અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/ગુજરાતી ગઝલ : રૂપવિધાન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૧. ગુજરાતી ગઝલ : રૂપવિધાન

ડૉ. એસ. એસ. રાહી

આજે સાહિત્યજગતમાં વિવિધ ભાષા-સાહિત્યનાં જુદાં જુદાં અનેક સાહિત્યસ્વરૂપો અસ્તિત્વ ધરાવે છે. પશ્ચિમનાં કેટલાંય સ્વરૂપો આપણે સ્વીકાર્યા. છે. સૉનેટ, હાઈકુ જેવાં લઘુ કાવ્યસ્વરૂપો ગુજરાતી ભાષામાં આયાત થયાં છે તેમ ઉર્દૂ-ફારસીની અસર નીચે ઊછરેલું ગઝલ જેવું આકર્ષક સ્વરૂપ પણ ગુજરાતી ભાષાએ અપનાવી લીધું છે. ગુજરાતી ગઝલનો ઇતિહાસ ૧૦૦ વર્ષ જૂનો થયો છે. તેમાં અનેક વળાંકો આવ્યા છે. અભિવ્યક્તિના એક પ્રકાર તરીકે ગઝલે આગવી સત્તા પ્રાપ્ત કરી લીધી છે. અમીરોની ખાનગી મહેફિલો, રાજવીઓનાં રંગભવનો કે તવાયફોના મુજરામાંથી ગઝલ ક્યારનીય બહાર નીકળી ચૂકી છે. શિષ્ટ સાહિત્યિક સામયિકોમાં, પ્રશિષ્ટ કાવ્યસંપાદનોમાં અને માધ્યમિક શાળાથી યુનિવર્સિટી સુધીના પાઠ્યપુસ્તકોમાં ગઝલનું સ્થાન હવે નિશ્ચિત બની ચૂક્યું છે. ગઝલના સ્વતંત્ર સંગ્રહો પણ પ્રસિદ્ધિ થાય છે. એટલું જ નહિ તેને ઈનામો, પારિતોષિકો અને ચંદ્રકોથી નવાજવામાં આવે છે. કેટલાય ગીતકવિઓના સંગ્રહોમાં નમૂનાની બે-પાંચ ગઝલો માણવા મળે છે તો માત્ર છંદોબદ્ધ કાવ્યોનું સર્જન કરતાં કેટલાક વિદ્યમાન કવિઓએ પણ ગઝલ સાથે દોસ્તી બાંધી છે. કેટલાંક સુંદર ગઝલસંપાદનો પણ ગુજરાતી સાહિત્યને મળ્યાં છે. ગઝલ સંગ્રહો અને સંપાદનો વિશે સામયિકોમાં માનભેર અવલોકનો લખાય છે તેમ ગઝલના સ્વરૂપસિદ્ધાંત વિશેની ચર્ચાઓ પણ પ્રગટ થાય છે. કેટલાંક ગુજરાતી સામયિકો પોતાના વાર્ષિક અંકો અથવા દીપોત્સવી અંકો ગઝલ વિશેષાંક તરીકે પ્રગટ કરીને ગૌરવ અનુભવે છે. ગઝલમાં પ્રેમીની સૂત્રાત્મક વાણી પ્રગટ થતી હોય છે. ગઝલ એટલે પ્રેમની ભાષામાં વાતચીત એવી માન્યતા એક સમયે દૃઢ હતી. નિજાનંદની મસ્તીમાં ગઝલોની રચના થતી. વળી મનોરંજનનો રસથાળ પીરસવાના સાધન તરીકે ગઝલનો ઉપયોગ થતો. આમ ગઝલ મૂળભૂત રૂપે રોમૅન્ટીક રહી છે. ગઝલ મોટા ભાગે મુશાયરામાં રજૂ થતી હતી. તેથી પ્રારંભમાં તેમાં નાટ્યાત્મકતા, ચમક અને ચોટ ઊભી કરવાના સાયાસ પ્રયત્નો થયા હતા. પરિણામે મુશાયરાના ઉદ્ગારની એક શૈલીરૂપ તે બની ગઈ. રજૂઆતની એક કળા તરીકે જ ગઝલને ઓળખવામાં આવતી પરંતુ હવે ગઝલે ગુજરાતીમાં રસકીય કોટિ તરીકે