અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/હાલરડાં : ગુજરાતી સાહિત્યનું સંસ્કારધન
ડૉ. અરુણા ત્રિવેદી
આપણે ત્યાં બિપિન આશર વિવેચક તરીકે જાણીતા છે. તેમની પાસેથી નવલકથા. ટૂંકી વાર્તા કવિતા વિશેના અભ્યાસપૂર્ણ વિવેચનગ્રંથો પ્રાપ્ત થયા છે. તેમજ તેમણે વિવિધ પરિસંવાદો નિમિત્તે લોકસાહિત્ય વિષયક લેખો પણ લખ્યા છે અને તેમાંથી એક ગ્રંથ પહેલા આપણને 'લોકસાહિત્ય ભણી’ નામે મળે છે. તો મોરારી બાપુ આયોજિત ‘અસ્મિતા પર્વ’માં તેમને ‘હાલરડાં' વિશેનો અભ્યાસ પ્રસ્તુત કર્યો હતો તે અભ્યાસને વધુ સઘન બનાવીને ‘હાલરડાં : ગુજરાતી સાહિત્યનું સંસ્કારધન' નામે પુસ્તકરૂપે પ્રકાશિત કરે છે. પ્રસ્તુત પુસ્તકમાં અઢારેક જેટલા મુદ્દાઓમાં હાલરડાં વિશેની સઘન ચર્ચા ઉદાહરણ સમેત મળે છે. જેમ કે ‘હાલરડાં ; ગુજરાતી સાહિત્યનું સંસ્કારધન', અભ્યાસીઓનાં મંતવ્યો, હાલરડાં અને લોકસમાજ, લોકનારીના હૃદયમાં ભાવ અને ભાવનાની અનેરી સૃષ્ટિ, બહેનની ભાવસૃષ્ટિમાં ભાઈનું ભવ્ય વ્યક્તિત્વ, હાલરડાંમાં માનવેતર સૃષ્ટિ, લોકહાલરડામાં કૃષ્ણ, લોકહાલરડાંમાં રામ, હાલરડામાં મહાવીર અને દાર્શનિક-વિચાર, હાલરડામાં ઐતિહાસિક પ્રસંગો અને પાત્રો, સાંપ્રત સમયમાં હાલરડાં, આદિવાસી સમાજનાં હાલરડાં, વિવિધ જાતિ અને પ્રદેશનાં હાલરડાં, હાલરડાંમાં પારણું, હાલરડાંમાં નિદ્રા પણ એક પાત્ર તરીકે, ફિલ્મોમાં હાલરડાં, તારણો અને નિરીક્ષણો અને પરિશિષ્ટમાં કેટલાંક હાલરડાં વિષયક અભ્યાસ સામગ્રીની સૂચિ આપવામાં આવી છે. ‘હાલરડાં’ એ ગુજરાતી સાહિત્યનું સંસ્કારધન કઈ રીતે છે તેની સુંદર વાત કરી છે. પુસ્તકના પ્રારંભમાં જ તેઓ સંબંધોની વાત કરતાં કહે છે - ‘માનવસર્જિત સંસારમાં માણસ માણસ સાથે શતાધિક સંબંધોથી જોડાયો છે. પરંતુ ઈશ્વરસર્જિત સૃષ્ટિમાં કુદરતી સંબંધો તો બે જ છે : એક સ્ત્રી-પુરુષ વચ્ચેનો સંબંધ અને બે, માતા અને બાળક વચ્ચેનો સંબંધ. આ સંબંધનું સત્ય માત્ર માનવજગત સુધી જ નહીં, માનવેતર સૃષ્ટિ સુધી પણ વિસ્તર્યું છે. માનવસંસારમાં માતા અને બાળક વચ્ચેનો વાત્સલ્યભર્યો સંબંધ અદ્ભુત છે, રહસ્યમય છે.’ (પૃ. ૧) જગતની દરેક સ્ત્રીમાં માતૃત્વની ઝંખના રહેલી જ હોય છે. અને જ્યારે સ્ત્રી એના બાળકને જન્મ આપે છે ત્યારે એનામાં આનંદના ઓઘ છલકાય છે. ડૉ. બિપિન આશર માતા અને બાળકના સંબંધને શ્રેષ્ઠ બનાવે છે. અને માતાના તેમના બાળક પ્રતિ નિર્વ્યાજ પ્રેમની વાત ખૂબ સરસ રીતે કરે છે. હાલરડાં વિશે થયેલાં કેટલાંક અભ્યાસીઓનાં મંતવ્યો પણ તેમણે રજૂ કર્યા છે. જેઠાલાલ ત્રિવેદી, પ્રભાશંકર તૈરેયા, ખોડીદાસ પરમાર, જયમલ્લ પરમાર, ઉષાબહેન ઉપાધ્યાય, હંસા પ્રદીપ જેવા ગુજરાતી તેમજ ગ્રેસ હિસે જેવાં અંગ્રેજી અભ્યાસીનાં મંતવ્યો રજૂ કરીને હાલરડાં વિશેના ખ્યાલને સ્પષ્ટ કર્યો છે. પૂર્વે આપણે ત્યાં સંયુક્ત કુટુંબવ્યવસ્થા હતી એટલે દાદા-દાદી મોટા ભાગે બાળઉછેરનું કામ ઉપાડી લેતાં, પરંતુ વર્તમાન સમયમાં આ કુટુંબવ્યવસ્થા ખોરવાઈ ગઈ અને વિભક્ત કુટુંબવ્યવસ્થા નિર્માણ પામી. આની અસર બાળકમાં કેવી થાય છે તેની વાત ઉદાહરણ સાથે સમજાવી છે. સ્ત્રી જો માતૃત્વ ધારણ ન કરી શકે તો તેને ‘વાંઝણી’ જેવા શબ્દોથી અપમાનિત થવું પડતું. પોતાને ત્યાં પારણું બંધાય આના માટે તે અનેક વ્રત, ઉપવાસ, બાધા, આખડી રાખે છે અને દેવ-દેવીઓને ખોળો પાથરીને પ્રાર્થના કરતી. આપણે ત્યાં સંતાનપ્રાપ્તિ માટે રન્નાદેની સ્થાપના કરવામાં આવે છે. માતાજી સમક્ષ ખોળાનો ખૂંદનાર’ માગતી નારી તેનો ભાવ વ્યક્ત કરતાં ગાય છે :
‘લીંપ્યું ને ગૂંપ્યું મારું આંગણું,
પગલીનો પાડનાર દ્યોને, રન્નાદે!
વાંઝિયા મેણાં, માતા દોયલાં' (પૃ. ૭)
સ્ત્રી આ ગીતમાં વિવિધ ભાવસંચલનો વ્યક્ત કરે છે. જ્યારે બાળક અવતરે ત્યારના હાલરડા રૂપે ગાતી નારી તેનું બાળક કયાં વરદાનરૂપે અવતર્યું તેની વાત કરતાં ગાય છે.
‘તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માગી લીધેલ છો,
આવ્યા ત્યારે અમર થઈને રો!’
‘મા’દેવ જાઉં ઉતાવળીને જઈ ચડાવું ફૂલ;
મા'દેવ પરસન થિયા ત્યારે આવ્યા તમે અણમૂલ!’ (પૃ. ૮)
આ રીતે દરેક માતા પોતાના સંતાનની સુખાકારી ઇચ્છે છે તો અહીં બહેન પણ કેવી રીતે બાકાત રહી શકે? ઘરમાં જો મોટી બહેન હોય તો ભાઈને સુવડાવવાની જવાબદારી તેના શિરે આવે ત્યારે બહેન તેનું એ કર્તવ્ય ખુશીથી નિભાવે છે. બહેન નાના ભઈલાને લાડ લડાવતી હોય તેવાં હાલરડાં પણ અહીં મૂકેલાં છે.
