અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ/ચોવીસ – એકતા-યજ્ઞ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ચોવીસ – એકતા-યજ્ઞ

૧૯૨૪નું વર્ષ જવાબદારીની દૃષ્ટિએ મહાદેવભાઈ માટે થોડું હળવું હતું, કારણ, ગાંધીજી જેલની બહાર હતા અને એપ્રિલ માસથી તેમણે यंग इन्डिया અને नवजीवनનું તંત્રીપદ પણ સંભાળી લીધું હતું. મહાદેવભાઈને માથેથી અસહકાર આંદોલનને ટકાવી રાખવાની, રચનાત્મક કાર્યક્રમોને વેગવાન કરવાની, ગાંધીજીના પત્રોમાં પ્રાણ ફૂંકવાની કે એવી એવી બીજી જવાબદારીઓ ઊતરી ગઈ હતી. એમને ભાગે એમનું પરમ પ્રિય એવું ગાંધીજીના ‘પીર, બબર્ચી, ભિસ્તી, ખર’નું એમની ‘ચાકરી’નું કામ આવી ગયું હતું. ગયા પ્રકરણમાં આપી હતી તે જ ઉપમા આપીએ તો એમની ભૂમિકા ભારત કે શત્રુઘ્નની મટીને ફરી પાછી હનુમાનની થઈ ગઈ હતી. એ ભૂમિકાનું એક લક્ષણ ગાંધીજીના ‘હૃદયમ્ દ્વિતીયમ્’ બનીને રહેવાનું હતું.

સને ૧૯૨૪નું વર્ષ ગાંધીજી સારુ એકતાના યજ્ઞનું હતું એમ કહી શકાય. કૉંગ્રેસની અંદર ફેરવાદીઓ અને નાફેરવાદીઓ વચ્ચેના મતભેદો કૉંગ્રેસના અસ્તિત્વને જ જોખમમાં મૂકે એટલી હદ સુધી પહોંચી ગયા હતા. હિંદુ-મુસલમાનોનાં રમખાણો રાષ્ટ્રશરીર પર ઊંડા જખમો કરી રહ્યા હતા. આ બંને ભેદોને ભૂંસવાની ચિંતા ગાંધીજીને કાળજામાંથી કોરતી હતી. આ બંને પ્રકારની એકતા સાધવા ગાંધીજીએ પ્રયાસની અવધિ વાળી. મહાદેવભાઈની સદા તત્પર કલમ ન હોત તો આજે આપણને એ બે પ્રયાસોની જે અંતરકથા જાણવાની મળે છે તે મળી જ ન હોત.

ગાંધીજી જેલમાં હતા ત્યારે જ નાગપુર કૉંગ્રેસમાં અસહકાર અંગે પસાર કરેલ ઠરાવ વિશે કૉંગ્રેસના આગેવાનોમાં બે ભાગલા પડી ગયા હતા, એ આપણે જોઈ ગયા. મૌલાના મહમદઅલી જ્યારે છૂટીને આવ્યા ત્યારે નાફેરવાદીઓને એવી આશા બંધાઈ હતી કે મહમદઅલી એ લોકોને ટેકો આપશે અને તેથી કૉંગ્રેસમાં અસહકારની નીતિ ન ફેરવવાનો નિર્ણય થશે તથા વિદેશી માલના બહિષ્કાર અને ખાદી, અસ્પૃશ્યતાનિવારણ અને હિંદુ-મુસ્લિમ એકતાનો રચનાત્મક કાર્યક્રમ જોરમાં ચાલશે. પણ મહમદઅલીએ જાણે બંને પક્ષોને રાજી રાખવાની નીતિ અપનાવી હોય એમ લાગ્યું. તેથી નાફેરવાદીઓ નિરાશ થયા, પણ તેમણે મહમદઅલીની આજ્ઞાને ઉથાપીને પોતાના કાર્યક્રમનો આગ્રહ ન રાખવાનો નિર્ણય કર્યો. પણ બીજી બાજુ કાર્યક્રમ બદલાવો જોઈએ એમ માનનારા નેતાઓ મૂળ કાર્યક્રમની જ આડેધડ ટીકા કરવા લાગ્યા. એટલે સુધી કે ચિત્તરંજન દાસ જેવાઓએ તો એક વાર એમ પણ કહી દીધું કે ગાંધીજીએ દેશને નેતૃત્વ આપવામાં ભૂલ કરી હતી. આ બાજુ નાફેરવાદીઓ પણ એમ કહેવાનું ચૂકતા નહીં કે જે લોકો ધારાસભામાં જવાની વાતો કરે છે અથવા વકીલાત કરવા કે કૉલેજમાં ભણાવવા કે ભણવા જાય છે તે કૉંગ્રેસના અસહકારના મૂળ ઠરાવનો ભંગ કરે છે. આ પ્રકારની ટીકાઓથી પરસ્પર કડવાશ વધતી જતી હતી.

ગાંધીજીને જેલમાંથી છૂટ્યા પછી આ સ્થિતિને સમજતાં ઝાઝી વાર ન લાગી. માંદગીને બિછાને પડ્યા પડ્યા જ એમણે અનેક નેતાઓ તથા કાર્યકર્તાઓ જોડે લંબાણથી વિગતવાર વાતો કરી હતી, તેથી તેમને દેશની હવા કઈ બાજુ વહે છે એની સમજણ પડી ગઈ. પોતે તો ચુસ્ત ‘અસહકારવાદી’ અને રચનાત્મક કાર્યના સમર્થક હતા. પણ સાથે સાથે એમ પણ નહોતા ઇચ્છતા કે કાર્યક્રમના મુદ્દા પર કૉંગ્રેસમાં ભાગલા પડે. સ્વરાજ પાર્ટીના વિનીત નેતાઓ, ખાસ કરીને પં. મોતીલાલજી, જોડે તેમણે અનેક વાર વાટાઘાટો કરી. પાછળથી ચિત્તરંજન દાસ જોડે પણ વાટાઘાટો કરી. આ આખા મામલામાં ગાંધીજી જેલમાં હતા તે દરમિયાન રાજાજી, વલ્લભભાઈ, જવાહરલાલ અને મહાદેવભાઈએ નાફેરવાદીઓની આગેવાની લીધી હતી. તે બધા ખૂબ દૃઢતાથી એમ માનતા હતા અને પ્રચાર કરતા હતા કે કૉંગ્રેસે પોતાની અસહકારની નીતિમાં કશો ફેરફાર કરવો ન જોઈએ. આ બાબતમાં મહાદેવભાઈની મોટામાં મોટી દલીલ તો ભાવનાત્મક જ હતી. તેઓ એમ કહેતા હતા કે આપણે જે જેલમાં પડેલા નેતાને એની છ વરસની સજા પૂરી થાય તે પહેલાં છોડાવી લાવવા ઇચ્છતા હોઈએ તો અસહકારનો તાપ એટલો તીવ્ર બનાવી દેવો જોઈએ કે સરકારને ગાંધીજીને છોડ્યા વિના છૂટકો જ ન રહે. બાકી દલીલોમાં તેઓ ગાંધીજીનાં વચનો અને તકોનો ઉપયોગ ખૂબ ચોક્કસપણે અને અધિકૃત રીતે કરતા. પણ नवजीवन સારુ, દેશને સારુ અને સૌથી વધારે તો પોતાને સારુ એમની દૃષ્ટિએ અસહકાર આંદોલનને ચાલુ અને વેગવંતું રાખવાનું સૌથી પ્રબળ કારણ ગાંધીજીને છોડાવવા સરકાર પર આવશ્યક દબાણ લાવવું એ જ હતું.

પણ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. મહાદેવભાઈ, વલ્લભભાઈ વગેરેની મુખ્ય દલીલ એમના હાથમાંથી સરકી ગઈ હતી. ગાંધીજી જેલમાંથી બહાર આવી ગયા હતા. બેક માસના આરામ બાદ એમણે પોતાનાં રોજિંદાં કામો સંભાળી પણ લીધાં હતાં. દેશને નેતૃત્વ આપવાની જવાબદારી હવે ગાંધીજીની થઈ ગઈ હતી. મુંબઈથી અમદાવાદ આવ્યા પછી ગાંધીજીને એક વાર આચાર્ય કૃપાલાનીએ ગુજરાત મહાવિદ્યાલયમાં નોતર્યા. તેમણે રવીન્દ્રનાથ ઠાકુરના એક કાવ્યના શબ્દમાં ગાંધીજીને આવકારતાં અફસોસ પ્રગટ કર્યો અને એ કાવ્ય પરથી ઘટાવ્યું કે ‘અમને તમારે સારુ નથી કાંતવાનો સમય મળ્યો, નથી અમને મિલનાં કપડાં છોડવાનો સમય મળ્યો. તમે અચાનક આવીને અમને ચકિત કીધા છે.’ મહાદેવભાઈથી રવીન્દ્રનાથ ઠાકુરની ઉત્તમ કવિતા સાંભળીને ઝાલ્યા કેમ રહવાય? તરત, नवजीवनના ૧૦મી ઑગસ્ટના અંકમાં એનું ભાષાંતર છપાયું. રવીન્દ્રનાથનાં બે ગીતોના મહાદેવભાઈએ કરેલાં ભાષાંતરો તો તે કાળે લોકજીભે ચડી ગયેલાં. આ કાવ્યાનુવાદ એટલો પ્રસિદ્ધ નથી થયો. તેથી જ અહીં આપી દેવાનો લોભ જતો નથી થતો: એકતા-યજ્ઞ

અંધારું થાતું જાતું’તું, આટોપી કામકાજ – નિરાંત વાળી’તી સૌએ જે આવશે ના કોઈ આજ. ગામ બધાનાં બાર વસાયાં, કાળાં અંધારાં ઘેરાયાં, ત્યાં તો કોઈક બોલી ઊઠ્યું: ‘આવશે મહારાજ.’ હસતા હસતા બોલ્યા, અમો: ‘આવશે ના કો આજ.’

બારણું તો જાણે ઠોકાયું શબ્દ પડ્યો કાંઈ કાન, અમે સૌએ સમજી લીધું પવનનાં તોફાન. સૌ ઘેરે દીવો હોલાયા, સૂતા સર્વે ઊંઘ-ઘેરાયા, ત્યાં તો કોઈક બોલી ઊઠ્યું: ‘દૂતનાં એ નિશાન!’ હસતા હસતા બોલ્યા અમો: ‘પવનનાં તોફાન!’

અરધી રાતે કાને આવ્યા ક્યાંક થકી ખખડાટા ઊંઘમાં અમે માની લીધા મેઘ તણા થથડાટા. ઘડી ઘડી એ જાગ્રત કરતી કાંપતી ધણધણતી ધરતી, ત્યાં તો કોઈક બોલી ઊઠ્યું: ‘ચાક તણા ધધડાટા.’ ઊંઘતા અમે ઘેનમાં બબડ્યા: ‘મેઘ તણા ગગડાટા.’

હતું હજી તો ઘોર અંધારું ત્યાં તો વાગી ભેરી, કોઈ પોકારે, ‘જાગો સર્વે આજ કરો ના દેરી.’ ધ્રૂજતી છાતી હાથે ચાંપી । અમે તો સૌ ઊઠ્યા કાંપી ત્યાં તો કોઈક બોલી ઊઠ્યું: ‘ઓ ધજા રાજા કેરી!’ અમે ઝબકી જાગી ઊઠી બોલ્યા: ‘હાય! કરી ના દેરી.’

ક્યાં છે દીવો, ક્યાં ફૂલમાળા? ક્યાં બીજી તૈયારી? ક્યાં સિંહાસન? આંગણે ઊભી રાજાજીની સવારી. લજામણાં આ ભાયગ કેવાં? સ્વાગત એમને શેનાં દેવાં? ત્યાં તો કોઈક બોલી ઊઠ્યું: ‘શીદને આ કિકિયારી! ખાલી હાથે, ખાલી ઘરે સત્કારી લો સવારી.’

ખોલી દો, ઓ! બાર ખોલી દો, ફૂંફો શંખો ઝાઝા; કાળી રાતે આજ આવ્યો છે આંધળા ઘરનો રાજા આભમાં મેઘકડાકા થાયે વીજળીના ચમકાર જણાયે, ચીંથરિયા તારી ગોદડી આણી સજાવ આંગણ, જા, જા, ઝડીમાં અણચિંતવ્યો આવ્યો દુ:ખની રાતનો રાજા.1

ગાંધીજી અસહકારની નીતિના પાકા સમર્થક હતા. રચનાત્મક કામના પણ એટલા જ આગ્રહી હતા. બલકે અસહકાર અને રચનાત્મક કાર્ય એ બંને કાર્યક્રમોના ગાંધીજી જ જનક હતા. તેથી એમનાથી વધુ સ્પષ્ટતા અને અધિકારપૂર્વક આ કાર્યક્રમોને દેશ આગળ મૂકે એવા બીજા કોણ હોઈ શકે?

પરંતુ નાફેરવાદીઓ એટલે મહાદેવભાઈ, રાજાજી અને વલ્લભભાઈ વગેરેએ અહીં એક મોટી થાપ ખાધી. તેમણે જોયું કે ગાંધીજી તો ફેરવાદીઓ જોડે કાંઈક ને કાંઈક તડજોડ કરવા ઇચ્છે છે. અને તેમ કરવામાં પોતે જ સૂચવેલા કાર્યક્રમોમાં સારી પેઠે મોટા ફેરફારો કરવા પણ તેઓ તૈયાર છે.

આમ કેમ થયું? આમ થવાનું સૌથી મોટું કારણ તો એ હતું કે ગાંધીજીને મન ઇતિહાસની પરિસ્થિતિ ગતિશીલ (ડાઇનેમિક) હતી. એ કાંઈ જડ કે સ્થિર નહોતી. સાચા નેતાનું એ લક્ષણ છે કે એ પરિસ્થિતિ ઉપર સવાર થઈને, લગામ બરાબર મજબૂત પકડી, એને પોતાની ઇચ્છા મુજબ અથવા માર્ગની જરૂરિયાત મુજબ દોરવે. એને જૂનાં વચનો કે સૂત્રોનો જાપ કરવા કરતાં નવા રસ્તાઓ શોધવામાં રસ વધારે હોય છે.

બીજું કારણ એ હતું કે ગાંધીજી દેશની તાકાત કયે સમયે કેટલી છે તે વસ્તુ બીજા કોઈ પણ નેતા કરતાં વધુ સારી રીતે સમજતા હતા. એમની પાસે દેશની નાડીની પરખ કાંઈક અજબ જાતની હતી.

અને ત્રીજું કારણ એ હતું કે તેઓ પોતે સૂચવેલા કાર્યક્રમોમાં તત્ત્વ અને તંત્ર વચ્ચેનો વિવેક સારી રીતે કરી જાણતા હતા. તેથી તંત્રમાં ફેરફાર કરી, તત્ત્વને વળગી રહી, દેશની નાડી પારખી પરિસ્થિતિ પર પલાણી તેને આગળ લઈ જવા પ્રયાસ કરવા લાગ્યા.

તેમણે સામુદાયિક અસહકારના કાર્યક્રમોને પડતા મૂકી જેને ધારાસભા, વકીલાત કે વિદ્યાલય – મહાવિદ્યાલયોમાં પાછા જવું હોય તેમને તેમ કરવાની છૂટ આપી. કૉંગ્રેસના સભ્ય બનવા સારુ મહિને ૨૦૦૦ વાર જાતે કાંતેલું સૂતર આપવાની શરત રાખી, અસહકાર અને રચનાત્મક કાર્યને સાથે સાથે ચાલવા દઈને કૉંગ્રેસની બંને ધારાના સભ્યોને કૉંગ્રેસના એક મંચ પર સાથે રાખવાનો વિચાર સૂચવવા લાગ્યા.