સ્થાન મેળવ્યું છે. ગઝલમાં રજૂ થતી ભાવોર્મિ પારદર્શક, પ્રતીતિકર અને સાદ્યંત સચ્ચાઈવાળી હોવાથી ગઝલ કળાકૃતિ બની શકી છે. ઉત્કટ ઊર્મિઓ અને લાગણીઓના લયાત્મક આવિર્ભાવ માટે ગઝલનું સ્વરૂપ સરળ, સ્વાભાવિક અને યથાયોગ્ય માધ્યમ બન્યું છે. આપણા પ્રાચીન વિવેચકોએ ઊર્મિકાવ્યને શ્રેષ્ઠ ગણ્યું છે. ગઝલ પણ ઊર્મિકાવ્ય જ છે. ગઝલમાં સ્વાનુભૂતિ અને સર્વાનુભવરસિકતા બંને વ્યક્ત કરવાની પૂરી તક હોઈ ધીમે ધીમે ગઝલને શુદ્ધ સ્વતંત્ર કાવ્યસ્વરૂપ તરીકે માન્યતા મળી. પછી ગઝલનો વ્યાપ અસીમિત અને એનું વિષયવૈવિધ્ય અમર્યાદિત થતું ગયું. ગઝલનું ઉર્દૂમાંથી ગુજરાતીમાં આગમન થયું છે. તેથી જ તો ગઝલમાં ઉર્દૂ શબ્દોનો અગાઉ પ્રચુર માત્રામાં વિનિયોગ થતો હતો. વળી તેમાં કેટલાંક પાત્રોની વાત પણ ગૂંથી લેવામાં આવતી. આવાં પાત્રોમાં સનમ, મહેબુબ, સાકી, સૈયાદ, ફકીર, અમીર, માશૂક, મજનું, શીંરીં, ફરહાદ, ઝાહીદ, વાઈજ, શેખ વગેરેનો સમાવેશ થાય છે. એ જ રીતે મસ્જિદ, કાબા, મયખાના, કબ્રસ્તાન, મઝાર, મિનાર, ઝરૂખો, મહેલ, ગલી જેવાં સ્થળોનું નિરૂપણ ગઝલમાં થતું. નવી લખાતી ગઝલમાં હવે મુસ્લિમ પરંપરાનાં સ્થળોને બદલે સર્વસામાન્ય સ્થળો જેવાં કે રણ, જેલ, નદી, સરોવર, જંગલ, વન, પાદર મેદાન વગેરેના ઉલ્લેખ મળે છે. ગઝલ રંગદર્શી છે. તેમાં ક્યારેક પ્રેમિકાની જુદી જુદી અવસ્થા કે હાલતનું રંગદર્શી આલેખન થાય છે. આરંભકાળથી આ સ્વરૂપ લોકભોગ્ય અને લોકપ્રિય રહ્યું છે. અને આજે પણ એની લોકભોગ્ય લઢણોનો પ્રભાવ એવો જ બળૂકો રહ્યો છે. ગઝલને લોકપ્રિય બનાવવામાં મુશાયરાપ્રવૃત્તિએ મહત્ત્વનો છતાં પ્રતિકૂળ ભાગ ભજવ્યો છે. ગઝલ મુશાયરામાં બોલાતી હોવાથી તે રજૂઆતની ચીજ બની ગઈ અને ગઝલ દ્વારા સાહિત્યિક ગુણવત્તા સિદ્ધ કરવા તરફ ઉદાસીનતા સેવાતી ગઈ. પરંતુ છઠ્ઠા દાયકાની શરૂઆતથી આધુનિક ગઝલકારોએ ગઝલને કળાસ્વરૂપ તરીકે સેવી. સૂક્ષ્મ કોમળ વેદનાને અવનવાં પ્રતીકો, કલ્પનો, પુરાકલ્પનો વગેરેની મદદથી ગઝલમાં આલેખવામાં આવી. આ ગઝલના પોતાના aestheticsનો વિકાસ થયો. દરેક શેરનું નિરાળું વ્યક્તિત્વ, નવાં નવાં વણસ્પર્શાયેલા રદીફોનું પ્રયોજન, લાઘવ અને સુગ્રથિતતા જેવાં તત્ત્વોનું રસાયણ ગઝલમાં થયું. મુસલસલ, નઝમનુમા કે સાતત્યપૂર્ણ ગઝલનું સર્જન થવા માંડ્યું. પ્રલંબ લય અને લાંબી બહેરમાં ગઝલ લખાવા માંડી. ગઝલમાં સ્વકીય મુદ્રા ઉપસાવવાનો કવિયત્ન પણ જોવા મળ્યો. વ્યક્તિ-જાતિ વિશેષની ગઝલો કવિતા-સામયિકોમાં પ્રગટ થવા લાગી. દા.