અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/કવિતાનો આસ્વાદ : છાંદસ કવિતા સંદર્ભે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪૫. કવિતાનો આસ્વાદ : છાંદસ કવિતા સંદર્ભે

મણિલાલ હ. પટેલ

કવિતા અનુભવવાની હોય છે. કવિતા ભાવકમાં સમસંવેદન જગવે એવી નીવડેલી હોવી જોઈએ. ભાવકનાં રસરુચિ વિશાળ વાચન અને નિરીક્ષણથી સંમાર્જિત થયેલાં હોવાં ઘટે. કોઈ પણ સ્વરૂપની કવિતાના આસ્વાદ માટે ભાવકની સજ્જતા એની ભાવયિત્રી પ્રતિભા મહત્ત્વની છે. કવિતા ભાષામાં રચાય છે - એ ભાષાની, એટલે કે શબ્દની વિશિષ્ટ શક્તિઓ પણ છે. અભિધા-લક્ષણાવ્યંજનાનું કાર્ય જાણવા સાથે શબ્દના ત્રણ ગુણધર્મો - નાદ, લય, અર્થ-ને પણ સમજવા પડે. છંદ-અલંકાર કવિતામાં અનિવાર્ય નથી. પણ કવિતાનો અનિવાર્ય હિસ્સો બનીને – અંતરંગથી જોડાઈને - આવે એની મજા છે. વ્યવહારમાં બોલાતી ભાષા અને કવિતાની ભાષાને બરાબર સમજવી પડે છે. જુદા જુદા માણસો એક જ ઉક્તિ બોલે તોપણ એમના નાદમરોડ થોડાક જુદા પડવાના જ. આપણા કક્કાના કેટલાક વર્ષો/શબ્દોરૂપે વાક્યમાં વાપરીએ છીએ ત્યારે એના ઉચ્ચારસ્થાનો થોડાંક થોડાંક બદલાય છે એમાં સ્વરો ઉમેરાતાં વળી નાદ તીવ્ર/ઊંચો/મંદ/પ્રાણ - અલ્પપ્રાણ થતો અનુભવાય છે. દા.ત.,

•  કામિની કોકિલા કેલિ કૂજન કરે. (‘ક’નાં ઉચ્ચારણો નોંધો)
•  સૂના સરવરિયાની સોનેરી પાળે… (અધોરેખિત વર્ણો વાંચવા)
•  જેવા નાહ્યા પછીના નખ કૂણા… (અધોરેખિત વર્ણો વાંચવા)
•  સખી રે! મારા સાજણજી એવા સલૂણા! (અધોરેખિત વર્ણો વાંચવા)
•  રમતાં રમતાં રોપ્યો રડજી રાજગરો… (અધોરેખિત વર્ણો વાંચવા)

બોલાતી ભાષાનો ભાષક તળબોલીમાંય અજાણતાં જ નાદના નાદે ચડી જાય છે. ભાષાનો પોતાનો આવો ‘ભાષાવાદ’ છે ને ભલભલાને ભાષા 'ભાષાવાદ'માં વીંટાળી લે છે. આમાં નાગરી ભાષાય આવે છે.

•  આછા અજવાળે અમે તો આગળ ચાલ્યા.
•  એમને તો વાતે વાતે વાંકું પડે છે...
•  આડે લાકડે આડો વૅર!
•  ધીમી ધારે મેઘો મંડાયો તે મંડાયો....
•  કોઠી ધોઈને કાદવ કાઢ્યો!
•  તારે તો છીંકતાં છીંડાં પડે... - છાપરામાં છાનાં રહો.
•  આગળ આડી રાત એની તે શી વાત!
•  પૈની કમઈ નૈ ને ઘડીની નવરે નૈ...
•  ઘેરના ઘેર ને ભૈડકા ભેર..… (બ્રાહ્મણ ભૈને બહાર જવા નથી મળતું)
•  તમે તે ઘડીએ બહુબહુ યાદ આવ્યા. (પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં. - હરીન્દ્ર દવે)
•  તમે કોઈ ને કોઈ બહાને આ તરફ નીકળી આવો…
(તમે આવો આણી તરફ કંઈ બ્હાનેય નીકળી.. ઉશનસ્)
•  ધીમેધીમે વાત કરજો, અહીં તો ઝાડવાંય સાંભળી લેશે.
(હજી ધીમેધીમે પ્રિય સખી તહીં ઝાડ ઉપરે… સૂતેલા પંખીને કથની જરી જો કાન પડશે. - પ્રહલાદ પારેખ)

આપણી લોકોક્તિઓ કે એવી વાક્યરચનાભાતો આપણાં ગીતોમાં પ્રયોજાયેલી જોવા મળે છે. એ જ રીતે એકબે શબ્દોનાં સ્થાનફેર કે ઉમેરણથી ગઝલોના મત્લા બનેલા છે. વ્યવહારની ભાષા કવિને જાણે રચનાનું માળખું સુઝાડવા પહેલ કરે છે. આનાથી રચનામાં સહજતા અને સદ્યોગમ્યતા આવે છે. આસ્વાદ વધારે માત્રામાં અનુભવાય છે. વ્યવહારભાષાની રચનાભાતમાંથી આવેલી થોડીક પંક્તિઓ નોંધવીએ :