સ્વાભાવિક રીતે જ, નીતિ અંગે આવડો મોટો ફેરફાર પચાવી લેવો એ નાફેરવાદીઓ સારુ કઠણ વાત થઈ પડી. જેઓ પોતાને ગાંધીજીના વિચારોના પ્રતિનિધિ માનતા હતા અને દેશ પણ જેમને ગાંધીજીના ખાસ અનુયાયી માનતો હતો તેમને સારુ બીજી નીતિઓનો વિરોધ કરવાનું છોડીને પોતાનાં કામો, રચનાત્મક કામોમાં ચિત્ત એકાગ્ર કરવાનો વારો આવ્યો. આ બાબતમાં તેમણે પોતપોતાની પ્રકૃતિ અનુસાર જુદા જુદા પ્રકારનું વલણ લીધું. ગાંધીજી આગળ નીતિ અંગેના આવા જબરદસ્ત ફેરફારો સામે કદાચ સૌથી વધુ તીવ્ર તર્કો ચક્રવર્તી રાજગોપાલાચારીએ કર્યા. ગાંધીજી જેલમાં હતા ત્યારે यंग इन्डियाના તંત્રી તરીકે અને તમિળ પ્રદેશના નેતા તરીકે રાજાજીએ જ અસહકારની નીતિનું સૌથી પ્રબળ સમર્થન કર્યું હતું. તેમના તર્કોનો મહાદેવભાઈએ नवजीवनમાં અને વલ્લભભાઈએ પોતાનાં ભાષણોમાં ઉપયોગ કર્યો હતો. તેથી અસહકાર અંગેની નીતિ બદલવાનું જ્યારે ગાંધીજીએ વલણ દાખવ્યું ત્યારે બીજા નાફેરવાદી નેતાઓ કરતાં રાજાજીને તેનો આંચકો વધુ લાગ્યો હોય એ સ્વાભાવિક છે. રાજાજીને ગાંધીજીએ જરા ફોડ પાડીને પોતે લીધેલા પગલા અંગે સમજ આપી:

મેં જે પગલું લીધું છે તેની આવશ્યકતા જેટલી સ્પષ્ટતાથી હું જોઈ શકું છું તેટલી તમે કેમ જોઈ શકતા નથી? તમારી સાથે હું સંમત થાઉં છું કે આપણે આપણો કાર્યક્રમ ચલાવી ન શકતા હોઈએ તો કૉંગ્રેસ છોડી દેવી એ વધારે સારું છે. મુશ્કેલી, શી રીતે છોડવી એ છે. મને લાગ્યા જ કરે છે કે આપણે સ્વરાજીઓને મૂંઝવવા જોઈએ નહીં. લોકોની એક જરૂરિયાત તેઓ પૂરી પાડે છે. મોટા ભાગના લોકો જેમને નાની નાની રાહતો જોઈએ છે તેમનું તેઓ પ્રતિનિધિત્વ કરે છે. આપણે શું તેમના કામમાં અડચણ નાખવી? આપણી પ્રવૃત્તિ મુખ્યત્વે આધ્યાત્મિક છે. તેનું બળ, ન દેખાય એવી રીતે વધે છે, કેવળ વાદવિવાદથી કે મત મેળવવાથી વધતું નથી. હજી હું મારી જાતને સ્પષ્ટ રીતે વ્યક્ત કરી શકતો નથી. મેં જે માર્ગ ગ્રહણ કર્યો છે તેને માટે ઘણાં કારણો છે. તેમાંનું એક જ મેં રજૂ કર્યું છે. અને આપણે સૌ તે માર્ગ અપનાવીએ એવી સલાહ આપી છે. મેં જે પગલું લીધું છે તે સંપૂર્ણ ખરું છે, એમ કોઈ પણ રીતે મને તો લાગે છે. તમને સંતોષ થાય એવી રીતે તમારી આગળ હું બતાવી શકતો ન હોઉં એમ બને. તમને અને બીજાઓને આ એકાએક થયેલા ફેરફારને અનુકૂળ થવું ખૂબ અઘરું પડતું હશે એ હું જાણું છું. પણ હું નિરુપાય છું. હું એ પણ જાણું છું કે સાથીઓની વફાદારી અને શ્રદ્ધા ઉપર હું વધારે પડતો બોજો લાદું છું. પરંતુ મારા અંતરના સ્પષ્ટ અવાજને હું દબાવી દઉં તેના કરતાં આમ કરું તે શું વધારે સારું નથી? ચેતવણી આપતા એ સૂરને હું જો ગૂંગળાવી મારું તો પછી હું શા ઉપયોગનો રહું? પણ આ બધું મેં તમને સહેજ કહી નાખ્યું.૨

વલ્લભભાઈની પ્રકૃતિ સૈનિકની હતી. ગાંધીજી જેલમાં હતા ત્યારે દિલ્હીમાં મહાસમિતિની એક બેઠક થઈ હતી. દિલ્હીની આસપાસના પ્રતિનિધિઓનું વાતાવરણ ફેરવાદીઓને વધુ અનુકૂળ હતું, પણ તાજેતરમાં જેલમાંથી સજા ભોગવીને આવેલા, ખિલાફતના દિવસોમાં ગાંધીજી સાથે ખભેખભો મેળવીને ચાલનાર મૌલાના મહમદઅલી ત્યાં હાજર હતા. તેઓ મહાસભાને નાફેરવાદ તરફ દોરવી શકશે એવી નાફેરવાદીઓને ઉમ્મેદ હતી. આ બેઠકમાં ન આવવાનું રાજાજીએ ઠરાવ્યું. એમના જીવનચરિત્રકાર શ્રી રાજમોહન ગાંધીના કહેવા મુજબ એમ લાગે છે કે કોઈક અજ્ઞાત સ્થળેથી રાજાજી ઉપર તેઓ કૉંગ્રેસમાં સત્તાનું સ્થાન કબજે કરવા માગે છે એવો આક્ષેપ આવ્યો હતો, તેના આઘાતને લીધે રાજાજીએ દિલ્હીમાં હાજર ન રહેવાનું ઠરાવ્યું હતું.૩

દિલ્હીમાં નાફેરવાદીઓના બીજા એક આગેવાન શ્રી જમનાલાલ બજાજે મહમદઅલીને સૂચવ્યું કે કચવાતે મને સમાધાન કરવા કરતાં સ્વરાજિસ્ટોની પૂરી વાત માની લેવી એ વધુ હિતાવહ થશે. શ્રી બજાજનો મત એવો હતો કે ચિત્તરંજન દાસ અને મોતીલાલજીની મિત્રતા તો કોઈ પણ ભોગે મેળવી લેવી જોઈએ. વલ્લભભાઈ અને રાજેન્દ્રપ્રસાદ એમાં સંમત હતા, પણ મહમદઅલીને યુદ્ધ પણ નહોતું જોઈતું ને શરણાગતિ પણ નહોતી ખપતી. એટલે તેઓ એવા કોઈક સમાધાન તરફ ઢળતા હતા કે જેમાં કૉંગ્રેસ ધારાસભાઓમાં જવા અંગે અણગમો પણ જાહેર કરે અને છતાં જેને એમાં જવું હોય તેમને એમાં જવાની રજા પણ આપે. મહાદેવભાઈ અને દેવદાસભાઈએ રાજાજીની વાટ જોઈ અને જ્યારે તેઓ નહીં જ આવે એવી ખાતરી થઈ ત્યારે તેમને તાર કરીને મહમદઅલીની સમાધાન કરવાની વૃત્તિની જાણ કરી. રાજાજીએ મોંમાં તરણું લીધું. તેમણે વળતો તાર કર્યો: ‘મહમદઅલી જે સમાધાન કરવા આતુર હોય તો મિત્રોએ એમનું નેતૃત્વ માનીને એમની વાત સ્વીકારી લેવી જોઈએ.’ વળી તેમણે ઉમેર્યું, ‘દેશે કઠોર અનુભવથી પાઠ શીખવો જોઈએ.’૪

દિલ્હીમાં વલ્લભભાઈ ચૂપચાપ હતા. એમને અત્યંત આગ્રહ કરીને બોલવાનું કહેવામાં આવ્યું. તેમના ધ્રૂજતા હાથમાં તે વખતે રાજાજીનો તાર હતો. વિષાદમય અવાજમાં તેમણે કહ્યું:

વડીલોની સાથે અત્યાર સુધી અમે લડત ચલાવી અને અમારી અલ્પ શક્તિ અને મતિ પ્રમાણે અસહકારનો વાવટો ફરતો રાખ્યો. અમે તો બધા સિપાઈ રહ્યા. એક્કે નેતા અમારામાં છે નહીં, પણ અમારામાં એક માણસ ચોખ્ખા મગજનો, ચોખ્ખા વિચાર કરવાવાળો છે. તેણે પોતાની માંદગીના બિછાના પરથી સંદેશો મોકલ્યો છે તે હમણાં જ આવ્યો છે. તે કહે છે: ‘બધી જ જવાબદારી મૌલાના મહમદઅલીના ખાંધે નાખો એવી મારી સલાહ છે. તેમને કશુંયે અણગમતું કરવાને મજબૂર ન કરો એમ હું ઇચ્છું છું. તેમનો સમાધાન માટે બહુ જ આગ્રહ હોય તો તેમ કરવા દો. મને ભાસે છે કે દેશને માટે કઠણ અનુભવમાંથી પસાર થવાનું લખેલું છે, દલીલો અને ચર્ચાઓ નકામી છે. હવે આપણે બીજાઓની આડે આવવાનું પ્રયોજન નથી. આપણે આપણાથી થયું તેટલું કરી ચૂક્યા. આપણે બધાને ગુમાવ્યા છે, હવે મૌલાના મહમદઅલીને આપણે નથી ગુમાવવા.’ એનો શબ્દ આમને માન્ય છે.

મેં મારા હૃદયનું મંથન કર્યું છે અને જોયું છે કે મૌલાનાને મદદ આપવાને મારાથી ઓછામાં ઓછું કંઈ પણ થઈ શકે એમ હોય તો તે એ છે કે મારે મારો વિરોધ ખેંચી લેવો. તેઓ કહે છે કે બે વરસની ગેરહાજરી પછી આવનારની સ્થિતિનો તમારે ખ્યાલ કરવો જોઈએ. બે વરસ સુધી બહાર રહેનારની મુશ્કેલીઓનો પણ અત્યાર સુધીમાં તેમને ખ્યાલ આવી ગયો હશે. … હું જાણું છું કે મારા આ વલણથી સેંકડો જુવાનોનાં હૈયાં ચૂરેચૂરા થઈ જશે, આ સમાધાનથી અસહકારને મરમનો ઘા નહીં લાગે એ વાતની મને હજુ ખાતરી નથી થઈ. … પણ આજે એકબીજા વિશે વહેમ છે, પ્રેમભાવ નથી. આ પ્રેમભાવ સ્થાપવાનો પ્રયત્ન છે. …આ બધો વખત દેશના મોટા નેતાઓનો વિરોધ કરવો એ દુખદ કામ હતું. આજે એ વિરોધ છોડી દેવો પડે છે એ પણ એટલું જ દુખદ છે. છતાં હું તમને (નાફેરવાદીઓને) વિનંતી કરું છું કે તમે એ દુખદ સ્થિતિમાંથી પસાર થાઓ. હું તમામ જવાબદારી મૌલાના મહમદઅલીને માથે નાખું છું. મારા મિત્રો જમનાલાલજી અને ગંગાધરરાવ દેશપાંડે જેઓ આ બધો વખત વિરોધમાં અમારી સાથે સામેલ છે તેઓ પણ મારા જેવો મત ધરાવે છે. હવે બેસી જતાં છેવટમાં સ્પષ્ટ શબ્દોમાં કહું છું કે આ ઠરાવને અમે નથી ટેકો આપતા કે નથી તેનો વિરોધ કરતા.૫

એટલું જ કહી ઠરાવ ઉપર મત લેવા પડે તે પહેલાં જ તેઓ સભામાંથી બહાર ચાલ્યા ગયા હતા.

જવાહરલાલજી ફેરવાદીઓની તરફેણમાં નિર્ણય થાય તેનાથી અકળાઈ ઊઠતા, પરંતુ પિતાના વજનદાર નગારા સામે એમની પિપૂડી ખાસ વાગતી નહીં.

જ્યારે નાફેરવાદી આગેવાનો ગાંધીજીની સમાધાનનીતિથી આમ મૂંઝવણ, અકળામણ કે નિરાશામાં હતા ત્યારે મહાદેવભાઈને માટે રસ્તો એના કરતાં સહેલો હતો. તેમની તો મુખ્ય ભૂમિકા ગાંધીભક્તિની હતી. એટલે ફેરવાદી કે નાફેરવાદી મટી સહ-ફેરવાદી (પ્રોચેન્જર કે નોચેન્જર મટીને કૉ-ચેન્જર!) થઈ ગયા! ગાંધીજીએ આ નવી ભૂમિકા લીધી તેને અંગે તેમણે એમની જોડે ચર્ચાવિચારણા, અલબત્ત, કરી, પણ થોડા જ કાળમાં તેઓ ગાંધીજીની નવી ભૂમિકા પાછળ રહેલું રહસ્ય સમજાવવામાં પોતાની શક્તિ લગાડવા લાગ્યા! તેથી તેઓ અકળામણ, મૂંઝવણ કે નિરાશામાંથી લગભગ પૂરેપૂરા બચવા પામ્યા. તેમનો સ્થાયીભાવ ગાંધીજીની ભક્તિમાં પોતાની જાતને શૂન્યવત્ કરી નાખવાનો હતો, તેથી દેશના રાજકારણના ભરતીઓટની અસર મહાસાગરની માછલી કે મગરમચ્છ પર ભરતીઓટ કે આંધી-તોફાનની થાય એટલી જ થઈ.

ગાંધીજી પોતે લીધેલું વલણ રાજાજીને નીચે મુજબ સમજાવે છે:

એ યાદ રાખો કે આપણે સત્યાગ્રહી છીએ. આ પરિસ્થિતિને હું તો કુટુંબનો કાયદો લાગુ પાડું. ધારો કે બે ભાઈઓ વારસાને માટે લડે છે. બંનેની ઇચ્છા તો કુટુંબના હિતને માટે જ તેનો ઉપયોગ કરવાની છે. પરંતુ બેમાંથી એકને જ્ઞાન છે કે કુટુંબની સેવા માટે તેની જરૂર નથી. પરંતુ કુટુંબની બહુમતી એ વારસાને પોતે વળગી રહે એમ ઇચ્છે છે. તો બેમાંથી જે ભાઈ સત્યાગ્રહી હોય તેની શું ફરજ નથી કે વારસાને જતો કરવો? અને કજિયાનું મોં કાળું કરી તેની પાછળ વેડફાતાં સમય અને શક્તિને બચાવી લેવાં? પ્રસ્તુત બાબત આ કેસથી કશી જુદી છે ખરી? છતાં હું સાવધાનીથી વર્તી રહ્યો છું. મારો પ્રયત્ન ન શોભે એવા કજિયાને ટાળવાનો છે. હું પ્રમુખપદનો સ્વીકાર તો કરીશ, જો મને લાગશે કે તેથી દેશની સેવા થશે. એનો નિર્ણય કરવાને હજી પુષ્કળ વખત છે.૬

ગાંધીજીએ ફેરવાદીઓ અને નાફેરવાદીઓ બંનેને કૉંગ્રેસમાં રાખ્યા તેમાં પોતાની ભૂમિકા અંગે સારી પેઠે બાંધછોડ કરી એ વાત ખરી. બાંધછોડ કરવા બેસે ત્યારે ગાંધીજી જાણે કે સામા પક્ષે ઉદારતાની હરીફાઈમાં ઊતરતા. મોતીલાલજી અને ચિત્તરંજન દાસની જોડે એકથી વધારે વાર વાટાઘાટો કરી તેમણે જે સમાધાન કર્યું તેના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબના હતા:

૧. પરદેશી કાપડના બહિષ્કાર સિવાયનો અસહકારનો આખો કાર્યક્રમ પ્રજાકીય કાર્યક્રમ તરીકે કૉંગ્રેસે મુલતવી રાખવો.

૨. કૉંગ્રેસ બંધારણના એક અંગ તરીક કૉંગ્રેસ તરફથી સ્વરાજપક્ષે વડી અને પ્રાંતિક ધારાસભાઓમાં કામ કરવું.

૩. કૉંગ્રેસ કમિટીઓના સભ્યો માટે તેઓ કૉંગ્રેસના કામમાં રોકાયેલા હોય તે વેળાએ જ ખાદી પહેરવાની ફરજિયાત હોય.