ત., ભરવાડણની ગઝલ, રબારણની ગઝલ, રક્તપિત્તિયાની ગઝલ, ખેડૂતની ગઝલ વગેરે. સૉનેટ, ગીત, હાઈકુ, ભજન, દોહરા, ગરબો, તાન્કા જેવા અન્ય કાવ્યપ્રકારોમાં ગઝલને ઢાળવાના પ્રયત્નો થયા. ગઝલના શેરની સંખ્યામાં ઘટાડો થયો. અંતિમ શેરમાં તખલ્લુસનો ઉપયોગ કરવાનું વલણ-ચલણ પણ ઘટતું ગયું. રહસ્યવાદ અને તત્ત્વદર્શનનો સંસ્પર્શ, સ્પષ્ટ નિરૂપણ અને ઠાવકાઈ, તત્ત્વલક્ષી વિચારો અને અનુભૂતિઓ, આચારવિચારની શિષ્ટતા અને સંસ્કારિતા, અનુભવજગતની વિશાળતા, ભાવવિશ્વની ઋજુતા, ભાવની સૂક્ષ્મતા, તર્કલીલા, ચિત્રાત્મકતા, સામાજિક વૈષમ્ય તેમજ કારુણ્ય, નગરજીવનની ક્ષણભંગુરતા, ખાલીપણું, વિષમતા, વ્યર્થતા, વ્યક્તિત્વલોપ વગેરે નવી ગઝલમાં અભિવ્યત થતાં નવી ગઝલનું કલાપાસું વધુ સબળ બન્યું છે. તો ક્યારેક શબ્દલીલા, સપાટ કથન, વિરોધાભાસની ટેક્નિક, અલંકારમંડિત વિધાનો, દાવા-દૅલીલ, ગેયતાનો લોપ, ચાટૂક્તિઓ, કાર્ય-કારણ ભાવો, અસંબદ્ધતા, વિસંગતિ જેવા દોષો તેને કળાસ્વરૂપ અર્પવામાં અવરોધરૂપ નીવડે છે. ગઝલમાં રમણીય, ગતિશીલ, સુરેખ, સૂક્ષ્મ, ચિત્રાંકનક્ષમ પદાવલી જોવા મળે છે. જાનપદી અને તળપદો પરિવેશ સુંદર ચિત્રો ખડાં કરે છે. ગઝલમાં બોલચાલની ભાષા અને કાકુઓનો ઉપયોગ કવિની પ્રયોગાભિમુખતા તેમ પ્રયોગપ્રીતિ દર્શાવે છે. રદીફ-કાફિયાની મધુર શબ્દો દ્વારા ગૂંથણી, લાઘવ, સૂચનક્ષમતા, ભાવસંઘી, શિષ્ટ, મધુર, શબ્દાવલી, ભાષાનો વેગ તેમ ભાષાનો ઠાઠ વગેરે નવી ગઝલનાં આગળ તરી આવતાં લક્ષણો છે. આ ગઝલમાં રજૂ થતાં કથનમાં પ્રત્યક્ષતા, સરસતા અને પ્રતીતિકરતા જેવાં તત્ત્વો ઉમેરાયાં છે. ગઝલમાં સભારંજનનું તત્ત્વ ઘટયું છે તો સામે પક્ષે તત્સમ શબ્દોનો વ્યાપાર વધ્યો છે. જીવનની માર્મિકતા સીધા સાદા શબ્દો દ્વારા રજૂ થતી હોવાથી ગઝલની પ્રત્યાયનક્ષમતા વધી છે. એક વસ્તુ નોંધપાત્ર છે કે પ્રણયના પરિમિત વર્તુમાંથી ગઝલ બહાર નીકળી ચૂકી છે. ગઝલે સૂક્ષ્મ સંવેદનચિત્રો ધ્વન્યાત્મકતાથી રજૂ કરવાની ક્ષમતા બતાવી છે. ગઝલ માત્ર શિક્ષણસાધ્ય કાવ્યકલા નથી, પરંતુ આપસૂઝની-કોઠાસૂઝની કાવ્યકલા છે. તે બુદ્ધિવિલાસનો નહીં પણ હૃદયવૈભવનો કાવ્યપ્રકાર છે. તેવું હવે પ્રસ્થાપિત થઈ જતાં શુદ્ધ, સ્વતંત્ર કાવ્યરૂપ તરીકે તેને દરજ્જો મળ્યો છે.

