અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/‘ઓખાહરણ'માં પ્રેમાનંદની આખ્યાનકલા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૫૧. ‘ઓખાહરણ'માં પ્રેમાનંદની આખ્યાનકલા

ગિરીશ ચૌધરી

આખ્યાન મધ્યકાળમાં ખૂબ લોકપ્રિય બનેલું કાવ્યસ્વરૂપ છે. આખ્યાનકારોએ રામાયણ, મહાભારત અને ભાગવતાદિ પુરાણકથાઓ તેમજ નરસિંહ મહેતા, સગાળશા અને કબીર જેવા સુપ્રસિદ્ધ ભક્તચરિત્રોને લોકભોગ્ય વાણીમાં વણી લઈ; આખ્યાન-કાવ્ય રચી શ્રોતાઓને કથા કહેવાની શરૂઆત કરી. પરિણામે પુરાણકથાઓ કરતાં આખ્યાનો વિશેષ રુચિકર બન્યાં. આખ્યાનકારો લોકરુચિને અનુસરીને મૂળકથાનકમાં ઉચિત ફેરફારો કરી સમકાલીન જીવનરંગો, રીતરિવાજો, રૂઢિઓ અને લોકાચારને ખૂબીથી કથામાં વણી લેતા. મધ્યકાલીન આખ્યાનકારોનો આ સ્વરૂપ ખેડવા પાછળનો આશય પ્રજાસમૂહને મનોરંજન પૂરું પાડવાનો અને પ્રજામાં ભક્તિનું સિંચન કરવાનો રહ્યો છે. ૧૫મી સદીમાં આખ્યાનનાં બીજ વવાયાં. ભાલણથી શરૂ થયેલું આખ્યાનસ્વરૂપ ૧૬મી સદીમાં નાક, વિષ્ણુદાસ વગેરે. આખ્યાનકારોના હાથે વિકાસ પામે છે અને ૧૭મી સદીમાં આખ્યાન શિરોમણિ પ્રેમાનંદના હાથે પૂર્ણકળાએ ખીલી ઊઠે છે. ઓખાહરણ કે ઉષાહરણનું મૂળ કથાનક શ્રીમદ્ ભાગવત્ પુરાણના દશમસ્કંધના ૬૨ અને ૬૩મા અધ્યાયમાં તથા હરિવંશપુરાણના વિષ્ણુપર્વના ૧૧૬થી ૧૨૮ અધ્યાયમાં આવે છે. આ કથાનકનો વિનિયોગ કરી વીરસિંહ, જનાર્દન, ભાલણ, નાકર, વિષ્ણુદાસ, માધવદાસ, કાશીદાસ અને પ્રેમાનંદે આખ્યાનો રચ્યાં છે. આ બધામાં પ્રેમાનંદ વિરચિત 'ઓખાહરણ’ સર્વોત્કૃષ્ઠ અને લોકપ્રિય બન્યું તેનું કારણ પ્રેમાનંદ સિદ્ધહસ્ત આખ્યાનકાર હોઈ મૂળકથાનકમાં ફેરફાર કરી શ્રોતાઓની રસરુચિ અનુસાર પ્રસંગોનું રોચક નિરૂપણ કરવામાં કુશળતા દાખવે છે. ‘ઓખાહરણ' આખ્યાનની રચના કરવા માટે પ્રેમાનંદે ભાગવત્ અને હરિવંશ પુરાણનો આધાર લીધો છે. જરૂરિયાત પ્રમાણે મૂળકથાનકમાં ક્યાંક-ક્યાંક ફેરફારો કર્યા છે તો કેટલાક મૌલિક પ્રસંગો કવિકલ્પનાથી ઉમેર્યા છે. બાણાસુરના વરદાનની કથા, અલૂણાવ્રતની કથા, શિવકૃષ્ણયુદ્ધ, વૈશાખ સુદ બારસની રાતે ઓખાને આવતું સ્વપ્ન વગેરે પ્રસંગોના આલેખનમાં મૂળકથાનકનું સ્પષ્ટ અનુસરણ જોવા મળે છે, જ્યારે બાણાસુરની ધજાનો ભંગ, પાર્વતીએ ઓખાને આપેલાં