અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/સંક્રમણ અને ગુજરાતી કવિતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૮. સંક્રમણ અને ગુજરાતી કવિતા

શિરીષ પંચાલ

આજના કવિઓની રચનાઓમાં છંદોના અખતરા હોય, ભાષાની પણ નવી ભેળવણી હોય, ભાવ હોય અટપટા ને વિચાર મગજમાં ઝટ ઊતરે જ નહિ એવા, તો પછી એ શું કરે? એને થાય છે કે આ કવિઓ કવિઓને માટે જ લખે છે કે શું? આ પરિસ્થિતિથી આપણા કેટલાક વિવેચક ભાઈઓ અકળાઈને આજની કવિતાને ગાળો દેવા માંડે છે. તો કેટલાક કવિજનો વાચકોને વાંક કાઢે છે. પણ એ બધું ભેગું થઈને આપણે ક્યાં છીએ, સંસ્કારિતાની કઈ કક્ષાએ ઊભા છીએ એનું જ પ્રદર્શન કરે છે. ઉમાશંકર જોશી “શૈલી અને સ્વરૂપ”, પૃ. ૨૩૯ ગુજરાતી કવિતાએ સંક્રમણના કયા પ્રશ્નો ઊભા કર્યા એવો પ્રશ્ન ૧૯૮૦માં પૂછવામાં આવે ત્યારે ખાસ કરીને આપણા મનમાં ૧૯૬૦ પછી લખાયેલી અને અત્યારે લખાતી કવિતા હોય એ સ્વાભાવિક છે, પરંતુ ૧૯૪૦માં લખાયેલા લેખના ઉપર ટાંકેલા અવતરણથી સ્પષ્ટ થાય છે કે સાહિત્યના ઇતિહાસના પ્રત્યેક તબક્કે સંક્રમણનો પ્રશ્ન એક યા બીજે રૂપે ઊભો થતો જ હોય છે. સમસામયિક કવિતા મોટા ભાગે તત્કાલીન વાચકવર્ગમાં ઝટ માન્યતા મેળવી શકતી નથી. સુધારક યુગની કવિતા એના જમાનાના વાચકોને ન સમજાયાનાં દૃષ્ટાંતો બહુ ઓછાં જડશે. આ કવિતાએ તત્કાલીન પરિસ્થિતિને કારણે કાવ્યેતર પ્રયોજનો સિદ્ધ કરવા ચાહ્યાં હતાં, પછી વાચકની ઉપેક્ષા ન પરવડે. કાવ્યત્વ જળવાયું છે કે નહિ એની ચિંતા ન હતી સર્જકને કે ન હતી વાચકને. કાવ્યને જ્યાં કાવ્ય તરીકે સ્વીકારવા જાઓ ત્યાં સંક્રમણનો પ્રશ્ન ઉપસ્થિત થાય, એ રીતે આ પ્રશ્ન પંડિતયુગની કવિતાએ ઉપસ્થિત કર્યો. આ ગાળામાં કાવ્યત્વ વિશેની સમજ કેળવાઈ, કાવ્યેતર પ્રયોજનો ઓછાં થયાં, પદ્યરચનાના પ્રયોગો થવા લાગ્યા. સ્થૂળ અર્થમાં અહીં પણ અર્થ સમજાઈ જાય એવો હતો પણ કાવ્યના સમગ્ર સન્દર્ભમાં આ અર્થને અવગત કરવાની મુશ્કેલી તો હતી જ. જ્યાં સુધી કાવ્યનાં ઇતર ઘટક તત્ત્વોથી અનુપ્રાણિત થતા કાવ્યાર્થ સુધી પહોંચી ન શકાય ત્યાં સુધી ભાવક સુધી કૃતિ પહોંચી છે એમ કહી ન શકાય. આ બધી મુશ્કેલીઓમાંથી બચવા માટે જ કાવ્ય કાવ્યનું સંક્રમણ કરે છે એમ કહેવામાં આવ્યું. પણ આમ કહેવાથી સંક્રમણનો પ્રશ્ન ઊકલી જતો નથી એ પણ એટલું જ સાચું છે. જે કૃતિઓ આપણને સમજાઈ ગઈ છે તે ખરેખર ‘સમજાઈ' હોય છે ખરી? કૃતિને સમજવા બેસીએ ત્યારે જ મુશ્કેલીઓ ઊભી થાય છે. નમૂના લેખે 'વસન્તવિજય'ની પ્રખ્યાત કંડિકા લઈએ :

ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય,
ચોપાસે વલ્લિઓથી પરિમલ પ્રસરે નેત્રને તૃપ્તિ થાય,
બેસીને કોણ જાણે ક્યંહી પરભૃતિકા ગાન સ્વર્ગીય ગાય,
ગાળી નાખે હલાવી રસિક હૃદયને વૃત્તિથી દાબ જાય.

