અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/પદ્યવાર્તા અને આખ્યાન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩૦. પધવાર્તા અને આખ્યાન

નાથાલાલ ગોહિલ

મધ્યકાલીન સાહિત્ય ધર્મના રંગે રંગાયેલું ઉપદેશાત્મક સાહિત્ય છે. જીવ, જગત અને ઈશ્વર વિશેની ગંભીર વાતો દ્વારા સંસારની માયામાંથી છૂટીને મહામૂલો માનવજન્મ મળ્યો છે તો જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યના માર્ગે પરમાત્માની પ્રાપ્તિ કરી આ જન્મ-મરણના ફેરામાંથી છૂટવાનું આ સાહિત્યે જણાવ્યું છે. મધ્યકાળમાં મધ્યકાલીન સંતોની પદ-ભજનવાણી ઉપરાંત લોકરંજન માટે પદ્યવાર્તાઓ અને આખ્યાનો પણ રચાયાં છે. મધ્યકાલીન રાસ, આખ્યાન, પ્રબંધ કે પદ્યવાર્તા લોકકથાને આપણે આજની વિવેચન વિભાવના ને પદ્ધતિના ધોરણે મૂલવી ન શકીએ. મધ્યકાલીન સાહિત્યનું સર્વસાધારણ માધ્યમ પદ્ય રહ્યું છે. એટલે કથા- વાર્તા પણ પદ્યમાં રચાય છે. પરંતુ ત્યારે સર્જકે કાવ્યકલાના ગુણો કે ભારતીય અલંકારશાસ્ત્રના સિદ્ધાંતો નજર સમક્ષ રાખ્યા નથી. તેમનું પ્રથમ લક્ષ્ય લોકાભિમુખ સાહિત્ય સર્જવાનું હતું. બહોળી આમજનતાને મનોરંજન આપવું હતું. આખ્યાન શિરોમણિ પ્રેમાનંદ કે પદ્યવાર્તાકાર શામળ જે રસસિદ્ધિઓ પ્રગટાવી શક્યા તેમાં તેમની સામે બેઠેલા શ્રોતાગણની રુચિ ને રસ મહત્ત્વનાં હતાં. મધ્યકાલીન સાહિત્યસ્વરૂપોમાં પદ્યવાર્તા લોકપ્રિય સાહિત્યસ્વરૂપ છે. તેમાં શામળરચિત પદ્યવાર્તાઓ આજે પણ પ્રભાવક રહી છે. શામળ પૂર્વે અને પછી શામળ જેવો ઉત્તમ પદ્યવાર્તાકાર સાંપડ્યો નથી. એટલે પદ્યવાર્તાના પર્યાય તરીકે શામળને મૂકી શકાય તેમ છે. શામળ પૂર્વે દશકુમારચરિત, બૃહદ્ કથામંજરી, કથાસરિત્સાગર, પંચતંત્રની કથાઓ મળે છે અને આ કથાઓનો ઉપયોગ શામળે તેમની પદ્યવાર્તાઓમાં કર્યો છે. વાત કહેવામાંથી વાર્તા જન્મી છે. આ વાત તો આદિમાનવજીવનમાં પણ હતી. સૌપ્રથમ આદિમાનવ આ પ્રકૃતિનાં તત્ત્વો સામે લડતો, ડરતો સંઘર્ષ ખેલતો હતો. ત્યારે જંગલમાં અનેક વિકટ સ્થિતિમાં મુકાતો, તેમાં ક્યારેક વાઘ, સિંહ કે દીપડા સાથે બાથ પણ ભીડી હશે ને તેમાંથી બચીને એ પોતાના કુટુંબમાં આવ્યો હશે ત્યારે એ જે ઘટના ઘટી તેની પ્રથમ વાત કરી, એ વાત બીજા પરિવારમાં કહેવાઈ, તેમાં કલ્પના