અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/પ્રત્યાયન અને ગુજરાતી કવિતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૯. પ્રત્યાયન અને ગુજરાતી કવિતા

ઉશનસ્

કલાપદાર્થના આસ્વાદ અંગેના આ એક પાયાના પ્રશ્નની છેક ૧૯૮૦માં ગુજરાતી અધ્યાપકોની આ સભા શા માટે ચર્ચા કરવાનું વિચારે છે તે પ્રથમ સમજી લેવાની જરૂર છે. આમ તો આ પ્રશ્ન 'સૃજનજૂનો’ છે ને પૂર્વપશ્ચિમ બન્ને ભૂભાગમાં વિદ્વાન રસિકોએ એની કોઈ પૂર્ણવિરામ જેવી ચર્ચા કરી લીધી છે. જેવી કે એબરક્રોમ્બીની જાણીતી ઉક્તિમાં ‘No communication, no art’ એટલે કે કલાપીએ કહ્યું છે તેમ ‘ભોક્તા વિણ કલા નહિ’માં તે સ્થિર થઈ છે. પૂર્વમાં પણ ભાવયિત્રી શક્તિને 'પ્રતિભા' જેટલી પ્રતિષ્ઠા આપવામાં આવી છે; છતાં આ પ્રશ્ન હમણાં હમણાં પાછો નવેસર સપાટી ઉપર કેમ આવ્યો છે? વાત એમ છે કે આપણે ત્યાં ગુજરાતી સાહિત્યમાં છેલ્લા બેઅઢી દાયકાથી સાહિત્યકલાની એક સ્વાયત્ત સૃષ્ટિનિર્માણ લેખે નવેસર પુનઃસ્થાપના કરવાનો પ્રચાર ચાલે છે, અને સ્વાયત્તતાના ભાનના અતિરેકમાં જ આપણે કૃતિની ભાવકનિરપેક્ષતાનો દાવો છેક ‘ભાવનનિરપેક્ષતા’ સુધી ખેંચી ગયા છીએ; હા એ વાત સાચી છે કે સાચો સર્જક ભાવકોનાં મોઢાં સામે જોઈ જોઈ લખતો નથી, નથી લખતો એ કશુંય સમજાવવા, પ્રતિપાદન કરવા, શિખવવા કે દોરવા; એ લખે છે એક સર્જકની ગરિમામાં સ્થિર રહી એક સર્ગરૂપે અનુભૂતિને અભિવ્યક્ત કરવા; આવા સર્ગનું ને સર્જકનું જેટલું મૂલ્ય કરીએ તેટલું ઓછું છે. આ હેસિયતમાં જ તે બ્રહ્માનો બરોબરિયો છે; ને આ જ અર્થમાં તેની સૃષ્ટિ બ્રહ્માની સૃષ્ટિ ઉપર સરસાઈ ભોગવે છે. આવો ‘સર્ગ’ પોતે જ પોતાના સ્વાયત્ત ઋતવિધાનની નિષ્પત્તિ હોય છે; તેને પોતાની જ પંચધાતુઓ હોય છે; સર્જક સર્જનલીન થઈને સર્ગ રચે છે; એટલે એની સામે ભાવક ભલે ન હોય; પણ “એના સર્ગનું ભાવન જ જરૂરનું નથી; અથવા તો તે લગભગ થઈ જ ના શકે” એવો અતિરેક પ્રતિપાદિત કરવો એ અયોગ્ય છે. કૃતિને કશો અર્થ જ હોતો નથી; કૃતિ એ ‘સંસ્કૃતિ’ નથી પણ તે કેવળ આકૃતિ છે; એટલે એ એક નિર્માણ છે. એ એક લીલામય સર્ગ છે; એને કશો જ ઇતર અર્થ નથી, આ બધું ખરું; પણ તે આસ્વાદક્ષમતા ધરાવી જ ન શકે એમ કહેવું તે નર્યો અતિરેક