અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/અદ્યતન ગુજરાતી કવિતા
ચંદ્રકાન્ત શેઠ
અદ્યતન ગુજરાતી કવિતા એટલે અણુવિસ્ફોટ પછીનાં વૈશ્વિક બળોના પ્રભાવ હેઠળ રચાયેલી ગુજરાતી કવિતા. આ કવિતાએ ગુજરાતી કવિતાના પરંપરાગત પ્રવાહને પોતાની રીતે આગળ લઈ જવાનું કાર્ય કર્યું છે તે નિઃશંક છે. આ પ્રવાહ જે નવું રૂપ ધારી શક્યો તેનાં નિરંજન ભગતની ‘પ્રવાલદ્વીપ'ની કવિતા, ઉમાશંકરની ‘છિન્નભિન્ન છું’ જેવી કાવ્યરચનાઓ તેમજ સુરેશ જોષીની વિવેચના વગેરેને કોઈ કારણભૂત લેખે તો તે સમજી શકાય તેમ છે; વસ્તુતઃ અણુવિસ્ફોટે મનુષ્યચિત્તને જે આઘાત આપ્યો - જે પ્રશ્નો ચીંધ્યા તેણે આપણી અદ્યતન ગુજરાતી કવિતાના પ્રવાહમાં ઠીક ઠીક ભાગ ભજવ્યો છે, જોકે સ્વાતંત્ર્યોત્તર રાષ્ટ્રીય પરિસ્થિતિએ પણ આમ કેટલોક ભાગ ભજવ્યો જ છે. ગાંધીયુગીન ભાવનાવાદ આજની કવિતા સામે નથી. યંત્રવિજ્ઞાન ને તંત્રરચનાની જોરદાર પકડમાં મનુષ્યચેતના પોતાની સત્તા માટે જે ઉત્કટ સંવેદના, વિદ્રોહાત્મક તાણ (ટેન્શન) અનુભવી રહી છે તે તેની સામે છે. આજના કવિના ચિત્તમાં આશ્ચર્યચિહ્નો નહિ પણ પ્રશ્નચિહ્નો છે. ભૌતિક આક્રમણ સામે પોતાની જાતને, પોતાના જીવનને કેમ ગોઠવવું એનો પડકાર છે. શહેરીકરણ, નિર્માનવીકરણ, દંભ વગેરેની સામે આજના કવિનો મોરચો છે. વિશ્વયુદ્ધો તથા તજ્જન્ય આર્થિક-રાજકીય પરિણામોએ તેના ચિત્તમાં કહેવાતા સનાતન આદર્શો અને મૂલ્યો પ્રત્યે અશ્રદ્ધા અને તત્પ્રેરિત હતાશા જન્માવ્યાં છે. અજ્ઞાત મનનાં ઊંડાણોમાં ઊતરતાં પોતાનાં જ એવાં વરવાં રૂપો તેને જોવા મળ્યાં છે કે તે તેની સ્વકીય હસ્તી બાબત પણ નિર્ભ્રાન્ત થયો લાગે છે. વિચ્છિન્નતા, નિઃસારતા આદિના ભાવોએ મનુષ્ય મનુષ્ય વચ્ચેના નાજુક-સૂક્ષ્મ સંબંધોને પણ જોખમમાં મૂક્યા છે. આવી પરિસ્થિતિનાં મનુષ્ય ક્યારેક ત્રિશંકુ જેવી તો ક્યારેક અશ્વત્થામા જેવી પરિસ્થિતિનો અનુભવ કરે છે. સંસ્કૃતિનો ઘટાટોપ મોંએ-જો-દડો લાગે છે, ઘર પિરામિડ - કબર જેવું જણાય છે અને ચહેરો યંત્રમાનવનો હોય અથવા ચહેરો જ ન હોય એવો ભાવ અનુભવાય છે. ઉપર્યુક્ત પરિસ્થિતિનો સૂક્ષ્મ-વ્યાપક પ્રભાવ કવિની ભાષા પર, અભિવ્યક્તિના સ્વરૂપ પર પડ્યો છે. ભાષા જાણે સેતુકાર્ય કરતી અટકી ગઈ ન હોય! સંવાદ - 'ડાયલોગ' અટકી ગયો છે ને ‘મૉનોલોગ' તેનું સ્થાન લઈ રહ્યો છે. કવિનો યંત્ર-તંત્ર સામેનો રોષ વિદ્રોહાત્મક રીતે કલામાધ્યમોમાં