૪. એવા સભ્યોએ આપવાનું સૂતર બીજા પાસે કંતાવેલું હોય તોપણ ચાલે.૭

यंग इन्डियाના એક વિસ્તૃત લેખમાં ગાંધીજીએ પોતે લીધેલા પગલા અંગે સમજૂતી આપી. એના કેટલાક અગત્યના ભાગો નીચે આપ્યા છે:

यंग इन्डियाના લેખોમાં હમણાં હમણાં તેને મૂંઝવી નાખે એવા ફેરફારો વાચક જોતા હશે. તેથી શક્ય છે કે તેમને અકળામણ થતી હશે. હું એમને ખાતરી આપવા માગું છું કે એ ફેરફારો નથી પરંતુ આપણે જે દિશામાં જઈએ છીએ અથવા જે દિશામાં આપણે જવું જોઈએ તે દિશામાં ચોખ્ખી પ્રગતિ છે. આપણે જે સિદ્ધાંતોને અપનાવ્યા છે તેમાંથી સ્વાભાવિક રીતે ફલિત થતાં એ પરિણામો છે. આપણે એટલું યાદ રાખવું જોઈએ કે અસહકાર કરતાં અહિંસાનું મહત્ત્વ ઘણું વધારે છે. અહિંસા વિના અસહકાર પાપરૂપ થઈ જાય.

હકીકત એ છે કે સંજોગો બદલાતા જાય તેમ આપણે આપણો કાર્યક્રમ બદલવો જોઈએ. …

સૌને એટલું તો દેખાતું હશે કે આપણા મતભેદો વધતા જાય છે. … આપણો અસહકાર સરકાર સામેનો હોવાને બદલે માંહોમાંહેનો થઈ ગયો છે, ન ઇચ્છતા હોવા છતાં આપણે એકબીજાને નબળા પાડીએ છીએ. …અત્યારની હવામાં એકબીજા પ્રત્યે પાર વિનાનો અવિશ્વાસ છે… કોઈ પણ ભોગે આ વસ્તુસ્થિતિ આપણે બદલવી જ જોઈએ.

… એટલે મેં સૂચના કરી છે કે તમામ રાજદ્વારી પક્ષોને માન્ય થઈ શકે એવો જે ઓછામાં ઓછો કાર્યક્રમ હોય તે આપણે શોધી કાઢવો. અને [એને] સિદ્ધ કરવા માટે કૉંગ્રેસના મંચ ઉપર એકત્રિત થવાને સઘળાને નોતરવા. તે વિના અસર પાડે તેવું રાજદ્વારી બળ આપણે ઉપજાવી શકીશું નહીં. …પરંતુ જનતા તૈયાર થાય તે પહેલાં આપણે તેનો ઉપયોગ કરવા જઈશું તો તેમનું પ્રતિનિધિત્વ કરતાં આપણે અટકી જઈશું. તેમને માટે અને તેમની વચ્ચે કામ કરતાં કરતાં તેમની સાથે જીવંત સંપર્કમાં પ્રથમ આવવું જોઈએ, આપણે તેમના દુ:ખમાં ભાગ લેવો જોઈએ, તેમની મુશ્કેલીઓ સમજવી જોઈએ અને તેમની જરૂરિયાતો જાણી લેવી જોઈએ. અસ્પૃશ્યો સાથે અસ્પૃશ્ય થઈને ઉપલા વર્ગના લોકોનાં પાયખાનાં સાફ કરતાં અને તેમનાં ભાણાંનું છાંડેલું ખાતાં તેમને કેવું લાગતું હશે તે આપણે અનુભવવું જોઈએ. ઉપર બળબળતા તડકામાં પોતાના વળી ગયેલા વાંસા શેકાતા હોય અને જેમને મજૂરી કરવી પડતી હોય એવા ગામડિયાઓ સાથે આપણે એકતા સાધવી જોઈએ. તળાવમાં ગામડાના લોકો નહાય છે. પોતાનાં કપડાં અને વાસણ ધુએ છે અને તેમનાં ઢોર પાણી પીએ છે તથા મળમૂત્ર કરે છે તેવા તળાવમાંથી આપણે પાણી પીવાનું હોય તો આપણને કેવું લાગે તે આપણે જોવું જોઈએ. … તો જ આપણે જનતાનું સાચું પ્રતિનિધિત્વ કરી શકીશું, અને તેમ કરીશું તો મારી ચોક્કસ ખાતરી છે કે આપણા દરેક કાર્યક્રમમાં જનતા સાથ આપશે… આ કામમાં માનસિક સહકાર આપો, અને જનતા સાથે માનસિક એકતા સાધો. એના… પ્રત્યક્ષ પ્રતીક તરીકે એ ગરીબોને નામે અને ગરીબોની ખાતર દરરોજ ઓછામાં ઓછો અરધો કલાક કાંતો. હિંદુ, મુસલમાન, પારસી, ખ્રિસ્તી અને બીજી કોમોના બુદ્ધિપ્રધાન વર્ગની આ એક જબરદસ્ત પ્રાર્થના હિંદુસ્તાનની મુક્તિને માટે ઈશ્વરના દરબારમાં પહોંચશે.

… મારી યોજના એવી છે કે આપણા આંતરિક વિકાસ માટે સઘળા રાજદ્વારી પક્ષો તેમાં એકત્ર થઈને કામ કરી સઘળા રાજદ્વારી પક્ષની એક પરિપદ માટે કૉંગ્રેસ યોગ્ય તક ઊભી કરે છે.

કેવળ રચનાત્મક કાર્યમાં જ રાષ્ટ્રનો પુનરુદ્ધાર રહેલો છે એવું માનનારાઓએ આપભોગ આપવામાં અગ્રેસર થવું જોઈએ. સ્વરાજીઓની વિરુદ્ધ થઈને કૉંગ્રેસમાં સત્તા ટકાવી રાખવાનો પ્રયત્ન કરવામાં આપણી પ્રિય વસ્તુ સધાવાની નથી. …

જે સત્તા મેળવવાનો સેવાને નામે પ્રયત્ન કરવામાં આવે છે અને જેનો આધાર વધારે મતો મેળવવા ઉપર રહેલો હોય છે તે સત્તા ભ્રમજાળ છે. ખાસ કરીને અત્યારને વખતે તો એ સત્તાથી બચવું જ જોઈએ. …ઉપર મેં જે લખ્યું છે તે, શરણે જવાની મારી શરતો નથી, મારી તો બિનશરતી શરણાગતિ છે.૮

આમ જો જોઈએ તો ગાંધીજીએ જે સમાધાન કર્યું હતું તે મોટે ભાગે નાફેરવાદીઓની વાતને બાજુએ રાખીને ફેરવાદીઓને રીઝવનારું હતું એમ કહી શકાય. એનું કદાચ સૌથી મોટું કારણ એ હતું કે ત્યારે કૉંગ્રેસમાં કોઈ પણ ભોગે ભાગલા ન પડે એમ ગાંધીજી ઇચ્છતા હતા. બીજું કારણ કદાચ એ પણ હશે કે એમને નાફેરવાદીઓને સમજાવી લેવા અંગે વધારે આત્મવિશ્વાસ હશે. શરૂઆતમાં તો તેઓ એવું સૂચવતા હતા કે જો સ્વરાજવાદીઓ ધારાસભાઓ વગેરેમાં જાય તો નાફેરવાદીઓએ કૉંગ્રેસ કમિટીઓ વગેરે પક્ષની અંદરનાં સ્થાનો લેવાં. પણ એમણે જોયું કે સ્વરાજવાદીઓને એ પણ કબૂલ નહોતું. એમની ઉપર આ સૂચનની એવી અસર થઈ કે એમને કૉંગ્રેસ સંગઠનમાંથી સમૂળગા કાઢવા સારુ એ કરાયું છે. ગાંધીજીને આવી ગંધ આવી એટલે તેમણે તે આગ્રહ પણ છોડી દીધો અને નાફેરવાદીઓને કાંઈ પણ સત્તાના સ્થાન પર ન જતાં રચનાત્મક કામમાં પોતાની શક્તિ લગાવવાની તેમણે સલાહ આપી. તે કાળે મહદંશે નાફેરવાદીઓએ આ સલાહને અમલમાં પણ મૂકી. અસ્પૃશ્યતાનિવારણની દૃષ્ટિએ હરિજનોના મંદિરપ્રવેશનો કાર્યક્રમ, ખાદીનો વ્યાપક પ્રચાર, હિંદુ-મુસ્લિમ એકતા માટેના પ્રયાસ અને દારૂબંધીના કાર્યક્રમોમાં રાજાજી, જમનાલાલ બજાજ, શંકરલાલ બૅંકર, જયરામદાસ દોલતરામ વગેરેએ ધ્યાન કેન્દ્રિત કર્યું. મહાદેવભાઈને સારુ પસંદગી કરવાનો પ્રશ્ન જ નહોતો. એમનો સ્વધર્મ તો નક્કી થઈ ચૂકેલો હતો. એ તો ગાંધીજીની સાથે જ હતા. અને આ વર્ષની મધ્યમાં ગાંધીજીએ પોતાને સારુ જે કામ પસંદ કર્યું તે હતું હિંદુ-મુસ્લિમ એકતાનું. કદાચ ગાંધીજીએ પોતાના દીર્ઘ કર્મમય જીવનમાં સૌથી કઠણ તપસ્યાનું કામ ઉપાડ્યું હોય તો તે આ જ હતું. એ પ્રશ્ન કાંઈ તેમણે ૧૯૨૪માં ઉપાડ્યો નહોતો. અને એ કામ કાંઈ માત્ર તે વરસે પૂરું થવાનું નહોતું. ગાંધીજીની દૃષ્ટિએ સર્વધર્મસમભાવના એમના યજ્ઞનો આરંભ તો ઠેઠ આફ્રિકાથી શરૂ થયો હતો. એ જ યજ્ઞમાં છેવટે એમની આહુતિ અપાઈ. પણ અહીં એમની એ લાંબી તપસ્યામય ગાથાનો એક નાનો પણ અત્યંત મહત્ત્વપૂર્ણ અંશ જોઈશું.

ગાંધીજીએ હાથ ધરેલો પ્રશ્ન એમ તો સદીઓજૂનો હતો. પણ અંગ્રેજોએ એ પ્રશ્નને પોતાના સ્વાર્થને લીધે વધુ ગૂંચવ્યો હતો. એ પ્રશ્ન દુનિયામાં સૌથી જૂના ધર્માવલંબીઓ જોડે દુનિયાના સૌથી નવા ધર્માવલંબીઓના સહજીવનનો પ્રશ્ન હતો. એ પ્રશ્નની પાછળ ત્રણ વિભાજક તત્ત્વો કામ કરતાં હતાં: હિન્દુઓનો જાતિવાદ, મુસ્લિમોનો સંપ્રદાયવાદ અને અંગ્રેજોનો સામ્રાજ્યવાદ.

પણ આપણે નજીકના કાળમાં આવીએ. ઇતિહાસની વધુ ઊંડી વિગતો જાણવા સારુ તો વાચકે भारत में अंग्रेजी राज કે हिन्दनो कोमी त्रिकोण૧૦ જેવાં પુસ્તકો વાંચવાં પડશે. આપણે તો એટલું જાણી લઈએ કે જ્યારે જ્યારે આ દેશમાં પ્રજાકીય આંદોલનો જાગતાં ત્યારે ત્યારે હિન્દુ-મુસલમાન વિખવાદો મંદ પડી જતા. અને આંદોલન મંદ પડે ત્યારે વિખવાદો માથાં ઊંચકતા.

૧૯૨૧ના અસહકાર આંદોલન પછી પણ તેમ જ થયું. ચૌરીચૌરાના હિંસાકાંડને લીધે ગાંધીજીએ અસહકાર અને સવિનયભંગની હિલચાલ બંધ રાખી, તેને લીધે વાતાવરણમાં ફેલાયેલી સામાન્ય નિરાશાનો મનોવૈજ્ઞાનિક લાભ લેવા અંગ્રેજોએ કારસા કર્યા. એક તરફથી એમણે ગાંધીજીને જેલમાં નાખીને એમની ઉપર છ વર્ષની સજા ફટકારી. બીજી તરફ કોમી રમખાણોએ માથાં ઊંચક્યાં ત્યારે એને ચગાવવામાં સરકાર સીધી કે આડકતરી રીતે નિમિત્ત બની. ‘ખિલાફત’ ચળવળના જમાનામાં દેશના હિંદુઓ અને મુસલમાનો વચ્ચે સદ્ભાવ વધ્યો અને ઘડીભર તો એમ લાગ્યું કે એ સદ્ભાવ બંને કોમોમાં ઊંડાં મૂળિયાં નાખશે. ગાંધીજી અને અલીભાઈઓએ ખભેખભા મેળવીને ખિલાફત અને સ્વરાજ-આંદોલન સારુ કામ કર્યું. પણ પહેલાં અલીભાઈઓ પકડાયા અને પછી ગાંધીજી પકડાયા તેને કારણે હિન્દુ-મુસલમાનોના સંયુક્ત કાર્યક્રમો દેશભરમાં થતા અટકી પડ્યા. બરાબર આ જ તબક્કે દેશભરમાં ઠેર ઠેર હિન્દુ-મુસલમાન રમખાણો થયાં. આખો ખેલ બે બિલાડીઓ અને વાનરની વાર્તા જેવો હતો. પણ દુર્ભાગ્યે આખો દેશ અજાણતામાં વાર્તાના પાત્રરૂપ બની ગયો. દેશમાં એકતા ન હોય ત્યાં સુધી દેશને કયા હાથમાં સોંપીને નચિંત થઈને અંગ્રેજો પોતાની સત્તા આટોપે એ તેમને માટે સહેલાઈથી વાપરી શકાય એવી દલીલ થઈ ગઈ. અને જાહેરમાં ગોવધ કે મસ્જિદ સામે વાજાં વગાડવાં એ તો ઘણી જ આસાનીથી કોમી રમખાણોનાં નિમિત્ત બની શકતાં હતાં. હિંદુ અને મુસ્લિમ બંને સમાજમાં આચાર અંગે રહેલી કેટલીક ભિન્નતાઓને આગળ લાવીને એમાંથી કોમી ભેદભાવને ઉશ્કેરવો એક સહેલું કામ થઈ પડ્યું. મૂડીવાદી અને પરાધીન સમાજમાં રહેલા આંતરવિરોધોને સંકોરી સંકોરીને વેરઝેરની આગને ભડકાવતા રહેવું એ અંગ્રેજ શાહીવાદીઓ સારુ ડાબા હાથના ખેલ જેવું કામ થઈ ગયું. અને જ્યારે ક્યારેય બંને તરફના આગેવાનો એકઠા થઈ આ પ્રશ્નનો ઉકેલ લાવવા સારુ ગંભીર પ્રયત્ન કરે ત્યારે, ખાસ કરીને મુસ્લિમોને કાંઈક વધુ સત્તાનો ટુકડો આપવાની વાત કરી કોમવાદી મુસ્લિમોને હિંદુઓ અને રાષ્ટ્રવાદી મુસ્લિમોથી અલગ રાખવામાં અંગ્રેજ સરકાર સફળ થતી. વાટાઘાટોમાં દૂધમાંથી પોરા કાઢવામાં ઘણી વાર સરકારી વાજું વગાડનારાં છાપાંઓ પણ ઉપયોગી સાધન બની રહેતાં. આ બધી આંટીઘૂંટીઓને પરિણામે સામાન્ય રીતે એકબીજા સાથે તાણાવાણાની જેમ વણાઈને રહેતા દેશના સમાજશરીરમાં ચીરા પડી જતા. અને કોમી હુલ્લડો થાય ત્યારે વધુમાં વધુ નુકસાન ગરીબ, અભણ ને અણસમજુ લોકોને થતું. કોમી વિખવાદ એ બંને સમાજની લાગણીઓ દૂભવનારો નાજુક પ્રશ્ન, સરકાર સારુ સ્વરાજની માગણી સામે ઉગામવાનો જોરદાર ડંડો અને દેશ સારુ સ્વરાજપ્રાપ્તિની યાત્રામાં વિઘ્નરૂપ બનતો મોટો પથરો બની રહેતો.

આ પ્રશ્નને અંગે વિવિધ પ્રકારના નેતાઓનો અભિગમ પણ પોતપોતાના ચરિત્ર અને ચારિત્ર્ય મુજબ વિવિધ પ્રકારનો હતો. સામાન્યપણે કેટલાક ઉદારમતના અધિકારીઓ સિવાય બાકીના સરકારી અધિકારીઓનું વલણ આ બાબતમાં મતભેદોને વાપરીને હિંદીઓના હાથમાં સત્તા સોંપવાની ઘડીને પાછળ ને પાછળ ઠેલવાનું રહેતું. બંને બાજુના સાંપ્રદાયિક નેતાઓનું વલણ સાંપ્રદાયિક મતભેદો અને આચારવિચારના ભેદોને પાપી અથવા ફૂંકી ફૂંકીને પોતાના નેતૃત્વને સુદૃઢ બનાવવાનું રહેતું. રાષ્ટ્રવાદી કૉંગ્રેસની સ્થિતિ જેમ સ્વરાજ મેળવવા બાબતમાં તેમ જ કોમી પ્રશ્નની બાબતમાં પણ કોઈ નિશ્ચિત વિચારવાળી નહીં, પણ જુદાં જુદાં વલણોના સમૂહ જેવી હતી. તેમાં પોતપોતાની કોમ પર પ્રભાવ પાડનાર અલીભાઈઓ અને પંડિત માલવિયાજી કે મુંજે જેવા આગેવાનો પણ હતા, કોમવાદના પ્રશ્નને ગૌણ માનીને રાજનૈતિક, આર્થિક પ્રશ્નો તરફ જ ધ્યાન આપનાર જવાહર-સુભાષ જેવા આગેવાનો પણ હતા, અને આખા પ્રશ્નને બંધારણનો સવાલ ગણી તેને વિષ્ટિના મેજ કે ધારાસભાના મંચ પરથી ઉકેલવામાં માનનારા સ્વરાજવાદી આગેવાનો પણ હતા. રાષ્ટ્રીય કૉંગ્રેસની સ્થિતિ કોમી પ્રશ્ન અંગે એક રાષ્ટ્રીય પક્ષ કરતાં વધારે એક રાષ્ટ્રીય મંચ જેવી હતી. આવી એક સંસ્થાને લઈને ગાંધીજીએ દોરવણી આપવાની હતી. ઉંમરની અને કદાચ અનુભવની દૃષ્ટિએ પણ કૉંગ્રેસમાં તેમના કરતાં વધુ મોટી વય અને અનુભવના માલવિયાજી, મોતીલાલજી, દાસબાબુ જેવા આગેવાનો હતા. એ સાચું હતું કે કૉંગ્રેસ નેતાગીરીની જુવાન પેઢીને મોટે ભાગે ગાંધીજીના નેતૃત્વમાં શ્રદ્ધા અને વિશ્વાસ હતાં. પણ ગાંધીજી એ કાંઈ વડીલ નેતાગીરીને મન તરુણ નેતૃત્વના પ્રતિનિધિ નહોતા. કૉંગ્રેસ નેતૃત્વમાં ત્યાં સુધીમાં ગાંધીજીનું એક આગવું સ્થાન હતું. આખી નેતાગીરીના જુદા વલણ ધરાવતા લગભગ તમામ લોકોને ગાંધીજીની સચ્ચાઈ ને ઈમાનદારી પર વિશ્વાસ અને આદર હતાં, તેમની કુનેહની તેઓ કદર કરતા, તેમના આદર્શોથી તેઓ અંજાતા અને તેમના વહેવારને જોઈ ચકિત થતા. આ તમામ લોકોને ગાંધીજીની કાર્યપદ્ધતિ અંગે આદર કરતાં કદાચ વિસ્મયનો ભાવ વિશેષ હતો. પણ ગાંધીજીના કેટલાક ગુણો એવા હતા કે જે તેમને આ આખી નેતાગીરીમાં એક વિશિષ્ટ સ્થાન અપાવતા. એમનો મુખ્ય ગુણ તો એ હતો કે તેમની કરણી અને કથની બે વચ્ચે કદી વિસંગતિ જોવામાં નહીં આવતી. તેઓ જેવું વિચારતા તેવું બોલતા અને જેવું બોલતા તેવું કરતા. તેમનો બીજો ગુણ એ કે તેઓ નિરંતર જાગ્રત રહેતા અને સદાય સક્રિય રહેતા. ગાંધીજીની કર્મઠતાને કૉંગ્રેસની જુવાન નેતાગીરી પણ આંટી શકતી નહીં. અને કદાચ ઉપરોક્ત બે ગુણો કરતાંય ચડી જાય એવો એમનો ગુણ કહો કે એમની શક્તિ કહો એમની પાસે રાજનૈતિક, આર્થિક, સામાજિક ક્ષેત્રમાં વાપરવાનું અહિંસાનું એક અભિનવ સાધન હતું.

ગાંધીજીએ પોતાની અહિંસાને દેશના સૌથી વધુ મૂંઝવતા, સૌથી વધુ જટિલ અને સૌથી વધુ પેચીદા પ્રશ્ન — કોમી પ્રશ્ન — સામે હોડમાં મૂકી. તેમને સારુ અહિંસાને હોડમાં મૂકવી એટલે પોતાની જાતને હોડમાં મૂકવી એ જ અર્થ થતો હતો. વારંવાર દિલ્હી જઈને કોમી આગેવાનો સાથે વાતચીતો કરી કરીને ગાંધીજી તર્ક, સમજાવટ અને વાટાઘાટોની સીમા સુધી પહોંચી ગયા હતા. એક બાજુ અણઊકલ્યો કોમી પ્રશ્ન એમને પીડી રહ્યો હતો, બીજી બાજુ વાટાઘાટોનું ઊણાપણું એમને કઠતું હતું. દરેક અણઊકલી ગૂંચ અંગે તેઓ કરતા હતા તેમ તેમણે એ ગૂંચનો ઉકેલ કોઈ બાહ્ય ઉપાયોથી શોધવાને બદલે પોતાના અંતરમાં ડૂબકી મારીને ફંફોસવા, ખોળવાનો પ્રયાસ આદર્યો.

તેમણે એક તારમાં, તા. ૧૬મી સપ્ટેમ્બરે, લખ્યું હતું, ‘પ્રકાશ માટે હું ઉત્કટતાથી પ્રભુને પ્રાર્થના કરી રહ્યો છું.’૧૧

એમની પાસે એકમાત્ર સાધન હતું પ્રાર્થના. આ એક એવો આશ્રય હતો કે જેણે તેમને કદી નિરાશ કર્યા નહોતા. પ્રાર્થનાને વધુ શુદ્ધ બનાવવા, ગાંધીજી કોઈ કોઈ વાર એક એવી સાધના કરતા, જે બહારની દુનિયાને આંચકામાં નાખી દેતી અને એમના પોતાના સાથીઓને અકળાવી મૂકતી. એ સાધના હતી ઉપવાસની.

૧૮મી સપ્ટેમ્બરે દિલ્હીમાં મૌલાના મહમદઅલીને ઘેર ગાંધીજીએ પ્રાર્થનાપૂર્વક ઉપવાસ શરૂ કર્યા. ઉપવાસ એકવીસ દિવસના હતા. આ અંગે તે જ દિવસે કોમી એકતાના પ્રશ્ન અંગે વાટાઘાટો ચલાવી રહેલા પં. મોતીલાલ નેહરુને એક પત્રમાં લખ્યું:

‘જેને છેલ્લો કૂદકો કહી શકાય તે મેં તો મારી દીધો છે. આજથી મારા એકવીસ દિવસના ઉપવાસ શરૂ થાય છે. એ રીતે જ ધર્મને ઓળખતાં હું શીખ્યો છુ.’૧૨

શારીરિક દૃષ્ટિએ ગાંધીજીને ઉપવાસની ફાવટ આવી ગઈ હતી એમ નહોતું. એ વાત સાચી કે બીજા કોઈ પણ રાષ્ટ્રીય કે પ્રાદેશિક આગેવાન કરતાં ગાંધીજીએ ઉપવાસનો આશરો વધારે વાર લીધો હતો. પણ એની અસર એમના શરીર પર તો સામાન્યપણે એવી જ થતી કે જેવી કોઈ બિનઅનુભવીને થાય. ઉપવાસને ત્રીજે દિવસે એમને મોંમાં મોળ આવવાનું શરૂ થતું, પાણી પીવું, પણ એમને આકરું થઈ પડતું. તેથી તેઓ ઉપવાસનું વ્રત લે ત્યારથી જ પાણી સાથે સોડાબાઈકાર્બ અથવા લીંબુ કે સંતરાંના રસનાં થોડાં ટીપાં લેવાની છૂટ રાખતા. સામાન્ય રીતે ઉપવાસને પાંચમે કે છઠે દિવસે કે તે પછી તેમના પેશાબમાં એસીટોન જતું. ઉપવાસ દરમિયાન લગભગ નિયમિત વેગથી તેમનું વજન ઘટતું. આમ લગભગ બધાં શારીરિક લક્ષણો તો તેમને બીજા સામાન્ય લોકો જેવાં જ જણાતાં. માત્ર ઉપવાસ દરમિયાન જેમ સામાન્ય લોકોનું ચિત્ત મોટે ભાગે ખાવા પર ચોંટી રહેતું હોય છે, આખો વખત મનમાં ‘ભૂખ લાગી, ભૂખ લાગી’ એમ થયા કરતું હોય છે, તેમ ગાંધીજીને ન થતું. તેઓ મોટા ભાગનાં કામકાજે આટોપી લઈ શાંત ચિત્તે સૂઈ રહેતા અને આ શાંત ક્ષણો, ઘડીઓ અને દિવસોમાં તેમનું ચિત્ત અંતરમાં લીન થતું. અંતરાત્મા સાથે તેમનો એવો તાર સંધાતો કે તેઓ તેની જોડે રીતસર સંવાદ આદરી શકતા. અને આ સંવાદથી તેમને નવો પ્રકાશ ને નવી શક્તિ સાંપડતાં. બલકે સાચું પૂછો તો ઉપવાસનો નિશ્ચય કરતાં પહેલાં જ ગાંધીજીનો અંતરાત્મા જોડેનો પ્રાર્થનામય સંવાદ શરૂ થઈ જતો અને એ સંવાદ પછી જ તેઓ ઉપવાસ કરવા અંગે છેવટનો નિર્ણય કરતા. પરંતુ આ નિર્ણય કરવાની પ્રક્રિયા નિતાંત એકાંતિક થઈ રહેતી. બીજી રીતે કહીએ તો એ નિર્ણય એમનો અને એમના ભગવાન વચ્ચેનો નિર્ણય બની રહેતો. એમના ઉપવાસ મુદતી થશે કે બિન-મુદતી, મુદતી હોય તો કેટલા દિવસની મુદત હશે, વગેરે વગેરે પ્રશ્નોના ઉત્તર મોટે ભાગે ગાંધીજીને ઉપવાસ પૂર્વેના આ આંતરિક સંવાદ દરમિયાન મળી જતા. ઘણા આગેવાનોને આ આંતરિક સંવાદની વાત કાં કપોલકલ્પિત કાં ગૂઢ રહસ્યમય લાગતી. કેટલાકને એની ટેવ પડી ગઈ હતી, પણ ‘આમાં આપણું કાંઈ વળે નહીં’ એમ વિચારી તેઓ એ નિર્ણયને ફેરવવા સારુ ઝાઝો પ્રયાસ કરતા નહીં. ઘણાખરાને આવા અચાનક થયેલા નિર્ણયથી આંચકો કે આઘાત લાગતો. મહાદેવ જેવાઓ નિર્ણયના રહસ્યને પામવા પ્રયાસ કરતા, પણ સાથે સાથે જ ગાંધીજીની તબિયત અંગેની ચિંતામાં ડૂબી જતા.

ઉપવાસને બીજે દિવસે મહાદેવભાઈ સાથે ઉપવાસ અંગે ગાંધીજીની જે ચર્ચા થઈ તે તેમણે યાદદાસ્ત પરથી यंग इन्डियाના એક લેખમાં છાપી હતી. એ ઉપરથી જોઈ શકાય છે કે ઉપવાસ જાહેર કરતાં પહેલાં દેશની પરિસ્થિતિને કારણે ગાંધીજીએ કેટકેટલીક માનસિક યાતના સહન કરી હશે!

એક દિવસ મને પૂછવા લાગ્યા, ‘વારુ, મહાદેવ, ચૌરીચૌરા વિશે અને મુંબઈ વિશે ઉપવાસ કર્યા તે તમે સમજો છો ખરા?’

‘હા; જરૂર.’

‘ત્યારે આ ઉપવાસ કેમ ન સમજો?’

મેં કહ્યું, ‘ત્યાં તો તમે તમારો ગુનો માનેલો, અહીં તો ગુનો માની લેવાનું કારણ નથી. અહીં તમે કાંઈ ગુનો કર્યો એમ તો કોણ કહી શકે?’

‘હેં! આ કેટલી ગેરસમજ! ચૌરીચૌરામાં તો મને કદી ન જોયેલો, ન ઓળખેલો એવા માણસો હતા. અહીં તો મને જાણનારા, મારી સાથે મહોબત કરવાનું કહેનારા છે.’

[મેં કહ્યું: ] ‘શૌકતઅલી અને મહમદઅલી તો અટકાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, કેટલાક માણસો એમના હાથમાં પણ ન આવે તેને તેઓ શું કરે, તમે શું કરો? એ તો સમય જતાં સુધરશે.’

‘એ તો તમે બીજી વાત કરી, શૌકતઅલી અને મહમદઅલી તો કુંદન છે. તેઓ ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે પણ આ બાજી હાથમાં નથી, છ મહિના પહેલાં હતી, હું જાણું છું કે આ ઉપવાસથી તેમનાં અંતર ખળભળી ઊઠશે, પણ તે એની આડકતરી અસર છે. પણ કોઈની અસર ઉપજાવવા ખાતર તો આ ઉપવાસ નથી કરતો.’

‘પણ આપનો ગુનો તો આપે કશો ન જણાવ્યો?’

‘ગુનો? મેં તો હિંદુ કોમની સાથે વિશ્વાસઘાત કર્યો કહેવાય, મેં તો હિંદુઓને મુસલમાન સાથે ભેટવાનું કહ્યું, તેમની પાક જગ્યાઓના રક્ષણ માટે તન, મન, ધન અર્પણ કરવાનું કહ્યું, આજે પણ તેમને અહિંસાનો, મારીને નહીં પણ મરીને ઝઘડો શાંત કરવાનો પાઠ આપી રહ્યો છું. અને તેનું પરિણામ શું જોઉં છું? કેટલાં મંદિરો તૂટ્યાં!! કેટલી બહેનોએ મારી આગળ ફરિયાદ કરી છે! કાલે જ મેં હકીમજીને કહ્યું કે બહેનો મુસલમાન ગુંડાઓથી ડર્યા જ કરે છે, ઘણે ઠેકાણે તેમને બહાર નીકળવું મુશ્કેલ છે. …ભાઈનો પત્ર આવ્યો. તેનાં બાળકોના ઉપર જે વીતી તે કાંઈ સંખાય? હું હિંદુને હવે શું મોઢું લઈને કહું કે તમે સહન કર્યા કરો? મેં તો તેમને વિશ્વાસ આપેલો કે મુસલમાનોની મહોબતનું સરસ ફળ આવશે, ફળનો વિચાર કર્યા વિના તેમની સાથે મહોબત કરો. એ વિશ્વાસ સાચો પાડવાની આજે મારી શક્તિ નથી રહી. નથી મહમદઅલીની કે નથી શૌકતઅલીની. મારું વચન કોણ સાંભળે છે? છતાં હિંદુઓને મારે મરવાની જ વાત કરવી રહી તે હું મરીને જ કરી શકું, મરીને જ મરવાની કૂંચી બતાવી શકું, બીજી શી રીતે બતાવું?

‘મેં અસહકારની હિલચાલ ઉત્પન્ન કરી. આજે જોઉં છું કે અહિંસાની ગંધ પણ જાણ્યા વિના લોકો એકબીજા સાથે અસહકાર કરવા લાગ્યા છે. એનું કારણ શું? એનું કારણ એ જ કે હું પોતે અહિંસક નથી. મારી તે શી અહિંસા? જો તે પરાકાષ્ઠાએ પહોંચેલી હોય તો જે હિંસા આજે હું જોઈ રહ્યો છું તે ન જોઉં, એટલે મારો ઉપવાસ એ પ્રાયશ્ચિત્ત છે, તપશ્ચર્યા છે. કોઈનો દોષ કાઢતો જ નથી. હું તો મારો દોષ કાઢું છું. મારી તાકાત ચાલી ગઈ છે. હારીને, તાકાત ખોઈને મારે ઈશ્વરના દરબારમાં અરજ કરવી રહી. હવે એ જ સાંભળે, બીજું કોણ સાંભળવાનું હતું?’

