અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ/છત્રીસ – અહીં અખંડ શાંતિ છે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
છત્રીસ – અહીં અખંડ શાંતિ છે

૧૯૩૨–’૩૩ની લડત રાજનૈતિક અને ઐતિહાસિક દૃષ્ટિએ એક અસાધારણ લડાઈ હતી. તેમાં નેતાઓને એકસામટા ગિરફતાર કરીને પહેલો ઘા સરકારે કર્યો હતો. હિંદમાં વાઇસરૉય વિલિંગ્ડન અને ઇંગ્લંડમાં કન્ઝર્વેટિવ પાર્ટીની સરકાર, બંનેની નીતિ બને તો, સ્વરાજ માટેની લડતને બળપૂર્વક કચડી નાખવાની હતી. તેથી બળજબરી કરવામાં તે જરાય પાછી પાની કરતી નહોતી. શરૂઆતમાં સરકારના આ હુમલાનો દેશે ઠીકઠીક ઉત્સાહથી જવાબ આપ્યો. પણ સમય જતાં, અને નેતાઓના જેલ જતાં, દોરવણીને અભાવે લોકોનો ઉત્સાહ ઓસરતો ગયો. આવડા મોટા દેશનો ઉત્સાહ અપૂર્વ સેવા, ત્યાગ અને બલિદાનના આંદોલનમાં ટકાવી રાખવો એ પણ કાંઈ જેવીતેવી વાત નહોતી.

પણ લૉર્ડ વિલિંગ્ડન અને બ્રિટિશ સરકાર બંનેને એક કાઠા આસામી જોડે પનારો પડ્યો હતો. એના સંગ્રામનાં આયુધો કાંઈક એવાં અવનવાં હતાં કે જેને પહોંચી વળવાની તાલીમ બ્રિટનના લશ્કરી સેનાપતિઓ કે રાજકારણી મુત્સદ્દીઓને મળી નહોતી. સામ, દામ, દંડ અને ભેદની ભાષા સમજનારા આ લોકોને સત્યની મુત્સદ્દીગીરી અટપટી લાગતી હતી. શસ્ત્રસજ્જ સેનાઓનો મુકાબલો કરતાં આ લોકો શીખ્યા હતા, પણ નિ:શસ્ત્ર — પ્રતિકાર એમને સારુ અવનવી વાત હતી. વળી ગાંધી પાસે બીજી બે એવી શક્તિઓ હતી કે જે સરકારી તંત્રને ભારે મૂંઝવણમાં મૂકી દે એમ હતી. ગાંધી પાસે ઈશ્વર વિશેની અપાર શ્રદ્ધા હતી, જે એને ગમે તેવી આફતોમાં પણ નિરાશ થવા નહોતી દેતી; અને એમની પાસે ‘રચનાત્મક કાર્યો’ હતાં, જે આંદોલનના ગમે તેવા આરોહઅવરોહ વખતે પણ એને પુષ્ટ કરતાં રહેતાં.

બબ્બે વાર ઈશ્વર પર શ્રદ્ધા રાખી, ઉપવાસ વખતે ગાંધી મૃત્યુના મુખમાંથી ઊગરી આવ્યા હતા. સરકારની ઇચ્છા તેમને જેલમાં મરવા દઈને પોતે બદનામી વહોરી લેવાની નહોતી. તેથી આત્મશુદ્ધિના ઉપવાસ વખતે શરૂઆતમાં જ તેણે ગાંધીજીને છોડી દીધા હતા અને બીજી વાર ઍન્ડ્રૂઝસાહેબની સમજાવટને લીધે છોડ્યા હતા.

પણ છૂટ્યા પછી ગાંધી કાંઈ જંપીને બેસી રહે એમ નહોતા. એમની પાસે કટોકટીને વખતે આશરો લેવાનું સાધન — રચનાત્મક કામ — હતું જ. તેમણે આ સારુ અસ્પૃશ્યતાનિવારણના કાર્યની પસંદગી કરી. મુક્તિયજ્ઞમાં શુદ્ધિ-સમિધનો હવિર્ભાગ ભળ્યો. બે વર્ષ પહેલાં તેમણે અસ્પૃશ્યો માટે ‘હરિજન’ શબ્દ વાપરવો શરૂ કર્યો હતો તે હવે વ્યાપક રીતે ચાલુ કર્યો.

હરિજનોના પ્રશ્નને લઈને સવર્ણ હિંદુઓમાં પશ્ચાત્તાપની ભાવના જાગ્રત કરવા અને અત્યાર સુધીના ઉપેક્ષિત રહેલા લોકોની જીવનનાં જુદાં જુદાં ક્ષેત્રે સેવા કરવા સારુ ફાળો ઉઘરાવવા કેદની બાકી રહેલી મુદતમાંથી લગભગ પોણો વરસ સુધી ગાંધીજીએ આખા દેશમાં યાત્રાઓ કરી. યરવડાના કરારને લીધે જે નિર્ણયો થયા હતા, અને ખાસ કરીને ગાંધીજીએ હરિજનોને મંદિરોમાં પ્રવેશ કરવા દેવા, ગામનાં સાર્વજનિક જળાશયોમાંથી પાણીનો ઉપયોગ કરવાની છૂટ આપવા, એમનાં બાળકોને કશા અંતરાય વિના બીજાં બાળકો જોડે શાળામાં બેસવા દેવા વગેરેનો પ્રચાર કરવા માંડ્યો. તેને લીધે આ દેશના ઘણા સનાતની લોકો રોષે ભરાયા. અનેક સ્થળોએ એમની સાથે શાસ્ત્રાર્થ કરવા સારુ પંડિતોએ પ્રયાસ કર્યા. અને જ્યાં શાસ્ત્ર ન ફાવ્યું ત્યાં શસ્ત્ર વાપરવાના પણ પ્રયાસો થયા. ગાંધીજીના વાહન પર પ્રહાર થયા. એમના શરીર ઉપર પ્રહારના પ્રયાસો થયા અને એમની યાત્રામાં અંતરાયો નાખવાના પણ પ્રયાસો થયા.

પેલી બાજુ જેમને યરવડા-કરારને લીધે બીજા હિંદુઓની જેમ કેટલીક નાગરિક સ્વતંત્રતા મળવી જોઈતી હતી તેમને સનાતનીઓના આ પ્રકારના અંતરાયોથી ખૂબ ચીડ ચઢી અને એ લોકોએ પણ ઠેર ઠેર દ્વેષ અને આવેશપૂર્ણ ભાષા વાપરી પ્રવચનો કરવા માંડ્યાં.

ગાંધીજીની અહિંસાની આ બેય બાજુથી કસોટી હતી. તેમણે સનાતનીઓની જોડે પણ વિનય અને નમ્રતાથી વાતચીત કરીને અસ્પૃશ્યતા દૂર કરવા પદાર્થપાઠ આપ્યો. અને પોતાના સાથીઓને પણ ધીરજ રાખવા અને પ્રેમથી સમજાવતાં જો કાંઈ કષ્ટ આવી પડે તો તે સહી લેવા સમજાવ્યું. તેમણે હરિજનો જો ક્રોધભરી વાણી ઉચ્ચારતા હોય તો તેમને માટે એ સ્વાભાવિક હતું એમ સમજાવ્યું અને સદીઓથી એમની ઉપર ગુજારવામાં આવેલા અન્યાય અને દમનની આવી જ સ્વાભાવિક પ્રતિક્રિયા થાય એમ સાથીઓનાં મનમાં ઠસાવ્યું.

આ હરિજનયાત્રા દરમિયાન મહાદેવભાઈ લગભગ આખો સમય જેલમાં જ હતા. તેથી ગાંધીજીની વાતને લોકો સુધી પહોંચાડનાર મોટું તત્ત્વ ગેરહાજર હતું એમ કહી શકાય. ગાંધીજીના ઘણાખરા સાથીઓ પણ આ કાળ દરમિયાન ઓછોવત્તો સમય કારાવાસમાં જ હતા. તેથી આ નવા ઉપાડેલા કામ સારુ ગાંધીજીને ઠેર ઠેર નવા નવા કાર્યકર્તાઓ તૈયાર કરવા પડ્યા.

ઘનશ્યામદાસ બિરલાને ગાંધીજીએ હરિજન સેવક સંઘની અધ્યક્ષતા સોંપી હતી. સામાન્ય રીતે તો ગાંધીજી પોતે જ રચનાત્મક સંસ્થાઓમાં અધ્યક્ષસ્થાનની જવાબદારી સંભાળતા, પણ હરિજન સેવક સંઘની સીધી જવાબદારી તેમણે સંભાળી નહોતી.

હરિજન સેવક સંઘના મંત્રી તરીકે શ્રી અમૃતલાલ વિ. ઠક્કર હતા, જે ઠક્કરબાપા તરીકે જાણીતા હતા.

શ્રીમતી રામેશ્વરી નેહરુને પણ ગાંધીજીએ હરિજનસેવાની પ્રવૃત્તિમાં સક્રિય કરેલાં. કૉંગ્રેસના તેમના સાથીઓમાં રાજાજી અને જમનાલાલજીનો સાથ આ પ્રવૃત્તિમાં વિશેષ હતો. વળી પ્રાંત પ્રાંતમાં અસ્પૃશ્યતાનિવારણના કામને જીવન સમર્પણ કરનાર લોકો પણ નીકળ્યા હતા. તેમાં મહારાષ્ટ્રમાં આપ્પાસાહેબ પટવર્ધન, ગુજરાતમાં મામાસાહેબ ફડકે અને કેરળમાં શ્રી કેલપ્પનનાં નામો વિશેષ ઉલ્લેખનીય છે. ગાંધીજીની એક ખૂબી એ હતી કે એમણે જે કોઈ રચનાત્મક પ્રવૃત્તિ ઉપાડી તેમાં પૂરું જીવન સમર્પણ કરનાર લોકો તેમને દેશમાં ખૂણે ખૂણેથી મળી રહ્યા. હરિજનયાત્રા પૂરી થયા પછી પણ ગાંધીજીએ સ્ટેશને સ્ટેશને હરિજન કાર્ય સારુ ભિક્ષા માગવાનું તો ચાલુ જ રાખ્યું હતું.

જુલાઈ ૧૯૩૪ના આરંભમાં મહાદેવભાઈ બેલગામની હિંડળગા જેલમાંથી છૂટ્યા ત્યારે ગાંધીજીની હરિજનયાત્રા લગભગ સમાપ્ત થવા આવી હતી. મહાદેવભાઈ છૂટ્યા ત્યારે ગાંધીજી કરાંચીમાં હતા. પણ એમની પાસે આવતાં પહેલાં મહાદેવભાઈએ ગુજરાત જઈને દુર્ગાબહેન તથા બાબલાને મળી લેવું એવો ગાંધીજીનો આગ્રહ હતો. તેથી કરાંચીથી પાછા ફરતાં તેઓ લાહોર આવે ત્યારે ત્યાં જ મહાદેવભાઈએ ગાંધીજી સાથે જોડાવું એમ નક્કી થયું હતું. આ મિલનનો હર્ષ મહાદેવભાઈને કેટલો હતો એ તો વાચક કલ્પી શકે છે, પણ એ હર્ષ ગાંધીજીને પણ ઓછો નહોતો. કરાંચીથી લખેલા ઢગલાબંધ પત્રોમાં ગાંધીજીએ લોકોને એ માહિતી આપી છે કે મહાદેવ તેમની સાથે લાહોરથી જોડાવાના હતા. લાહોર આવતાં પ્યારેલાલ પણ દિલ્હીથી મહાદેવભાઈ સાથે થઈ ગયા હતા એટલે ગાંધીજીની આસપાસ તો કુટુંબમેળો પાછો જામતો ગયો. કસ્તૂરબા અને કાકાસાહેબ આ યાત્રામાં આગળથી જોડાયાં હતાં.

