અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ/પિતૃતર્પણ
મહાદેવ જન્મશતાબ્દીનું વર્ષ મારે સારુ પિતૃતર્પણનું વર્ષ હતું, ઠેકઠેકાણે શતાબ્દીની ઉજવણીમાં ભાગીદાર થવા ઇજન મળે. તેમાં સહભાગીઓ સાથેની ચર્ચાઓથી પિતાશ્રી વિશે જોવાના નવા નવા દૃષ્ટિકોણો મળે; નવી પેઢીને પણ એમની જીવનકથા પ્રેરક બની રહે એ જોઈ હરખાઉં, આત્માની ‘હાફલાઇફ’ રેડિયો ઍક્ટિવિટી કરતાં ઓછી નથી!
શતાબ્દીની જવાબદારી તરીકે એમનું જીવનચરિત્ર લખવાની હામ ભીડી. લખતાં પહેલાં જ સમજાઈ ગયું કે કામ સહેલું નહોતું. લખી રહ્યો ત્યારે સમજાયું કે આખું કામ સ્વાન્ત:સુખાય થયું.
હું મહાદેવભાઈનો કેવળ પ્રશંસક જ નહોતો, પુત્ર પણ હતો. જીવનચરિત્રકાર બનવા જતાં સમજાયું કે તટસ્થતા સહજ હોય તો જ ઇષ્ટ, સાયાસ સાધેલી હોય તો એટલી ઇષ્ટ નહીં. તર્પણકારની અંજલિ ભાવસલિલથી ભીની જ હોય, એની કસોટી ‘લોકો શું કહેશે?’ એ નહીં, પણ ‘તારું હૈયું શું કહે છે?’ એ જ હોવી જોઈએ. સત્યની મર્યાદામાં રહીને ચારિત્ર્યની સાથે ચારિત્ર્યગાથા ગાવાનો આ પ્રયાસ છે,
શરૂઆતમાં મુશ્કેલીઓ અને મૂંઝવણો. હું મહાદેવભાઈનો પુત્ર તો ખરો, પણ એમની જિંદગીનાં માત્ર છેલ્લાં છ વરસ મેં એમના સહવાસમાં ગાળેલાં. અને એ છ વર્ષ મારી મુગ્ધાવસ્થાનાં, જીવનચરિત્ર લખવા સારુ એ પર્યાપ્ત ન ગણાય. મહાદેવભાઈને ગયે પૂરાં પચાસ વર્ષ થયાં. એટલે જેમની મુલાકાતોથી માહિતીનો ઢગલો ખડકાય એવા સમકાલીનો શોધવા મુશ્કેલ. જે જડે તે આશીર્વાદ આપે, માહિતી નહીં. નિરંતર પત્ર લખનાર મહાદેવભાઈના પત્રો એના પરિવાર પાસે જળવાયા નહોતા. અમારી એ બેવકૂફી જ ને? બાએ અવારનવાર પત્રો ફાડી નાખેલા. કેટલાંક સ્થળાંતરણ કે કારાવાસને લીધે આડાઅવળા થયા હશે. મારી અવસ્થા:
‘मन जखन जागलि नारे, मनेर मानुष एलो द्वारे ता’र चले जावार शब्द सुने भांगलो रे धूम अंधकारे.’
(મન તું જ્યારે જાગ્યું ના રે, મનના માનેલ આવ્યા દ્વારે, તેના ચાલ્યા જવાનો રવ સુણીને ભાંગી નીંદર અંધકારે.)
જેવી હતી.
ડાયરીઓ ઉથલાવી જોઈ તો તે નામે महादेवभाईनी डायरी ખરી, પણ હતી સર્વ ગાંધીજીની ડાયરી. મારા જન્મદિવસની આસપાસના અઠવાડિયાની ડાયરી ખોળી જોઈ, તો તેમાં પુત્રજન્મનો ઉલ્લેખ જ ન મળે!