ગઝલની આંતરબાહ્ય સંરચના

શેર : ગઝલનું કલેવર શેરથી રચાય છે. શેર એટલે બે પંક્તિની એક કડી. દરેક શેર સ્વતંત્ર હોય છે. એમાં નિરૂપાતું ભાવવિશ્વ પ્રત્યેક શેરમાં સ્વતંત્ર હોય છે.

પીઠામાં મારું માન સતત હાજરીથી છે.
મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે- મરીઝ

શેરને સમજવા માટે બેત, મિસરઅ, ફર્દ અને કલામ, મત્લઅ અને મકતઅ વગેરે શબ્દોની સમજ હોવી જોઈએ. એ બાબતની પણ અહીં નોંધ લેવી ઘટે. રદીફ-કાફિયા : ગઝલનો પ્રત્યેક શેર બે ચરણનો બનેલો હોય છે. તેમાં બીજી, ચોથી, છઠ્ઠી, આઠમી એમ દરેક શેરની બીજી પંક્તિમાં રદીફ અને કાફિયાની યોજના કરવામાં આવે છે. રદીફ એટલે અનુપ્રાસ, કાફિયા એટલે પ્રાસ.

બસ દુર્દશાનો એટલો આભાર હોય છે
જેને મળું છું મુજથી સમજદાર હોય છે- મરીઝ

આ શેરની બન્ને પંક્તિમાં ‘હોય છે’ શબ્દસમૂહ રદીફ છે, જ્યારે 'આભાર', 'સમજદાર' તેના કાફિયા છે. રદીફ અને કાફિયા એક કરતાં વધુ શબ્દોના પણ બનેલા હોઈ શકે છે. રદીફ અને કાફિયા ગઝલ રચનામાં વ્યવસ્થાસાધવાનું કામ કરે છે પણ રદીફ સ્થિર હોય છે. જ્યારે કાફિયા બદલાતા રહે છે. રદીફને કારણે પ્રવાહિતા આવે છે અને કાવ્યપઠન વખતે લય અને સંગીતને કારણે એક આગવો માહોલ ઊભો થાય છે. રદીફને તકિયા કલામ પણ કહી શકાય. મત્લઅ અને મકતઅ : ગઝલના પ્રથમ શેરને મત્લઅ અથવા મત્લાનો શેર કહેવામાં આવે છે. પ્રથમ શેરની બંને પંક્તિમાં રદીફ-કાફિયા જળવાયા ન હોય તોપણ તેને મત્લાના શેર તરીકે જ ઓળખવામાં આવે છે. ગઝલના અંતિમ શેરને મકતઅ અથવા મકતાનો શેર કહેવામાં આવે છે. અહીં ભાવની ઉત્કટતા સાથે ગઝલ પૂરી થતી હોય છે. એમાં કવિ પોતાનું નામ-ઉપનામ રજૂ કરતો હોય છે. બહર : ઉર્દૂમાં છંદને 'બહર' કહેવામાં આવે છે. બહરનું અલગ શાસ્ત્ર છે. અરબી ભાષામાં કુલ ૧૯ બહર પ્રચલિત હતી. ફારસી કવિઓએ તેમાંથી ૪ બહરનો ત્યાગ કરીને ૧૫ બહર ગઝલરચના માટે અપનાવી લીધી. વળી આ ફારસી કવિઓએ પોતાની રીતે નવી બહરનું પણ સંશોધન અને સર્જન કરી ૩૫-૩૬ બહર શોધી તો ઉર્દૂ કવિઓ ૭૪ બહર શોધી છે. જોકે આ બધી બહરનો કવિઓ ભાગ્યે જ ઉપયોગ કરતા હોય છે. વજન : પ્રત્યેક ગઝલ વિશેષ બહરમાં લખાય છે. આ દરેક બહરને એક વજન હોય છે જેને ઉર્દૂમાં પૈમાના અને ગુજરાતીમાં માપ-તોલ કહેવામાં આવે છે. આ માપ-તોલની ક્રિયાને તકતી કરવી એમ કહેવામાં આવે છે. આ પ્રકારની ક્રિયા દ્વારા ગઝલ કે અમુક રચના વજનમાં છે કે નહીં તે નક્કી કરી શકાય છે. ગઝલના દરેક શેરમાં વજનનું તત્ત્વ મહત્ત્વનું બની રહે છે. જમીન : ઉદ્ભવેલા ભાવસંવેદનને સરળતાપૂર્વક અને નવીન રીતે વ્યક્ત કરવા માટે છંદની પસંદગી કરે છે. તે માટે રદીફ-કાફિયા સાથે જે માપ લેવામાં આવે છે તેને ‘જમીન' કહેવામાં આવે છે. અરકાન : અમુક લઘુ-ગુરુ અક્ષરોના જૂથને અરકાન કહેવામાં આવે છે. ગુજરાતી ભાષામાં તેને ગણ અથવા સંધિ અને અંગ્રેજી ભાષામાં syllable કહે છે. અરકાન બહુવચનનું રૂપ છે. એક વચનમાં તેને રૂકન કહે છે.

