અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/મધ્યકાલીન કથામૂલક સાહિત્ય : રાસ-મૂલ્યાંકનનાં ધોરણો
બળવંત જાની
રાસસાહિત્યસ્વરૂપની કૃતિઓનાં મૂલ્યાંકનનાં ધોરણોવિષયક વક્તવ્ય તૈયાર કરતી વખતે મારા મનમાં બે પ્રશ્નો ઉદ્ભવેલા, એક તો મારે આ મુદ્દાઓ કોની સમક્ષ રજૂ કરવાના છે? અને બીજું આ મુદ્દાઓ હું ક્યારે તારવી રહ્યો છું? હું મારા આ મુદ્દાઓ ગુજરાતી ભાષા-સાહિત્યનાં અભ્યાસનિષ્ઠ વિદ્વાનો, અધ્યાપકો સમક્ષ મૂકી રહ્યો હોઈને કેટલાક સંદર્ભોનો ટૂંકમાં નિર્દેશ કરીને કે એના વિશ્લેષણમાં બહુ ન જઈને માત્ર વિધાનો દ્વારા જ મારા મુદ્દાઓ મૂકતો જઈશ અને એના સમર્થનરૂપે ઉદાહરણો પણ ઉચિત સ્થાને પ્રસ્તુત કરીશ. બીજું, આ મુદ્દાઓ વીસમી સદીના અંતિમ ચરણમાં આપણે પ્રવેશી ચૂક્યા છીએ ત્યારે કહી રહ્યો છું. જ્ઞાનની કેટકેટલી સામગ્રી ઉપલબ્ધ છે. આંતરરાષ્ટ્રીય પરિષદોમાં વંચાયેલા નિબંધોનાં તારણોથી આપણે કેટલી ઝડપથી અભિજ્ઞ થઈ શકીએ છીએ! ચરિત્રમૂલક કથાસાહિત્ય વિષયે વિશ્વકક્ષાએ સન્માન્ય અભ્યાસીઓના નિબંધોનો સંચયગ્રંથ 'The clever Adulteress and other stories, જે થોડા સમય પહેલાં જ એટલે કે ડિસેમ્બર-૧૯૯૦માં Mosaic Press સંસ્થા દ્વારા પ્રકાશિત થયેલ છે. નેરેટિવ લિટરેચરને મૂલવવાના અનેક અભિગમો તથા અભ્યાસો પણ પ્રકાશિત થયા છે. ભારતીય ભાષા અને સાહિત્યનો પરિચય કરાવતો શ્રદ્ધેય કોશ ‘એન્સાઈકલોપીડિયા ઑફ ઇન્ડિયન લિટરેચર’ પણ પ્રકાશિત થઈ રહેલ છે. મધ્યકાલીન ગુજરાતી ભાષાસાહિત્યનો પણ પ્રમાણભૂત કોશ આપણે ત્યાં સુલભ છે. ડૉ. હરિવલ્લભ ભાયાણી, ડૉ. હસુ યાજ્ઞિક, ડૉ. એ. એન. ઉપાધ્યાયે અને પ્રોફે. જયંત કોઠારીના મધ્યકાલીન કથાસાહિત્યના સંશોધનમૂલક અભ્યાસવિષયક ગ્રંથો ઉપરાંત કેટલાક સંશોધન-મહાનિબંધો પણ પ્રકાશિત થયા છે. આજ સુધીમાં આટલી બધી સામગ્રી ઉપલબ્ધ હોઈને મારા આ અભ્યાસમુદ્દાઓમાં મેં એને પણ ખપમાં લીધેલ છે. આમ, આ બે પ્રશ્નોને કારણે સ્વાધ્યાય અભ્યાસને જે પરિમાણ મળ્યું તેના પરિણામરૂપ આ વક્તવ્ય છે.
અભ્યાસપદ્ધતિ અને અભિગમ
રાસસાહિત્યસ્વરૂપની કૃતિઓનાં મૂલ્યાંકનનાં ધોરણોના અભ્યાસ માટે મેં ‘ગુજરાતી સાહિત્યકોશ (મધ્યકાળ) ખંડ-૧’(ઈ.સ. ૧૯૮૯)ને આધારે સમયાનુક્રમે મુદ્રિત રાસકૃતિઓને સંખ્યા અને વિષયસામગ્રીને નજર સમક્ષ રાખીને અલગ તારવેલી. એના નિષ્કર્ષરૂપે કહી શકાય તેમ છે કે ઈ.સ. ૧૧૫૦થી ૧૮૫૦ સુધીમાં મહત્ત્વની ગણી શકાય એવી હજારેક રાસ્કૃતિઓ ઉપલબ્ધ છે. આટલી જ બીજી હજુ અમુદ્રિત છે. આટલી વિપુલ સંખ્યામાં જે સ્વરૂપમાં કૃતિઓ રચાઈ હોય એ સ્વરૂપની કૃતિઓનાં મૂલ્યાંકનનાં ધોરણો કેવા પ્રકારની અને કેટલી કૃતિઓને આધારે ચર્ચવાં? આવો એક બીજો પ્રશ્ન પણ મારી સમક્ષ હતો. એથી મેં આમાંની મહત્ત્વની કૃતિઓને વિષયસામગ્રીને આધારે વિભાજિત કરી. આ વિભાજનથી ખ્યાલ આવ્યો કે, રાકૃતિઓ ૧. ધર્મચરિત્રમૂલક, ૨. ઐતિહાસિકચરિત્રમૂલક અને ૩. લૌકિકચરિત્રમૂલક - એમ ત્રણ પ્રકારની કથાઓ પર મંડિત છે. સંખ્યા, અભિવ્યક્તિનું સ્વરૂપ અને સમયને ધ્યાનમાં લઈને પ્રતિનિધિરૂપની પંદર કૃતિઓ અભ્યાસ માટે પસંદ કરીને મેં આ સ્વાધ્યાય તૈયાર કરેલ છે.