આ અગાઉ હરિજનયાત્રા દરમિયાન, ફેબ્રુઆરી ૧૯૩૪ના આરંભમાં, ગાંધીજી બેલગામ જવાના હતા. તે વખતે ત્યાંની હિંડળગા જેલમાં સ્ત્રીવિભાગમાં મણિબહેન પટેલ પણ હતાં. બેલગામ જતા જ હતા તો મણિબહેન અને મહાદેવભાઈને જેલમાં મળી શકાય એટલા સારુ ગાંધીજીએ ખાસ મુંબઈ સરકારના ગૃહમંત્રીને પત્ર લખ્યો હતો, પણ સરકારે તેમને મુલાકાત લેવાની પરવાનગી આપી નહોતી. ગાંધીજી ત્યાં હોય તે જ વખતે કેદીઓનાં કુટુંબીજનો તરીકે ડાહ્યાભાઈ વલ્લભભાઈ પટેલ તથા દુર્ગાબહેને પોતપોતાની જેલ મુલાકાત ગોઠવી હતી. તેથી ડાહ્યાભાઈ તથા દુર્ગાબહેન, બાબલો અને જીવણજીભાઈ ગાંધીજીની યાત્રામાં અને જેલમાં પોતપોતાના સંબંધી કેદીઓને મળી શક્યાં હતાં. આ લોકો પાસે જેલની તેમની મુલાકાત પછી ગાંધીજીએ મહાદેવ અને મણિબહેન વિશે છેલ્લામાં છેલ્લા સમાચાર મેળવ્યા હતા. મહાદેવના તો એક જ સમાચાર હતા — તેઓ પુસ્તક લખવામાં મશગૂલ હતા. ગાંધીજીએ તેમને કસરત કરવાનું ન ચૂકવાની અને આંખો ન બગડે તેની કાળજી રાખવાની ખાસ સૂચના મોકલાવી હતી.

લાહોર પછી ગાંધીજી ત્રણેક દિવસ કલકત્તામાં રહ્યા પછી કાનપુર ગયા હતા. ત્યાંથી તેઓ બનારસ ગયા હતા. કાશીમાં રાજકારણથી અલગ રહી હરિજનસેવાના કામમાં જ સમય આપવાનો ગાંધીજીનો એક વર્ષનો સંકલ્પ પૂરો થતો હતો. ત્યાં પણ સનાતની હિંદુઓએ અસ્પૃશ્યતા અંગે પોતાના અલગ વિચારો તો પ્રદર્શિત કર્યા જ હતા. વૈચારિક દૃષ્ટિએ ગાંધીજી કે સનાતનીઓ એકબીજાને પોતાના વિચારથી ચળાવી શક્યા નહોતા. જોકે પંડિત લાલનાથ જેવા કેટલાક લોકોએ આ વર્ષ દરમિયાન સતત વિરોધી દેખાવો કર્યા હતા છતાં આ પ્રશ્ન અંગે ગાંધીજીની વિરુદ્ધ તીવ્ર વિરોધ રહ્યો નહોતો એમ કહી શકાય.

અજમેરની એક સભામાં લાલનાથ કાળા વાવટા લઈ દેખાવો કરતા હતા ત્યારે સભામાં ગાંધીજીને સાંભળવા આવેલા લોકોએ ઉશ્કેરાઈને લાલનાથ અને તેના લોકોને ધક્કે ચડાવ્યા હતા. ઝપાઝપીમાં લાલનાથને વાગ્યું પણ હતું, ગાંધીજીએ આ રીતે ચીડ પ્રદર્શિત કરનારને સખત ઠપકો આપ્યો હતો. અને પછી પ્રાયશ્ચિત્ત તરીકે ઉપવાસ પણ કર્યા હતા. લાલનાથ અંગે એક પત્રમાં ગાંધીજી વલ્લભભાઈને લખે છે:

લાલનાથ એટલામાં સારામાં સારો માણસ જણાયો છે. તે બહાદુર પણ છે. આપેલાં વચન પાળ્યાં છે. બાકી મારી નિંદા તો કરે જ. એ હક તો બધાયને છે. એણે આ પહેલી વાર માર નથી ખાધો… તેણે કદી પોલીસને ફરિયાદ નથી કરી. ઘણે ભાગે પોલીસનું રક્ષણ પણ નથી માગતો. પોતાના માણસો ઉપર કાબૂ પણ સારો રાખે છે. આપણા માણસોની ઉપર મેં કઠણ અંકુશ ન રાખ્યો હોત તો એઓ બહુ ઘાયલ થયા હોત ને આપણું કામ રોકાઈ જાત. આજે જ એક માણસ લખે છે કે લાલનાથની સામે ઉશ્કેરણી કરવામાં એનો હાથ હતો. એ પ્રાયશ્ચિત્ત માગે છે. એ માણસ આપણો સરસ કાર્યકર્તા છે. કવિ છે. હવે કહેજો કે ઉપવાસ કર્યા તે ઠીક ન કર્યું?…૧

કાશીની એક સભામાં ગાંધીજી અને સનાતની હિંદુઓએ એક મંચ પરથી સભાને સંબોધી હતી. બેઠકનું વાતાવરણ સૌહાર્દપૂર્ણ હતું.

૧૯૩૪ના મે માસમાં કૉંગ્રેસમાં કામ કરતા સમાજવાદી કાર્યકર્તાઓએ કૉંગ્રેસ સોશિયાલિસ્ટ પક્ષની સ્થાપના કરી હતી. એ વિચારનો જન્મ મૂળ જુદી જુદી જેલોમાં થયેલો. જેલમાંથી છૂટ્યા બાદ મુંબઈ અને પટણાની બેઠકોમાં પક્ષને બંધારણીય સ્વરૂપ આપવામાં આવ્યું હતું. પક્ષના પ્રમુખ આચાર્ય નરેન્દ્રદેવ અને મહામંત્રી જયપ્રકાશ નારાયણ ચૂંટાયા હતા. તેના એક મંત્રી તરીકે મીનુ મસાણીએ પોતાની સંગઠનશક્તિનો સારો પરિચય આપ્યો હતો. કૉંગ્રેસ સમાજવાદી પક્ષમાં ઉપરોક્ત પદાધિકારીઓ ઉપરાંત ડૉ. રામમનોહર લોહિયા, અચ્યુત પટવર્ધન, યૂસુફ મેહરઅલી, શ્રીપ્રકાશ, અશોક મહેતા વગેરે જાણીતા બૌદ્ધિકો હતા.

કાશીમાં આ લોકો ગાંધીજીને મળવાના હતા તે વખતે વલ્લભભાઈ પણ હાજર રહી શકે તો ‘બનારસની આફતમાંથી બચવામાં બાપુને તમારી ઘણી મદદ મળવાનો સંભવ છે.’૨ એમ મહાદેવભાઈને લાગતું હતું, પણ વલ્લભભાઈ નાદુરસ્ત તબિયતને કારણે તે જ વખતે મળેલી કૉંગ્રેસ કારોબારીની બેઠકમાં હાજરી આપી શક્યા નહોતા. યરવડાની જેલ દરમિયાન ગાંધીજી, સરદાર અને મહાદેવભાઈની રોજેરોજ એટલી ગોઠડીઓ ચાલતી કે દેશ કે દુનિયાની કોઈ બાબત પણ એમની વાતોના પરિઘથી બહાર રહી જતી નહીં હોય. તેથી જ છૂટા પડ્યા ત્યારે ગાંધીજી અને મહાદેવભાઈ અવારનવાર સરદારનું સ્મરણ કર્યા કરતા. જરૂર જણાય ત્યાં ત્રણેય એકબીજાને પત્રો દ્વારા સલાહ પણ આપતા. દાખલા તરીકે, ૨૧–૭–’૩૪ના કલકત્તાથી લખેલા પત્રમાં મહાદેવભાઈ સરદારને લખે છે: ‘તમે [જેલથી બહાર] આવીને તરત જ ભડાકા કરવા માંડ્યા એ એક રીતે સરસ છે, કારણ કે કાયરતા અને બાયલાપણાને માટે બીજો ઉપાય નથી. પણ કદાચ બીજી રીતે જોતાં એમાં ઉતાવળ થતી હોય. તમે બહાર આવ્યા છો તો હવે એનો લાભ ખેડૂતોને અને બીજા ભાંગેલા લોકોને પૂરેપૂરો લેવા દો. ઍસેમ્બલીમાં બધાને વિદાય કરીને તમે પાછા પોતાના ઘરે [જેલમાં] જવાની વાત કરો છો. પણ ત્યાં સુધી તો સખ વાળીને બેસવું જોઈએ ને?’૩

સમાજવાદીઓ જોડે ગાંધીજીની થયેલી ચર્ચાઓની મહાદેવભાઈ ખૂબ ઝીણવટથી નોંધ લે છે.

એ ચર્ચાઓમાં બંને પક્ષે એવી ફરિયાદ હતી કે બંનેએ સામા પક્ષનું સાહિત્ય ઝાઝું વાંચ્યું નહોતું. ગાંધીજીની વધારાની ફરિયાદ એ હતી કે સમાજવાદીઓ ભારતની વાસ્તવિકતાનો ખ્યાલ રાખ્યા વિના પોતે વાંચેલા વિચારો આ દેશમાં લાગુ કરવા માગતા હતા. રાજનૈતિક બાબતમાં સમાજવાદીઓની તૈયારી ગાંધીજીને બાજુએ રાખીને કૉંગ્રેસની લગામ હાથમાં લેવાની નહોતી. પણ ગાંધીજીની પોતાની વૃત્તિ તે વખતે કૉંગ્રેસમાંથી નિવૃત્ત થઈ જવાની હતી.

લગભગ આ જ દિવસોમાં કૉંગ્રેસ કારોબારી જોડે ગાંધીજી એ પ્રશ્નને ચર્ચી રહ્યા હતા… કોઈ કૉંગ્રેસ આગેવાન આ વાત સીધી તો સ્વીકારી લે એમ હતું નહીં, પણ ગાંધીજીએ જરૂર પડ્યે સલાહ આપવાનું સ્વીકારી કૉંગ્રેસમાંથી નિવૃત્ત થવાની લગભગ સંમતિ કારોબારી પાસેથી મેળવી લીધી હતી.

ગાંધીજીને લાગતું હતું કે કૉંગ્રેસનો સડો અસહ્ય થઈ ગયો હતો, અને તેમને એમ લાગતું હતું કે કૉંગ્રેસમાં પોતાનું કામ તેઓ કરી પરવાર્યા હતા. હવે તેઓ કૉંગ્રેસને સારુ બંધનરૂપ થઈ ગયા હતા. ગાંધીજીએ એમ પણ જણાવ્યું હતું કે જો એમના કૉંગ્રેસમાંથી નીકળવાની અસર ખરાબ થઈ શકે એમ તેમને લાગશે તો તરત કૉંગ્રેસના ચાર આનાના સભ્ય થઈને પાછા જોડાશે અને જરૂર હોય તો કારોબારી સુધી જશે.

શ્રી ગોવિંદ વલ્લભ પંતે એવું સૂચવ્યું હતું કે ગાંધીજી તત્કાલ કોઈ નિર્ણય ન લે, પણ અનાસક્તિપૂર્વક કૉંગ્રેસનું કામકાજ જુએ. જો એમને એમ લાગે કે કૉંગ્રેસમાં કોઈ અનૈતિક કામ કરે છે તો તરત વચ્ચે પડીને એને રોકવા પ્રયત્ન કરે. ગાંધીજીને આ સૂચન પસંદ આવ્યું હતું.

આ દિવસોમાં શ્રી અમૃતલાલ શેઠ જોડે દેશી રાજ્યો સંબંધે વાત કરતાં ગાંધીજીની જે મનોવૃત્તિ હતી તે તેમણે ઉચ્ચારેલ એક વાક્યમાં વ્યક્ત થાય એમ છે. તેમણે કહ્યું હતું:

‘મારો માર્ગ નોખો છે — તમારો નોખો છે, મારે માર્ગે તમે મને ચાલવા દો તો હું તમને મદદ કરી શકીશ. પણ તમારે માર્ગે ચલાવવા લાગશો તો મારે અટવાવું પડશે.’૪ આ જ વાક્ય ગાંધીજી તે વખતે કૉંગ્રેસને કહી શક્યા હોત, ને સમાજવાદીઓને કહી શક્યા હોત. પણ શું દેશી રાજ્યોમાં કામ કરનારા હોય કે શું બ્રિટિશ હિંદમાં, શું કૉંગ્રેસ કારોબારીના સભ્યો હોય કે શું કૉંગ્રેસ સમાજવાદી પક્ષના, સૌને ગાંધીજીનું નામ જોઈતું હતું, પણ કામ પોતપોતાની રીતે કરવું હતું. તેથી ગાંધીજીએ એ બધામાંથી ખસી જઈ રચનાત્મક કામોમાં જ શક્તિ લગાડવાનું નક્કી કર્યું હતું. તેવામાં વળી ૧૯૩૬ના મે માસમાં વર્ધાને બદલે સેગાંવ જઈને રહેવાનું નક્કી કર્યું ત્યારે રચનાત્મક કામમાં પણ વધુ ઊંડા ખૂંચી જવાનું ઠરાવ્યું.