સાહિત્યસ્વરૂપ તરીકે ગઝલની કેટલીક લાક્ષણિકતાઓ

(૧) ગઝલની રજૂઆતમાં તાજગી, નવીનતા, બારીકી, સફાઈ, કુમાશ, માર્મિકતા અને આગવી ઢબછબ જોઈએ. વાત કરવાનો મૌલિક દૃષ્ટિકોણ અને રીતભાત પણ તેટલાં જ જરૂરી છે. વર્ણનછટાને અસરકારક બનાવવા કહેવતો, રૂઢિપ્રયોગો, બોલચાલની ભાષાનો પ્રયોગ તેમાં ઉમેરવામાં આવે છે. દા.ત.,

જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.- મરીઝ

હું તો આ મહેફિલ મહીં આવીને મૂંઝાયો હતો,
ત્યાં તમારું નામ બોલાયું, બહુ સારું થયું. - ગની દહીંવાળા

(૨) કવિ પાસે પ્રેમદૃષ્ટિ હોય છે. પ્રેમરસથી એ જીવનને ઓળખે છે, અપનાવે છે, પ્રકૃતિનાં તત્ત્વોને રમણીયતાથી ભરીને તે રજૂ કરતો હોય છે. કવિ પાસે કલ્પનાનું અને સૌંદર્યનું સત્ય હોય છે. તેમાં કવિની ચેતનાનું બળ ભળે છે, વ્યક્તિત્ત્વનું તેજ પણ ઉમેરાય છે. તેથી જીવનના ખમીરને અને ગંભીર ચિંતનને ખુમારી સાથે કવિ ગઝલમાં અભિવ્યક્ત કરતો હોય છે. જે શેરમાં આવું વિચારસૌંદર્ય સઘળી કવિપ્રતિભા સાથે પ્રગટતું હોય તે શેર ઉત્તમ બને છે.

ટોળે વળે છે કોઈની દીવાનગી ઉપર,
દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે.- મરીઝ

કોઈ રણને ઠોકર તો મારી જુએ,
છે સંભવ કે મીઠું ઝરણ નીકળે - આદિલ મન્સૂરી

(૩) જે શેરમાં પ્રવાહિતા, લયમાધુર્ય, સ્વરવ્યંજનોની સંવાદી ગૂંથણી, ચોક્કસ તાલ, વ્યક્ત થયેલા ભાવોમાં ભરતી, લખાતી નહીં પણ બોલાતી ભાષાના ઉચ્ચારવાળા શબ્દો, કર્ણપ્રિયતા, સરળ પદાવલિ વગેરે વાનાં હોય તેવા શેરમાં મૌસિકી છે તેમ કહી શકાય. આમ સંગીતાત્મકતા શેરને અસરકારક, શ્રવણક્ષમ અને રસદાર બનાવે છે. એમાં સંગીતનું તત્ત્વ અને લયલીલા પણ એટલાં જ અગત્યનાં છે જેનાથી ગઝલમાં ગેયતા આવે છે.

