અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/કાવ્યમાં ધ્વનિ - ૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩૨. કાવ્યમાં ધ્વનિ

વિજય પંડ્યા

નવમી સદીમાં થઈ ગયેલા આનંદવર્ધનાચાર્યે આ ધ્વનિવિચાર પ્રવર્તાવેલ છે. ધ્વનિવિચાર એ સાહિત્યને પ્રમાણવાની એક સંકુલ વિવેચનવિચારવ્યવસ્થા છે. વ્યાકરણના ક્ષેત્રમાંથી ઉપાડેલ શબ્દના અર્થાવગમનની પ્રક્રિયાની વિભાવનાને સાહિત્યના ક્ષેત્રમાં વ્યંજનાવ્યાપાર, વ્યગ્યાર્થ અને વ્યઙગ્યાર્થ જેમાં પ્રદાન છે તેવા કાવ્ય માટે ધ્વનિ શબ્દને પ્રયોજી સાહિત્યના ક્ષેત્રમાં એક નવો વિચાર આપ્યો. આ વિચારનું જેમાં સામર્થ્યપૂર્વક પ્રતિપાદન થયું છે તે ધ્વન્યાલોક ગ્રંથે તો જાણે સાહિત્યના ક્ષેત્રમાં એક પ્રકારની ક્રાંતિ કરી અને વિવેચનક્ષેત્રની તાસીર બદલી નાખી. શબ્દના વાચ્યાર્થ અને લક્ષ્યાર્થને આપતી અભિધા અને લક્ષણા ઉપરાંત એક ત્રીજી પણ શક્તિ વ્યંજના છે જે વ્યઙ્ગ્યાર્થ આપે છે. આનંદવર્ધન ધ્વન્યાલોકમાં આ વ્યઙ્ગ્યાર્થ અથવા ધ્વનિને કાવ્યનો આત્મા કે પ્રાણ તરીકે સ્થાપે છે. આ વ્યઙ્ગ્યાર્થ કે ધ્વન્યર્થ કે જેને આનંદવર્ધન પ્રતીયમાન અર્થ પણ કહે છે. ધ્વન્યર્થ વિશે આનંદવર્ધન કહે છે કે પ્રસિદ્ધ અવયવોથી ભિન્ન નળીના દેહમાં વિલસતા લાવણ્ય જેવી જ, વાચ્યાર્થ કે લક્ષ્યાર્થ કે તાત્પર્યાર્થથી ભિન્ન આ પ્રતીયમાન અર્થ પણ જુદી જ ચીજ છે. અને મહાકવિઓની વાણીમાં આ અર્થ વિલસી રહ્યો હોય છે.

પ્રતીયમાનં પુનરન્યત્-એવ-વસ્તુ-અસ્તિ વાણીષુ મહાકવીનામ્!
યત્-યત્-પ્રસિદ્ધ – અવયવ-અતિરિક્તં વિભાતિ લાવણ્યમ્ ઇવ અંગનાસ ॥
(ધ્વન્યાલોક ૧-૪)

ધ્વન્યાલોકમાં બીજા એક સ્થળે ધ્વનિ કાવ્યની વ્યાખ્યા આપતાં કહેવામાં આવ્યું છે કે, જ્યાં શબ્દ અને અર્થ પ્રતીયમાન અર્થ માટે પોતાની જાતને ગૌણ બનાવી દે છે અને કાવ્યનો વિશેષ પ્રકાર સર્જે તો તે કાવ્યવિશેષને વિદ્વાનો ધ્વનિકાવ્ય એવું નામ આપે છે.

યંત્ર-અર્થ : શબ્દો વા તમ્-અર્થમ્-ઉપસર્જનીકૃતસ્વાર્થો ।
વ્યક્તઃ કાવ્યવિશેષઃ સ ધ્વનિઃ ઇતિ સૂરિભિ: કથિતઃ ॥

‘ધ્વનિ' શબ્દના અનેક અર્થ છે. સંસ્કૃતમાં ધ્વનિ’ મૂળે તો વ્યાકરણના ક્ષેત્રમાંથી ઉપાડેલો પારિભાષિક શબ્દ છે.