પ્રગટ થવા લાગ્યો છે. ભાષાની વ્યવસ્થા તોડવાનું મન તેને થાય છે. તેને પોતાની સંકુલ મનોદશા વ્યક્ત કરવા નવી નવી ભાષાગત કલામાધ્યમગત યુક્તિપ્રયુક્તિઓનો આશ્રય લેવાનું મન થાય છે. સંગીતમાંની નિરપેક્ષતા (ઍબસ્ટ્રેક્ટનેસ) કાવ્યમાં હાંસલ કરવાની મથામણ ચાલે છે. ચિત્રકળામાંની સરરિયાલિઝમ, ક્યુબિઝમ વગેરેની શૈલીનો પ્રભાવ પણ કાવ્ય ઝીલે છે. આમ કવિ જે વાસ્તવિક જગતમાં કરી શકવા અશક્ત છે તે કલામાં કરી બતાવવા તત્પર થયેલો જણાય છે અને તેથી કળામાં અત્રતત્ર અનેક પ્રકારની ચિત્રવિચિત્ર - તોડફોડ શી પ્રવૃત્તિઓય ચાલે છે. આ પ્રવૃત્તિઓને કેવળ નકારાત્મક વલણથી જોવી ન જોઈએ. કદાચ આવી પ્રવૃત્તિઓમાંથી આજની ક્ષણની જોરદાર અભિવ્યક્તિ કરતી કવિતા અથવા આવતી કાલની કવિતા સાંપડવાની છે. આજની કવિતામાં જાતિ, ધર્મ, સ્નેહ, રાષ્ટ્ર, ઈશ્વર આદિગત જે મૂલ્યો છે તેના મૂળમાં ફરીથી જવાનું બન્યું છે. એક પ્રકારનું આંતરિક ઉત્ખનન (સેલ્ફ એક્સ્પ્લોરેશન) અનિવાર્ય બન્યું છે. ‘બેક ટુ પ્રિમિટિવિઝમ’ની વાત પણ હવામાં છે. મનુષ્યને આટલા વૈજ્ઞાનિક વિકાસ પછી પોતાના સાચા વિકાસ બાબત જ શંકા જાગી છે અને તેના દૂરગામી પડઘા કાવ્યમાં પડ્યા છે ખાસ કરીને કવિતા અને નાટકમાં. આજનાં કવિતા-નાટકમાં કટાક્ષ-વિડંબના આદિનાં તત્ત્વો પાછળ આ વિષમ પરિસ્થિતિ જ કારણભૂત છે. આજે કવિતા વધુ વૈયક્તિક, વધુ વાસ્તવિક, વધુ શુદ્ધ અને વધુ આંતરિક બનતી જાય છે. તે રોજિંદી ભાષામાંથી ઘણુંબધું ગ્રહી રહી છે. અછાંદસ લય પણ તેણે અનિવાર્યતયા જ સ્વીકાર્યો છે. કવિતા ઇન્દ્રિયોને વશ રહીને મનનાં ઊંડાણો સુધી વિસ્તરવા મથે છે. એ રીતે એની કલ્પનોની અનોખી સમૃદ્ધિ અને પ્રતીકોની માર્મિક શક્તિ પરત્વેની નિર્ભરતા વધતી રહી છે. કવિ કલાગત પ્રયોગલીલામાં પોતાની શક્તિ યોજીને કેટલેક અંશે સાહસરસ માણતો જણાય છે. આવી પ્રયોગલીલામાં પરિણામ મહત્ત્વનું નથી, પ્રક્રિયા જ મહત્ત્વની છે. આ સંદર્ભમાં આપણી ગુજરાતી કવિતા જોઈશું તો એમાં થયેલાં જે નાનાંમોટાં સાહસો છે તેનું યોગ્ય મૂલ્યાંકન થઈ શકશે. એક તબક્કે નિરંજન, ઉમાશંકર, શ્રીધરાણી, સુરેશભાઈ, હસમુખ પાઠક, પ્રિયકાન્ત આદિની કવિતા અથવા / અને વિવેચના, તો અન્ય તબક્કે ગુલામ મોહમ્મદ શેખ, લાભશંકર ઠાકર, સિતાંશુ યશશ્ચંદ્ર, રાવજી પટેલ આદિની કવિતા આ સંદર્ભમાં જોઈશું તો તેની વાસ્તવિક શક્તિનો - વિશેષતાનો પરિચય થશે.
*
('અધીત : પાંચ')