આ કંડિકામાં આલેખાયેલું પ્રકૃતિસૌન્દર્ય આપણું મન હરી લે છે, પાંડુના તાપસધર્મ પર પંચેન્દ્રિયોને તૃપ્ત કરતી વસન્તનો વિજય થાય છે એમ કહેવાથી વાત પૂરી થઈ જાય છે ખરી? બીજી પંક્તિમાં 'પરિમલ પ્રસરે' કહ્યા પછી ‘નેત્રને તૃપ્તિ થાય' એમ શા માટે કહેવામાં આવ્યું છે? વળી, ‘નેત્રને તૃપ્તિ થાય' કહ્યા પછી તરત જ નેત્રને તૃપ્ત ન કરનાર, ‘બેસીને કોણ જાણે ક્યંહી’ ગાતી કોયલવાળો વાક્યખંડ આપણને વધુ સ્પર્શી જતો નથી? આ ઉક્તિને પાંડુના સન્દર્ભમાં તપાસીશું તો તેની અસરકારકતા વધુ વરતાશે. એક રીતે પંડિતયુગમાં દુર્બોધતાનો પ્રશ્ન બ. ક. ઠાકોરની કવિતાએ ઊભો કર્યો. સાવ અપરિચિત અને તળપદા શબ્દો, વિચિત્ર અન્વય, વર્ણસંકર, દીર્ઘ સમાસરચનાઓ, તત્સમ-તદ્ભવ ઇબારતનો વિચિત્ર મેળ-આ બધાંને કારણે આ કવિતા વાચકની પહોંચ બહારની ગણાઈ. પણ આ દુર્બોધતાની ગણના વ્યંજના, ધ્વનિ, પ્રતીકાત્મકતા, ભાવશબલતા તરીકે કરી ન શકાય. એથી વિરુદ્ધ તેમનાં આભાસી સરળ કાવ્યો - 'ભણકાર', 'પ્રેમની ઉષા', 'વધામણી’, ‘જૂનું પિયરઘર'ની વ્યંજના વિશેષ છે. ‘ભણકાર’ના અત્યાર સુધી પ્રગટ થયેલાં તમામ અર્થઘટનોને એકસાથે રાખવાથી આની પ્રતીતિ થશે. ગાંધીયુગમાં સંક્રમણનો પ્રશ્ન પાછો હળવો થયો. આ ગાળાની ઘણી રચનાઓમાં વાચકે પોતાની ભાવનાઓનાં, માન્યતાઓનાં સમર્થન શોધ્યાં; કવિ વ્યાસપીઠ પર ઊભો રહીને આજ્ઞાર્થમાં વાત કરતો હતો. કવિના પયગંબરી અભિનિવેશને વાચકે સ્વીકારી લીધો હતો, કૃતિના સંદેશની તે પ્રતીક્ષા કરતો હતો. વળી, સમાજના બધા થરના લોકો એકસરખી રીતે મૂલ્યોમાં આસ્થા રાખતા હતા. કવિએ પણ પોતાનો ચોકો જુદો જમાવ્યો ન હતો; પણ કેટલીક વખત તે પોતાનાં ઊંડાણોમાં ડૂબકીઓ મારીને કાવ્યમોતી તાગી લાગતો હતો. આવે વખતે એ મોતીનાં મૂલ કરનારાઓની સંખ્યા ઓછી થઈ જતી હતી. નમૂના માટે સુન્દરમની ‘મધુરાત્રિ’માંથી પૂરનું વર્ણન કરતી પંક્તિ તપાસો : અહો જલ! જલો જલો! જલદ પૂરના ઘોડલા! નદીમાં અચાનક પૂર આવી ચઢતાં મૂંઝાઈ ગયેલી મતિને એકસામટા પ્રશ્નોથી મૂર્ત કર્યા પછી આ પંક્તિ આવે છે. અહીં વાચ્યાર્થ સમજવામાં કશી તકલીફ પડતી નથી. પણ બીજી વખત વાંચતી વખતે આ પંક્તિ આપણને મૂંઝવવા માંડે છે. 'અહો જલ’ સુધી તો બરાબર ચાલે છે. પણ પછી કવિ શા માટે જલનું બહુવચન કરવા જાય છે એ પ્રશ્ન નડે છે. શિક્ષકે ગોખાવેલો પૃથ્વી છંદ યાદ કરીએ અને કહીએ કે આ તો કવિએ છંદ સાચવવા જલનું બહુવચન કરી નાખ્યું. કદાચ સામાના ગળે આ દલીલ ઊતરી પણ જાય. સુન્દરમ્ જેવા કવિએ પણ છન્દ ખાતર ભાષા સાથે લીધેલી છૂટનાં દૃષ્ટાંત આપી શકાય. પણ જલનું બહુવચન જલો નામ બની રહેવાને બદલે ક્રિયાપદ ‘જલો'ના સંસ્કાર જગાવે છે. સર્વવ્યાપી જળ સર્વગ્રાહી અગ્નિની તુલ્ય બનવા માંડે છે. હવે આ સાંભળીને કોઈ પૂછે કે કવિને આ અર્થ અભિપ્રેત છે એમ કેવી રીતે માનવાનું? આના ઉત્તરમાં આપણે એટલું જ કહી શકીએ કે પ્રત્યેક અર્થઘટન કૃતિના સંવિધાનને આધારે નક્કી કરવાનું હોય છે, કવિની કેફિયતને આધારે નહિ. આપણા અર્થઘટનની સાભિપ્રાયતા માટે પંક્તિના ઉત્તરાર્ધની મદદ લઈએ. ઉત્તરાર્ધમાં પૂરતું વિશેષણ છે જલદ. સંસ્કૃત 'જલદ’નો વ્યુત્પત્તિગત અર્થ – વાદળ-પૂરના સન્દર્ભમાં બરાબર બંધ બેસે છે અને ફારસી જલદનો અર્થ - દાહક - 'જલો’ ક્રિયાપદના અનુસંધાનમાં બંધ બેસે છે. આ શબ્દોના સન્દર્ભમાં ઘોડાપૂરનો રૂઢિપ્રયોગ પણ તાજો થઈ બેસે છે. અસ્તુ. સમસામયિક વાસ્તવિકતાનું વસ્તુલક્ષી પ્રતિરૂપ શોધવા મથતી, કાવ્યમાંથી શક્ય તેટલા અપ્રસ્તુત શબ્દોને વ્યવધાન ગણતી, વિચારને બદલે વિચારના સંવેદન પર ભાર મૂકતી કવિતા અનિવાર્યતયા સંક્રમણના પ્રશ્નો ઊભા કરી આપે. પ્રહ્લાદ પારેખ, રાજેન્દ્ર શાહ, નિરંજન ભગતની કવિતા આ પ્રકારની હતી. કવિ બારી બહાર જોઈને નિરુદ્દેશે ગાતો હતો કે હું તો બસ ફરવા આવ્યો છું. આમ ‘નિરુપયોગી’ બની બેઠેલી કવિતા વાંચીને ભાવક મૂંઝવણ અને ઉપદ્રવ અનુભવવા માંડ્યો હતો. વળી, વાચકનો સન્દર્ભ પ્રયોજનલક્ષી, ઉપયોગિતાવાદી રહ્યો, કવિ આ સન્દર્ભની બહાર નીકળી ગયો. અત્યાર સુધીનાં દૃષ્ટાંતોને આધારે સ્પષ્ટ થશે કે કાવ્યનો કાવ્ય તરીકે અભ્યાસ - આકલન કરવા જતાં સંક્રમણના પ્રશ્નો ઊભા થાય છે. વિચાર વિચાર તરીકે, લાગણી લાગણી તરીકે જ્યારે કૃતિમાં આલેખાય ત્યારે એને સમજવામાં તકલીફ પડતી નથી પણ જ્યારે વિચાર, લાગણી રૂપાન્તરિત થઈને કાવ્યમાં આલેખાય ત્યારે તેમને ગ્રહણ કરવામાં મુશ્કેલી ઊભી થાય છે. એટલે કૃતિ પંડિતયુગની હોય કે આધુનિક યુગની હોય, એ જો કલાકૃતિ હશે તો સંક્રમણ કાવ્ય તરીકે જ કરશે. આમ છતાં આધુનિક કવિતા દુર્બોધ બની. આ ફરિયાદ માત્ર ગુજરાત પૂરતી હોત તો આપણી પ્રજાનો વાંક કાઢી શકાત પણ દરેક ભાષામાં આ ઘટના બની છે. એટલે આ કે તે કવિતાના પ્રભાવે એ દુર્બોધ બની છે એમ કહી ન શકાય. આપણા પૂરતું આ પરિસ્થિતિનાં કારણો પર નજર કરી લઈએ. ૧. સ્વાતંત્ર્ય પૂર્વેનો ભારતીય માનવી કશાક ચોક્કસ લક્ષ્યની શોધમાં હતો. ભારતીય સંસ્કૃતિના ગાઢ પ્રભાવે કરીને જીવનમૂલ્યોમાં એને શ્રદ્ધા હતી. ઈશ્વરના મરણની ઘોષણા તેણે સાંભળી ન હતી એટલે પરમેશ્વરના નામ પર મોટો છેકો મૂકવા માગતો ન હતો. તે માત્ર માનવી બનવા માગતો હતો, માનવી બન્યા પછી વિશ્વમાનવી બનવાની ઇચ્છા હતી. બીજા શબ્દોમાં કહીએ તો તે આત્મસંજ્ઞા પામીને વિસ્તરવા માગતો હતો. પણ સ્વાતત્ર્ય પ્રાપ્ત થતાંની સાથે જ 'ભગ્ન અમ સ્વપ્નબીન’ જોવાનો વારો આવ્યો, મૂલ્યોનાં ચીંથરાં ઊડવા લાગ્યાં, ચારે બાજુએ ‘સાચનેય આંચ, એથી ભલી મારી લાંચ' બોલાવા માંડ્યું. ૨. અંગ્રેજો આપણને પછાત રાખવા માગતા હતા એ કારણે કે બીજા કોઈ કારણે સ્વાતંત્ર્ય પહેલાં આપણા દેશ પર વિજ્ઞાન, ટેક્નૉલૉજીનો ખાસ પ્રભાવ પડ્યો ન હતો. મોટા ભાગની પ્રજા ગ્રામીણ હતી. યાંત્રિક સંસ્કૃતિઓ અને એને કારણે અળપાઈ જતી સ્વત્વની રેખાઓ આપણને અજાણ હતી. પશ્ચિમના એ ગાગામાં જે ઘવાયેલો, લાચાર, પંગુ માનવચહેરો પ્રગટ થઈ રહ્યો હતો એને અને આપણને તો સાત જનમનું છેટું હતું. પણ સ્વાતંત્ર્ય પછી ચિત્ર બદલાઈ ગયું. વિરાટ ઔદ્યોગિક સંકુલો ઊભાં કરવાની ફરીફાઈ થઈ, નિરંજન ભગતના શબ્દો વાપરીને કહું તો આપણે ધાડસી સંસ્કૃતિને વધાવી. પરિણામે ‘કુરૂપની કથા' જેવાં શહેરો ઊભાં થયાં, મનોરંજનનાં સાધનો વધ્યાં, સામૂહિક માધ્યમોએ ભીંસ વધારી, ભાષા પરથી વિશ્વાસ માનવી ખોતો થયો. ૩. આપણી રાષ્ટ્રીય પરિસ્થિતિની પડછે જાગતિક પરિસ્થિતિ આના કરતાંય ખરાબ હતી. આની ચર્ચા પુષ્કળ થયેલી છે એટલે એની વિગતોમાં ઊતરતા નથી. ૪. સાહિત્યિક પરિબળોની વાત કરીએ તો પ્રહૂલાદ પારેખ, રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત પછી આપણી કાવ્યવિભાવના બદલાઈ. અત્યાર સુધી કાવ્યમાં સ્થૂળ અર્થમાં સર્જકને વાંચવાનો પ્રયાસ થતો હતો, ક્યારેક ભાવક કાવ્યને આયનો માનતો હતો. આ કવિઓએ શુદ્ધ કવિતા આદર્શ હોવા છતાં એ દિશામાં જવાનો પ્રયત્ન કર્યો. સમસામયિક સંદર્ભને સંસ્કાર્યા વિના કૃતિમાં યોજવાની દીર્ઘકાલીન પરંપરા આ કવિઓએ અને અનુગામી કવિઓએ બંધ કરી દીધી - દૃષ્ટાંતો માટે જુઓ રાજેન્દ્ર શાહ કૃત 'ભૂલેશ્વરમાં એક રાત', નિરંજન ભગત કૃત 'પ્રવાલદ્વીપ', લાભશંકર ઠાકર કૃત 'સૂર્યને શિક્ષા કરો', પ્રિયકાન્ત મણિયાર કૃત 'ફોકલૅન્ડ રોડને'. વાચકો વસ્તુલક્ષી પ્રતિરૂપોથી ટેવાયેલા ન હતા એટલે આ રચનાઓ અઘરી લેખાઈ. સાથે સાથે જ આ કવિઓનું એસ્થેટિક્સ પણ બદલાયું. સુષ્ઠુ સુષ્ઠુ લાગતા, મનમાં રમાડવા ગમે એવાં કલ્પનો, ભાવો કરતાં જુદા જ પ્રકારનાં કલ્પન, ભાવ આ કાવ્યોમાં જોવા મળ્યાં. પ્રિયતમાના મુખ સાથે જ ચન્દ્રને સાંકળનારું આપણું મન ચન્દ્રને દૂઝતા વ્રણ કે કરોળિયા તરીકે જોઈને જ મૂંઝાઈ મરે. કવિઓએ પદાર્થ સાથેના રૂઢ અધ્યાસપિંડો ત્યજી દીધા, વાચક એ ત્યજી ન શક્યો, કવિઓની આંખે પદાર્થને નિહાળવા એ તૈયાર ન થયો. ૫. ગુજરાતી કવિને વિશ્વસાહિત્યનો પરિચય થયો. વિવિધ કળા, વાદના પરિચયમાં આવ્યો, પ્રયોગ કરી જોયા, ક્યારેક સિદ્ધિઓ મળી, ક્યારેક કાચું કપાયું. આને પરિણામેય કવિ અને વાચક વચ્ચે અંતર પડ્યું. ૬. યુગનું પ્રતિબિમ્બ કૃતિની સામગ્રીમાં જ નહિ, કૃતિની શૈલીમાં પણ ઝિલાતું હોય છે. આપણો યુગ સંકુલ છે, સંક્રમણનાં અનેક સાધનો વધ્યાં હોવા છતાં Communicationના અભાવમાં રાચતો યુગ અનેક પ્રકારના વિરોધાભાસોથી ભરેલો છે. દુર્બોધતાઓથી અકળાતો જીવ સુબોધને પામવા દોટ મૂકે છે. આત્માભિમાન સંતોષવા જાહેરખબરોની ભૂરકીનો ભોગ બને છે, ઇચ્છાતૃપ્તિ માટે નાટક, સિનેમા, સસ્તી નવલકથાઓની શરણાગતિ સ્વીકારે છે. વળી, રાજકારણે પણ આપણા જીવનને ભરડામાં લીધું. કવિ આ વાતાવરણ ફગાવીને આગળ વધ્યો. આ અને આવાં બીજાં કારણોને લઈને આધુનિક ગુજરાતી કવિતાનું સંક્રમણ ખૂબ જ મુશ્કેલ બન્યું. આ કવિતા પહેલી નજરે હૃદ્યશ્રુત ભાવકને પણ સમજાતી નથી તો પછી સામાન્ય વાચકની વાત જ શી કરવી? આમ છતાં એક કરતાં વધુ વાચક પછી આવી કૃતિઓના હાર્દમાં પણ પ્રવેશી શકાય છે. નમૂનારૂપે કેટલીક રચનાઓ તપાસીએ. ગુલામ મોહમ્મદ શેખની રચનાથી આરંભ કરીએ: એવું થાય છે કે । આ થીજેલ કોપરેલ જેવી પોષની ચાંદનીને । મસળીને આખા શરીરે ઘસું, તો મારા શરીરમાં ઠરી ગયેલા જ્વાળામુખીઓ ફરી ઊગે. એવું થાય છે કે । આ ધૂળનાં વધેરાયેલાં અંગોને । કોઈ આદિમ વેદનાના દોરે સીવું / તો ફરી એક વાર પથ્થરોને વાચા ફૂટે. । આ વેરાન ઘાસનાં હળો પર । મારા દેહનાં ખેતર ફેરવું / તો કદાચ ચામડીમાં ચાસ ફૂટે. આ હીરાના ઝગઝગાટવાળી રાત પર / શેતાનના ફળદ્રુપ ભેજાના લોખંડથી મઢેલા હથોડા ઠોકું। તો એની નીચે ભરાઈ રહેલા ઈશ્વરોને / કરોળિયા થઈ નીકળવું પડે / ટાઢાબોળ ત્રાંબા જેવી પૃથ્વી પર । સૃષ્ટિના પ્રથમ મન્ત્રની લીટી તાણું / અને ગુફાના અન્ધકારમાં દટાઈ ગયેલા સમયની કરચલીઓને । મરેલા સૂર્યોની ટાઢક ચાંપું / તો ફરી વાર । મારાં વન્ય પશુ ઊંઘમાં છંછેડાય । અને - અત્યાર સુધી ગુજરાતી કવિતામાં ન જોવા મળેલો વન્ય આવેગ - આસુરી આવેગ આ કાવ્યમાં જોવા મળે છે. પહેલી નજરે તો મોંમાથુંય હાથમાં આવતું નથી. કોઈને અહીં યદચ્છાવિહાર પણ લાગે. કાવ્ય તપાસ્યા પછી એ વાત સાચી છે કે ખોટી તે જોઈશું. કાવ્યનો આરંભ પોષ મહિનાની ચાંદનીથી થાય છે. આ ચાંદનીને રોમૅન્ટિક ઉપમા આપવા કવિ તૈયાર થતા નથી. થીજેલા કોપરેલ અને ચાંદની વચ્ચે કવિએ સાદૃશ્ય કલ્પ્યું. કદાચ આટલે સુધી કોઈ સહિષ્ણુ બનીને કવિને સાંખી લે, પણ પછી એ ચાંદનીમાં ‘નાહવાને’ બદલે એને શરીરે ઘસવાની વાત કરી બેઠા. કોપરેલની ઉપમા આ ક્રિયાપદને સાર્થક ઠેરવે છે. કવિ ચાંદનીનો માત્ર સ્પર્શ કરવા માગતા નથી એટલે મસળીને ઘસવી છે, જેથી કરીને તેલની જેમ ચાંદની પણ શરીરના રન્ધ્રેરન્ધ્રમાં ઊતરી શકે, અને એ રીતે તેની નિબિડ અનુભૂતિને પામી શકાય. આ કાર્યનું પરિણામ વર્ણવતી પંક્તિમાં એક સબળ વિરોધાભાસની યોજના કરી છે. ચાંદનીને મસળીને ઘસે તો - મારા શરીરમાં ઠરી ગયેલા જ્વાળામુખીઓ । ફરી ઊગે. જ્વાળામુખીને ફરી સક્રિય બનાવવા માટે તેનાથી વિપરીત લક્ષણાવાળી ચાંદનીની મદદ લેવી પડી. નાયકની ચેતના થીજી ગયેલી છે, એમાં ઉન્માદ આણવો છે, જ્વાળામુખીઓ સળગાવવા છે. પણ આમ કરીને કશો વિનાશ સર્જવા નથી, એટલા માટે ‘ઊગે’ ક્રિયાપદનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એ રીતે એક નવી સૃષ્ટિનો આરંભ કરવાની ભૂમિકા સૂચવાય છે. બીજી કંડિકામાં જેને આપણે હંમેશાં રજકણના સ્વરૂપે જ જોતા આવ્યા છીએ એવી ધૂળની કાયાની કલ્પના કવિ કરે છે. એવી કાયાને તો બલિદાન આપી આપીને ખંડખંડમાં વિભક્ત કરી નાખી છે, પણ જો એને સીવી દેવામાં આવે તો નવી આકૃતિ ઊભી થાય, પણ એ માટે આદિમ વેદનાનો દોર જોઈએ. આગલી કંડિકાની આદિમ વાસના સાથે આ આદિમ વેદનાનો દોર ગૂંથાઈ જાય છે. આ ગૂંથણી થાય તો પથ્થરને વાચા ફૂટે. પહેલી કંડિકામાં નર્યા ચૈતન્યની ભૂમિકા હતી, હવે બીજી કંડિકામાં વાચા ફૂટવાની વાત આવે છે; વળી ‘ઊગે’ અને ‘ફૂટે' ક્રિયાપદો પણ ગૂંથાઈ જાય છે. ત્રીજી કંડિકામાં ભાષાના સામાન્ય અન્વયો બદલાઈ જાય છે, અહીં સર્રિયલ ભાત પણ દેખાય છે. આ વેરાન ઘાસનાં ખેતરો પર દેહનાં હળ ફેરવું એવી પંક્તિ સામાન્ય રીતે તો