અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/પ્રત્યાયન : પ્રક્રિયા અને પ્રશ્નો
ધીરેન્દ્ર મહેતા
પ્રત્યાયનનો પ્રશ્ન નવો નથી તેમ એ પ્રશ્ન ક્યારેય જૂનો પણ થતો નથી. સમયાંતરાલે આ પ્રશ્ન શમી જાય છે અને ફરી માથું ઊંચકે છે; એમ જમાને જમાને એ ચર્ચાયા કરે છે. કશુંક અરૂઢ તત્ત્વ ભાવકને મૂંઝવે છે અને પ્રત્યાયનના પ્રશ્નો ઊભા કરે છે. આ સંજોગોમાં વિવેચક કોઈ વાર પ્રવાહનાં સામાન્ય લક્ષણો તારવીને તો કોઈ વાર કૃતિનિષ્ઠ વિવેચન કરીને મદદ કરવા પ્રેરાય છે. એક આધુનિક મર્મજ્ઞ વિવેચકનો હવાલો આપતાં જ્યૉર્જ સ્ટેનર લખે છે : "...a greater need than ever before, for both scholar and critics to do a particular job of work : the job of putting the audience into a responsive relation with the work of art to do the job of intermediary." કોઈ વાર કવિ સ્વયં પણ પોતાના કાવ્ય અંગે ટિપ્પણ વગેરે આપે છે તો બીજી બાજુ, કોઈ વાર પોતે પણ પોતાનાં કાવ્યો સમજતા નથી; કવિતા સમજવા માટે છે જ નહિ, એ તો શબ્દખેલ છે કે કવિતાનો કવિતા સિવાય બીજો કશો અર્થ નથી, એવા ભાવકને વધુ મૂંઝવનારા કે તેનો ઉપહાસ કરનારા ખુલાસાઓ પણ કવિઓ તરફથી થતા હોય છે. ગમે તેમ, પણ ભાવક મૂંઝવણ અનુભવે છે, પ્રશ્નો ઊભા કરે છે એ પરિસ્થિતિ જ એમ સૂચવે છે કે કવિ ગમે તે કહે, ભાવક તો કવિતાની ગરજ છે. એવી જ રીતે અમૂર્તને મૂર્ત કરવા મથતો, સમૂહમાધ્યમોનો ઉપયોગ કરતો, યશ અને અર્થની ઉપલબ્ધિ સ્વીકારતો કવિ ભાવકનિરપેક્ષ હોય કે પ્રત્યાયન પરત્વે છેક ઉદાસી હોય એ પણ માની શકાય તેવી વાત નથી. એ રીતે જોતાં અભિવ્યક્તિની ઇચ્છાની સાથે જ પ્રત્યાયનની ઇચ્છા પણ જોડાયેલ છે, બલકે પ્રત્યાયનમાં જ અભિવ્યક્તિની પરિપૂર્તિ છે, તેની સાર્થકતા છે; નહિ તો કવિ છેક ભૂંસ-ચેર-લખ શાનો કરે? પોતાના અનુભવને અમુક રીતે આકાર આપવા શાનો મથે? અભિવ્યક્ત થવું એટલે સંક્રમિત થવું. હવામાં વહેતા મૂકેલા બોલ પણ ક્યારેક ક્યાંક કોઈક નહિ ઝીલે તેની શી ખાતરી? આ એવો કોઈ સંભવ ન હોય તો કાવ્યનું આયુષ્ય પણ કેટલું? આજે પણ જેને ગુંજીને ધન્ય થઈએ છીએ એની કેટલીક પંક્તિઓને, જો તેમનું આપણા ચિત્તમાં પ્રત્યાયન ન થયું હોય તો, આપણે ન ગુમાવી બેઠા હોત? આપણા કાવ્યાલંકારિકોએ તેમજ પશ્ચિમના