આ જ અરસામાં ગાંધીજીએ હરિજન સેવક સંઘ તથા અ. ભ. ગ્રામોદ્યોગ સંઘની સ્થાપનામાં સક્રિય હિસ્સો લીધો હતો. અ. ભા. ચરખા સંઘ તો નવ-દસ વર્ષ પહેલાં સ્થપાઈ ચૂક્યો હતો. પણ કાંતનારીઓને વેતનની દૃષ્ટિએ ન્યાયપૂર્ણ મજૂરી મળે એવો આગ્રહ રાખીને તેમણે ચરખા સંઘને પણ નવસંસ્કરણને રસ્તે વાળ્યો.

પોતે જેલમાંથી છૂટીને આવ્યા પછી ૧૯૩૪ના મે માસમાં ગાંધીજીએ રાષ્ટ્રીય સવિનયભંગને પાછો ખેંચી લઈને પોતાના પૂરતો મર્યાદિત કરી દીધો હતો. પોતે પણ ચાહીને જેલ વહોરી લેવાનું ટાળવા માગતા હતા. આખું આંદોલન પાછું ખેંચવા પાછળ સત્યાગ્રહીઓએ જેલની અંદર દેખાડેલો વહેવાર એ નિમિત્ત બન્યું હતું. વર્ષોજૂના એક આશ્રમવાસી શ્રી વાલજીભાઈ દેસાઈએ જેલમાં સોંપવામાં આવેલાં કામો ન કરતાં વાંચવા-લખવામાં સમય ગાળેલો એનો દાખલો ગાંધીજીએ આપ્યો હતો. જવાહરલાલજીને આમાં ગાંધીજીનું ચોખલિયાપણું દેખાતું હતું.

આખા દેશની દૃષ્ટિએ જોઈએ તો ગાંધીજીનો સામૂહિક સત્યાગ્રહ સ્થગિત કરવાનો આ નિર્ણય, જોકે એમણે પોતે તો પોતાની સત્યનિષ્ઠા અને સત્યાગ્રહી વૃત્તિને લીધે લીધો હતો, પણ એક સંગ્રામના સેનાપતિ તરીકે એમને એક કુશળ વ્યૂહરચનાકાર તરીકે સંમાન અપાવે તેવો હતો. એમ જોઈએ તો આ ચળવળનો આરંભ દાંડીકૂચથી જ થયો હતો. ગાંધી-અર્વિન સંધિ વખતે પણ દેશને ભાગ્યે જ વિસામો ખાવાનો મોકો મળ્યો હતો. કારણ, સરકારપક્ષે એની નોકરશાહીએ તો સંધિ થતાંની સાથે જ એનો ભંગ કર્યો હતો. જપ્તીઓ, ધમકીઓ, ધરપકડો વગેરે તો ગાંધીજી ગોળમેજી પરિષદમાં ગયા ત્યારે પણ ચાલુ રહ્યું હતું. એટલે ઘણા કાર્યકર્તાઓને સહજ વિસામાની જરૂર હતી. સામૂહિક કાનૂનભંગ મુલતવી રાખવાથી તે વિસામો નાનામોટા કાર્યકર્તાઓને મળી રહ્યો. આવા કાળમાં વ્યાપક નિરાશા ન આવી જાય તે જોવાની જવાબદારી પણ આંદોલનના નેતાની ગણાય. અનેક પ્રકારની રચનાત્મક પ્રવૃત્તિઓ કરીને તથા પોતાનો પ્રવાસ લગભગ અખંડ રીતે ચાલુ રાખીને ગાંધીજીએ નિરાશાની આડે પણ પાળ બાંધી દીધી હતી.

આ આખી વ્યૂહરચનામાં મહાદેવભાઈનું સ્થાન શું અને ક્યાં હતું? ગાંધીભક્તિ દ્વારા, દેશભક્તિ દ્વારા ચિત્તશુદ્ધિનો એમણે પોતાને સારુ જે સ્વધર્મ સ્વીકાર્યો હતો, તેને લીધે મહાદેવભાઈને આ અંગે નિર્ણય કરવામાં કશી જ મુશ્કેલી આવી નહીં. અત્યંત સ્વાભાવિક રીતે તેઓ લાહોરમાં ગાંધીજીની સાથે જોડાઈ ગયા. અને દેશે પણ આટલી જ સહજતાથી માની લીધું કે મહાદેવભાઈનું સ્થાન તો ગાંધીજીની સાથે જ હોય ને?

હા, ગાંધીજીના કાંતણ વગેરેના પ્રયોગોની સાથે મહાદેવભાઈના પ્રયોગો પણ ચાલતા હતા તેમાં આ કાળમાં થોડી વૃદ્ધિ થઈ.

સાબરમતી આશ્રમમાં ગાંધીજી સ્વરાજ ન મળે ત્યાં સુધી પાછા ન આવવાને પ્રતિજ્ઞાબદ્ધ હતા. તેથી જેલમાંથી છૂટીને આવ્યા ત્યારે ૧૯૩૧ના માર્ચ માસમાં શેઠ રણછોડદાસને ઘેર ઊતર્યા હતા અને ૧૯૩૩ના ઑગસ્ટની ૧લીએ ત્યાંથી જ પકડાયા હતા. બીજી-ત્રીજી વાર પણ તેઓ અમદાવાદ આવ્યા ત્યારે આશ્રમમાં ઊતર્યા નહોતા. પણ રાસ તરફની કૂચ નિમિત્તે જ્યારે સર્વ આશ્રમવાસીઓને ગિરફતાર કરવામાં આવ્યા ત્યારે આશ્રમના પરિવારવાળા સભ્યો આગળ એક કોયડો આવ્યો હતો. જ્યારે દુર્ગાબહેન, મણિબહેન,૫ વેલાંબહેન૬ વગેરે છૂટીને આવ્યાં ત્યારે તેમણે ક્યાં રહેવું? એમનાં બાળકો તો અનસૂયાબહેનના છાત્રાલયમાં હતાં ત્યાંથી છૂટીને પોતાની માતાઓને વીંટળાઈ વળવા તત્પર જ હતાં. પણ બધાંએ રહેવું ક્યાં? મણિબહેનનું પિયેર અમદાવાદમાં જ હતું, પણ એ બધાંયનું ‘ઘર’ તો આશ્રમમાં જ હતું. નરહરિભાઈ છૂટીને આવ્યા ત્યાર બાદ એ સૌને ભદ્રમાં કૉંગ્રેસ હાઉસના મેડા પર રહેવાનું ઠર્યું હતું. બાળકોને તો આ વ્યવસ્થાથી આનંદ આનંદ થઈ ગયો હતો, પણ એ તો કામચલાઉ વ્યવસ્થા હતી. ગાંધીજીએ જ્યારે આશ્રમને હરિજન સેવક સંઘને સમર્પિત કર્યો ત્યાર પછી થોડા દિવસે આ બધાં પાછાં આશ્રમમાં પોતપોતાના જૂના ઘરે રહેવા ગયાં હતાં. અને ફરી પાછી આગલી ચાલીમાં ‘ગોકુળ પરી’ જેવું કલ્લોલતું વાતાવરણ થઈ ગયું હતું. ગૂજરાત વિદ્યાપીઠ પરથી ૧૯૩૪ના ઑક્ટોબર માસમાં જપ્તી ઊઠી જતાં તેનું વિનયમંદિર શરૂ થયું હતું અને આશ્રમનાં ઘણાંખરાં બાળકો ત્યાં ભણવા જવા લાગ્યાં હતાં.

ગાંધીજીને સારુ જમનાલાલજીએ વર્ધામાં સંતરાંની એક વાડી મોટા બે માળના મકાન સાથે ખાલી કરી આપી હતી. એટલે થોડા મહિનાઓ સુધી ગાંધીજી ત્યાં રહ્યા હતા. મગનલાલ ગાંધીની સ્મૃતિમાં એ વાડીને ‘મગનવાડી’ નામ આપવામાં આવ્યું હતું.

ગાંધીજી વર્ધા હતા ત્યારે તેમણે વર્ધા શહેરની તદ્દન નજીકનાં ગામડાંઓની અવસ્થા જોઈ. એમનું ધ્યાન સૌથી વધુ ગયું એ ગામડાંની પારાવાર ગંદકી તરફ. ગાંધીજીએ પોતાના સાથીઓ જોડે નિયમિત ગ્રામસફાઈ શરૂ કરી, ‘મગનવાડી’ની પડખે જ આવેલા રામનગર વિસ્તાર અને સિંદી ગામની શેરીઓમાં તેમણે મનુષ્યનો મળ ખુલ્લો પડેલો જોયો. ગાંધીજીએ પોતાની મંડળીને ડોલ-પાવડા આપ્યાં અને મળ ઉપાડવા માંડ્યો. ગાંધીજીએ શરૂ કરેલું આ કામ મીરાંબહેને ઉપાડી લીધું. મહાદેવભાઈ આવ્યા ત્યારથી એમના રોજના કામમાં સિંદી ગામની સફાઈના કામનો ઉમેરો થયો.

આવા સમાચાર કાંઈ સરદારને આપ્યા વિના રહેવાય? ૩૦–૩–’૩૫ના પત્રમાં મહાદેવભાઈ તેમને લખે છે:

‘અમારું પાયખાનાં ઉપાડવાનું કામ ચાલે છે. મહાભારત કામ છે. લોકોને જરાય શરમ નથી; લાગણી પણ નથી. થોડા દિવસમાં એમ માનતા થાય તો આશ્ચર્ય નહીં કે આ લોકો અમારા ભંગી જ છે!’૭

૨૧–૧૧–’૩૫ને રોજ ફરી લખે છે:

‘સિંદી ગામમાંથી મીરાં હારીને ભાગી રહી છે. એટલે ત્યાં પણ કટોકટીનો પ્રસંગ આવવાનો. આ સંજોગોમાં મારાથી કેમ નીકળાય? બાપુ પોતે પણ રજા આપવા તૈયાર નથી…’૮

સિંદી ગામનું કામ કેવી પરિસ્થિતિમાં શરૂ થયું તેનું વર્ણન મીરાંબહેનના શબ્દોમાં:

આ ગામનાં સ્ત્રી તેમ જ પુરુષો ગામની છેક નજીકના રસ્તાની બંને બાજુએ ઝાડે જવા બેસતાં હતાં. આ વાત મેં બાપુને કહી. તેમણે તરત જ કહ્યું, ‘આ લોકોને સ્વચ્છતાની તાલીમ આપવાની આપણી ફરજ છે. અને તેઓ આપણી વાત ન સાંભળતાં જાહેર રસ્તાનો એવો ઉપયોગ કરવાનું ચાલુ રાખે તો આપણે જાતે એ રસ્તા સાફ કરવા જઈએ.’ ગામના લોકોએ અમારી સમજાવટને કાને ના ધરી. એટલે બાપુએ મને ડોલ અને પાવડો લઈને તથા જે સ્વયંસેવકો મારી સાથે આવવા તૈયાર થાય તેમની સાથે જઈને દરરોજ સિંદીની આસપાસના રસ્તાઓ સાફ કરવાનું જણાવ્યું…૯

લગભગ એક વર્ષ પછી જ્યારે દુર્ગાબહેન અને બાબલો ‘મગનવાડી’ રહેવા આવ્યાં ત્યારે મીરાંબહેન અને ગાંધીજી તો સેગાંવ રહેવા ચાલ્યાં ગયાં હતાં. ત્યારે પણ ઘણા વખત સુધી મહાદેવભાઈએ સિંદી ગામની સફાઈનું કામ યજ્ઞભાવે ચાલુ રાખ્યું હતું. ત્યારે બાબલો પણ આ કામમાં ભળ્યો હતો, પણ તેણે ગાંધીજી સાથે આ બાબતમાં પ્રશ્નોત્તરી ચલાવેલી. એમાંથી થોડી જોઈએ:

બાપુને મેં પ્રશ્ન કર્યો, ‘બાપુ, આ કામથી શો લાભ? એમની ઉપર તો કશી અસર જ નથી થતી. ઊલટા અમને આવી આવીને હુકમ કરે છે કે પેલી બાજુ સાફ કરતા જાઓ.’

