અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ/મહાદેવ દેસાઈ: ગાંધીજીના ગણેશ અને હનુમાન
નારાયણભાઈએ પોતાના પિતાની આ જીવનકથા લખવાનું શરૂ કર્યું તે પહેલાં તેઓ મને મળ્યા હતા અને તે લખાઈ રહે પછી હું તેની પ્રસ્તાવના લખું એવું તેમણે સૂચન કર્યું હતું. એ સૂચન મેં સહર્ષ સ્વીકારી લીધું. જગતભરમાં ગાંધીજીના રહસ્યમંત્રી તરીકે જાણીતા થયેલા મહાદેવભાઈ માટે મને ઊંડો આદર હતો. જોકે તેમના વિશે હું બહુ જાણતો નહોતો. गांधीजीनो अक्षरदेहના ખંડોમાં ગાંધીજીના તેમના ઉપરના પત્રો છપાયા છે તે સિવાય મેં મહાદેવભાઈ વિશે કંઈ વાંચ્યું નહોતું એટલે મહાદેવભાઈની જીવનકથાની પ્રસ્તાવના લખવાનું સ્વીકારવું એ મારે સારુ એક સાહસ હતું, છતાં મહાદેવભાઈ માટેના મારા આદરને વશ થઈને મેં એ સાહસ કરવાનું સ્વીકાર્યું. અને હવે મને લાગે છે કે એ સારું જ કર્યું.
પ્રસ્તાવના લખવાનું સૂચન સ્વીકારતાં મેં નારાયણભાઈને એમણે લખવા ધારેલી જીવનકથાનાં પ્રકરણો લખાતાં જાય તેમ મને મોકલવાની વિનંતી કરી, જે તેમણે વધાવી લીધી. એમણે મોકલેલા પહેલા પ્રકરણનું શીર્ષક ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ હતું. હું તેનું પ્રયોજન ન સમજી શક્યો, પણ હું જેમ નારાયણભાઈએ મોકલેલાં પ્રકરણો વાંચતો ગયો તેમ મને મહાદેવભાઈના વ્યક્તિત્વનું અહોભાવભર્યું દર્શન થતું ગયું અને હું જાણે કોઈ પુરાણકથા વાંચતો હોઉં એવો મને અનુભવ થયો. બધાં પ્રકરણો વાંચી રહ્યા પછી મહાદેવભાઈ વિશે વધુ માહિતી મેળવવાની ઇચ્છાથી મેં સર્વશ્રી જયંત પંડ્યા અને કાંતિ શાહે સંપાદિત કરેલું અને ગુજરાતની શ્રી મહાદેવ દેસાઈ જન્મશતાબ્દી સમિતિ (ગાંધી સ્મારક સંગ્રહાલય, હરિજન આશ્રમ, અમદાવાદ-૩૮૦ ૦૨૭)એ પ્રસિદ્ધ કરેલું शुक्रतारक समा महादेवभाई એ પુસ્તક વાંચ્યું. મેં એ પુસ્તક આ પહેલાં વાંચ્યું હતું, પણ પૂરા ધ્યાનથી નહીં. હવે મેં જોયું કે મહાદેવભાઈને ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’નું બિરુદ જેમને ગાંધીજીએ રાષ્ટ્રકવિ કહ્યા હતા તે ઝવેરચંદ મેઘાણીએ આપ્યું હતું. નારાયણભાઈનાં પ્રકરણોએ મારા મન ઉપર જે છાપ પાડી હતી તે शुक्रतारक समा महादेवभाई પુસ્તકે દૃઢ કરી. અને ઝવેરચંદ મેઘાણીએ મહાદેવભાઈને આપેલા બિરુદની યથાર્થતા મને પૂરેપૂરી સમજાઈ. તેથી તેમણે પહેલા પ્રકરણનું શીર્ષક બદલી પોતે પિતૃતર્પણરૂપે લખેલી પિતાની જીવનકથાને જ ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ નામ આપ્યું છે તેનું ઔચિત્ય પણ હું સમજ્યો. … મને ખાતરી છે કે અગ્નિકુંડમાં ઊગેલા આ ગુલાબની કથા વાંચી મારા મન ઉપર જે છાપ પડી છે તે વાચકોના મન ઉપર પણ પડશે અને તેમને એ કથામાં ગુલાબની સુવાસનો અને અગ્નિકુંડની કરુણતાના મિશ્રણનો રસપ્રદ બોધ થશે.