બુધૈ: વૈયાકરણૈ: પ્રધાનભૂતસ્ફોટરૂપવ્યડ્રગ્ય-વ્યગ્ગકસ્ય
શબ્દસ્ય ધ્વનિ: ઇતિ વ્યવહાર કૃતઃ
(મમ્મટ, કાવ્યપ્રકાશ, ૧-૪-બ)

વિદ્વાન વૈયાકરણો મુખ્ય એવા સ્ફોટરૂપ વ્યઙ્ગ્યના વ્યુંજક શબ્દ માટે ધ્વનિ શબ્દ પ્રયોજે છે. સ્ફોટ એ વ્યઙ્ગ્ય છે અને એને વ્યંજિત કરનાર શબ્દ ધ્વનિ છે. મુખથી જે શબ્દ ઉચ્ચારીએ એટલે કે જે અવાજ, ધ્વનિ થાય તે અવાજથી સ્ફોટ વ્યક્ત થાય છે. આ સ્ફોટ અર્થનો બોધ કરાવે છે. આ સ્ફોટને વ્યક્ત કરનાર શબ્દને ધ્વનિ રહે છે. કાવ્યશાસ્ત્રમાં નાદની કક્ષાથી ઉપર વાચ્યાર્થ-લક્ષ્યાર્થની પેલે પારના અર્થસંકેત માટે ધ્વનિ શબ્દ યોજાય છે. ધ્વનિ શબ્દનું ક્ષેત્ર વ્યાપક છે. ધ્વનિનો આપણે સ્ફોટની સાથે સંકળાયેલો પારિભાષિક અર્થ જોયો - જે વ્યાકરણના અથવા તો ભાષાશાસ્ત્રના ક્ષેત્રનો છે ધ્વનિ શબ્દનો પ્રયોગ સંસ્કૃતમાં જુદા જુદા અર્થોમાં થાય છે. 1. ધ્વનતીતિ વ્યંજક: શબ્દ: ધ્વનિ: - શબ્દ માટે / વાચક શબ્દ માટે ધ્વનિ શબ્દ વપરાય છે. ઉ. ત. ‘મંગલ' શબ્દ 2. ધ્વનતીતિ વ્યંજક: અર્થ: ધ્વનિઃ- વાચ્યાર્થ માટે ધ્વનિ શબ્દ પ્રયોજાય છે. ઉ. ત. ‘મંગલ’– શુભચાર્ય એ વાચ્યાર્થ. 3. ધ્વન્યતે અસૌ ઇતિ વ્યઙ્ગ્ય: વ્યઙ્ગ્યાર્થ માટે ધ્વનિ શબ્દ વપરાય છે. ઉ. ત. ‘મંગલ મંદિર ખોલો' વગેરે. 4. ધ્વન્યતે અનયા ઇતિ – વ્યંજનાવૃત્તિ-વ્યગ્જ્ના-શક્તિ માટે. 5. ધ્વન્યતે ઇતિ ધ્વનિઃ - ધ્વનિ કાવ્ય માટે ‘મંગલ મંદિર ખોલો' એ અથવા ‘બળતાં પાણી’ કાવ્ય માટે ધ્વનિ-કાવ્ય પ્રયોજી શકાય. (ગુજરાતી સાહિત્યના અભ્યાસી માટે બીજો એક રાજેન્દ્ર શાહના ‘ધ્વનિ’ કાવ્યસંગ્રહ માટે વધારાનો અર્થ.) તો સંસ્કૃત કાવ્યશાસ્ત્રના ક્ષેત્રમાં અને સાહિત્યના ક્ષેત્રમાં મુખ્યત્વે વ્યઙ્ગ્યાર્થ વ્યંજનાશક્તિ અને કાવ્ય - ધ્વનિકાવ્ય માટે આ શબ્દ વપરાય છે. એક ઉદાહરણ લઈએ.

શશી જતાં પ્રિય રમ્ય વિભાવરી
થઈ રખે જતી અંધ વિયોગથી
દિન રૂપે સુભગા બની રહે ગ્રહી
કર પ્રભાકરના મનમાનીતા.