બાપુએ કહ્યું: ‘બસ, એટલામાં થાકી ગયો! મહાદેવને પૂછ, કેટલા વખતથી સફાઈ કરે છે. એમના કામમાં ભક્તિ છે, એવી તારામાં પણ આવવી જોઈએ. અસ્પૃશ્યતાનું કલંક કંઈ જેવુંતેવું નથી. એ દૂર કરવા તો આપણે લાંબું તપ કરવું પડશે.’

પણ એટલી દલીલ હું માનું એમ નહોતો, ‘પણ બાપુ, એમનામાં સુધાર ન થાય તો સફાઈ કરવામાં ફાયદો શો?’

બાપુએ ચર્ચાને નવો વળાંક આપતાં કહ્યું: ‘કેમ, સફાઈ કરનારને તો ફાયદો થાય છે ને? એને તાલીમ મળે છે.’

હું: ‘પણ તાલીમ ગામવાળાઓને પણ મળવી જોઈએ ને?’

બાપુ હસીને બોલ્યા: ‘તું તો વકીલ છે વકીલ. પણ તારી વાતમાં તથ્ય છે ખરું. એમને તાલીમ આપતાં આવડી જાય તો તો હું નાચું.’

પોતાની વાતને આગળ ચલાવતાં બાપુએ કહ્યું: ‘તારી જગ્યાએ હું હોઉં તો ધ્યાનપૂર્વક જોઉં. કોઈ મળત્યાગ કરીને ઊઠે કે તરત ત્યાં દોડી જાઉં, એના મળમાં ખરાળી ભાળું તો એની પાસે પહોંચી જાઉં ને નમ્રતાથી એને કહું કે, “ભાઈ, તમારું પેટ બગડ્યું છે, માટે ફલાણો ઉપચાર કરવો જોઈએ.” અને એમ કરીને એમનું હૃદય જીતું!’

મને ચૂપ રહેલો જોઈને બાપુનો ઉત્સાહ વધી જતો. તેઓ કહેતા: ‘મારું ચાલે તો એ રસ્તા વાળીચોળીને સાફ કરું. એટલું જ નહીં, પણ ત્યાં ફૂલના છોડ રોપું. રોજ એને પાણી પાઉં અને અત્યારે જ્યાં અવ્યવસ્થિત ઉકરડા છે ત્યાં બગીચા બનાવું. સફાઈનું કામ તો એક કળા છે, કળા…’૧૦

ગાંધીજીને દુનિયા આગળ રજૂ કરવા એ મહાદેવભાઈનું મુખ્ય કામ ૧૯૩૪–૧૯૩૫ના ગાળામાં પણ અવિશ્રાન્ત ચાલેલું.

વિદેશથી ખાસ ગાંધીજીની મુલાકાત કરવા આવેલ એક બૅરિસ્ટર કન્યા વિદ્યાલયના પ્રમુખ ડૉ. ડોડ સાથેની મુલાકાતનો થોડો ભાગ:

પ્ર. તમારો મુખ્ય ઉદ્દેશ શું છે શ્રી ગાંધી?

ઉ. મુખ્ય ધ્યેય તો ખુલ્લેખુલ્લું છે; ભારતના સાક્ષર અને ધની લોકો માટે નહીં પણ મૂંગા કરોડો માટે સ્વાતંત્ર્ય મેળવવું એ.

પ્ર. અને તમારી કાર્યપદ્ધતિ શું?

ઉ. બહુ કોઈ તરકીબો નથી. પણ નિર્ભેળ સત્ય અને અહિંસાનો એક રસ્તો છે… મારા કાર્યક્રમમાં મધ્યવર્તી વાત હોય તો રેંટિયાની છે…

પ્ર …બેકારી દૂર કરવા તમે રેંટિયાને યોજ્યો છે, પણ સાથે સાથે તમારે મન એ નૈતિક અને આધ્યાત્મિક પ્રતીક પણ છે.

ઉ. હા, સત્ય અહિંસાનું પ્રતીક છે. એક રાષ્ટ્ર તરીકે જ્યારે અમે રેંટિયો સ્વીકારીએ ત્યારે અમે બેકારીનો ઉપાય શોધીએ છીએ. એટલું જ નહીં પણ સાથે બીજા કોઈ રાષ્ટ્રનું શોપણ કરતા નથી, અને ધનવાનો દ્વારા ગરીબોના શોષણનો પણ અંત આણીએ છીએ… તમારે ત્યાં બેકારીનો પ્રશ્ન છે, પણ એ તમારો બનાવેલો છે. અમારી બેકારી ફક્ત અમારી બનાવટને કારણે જ નથી.

પ્ર. તમે સૌથી સંતોષજનક સિદ્ધિ ગણતા હો તો તેને વિશે મારે એમને [યુવક-યુવતીઓને] વાત કરવી છે. આ યુવાન લોકો જેની પાછળ જિંદગીભર ઝંખના કરે એવી કઈ વસ્તુ એમની સામે મૂકું?

ઉ. …માનહાનિ અને હારની વચ્ચે ખૂબ ઝંઝાવાતોવાળી જિંદગી જીવવા છતાં સત્ય એ જ પરમેશ્વર છે એવી અમર શ્રદ્ધાને કારણે હું મારી શાંતિ જાળવી શકું છું.

પ્ર. શ્રી ગાંધી, તમને સૌથી મોટી નિરાશા ક્યાં થઈ?

ઉ. ખરું પૂછો તો મને ક્યારેય નાઉમેદીનાં કારણ મળ્યાં નથી. નિરાશા થઈ નથી. પણ કોઈક વાર મારા પોતા વિશે અફસોસ થાય છે કે ઇચ્છું છું એટલા મારા દોડી ભાગતા વિચારોને કાબૂમાં રાખી શકતો નથી.

પ્ર. તમારા સામાજિક આદર્શોનું મૂળ શું?

ઉ. એનો સ્રોત સત્ય અથવા જીવમાત્રની સાથે સંપૂર્ણ તાદાત્મ્ય છે.૧૧

૧૯૩૪ના ફેબ્રુઆરી માસથી જવાહરલાલજી જેલમાં હતા. પણ શ્રીમતી કમલા નેહરુની ગંભીર માંદગીને લીધે તેમને ઑગસ્ટ માસમાં છોડેલા. એ તકનો લાભ લઈને એમના વિચારોને સમજવાની દૃષ્ટિએ ગાંધીજીએ મહાદેવભાઈને અલાહાબાદ મોકલ્યા. અલાહાબાદમાં માત્ર થોડા કલાક સાથે રહ્યા એટલામાં મહાદેવભાઈએ જવાહરલાલજીનું મન જાણી લીધું અને ગાંધીજી સારુ એની નોંધ પણ કરી લીધી. આ સંવાદ એમ તો એકપક્ષે જ ચાલવો જોઈતો હતો, પણ કોઈ કોઈ વાર મહાદેવભાઈને ગાંધીજી વતી બચાવપક્ષની દલીલો કરવી પડતી. મહાદેવની ડાયરીનાં આ સત્તર પાનાં૧૨ જવાહરલાલ નેહરુનું ચરિત્ર આપણી આગળ રજૂ કરે છે. તેઓ દેશ અને દુનિયાના પ્રશ્નો અંગે જેલમાં રહ્યા રહ્યા પણ કેટલા વિશાળ ફલક પર વિચાર કરે છે એ પણ વ્યક્ત કરે છે અને સાથે સાથે મોટે ભાગે ચૂપચાપ રહી જવાહરને બોલવા દેવા ઇચ્છનારની નમ્ર, મધુર પણ બૌદ્ધિક ક્ષેત્રે એ જ ઊંચા સ્તરની પ્રતિભા પણ એમાં સાવ છૂપી નથી રહેતી. એક સાંજ અને બીજા દિવસની બપોર પહેલાંની આ ચર્ચામાં જવાહરલાલ ગાંધીજી સાથેના તેમના કેટલાક મતભેદો પણ રજૂ કરે છે. પરંતુ મહાદેવ સાથે ચર્ચા ચાલતી હતી તેથી જરાય સંકોચ કે વિકૃત રજૂઆતના સંશય વિના આ મુલાકાત દરમિયાન બાપુ સહિત પોતાના અનેક સાથીઓની જવાહરે ખૂબ આકરી ટીકા પણ કરી હતી. કેટલીક વાર ભાષા એવી હતી કે જે કદાચ બે મિત્રો વચ્ચેનાં ગપ્પાંમાં ચાલે, જાહેરમાં તો એ મુકાય જ નહીં. પણ આ શબ્દો જે મહાદેવભાઈએ ન નોંધ્યા હોત તો એ નોંધમાં આજે જે જીવંતપણું લાગે છે તે ઊડી ગયું હોત. જવાહરના ચારિત્ર્યનું એક લક્ષણ — ‘બીજાં મગતરાં શું સમજે, એ તો હું જ જાણું.’ — એ પણ આ સંવાદમાં આબાદ રીતે અભિવ્યક્ત થાય છે.

જવાહરલાલજીની સાથેની મુલાકાત જેમ મહાદેવભાઈએ એકલાએ લીધેલી તેમ સુંદરવનમાં સર ડેનિયલ હેમિલ્ટન સાથેની મુલાકાત પણ તેમણે એકલાએ જ લીધી. આ મુલાકાતમાં મહાદેવના વ્યક્તિત્વનાં બીજાં પાસાંનાં આપણને દર્શન થાય છે. અલાહાબાદના મહાદેવ જો રાષ્ટ્રીય કક્ષાએ રાજનૈતિક પ્રશ્નો ચર્ચતા જોવામાં આવે છે તો ગોસાબામાં મહાદેવ ગ્રામોત્થાનનો પ્રશ્ન રચનાત્મક કાર્યકર્તાઓની દૃષ્ટિએ એટલા જ રસપૂર્વક ચર્ચતા જોવા મળે છે. મહાદેવના ચરિત્રમાં રાજનીતિ અને રચના એ બે વિસંગત એવાં તત્ત્વો નહોતાં, પણ સત્ય અહિંસાના પૂજારીના પૂજારી સારુ એ બંને તત્ત્વો એક સંગમમાં લીન થઈ જતાં હતાં.૧૨

ઑગસ્ટ ૧૯૩૪માં ચાર્લી ઍન્ડ્રૂઝ સાથે ગાંધીજીનો થયેલો સંવાદ બે જૂના અભિન્ન-હૃદયી મિત્રોની ગોઠડીનું આબાદ ચિત્ર રજૂ કરે છે. ઍન્ડ્રૂઝસાહેબે ગાંધીજીને યુરોપ આવવા ખૂબ સમજાવ્યા, પણ ગાંધીજીએ એમને સ્પષ્ટપણે કહી દીધું કે, ‘ના, મને તો ચોખ્ખું લાગે છે કે મારું કામ અહીં જ છે. દુનિયાને કાંઈ કહેવરાવવાની ઈશ્વરને ઇચ્છા હશે ત્યારે સંકેત આવશે.’૧૩

આ ગાળાની નોંધોમાં પણ મહાદેવભાઈએ આટલા સખત કામની વચ્ચે પણ કરેલા વાચન અંગેની નોંધો જોઈને આશ્ચર્યચકિત થવા વિના રહેવાતું નથી. એ વાચનમાં વિષયવૈવિધ્ય છે, સામયિકતા અને પ્રતિપક્ષીને સમજાવવાની ઉત્સુકતા અને ખુલ્લું મન પણ છે.

