અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/ગુજરાતી કવિતા : ૧૯૯૧થી ૨૦૧૫
દક્ષા વ્યાસ
૨૫ વર્ષ! એક પ્રલંબ પટ પર પાછું ફરીને નજર કરું છું તો કવિતાનું કીડિયારું ઊભરાતું ભાળું છું. સૂચક રીતે લાભશંકર ઠાકરના ૧૯૯૦માં પ્રસિદ્ધ સંગ્રહના શીર્ષકનું સ્મરણ થાય છે : ટોળાં અવાજ ઘોંઘાટ.' કાલનિર્ણય સંદર્ભે ઇતિહાસમાં પાછા જનારની મૂંઝવણનો પાર નથી હોતો. સામાન્ય શિરસ્તો સામયિકોમાં પ્રસિદ્ધ નોંધપાત્ર કૃતિઓને આમેજ કરવા સાથે ગ્રંથસ્થને મૂલવવાનો છે. મારો અભિગમ પણ આ પ્રકારનો જ છે. વળી સમકાલીન સમયખંડમાં પુરોકાલીન અનેક સમયખંડોનું પ્રતિનિધિત્વ રહેવાનું. જે-તે સમયખંડને એ પણ સમૃદ્ધ કરે છે. જેમ કે આ સમયમાં અનુઆધુનિક જ નહીં, આધુનિક અને અનુગાંધી યુગનાં વલણો અને સર્જકોય પ્રવૃત્ત જણાશે. એને અવગણીને આપણે આ સમયપટનાં આગવાં તરી આવતાં વલણો, સમૃદ્ધ કરતાં સર્જનો અને તેમાં પ્રતિબિંબિત યુગછબિનું સંપૂર્ણ આકલન કરી શકીએ નહીં. ચિનુ મોદીના તાજેતરમાં પ્રકાશિત સંગ્રહનું શીર્ષક છે ‘ગતિભાસ.’ પ્રસ્તાવનામાં કવિ એક શેર મૂકે છે :
હીંચકો ચાલે છે એટલે હું પ્રવાસ કરી રહ્યો છું એમ લાગે છે?
ખરેખર હું કાશીથી કાબા સુધી પહોંચ્યો છું?
આ અનુભૂતિના સંદર્ભેય સાંપ્રત કવિતાને તપાસવા જેવી છે. ઉપલક નજરે જોતાં આઠમા-નવમા દાયકામાં આપણને કિંચિત્ નિરાશા સાંપડે છે; પરંતુ પછી ડહોળાણ શમવા કરે છે. આ સમયપટની કાવ્યસૃષ્ટિ પર નજર નાખું છું, તો સૌપ્રથમ આધુનિક ગુજરાતી કવિતાના ચાર સીમાસ્તંભો સદ્ય દૃષ્ટિગોચર થાય છે : લાભશંકર ઠાકર, સિતાંશુ, રમેશ પારેખ અને રાજેન્દ્ર શુક્લ. આ એવા સ્તંભો છે જેમણે પોતાનો રાજમાર્ગ સર્જ્યો અને છલકાતી સર્જકતાથી એને સતત સંમાર્જિત કરતા રહ્યા - પ્રેરતા રહ્યા. છેલ્લી પચ્ચીસીની કવિતાની અર્ધોઅરધ સમૃદ્ધિ કદાચ એને અને અન્ય પૂર્વસૂરિઓને હિસ્સે જ રહે છે. આ કવિઓ મને ‘શબદમેં જીનકું ખબારાં પડી'વાળા લાગ્યા છે. એમને શબ્દ શોધવા જવું પડતું નથી. શબ્દ એમની પાસે સામો આવે છે. લાભશંકર અને રમેશ પૂરા આત્મવિશ્વાસથી આવેલા શબ્દને હથેળીમાં ભમરડાની જેમ કવિતામાં રમતો મૂકી દે છે અને એ સજીવ થઈ ઊઠે છે. રાજેન્દ્રનો શબ્દ સાથેનો નાતો સહજ છે. સિતાંશુ આવેલા શબ્દની બરાબર ચિકિત્સા કરે છે અને યોગ્ય સ્થાને સ્થાપે છે. કવિ લાભશંકર સ્થાપિત માન્યતા - ધારણા- મૂલ્યોને સતત ટકોરા મારી તપાસે છે. એથી અભિવ્યક્તિને દાર્શનિક સ્પર્શ મળે છે. એમનું ભાષાપોત - લય આગવાં છે. ‘અવાજને ખોદી શકાતો નથી, દોસ્તો! ને ઊંચકી શકાતું નથી મૌન'ની પ્રતીતિ છતાં આ લઘરો શબ્દની કાણી ડોલને સતત ઊંડા કૂવામાંથી ખેંચતો રહે છે અને છિદ્રને ઝીણું ને ઝીણું બનાવતો રહે છે. કહીએ કે શબ્દની આસપાસ મૌન પાથરતો રહે છે. કવિતા ક્રમશઃ વધુ ને વધુ લઘિમા - અણિમા રૂપે પરિણમતી દેખાય છે. ઓછામાં ઓછા શબ્દ દ્વારા વધુમાં વધુ કથ્ય ઉમાશંકરે કહેલું, ‘છેલ્લો શબ્દ મૌનને જ બોલવાનો હોય છે.’ સઘ અવગત થાય એવા આ પ્રશાંત શબ્દો માણીએ :
બેઠો છે છતાં ઊભો થાય છે,
ઊભો નથી થયો છતાં ચાલે છે,
ચાલતો નથી છતાં બારી ખોલે છે,
બારી નથી છતાં બારીમાંથી ડોક બહાર કાઢે છે.
સપાટ બયાની, પારદર્શક પદાવલિ, સાદાં વિધાનો છતાં અભિધામાં ભારોભાર વ્યંજકતા! અછાંદસમાં ધારદાર કામ કરનાર, પ્રયોગપ્રિય અને વ્યાપક અરૂઢતાને વરેલા મનહર મોદી પણ સાત સપાટ ગદ્યને આ કક્ષાએ મૂકી આપે છે :
અછત છે / મને / અહીં / મારી.
* * *
તડકો / ટોળું થઈ ગયો / આપણે / શું કરીએ?
આ માર્ગે જડી આવે છે એક નવું નામ : કમલ વોરા. શબ્દ અને અર્થના એબ્સ્ટ્રેક્શન દ્વારા અભિવ્યક્તિને સૂક્ષ્મ સ્તરે લઈ જવાની સંકુલ પ્રક્રિયાનો પરિચય કમલના 'અરવ’, 'અનેક એક’ જેવા શીર્ષકમાંય મળી જાય છે. એ પણ વિધાન કરીને ઉથાપવાની ઇતિ-નેતિ શૈલી અપનાવે છે. લાઘવપૂર્ણ સફાઈદાર બાની, અકરાંત પ્રાસનું સૌંદર્ય, સાદા કથન-વર્ણન દ્વારા વસ્તુને ઇન્દ્રિયગ્રાહ્ય અનુભવમાં રૂપાંતરિત કરવાની ક્ષમતા દર્શાવે છે :
અહીં કાગડો કાગળમાં કળા કરે
કા બોલવા જાય ત્યાં ગળામાંથી ગાળ નીકળે
ગાવા જાય ને કાળની જાળમાં પડે
કાગડો કાગળ પર કાળ અટકાવી ઊભો
કા..કા..
ગ..ગ... કોનો?
કવિ તત્ત્વનું ટૂંપણું ફાડ્યા વિના ભાવકને તેમાં રમતો મૂકી દે છે. આ સંક્રમણ શૈલી એમની પોતીકી બજારીકરણે સર્જેલી પરિસ્થિતિ પર વ્યંગ કરતી ‘બજારમાં’ વળી એમની સાંપ્રત અભિજ્ઞાને વ્યક્ત કરે છે - કલાત્મક રીતે. ચાર દાયકાના દીર્ઘકાલીન મૌન પછી આધુનિકોના આદ્ય નિરંજન ભગત ‘પુનશ્વ' (૨૦૦૭) લઈને આવે છે. ભાષાને નિરાભરણ કરીને, એને માત્ર અભિધામાં વહેવડાવીને, કાવ્યલયનો લોપ કરીને સાવ રેઢિયાળ લાગતા ગદ્યમાં કવિતા કંડારી શકાય? નિરંજન એ કરી બતાવે છે :
તમે મારામાં તમારાં સ્વપ્ન જોઈ રહ્યા
એથી તમે મને જોતા નથી.
આ કવિતાને ૨૧મી સદીની કવિતા તરીકે મેં નવાજેલી. આવી સપાટ અભિધા પાસે કામ લઈ પોતીકો માર્ગ સર્જવા મથતા કવિઓમાં રાજેન્દ્ર પટેલ આગળ તરી આવે છે. અભિધાની વ્યંજના શક્તિનો કદાચ સૌથી વધુ લાભ આ સમયે લેવાઈ રહ્યો છે. કવિ ‘શ્રીપુરાંત જણસે'માં ભિન્નભિન્ન સ્વરોમાં વસ્તુપરક કાવ્યો આપે છે. એમાં વસ્તુઓ બોલે - સંવેદે અને વર્ણન-કથનને સહારે અનુભૂતિ સુધી પહોંચાડે. ગાંધીયુગની વસ્તુલક્ષી સંવેદનશીલતા કરતાં આ કવિતા એક નોખી જ ભાત સર્જે છે. નિજ અસ્તિત્વ જેના થકી આવૃત છે તે પરંપરા પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરતા કવિ એક છત્રીને સહારે બાપુજીનું બહુ માર્મિક રીતે સ્મરણ કરે છે :
ઘણી વાર / અંધારી રાતે / ટમટમતા તારાઓથી ભરેલા આકાશને
જ્યારે જોઉં / લાગે છે બાપુજીની એ જ એ / કાળી છત્રી.
આવાં સ્થાનોએ કવિ મુગ્ધ નહીં તેટલા વિદગ્ધ જણાશે. અછાંદસમાં આંખે ઊડીને વળગે એવું કામ કરનારા રમણીક અગ્રાવત સર્વસામાન્ય ઘટના- વસ્તુ-વિષયને અભિવ્યક્તિનાં વિશેષ પરિમાણો દ્વારા અભિધાના સ્તર પર સંવેદનક્ષમ મોડ આપે છે. વૃદ્ધ ચેતનાનો સાક્ષાત્કાર કરાવતી ‘ઘરભણી’ રચના જોઈએ :
એશી વરસ ઊંડી શેરીમાંથી ચાલ્યો આવતો વૃદ્ધ
આગળ આગળ શેરી સૂંઘતો તેની લાકડીનો ઠપકાર
.....
એને પગલે પગલે ધરબાતા અનુભવો
....
દૂર દૂર ઝાંખપમાં ઊઘડતા દરવાજા
પૂંઠે પૂરપાટ ધસી આવતા હાંહતા અંધારાની પહેલાં
પહોંચવું પરસાળમાં રાહ જોતા હીંચકા પર.