કાવ્યાચાર્યોએ પણ ભાવકનો અને સંક્રમણવ્યાપારનો સ્વીકાર કરેલો જ છે. “કાવ્યનો અર્થ સહૃદયના હૃદયમાં થાય છે” અને "Literature exists not only in expressing a thing it equally exists in receiving of the thing expressed" જેવાં મંતવ્યો તેનું નિદર્શન કરે છે. કાવ્યનાં જે વિવિધ પ્રયોજનો તેમણે જણાવ્યાં છે તે પણ ભાવક વિના કે પ્રત્યાયન વિના કઈ રીતે શક્ય છે? પરંતુ ભાવકનો અને પ્રત્યાયનનો સ્વીકાર કર્યાં પછી પણ એ પ્રશ્નનો વિચાર કરવાનો રહે છે કે પ્રત્યાયન શાનું થાય છે? કાવ્યનું પ્રત્યાયન થાય છે, એ છેલ્લો જવાબ છે, પરંતુ એમ કહેવાથી તાત્પર્ય સ્પષ્ટ થતું નથી કે ચર્ચામાં મદદ મળતી નથી. અર્થનું કે ભાવનું સંક્રમણ થાય છે. એમ કહેવું પણ ઉચિત નથી, કારણ કે એથી તો એવી છાપ પડે જાણે અર્થ અને ભાવને કાવ્યમાંથી છૂટા પાડી શકાતા ન હોય! એમ પણ કહેવામાં આવે છે કે કવિતાના આનંદ Aesthetic Pleasure-નું સંક્રમણ થાય છે. પરંતુ આનંદ એ તો સંક્રમણને લીધે થતી ઉપલબ્ધિ છે; એ કંઈ કાવ્ય અંતર્ગત કોઈ તત્ત્વ નથી કે જેનું પ્રત્યાયન થાય, એ તો પ્રત્યાયનનું પરિણામ છે અને તેની ઉત્પત્તિ ભાવકના ચિત્તમાં છે. એબરક્રોમ્બી કહે છે : "For literature communicates experience that is to say, the experience which lived in the author's mind must live again in the reader's mind. It is not enough to give the reader what has been experienced; neither it is enough to give him how the experience has been taken. The experience itself must be given, transplanted from one mind to another. I do not give you my experience of looking at a landscape if my words merely represent what I have seen, non if they merely express my feelings; if this experience is to be matter for literature it must be the experience whole and entire, both what I saw and what I felt in perfect combination." અહીં એવા પ્રશ્નને અવકાશ છે કે ભાવકને શી રીતે ખબર પડે કે કવિના ચિત્તમાં કઈ અનુભૂતિ હતી? ભાવકની સામે તો કવિતા છે; કવિ નહિ. કવિ પોતે કશો ખુલાસો કરવા આવે તોપણ ભાવક એ સ્વીકારવા બંધાયેલો નથી; અને કવિતામાં કેટલીક વાર તો એવી સંદિગ્ધતા