વળી, મહાદેવભાઈની અનેક ડાયરીઓમાં આવે છે તેમ આ કાળની ડાયરીઓમાં પણ અનેક નાનામોટા નેત્રદીપક, ચિત્તપોષક પ્રસંગો આવે છે. મહાદેવભાઈનો વિનોદ ગમે તેવા કામની વચ્ચે પણ સાવ કરમાઈ જતો નથી. વળી મહાદેવભાઈની શૈલીમાં જરૂર પડે ત્યાં વિસ્તાર અને જરૂર પડે ત્યાં લાઘવ બંને પ્રકારના ગુણો જોવા મળે. કૉંગ્રેસ કારોબારી કે સમાજવાદીઓ સાથેની વાતચીતને તેઓ પાનાંનાં પાનાં આપે છે. હિંદીના કવિ શ્રી સિયારામશરણ ગુપ્ત અંગે આ બે જ લીટી કેટલી માર્મિક છે? ‘એની નમ્રતાનો પાર નહોતો. હું સ્ટેશને લેવા ગયો હતો. મને રસ્તામાં લાંબા થઈને પ્રણામ કરી પડ્યા!’૧૪ અથવા ગાંધીજીનું આ વાક્ય-યુગ્મ: ‘ઊંઘતો હોઉં ત્યારે પણ સજાગ હોઉં છું. મારી નિદ્રા વિસ્મરણ નથી, એ તાજગી આપતી હોય તેવી છે.’૧૫

આપણા જાણીતા કવિ શ્રી ન્હાનાલાલને પાછળના દિવસોમાં ગાંધીજી પ્રત્યે ખૂબ અણગમો થયેલો. એક મુલાકાતીએ ખાનગી મુલાકાતમાં ગાંધીજીને કહ્યું કે તમે આઠવલે મારફતે ન્હાનાલાલને લખો. ‘મારી શી ભૂલ થઈ છે તે હું જાણતો નથી. કવિશ્રી શા સારુ મારી સાથે રોષમાં રહે છે? મારો કંઈ દોષ થયો હોય તો હું માફી ચાહું છું.’ આટલું તમે ન લખો? બાપુ કહે, એક નહીં, હજાર વાર, અને એ કાગળ લખવાનું વચન આપ્યું.

મેં કહ્યું: આ માણસના કહેવાથી આપ શા સારુ કાગળ લખો છો? એમાં પણ એ વેપાર કરતો ન હોય? એ લખ્યાથી પણ પેલા ઉપર શેની અસર થવાની? એની માફી તમારે માગવાની કે એણે તમારી માગવાની? એણે ગાળો દેવામાં બાકી નથી રાખી.

એટલે બાપુએ કહ્યું: ‘એણે મને આટલી બધી ગાળો દેવી પડી એટલે મેં કાંઈક એનો ગુનો તો કર્યો જ હશે ના? પણ તમે ગભરાઓ છો શા સારુ? હું કાગળ લખું તે જોજો ના!’

આ પછી આઠવલેને કાગળ લખાવ્યો:

પ્રભાશંકરે મને કહ્યું કે મેં ન્હાનાલાલ કવિને રોષ કરવાનું બહુ કારણ આપ્યું છે. મને તો આની ખબર નથી. પણ અહિંસાનો ઉપાસક હોઈ મેં કોઈને રોષ આપવાનું કારણ આપ્યું હોય તો હું તો હજાર વાર એની માફી માગું. એટલે તમે આ ખોળી શક્યા હો તો ખોળીને મને ખબર આપજો.’૧૬

હિંદુ-મુસ્લિમ ઐક્ય વિશે:

એક જણે લખ્યું કે હિંદુ-મુસલમાન ઐક્ય વિના સ્વરાજ ન જ મળે, તો બધા પ્રયાસો એના ઉપર કાં ન એકત્રિત કરવા?

એને જવાબ: કેટલાંક ગૂમડાંને જેટલું છંછેડો એટલું એ વધુ વણસે છે. હિંદુ-મુસ્લિમ તણાવ આવું ગૂમડું છે. એટલે એનો ઉકેલ થાય તે માટે હું પ્રાર્થના કરતો રહું છું, એને વિશે બોલવા માગતો નથી.૧૭

તો વળી એક અમેરિકનને લખ્યું:

‘પ્રેમની હદ હોતી નથી. ધર્મ કે માન્યતાના વિચાર વગર દુનિયાના બધા જ દેશો માટે પ્રેમ મારા રાષ્ટ્રવાદમાં સમાઈ જાય છે.’૧૮

કરુણાના ભાવથી સંતતિનિયમનનાં પુરસ્કર્તા શ્રીમતી માર્ગારેટ સેંગર ખાસ એમને મળવા જ આવવાનાં હતાં. એવી સૂચના શ્રી મથુરાદાસ ત્રિકમજીએ ગાંધીજીને આપી. મથુરાદાસભાઈને ગાંધીજીએ લખ્યું કે, ‘ઊર્ધ્વ ગતિવાળી વસ્તુનો પ્રયાસ, પ્રચાર શોભે, અધોગતિવાળાનો પ્રચાર શો?’૧૮અ

શ્રીમતી સેંગર ૧૯૩૫ના ડિસેમ્બરમાં આવ્યાં. એમણે કહ્યું કે હિંદુસ્તાનની બહેનોના નિમંત્રણથી તેઓ આવ્યાં હતાં, પણ એમનો ભારત આવવાનો મુખ્ય હેતુ તો ગાંધીજીને મળવાનો હતો. વાતની શરૂઆત તેમણે પોતાનો વિચાર રજૂ કરીને કરી. તેમણે કહ્યું કે,

જ્યાં સુધી સ્ત્રીઓમાં પ્રજોત્પત્તિની શક્તિ પર કાબૂ ન આવે ત્યાં સુધી રાષ્ટ્ર સ્વતંત્ર નથી થતું. અનિયંત્રિત પ્રજોત્પત્તિને કારણે દુનિયા દુ:ખી છે. તમે જો આપણી સ્ત્રીઓને એવી કાંઈ વસ્તુ શીખવી શકો કે જેથી આ શક્તિ તેમના હાથમાં આવે તો હિંદુસ્તાનની સ્ત્રીઓને જીવનમાં આશા મળે.

ગાંધીજીએ કહ્યું કે, ‘હું તો સ્ત્રીઓને એ શીખવ્યા જ કરું છું કે તેઓ જ પોતાની સ્વામિની છે. હું જ્યારે મારી સ્ત્રી પર બળજબરી કરતો હતો ત્યારે પણ તેને આ વસ્તુ શીખવવા પ્રયત્ન કરતો.’

આમ સ્ત્રી પોતાના નિર્ણયો પોતે કરતી થાય એ બાબતમાં આ બે જણ સહમત હતાં. વળી ગાંધીજીએ તો એટલે સુધી કહ્યું કે, ‘હું માનું છું કે આ સંઘર્ષ મુશ્કેલ છે ખરો.’ પણ એનો દોષ તેઓ પુરુષને આપતા હતા. પોતાને વિશે એમણે એટલે સુધી કહ્યું કે, ‘કેટલાક મને અર્ધનારી ગણે છે.’ સ્ત્રીઓ જો માત્ર પોતાના પતિને ‘ના’ કહેતાં શીખે તો ઘણાખરા પ્રશ્નો ઊકલે એમ ગાંધીજી માનતા હતા. રવીન્દ્રનાથ અને સરોજિની નાયડુ જેવાંઓ સંતતિનિયમનમાં માનતાં હતાં. તેમની જોડે પણ ગાંધીજીએ ચર્ચાઓ કરી હતી. એમની બુદ્ધિ વિશે ગાંધીજીને માન હતું એટલે તેઓ પોતાની જાતને પૂછતા કે તેઓ કેમ એમની જોડે સંમત થઈ શકતા નહોતા? ગાંધીજીનો ઉકેલ શ્રીમતી સેંગરને એટલો બધો અવ્યવહારુ લાગતો હતો કે એમને લાગતું હતું કે ગાંધીજીની વાતનો અર્થ છૂટાછેડા લેવાની મનમાં ગાંઠ વાળવાની એટલો જ થાય. ગાંધીજી પરસ્પર સંમતિની વાત કરતા હતા. શ્રીમતી સેંગરને લાગતું હતું કે કાયદા તેમાં સ્ત્રીની વિરુદ્ધ જાય છે. ગાંધીજીએ જણાવ્યું કે ભારતમાં એવા કાયદા નહોતા.

શ્રીમતી સેંગરે પ્રશ્ન પૂછ્યો કે, વિષયસેવનની તીવ્ર ઇચ્છા અને પ્રેમપૂર્ણ સંયોગ બેમાં કાંઈ ભેદ નથી? તમારો વિરોધ તો વિષયવાસનાના ગાંડપણ સામે છે ને?

ગાંધીજીએ કહ્યું કે, ‘કાંઈ પરિણામ વિના બંને પાશવી વાસના સંતોષવા માગે ત્યારે એ સંબંધને હું પ્રેમ ન કહું. ત્યાંથી મૂળ મતભેદનો વિષય આવ્યો.

શ્રીમતી સેંગર: ‘બધા જાતીય સંબંધોને કામવાસના ગણશો?’

ગાંધીજીએ કહ્યું કે ‘પ્રજોત્પત્તિના સ્પષ્ટ હેતુવાળા સંબંધો સિવાયના સર્વ સંબંધો તેવા જ ગણાય.’

શ્રીમતી સેંગરે કહ્યું કે, ‘એ નબળી સ્થિતિ છે. કાં તો પ્રેમસંબંધ હોય, કાં કામવાસના. બે જાતના જાતીય સંબંધો છે: પ્રેમાળ અને વાસનાપૂર્ણ. આપણી સંસ્કૃતિને જોરે ઈશ્વરની દિશામાં સીડીનું બીજું એક પગથિયું ચડી શકીએ એને કામવાસના સાથે ભેળવી ન દેવાય.’

ગાંધીજીને અહીં ભૂલ થતી લાગી. પોતાનો દાખલો આપી તેમણે કહ્યું:

‘મેં સંયમ રાખ્યો તે પછી જ અમે બંને વધુ નજીક આવ્યાં. મારી પાસે વખત હતો ત્યારે કામવાસના આડે આવી. વિકાર બહાર નીકળ્યો અને વધુ ઉન્નત ધ્યેય સાંપડ્યું ત્યારે મારી પાસે વખત ન રહ્યો.’

સેંગરે કહ્યું કે, ‘વાસનાપૂર્ણ પ્રેમ એ શક્તિશાળી અને વિકાસશીલ વસ્તુ છે, એમાં જીવન ખીલે છે.’

ગાંધીજી સંમત ન થયા. ખોરાક પણ મોજશોખને ખાતર લો તો તે વાસના જ છે એમ તેઓ માનતા. કોઈ કહે કે એને દારૂ ગમે છે, ને એને નુકસાન ન થાય એટલા સારુએ દાક્તર દવા આપે, એના જેવું આ થયું.

શ્રીમતી સેંગરે આ સરખામણી ન સ્વીકારી. ગાંધીજીએ કહ્યું કે,

‘તમે નહીં માનો, કારણ તમે માનો છો કે આ આત્માની ભૂખ છે કે બાળકોની ઇચ્છા વિનાનું આ મિલન એક આધ્યાત્મિક જરૂરિયાત છે.’

શ્રીમતી સેંગરે કહ્યું કે, ‘હું એમ તો નક્કી માનું છું કે બંને સંયોગ કરે તે પોતપોતાની અભિવ્યક્તિ માટે. બાળકો જન્મે તે પ્રયત્ન તો અપવાદરૂપે.’

ગાંધીજીને આ ઊલટી પ્રક્રિયા લાગતી હતી. તેઓ માનતા કે વાસનારહિત આધ્યાત્મિક પ્રેમ તમે બધાં માટે દાખવી શકો.

શ્રીમતી સેંગરે આ વાતનો સાર કાઢતાં કહ્યું કે તમારું કહેવું છે કે કુદરતી સંયમ વડે ઉકેલ નીકળી શકે છે. આવા સંબંધને ખાતર પતિ-પત્નિને પોતાની જિંદગીનું બલિદાન આપવું જોઈએ?

