અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/કવિતાનું શિક્ષણ

૪૪. કવિતાનું શિક્ષણ

પ્રવીણ દરજી

‘કવિતાનું શિક્ષણ’ એવો શબ્દપ્રયોગ કરીએ છીએ ત્યારે આપણી સામે અનેક પ્રશ્નો આવીને ઊભા રહે છે. કદાચ ત્યારે જ ખ્યાલ આવે છે કે આ સંજ્ઞા ધારીએ છીએ તે કરતાં વધુ સંકુલ છે. તેની સાથે બીજી બાબતો પણ જોડાયેલી છે તેના સંકેતો પણ ઊઘડવા માંડે છે. આપણે ત્યાં કાવ્યવિવેચનને પણ ઊભેલું જોઈએ છીએ. રવિવેચન પણ જોડાજોડ જ રહ્યું હોય છે. સાથે કવિતાની પ્રક્રિયાનો મુદ્દો પણ સંકળાયેલો જોવા મળશે. કવિતા વિશેના આપણા અને પૂર્વ-પશ્ચિમના વિદ્વાનોના ખ્યાલોનુંય સ્મરણ થવાનું તો કવિતાની સમજ- વિવરણ વગેરેની કેટલીક કારિકાઓ-કોષ્ટકો પણ ત્યાં નજર સામે આવવાનાં. આ બધું હોવા છતાં, તેમાંથી પસાર થયા પછી પણ તેને ‘કવિતાનું શિક્ષણ’ એમ કહીશું ખરા? થોડે અંશે આપણો ઉત્તર કદાચ ‘હા’ હશે તો બહુશઃ ‘ના’ પણ હશે, કારણ કે આખરે તો કવિતાના શિક્ષણમાં ખુદની સંવેદનશીલતા, ખુદની સમજ, ખુદની ગ્રહણશીલતા, ખુદની સજ્જતા, ખુદની અભ્યાસનિષ્ઠા કે વ્યાપક રુચિ વગેરે જ નિર્ણાયક બનતાં હોય છે. બાકીનું જે કંઈ છે તે માત્ર ટેકણલાકડી જેવું બની રહે છે. કવિએ કવિએ કાવ્યસમજ કે કાવ્યરીતિ જુદી તેમ ભાવકે ભાવકે તેને પામવાના તરીકાઓ પણ જુદા. આ રીતે કાવ્યનું શિક્ષણ આપનારાના માર્ગોમાં પણ ભિન્નત્વ જોવા મળવાનું. કાવ્યશિક્ષણ એ રીતે અટપટું છે. એક જૂની પંક્તિનું અત્યારે સ્મરણ થાય છે તે અહીં ટાંકું છું : ‘સમજવા કવિની કવિતા કલાને કવિની ભોમ વિશે જ જવું રહ્યું.’ આસ્વાદ અને કાવ્યશિક્ષણ બંને માટે કંઈક અંશે આ વાત સાચી હોય તોપણ તેમાં બીજી ઘણી સમસ્યાઓ રહી છે. એટલે તેનો આંશિક રીતે જ સ્વીકાર થઈ શકે. કદાચ કવિતાનું શિક્ષણ અને તેની સાથે જોડાયેલા સંકેતો - સંદર્ભો તેથી જ તેના વિશે લખનારની, બોલનારની કસોટી કરનારા બની જતા હોય છે. કવિતાના શિક્ષણને નિમિત્તે ક્યારેક શાસ્ત્રીય પરિભાષામાં અટવાઈ જતા હોઈએ છીએ, ક્યારેક તેની રસપ્રતીતિને બદલે અવળા માર્ગે ફંટાઈ જવાતું હોય છે અને એવું પણ બને કે કવિતાના શિક્ષણને નિમિત્તે થોડાક નિયમોની ફેરફૂદડી જ ફર્યા કરતા હોઈએ. અર્થાત્ કવિતાનું શિક્ષણ કેવળ એ દિશા તરફ જવાનો ઝાંખોપાંખો નકશો રજૂ કરી શકે. બાબાવાક્ય પ્રમાણમ્ એમ માનીને આપણે આગળ ભાગ્યે જ વધી શકીએ. કવિતાને ‘સાહસ’તરીકે લેખનાર સુન્દરમ્ની વાતને આગળ વધારીએ તો કવિતા વિશે વિવેચન - રસવિવેચન કરવું એ વળી તેનાથીય મોટું ‘સાહસ’ છે અને કવિતાનું શિક્ષણ આપવું એ વળી ઓર અધિકું ‘સાહસ’ છે. ગે રોડ જેવા તો તેનાથી આગળ વધીને