ગાંધીજીના રહસ્યમંત્રી તરીકે મહાદેવભાઈએ જે અને જેવી રીતે એમની અને દેશની સેવા કરી તેનું પૂરું મહત્ત્વ આપણામાંના ઘણાને કલ્પનામાં પણ આવી શકે એમ નથી. તેઓ પોતાને ગાંધીજીના ‘પીર, બબરચી, ભિસ્તી, ખર’ તરીકે ઓળખાવતા અને કોક વાર પોતાને ગાંધીજીના ‘હમાલ’ પણ ગણાવતા… ગાંધીજીના અંતેવાસી થવું એ જ્વાળામુખીના મોં પર રહેવા જેવું દુષ્કર કામ હતું એમ મહાદેવભાઈ વારંવાર કહેતા. (‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ પ્ર. ૩૯). રાવણની આજ્ઞાથી રાક્ષસોએ હનુમાનની પૂંછ સળગાવી ત્યારે રામ અને સીતાની કૃપાથી તેમને અગ્નિનો જરાય સ્પર્શ નહોતો થયો તેમ મહાદેવભાઈને પણ ગાંધીજીના ઇષ્ટદેવ રામની કૃપાથી એ જ્વાળામુખીના અગ્નિનો સ્પર્શ નહોતો થયો અને જીવનના અંત સુધી એમના સ્વભાવની પ્રસન્નતા અખંડિત રહી હતી. આનું કારણ એ હતું કે રામ અને સીતા તથા તેમના સેવક હનુમાનમાં જેમ કોઈક અલૌકિક તત્ત્વ હતું તેમ ગાંધીજી અને તેમના રહસ્યમંત્રી અને ભક્ત-સેવક એવા મહાદેવભાઈમાં પણ હતું.
મહાદેવભાઈના વ્યક્તિત્વના એ અલૌકિક તત્ત્વને બિરદાવતાં ગાંધીજીએ યોગ્ય રીતે જ મહાદેવભાઈના જીવનને ‘ભક્તિનું અખંડ કાવ્ય’ કહ્યું હતું. (પ્ર. ૧, પૃ. ૮). મહાદેવભાઈના જીવનના એ કાવ્યત્વને સમજવા આપણે ગાંધીજીના જીવનનું કાવ્યત્વ સમજવું જોઈએ. ગાંધીજીએ ભારતને સ્વરાજ અપાવ્યું તેનું ગૌરવ કરી આપણે તેમણે ‘રાષ્ટ્રપિતા’ તરીકે ઓળખાવ્યા છે. ગાંધીજીનો એ પુરુષાર્થ કોઈ મહાકાવ્ય જેવો હતો. જેમ ગણેશે મહર્ષિ વ્યાસનાં વચન અક્ષરબદ્ધ કર્યાં તેમ મહાદેવભાઈએ અર્વાચીન યુગના ઋષિ-દ્રષ્ટા જેવા ગાંધીજીનાં અસંખ્ય પત્રો, સંવાદો, વાર્તાલાપો અને ભાષણોને એમની ચિત્રાત્મક શૈલીમાં એવી રીતે અક્ષરબદ્ધ કર્યાં છે કે વાચક એ બધા પ્રસંગોનો પોતે સાક્ષી હોય એવો અનુભવ કરે છે. આ વાત કોઈને અતિશયોક્તિ જેવી લાગશે પણ મહાદેવભાઈના કાર્યનું મૂલ્ય એવી કોઈ ઉપમા દ્વારા જ આંકી શકાય.
મહાભારતના યુદ્ધની જેમ અર્વાચીન ભારતની સ્વાતંત્ર્ય-લડત પણ દૈવી અને આસુરી બળોના સંગ્રામ જેવી હતી… ઉત્સાહી ભારતભક્તો એ સંગ્રામમાં અંગ્રેજોને અસુરોના અને ભારતીય નેતાઓને દેવોના પ્રતિનિધિઓ તરીકે ઓળખાવવા લલચાશે… પણ હકીકતમાં અંગ્રેજો અને ભારતની પ્રજા તથા નેતાઓ બંને પક્ષે દૈવી અને આસુરી બળોનું મિશ્રણ હતું અને ગાંધીજીનો પુરુષાર્થ સત્ય અને અહિંસાની આધ્યાત્મિક શક્તિથી બંને પક્ષની શુદ્ધિ સાધવાનો હતો. મહાદેવભાઈ ૨૪ વર્ષની યુવાન વયે ગાંધીજી સાથેની પહેલી મુલાકાત વખતે જ એમનો એ આધ્યાત્મિક પ્રભાવ પારખી ગયા અને તેમણે ગાંધીજીના ચરણે બેસી જવાનો સંકલ્પ કર્યો. (‘નરહરિ, મને તો આ પુરુષને ચરણે બેસી જવાનું મન થાય છે.’) (પ્ર. ૯, પૃ. ૬૧).