આ તો ધોધ ચાલતો હતો. તે દિવસના ઉદ્ગાર બધા ઉત્પન્ન કરવા હું અસમર્થ છું, પણ પ્રાયશ્ચિત્ત એટલે આ જ? આવા ઉપવાસ? એવો ઉપવાસ હિંદુ ધર્મમાં છે? એવા પ્રશ્નો ઊઠ્યા કરતા હતા, બાપુ કહે:

‘વાહ! છે સ્તો, ઋષિમુનિઓ શું કરતા? એ ઘોર તપશ્ચર્યા કરતા તે શું વનમાં ફળફૂલ ખાતા તપશ્ચર્યા કરતા હશે? અને હજારો વર્ષની તપશ્ચર્યા કરેલી, ગુફાઓમાં તપશ્ચર્યા કરેલી સાંભળીએ છીએ, તે? પાર્વતીએ અપર્ણાવ્રત લીધું તે શું હશે? તપ અને જપ એ બંને વસ્તુથી હિંદુ ધર્મ તો ભરેલો છે.

આ ઉપવાસની પાછળ જેટલો ઊંડો વિચાર રહેલો છે તેટલો ઊંડો વિચાર ભાગ્યે જ અગાઉ બીજા ઉપવાસોને વિશે થયો હશે. આવો ઉપવાસ તો અસહકાર શરૂ કર્યો તે દિવસનો મેં કલ્પી રાખેલો. અસહકારના આરંભ વખતે મને થયેલું કે આવું ભયંકર શસ્ત્ર લોકોના હાથમાં મૂકું છું અને એનો દુરુપયોગ થયો તો તો પ્રાણ પાથરવા પડશે. એ વેળા આજે આવી છે. અત્યાર સુધીના ઉપવાસોનો ઉદ્દેશ તો મર્યાદિત હતો. આ વેળાના ઉપવાસ તો વિશ્વવ્યાપી છે. આમાં પારાવાર પ્રેમ રહેલો છે. અને આજે એ સાગરમાં હું નાહી રહ્યો છું.’૧૩

તે જ દિવસે, એટલે કે ૧૮મી સપ્ટેમ્બરે પોતાના ઉપવાસ વિશે ચોખવટ કરતું નીચે મુજબનું ટૂંકું પણ એમની ભૂમિકાને સપષ્ટ કરતું નિવેદન કર્યું:

હાલમાં દેશમાં બનેલા બનાવો મારે માટે અસહ્ય થઈ પડ્યા છે. આમાં મારું પોતાનું નિરાધારપણું તેથીયે વધારે અસહ્ય લાગે છે.

મારો ધર્મ મને શીખવે છે કે ટાળી ન શકાય એવું દુ:ખ આવી પડે અને અસહ્ય મૂંઝવણ થાય ત્યારે માણસે ઉપવાસ કરવો અને પ્રાર્થના કરવી. મારા અત્યંત નિકટનાં સગાંવહાલાંઓની બાબતમાં મેં આમ જ કર્યું છે.

હવે હું એમ પણ જોઉં છું કે હું ગમે તેટલું કહું અને લખું તોપણ હિંદુ અને મુસલમાન એ બે કોમોમાં સંપ પેદા થઈ શકતો જ નથી. તેથી આજથી હું એકવીસ દિવસના ઉપવાસનું પ્રાયશ્ચિત્ત પ્રારંભ કરું છું. ઑક્ટોબરની આઠમી તારીખ અને બુધવારને દિવસે તે પૂરું થશે. અનશન દરમિયાન ફક્ત પાણી અને તેની સાથે મીઠું લેવાની મેં છૂટ રાખી છે. આ અનશન પ્રાયશ્ચિત્તરૂપે પણ છે અને પ્રાર્થનારૂપે પણ છે. એકલું પ્રાયશ્ચિત્તરૂપ હોત તો તે પ્રજાને જાહેર કરવાની જરૂર ન હતી. પણ આ વાત જાહેર કરવામાં એક જ પ્રયોજન છે. મારું આ પ્રાયશ્ચિત્ત આજ સુધી એકસંપથી કામ કરતા આવેલા હિંદુ-મુસલમાનોને આત્મહત્યા ન કરવાની એક અસરકારક યાચનારૂપ થાય, એવી હું આશા રાખું. ધર્મને અને માણસાઈને લાંછન લગાડે એવા આ ઝઘડાનો અંત આણવા માટે બધી જ કોમોના આગેવાનોને, અંગ્રેજો સુધ્ધાંને એક જગ્યાએ મળી મસલત કરવા હું નમ્રપણે વીનવું છું. આજે તો એમ જ દેખાય છે કે ઈશ્વરને આપણે આપણા ઘરમાંથી કાઢી મૂક્યો છે. તેને ફરીથી આપણા હૃદયના સિંહાસન ઉપર સ્થાપીએ એ જ મારી પ્રાર્થના.૧૪

પરંતુ એમનું અંતર તો ખૂલ્યું હતું ઉપવાસ શરૂ કર્યો તેના આગલા દિવસે, ૧૭મી સપ્ટેમ્બરે, પોતાના અભિન્નહૃદય મિત્ર ચાર્લી ઍન્ડ્રૂઝ પરના એક હૃદયસ્પર્શી પત્રમાં:

દિલ્હી, તા. ૧૭–૯–૧૯૨૪ વહાલા ભાઈ ચાર્લી,

મારા નિર્ણયથી ખિજાશો નહીં. અંતરની પ્રાર્થના અને શક્ય તેટલા સ્પષ્ટ સૂચન પછી એ નિર્ણય લેવાયો છે. એકવીસ દિવસના ઉપવાસ એ તો મારું ઓછામાં ઓછું કર્તવ્ય હતું. મને કેટલી વેદના થઈ રહી હતી! દરેક દિવસ જતો તે ભારે ત્રાસનો હતો. પરંતુ હવે હું શાંત થઈશ. મારું કર્તવ્ય શું છે તે હું સ્પષ્ટ જાણવા માગતો હતો. એટલામાં એક ચમકારાની માફક મને પ્રકાશ લાધ્યો. માણસ પોતાના પ્રાણ કરતાં વધારે શું આપી શકે?

ખૂબ પ્યાર.

તમારો, મોહન૧૫

આ ઉપવાસ દરમિયાન મહાદેવભાઈના કોમળ હૃદયમાં સતત ભાવનાની હેલીઓ આવે છે. અને તેને પરિણામે અઠવાડિયે અઠવાડિયે ઉપવાસ દરમિયાન અને ઉપવાસ પૂરા થયા પછી પણ બીજાં ચાર અઠવાડિયાં સુધી એમણે જે ભાવભીની શાહીથી ઉપવાસનું વર્ણન કર્યું તે મહાદેવભાઈને પત્રકાર તરીકે સદાકાળ શ્રેષ્ઠ (ઑલ ટાઇમ ગ્રેટ) તરીકે સ્થાપે તેવું છે. માત્ર થોડાં શબ્દચિત્રો જોઈએ: પ્રથમ દિવસ અંગેનો પત્ર પૂરો કરીને ગાંધીજીને વંચાવીને મહાદેવભાઈ नवजीवन સારુ સામગ્રી બીડવા જતા હતા ત્યાં ગાંધીજી, જેમણે શરૂઆતમાં ઉપવાસ સાથે મૌન પણ પાળેલું, તેમણે લખ્યું:

હું જે નિશ્ચય કરી ચૂક્યો છું તે વિશે મારી સાથે આજે તો મુદ્દલ ચર્ચા ન કરજો. પણ મૂંગે મોઢે અને પ્રફુલ્લિતપણે સ્વીકારજો.૧૬

મહાદેવભાઈ એ વચનનો ઉતારો આપી લખે છે:

હજી બુધવારનું મૌન તૂટ્યું નથી. વલોવાઈ રહેલા આત્માએ એકવીસ દિવસના ઉપવાસની ભીષણ પ્રતિજ્ઞા લીધી. અને મને પણ તેની ચર્ચા ન કરતાં મૌનની આજ્ઞા કરી છે. એટલી હકીકત લખીને મૌન ધરું એ જ બરાબર છે. ઈશ્વરની ઉપર વિશ્વાસ રાખો એમ પળેપળ પોકારી રહ્યા છે. તેમના પગલા વિશે દુ:ખ બતાવીને તેમના ઉપદેશને એળે ન ગુમાવું.૧૬

મહાદેવભાઈના દિલ્હીમાં ગાંધીજીએ કરેલા ઉપવાસ અંગેના આ સાત સાપ્તાહિક પત્રો ઉપવાસનું ચિંતાથી હૃદયના ધબકારા વધારનારું છતાં પ્રાર્થના અને શ્રદ્ધાની ધૂપ-અગરબત્તીથી વાતાવરણને સુવાસિત કરનારું વર્ણન રજૂ કરે છે. ઘડીભર એ ખુશબો અનુભવીએ:

મહાદેવભાઈ પ્રથમ સપ્તાહમાં ‘હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને’ એ પ્રીતમદાસનું આખું ભજન ટાંકીને આરંભ કરે છે:

સામાન્ય રીતે અહીં પ્રાર્થનાનો આરંભ બાપુ જ કરાવે છે. પોતે ઉલ્લાસથી શ્લોકો બોલે છે, અને ભજન પોતાનું જ પસંદ કરે છે. બાળકોબા૧૭ આવ્યા ત્યારથી તો પ્રાર્થનાનું મંડળ વધ્યું છે અને પ્રેમનાં પૂર ચડે છે. … આજે સવારે બાળકોબા ભજનની શરૂઆત કરે તે પહેલાં બાપુએ અધીરા થઈ કહ્યું, ‘હરિનો મારગ’ ગાઓ.

‘પ્રેમનાં પૂર ચડે છે’ એ મહાદેવભાઈનું આત્મલક્ષી વિધાન હશે. તેઓ આગળ કહે છે:

મારા ગયા પત્રનો અંત ગભરાટવાળો હતો, તે પછી બીજો લખી શકવા જેટલી શાંતિ મેળવીશ કે નહીં તેની ખાતરી નહોતી. બે દિવસ એ જ દશા રહી. આંખોનાં પૂર અટકે જ નહીં. કોઈ પણ રીતે બાપુ ઉપવાસ છોડે તો કેવું સારુ, ન કરે નારાયણ અને શરીર પડે તો શું થશે? એ બધી લાગણીઓથી દલીલો કરવાની ના પાડેલી છતાં, હું દલીલો કર્યા કરતો હતો.૧૮

नवजीवनના જે વાચકો શરીરથી ગાંધીજી પાસે પહોંચી નહીં શકતા હોય, પણ જેમનું હૈયું તો એમની અનશન-શય્યાની આસપાસ આંટા મારતું હશે, તેવા હજારો વાચકોએ મહાદેવભાઈનાં ઉપરોક્ત વાક્યોથી પોતાને બદલે પોતાનો એક સ્વજન ત્યાં હાજર છે એવું આશ્વાસન અનુભવ્યું હશે. અત્યંત લોકપ્રિય થઈ પડેલા એવા સાપ્તાહિક પત્રો લખવામાં મહાદેવભાઈને એક મોટી મનોવૈજ્ઞાનિક અનુકૂળતા હતી. એમના જે પ્રિયપાત્ર હતા તે બહુજનપ્રિયપાત્ર હતા. અને તેઓ પોતાના પ્રેમને પોતા પૂરતો જ કદી સંઘરી, સાચવી કે છુપાવી રાખવામાં માનતા નહોતા. તેથી તેઓ માત્ર પોતાના પ્રેમપાત્ર સાથે જ નહીં પણ વાચકો સાથે પણ સહજતાથી એકાત્મ્ય સાધી શકતા. આગળ,

બીજે દિવસે સવારે બાપુ કહે, ‘તારી સાથે ચોવીસ કલાક વાત કરવાને તૈયાર છું. પણ તું બરાબર સમજી લે.’ આમ કહી ઘણો વખત મને સમજાવવામાં આપ્યો. થોડા જ સમયમાં મને ન ધારેલી શાંતિ થઈ, અને આ પત્રની શરૂઆત જરા પણ વિહ્વળતા વિના કરી છે તે એ વાતની સાક્ષી પૂરે છે. મારા મનની શાંતિ પાછી આવી છે. એટલું જ નહીં પણ ‘હરિનો મારગ છે શૂરાનો’નો અક્ષરેઅક્ષર જાણે પ્રથમના કરતાં કાંઈક નવો જ પ્રકાશ હૃદયમાં પાડે છે. મહાદેવભાઈની કલમ ચિંતિત વાચકોને માત્ર શાતા આપીને અટકતી નથી. તે વાચકોને એ શાંતિનું મૂળ શોધતા કરે છે:

આનું કારણ શ્રવણ અને મનન. મેં તરત જ જોયું કે અશ્રુભક્તિ કરવા કરતાં શ્રવણભક્તિ વધારે આવશ્યક છે. શ્રવણ વધતું ગયું તેમ તેમ મનન વધતું ગયું, અને આજે શાંતિ ભોગવું છું.૧૯

પછી પોતાની એ શ્રવણભક્તિની લહાણી કરીને મહાદેવભાઈ ‘કૃતકૃત્ય’ થાય છે.

મને હુકમ મળ્યા હતા કે મારે દલીલ ન કરવી. પણ મૌલાનાને૨૦ કાંઈ હુકમ અપાય? તમને તો કહેવામાં આવ્યું કે રોશો નહીં, અને ધીરજ રાખજો. તેમણે રોતાં રોતાં દલીલ કરી, પ્રેમભર્યા રોષથી દલીલો કરી.

‘આ તે શું, બાપુ! આ મહોબત કહેવાય? અમને તો તમે ઠગ્યા છે. બધાં પગલાં અમારી સાથે મસલત પછી જ લેશો એવો આપણો કરાર, તે કરાર ક્યાં ગયો?’

‘કેટલીક વસ્તુ તો એવી હોયને કે જેને વિશે મારે ખુદાની સાથે હિસાબ કરી લેવો પડે?’

‘પણ તમે તો ખુદાને તમારી અને અમારી વચ્ચે મૂક્યા છે.’

‘ના, આપણે બંને ખુદાના બંદા. બંનેયે ખુદાની સાથે કરાર કરેલા, હું તેની સાથે વાતો કરી રહ્યો છું. આ કામ જ એવું છે કે જેમાં મારે કોઈની સાથે મસલત ન કરવાની હોય. એ વસ્તુ તો મારા હાડમાં ભરેલી છે. મારું આખું જીવન એના ઉપર જ બંધાયેલું છે. મારા અગાઉના ઉપવાસો બધા જ કોઈને પૂછ્યા વિના લેવાયા હતા.’

‘પણ આમ એકાએક પગલું લેવાય તેમાં ઉતાવળ ન હોય! પણ તમે હસો છો, તમને તો આમાં કશું લાગતું જ નથી, પણ અમારું શું થશે?’

‘તમારું કુશળ જ થશે. અને તમે માની શા સારુ લો છો કે હું મરી જઈશ?’

હકીમ અજમલખાને પંદર દિવસની મહેતલ આપવા કહ્યું: ‘પંદર દિવસમાં દેશમાં સ્થિતિ ન સુધરે તો તમે જરૂર રોજા કરજો, તમને નહીં અટકાવીએ.’ એમને એમના જ શબ્દોમાં જવાબ:

‘પંદર દિવસની મહેતલ આપી જુઓ, મારા ઉપવાસની વાત પંદર દિવસ ન કરશો, અહીં કોઈને આવવા ન દેશો. અને પછી મને આવીને કહેજો કે હવે દેશ શાંત છે, એટલે તે દિવસથી છ દિવસ પછી હું ઉપવાસ છોડીશ!’ હકીમસાહેબ હસ્યા, શરીરની દૃષ્ટિએ વાતો કરવા લાગ્યા. એટલે બાપુ કહે:

‘એકવીસ દિવસના રોજા પછી મારી તબિયત તમારા કરતાં તો સારી જ હશે.’૨૧

મૌલાના શૌકતઅલી બહાર હતા તે ત્રીજે દિવસે આવ્યા. મહમદઅલીને આશા હતી કે મોટા ભાઈ સાથે મળીને ગાંધીજીને ઉપવાસ છોડવાનું સમજાવી શકાશે. કારણ, ગાંધીજીએ તેમને આશ્વાસન આપ્યું હતું કે જો શૌકતઅલી સમજાવી શકશે કે ઉપવાસ લેવામાં ભારે ભૂલ થઈ છે તો તેઓ ઉપવાસ છોડશે. પણ શૌકતઅલીએ, મહાદેવભાઈના શબ્દોમાં, ‘બાપુની સાથે દલીલ કર્યા વિના શાંતિથી સાંભળ્યા જ કીધું અને દલીલને અંતે “હાં, મહારાજ અબ ઠીક હૈ” કહીને બહાર નીકળ્યા!’ પછી મહાદેવભાઈ કહે છે, ‘એ વાતોનું શ્રવણ ભાંગીતૂટી રીતે પણ કરાવી શકું તો આખા ઉપવાસના રહસ્ય ઉપર હજી વધારે અજવાળું પડશે.’ ગાંધીજીની વાતોનો લોકોની આગળ લોકો સમજે એવી રીતે રજૂ કરવી એ મહાદેવભાઈનો સ્વધર્મ હતો.