•  ‘બધો આધાર છે એના જતી વખતના જોવા પર
મિલનમાંથી નથી મળતા મહોબ્બતના પુરાવાઓ....’ – મરીઝ
•  આડા ડુંગર ઊભી વાટ-કુદરત કાયમ ઘડતી ઘાટ’ – મણિલાલ પટેલ
•  ‘એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.’ {{right|– મરીઝ
•  ‘તારું કશું ન હોય તો છોડીને આવ તું’ – મિસ્કીન
•  ‘છોડ સઘળી મમત, કોઈ તારું નથી,
બોલ, લાગી શરત, કોઈ તારું નથી.’ – મિસ્કીન
•  ‘ગઈ કાલનો આ છોકરો શાયર બની ગયો.’ – આદિલ
•  ‘અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા’ – મનોજ ખંડેરિયા
•  ‘તને પીતાં નથી આવડતું, મૂરખ મન મારા!
પદાર્થ એવો કયો છે જે શરાબ નથી?' – ઘાયલ
•  ‘થઈ ગયું પુસ્તક પૂરું ને કૈંક પ્રકરણ રહી ગયાં.’ – બેફામ
•  ‘પૂર આવેલી નદીને પટ ઘણો ઓછો પડ્યો’ – ચિનુ મોદી
•  ‘પાંપણ કદી રહી શકે મટકું ભર્યા વગર?’ – મનહર મોદી
•  ‘શું કામ જૈને બેસતો એ વીજળીના તાર પર
નડ્યો છે જોખમી સ્વભાવ : કાગડો મરી ગયો.’ -રમેશ પારેખ

આ અને આવી અનેક ઉક્તિઓ નોંધતાં પાર નહિ આવે. ઉક્તિઓને શબ્દફેર કરતાં કાવ્યપંક્તિઓ બની જાય છે - ને એને લય પણ હોય છે - આ વાત ‘કવિ બનનારે' જાણવી ઘટે. ભાષા સાંભળવી, એના નાદ - લયમાં સાંભળવી અનિવાર્ય છે. વાંચીએ ત્યારેય લયભાત પકડાવી જ જોઈએ. (લઘુની એક ગુરુ અક્ષરની બે માત્રા… લઘુગુરુ વગેરે જાણવાં ઘટે.) નિશ્ચિત માત્રાનાં લયએકમોનું પુનરાવર્તન કરીને કવિઓ ગીતનો લય રચે છે. ત્રિકલ-ચતુષ્કલ-પંચકલ-ષટ્કલ-સપ્તકલ-અષ્ટકલ : માત્રાની સંખ્યા પ્રમાણે અને આવર્તનોની વધઘટ પ્રમાણે લયભાત રચાય છે. આધુનિકોએ આ રીતે ગીતના લય રચ્યા... મુખડા / અંતરામાં પણ જુદી લયભાતો રચી. લયાવર્તનોને જોડીને કે તોડીને અનુગાંધીયુગના ઘણા કવિઓએ પરંપરિત લયરચનાઓ કરેલી. વ્યવહારમાં બોલાતાં વાક્યો કે ઉક્તિઓમાં આવી લયભાતો આખેઆખી કે ટુકડા- અંશો રૂપે મળે છે. દા. ત., તમે આવજો (૨) તમે લાવજો (રે). (‘રે') ઉમેરવાથી લયભાત પ્રગટે છે. કવિ એમાંથી મુખડો / અંતરો રચવા આવર્તનો વધારી શકે છે.

  • કોક વાર તો આવો / એક વાર તો આવો… (બધાં જ આવું કહે છે.)

‘કોક વાર તો આવો વ્હાલમ! એક વાર તો આવો…’ ‘વ્હાલમ’ ઉમેરવાથી ગીતનો મુખડો બની જાય છે. આવાં અનેક દૃષ્ટાંતો મળી આવે છે.

  • ‘આઘાપાછી આઘાપાછી કરતાં-કરતાં રાત પડી ગૈ…’ માણસ કામ કરવામાં ઢીલાશ કરે ત્યારે આવું કહે છે… હવે આ ઉક્તિની માત્રા ગણો - અષ્ટકલનાં ચાર આવર્તનો છે. ‘ધીમેધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને-’નો લય પણ આમ વ્યવહારની ઉક્તિઓમાં મળી આવે એ અચરજની વાત છે? ના. પણ આપણે આ શોધી કાઢીએ એની મજા આવે છે.
  • એક ઉક્તિ અમારે ત્યાં - બ્હાર જ ફરતા ફરનારને માટે વપરાય છે ‘એને ઘરમાં કીડીઓ કરડે’ (છે.) ને કૈં કામ નહિ કરનારો વટ મારે ત્યારે ‘એ તો અમથો મૂછો મરડે’ (છે) એમ કહેવાય છે. આ બંને ઉક્તિઓમાં સોળસોળ માત્રા છે, તાલ-લય છે… એમાંથી (મણિલાલે) ષોષી-માત્રામેળ-છંદ રચ્યો છે. દા. ત.,

‘એ તો અમથો મૂછો મરડે / એને ઘરમાં કીડીઓ કરડે...' (મ.હ.૫.)

  • ચોપાઈ તથા સવૈયા છંદમાં ગોઠવાઈ જતી ઉક્તિઓ પણ અજાણતાં જ માણસો પ્રયોજતા રહે છે. એ તો એમના બોલવાની રીતિનો હિસ્સો છે.

દા. ત.. મૂંઝાયેલો માણસ ઘર-બહાર ફર્યા કરે ત્યારે કહે છે : ભૈ, એ તો ઘરમાં આવે બહારા જાય / બોલે ના તો (અમને) શું સમજાય?' આ ઉક્તિ ‘ચોપાઈ' બને છે. થોડાંક પદો ઉમેરો / બાદ કરો... ને વિશેષ અર્થ નીકળે એની કાળજી રાખો તો લયભાતની સાથે કાવ્યત્વ આણી શકાશે. આપણે એ જાણીએ છીએ કે છંદો - પદ્યો એ કવિતા નથી. છંદોલય હોય કે લોકબોલી / વાર્તાલાપો વગેરે હોય : એમાં પવિન્યાસ મહત્ત્વનો છે - વિશેષ અર્થ આપતો અને એ ભૂમિકા રમણીય હોય એવી પદરચનાઓ કાવ્ય કહેવાય છે. ભાષા માણસોએ, જૂથ ભાવનાને લીધે તથા પરસ્પર વિચારવિનિમયને માટે ઉપજાવી છે. પછી તો ભાષાપ્રયોગો માણસનું આંતર્ વ્યક્તિત્વ પ્રગટાવવા સમર્થ બન્યા. ભાષા પોતાની શક્તિઓ પ્રગટાવતી રહી એમાં સમર્થ ભાષકોની કાબેલિયત કારણભૂત છે. એ જ ભાષા પછી માનવમનનાં અતળોનો તથા પ્રકૃતિલીલાઓના તાગ મેળવવા મથે છે. મર્યાદિત શબ્દોવાળી ભાષા અમર્યાદ અનુભવો તથા જીવનને અને સૃષ્ટિ લીલાને ઊંડળમાં લેવાનું સાહસ કરે છે. ભાષકો તથા સર્જકો ભાષાને ઘડે છે… પદો-પદોના નવા વિન્યાસો રચાય છે ને ભાષાનું નૂતન સ્વરૂપે ઊઘડે છે. આપણે શિષ્ટ-ભદ્ર-માન્ય ભાષાની લ્હાયમાં વિશાળ વર્ગની વ્યવહાર ભાષાથી દૂર સરતા ગયા. પિરણામે ભાષાના સ્વ-ભાવને તથા એનાં અવનવાં રૂપોને ઓળખવાથી આઘા રહ્યા. આથી કવિતા-છંદોલય- સાહિત્યને સમજવામાં પણ પાછા પડ્યા છીએ. આજનાં શિક્ષક અધ્યાપક અને વિદ્યાર્થી તો ઓછામાં ઓછું વાંચે છે ને શ્રવણ તો ભાગ્યે જ કેળવે છે. પરિણામે છંદોલયની પરંપરાનો અને બોલાતા શબ્દનો જે આંતરસંબંધ છે તે એની જાણ બહાર રહી જાય છે. આપણા વ્યવહારજીવનમાં આપણે જે ભાષાપ્રયોગો કરીએ છીએ એમાં જ ઘણી વાર છંદ/લયના ટુકડાઓ પડેલા હોય છે. ક્યારેક તો આખું વાક્ય છંદમાં કે માત્રામેળ લયમાં હોય છે. આગળ ઉપર આપણે એવાં ઉદાહરણો જોયાં છે. સાહિત્યની ભાષા વ્યવહારની ભાષા વડે જ ઘડાય છે, પણ એમાં કાવ્યત્વ પ્રગટાવનારાં અન્ય ઘટકો કલ્પન/પ્રતીક/અલંકાર/કપોળકલ્પના સંનિધિકરણ તથા સંવેદન- ભાવલાગણીની ગૂંથણી પણ મહત્ત્વનાં છે. એક વાર ઘરમાં મારા પિતાજી મહેમાનને કહેતા હતા કે આ વખતે તમે ઉતાવળમાં છો તો ભલે પણ- ફરી આવો ત્યારે જરીક ઠરીને વાત કરીશું! હું ત્યારે છંદો શીખતો હતો. પિતાજીના છેલ્લા વાક્ય તરફ મારું ધ્યાન ગયું ને હું પ્રસન્ન થઈ ગયેલો. એ શિખરિણી છંદની પંક્તિ હતી. ફરી આવો ત્યારે જરીક ઠરીને વાત કરશું!’ જોકે આ કવિતા નથી. પદ્ય છે. છંદમાં લખવાથી કવિતા સિદ્ધ થઈ જતી નથી. કવિતાને કવિતા બનાવનારાં ઘટકોનું કાર્ય આપણે કાવ્યપઠનની અનેક આવૃત્તિઓ કરીને સમજવું પડે છે. ગુજરાતી કવિતામાં છંદોલયનું શું કાર્ય છે? તેનો અભ્યાસ ઘણો જ રસપ્રદ રહ્યો છે. એ અભ્યાસમાં પ્રવેશતાં પહેલાં કવિતાની આપણી પોતાની વ્યાખ્યા અને કવિતાના પઠન વિશેની બે વાતો નોંધવી જરૂરી છે. ૧. કવિતા શું છે? ૨. કવિતાનું ભાવવાહી - લયવાહી - અર્થવાહી પઠન એક જ સાથે કેવી રીતે થઈ શકે? આનો જવાબ અઘરો કે સરળ નથી. પણ સમજી- સમજાવી શકાય એવો તો છે જ. કવિતા સંવેદન - ઊર્મિ કે વિચારથી બને છે? કવિતા ભાષારચનાથી બને છે? કવિતા એ બધાંથી બને તો બને, નહિતર ન પણ બને! ભાવિચાર અને ભાષાના સંવાદી સાયુજ્યથી કવિતા બને છે એમ કહેવામાં સચ્ચાઈ છે, પરંતુ એવી સંવાદિતા છતાંય કવિતાપદાર્થ - કલાપદાર્થ થોડો ઓઝલ રહી જાય એવું પણ બને! એટલે અંશે કવિતાનો પ્રદેશ થોડો રહસ્યમય પણ છે, વળી એમાં ‘ભાવ' અને 'રચના' ઊભયનાં કેટલાંક નૂતન પરિણામો રચનાપ્રક્રિયા વખતે જ અણધારી રીતે પણ પ્રગટી આવે છે એ વાત પણ સ્વીકારવી પડે એમ છે. કેમ કે માણસનો ભાવલોક અને ભાષાલોક બંને સંસારની અનેક અને અપાર સાંસ્કૃતિક પરંપરાઓની નીપજરૂપ છે, એ કૂવો માપવામાં સાત ખાટલાનાં વાણ પણ ટૂંકા પડે છે. કવિતા આ અર્થમાં જાદુગરણી છે… સંસારમાં એ વણજારણ સદીઓથી - ઋતુઓની જેમ - વિચરતી રહી છે. કવિતાની મારી પોતાની નાનકડી વ્યાખ્યા (વિભાવના) કૈંક આવી છે : ‘કવિતા એટલે પિરિચત પદોનો એવો અપરિચિત (અ-પૂર્વ) વિન્યાસ જે વિશેષ કે રમણીય અર્થ આપે છે - સૌંદર્ય બોધ કરાવે છે.’ પદો કહેતાં શબ્દો પરિચિત હોય પણ એનો વિન્યાસ (ગોઠવણી-રચનાગત આનુપૂર્વી) અપરિચિત હોય, અર્થાત્ આ પૂર્વે આ પદોને આ રીતે કોઈએ ન્હોતાં મૂક્યાં. (એ અર્થમાં અ-પૂર્વ).