‘હાલા રે હાલા, ભાઈને હાલા,
ભાઈ તો અટાદાર મોજડી પહેરે પટાદાર,
મોજડીઓ ઉપર મોગરા, ભાઈને રમાડે રાજાના છોકરા
ભાઈ તો રાજા ભોજ, ભાઈને બારણે હાથી ઘોડાની ફોજ,
ઘોડીલાની પડઘી વાગે, ભાઈ મારો ઝબકીને જાગે.’ (પૃ. ૧૩)
બહેન ભાઈનાં ઓવારણાં લેતી હોય અને પ્રકૃતિનાં વિવિધ તત્ત્વો સાથે તેની સરખામણી કરતી હોય તેવું એક લોકપ્રિય હાલરડું છે :
‘ખમ્મા વીરાને જાવું વારણે રે લોલ,
મોંઘા મૂલો છે મારો વીર જો,
ખમ્મા વીરાને જાવું વારણે રે લોલ.
એક તો સુહાગી ગગન ચાંદલો રે લોલ,
બીજો સુહાગી મારો વીર જો,
ખમ્મા વીરાને જાવું વારણે રે લોલ.’
માનવેતર સૃષ્ટિને વણી લેતાં હાલરડાં પણ મૂક્યાં છે. હાલરડાંમાં માનવેતર સૃષ્ટિ પણ સહજ રીતે વણાઈને આવે છે. જેમ કે -
'હાલ વાલને હકલી, ભાઈને ઘોડીએ રમે ચકલી,
ચકલીઓ તો ઊડી ગઈ, ભાઈનાં દુખડાં લેતી ગઈ.' (પૃ. ૧૪)
આ રીતે પશુ-પક્ષીઓનો ઉલ્લેખ હાલરડાંમાં કરવાથી બાળક તેનાથી પરિચિત થાય એ ભાવ પણ સાથે વણાયેલો હોય છે. તો એ જ રીતે ભારતીય સમાજમાં કૃષ્ણને કેન્દ્રમાં રાખીને ઘણાં હાલરડાં ગવાય છે. કૃષ્ણ એ નટખટ નંદકિશોર છે. તેનાં તોફાનોને પણ અહીં વાચા આપી છે.
‘પોઢોને બાલુડા કાના દોરડી હું તાણું
ક્યો તો કાના શીરાપૂરી, ક્યો તો કાના માખણ-રોટલી
જમો રે બાલુડા કાના, પોઢોને…
ગામનાં છોકરાં કેવાં ડાહ્યાં, કાનો બહુ અટારો જો
રમવાને જાય જો શેરીના છોકરાને મારે
ફરિયાદ સુણાવી મારે બાલુડા કાના… પોઢોને (પૃ. ૧૫)
કૃષ્ણને કેન્દ્રમાં રાખીને લખાયેલાં કેટલાંક હાલરડાંનો પરિચય અહીં આપવામાં આવ્યો છે. તો રામને કેન્દ્રમાં રાખીને લખાયેલાં 'હાલરડાં' આપણને જૂજ પ્રમાણમાં મળે છે. તેનું કારણ બતાવતાં નોંધે છે : 'શ્રી રામનું મર્યાદિત, શ્રદ્ધેય અને ગંભીર વ્યક્તિત્વ 'લોક'થી જરા ઉપર રહ્યું છે, જ્યારે કૃષ્ણનું વ્યક્તિત્વ 'લોક' સાથે સમરસતા રચતું રહ્યું છે. કૃષ્ણની અનેક પ્રકારની બાળલીલાઓ પ્રકાશિત છે, પણ શ્રીરામની બાળલીલા ભાગ્યે જ સાંભળી છે. એટલે જ લોકહાલરડામાં કૃષ્ણનું વ્યક્તિત્વ તો સાધારણ બાળકની જેમ સાડીની ઝોળીમાં ઝૂલ્યું, અને રામનું વ્યક્તિત્વ સોના-ચાંદી કે હીરા-મોતીના પારણાની બહાર ન આવી શક્યું. કૃષ્ણ ગોવાળબાળોની વચ્ચે રમીને ગામડામાં વયસ્ક થયા, જ્યારે રામ મહેલના રાજકુમાર જ બની રહ્યા. (પૃ. ૧૯) જૈન સંપ્રદાયના કવિઓએ રચેલ હાલરડાં પ્રકારનાં પદોનાં પણ ઉદાહરણ આ પુસ્તકમાં મળે છે. મહાવીરને ઝુલાવતા ત્રિશલાદેવીના કેટલાક ઉત્તમ નમૂના અહીં જોવા મળે છે. આ હાલરડાંમાં દાર્શનિક વિચારોને પણ સાથે વણી લેવામાં આવ્યા છે.