એ સંકલ્પને અનુસરી તેમણે ૨૫ વર્ષ સુધી ગાંધીજીની અદ્વિતીય ગણી શકાય એવી સેવા કરી અને એ સેવા કરતાં પૂણેના આગાખાન મહેલમાં ૧૯૪૨ના ઑગસ્ટની ૧૫મી તારીખે ગાંધીજીના સાન્નિધ્યમાં દેહ છોડ્યો અને પોતાના ઇષ્ટદેવના હાથે અગ્નિદાહ પામવા સદ્ભાગી બન્યા.
પોતાની આત્મસમર્પણ ભાવના સમજાવતાં મહાદેવભાઈએ લખ્યું હતું, “હનુમાન જેવાને આદર્શ માની એની સ્વાર્પણસેવા પોતામાં ઉતારવી અને કેવળ સ્વામીભક્તિથી તરી જવું એ જ મારો પુરુષાર્થ છે.” (પ્ર. ૧૭, પૃ. ૧૮૦). આમ જે વ્યક્તિત્વ મહાદેવભાઈએ ગાંધીજીના ચરણે ધરી દીધું તેની ચારિત્ર્યસમૃદ્ધિ અને બૌદ્ધિક સંપત્તિ આશ્ચર્યજનક હતાં. સ્વામી આનંદે તેમને ‘મોગલ ગાર્ડનના ગુલાબ અને ઢાકાની શબનમ સાથે’ સરખાવ્યા હતા (શુ. પૃ. ૨૫૯) અને ગાંધીજીએ ‘કબીરવડ’ સાથે સરખાવ્યા હતા. (પ્ર. ૧૭, પૃ. ૧૭૪). શ્રી શ્રીનિવાસ શાસ્ત્રી જેવા વિદ્વાન પણ મહાદેવભાઈ સાથેની મુલાકાતોને ‘આધ્યાત્મિક મનોયત્ન’ તરીકે આવકારતા (પ્ર. ૩૦, પૃ. ૫૦૬). દેશબંધુ ચિત્તરંજન દાસનાં બહેન શ્રીમતી ઊર્મિલાદેવીએ મહાદેવભાઈને પુત્ર સમાન માનેલા. તેમણે તેમને ‘ભોળા શંભુ જેવા નિજાનંદી અને ભોગી છતાં યોગી’ અને ‘ગૃહસ્થ છતાં સંન્યાસી’ કહ્યા હતા (શુ. પૃ. ૧૦૦). મહાદેવભાઈને પોતાની માંદગી દરમિયાન કેટલાક આધ્યાત્મિક અનુભવો થયેલા જેનું રોચક વર્ણન આ પુસ્તકમાં જોવા મળે છે. (પ્ર. ૧૭, પૃ. ૧૭૭–૧૭૮).
મહાદેવભાઈના ચારિત્ર્યનું વર્ણન કરતાં ગાંધીજીએ કહ્યું હતું, “મને કોઈ પૂછે કે મહાદેવના ચારિત્ર્યનું સૌથી ઉમદા લક્ષણ કયું તો કહું કે પ્રસંગ પડ્યે શૂન્યવત્ થઈ જવાની તેની શક્તિ” (પ્ર. ૧૨, પૃ. ૯૯). વળી ૨૧–૮–૧૯૨૧ના એક પત્રમાં ગાંધીજી લખે છે, “તમારા જેવો માણસ હમેશાં મારી સાથે હોય તો છેવટે મારું કામ ઉપાડી શકે એવો લોભ રહી જાય છે.” (પ્ર. ૧૯, પૃ. ૨૧૩). ઊર્મિલાદેવીએ પોતાના સંસ્મરણલેખમાં ગાંધીજીને મહાદેવભાઈ વિશે એમ કહેતાં ટાંક્યા છે કે “મહાદેવ મારો દીકરો, મારો ભાઈ, મારો મિત્ર, મારો મંત્રી બધું જ છે.” (પ્ર. ૨૬, પૃ. ૪૧૦).
મહાદેવભાઈના પક્ષે તેમણે ગાંધીજીની સાથે એવું તાદાત્મ્ય સાધ્યું હતું કે ચક્રવર્તી રાજગોપાલાચારી મહાદેવભાઈને ‘હૃદય દ્વિતીયમ્’ કહેતા (પ્ર. ૪૩, પૃ. ૭૦૮). અને અનેક લેખકોએ નોંધ્યું છે કે ગાંધીજી અને મહાદેવભાઈની લેખનશૈલીમાં એવું સામ્ય હતું કે લેખની નીચે સહી જોઈએ ત્યારે જ ખબર પડે કે તે લેખ કોનો છે, નારાયણભાઈ વર્ણવે છે કે ગાંધીજીના કેટલાક ઉપવાસો વખતે જાતે ભોજન લેવા છતાં મહાદેવભાઈનું પણ ગાંધીજી જેટલું જ વજન ઘટતું, અને ગાંધીજીની એક માંદગી વખતે તેમણે તીવ્રપણે એવી પ્રાર્થના કરેલી કે ઈશ્વર તેમનું અડધું આયુષ્ય લઈને ગાંધીજીને બચાવો. (શુ. પૃ. ૧૦૧). ગોર્ડન નામના એક અંગ્રેજની ઈશ્વર પ્રત્યેની પ્રાર્થના ટાંકી મહાદેવભાઈ મીરાંબહેનને લખે છે, “I am approaching the new year, reading ‘Bapu’ for He (God) whereaver it occurs for the simple reason that I have no vision of Him, whereas I have some vision of Bapu.”
હું નવા વર્ષનું સ્વાગત એ પ્રાર્થનામાં જ્યાં તે (ઈશ્વર) છે ત્યાં ‘બાપુ’ વાંચીને કરું છું અને તે એ જ કારણે કે મને તેનું (ઈશ્વરનું) દર્શન નથી થયું, પણ બાપુની કંઈક ઝાંખી થઈ છે (શુ. પૃ. ૩૮૯). મહાદેવભાઈની બૌદ્ધિક સંપત્તિનો અંદાજ તેઓ અઢાર વર્ષની ઉંમરે એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી બી. એ. થયા એ ઉપરથી જ આવી શકે એમ છે, પણ તેનો વધારે ખ્યાલ મેળવવા મહાદેવભાઈની ડાયરીઓ તથા તેમણે ગાંધીજીના अनासक्तियोगનું અંગ્રેજી રૂપાંતર કર્યું છે તેની પ્રસ્તાવનારૂપે તેમણે My submission (મારું નમ્ર નિવેદન) એ નામના લેખમાં ભગવદ્ગીતાને લગતા કેટલાક પ્રશ્નોની સૂક્ષ્મ છણાવટ કરી છે તથા શ્લોકો ઉપર નોંધો લખી છે તેનો કાળજીપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. એ બધામાં એમણે સાઠ ઉપરાંત પરદેશી લેખકો અને ચિંતકોનો ઉલ્લેખ કર્યો છે અને તેમનાં લખાણોમાંથી ઉતારા આપ્યા છે. એ લેખકોમાં શેક્સપિયર, વર્ડ્ઝવર્થ, શેલી, કીટ્સ, બાયરન અને બ્રાઉનિંગ જેવા અંગ્રેજ કવિઓનો પણ સમાવેશ થાય છે. ભારતીય લેખકો અને ચિંતકો જુદા, વેદ અને ઉપનિષદોમાંથી પણ મૂળ સંસ્કૃતમાં ઉતારા આપ્યા છે. મહાદેવભાઈનો બી. એ.માં અભ્યાસનો વિષય તો લૉજિક અને મૉરલ ફિલૉસૉફી (તર્કશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર) હતો, તો તેમણે સંસ્કૃતનું આવું શુદ્ધ જ્ઞાન ક્યારે અને કેવી રીતે મેળવ્યું? અને My submissionમાં અંગ્રેજ કવિઓ ઉપરાંત ઇસ્લામી અને ખ્રિસ્તી રહસ્યદ્રષ્ટાઓના ઉલ્લેખો અને તેમનાં લખાણોમાંથી ઉતારા છે એ બધાનો અભ્યાસ એમણે ક્યારે કર્યો હશે?
મહાદેવભાઈની બૌદ્ધિક સંપત્તિ એમના વાચનરસમાં પણ જોવા મળશે. કોઈ સંશોધકે મહાદેવભાઈએ વાંચેલાં પુસ્તકોની યાદી કરવા જેવી છે.