મને એવી રીતે કઝા યાદ આવી
કોઈ એમ સમજે દવા યાદ આવી- મરીઝ

હું ચાંદની રાતે નીકળ્યો’તો ને મારી સફર ચર્ચાઈ ગઈ
કંઈ મંઝિલ પણ મશહૂર હતી કંઈ રસ્તા પણ બદનામ હતા- સૈફ

(૪) સંસારની અસારતા, જીવનની ક્ષણભંગુરતા અને પરમ તત્ત્વ પ્રત્યેની આર જેમાં વ્યક્ત થાય છે તે ગઝલો ઈશ્કે હકીકી કહેવાય છે. કવિ ઈશ્વરને માશૂક અને પોતાને આશિક ગણી પોતાના ભાવો રજૂ કરે છે. એવા શેર પણ લખાય છે કે જે લૌકિક-પ્રીતમ અને પરમ-પ્રિતમ બંનેને લાગુ પડી શકે. ઈશ્વરને પામવાની, ઈશ્વર સુધી પહોંચવાની ઝંખના આલેખતા શેરને માંરિફતનો શેર કહેવાય છે. માંરિફતનો અર્થ થાય છે 'જ્ઞાન' અથવા 'અધ્યાત્મ.’ આ પ્રકારની વિચારધારા અને રંગ ધરાવતા શેરને તસવ્વુફ વિભાગમાં મૂકવામાં આવે છે. જ્યારે આ પ્રકારની વિચારધારામાં માનતા અનુયાયીઓને સૂફી કવિ તરીકે ઓળખવામાં આવે છે. આવી રચનાઓમાં પણ કવિનું સર્જકત્વ સુપેરે વ્યક્ત થતું હોય છે. દા. ત.,

કટુ રસ છે છતાં કહેવું પડે છે કે મજાનો છે
હસીને જિંદગીનો જામ મોઢે માંડવાનો છે- ગની દહીંવાળા

એ જ છે પ્રશ્ન કોણ કોનું છે?
હું ય મારો નથી પરાયો છું - અમૃત ઘાયલ

સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધા અમે
અમને નમાવવા હો તો ફૂલોનો ભાર દે.- મરીઝ

ગઝલ યા શેરમાં એક પણ શબ્દ-સમૂહ બિન-જરૂરી હોવો જોઈએ નહિ. જો તેમ થાય તો શેરનું સૌંદર્ય નષ્ટ થાય છે. બિન-જરૂરી, આગંતુક શબ્દોને ‘અરૂઝ'માં ‘ભરતીના શબ્દ' કહેવામાં આવે છે. ગઝલ એ સંક્ષેપમાં-લાઘવમાં કહેવાની રચના છે. લાઘવને લીધે શેરમાં અસર, ચોટ, વેધકતા ઊભી થાય છે. જે શાયરની લાઘવની કળા પરત્વે પૂરેપૂરી વફાદારી હોય તે શાયરના શેર અથવા ગઝલ વેધક, અસરકારક, ચોટદાર અને યાદગાર બની રહે છે.

મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ;
આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ.- ઓજસ પાલનપુરી

આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના
ફૂલો એ બીજું કૈં નથી, પગલાં વસંતનાં- મનોજ ખંડેરિયા

કોને ખબર કે સાંજ હવે કઈ રીતે થશે,
ઝાકળને લાલ સૂર્ય નડ્યો છે સવારથી.- હરીન્દ્ર દવે