દા.ત., ૧. સૌંદર્યો પી ઉઝરણ ગાશે પછી આપ મેળે! (ઉમાશંકર)
૨. આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે,
આ સરવર જલ તે કાનજી ને પોયણી તે રાધા રે! (પ્રિયકાન્ત)
૩. લીંબોળી વાવીને છાંયડા ઉછેરું
પણ ચોમાસું કેમ કરી વાવવું?
તારું પ્હેલા વરસાદ સમું આવવું! (રમેશ પારેખ)
૪. તારું કશું ન હોય તો છોડીને આવ તું.
તારું બધું હોય તો છોડી બતાવ તું! (મિસ્કીન)
૫. ગયા ભવના ખીલા કળે છે છાતીમાં! (રાવજી)

આ બધાં ઉદાહરણોમાં કોઈ જ પદ/શબ્દ અજાણ્યો નથી, એનો અર્થ ભાવકે શબ્દકોશમાં શોધવો પડતો નથી. અર્થાત્ પદો પરિચિત છે. પણ પદોની રચના-આનુપૂર્વી/ગોઠવણી (વિન્યાસ) નૂતન છે. એ નવસંરચનાને કારણે બધાં પદો મળીને નવો જ તથા વિશેષ અર્થ આપે છે. પદો સાથે મળીને - માર્ગ મોકળો કરે છે. ભાષાની-પદોની આ સહકારીતાનો લાભ લઈને જ સાહિત્ય સર્જન થાય છે. ભાષા વડે/શબ્દો વડે અનેક પદસમૂહો રચીને, ગોચર-અગોચર સૃષ્ટિને તથા ભાવલોકને વર્ણવી શકાય છે. નવાં રૂપકો/કલ્પનો પ્રતીકો અલંકરણો રચી શકાય છે. વ્યવહારમાં પણ આ વલણો હોય છે. કવિઓને એનો લાભ લેતાં આવડે છે ને ત્યારે સરળતામાં પણ નવા સંકેતો વડે વ્યાપકને તથા ઊંડાણને અનુભાવ્ય બનાવી શકાય છે.

દા. ત., ‘બાકસ-ખોખું જિંદગી
સળીઓ, એટલાં દુ:ખ!'