ઉમેરાઈ, વર્ણન ઉમેરાયું ને ધીમે ધીમે તે વાત વાર્તાનું રૂપ ધારણ કરતી જાય છે. આપણી સૌથી પ્રાચીનમાં પ્રાચીન વાર્તા કાગડાની મળે છે. સિંધુ સંસ્કૃતિના હડપ્પા ને મોંહે-જે ડેરોની શોધમાંથી આ ચિત્રો મળી આવેલ છે. એ ચિત્રવાર્તા છે. કાગડો, કુંજો, અડધું ભરેલ પાણી, કાંકરાનો ઢગલો, કાંકરા નાખી, પાણી ઉપર લાવે છે એ વાત. ભારતની પ્રાચીનકથા-વાર્તાઓ અઢી-ત્રણ હજાર વર્ષ પૂર્વેથી રચાતી હોવાનું કહેવાય છે. સૌ પ્રથમ તે મૌખિક પરંપરા હતી તે પછી લિખિત સ્વરૂપે સંગ્રહીત થઈ છે. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને ગુજરાતી ભાષામાં તે ઊતરી આવેલ છે. પ્રાચીન મધ્યકાલીન ગુજરાતી કથાસાહિત્ય બારમી શતાબ્દીથી ઓગણીસમી શતાબ્દીના પૂર્વાર્ધ સુધીનું ગણાવી શકાય. ભારતની અન્ય ભાષાઓની સરખામણીમાં ગુજરાતીભાષાનું કથાસાહિત્ય સૌથી વધુ સમૃદ્ધ છે. અંદાજે ત્રણ હજાર જેટલી કથાવાર્તાઓ, આખ્યાયિકાઓ અને આખ્યાનો હોવાનું કહેવાય છે. અહીં કથાનો અર્થ આપણે વાર્તા કરીએ છીએ પરંતુ ‘કથા' શબ્દ મુખ્યત્વે ધાર્મિક કથાનો અર્થ વાહક હતો. કથા એટલે ધર્મકથા, પુરાણકથા, ભાગવતકથા ને તે પછી કથાવાર્તા અર્થછાયા આવી છે. અખો કથાને ધાર્મિક અર્થમાં જ મૂકે છે:

‘કથા સૂણી સૂણી ફૂટ્યા કાન,
અખા તો ય નાવ્યું બ્રહ્મજ્ઞાન.’

પદ્યવાર્તાઓ એ ધાર્મિક કથાઓ નથી. વાર્તાઓ આપણે ત્યાં વીરવિક્રમ, બાણું લાખ માળવાનો ધણી તેની શૌર્યકથાઓ જે ‘બત્રીશપૂતળીની વાર્તાઓ' મડા પચીશીની વાર્તાઓ તેમજ ઢોલા-મારુ, સદેવંત-સાવળિંગા, ચંદન અને મલયાગિરીની વાર્તાઓને લૌકિક અર્થમાં વાર્તા તરીકે સ્વીકારવામાં આવેલ છે. મધ્યકાલીન પદ્યવાર્તાઓ અને તેમાં પણ શામળની પદ્યવાર્તાઓને આધારે પદ્યવાર્તાનાં લક્ષણો નીચે મુજબ તારવી શકાય. ૧. કથાનક : પદ્યવાર્તાનું કથાવસ્તુ સામાન્ય જનસમુદાયનું જાણીતું હોય છે. તેમાં અદ્ભુત ઘટના, મનોરંજન અને બોધ મળે તેવું કથાનક હોય છે. પદ્યવાર્તાઓની સૌથી મોટી વિશિષ્ટતા છે કે તેમાં પ્રણય નિરૂપણ મુખ્ય છે. કથાનો આરંભ નાયક અને નાયિકાના પ્રણય પ્રસંગથી કરે છે. પછી આ પ્રણયમાં અનેક વિઘ્નો આવે છે. પ્રેમની કસોટી થાય છે. પ્રશ્નોત્તરી મૂલક સમસ્યાઓ, સુભાષિત, બોધવચનો આવે, મંત્રતંત્ર આવે, વિ વેદનાનું આલેખન થાય છે. અંતે એ પ્રેમીપાત્રોનું મિલન થાય છે ને કથાનો સુખાન્ત આવે. ૨. આડકથાઓ-દૃષ્ટાંતકથાઓ: મુખ્યકથાને પૂર્તિરૂપ નાની નાની અનેક આડકથાઓ કે દૃષ્ટાંતકથાઓ આવે છે. દા.