મહાદેવભાઈનું ભાષાજ્ઞાન પણ કેવું સમૃદ્ધ હતું! ગાંધીજીનું અંગ્રેજી ઉત્કૃષ્ટ કક્ષાનું હતું એ સમજી શકાય છે, કારણ કે તેઓ ઓગણીસ વર્ષની ઉંમરે બૅરિસ્ટરીના અભ્યાસ માટે લંડન ગયા હતા અને અઢી વર્ષ ત્યાં રહ્યા હતા. ત્યાં અને તે પછી દક્ષિણ આફ્રિકામાં તેઓ અંગ્રેજોના નિકટના સંપર્કમાં આવ્યા હતા. મહાદેવભાઈને એવો લાભ નહોતો મળ્યો છતાંયે એમનું અંગ્રેજી ગાંધીજીના અંગ્રેજી જેવું જ ઊંચા સ્તરનું હતું. વળી તેઓ ગાંધીજીના વિચારો સાથે એવા ઓતપ્રોત થઈ ગયા હતા કે નારાયણભાઈ નોંધે છે તેમ ગાંધીજી બોલતા હોય અને મહાદેવભાઈ નોંધ લેતા હોય ત્યારે તેમની કલમ ગાંધીજીની વાણીથી આગળ ચાલતી, ગાંધીજી બોલવાના હોય તે શબ્દ તેઓ અનુમાનથી લખી લેતા અને ગાંધીજી બોલે ત્યારે તેમના મોંમાંથી તે જ શબ્દ નીકળતો (જુઓ પ્ર. ૪૧, પૃ. ૬૮૦). આ જ વાત શ્રી ઘનશ્યામદાસ બિરલાએ નોંધી છે. તેઓ એમ પણ લખે છે કે અનુપયુક્ત શબ્દ નીકળે તો મહાદેવભાઈની કલમ અટકી જતી અને ચર્ચા ચાલતી (શુ. પૃ. ૯૭).
ક્યારેક આપણને એમ પણ લાગે કે મહાદેવભાઈ ગાંધીજીના વિચારો એમના કરતાં વધુ ચિત્રાત્મક ભાષામાં મૂકતા. ગાંધીજીના મોંમાં મુકાયેલું જાણીતું વાક્ય Truth and non-violence are as old as the hills બાપુનું મૂળ વાક્ય ‘સત્ય અને અહિંસા અનાદિકાળથી ચાલ્યાં આવે છે’ એવું છે. સત્ય અને અહિંસા તે તો પહાડ જેટલાં પુરાણાં છે એ ગાંધીજીનું છે જ નહીં. એ તો ગાંધીજી જે બોલ્યા હતા તેનો મહાદેવભાઈએ સાર આપ્યો છે. અંગ્રેજી ઉપરાંત હિંદી, બંગાળી અને મરાઠી ભાષાઓનું પણ મહાદેવભાઈનું જ્ઞાન ઊંચા પ્રકારનું હતું.
મહાદેવભાઈએ પોતાનું આવું ભાષાજ્ઞાન સાહિત્યસર્જનમાં યોજ્યું હોત તો ગુજરાતી સાહિત્યમાં પ્રથમ હરોળનું સ્થાન પામ્યા હોત. તેમણે નારાયણભાઈને કહ્યું હતું, “પાંચ-છ નવલકથાની વસ્તુ મારા મગજમાં ગોઠવાયેલી છે” (શુ. પૃ. ૧૨૨). એમણે પાંચ-છ ટૂંકાં જીવનચરિત્રો લખ્યાં છે તે ઉપરાંત તેમણે એમની ડાયરીઓમાં કેટલીય વ્યક્તિઓનાં જીવંત રેખાચિત્રો આપ્યાં છે, એમની વર્ણનશક્તિ વિશે શ્રીમતી વનમાળા દેસાઈ લખે છે, “બાપુજી પાસે જાતજાતનાં નંગ આવે એનું રસિક વર્ણન મહાદેવકાકા કરે અને અમને હસાવે.” (શુ. પૃ. ૧૩૧)
બીજી ગોળમેજી પરિષદમાંથી ગાંધીજી ૧૯૩૧ના ડિસેમ્બર માસમાં ખાલી હાથે પાછા ફર્યા તે પછી તેમની ૧૯૩૨ના જાન્યુઆરીની ૪થી તારીખે ફરી ધરપકડ થઈ. તે વેળા મહાદેવભાઈ પણ પકડાયા. અને માર્ચ માસમાં તેઓ યરવડા જેલમાં ગાંધીજી સાથે જોડાયા ત્યારથી શરૂ કરીને ૧૯૩૩ના ઑગસ્ટની ૨૦મી સુધીનો એમણે એમની ડાયરીઓના પહેલા ત્રણ ભાગમાં ગાંધીજી, વલ્લભભાઈ અને પોતે એમ ત્રણ વચ્ચે થયેલા વાર્તાલાપો, સંવાદો, અસ્પૃશ્યતાનિવારણ અંગે ગાંધીજીના ઉપવાસો, તેને લગતા જાહેર કાર્યકર્તાઓ સાથે વાર્તાલાપો, પત્રવ્યવહારો અને મુલાકાતો એ બધાંનાં જે તાદૃશ અને ક્યારેક રમૂજી ચિત્રણો આપ્યાં છે તે મહાદેવભાઈની વર્ણનશક્તિના શ્રેષ્ઠ નમૂનાઓ છે અને વલ્લભભાઈની ખળખળતી અને ગાંધીજીને પણ હસાવીને બેવડ વાળી દે એવી વિનોદવૃત્તિવાળાં વર્ણનો ફરી ફરી વાંચવાં ગમે એવાં છે. પરંતુ ગાંધીજીએ ૧૯૩૩ના મે માસમાં હરિજન સેવામાં પડેલા કાર્યકર્તાઓની શુદ્ધિ અર્થે ૨૧ દિવસના ઉપવાસ કર્યા ત્યારે વલ્લભભાઈ અને મહાદેવભાઈ બંનેની વિનોદવૃત્તિ સુકાઈ ગઈ. એ સમયની એ બે ગાંધીભક્તો ને ગાંધીસેવકોની હૃદયવ્યથા વર્ણવી જાય એવી નથી.