અહીં બાકસમાં પરિમાણો- લંબાઈ-પહોળાઈ-ઊંડાઈ - જિંદગીને પણ લાગુ પડે છે. વળી બાકસનાં તકલાદીપણું-ભંગુરતા, કંપની-નામ-લેબલ-ગુણવત્તાનો પણ વિચાર (જીવનના સંદર્ભે પણ) કરવો પડે છે… ને ‘સળીઓ એટલાં દુઃખ' તો વાક્ય વક્રતાનું દૃષ્ટાંત છે. ઉપરનાં ઉદાહરણોમાં પણ રીતિ-ધ્વનિ-વ્યંજના- રૂપક બધું શોધી બતાવી શકાય છે. ને છતાં એ બધું ‘સહજ રીતે’ નિર્મિત થયેલું છે. આવી સહજ નિર્મિતિમાં સૌંદર્ય છે. રસબોધ-રમણીયાર્થ-વ્યંગ્યાર્થ પણ હાજર છે તે આપણે જોયું. કવિતા આવી સહજ છે - માટે આત્માની કલા છે… છંદો/લય કવિતામાં શું કાર્ય કરે છે - તે બતાવવું જરૂરી છે. સુરેશ જોષીએ વિવેચક મેકલિશને ટાંકીને કહ્યું હતું તે જાણીતું છે કે ‘કવિતાના ખરા દુશ્મનો તો વર્ગમાં કવિતા ભણાવતા શિક્ષકો - અધ્યાપકો છે.’ છંદ-અલંકાર ઓળખાવી જવાના નથી.... કવિતામાં એનાથી શું વિશેષ બન્યું તે દર્શાવવાનું છે. કવિતાનાં ઘટકો દર્શાવીનેય છેવટે તો એ બધાંનું સંવાદી સાયુજ્ય (સંયોજનના) જે રમણીયાર્થ નીપજાવે છે તે કવિતા છે. સુરેશ જોષીએ બ.ક.ઠા.ની રચના (જૂનું પિયેર ઘર)ની પ્રથમ પંક્તિ લઈને મંદાક્રાન્તાનું કાર્ય દર્શાવ્યું હતું. એ પછી તો આસ્વાદકોએ એવાં ઘણાં ઉદાહરણો લઈને છંદ-અલંકાર-પ્રતીક-કલ્પનનો મહિમા કર્યો છે.

‘બેઠી ખાટે ફરીવળી બધે મેડીએ ઓરડામાં’ (બ.ક.ઠા.)

મંદાક્રાન્તાના પ્રથમ ચાર ગુરુ અક્ષરો ઉચ્ચારતાં, જે નિરાંતનો ભાવ નાયિકાના મનમાં હતો તે, બરાબર પ્રગટે છે. ત્યારે તો સાસરીમાં ખાટે બેસાતું નહોતું એટલે નાયિકા પિયરઘેર આવીને નિરાંત અનુભવે છે ને ખાટે પાટે બધે બેસે છે. પણ ઘણે વખતે આવી છે એટલે ઠરીને બેઠેલી તે બધું જોવાની અધીરાઈમાં ઊભી થઈને બધે નીચે ઉપર ફરી વળે છે. આ ચાંચલ્ય પાંચ લઘુ વર્ણોમાં બરાબર સૂચવાયું છે. ને છેલ્લે ‘મેડીએ ઓરડા'માં સ્વરોનાં દીર્ઘ ઉચ્ચારણો નાયિકાને સીડી ચઢતી ને એક ઓરડેથી બીજે ઓરડે ફરતી દેખાડે છે - પ્રત્યક્ષ કરી આપે છે. મંદાકાન્તાના માત્ર સત્તર અક્ષર અહીં નિશ્ચિત લયસંયોજના અને તાલયતિની નાયિકાનાં ત્રણ-ત્રણ શબ્દચિત્રો રચીને રજૂ કરે છે. છંદોલયે એ ચિત્રો રચવામાં ને ગતિ આપવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી એ દેખાશે. તો પછી છંદ બંધન ક્યાં બન્યો છે? ના રે, એ તો કવિતાના ભાવલોકને ઊંચકીને કવિતાના કેન્દ્રોત્સારી મલકમાં રમતો મૂકે છે. કિનારો નદીને બાંધે છે ને આકાર આપીને મુક્તપણે વ્હેવા દે છે છંદોનું પણ એવું જ છે. ઉદાહરણો લઈએ તો પાર નહિ આવે પણ જુદી જુદી મુદ્રાઓ તથા વિશેષ ઉપલબ્ધિ સંદર્ભે એકબે- એકબે દૃષ્ટાંતો લેવાનું જરૂરી લાગે છે. દા. ત., કાન્તનો મંદાક્રાન્તા સ્થળ-જળની સ્થિતિગતિને પ્રત્યક્ષ કરીને કેવો સૌંદર્યબોધ પ્રગટાવે છે તે માણીએ :

‘ઝાંખા ભૂરા ગિરિ ઉપરનાં એકથી એક શૃંગ
વર્ષાકાલે જલધિજલના હોય જાણે તરંગ!