૧. ધર્મચરિત્રમૂલક રાસકૃતિઓ :
૧. ‘ભરતેશ્વર-બાહુબલિ રાસ' શાલિભદ્રસૂરિ
૨. ‘પંચમાંડવચરિત્ર રાસ' શાલિભદ્રસૂરિ
૩. ‘નલરાય-દવદંતિ રાસ' ઋષિવર્ધનસૂરિ
૪. ‘જંબુસ્વામી રાસ' યશોવિજયજી
ર. ઐતિહાસિકચરિત્રમૂલક રાસકૃતિઓ :
૧. ‘વસ્તુપાલ-તેજપાલનો રાસ મેરુવિજય
૨. ‘ખેમા-હડાલિયાનો રાસ લક્ષ્મીરત્ન
૩. 'હમ્મીર પ્રબંધ' અમૃતકળશ
૪. 'વિમલપ્રબંધ' લાવણ્યસમય
૫. ‘શાંતિદાસ શેઠજીનો રાસ' ક્ષેમવર્ધનગણિ
૩. લૌકિકચરિત્રમૂલક રાસકૃતિઓ :
૧. ‘વિદ્યાવિલાસ પવાડુ' હીરાણંદસૂરિ
૨. ‘સગાળશા રાસ’ કનકસુંદર
૩. ‘રત્નચૂડ રાસ’ રત્નસૂરિ શિષ્ય
૪. ‘માનતુંગ-માનવતી ચોપાઈ’ અભયસોમ
૫. ‘અંબડવિદ્યાધર રાસ' મંગલમાણિક્ય
૬. ‘ચંદનમલયાગિરિ રાસ ક્ષેમહર્ષ
સંજ્ઞા- નામકરણ (Nomenclathre):
આ રાસકૃતિઓ (બહુધા ચોપાઈ, પ્રબંધ અને પવાડા જેવી સંજ્ઞામાં સમાવિષ્ટ છે. સાતસો વર્ષ જેટલી લાંબી પરંપરામાં સ્વાભાવિક છે કે, એક સ્વરૂપે ઘણો વિકાસ સાધ્યો હોય, એટલે ચોપાઈ, પ્રબંધ કે પવાડા સંજ્ઞા ધરાવતી કૃતિઓ) હકીકતે તો રાસ સંજ્ઞાને જ લક્ષે છે. વળી આજે છે એટલી નામકરણની સભાનતા એ સમયે ન હતી, એટલે જૈનકથાસાહિત્યમાં રાસ સંજ્ઞા હેઠળ જ આ બધી સંજ્ઞાવાળી કૃતિઓને સમાવવી ઉચિત ગણાશે. વળી ભેદરેખાઓ આંકી શકાય એવાં ઉદાહરણો પણ તારવી શકાય તેમ નથી. એટલે રાસસ્વરૂપની ચર્ચામાં આ બધી સંજ્ઞાઓ ધરાવતી કૃતિઓને પણ સામેલ કરેલ છે. રાસસાહિત્યસ્વરૂપની કૃતિઓની મૂલ્યાંકનનાં ધોરણોની મારી ચર્ચા ત્રણ વિભાગમાં રજૂ કરી છે. પ્રથમ તો વિષયવસ્તુ, તેના નિરૂપણની પરંપરા અને તેના સંદર્ભવિષયક મૂલ્યાંકનના મુદ્દાઓ રજૂ કરીશ, પછી ભાષા, પદબંધ અને પદરચનાવિષયક મૂલ્યાંકનના મુદ્દાઓ રજૂ કરીશ. અને છેલ્લે કયા કયા અભિગમો આ માટે કઈ રીતે ખપમાં લઈ શકાય એ અંગે વિચારણા રજૂ કરીશ.