મહાદેવભાઈની પત્રકારત્વશક્તિને બિરદાવતાં ગાંધીજીએ ડૉ. સુશીલા નય્યરને કહ્યું હતું, “મહાદેવ જોકે પત્રકારત્વ મારી પાસેથી શીખ્યા પણ મારા કરતાં એમની કલમ વધારે સુગમતાથી ચાલવા માંડી.” (શુ. પૃ. ૨૪). મહાદેવભાઈને इन्डिपॅन्डन्ट દૈનિકમાં મદદ કરવા મોકલતાં ગાંધીજીએ મહાદેવભાઈને કહ્યું હતું, “તમને હું મારા મગજ તરીકે કેળવી રહ્યો છું.” (પ્ર. ૧૯, પૃ. ૨૧૪).
આ બધી ચારિત્ર્યસમૃદ્ધિ અને બૌદ્ધિક સંપત્તિ મહાદેવભાઈએ ગાંધીજીના ચરણે ધરી દીધી. ગાંધીજીએ हिंद स्वराजમાં પોતે વર્ણવેલું સ્વરાજ લેવા “આ દેહ અર્પણ છે” એવો ભવ્ય સંકલ્પ કરેલો એવું જ ભવ્ય મહાદેવભાઈનું ગાંધીજીના ચરણે આત્મસમર્પણ હતું. મહાદેવભાઈના આ આત્મસમર્પણે તેમને ગાંધીજી સાથે એવા ઓતપ્રોત કરી દીધા હતા કે નારાયણભાઈએ આલેખેલી એમની જીવનકથા ૧૯૧૭થી ૧૯૪૨ સુધીની ગાંધીકથા પણ બની છે. એ ગાંધીકથા આપતાં તેમણે ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમની ભૂમિકા પણ સમજાવી છે અને ગાંધીજીના સત્ય અહિંસાના સિદ્ધાંતની સૂક્ષ્મ છણાવટ ગાંધીજી અને મહાદેવભાઈના શબ્દોમાં આવરી લીધી છે. તે સાથે તેમણે ચંપારણ, અમદાવાદના મિલમજૂરોની હડતાળ, ખેડાના ખેડૂતોનો સત્યાગ્રહ, બોરસદમાં હૈડિયાવેરાની વિરુદ્ધ વલ્લભભાઈએ ચલાવેલી લડત, બારડોલીમાં સરકારે ગેરવાજબી મહેસૂલવધારો કર્યો હતો તેની વિરુદ્ધ ત્યાંના ખેડૂતોએ વલ્લભભાઈની આગેવાની નીચે ચલાવેલી લડત, જગવિખ્યાત દાંડીકૂચ, અને છેવટે આવેલો વ્યક્તિગત સત્યાગ્રહ એ બધાંમાં મહાદેવભાઈએ ફાળો આપ્યો હતો તેનું નારાયણભાઈએ રસપ્રદ આલેખન કર્યું છે. તે સાથે તેમણે મહાદેવભાઈના પિતા હરિભાઈ, સરદાર પટેલ, નરહરિભાઈ અને દુર્ગાબહેન જેવાંનાં ચરિત્રોનો અનાયાસ ઉઠાવ આપ્યો છે અને છેવટે મહાદેવ–દુર્ગાનાં ‘સ્નેહધામ ભર્યાં ભર્યાં’નાં અતિ રસિક સંસ્મરણો આપ્યાં છે.