પણ રહેલી હોય છે, જે એક કરતાં વધુ અનુભૂતિનો નિર્દેશ કરે. આ પરિસ્થિતિમાં એવું ચોક્કસપણે શી રીતે કહી શકાય કે કવિને એમાંથી શું અભિપ્રેત હશે? આપણે જાણીએ છીએ કે કોઈક વાર ભાવક દ્વારા થયેલા આવા કોઈ અર્થઘટનને કવિ પોતે પણ વિસ્મયપૂર્વક જોઈ રહેતો હોય છે. તો હા, કવિતા એ જ આમ તો અંતિમ પ્રમાણ છે. કવિતામાં પ્રાપ્ત થતા સંકેતો અને સંદર્ભો જ અનુભૂતિને વ્યંજિત કરતા હોય છે. અલગ સંકેતો અલગ અનુભૂતિનો સંકેત કરે એવી શક્યતા પણ એમાં રહેલી હોય છે. 'કવિની અનુભૂતિ', એમ આપણે કહીએ છીએ એ તો વાત કરવાની એ રીતે છે. આ કૃતિનો કોઈ કર્તા છે એવું ભાવકને રહેતું ભાન પણ તેને એવી રીતે વાત કરવા પ્રેરે છે. ઉપરાંત એ પણ વિચારવાનું છે કે કોઈ કવિતા અનુભૂતિના ભિન્ન ભિન્ન સંકેતો આપતી હોય અને એ તમામ કવિને અભિપ્રેત ન હોય એથી કંઈ એ અનુભૂતિ કવિની નથી એમ કહી શકાશે? આપણો પોતાનો અંગત અનુભવ પણ કેટલીક વાર એટલો સંકુલ નથી હોતો શું? અનુભૂતિની સચ્ચાઈ અને કૃતકતાની દૃષ્ટિએ પણ આપણે કાવ્યનો ભેદ કરતા હોઈએ છીએ, કાવ્યમાં આપણે કવિની હાજરીની અપેક્ષા રાખતા હોઈએ છીએ, એ બધાનો અર્થ શો? કવિને, એ રીતે, કાવ્યથી કદાચ જુદો પાડી નહિ શકાય. અહીં સુરેશ જોષીનો પ્રશ્ન પણ લક્ષમાં લેવા જેવો છે; પૂછે છે :
- “કાવ્યમાં આસ્વાદનો વિષય શો છે? આપણને અભિમત એવી કશીક લાગણી, ઊર્મિ, અભિગ્રહ, નૈતિક ભાવના? કે પછી એ બધાને નિમિત્તરૂપ લેખીને અદ્વિતીય રૂપનિર્માણને માટેનું કવિનું સર્જનકર્મ?”
આપણને અભિમત લાગણી, ઊર્મિ, અભિગ્રહ, નૈતિક ભાવનાનો તો, જોકે, સવાલ જ નથી, કારણ કે કાવ્ય કંઈ આપણને અભિમત હશે તે આપશે નહિ. આપણને તો એ જ મળવાનું છે જેના સંકેતો એમાં હશે. શક્ય છે કે જેનું પ્રત્યાયન થાય તે સંવેદન વ્યક્તિ તરીકે ભાવકને અભિમત ન પણ હોય અને છતાં એને માટે એ આનંદપર્યવસાયી નીવડે. સર્જનકર્મ એ છેવટે શું છે? અનુભૂતિને સૌંદર્યમંડિત રૂપ આપવાની પ્રક્રિયા. અનુભૂતિથી એ ભિન્ન નથી. ભાવકનું ચિત્ત સૌંદર્યાન્વિત અનુભવને જ ગ્રહણ કરે છે. પ્રત્યાયનમાં કેવળ અર્થબોધ કે ભાવબોધની અપેક્ષા નથી, એ રીતે જોતાં અનુભવ ભાષા દ્વારા અભિવ્યક્ત થાય છે એમ નહિ કહેતાં ભાષામાં અભિવ્યક્ત થાય છે એમ કહેવું જ યોગ્ય થશે, કેમ કે અહીં માત્ર ભાષાના અર્થસંકેતો જ સક્રિય