હોય. દેહને હળ કલ્પવામાં પણ પ્રતિભા છે પણ કવિ તો શબ્દ સાથેના બધા અધ્યાસ બદલી નાખે છે. ચામડીમાં ચાસ પ્રગટાવવા હોય તો આવો અરૂઢ વ્યવહાર કરવો જ પડે - અહીં પણ આગલી કંડિકાઓમાં વર્ણવાયેલી ઊગે-ફૂટે-ની ભૂમિકા ખેતર, હળ, ચાસ દ્વારા અનુસંધાન પામે છે અને વિસ્તરે છે. ચોથી કંડિકામાં ફરી ધરતી પરથી આકાશની વાત પર કવિ આવે છે. રાતને હીરાના ઝગઝગાટવાળી કહે છે. માગશર-પોષના આકાશને હીરામઢ્યું આકાશ તો આપણે કહેતા આવ્યા જ છીએ, કવિ આ રૂઢોક્તિને બીજા સંદર્ભ ઉપયોગમાં લે છે. આ પછીની પંક્તિમાં રાત પર હથોડા ઠોકવાની વાત છે. પ્રકૃતિએ કઠણ એવા હીરાના ઝગઝગાટવાળી રાત પર શેતાનના ભેજામાંથી બનેલા લોખંડનો હથોડો ટીપવાનો છે. અહીં એકવચનમાં પ્રયોજાયેલ 'શેતાન’ અને બહુવચનમાં પ્રયોજાયેલ ‘ઈશ્વરો'ની યોજના નોંધપાત્ર છે. આ રાતની પાછળ ઈશ્વર ભરાઈ ગયેલા છે, પણ તે હવે કરોળિયા તરીકે બહાર આવશે. છેલ્લી કંડિકામાં આગલી કંડિકામાં વ્યક્ત થયેલો આદિમ સૂર ફરી મૂર્ત થાય છે. તામ્રવર્ણી પૃથ્વી ઠરી ગયેલી છે. આમેય 'પૃથ્વી' શબ્દ જડતા સૂચવે છે. તેના વિરોધમાં પ્રયોજાયેલ ‘સૃષ્ટિ' શબ્દ ચૈતન્ય સૂચવે છે. સૃષ્ટિનો પ્રથમ મન્ત્ર એટલે શુદ્ધ ચૈતન્યનો આરંભ. બૌદ્ધિક વિભાવના પૂર્વેની ભૂમિકા - જ્યાં નરી કવિતા હતી. મન્ત્ર એટલે અદ્ભુત અને વિસ્મયમાં પ્રવેશવા માટેનું સાધન. બીજી બાજુ ગુફામાં ભરાઈ બેઠેલા સમયને કરચલી પડી ગઈ છે, જે બીજાને કરચલી પાડે તે પોતે કરચલિયાળ બની ગયેલ છે. એની કરચલી દૂર કરવા માટે મરેલા સૂર્યોની ટાઢાશ ચાંપવી પડે. એક બાજુ પૃથ્વી દ્વારા અવકાશ સૂચવાયો, બીજી બાજુ ગુફાવાસી માનવીના જમાનાથી દટાઈ ગયેલો સમય સૂચવાયો. આ અવકાશ અને સમયમાં જો વિસ્ફોટ થાય તો વન્ય પશુ-આદિમ વાસનાઓ સળવળી ઊઠે, આ આદિમ વાસનાઓ જ સર્જનને પ્રેરી શકે. આમ એક વિલક્ષણ પ્રકારની અનુભૂતિની વાત આપણને અપરિચિત એવાં કલ્પનોમાં કરવામાં આવી છે. હવે આપણે બહુચર્ચિત બનેલા રાવજી પટેલની એક નાની રચના ‘પત્નીનો નિદ્રાસ્પર્શ' લઈએ. અનુભૂતિઓનાં નવાં પરિમાણ પ્રગટાવવા માટે તેણે પ્રયોજેલું ઇન્દ્રિવ્યત્યયનું સાધન તેની કવિતાની મુખ્ય લાક્ષણિકતા છે. ઊંઘના અણખેડ્યા ખેતરમાં ઊગ્યા સારસટહુકા । નભનીલાં ડૂંડાંના ભરચક ભાર થકી / ઝૂકેલા સાંઠા । એક કોરથી સ્હેજ સ્વપ્નથી ચાખું । આખું સાકરની કટકી શું ખેતર / જીભ ઉપર સળવળતું. । આ પાથી વંટોળ સૂરજનો । તે પાથી વાયુનાં પંખી હભળક કરતાં આવ્યાં... । ત્યાં મારી પાસે વેરણછેરણ ઊંઘ ઓઢીને ઘોરે । શાંતિ રણ જેવી લંબાઈ પડેલી… આ રચનાને ‘એક મધ્યરાત્રિએ' સાથે સરખાવવા જેવી છે. અહીં નિદ્રાધીન પત્નીના સ્પર્શને વિષય બનાવ્યો છે. ‘બપોરની નિદ્રા કાચા અપરિપક્વ ફળ જેવી હોય છે.’ એમ કહીને ઊંઘ જેવી અનુભૂતિને અત્યંત મૂર્ત બનાવવાનો પ્રયત્ન ગુલામ મોહમ્મદ શેખે કર્યો હતો. અહીં પણ એવી જ મૂર્તતા અપાઈ છે. ઊંઘ આવતી નથી એટલે ઊંઘના અણખેડ્યા ખેતરની વાત અને તેમાં સારસટહુકા ઊગી નીકળ્યાની વાત આવી. માટીમાંથી ઝાંઝરનો અવાજ, ટહુકા ઊગે એવી કલ્પના રાવજી પટેલના વ્યક્તિત્વની દ્યોતક છે. પત્નીનો સ્પર્શ નાયકને છંછેડે છે અને વિલક્ષણ પ્રકારનું શૃંગારિક કલ્પન પ્રયોજાય છે. આગલી પંક્તિમાં આવતી ખેતરની છબિ ડૂંડાંને લઈને હવે આવે છે. આ ટહુકા ‘નભનીલાં ડૂંડાંના ભરચક ભાર થકી ઝૂકેલા સાંઠા છે’ એમ ચોક્કસ રીતે કહેવાયું નથી, કોઈને એ રીતે ઘટાવવું હોય તો તેની છૂટ છે. પણ પત્નીના સ્પર્શનાં જ આ બધાં પ્રતિરૂપો છે એમ ઘટાવવું કાવ્યને વધુ ન્યાય અપાવશે. આ જ કલ્પનમાંથી ત્રીજું કલ્પન પ્રગટે છે. ખેતર સાકરની કટકી જેવું લાગવા માંડે છે, સ્પર્શની અનુભૂતિ વધુ નક્કર ભૂમિકાએ પ્રાપ્ત થાય છે. હવે સૂર્યના પ્રાકૃતિક પ્રતીક દ્વારા અને 'વાયુના પંખી'ના મૌલિક પ્રતીક દ્વારા વાત કરવામાં આવે છે. પાસે ઘોરતી પત્ની રણની શાન્તિની જેમ સૂતેલી છે. આ શાંતિના વિરોધમાં ઝંઝાવાત મચાવી મૂકતાં કલ્પન વિશેષ આસ્વાદ્ય બન્યાં છે. રાવજી પટેલની કવિતાનું અનુભૂતિજગત અને તેની ઉત્કટતા એટલાં બધાં સમૃદ્ધ છે કે ઘણી વાર ભાવક પણ મૂંઝાઈ જાય છે. ઘેનનાં ફૂલ, ઊંઘની ગંધ, શ્વાસનો ઘોડેસવાર, ઘાસની નસમાં સૂતેલો સૂર્ય, આંગળીઓમાં સિસોટા મારતો સાપ, નવા ચન્દ્રની કૂંપળ જેવી નજર, ઝાકળનો ઘોડો, કેશનદી, ઘ્રાણપ્રિયા, માટીમાંથી ઊગતાં ઝાંઝર વગેરે કલ્પનોનો વિગતવાર અભ્યાસ કરવામાં આવે તો તેની સૃષ્ટિ પાછળની યોજના વધુ સ્પષ્ટ થશે. આ પ્રકારનાં કલ્પનોને માણી ન શકવાનું કારણ આપણી પૂર્વગ્રહયુક્ત દૃષ્ટિ છે. સંસ્કૃત આલંકારિકોએ રસપ્રતીતિની આડે જે વિઘ્નો ગણાવેલાં તેની યાદ આધુનિક કવિતા વાંચતી વખતે ખાસ રાખવી જોઈએ. પૂર્વગ્રહો, વિચારની આદતો દૂર કરીને જ કાવ્ય માણી શકાય એ વાત છાપરે ચઢીને કહેવામાં આવી હોવા છતાં વારંવાર આપણે ભૂલી જઈએ છીએ. આધુનિક ગુજરાતી કવિતાએ નામ પાડ્યા વિના ફિનોમેનોલૉજિકલ અભિગમ અપનાવ્યો - જોકે દરેક કળાનો અભિગમ આવો જ હોય છે. પણ આપણે વૈજ્ઞાનિક અભિગમવાળા યુગમાં જીવી રહ્યા છીએ અને એવા યુગમાં ઇન્દ્રિયજન્ય સંવેદનો પ્રત્યે આપણે એવા ઉત્કટ પ્રતિભાવાળા નથી હોતા, એટલા જ માટે સેંકડો વર્ષ પહેલાં શુકોદર સુકુમાર નલિનીપત્રની વાત કરનાર કવિની રચનાઓમાં જોવા મળતી ઇન્દ્રિયજન્ય સંવેદનોની સમૃદ્ધિ પ્રત્યે વધુ ધ્યાન ન ગયું, પણ તેના જીવનદર્શન તરફ વધુ ધ્યાન ગયું. એટલે આવી સમૃદ્ધિના સંક્રમણની ભાગ્યે જ ચિંતા થતી હોય છે. સામાન્ય રીતે કાવ્ય સાથે વ્યવહાર ભાષાથી ઊફરી જતી કાવ્યબાની, અલંકાર, પ્રતીક, કલ્પન, છંદ, પદ્યને કાવ્ય સાથે સાંકળતા આવ્યા છીએ. આ પ્રકારની કાવ્યભાવનાથી ટેવાઈ ગયેલો વાચક સિતાંશુ યશશ્ચંદ્રનાં ‘મગન કાવ્યો' વાંચે તો એનો કાવ્યત્વ જેવું કશું વરતાય જ નહિ. ‘આને જો કાવ્ય કહેતા હો તો અમને પણ કાવ્ય રચતાં આવડે છે. આનાથીય સારાં.' એમ કહેનાર વાચકો ઘણા મળી આવે. આ કાવ્યોમાં ભાષાને સાવ સામાન્ય સ્તર પર પ્રયોજવામાં આવી છે. ‘મગન કાવ્યો'માં મગન કોણ એનો ઉત્તર એક રચનામાં વાચાળ બનીને આપવામાં આવ્યો છે.