‘શૌકતે કહ્યું: ‘આપણે કાંઈ હજી કર્યું જ નથી એમ કહું તો ચાલે. તમે અખબાર મારફતે વિચાર ફેલાવો છો પણ મોટી મુસાફરી ક્યાં કરી છે? તમે તોફાનના ભાગમાં ફરી વળો અને વાતાવરણને સાફ કરો.’

ગાંધીજી: ‘ભાઈ, મારે તો મારા ધર્મની વાત આવી પડી. ચારે તરફ જોયું કે હું તો મારી તાકાત પૂરી વાપરી ચૂક્યો છું. હું મુસાફરી કરીને કશું સાફ કરી શકવાનો નહોતો. આજે તો આમવર્ગને આપણા વિશે શક આવી ગયો છે. દિલ્હીમાં હિંદુઓને મારા ઉપર વિશ્વાસ છે જ એમ ન માનજો. જેના ઘરમાં ખૂન થયાં તેને ત્યાં જઈને હું માફીની વાત કરું તે કોણ સાંભળે? અંજુમનના લોક હકીમસાહેબનું સાંભળવા ના પાડે છે. આ બધું ચાલતું હતું ત્યાં કોહાટની વાત સાંભળી. મેં મારા મન સાથે પૂછ્યું, ‘અરે જીવ! હવે શું કરવું છે?’ હું તો મારા irrepressible optimist (અદમ્ય આશાવાદી) રહ્યો, પણ હમેશાં પાયા ઉપર આશા રચું. તમે પણ અટલ આશાવાદી છો. પણ પાયા વિના પણ આશા રચો. આજે તમારું કોઈ ન સાંભળે. ગુજરાતમાં વીસનગરમાં કોઈ અબ્બાસ કે મહાદેવને સાંભળવા તૈયાર નહોતું. અમદાવાદમાં છમકલું થતું અટક્યું, ઉમરેઠમાં તૈયારી હતી. આ બધું બનતું ન અટકાવાય એ મારી અશક્તિ. આવી અશક્તિને પ્રસંગે હું શું કરું? હું તો હજારો-લાખો બહેનોના સંબંધમાં આવ્યો છું, તેઓ ગાંધી કહે એ વાત ખરી એમ માનીને વર્તે છે. તેઓ આજે ભયભીત દશામાં છે. એ બધી બહેનોને મારે આજે મરી બતાવવું છે.

‘બંને કોમ બહાદુરીથી લડતી હોત તો હું ઉપવાસ કરત કે? પણ આ તો નામર્દાઈનો પાર નથી. પથ્થર ફેંકીને ભાગે, ગુના કરી ભાગે, પછી કોર્ટે ચઢે, અને ત્યાં જઈને ખોટા પુરાવા આપે. મારે તો તમારા ઉપર વિશ્વાસ રાખવો રહ્યો. તમે અને બીજા જેટલું થાય તેટલું કરો છો, પણ મારે હિંદુઓને શું કહેવું? હું તો તમને સંભળાવી દઉં કે હું મારી તાકાત ગુમાવી બેઠો છું. હવે તે પાછી મેળવવા માગું છે.’

શૌ.: ‘તમે લોકોને જે દવા આપી તે તેઓ પીવાને તૈયાર નથી. તેમનાં શરીરમાં જે વ્યાધિએ ઘર કર્યું છે તે જ્યારે બહાર ફૂટી નીકળશે ત્યારે તેમને ખબર પડશે કે ગાંધી કહેતા હતા તે ખરું હતું. પણ તમે તો આજે ખુદાની સાથે કુસ્તી લડતા હો એમ લાગે છે. આપે બંને કોમને મર્દ બનાવી — થોડી મર્દ તો બનાવી જ — થોડા દિવસમાં અજબ ચમત્કાર બતાવ્યો. પણ તમારી દવાનો ડોઝ ઓછો પડ્યો. તમારું બીજ કંઈ મરવાનું છે? આજે બીમારી વધી ગઈ છે એમ કેમ માનો છો? એક દાક્તર છે તે દવા આપે છે, તે ગયા એટલે પાછળ બીજાઓ પેલાની દવા ચાલુ રાખવાને બદલે પોતાની આપવા લાગ્યા. આખરે તો તમારી દવા જ ગુણ આપવાની છે. પણ પેલી બીજા ઊંટવૈદાની અત્યારે ઊલટી અસર કરી રહી છે તેથી તમે ગભરાઓ છો શા માટે? તમે તો કોમોમાં ઝેર હતું તે ઘણું કાઢ્યું, પાછું ઝેર વધ્યું. હું તો લડવાની જગ્યાએ જઈને ગાળ દઈને કહું કે, “કમબખ્તો કપાઈ મરો, કપાઈ. ખુદા નથી મર્યા.” આજે જે ઝેર અને આંધળાપણું છે, જે શેતાનિયત આજે જયાંત્યાં દેખાય છે, ત્યાં તમને કે મને કોઈ ન સાંભળે. કદાચ લડાઈ કરીને થાકે ત્યારે ખરા. મસ્જિદ કોઈની પાડી પડવાની નથી. મંદિર કોઈનું તોડ્યું તૂટવાનું નથી. આપણે ત્યાં ઇંટ, છો, ચૂનો, પાણી અને પથ્થર જોઈએ તેટલાં છે. તરત પાછાં ચણી શકાશે. શું કહું? આપની આગળ મોં ખોલતાં શરમ આવે છે. હું આપને શું સમજાવું? તમારે તમારા પ્રયત્ન ચાલુ જ રાખવા જોઈતા હતા. આમ ઉપવાસ ન કરો.’

ગાંધીજી: ‘હું ખુદાની સાથે કુસ્તી કરી રહ્યો છું? મારા હાડમાં તકોબરી ક્યાંય હોય તો, હું મટી જવાનો છું. ભાઈ, આ ઉપવાસ તો અનેક દિવસની ઇબાદતનું પરિણામ છે. એ પહેલાં તો રાત્રે ત્રણ ત્રણ વાગ્યે ઊઠીને મેં ખુદાને પૂછ્યું છે કે શું કરું? શું કરું? એનો જવાબ ૧૭મીની બપોરે મને મળ્યો. મારી ભૂલ હોય તો ખુદા મને માફ કરશે. મેં તો ખુદાથી બહુ ડરી ડરીને જે કર્યું છે તે કર્યું છે — અને તેયે મુસલમાનના ઘરમાં બેસીને. મારા ધર્મમાં એવું છે કે ખુદાની ઇબાદત તે જ કરે છે જે થોડી ઈજા ખમી લે. મારા ધર્મમાં જપતપ કરવાનો હુકમ છે. ઇસ્લામમાં પણ મેં તો તપના દાખલા જોયા છે. ‘સિરત’માં વાંચ્યું છે કે પેગંબરસાહેબ ઘણી વાર રોજા કરતા, અને બીજાઓને ના પાડતા. તેમને કોઈએ પૂછ્યું કે એમ કેમ કરો છો? તેમણે કહેલું કે મને ખુદાઈ ખોરાક મળે છે. પેગંબરસાહેબે ફાકા-ઉપવાસ—કરીને જ કામ કર્યાં. મારો તો એ વિશ્વાસ થયો કે જેનામાં ખુદા ઉપર અથાગ વિશ્વાસ હોય તે જ ઉપવાસ કરી શકે.

‘મારા ઉપવાસમાં એક ખામી હોય તો એ કે એમાં આડકતરી અસર ઉપજાવવાપણું રહેલું છે. લોકો મને કહે છે કે શૌકત-મહમદે તમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. મારાથી એ સહન ન થઈ શકે. મારે એને માટે મરવું જ જોઈએ. હું તો મારું દિલ સાફ કરી રહ્યો છું, તાકાત મેળવી રહ્યો છું.

‘હું તમને આટલું કહું છું તેથી ગેરસમજ ન થાઓ. હું તો એક રીતે ઘડીભર મુસલમાન બનીને જ જાણે મુસલમાનોને આ સંભળાવી રહ્યો છું એમ માનો. મેં તો ઇસ્લામને માટે મારામાં જેટલી લાગણી થાય તેટલી ઉત્પન્ન કરી, કારણ મારે તો દરેક ધર્મની અદ્ભુતતા જોવી રહી. હવે હું દિલને હજી વધારે સાફ કરવા, અને વધારે મજબૂત કરવા બેઠો છું. જો એ બંને વસ્તુ થઈ શકશે તો બંને કામ ઉપર અસર પડશે.

‘મારો સિદ્ધાંત છે કે શરીરનું જેટલું દમન કરો તેટલું આત્માનું બળ વધે છે. આજે આપણે કોઈ કામ જ નથી કરી શકતા. આપણે બદમાશીનો મુકાબલો કરવાનો છે. આજે આપણી તપશ્ચર્યા પૂરતી નથી.’

શૌ.: ‘આવી તપશ્ચર્યામાં બીજાની સલાહની દખલ ન જ ચાલે કે?’

ગાંધીજી: ‘ના, એ તો ખુદા અને મારી વચ્ચેની જ વાત છે. ખુદાને આ શરીરથી જેટલું કામ લેવું હોય તેટલું લે, હજી લેવું હોય તો ભલે તેને ન પડવા દે. આ મામલાનું કશું પરિણામ ન આવે તો કાયમનું અનશન લેવાનો મારો વિચાર હતો. પણ મૌલાના અને હકીમજીની ખૂબ વાત સાંભળીને તત્કાળ તે વિચાર જવા દીધો.’

વાતો બહુ ચાલત, પણ ગાંધીજી થાક્યા હતા. શૌકતઅલી ઊઠ્યા. ઊઠતાં ઊઠતાં કહ્યું, ‘દરરોજ નમાજ વખતે અનેક દુવા માગું છું, તેમાં પહેલી હિંદુ-મુસલમાન ઐક્યની, બીજી મારી મા ઇસ્લામ સ્વતંત્ર જુએ અને સ્વરાજ જુએ ત્યાં સુધી જીવતી રહે એવી, અને આખરની દુવા એ કે મહાત્મા ગાંધીજીની દુવા બર આવે.’૨૨

ઉપવાસના પહેલા અઠવાડિયાના રિપોર્ટમાં એવી મુલાકાતોનું વર્ણન હતું કે જેનાથી. અનશનવ્રતનું રહસ્ય પ્રગટ થાય. બીજા અઠવાડિયામાં ગાંધીજીની તબિયત અંગેના સમાચાર અગ્રિમતા લે એ સ્વાભાવિક હતું.

‘બીજા અઠવાડિયાને અંતે શરીર કાંઈક વિશેષ કૃશ, પણ કાંતિ પ્રથમના જેટલી જ તેજસ્વી, વિશેષ સૌમ્યતાવાળી જણાય છે.’૨૩

એ પહેલા વાક્યમાં મહાદેવભાઈએ ઉપવાસ દરમિયાન ગાંધીજીની પ્રવૃત્તિનો મર્મ વ્યક્ત કર્યો છે.

આખો દિવસ ગાંધીજી સૂતેલા જ રહે છે. કેવળ કાંતવાને માટે સંકલ્પબળનો ઉપયોગ થતો હોય એમ જણાય છે… દાક્તરે રેંટિયો છોડવાની ભલામણ કરેલી. પણ અતિશય આજ્ઞાકારી દર્દીની જેમ વર્તતા ગાંધીજીએ આ બાબતમાં દાક્તરોને આહ્વાન આપ્યું. દાક્તરો હાર્યા, અર્ધો કલાક કાંત્યા પછી શ્રમ વધેલો નહીં. પણ નાડી વધારે સારી ચાલતી જણાઈ! એટલે તેમને કહેવું પડ્યું કે આ તમારે માટે એક ઔષધની માત્રા છે!

ઐક્યસાધક પરિપદના સભ્યોને લાંબો કાગળ લખ્યો. તે જ દિવસથી લખીને ગાંધીજી સૌને અમૃતૌષધિ આપી રહ્યા છે એમ જોઈ દાક્તરોએ લખવાની રજા આપી.

મુલાકાતીઓ પણ પોતાની સૂઝ મુજબ ગાંધીજીને સહાયક થઈ રહેતા. પં. માલવિયાજીએ ધ્રુવ ને પ્રહ્લાદનાં આખ્યાનો વાંચી સંભળાવ્યાં અને રોજ બે કલાક ભજનો સંભળાવવાની વ્યવસ્થા કરી. તેની ઉપર મહાદેવભાઈની ટિપ્પણી:

‘શરીરના આહારનો ગમે તેટલો ત્યાગ કરે, પણ આત્માના આહારનો ત્યાગ તો અકલ્પ્ય છે. આત્માનો આહાર દિનપ્રતિદિન વધતો જાય તો જ અમૃતત્ત્વનો ભોગ ભળે. त्यागेनैकेन देवा अमृतत्त्वमानशु:નો પાઠ જાણે ગાંધીજી ભણાવી રહ્યા છે.’૨૪