ગુજરાતી સાહિત્યની મહાનવલ 'સરસ્વતીચંદ્ર'માંથી આ પદ્ય અહીં લેવામાં આવ્યું છે. આ મહાનવલકથામાં નાયક સરસ્વતીચંદ્રે, ગૃહત્યાગ કરતી વખતે, નાયિકા કુમુદને પત્રરૂપે આ કવિતા લખી હતી. આ કવિતાને આપણે ધ્વનિકાવ્ય ગણી શકીએ. ચંદ્ર ચાલ્યો જતાં (અસ્ત પામતાં) મધુર, રમ્ય રાત્રિ ચંદ્રના વિયોગથી અંધ-અંધારી ન બની જાય તેવી આશા કવિ આપે છે. ભલે ચંદ્ર ચાલ્યો જાય પણ રાત્રિએ દિનરૂપે મનના માનીતા પ્રભાકર-સૂર્યના કર-કિરણ ગ્રહી, અપનાવી લઈ સુભગા-સુંદર બની રહેવું જોઈએ એવી કવિ આશા રાખે છે. આ થયો વાચ્યાર્થ. આ વાચ્યાર્થમાંથી નવલકથા-પ્રબંધનો સંદર્ભ જોતાં, નાયક નાયિકાને ઉદ્દેશી ઉદ્બોધન કરે છે તેમાં નાયક આશા સેવે છે કે રાત્રિ ચંદ્રના વિયોગમાં અંધ ન બની જાય એટલે નાયિકા પણ ચાલ્યા ગયેલા નાયકના વિયોગમાં અંધ ન બની જાય કુંઠિત ન થઈ જાય. આવી નાયકની આશામાં આવું બની શકે છે તેવી દહેશતભરી સંભાવનાનો પણ ધ્વનિ આમાંથી સ્ફુરે છે. રાત્રિ મનમાનીતા પ્રભાકરના કર-કિરણ ગ્રહી દિનરૂપે સુભગા-સુંદર બની રહે. તો નાયિકા પણ, નાયકના વિયોગમાં દુઃખી બન્યા વગર, દુઃખી થઈને જીવન નષ્ટ ન કરી નાખતાં, બીજો મનમાન્યો જીવનસાથી પસંદ કરી સુભગા-સૌભાગ્યવાન બને તેવી મંછા પણ નાયકને છે. આવો વ્યઙ્ગ્યાર્થ-ધ્વનિ પણ સ્ફુરે છે. વધુમાં સંદર્ભ જોતાં, નવલકથામાં જે બતાવ્યું છે તેનું પણ સૂચન આ પદ્યમાંથી નીકળે છે. કુમુદનું જેની સાથે લગ્ન થયું તે પ્રમાદધન. મનનો માનીતો તો છે જ નહીં. એ પણ નાયિકા કુમુદના જીવનમાં આવેલ કરમની કઠણાઈ છે. આમાંથી એક પ્રકારની આસ્વાદ્ય વક્રોક્તિ (Irony) પણ વ્યંજિત થાય છે. નાયકે સેવેલી આશાની સાથે છેવટનું જે પરિણામ આવે છે એનો વિરોધ પણ આસ્વાદ્ય બની રહે છે. હજુ પણ આપણે આ પદ્યની થોડી વિશેષ ચર્ચા કરી શકીએ. કેવળ સંસ્કૃત પદ્ધતિ પ્રમાણે આ પદ્ય અન્યોક્તિ અથવા અપ્રસ્તુત પ્રશંસાનું ઉદાહરણ છે. નાયકના વિયોગમાં દુઃખી ન થવાનું અને પોતાને મનગમતા સાથીદારને મેળવી લેવાનું આ પદ્યમાં અન્યોક્તિ દ્વારા-વિભાવરી-રાત્રિની વાત કરીને કહેવામાં આવ્યું છે. પણ કેવળ એટલું જ હોત તો, આ પદ્ય અલંકારધ્વનિનું ઉદાહરણ બનીને આટલી વાત, ઉત્તમ એવું રસધ્વનિનું નિદર્શન ન બનત. પ્રિય અને રમ્ય વિભાવરી વિશેષણો દ્વારા એ કેવળ વિભાવરી-રાત્રિની વાત ન રહેલાં તેને માનવીય ભાવનાનો પુટ ચઢે છે. અને એથી પણ આગળ જઈને ‘અંધ' શબ્દને રાત્રિ માટે પ્રયોજીને રાત્રિના જ અર્થને અતિક્રમવાની આ પદ્ય ક્ષમતા ધારણ કરીને રસ-ધ્વનિનું ઉદાહરણ બને છે. આમ બને છે તેનું કારણ પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે આ પ્રબંધ-સરસ્વતીચંદ્રની કથાના સંદર્ભમાં આમ બને છે. વિભાવરીને 'અંધ' ન બનવાનું કહેવામાં આવ્યું છે. વિભાવરી-રાત્રિ તો કેવી રીતે અંધ બને, જે મનુષ્ય-જીવંત વ્યક્તિનો ગુણધર્મ છે. એટલે આ અત્યંત તિરસ્કૃત વાચ્યનું ઉદાહરણ બને છે. વધુમાં ‘કર' શબ્દ પર પણ શ્લેષ છે. એટલે, શબ્દશક્તિમૂલ અત્યંતતિરસ્કૃતવાચ્ય ધ્વનિકાવ્યનું આ ઉદાહરણ ગણી શકાય. વધુમાં ‘વિભાવરી’ને ‘દિનરૂપે’ 'સુભગા' બનવાનું કહેવામાં આવ્યું છે. ‘સુભગા'માંથી વાચ્યાર્થ ‘સુંદર’ એવા અર્થે ઉપરાંત ‘સૌભાગ્યવતી’ અર્થચ્છાયા પણ, વર્ણસામ્ય અને ઉચ્ચારણસામ્યને કારણે પ્રસરે છે. સંસ્કૃત પદ્ધતિ પ્રમાણે વિવેચન કરીએ તો, આ પદ્યમાં એક નાનો સરખો દોષ પણ જોઈ શકાય. અહીં વિભાવરી સ્ત્રીલિંગમાં છે, અને નાયિકા માટે પણ પ્રયુક્ત છે. પણ તેને દિનરૂપે 'સુભગા' બનવાનું કહેવામાં આવ્યું છે. જેમાં, ‘દિન’ પુંલ્લિંગ છે. એટલે, અહીં લિંગભેદનો દોષ છે. એ દોષ, ટાળવા માટે કવિએ- નવલકથાકાર ગોવર્ધનરામે ‘દિનશ્રી' જેવો સ્ત્રીલિંગી શબ્દ પ્રયોજવો જોઈતો હતો. પણ આ તો એક નાનકડો દોષમાત્ર છે. એટલે કાલિદાસની સહાય લઈને (સંસ્કૃતના પંડિત ગોવર્ધનરામ પણ આવા સમર્થનથી રાજી રાજી થઈ જાય !) કહીએ તો