ત., અબોલારાણીની વાર્તામાં અબોલા રાણીને બોલાવવા માટેના ચાર પડદા ખોલવા માટેની ચાર વાર્તાઓ. મદનમોહનામાં મોહના પુરુષ વેશે ચાર જગ્યાએ લગ્ન કરે છે તેની કથાઓ, સાથે દૃષ્ટાંતકથાઓ. આ કથાઓ સ્વતંત્ર રીતે પણ લોકભોગ્ય બને છે ને સાથે સાથે મૂળકથાના રસને અનુમોદન આપતી હતી. ૩. પાત્રાલેખન : આ વાર્તાઓમાં નાયક અને નાયિકા બંને મુખ્ય હોય છે. તેનો પ્રતિપક્ષી નાયક હોતો નથી. આપણી આધુનિક નવલકથા ‘અમૃતા’માં પ્રણય ત્રિકોણ છે તેમ બનતું નથી. વળી ખલપાત્ર તરીકે પારકું નહીં પણ પોતાનું સ્વજન જ હોય છે. પ્રતિષ્ઠાપ્રેમી માતાપિતા પ્રતિનાયકનું કામ કરે છે ને તેથી વાર્તાનો અંત મંગલકારી બની શકે છે. આ પદ્યવાર્તાઆનાં પાત્રો માનવ, દેવદાનવ અને માનવેતર પણ હોય છે. પુરુષ વીરપાત્ર હોય છે. ગમે તેવી મુશ્કેલીઓ હોય છતાં તેમાંથી પાર ઊતરે છે. સ્ત્રીપાત્રો તેની સરખામણીમાં ઝાંખાં હોય છે. પુરુષપાત્ર સ્ત્રીવેશ અને સ્ત્રી પુરુષવેશ ધારી થતાં હોય છે. આધિભૌતિક તત્ત્વો ધરાવતાં પાત્રો પણ આવે છે. ૪. વર્ણનકલા : પદ્યવાર્તામાં પાત્રવર્ણન, સ્થળવર્ણન અને પ્રસંગવર્ણન આવે છે. પરંતુ તેમાં ઝીણવટપૂર્વકનું નિરીક્ષણ નથી. કેટલીક વખત તો દરેક પદ્યવાર્તામાં સરખાપણું ધરાવતાં વર્ણનો જોવા મળે છે. પદ્યવાર્તામાં વર્ણન શ્રોતાગણને તાદૃશ્યતા સર્જી આપવા માટે થતું. ૫. સમાજદર્શન : પદ્યવાર્તાકાર સામે બેઠેલા શ્રોતાગણને ધ્યાનમાં રાખી સભારંજનલક્ષી કથા કહે છે. ત્યારે તેમાં જીવંત વાતાવરણ ખડું કરવા માટે તત્કાલીન સમાજદર્શન વાર્તા સાથે જોડી આપે છે. પાત્રો દ્વારા થતી કુટિલતા. કાવાદાવા, વેરવૃત્તિ, હલકાં કામો, ધાર્મિક અંધમાન્યતાઓ, દૈવીચમત્કારો વગેરે દ્વારા શામળ તેમની પદ્યવાર્તાઓમાં એક તટસ્થ સમાજ નિરીક્ષણ દર્શાવી શક્યા છે. લોકોના ગમા-અણગમાનો પણ ખ્યાલ આવે છે. ને આ વાર્તાઓને આધારે તે સમયનું સમાજજીવન જાણી શકાય છે. ૬. રચનારીતિ : પદ્યવાર્તા મુખ્યત્વે દુહા, દોહરા, સોરઠા, ચઉપાઈ (ચતુષ્યદી) અને છપ્પય (ષટ્પદી)માં રચાઈ છે. લોકોમાં પ્રચલિત દેશી ઢાળનો ઉપયોગ પણ થતો. આખ્યાનમાં ‘કડવા' હોય છે. તેમ પદ્યવાર્તામાં ખંડ પાડવામાં આવે છે. એ રીતે 'હંસાવલી' વાર્તા ચાર ખંડમાં છે. આખ્યાનની જેમ પદ્યવાર્તામાં પૂર્વે મંગલાચરણ અને વાર્તાને અંતે ફળકથન દર્શાવ્યું હોય છે અને કથા સુખાંત હોય છે. ૭. રસવૈવિધ્ય : પદ્યવાર્તાઓ મુખ્યત્વે પ્રણયકથાઓ છે. એટલે આ કથાઓમાં વિલાસની ક્રીડાઓને અને પ્રણયની ચેષ્ટાઓનું આલેખન થાય છે. તેમાં મુખ્યત્વે વિપ્રલંભ શૃંગારનું નિરૂપણ થાય છે. બીજો રસ પદ્યવાર્તાઓમાં અદ્ભુત રસનો છે. આ રસની નિષ્પતિ વાર્તામાં આવતા ચમત્કારો, ધાર્મિક, તાંત્રિક અને અદૃશ્યતત્ત્વોના આલેખનમાંથી થાય છે. ત્રીજો રસ છે વીર. પદ્યવાર્તાઓમાં પરદુ:ખભંજક વીરવિક્રમ, વેતાળ અને વીર યુવાનોની સાહસકથાઓ છે. અસાધારણ પૌરુષત્વ અને પરાક્રમકથામાંથી શૌર્ય અને વીરરસ નિષ્પન્ન થાય છે. આ વિવિધ રસની સાથે જ જનમનરંજન અને ઉપદેશાત્મક વચનો આવે છે. આ પદ્યવાર્તાઓની જેમ મધ્યકાલીન ગુજરાતી લોકપ્રિય સાહિત્યપ્રકાર આખ્યાન છે. પદ્યવાર્તા શામળના નામ સાથે સિદ્ધિનાં શિખર સર કરે છે તેમ આખ્યાન પ્રેમાનંદના આખ્યાનથી સિદ્ધિઓનાં શિખરને સર કરે છે. આ આખ્યોનોના આધારે તેનાં લક્ષણો નીચે મુજબ છે.

આખ્યાનનાં અંતરંગ લક્ષણો :

૧. કથાવસ્તુ : આખ્યાનની વિષયસામગ્રી સર્જકની આત્મલક્ષી નહીં પણ પરલક્ષી હોય છે. તેમાં રામાયણ, ભાગવત, મહાભારત, પુરાણ કે ભક્તના જીવનમાંથી લેવામાં આવતી તે પછી તેમાં તત્કાલીન સમાજજીવન અને સર્જકની કલ્પનાનું ઉમેરણ થતું. પરંતુ આખ્યાનનું કથાવસ્તુ શ્રોતાવર્ગને પરિચિત તેમજ રસરુચિ અનુસાર નવા સ્વરૂપે પ્રસ્તુત કરવામાં આવતું. આખ્યાનની કથાવસ્તુમાં તેના પ્રસંગને કલાકત્મક રીતે સુશ્લિષ્ટ ગૂંથણી કરીને ભાવકને જિજ્ઞાસા પ્રેરે તેમ સ-રસ બનાવીને મૂકતો આમ કરવા જતાં આખ્યાનકાર મૂળકથામાં યથેચ્છ ફેરફાર પણ કરતો. આખ્યાનની કથાવસ્તુની સફળતા તો આખ્યાનકારકની કથનરીતિ ઉપર વિશેષ અવલંબિત રહે છે. કારણ કે આખ્યાનમાં પદ્યવાર્તાની સામે સામે પ્રત્યક્ષ શ્રોતાગણ છે. તેને મનોરંજન સાથે ઉપદેશ આપવાનો છે એટલે તેને પ્રથમ રસ પડે એ મહત્ત્વની બાબત છે. આ માટે આખ્યાનકાર ગાયકી, તાલ, અભિનય અને બોલવાની વિવિધ ભંગીઓ કરીને કાન અને આંખ બંનેને ચલચિત્રની જેમ અભિવ્યક્તિ કરે છે. દા.