કવિતા વિશે ગદ્યમાં કશુંક લખવું એ દુષ્કર કાર્ય છે એમ કહે છે. પ્રિમાઈન્જર પણ તેથી કવિતા કોઈ પણ સિદ્ધાંત વડે વર્ગીકૃત ન થઈ શકે તેવો મત પ્રકટ કરે છે. સ્ટેન્લી બર્નશો જેવા કવિતાના ઊંડા અભ્યાસી પણ તેથી કાવ્ય - કાવ્યાભ્યાસ - શિક્ષણ સંદર્ભે વિવેચનના સિદ્ધાંતોની લગભગ અવગણના કરતા રહ્યા છે. વારંવાર કહેવાયું છે કે અમેરિકન કવિ મેક્લિશ કવિતાના દુશ્મનો તરીકે અધ્યાપકોને નિમિત્ત લેખતા હતા. તો સામે મિલાન કુંદેરા જેવા અધ્યાપકો જ સાહિત્યની વાતને વિદ્યાર્થી સુધી આગળ લઈ જઈ વિસ્તારી શકે તેમ છે એવું કહેતા. અહીં બંને અભિપ્રાયોમાં કશેક તો તથ્ય છે જ. એટલે વાત તેમાંથી કશોક માર્ગ ખોળવાની છે. હા, કવિતાને વર્ગમાં ઘણાબધા અધ્યાપકો કોઈ દાક્તરની જેમ તેની શસ્ત્રક્રિયાનો માર્ગ અપનાવી કોઈ નિયત ચોકઠામાં બંધબેસતું કરવા મથે છે તે તેની સમજ કે તેના આસ્વાદ માટેની સમુચિત પદ્ધતિ નથી. તે રીતે તો માત્ર કવિતાનું હાડપિંજર જ હાથમાં આવી રહ્યું હોય છે. તેનું નિઃસીમ, સઘન ભાવવિશ્વ તો હાથતાળી આપીને છટકી જતું હોય છે. માત્ર અન્વય મળે છે, અર્થ કે તેનું સાંદર્ભિક આશ્ચર્યો ભરેલું વિશ્વ પામવું-સમજવું બાજુએ જ રહી જતું હોય છે. સહૃદય, સમુદાર રુચિ દાખવનાર, અભ્યાસી, કાવ્ય સાથે ગાઢ નિસબત ધરાવનાર અધ્યાપક ક્યારેક તેના કાવ્યશિક્ષણમાં ઉત્તમ પરિણામ પણ લાવી શકે. કાવ્યના સ્તરે સ્તરમાં ઊતરી તેનાં રસબિંદુઓને પ્રત્યક્ષ કરી આપે, કવિતા પામવાનો રાહ પણ તેમાંથી જ ચીંધી રહે. કાવ્યથી દૂર ભાગતો વાચક કવિતાની નજીક આવીને પોતાની રીતે કાવ્ય સાથે સંબંધ સ્થાપવા મથામણ પણ કરતો થાય. એઝરા પાઉન્ડ કહે છે તેમ છેવટે તો આ ખેલ જેમ દરેક જણ પોતે પોતાનો કવિ છે તેમ આગળ ઉમેરીએ તો દરેક વિવેચક પોતાની રીતનો વિવેચક કે આસ્વાદક છે. અહીં પી. ગૂરેને યાદ કરીને ઉમેરીએ તો કવિતાનું શિક્ષણ આપનારે કાવ્યપિપાસુને Re-creationની કક્ષાએ મૂકી આપવાનો હોય છે, તેવી સમજ તરફ દોરી જવાનો, તે દિશામાં તેને જાગ્રત કરી મૂકવાનો છે. કાવ્યશિક્ષણનો આખોય ઉપક્રમ એક રીતે તો પેલી અંગ્રેજી ભાષાની કહેવતનું સ્મરણ કરાવે છે. અશ્વને આપણે પાણી સુધી લઈ જઈ શકીએ તેનું મુખ પકડીને તેને પાણી ન પિવડાવી શકીએ. We can take the hourse to the waler, but we cou’t make it to driunk, એથી જ વ્યક્તિએ વ્યક્તિએ તેના ન્યારા પેંડાનું સત્ય રહ્યું છે તે સ્વીકારીને આગળ વધવાનું છે. એવાં કેટલાંક મતવૈવિધ્યો જોતાં આ સત્યની વધુ ખાતરી થઈ રહેશે. એમિલિ ડિકન્શન જેવી અમેરિકન કવયિત્રી કહે છે કે - કવિતા વાંચતાં વાંચતાં મારું શરીર ઠંડુંગાર થઈ જાય, કોઈ પણ અગ્નિ તેને અસરકર્તા ન બની શકે ત્યારે સમજું છું કે એ કવિતા છે. વળી ઉમેરે છે કે શારીરિક રીતે પણ મારા મસ્તિષ્કને કોઈકે કાઢી લીધું હોય ત્યારે થાય છે કે એ કવિતા છે. હું કવિતા વિશે આટલું જાણું છું. એમેનિઝ સ્વૈર બનીને કહે છે : કવિતા અવકાશ- આકાશની મિત્ર છે. વાલેરી એને નૃત્ય કહે છે. કાવ્યશિક્ષણમાં ઉપયોગી બની રહે એ રીતે કવિ શ્રી ઉમાશંકર જોશી કહે છે : કવિતા મોટેથી વાંચવાની છે. તેને અર્થસંકુલ અને નાદસંકુલ એમ બંને રીતે આસ્વાદવાની છે. કવિતા કેવળ આંખ, કાન, લાગણી, બુદ્ધિ વડે વાંચવાની નથી, લોહીથી વાંચવાની છે, સમગ્ર સવિત્ તંત્રથી સંવેદવાની છે. મેકાડો જેવા તેને આત્માના ઊંડાં સ્પંદો રૂપે જુએ છે. રોબર્ટ પેનવોરેન જેવા કવિતાનું શિક્ષણ આપનારા પણ કવિતાની સંખ્યાબંધ પંક્તિઓ કંઠસ્થ હોવી જોઈએ અને તેનો મોટેથી પાઠ કરવો જોઈએ તેવું તારણ કાઢે છે. બદલાતા સમય સાથે, બદલાતી સંસ્થિતિઓ સાથે કવિતાની સમજ અને ભાષા વિશેનો અભિગમ કેવો બદલાતો રહે છે તે આબ્બા કૉવ્નર અને નેલી સાક્સ જેવાં સર્જકો ‘કવિતા કબર પરનું નૃત્ય’ કે ‘કવિતા ઘાયલ વ્યક્તિને હૉસ્પિટલ લઈ જતી એમ્બ્યુલન્સ વાન’ એમ અનુક્રમે કહે છે તે વાંચતાં જણાય છે. આવાં મતવૈવિધ્યો તો અલબત્ત, પાર વિનાનાં છે પણ એ બધું અહીં અપ્રસ્તુત છે. વાત એ છે કે કાવ્યશિક્ષણ, કાવ્યઆસ્વાદ, કાવ્યલેખનની કેટલીક કડીઓ જરૂર મળે પણ એ કડીઓને જોડીને કશાં અંતિમ તારણો કે વિધાનો ભાગ્યે જ આપી શકીએ કે તેને શ્રદ્ધેય લેખી શકીએ. સિદ્ધાંતોને અતિક્રમી જવાનું અહીં ઠીક ઠીક બનતું હોય છે. કવિતાનો - તેના શબ્દનો એ જાદુ છે તો આસ્વાદકની સંનદહતા પર પણ તેનો આધાર છે. કવિકર્મ પણ તેવા ચમત્કાર સર્જતું હોય છે. હા, કાવ્યશિક્ષણ અને તેની સાથે વણાટરૂપે આવતું જે-તે બધું છેવટે ‘લગભગ’ પર ‘અડસટ્ટા’ પાસે - approximation પાસે જ અટકે છે. કાવ્યના શિક્ષણ માટેના કેટલાક અનિવાર્ય અંશો વિશે અહીં હવે વિચારીએ-

  • હું માનું છું કે કવિતા પાસે જનારે ખુલ્લા ચિત્તે - open wind - જવું જોઈએ. કવિતાની ભીતરના વિશ્વને - કવિતાને અંકે કરવા - આસ્વાદવા આપણી ચિત્તશક્તિઓને એકાગ્ર કરવી પડે છે. કવિતાની અસીમતાનું વિશ્વ આપણી સામે વિસ્તરેલું છે ત્યાં પહોંચવા નિસબતભરી મથામણ કરવાની છે. અપેક્ષા રાખીને એની પાસે જવા કરતાં તે કેવી કેવી અપેક્ષાઓ આપણામાં જગવે છે, તેને સંતોષે છે તે રીતે આગળ વધવું જોઈએ. પહેલાં કવિતા પાસે જવાની તત્પરતા, પછી તેમાં તન્મય થવાની સર્વ પ્રકારની મથામણ અને છેવટે તેની સાથેની તદાકારતા – એવો કવિતા પામવા જનારનો ઉપક્રમ હોવો ઘટે.
  • ભારતીય અને પશ્ચિમનું કાવ્યશાસ્ત્ર કાવ્યશિક્ષણમાં જે કેટલીક મહત્ત્વની દિશા ચીંધે છે તે પણ શિક્ષણ લેનાર અને આપનાર – બંનેએ લક્ષમાં રાખવી જોઈએ. ભામહ, મમ્મટ, વિશ્વનાથ વગેરે અનેકોએ આપણે ત્યાં શબ્દ - અર્થ - આનંદ વગેરેની વાત કરી છે. પશ્ચિમમાં શબ્દ વસ્તુ - લય વગેરેનો ઊંડેથી વિચાર થયો છે. આપણે જોવું જોઈએ કે વસ્તુ પરલક્ષી કે આત્મલક્ષી – જે ઢબે પ્રકટ થઈ હોય તો તે ‘વસ્તુ’ની માવજત કેવી રીતે થઈ છે તે પણ ધ્યાનમાં રાખવાનું છે. એ. ઈ. હાઉસમેને ‘વસ્તુ’ની તપાસ સંદર્ભે ‘A way of saying’ કહ્યું હતું તે પણ જોવું જોઈએ. ‘Saying’ની સાથે ભાષા, તદબીરો અને અન્ય સંકેતો સંદર્ભોનું વિશ્વ પણ રસનો વિષય બની જાય છે.
  • ‘શબ્દ’ એમ કહીએ છીએ ત્યારે માત્ર શબ્દ?’ કે શબ્દ’ની સાથેના અધ્યાસો, લય, લાક્ષણિક આરોહ-અવરોહ એ બધું આસ્વાદ ક્રિયામાં ઉપકારક બને છે તેનો વિમર્શ પણ થવો જોઈએ. કુન્તક વિવક્ષિત શબ્દ’ કહે છે કે વોલ્ટર પેટર an uniqne word કહે છે તેવું ત્યાં બને છે ખરું - કવિતાને તેથી નવાં પરિમાણો પાસે તે લઈ જાય છે? - આ સર્વ પણ જોવું રસપ્રદ બનતું હોય છે.
  • સમય સમયે ભાષા ઉપર સમાજ, રાજકારણ, ધર્મ, રીત-રિવાજો એ બધું આક્રમણ કરતું હોય છે. કવિ એ બધી ભાષા સાથે કેવી રીતે કામ પાર પાડે છે, તેમાંથી તે કશું વિશિષ્ટ સંસિદ્ધ કરી શક્યો છે કે તેવી ભાષા તેની સીમા બની ગઈ છે તે પણ એકાગ્રતાથી જોવું પડે તેમ છે. એવરેટ્સ કહે છે તેમ સ્વરૂપથી અલગ કશું કવિતામાં તો નથી પ્રવેશી ગયું ને? ભાષા સપાટી પર તો છબછબિયાં નથી કરતી ને? અથવા પ્રયોજાયેલી બાની - ભાષા- કશુંક નવું ઉઘાડે છે Reveal કરે છે કે કેમ અને કરે છે તો કેવા સ્તરે? વગેરે પણ કવિતા શિક્ષણનો મુદ્દો બની રહે.