છે; સર્જક કશું સમજાવવા, દાખલા ઉપર દાખલો આપી, દરેક અંશને પૃથક્કૃત કરી સરલ વિશદ કરી આપવાની પ્રતિજ્ઞાથી બદ્ધ હોવો જોઈએ એમ આપણે જરૂર માનતા નથી; પણ આ સ્વાયત્ત એવા 'સર્ગ'ને કોઈ બિંદુએ આશ્ચર્યવત્ જોતાં જોતાં સમાધિસ્થ ન થઈ શકીએ? એની વિગતોમાં, એના રસકોષોમાં, રસબીજોમાં ઊંડા ઊતરી જ ન શકીએ એમ કહેવું એ સામા છેડાનો અંતિમ છે; સર્ગમાં જો રસ પડે છે તો સમાધિની કળ વળે તે પછી ભાષામાં વ્યક્ત કરી શકાય એવી પરિસ્થિતિ, સિદ્ધ થયેલી 'સર્ગ' નામની કૃતિઓમાં, હંમેશાં હોવાની જ; આમ ન હોય તો ભાવયિત્રી પ્રતિભા કે રસવિવેચનને કોઈ સ્થાન જ ન રહે. આપણે એ પણ સ્વીકારીએ છીએ કે સર્ગની ક્ષણ સર્જકચૈતન્યની એક વિરલ ક્ષણ હોય છે; ત્યાં તેનો સર્જક પણ વારંવાર અને કદાચ બીજી વાર પણ જઈ શકતો નથી; તો અપર એવો ભાવક કેવી રીતે જઈ શકે? માટે, રસવિવેચનની શક્યતા જ નથી; એવી દલીલથી તો આપણે ક્રોચેની કલાવિભાવનાની નજીક જતા રહીએ છીએ કે “બધી જ કલા કેવળ અભિવ્યક્તિ છે, બધી જ કલાઓ કેવળ આભ્યંતર હોય છે.” આથી જ ક્રોચેનાં રસાસ્વાદ-વિવેચનની જરાય ક્ષમતા નથી; પણ તેણેય 'સર્ગ'ને સ્મૃતિસહાયક તો કહ્યો છે, જે વડે ભાવક સર્જકના ભાવમાં પુનઃ લગભગ મુકાઈ શકે. ભાવનની પ્રથમ ક્ષણ મૂર્છા-સમાધિની ભલે હોય પણ પછી ભાવનને ભાષા સુધી લાવી વ્યક્ત કરી શકાય છે; તે મૌનભાવનની બરાબરી ભલે ન હોય, તથાપિ. આથી જ આપણી સિદ્ધ થયેલી વિવેચનાએ ‘મલ્લિનાથી’ અને 'રવીન્દ્રનાથી’ બંનેનો સ્વીકાર કર્યો જ છે; (હું આનંદશંકરી ને સુરેશી ઉમેરીશ). આપણે સર્ગનાં વ્યાકરણ ને વસ્તુ બંને માણી શકીએ તેમ છીએ. આ નિસર્ગ ને મનુષ્યપ્રકૃતિ અદ્ભુત રીતે સંકુલ પદાર્થ છે; તેની સામે ઊભું રહેલું સર્જકચૈતન્ય અત્યંત સંકુલ છે ને પછી સર્ગરૂપે સિદ્ધ થતો કૃતિપદાર્થ પણ અત્યંત સંકુલ છે; પણ ભાવનમાં તેનો વિ-સર્ગ પણ ભલે અત્યંત સંકુલ હોવાનો પણ તે સંભવી શકે છે. ‘વિ-સર્ગ'માં ‘વિ’ તેના બંને અર્થમાં સાર્થક છે. આનંદશંકરે 'વસંતવિજય'નું રસવિવેચન કર્યું છે તે તથા રવીન્દ્રનાથે પ્રતિનિર્માણ જેવાં ‘પ્રાચીન સાહિત્યમાં’ ભાવનો આપ્યાં છે તે જોઈ જવાથી એની રસસમૃદ્ધિનો ખ્યાલ આવશે; ને એ ન હોય તો કેટલી ખોટ રસિકોને જાત એનો ખ્યાલ આવી શકશે. આ સાહિત્યની રસસૃષ્ટિમાં