(૬) શેરમાં કાંઈ સીધેસીધી વાત રજૂ થતી નથી. પરંતુ જે-તે વાત, ભાવ કે વિચાર સાંકેતિક રીતે રજૂ થતાં હોય છે. આ માટે શાયર ભાવપ્રતીકો યોજે છે. આ ભાવપ્રતીકો સબળ અને સક્ષમ હોય તો ગઝલનો શેર વ્યક્તિલક્ષી મટીને વૈશ્વિક સંદર્ભ ખડો કરે છે. આવેગ કે આવેશની મુખરતા નહીં પણ ભાવની સૂક્ષ્મ વ્યંજના ગઝલને કવિતાની કોટિ સુધી પહોંચાડે છે. (૭) શેરની રચનામાં શાયર ભાવવિશ્વનું સર્જન કરતો હોય છે. જ્યારે આ ભાવવિશ્વનું ભાવકના ચિત્તમાં સમસંવેદન થાય છે ત્યારે ચોટ પેદા થાય છે. આવા appealing element ને ચોટ કહી શકાય. જેમાં ચોટ પેદા કરવાની તાકાત હોય તેવા શેર સ્વયંસ્ફુરણાથી રચાતા હોય છે. વેધક ભાવાભિવ્યક્તિ, પ્રત્યાયનક્ષમતા, ભાષાની સરળતા તેમજ સાદગી, લાગણીની તીવ્રતા, રદીફ-કાફિયાની સુદર ગૂંથણી વગેરે તત્ત્વો શેરને ચોટદાર, વેધક અને આકર્ષક બનાવે છે. વાતચીત કે વાર્તાલાપની શૈલી, આત્મગાન, સંબોધન, પ્રત્યક્ષતા, સચોટતા અને આત્મીયતા દ્વારા શાયર શેરની રચનામાં ચોટ પેદા કરે છે.

તબીબોને કહી દો કે માથું ન મારે દરદ સાથે સીધો પરિચય છે મારો
હકીકતમાં હું એવો રોગી છું જેને બહુ સારી પેઠે દવા ઓળખે છે.-શૂન્ય પાલનપુરી

ક્યારેક જીવનદર્શનનો એક ઝબકારો, સૂક્ષ્મ અનુભૂતિની એક લકીર, કોઈક મર્મસ્પર્શી ચિત્ર જેમાં રજૂ થયું હોય તે શેર ચોટદાર નીવડે છે.

કોઈ કાંટો કા ક્યા કરે શિકવા
મૈંને ફૂલો સે ઝખ્મ ખાએ હૈ!- બેતાબ અલીપુરી

ગઝલમાં પ્રણયના મસ્ત ભાવોનું આલેખન થતું હોય છે. તે ઉપરાંત ખુમારી, ખુવારી, સ્નેહ સમર્પણ, વતનપરસ્તી, દેશદાઝ, વતનપ્રેમ, દોસ્તી, દુશ્મની, માનવીય ભાવના વગેરે ભાવોનું મુક્તપણે આલેખન થતું જોવા મળે છે. લૌકિક પ્રણયની તૃપ્તિ, અલૌકિક પ્રણયની પ્યાસ, આસ્તિકતા, નાસ્તિકતા, મૃત્યુ, પુનઃજન્મ, અનંત પ્રતીક્ષા, ક્રોધ, ક્ષમાથી માંડી જીવાત્માના પરમાત્મા મિલનના તલસાટ સુધીના વિવિધ સ્તરીય ભાવો ગઝલમાં આલેખાય છે. વેદના, વિષાદ તેમજ આનંદની સીમાના બેવડા રંગો પણ ગઝલમાં ઘૂંટાતા જોવા મળે છે. પરંતુ જ્યારે ચિંતન, વિચાર તથા ભાવનાનું રસાયણ થાય છે ત્યારે જ ગઝલનો અસલ મિજાજ તેમાં પ્રગટે છે. જો આવું રસાયણ સિદ્ધ ન થાય તો તેવી ગઝલને તુકબંદી, બેતબાજી જેવા નામોથી ઓળખાવી શકાય. શેરની બે પંક્તિમાં જ્યારે ભાવ, અર્થ અને ભાષાનું ત્રિદલ રચાય છે તે જ ગઝલનો મિજાજ છે અને તેનો વિશેષ છે.