ત., કુંવરબાઈનો મામેરાનો પ્રસંગ કે જ્યારે મામેરું પૂરવાનો સમય થયો ને થાળમાં વસ્તુસામગ્રી ને યાદીનો કાગળ ન ઊડે એટલે પથ્થર મુકાયોં છે એ દૃશ્ય. અહીં આખ્યાનની સફળતા કથનરીતિમાં રહેલી છે. વળી આખ્યાનનો સર્જક જ આખ્યાનનો કથક ન પણ હોય. આખ્યાનને પ્રસ્તુત કરનાર અન્ય પણ હોય. તેની સામે સમૂહ છે. આબાલ-વૃદ્ધ છે. વળી રાસાની જેમ એક ધર્મના લોકો નથી. પદ્યવાર્તાનું શ્રોતાવૃંદ જે પ્રકારનું સ્થૂળ હોય તેવું આખ્યાન નથી. વળી સાંપ્રદાયિકા અને સ્થૂળતા ન આવી જાય તેનો વિવિક પણ જાળવીને તેની તેનું પ્રસ્તુતીકરણ કરવાનું હોય છે. ૨. પાત્રાલેખન : આખ્યાનનું કથાવસ્તુ પૌરાણિક કથાવસ્તુ સાથે જોડાયેલું હોવાથી તેમનાં પાત્રો મૂળ જેવાં જ નિરૂપવાં પડે છે. શ્રોતાવર્ગને રસ પડે એટલે તેમાં આખ્યાનકાર ફેરફારો પણ કરતો દા.ત., સુદામા ચિરતનો સુદામો, મામેરાનાં શેઠ-શેઠાણી, ઓખાહરણની ઓખા, અનિરુદ્ધને થોડાં આધુનિક બનાવીને શ્રોતાને ખુશ કરે છે. લોકચિને સંતોષ કરવા જતાં ક્યારેક મૂળ પાત્રની ગિરમા હણાય છે ને ઔચિત્યભાન આખ્યાનકાર ગુમાવી બેસે છે. ૩. વર્ણન અને વાતાવરણચિત્રણ : આખ્યાન એ પરફોર્મિંગ આર્ટ શ્રોતાઓને કહી સંભળવવાની સાહિત્યકલા છે. એટલે તેમાં તેની નિરૂપણ શૈલીમાં પ્રસંગ, પાત્ર અને સ્થળનું વર્ણન મહત્ત્વનું બની જાય છે. આખ્યાનકાર શ્રોતાઓની સામે તાદૃશ્યચિત્ર ખડું કરવા માટે વર્ણનો અદ્ભુત કરે છે. દા.ત., ઓખાહરણમાં એક દંડીમહેલ, દ્વારકાનગરીનું સુંદર વર્ણન અને આ વર્ણનમાંથી જ એક વાતાવરણ ઊભું કરે છે ને તેમાંથી જ રસ નિરૂપણ થાય છે એટલે આખ્યાનને આપણે દૃશ્ય-શ્રાવ્ય કાવ્યપ્રકાર કહી શકીએ. ૪. રસનિરૂપણ : આખ્યાન એ જનમનરંજનનું કામ કરે છે એટલે તેમાં વિવિધરસ મૂકવા પડે છે. આખ્યાનમાં મુખ્યત્વે એક પ્રધાનરસ ને તેની સાથે અન્ય રસો મુકાય છે. જેમ કે સુદામાચિરતમાં પ્રધાનરસ હાસ્ય છે. તેની સાથે અદ્ભુત, કરુણ આદિ રસોનું નિરૂપણ થયું છે. પ્રેમાનંદની રસનિરૂપણ શક્તિ સર્વશ્રેષ્ઠ રહી છે. એક રસમાંથી બીજા રસમાં સહજ સરકી જાય છે. રસની બાબતમાં તેના પેગડામાં પગ મૂકી શકે તેવો કવિ આજે પણ જોવા મળતો નથી. એટલે તો તેને રસનો સ્વામી કહેવામાં આવે છે. ઓખાહરણનો મુખ્ય રસ શૃંગાર ને તે પછી વીરરસ ને હાસ્યરસ મૂકીને પ્રેમાનંદ રસનું મેઘધનુષ્ય સર્જી શકે