બધા જ રસકોષોના સહઅસ્તિત્વની ઉદાર લોકશાહી પ્રવર્તે છે; સામસામે હોય તોય તે રસવિસ્તાર જ કરે છે; અને એનો વિસ્તાર એ સાહિત્યને અનુકૂળ ફલશ્રુતિ છે, જીવનની ગરજ પણ છે. આપણે એમ કદી જ માન્યું નથી કે “સાદામાં શિક્ષા કથે એ જ કવિજન એક.” નરી સાદાઈ ને પ્રગટ શિક્ષાબોધ કલાને હાનિકારક છે. સીધો બોધ, સીધી સાદાઈ કલાને હણે છે. એ બાબતમાં કાવ્યશાસ્ત્રીઓમાં ક્યાંય મતભેદ નથી. આપણે અસિદ્ધ કલાના નમૂના લઈ સાચું કાવ્યશાસ્ત્ર રચી શકીએ નહિ. કલાએ નર્યા શિક્ષક, પાદરી, બોધક-પ્રચારક બનવાનું છે. એમ કોણે કહ્યું છે કે કલાના કાન્તાસંમિત સૌંદર્યાનુભવ સામેય સૂગ અનુભવાય છે? ઠાકોરના અર્થલક્ષી દ્વિજોત્તમ જાતિના કવિતાવાદના પ્રતિવાદને લીધે જ હશે અને બીજા વિશ્વયુદ્ધ પછી જીવનના અર્થ વિશે પણ આશંકા ઊભી થતાં, નિરર્થકતા, અર્થરહિતતાનો શંખ ફૂંકવામાં આવ્યો. જીવન Absurd છે; પછી અર્થ ક્યાં રહ્યો જીવનમાં કે કવનમાં? આથી આપણે ત્યાં વાગર્થનું અદ્વૈત તૂટ્યું. બે ઘટકો જ જુદાં થયાં એમ નહિ, પણ 'અર્થ' રહ્યો જ નહિ; પરિણામે શબ્દૈકલક્ષી -શાબ્દી કૃતિનો વાદ - સામા છેડાનો વાદ આવ્યો. ગાંધીજીનો જીવનપરાયણતાનો અતિરેક પણ સર્જકોને કઠ્યો હશે, એટલે પ્રત્યાઘાતે ‘અર્થશૂન્ય', કેવળ 'શાબ્દી’ કલાનો ખ્યાલ પ્રવર્ત્યો; પરિણામે 'અર્થઘટનના વિરોધમાં લખાણો થયાં. કૃતિને 'અર્થવિલંબિની' ને ‘શબ્દાલંબિની’ સ્થિતિમાં રચવી જોઈએ એવો આગ્રહ તાર સ્વરે થતો જોવામાં આવ્યો. અર્થમાં જવા ઇચ્છનારને 'અર્થદાસ' કહેવામાં આવ્યા. આ એક ઊહાપોહરૂપે, એક આંદોલનરૂપે, ‘શબ્દ’ને ફરી પાછો પ્રતિષ્ઠિત કરવારૂપે ઠીક છે; પણ કેવળ શબ્દની કલા તે કવિતા નથી જ. કવિતા, સાહિત્યપદાર્થમાત્ર શબ્દાર્થનું સહિતત્વ છે. હું તો કહીશ, સહિતત્વ જ નહિ, અદ્વૈત જ છે અને તે આદર્શ પરિસ્થિતિથી એને ક્યારેય ભ્રષ્ટ કરી શકાશે નહિ. એમ થાય તો કલાને ભોગે જ, સર્જક પોતાના ભોગે જ એમ કરી શકે. આજના આપણા આધુનિક કાવ્યશાસ્ત્રીઓને પ્રિય કવિઓ છે કાલિદાસ, રવીન્દ્રનાથ, રિલ્કે, બૉદલેર, ફ્રોસ્ટ, ઇલિયટ, કાન્ત, ન્હાનાલાલ, ઉમાશંકર-નિરંજન, રાજેન્દ્ર વગેરે. કોની કવિતા કેવળ શાબ્દી છે? શબ્દશક્તિ જરૂર છે. દર વર્ષે અકાદમી, જ્ઞાનપીઠ, નોબેલ ઇનામો અપાય છે કે તરત