एको हि दोषो गुणसंनिपाते निमज्जति इन्दोः किरणेषु इवाङ्क: ।
(કુમારસંભવ)

ચંદ્રનાં કિરણોમાં જેમ ડાઘ તેમ ગુણોના સમૂહમાં એકમાત્ર દોષ ગરકાવ થઈ જાય છે. આમ સરસ્વતીચંદ્ર નવલકથાનું આ પદ્ય ધ્વનિકાવ્યનું ઉત્તમ ઉદાહરણ છે, અને ધ્વનિના વિવેચનવિચારથી આપણે જોયું કે, સમગ્ર કૃતિનું પણ મૂલ્યાંકન કરી શકીએ. આપણે ઉપર્યુક્ત પદ્યની ચર્ચા કરતાં, ધ્વનિકાવ્યના પ્રકારોની વાત પણ છેડી. (જેમાં, અલંકારધ્વનિ એક પ્રકાર અને બીજો પ્રકાર છે રસધ્વનિનો) આની સાથે એક ત્રીજો વસ્તુધ્વનિનો પણ પ્રકાર છે, જેમાં કોઈ વસ્તુ, વિચાર કે હકીકત વ્યંજિત થયાં હોય તો તે વસ્તુધ્વનિ કહેવાય.

ભ્રમ ધાર્મિક વિસ્રબ્ધ: સ શુનકોદ્ય ભારિત: તેન !
ગોદા નદીકચ્છકુંજવાસિના દૃપ્રસિંહેન ॥
ફરો બાવાજી નિરાંતે, શ્વાનને આજ મારિયો,
સિંહે ગોદાવરીતટે, ઝાડીમાં વાસ જેહનો.