(૧)
૧.૧ : રાસકૃતિઓનાં Theme અને Contentમાં રહેલ મૂલ્યબોધ અભ્યાસનો વિષય બની શકે. કેટલાક સતત પ્રયોજાતા Recurrent Theme છે, એની તપાસ કરીને ભિન્ન-ભિન્ન સર્જકે Themeની અવનવી ક્ષમતાને કઈ રીતે તાગી છે. એને આધારે પણ રાસ્કૃતિઓનું મૂલ્યાંકન થઈ શકે. નળદમયંતી કથાનક, ચંદનમલયાગિરિ કથાનક, ભરતબાહુબલિ કથાનક ઇત્યાદિને આનાં ઉદાહરણ તરીકે દર્શાવી શકાય. ‘વસ્તુપાલ-તેજપાલનો રાસ'માં મેરુવિજય સમગ્ર પરંપરામાં નોખો તરી આવે છે. વસ્તુપાલના ચરિત્રની રેખાઓ ઉપસાવતાં પહેલાં પાટણની જાહોજલાલી વૈભવને આલેખવા માટે કાણા રાણાનું ભુલા પડવું અને એને કારણે ઊભા થતા પ્રસંગોને નિરૂપીને એકસાથે રાજ્યવહીવટ અને સામાજિક વિગતોને એમાં વણી લીધેલ છે. બીજી ઢાલનો ૧૫થી ૧૯ કડીનો એ આખો પ્રસંગ સમગ્ર રાસકૃતિના સંદર્ભમાં કઈ રીતે મહત્ત્વનો છે? એનો ખ્યાલ આ પ્રકારની તપાસથી આવી શકે. નળદમયંતી કથાનકમાં પણ કેટલાક પ્રસંગોને ઉદાહરણો તરીકે દર્શાવી શકાય. વિષયસામગ્રીને વિભાજિત કરીને કઈ રીતે આલેખી છે? એ વિભાજનને કારણે ચોટ, કુતૂહલ પ્રગટે છે? કથાનકમાં અમુક - તમુક પ્રસંગોના Selection Rejectionને કારણે કૃતિને શો લાભ થયો છે? આવા બધા પ્રશ્નો પણ આ નિમિત્તે અભ્યાસનો વિષય બની શકે. ‘ભરતેશ્વર બાહુબલિરાસ'માં કથાનકનું ઠવણીમાં વિભાજન થયું છે, એમાંથી સમગ્ર કથાને સમુચિત રીતે વિભાજિત કરવાની કવિની સૂઝનો પરિચય મળે છે. ખેમા હડાલિયાનો રાસ'માં કથાને કૌશલ્યપૂર્વક વિભાજિત કરી જણાય છે. ૧૩૪ કડીની આ કથામાં પ્રારંભે પાવાગઢ - ચાંપાનેરમાં મહંમદ બેગડાના શાસન સમયનું રાજકીય ચિત્ર છે. સાદુલખાન નામનો ઉમરાવ અને મહાજન વણિક રાજ્યસભામાં જતા હોય છે. રસ્તામાં બંમભાટ મહાજનની બિરદાવલી ગાય છે. ઉમરાવ, મહંમદ બેગડાની સમક્ષ રજૂઆત કરે છે કે બંમભાટ તમારો ગરાસ ખાય છે અને બિરદાવી મહાજનની ગાય છે. એટલે પાદશાહે બંમભાટને બોલાવીને આ અંગે પૃચ્છા કરીને કારણ જણાવવા કહ્યું. બંમભાટે કહ્યું કે, મેં કહેલાં બિરુદો સાચાં છે. મહાજનના પૂર્વજોની એ પરંપરા આ મહાજન પણ જાળવશે. પછી સમય જતાં ચાંપાનેરમાં દુષ્કાળ પડ્યો. પાદશાહે બંમભાટને કહ્યું કે તમારા મહાજનને કહો કે દુષ્કાળમાં અન્ન પૂરું પાડે. બંમભાટે મહાજનને હકીકત વર્ણવી, મહાજને એક મહિનાની મહેતલ માગી અને રૈયતને આખા વરસનું અન્ન પૂરું પાડવાની વ્યવસ્થા માથે લીધી. ગામે-ગામ ફરીને મહાજને છ-એક માસના પુરવઠાની ગોઠવણી કરી. રસ્તામાં હડાળા આવ્યું. હડાળાના મહાજન ખીમાએ મહાજનને ભોજન માટે નિમંત્ર્યા. ભોજન પછી મહાજનને નીકળવાનું પ્રયોજન પૂછ્યું. ખીમાના દિદાર જોઈને મહાજનને શ્રદ્ધા બેસતી ન હતી, પરંતુ ભાવ જોઈને મૂળ વાત કહી, ખીમાએ ૩૬૦ દિવસનું અન્ન પૂરું પાડવાનું કબૂલ્યું. મહાજને પાળેલા વચનની આ કથા છે. પાદશાહે ખીમાને આ બધી સમૃદ્ધિનું રહસ્ય પૂછ્યું તો ખીમાએ કહ્યું કે, પળી ભરીને આપું છું ને પાલી ભરીને લઉં છું. આટલા કથાનકને કુતૂહલ, ચોટ અને રસ જળવાય એ રીતે દુહા, ચોપાઈ અને વિવિધ રાગ-ઢાળમાં વિભાજિત કરીને આલેખેલ છે. ‘વિદ્યાવિલાસ પવાડુ’માં પણ કથાનક વિભાજન પાછળની હીરાણંદસૂરિની સૂઝનો પરિચય મળી રહે છે. ‘પંચપાંડવચરિત્ર રાસ'માં પણ શાલિભદ્રસૂરિની આ શક્તિનો સુંદર પરિચય મળે છે. કથાનકના વિભાજન અને મૂળકથામાંથી કાંટ-છાંટ દ્વારા મોટા ભાગના સર્જકોએ એમની એ શક્તિમત્તાનો પરિચય કરાવ્યો છે. ૧.૨ : વિષયસામગ્રીની નિરૂપણપરંપરાને પણ સૂક્ષ્મતાથી તપાસવાની હોય, તેમાં શા શ! પલટાઓ આવ્યા? આ પલટા પાછળનાં કારણો શાં? રાસકૃતિ, પુરાણ કે ઇતિહાસનાં ચરિત્રોને પોતાના Committed શ્રોતાવર્ગ સમક્ષ રજૂ કરવા માટે રચાઈ છે એ ખરું. એક આ આશય હોઈ શકે, પરંતુ, કૃતિના deep layerમાં જતાં કૃતિની મહત્તાનો ખરો ખ્યાલ આવે છે. જ્ઞાનવૈરાગ્યનો બોધ- ઉપદેશ કરતી જણાતી કૃતિમાં હકીકતે તો કોઈ ને કોઈ શાશ્વત પ્રશ્નોને પણ વણી લીધેલ હોય છે. પ્રથમ દૃષ્ટિએ બોધ-ઉપદેશ અને જનમનરંજન જણાય પણ ઊંડી તપાસને અંતે ખ્યાલ આવે છે કે આ સાધન છે. સાધ્ય તો છે કાંઈક ગહન ગંભીર ઉદ્દેશ. એ માટે જ કૃતિની મૂળ કથાથી ફંટાઈને આગવા કથાનકનું નિર્માણ કરવામાં આવતું હોય છે. પરંપરાનું સીધું અનુસરણ નથી, પરંતુ એમાં અને આ પરિવર્તન પાછળ એક ચોક્કસ પ્રકારનો ઉદ્દેશ અંતર્નિહિત હોય છે. Futility of human effort અને human destiny જેવા બે મુદ્દાઓ મને અહીં મોટા ભાગની રાસસ્કૃતિઓમાં દૃષ્ટિગોચર થયા છે. 'ભરતેશ્વર-બાહુબલિ રાસ'માં પાત્રોને અસારતાનો અનુભવ થાય છે. એ માટે આખી પ્રક્રિયારૂપ જાણે કે, યુદ્ધનું આલેખન છે. પાત્રોની અસારતાનો અનુભવ શ્રદ્ધેય લાગે છે. આ પાત્રો જે જે પરિસ્થિતિમાંથી પસાર થયાં છે, યુદ્ધની ભયાનકતાનો એમને જાતઅનુભવ થયો છે. પણ આખરે અંતે શું? અંતે એમનો ગર્વ ટળે છે. પાત્રોનું આ પરિવર્તન આલેખીને પરમસત્યનો મહિમા ગાયો છે. ‘જંબુસ્વામીરાસ'માં પણ અંતે જે પરિવર્તન આવે છે એ શ્રદ્ધેય જણાય છે. ‘રત્નચૂડ રાસ', 'અંબડવિદ્યાધરરાસ’ અને ‘ચંદનમલયાગિરિ રાસ'માં કથામાં કથા અને એમાં કથાઓ પ્રયોજીને નિયતિના અને ચાતુર્યના તત્ત્વને ભારે કૌશલ્યથી નિરૂપેલ છે. વિનયચંદ્ર, માનતુંગ, માનવતી અને રોહા જેવાં ચરિત્રો જે રાસકૃતિઓમાં છે એમાંથી પણ નિયતિનું પ્રાબલ્ય પ્રગટે છે. આમ, માનવજીવનની અસારતા -વિફળતા અને દેવ-નિયતિના આધિપત્યને લાક્ષવા આ કૃતિઓમાં શી-શી યોજના વિષયસામગ્રી સંદર્ભે થઈ છે એ તપાસ અને મૂલ્યાંકનનો વિષય બને તો કૃતિનો મૂળ મર્મ પામી શકાય. આ માટે કથનકેન્દ્રોની જે રીતે પસંદગી કરી હોય એ, તથા કથનરીતિઓ દ્વારા ઉપર્યુક્ત સત્યો કઈ રીતે દઢ બનીને ઉદ્દઘાટિત થતાં હોય છે. એની તપાસ આપણા અભ્યાસનો વિષય બનવો જોઈએ. ૧.