તે કૃતિની વિવેચના આપણે ત્યાં શરૂ થઈ જાય છે અને એ ઉત્સાહ સારી બાબત છે; પણ આ બધી જ સિદ્ધ કૃતિઓ શબ્દાર્થના અદ્વૈતવાળી છે. સમગ્ર ચેતના 'સહિતત્ત્વ'ને 'સરવાળા’ને માણી શકે છે, કશાયના ‘રહિતત્વ'માં તે ગૂંગળાય છે, એમ લાગે છે. “અમે કોઈને સમજાવવા લખતા નથી, અમે લખેલી કૃતિ અમે પોતે પણ સમજીએ છીએ એવો અમારો દાવો નથી.” આવાં સૂત્રો પણ આધુનિક કાવ્ય ચર્ચામાં ગયા દાયકાઓમાં સંભળાયાં; પણ તે હવે લગભગ શમી જવા આવ્યાં છે. શું લાભશંકર ઠાકરની ‘માણસની વાત' કે 'તડકો' શાબ્દી જ કલા છે? અંદર ગૂંથેલું રહસ્ય ‘નિરર્થક જીવન'નું હોઈ શકે; ભાષાસંસ્કૃતિનો લોપ થયો છે અથવા ભાષાએ અર્થ ગુમાવ્યો છે એ વાત પણ ભાષામાં કહેવી પડશે ને? અને ભાષા સર્જક-ભાવકનું સમકાલીન સહિયારું સર્જન-ભાવનનું એક ઉપાદાન છે. કેવળ સમકાલીન યુગચેતનાની વાત કરીએ તો તો ખાસ. એ એક પશ્ચિમી પરકીયા ઉછીની અનુભૂતિ છે એમ કહીએ તોયે એનો સમકાલીન ભાવક પણ આ અનુભૂતિથી અનભિજ્ઞ તો નથી જ. ભાષાએ એનો અર્થ ગુમાવ્યો હશે, પણ પ્રત્યાયનક્ષમતાની ઉપેક્ષા નહિ કરી શકાય ક્યારેય. પેલો ભવભૂતિ તો એનો સમાનધર્મા નિરવધિ કાળમાં ક્યારેક ક્યાંક મળશે એવો આશાવાદી હતો; શા માટે? (તો કહે) એની કલાસિદ્ધિમાં એને શ્રદ્ધા હતી. સિદ્ધ કલા પ્રતીત થાય જ, ગમે ત્યારે. શબ્દશક્તિ જ અસાધારણ છે. એને અભિધા, લક્ષણા, વ્યંજના, સંકેતાદિ અનંત અર્થવર્તુળો વળગેલાં છે. જો એ સિદ્ધ કૃતિ હશે તો એમાં રસાત્મકતા હશે જ. 'રસ' શબ્દ બહુ મોટો લાગે તો. Move કરવાની, stir-disturb-irritate-evoke કરવાની શક્તિ તો તેમાં હશે જ; અને આમ હશે તો રહસ્યને નિગુહિત કરતો કલાપદાર્થ ક્યાંક પોતાના ઉઘાડની ક્ષમતા રાખતો હશે. જ; કારણ કે કારયિત્રી પ્રતિભાએ જે અનુભૂતિસ્પંદને ભાષાલયગત કરી પૂર્ણ એકમમાં ગૂંથી લીધો છે તે ગમે તેવો વિશેષ હશે તોય આ અવગુંઠન કેવળ અપારદર્શક નથી; સેસિલ ડે લ્યૂઈ કહે છે તેમ તે ઘૂંઘટ જેવું પટ અલપઝલપ દીદાર કરી શકાય તેવી ક્ષમતાવાળું હોય છે; ઘૂંઘટઉઘાડની, આ વિવરણ- અપાવરણની પ્રક્રિયા એ જ તો રસાસ્વાદનું શાસ્ત્ર છે. એ માધ્યમ વસ્તુને નર્યું પ્રગટ કરતું નથી તો નર્યું ઢાંકતું નથી; થોડુંક ઢાંકીને ઝાઝું તો સૂચવે છે. સર્જક સાહિત્યને આધુનિક કાવ્યશાસ્ત્રી