સીધીસાદી લાગતી કથન આધારિત આવી રચનાઓ શુષ્ક વર્ણનકાવ્યોના ચોકઠામાંથી ક્યાંય બહાર નીકળી જઈ સીધી હૃદયના તારને ઝણઝણાવે છે. જયદેવ શુક્લની ગદ્યકવિતા આગવા કવિકર્મની નીપજ છે. ગુલામ મોહમ્મદ શેખે ચિત્રકલાના સંસ્કારોથી કાવ્યને અભિષિક્ત કરેલું. પ્રશિષ્ટ પરંપરાના સંસ્કાર, સંગીત, ચિત્ર, ફોટોગ્રાફી એમ વિવિધ કલાઓનું સમન્વિત રૂપ જયદેવની કવિતામાં ઊઘડે છે. ‘ગબડાવી દે, ફંગોળી દે’ રચનામાં કવિચિત્ત સૂવરનું વરાહમાં રૂપાંતર અનુભવે છે. એ બ્રાહ્મણ સંસ્કાર સામે પ્રશ્ન જગાડે છે અને અંતે વરાહાવતારને જ ‘પૃથ્વીના ધુમાડિયા ગોળાને’ ડુબાડી-ફંગોળી દેવા પ્રાર્થે છે. અનેક સંકેતો આપતી આ રચના આદિમ અનુભૂતિ સુધી વિસ્તરી શકી હોત. આજનો કવિ સાંપ્રતને સભાન રીતે આલેખતો થયો છે. બ્લાસ્ટમાં વધેરાતા બાળકનું દૃશ્ય જોઈ પોતે કશું ન કરી શકવાની પીડા કવિ અનુભવે છે. ઝીણી નકશીથી કાવ્યશિલ્પો રચવાનો પુરુષાર્થ એમની આગવી વિશેષતા છે. એમ કરતાં તેઓ કથનરીતિને વિલક્ષણ મોડ આપે છે :
આંસુ લૂછવા / ઊંચકાયેલા હાથ પર / અંધારું ધસી પડે છે.
અનુભૂતિની ખરલમાં ઘૂંટાઈને આવતાં ઇંદ્રિયસંવેદ્ય કલ્પનો એમની કવિતામાં ધ્યાન ખેંચે છે :
ધૂળની કરકરી પાતળી ચાદર / હવામાં ઊડે.
વિલક્ષણ સાદૃશ્યો રચતા ભરત નાયકનું વલણ કંઈક આધુનિકતા તરફનું વરતાય છે. ગદ્યની સ્વૈર ભાત, રુગ્ણતા અને વૈચિત્ર્ય 'અવતરણ'ની મોટા ભાગની કૃતિઓમાં જોવા મળે છે. મૂકેશ વૈદ્ય પણ ભાષાને ચિત્રકારની જેમ ખપમાં લે છે, વાસ્તવ - અવાસ્તવનાં રમણીય ચિત્રો આપે છે અને અછાંદસને ક્ષમતાપૂર્વક ખેડે છે. પવનકુમાર જૈન સાદી, સરળ ટૂંકી કથનાત્મક રચનાઓ દ્વારા સૂક્ષ્મ મનોવૈજ્ઞાનિક સંચલનોને અંકિત કરવા મથે છે. ઉદયન ઠક્કર શબ્દ અર્થ - કલ્પન - પ્રતીકનો સભાન વિનિયોગ કરવાની ક્ષમતા બતાવે છે. કથાતત્ત્વને આધારે તેઓ જિવાતા જીવનની વેદના હળવાશ અને વેધકતાથી વ્યક્ત કરે છે. અભિધાશક્તિ પાસે વધુમાં વધુ કામ લેવાની એમની પાસે ફાવટ છે. ‘સેલ્લારા'માં સમડીના સેલ્લારા દ્વારા તેઓ મૃત્યુના ઝળુંબતા ઓળાને વ્યંજિત કરે છે. આ સેલ્લારાની નીચે નારાઓ વચ્ચે હખળડખળ થતું જગતચિત્ર વ્યંગાત્મક રૂપે ઊપસે છે. નવ મંડળમાં વિભાજિત ‘ગરુડપુરાણ’ એમની મહત્ત્વાકાંક્ષી રચના છે. એમાં ભૂકંપગ્રસ્ત અમદાવાદ - કચ્છનાં દાહકચિત્રો દ્વારા મનુષ્યની નારકી યાતના આલેખાઈ છે. ગદ્યના માધ્યમને વિવિધ રૂપે પળોટી અપેક્ષા જગાડતા સૌમ્ય જોશી ‘ભગવાન મહાવીર અને જેઠો ભરવાડ’માં સંપૂર્ણપણે ચરોતરી સીધી આક્રમક રેઢિયાળ બોલીનો પ્રયોગ કરીને તિરછી નજરે હાસ્ય-વ્યંગ અને હળવાશના ફુવારા સાથે સાંપ્રત વાસ્તવને વ્યક્ત કરે છે. રેઢિયાળ ભાષા પાસે કેવું બળકું કામ લઈ શકાય તે બાળમજૂરની કવિતા મારું નામ ગણેશ વેણુ ગોપાલ'માં માણવા જેવું છે.
હું ઘેરથી નીકળતો'તો ત્યારે મારી માએ મારી સામે જોયું.
એને મારી દયા આવે ત્યારે મને એની બઉ દયા આવે છે સાહેબ,
દીર્ઘકાવ્ય 'ખલાસ થઈ ગયેલા ખલાસીનું આંતરકાવ્ય' મિથપ્રયોગોથી સમૃદ્ધ સફળ રચના છે. નોખો મિજાજ અને નાટ્યાત્મકતા એની બાનીને આગવું પરિમાણ બક્ષે છે. યોગેશ જોશી અછાંદસમાં લઘુ-દીર્ઘ રચનાઓમાં નોંધપાત્ર કામ કરે છે. ઇતિહાસ-પુરાણના સંદર્ભો સાથે જગવ્યાપી હિંસતાને આલેખતી દીર્ઘ રચના 'અંતિમ રાત્રિ’માં દૂરિતની સ્પર્શક્ષમ અનુભૂતિ થાય છે. તો નોસ્ટાલિજક મૂડમાં વિકસતી દીર્ઘકૃતિ ‘જેસલમેર’માં રણમાં ઢૂવાના બદલાતા જતા આકારનું લયાત્મક નયનરમ્ય ચિત્ર ઊપસે છે. સાંપ્રત સામાજિક નિસબત ધરાવતા પ્રવીણ પંડ્યા રાજકીય - સામાજિક વિસંવાદિતા, અન્યાય પ્રત્યે અવાજ ઉઠાવે છે. બરડાના ડુંગરમાં પર્યાવરણ, અતીતરાગ અને બદલાતા રાજકીય સામાજિક સંદર્ભોનું કોલાજ રચાય છે. ‘સમુદ્રમંથન પછી’ એમની નોંધપાત્ર હૃદયસ્પર્શી રચના છે. આધુનિક યુગમાં અતિવાસ્તવનો આલેખન દ્વારા આગવી પ્રતિભાનો પરિચય આપનાર સિતાંશુ કવિતામાં પોતીકા માર્ગે સતત કશુંક નક્કર, નવીન અને વિશેષ અર્થમાં અર્થપૂર્ણ કરતા રહે છે. 'વખાર' સાંપ્રત સમયનું પ્રતિનિધિત્વ કરતું આગવું સર્જન છે. એમાં ગદ્યલય, એકોક્તિ, નાટ્યાત્મકતા, અર્થવિલંબન દ્વારા આંતરકૃતિત્વનું નિર્માણ કરતાં રૂપકો, પુરાકથા જેવી બહુવિધ પ્રયુક્તિઓને કવિ ખપમાં લે છે. 'વખાર' સત્તાભ્રષ્ટ ધૂર્ત રાજનીતિ સામે પીડિતોના વિદ્રોહ અને ઠાવકા વિજયનું કાવ્ય છે. વસ્તીની સામે આવેલી રહસ્યમય બંધ વખાર દિવસે નહીં તેટલો રાત્રે ઉપદ્રવ ફેલાવે છે :
હવે માઈબાપ, વેઠાતું નથી
સડ્યું સાચવે, ને જીવતું મારે, એવી તે કેવી વખાર
આ આપની નામદાર?
પણ ફરિયાદ બહેરા કાને પડે છે. રાજકીય ધૃષ્ટતાની ભીંસ વધતાં ફરિયાદી જ ઉપાય શોધી લે છે. અર્ધી વસ્તી વખાર ખોલી તેમાં જ રહેવા લાગે છે! સંપત્તિ એક જગાએ કેન્દ્રિત થાય છે ત્યારે ઉબાઈ ઊઠે છે. એની આથી બીજી શી નિયતિ હોઈ શકે! ‘સિંહવાહિની સ્તોત્રમાં બજારીકરણે કરેલી દેશની દુર્દશા સામે શારદાને સિંહસવારી કરવાનું આહ્વાન છે. બિકાઉ સંસ્કૃતિનું વેધક ચિત્ર અહીં સાંપડે છે :
તન વેચીને વસ્ત્ર ખરીદે, મન વેચીને મોજ,
જાતથી આઘા જઈ ચલાવતા આ સહુ શેની ખોજ?
‘જંગલ'માં કૃતક જીવનશૈલી દ્વારા થતા જંગલના નિકંદનનો ચિતાર છે તો ‘જલસ્તોત્ર'માં સાંપ્રત સમયના ખંધાપણા - કૃતકતાના આલેખનમાં આખ્યાનશૈલીનો આશરો લેવાયો છે. ચન્દ્રકાન્ત ટોપીવાળા એક તરફ છાંદસ અભિવ્યક્તિ અને સૉનેટની પ્રશિષ્ટતા દ્વારા અતીતમાં પાંખ પ્રસારે છે તો બીજી તરફ સપાટ મુખર પ્રયુક્તિનેય અજમાવે છે. તેઓ નવાં પરિમાણ સાથે સ્થળ, વસ્તુ, વ્યક્તિવિષયક રચનાઓ આપે છે. ‘અલંગ’, ‘લાતૂર', 'અમદાવાદ', 'કામાખ્યા' જેવી રચનાઓ માત્ર સ્થળસંવેદન ન રહેતાં સાંપ્રત વાસ્તવનેય વાચા આપે છે. ‘અલંગ'નો ક્રાન્ત શિખરિણી, ‘કામાખ્યા'નો અભંગ છાંદસ વાણીમાં નાવીન્ય પ્રગટાવે છે. અલંગ જહાજવાડાનું આ દૃશ્યશ્રાવ્ય ગતિચિત્ર માણીએ :
ઘૂમે રાતી ચારે ગમ અગન ને ઓકતી ગૅસ જવાલા
ઊંડું કાપે પાડે ધડધડૂસ હૈં પાટની પાટ ભોંયે
ઉશેટે ડાચાથી ડગડગત બુલ્ડોઝરો જે મળ્યું તે
ટ્રકો તોડયુંફોડડ્યું સઘળું હડપે ઘૂરકે જાય આવે!