ગાંધીજી ૧૯૩૫માં વર્ધા રહેવા ગયા ત્યાર પછી મહાદેવભાઈનું જીવન શારીરિક તેમ જ માનસિક કસોટીમાંથી પસાર થયું છે. નારાયણભાઈએ આ આખા કાળને મહાદેવભાઈની ‘આહુતિ’ તરીકે વર્ણવ્યો છે (પૃ. ૬૪૫). ૧૯૩૮ના માર્ચ માસમાં ગાંધી સેવા સંઘના ઓરિસામાં ડેલાંગ ખાતે મળેલા અધિવેશનના પ્રસંગે કસ્તૂરબા અને દુર્ગાબહેન જેમાં હરિજનોને જવા દેવામાં નહોતા આવતા તે જગન્નાથપુરીના મંદિરના દર્શને ગયાં તેથી અકળાઈ ગાંધીજીએ મહાદેવભાઈને એવો કડક ઠપકો આપ્યો કે મહાદેવભાઈએ હતાશ થઈ ગાંધીજીને છોડી જવાનો નિર્ણય કર્યો. નારાયણભાઈએ એ આખા પ્રસંગની કરુણતા પૂરેપૂરી ઉપસાવી છે, (આ આખો પ્રસંગ મને સીતાહરણ પ્રસંગે લક્ષ્મણની સ્થિતિનું સમરણ કરાવે છે, સીતાએ લક્ષ્મણને સહન ન થઈ શકે એવાં કડવાં વચન કહી રામની પાછળ મોકલ્યા અને તેઓ રામને મળ્યા ત્યારે રામે તેમને પર્ણકુટીમાં સીતાને એકલાં મૂકીને આવવા માટે એવો જ કડક ઠપકો આપ્યો. મહાદેવભાઈએ દુર્ગાબહેનને જગન્નાથપુરીનાં દર્શને ન જવા દીધાં હોત તો કસ્તૂરબા પણ ન જઈ શકત અને તેઓ દુભાત, તેમણે દુર્ગાબહેનને જવા દીધાં એટલે ગાંધીજી દુભાયા અને દુર્વાસા બન્યા.) આહુતિનો છેલ્લો અંક ૧૯૪૨ના ઑગસ્ટની ૯મીથી ૧૫મી તારીખના અઠવાડિયા દરમિયાન પૂણેના આગાખાન મહેલમાં ભજવાયો. એ કરુણ વૃત્તાંત વાચક નારાયણભાઈની કલમે લખાયેલો જ વાંચે. ગાંધીજી જેલમાં જઈ ઉપવાસ કરશે તો એ વિચારે મહાદેવભાઈના મનમાં એવી ફડક પેસી ગઈ હતી કે એમને તેમ કરતા વારવા તેમણે ૧૯૪૨ના જુલાઈ માસમાં ગાંધીજીને લાંબો પત્ર લખ્યો હતો તે પણ વાચક નારાયણભાઈના વૃત્તાંતમાં વાંચશે. (પ્ર. ૪૪, પૃ. ૭૧૧–૨૧).
પૂણેના આગાખાન મહેલમાં મહાદેવભાઈ ‘કર લે સિંગાર ચતુર અલબેલી’ ગાતા મૃત્યુને ભેટ્યા એ તેમને માટે સારું જ થયું, નહીં તો ૧૯૪૪ના મે માસમાં ગાંધીજી છૂટ્યા તે પછી તેમણે દેશની દુર્દશા જોઈ તેથી તેમને જે દુ:ખ થયું અને ૧૯૪૬–’૪૭માં કોમી રમખાણોની પાશવલીલા ચાલી તેથી તેમણે જે અસહ્ય વ્યથા અનુભવી તેના દર્શને સંભવ છે કે મહાદેવભાઈને ચિત્તભ્રમ જ થઈ ગયો હોત.
મહાદેવભાઈના આવા अमृतं विषसंपृक्तम् જીવનમાં દુર્ગાબહેને ભારતીય સંસ્કૃતિએ કલ્પેલા પત્નીના સહધર્મચારિણીરૂપને આદર્શ રીતે ચરિતાર્થ કર્યું હતું, તેઓ ઘણી વાર કવિ ન્હાનાલાલની નીચેની પંક્તિઓ ગાતાં:
પાનાં પ્રારબ્ધનાં ફેરવું રે માંહી આવે વિયોગની વાત જો. સ્નેહધામ સૂનાં સૂનાં રે.
આ પંક્તિઓ દુર્ગાબહેનને અક્ષરશ: લાગુ પડતી.