સામાજિક પ્રવૃત્તિ કે સર્વજનીન પ્રવૃત્તિ માનવા ના પાડે છે. એ ભાવ તરફ એને સૂગ છે. પણ રામનારાયણે કહ્યું છે તેમ તે વિશેષીકૃત સામાન્ય છે, સાધારણીકૃત વિશેષ જ છે. આપણા સાધારણીકરણવાદમાં સમજાવવામાં આવ્યું છે તેમ કર્તાને લોકને સમજાવવા કશું જ સાધારણ કોટીનું - જરાક જાડું - ઓછું સૂક્ષ્મ કરવાની જરૂર પડતી જ નથી; તે અસ્ત્રાની ધાર જેવી સૂક્ષ્મતા ઉપર સિદ્ધ થાય છે છતાં તે પ્રત્યાયનક્ષમતા ધરાવે છે. મને વહેમ છે કે નવીન કાવ્યવિચારકોને કાલિદાસોક્ત શબ્દાર્થના અદ્વૈતમાં કશીક ઓછી સૂક્ષ્મતાનો વહેમ આવે છે. હું માનું છું આ અદ્વતને અદ્વૈત રાખી વધુ ને વધુ ધારદાર બનાવી શકાય છે; કવિતા જો કોઈ તત્ત્વની વિરોધી હોય તો તે શબ્દાર્થલયના અદ્વૈતની નહિ, નિઃશેષ જાડ્યની જ તે વિરોધી છે; કારણ કે તે પૂર્ણચૈતન્યની સમસ્તપ્રવૃત્તિ છે; અને એ કક્ષાએ પ્રતીત થઈ શકે એવી ક્ષમતા તે હંમેશાં ધરાવે છે. આધુનિક કાવ્યશાસ્ત્રી શ્રી સુરેશ જોષી છેલ્લા દાયકાઓના આપણા એક ઉત્તમ પ્રવક્તા છે; આ વિજ્ઞાનમય યુગમાં જ્યારે કલાઓ ગ્લાનિ પામી છે ત્યારે પ્રજા પાસે ઉત્તમ કવિતા લઈ જવાની ને વિવેચકોએ રસવિવેચન કરી પોતે સેતુ બનવું જોઈએ એવું જવાબદાર વલણ એમણે સ્વીકાર્યું છે; બીજી બાજુ તે શુદ્ધ કલાવાદના આગ્રહી રહ્યા છે. કશું જ ઓછું એમને પરવડતું નથી; નવી પ્રજાની આજની New illiteracy પ્રત્યે તે ચિંતાતુર થઈને કહે છે : "કાવ્યના રસાસ્વાદને અપ્રસ્તુત એવા અનેક પ્રશ્નોની ‘વિદ્વત્તાપૂર્ણ' ચર્ચાઓ તદ્વિદો કરતા રહે, પણ એમની પરિભાષા પોતે જ વાડ બનીને પૃથગ્ જનને કાવ્યથી દૂર રાખે તો સરવાળે કાવ્યનેય કશો લાભ ન થાય. પૃથગ્ જન કાવ્યમાંથી દૂર જ જતો જાય, કાવ્યોમાં દુર્બોધતાની ફરિયાદો થવા લાગે, કવિ પણ પોતાના અલગારીપણાને ખુમારીથી માણતો થઈ જાય, કાવ્ય અને તેના ભાવક વચ્ચેનું અંતર વધતું જાય ત્યારે વિવેચકને માથે એ બન્ને વચ્ચે મધ્યસ્થીનું કાર્ય બજાવવાનું આવે." (ગુજરાતી કવિતાનો આસ્વાદ, ૧૯૬૨, મુખબંધ) અને આ મધ્યસ્થી કેવી રીતે કરવાની છે તેનાં ઉદાહરણ એમણે આ પુસ્તિકા પ્રગટ કરીને આપ્યાં છે; શબ્દશક્તિનું કવિકર્મ સમજાવીને તે કરી શકાય એમ તે માને છે. રસાસ્વાદ એ કૃતિની સાથે સાથે રહી ભાવક પોતાનો ચેતોવિસ્તાર