સ્થળ-કાળની સીમાઓમાં વિસ્તરતા રહેવાનું કવિવલણ સાંપ્રત સમસ્યાઓને પણ ઇતિહાસ-પુરાણ સાથે જોડે છે. સશક્ત કૃતિ ‘કામાખ્યા' પુરાકથાની ભોંય પર પ્રવર્તમાન સમયમાં નારીની ભૂમિકા, માતૃશક્તિનો મહિમા, નિષ્પાપ સૌંદર્યની ખેવના, જાગતિક હિંસાનો પ્રતિકાર જેવા મુદ્દા ગૂંથે છે. રક્તપાતને સ્થાને શક્તિપાતની દુર્નિવાર આવશ્યકતા ચીંધે છે. પૂર્વ પેઢીના દિલીપ ઝવેરી ‘ખંડિતકાંડ અને પછી'માં રામાયણના સંદર્ભોની પાર્શ્વભૂમાં બાબરીધ્વંસની ઘટના મૂકી અતીતની સંવાદિતા અને સાંપ્રત વિસંવાદનું માર્મિક અંકન કરે છે. બાબરી ધ્વંસે માત્ર ઈંટ-સિમેન્ટનું ચણતર જ નષ્ટ ન કર્યું. પણ સંસ્કૃતિસંરક્ષક આંતરિક સંવાદિતાના પાયાને હચમચાવી નાખ્યો અને તે પણ સંવાદિતાના પ્રતીક રામને નામે! અંતે વેદનાપીડિત વ્યંગની ધાર નીકળે છે:
તમારે હૈયે / લઈને ઘણ / ઠોકીશું હા ઠોકીશું વારંવાર,
હા / રામ રામ હે રામ..….
અહીં ઈશુ-ગાંધીના અધ્યાસો જોડાઈને વિશાળ સમયપટ પર વ્યાપેલી હિંસતાને સંકેતે છે. આ પ્રકારના એકલપંથ પ્રવાસીનો સીધો સંઘર્ષ ભાષા સાથે હોય છે. ભાષા સાથે સર્જનાત્મક ખિલવાડ કરનાર, પરિચિત શબ્દને પોતીકો સંદર્ભ આપવાની ક્ષમતા દેખાડનાર વિશ્વઘટનાઓને વ્યંગ-કટાક્ષના કાકુઓ સાથે આલેખનાર ઇન્દુ ગોસ્વામી ‘રાફડા મરા મરાના'માં પૌરાણિક સંદર્ભનો વિશિષ્ટ વિનિયોગ કરે છે. ઇન્દુ પુવાર અભિવ્યક્તિના અપરિચિત પ્રપંચથી અર્થ – અનર્થ વચ્ચે ભાવકને મૂકે છે. બાબુ સુથારને લાગે છે કે ‘કોશમાં / શબ્દોની જગ્યાએ શબો..… હવે મારે મારી ભાષાના જોડણીકોશનો ‘કૂવો ગાળવો પડશે. દીર્ઘરચના 'ગુરુજાપ'માં મનુષ્યની કામના અને ભાષાના પ્રશ્નો પ્રશ્નપરંપરા દ્વારા આલેખાય છે. ‘માંલ્લુ’માં ભૂવાનાં ડાકલાં સંભળાય છે તો 'સાપફેરા'માં માનવ અસ્તિત્વના ચૈતસિક સંઘર્ષોનો સૂક્ષ્મ-સંકુલ આલેખ મળે છે. અર્થવિલંબન અને અતિ અંગતતા એમની કવિતાને દુર્બોધ બનાવે છે. ભાષા-સામગ્રી, પ્રતીક-કલ્પનથી ખચિત અભિવ્યક્તિ દ્વારા અલગ પડી આવતા યશવંત ત્રિવેદી વિદેશી આબોહવામાં શ્વસતી દરિયાગંધી કવિતા રચતા રહે છે.
વરસાદની ધાર જેવી તારી આંગળીઓથી
તું સ્પર્ધા કરે છે મારી ઉદાસીને
* * *
ઇજિયન સમુદ્રની ડાર્કબ્લૂ ઊંઘ જેવો / તારો ભીનો અવાજ.
હરીશ મીનાશ્રુ અને યજ્ઞેશ દવે ભાષા-સામગ્રી અને અભિવ્યક્તિના પ્રપંચની અઢળક સમૃદ્ધિ, નરી ભરચકતા અને વિપુલતાથી અભિભૂત કરે છે. હરીશ મીનાશ્રુની ‘પંખી પદારથ' અને 'ગૃહસ્થ સંહિતા' આ સમયની નોંધપાત્ર કૃતિઓ ગણાઈ છે. કવિ જાણે વર્જ્ય વિષયના દલેદલને ખોલવાની મથામણ કરે છે. પ્રકૃતિકેન્દ્રી ‘પર્જન્યસૂક્ત' અને પ્રણયકેન્દ્રી ઉત્કટ રતિરાગને નિરૂપતું ‘પ્રેમસૂક્ત’ પણ ધ્યાન ખેંચે છે. કવિનાં ગદ્યકાવ્યોમાં જિવાતા જીવનનાં કૌટુંબિક - સામાજિક વ્યંજનાપૂર્ણ ચિત્રો અંકિત છે તો એમની ગઝલો અનોખા ભાષાકર્મ અને છંદપ્રભુત્વ સાથે પારલૌકિક જીવનને તાગે છે. સ્વૈર સંરચના અપનાવતી એમની કવિતા, વાણીના બહુવિધ આવિષ્કારોથી ખચિત ધસમસતા અજસ પ્રવાહ રૂપે પ્રગટે છે. આધ્યાત્મિક પરિભાષાઓ સાથે સંતવાણીનો રણકો સંભળાવતી શબ્દ પ્રકારની રચનાઓનો અવધૂતી રંગ અત્યંત ઘેરો છે :
જે પળમાં સરી ગઈ તે પરછાંઈ, સાધો
હવે ઝળહળે સર્વથા સાંઈ, સાધો,
‘વ્હાલેશરીનાં પદો' સર્વાંગ સુંદર સંઘેડાઉતાર રચનાઓ છે. સ્થળકાળ સામગ્રીના વિશાળ પટ પર વિચરતી, દુનિયાભરના સંદર્ભોથી ભારઝલ્લી, સાંપ્રત વાસ્તવ અને શાશ્વતિને ઊંડળમાં લેતી કવિતાના સર્જક યજ્ઞેશ દવે કલ્પનાસામર્થ્ય અને પ્રગલ્ભતાથી નોખા તરી આવે છે. સાંપ્રત સમયની ક્લાન્તિ, વંધ્યતા, હતાશા અને સંઘર્ષ તથા મૃત્યુની સત્તા સાથે અસ્તિત્વની મથામણ એમની કવિતાના કેન્દ્રમાં છે. આદિમાતા અને બીજાં દીર્ઘકાવ્યોમાં ઇતિહાસ, વિજ્ઞાન, પુરાકલ્પનની સામગ્રીનું અભિનવ સંયોજન થયું છે. નારી સંવેદનાને વ્યક્ત કરતી આદિ માતાની આ પંક્તિઓનો સમયપટ જુઓ :
બંને બાજુ અક્ષૌહિણી / જો હવે તો રોજ રોજ ઓગણીસમા દિવસનું
પરભાત / એમાં ક્યાંથી દીસે અરુણુ પરભાત?'
આ કવિ સંકુલ અછાંદસ લઘુકૃતિઓમાં વિસ્મિત કરી દે એવું લાઘવ દર્શાવે છે :
ધૂળ / પગલાં પાડે છે / ભૂંસે છે પણ.
સંવેદ્ય વિષયની નોખી અભિવ્યક્તિ અને બહુશ્રુતતાનો પરિચય આપતી પ્રવીણ દરજીની ‘ગ્રીનબેલ્ટ’ની રચનાઓ મૃત્યુની અનુભૂતિથી રસ્યો વિષાદી સ્વર સંભળાવે છે. પૌરાણિક ચરિત્ર, પુરાકથા, સ્થળવિશેષ, માનવ પરિસ્થિતિ વગેરે સાથે કપોલકલ્પિતને પણ અજમાવતા કવિ ઉર્વીશ વસાવડાનું દીર્ઘકાવ્ય ‘ગિરનાર સાદ પાડે’ ગિરનારના કથનકેન્દ્રથી વિકસે છે. કવિ છાંદસવાણીનો સૂચક પ્રયોગ કરે છે. રાજેન્દ્ર પંડ્યા પણ દીર્ઘકાવ્ય 'સુવર્ણમૃગ'માં પુરાકથાને સમકાલીન સ્પર્શ આપે છે. ‘પૃથ્વીને પેલે પાર' સંગ્રહમાં રાજેશના કવિકર્મનો સુભગ પરિચય મળે છે. ભૂકંપ અને રમખાણ જેવી સાંપ્રત ઘટનાઓ કવિચિત્તને આંદોલિત કરે છે. ‘રાત પહાડ ફરતે ઘસાશે’ જેવી રચના અભિધાના સ્તર પર રહીને નાજુક ભાવસુષમાને ઉઠાવ આપવાની ક્ષમતાને પ્રગટ કરે છે. પરંપરા સાથે અનુબંધ જાળવી રાખીને સાંપ્રત સમસ્યાઓને ય વાચા આપનારા કવિઓમાં રઘુવીર ચૌધરીનું સ્મરણ થાય. ‘ફૂટપાથ અને શેઢો' શીર્ષક ગ્રામ-નગર સંસ્કૃતિનું સૂચક બની રહે છે. એમાં ‘પ્રજા સૂકું ને નેતા લીલું ચરે'ના વાસ્તવને કવિ ખોલી આપે છે. ‘પાદરનાં પંખી'માંય ધરતીકંપ, કોમી રમખાણ, જમીનદલાલો દ્વારા દુર્દશા જેવી સાંપ્રત ઘટનાઓ કવિચિત્તને આંદોલિત કરે છે. પરંતુ ઘરઝુરાપો, સૌંદર્યરાગ અને કૃષિવલ સંસ્કૃતિનું પ્રતિબિંબ અકબંધ છે. એક ખેડૂત જ લખી શકે એવું ‘કપાસ'નું ગીત કવિ આપે છે - ‘કામાખ્યાદર્શન'માં કવિ શિવપાર્વતી અને રામસીતાની કથામાં વિહાર કરાવે છે, પરંતુ એમનું નોંધપાત્ર પ્રદાન છે પ્રબંધકાવ્ય 'બચાવનામું' સાંપ્રત માનવજીવનના ને વિશ્વના પ્રશ્નો અંગેના ચિંતનને કવિ કથાનકનાં પ્રપંચમાં ઢાળે છે. એમની ચિકિત્સા છે કે મૂલ્યની હાર અને બળની જીત, સાધનાની હાર અને સાધનની જીત એ આજની વૈશ્વિક સમસ્યા છે. વ્યક્તિગત અહિંસા સામાજિક કે જાગતિક બને તો જ આ ઋતંભરા પૃથ્વીને બચાવી શકાય. યુવાનો ધારે તો એ કરી શકે એવી એમને શ્રદ્ધા છે. 'ચંદ્રકાન્તનો ભાંગીને ભુક્કો કરો’ કહી આધુનિક મિજાજ દેખાડતા ચંદ્રકાન્ત શેઠ હાડે સૌંદર્યરાગી કવિ છે. વૈષ્ણવપરંપરામાં ઊંડી આસ્થાવાળા ઉત્તર ચંદ્રકાન્ત હરિદર્શનની ઝંખના, અંતરનો ઉજાશ, અહોભાવ, ઉમળકો જેવાં સંવેદનોની આસપાસ રમણ કરતા રહે છે.
કશુંક એવું અકળઅકળ
જે કરે આંખને સજળસજળ
* * *
શબ્દ જે! અંદર મારે ઊઠ્યો/ તગતગ હવા મહીં ફૂટ્યો.
ગેય કવિતાને કવિ ભરપૂરતાથી ખેડતા રહ્યા છે. આ સરળહૃદયી ભક્તમાં સૌંદર્યરાગી કવિ પણ જીવિત છે :
આકાશનાં મોતી તો / મળી ગયેલાં માટીમાં,
પાછાં બંધાઈને આવ્યાં બહાર / ઝળક્યાં ડૂંડે ડૂંડે.