નથી, તેનાં લય અને નાદ જેવાં તત્ત્વો પણ સક્રિય હોય છે. એલન ટેટ કહે છે : "...the quality of his language is the valid limit of what he has to say.” અલંકારાદિ તત્ત્વો પણ અનુભવને તેની તીવ્રતા સિદ્ધ થાય તેવું રૂપ આપવાનો હેતુ ધરાવે છે. છંદની દૃઢતા-શિથિલતા, દ્રુત-વિલંબિત ગતિ અનુભૂતિને મૂર્ત રૂપ આપવા યત્નશીલ હોય છે. આ પ્રકારના કવિકર્મ વિના અનુભવનું પ્રત્યાયન શક્ય નથી, કેમ કે મૂળ અનુભવ તો અમૂર્ત અને ધૂંધળો હોય છે, કવિકર્મથી તેનું શોધન થતું આવે છે અને રૂપ રચાતું આવે છે; જે વિલક્ષણ સ્વરૂપે એ સર્જકને સાક્ષાત્ થાય છે તે સ્વરૂપે ભાવકને સાક્ષાત્ થવાની કાવ્યમાં શક્યતા ઊભી થતાં પ્રત્યાયન શક્ય બને છે. અહીં એ બાબતનો વિચાર કરીશું. કે કાવ્યમાં સંદિગ્ધતા લાવનારું તત્ત્વ કયું છે? આ પ્રશ્નને બીજા શબ્દોમાં એ રીતે પણ મૂકી શકાય કે કાવ્યગત અનુભૂતિને એકાધિક સંદર્ભો આપનાર તત્ત્વ કયું છે? તો સૌ પ્રથમ તો કાવ્યનું માધ્યમ જે છે તે; શબ્દ. તેની અભિવ્યંજનાશક્તિ. અનેક અર્થચ્છાયાઓ. આને કારણે કાવ્યગત અનુભૂતિનાં એકાધિક પરિણામોના અને સ્તરોના સૂચનને અવકાશ રહે છે. વળી આ શબ્દ જુદા જુદા સંદર્ભમાં પ્રયોજાવાથી એકાધિક સંકેતો ઊપજી આવતા હોય છે, એકાધિક અન્વયો રચાતા હોય છે. આને પરિણામે ઊભી થતી સંદિગ્ધતાથી છેવટે તો કાવ્યની શક્યતા અને ક્ષમતા વધતી હોય છે. આપણે ત્યાં 'કાન્ત' અને બળવન્તરાય ઠાકોરની રચનાઓમાંથી મળતાં આ પ્રકારનાં દૃષ્ટાન્તો જાણીતાં છે. આધુનિક કવિતાની ભાષા આ કરતાં જુદી રીતે પ્રત્યાયનનો પ્રશ્ન ઊભો કરે છે. આ કવિતાનું અનુભવજગત હંમેશાં તર્કનિયંત્રિત કે બુદ્ધિગમ્ય હોતું નથી, તેથી એની અભિવ્યક્તિ અર્થે ભાષાની વ્યવસ્થા કામ લાગે તેમ નથી. એ વ્યવસ્થાને, એના અન્વયને, વ્યાકરણને તોડવામાં આવ્યા હોય છે. ભાષાની અનર્થતા અને વ્યર્થતા પણ આ અનુભવનો એક સંકેત રચે છે. આ સંકેત હાથ આવતો નથી ત્યાં પ્રત્યાયનનો પ્રશ્ન ઊભો થાય છે. વળી, દેખીતી રીતે જ આ કવિતા કોઈ ‘અર્થ'નું પ્રત્યાયન કરતી નથી, પરંતુ 'અસર' જન્માવવા તરફ તાકે છે. ભાવકનું ચિત્ત એને અનુકૂળ ન હોય, તેની અપેક્ષા બદલાઈ ન હોય તો તે આ પ્રકારની રચનાનો આસ્વાદ લઈ શકે નહિ તે દેખીતું છે. ભાષાને કારણે ઊભો થતો પ્રત્યાયનનો પ્રશ્ન, ખાસ કરીને અછાંદસના