કરે એની પ્રક્રિયા છે; એથી ભાવક પોતાના ભૂમા સ્વરૂપનું અનુસંધાન પામે છે અને આવું સ્વરૂપાનુસંધાન જ કાવ્યનો ચરમપરમ હેતુ છે. આમ કૃતિની સાથે ચેતોવિસ્તારથી વિસ્તરી, પ્રસરી જવાતું હોય તો તે એક માનવને ઇષ્ટ એવો પુરુષાર્થ છે; કારણ કે શું જીવનમાં ને શું કવન-ભાવનમાં ‘બ્રહ્મસંકોચ’ એ જ તીર્થક્ષેત્રે કૃતમ્ પાપમ્ છે, અને આ માટે રસાસ્વાદની - પ્રત્યાયનની પ્રગતિ - પ્રક્રિયા ચાલુ રહેવી જોઈએ. સર્વ પરિસ્થિતિઓમાં. પણ શ્રી સુરેશ જોષી ઠીક કહે છે કે રસાસ્વાદની પ્રક્રિયા એ નર્યો ગદ્યાન્વય નથી જ. એ એકીસાથે કાવ્યાસ્વાદમાં કૃતિનું કશુંક સ્વયંશિસ્ત ઋત માગે છે જે કૃતિના અનિયંત્રિત અર્થઘટનને રોકે. ને બીજી બાજુ કૃતિમાં નરી સ્પષ્ટાર્થતાને પણ રોકે છે; એમને કૃતિમાં અભિપ્રેત છે કશીક નિહારિકા જેવી અસ્પષ્ટતા ને સંદિગ્ધતા, સમૃદ્ધ એવી સંદિગ્ધતા. તેઓ કહે છે : 'કવિને મન શું અભિપ્રેત છે તે ઝાઝા મહત્ત્વનું નથી, કારણ કે કૃતિ કર્તાને અતિક્રમી જાય છે. કાવ્યની રચનાને શિસ્તની અપેક્ષા છે એ અનિયંત્રિત સ્વૈરાચરણ નથી.” એના અંગઉપાંગમાં વ્યવસ્થાનું આગવું ઋત હોય છે જે ભાવકના અનિયંત્રિત સ્વૈરાચરણને રોકે છે તે વ્યંજનાવિસ્તારથી રસાસ્વાદ કરવામાં માને છે જે કલાના ઋતને કારણે ગમે તેવા સ્વૈર અર્થઘટનને રોકે છે, પણ શબ્દશક્તિ દ્વારા વ્યંજનાપૂર્ણ રસાસ્વાદમાં તે અવશ્ય માને છે. રસાસ્વાદની આ સંકુલ ક્રિયા માબાપની આંગળી વતી બાળક મેળાને જુએ એના જેવી છે, કવિથી જુદો લોક ભાવયિત્રી પ્રતિભા જરૂર જોઈ શકે. ટેકોફ લઈ શકે પણ તે કૃતિને અધીન રહીને જ. આમ ભાવનપ્રવૃત્તિની કટોકટીની ક્ષણે એમણે સાહિત્યના રસાસ્વાદના નમૂના આપી ઉત્તમ લોકસંગ્રહનું કામ કર્યું છે; કલાનું આગવું ઋત છે એવી ઊંચી પ્રતિષ્ઠા આપ્યા પછી તે પ્રજાને પ્રાપ્ય થવું જોઈએ એમ તે માને છે ને વિવેચકોએ સેતુરૂપ બનવું જોઈએ એમ પણ તે કહે છે. આવો એક રસાસ્વાદક, આપણી કોલેજોમાં અધ્યાપક છે. આ કટોકટી વચ્ચે એણે પુખ્ત વયના વિદ્યાર્થી ભાવકોને કાવ્યસૌંદર્યની દીક્ષા આપવાની છે. તે કેવી રીતે કરશે? કૃતિ શીખવતાં દીપથી દીપ એમ જ્યોત પ્રગટાવવાની છે. દીવાસળી ચાંપીને નહિ. પ્રાધ્યાપકે પોતેય કાવ્યલયમય બનીને ખીલવું પડશે; તે મલ્લિનાથી