કવિહૃદયનો એક તાર સાંપ્રત સાથે પણ જોડાયેલો રહ્યો છે. માછીમાર, કાગળ વીણનારી અને ડોળઘાલુ રાજકારણી પણ કાવ્યવિષય બને છે.
બહુવિધ કાવ્યરૂપોમાં કામ કરતા અને નવાં પરિમાણો સર્જતા હરિકૃષ્ણ પાઠક પણ સ્વસ્થ ગંભીર પ્રશિષ્ટ પરંપરા સાથે જોડાયેલા રહ્યા છે. છંદોલયની હથોટી, સોરઠી મીઠાશ, સરળ-વિશદ-પ્રાસાદિક અભિવ્યક્તિથી એમની કવિતા આકર્ષે છે. શબ્દો જાણે સેલ્લારા મારતા હોય તેવી સુસ્વન પદાવલિથી ઓપતાં ગીતો, સક્ષમ સૉનેટો, ‘સાક્ષર બોત્તેરી’ના દુહા અને રાઈનાં ફૂલની હળવી રચનાઓ પણ ધ્યાન ખેંચે છે. હળવી શૈલીની કવિતામાં એમનું પ્રદાન નોંધપાત્ર છે. પરંતુ હાડે કવિ સૌંદર્યરાગી છે. ‘વરસાદી રાતે'નું આ દૃશ્યચિત્ર માણીએ :
ફરકફરકે લીલી લીલી તૃણપત્તીઓ,
મરકમરકે આઘે આઘે ઝળાંહળ બત્તીઓ
વાણીનું બળ સામાન્ય ભાવ-સંવેદનને ઊંચકી લઈ લયાત્મક ગૂંથણી કરે છે. ઊર્ધ્વની અનુભૂતિમાં કવિની ભાવાભિવ્યક્તિની લાક્ષણિકતા માણીએ :
જીવ, તું જંપ હવે જરી,
આખડવામાં ગયું આયખું. હવે ઠામ થા ઠરી.
સૉનેટો અને ગીતો દ્વારા સૌંદર્યાનુરાગી વલણ દાખવતા ધીરુ પરીખ ‘સ્ટેશન અને ટ્રેન' કાવ્યગુચ્છમાં સ્થિરતા અને ગતિના દ્યોતક બંનેનો પ્રતીકાત્મક વિનિયોગ કરી સીધી સપાટ અભિવ્યક્તમાં વ્યંજનાનું બળ પૂરે છે :
ઊપડું ઊપડું થતી મારી ગાડી
એકાએક આમ કેમ ઊભી રહી ગઈ હશે?
* * *
જોવાનું જે પ્રવાસમાં હતું
તે ઊતરવાની હાયવોયે ખોયું!
‘ઘઉં અને કાંકરા' જેવી રચના સાંપ્રતના વેધક વાસ્તવને નિર્દેશે છે :
સમયની તાસકમાં સદીઓથી
વીણવાને મથી રહ્યા હાથ-
બુદ્ધ, મહાવીર, ઇસુ, નાનક ને ગાંધી
કાંકરાઓ જેમ હજુ ઓછા નથી થતા?
‘હરિ ચડ્યા હડફેટે’ની કૃતિઓનો વ્યંગ સુંદરમનું સ્મરણ કરાવે છે. ગીત, છાંદસ અને અછાંદસમાં કામ કરતા મણિલાલ હ. પટેલની કવિતા અતીતરાગ અને કૃષિવલ સંસ્કૃતિથી તરબતર છે.
પગમાં વીંટાતી હજી કેડીઓ ને સીમ
મારાં રોમ રોમ શેઢાનું ઘાસ.
પટેલ-પટલાણીની કણબી કવિતામાં તેઓ કૃષિવલ સંસ્કૃતિનો પૂરો અસબાબ લાવે છે :
પ્હેરી ઓઢીને હતા મ્હાલ્યાના શોખ અને
કિસ્મતમાં કૂટ ફૂટ ખેતી
દાણાના ઢગલાઓ હોય તોય ભાગે ના ભૂખ,
કહો જીવતરની કેવી ફજેતી?
પરંપરાનું અનુસંધાન જાળવીને કવિતાને માર્ગે ચાલનારા સ્વસ્થ ગંભીર સમૃદ્ધ કવિઓમાં ભાનુપ્રસાદ પંડ્યાને મૂકવાના થાય. કવિ સૉનેટોમાં શબ્દ દ્વારા શિલ્પ કોરવાનો સમર્થ પુરુષાર્થ કરે છે. સાફસૂથરી છાંદસ અભિવ્યક્તિ, ચુસ્ત સંઘેડાઉતાર આકૃતિનિર્માણ, સહજ સરળ પદાવલિ અને વર્ણનકથનની ક્ષમતાથી દીપતા 'રવિ હજી ઊગે' સૉનેટનું ગ્રામનારીના રૂપછાકને વણી લેતું પ્રભાવચિત્ર માણીએ :
દધિ ખળખળાવી, ગોળીમાં મહોદધિ નોતરી
અતિ ઘસીઘસીને માંજેલું લઈ અવ બેડલું
રૂપ ધસમસે! (ન્યાળી પાછાં પ્રમાદ ભરે ડગ!)
ગરગડી ચડી વાતોએ જે અવાચક રાતની!
આ ગીતની નજાકત આપણને ઠેઠ પ્રહ્લાદ પાસે લઈ જાય છે :
સોડમતો જાય આ સમીર!
લ્હેરખીએ લ્હેરખીએ ફૂલોના ચહેરાની
ઊપસતી જાય લકીર!
ગીત, ગઝલ, સૉનેટમાં એકસરખી સજ્જતાથી કામ કરતા કવિ ભગવતીકુમાર શર્મા સૂક્ષ્મ ભાવસ્પંદનો અને ભાષાના શિલ્પથી આકર્ષે છે. પત્નીવિરહનાં શોકોર્મિકાવ્યોની ૭૨ સૉનેટોની શૃંખલા ‘આત્મસાત્ ગુજરાતી કવિતાને નોંધપાત્ર પ્રદાન છે. પત્નીની વસમી વિદાયની વેદનાનું વજન આ પંક્તિઓમાં કેવું ઝિલાયું છે!
ઘડી – અધઘડી મહીં ભસમ થૈ ગયા દાયકા
લઈ ઢગલી યાદની અવશ ઘેર પાછો ફર્યો.
‘મારે હૃદયે બે મંજીરા'થી ભાવકહૃદયમાં વસી ગયેલા ગીતકવિ હૃદયસ્પર્શી હરિગીતોનો સંચય ‘એક કાગળ હરિવર’ને આપે છે. રમેશના ‘મીરાં સામે પાર'ની પાછળ-પાછળ કેટકેટલા સંચયો આવ્યા છે. એનાં મૂળિયાં ઠેઠ નિરંજન - હરિવર મુજને હરી ગયો - અને સુંદરમ્ - મેરે પિયા મૈં કછુ નહીં જાનૂં - સુધી ઊંડાં ગયેલાં છે. કવિનો રંગરાગી ગીતોનો ફાલ પણ કાંઈ નાનોસૂનો નથી :
ભીનો ભીનો કાગળ લઈ વરસાદ ચીતરવા બેઠા;
પીંછી બદલે પાંપણ લઈ વરસાદ ચીતરવા બેઠા.
કવિ એક સમૃદ્ધ ગઝલકાર છે. ગઝલના શીલ અને સૌંદર્યની માવજત તાજગીપૂર્ણ અંદાજેબયાં, છંદસફાઈ અને પ્રતીકકલ્પનની દીપ્તિથી એ ઓપે છે:
ઇચ્છાઓ, અપેક્ષાઓ, નિરાશાઓ, વ્યથાઓ;
એક શ્વાસની પૂતળીને ઘણી બેનપણી છે!
ગીત, ગઝલ, છાંદસ, અછાંદસ અને લઘુકાવ્યો એમ વિવિધ રૂપોમાં વિચરતા કવિ ભાનુપ્રસાદ ત્રિવેદીની કલમને સૌથી વધુ ફાવટ છે ગીતોમાં કવિ પ્રશિષ્ટ પદાવિલ અને લોકબોલી ઉભય પર સરખું પ્રભુત્વ દાખવે છે :
પ્રીત હતી તો અરે સાંવરી, શીદ ના ખોલ્યાં દ્વાર?
ચડ્યાં મૌનનાં પૂર; અમે ઓ પાર, તમે તે પારે!
* * *
હારા થૈને થાક્યા જીવલા હેંડ્ય હવે બગડી જૈયે!
ડ્રામેટિક મોનોલૉગ શૈલીની, ચરોતરી બોલીમાં આલેખાયેલી, ભગવાનને ભાંડતા જ્ઞાની રબારીની ઉક્તિરૂપ હળવી શૈલીની રચના ‘અગિયારમો અવતાર' અપૂર્વ છે.
અત્તરના ફાયા સૌને એ વહેંચતો ફરે છે
આખાયે ગામને એ મહેકાવવા મથે છે.
શેર સાંભળીએ કે તરત ઉદ્દગાર નીકળી આવે, અરે! આ તો રમેશ પારેખ! એણે સાચા અર્થમાં ગુજરાતી કવિતામાં અત્તરના ફાયા વહેંચ્યા. આ લયલુબ્ધ કવિએ કવિતાને કદર્યની ઉપાસનામાંથી ભરભર સૌંદર્યની દિશા દેખાડી. રમેશની સદાબહાર ચેતના અનાયાસ વિસ્તરતી રહે છે અને અવનવા આવિષ્કારોથી મંત્રમુગ્ધ કરતી રહે છે. આ કલમ કવિતાના તમામ પ્રકારો-રીતિઓમાં સહજ રીતે ચાલે છે. ગુંજ્યા કરતાં ગીતો અને સફાઈદાર ગઝલો જ નહીં અછાંદસમાંય એ ઊઘડતો રહે છે. ભાવકના એકાંતનો મહિમા કરતું દીર્ઘકાવ્ય ‘લાખા સરખી વારતા', ડોશીઓની ઓટલાપંચાતની હળવી રચનાઓ સંસ્કૃત વૃત્તોની પ્રયોગશીલ ગઝલો, લીલયા ફૂટી નીકળતાં ગીતો, અનુઆધુનિક ચેતનાને વ્યક્ત કરતા અછાંદસથી આ કાવ્યકોશ સમૃદ્ધ છે. ‘વહાણવટું’માં નાશ પામતા પણ હાર ન માનતા મનુષ્યનું અપૂર્વ નિરૂપણ છે. કવિ ગામઠી અસબાબ સાથેની આક્રમકતાથી ઘાંઘા નાયકનું ગીત જેવી વિલક્ષણ રચના પણ કરે છે. એનાં ટીન એ જ છોકરાં-છોકરીનાં ગીતોનું અનુકરણ થવા લાગે છે. અશોક ચાવડા તો એ પ્રકારનાં ગીતોનો ‘પીટ્યો અશ્કો' નામે આખો સંગ્રહ આપે છે. બાનીની લવચીકતાનો વિસ્મયજનક પરિચય એની કવિતા આપે છે. ભગલો ભાભોની આ લાક્ષણિક છટા માણીએ :
ભગલો ભાભો ભૂંડા બોલે, ભૂંડા બબ્બેકટકા બોલે ભૂંડા,
ખેતર ખોદી ઠલવે માટી, બૂર્યા કરે ખાઈને ખાડા ઊંડા.
