર લટ્ટુ જ થઈ ગયો હતો.

અને આખરે બે બૅંકોની, કે હિંદની સરકારની કે હોમરૂલ લીગની કે જમનાદાસ દ્વારકાદાસની નોકરી સ્વીકાર કરવા અંગેનો નિર્ણય એ તો પ્રેય અને શ્રેય વચ્ચેનો હતો. તેથી તે અંગે નિર્ણય કરવામાં ગજ પણ પ્રેયનો જ વપરાય એ સ્વાભાવિક હતું.

આ જ કાળ દરમિયાન જ્યારે શ્રેય અને પ્રેય વચ્ચે નિર્ણય કરવાનો વારો આવ્યો ત્યારે તો મહાદેવભાઈએ પ્રેય ભણી એક ક્ષણ સારુ પણ જોયું નથી. અચૂકપણે એમણે શ્રેયનો રસ્તો જ લીધો અને આખી જિંદગી કદી પૈસાના વિચારને સામે આવવા જ દીધો નહીં. હા, ત્યારે પણ કોઈક કોઈક વાર પરિવારની મદદ કરવા પૂરતા, તેમણે લેખો લખીને કે કોઈક વાર કોઈ સ્નેહી પાસે માગી લાવીને કુટુંબ પ્રત્યેની ફરજ બજાવી છે. પણ ત્યાં ક્ષણવાર પૂરતી પૈસા તરફ જે નજર કરી છે, તેયે કર્તવ્યબુદ્ધિથી — લોભ કે લોલુપતાથી નહીં. શ્રેયાર્થીના માર્ગમાં કર્તવ્યબુદ્ધિ કોઈક કોઈક વાર સાવ અરુચિકર એવાં કામો પણ કરાવતી હોય છે. તેવું જ બન્યું હતું બહેનનાં લગ્ન ખાતર (જેલમાંથી) પિતાને આર્થિક મદદ કરવાની તૈયારી બતાવી ત્યારે. દુર્ગાબહેનને બહુ ભીડ પડી છે એ વાત જ્યારે જ્યારે મહાદેવભાઈને સમજાઈ ત્યારે ગાંધીજીને જાણ કરી, એમની અનુમતિ લઈ, કોઈ છાપામાં એકાદ લેખ લખી કુટુંબ સારુ થોડા વધારેના પૈસાની જોગવાઈ તેઓ કરી આપતા. બાકી તો હવે પછી જે શ્રેયનો માર્ગ લેવાના હતા તેમાં समलोष्टास्मकांचन જ હતું.