મહાદેવભાઈ ૧૯૧૭ના નવેમ્બર માસમાં ગાંધીજી સાથે જોડાયા તે પછી પતિ-પત્નીને સાથે રહેવાનું ઓછું બનતું. મહાદેવભાઈની કર્તવ્યનિષ્ઠા એવી હતી કે ૧૯૪૧ના એપ્રિલ માસમાં અમદાવાદમાં કોમી રમખાણ થયું ત્યારે ડૉક્ટરોના અભિપ્રાય પ્રમાણે દુર્ગાબહેન મરણપથારીએ હતાં છતાં મહાદેવભાઈ શહેરમાં શાંતિ સ્થાપવા દોડી ગયા હતા. (શુ. પૃ. ૩૫). મહાદેવભાઈના આવા વર્તનથી દુર્ગાબહેનને અસંતોષ રહેતો પણ ખરો. શ્રીમતી વનમાળા દેસાઈએ નોંધ્યું છે કે, “બે વચ્ચે મીઠો ઝઘડો પણ ક્યારેક થઈ જતો.” અને મહાદેવભાઈને મૈથિલીશરણ ગુપ્તનું લક્ષ્મણની પત્ની ઊર્મિલાને થયેલા અન્યાયને લગતું “સાકેત” કાવ્ય બહુ ગમતું, કારણ કે તેઓ લખે છે, “મને થાય છે કે તેમને ઊર્મિલાની જગ્યાએ દુર્ગામાસી દેખાતાં હશે.” (શુ, પૃ. ૧૩૨–૩૩). નારાયણભાઈએ પણ લખ્યું છે કે મહાદેવભાઈના દુર્ગાબહેન ઉપરના પત્રોમાં “રિસામણાં-મનામણાં પણ થયાં હશે, કારણ કે દુર્ગાબહેને જતનપૂર્વક જાળવી રાખેલા એ પત્રો પાછળથી બાળી નાખેલા.” (શુ, પૃ. ૧૧૮).
જીવનનાં મોટા ભાગનાં વરસો આમ ચિરવિયોગમાં ગાળતાં દુર્ગાબહેનનું એકાકી છતાં ગૌરવભર્યું ચરિત્ર નારાયણભાઈએ આ પુસ્તકમાં ઠેર ઠેર ઉપસાવ્યું છે અને ‘સ્નેહધામ ભર્યાં ભર્યાં રે’ પ્રકરણમાં મહાદેવભાઈના કૌટુંબિક જીવનનું ઉજ્જ્વળ પાસું છતું કર્યું છે. મહાદેવ–દુર્ગાની આવી પરસ્પર ભક્તિ જોઈને ચિત્તરંજન દાસનાં પત્ની વાસંતીદેવીને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથા आनंदमठનાં પાત્રો શાંતિ-જીવાનંદની જોડીનું સ્મરણ થતું. (શુ. પૃ. ૧૦૩).
મહાદેવભાઈ જેવા મૌલિક લેખક હતા તેવા ઉત્કૃષ્ટ કોટિના અનુવાદક હતા. મોર્લીના On Compromise પુસ્તકનો અનુવાદ જે પાછળથી सत्याग्रहनी मर्यादा નામે છપાયો હતો તે તેમણે બાવીસેક વર્ષની ઉંમરે કર્યો હતો. પણ મહાદેવભાઈની અનુવાદક તરીકેની શક્તિની ઉત્તમ સિદ્ધિ ગાંધીજીના सत्यना प्रयोगो अथवा आत्मकथाના અનુવાદની હતી. જવાહરલાલ નેહરુની આત્મકથાનો મહાદેવભાઈએ કરેલો ગુજરાતી અનુવાદ પણ એટલો જ સફળ થયો છે.
નારાયણભાઈએ ગાંધીજી, સરદાર, નેહરુ, રાજાજી, નરહરિભાઈ, પ્યારેલાલ વગેરે અનેક સમકાલીનોનાં સંખ્યાબંધ લખાણોમાંથી ઉદ્ધરણો ટાંકી, કૂડીબંધ પ્રગટ–અપ્રગટ પત્રોના આધાર આપી સો-સવાસોથીયે વધુ પ્રસંગોની રંગપૂરણી કરી, કોઈ કોઈ વાર ઇતિહાસના કાલક્રમ કરતાં એના પૃથક્કરણને વધુ મહત્તા આપી મહાદેવભાઈના ચરિત્ર જેટલું જ લક્ષ એમના ચારિત્ર્ય પર આપી તેમના પુરાણકથા સમા લાગતા પાત્રને આ ગ્રંથ દ્વારા એક જીવતાજાગતા ઐતિહાસિક પાત્ર અને કેટલીક વાર તો આત્મીય સ્વજન તરીકે મૂર્તિમંત કર્યા છે. મારી શ્રદ્ધા છે કે નારાયણભાઈનું આ પિતૃતર્પણ ગુજરાતના વાચકોને સંતર્પક અને પ્રેરક નીવડશે.
— ચી. ના. પટેલ
૪, નીલકંઠ પાર્ક,
નવરંગપુરા
અમદાવાદ-૩૮૦ ૦૦૯
તા. ૨૩–૮–’૯૨