(બાવાજી નિરાંતે ફરો, તે કૂતરાને તો આજે ગોદાવરીને તીરે આવેલી ઝાડીમાં રહેતા દુર્દાન્ત સિંહે મારી નાખ્યો છે.) (અનુવાદક : નગીનદાસ પારેખ)

વિવિધરૂપ (હકારાત્મક) વાચ્યાર્થ એમ કહે છે કે 'ફરો.’ પણ પ્રતીયમાન અર્થ અથવા વ્યંગ્યાર્થ એ છેકી, ‘હવે તમે ત્યાં જતા નહીં.’ કોઈ વાર વાચ્ય નિષેધરૂપ હોય અને પ્રતીયમાન વિધિરૂપ હોય છે.

શ્વશ્રૂસ્ત્ર શેતે અત્ર-અહં દિવસકં પશ્ય ।
મા પથિક રાત્ર્યન્ધક, શય્યાયાં મમ શેષ્યસે ॥
સાસુ અહીં ધ્રોટે છે, અહીંયાં હું, જોઈ તે દિવસે,
પંથી રતાંધળા મા મારી શય્યા માંહી પડતો.

અહીં વાચ્યાર્થ નિષેધરૂપ છે પણ વ્યંગ્યાર્થ આમંત્રણરૂપ એટલે કે વિધિરૂપ છે. કોઈ વાર વાચ્ય અને વ્યગ્યનો વિષય જુદો હોય છે. વાચ્યાર્થ એકને માટે હોય છે અને વ્યઙ્ગ્યાર્થ બીજાને માટે હોય છે.

કસ્ય વા નભવતિ રોષો દૃવા પ્રિયાયાઃ વ્રણમધરમ્ ।
સભ્રમરપદ્ય-આધ્રાયિણિ, વારિતવામે, સહસ્વ-ઇદાનીમ્॥

કોને રોષ ચડે ના દેખીને, વ્રણ પ્રિયા તણે અઘરે
પદ્મ ભ્રમરવાળું સૂંઘી, વાર્યું કરનારી સહે હાવાં.
(અનુવાદ : નગીનદાસ પારેખ)

અહીં વાચ્યાર્થ નાયિકાને લાગુ પડે છે પણ વ્યઙ્ગ્યાર્થ પતિ, પાડોશીઓ, સપત્નીઓ, નાયિકા, ઉપપતિ, આસપાસ ઊભેલા ચતુર પુરુષો માટે છે. આવા વસ્તુધ્વનિના અનેક પ્રકારો સંભવી શકે છે. અલંકાર ધ્વનિનું ઉદાહરણ :

નિરુપાદાનસંભારમ્ અભિનૌ એવ તન્વતે ।
જગત્-ચિત્તં નમસ્તસ્મૈ કલાશ્લાધ્યાય શૂલિને ॥

ઉપાદાનસામગ્રી વગર અને ભીંત વગર જ જગતનું ચિત્ર ચીતરનાર કલાશ્લાધ્ય પિનાકીને હું નમસ્કાર કરું છું. અહીં વ્યતિરેક અલંકાર વ્યંજિત થાય છે. રસધ્વનિનું ઉદાહરણ આપણે સરસ્વતીચંદ્ર નવલકથામાંથી જોયું. સંસ્કૃત સાહિત્યમાંથી જોઈએ તો

શૂન્ય વાસગૃહં વિલોક્ય શયનાત્-ઉત્થાય કિંચિત્-શનૈઃ
નિદ્રાવ્યાજમ્-ઉપાગતસ્ય સૂચિરં નિર્વિણ્યર્ય પત્યુર્મુષમ્
વિસ્રબ્ધં પરિચુમ્બ્ય જાતપુણકામ આલોક્ય ગંડસ્થર્લી
લજ્જાનમ્રમુખી પ્રિયેલ હસતા બાલા ચિરં ચુમ્મિતા ॥

વાસગૃહ સૂનું જોઈ, ધીમેથી શયનમાંથી સહેજ બેઠી થઈ, ઊંઘવાનો દેખાવ કરતા પતિનું મુખ બહુ વાર સુધી જોઈ તેને (ઊંઘે છે એમ માની) વિશ્વાસથી ચુંબન કરતાં, તેના કપોલે રોમાંચ થયેલા જોઈ, બાળાએ લજ્જાથી મુખ નીચું નમાવી દીધું. ત્યાં તો પ્રિયતમે હસતાં હસતાં તેને લાંબા સમય સુધી ચૂમી. નાયિકા આશ્રય, નાયક આલંબનવિભાવ સૂનું શયનગૃહ ઉદ્દીપનવિભાવ, પરિચુમ્બન, પુલક, લજ્જા સાત્ત્વિક ભાવો, આનાથી રતિ-સ્થાયી ભાવની વ્યંજના થાય છે અને સંભોગ શૃંગારની અભિવ્યક્તિ થાય છે. કેટલીક વાર કેવળ ભાવ વ્યંજિત થતો હોય છે.