મગનના વધેલા નખ એ જ મારા વધેલા નખ
મગન નીતર્યા પાણીમાં દેખાય છે.

અહીં પહેલી પંક્તિ કરતાં બીજી પંક્તિમાં કાવ્યાત્મકતા વિશેષ વરતાય છે. ‘પણ હોમોસેક્સૂઅલ્સનું સું? મગનભાઈ!'થી શરૂ થતા એક મગન કાવ્યમાં પ્રશ્ન પૂછનાર અને ઉત્તર આપનાર જુદા જુદા છે કે બંને એક જ છે એવી કશી સ્પષ્ટતા કરવાનું જરૂરી લેખ્યું નથી. જેટલી વખત હોમોસેક્સૂઅલ્સ વિશે પ્રશ્ન પૂછવામાં આવે છે એટલી વખત એનો ઉત્તર ન આપતાં નિર્ગુણ પરમાત્માથી માંડીને હોમિયોપેથીના વિષયોની વાત કરવામાં આવી છે. આ રચના સામે વાંધો લેવો હોય તો એટલો જ કે અહીં સંક્રમણ પૂરેપૂરું થઈ જાય છે. આપણને વાચાળ બનીને કહેવામાં આવ્યું છે – ‘ઓ ભગવાન, આ તારી દુનિયામાં કોમ્યુનીકેસન જ સક્ય નથી.’ આથી વિરુદ્ધ ‘મૃત્યુ' નામના સર્રિયલ કાવ્યમાં મરણની અનુભૂતિ ઘોડાના કલ્પન દ્વારા સાકાર કરવામાં આવી છે, સાથે સાથે શબ્દશક્તિનો પૂરેપૂરો ક્યાસ કાઢવાનો પ્રયત્ન થયો છે.