૩ : મધ્યકાલીન રાસકૃતિને મૂલવતી વખતે text ઉપરાંત એના contextને પણ ધ્યાનમાં લેવો જોઈએ. આ બધી રચનાઓને એનું એક Comrnitted audience હતું. પરિણામે એમાં વૈરાગ્ય, ઈશ્વરાભિમુખતા, નીતિમત્તાના આગ્રહો ઇત્યાદિનો મહિમા સવિશેષપણે પ્રવેશે એ સ્વાભાવિક છે. ઉપરાંત Socio-cultural contextને પણ ધ્યાનમાં લેવાનો રહે. સમાજને સંસ્કારવાના ભાગરૂપે આ કૃતિઓ રચાતી. શાંતિદાસ શેઠની દાનવૃત્તિ, વસ્તુપાલના ચરિત્રની અનેક લાક્ષણિકતાઓ તારસ્વરે પ્રસ્તુત થઈ હોય એવું આ કારણે બને. આ સંદર્ભને જો નજર સમક્ષ રાખીએ તો જે તે કૃતિઓમાંની આવી અતિશયોક્તિઓ આપણને મર્યાદારૂપ ન લાગે. Context of traditionને પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે. અમુકતમુક પરંપરાનું અનુસરણ આવશ્યક પણ હોય, કેટલાંક વ્રતોના પ્રભાવો, દાનનાં ફળ અને પાત્રોને પોતાનાં કાર્યોના કર્મના આધારે પ્રાપ્ત થતાં ફળની વિગતો આખી પરંપરામાં સરખી હોવાની. પછી એ જંબુસ્વામી હોય કે ભરત, નળ હોય કે પ્રભવ ચોર. આ બધાંને આધારે રાસકૃતિને તપાસવાની હોય, એમાં પ્રયોજાયેલી સંપ્રદાયની પરિભાષાઓ, ક્રિયાકાંડો અને વ્રતોત્સવોની પાછળ પણ આખરે એક સંદર્ભ હોય છે. આ સંદર્ભને નજર સમક્ષ રાખીને કૃતિની તપાસ કરવાથી કૃતિની મહત્તાનો પણ ખ્યાલ આવી શકે. ૧.૪ : મધ્યકાલીન રાસકૃતિઓના કર્તાઓ બહુધા જૈનમુનિઓ છે. આ મુનિઓ માટે કાવ્યશિક્ષણની જોગવાઈ હોય છે. ચોક્કસ પ્રકારના પાઠ્યક્રમથી માત્ર છંદજ્ઞાન નહીં પણ 'વર્ણકસમુચ્ચય', 'રિષ્ટસમુચ્ચય’, ‘અનેકાર્થી કોશ' ઇત્યાદિ સમુચ્ચયગ્રંથોના અભ્યાસને કારણે કેટલુંક સામ્ય એમની રચનાઓમાં વર્ણન-નિરૂપણ સંદર્ભે આવે જ. ‘હમ્મીર પ્રબંધ', ‘ભરતેશ્વર- બાહુબલિ રાસ', 'વસ્તુપાલ તેજપાલનો રાસ', ‘વિમલ પ્રબંધ'અને 'વિદ્યાવિલાસ પવાડુ'નાં નગરવર્ણનો, નારીવર્ણનો અને શુકન-અપશુકનનાં નિરૂપણને આનાં ઉદાહરણો તરીકે નિર્દેશી શકાય. એટલે આ બધાં વર્ણનો-નિરૂપણો-ને કાવ્યશિક્ષણના પરિણામરૂપ ગણવાનાં હોય એમાંથી તત્કાલીન સમાજનું અને લોકમાન્યતાઓનું દર્શન પ્રગટે છે એમ આ કારણે જણાવી શકાય નહીં. પરંતુ આ નગરવર્ણનો, વનવર્ણનો કે લૌકિક માન્યતાઓ, શુકન-અપશુકનના ખ્યાલો વગેરેનું નિરૂપણ કૃતિમાં આવશ્યકતા કે અનિવાર્યતારૂપ છે? એ બધા સંદર્ભોનો વિનિયોગ પાત્ર કે પ્રસંગને ઔચિત્યપૂર્વક ઉપસાવવામાં થયો છે કે નહીં? એની તપાસ આપણા અભ્યાસનો વિષય બની શકે.