એવં વાદિનિ દેવર્ષો પાર્થે પિતુરધોમુખી ।
લીલાકમલપત્રાણિ ગણયામાસ પાર્વતી ॥

આ પ્રમાણે નારદ જ્યારે બોલતા હતા ત્યારે પિતાની પાસે, નીચું મુખ રાખીને ઊભેલી પાર્વતી પોતાની પાસેના લીલાકમળનાં પત્રો ગણવા લાગી. અહીં, લજ્જાનો ભાવ વ્યઙ્ગ્ય છે. આમ ધ્વનિના અનેક ભેદ-પ્રભેદો પાડવામાં આવ્યા છે. મમ્મટે કુલ ૧૦૪૫૫ ભેદો, ગણાવ્યા છે, (જે વર્ગીકરણપ્રેમી ભારતીય માનસનું પરિચાયક છે!) બીજી રીતે ધ્વનિના મુખ્ય વિભાગો ગણાવીએ તો સૌ પ્રથમ ધ્વનિના બે પ્રકાર : (૧) અવિવક્ષિત વાચ્ય (લક્ષણામૂલ) અને (૨) વિવક્ષિત-અન્ય-પર-વાચ્ય (અભિધામૂલ) ગણાવ્યા છે. પછી અવિવક્ષિતવાચ્ય ધ્વનિના બે પ્રકારો : (૧) અર્થાન્તરસંક્રમિતવાચ્ય - (ઉપાદાન લક્ષણા મૂલક) અને (૨) અત્યંત તિરસ્કૃત (લક્ષણલક્ષણામૂલક) એમ પડે છે. વિવક્ષિત-અન્ય-પર-વાચ્ય ધ્વનિના બે પ્રકારો : (૧) અસંલક્ષ્યક્રમ વ્યઙ્ગ્ય અને (૨) સંલક્ષ્યક્રમ વ્યઙ્ગ્યા, વાક્યાર્થનો બોધ થયા પછી ક્રમમાં વ્યઙ્ગ્યાર્થની પ્રતીતિ કેવી રીતે થાય છે તેના આધારે પાડવામાં આવ્યા છે. સંલક્ષ્યક્રમ વ્યઙ્ગ્યના પેટા પ્રકારો (૧) શબ્દશક્તિ ઉદ્ભવ ધ્વનિ (૨) અર્થશક્તિઉદ્ભવ-ધ્વનિ અને ઉભયશક્તિ મૂલ એમ પડે છે. આમ અનેક રીતે પ્રકારો પડે છે. કવિની પ્રતિભા અનુસાર આમ અનેક રીતે ધ્વનિ કાવ્યમાં નિષ્પન્ન થઈ શકે છે. અમરુશતકમાંથી વ્યંજનાંનો વળી એક નવલો પ્રકાર જોઈએ.

પુરા અભૂદ્ અસ્માકં નિયતમ્ અવિભિન્ના તનુ: ઇયં
તતોનું ત્વ પ્રેયાન્ વયં અપિ હતાશા: પ્રિયતમાઃ ।
ઇદાનીં નાથ: ત્વં વયં અપિ કલત્રં કિમ્ અપરં
હતાનાં પ્રાણાનાં કુલિશકઠિનાનાં ફલં ઇદમ્ ॥