આમ શરૂઆત પહેલાં જ સમજાઈ ગયું કે કામ કાઠું હતું, પણ બેત્રણ તત્ત્વ એવાં હતાં કે જેને લીધે આ કામ પાર પડ્યું. સર્વ પ્રથમ તો લખવા અંગે ‘ના, હું તો ગાઈશ’ જેવી મારી જિદ્દ. બીજું તત્ત્વ અનેક મિત્રોનું પ્રોત્સાહન. ખાસ ઉલ્લેખ કરવો જોઈએ બહેન વનમાળા અને ભાઈ મહેન્દ્ર વા. દેસાઈનો. ‘પ્રસંગો ભલેને બીજાએ લખ્યા હોય, તું લખશે તો તારી આગવી રીતે જ’ એમ કહી વનમાળાએ પ્રોત્સાહિત કર્યો અને ‘કાંઈ નહીં તો આપણા પોતાને માટે આ પાવનકારી કામ છે, એમ સમજીને, પણ લખ’ એમ કહી મહેન્દ્રે તરતાં શીખનારને પાણીમાં ધકેલનારનું કામ કર્યું.
પણ ચાવી જડી સામે છેડેથી. ‘મહાદેવ જો મોહનમાં મળી જવાથી ન મળતા હોય તો એની શોધ મોહનમાં જ કરને’ એવી વૃત્તિથી મેં તપાસ ચાલુ કરી. गांधीजीना अक्षरदेहમાં સેંકડો સ્થળે મહાદેવ મળી આવ્યા. ગાંધીજીનો છેડો પકડ્યો એટલે મહાદેવભાઈને મળ્યા વગર છૂટકો જ નહોતો. ગાંધીજી પાછળ સરદાર, જવાહર, દેવદાસ, રાજાજી, નરહરિભાઈ, પ્યારેલાલ — જેમનું જે સાહિત્ય મળ્યું તે ફંફોસવા માંડ્યું અને મહાદેવ જડતા ગયા. એટલા જડ્યા કે છેવટે કયા રાખવા, કયા છોડવા એવો કઠણ છતાં સુખદ પ્રશ્ન આવીને ઊભો રહ્યો!
આ કામ કાંઈ એકલાનું નથી, થોકેથોક લોકો મદદે આવ્યા છે.
કદાચ સૌથી વધારે મોટો આધાર મળી રહ્યો મારા પૂર્વસૂરિઓ પાસેથી. નરહરિભાઈનું महादेवभाईनुं पूर्वचरित ન હોત તો એમના જીવનનાં પહેલાં પચીસ વર્ષ મોટે ભાગે અંધારામાં રહ્યાં હોત. ચંદુલાલ ભ. દલાલની स्व. महादेवभाई देसाई स्मृतिचित्रो તથા गांधीजीनी दिनवारीએ અનેક ઠેકાણે ખૂટતી કડીઓ મેળવી આપી. વજુભાઈ શાહની सर्व शुभोपमायोग्य महादेवभाईએ જીવનચરિત્રકારથી પ્રશંસક કેમ બનાય એવી મારી શંકા દૂર કરી. પુસ્તકનું શીર્ષક ઝવેરચંદ મેઘાણી પાસેથી આદરપૂર્વક લીધું છે.
એક અસામાન્ય અનુભવ થયો. જે સામગ્રીની શોધમાં હોઉં, તે અનેક વાર સામેથી આવીને ઊભી રહી ગઈ — પુસ્તકરૂપે, પત્રરૂપે, છાપાંરૂપે, કોઈક વાર સાવ અજાણ્યે કે અનપેક્ષિત ઠેકાણેથી સાંભળવા મળેલા સંસ્મરણરૂપે. મેં આને ઈશ્વરની કૃપા માની છે.
શ્રી ચી. ના. પટેલને પુસ્તકની પ્રસ્તાવના લખવા વિનંતી કરવા ગયો હતો. તેમણે સંમતિ તો ખુશીથી આપી જ, પણ આખું લખાણ જોઈ-તપાસી આપવાનીયે તૈયારી બતાવી મને ન્યાલ કરી દીધો. એમના માર્ગદર્શને લેખક તરીકે મારી અનેક જવાબદારીઓનું ભાન કરાવ્યું, આને પણ ઈશ્વરની કૃપા નહીં તો બીજું શું માનું?
આભાર ઘણા ઘણાનો માનવાનો છે.