ખરી પછાડી પુચ્છ ઉછાળી દોડ્યા
કાળા ડમ્મર ઘોડા ધોળે ખડકાળે રથ જોડ્યા.

ભાષાના સ્વાભાવિક શબ્દજૂથોને બદલે મનની આકસ્મિક, સ્વૈરવિહારી ગતિને ધ્યાનમાં રાખી કાળા ડમ્મર ઘોડાની વાત કરી છે. આ રથ ‘ધોળો ખડકાળો રથ છે. અપેક્ષા ન હતી ત્યારે તે આવી ચઢ્યો-‘ પાંપણ તોડી તોડ્યા ખડકો.'

સેળભેળ ભંગાર પડ્યો ત્યાં ગોળ ગોળ હું ફરું
મારી ને ઘોડાઓની ફાટેલી આંખે લળી ડોકિયાં કરું.

મરનાર અને ઘોડાઓ વચ્ચે અદ્વૈત સ્થાપીને કવિ છેલ્લી પંક્તિમાં ચિત્ર બદલી નાખે છે.

ખરી પછાડી પુચ્છ ઉછાળી દોડ્યા
ડમ્મર, ધોળા ઘોડા, કાળો ખડકાળે રથ જોડ્યા.

આમ તો કેટલાક કવિઓએ સંક્રમણની જાહેરમાં ઉપેક્ષા કરી છે. આપણા જમાનાના એક કવિ ઉશનસે તો કહ્યું છે : ‘કવિ લેખે મારે હવે બીજું કોઈ કામ કરવાનું બાકી રહ્યું નથી. મારી કવિતાએ સંદેશા આપવાનું કામ કરવાનુંય છોડી દીધું છે. હવે હું સર્જનના રહસ્યની બરાબર સંમુખ ઊભો રહેવા માગું છું. ઊઘડવા માગું છું; પેગંબર થવાની જવાબદારી મેં ફગાવી દીધી છે.’ (‘અશ્વત્થ'ની પ્રસ્તાવના) ટૂંકમાં, આ કવિ આપણી આગળ રૂપોની સૃષ્ટિ જ ઊભી કરવા માગે છે. ઇન્દ્રિયબધિર એવા યુગમાં કવિ તો એમ જ કહેવાનો કે ‘હું તો માત્ર ઇન્દ્રિયવર્ણ કવિતાનો પુંજ.’ જેની પાછળ કોઈ સંદેશ નથી એવી નરી ઇન્દ્રિયજન્ય અનુભૂતિ અથવા કલ્પનસૃષ્ટિ કૃતિમાં નિરૂપાયેલી જોઈ ઘણા વાચકો એમાંથી કશું ન પામ્યાની ફરિયાદ કરતા હોય છે. આવી એકાદ રચના તરીકે જયંત પાઠક કૃત 'સમડી’ ધરી શકાય. પંખી ઊડતી વખતે આખું આકાશ લઈને ઊડતું હોય છે અને જન્મતી વખતે આખું આકાશ લઈને જન્મતું હોય છે એ ભૂમિકાને માત્ર એક જ ચિત્ર દ્વારા મૂર્ત કરવામાં આવી છે, આથી વિશેષ પામવાનો લોભ કાવ્યત્વ સિવાયની પ્રાપ્તિ તરફ લઈ જાય. નલિન રાવળની ‘બપોર' રચનાને પણ આ વર્ગમાં મૂકી શકાય. ‘ વીસમી સદી પૂરી થવાની તૈયારીમાં છે, આવી પરિસ્થિતિમાં કવિતા મુશ્કેલ છે. લાભશંકર ઠાકરે અખાના દૃષ્ટાંતનો નવેસરથી ઉપયોગ કરીને લખ્યું: ‘ડોલ શબ્દની કાણી રે ઊંડા કૂવાનાં પાણી રે,’ મનોરંજન પાછળ દોટ મૂકતી પ્રજાની વચ્ચે, સત્તાધીશો અને વિજ્ઞાપનકારો દ્વારા વાંઝણી બનતી ભાષાના સાધન વડે તાર્કિક વિભાવનાઓનાં જાળામાં અટવાતાં અટવાતાં કાવ્યસર્જન ખરે જ સાહસ બન્યું છે. ગઈ કાલે જ સર્જેલો શબ્દ સંક્રમણનાં આટલાં બધાં સાધનોને કારણે આજે વાસી થઈ જાય છે, એટલે કવિ શબ્દ પાસેથી વધુ ને વધુ કામ કઢાવવા મથે છે. વ્યંજના વાચકની પકડ બહારની વસ્તુ બની જાય છે. લાભશંકર ઠાકરના શબ્દોમાં કવિ ‘શબ્દશ્રુતિ, શબ્દરસ, શબ્દગંધ,' પામવા નીકળ્યો હોય તો જ તે સર્જક, કર્તા કહેવાય. એ શબ્દ જો ‘વિશેષણની ચાદર’ ઓઢીને સૂઈ ગયો હોય તો ભાષાના નૂતન સંસ્કારની આશા રાખવી જ નકામી છે. એક રચનામાં તેઓ કહે છે :