‘અયણ' જૂથની આગવી ગઝલો લખનાર કવિનો એક શેર છે :
હા, અમારા પછી તો અમે નહીં હોઈએ,
ફોક થઈ જશે પાડેલું નામ ફોઈએ.
કહીશું કે કવિ તમારા પછીય તમે અક્ષરદેહે છો અને ગુજરાતી કવિતા જીવશે ત્યાં સુધી હશો. રમેશ - અનિલ માધવ રામાનુજે આઠમા દાયકામાં ગુજરાતી ગીતને નવી જ ઊંચાઈએ મૂક્યું. ઉત્તરાર્ધમાં અનિલ અછાંદસ તરફ વળતા દેખાય છે તેમ માધવ રામાનુજ 'અક્ષરનું એકાંત' અને 'અનહદનું એકાંત'માં અછાંદસનેય ખેડે છે. એમનું ‘આપણું એક વૃક્ષ’ વઢાતા જતા વારસા અને પરંપરાને સંકેતે છે. સંવેદનને સાંપ્રત સાથે જોડે છે. કવિ મનોહર ત્રિવેદીને ગીતોનાં ઝૂમખાં ફૂટે છે. ગાયત્રી ગીતો, વર્ષાગીતો, પ્રાર્થનાગીતો, મુખીગીતો, પારિવારિક ગીતો... ગામ - સીમનો તળપદ પરિવેશ, લોકગીતના ચૂંટાયેલા લયનો પાશ, ઝીણું નકશીકામ, ભાવાલેખનમાં નવીનતા અને તાજગી, લયમંજુલ શબ્દસંયોજના, ઘરાળુ લહેકા અને સોરઠી મીઠાશથી મઘમઘતાં એમનાં ગીતોમાં કામણ છે. દૃશ્યશ્રાવ્ય ચિત્રો સર્જતી કલ્પનોની ભરચકતા આંખે ઊડીને વળગે છે. રિસાઈને ઘર છોડી ચાલી નીકળતી કણબણનો આ ઠસ્સો જુઓ :
કાંખમાં મેલ્યું છોકરું, માથે પોટલું, હાલી પિ’ર
પગમાં ઠસ્સાભેર ઉતાવળ સામટી ઊડે
જેમકે ઊડે આભમાં કાબર-કીટ
અને પ્રણયનું આ નાજુક સંવેદન :
મારા પગમાંથી કાંટો તેં કાઢ્યો તો કાંટાની પીડા પણ ફૂલ સમી મહેકે
પછી કેડી ઉપર જ્યાં તું ઊછળતી જાય: થાય છાતીમાં હરણાંઓ ઠેકે.
આવી જ રંગરાગી ચાકળાભરતની ભરચક્તાથી ઓપતાં ગીતો આપે છે લાલજી કાનપરિયા. એમનાં ગીતોમાં પ્રકૃતિ અને પ્રણયના અવનવા રંગો અને તરેહોની આગવી ભાત ઊપસે છે. લોકબોલી, લોકઢાળ અને કૃષિજીવનના પિરવેશ વચ્ચે કવિ નાયિકા તેજલને જીવતી કરે છે :
ચાલો તેજલ! ચાહવું નામે ઘટના ભૂલી
ઝાડવછોયા પંખી જેવું વસમું ટહુકે ટહુકે રડીએ.
પ્રકૃતિસૌંદર્યનું આ કલ્પનાખચિત અંકન માણીએ :
પરોઢિયાનું સમણું થઈને ખેતર ઝૂલે આંખ વચાળે
* * *
પતંગિયાની પાંખે રમતું ખેતર ચડ્યું હિલ્લોળે
પાન પાન પર સવારનો આ તડકો પીઠી ચોળે!
કવિ નવીનતા અને તાજગી સાથે પોતીકી છાપ ઉપસાવી શક્યા છે. વિનોદ જોશી નારીહૃદયની ગોપનશીલ ઊર્મિઓને રંગરાગી વાચા આપે છે. લોકગીતના સંસ્કાર, લયાત્મકતા અને કલ્પનપ્રવણ અભિવ્યક્તિ ધ્યાન ખેંચે છે :
સખી! મારો સાયબો સૂતો ફળિયે ઢાળી ઢોલિયો
હું તો મેડીએ ફાનસ ઓલવી ખાલી પડખે પોઢી જાઉં…
* * *
એકલી ભાળી પાતળો પવન
પોયણાંથી પંપાળતાં ઝીણો સાથિયો કરી જાય
સંતવાણીના સંસ્કારભાથા સાથે યોગમાર્ગની ભાવાનુભૂતિના ચમકારાનો અનુભવ આપતી દલપત પઢિયારની વાણીમાં વશીકરણ છે :
કિયા તમારા દેશ દલુભા, કિયાં તમારાં કુળ?
* * *
અધ્ધર પવન ચલાવા કોણે? કોણે કાવડ તાણી?
આભ ઉતાર્યું અંદર કોણે? ક્યાંથી ઊઘડી વાણી?
સંવેદનની સચ્ચાઈ, અંતર્મુખતા, પારદર્શકતા, સહજતાનો અનુભવ આપતી, અંતરના ઉજાશથી ઓપતી એમની ગેયરચનાઓ દિલ જીતી લે છે. ‘આરપાર'ને ‘અપરંપાર’ દ્વારા નીતિન વડગામા ભજનશૈલીનાં ગીતો લઈને આવે છે :
આવે અપરંપાર
વણબોલાવ્યે આવીને વરસાવે અનરાધાર
હરિશ્ચંદ્ર જોશીની જીવની શિવને મળવાની તાલાવેલીને વ્યક્ત કરતી સાંયાગીતિ ધ્યાન ખેંચે છે :
એકલું એકલું લાગે / સાંયા એકલું એકલું લાગે
દૂરને મારગ જઈ વળે મન / સૂનકારા બહુ વાગે.
ભજનનો પારંપરિક વારસો ધરાવતા સંજુ વાળા રવિભાણ સંપ્રદાયની સાધનાના સંકેતો આપતી પદાવલી અને ભાષા-ભાવ-લય-પ્રાસની સહજ રમણાથી આકર્ષે છે :
ઉમરથી જે લાગે પાકું ભીતર બિલકુલ કાચું,
ખરું શોધવાની ખાંખતમાં વહી જાય ચોમાસું
અગનઝાળને જાણી નહીં તો શું નિંભાડે પેઠા?
શબરીને મન બોર નથી કોઈ એંઠાં.
હર્ષદ ત્રિવેદીનાં ભાવસંવેદનને તિક્તાથી રજૂ કરતાં, તાજગીભર્યાં કલ્પનથી ઓપતાં ગીતો, રમણીક સોમેશ્વરનાં દરિયો - ખારવણ નદી વચ્ચે નૂતન સંબંધ સ્થાપતાં ગીતો, મૂકેશ જોશી અને સંદીપ ભાટિયાના ઘર - ઑફિસ સાથે સંકળાયેલી સામાન્ય માનવીની સમસ્યાને વાચા આપતાં હલકાંફૂલકાં ગીતો પણ ધ્યાન ખેંચે છે. અનુકરણ, રૂઢ નિરૂપણ, પ્રગતિવાદી છાયા, નવોન્મેષ, પ્રયોગખોરી, ગુજરાતીકરણ એમ વિવિધ તબક્કાઓમાંથી પસાર થઈ પ્રશિષ્ટતાના ઉંબરે ઊભેલી ગુજરાતી ગઝલનો રચનાવૈભવ એટલે આદિલ – મનહર - રાજેન્દ્ર - ચિનુ - મનોજની ગઝલો. ગઝલની આબોહવામાં શ્વસતો આદિલ ભાવકમન પર છવાઈ જાય છે :
શહેર કોનાં છે ગામ કોનાં છે
સૂર્ય પર આઠ નામ કોનાં છે
દૃષ્ટિની પેલે પાર હણહણતા અશ્વ આ બેલગામ કોના છે એકાંતિક ઉપાસનારૂપે ગઝલને આરાધતા રાજેન્દ્ર શુક્લ ભરપૂરતા, સામર્થ્ય, પ્રયોગપરાયણતા અને પોતીકી શૈલીએ ગઝલને આધ્યાત્મિક ઊંચાઈએ પહોંચાડી તેનું નવસંસ્કરણ કરે છે. કવિ કહે છે તેમ એમની ગઝલ અનોખી છે :
જુદી જ તાસીર, અસર અલગ છે,
જુદી ભોમકા, અવાજ જુદો
પ્રવાહ જુદો જુદું વહન છે,
જુદી ગઝલ જે મિજાજ જુદો.
સુખડની જેમ શબ્દો ઊતરતા રહે છે અને અવધૂતી રંગની તત્ત્વગર્ભ ગઝલો સર્જાતી રહે છે. ચિત્રવિચિત્ર પ્રયોગોથી ગઝલને નાણી જોતા મનહર મોદી ‘જાગને જાદવા'થી અનુઆધુનિક સંવેદના સાથે તાલ મિલાવે છે :
આપણે આપણું હોય એથી વધુ
અન્યને આપવા, જાગને જાદવા.
ચિનુ મોદીની કવિતા ભાતીગળ સમૃદ્ધિથી છલકાય છે. ચુસ્ત સૉનેટો, મૃદુ મધુર ગીતો, સફાઈદાર અછાંદસ ઉપરાંત કાળની લીલાને આલેખતું આખ્યાનશૈલીનું દીર્ઘકાવ્ય 'કાલાખ્યાન’, દુરિતભર્યા સમયમાં નાયકત્વ સિદ્ધ કરવાની મિથ્યા મથામણને વ્યક્ત કરતી શિખરિણીના ૫૦ ષટકમાં વિસ્તરેલી દીર્ઘરચના ‘વિ-નાયક' વગેરે... પરંતુ એમનું બહોળું પ્રદાન ગઝલમાં છે. છંદશુદ્ધિના આગ્રહી કવિ ચિનુ મોદી સતત ગઝલને શુદ્ધ કવિતારૂપે અવતારવાનો પુરુષાર્થ કરે છે. પ્રયોગો કરે છે. હાથ નહીં ઓગળે ત્યાં સુધી તલવાર મ્યાન કરવાનો નથીની ખુદ્દારી બતાવે છે :
ભાર પીંછાનો વધ્યો જો હોય તો ખંખેરને,
આપણી મિલકતમાં ટહુકો એક હોવો જોઈએ.
શ્યામ સાધુ નાજુક નમણી કલમે સશક્ત ઋજુ અભિવ્યક્તિ કરે છે :
વસ્ત્ર ભીનાં હોય નિતારી નાખીએ
પણ ઉદાસી ક્યાં ઉતારી નાખીએ.
ઊંચાઈ અને ઊંડાણની એકસાથે પ્રતીતિ કરાવતા વિકાસોન્મુખ કવિ રાજેશ વ્યાસ 'મિસ્કીન'ની ગઝલો સરળતા, વિશદતા, ભાવસાતત્યથી સહજગમ્ય બની છે:
કોઈ આવીને લખાવી જાય છે
જળ ઉપર પગલાં પડાવી જાય છે.