પહેલાં તો આપણી બેઉની આ કાયા ખસૂસ અભિન્ન હતી, પછી તું પ્રિય બન્યો, અમે પણ હતભાગી પ્રિયતમા! હવે તો, તમે નાથ અમે તમારી બૈરી, બીજું શું? દુર્ભાગી વજ જેવા કઠિન પ્રાણોનું તો આ ફળ છે. નિર્વેદ સંચારી ભાવ છે અને રતિહ્રાસ-પ્રણયસંબંધમાં આવેલી અવનતીને વ્યંજિત કરે છે. ‘નાશ’ ‘કલત્ર’ જેવાથી પદ-એક-પ્રકાશ્ય-ધ્વનિ છે. આ પદ્યનો રચનાબંધ પણ વ્યઙ્ગ્યાર્થને પ્રસ્તુત કરે છે. પહેલું ચરણ એકવાક્યાત્મક છે જેમાં અદ્વૈત પ્રેમની અનુભૂતિ આકારિત થઈ છે. બીજું ચરણ પ્રણયમાં આવેલા ક્રમશઃ ડ્રાસને સૂચવે છે. બીજું ચરણ બે વાક્યોનું (તતો પ્રેયાન, વયમપિ. પ્રિયતમાઃ) અને ત્રીજું ચરણ ત્રણ વાક્યોનું (ઈદાનીં નાથ: ત્વ, વયં અપિ કલત્રં, કિમ અપર) બનેલું છે અને પ્રેમમાં અવનતિ નિમ્નતમ છે. પ્રથમ ચરણમાં મૃદુવર્ણોનો પ્રયોગ છે જેનાથી પ્રેમની કોમળ અભિવ્યક્તિ થાય છે. બીજામાં પ્રેમમાં હ્રાસ આવ્યો હોવાથી, ઓછાં મૃદુ વર્ણો પ્રયોજાયાં છે અને છેવટે ચોથા ચરણમાં તો, કઠોર વર્ણો દ્વારા નિકૃષ્ટ સંબંધોની સૂચિત થાય છે. આમ આખી કવિતા વિશિષ્ટ રચનાપ્રરાશ્ય ધ્વનિકાવ્યનું ઉદાહરણ છે. સંસ્કૃત સાહિત્યમાં પણ વિશિષ્ટરચના પ્રકાશ્યધ્વનિ ભાગ્યે જ દર્શાવાયો છે. એક બીજું ઉદાહરણ લઈએ.

સ્વેચ્છારયં લુઠિત્વા પિતુ: ઉપરસિ ચિતાભસ્મધૂલિચિતાંગો
ગંગાવારિણિ-અગાદહે ઝરિતિ હરજટાજૂટતો દત્તઝમાઃ ।
સદ્ય: શીત્કારકારી જલ-જડિમ-રણત્-દન્તપંક્તિઃ ગુહો વઃ
કમ્પી પાયાત્ અપાયાત્ જ્વલિત-શિખિ-શિખે અશ્રુષિ ન્યસ્તહસ્તઃ॥

પિતા શિવની છાતી પર સ્વેચ્છાએ આળોટી ચિતાની ભસ્મથી તેનાં અંગો ખરડાઈ ગયાં હોવાથી, હરની જટાજૂટ પર ચઢી નામ કાર્તિકેયે અંદર નજર કરી તો, અરે, ત્યાં તો ગંગા વહેતી હતી. એટલે કાર્તિકેયે ગંગાનાં ઊંડાં પાણીમાં વૈગથી કૂદકો માર્યો પછી કાર્તિકેય (ઠંડા પાણીમાં સ્નાન કરવાથી, ઠંડી ચઢી જવાથી) શીત્કાર કરવા લાગ્યા, તેમના દાંત ઠંડીથી કકડવા લાગ્યા. એટલે સળગતા અગ્નિથી જ્વાળામુખી આંખ આગળ પોતાના હાથ રાખી લખવા બેઠેલા ધ્રૂજતા (કમ્પી) કાર્તિકેય આપત્તિમાંથી તમારું રક્ષણ કરે. અહીં આ પદ્યમાં મૂળમાં ‘કમ્પી' શબ્દથી ‘અનુકમ્પી'ના અધ્યાસથી, અનુકંપા વ્યંજિત થાય છે રાખે એવા કાર્તિકેયને રક્ષણ કરવાની પ્રાર્થના એક વિશેષ ઔચિત્ય ધારણ કરે છે. ઉપર જોયેલા અમરુશતકના પદ્ય (પૂરાભૂદસ્માકં…)ની જેમ, આ પદ્ય પણ એક વિશેષ રચનાબંધથી ધ્વનિ પ્રગટ કરે છે અને, આ રચનાબંધ આસ્વાદ્ય બને છે. બાળ કાર્તિકેયની ચેષ્ટાઓ અત્યંત હૃદ્ય અને આસ્વાદ્ય બની છે અને પિતા શિવનો બાળ કાર્તિકેય પરત્વેનો વાત્સલ્ય રસ તો વ્યંજિત થાય છે જ. સાથે સાથે શંકર ભગવાનની જટા પર ચઢી અંદર નજર નાખતાં, વહેતી ગંગાનદીનું કાર્તિકેયને દેખાવું એ એક ભવ્ય ચિત્ર ખડું કરે છે અને અદ્ભુત (Sublime) રસ પણ આ ચિત્રથી સૂચિત થાય છે. આખા પદ્યની રચના કાર્ય- કારણના સંબંધ પર આધારિત છે એ પણ જોઈ શકાશે. કાર્તિકેય શંકર ભગવાનની છાતી પર આળોટ્યા એટલે તેઓ ભસ્મથી ખરડાયા. ભસ્મથી ખરડાયા એટલે, તેમણે સ્વચ્છ થવા ગંગાનદીમાં જંપલાવ્યું. તેમાં સ્નાન કરવાથી કાર્તિકેયને ઠંડી ચઢી ગઈ અને તેથી, ભગવાન શિવના ત્રિનેત્ર આગળ તાપવા બેઠા. આમ કાર્યકારણભાવ પદ્યમાં કોઈ શબ્દથી વાચ્ય બનતો નથી પણ રચનાબંધમાંથી વ્યંજિત થાય છે અને અનોખું ધ્વનિકાવ્ય બની રહે છે. ધ્વનિકાવ્ય ન બનતાં કેવળ અલંકારમાત્ર બનીને અટકી જતું પણ એક ઉદાહરણ સંસ્કૃત સાહિત્યમાંથી જોઈએ.