છે. ૫. સમકાલીન રંગપૂરણી : આખ્યાનનું કથાવસ્તુ ભલે ભાગવત્, રામાયણ કે મહાભારતનું હોય પણ આખ્યાનકાર તેમાં તત્કાલીન સમાજદર્શનનું આલેખન કરતો હોય છે કારણ કે આખર તો સર્જક પોતાના સમાજજીવનનું સંતાન છે એટલે જાણ્યેઅજાણ્યે એ તત્કાલીન સમાજના રીત-રિવાજા, રૂઢિઓ, લોકાચારને રજૂ કરે છે. આખ્યાનની કથા પ્રાચીન હોય છે તેને જીવંત બનાવવા માટે આમ કરવું પડે છે. સમકાલીન જીવનરંગો, આચારવિચાર, માન્યતાઓ, વહેમોનું નિરૂપણ થાય છે અને એટલે તો કહેવાયું છે કે પ્રેમાનંદનું ગુજરાતીપણું આખ્યાનમાં જોઈ શકાય છે. ૬. ભાષા : આખ્યાન પદ્યપ્રકાર છે એટલે આખ્યાનમાં કવિનું ભાષાપ્રભુત્વ અનિવાર્ય છે. તેમાં ગેયતા, લયમાધુર્ય, વર્ણાનુપ્રાસ, શબ્દપસંદગી મહત્ત્વની છે. પાત્રાલેખન, પ્રસંગવર્ણન કે રસ જમાવટ આખરે તો થાય છે ભાષા દ્વારા એટલે આખ્યાનકારની ભાષા સમૃદ્ધ હોવી જોઈએ. વળી અહીં તો આખ્યાન એ આખ્યાનકારની વાણી દ્વારા કહેવાય છે. તે પ્રત્યક્ષ કથનશૈલી છે તેમાં કુશાળ વિસર્જક અને કુશળ અભિવ્યક્તિ કરનાર આખ્યાનકાર હોવો જોઈએ. તેના સંવાદો નાટયાત્મક્તા સર્જી શકે તેવા જોઈએ. પાત્રોના અંગ, આભૂષણો, નગર, વન, ઉપવન, યુદ્ધની તાદૃશ્યતા તેની ભાષાશૈલી ઉપર આધાર રાખે છે. તેમાં ઉચિત અલંકારો, રૂઢિપ્રયોગ, કહેવતો આવવી જોઈએ. આખ્યાન વાચિક, આંગિક અને સાત્ત્વિક અભિનયના બળે શ્રોતાઓમાં સફળ બને છે.

આખ્યાનનાં બહિરંગ લક્ષણો :

આખ્યાન કડવામાં લખાય છે. જેમ નવલકથામાં પ્રકરણો, નાટકમાં અંક, મહાકાવ્યમાં સર્ગ (મહાભારત), કાંડ (રામાયણ) હોય છે તેમ આખ્યાનમાં કડવાં હોય છે. ગુજરાતીમાં ભાલણે સૌ પ્રથમ આખ્યાનોના ઘટકને ‘કડવાં' તરીકે ઓળખાવી આખ્યાનની રચના કરી. આ કડવાની સંખ્યા વિશે કોઈ નિયંત્રણ નથી સુદામાચિરત-૧૪, મામેરું-૧૬, નળાખ્યાન-૬૫, ઓખાહરણ-૨૯ કડવાનું જોવા મળે છે. બહિરંગ લક્ષણો ત્રણ છે. ૧. મંગલાચરણ : આખ્યાનનો આરંભ મંગલાચરણથી થાય છે. એટલે કે ગણપતિ, શારદા, ઇષ્ટદેવની સ્તુતિ કરવામાં આવે છે. જેથી આ કાર્ય નિર્વિઘ્ન પૂરું થાય. જેમ કે, સુદામાચરિતનું મંગલાચરણ છે -

‘શ્રી ગુરુદેવ ને ગણપતિ, સમરું અંબા ને સરસ્વતી,
પ્રબળમતિ વિમળ વાણી પામીએ રે.
રમા-રમણ રુદેમાં રાખું, ભગવદ્-લીલા ભાખું,
ભક્તિ રસ ચાખું, જે ચાખ્યો શુકસ્વામીએ રે.’