હર્ષ બ્રહ્મભટ્ટ લાઘવ, સરળ રવાની અને સહજ બયાની સાથે ગઝલના આંતર-બાહ્ય કલેવર પર હથોટી બતાવે છે :
ધ્રુવના તારા સમી જે ઝળહળે
લાગણીની એક એવી પળ મળે.
અનુઆદિલ યુગના પ્રતિનિધિ કવિ નયન દેસાઈ ગઝલની અનેક મર્યાદાઓ તોડી તેને અભિનવ ભાવસ્યંદનથી ધબકતી કરે છે :
જિંદગી લઈ જા કોઈ કોઠે મને
સાંજ પડતાં કેમ ના ગોઠે મને?
રવીન્દ્ર પારેખની ગઝલ પરની હથોટી ધ્યાનપાત્ર છે :
એ નહીં બોલે કદી,
મોત બહુ શરમાળ છે.
હિતેન આનંદપરા 'સખી સાથે ગુફતેગૂ’ નામે ૯૬ શેરની દીર્ઘગઝલ રચે છે. ટૂંકી બહર અને સરળ વિશદ અભિવ્યક્તિ દ્વારા ભરત વિંઝુડા પોતાનો આગવો અવાજ ઊભો કરવાની મથામણ કરે છે તો વર્ણનાત્મક રહીને પ્રયોગસાહસી હર્ષદ ચંદારાણા ગઝલની નવી દિશાઓ ખોલવા કરે છે. લલિત ત્રિવેદી ગઝલમાં ભજનનું ભાવિવશ્વ ઉઘાડે છે... રાજેશ વ્યાસ 'મિસ્કીન' નોંધે છે : ‘ગઝલવિશ્વ' ૨૦૦૬થી ૨૦૧૨ના અંકોમાં ૧૨૦૦થી ૧૩૦૦ ગઝલ લખનારા મળે છે. તેમાં નિયમિત લખનારા ૪૦૦થી વધુ કવિઓ છે! ગીત અને ગઝલના પુષ્કળ ખેડાણ સંદર્ભે ઉદયન ઠક્કરનો એક મઝાનો શેર છે :
ગઝલ કે ગીતને એ વારાફરતી પહેરે છે,
કવિની પાસે શું વસ્ત્રોની બે જ જોડી છે?
મોટા ભાગના છંદની શિસ્તમાં લખે, પરંતુ ગઝલનો રંગ ન કળાય. રદીફ છૂટી પડી જાય. નલિન પંડ્યા નિરીક્ષણ આપે છે કે ’૭૦થી ’૮૫ દરમિયાન ગઝલ શુદ્ધ કવિતારૂપે વિકસી. આજનો યુગ ગઝલકાર કાવ્ય તરફી બનવાને બદલે પ્રચાર-પ્રસારનાં માધ્યમો પ્રતિ વધુ આકર્ષાયો છે. આમાં તથ્ય નથી એમ નથી. તથાપિ એમ પણ જણાય છે કે નવોદિત ગઝલકાર ગઝલની શિસ્ત શીખ્યો છે, તેની નાડ પકડવા મથે છે. સરળતા, સીધાપણું, પારદર્શકતાને લીધે ગઝલ હળવી - નિર્ભર બની છે. ટૂંકી બહરનું ચલણ વધ્યું છે. કવિઓ એને સાંપ્રત સમયમાં વ્યાપેલા વૈષમ્યને વાચા આપી વધુ ને વધુ જીવન સાથે જોડવા કરે છે. વળી ગઝલને ગંભીરતાથી અને સામર્થ્યથી ખેડનારા અને એમાં નવાં પરિમાણો ઉમેરનારા તાજા અવાજો પણ સંભળાઈ રહ્યા છે. ગઝલના ઉજ્જ્વળ ભાવિ અંગે એ મોટી આશા જગાડે છે. આ રહ્યા કેટલાક શેર :
કોઈ અડક્યું કમાલ થઈ ગઈ
ભીતર ધાંધલ ધમાલ થઈ ગઈ – અનિલ ચાવડા
* * *
હતો ફૂલ ત્યારે નિચોવ્યો બધાંએ
હું જીવનમાં, તેથી જ, અત્તર થયો છું. - પ્રમોદ આહિરે
* * *
કેટલું મુશ્કેલ છે એમાં જવું,
આપના ઉરની ગલી બહુ સાંકડી - કિશોર ચૌહાણ
* * *
ઊડ્વા માટે જ જે બેઠું હતું.
આપણો સંબંધ પારેવું હતું. - અંકિત ત્રિવેદી
* * *
એક નકશાની નદી શોધી રહી જળને હવે,
કેમ કરી કાગળ પર ચીતરવી પાતળી પળને હવે – દશા સંઘવી
* * *
ઘર સુધી રસ્તો બતાવ્યો'તો મને,
એ જ માણસ સાંજે ફોટામાં હતો. – નીલેશ પટેલ
* * *
પાંપણ કરીને બંધ તને જોઈ લઉં તરત
કેવો સરસ ઉપાય! કશે દોડવાનું નહીં – નીરજ મહેતા
* * *
તું રહે ખારો એ તારો પ્રશ્ન છે
કેટલી નદીઓ તને મળતી હતી. - ગૌરાંગ ઠાકર
* * *
મેં નદીને જીવવાની રીતે પૂછી’તી
એ કશું બોલી નહીં, વહેતી રહી ખળખળ. - જાતુષ જોશી
* * *
પત્ર જેવું હોય તો વાંચી શકું પણ
કાળ લખતો હોય છે જાસો હવામાં - મહેશ દાવડકર
જોઈ શકાશે કે નવી ગઝલ ભાષા સાથે સર્જનાત્મક નાતો બાંધી રહી છે. સરળ - સીધી - સાદી ઉક્તિને એક નાજુક મરોડ દ્વારા વ્યંજકતા અર્પી તેમાં શેરિયત અને ગઝલની આબોહવા સર્જવાની સૂઝ - સમજ બતાવે છે. એને શુદ્ધ કવિતારૂપે ખેડવાનું, એને સંકુલતાઓમાંથી બહાર લાવવાનું વલણ વધુ પ્રબળ બન્યું જણાય છે.
મંદિરો ને મસ્જિદોને પૂછીએ,
શ્હેરમાં એખલાશ રહેશે ક્યાં સુધી? - દિનેશ ડોંગરે
સાંપ્રત સમસ્યા ઉપર આંગળી મૂકતો હોવા છતાં અંદાજેબયાંથી આ શેર આકર્ષ્યા વિના રહેતો નથી.
સળગતી હવાઓ શ્વસું છું હું, મિત્રો!
પથ્થરથી પથ્થર ઘસું છું હું, મિત્રો! - સરૂપ ધ્રુવ
-માં જોમ, જુસ્સો અને આતંકી માહોલ કેવા અસરકારક અભિવ્યક્તિ પામ્યા છે! બળાત્કાર પીડિત નારીનો ચિત્કાર સંભળાવતો જગતની નિર્મમતાનો ચિતાર આપતો નિસ્સહાય નારીનો હૃદયવિદારક ચિત્ર આપતો આ શેર જુઓ :
ચીસનો દરિયો ને મૂકે દોટ ટીટોડી અહીં
વાંભ ઊંચાં આંસુને પાલવ મળ્યો ના કોઈનો. - સરૂપ ધ્રુવ
૧૯૭૫ પછી ગુજરાતી સાહિત્ય કેટલાંક નૂતન આંદોલનોથી પ્રભાવિત થવા લાગ્યું. ’75નું વર્ષ આંતરાષ્ટ્રીય નારીવર્ષ જાહેર થયું. દેશવિદેશની નારીવાદી ચળવળો તેજ બની. સ્ત્રી પોતાનું અસ્તિત્વ, વાસ્તવિક પરિસ્થિતિ અને સ્થાન અંગે જાગ્રત બનવા લાગી. અન્યાય, અત્યાચાર અને શોષણ સામે એણે અવાજ ઉઠાવવા માંડ્યો. આ જાગ્રત નારી-ચેતનાનું પ્રતિબિંબ સાહિત્યમાં પડવા લાગ્યું દરમિયાન મરાઠી સાહિત્યમાં દલિત આંદોલને જોર પકડ્યું. તેનો પ્રભાવ આપણે ત્યાં ઝિલાયો. ગુજરાતના જાહેરજીવનમાં બનેલી કેટલીક અમાનુષી ઘટનાઓએ એને બળ પૂરું પાડ્યું અને દલિતસાહિત્ય સર્જાવા લાગ્યું. આધુનિકતાના અતિક્રમણે નવોદિત સર્જક પેઢી વિમુખ બનવા લાગી અને સાંપ્રત ગતિવિધિઓ પરત્વે સંવેદનશીલ બની. આ સંદર્ભે દેશીવાદનો-પરિષ્કૃતિનો વાયરો ફૂંકાયો. વિદેશવાસી ગુજરાતી સમાજો સાથેનું સાહિત્યિક આદાનપ્રદાન વધવા લાગ્યું. એમની સંવેદનાને વાચા આપતું ડાયસ્પોરા સાહિત્ય મળવા લાગ્યું. ગુજરાતી કવિતામાં આ નવજાગરણનું કેવું પ્રતિબિંબ પડ્યું છે એની આછી ઝલક મેળવીએ. નારીની યાતના - ઝંખના – હતાશા - વેદના, એનું યૌનશોષણ, સામાજિક રીતરિવાજોમાં થતો અન્યાય, પુરુષનો પુરુષ વ્યવહાર જેવાં સંવેદનોનું આ જાગરણ સમયમાં દાહક આલેખન મળે છે, અલબત્ત, એકાદ-બે કૃતિઓના અપવાદ સિવાય માત્ર નારીકંઠે જ. નારીનાં શીલ-સૌંદર્ય - સમર્પણની ગાથા ગાતો, એના હૃદયના રોમાંચોને વાચા આપતો પુરુષ એના અન્યાય - શોષણ પ્રત્યે વેદનશીલ બન્યો નથી! સશક્ત નારી-અવાજ સરૂપ ધ્રુવના સંગ્રહો ‘સળગતી હવાઓ' અને ‘હસ્તક્ષેપ'માં નારીચેતનાની બળવાન અભિવ્યક્તિ મળે છે. એ અન્યાય - શોષણ અત્યાચાર સામે તલવાર તાણતી કવિતા આપે છે. ઘરમાં અને બહાર ચારેબાજૂથી ભીંસ અનુભવતી નારીની દુર્દશાનો વેધક આલેખ ‘લડાઈ ઉંબરની આ તરફ, પેલી તરફ અને...'માં મળે છે. નારીએ જીવનભર કટકે કટકે કપાતાં રહેવાનું છે; ભવોભવ સળગતા રહેવાનું છે :
રોજરોજ ગરગડીએ વીંટાળી રહું છું ગોળ ગોળ
ને તીણા કિચૂડાટ સાથે
ઊંડે ઊંડે અંદર
અંધારિયા ભમ્મરિયા હવડ કૂવાને તળિયે
ઠેઠ તળિયે રોજેરોજ
પછડાતી રહું છું, ને લોહીલુહાણ થતી રહું છું રોજ રોજ.