(૨)
૨.૧ : મધ્યકાલીન રાસકૃતિઓની એક વિશેષતા એ છે કે, એમાં બારમી સદીથી માંડીને ઓગણીસમી સદીના પૂર્વાર્ધ સુધીની દાયકા-અર્ધદાયકાની રચનાઓ ઉપલબ્ધ છે. એટલે એમાંના વ્યાકરણનાં બદલાતાં રૂપો, વાક્યવિચાર, વિભક્તિઓ, પ્રત્યયો, ભાવાનુવાદોમાં પ્રયોજાયેલાં શબ્દો, રૂઢિપ્રયોગો, વ્યક્તિનામો ઇત્યાદિની પણ તપાસ થવી જોઈએ. જે-તે કૃતિમાંથી મળતાં વ્યાકરણનાં રૂપોની માત્ર તારવણી નહીં પણ ઐતિહાસિક પરિપ્રેક્ષ્યથી એના બદલાયેલ સ્થિત્યંતરોના વળાંકોનો પરિચય કરાવવાનો હોય. એટલે કે, એને આધારે ઐતિહાસિક વ્યાકરણ પણ તૈયાર કરી શકાય એવી સગવડ છે. ૨.૨ : મૂલ્યાંકન વખતે Structure of the Verseની પણ તપાસ થવી જોઈએ. કર્તાએ વર્ણ, માત્રા અને લય એમાંથી શાના પર વિશેષ ભાર મૂકયો છે? આ મુકાયેલો ભાર અર્થપૂર્ણ છે? એની તપાસ પણ થવી જોઈએ. છંદમાંથી તેમ ઢાળ, દેશીમાંથી પ્રગટતો લય ભિન્ન ભિન્ન હોય છે. છંદમાં તો લયની ચોક્કસ તરાહ હોય છે, અને એનો બહુધા ભંગ થતો નથી. જ્યારે દેશીમાં તો કોઈ ઢાળને આધારે રચના આવતી હોય છે. છંદો પઠન માટે હોય છે. એને ગાનમાં પલટાવવા નૈતિક માત્રા લગાડીને ગાનમાં ઢાળી દેવામાં આવતા હોય છે. આવા પ્રસંગો રાસકૃતિમાં ક્યાં ક્યાં છે? એ દ્વારા શ્રોતાઓને માત્ર ગીત સંભળાવવાનું વલણ છે કે, સંવેદનમૂલક કથાભાગ ગીતના માધ્યમથી પ્રસ્તુત થાય છે? એ તપાસ પણ થઈ શકે. ‘વિદ્યાવિલાસ પવાડુ’માં જે જે ગીતો વચ્ચે પ્રયોજાયાં છે એ નાયિકાના મનોભાવોને પ્રત્યક્ષ કરે છે. ૧૦૨થી ૧૦૬ કડીમાં નૃત્ય કરતી સૌભાગ્યસુંદરીનું જે નાદચિત્ર અંકાયું છે, એ વિરલ છે. અહીં ગધાળુ લય કે વચનિકા છે? વિલંબિત લય છે? કે દૂતલય છે? એની અર્થવત્તા પણ તપાસ દરમિયાન આપણા અભ્યાસનો વિષય બનવી જોઈએ. અહીં Voice of the author સર્જકનો સૂર tone of the author સર્જકનો કાકુ અને Foculization અર્થાત્ સર્જકે શેના પર કેન્દ્રીકરણ કર્યું છે? આવી બધી તપાસ પણ મૂલ્યાંકન દરમિયાન થવી જોઈએ. આખરે એમાંથી મૂલ્યબોધ કઈ રીતે દૃઢ બને છે એ તારવવાનું વલણ અપનાવું જોઈએ. ‘ચંદનમલયાગિરિ રાસ'માં -
‘કિહાં ચંદન, કિહાં મલયાગિરિ, કિહાં સાયર, કિહાં નીર;
જિમજિમ પડઈ અવત્થડી, તિમ-તિમ લહઈ શરીર.’
જેવા એક દુહા પર કેન્દ્રીકરણ કરીને નિયતિના પ્રાબલ્યને નિરૂપેલ છે. 'હમ્મીર પ્રબંધ'માં લગ્નોત્સવનું વિગતે આલેખન છે પણ એ પછીના યુદ્ધના આલેખનને કરુણનો પટ આપવા માટે એ ખપમાં લેવાયું હોય એમ લાગે છે. આમ લગ્નવિધિના આલેખન પાછળ કેન્દ્રીકરણ કરીને અંતે ધેરો કરુણ પ્રગટાવી શક્યા છે. Voice of the authorમાંની વાણીની ભાતભાતની ખૂબીઓ ખોલી બતાવવાની હોય. ‘ખેમા હડાલિયાનો રાસ’માં બંમભાટ જે રીતે પાદશાહને મહાજનના બિરુદોવિષયક પોતાની દૃઢ પ્રતીતિ સંક્રમિત કરવા સુશોભિતનો ઉપયોગ કરે છે. ‘ભરતેશ્વર બાહુબલિ રાસ'માં બાહુબલિ કટાક્ષથી ભરતના દૂતને વાક્યો કહે છે એ ઉપરાંત ‘વિદ્યાવિલાસ પાડુ’, ‘રત્નચૂડ રાસ', 'અંબડવિદ્યાધર રાસ’ અને ‘માનતુંગ માનવતી ચોપાઈ'માંથી પણ આ માટે ઉદાહરણો ચીંધી શકાય તેમ છે. સાદૃશ્ય, વિરોધ, તિર્યક્તા, વક્રતા, કટાક્ષ, હાસ્ય અને વ્યંગને અનુષંગે કૃતિનો કેન્દ્રસ્થભાવ કેવી રીતે પ્રત્રટે છે એ બધી વિગતો પ્રસ્તુત કરી શકાય. અહીં કલ્પનાનું તત્ત્વ કઈ રીતે ખપમાં લેવાયું છે એ શોધીને એનાં પરિણામો પણ નિર્દેશી શકાય. ૨.૩ : કથાનકના પ્રસ્તુતીકરણ માટે કર્તાએ કથામાં ઢાળ-દેશીઓ પસંદ કરેલ છે. કથામાં છંદ અને અલંકારોનું નિરૂપણ થયું છે? પ્રાસ-અનુપ્રાસ વર્ણસગાઈના નિરૂપણથી કૃતિને રસકીય પરિમાણ પ્રાપ્ત થતું હોય તો એને નિર્દેશવાનું હોય. ઢાળ-દેશીની પંક્તિઓ જોતાં એમાં તત્કાલીન પ્રચલિત ગીતોની પંક્તિમાંથી જૈનેતર વિષયોનો ખ્યાલ આવે છે. એ સમયનાં અત્યં તલોકપ્રિય ગીતો આપણે આજે ગુમાવી બેઠાં છીએ. વિવિધ દેશીઓનો પરિચય અને એને નિરૂપવામાં કંઈ સૂઝ દાખવી છે કે નહીં? એની તપાસ પણ થઈ શકે. એમાંથી કર્તાની સંપ્રદાયથી પર રહીને ઢાળ-દેશી પસંદ કરવાની દૃષ્ટિનો પરિચય પણ મળે છે. ‘જંબુસ્વામી રાસ’, ‘માનતુંગ માનવતી ચોપાઈ’ અને ‘ખેમા હડાલિયાનો રાસ'માંનું દેશી-વૈવિધ્ય આ દૃષ્ટિએ ધ્યાનાર્હ છે. ડૉ. હરિવલ્લભ ભાયાણી અને ડૉ. હસુ યાજ્ઞિકે તો રાસ-કૃતિઓમાં ખપમાં લેવાયેલી જૈનેતર કૃષ્ણવિષયક દેશીઓને આધારે આપણે ગુમાવેલી કૃષિવિતાવિષયક એક સંશોધનિબંધ પણ તૈયાર કર્યો છે.