ગાંધીજીએ કહ્યું, આ મુદ્દો છેવટે તો કેળવણીનો છે — મિતાચાર[નો]. લોકો એટલું ન સ્વીકારે. અમે આથી આગળ નહીં જઈએ? ગંદવાડમાં નહીં રમીએ?

શ્રીમતી સેંગરે કહ્યું કે, ‘કુટુંબનિયોજન અને શિક્ષણ બંને સાથે સાથે ચાલે. ૧૯૧૪માં તેમણે પોતાની પહેલી પત્રિકામાં કહ્યું હતું કે સ્ત્રી દબાણ માપવાના યંત્ર તરીકે વર્તે, એ જ નિર્ણય લે.’ ગાંધીજીએ કહ્યું કે આટલું તેઓ પૂરેપૂરું સ્વીકારે છે.

પછી શ્રીમતી સેંગરે માનસશાસ્ત્રનો પ્રશ્ન કાઢ્યો. ‘તમે માનો છો ખરા કે સંયમ પાળવાની સલાહ સામાન્ય રીતે ન આપવી? એથી મજ્જાતંતુરચનામાં અશાંતિ થાય છે?’

ગાંધીજી: ‘ના. એ (માનસશાસ્ત્રીઓના) દાખલા કમઅક્કલના વંઢ લોકોની તપાસ કરીને મેળવેલા છે.’

સેંગર: ‘કામવાસના ઈશ્વરે આપેલી છે, જો ઈશ્વરદત્ત હોય તો તેમાં ખરાબ શું અને હલકું પાડે તેવું શું?’

ગાંધીજી: બંને તૈયાર ન હોય ત્યારે એકને જ કામવાસના થાય તો તે હલકા બનાવે તેવું છે. તમે સંતતિનિયમનની રીતો બાજુએ મૂકો, તો બીજી પદ્ધતિઓ આવશે.’

‘સંતતિનિયમનનો બચાવ નિરાશા ઉપજાવે તેવો નબળો નથી. હું વરને વાત કરું ને બીજો કોઈ રસ્તો બતાવું. તબિયતને કારણે છૂટાછેડા તરત મળવા જોઈએ. સામાજિક દૃષ્ટિએ અનુસરવા જેવી આચારસંહિતા મારી સમક્ષ હોવી જોઈએ.’

સેંગર: તો સુખી જીવન જીવવા સંતતિનિયમનની કોઈ પદ્ધતિ અજમાવવી જ પડે.

ગાંધીજી: હું પણ રીતો શોધું છું, તમે કહો છો તેવી નહીં, પણ વાસનાને શાંત કરે, નિયમનમાં રાખે કે રોકે એવી બીજી પદ્ધતિઓ પણ હોય.

છેવટે ગાંધીજીએ કહ્યું: ‘આપણને એકબીજાને અનુકૂળ થવામાં કે સમજવામાં મુશ્કેલી તો છે જ. કારણ, હું એ પેઢીનો છું કે જે માનતી હતી કે જીવન છે તે દરેક ક્ષેત્રમાં સંયમ જાળવવા માટે છે. તમે જરૂરિયાતો વધારવામાં માનો છો. વાંછનાઓ પૂરી કરવામાં માનો છો.

સેંગર: ‘આપણે સહમત છીએ કે કશું કોઈ ઉપર ઠોકી બેસાડવું ન જોઈએ. ફક્ત રીતભાત વિશે નહીં, દલીલ વિશે પણ હું તો આવો આગ્રહ રાખું છું.’

ગાંધીજી: ‘કેટલાક લોકો ફરજિયાત વંધ્યીકરણમાં માને છે. હું આ પદ્ધતિઓ મારી ચોપડીમાંથી ભૂંસી નાખું તોપણ કૃત્રિમ સંતતિનિયમન તો રહેશે જ. જેમ દારૂ પીવાતો રહેશે. જીવનજ્યોત ઓલવાઈ જતી હોય ત્યારે કોઈ વાર બ્રાન્ડી લેવાથી ઘડીભર ઝબકે. પણ કોઈક એમ પણ કહે કે જીવતા રહેવાની આ તક મારે જતી કરવી છે. મારા ઉપર જેનું સામ્રાજ્ય છે, મારી રગોમાં જે ફરી રહી છે તે આ ફિલસૂફી છે. આ એવો સિદ્ધાંત છે કે જેને અત્યારે જ અમલમાં મૂકવા માગું છું.’

શ્રીમતી સેંગરે પ્રશ્ન પૂછ્યો: ‘બીજી કઈ પદ્ધતિઓ? સ્ત્રીના જીવનમાં બાળકનું ગર્ભાધાન થઈ શકે તે ફળદ્રુપ ગાળાના મને વિચાર આવે છે.’

ગાંધીજી: ‘આમાં મને વજૂદ લાગે છે. મને ખ્યાલ છે કે અહીં હું તર્કશુદ્ધ વાત નથી કરતો, પણ જે (ગર્ભ ન રહે તેવું) કોરું અઠવાડિયું છે તેમાં (સંયોગની વાત) મને રુચે છે.’

સેંગર: ‘મહિને દસ દિવસ. જે પુરુષોમાં પ્રેમ નથી તેને તો લાગશે કે આ પણ કઠણાઈ છે.’

ગાંધીજી: ‘પ્રેમ ન હોય તો હું છૂટાછેડા લેવા દઉં. જ્યાં સ્ત્રીને તીવ્ર ઇચ્છા ન હોય ત્યાં તો પ્રતિકારનો ઉપાય સોએ સો ટકા એના હાથમાં છે. એણે જ નિર્ણય લેવાનો છે એમ તમે કહો છો તેની સાથે હું સંમત છું.’

સેંગરે પૂછ્યું: ‘બાળકો જન્મે તે ઇચ્છાથી સંયોગમાં જોડાયેલાં લોકો જાણ્યાં છે?’

ગાંધીજી: ‘હા, કેટલાંય.’

સેંગર: પ્રજાની ઇચ્છા તે તો જાતીય સંબંધોનો ભાગ્યે જ હેતુ હોય છે. આ તો એક શરીરની ભૂખ છે. જો એકબીજા માટે જાતીય આકર્ષણ ન હોય તો લોકો સંયોગ કરે તોપણ એમને બાળકો નહીં થાય. સ્ત્રી પૂરતો એ પુરુષ નપુંસક બની રહે છે.’

ગાંધીજી: ‘એમાં પ્રેમનો અભાવ છે… નિયંત્રણ છે, પણ આત્મસંયમ એની ચાવી છે.’

અંતે બંને જણે પોતપોતાની વાતને ફરી યાદ કરી.

શ્રીમતી સેંગર: ‘હજારો પરણેલાં સ્ત્રી-પુરુષો છે, જે સુખી-આનંદી જીવન જીવે છે.’

ગાંધીજી: ‘પણ અસાધારણ જીવન હોય તે જ ઉત્તમ કહેવાય. આ હું જરા ખંચકાઈને કહું છું કે પૂરા બ્રહ્મચર્યવાળું જીવન જ સૌથી સારું ને સૌથી સંપૂર્ણ જીવન હોઈ શકે છે. સિદ્ધાંતની દૃષ્ટિએ તો આ સંપૂર્ણ સ્થિતિ છે.’૨૦

ગાંધી સેવા સંઘની એક સભામાં શ્રી શંકરરાવ દેવે ગાંધીજીને પ્રશ્ન કર્યો:

‘આંબેડકરના વિચાર ઉપર તમારી શી વૃત્તિ?’

ગાંધીજીએ કહ્યું: ‘હું એની સ્થિતિમાં હોત તો કદાચ હુંયે એવું કરત. અહિંસાવાદી કદાચ ન હોઈ શકત. આપણે [એમને] નમ્રતાથી પ્રેમપૂર્વક સાંભળવા જોઈએ. હરિજનની સેવા જ એ જ છે કે આપણને જૂતીથી મારે, તો પ્રેમથી સાંભળવું જોઈએ. અને આંબેડકર અને બીજા જે કાંઈ કહે તેને આપણે લાયક છીએ એમ માનવું જોઈએ. પણ તેથી આંબેડકરની કદમબોસી કરવાની જરૂર નથી. આપણે સાવધાન બનીએ અને શુદ્ધ બનીએ. આપણે શુદ્ધ ન બનશું તો પચાસ આંબેડકરની કદમબોસી કરીને હરિજન સમાજનો ઉદ્ધાર ન કરી શકીશું.૨૧

ગાંધીજીની મુલાકાતોની નોંધો ઉપરથી આપણે ફરી પાછા મહાદેવભાઈ તરફ વળીએ.

૧૯૩૪ના ઑક્ટોબર માસમાં મુંબઈમાં મળેલા કૉંગ્રેસના અધિવેશન વેળા ગાંધીજી કૉંગ્રેસમાંથી નિવૃત્ત થયા ત્યારે પણ મહાદેવભાઈ એમાંથી નીકળી ગયા નહોતા. એનો દાખલો આપીને તો એક વાર ગાંધીજીએ એ આશ્વાસન આપ્યું હતું કે પોતે કૉંગ્રેસમાંથી રૂઠીને નથી નીકળ્યા. ગાંધીજીએ એક અંગ્રેજને લખ્યું હતું:

કૉંગ્રેસમાંથી મારી નિવૃત્તિનો તમે ખોટો અર્થ સમજ્યા છો… મેં એને વધુ બળવાન બનાવવા માટે એનો ત્યાગ કર્યો છે… એટલું યાદ રાખજો કે રાજેન્દ્રપ્રસાદ, વલ્લભભાઈ, રાજગોપાલાચારી, અન્સારી, મહાદેવ અને બીજા અનેક, જેમને વિશે માનવજાત ગૌરવ લઈ શકે એમ છે, તેઓ એમાં છે, એના છે અને એને ખાતર પ્રાણ પાથરવા તૈયાર છે.૨૨

ગાંધીજીના પત્રવ્યવહારમાં તો સામાન્ય રીતે એમની બેઠકની પાછળ બેસીને મૂંગે મોઢે નોંધ કરતા મહાદેવ ઘણી વાર આગળ આવી જાય છે.

ઊર્મિલાદેવી સેન, એટલે દેશબંધુ ચિત્તરંજન દાસનાં બહેન. તેઓ મહાદેવને પોતાનો પુત્ર માનતાં એ આપણે જોઈ ગયા. ધીરેન્દ્ર મુખરજી નામના એક બીજા જુવાનને પણ એ જ રીતે ઊર્મિલાદેવીએ પોતાના પુત્ર માનેલા. એમને ભયંકર આતંકવાદી માનીને બંગાળ સરકારે દેવલી કૅમ્પમાં અટકાયતી તરીકે રાખ્યા હતા. ઘણા દિવસોથી તેમના કશા સમાચાર નહોતા આવ્યા તેથી ઊર્મિલાદેવી ખૂબ ચિંતાતુર હતાં. પોતાને બદલે મહાદેવ એમને મળી શકે તોયે ઊર્મિલાદેવીને સંતોષ થાય એમ હતું. ગાંધીજીએ બંગાળ સરકારના રાજકીય વિભાગના મંત્રીને ખાસ કાગળ લખીને મહાદેવની ધીરેન મુખરજી જોડે મુલાકાતની રજા માગી. એમાં એમ પણ જણાવ્યું કે મહાદેવ અને હું બંને શ્રી મુખરજીને ઓળખીએ છીએ. કારણ, તેઓ થોડો સમય સાબરમતી આશ્રમમાં રહ્યા હતા અને જો ધરપકડ ન થઈ હોત તો ઘણે ભાગે તેઓ આશ્રમમાં જોડાઈ જાત.

બંગાળ સરકાર આવી રજા આપવાની તરફેણમાં નહોતી. ઊર્મિલાદેવી કે મહાદેવભાઈ બંને અટકાયતીનાં લોહીનાં સગાં નહોતાં. વળી સરકાર શ્રી મુખરજીને ભયંકર ત્રાસવાદી માનતી હતી. છતાં ગાંધીજીની વિનંતીને માન આપીને હિંદી સરકારની સૂચનાથી મહાદેવભાઈને શ્રી ધીરેન મુખરજી સાથે મળવાની છૂટ આપવામાં આવી હતી. તેથી ઊર્મિલાદેવીના જીવમાં જીવ આવ્યો હતો.