સંદર્ભમાં, વિલક્ષણ છે. એમાં પંક્તિઓને બદલે આવતાં વાક્યો ગદ્યાળુ બની જવાને કારણે અનુભવની સંકુલતા અને તીવ્રતાને સૂક્ષ્મ અને વેધક રીતે તથા સૂચનક્ષમ રીતે વ્યક્ત કરી શકતાં નથી. સીધાંસાદાં વિધાનોમાં સ્પષ્ટ રીતે રજૂ થઈ જતા વક્તવ્યને લઈને ભાવક મોં વકાસીને ઊભો રહે છે : કાવ્યરૂપે આ જ વસ્તુ પોતાને મળવાની હતી? કેમ કે, આગળ કહેવાઈ ગયું તેમ, કેવળ અર્થબોધ કે ભાવબોધની તો તેને અપેક્ષા નહોતી. પ્રત્યાયનને મુશ્કેલ બનાવવામાં, આધુનિક કવિતાના સંદર્ભમાં, અમુક ટેક્નિકનો ફાળો છે. પદાર્થને ઇન્દ્રિયગ્રાહ્ય રૂપ આપવાની કે ઇન્દ્રિયવ્યત્યય સાધવાની રીતિ અને કલ્પન કે પ્રતીક જેવાં ઉપકરણો અનુભવને તીવ્રતાથી સંક્રાંત કરવા માટે કે ભાવકના કલ્પનાવ્યાપારને ચમત્કૃત કરવા માટે પ્રયોજાવાને બદલે યદચ્છાએ પ્રયોજાય છે ત્યારે કશું સિદ્ધ થતું નથી; એવી જ રીતે સાદૃશ્ય કે સંગતિની ખેવના વગરના સમીકરણરૂપ અલંકારોનું પ્રયોજન કેવળ શૂન્યાવકાશ ઊભો કરીને અટકી જાય છે. એ અમૂર્તને મૂર્ત કરવાને બદલે મૂર્તને અમૂર્ત કરી મૂકે છે. સર્રિયલિસ્ટિક કવિતા, ફ્લેટ કવિતા, ક્યુબિસ્ટ કવિતા તરીકે ઓળખાવાની રચનાઓમાં પ્રયુક્ત ઉપકરણો વિશિષ્ટ હોય છે. આ પ્રયોગોને લગતી શાસ્ત્રીય જાણકારી વિના એ જેને અભિવ્યક્ત કરવા મથે છે તે અનુભૂતિનું પ્રત્યાયન શક્ય નથી; અને અનુભૂતિ સુધી પહોંચ્યા પછી પણ અનુભૂતિના એ રૂપની સાથે ભાવક કશો અનુબંધ અનુભવે છે કે કેમ તે પ્રશ્ન છે. કોઈને એવો પ્રશ્ન થવા સંભવ છે કે અહીં ટેક્નિકની પસંદગી થાય પછી અમુક ભાવ કે સંવેદનની પસંદગી થઈ હોય એવું તો નથી થયું? એ કાવ્યનું અનુભૂતિજગત અમુક બૌદ્ધિકો પૂરતું મર્યાદિત છે એમ પણ કદાચ કોઈને લાગે. હમણાં હમણાં થતાં વિવિધ સ્વરૂપમિશ્રણો પણ આ સંદર્ભમાં ઝીણવટભરી વિચારણા માગી લે છે. દરેક સ્વરૂપની આગવી ટેક્નિક હોય છે, જે અનુભૂતિનું વિશિષ્ટ રૂપનિર્માણ કરે છે. એ અંગેની જાણકારીને કારણે ભાવકચેતના અનુભૂતિને એ સ્વરૂપે પામવા ઉદ્યત હોય છે. સૉનેટ અને ગઝલ, વૃત્ત અને ગઝલ, અછાંદસ અને ગઝલ જેવા તદ્દન નિરાળા પ્રકારોનું મિશ્રણ એને માટે ભારે ક્લેશ ઊભો કરે છે અને પ્રત્યાયનમાં વિક્ષેપ પડે છે. ગીતનો અનુભવ ગઝલમાં મુકાય ત્યારે જરૂર કંઈક અધૂરું રહી જતું લાગે છે અને સમજાય છે કે