*
આ બધા મુદ્દાઓ કૃતિમાંથી તારવીને કે એના નિરૂપણને ખોળી કાઢવાથી કૃતિનું મૂલ્યાંકન થઈ જતું નથી. અભ્યાસીએ અહીં અટકવાનું નથી. ખરું મૂલ્યાંકન અહીંથી આરંભાય છે. સમગ્ર પરંપરાના સંદર્ભમાં આ નિરૂપણ કઈ રીતે મહત્ત્વનું છે. પરંપરાનું માત્ર અનુસરણ છે કે એમાં પોતીકી સૂઝ ભળી છે, એ શોધી બતાવવું જોઈએ. એટલે પરંપરા અને વૈયક્તિક સર્જકતા બેનો વિચાર મૂલ્યાંકનને વધારે પ્રસ્તુત ઠેરવે. આમ ખરી રીતે તો સમગ્ર પરંપરાના સંદર્ભમાં આખરે કૃતિનું ખરું મૂલ્યાંકન થઈ શકે. હકીકતે તો પરંપરાથી પરિચિત કર્તા પોતાની રીતે સર્જન દ્વારા પરંપરાને સમૃદ્ધ કરવા ઉત્સુક હોય છે, એટલે તો પરંપરાથી નિરૂપાતી આવતી કથા કે કથનકળાના ઘટકોને એ પુન: પોતાની પ્રતિભાનો પાસ આપવા ઉઘુક્ત થતો હોય છે. અને એમ ખરા અર્થમાં સાહિત્યસ્વરૂપ (Literary Genre) એક કળાસ્વરૂપ (art, form) તરીકે વિકાસ પામતું હોય છે. વિકાસનાં આવાં કોઈ સ્થિત્યંતરો જો કૃતિ પ્રગટાવી જતી હોય તો એ અત્યંત મહત્ત્વનું છે. એની તપાસ આપણાં મૂલ્યાંકનનો મૂળભૂત હોદ્દો બનવો જોઈએ.
(૩)
સૌથી મોટો પ્રશ્ન એ છે કે કોઈ ચોક્કસ અભિગમથી આ કૃતિઓની તપાસ થઈ શકે ખરી? આ દૃષ્ટિએ વિચારતાં કથાસાહિત્યનાં મૂલ્યાંકન માટે વિશ્વભરમાં પ્રચલિત અભિગમોમાંથી મને બે-ત્રણ અભિગમો ઉચિત જણાયા છે. ૩.૧ : કથાઘટક - Motifs ને આપણા અભ્યાસનો વિષય કૃતિમૂલ્યાંકન સમયે બનાવી શકાય. સ્ટીથ થોમ્સનની મોટિફ ઇન્ડેક્ષ છે એને જ અત્યારે તો નજર સમક્ષ રાખવાની હોય. પણ આખરે ભારતીય કથાસાહિત્યની પણ એક મોટિફ ઇન્ડેક્ષ આપણે તૈયાર કરવી પડશે. આપણા સાંસ્કૃતિક, ઐતિહાસિક અને સામાજિક પરિવેશને કારણે કેટલાંક indegenous motifs પણ છે. એની તારવણી અને માંડણી આપણે જ માંડવી પડશે. એ તો દૂરની લાંબા ગાળાની વાત, પણ અત્યારે તો આ અભિગમથી જ્યારે રાસ્કૃતિનું મૂલ્યાંકન કરીએ ત્યારે એવા આપણા પોતીકા કથાઘટકોને અહીં કેવી રીતે સ્થાન મળ્યું છે, એ આપણી તપાસનો વિષય બની શકે. ૩.૨ : તુલનાત્મક અભિગમ comparative approachથી રાસકૃતિઓનું મૂલ્યાંકન થઈ શકે. આ માટે બે પદ્ધતિઓ અપનાવી શકાય. ૩.૨-૧ : એક તો એક જ કથાનક સમાન સ્વરૂપની ભિન્ન ભિન્ન કૃતિઓમાં કઈ રીતે અપનાવાયું છે એનો અભ્યાસ થઈ શકે. આવાં સમાન કથાનકો, રાસસ્વરૂપમાં દૃષ્ટિગોચર થાય છે. જેમ કે, નલકથાનક, વિદ્યાવિલાસ કથાનક ચંદનમલયાગિરિ, ભરતબાહુબલિ અને વસ્તુપાલ કથાનક. આ બધાં કથાનકોને ભિન્ન ભિન્ન કર્તાઓ જુદા જુદા સમયે નિરૂપે છે ત્યારે તેઓ એકમેકથી કઈ રીતે જુદા પડે છે એની તુલનાત્મક અભિગમથી તપાસ થઈ શકે. ઉપરાંત વર્ણન, શુકનાવળી, કયનપદ્ધતિઓ વગેરે જેવી પ્રયુક્તિઓ પણ આ સ્વરૂપમાં કઈ કઈ રીતે પ્રયોજાતી રહી છે એની તપાસ પણ તુલનાત્મક અભિગમથી સમાન સાહિત્યસ્વરૂપ સંદર્ભે થઈ શકે. ૩.