આવી વ્યક્તિગત સેવા મહાદેવભાઈ બહુ ખુશીથી કરતા. જમનાલાલજીનું મુંબઈમાં કાનનું ઑપરેશન થયું ત્યારે તેમનાં પત્ની જાનકીદેવી અને પુત્રી ઉમા સાથે મહાદેવભાઈ પણ એમની સેવામાં પહોંચી ગયા હતા.

ગાંધીજી પોતાના પત્રવ્યવહારની બાબતમાં પત્રલેખકની લાગણીનો ખૂબ ખ્યાલ રાખતા. પત્રલેખક જો પોતાના પત્રને ખાનગી કહે તો તેઓ બીજા કોઈને કહી બતાવતા નહીં. અલબત્ત, આવા ખાનગી પત્રવ્યવહારને ગાંધીજી બહુ ઉત્તેજન આપતા નહીં. મોટે ભાગે તો યુવક-યુવતીઓ પોતાની અંગત બાબતોને આમ ખાનગી રાખવા ઇચ્છતાં. પણ કેટલીક વાર રાજકીય દૃષ્ટિએ મહત્ત્વના પત્રો પણ ગુપ્ત રાખવા કે ખાનગી રાખવાની માગણી થતી. જવાહરલાલજીને ગાંધીજીએ આશ્વાસન આપેલું કે તેમના પત્રો મહાદેવ સિવાય બીજા કોઈના હાથે ચડશે નહીં. મહાદેવને હાથે એમના પત્ર ચડે તેની સામે જવાહરલાલજીને પણ વાંધો નહોતો. જેલમાંથી છૂટીને મહાદેવભાઈ ગાંધીજી સાથે જોડાઈ ગયા એટલે हरिजन પત્રોમાં એમના સાપ્તાહિક પત્રો પણ નિયમિતરૂપે શરૂ થયા. એ પત્રમાં મોટે ભાગે તો અઠવાડિયે અઠવાડિયે ગાંધીજીની પ્રવૃત્તિઓનાં તાદૃશ ચિત્રો આવતાં પણ કેટલીક વાર મહાદેવભાઈએ જાતે કોઈની અલગ મુલાકાત લીધી હોય તો તેનો અહેવાલ પણ આવી જતો. સુંદરવનની મુલાકાત અને જવાહરલાલજી સાથેની મુલાકાત એનાં ઉદાહરણો છે. ગાંધીજી સાથેની કોઈની મુલાકાતોનો એક પાવન પ્રસંગ:

ગાંધીજી અગાસી ઉપર બેસીને લખતા હતા, તેમને જરાક વખત મળ્યો એટલે આ ડોસાને હું તેમની પાસે લઈ ગયો. સુઘડ વસ્ત્રોવાળા ડોસાએ ગજવામાંથી નોટોની દસ થોકડીઓ કાઢી ગાંધીજીની સામે મૂકી દીધી ને કહ્યું, ‘આ ગરીબમાં ગરીબ અને સુપાત્ર હોય એવાને માટે મારી અલ્પ ભેટ છે. એવા લોકોને બીજા કોઈના કરતાં આપ જ વધારે સારી રીતે ઓળખો છો.’

ગાંધીજી: ‘એ તો બહુ સારું. પણ આ તમારી કેટલાં વરસની બચત છે?’

‘ઘણાં વરસની. પણ મેં ધરતીકંપ માટે સો રૂપિયા મોકલેલા; સો આસામ માટે મોકલેલા; અને ચાર વરસ પર અલાહાબાદમાં પાંચસો રૂપિયા ખેડૂતોને માટે આપેલા.’

ગાંધીજી ચકિત થયા: એમ કે? તમને પગાર કેટલો મળતો, ને હવે પેન્શન કેટલું મળે છે? તમે શું કામ કરતા?

‘હું નિશાળમાં શિક્ષક હતો. ઘણાં વરસ નોકરી કર્યા પછી જ્યારે હું નિવૃત્ત થયો ત્યારે મહિને બાવન રૂપિયા પગાર મળતો હતો. મને પેન્શન તો ન મળ્યું, પણ રૂ. ર,૭૦૦ની ઉચ્ચક રકમ આપવામાં આવી.’

‘ને તમને નિવૃત્ત થયે કેટલાં વરસ થયાં?’

‘પાંચ વરસ.’

‘તમે તમારા ગુજરાન માટે કેટલું ખરચ કરો છો?’

‘મારા ગુજરાન માટે? ઝાઝું નથી કરતો.’

‘તોયે માણસને જીવ્યા વિના કંઈ ચાલે છે? તમારી જરૂરિયાત કેટલી છે?’

‘થોડી દાળરોટીને માટે કંઈ વધુ પૈસા ન જોઈએ. મને તો મહિને ૧૦ રૂપિયાથી પણ ચાલે. મારે બૈરીછોકરાં કોઈ નથી. મારા ભત્રીજા હતા તેમને ભણાવીને ઠેકાણે પાડ્યા. એટલે હવે એકલો જ છું. એક સંસ્કૃત પાઠશાળા છે ત્યાં ભણાવવામાં ઘણો વખત આપું છું. એ નિશાળમાં મફત શિક્ષણ અપાય છે.’

‘ત્યારે તો તમે નાના પગારમાંથી થોડાક હજાર રૂપિયા બચાવ્યા, ને તે ગરીબની સેવામાં ખરચો છો! બહુ ભારે કહેવાય. એ કળા તમારી પાસેથી બધા શીખી શકે તો કેવું સારું!’

‘હા, મહાત્માજી. મેં જાત માટે બહુ ઓછું ખરચ કર્યું છે અને ઘણી વાર મારી પાસે હતું તે બધું મેં ગરીબને આપી દીધું છે.’

‘અને તમે આ ખાદી ક્યાંથી લાવ્યા?’ ડોસાની રુઆબદાર બંડી ગાંધીજીને સુંદર લાગી હતી. એ પહેર્યા પછી ડોસાને શાલ કે કામળી ઓઢવાની જરૂર રહી નહોતી.

‘એ ખાદી તો ઘેર બનાવેલી છે.’

ગાંધીજી કહે, ‘મને તો તમારી અદેખાઈ આવે છે.’

ડોસાની મુખમુદ્રા પર ત્યાગનો આનંદ ઝળકી રહ્યો હતો. ‘મહાત્માજી, હજુ મારી પાસે થોડાક પૈસા બચાવેલા પડ્યા છે. એ હું ફરી કોઈ વાર લાવીશ. પૈસા ક્યાં આપવા એની મને ખબર નથી. હું તો આપને ઓળખું છું. ને આપ સુપાત્ર ગરીબોને ઓળખો છો. મને આજે બહુ તૃપ્તિ થઈ ગઈ. હું કૃતાર્થ થયો.’૨૩

જરા પાછળ જઈને જોઈએ. ગાંધીજી ઘણા વખતથી વાયવ્ય સરહદ પ્રાંતમાં જવા ઇચ્છતા હતા, પણ સરકાર તેમને કેમે કરીને ત્યાં જવાની રજા નહોતી આપતી. વર્ષો સુધી તો સરકારે ત્યાંના નેતા ખાન અબદુલ ગફ્ફારખાનને જેલમાં રાખ્યા હતા. પછી જ્યારે તેમને છોડ્યા ત્યારે સરહદ પ્રાંતમાં ન જવાના હુકમ સાથે છોડ્યા. એ વખતે ગાંધીજીએ મહાદેવભાઈને સૂચના કરી કે દેશ અને દુનિયા આગળ ખાનસાહેબનું જીવનચરિત્ર મુકાવું જોઈએ. મહાદેવભાઈએ ખાનસાહેબ અને એમના મોટા ભાઈ ડૉ. ખાનસાહેબની જોડે મુલાકાતો લઈને બહુ નાના સરખું પણ પાયાની માહિતી આપતું ચરિત્ર તૈયાર કરી દીધું હતું. તેનું મથાળું તેમણે वे खुदाई खिदमतगार એવું આપ્યું. તે પુસ્તકની એટલી માગ આવી કે અંગ્રેજી અને ગુજરાતી આવૃત્તિઓ ઉપરાંત હિંદી તેમ જ અન્ય ભાષાઓમાં તેનાં ભાષાંતરો થયાં. પાછળથી તો ખાન અબદુલ ગફ્ફારખાનનાં એક કરતાં વધારે જીવનચરિત્રો લખાયાં. પણ બધા ચરિત્રકારોએ મહાદેવભાઈના મૂળ ગ્રંથનો આધાર લીધો હતો. ગાંધીજીએ આ પુસ્તિકાઓની લાક્ષણિક રીતે ટૂંકી પ્રસ્તાવના આપી હતી.

ગુજરાતી પુસ્તકની પ્રસ્તાવનામાં લખ્યું:

આ બે ઈશ્વરભક્તોનું સંક્ષિપ્ત જીવન ગુજરાતી પ્રજા આગળ મુકાય છે, એ સારી વાત છે. મારી દૃષ્ટિએ આ બંને ભાઈઓનાં જીવન બહુ પવિત્ર છે. તેમાંયે શ્રી અબદુલ ગફ્ફારખાન તો ફકીર જ લાગે છે. જેલમાંથી તેમના કાગળો આવે છે તેમાં પણ એ જ ધ્વનિ જોવામાં આવે છે. દિવસે દિવસે તેમની ત્યાગવૃત્તિ વધતી જાય છે. દિવસે દિવસે તેમના હૃદયમાં ઈશ્વરનું રટણ વધારે તીવ્રપણે ચાલતું જાય છે. ગુજરાતી વાંચનારું કોઈ પણ ઘર આ પુસ્તકથી ખાલી ન રહેવું જોઈએ.

આ પુસ્તક અસલ અંગ્રેજીનો છેક તરજુમો નથી. કર્તાએ પુસ્તક સ્વતંત્ર રીતે લખવાનો પ્રયાસ કર્યો છે. અને તેમાં તે સફળ થયેલ છે એમ બંને ભાષા જાણનાર સહેજે જોઈ શકે તેમ છે. આમાં કેટલુંક નવું પણ આવી શક્યું છે.૨૩

સાહિત્યનું ક્ષેત્ર ગાંધીજી મહાદેવભાઈનું માનતા. તેથી દિલીપકુમાર રાયે એમને પોતાની કવિતાઓ અભિપ્રાયાર્થે મોકલી ત્યારે ગાંધીજીએ લખ્યું:

હું કવિતાનો પારખુ નથી. તેથી તમારાં કાવ્યો વિશેના મારા અભિપ્રાયની કશી કિંમત નથી! સાચે જ મારે કોઈ અભિપ્રાય આપવાનો છે જ નહીં. પણ હમણાં મહાદેવને વખત છે. તે પોતે કવિ છે. અને મને ખાતરી છે કે હું તેમને આ વાત સમજાવીશ એટલે તે પોતાનો અભિપ્રાય તમને જણાવશે.૨૪

મહાદેવભાઈ બાપુ પછી વધુમાં વધુ મુક્ત રીતે વર્તી શકતા તો તે વલ્લભભાઈ જોડે. ગમે તેટલા કામના બોજા હેઠળ પણ તેઓ સરદારને પત્રો દ્વારા બાપુની આસપાસ ચાલી રહેલી પ્રવૃત્તિઓ અંગે હેવાલ આપતા. આ પત્રોમાં ગાંધીજીના માનસ ઉપરાંત મહાદેવભાઈનું મન પણ કેમ કામ કરતું તેની આપણને જાણ થાય છે. વર્ધામાં ગાંધીજીએ કરેલા ઉપવાસ પછીના પારણાના નીચેના વર્ણનમાં આપણને મહાદેવભાઈની રાહત અને એમના ઉલ્લાસનો અનુભવ થયા વિના રહેતો નથી.