પહાડ ચઢતાં-વાદળી-શ્યામ-શૃંગો એક પછી એક ઊઘડતાં આવે છે. એ સ્થિર રમણીય લોકને કવિ ઉત્પ્રેક્ષાથી ગતિશીલ કરી મૂકે છે. વર્ષાકાલે ગાંડોતૂર સાગર એક પછી એક મોજાં-પહાડનાં શૃંગો જેવાં-ઉછાળતો આવતો ના હોય જાણે! ને આવનારો સમય રાત્રિ! વિરહરાત્રિ લાવવાનો છે એનો ડર ચક્રવાકીના મનમાં છે જ… તે પણ જાણે રહસ્યમય બનીને સંકેતાતો લાગે છે! બે જ પંક્તિ કેવો ગૂઢ પરિવેશ રચી આપે છે… છંદો વિના આવું લાઘવભર્યું ને પ્રભાવક કાર્ય અશક્ય નહિ તોય મુશ્કેલ હોવાનું. કલાપીએ પણ છંદોમાં ક્રિયાપદો દ્વારા પાત્રોની સ્થિતિગતિ અને માનસિકતા સારી રીતે આલેખી છે. જુઓ : (આ પણ મંદાક્રાન્તા છે.)

‘ધીમે ઊઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી,
વૃદ્ધા માતા નયન નબળાં ફેરવીને જુવે છે,
ને તેનો એ પ્રિય પતિ હજી શાંત બેસી રહીને,
જોતો, ગાતો, સગડી પરનો દેવતા ફેરવે છે!’

‘જૂનું ઘર ઘાલી કરતાં (મંદાક્રાન્તા) સૉનેટમાં બાલમુકુન્દ દવે એ બે જગ્યાએ એક એક વર્ણની પસંદગી કરીને ભાવાર્થને નક્કરતા બક્ષી છે તે જોઈએ :

‘ઊભાં છેલ્લે નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ’
*
‘ઉપાડેલા ડગ ઉપર શા લોહ કેચ મણિકા...’

‘નજર કરીને' જોવું ‘નજર ભરીને' જોવું એમાં ધરાગગનનું છેટું છે! 'ક'ને બદલે 'ભ' પ્રયોજીને કવિએ પ્રસન્ન દામ્પત્યનો ભાવભર્યો વ્યતીત દેખાડ્યો છે – જે નજર ભરીને જ સ્થળ વિશે નીરખવાનો છે. તણે પગ ઉપાડવાને બદલે (આપણે ત્યાં પગ ‘ઉપાડો’ એમ ‘ચાલો’ હવે-ના પર્યાય માટે પ્રયોજાય છે.) કવિ ડગ શબ્દ પ્રયોજે છે. પ કરતાં ડ-નું તાલવ્ય ઉચ્ચારણ ભારે છે. લોહના મણિકા ઉચ્ચારાય એના પહેલાં ડગ (પગને બદલે) ઉચ્ચારતાં મણિકાનો આવી પડતો ભાર અનુભવાય છે! કવિએ વર્ણ પસંદગી - પદ પસંદગી - કેવી તો કાળજીથી કરવાની હોય છે. છંદ ન તૂટતો હોય તોપણ બીજો પર્યાય (છંદમાં છૂટ લઈને) યોજવાની કવિને અનિવાર્યતા લાગે તો તે તેમ કરી જ શકે છે. કેમ કે 'કવિતા' મહત્ત્વની છે - છંદો તો કાવ્યત્વને પોષવા જ આવે છે. મનુષ્ય અમર નથી એનો ભાવલોક (મૂલ્યો/ભાવનાઓ) અમર છે. કવિનો શબ્દ આપણને એ ભાવલોકમાં લઈ જાય છે. અને શબ્દને પૂર્વજોએ તેજ કહ્યો છે. ઉમાશંકર જોશી એને ચિરંતન જ્યોતિસ્થંભ કહે છે. આ શબ્દની ચિરંતન લીલા/એનો લીલા વ્યાપાર તે કવિતા. આપણાં પુરાણોને કવિતા કહ્યાં છે-‘છંદો છે પાંદડાં જેનાં-' એમ કહીને પુરાણ-કવિતા-તરુવરને પર્યાયરૂપે રજૂ કર્યાં છે. એલિયટે કહેલું કે You cannot build a tree, you can only plant it, and take care for it, and wait for it to mature in its due time. કવિતાનું પણ વૃક્ષ જેવું છે -એનું બીજ રોપાય છે મનોભૂમિમાં ને પછી એનો લીલાવ્યાપાર કવિના મનમાં ચાલ્યા કરે છે. કબીરજી વર્ષો પહેલાં કહી ગયા છે કે : 'નક્શ-હુકુમ ચલે ઇમારત, વૃક્ષ ચલે નિજ લીલા!’ આ નિજલીલામાં છંદોલય ભળી-ઓગળી ને પ્રગટ થયો હોય તો એ કવિતા-વૃક્ષની ડાળીઓમાં લયહિલ્લોળ થઈને પ્રભાવ પાડે છે. તરુની શાખાઓને લય છે. ખેતરમાં હારબદ્ધ ઊગેલા છોડના ચાસ પોતાનો લય અને નિજલીલા ધરાવે છે. છંદોબદ્ધ કવિતાની પંક્તિઓ પણ આવો જ લયાનુભવ કરાવે છે. દા.ત., નિરંજન ભગતનો શિખરિણી જુઓ- સાંભળો, જે વસંતાગમનને એની બધી છટાઓ સાથે પ્રત્યક્ષ કરી આપે છે -

‘છકેલી ફાલ્ગુની છલબલ છટા શી પૃથિવીની
દિશાઓ મૂકીને મન, ખિલખિલાટે મલકતી
વનોની મસ્તાની મઘમઘ પરાગે છલકતી
વસંતે જાગી રહે સકલ કલિ જ્યારે રસભીની!’