  • ભાષા વડે પ્રકટ થતું ‘વિશ્વ’ ભલે ‘વિશ્વ’નું જ પ્રતિબિંબ ઝીલતું હોય પણ એ વિશ્વને-કવિતામાંના વિશ્વને - પોતાનું આગવું ઋત છે, નિયમો અને કારણો છે. સૂક્ષ્મ સ્તરે Microcosm - સ્તરે થતું એવું વિશ્વ પછી મૂળનું વિશ્વ નહીં, કવિતાનું વિશ્વ બની જાય છે. જે માત્ર તેના અસ્તિત્વનો, તેના સૌંદર્યનો જ બોધ કરાવી રહે, ઇતર કશું નહીં.
  • આવા રચાયેલા વિશ્વમાં પ્રતીક કલ્પન, પુરાકલ્પન, અલંકાર, છંદ, અછંદ, લય, સંગીત વગેરે તત્ત્વોનો રચાયેલા પિરામિડ જે આસ્વાદબોધ કરાવે છે તે અતુલનીય હોય છે. એવાં દરેક તત્ત્વોની ઉપકારકતા કે સાભિપ્રાયતા પણ રસબોધનાં જનક બની રહે છે. એઝરા પાઉન્ડ જેવા Seqnence in musical phrase જેને કહે છે તે પણ કાવ્યબોધમાં ખાસ્સું ઉપકારક બને છે. છંદ-લય વગેરેનો જરા જુદી રીતે ત્યાં વિચાર થઈ શકે. Not in sequence of a metronowe એવું પાઉલ્ડ ઉમેરે છે તે પણ કૃત્રિમ લયના સંદર્ભે ખાસ ધ્યાન રાખવા જેવું છે.
  • કવિતાનું શિક્ષણ આપનાર જાણે છે કે ભાવકની પણ પોતાની એક વાચના એક Text, એક આગવી રચના હોય છે. અથવા એમ પણ કહી શકીએ કાવ્યબોધ થતાં થતાં ભાવકમાં પડેલી એક બીજી કાવ્યકૃતિ જન્મી આવે છે. આથી જ ભાવક કવિ, કવિતા સાથે કેટલો સહપાંથ બનીને ચાલ્યો છે, તદાકારતા પામ્યો છે તેનું માપ પણ નીકળે છે. બધાંને જ ‘શાકુન્તલ’ માથા ઉપર મૂકીને નાચવું ગમ્યું નથી. ગટેને માટે એવો ચમત્કાર થયો હતો. કારણ કે ત્યાં સુસાન સોન્ટાગે નોંધ્યું છે તેવી to see more, to hear more, to feel moreની એક ભાવક કક્ષા હતી.
  • કવિતા ક્યારે લખાય, કોણ લખી શકે, કેવી રીતે લખાય, શા માટે લખાય તેવા અનેક પ્રશ્નો અવારનવાર થયા છે, ચર્ચાયા છે પણ સ્વાભાવિક છે કે તેના એક સરખા ઉત્તરો કદાપિ ન મળી શકે. એ ઉત્તરોમાં પણ ઘણાં આશ્ચર્યો ધરબાયેલાં છે. તેની તપાસ કરનારને ઘણાં રમૂજી કારણો પણ મળી આવે તેમ છે. પણ આપણો રસ તો આપણી પાસે આવેલી કવિતાને પામવાનો છે. આપણી પાસે આવતી રચના એક સ્વયંસંપૂર્ણ - સ્વનિયંત્રિત રૂપે તેની ઓળખ આપી રહે છે કે કેમ તે જોવાનું છે. તેમાં ખપમાં લીધેલાં ઓજારો - તદબીરો એક Complete whole રચી રહે છે કે કેમ તે તપાસવાનું છે.
  • કવિતાનું શિક્ષણ ભાવકને કારિકા - કોષ્ટકો પાસે અટકાવી મૂકે તેવું ન હોવું જોઈએ. બલ્કે કાવ્યની સમજ - ચેતના વડે સમજુતિ દિશાની પાંખ આપીને કાવ્યાકાશમાં તેને ઉડ્ડયન કરાવી રહે તેવાં હોવાં ઘટે. કવિતા ચેતના વડે feel કરવાની વસ્તુ છે, આસ્વાદની મિજલસ છે. અહીં, બીજા અંશોની ચર્ચા પણ કરી શકાય. અલબત્ત, છેવટે તો તે બધું કવિતા શિક્ષણની શક્યતાના કેટલાક અંશ રૂપે જ વિચારી શકાય. તેમાં કશું આખરી કે જકાર સાથે કોઈ કહી શકે નહીં.