તર્કની સપાટીને જ સાંભળી શકું છું । તર્કની સપાટીએ જ જોઈ શકું છું। તર્કની સપાટીને જ સ્પર્શી શકું છું । તર્કની સપાટીએ જ ચાખી શકું છું । તર્કની સપાટીને જ સૂંઘી શકું છું. । ઈ.સ. ૨૦૦૦માં પાંચ અબજ ટન ભાષાનો કાદવ / ઈ.સ. ૨૦૫૦માં દસ અબજ ટન ભાષાનો કાદવ.

અહીં કવિ સામે ફરિયાદ કરવાની થાય. સૈદ્ધાન્તિક રીતે લાભશંકર ઠાકરની વાત ખોટી નથી, પણ કવિ કાવ્ય રચે, ફિલસૂફી નહિ. આ જ કવિ જ્યારે કાવ્ય રચે છે ત્યારે તર્કને બદલે કલ્પનનો ઉપયોગ કરે છે.

કપાયેલી પાંખોવાળું કબૂતર ક્યારનુંય । શેરીમાં ફફડ્યા કરે છે. । વન્ધ્યાના ગર્ભાશયની । રિક્તતા । શેરીમાં થરક્યા કરે છે. । શેરીના ખાબોચિયામાં ! આજે ફરી । શત સહસ્ત્ર જંતુઓ જન્મ પામ્યાં. । પાંડું વર્ણનો એક વૃદ્ધ । પશ્ચિમ ભણી ડગ ભરતાં । શેરીની વિષમ ભૂમિમાં । ઠેસ ખાઈને પડી ગયો. । તેમ છતાં એક પતંગિયું । મારી ખરબચડી કાળી દીવાલો પર । બેઠું ન બેઠું / અને મેં કવિતા લખવાની શરૂઆત કરી.

અહીં ચૈતન્યના અભાવસૂચક શબ્દો પસંદ કરવામાં આવ્યા છે. પંખી પાસેથી પાંખો લઈ લો એટલે તેની પાસેથી આકાશ લઈ લીધું; મા બની ન શકતી સ્ત્રી સમ્પૂર્ણ સ્ત્રી કહેવાતી નથી, શેરીના ખાબોચિયામાં સેંકડો, હજારો જંતુઓ જન્મે તોપણ થોડી જ વારમાં બળબળતો સૂર્ય તેમનું ચૈતન્ય ઝૂંટવી લેશે, લોહી વગરના વૃદ્ધની જીવનસંધ્યા આવી પહોંચી છે. આ બધાં અનુર્વર કલ્પનોની વચ્ચે એકાએક કવિની નજરે ચૈતન્યની, રૂપોની રમણા રેલાવતું પતંગિયું પ્રગટ્યું - કઠણ અને કાળી દીવાલની પડછે પતંગિયાનાં રૂપ અને કુમાશ અસરકારક બની જાય છે. આ ચૈતન્યનો સ્પર્શ થતાં સર્જનની પળ આરંભાઈ. ધારો કે આપણા યુગમાં કાવ્ય નથી લખી શકાતું એવી અનુભૂતિનું કાવ્ય કેવી રીતે રચવું તેનો ઉત્તર રાવજી પટેલ પાસેથી મળી રહે છે.

હવે શાં કાવ્ય લખું? । માણસનો કાન હવે તો ધૂળ ધુમાડો પથ્થર | થર થર ધરા ધરુજે /… હથેલીઓમાં શ્વાસ-સીમા જે બચી એટલી સાચી ! સાચું તો ક્યાં છે અંધારું? આંખોના ખૂણા છોડી ભાગ્યું…/ આ તો ગરુડની તોળાઈ રહેલી પાંખ… આ તો છાપાનાં પાનાં પર અધમૂઆં નગર | અક્ષર થઈ વેરાયા ઝાંખા-પાંખા ફોડામાં બાળક સંતાતું । એમ સ્ત્રીઓની સામે। પુરુષનું બળ મ્લાન નજરમાં લપી જતું / બળ્યો, જળ્યો લય ભીંતો કોચે । આખો દેશ અડાયા પર બેઠો છે! । ત્યારે બૉમ્બ પડેલા ગામ સરીખી । સપાટ નિર્જન જીભ (કવિની).

કવિ કોઈકને માટે કાવ્ય લખે છે એટલી પ્રારમ્ભિક ભૂમિકા સ્વીકારીને રાવજી કાવ્યનો આરમ્ભ કરે છે. ધૂળ અને પથ્થરની વચ્ચે ભયંકર ધુમાડો મૂકી આપ્યો. ધુમાડો આપણી સંસ્કૃતિનું કેન્દ્રવર્તી, કલ્પન છે. ‘પથ્થર' શબ્દની સાથે જ અનાયાસે બીજી પંક્તિ ઘસડાઈ આવે છે. સમ ખાવા પૂરતો અન્ધકાર પણ બચ્યો નથી. એ તો આખા જગતને જોતી આંખોના ખૂણામાં હતો. જે અન્ધકાર આપણે જોઈએ છીએ તે હિંસક ગરુડની તોળાઈ રહેલી પાંખને લીધે છે. સંસ્કૃતિના મરણના સમાચાર આપતાં છાપાં, ફોડલામાં સંતાઈ જતાં બાળક આ બધી છબિઓ પછી ઝળુંબી રહેલા વિનાશની છબિ સમર્થ રીતે આલેખાય છે - આખો દેશ અડાયા પર બેઠો છે. આવા વિનાશની એંધાણી તો સૌપ્રથમ કવિને જ થાય ને! પણ કવિ લાચાર છે, તેની વાણી સંદર્ભહીન, ઉષ્માહીન છે. સંક્રમણની સૌથી વધુ સમસ્યા અર્થાતીત કવિતાના સંદર્ભે ઊભી થાય છે. આ પ્રકારની રચનાઓ બે રીતે શક્ય બને છે. એક તો શબ્દના અર્થને સંપૂર્ણપણે ફગાવી દઈને. બીજું, અનુકરણ દ્વારા. એ તો કવિતા જ બનતી નથી. આપણી ભાષામાં અર્થાતીત કવિતાની દિશા ઊઘડી હતી ખરી, રાવજી પટેલ કહે છે - મારી કવિતાને કશો અર્થ નથી. કવિઓ પણ કહે છે -અર્થહીન જગતમાં વળી અર્થની વાત આવી ક્યાંથી? રાવજીની આ પંક્તિઓથી શું સમજવું?