૨-૨ : અન્ય કથામૂલક સાહિત્યસ્વરૂપોના સંદર્ભે પણ આ કથાનકોનો તુલનાત્મક અભિગમથી અભ્યાસ થઈ શકે. સમાન કથાનક ભિન્ન ભિન્ન સાહિત્ય- સ્વરૂપમાં કર્તા પાસેથી એવી તે શી માવજત Treatment પામે છે કે રાસ ન બનતા આખ્યાન બને છે કે, પદ્યવાર્તા બને છે? એ વિચારી શકાય. નવલકથાનકના નિરૂપણમાં એવું તે શું કર્યું કે એ કૃતિ આખ્યાન- સ્વરૂપની ન બનતાં રાસસ્વરૂપની કૃતિ બની. અથવા ચેલૈયાનું કથાનક કઈ રીતે પ્રયોજાયું કે, એ આખ્યાન નહીં પણ રાસકૃતિ બની. વિદ્યાવિલાસ પવાડાના નિરૂપણમાં શામળે એવું તે શું પરિવર્તન આણ્યું કે, એ પદ્યવાર્તા બની. ચંદનમલયાગિરિ રાસના કર્તા ક્ષેમહર્ષથી શામળે કઈ રીતે જુદા પડીને ચંદનમલયાગિરિનું સર્જન કર્યું કે એ કૃતિ પદ્યવાર્તાસ્વરૂપની કૃતિ બની? કથનકળાના અભિવ્યક્તિના સ્વરૂપના Mode of Presentationના વિવિધ તરીકાઓ સાહિત્યસ્વરૂપમાં કેવી રીતે પ્રવર્તમાન હોય છે એનો પરિચય આપણને આ પ્રકારની તુલનાત્મક અભિગમની ચર્ચામાંથી મળે. આ બધાં કથામૂલક સાહિત્યસ્વરૂપો વચ્ચે એક demarkation line પણ આપણે આંકી શકીએ. ૩.૨-૩ : આ કથાનકો ભારતની ભિન્ન ભિન્ન ભાષામાં પણ પ્રયોજાયેલાં છે. એ ભાષાની કૃતિઓ સાથે પણ આ કૃતિઓનો તુલનાત્મક અભિગમથી અભ્યાસ થઈ શકે. ચેલૈયાનું કથાનક મરાઠી તેમજ દક્ષિણ ભારતની ભાષાઓમાં પણ મળે છે. મૂળ આ કથા ત્યાંથી અહીં આવી છે. ઉપરાંત સંસ્કૃત, પાલિ, પ્રાકૃત કે અપભ્રંશ ભાષાના પ્રાચીન ભારતીય કથાસાહિત્યમાં અન્ય સ્થળે પણ આ કથાનકો પ્રયોજાયેલાં હોય છે. એટલે એ સંદર્ભે પણ તુલનાત્મક અભિગમથી અભ્યાસને પૂરો અવકાશ છે.
*
આખરે આ બધા અભિગમોને કારણે જ આપણે રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે આપણા અભ્યાસને મૂકી શકીશું. જ્યારે વીસમી સદીના અંતિમ ચરણમાં આપણે પ્રવેશી ચૂક્યા છીએ અને જ્ઞાનની આટલી બધી સામગ્રી ઉપલબ્ધ થતી જાય છે ત્યારે મૂલ્યાંકનનાં આપણાં ધોરણો પણ માત્ર સંપ્રદાયલક્ષી-પ્રદેશલક્ષી ન બની રહે, પરંતુ એ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરના સાર્વત્રિક બની રહે એ માટે આપણે દૃષ્ટિ દોડાવવાની હોય.
*