આ છે એની ઉંબરની અંદરની દશા. ઉંબર બહાર બસ - ટ્રેનની લાઇન- ધક્કામાં ખાવાની છે કામુક નજરની અણીઓ અને કોણીઓ, ઑફિસમાં સરકતા સુંવાળા પંજાના ગલીચ નહોર. જાહેરાતી જીવનધોરણોમાં ઉઘાડા થવાનું... અત્યાચારોથી ખદબદતા આ ડહોળાયેલા દર્પણને એ ફોડી નાખવા ચાહે છે :
મુક્કી વીંઝું છું આ……મ
ને ખણણણ... ઘચ્ચ!
જોઉં છું તો મારો જ હાથ મારા
મારા ખભાથી અલગ – અલાયદો - લોહી નિંગળતો મારો જ હાથ
આવી જાય છે મારા હાથમાં.
મનીષા જોશી દુઃસ્વપ્નની ગોઝારી વાવમાં સબડતી નારીની સંવેદનાનો હૃદયવેધી આલેખ આપે છે. યૌનશોષણ દ્વારા નારીત્વનું થઈ રહેલું હનન એને માટે અસહ્ય છે. એને જીવવું છે, પણ થાક-પીડા-કળતરયાતનાથી એ બેહાલ છે. ઇચ્છે છે કે કોઈ ‘શૂન્યમનસ્ક થઈ ગયેલા અવયવોમાં / ચેતનાના ફુગ્ગા’ ઉડાડે. નારીના આદિમબળો : ઉન્માદ-કુંઠા-આવેગોની વાત અત્યંત બળકટ અને સાંકેતિક અર્થચ્છાયાઓ સાથે મનીષાની કવિતામાં થાય છે. ‘કંદમૂળ’ને તે આદિમ પ્રાકૃતિક બળના પ્રતીક રૂપે યોજી કલાત્મક અભિવ્યક્તિ આપે છે. ઉર્વશી પંડ્યા- ‘મારા વંશની સ્ત્રીઓ’માં કાળના વિશાળ પટ પર પીડા ભોગવતી આવેલી તમામ નારીઓની સાથે સંવેદનાનો તાર સાંધે છે :
રગેરગમાં કાળમીંઢ શિલાઓ તળે ગુપ્ત વહેતી હડપ્પન નદી
અસંભવન એનું સુકાવું.
ઉછાળ આટલે કાળેય ધસમસી આવે છાતી લગી.
નીતા રામૈયા ઉદ્દંડ આક્રોશથી નારી-અત્યાચાર સામે મુક્કી ઉગામે છે. પુરુષ જાતને પૂછે છે :
તે શું ચોરો કે ચબૂતરો છે
કે બધા ત્યાં ઊડાઊડ કરે.
પુરુષસમાજ પર તેઓ સીધેસીધા ઘા કરે છે. દીર્ઘરચના ‘તે જળપ્રદેશ છે'માં નામ પાડ્યા વિના તેઓ નારીયંત્રણાનું નિરૂપણ કરે છે :
રેફ્રિજરેટર અને ગૅસ-સ્ટવ વચ્ચેની / જીવતીજાગતી/ મીંડામાં ફેરવાતી
જતી તેની હયાતી.
પન્ના નાયક એની અનેક કૃતિઓમાં નારી-અવમાનનાનાં સંવેદનો આપે છે. પુરુષના છેતરામણા સાથનો એ આવો પ્રતિભાવ આપે છે :
આપણે / ઘણું સાથે ચાલ્યાં / પણ પછી
આપણો પ્રવાસ અટક્યે... સારું જ થયુંને!
તારી પાસે / જતાં આવતાં વેરેલા / અઢળક સમયે / મને મારી
ઓળખાણ તો કરાવી!
સ્ત્રીનો જન્મ જ કેવો અળખામણો છે તેનું હૃદયવેધી અંકન રીના મહેતાએ ‘પથરો'માં કર્યું છે. અલબત્ત, સ્ત્રી-કવિઓએ માત્ર નારીચેતનાને જ વ્યક્ત કરી છે એવું નથી; પરંતુ એની કવિતાની વિવેચનજગતે ઓછી જ ગણના કરી છે. લઘુકાવ્યો, સૉનેટ, ગીત, ગઝલ, અછાંદસ એમ બધાં ક્ષેત્રે સ્ત્રીકવિઓ નોંધપાત્ર પ્રદાન કરી રહી છે. બે-ત્રણ દૃષ્ટાંત જોઈએ :
લયાત્મકતા અને કલ્પનાની તાજગી :
નભ વચ્ચે આ કયો ખલાસી
જળની જાળ ગૂંથે છે - (ઉષા ઉપાધ્યાય)
**
સરલ અંદાજ -
મૌન પણ ચીરી નાખે છે હૈયાને
શબ્દને ન્હોર છે એ અફવા છે - દિના શાહ
લાઘવ અને વ્યંજના : સપાટ ગદ્ય :
એને ઊભા ઊભા કંટાળો આવ્યો / એટલે એણે અંગૂઠાથી / રેતીમાં
/ પોતાની આજુબાજુ ગોળ લાઈન બનાવી / એ ઊભી રહી /
બહાર ન આવી શકી / અને ઓગળી ગઈ.
-વિપાશા મહેતા
અછાંદસ :
હું ડાબા પગનું ચંપલ જમણા પગમાં પહેરું છું,
અને ઘડિયાળ હાથને બદલે ગળે લટકાવું છું.
સાંજે ભૈરવી ગાઉ છું
અને સવારે કલ્યાણ
તોપણ
શેરીઓમાં રખડતા તમારા પ્રશ્નોના જવાબ હું નહીં આપું.
-દિવા (પાણ્ડેય) ભટ્ટ
સાંપ્રત સમયમાં સંવેદનાની જે ચાર નવી સેરો ફૂટી તેમાં સૌથી પ્રબળ રહી. દલિત ચેતનાની ધારા. શોષકો સામે આક્રોશ વ્યક્ત કરતા, અન્યાય - અત્યાચાર - શોષણ સામે જેહાદ જગાવતા, ન્યાય માટે ઝઝૂમતા અને દલિત સમાજને એની જડ ઘરેડમાંથી બહાર કાઢવા મથતા અનેક અવાજો મુખર બન્યા. સંક્ષોભ, વિદ્રોહ અને વેદનાથી કવિતા છલકાઈ ઊઠી - પચ્ચીસેક સામયિકો, સો ઉપરાંત કવિઓ અને અલગ દલિત સાહિત્ય અકાદમી. દલિતોની આ પીડા કાંઈ આજની નથી, જમાનાઓથી એ વેઠતા આવ્યા છે. દાન વાઘેલા કહે છે :
આશ જૂની છે! / પ્યાસ જૂની છે! / કોણ ઊંચકશે? / લાશ જૂની છે!
પ્રિયંકા કલ્પિત દાઢમાં બોલે છે :
અમારા પૂર્વજોએ / પરસેવો વાવેલો / બદલામાં/ અમે લણી / વેઠિયાગીરી.
ગરીબાઈ, ગુલામી, અપમાન, અવહેલના, તિરસ્કાર, શોષણ, પરિતાપની લાગણી આ કવિતામાં તળપદ છાંટ સાથે બુલંદ અભિવ્યક્તિ પામતી રહી છે. ૧૯૮૧-’૮૫ના અનામત વિરોધી હુલ્લડો, દલિતવાસમાં લગાડાયેલી આગ, ગોલાણા કાંડ, રણમલપુર હત્યાકાંડ જેવી ઘટનાઓએ દલિતચેતનાને ઉજાગર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. પરિણામે બ્રાહ્મણવાદ, મૂડીવાદ, સામંતશાહી, વર્ણવ્યવસ્થા જેવી સ્થાપિત વ્યવસ્થા સાંડસામાં આવી. રોમરોમ ભડકે બળી રહ્યું. યોસેફ મૅકવાન કહે છે :
મલ્હાર કોઈ છેડો હું પ્રજ્વળી ગયો છું.
ભડકે બળી રહ્યો છું સૂરજ ગળી ગયો છું.
ગોલાણા હત્યાકાંડથી કિંકર્તવ્યમૂઢ બનેલા કવિ જાતને કોશે છે :
હું નિર્વીર્ય નીરવ પટેલ - / ના થવાય નથ્થુરામ / ના થવાય
બિયન્તસિંહ / હું મુઠ્ઠી હાડકાંનો માળો / એટલે કાગળના કુરુક્ષેત્રમાં
/ ખોંખારા કરું શીશાની શાહીથી
‘જેતલપુર હત્યાકાંડ' એમની સશક્ત રચના છે. વાણીવ્યંગની ધારેધારે કેવી કાપે છે તે ‘ગાંડગુલામી’માં માણવા જેવું છે. સશક્ત કવિ પ્રવીણ ગઢવીનું બેયોનેટ સોંસરું વીંધે છે. એ હેવ્સને લૂંટીને હેવ નોટ્સને આપી દેવા શતકે શતકે રોબિનહુડને મોકલવા પરવરદિગારને પ્રાર્થે છે. ‘પડછાયો' એમની અનન્ય રચના છે. કવિ વક્રતાથી કહે છે, ‘કીડી ઊઘઈ મધમાખીનો / સમાજવાદ / હજી નિષ્ફળ નથી ગયો / હાશ! / એટલું તો આશ્વાસન છે હજી!’ વિષમ વાસ્તવની કવિ ધારદાર અભિવ્યક્તિ કરે છે. હરીશ મંગલમ્ના ‘કૅન્સર'માં અદલિતો દ્વારા થતા રંજાડની વાત સોંસરી વીંધી નાખે તે રીતે થઈ છે. મધુકાન્ત કલ્પિત 'ભડકાબોળ ગીત'માં રૂઢિજડતા સામે દલિતોને ઢંઢોળે છે :
માથું ઝુકાવીને જીવવાની ટેવ/ ફાડ્યા ટેવ નથી, ભડભડતી પીડા,
ડોકિયું કરીને તારી ભીતરમાં જો / નર્યા ખદબદતા રૂઢિઓના કીડા
આ કવિતા જાણે એક જનજાગરણ અભિયાનની જેમ વાતાવરણને ઘેરી વળે છે. ‘શ્રમિક સૂર' જેવો શ્રમિકોનાં ગીતોનો સંચય પણ પ્રગટે છે. કાન્તિલાલ મકવાણા ચરોતરી બોલીમાં વણકરના જીવનસંઘર્ષને નિરૂપે છે :
તોણી તોણી તણઈ જ્યોસું તાણામઅ
વાંહો ફાટી જ્યો સ મારા વાણામઅ
સરૂપ ધ્રુવ 'બચપન હલાલ - બચ્ચા હમાલ!’માં મોંમાંથી અંગૂઠો કાઢીને અંગૂઠા મારતા શિખવાડવામાં આવેલા બાળમજૂરની દુર્દશાનો આકરો કટાક્ષમય ચિતાર આપે છે. કહેવાતા સજ્જન એવા સિતમગારોની કૂટનીતિનો પર્દાફાસ કરતાં એ કહે છે :
તારા જ લાકડામાંથી એ લોકો કુહાડા બનાવે છે,
પછી એનાથી તારા પગ કાપે છે
અને પછી તને સમજાવે છે કે કુહાડો તારો છે!