મંગલાચરણમાં સ્તુતિની સાથે આખ્યાનની મૂળકથા ક્યાંથી લીધી છે તેનો નિર્દેશ અને હેતુ પણ જણાવાય છે. ૨. મુખ્યકથા : મંગલાચરણ પછી આખ્યાનકાર કડવાંઓમાં મુખ્યકથા કહેવી શરૂ કરે છે. આ સમગ્ર કથા નાના નાના ખંડો દ્વારા વિભાજિત કરી કડવામાં કહે છે. આ કડવું : ત્રણ વિભાગમાં વહેંચી શકાય. (૧) મુખબંધ (૨) ઢાળ (૩) વલણ - ઊથલો. (૧) મુખબંધ : કડવાના આરંભે મૂકવામાં આવતી બે પંક્તિઓને મુખબંધ કહેવામાં આવે છે. આ મુખબંધમાં કવિ કડવામાં આવતા કથાંશનો નિર્દેશ કહે છે. કેટલીક વખત આ મુખબંધમાં આગળ કહેવાયેલી કથાનું સૂચન કરી હવે શું કહેવાનું છે તેનો નિર્દેશ કરી શ્રોતાઓની જિજ્ઞાસાવૃત્તિને ઉત્તેજે છે. આ રીતે મુખબંધ આગળ અને પાછળની કથાને જોડતો તંતુ છે. (૨) ઢાળ : ઢાળ કડવાનો મુખ્ય ભાગ છે, જેમાં કથાનો વિસ્તાર કરવામાં આવે છે. કડવાનો સૌથી મોટો ભાગ આ ઢાળ છે. જેમાં કવિ કલાત્મક રીતે સવિસ્તર કથા કહે છે. આ ઢાળને દોઢ અથવા ચાલ પણ કહેવામાં આવે છે. (૩) વલણ- ઊથલો : કડવાના અંતમાં જે બે પંક્તિઓ આવે તેને વલણ કે ઊથલો કહેવામાં આવે છે. તેમાં સામાન્ય રીતે કવિ આ વલણની પંક્તિઓમાં રાગ-ઢાળ બદલે છે. આ રાગ પલટાથી શ્રોતાઓને પણ કડવું પૂરું થયું તેમ જાણ થઈ જાય છે. આ વલણ-ઊથલામાં કડવામાં કહેવાયેલી કથાનો સાર અને આગામી નવા કડવામાં શું કહેવાનું છે તેનું સૂચન કરવામાં આવે છે. ૩. ફલશ્રુતિ : ફલશ્રુતિમાં આખ્યાન શ્રવણનો મહિમા વર્ણવવામાં આવે છે. ખાસ કરીને શ્રોતાજનમાં ભક્તિભાવ વધે તે હેતુ મુખ્ય છે. આ કથા સાંભળવાથી પાપનો નાશ થશે, સંસારનાં દુઃખો દૂર થશે અને વૈકુંઠમાં વાસ થશે, મનવાંછિત ફળ મળશે તેમ જણાવે છે. દા.ત., ઓખાહરણમાં ફલશ્રુતિ છે :

‘ઓખાહરણ સાંભળે સંતોષ, ના પ્રગટે જનને જવરના દોષ,
જે સાંભળે ધરીને ભાવ, તેના જાયે સાતે તાવ.’