‘ત્રિશલા માતા પારણું ઝુલાવે
મહાવીર પોઢે રે
સંસારમાં સુખ ક્યાંય નથી રે
વેરઝેરથી દુનિયા ભરી રે…’ (પૃ. ૨૨)
હાલરડાંમાં પૌરાણિક પ્રસંગને લઈને દાર્શનિક વિચાર રજૂ કરતી માતા તેના બાળકને કઈ રીતે વેદાંતનું ગહન જ્ઞાન આપે છે તેનાં ઉદાહરણો પણ અહીં ટાંક્યાં છે. તેમાં સતી અનસૂયાનું હાલરડું આપણે ત્યાં ખૂબ પ્રચલિત છે, અને ખૂબ ગવાય પણ છે. સતી અનસૂયાનું સત છોડાવવા આવેલા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને ઘોડિયામાં સૂતાં બાળક બનાવી દે છે. એ પ્રસંગને લઈને હાલરડું ગવાય છે –
‘માતા અનસૂયા ઝુલાવે પૂતર પારણે રે!
ત્રણ દેવો આવ્યા અત્રિ ઋષિને આશ્રમે રે,
માતા અનસૂયાનું સત છોડાવવા કાજ… માતા અનસૂયા..… (પૃ. ૨૪)
ઐતિહાસિક પ્રસંગો અને પાત્રોનો હાલરડામાં એવી રીતે વિનિયોગ થયો છે કે બાળકના માનસમાં વીરતા, ત્યાગ, સ્નેહ, સમર્પણ, ભક્તિભાવ જેવા મૂલ્ય સંસ્કારનું સિંચન થતું હોય છે. તેનો ઉત્તમ નમૂનો આપણને ચેલૈયાના હાલરડામાં જોવા મળે છે. આ હાલરડું લગભગ દરેકના મુખે ગવાતું આવ્યું છે.
‘મારા નોધારાના આધાર કુંવર ચેલૈયા,
મારા વાંઝિયાના અવતાર, કુંવર ચેલૈયા.
તારે હાલરડે પડી હડતાલ કુંવર ચેલૈયા,
મારા નોધારાના આધાર, કુંવર ચેલૈયા.’ (પૃ. ૨૬)
જે રીતે ચેલૈયાનું હાલરડું પ્રચલિત છે એ જ રીતે મેઘાણી રચિત ‘શિવાજીનું હાલરડું' પણ એટલું જ પ્રચલિત છે.
‘શિવાજીને નીંદરું ના'વે, માતા જીજાબાઈ ઝુલાવે’
અહીં આવા ઐતિહાસિક પાત્રો-પ્રસંગોને કેન્દ્રમાં રાખીને ગવાતાં હાલરડાંની વાત કરી છે. જેમાં ચેલૈયા, શિવાજી, વનરાજ ચાવડો અને વીરભદ્રસિંહનાં હાલરડાંમાં વીરતા, ત્યાગ, સ્નેહ, સમર્પણ અને ભક્તિભાવને કેવી રીતે વણીને મૂલ્યોનું સિંચન થતું તેની વાત સરસ રીતે કરી છે. સાંપ્રત સમયના બાળગીત પ્રકારના હાલરડાંનાં ઉદાહરણ પણ અહીં મૂક્યાં છે તેમજ આદિવાસી સમાજમાં જુદાજુદા સમાજ અને જાતિઓ જે હાલરડાં ગાય છે તે વિષય પર કેટલાંક અભ્યાસીઓએ કરેલા અભ્યાસોની વાતો રજૂ કરી છે. આદિવાસી બોલીમાં ગવાતાં હાલરડાનું ઉદાહરણ જોઈએ.