ભાવ, ભાષા, સામગ્રી… એમ કવિતાનાં બધાં વાનાં સાથે મૂળમાં પાછા ફરવાની હિમાયત કરતા દેશીવાદની વિભાવનાને પોતાની કવિતા દ્વારા વ્યક્ત કરી કાનજી પટેલે, રઘુવીરે કહ્યું, ‘બળૂકી ભાષામાં અદીઠ જનનું સંવેદન વ્યક્ત કરતી કાનજીની કવિતા એક શૂરાએ કંડારેલી કેડી જેવી છે.’ સત્તાની સંસ્કૃતિ અને સુસંસ્કૃતોની સત્તાને આ કવિતા પડકારે છે. આ ક્ષેત્રે કવિતામાં કાનજીભાઈનો એકાધિકાર જણાય છે. 'જનપદ', 'ડુંગરદેવ’, 'ધરતીનાં વચન'માં ભૂખ્યો આદિલોક અને મેળામાં મહાલતો આદિલોક આલેખાયા છે. અહીં આદિજાતિની બોલીનો અતિપ્રયોગ પડદો રચે છે. કવિતા અને ભાવક વચ્ચે એક 'અદીઠ અંતરપટ' તો રહેવાનો જ. અહીં એ અપારદર્શકતાની સીમાને અડે છે. છતાં એમાંથી પ્રગટતાં કેટલાંક ચાંદરણાં માણી શકાય :
પાણી પેદા શ્યુ / પર્વાન પેદા શ્યો / સુરોઝ બણ્યો / ચાંદો થયો
/ અકાસ બણ્યું / તારનું જંગૉલ અમારું / પાણી અમારું / જર્મી
અમારી / કાંથી આ અધરિયા આયા? ગોરો કે’કે ભીલ પર વેરો
/ ઇમ કે’ તમુ જંગોલ કાપી ખાઈ જ્યા / પાસો આ કાળો ગોરો
/ અમારી લંગોટી ખીંસવા રચ્યો / તમુ જંગોલથી સરકો / રોડ
બાંદો, / સોકડજી ગોડો / મજૂરી અમું કરજ્યે / પણ લંગોટી રે'વાદો
/ હાળુ અમુ કાંઈ માણસ ને?
આદિવાસી અસ્મિતાના લોપને કવિ ઇતિહાસ, નૃવંશશાસ્ત્ર, પર્યાવરણ... વગેરે સંદર્ભો સાથે આલેખે છે. કેટલાંક અરૂઢ કલ્પનો અહીં ધ્યાન ખેંચે છે :
પગનાં મૂળ માટી વીંધતા ચાલે
બૂમ રાઈ રાઈ । ગબડ્યા કરે વગડા માથે
ડુંગરમાં લાગેલા દવનું વર્ણન માણીએ -
ટીમરું થડમાં તતડાટ / ખાખરાનો રસ છાલ પર આવે / ચરુંણ
ચરુંણ / રસ બળ્યાં કાળાં ટપકાં / દવડાય વેલા / ફોલ્લા ફાટે /
તાંબાકૂપડ લબડી લોથ / ઊના પ્હાણ પર ધાણી કીડી…
દક્ષિણ ગુજરાતની બોલી અને આબોહવાનો અનુભવ આપતો કિશોર મોદીનો ‘વીહલો’ અને સુશીલા જ્વેરીનો સંગ્રહ ‘વગડાઉ ફૂલો’ને આ પ્રકારની કવિતામાં આમેજ કરી શકાય? સુશીલા ઝવેરી ગ્રામનારીના જીવનની કઠોર વાસ્તવિકતા, વેદના, ઉદંડતા અને ખુમારીનું ચોટદાર આલેખન કરે છે. કણસલા પર અનેક પ્રક્રિયા થાય પછી દાણા છૂટા પડે ને કુસકી નીકળે. પતિને ઘેર નારીની દશા આ કુસકી જેવી છે :
બળદને પરોણો ઘોંચે ઈમ મુંને કોચતો;
કાગડાની જિમ મુઆ રાતદિ તું ટોચતો
લોઈ પીતી રોજની તારી મા મુડકી –
નાવલિયા મુંતો થેઈ કણહલાની કુહકી.
વિશિષ્ટ સંવેદનશીલતાને આલેખતા સાહિત્યની આ શ્રેણીમાં ડાયસ્પોરા સાહિત્યને પણ ગણવાનું થાય. મધુસૂદન કાપડિયા એની વિભાવના વ્યક્ત કરતાં કહે છે, 'વતનથી દૂર રહેવું અને વતનમાં પોતાનાં મૂળ રોપી રાખવાં, ત્યાં પાછા ફરવાની ઝંખના અને સમાંતરે જ્યાં હોઈએ ત્યાં ઝળહળવાની તીવ્રતા – આ સઘળી વાતનો સહિયારો અનુભવ તે ડાયસ્પોરા. એમાં હોય માત્ર વતન - ઘરઝુરાપો નહીં, પણ બે સંસ્કૃતિનો - નવ વસાહતીઓનાં સંઘર્ષ - આ સમન્વય - વ્યથા અને ગૌરવગાથા. થોડાંક ઉદાહરણો દ્વારા આ સંવેદનોને માણીએ, જોકે સંખ્યા કાંઈ નાનીસૂની નથી.
ગુજરાતમાં...... હતી આ ગઝલ ..... ગોળપાપડી
ઇંગ્લેંન્ડમાં આવી અને ચૉકલેટ થઈ ગઈ.
* * *
તું મને પાલવનું ઇંગ્લિશ પૂછ મા
અહિંયાં આંસુ ટિસ્યૂથી લુછાય છે. -અદમ ટંકારવી
બે સંસ્કૃતિઓ વચ્ચેનો તફાવત અહીં સહજ રીતે વ્યક્ત થયો છે. વતન વિચ્છેદની વેદના વ્યક્ત કરતાં મહેક ટંકારવી કહે છે :
તે ઠાઠમાઠ, તે મસ્તી, દમામ શોધું છું,
તે ડાયરો, તે ડહેલો, તે ગામ શોધું છું.
તો જગદીશ દવે ‘હું ગુર્જર લંડનવાસી’ કહી વતન તો પોતાની અંદર અકબંધ જ છે એવી પ્રતીતિ વ્યક્ત કરતાં કહે છે : ‘આ ઘરમાંથી હું ક્યાં બહાર જ ગયો હતો!’ પણ વતનવછોયાની સ્થિતિ ન ઘરના ન ઘાટના જેવી છે :
અંગ્રેજી સમજાયે ઓછું, ગુજરાતીમાં ભૂલો ઘણી
ચાલે તો મારા ભૈ એ તો સૌ લાખ પૌંડના અમે ધણી.
પોતાની રહેણીકહેણી ન સુધારતી જાતને એ ઠપકારે છે :
ભાઈ જગદીશ, જરા સુધર!
આ ટેમ્સ નદીને કાંઠે રહીને પીએ ગંગાજળ!
જરા સુધર!
અંતરમાં ઊંડી ઊતરી ગયેલી વેદનાને ભારતી વોરા આ શબ્દોમાં અંકિત કરે છે :
પરદેશને વતન કરવા જાતાં
આજે વતન પરદેશ લાગે છે
ઠંડા કલેજાનાં હીબકાં આજે
જીવન પાસે હિસાબ માગે છે.
નટવર ગાંધી ૧૩ સૉનેટોના ગુચ્છમાં ડાયસ્પોરા આબોહવાનો કાવ્યમય આવિષ્કાર કરે છે. મધુમતી મહેતા ઉદ્ગાર કાઢે છે, 'મારી ભીતર વસતું મારું ગામ હવે ખોવાઈ ગયું છે. તો મનીષા જોશી સ્થળ-સમયને અંતરમાં તેને એકાકાર થયેલાં અનુભવે છે : ‘પાછળ છૂટી ગયેલું એ શહેર હજી જીવી રહ્યું છે / મારી સાથે.’ પોતે સમી સાંજે ગામને ઝાંપે જઈ ચઢશે ત્યારે ત્યાં કેવી હલચલ મચી જશે તેનું પ્રીતમ લખલાણીએ આંકેલું કલ્પનારમ્ય ચિત્ર માણવા જેવું છે :
ફળિયું હરખાતું બેચાર ઢોલિયા ઢાળશે! / રાત / રેશમી રજાઈએ
બેસી / યાદોનો કસૂંબો ઘૂંટશે!
પ્રીતિ સેનગુપ્તા ઉભય દેશને ચાહે છે :
મળ્યું છે મને તો બંને તરફથી,
પ્રેમનુંયે બેતરફી ઝોકમાં હોવું.
પન્ના નાયક કહે છે, ‘ફિલાડેલ્ફિયાનાં અતિશય વહાલાં / ચૅરીબ્લોસમ્સ અને ડેફોડિલ્સનું મહત્ત્વ / આંખોમાં અંજાયેલા / અંધેરીના ગુલમહોર જેટલું જ છે. એનું ‘કથા પરદેશી પાંદડાંની’ વસાહતીના જીવનવાસ્તવને બેધક રીતે આલેખે છે. તો ‘કૂર્માવતાર'માં એમના જીવનકારુણ્યને મર્માળી અભિવ્યક્તિ આપે છે :
અહીં અમેરિકામાં / નિવૃત્ત થયેલી / વૃદ્ધ થતી જતી વ્યક્તિઓની
આંખમાં / એક જ પ્રશ્ન ડોકાયા કરે છે : / હવે શું?
‘હવે શું?’ એ પ્રશ્ન વીસમી સદીના અંતભાગે અને એકવીસમી સદીના આરંભના સંધિકાળે ઊભીને આ કવિતાને પૂછીએ તો કંઈક આવો ઉત્તર મળે છે : કવિતાનાં તમામ કાવ્યરૂપોને- એની બહુવિધ ભાષાભંગિઓ - મિજાજો અને છટાઓ સાથે એણે ખેડ્યાં છે. હલકુંફૂલકું ગીત આદિકાળથી કામણ કરતું રહ્યું છે. એનાંય અનેક પરિમાણો પ્રગટતાં રહ્યાં છે. ગઝલને વધુ ને વધુ સરળ અને જીવનપ્રત્યક્ષ કરતા જવાનો પુરુષાર્થ થઈ રહ્યો છે. છાંદસ વાણીમાં મંત્રનું બળ છે... સપાટ ગદ્ય દ્વારા અભિધાશક્તિનો કસ કાઢવાનો, એમાં આગવી વ્યંજકતા સિદ્ધ કરવાનો પુરુષાર્થ નવકવિઓ વડે ધ્યાનાર્હ રીતે થતો કળાય છે.. આ દિશાઓમાં ઘણી ઊંચી અપેક્ષાઓ જાગે છે, કેમ કે કાલોડયં નિરવધિ અને વિપુલાય પૃથિવી.... કહે છે કે સાહિત્ય સમાજને ઘડે છે અને સમાજ સાહિત્યને પ્રેરે છે. વિશિષ્ટ સંવેદનશીલતા વ્યક્ત કરતા જે ચાર સ્વરો આ ગાળામાં તારસપ્તકે સંભળાયા છે તેમાં આ આદાન-પ્રદાન સમજાય છે, પણ તે બહુધા રહ્યું છે એકમાર્ગી. આ ઊભરો સર્જક શબ્દ પર જનચેતનાનો પ્રબળ પ્રભાવ સૂચવે છે. પણ ઊભરો જરૂરી છે. એ શમે છે ત્યારે વરાળ ઊડી જાય છે અને સત્ત્વ તર રૂપે તરતું રહે છે. હવે પછીની કવિતાએ એ સત્ત્વનો આસ્વાદ કરાવવાનો છે.
(‘અધીત : ચોત્રીસ’)
❖