વસંતનું ચાંચલ્ય અને એનો કેફ આ છંદોલયને લીધે વધુ સ્પર્વ અને આસ્વાદ્ય બન્યાં છે. કવિતાના ભાવને છંદો ધારણ કરી લે છે ત્યારે મજા આવે છે. ઉશનસૂનાં અનેક સૉનેટકાવ્યો (બહુધા) શિખરિણીમાં રચાયાં છે. આવા છંદો પ્રેમને, કરુણ, ઉદાસીને, પ્રસન્નભાવને, પ્રકૃતિ સૌંદર્યની આભાને તથા મનના ગહન ભાવલોકને સોંસરવી અભિવ્યક્તિ આપે છે ત્યારે આશ્ચર્યચકિત થઈ જવાય છે. આ ભાવાર્દ્રતા છંદ વિના શક્ય નથી લાગતી.

‘સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઊપડ્યા,
ગઈ અર્ધી વસ્તી ઘર થઈ ગયું શાંત સઘળું!
બપોરે બે ભાઈ અવર, ઊપડ્યા લેઈ નિજની
નવોઢા ભાર્યાઓ પ્રિયવચનમંદસ્મિતવતી!’

બીજી ત્રીજી પંક્તિમાં આવતો દીર્ઘ ‘ઈ’ / એનું ઉચ્ચારણ કરુણને તથા કશીક નિઃસહાયતાને ઘૂંટે છે. આવો જ કરુણ શિખરિણીના પાત્રમાં ઉમાશંકરે ઝીલી બતાવ્યો છે. ‘બળતાં પાણી’ વાંચો -

‘નદી દોડે, સોડે ભડભડ બળે ડુંગર વનો…
પડે ઓળા પાણી મહીં, સરિત હૈયે સળગતી
ઘણું દાઝે દેહે તપી તપી ઊડે બિંદુ જળનાં...’

પ્રથમ પંક્તિમાં ત્રણ શબ્દચિત્રો સામે આવે છે. દોડતી નદી, તરત સોડે' શબ્દથી 'બ્રેક' આવે છે - ને નજર પ્હાડ ઉપર જાય છે ત્યાંથી વળી વનો સુધી વિસ્તરે છે. ને વળતી નજર નદીમાં, બળતા ડુંગર - વનોના ઓળા જુએ છે - જાણે કે નદીનું હૃદિયું બળી રહ્યું છે. આખી કાવ્યરચનામાં વિતરી રહેલી કરુણની લકીર અંતે નિઃસહાયતાને ચીંધીને મનને શોકાર્દ્ર કરી મૂકે છે. જયંત પાઠકે પણ શિખરિણીને, અનુષ્ટુપને, મંદાક્રાન્તાને તથા પરંપરિત લયોને અર્થપોષક રીતે પ્રયોજીને એમાં આસ્વાદ્યતા વધારી આપી છે. દા. ત., ‘આદિમતાની અનુભૂતિ’ સૉનેટ અને 'વગડાનો વાસ’ ગીત તથા ‘વેરાન' જેવું વતન વિચ્છેદનું કાવ્ય વાંચતાં વિભિન્ન ભાવલોક ભીંતરમાં દીવા પ્રગટાવી રહે છે.

હું આવું છું પાછો બહુ દિન પછી ઘેર વનમાં
ઉતારી નાખું છું વસન પુરના સભ્ય જનનાં
*
પુરાણું આ મારું વનઘર નહીં છપ્પર ભીંતો
અહીં અંધારાથી શરમ મૂકીને સૂર્ય રમતો…’