૧૪–૮–’૩૪ને દિને મહાદેવભાઈ સરદારને લખે છે:

સર્વેના હૃદયભીના હર્ષોલ્લાસની વચ્ચે જાનકીબહેનના૨૫ હાથેથી મધમિશ્રિત ગરમ પાણીનો પ્યાલો લઈ બાપુએ ઉપવાસની પૂર્ણાહુતિ કરી. પછી વિનોબાએ તુકારામના આત્મસિદ્ધિના ભજનથી પ્રાર્થનાની શરૂઆત કરી. તે પછી શિવાજીએ.૨૬ બીજું ભજન ગાયું અને ત્યાર બાદ બાળકોબાએ૨૭ ‘હરિનો મારગ છે શૂરાનો’ આ ભજન ગાવા માંડ્યું. તે પૂરું થતાં ડૉ. દત્તાએ ‘કરિન્થિયન્સ’માંથી પ્રેમની અદ્ભુત શક્તિના શ્લોકો ગાયા. અમતુસ્સલામે૨૮ કુરાનની આયતો વાંચી. અણેએ૨૯ પોતે રચેલા સંસ્કૃત શ્લોકોનું ગાયન કર્યું. ત્યાર પછી તમારો તાર બાપુના હાથમાં મૂકવામાં આવ્યો. રામધૂન પછી ઉપવાસ પત્યો. હૃદય ઊભરાઈ આવવાથી બાપુ કશું બોલી શક્યા નહોતા.૩૦

ત્યાર પછીના એક પત્રમાં સરકારના એક પરિપત્ર વિશેનો મહાદેવભાઈનો ગુસ્સો દેખાય છે.

આ સાથે हिंदुस्तान टाइम्सમાંથી કતરણ મોકલું છું.૩૧ સરકાર કેવી બાજી ગોઠવી રહી છે; બલકે એમાં છે તે કરતાં મૂળ પરિપત્રોમાં ઢગલો ભરેલો છે. એક જણ મૂળ બતાવવા લાવ્યો હતો. મોટું નિવેદન છે. પગલે પગલે એમાં વહેમ અને શંકા છે.

‘ગાંધી એક મહાશત્રુ પાક્યો છે. તેને દફનાવે જ આરો છે;’ એમ દરેક ‘પૅરા’માંથી ધ્વનિ નીકળે છે. આ ‘પરિપત્ર’ બધાં છાપાંમાં છાપી શકે તો એના કરતાં વધારે ‘damning document [બદબોઈવાળો દસ્તાવેજ] મળી શકે એમ નથી.૩૨

ગાંધીજીના ઊંચા બ્લડપ્રેશરને લીધે મહાદેવભાઈને એમની તબિયત અંગે ખૂબ ચિંતા રહેતી. તેમાં પાછા ગાંધીજીના રહેણીકરણી અને પ્રવાસ અંગેના કેટલાક આગ્રહો. મહાદેવભાઈ ત્રાસી જાય. પણ કોને કહેવાય? સરદાર એમને મોટા ભાઈ જેવા. અને એ પાછા ગાંધીજીની તબિયતની ચિંતા પણ એટલી જ કરનારા. એટલે બાપુ ઉપરની ચીડ સરદાર આગળ વ્યક્ત થઈ શકે — જુઓ આ પત્રાંશ:

મને ખરેખર શરમ આવે છે, દુ:ખ થાય છે અને છતાં શાંત થાઉં છું. ડૉક્ટરે બાપુને ખુરશીમાં બેસાડી સ્ટેશને લઈ જવા અને ‘સેકન્ડ ક્લાસ’માં મુસાફરી કરવા વિશે વાત કરી, એટલે બાપુને બહાનું મળ્યું. પણ બહાનું મળ્યું એમ કેમ કહેવાય? કારણ કે બાપુ કહેતા હતા કે ‘આ લોકો જાણતા નથી કે મને જવા નથી દેતા; તેથી પણ મારું “પ્રેશર” વધી જશે.’ એટલે [અમદાવાદ] આવવાની તીવ્ર ઇચ્છા હતી. મેં આ ચર્ચામાં કશો ભાગ ન લીધો. માત્ર એટલું જ કહ્યું: ‘બાપુ, સોમવાર સુધી રાહ જોઈએ. સોમવારે “બ્લડપ્રેશર” ૧૬૦–૧૬૫ સુધી રહેશે તો “થર્ડ ક્લાસ”માં જવાની ડૉક્ટર ના નહીં પાડે.’ બાપુ કહે: ‘પછી તો અમદાવાદ કેટલા દિવસ રહેવા મળે! એના કરતાં અહીં પડીને સારા થવું એ સારું. એટલે શા સારુ અમદાવાદ-મુંબઈ જવું જોઈએ?’ હું ચૂપ થયો. અઠ્ઠાવીસમીએ રાધાકૃષ્ણના૩૩ લગ્ન માટે આવવું એટલે અમદાવાદમાં ઓછા દિવસ જ રહેવાનું થાય ને? નહીં તો અમદાવાદથી સીધા દિલ્હી જવાનું રાખે તો અમદાવાદ ખાસું એક માસ રહેવાય, કારણ કે દિલ્હી પાંચમી તારીખે પહોંચવાનો એમનો સંકલ્પ હતો. હજી પણ અઠ્ઠાવીસમીએ અહીં આવવાનું ટાળી શકાય તો અમદાવાદ લાવી શકાય. પણ ચર્ચા કરવાથી શો ફાયદો? માંદગી અને ઘડપણ ભેગાં થાય એટલે આપણે બાળપણ પેદા થાય છે. તેમાં બાપુ મહાત્મા રહ્યા એટલે રાજાઓની જેમ મહાત્માઓને પણ બાળહઠ તો હોય જ ને?૩૪

અને આ કાગળમાં મહાદેવભાઈ વલ્લભભાઈને વર્ધા આવવા કેવી રીતે લલચાવે છે તે જુઓ. તેઓ લખે છે:

મેં તમને અહીં આવવાનો આગ્રહ કર્યો હતો તે બાપુના કહ્યા વિના મારી પોતાની લાગણીથી. હવે તો બાપુનો પોતાનો આગ્રહ તમે જોઈ શકશો, એટલે મને લાગે છે કે તમે ઝટપટ આવી જાઓ. અહીં અખંડ શાંતિ છે. આજે સવારે બાપુ કહે: ‘મને અનેક વસ્તુની ગડ બેસતી જાય છે અને અગાઉ જે ન જોતો તે હવે સ્પષ્ટ દેખાતું જાય છે.’ આ દશામાં તમે પડખે રહો એ કરતાં વધારે રૂડું શું? …બાપુ કાંઈક નિર્ણય કરે તે વખતે તમારી હાજરી બહુ કીમતી થઈ પડશે…૩૫

રેલવેના પ્રવાસ દરમિયાન લોકોનાં ટોળાંઓથી ગાંધીજીને બચાવવાના પ્રયાસ તો મહાદેવભાઈ નિરંતર કરતા જ રહેતા. કોઈ વાર લોકોને શોરબકોર કરીને ગાંધીજીને ન જગાડવાની આજીજીભરેલી વિનંતી કરે, કોઈક વાર ગાંધીજીના મોં પર થર્ડ ક્લાસના ડબાની લાઇટનું અજવાળું ન આવે એટલા ખાતર લાઈટના ગોળા ઉપર ભૂરા રંગની ચડ્ડી પહેરાવે, કોઈક વાર કોઈ ભીડને કહે, ‘હું જ ગાંધીજી છું, લો કરો મારાં દર્શન!’ પણ કદી કદી મહાદેવભાઈની સેવા કરવાની તક, ગાંધીજી પણ ઝડપી લેતા. એક પ્રવાસમાં રાતે મોડે સુધી જાગીને લખવાનું કામ કરી વહેલે પરોઢિયે મહાદેવભાઈની આંખ મળી ગઈ હતી. સવારે કોઈ મોટા સ્ટેશને એમની આંખ ઊઘડી તો એમણે જોયું કે ચાની કીટલી અને માખણ-રોટીની તશ્તરી તૈયાર રાખીને ગાંધીજી મહાદેવભાઈ જાગે તેની વાટ જોતા મલકાતા હતા!

નોંધ:

૧. गांधीजीनो अक्षरदेह – ૫૮ : પૃ. ૧૯૩.

૨. ગ. મા. નાંદુરકર, सरदारश्रीना पत्रो – ૪ : પૃ. ૨૮, પત્ર તા. ૨૧–૭–૧૯૩૪.

૩. એજન, પૃ. ૨૯.

૪. महादेवभाईनी डायरी – ૧૯ : પૃ. ૨૦.

૫. મણિબહેન નરહરિ પરીખ.

૬. વેલાંબહેન લક્ષ્મીદાસ આશર.

૭. ગ. મા. નાંદુરકર, सरदारश्रीना पत्रो – ૪ : પૃ. ૨૪. તા. ૩૦–૩–’૩૫.

૮. એજન, પૃ. ૭૭. તા. ૨૧–૧૧–’૩૫.

૯. गांधीजीनो अक्षरदेह – ૬૧ : પૃ. ૧૦૨, પાદટીપ ૩.

૧૦. નારાયણ દેસાઈ: संत सेवतां सुकृत वाधे, (ત્રીજી આવૃત્તિ): પૃ. ૪૮-૪૯.

૧૧. महादेवभाईनी डायरी – ૧૯ : પૃ. ૧૨૧થી ૧૨૪માંથી સારવીને. પૃ. ૮૩થી ૧૦૦.

૧૨. એજન, પૃ. ૨૫૪થી ૨૫૮ને આધારે.

૧૩. એજન, પૃ. ૧૦૧.

૧૪. महादेवभाईनी डायरी – ૨૦ : પૃ. ૮૭.

૧૫. એજન, પૃ. ૮૭.

૧૬. એજન, પૃ. ૮૩, ૮૪.

૧૭. એજન, પૃ. ૧૦૭.

૧૮. એજન, પૃ. ૧૦૮.

૧૮અ. એજન, પૃ. ૧૬૫.

૧૯. એજન, ૨૦ : પૃ. ૧૬૫થી ૧૮૩માંથી સારવીને.

૨૦. એજન, પૃ. ૨૧૮.

૨૧. गांधीजीनो अक्षरदेह – ૫૯ : પૃ. ૩૭૪.

૨૨. गांधीजीनो अक्षरदेह – ૬૦ : પૃ. ૯૬-૯૭.

૨૩. એજન, પૃ. ૮૧.

૨૪. गांधीजीनो अक्षरदेह – ૫૮ : પૃ. ૧૯૨.

૨૫. શ્રી જમનાલાલ બજાજનાં ધર્મપત્ની.

૨૬. શ્રી શિવાજી ભાવે; તપસ્વી અને ચિંતક.

૨૭. શ્રી બાળકોબા ભાવે; સંનિષ્ઠ રચનાત્મક કાર્યકર, ઉરુળીકાંચનના નિસર્ગોપચાર આશ્રમના એક કાર્યવાહક.

૨૮. આશ્રમવાસી, કસ્તૂરબા રાષ્ટ્રીય સ્મારક નિધિની સંનિષ્ઠ કાર્યકર્ત્રી.

૨૯. શ્રી માધવ શ્રીહરિ અણે.

૩૦. ગ. મા. નાંદુરકર: सरदारश्रीना पत्रो – ૪ : પૃ. ૩૭. તા. ૧૪–૮–’૩૪.

૩૧. સરકારના આ પરિપત્રમાં ગાંધીજીની ગ્રામોદ્યોગ અંગેની પ્રવૃત્તિને એક રાજકીય રસમ તરીકे વખોડવામાં આવી હતી અને તેને લઈને ગાંધીજી ઉપર અનેક ખોટા આક્ષેપો કરવામાં આવ્યા હતા.

૩૨. ગ. મા. નાંદુરકર, सरदारश्रीना पत्रो – ૪ : પૃ. ૪૭. તા. ૪–૧–’૩૫.

૩૩. રાધાકૃષ્ણ બજાજ, વર્ધાના રચનાત્મક કાર્યકર અને ગોસેવક.

૩૪. ગ. મા. નાંદુરકર: सरदारश्रीना पत्रो – ૪ : પૃ. ૮૮. તા. ૪–૧–’૩૬.

૩૫. એજન, પૃ. ૩૯. તા. ૧૯–૮–૩૪.