પિબતિ વ્યોમ-કટારે સંસક્ત-ચલત્-તડિત્-લતાપસન: ।
મેઘમહામાર્જર: સંપ્રતિ ચંદ્ર-આત્મ-તીરમ્ ॥

આકાશરૂપી કઢાઈમાં વીજળીરૂપી જીભ ચારે બાજુ ફેરવતો આ મેઘરૂપી મોટો બિલાડો ચાંદનીરૂપી ખીરને ચાટી રહ્યો છે. અહીંયાં એક પૂર્ણરૂપક અલંકાર છે, ચમત્કૃતિભર્યું કાવ્ય છે. પણ કેવળ રૂપક, અલંકાર છે, ધ્વનિકાવ્ય બનતું નથી. આની સાથે, આ જ પ્રકારનું વર્ણન કરતું ટી.એસ. ઇલિઅટનું કાવ્ય સરખાવવા જેવું છે.

The yellow fog that rubs its back
upon the window-panes;
The yellow smoke that ruts its muzzle
on the window-panes
Licked its tongue into the lorners of the evening
Linglred upon the pools that stand in drains.
(The Love Song of J. Alfred Prufrockiમાંથી)

પીળું ધુમ્મસ પોતાની પીઠ બારીએ ઘસે છે,
પીળો ધુમાડો પોતાનું મોઢું બારીએ ઘસે છે,
સાંજના ખૂણાઓમાં પોતાની જીભ ચાટે છે,
ગટરોમાં ભરાયેલાં ખાબોચિયાંઓ પર ઘડીભર રોકાય છે.

ઉપર્યુક્ત સંસ્કૃત કવિતા અને ટી.એસ. ઇલિઅટની કવિતા બંનેમાં રૂપક અલંકાર તો છે જ પણ, સંસ્કૃત કવિતા રૂપક અલંકાર આગળ અટકી જાય છે જ્યારે ઇલિયટની કવિતા, ઔદ્યોગિક સંસ્કૃતિનું સર્વભક્ષી વિનાશકારી કુત્સિત ચિત્ર જે રીતે વ્યંજિત થાય છે તે કવિતાની દૃષ્ટિએ પરમ આહ્લાદકારી છે. તો, આવાં ધ્વનિકાવ્યો, નિરનિરાળાં, અપરંપાર વૈવિધ્ય સાથે કવિપ્રતિભા સર્જી શકે છે, અને ધ્વનિ નામના વિવેચનવ્યાપારથી આપણે ‘કવિતાના’ સૌંદર્યને માણી શકીએ છીએ.

('અધીત : સત્તાવીસ')