સંવેદનને યોગ્ય રૂપે પામવા માટે તેને અનુરૂપ સ્વરૂપયોજના કેટલી બધી જરૂરી છે! આગળ સૂચવાયું તેમ, પ્રત્યાયનની પ્રક્રિયામાં ભાવકનું ચિત્ત માત્ર ગ્રાહક નથી હોતું, અત્યંત સંવેદનશીલ રીતે સંડોવાયેલું હોય છે. કાવ્યમાં રહેલા સંકેતો તેની કલ્પનાને ઉત્તેજીને વ્યાપારવતી કરે છે. અને એનું ચિત્ત કાવ્યનો આસ્વાદ લેતાં લેતાં કાવ્યમાં આલેખાયેલા અનુભવનું પુનર્નિર્માણ કરતું રહે છે. અનુભવનું એ પ્રતિનિધાન કરે છે. આથી તો પ્રાચીન આલંકારિકોએ ભાવયિત્રી પ્રતિભાનો મહિમા કરીને ભાવકની પાસે પણ ભાવનના અધિકારોની અપેક્ષા રાખી છે, પરંતુ નિજી સંસ્કારોએ કરીને કે દૃષ્ટિકોણે કરીને કાવ્યાનુભવનો કોઈ જુદો જ સંદર્ભ તેને માટે અવકાશ કરી આપે છે. બદલાયેલા યુગસંદર્ભને કારણે પણ પ્રત્યાયનમાં વિઘ્ન આવવાની સંભાવના છે. ઉમાશંકર જોશીએ આપેલું એક દૃષ્ટાંત આપણને કામ લાગે તેવું છે :
- — રઘુવંશના ૧૪મા સર્ગમાં રામ સીતાને વનવાસે મોકલતાં… દલીલ કરે છે કે પ્રજાનું રંજન સ્વદેહને ભોગે પણ કરવું. તો પછી સીતા (એક સ્ત્રી) જે ભોજ્ય — 'ઇંદ્રિયાર્થ' છે તેના ભોગે કરવું એમાં તો શું?… એની દલીલથી માનવ તરીકે રામ અત્યારનાઓની નજરે ઊતરી જાય છે. સ્ત્રીઓને ભોજ્ય જ લેખવી એ કાલિદાસના સમયની મર્યાદા હશે તો એના સમયના સહૃદય વાચકોને એ ઉચ્ચારણ ગળી જતાં કંઈ વિઘ્ન આવ્યું નહિ હોય. પણ આજના યુગને એ દલીલ એક મોટું વિઘ્ન છે. રામનો પ્રજાના મનના સમાધાન માટે સર્વસ્વનો ભોગ આપવા તૈયાર એવા શાસકનો, ખ્યાલ મૂર્ત સ્વરૂપે રજૂ કરવામાં કવિપ્રવૃત્તિ સફળ થતી નથી.
તાત્પર્ય કે કાવ્યમાં થયેલું આલેખન જીવન સાથે સંગત ન હોય તો 'અવિઘ્ના સંવિત્' સિદ્ધ થવામાં મુશ્કેલી પડે છે, પરિણામે પ્રત્યાયનનો પ્રશ્ન ઊભો થાય છે. જીવનદૃષ્ટિ સાથેના સંવાદના સંદર્ભમાં પ્રત્યાયનનો પ્રશ્ન પશ્ચિમમાં વિકસેલી વિભાવનાઓ અનુસાર ભાવનિરૂપણ કરતી રચનાઓની બાબતમાં પણ વિચારવાનો આવે છે. એ વિભાવનાઓની જાણકારીની મદદ મળવાથી પ્રત્યાયનનો પ્રશ્ન ઊભો ન થાય એ સંજોગોમાં પણ એવો પ્રશ્ન ઊભો થવાનો સંભવ છે કે આપણે ખરેખર અનુભવને પામીએ છીએ કે અનુભવ વિશેની જાણકારીને? આ આખીય ચર્ચામાંથી એ પણ ફલિત થતું હશે કે પ્રત્યાયનના પ્રશ્નોનાં રૂપપ્રકાર ભિન્ન ભિન્ન સમયે કેવાં બદલાતાં રહે છે!
*
('અધીત : પાંચ')