અમારા ટાઇપિસ્ટ ઝહીરુદ્દીન એમ. સૈયદ એમ તો આંશિક સમયના કાર્યકર્તા. પણ આ હસ્તપ્રત ટાઇપ કરવામાં એમણે ઘણી વાર દિવસરાત એક કર્યાં. મહાદેવભાઈએ એની પર પણ પોતાની મોહિની લગાડી છે. એ કદાચ મહાદેવભાઈનો આભાર માનશે, હું એનો માની લઉં.
સંસ્થાઓનો:
શ્રી મહાદેવ દેસાઈ જન્મશતાબ્દી સમિતિ, ગુજરાતનો — પુસ્તક લખવાથી માંડીને પ્રસિદ્ધ કરવા સુધી પ્રેરણા, સાથ અને સહકાર આપવા બદલ.
ગાંધી સ્મારક સંગ્રહાલય, સાબરમતીનો — હસ્તલિખિત પત્રસંગ્રહની નકલ આપવા અને કેટલાંક પુસ્તકો મેળવી આપવા બદલ.
નેહરુ સંગ્રહાલય તથા પુસ્તકાલય, નવી દિલ્હીનો — હસ્તલિખિત પત્રોના અનેક સંગ્રહો જોવા દેવા બદલ.
ગાંધી સ્મારક નિધિ, મુંબઈનો — અનેક પુસ્તકો ઉપલબ્ધ કરી આપવા બદલ.
નવજીવન ટ્રસ્ટ, અમદાવાદનો — પુસ્તક સર્વજનસુલભ થાય એટલા સારુ શતાબ્દી સમિતિને છૂટે હાથે સહાયતા આપવા બદલ.
બહેનોનો:
પદ્માબહેન ભાવસારનો — પગલે પગલે નાનાવિધ સેવાઓ બદલ.
કુરંગી તથા ચિત્રા દેસાઈનો — હિંદી અને અંગ્રેજી ભાષાંતર કરતાં કરતાં અનેક સલાહસૂચનો અને પ્રોત્સાહન આપવા બદલ
મનોજ્ઞા, દીપિકા, સુજાતા, પંથિની, દુઆ, હંસાબહેન, કંચનબહેન, વસુધાબહેન, ઉપાબહેન મહેતા, ઉષા ત્રિવેદી તથા મોંઘીબહેનનો — વિવિધ સેવાઓ બદલ.
ભાઈઓ:
હરિદેવ શર્માનો — નેહરુ મ્યુઝિયમની તમામ સવલતો પૂરી પાડવા તથા મોંઘેરી સલાહ બદલ.
અમૃત મોદીનો — પુસ્તક-પ્રકાશનની આખી યોજના પાછળ પીઠબળ પૂરું પાડવા બદલ.
જિતેન્દ્ર દેસાઈનો — મુદ્રણને ભક્તિનો ઓપ ચડાવવા બદલ.
શતાબ્દી સમિતિના સર્વ સભ્યોનો — ક્રમશ: વધતા જતા પુસ્તકના કદ અને પૂરું કરવા માટેની છેવટની તારીખના અંદાજ બાબત ઉદારતા દાખવવા બદલ.
હકુ શાહનો — પુસ્તકના સુશોભન અંગે સલાહસૂચનાઓ આપવા બદલ.
લક્ષ્મણભાઈ મકવાણા, જસભાઈ પટેલ તથા સ્વરાજ આશ્રમ વેડછીના અનેક વિદ્યાથીઓનો — સ્વયંસેવક તરીકે સેવાઓ આપવા બદલ.
સુભાષ મહેતા, મુંબઈનો — કેટલુંક સાહિત્ય ઉપલબ્ધ કરી આપવા બદલ.
અને છેવટે સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલયનો — નવ નવ માસ સુધી મારી પ્રશિક્ષણ પ્રવૃત્તિને ગૌણ બનાવી લેખનપ્રવૃત્તિને મુખ્ય બનાવવાની ઉદારતાપૂર્વક અનુમતિ આપવા બદલ.
સર્વનો કૃતજ્ઞ છું.
— નારાયણ દેસાઈ
સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય
વેડછી-૩૯૪૬૪૧
૫–૬–૧૯૯૨