દાક્તર અન્સારી અને દાક્તર અબદુલ રહેમાનને ગાંધીજીને બે વાર જોઈ જવામાં અપૂર્વ આનંદ આવે છે. પણ (મૂત્ર-પરીક્ષક) ડૉ. સેનની સેવાભાવનાનો પાર નથી. ઍન્ડ્રૂઝને એક વાર કહે, ‘આવી રીતે ગાંધીજીની સેવા કરવાનું મળશે એવી મેં કદી આશા રાખી નહોતી.’ ઉપવાસને છઠ્ઠે દિવસે મૂત્રમાં ઝેરી પદાર્થોનું પ્રમાણ ગભરાવા જેવું જણાયું. બધે ગભરાટ ફેલાયો. હકીમસાહેબ નાજુક તબિયતને કારણે પરિષદમાં પણ નહોતા જઈ શકતા તે દોડી આવ્યા. પણ તે દિવસે ગાંધીજીનો મૌનવાર હતો. હકીમસાહેબે ખૂબ સમજાવ્યું. ગાંધીજીએ ઉર્દૂમાં લખ્યું, ‘આપ મહેરબાની કર કલ તક ઠહર જાઈએ. કલ સબ સુનાઉંગા.’ પણ હકીમસાહેબ કહે કે તમારે પણ સાંભળવું જ પડશે. ગાંધીજી હસતાં હસતાં સાંભળતા રહ્યા. છેવટે લખ્યું, ‘ખુદા કરેંગે તો કલ પેશાબ મેં કુછ નહીં હોગા.’ હકીમસાહેબ કહે, ‘આપ વલી હૈ, ઇસલિયે યહ કહ સકતે હૈં. મેં તો તબીબ હૂં, મુઝે કૈસે યકિન હો સકતા હૈ?’ પણ છેવટે હારીને બીજે દિવસે ફરી આવવાનું કહીને ગયા. બીજા દાક્તરોને: ‘મૂત્ર-પરીક્ષણથી આટલો બધો ગભરાટ શાને? જ્યારે બીજી બધી બાબતોમાં તમે સૌ ઇચ્છો એના કરતાં હું ઘણો સારો છું.’ દાક્તર અબદુલ રહેમાન કહે: ‘સારા છો એની ના નથી, પણ ઝેરનું પ્રમાણ એટલે અંશે છે કે જરાક વધે તો બીજું બધું સારાપણું અમને નકામું થઈ પડે. તે વેળા નાડી સારી લાગે, હૃદય બરાબર હોય, શ્વાસોચ્છ્વાસ બરાબર હોય, છતાં મગજની ઉપર અસર થાય અને અમે અપંગ બની જઈએ.’ ગાંધીજીએ શાંતિથી લખ્યું, ‘ભલે, પણ હવે કાલ સુધી રાહ જોઈએ, પછી આપણે ચર્ચા કરીશું.’ દાક્તરોએ સાકર લેવા આગ્રહ કર્યો, પણ સંધ્યાકાળ પછી કશું ન લેવાની બીજી પ્રતિજ્ઞા ગાંધીજીએ સામે ધરી. મહાદેવભાઈની ટિપ્પણી: ‘અનેક પ્રતિજ્ઞાનાં કવચ ધારણ કરેલા આત્માની સાથે શી રીતે દલીલમાં ઊતરાય?’ ગાંધીજીના મગજને દલીલો દ્વારા શ્રમ આપતાં દાક્તરો ગભરાતા હતા. દાક્તરે એક છેવટની દલીલ કરી: ‘આપ અમારી જવાબદારી સમજો એવી આપને વિનંતી કરીએ.’ તેની ઉપર મહાદેવભાઈ: ‘આ પ્રેમને વશ થવું કે અડગ રહેવું એ ગાંધીજીની મૂંઝવણના ઊંડાણનું માપ કોણ આપી શકે? તેમણે એક દયાજનક, સોંસરા તીર જેવું વાક્ય લખ્યું: ‘ગમે તેમ હો, મહેરબાની કરીને કાલ સુધી તો મારી ઉપર દયા રાખો.’ એ ગરીબ ગાયની કરુણ વાણીને દાક્તરોનાં પ્રેમભીનાં હૈયાં પારખી ગયાં. ઘણી પળો ઓરડામાં નિ:સ્તબ્ધ શાંતિ રહી. દાક્તરોની ગમગીન ચૂપકી જોઈને, હવે દયા માગવાને બદલે તેમના ઉપર દયા લાવીને, તેમને રીઝવવાના ગાંધીજીએ પ્રયત્ન કરવા માંડ્યા. જરા લંબાણથી લખીને તેમને ધીરજ રાખવાની વિનંતી કરી.’ ડૉ. અન્સારીએ થોડી ચર્ચા આગળ ચલાવી, પણ ગાંધીજીએ બે શબ્દોમાં જ બધું પતાવ્યું: ‘બધું કાલે.’ ચશ્માં ઉતાર્યાં એટલે દાક્તરો સમજ્યા કે હવે દલીલ બંધ કરવાની નોટિસ. દાક્તરો ઊઠ્યા. દા. રહેમાન ઊઠતાં ઊઠતાં બોલ્યા: ‘આપની સંકલ્પશક્તિ ઝેરને વધતું અટકાવે તો આશ્ચર્ય નથી.’ સરલ, સહજ, આત્મવિશ્વાસથી – ઇશ્વરશ્રદ્ધાથી – ગાંધીજીએ હાસ્ય કર્યું.

મહાદેવભાઈ કહે છે:

આ ઐતિહાસિક પ્રસંગનું અક્ષરશ: વર્ણન આપવા માટે વાચકની ક્ષમા માગવાની પણ હું જરૂર નથી જોતો. દાક્તર અન્સારી કહેવા લાગ્યા: ‘હું તો ભાઈ, રાત્રે અહીં જ સૂવા આવીશ’. દા. રહેમાનને લાગતું હતું કે સવાર સુધી કશું નથી થવાનું, પણ તેમણે કહ્યું, ‘સાંજનું પૃથક્કરણ જોઈએ.’ સાંજનું પૃથક્કરણ તેમણે શહેરમાં જઈને જોયું. ઝેર લગભગ ગુમ થયું હતું! દા. સેન મૂંઝવણમાં પડ્યા. સવારે આટલું બધું પ્રમાણ અને હમણાં કશું નહીં, ‘કંઈ ભૂલ તો ન હોય?’ એમ એક મિત્રે પૂછ્યું. અધીરા થઈને તેણે કહ્યું, ‘ગાંધીજીની પરીક્ષામાં ભૂલ કરું તો મારું નામ બોળ્યું જ કહેવાય ના?’ એ રાત્રે ગાંધીજીને આધ્યાત્મિક ભોજનની નવી સામગ્રી મળી. કલકત્તાના બિશપ અને હિંદુસ્તાનના વડા બિશપ… આવ્યા. બે કલાક રોકાયા. ઉપર જઈને ગાંધીજીને ખલેલ પહોંચાડવા માગતા નહોતા. પણ ગાંધીજીએ જ તેમને Lead kindly Light ગાઈને પ્રાર્થનામાં જોડાવાની વિનંતી કરી. બિશપ તો હરખઘેલા થયા. તુરત એ ભજન યાદ કરવા લાગ્યા. … ‘પ્રેમળ જ્યોતિ’વાળું અંગ્રેજી ભજન બંને ખ્રિસ્તીપરસ્તોએ અતિશય માધુર્યથી ગાયું. અને તે રાતે ‘મારે એક ડગલું બસ થાય.’ની ધૂનમાં ‘પ્રેમળ જ્યોતિ’ના ચિંતનમાં – ગાંધીજી સૂતા.

ત્રીજા અઠવાડિયા વિશે મહાદેવભાઈ:

દેહાત્મભાવનો અધ્યાસમાત્ર નિર્મૂળ થાય એ જ લગનીમાં આ આખું સપ્તાહ ગયું એમ કહું તો ચાલે. એને માટે દરરોજ શ્રી વિનોબા પાસે ભગવદ્ગીતાના બે-ત્રણ અધ્યાયનો પાઠ કરાવે, બાળકોબા પાસે એક ઉપરાંત ભજનો ગવરાવે. છેલ્લા ચાર દિવસ થયા તો કઠોપનિષદનો પાઠ શ્રી વિનોબા સાયંકાળે કરે છે. તેમને આખું કંઠસ્થ હોઈ બત્તીની જરૂર શાની પડે? અપાર શાંતિથી તેઓ દરરોજ એક એક વલ્લિ સંભળાવે છે, અને તેની ઉપર વિવેચન કરે છે. બ્રહ્મવિદ્યાચાર્ય નચિકેતાનું આખ્યાન સાંભળતાં બાપુ આસપાસના જગતને વિશે આંખ મીંચે છે.૨૫

ઉપવાસના ઉદ્યાપનનું વર્ણન મહાદેવભાઈ નીચે મુજબ આપે છે:

આ મૂંઝવણમાં ૮મી તારીખ — દશેરાનો પુણ્યદિન — પણ આવી લાગ્યો. સ્થળેસ્થળથી ઉપવાસ નિર્વિઘ્ને સમાપ્ત થયાના તાર આવવા લાગ્યા. બાર વાગ્યા પહેલાં તો આખો નીચેનો ખંડ માણસોથી ભરાઈ ગયો હતો. બારને ટકોરે બાપુએ એક પછી એક જણને બોલાવવા માંડ્યા. ઇમામસાહેબ, બાળકોબા, ઍન્ડ્રૂઝને પ્રથમ તેડાં થયાં. ભાઈ શંકરલાલ પડખે ઊભા આંખ ભીંજવતા હતા તેમને સોડમાં બોલાવી પંપાળ્યા. દાક્તરોને બોલાવવાની આજ્ઞા થઈ, ‘બીજું કોઈ નથી?’ એમ પૂછતાં તો કોઈએ કહ્યું: ‘નીચે તો અલીભાઈઓ, બેગમસાહેબા, દાસસાહેબ, તેમનાં પત્ની, મોતીલાલજી, તેમનાં પત્ની, જવાહરલાલ, તેમનાં પત્ની સૌ ઊભાં છે.’ એટલે સૌને બોલાવવાની આજ્ઞા થઈ. દા. અન્સારી પાસે જઈ નીચા વળી ભેટતાં આંસુ ન રોકી શક્યા. પછી તો મહમદઅલી આવ્યા. તેઓ દૂર ઊભા રહ્યા. તેમને ‘આવો ભાઈ, આવો.’ કહી બાપુએ પાસે બોલાવ્યા. તેયે વળગી પડ્યા અને રોયા. સૌ બેસી ગયાં. ઇમામસાહેબને कुराने शरीफમાંથી ખુદાની બંદગી કરવાની આજ્ઞા થઈ. તેમણે બુલંદ અવાજે ‘બિસ્મિલ્લાહિર્ રહમાનિર્ રહીમ’વાળી પહેલી સૂરા સંભળાવી. આ પછી એટલા ઔચિત્યથી ઍન્ડ્રૂઝને

When I survey the Wondrous Cross On which the Prince of glory died

— વાળું ગીત ગાવાનો હુકમ થયો. ખ્રિસ્તીઓમાં ઍન્ડ્રૂઝ ઉપરાંત સુધીર રુદ્ર અને જ્યૉર્જ જોસેફ પણ હતા. ઘડીક વાર ક્રૉસની ઉપરનાં કષ્ટ અને અનશનનાં કષ્ટ, ઈશુનાં આંસુ અને પ્રેમ, અને બાપુનાં આંસુ અને પ્રેમની વચ્ચે સૌએ અભેદ અનુભવ્યો, અને ઘણાંકની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યાં. આ પછી શ્રી વિનોબાને ઉપનિપદમાંથી મંત્ર બોલવાનું કહેવામાં આવ્યું. તેમના મધુર ધ્વનિથી ગવાતા સત્યના મહિમાથી આખો ખંડ ભરાઈ ગયો.

આ પૂરું થયા બાદ બાળકોબાએ ‘વૈષ્ણવ જન તો’ ગાયું, તે ઉપરાંત ‘જય જગદીશ હરે’ ગાયું, અને આખરે ‘રઘુકુલ રીતિ સદા ચલી આઈ’ની ધૂનમાં પ્રાર્થનાનો ભાગ સમાપ્ત થયો. એટલે ગદ્ગદ કંઠે બાપુ બોલ્યા:

હકીમસાહેબ અને મહમદઅલી,

આ એકવીસ દિનના ઉપવાસ ભારે શાંતિમાં ગયા છે. હિંદુ-મુસલમાન ઐક્ય મારે માટે આજની વાત નથી, ત્રીસ વર્ષ થયાં હું એને સેવું છું, એની જ લગની મને લાગેલી છે, છતાં મને એમાં સફળતા નથી મળી. ખુદા શું ચાહે છે તે હું નથી જાણતો. મારા આ એકવીસ દિવસના ઉપવાસની પ્રતિજ્ઞા મેં લીધી ત્યારે તેમાં બે ભાગ રાખ્યા હતા. એક ભાગ આજે સંપૂર્ણ થાય છે; અને બીજા મેં હકીમજી અને બીજા મિત્રોની ઇચ્છાથી બંધ રાખ્યો હતો. જે બંધ ન રાખ્યો હોત તોપણ ઐક્ય-સંમેલન — જે સારી રીતે થયાના ખબર સાંભળું છું તેને લીધે મારા ઉપવાસ આજે પૂરા જ થાત. આજે હું તમારી પાસે વચન માગી લઉં છું — વચન તો મળેલું જ છે — કે તમે હિંદુ-મુસલમાન ઐક્યને માટે મરશો.૨૬

અને આખા ઐક્યયજ્ઞની સમીક્ષા મહાદેવભાઈ આમ કરે છે:

આ મહાસાગરમંથનમાંથી અમૃત નીપજશે એ વિશે કોને શંકા હોય? માત્ર એ મંથન પણ કોઈ વાર અસહ્ય થઈ પડે છે. આટલા તપ છતાં આટલું મંથન હોય તો હજી પૂર્ણતાને માટે, આત્મૌપમ્ય મેળવવાને કેટલું કષ્ટ સહન કરવાનું હશે એના વિચારમાં પામર બુદ્ધિ કુંઠિત થાય છે.૨૭

ઉપવાસ પછીના અઠવાડિયામાં ગાંધીજીના આરોગ્યના સમાચાર આપવા ઉપરાંત મહાદેવભાઈએ સાપ્તાહિક પત્રો મારફત ગાંધીજીને મળવા આવનાર લોકોના પાવન પ્રસંગોથી જીવતું વાતાવરણ ખડું કરી દીધું. મળવા આવનારામાં નાના હોય કે મોટા હોય, મહાદેવભાઈને મન તો એમણે ગાંધીજી સાથે ચર્ચેલો વિષય જ મહત્ત્વનો રહે છે. દાખલા તરીકે,

એક દિવસ એક બહેન આવીને આગ્રહપૂર્વક કહેવા લાગ્યાં, ‘મને ઉપર જવા દો, મારે ગાંધીજી પાસે જવું છે, મારે એકાદ વાત પૂછવી છે.’ કોઈક દુ:ખી સ્ત્રી હશે, અને ઘરનું અથવા બીજું દુ:ખ રડવું હશે એમ ધારીને તેને અમે જવા નહોતા દેતા, પણ તેનો આગ્રહ એટલો જોયો કે વશ થવું પડ્યું. તેણે એક જ પ્રશ્ન પૂછ્યો: ‘મહાત્માજી, ભક્તિ શી રીતે કરવી? મારે મહાદેવની ભક્તિ કરવી છે, શી રીતે કરવી તે મને કહો.’ ગાંધીજી ઘડીક વાર થોભ્યા અને કરુણ સ્વરે કહ્યું, ‘બહેન, હું શી રીતે કહું? મને પોતાને જ ભક્તિ કરતાં આવડતી નથી. હું તો એટલું જાણું છું અને કહી શકું છું કે ભલા થવું અને ભલાં કામ કરવાં.’ બહેન બિચારી સંતુષ્ટ થઈને ચાલી ગઈ, પણ એ પ્રશ્ન બાપુના મનમાં રમ્યા જ કીધો હોય એમ લાગે છે. આટલા દિવસ ભક્તિમાં લીન રહેલાને અને જેમનું એક એક કાર્ય બ્રહ્માર્પિત લાગે તેવાને આ બહેનને આવો ઉત્તર કેમ આપવો પડ્યો હશે એવો વિચાર સહેજે થાય એમ છે. જેમ ઈશ્વર અનિર્વચનીય છે તેમ તેની ભક્તિ પણ અનિર્વચનીય છે, એ કારણ હશે? ગમે તેમ હોય, બીજે દિવસેથી બાપુએ ભાગવતના એકાદશ સ્કંધનો પાઠ શરૂ કરાવ્યો.૨૮

આ વર્ણનો કરવામાં મહાદેવભાઈ એક મૂંઝવણ અનુભવે છે:

કોઈ કહેશે કે હું પ્રેમ પ્રેમની વાતો કરું છું. બાપુની આસપાસ અથવા એમની સાથે પત્રવ્યવહાર કરનારાઓમાં આવા ટીકાકારો પણ નીકળી આવતા. એમને ધ્યાનમાં રાખીને મહાદેવભાઈ કહે છે, હું નથી બાપુઘેલો કે નથી પ્રેમઘેલો. હું ભક્તિ કેળવવાનો પ્રયત્ન જરૂર કરું છું, અને દરેક ઉત્તમ, કલ્યાણકારી, વ્યક્તિ અને વસ્તુને જોઈને મારું હૃદય દ્રવે છે. હું બાપુનાં ગુણગાન નથી કરતો, કેવળ પ્રેમની પ્રબળ સત્તાની સાક્ષી આપું છું, અને ઘણા પ્રસંગોથી બાપુ પોતાને કેટલા કસી રહ્યા છે, કેળવી રહ્યા છે, કેવી પરીક્ષા કરી રહ્યા છે તે જણાવું છું. તેથી દરેક જણ આત્મપરીક્ષા કરતો થાય અને આશાવંત બને. આડકતરી રીતે પણ બાપુની સ્તુતિ બાપુના પત્રમાં આવે, એ મારું દુ:ખ છે, એમાં મને સુખ નથી, અને એટલા જ કારણે મેં આરંભમાં મારા મનની મૂંઝવણ વ્યક્ત કરેલી છે.’૨૯

પણ મહાદેવભાઈનો પ્રેમ માત્ર બાપુ માટે જ નથી. બાપુનો દરેક પ્રેમી મહાદેવભાઈને મન બેવડા પ્રેમનો વિષય બને છે. એને લીધે જ તેઓ પોતાનાં વર્ણનો દ્વારા કેટલીક એવી વ્યક્તિઓને અમર બનાવે છે, જે એમ ને એમ તો કદી દુનિયા આગળ આવી જ ન હોત. આ પાત્ર જુઓ:

એ મુસલમાન ભાઈ હતા. લાગટ પંદર-વીસ દિવસ એ સવારે દરરોજ આવતા. ‘ગાંધીજી કામમાં છે? બીજા નેતાઓ આવ્યા હોય તો હું નથી મળવાનો.’ કહીને નીચે ત્રણ-ચાર કલાક બેસે, કોઈ વાર જઈને જોઈ આવવાનો પ્રસંગ મળે તો જઈ આવે અને ગુપચુપ ચાલ્યા જાય. છેવટે એમની પણ ધીરજ ખૂટી, અને એક દિવસ પોતાની બધી મિલકત ગાંધીજીને અર્પણ કરવાનો પોતાનો ઠરાવ ગાંધીજીને જણાવ્યો. ગાંધીજીની સાથે વાતો થઈ ગઈ. ગાંધીજીએ તેમને કહ્યું, ‘મારા નામ પર કશી મિલકત નથી રહેતી. તમે એ જ મિલકતમાંથી, એને એક થાપણ માનીને, તમારો નિર્વાહ કરો અને ખાદીની દુકાન ચલાવો, ખાદીનો પ્રચાર કરો.’ આટલેથી એને સંતોષ થવો જોઈએ એમ મેં માન્યું, પણ મને એ આવીને કહે કે, ‘હું ઘેર જાઉં છું, મને ગાંધીજીએ જે કહ્યું તે લખીને મોકલજો.’ હું ચિડાયો. મેં એમને કહ્યું, ‘આમ ઘેલા શું થાઓ છો? તમને કહ્યું તે તમને યાદ ન રહે? તમારું કોઈ ન માને એમ શા સારુ માનો છો?’ એમને દુ:ખ લાગ્યું, પણ એ તો મારા કરતાં ખામોશીનો ગુણ વધારે શીખેલા હતા. એ કશું ન બોલ્યા, અને ચાલ્યા ગયા. બીજે દિવસે પાછા આવીને બેઠા! મારે આખરે ગાંધીજીની પાસે જઈને કહેવું પડ્યું કે, એ ભાઈ લેખી સંદેશો માગે છે. ગાંધીજીએ પૂછ્યું, ‘શું એ આજે પણ પાછા આવેલ છે? જાઓ લઈ આવો એમને.’ હું એમને ઉપર લઈ ગયો. દાદર ઉપર ચડતાં એમની આંખમાંથી ચોધારાં આંસુ વહેતાં હતાં! ગાંધીજીએ એમને પાસે બેસાડ્યા. પત્ર લખી આપ્યો, અને પત્ર લઈને જવા લાગ્યા. જતાં જતાં કહે, ‘મારા માથા ઉપર હાથ મૂકો, આશીર્વાદ આપો કે મારું શુભ કરવાની મને હિંમત મળે.’ ગાંધીજીએ આપેલો પત્ર જોતાં જ, તેમણે તેમાં રેડેલો પ્રેમ જોતાં મને મારી ક્ષુલ્લકતાનું ભાન થયું, અને એ ભાઈને વિદાય દેતાં દેતાં હું અનેક વાર એમને નમ્યો.૩૦

અથવા આ બીજું પાત્ર:

બીજા એક ભાઈ રાત્રે આવ્યા હતા. પંજાબના રજપૂત હતા. રાત્રે નવ વાગ્યે આવેલા પોતાનાં બે બાળકો લઈને. ઍન્ડ્રૂઝ તો ખામોશીના નમૂના, અને તેમાં હિંદુસ્તાનીમાં ધીમે ધીમે બોલે ત્યારે તેમાં અણધારી રીતે મૃદુતા આવે. તેમણે કહ્યું, ‘નવ વાગ્યા છે. ગાંધીજી હમણાં જ સૂતા, કાલે નહીં આવો?’ પેલાંઓએ એટલી જ મૃદુતાથી કહ્યું, ‘જરૂર આવીએ. પણ ગાંધીજીને જોયા વિના અમારો ઉપવાસ ન તૂટે. અમે ભૂખ્યાં છીએ.’ ‘ઍન્ડ્રૂઝ તરત પલળી ગયા. ત્યારે તો તમે દૂર ઊભા રહીને ગાંધીજીને જોઈને સંતોષ માનવા તૈયાર હો તો લઈ જાઉં, કારણ, તમે પાસે જાઓ તો કદાચ તેઓ જાગી જાય.’ પેલાં કહે, ‘હા. દૂરથી દર્શન અમારે માટે બસ છે.’ તુરત સૌ ઉપર ગયાં અને બેત્રણ સેકંડ ઊભાં રહી નીચે આવ્યાં. જતાં જતાં ઍન્ડ્રૂઝને બોલાવીને કહે: ‘લો, આટલા અઢી હજાર રૂપિયા, ગાંધીજીને જે યોગ્ય લાગે તે કાર્યમાં વાપરવાના છે. એ આપવાને અમે આવ્યાં હતાં. કાલે તો અમારાથી અવાય એમ નથી.૩૧

એમ તો આ ગાળામાં ગાંધીજી સાથે દિલીપકુમાર રોયે સંગીત અંગે, ખ્વાજા હસન નિઝામી જોડે હિન્દુ-મુસ્લિમ પ્રશ્ન વિશે તથા જી. રામચંદ્રન જોડે કળા, યંત્ર તથા બ્રહ્મચર્ય વિશે થયેલી અગત્યની ચર્ચાને પણ મહાદેવભાઈએ પોતાની રોજનીશીમાં લગભગ અક્ષરશ: ટપકાવેલી છે. પરંતુ એકતા ખાતર ગાંધીજીએ કરેલા યજ્ઞ અંગેનું આ પ્રકરણ આપણે ડાયરીના કેટલાક અગત્યના અંશોને ઉતારીને પૂરું કરીશું. એક પત્રમાં ગાંધીજી કૃષ્ણ વિશે લખે છે:

‘હું એ કૃષ્ણને દરરોજ કોટિ કોટિ પ્રણામ કરું છું જે ગીતાના પ્રણેતા છે. સોળ હજાર ઇન્દ્રિયોના સ્વામી છે, જે અખંડ બ્રહ્મચારી છે, જે નિર્વિકારી છે, જે આપણા હૃદયના અધિષ્ઠાતા છે. બીજાને નહીં.’૩૨

ગાંધીજી ખ્વાજા નિઝામીને કહે છે:

‘ઇસ્લામ તલવારથી ફેલાયો છે એમ હું નથી માનતો, ઇસ્લામ તો ફકીરોથી ફેલાયો છે. ઇસ્લામ તો સચ્ચાઈ, ફકીરી અને બહાદુરીથી ફેલાયો છે. તલવારથી ઇસ્લામનો બચાવ થયો છે એ તો સૌ કોઈ કબૂલ કરશે, પણ એનો પ્રચાર કરવાનું માન તો ફકીરો જ લઈ શકે છે. એટલે જ હું કહું છું કે ઇસ્લામ બળજબરીથી, લાલચથી અથવા એવી બીજી રીતે ફેલાવવામાં ઇસ્લામની સેવા નથી થવાની પણ ખરાબી થવાની છે, આ પણ હું ઇસ્લામને ચાહું છું માટે જ કહું છું.૩૩

ગાંધીજીએ ૧૯૨૪ પહેલાં અને પછી અનેક નાનામોટા ઉપવાસ કર્યા. પરંતુ આ ઉપવાસથી જવાહરલાલજીને આંચકો લાગ્યો હતો. તેમણે મહાદેવભાઈને લખ્યું હતું કે, ‘બાપુના ઉપવાસના સમાચારથી હું તો સ્તબ્ધ જ થઈ ગયો છું.’ રાજાજી સામાન્ય રીતે કોઈ ખાસ કામ વિના ગાંધીજીની પાસે નહીં આવતા તે પણ આ ઉપવાસના સમાચાર સાંભળી દિલ્હી દોડી ગયા હતા. દેવદાસભાઈ બાપુને પરેશાન ન કરવાની દૃષ્ટિએ દિલ્હી નહોતા આવ્યા. મણિલાલભાઈ વર્ષો પછી આફ્રિકાથી ગાંધીજી પાસે આવી પહોંચ્યા હતા, છતાં એમણે બાપુ આગળ કોઈ લાગણીવેડા દેખાડ્યા નહોતા. મહમદઅલી અને શંકરલાલ બૅંકર જેવાઓએ આંસુ વહેવડાવી પોતાની ભાવના વ્યક્ત કરી હતી. ઍન્ડ્રૂઝ જેવાએ બાઇબલનો પાઠ કરીને અને વિનાબા જેવાએ ઉપનિષદનો પાઠ કરીને ગાંધીજીને શાંતિ આપવા પ્રયાસ કર્યો હતો. મહાદેવભાઈને ઉપવાસની ભૂમિકા સમજતાં એકાદ દિવસ લાગ્યો હતો. પણ પછીના વીસ દિવસ તો બાપુની આ કઠિન તપશ્ચર્યાના અહોભાવથી સાક્ષી બની રહેવાનું અને પોતાના અંતરની ઊભરાતી ભક્તિની લાગણીને સૌમાં વહેંચવાનું કામ કર્યું હતું. ગાંધીજીની સેવાચાકરી કે કાળજી ઓછી નહોતી લેવાતી એની સાક્ષી ખુદ મહાદેવભાઈ પૂરે છે. પણ તેથી એમના શરીર અંગેની મહાદેવભાઈની ચિંતા ઓછી થતી નહોતી. આ ઉપવાસને વિશે તો નોંધ્યું નથી, પણ આગળ ઉપર એક કરતાં વધારે ઉપવાસ વખતે એ હકીકત છુપાવી શકાઈ નહોતી કે ગાંધીજીનું ઉપવાસ કરતાં જેટલું વજન ઓછું થતું હતું, લગભગ એટલું જ વજન બે ટંક ભોજન કરવા છતાંયે મહાદેવભાઈનું પણ થતું. ગાંધીજી ઉપવાસ ઉપર ઊતરે એટલે સ્વાભાવિક રીતે જ મહાદેવભાઈના સખત બોજામાં બીજો થોડો વધારો થઈ જતો. ઉપવાસના દિવસો અને ત્યાર બાદ તબિયત પાછી હતી તેવી ન થાય ત્યાં સુધીના દિવસોમાં यंग इन्डिया અને नवजीवनના તંત્રી તરીકેની જવાબદારી અને તેને કારણે ઉત્પન્ન થતી ચિંતા માથે ન રાખવાનું સાથીઓ ગાંધીજીને સમજાવી શક્યા હતા. તેમણે એટલાં અઠવાડિયાં પૂરતું यंग इन्डियाનું તંત્રીપદ સી. એફ. ઍન્ડ્રૂઝને અને नवजीवनનું તંત્રીપદ મહાદેવભાઈને સોંપ્યું હતું. આ બે જણને પસંદ કરવાનાં જે કારણો તેમણે વાચકોને આપ્યાં હતાં, તેમાં ગાંધીજીની આ બે ભક્ત સખાઓ અંગેની માનસિક છબી કેવી હતી તે પણ પ્રત્યક્ષ થાય છે. તેમણે ઍન્ડ્રૂઝસાહેબ વિશે લખ્યું હતું:

મારી આત્મશુદ્ધિના અને તે પછીના આરામના સમય દરમિયાન यंग इन्डियाનું તંત્રીપદ પોતે સંભાળવાનો ચાર્લી ઍન્ડ્રૂઝ આગ્રહ કરી રહ્યા છે. એમની એ માગણીનો હું સહર્ષ સ્વીકાર કરું છું. અમે તો સગા ભાઈ જેવા છીએ. અને દર અઠવાડિયે એ જ સંદેશો ઍન્ડ્રૂઝની મારા કરતાં વધારે સાદી અને શુદ્ધ શૈલીમાં વાંચતા વાચકોને આનંદ આવશે. આખરે અંગ્રેજી મારે માટે પરદેશી ભાષા કહેવાય. ચાર્લી ઍન્ડ્રૂઝ તો નિષ્ણાત રહ્યા. એટલે यंग इन्डियाનું તંત્રીપદ એમને સોંપતાં મને આનંદ જ થાય.

અને મહાદેવભાઈ વિશે લખ્યું: ‘नवजीवनનું તંત્રીપદ મહાદેવ દેસાઈ સંભાળશે. મારા સંદેશાને એમના કરતાં વધારે ચોક્કસ રીતે સમજાવી શકે એવો ગુજરાતીઓમાં બીજા કોઈ નથી.’૩૪

નોંધ:

૧. महादेवभाईनी डायरी – ૬ : પૃ. ૧૩૨થી ૧૩૪.

૨. એજન, પૃ. ૧૮૯-૧૯૦.

૩. રાજમોહન ગાંધી: अे वॉरियर फ्रॉम ध साउथ: પૃ. ૧૪૧-૧૪૨.

૪. એજન, પૃ. ૧૪૨.

૫. નરહરિ પરીખ: सरदार वल्लभभाई – ૧ : પૃ. ૨૫૯-૬૦.

૬. महादेवभाईनी डायरी – ૬ : પૃ. ૧૫૦.

૭. નરહરિ પરીખ: सरदार वल्लभभाई – ૧ : પૃ. ૩૫૨.

૮. ૧૧–૯–’૨૪ના यंग इन्डिया પરથી સાચવીને.

૯. લેખક: પંડિત સુંદરલાલ.

૧૦. લેખકો: અશોક મહેતા અને અચ્યુત પટવર્ધન, પ્રકાશક: નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ-૩૮૦ ૦૧૪

૧૧, गांधीजीनो अक्षरदेह – ૨૫ : પૃ. ૧૨૯. શ્રી શરદકુમાર ઘોષને તાર.

૧૨. महादेवभाईनी डायरी – ૬ : પૃ. ૧૯૦-૧૯૧.

૧૩. गांधीजीनो अक्षरदेह – ૨૫ : પૃ. ૧૬૬-૧૬૭. यंग इन्डिया, ૨૩–૧૦–૧૯૨૪, ભાષાંતર नवजीवन, ૨૮–૯–૧૯૨૪.

૧૪. એજન, પૃ. ૧૬૪-૧૬૫, यंग इन्डिया, ૨૫–૯–૧૯૨૪. ભાષાંતર: नवजीवन, ૨૧–૯–૧૯૨૪.

૧૫. महादेवभाईनी डायरी – ૬ : પૃ. ૧૯૧.

૧૬. એજન, પૃ. ૧૯૫.

૧૭. બાળકૃષ્ણ ભાવે — વિનોબાજીના અનુજ. તેઓ સંગીતજ્ઞ હતા.

૧૮. महादेवभाईनी डायरी – ૬ : પૃ. ૧૯૬.

૧૯. એજન, પૃ. ૧૯૬-૧૯૭માંથી સારવીને.

૨૦. મૌલાના મહમદઅલીને.

૨૧. महादेवभाईनी डायरी – ૬ : પૃ. ૧૯૭-૧૯૮.

૨૨. એજન, પૃ. ૨૦૧-૨૦૬ પરથી સારવીને.

૨૩. એજન, પૃ. ૨૦૯.

૨૪. એજન, પૃ. ૨૧૦.

૨૫. ઉપવાસ અંગેનાં સર્વ ઉદ્ધરણો महादेवभाईनी डायरी – ૬ : પૃ. ૧૯૬થી ૨૧૮માંથી સારવીને આપ્યાં છે.

૨૬. महादेवभाईनी डायरी – ૬ : પૃ. ૨૧૯.

૨૭. महादेवभाईनी डायरी – ૬ : પૃ. ૨૧૮.

૨૮, એજન, પૃ. ૨૨૧-૨૨૨.

૨૯. એજન, પૃ. ૨૩૫-૨૩૬.

૩૦. એજન, પૃ. ૨૩૬.

૩૧. એજન, પૃ. ૨૩૬, ૨૩૭.

૩૨. તા. ૧૩–૮–’૨૪ને દિને तेजના સંપાદકને લખેલ પત્ર.

महादेवभाईनी डायरी – ૬ : પૃ. ૧૩૭.

૩૩. महादेवभाईनी डायरी – ૬ : પૃ. ૨૪૧.

૩૪. गांधीजीनो अक्षरदेह – ૨૫ : પૃ. ૧૯૪.