નર્યો શબ્દાર્થ જ નહિ સમજાવે, થોડીક રવીન્દ્રનાથી, આનંદશંકરી, સુરેશી પણ કરવે સમર્થ હોવો જોઈએ; સરળ લયપાઠ કરીને જ રસનો ચેપ લગાડવો જોઈએ; પ્રથમ ક્ષણ ભાવનમાં આવી હશે એક વાર, સૌંદર્યમૂર્ચ્છાની કળ વળે તે પછી તેના રસ-વ્યાકરણમાં ઊતરવાથી ઓર મઝા આવશે; જેવી પ્રોફેસરની તલ્લીનતા ને સજ્જતા. બધું છેવટે તો એને અધીન છે. એની છેવટે તો કોઈ તૈયાર કરેલી હાથવગી ફૉર્મ્યુલા-કારિકા - તો નથી જ. સુરેશ જોષીના આ ઐતિહાસિક પ્રદાન પછી આપણે ત્યાં કવિતા-રસાસ્વાદ — કાવ્યાસ્વાદ અને કાવ્યાભ્યાસ બંન્નેની પ્રવૃત્તિ વધી છે. કેટલાંક સામયિકો આવી કૉલમ ચલાવે છે. તે અંગે મને એક પ્રશ્ન ચર્ચવો સૂઝે છે : ધારો કે આસ્વાદકે કોઈ વિદેશી કે અન્યભાષાની કૃતિને (હું કવિતાની વાત કરું છું) ગદ્યમાં અનૂદિત કરીને આસ્વાદ માટે લીધી હોય ત્યારે અનુવાદ હોવાને કારણે મૂળ સર્ગનાં અનન્યસાધારણ શબ્દલય તેમાં નહિ જ હોય; આસ્વાદકે પણ મૂળ કૃતિનો આસ્વાદ કર્યો નથી એવી તે પરભાષાની હોય તો કવિકર્મ-ભાષાકર્મના મુદ્દાને કેમ મૂલવવો એ પ્રશ્ન છે, વાચક સમક્ષ જે અનુવાદ આસ્વાદકે મૂક્યો છે એનો ભાષાલય તે મોટી ઊણપ રહે છે ને લાવે છે તો તે અનુવાદમાં છે તેને જ નજરમાં રાખે છે. ઊભયથા કશીક ઊણપ રહી જાય છે ખરી રસાસ્વાદમાં; તે તરફ સેવકોનું હું નમ્રપણે ધ્યાન ખેંચું છું. ‘ગુજરાતી કવિતાનો આસ્વાદ’ એ પુસ્તિકામાં સુરેશ જોષીએ એક ઉપયોગી દિગ્દર્શન કર્યું છે; પણ તેમણે લીધેલી કૃતિઓ હજી ગઈ કાલની છે; 'આધુનિક' કહેવાય તેવી કૃતિઓના રસાસ્વાદનું શું? તેના પ્રશ્નો પણ ઓર છે. તે પ્રયોગાત્મક હોય, અછાંદસ હોય, ગદ્યકાવ્ય હોય તો શું કરવું? ‘નવોન્મેષ'માં જોઈ શકાય છે કે શ્રી સુરેશ જોષીએ રસાસ્વાદના પ્રશ્નો ઊભા કર્યા છે, પણ ‘આસ્વાદ'માં કર્યું છે તેવા નમૂના આપ્યા નથી! શું ત્યાં રસાસ્વાદ શબ્દ જ અસંબદ્ધ છે? આ કૃતિમાં કશો નામ પાડી શકાય એવો 'રસ' જ નથી ને તેની પ્રક્રિયા પણ પદ્ધતિસર નથી તો વર્ગમાં અધ્યાપકે શું પ્રતીત કરવું ને કરાવવું? સરસ, પાઠ, એકથી વધારે વાર પાઠ એ એક ઉત્તમ ઉપાય છે. એના વાતાવરણમાં ભાવક વિદ્યાર્થીને મૂકી દઈ પોતેય ચૂપ થઈ જવું? જેને જે સમજાય તે તેનું? સુરેશભાઈ ‘નવોન્મેષ'માં આસ્વાદમાં જેના ઉપર એમણે ભાર મૂકીને કહ્યું છે તે શિસ્ત કે ઋત વિશે કશું બોલતા નથી! ઊલટું, રાવજીના 'અંગત'ની એક કૃતિમાં રાવજીની મનોદશાની તંગ અવસ્થામાં ઉક્તિ એક રુગ્ણતાનો જલ્પ બની રહી છે તે અરાજકતાની પ્રતિષ્ઠા કરી છે, આ રહી તે પંક્તિઓ :