વર્ગમાં કવિતાનું શિક્ષણ આપતો સાચો અધ્યાપક કવિતાનાં રસ-રહસ્યોને વિદ્યાર્થી સુધી સંક્રાંત કરી શકે, વિદ્યાર્થીની તત્પરતા હોય તો તેને તદાકારતા સુધી લઈ જવામાં તે કેવા કેવા રસ્તાઓ દર્શાવે તેની થોડીક સાદી- સરળ- સીધી વાત કરીએ તો…

૧. વિવિધ ભાષાની, વિવિધ વિષયની ઉત્તમ કવિતામાંથી થોડીક ચૂંટેલી, ૫૦૦ કે તેથી વધુ પંક્તિઓને કંઠસ્થ કરી રહો. તેમાંથી અનાયાસે ઘણું પ્રાપ્ત થઈ રહેશે. રોબર્ટ પેનવૉરેન જેવો કાવ્યશિક્ષક એ વાતની પુષ્ટિ પણ કરે છે.
૨. તમારી પાસે આવેલી કવિતાને આરંભિક તબક્કે મોટેથી વાંચો, માત્ર વાંચો. નાદ-લયમાં ખોવાઈ જાવ. વાંચ્યા જ કરો. અર્થબર્થનો આ તબક્કે વિચાર ન કરો. આવું આઠ-દસ વાર કરો કે તેથીય વધુ.
૩. પછી તમે અટકતાં, વિચારતાં, થોડું વિમર્શતાં તેનું વાચન કરો. ચિત્તશક્તિને થોડી સજ્જ કરો. વિશિષ્ટ શબ્દો, સ્પર્શી જતી પંક્તિઓની મનમાં નોંધ કરો. ત્યાં તો તમારી પ્રતિક્રિયા પણ નોંધી શકો. શબ્દેશબ્દમાંથી, પંક્તિએ પંક્તિમાંથી ચેતનાને સરકી રહેવા દો.
૪. આગળના તબક્કે તમારી એકાગ્રતા વધારો. તેમાંનાં પુરાકલ્પનો, પ્રતીક, કલ્પન, અલંકાર, શબ્દચિત્રો, છંદ-લયનાં કામણ જુઓ. કશુંક ગમી ગયું હોય તો તે ટપકાવી લો.
૫. પછી તમે એ સર્વના વિશેષ પ્રકારના આવિર્ભાવની નોંધ લો. પેલાં કાવ્ય ઉપકરણોએ સંરચના કે તેના fluid અથવા solid રૂપમાં કેવો ભાગ ભજવ્યો છે તે જુઓ. વિશિષ્ટ વિચાર, વિશિષ્ટ પંક્તિ, કાવ્યપ્રકાર તે તરફ પણ વળો. કવિનું કૌશલ, કવિકર્મ વગેરે તપાસો. સાથે જુઓ કે છંદને અભ્યસ્ત કર્યો છે, તોડફોડ તેમાં થઈ છે. લય કેવી ગતિએ જાય છે તે પણ ધ્યાનથી માણો. ક્રિયાપદો પણ જોવાં જોઈએ. ઉમાશંકર કહે છે તેવું સમગ્ર સંવિત્ તંત્રથી તે બધું સંવેદો.
૬. આ સાથે કવિતાનો આનંદ માણતાં તેવાં બીજાં ઉત્તમ કાવ્યો યાદ કરો. કોઈક કોઈક એવા ભાવની પંક્તિઓ અન્યત્ર તમે વાંચી હોય તે સાથે તે બધું જોડો. અલંકારો – છંદો વગેરે અનેક તત્ત્વોમાં ઝિલાતા એક ‘નવા’ વિશ્વ સાથે ધબકી રહો.
૭. અંતિમ ચરણમાં ફરી એક વાર મોટેથી ઉમાશંકર કથિત ‘લોહી’થી કવિતા વાંચો, તેમાં ઓગળી રહેલાં સર્વ તત્ત્વોના જાદુને માણો, પ્રકાશિત થઈ રહો.
૮. કવિતા અને તમારા સ્વયંનું તદાકારતાભર્યું એકત્વ વૃક્ષ થઈને મહોરી રહેશે. સમજો, આ થોડીક ચાવીઓ છે. બીજી અનેક હોઈ શકે.

(‘અધીત : ચાલીસ’)