ઉશનસે 'સુહાગરાત અને પછી-'માં નાયિકા પોતાની મન:સ્થિતિ અને રતિના આનંદપુલકની વાત નાયકને શિખરિણી છંદમાં સંભળાવે છે... એમાં સંબોધન સાથે તદ્રુપતા છે. જાણે આખું કાવ્ય વિશ્વંભકથા છે; પત્ર છે... પ્રણયોક્તિ છે! છંદોનો આવો જાદુ જાણ્યામાણ્યા વિના કવિઓને - ભાવકોને ચાલે જ નહિ! સુંદરમે કશેક નોંધ્યું છે કે ‘છંદ એટલે આનંદ આપવો, તૃપ્તિ કરવી છંદનો આધાર લઈને વાણીએ કેટકેટલાં સૌંદર્યો તથા રસાનંદ સર્જ્યો છે. ગુજરાતી કવિતામાં છંદોએ શું શું કર્યું - છંદોનું કાર્ય શું? - એ વાતો ખરા અભ્યાસીઓથી અજાણી નથી. તત્ત્વદર્શનને નરસિંહે પ્રભાતિયાંમાં ઝૂલણાં છંદદ્વારા; લોકોની દાંભિકતા તથા અજ્ઞાનને છપ્પામાં અખાએ ષટ્પદી ચોપાઈ દ્વારા, પ્રેમાનંદ અને શામળે કથાપુરાણનાં પાત્રો કે કલ્પિત રાજા-રાજકુંવરો પ્રધાનોને અને પ્રજાજીવનના પરિવેશને દેશી રાગો, ઢાળો દ્વારા ચિરંજીવ અભિવ્યક્તિ આપી છે. ભાષા અને છંદોલયની જુગલબંદીએ મધ્યકાળમાં અને અર્વાચીન કાળમાં, અવિસ્મરણીય જીવનરાગ અને જીવનદર્શનને કલાત્મક રૂપોથી મહીને રજૂ કર્યા છે. પ્રેમાનંદની કથનકળા અને વર્ણનો આજેય પ્રભાવક લાગે છે. નર્મદે શિખરિણીમાં જીવંત કરેલો કબીરવડ હજી ભાવકોને ભુલાતો નથી. દલપતરામના દોહરા-ચોપાઈ-સવૈયા-ઉપજાતિ તથા વિવિધ રાગોના અનુરટણથી ત્યાર પછીની અનેક પેઢીના કવિઓએ છંદો રચીને કવિતાના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. કલાપીનો હાથ પણ છંદો પર સારી રીતે બેઠેલો હતો. ન્હાનાલાલે લોકલયોનો આધાર લઈ રચેલાં ગીતોએ ગૂર્જર નારીને ઘેલું લગાડ્યું હતું. બ.ક.ઠા. નો ‘પૃથ્વી’ પ્રયોગ જાણીતો છે. પણ ધમાલ ન કરો-માં રા. વિ. પાઠકે અને ભરતીમાં કૃષ્ણલાલ શ્રીધરાણીએ પ્રયોજેલા પૃથ્વીછંદ (છેક વિનોદ જોષી સુધી) બ. ક. ઠા.ની ખૂબીઓથી પણ આગળ નીકળી જાય છે. કાવ્યત્વમાં આ રચનાઓ ઊણી નથી! 'એક કિલ્લાને તોડી પડાતો જોઈને’ સૉનેટમાળામાં સુંદરમે લેખે લગાડેલા પૃથ્વી છંદનો કોઈ વિકલ્પ નથી. જીવનનાં શોક, કરુણને અને વિષમ માનવનીતિને પ્રકૃતિના પરિસર સમેત રજૂ કરવા; કાન્તે ખંડકાવ્યત્રયીમાં યોજેલા, વિવિધ છંદોનું નિબંધન કેવું તો ચુસ્ત અને કાવ્યોપકારક છે, એ ભૃગુરાયભાઈ તથા ચંદ્રકાન્ત ટોપીવાળાએ સહજ ગળે ઊતરી જાય એમ વર્ણવ્યું છે. છંદોનું કાર્ય એમના એ લેખોમાં ઉત્તમ રીતે દર્શાવાયું છે. ઉમાશંકર તથા એમના સમકાલીનોનું ભાષાકર્મ અને છંદોલય પ્રયોજન જરાય અજાણ્યાં ન હોવાં જોઈએ. દા. ત., 'રહ્યાં વર્ષો / ગયાં વર્ષો'માં શિખરિણી છંદની સાર્થકતા! 'આયુષ્યના અવશેષ' સૉનેટમાળામાં રાજેન્દ્ર શાહે પ્રયોજલો હરિણી છંદ કેવો તો ભાવોપકારક બન્યો છે. તો વળી ‘અનહદની સરહદે' સૉનેટમાળામાં ઉશનસે લેખે લગાડેલો છંદ શિખરિણી જે ભાવ ચિત્રો રચે છે અને ભાવકને વીંટળાઈ વળે છે - એ કાવ્યાસ્વાદની વાત કરતાં ભૂલી ન શકાય. રાવજી પટેલ તો અસ્તિત્વની નિરર્થકતાની / શૂન્યતાની / ભંગુરતાની વાત હરિગીતને તોડીને રજૂ કરે છે. જ્યારે આધુનિકો દુર્બોધ અછાંદસમાં ગળાડૂબ હતા ત્યારે, આ કૃષિજીવનના અસબાબનો કવિ, છંદોલયમાં માર્મિક ભાવ સંવેદનોને સરળ રીતે મૂકી આપતો હતો :

દા. ત. દેહમાં પુરાયેલું અસ્તિત્વ આ/ગમતું નથી /મને કોઈ
રાવજીથી ઓળખે/એય હવે ગમતું નથી/...આમ હું તો
મધ સમો મીઠો બનું/ને યુદ્ધના વિચાર શો
ધિક્કારવા લાયક બનું/લાચાર છું/આ શહેરમાં –
હોટેલમાં-સરિયામ રસ્તે -કોઈ સાથે ટ્રેનમાં-પરગામમાં /
આ સભ્યતાની કુંવરી (?)ને સાચવ્યા કરવી/હું મુરબ્બી /
કોઈ પેઢીના હિસાબી ચોપડા જેવો નર્યો જુઠ્ઠો..!’

ભ્રમરના ગુંજારવને સાંભળી શકાય એ રીતે સુંદરમે હરિગીતને પરંપરિત કરેલો તે પણ યાદ કરો.

(‘કવિતામાં છંદોલય' નામના મારા પુસ્તકમાંથી સંકલિત અંશો – નવાં ઉમેરણો સાથે.- મ)
(‘અધીત : ચાલીસ')