નળિયાંનો વેશધારી મારો વયપ્રિયતમ
તતખૂ ડોળે ઉભડાક્યો
ઉત્થત આગત હીય શી!

આવી કૃતિ કશાયનું સંક્રમણ કરતી નથી, જો તે કશાનું સંક્રમણ નથી કરતી તો પછી કાવ્યનું સંક્રમણ પણ નથી કરતી. જો કોઈ રચના કાવ્ય હશે તો તે સંક્રમણ કરશે જ. રોબર્ટ વોરેન જેવા આવા સન્દર્ભમાં કહે છે તે યાદ રાખવા જેવું છે - જે કૃતિ ભાવક, સહૃદય માટે અર્થહીન છે તે કવિ માટે પણ અર્થહીન છે. અર્થાતીત કવિતા લખનારા કેટલાક યુરોપિયન કવિઓમાંથી કેટલાકે પોતાના પાપનું પ્રાયશ્ચિત રાંધણકળાની પુસ્તિકાઓ લખીને કર્યું હતું. એમના પરથી ધડો લેવામાં આવશે એવી આશા આપણે રાખી શકીએ. કારણ કે ભાષા જેનું માધ્યમ છે તેવા સાહિત્યમાં શબ્દાર્થની, વાચ્યાર્થની ઉપેક્ષા ભાગ્યે જ કરી શકાય. ચન્દ્રકાન્ત શેઠ એક કાવ્યમાં કહે છે :

રંગનો અર્થ અવાજ પણ થાય છે ને સુગંધ પણ થાય / કોઈ પણ શબ્દનો કોઈ પણ અર્થ થઈ શકે । તેથી વ્હાલા સજ્જનો । શબ્દોની ભેખડ પર કોટકિલ્લા ન બાંધો.

બીજા એક કાવ્યમાં ત્રિસ્તાંઝારાએ કહેલી વાત આવે છે :

શબ્દોને તમે હેટમાં નાખી એમનું તેતર બેતર । ચકલી કબૂતર । મંબોજંબો ગમે તે કરી શકો છો.

આ ભૂમિકા અમુક જ સંદર્ભમાં યોગ્ય લેખાય. આને ધારો કે ભયસ્થાન ન ગણીએ તોપણ એક ડેડ એન્ડ છે. બુદ્ધિએ વિભાવનાઓનાં જાળાં બાંધ્યાં, બુદ્ધિના પ્રભાવે આપણે પદાર્થને માણવાને બદલે પદાર્થના અમૂર્ત ખ્યાલને વળગી રહ્યા એ કબૂલ (મોટા ભાગની પ્રજા આ જ રીતે જીવી શકે - નહિતર કળાની, કવિઓની જરૂર જ ન રહેત) અને છતાં બુદ્ધિગમ્ય ભાષાનો ખાત્મો બોલાવી દેવો એ વાત તો સ્વીકાર્ય બની ન શકે. કવિ ભલે અસંગતિનું નિરૂપણ કરે પણ એ ભાષા તો ચોક્કસ અર્થ ધરાવતી ભાષા જ છે. બીજી બાજુએ, ગીતગઝલ લખનારા કવિઓને કેન્દ્રમાં રાખીને એમ કહેવાયું કે આજનો કવિ ભાવકોની વચ્ચે જઈને બેઠો છે. પણ ગીત-ગઝલની પ્રકૃતિ કૈંક અંશે આ પ્રકારની છે. આમ છતાં આ ગીતગઝલો પરંપરાથી જુદાં તો પડી જ આવ્યાં છે. બાકી અત્યારે લખાતી ઘણી રચનાઓ કૃતક હશે એની ના નહિ. અતિવાસ્તવવાદ, ઍબ્સર્ડ, અછાંદસના આગમન પછી તો મગનછગનને પણ કવિ બનવાનો અધિકાર મળી ગયો. પણ આપણે એવા કવિબ્રુવોની વાત ન કરીએ. જે આશાસ્પદ કવિઓ છે તે સમાજને કેન્દ્રમાં નથી રાખતા, એમ ન કહેવાય; પણ એમની અને સમાજ વચ્ચેનો સમ્બન્ધ સહેલાઈથી અવગત કરી શકાતો નથી. કેટલાક કવિઓ પ્રતીકવાદી કવિતામાંથી બોધ પામ્યા અને જિવાતા જીવનની નિકટ જઈ પહોંચ્યા. પણ એથી કરીને કશું નુકસાન થયું છે અથવા થશે એનો ભય રાખવો અકારણ છે. સી. એમ. બાવરા કહે છે તે પ્રમાણે કવિઓ જ્યારે જિવાતા જીવનથી, ભાષાથી દૂર જાય છે ત્યારે ધીરે ધીરે વાચકો હીન, નિઃસત્ત્વ રચનાઓનો નશો કરવા માંડે છે, સમાજ પછી કળાથી વંચિત રહે છે. આનો અર્થ એવો નથી કે વાચકે કશું કરવાનું નથી. આધુનિક કવિતા વ્યંગ્યાર્થમાં રાચતી હોવાથી પ્રથમ દૃષ્ટિએ પ્રેમમાં પડી જઈએ એવી પ્રિયતમા નથી. ધીરજ રાખીને તેની આગળ બધું સમર્પણ કરવું પડે. રામપ્રસાદ બક્ષીએ આધુનિક કવિતાના સંદર્ભે ટાંકેલા એક સૂત્રને યાદ કરીએ: ‘કોઈ પુરુષ વાણીને (વાણીગત દૃશ્ય અર્થતત્ત્વને) જોવા છતાં જોતો નથી. કોઈક વાણીને સાંભળતો છતાં સાંભળતો નથી. કોઈક સદ્ભાગીની સમક્ષ તો વાણી સ્વયમેવ પોતાની તનુને પ્રકટ કરી દે છે - ઇચ્છાભરેલી સુવસ્ત્રા જાયા પતિ સમક્ષ સર્વાંગે પ્રકટ થાય તેમ.’ આ આધુનિક કવિતા પણ સુવસ્ત્રા જાયાના જેવી છે, તે પ્રગટ થવા તૈયાર છે, ફરી ફરી સહવાસની ઇચ્છાએ તૈયાર છે.

*

('અધીત : પાંચ')