‘માઈચા લાડકા, ઝોકા જાતિ લાંબ લાંબ
નીજર માજાતાને તું, નીજર માની બાળ.’ (પૃ. ૩૫)
ભારતમાં વસતી વિવિધ જાતિ, પ્રદેશ પ્રમાણે આપણને હાલરડાં સાંભળવા મળે છે. જાતિ, ધર્મ, પ્રદેશ ભલે જુદાં હોય પણ વાત્સલ્યભાવ તો સરખો જ હોવાનો, બોલી જુદી હોય પણ ભાવ તો એક જ હોવાનો. મેઘાણીએ ‘ખલાસી બાળનું હાલરડું' રચ્યું છે. આ હાલરડામાં રહેલો વિજોગણ માતાનો ભાવ પતિને સંદેશ આપવાનો રહેલો છે. જેમ કાલિદાસના યક્ષે મેઘને દૂત બનાવીને તેની પ્રિયતમા યક્ષિણીને પ્રેમસંદેશો મોકલ્યો હતો તેવી રીતે એક માતા પવનને દૂત બનાવીને પતિને મીઠો ઠપકો આપે છે. માતા બાળકને સુવડાવતી હાલરડાં રૂપે આ રીતે ગાય છે :
‘વીરા! તમે દેશ દેશ ભટકો
ગોતી એને દેજો મીઠો ઠપકો
લખ્યો નથી કાગળનો કટકો’ (પૃ. ૩૭)
મેઘાણીએ પ્રકૃતિનાં તત્ત્વોનું માનવીકરણ કેવી રીતે કર્યું છે તેનાં ઘણાં ઉદાહરણ અહીં મૂક્યાં છે તો હાલરડાંમાં ‘પારણું' અને 'નિદ્રા' પણ પાત્ર તરીકે આવી શકે છે. માત્ર લોકબોલીમાં ગવાતાં હાલરડાંની વાત પૂરતા સીમિત ન રહેતાં અહીં ફિલ્મોમાં પણ હાલરડાંનું કેવું સ્થાન હતું તેની વાત ઉદાહરણસહિત કરી છે. ‘દો બીઘા જમીન’, ‘મુઝે જીને દો’, ‘બ્રહ્મચારી', ‘જિંદગી', 'અલબેલાં', 'સદમા', ‘સુજાતા' જેવી ફિલ્મોમાં હીરો કે હીરોઈનના મોઢે ગવાયેલાં હાલરડાંને આ પુસ્તકમાં સ્થાન આપ્યું છે. પુસ્તકને અંતે કેટલાંક તારણો અને નિરીક્ષણો મૂક્યાં છે. જેમાં લોકહાલરડાં અને સાહિત્યિક હાલરડાંની વિગતે વાત કરી તે બંનેના સામ્ય.વૈષમ્યની વાત કરી છે. પરિશિષ્ટોમાં મૂકેલાં ચારેય હાલરડાં મહત્ત્વનાં છે. તેમાંય ‘દીકરી મારી લાડકવાયી' હાલરડું એ કલાત્મક રીતે મૂક્યું છે. આ જ સમાજમાં દીકરીને સાપનો ભારો માનવામાં આવે અને આ જ સમાજમાં દીકરીને લક્ષ્મીનો અવતાર પણ માનવામાં આવે એવો વિરોધાભાસ ભારતીય સંસ્કૃતિમાં જ સંભવે. પ્રસ્તુત પુસ્તક વિશ્વની સર્વ માતાઓને અર્પણ કરે છે. તેમાં પણ અભ્યાસની દૃષ્ટિનો પરિચય થાય છે. હાલરડાની ગોઠવણીનો ક્રમ, તેની સમજ, હાલરડાં વિશેના વિવિધ અભ્યાસીઓનાં મંતવ્યો અને પોતાના અભ્યાસના નિચોડરૂપે આપેલાં તારણો આ સર્વ મળીને આ પુસ્તકને મહત્ત્વનું બનાવે છે. ગુજરાતી લોકસાહિત્યક્ષેત્રે આ પ્રકારનો અભ્યાસ મહત્ત્વનો બની રહેશે.
(‘અધીત : ઓગણચાલીસ')
❖