ગાંધીજી સાથે જોડાવાના પ્રસંગને નજીકથી તપાસીએ તે પહેલાં બીજી એક વાત પણ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. શું કૉલેજના ભણતર વખતે હોય કે શું નોકરી વખતે હોય, સાહિત્ય સાથેના મહાદેવભાઈના સંબંધમાં કદી ઓટ આવી નહોતી. તેઓ છેલ્લામાં છેલ્લા શિષ્ટ ગુજરાતી સાહિત્યનું નિરંતર વાચન કરતા. અંગ્રેજી સાહિત્ય જોડેનો તેમનો સંબંધ બહોળા વાચન અને છૂટાછવાયા લેખો કે ભાષાંતરો પૂરતો મર્યાદિત હતો. અંગ્રેજી પદ્ય લખવાનો વિચાર એમણે કૉલેજજીવન પછી કદી કર્યો નહોતો. મહારાષ્ટ્રનાં ગામડાંઓમાં સહકારી બૅંકના કામ અંગે રખડતા ગ્રામજનો, અને સાથી કાર્યકરો પાસે મરાઠીનું જ્ઞાન ઠીક ઠીક પ્રમાણમાં સંપાદિત કરી લીધું હતું. અમદાવાદમાં વકીલાત કરતા હતા ત્યારે નરહરિભાઈ સાથે મળીને એમણે બંગાળી ભાષાનો શોખ કેળવ્યો હતો. બીજા કોઈની મદદ વિના રવીન્દ્રનાથનાં મૂળ બંગાળી અને અંગ્રેજીમાં અનૂદિત પુસ્તકોને આધારે તેમણે બંગાળીનું પ્રાથમિક જ્ઞાન મેળવ્યું હતું, અને એને ટૂંકા સમયમાં જ વિકસાવ્યું હતું. चित्रांगदा અને विदाय अभिशाप તથા प्राचीन साहित्यનાં ભાષાંતર મહાદેવ-નરહરિની બેલડી કરી ચૂકી હતી. नौका डूबीનો અનુવાદ એમણે હાથ પર લીધો હતો અને બંને જણે અમુક પ્રકરણો પણ ફાળવી લીધાં હતાં, પણ ગાંધીની આંધીમાં સમગ્ર રવીન્દ્ર-સાહિત્યને ગુજરાતીમાં ઉતારવાનું એમનું સપનું હવા થઈ ગયું હતું. અમદાવાદની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સનદ લીધા પછી તરત મહાદેવભાઈ ત્યાંની હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટની લાઇબ્રેરીના સભ્ય થયા હતા. ત્યાંથી તેઓ અનેક પુસ્તકો મેળવીને વાંચતા અને નવાં નવાં પુસ્તકોનાં નામો ગ્રંથપાલને સૂચવીને ગ્રંથાલય સારુ તે મગાવતા. એમને લીધે તે પુસ્તકાલયને પણ લાભ થઈ જતો.

આ કાળ દરમિયાન તેઓ જ્યારે મુંબઈમાં હતા ત્યારે તેમણે શહેરમાં ચાલતી અનેક સાહિત્યિક પ્રવૃત્તિઓમાં રસ લીધો હતો અને તક મળે ત્યારે તેઓ સાહિત્ય, કેળવણી, ધર્મ, અધ્યાપન કે રાજકારણ અંગેની પરિષદોમાં હાજરી આપતા. ક્યાંક કોઈ સમાજસુધારકની જયંતી ઊજવાય, કોઈ પ્રસિદ્ધ કવિનાં કાવ્યોનું વાચન થાય, લેખકોનું મિલન થાય અથવા પ્રાંત બહારથી કોઈ જાણીતા નેતાનું આગમન થાય તો મહાદેવભાઈ અચૂક ત્યાં પહોંચી જવાના. આ વાચન, શ્રવણ અને ચર્ચાવિચારણા કે પરિસંવાદોને લીધે મહાદેવભાઈનો સાંસ્કૃતિક ક્ષિતિજવિસ્તાર વધતો રહેતો. સાક્ષર શ્રી નરસિંહરાવ ભો. દિવેટિયાને તો મહાદેવભાઈ ઓછામાં ઓછા ત્રણચાર વાર મળ્યા હશે. चित्रांगदाના અનુવાદ વિશે એમણે સંતોષ વ્યક્ત કરેલો એ આપણે જોઈ ગયા. આમ સાહિત્યિક, સાંસ્કૃતિક, રાજનૈતિક અને આધ્યાત્મિક ક્ષેત્રે મહાદેવભાઈનું વ્યક્તિત્વ આગળ ઉપર આવનાર સમર્પણયજ્ઞ સારુ તૈયાર થઈ રહ્યું હતું.

નોંધ:

૧. Hence it is almost a definition of a gentleman to say he is one who never inflicts pain Literary Selections from Newman — પૃ. ૫૮.

૨. શ્રી ચંદુલાલ દલાલ: स्व. महादेवभाई देसाई स्मृतिचित्रो: પૃ. ૧૧-૧૨.

૩. ચોકસાઈથી તપાસણી.

૪. સવિસ્મય પ્રશંસા.

૫. નરહરિ પરીખ: महादेवभाईनुं पूर्वचरित: पृ. ૬૧.

૬. એજન: પૃ. ૬૨-૬૩.

૭. એજન: પૃ. ૬૩-૬૪.

૮. એજન: પૃ. ૬૫-૬૬.