શ્રવણનેત્ર તતડે છે
તડેતડ નેત્રશ્રવણ ડતનેત્ર શ્રવણ તડોનું
(અંગત - 'રુગ્ણુતા', પૃ. ૧૦૭)

આના વિશે કવિની રુગ્ણાવસ્થા ને મનની તાણનું પરિણામ કહી ચૂપ રહેવું? તો તે કવિના અંગત જીવન ઉપર જ બોલવા જેવું થતું નથી? તો કૃતિની સ્વાયત્તતાનું શું? કૃતિનિષ્ઠતા શું? કલામાં સિદ્ધ થાય છે તે ઋત, શિસ્ત આમાં ક્યાંથી સમજવું? અને ‘જલ્પ’ને ‘કલા'નું ગૌરવયુક્ત નામ આપી શકાશે? કૃતિનિષ્ઠ રહી કશું બોલી શકાશે ખરું? આ શબ્દવર્ણના અન્વયને અનિવાર્ય, અપર્યાય ગણી શકાશે ખરો? મુદ્રણદોષ નવી આવૃત્તિઓમાં કોઈ કારણે રહી જાય તો કેવળ લયપાઠના આધારે પકડી પાડી શકાશે ખરો? એક ભાવકલેખે મારા આવા પ્રશ્નો છે. શ્રી સિતાંશુની ‘હોચીમિન્હ' કૃતિ હું આનાથી વધુ સારી રીતે આસ્વાદી શકું છું, કારણ કે એ કૃતિ આસ્વાદની થોડીક નિજી - પોતાના તરફથી સહાય પૂરી પાડી શકે છે, તે માટે કૃતિની બહાર જવું પડતું નથી; ને કૃતિના ઋતની સ્વાયત્તતા જળવાઈ રહે છે. અંતમાં, હું આટલું જ કહીને વિરમીશ કે આ જમાનામાં કાવ્યાસ્વાદની સૌથી વધુ જરૂર છે; કૃતિનો પ્રથમ ભાવક તેનો કર્તા હશે; પણ પછી તે સ્થાનનો અધિકારી પ્રાધ્યાપક છે ને તેના દ્વારા હાઈસ્કૂલો સુધી કાવ્યદીક્ષિત થયેલો વિદ્યાર્થીસમાજ છે. સુરેશભાઈએ ‘આસ્વાદ'માં આસ્વાદનાં ધોરણો ઊભાં કર્યાં છે તે આપણું એક સીમાચિહ્ન છે; ત્યાર પછી પણ, ચેતોવિસ્તાર થતો હોય, ચૈતન્ય ટૂંપાતું ન હોય, કાર્પણ્ય અનુભવાતું ન હોય તેવી મલ્લિનાથી ને રવીન્દ્રનાથી, કે આનંદશંકરી રસાસ્વાદમાં હું ત્યાજ્ય ગણતો નથી. એક પ્રાધ્યાપકે બધી જ જાતની સજ્જતા ને ક્ષમતા કેળવવી રહી. અને સમૃદ્ધ ને સિદ્ધ કૃતિમાં આવી કેન્દ્રભિગામી ને કેન્દ્રોત્સર્ગી આનંદમૂલક પ્રવૃત્તિ માટે સારી પેઠે અવકાશ નિહિત રહ્યો હોય છે; ‘પ્રત્યાયન' શબ્દથી સુગાવાની જરૂર નથી, કારણ કે પ્રત્યાયન કોઈ પણ રીતે બ્રહ્મસંકોચના પાપની પ્રગતિ નથી, ઊલટું તે બ્રહ્મ સુધી વિસ્તાર પામવાની પ્રવૃત્તિ છે.

*

('અધીત : પાંચ')