કિસી હસીનાકે માસૂમ ઈશ્કમેં ‘અખ્તર’
જવાની ક્યા હૈ મૈં સબ કુછ તબાહ કર લૂંગા.- અહેસાન દાનિશ

પડદાની સાથે સાથે હતો ઇંતેઝાર પણ
પડદો હટી ગયો તો ઉદાસી વધી ગઈ.-હરીન્દ્ર દવે

સમૂહ માધ્યમની કલા તરીકે ગઝલ

નાટક, ચલચિત્રની માફક ગઝલનો સમૂહ માધ્યમની કળા તરીકે વિકાસ થયો છે. ઇલેક્ટ્રોનિક યુગનાં દૃશ્ય-શ્રાવ્ય માધ્યમોની નવી નવી ટેક્નિકને લીધે પ્રચાર, પ્રસાર અને સંક્રમણનાં સાધનોનો ખાસ્સો વિકાસ થતો જાય છે. તેનો લાભ ગઝલ જેવા નાજુક, નમણા કાવ્યસ્વરૂપને પણ મળતો રહે છે, અને ધીમે ધીમે સમૂહ માધ્યમની કળા અને Performing art તરીકે ગઝલનો વિકાસ-આલેખ દોરાતો રહ્યો. અગાઉ સામયિકો ઓછાં હતાં. મુદ્રણકળાનો પણ એટલો બધો વિકાસ થયો નહોતો. પ્રકાશકો પણ જૂજ હતા. તેથી ગઝલની રજૂઆત માટે એકમાત્ર સાધન આ મુશાયરાનો મંચ હતો. હજી આજે પણ મુશાયરાની પ્રથા ચાલુ છે. આવા મુશાયરાને કવિમુશાયરો, કવિસંમેલન, કવિમિલન, કવિગોષ્ઠિ જેવાં નામો આપવામાં આવે છે. આકાશવાણીનાં કેન્દ્રો પરથી ગઝલ પઠનના કાર્યક્રમો અને મુશાયરા પ્રસારિત કરવામાં આવે છે. સુગમ સંગીતના કાર્યક્રમોમાં પણ ગાયકો ગીત ઉપરાંત ગઝલ ગાતા સાંભળવા મળે છે. આમ શ્રવણભોગ્ય કળા તરીકે ગઝલને સ્થાન મળ્યું છે. હવે તો દૂરદર્શન જેવાં દૃશ્ય-શ્રાવ્યનું અસરકારક અને સબળ માધ્યમ પણ લોકોના ઘરના દીવાનખાના સુધી પહોંચ્યું છે. તેમાં પણ મુશાયરાના કાર્યક્રમો જોવા-સાંભળવા મળે છે. રાષ્ટ્રીય કક્ષાના સુપ્રસિદ્ધ ગાયકો પણ પોતાના કંઠના સથવારે ગઝલને દૂરદર્શન પરથી વહેવડાવે છે. દૂરદર્શન પરથી છાસવારે પ્રસારિત થતાં મુશાયરા અને ગઝલ-ગાયિકીના કાર્યક્રમોને લીધે ગઝલને નવી ક્ષિતિજ સાંપડી છે. ચલચિત્રોમાં પણ ગીતનું સ્થાન ગઝલે લીધું છે. ગઝલની લોકપ્રિયતાને ચાર ચાંદ લાગ્યા છે. ગઝલ-પઠન અને ગઝલ-ગાયનની દૃશ્ય-શ્રાવ્ય કેસેટ્સ પણ હવે ઉપલબ્ધ બની છે. આમ વિશ્વમાં બનતી છેલ્લામાં છેલ્લી ઘટના, તાજા સમાચાર તથા સમીક્ષા સાથે ગઝલ પણ વ્હેલી સવારે જનસમુદાયનાં દ્વાર ખખડાવે છે. આમ ગઝલ હવે અજાણી રહી નથી. તેણે લોકપ્રિયતાના અને આવકારના સીમાડા સર કરી લીધા છે. મુશાયરાનો મંચ, આકાશવાણી, દૂરદર્શન, દૈનિકો, સાપ્તાહિકો, સામયિકો, ચલચિત્ર, ઓડિયો-વીડિયો કેસેટ્સ જેવાં શક્તિશાળી માધ્યમો દ્વારા ગઝલ સાચા અર્થમાં સમૂહ માધ્યમની કળા બની ચૂકી છે.

*

('અધીત : પંદર')