આ ફલશ્રુતિ આપ્યા પછી કવિ પોતાનો પરિચય આપે છે. પોતાનું નામ, પિતાનું નામ, વતન, ગામ, જ્ઞાતિ વગેરે જણાવે છે. ઉપરાંત આ આખ્યાન ક્યારે રચ્યું, ક્યાં કહેવાયું અને તેનો સમય જણાવે છે. આ માહિતી સંશોધનની દૃષ્ટિએ ઉપકારક છે. ક્યાંક કૃતિમાં કેટલા રાગ પ્રયોજ્યા છે, કેટલી કડી છે તે પણ જણાવે છે. આ આખ્યાનનાં બાહ્યલક્ષણો છે. હવે આપણે પદ્યવાર્તા અને આખ્યાન વચ્ચેની કેટલીક ભેદરેખાઓ તપાસીએ. (૧) પદ્યવાર્તાઓમાં આડકથાઓ, દૃષ્ટાંતકથાઓ, સમસ્યાઓ, બોધવચનો આવે છે. જ્યારે આખ્યાન એક સળંગકથા ચાલે છે. તેમાં પ્રેમની કસોટી, વિઘ્નો ઓછાં આવે છે. મુખ્યકથા ધાર્મિક કે ભક્તચરિત આલેખવાની રહી છે. (૨) પદ્યવાર્તાઓ ખંડમાં રચાય છે. વિવિધ છંદ, અલંકારો અને ગાયકી આવે છે પરંતુ તેમાં કોઈ તાલ વાઘનો આગ્રહ રખાતો નથી તેમજ અભિનયને ઓછો અવકાશ છે. માત્ર ચહેરાના હાવ-ભાવ કથક સહજ દર્શાવતો જાય છે. જ્યારે આખ્યાન એ કડવાબદ્ધ રચના છે. તેમાં વિવિધ રાગ-રાગણીને તાલ સાથે માણ’ વાદ્યનું સાધન આવે છે. તેમજ આખ્યાનકાર છૂટથી અભિનય કરી નાટ્યાત્મકતા સર્જી શકે છે. (૩) પદ્યવાર્તાની શૈલી કથનાત્મક છે. આખ્યાનની શૈલી નાટ્યાત્મક વિશેષ છે. (૪) પદ્યવાર્તાઓમાં પાત્રસૃષ્ટિ વૈવિધ્યસભર છે. માનવીયપાત્રો ઉપરાંત દૈવી, ભૂત-પ્રેત, પશુ, પક્ષી પણ આવે છે. ગણિકા, માલણ અને દૈવી પાત્રો ચમત્કૃતિ સર્જે છે. સ્ત્રી-પુરુષના વેશધારી, પલટા લેતાં પાત્રો છે. જ્યારે આખ્યાનનાં પાત્રો પરંપરાગત છે. સુદામો, કૃષ્ણ, ચોખા, અનુરુદ્ધ તેમાં વિશેષ પરિવર્તન લાવી શકાય નહીં. પદ્યવાર્તામાં થતા પાત્રના વિવિધરૂપ મૂકી શકાય તેમ આખ્યાનનો પાત્રોમાં વૈવિધ્ય લાવી શકાતું નથી. (૫) કથાવસ્તુમાં મુખ્ય પ્રણય ભાવ છે. તેમાં ચમત્કાર અને અદ્ભુતનું તત્ત્વ સહાયક થઈ આવે છે. આ પ્રેમીપાત્રો એકબીજાને જોતાવેંત પ્રેમમાં પડી જાય છે. આ પ્રણયમાં નાત-જાતના ભેદ રખાતા ન હતા. જ્યારે આખ્યાનના પાત્રો ઘણી મર્યાદાથી બંધાયેલાં જોવા મળે છે. (૬) પદ્યવાર્તામાં જે તે સમયની કથા પ્રમાણે વાતાવરણ ચિત્રણ, સમાજજીવન રજૂ થાય છે. જ્યારે તેની સરખાણીનો આખ્યાનમાં સમકાલીન સમાજદર્શન રજૂ થાય છે. મધ્યકાલીન પદ્યવાર્તાનું રસબિંદુ રતિ રહ્યું છે. જ્યારે આખ્યાનનું રસબિંદુ ભક્તિ છે. પદ્યવાર્તાનો સર્જક કલ્પનાનો વિહાર કરી શકે છે એટલે એ કલ્પનોત્થ સાહિત્યપ્રકાર છે. જ્યારે આખ્યાનકાર કથા, પાત્રો અને ભક્તિ ભાવથી બંધાયેલો હોવાથી કવિકર્મ માટે ખીલવાનો અવકાશ ઓછો રહે છે. ખ્યાતકથાઓમાં ઉમેરણ કરવા જાય તો શ્રોતા તેને સ્વીકારે નહીં. આવા સૂક્ષ્મભેદો અનેક તારવી શકાય તેમ છે. આમ, પદ્યવાર્તા અને આખ્યાન બંને મધ્યકાલીન સાહિત્યપ્રકાર પરફોર્મિંગ આર્ટના છે.

(‘અધીત : ચોવીસ')