ત્રણ વરદાનો, નારદ-ચિત્રલેખાનું મિલન વગેરે પ્રસંગો પ્રેમાનંદની મૌલિક કલ્પના છે. પ્રેમાનંદે ‘ઓખાહરણ'માં વરદાન અને શાપની લીલાને અવલંબન બનાવીને વરદાન-શાપની લીલા દાનવ-માનવના જીવનમાં કેવું પરિવર્તન આણે છે તે સુપેરે આલેખ્યું છે. ઓખાહરણમાં પ્રેમાનંદે વરદાન-શાપના મોટિફનો કલાત્મક વિનિયોગ કર્યો છે. ઓગણત્રીસ કડવામાં આલેખાયેલ ઓખાહરણનું કથાનક આ પ્રમાણે છે શોણિતપુરના રાજા બાણાસુર બળ પ્રાપ્ત કરવા માટે શંકર ભગવાનની તપશ્ચર્યા કરે છે અને શિવજી પાસે હજાર હાથનું વરદાન પામી ત્રિલોકવિજેતા બને છે. પોતાનો સામનો કરવા હવે કોઈ યોદ્ધો રહ્યો નથી માટે પરાક્રમજ્વરથી પીડાતો બાણાસુર બીજી વાર શિવજીની આરાધના કરી વરદાનને બદલે અભિશાપરૂપ વરદાન પુત્રી તારીનો વડસસરો તે, તારા મદને હણશે’ પામે છે. બીજી તરફ બાણાસુરની પુત્રી ઓખા પાર્વતી પાસેથી સુંદર વરપ્રાપ્તિનું વરદાન મેળવે છે. ત્રિલોક પર આધિપત્ય મેળવવા ઝંખતો બાણાસુર ઓખાને મળેલા વરદાનની વાત જાણી ચિંતાગ્રસ્ત બને છે. ઓખાનું લગ્ન પોતાના પરાજયનું નિમિત્ત બનશે એવું વિચારી બાણાસુર પ્રથમ ઓખાની હત્યા કરવા તત્પર થાય છે. પણ નારદના ઉપાયને અનુસરી ઓખાને એકદંડિયા મહેલમાં પૂરીને કુંવારી રાખવાનો પ્રયાસ કરે છે પણ સફળ થતો નથી. નિયતિનું વિધાન સાચું પડતાં ઓખા સ્વપ્નમાં અનિરુદ્ધ સાથે પરણે છે અને ચિત્રલેખા અને નારદની મદદથી અનિરુદ્ધ સાથે ગાંધર્વ લગ્નથી જોડાય છે. સમય જતાં આ બધી વાતો પ્રગટ થાય છે અને અનિરુદ્ધ-બાણાસુરના સૈન્ય વચ્ચે સંગ્રામ થાય છે. બાણાસુર નાગપાશ શસ્ત્રથી અનિરુદ્ધને બંદીવાન બનાવે છે. અનિરુદ્ધને મુક્ત કરાવવા શ્રીકૃષ્ણ શોણિતપુર સેના સાથે ધસી આવે છે તો બીજી તરફ બાણાસુરની મદદે શંકર ભગવાન પોતાની સેના સાથે ધસી આવે છે. કૃષ્ણ-શિવજી-બાણાસુરના સૈન્ય વચ્ચે દારુણ યુદ્ધ ખેલાય છે. શ્રીકૃષ્ણ બાણાસુરનું બળનું અભિમાન ઉતારે છે. અંતે બ્રહ્માજીની મધ્યસ્થિથી કૃષ્ણ-શિવજીનું યુદ્ધ અટકે છે અને ઓખા-અનિરુદ્ધનાં સામાજિક લગ્ન યોજાય છે ત્યાં આખ્યાન પૂર્ણ થાય છે. મધ્યકાલીન આખ્યાન કાવ્યપરંપરાને અનુસરીને પ્રેમાનંદે ‘ઓખાહરણ'ના મંગલાચરણમાં વિઘ્નહર્તા દેવ ગણેશ અને વાણીની દેવી મા સરસ્વતીની વંદના કરી છે. પ્રથમ કડવાનાં ગણેશ અને સરસ્વતીનાં ગુણગાન વર્ણનમાં પ્રેમાનંદનું કવિત્વ પ્રગટ્યું છે. ઓખાહરણનું પીઠિકા સમાન બીજા કડવામાં પ્રેમાનંદે કથાનો મૂળ આધાર નિર્દેશી બાણાસુરની વંશાવળીનો વિગતે પરિચય આપ્યો છે. ‘ઓખાહરણ' કથાના મૂળમાં બાણાસુર-ઓખાને મળેલાં વરદાન-શાપ છે. તેથી પ્રેમાનંદે બીજાથી ચોથા કડવામાં બાણાસુર અને ઓખાના તપશ્ચર્યાં અને વરદાનની કથા આલેખી દીધી છે. ત્રિલોકવિજેતા બનવાની ઝંખના, સેવતો બાણાસુર શિવજીની કઠોર સાધના કરી પ્રથમ વખત ત્રણ વરદાન માંગે છે. (૧) પોતાને ગણપતિ સમાન ગણવો (૨) વિપત્તિવેળાએ ધાઈ આવવું અને (૩) સહસ્ત્ર હાથ પામવા. બીજી વખત પણ તે શિવજી પાસે ત્રણ વરદાન માંગે છે (૧) યોદ્ધો આપો (૨) તમે વઢો અને (૩) વઢનાર આપો. મદનઘેલી ઓખા પણ પાર્વતી પાસે ત્રણ વરદાન માંગે છે - (૧) કંદર્પ જેવો વર (૨) કંદર્પ જેવો ભરથાર અને (૩) આપો સુંદર વર. બંને ઇચ્છિત વરદાન પામે છે પણ બીજી વારનું બાણાસુરનું વરદાન એના માટે અભિશાપરૂપ બને છે તો ઓખાનું વરદાન બાણાસુરના મદને હણવા માટે નિમિત્ત બને છે અને કથામાં સંઘર્ષ નિરૂપવામાં કારગત નીવડે છે. ઓખાહરણ' આખ્યાનનું ચાલકબળ આ વરદાન-શાપ બની રહે છે. આ સંદર્ભે સંપાદક મફત ઓઝા નોંધે છે – ‘ઓખાહરણની કથા વરદાન અને શાપ એવાં બે તત્ત્વો પર આધારિત છે. કથાનો પ્રથમ દોર વરદાનશાપનો છે. બાણાસુર વરદાનને અંતે શાપ માંગે છે જ્યારે ઓખાને શાપને અંતે વરદાન મળે છે. આ શાપ વરદાન બને છે ત્યાં મંગલમય સ્થિતિ છે અને વરદાન શાપ બને છે ત્યાં વ્યથા, એટલે ઓખાહરણ - (વરદાન-શાપ, શાપ- વરદાન) = ફ્લાપ્રપ્તિ.' 'ઓખાહરણ'ની કથાગૂંથણી સીધી-સરળ છે. સમગ્ર આખ્યાનને ત્રણ ભાગમાં વહેંચી શકાય : આરંભે પરાક્રમી બાણાસુરની કથા, મધ્યમાં ઓખા- અનિરુદ્ધની પ્રણયકથા અને અંતમાં બાણાસુર, શિવ અને કૃષ્ણના યુદ્ધની કથા. આ ત્રણે ભાગને સરસ રીતે સંયોજીને રસપ્રદ આખ્યાન નિપજાવી આપે છે તેમાં પ્રેમાનંદની વસ્તુસંકલનાની સૂઝ દેખાઈ આવે છે. ઓખાહરણમાં પ્રેમાનંદની પાત્રાલેખનની કલા પણ ધ્યાનપાત્ર બની છે. પરાક્રમી, મદાંધ અને પિતૃવત્સલ બાણાસુર, મદનઘેલી દામ્પત્યપ્રણય ઝંખતી-તડપતી ઓખા, પરાક્રમી અને રસિક અનિરુદ્ધ, સખીધર્મ નિભાવતી વિધાત્રી ચિત્રલેખા વગેરે પ્રમુખ પાત્રોનું આંતરબાહ્ય વ્યક્તિત્વ ખૂબીથી પ્રગટાવ્યું છે. કથાનાં ગૌણ પાત્રો શ્રીકૃષ્ણ, શિવજી, નારદજી, મંત્રી કૌભાંડ, સૈનિકો, નગરજનો વગેરે પાત્રોનું પાત્રાંકન હૃદયસ્પર્શી રીતે થયું છે. ઓખાહરણનાં વર્ણનો પણ એટલાં જ આસ્વાદ્ય છે - આરંભે આવતું ગણપતિ – સરસ્વતીનાં રૂપ-ગુણનું વર્ણન, બાણાસુરે આદરેલી તપશ્ચર્યાનું વર્ણન, યુદ્ધનું વર્ણન પ્રેમાનંદની વર્ણનકલાના નમૂનારૂપ છે. રસનિરૂપણ અને રસસંક્રમણ બાબતે પ્રેમાનંદને કોઈ ગુજરાતી કવિ પહોંચે એમ નથી. ઓખાહરણ શૃંગારરસનું કાવ્ય છે પણ પ્રેમાનંદે અહીં પ્રણય નિમિત્તે યુદ્ધકથાનું સરસ સંયોજન કર્યું છે માટે વીરરસનું નિરૂપણ થયું છે. સમગ્ર આખ્યાનમાં અદ્ભુત, હાસ્ય અને રૌદ્ર સાથે શૃંગારનું નિરૂપણ આસ્વાદ્ય છે. અલૂણાવ્રત અને કન્યાવિદાયના આલેખનમાં પ્રેમાનંદે સામાજિકતા મુખર કરી છે. આખ્યાનનો આરંભ અને અંત સુનિશ્ચિત હોય છે. આરંભે મંગલાચરણમાં ઇષ્ટદેવની સ્તુતિ અને અંતમાં ફળશ્રુતિ અને કવિપરિચય આવતાં હોય છે. સામાન્ય રીતે છેલ્લા કડવામાં ફળશ્રુતિ આવતી હોય છે, પણ પ્રેમાનંદે 'ઓખાહરણ’માં કડવું-૨૭ અને કડવું-૨૯ એમ બે ફળશ્રુતિ આપી છે. ૨૭મા કડવામાં પ્રગટ થયેલા વર બ્રહ્માજીને વિનંતી કરતાં કહે છે કે હવે અમે ક્યાં જઈ વસીએ? ત્યારે બ્રહ્માજી કહે છે -

‘અધર્મ કરે જે નરનાર, પશુ-વનસ્પતિ તણો જે કાળ,
ત્યાં તમારે નિવાસ, એમ જ્વરની પૂરી આશ.
ઓખાહરણ સાંભળે સંતોષ ના પ્રગટે જનને જ્વરનો દોષ,
જે સાંભળે ધરીને ભાવ, તેના જાયે સાતે તાવ'

આ ફળશ્રુતિમાં પ્રેમાનંદ કહે છે કે જે અધર્મ કરે, પશુ-વનસ્પતિને હણે તેમને ત્યાં જ્વરનો નિવાસ થશે, તેમજ ઓખાહરણની કથા સાંભળી સંતોષ ન થાય તેને પણ જ્વર પીડશે અને ભાવથી કથા સાંભળે તેને જ્વર સતાવશે નહિ. અહીં આ ફલશ્રુતિમાં પ્રેમાનંદ નીતિબોધ પ્રબોધે છે તો સાથે કવિનો જીવદયાપ્રેમ અને પ્રકૃતિપ્રેમ પ્રગટે છે. ૨૯મા કડવામાં પ્રેમાનંદ આ પ્રમાણે ફલશ્રુતિ આપે છે -

‘ઓખાહરણ અતિ અનુપમ, તાપ ત્રણે જાય,
શ્રોતા થઈને સાંભળે તેને વૈકુંઠપ્રાપ્તિ થાય.
ગોવિંદચરણે ગ્રંથ સમર્યો, ગુરુને નામ્યું શીશ,
ઓખાહરણ જે ભાવે સાંભળે તેને કૃપા કરે જગદીશ.
ઓગણત્રીસ કડવાં એનાં છે, પદસંખ્યા કીધી નથી,
સુણે, ભણે ને અનુભવે, તેની પીડા જાયે સર્વથી.’

ઓખાહરણની કથા ભાવથી સાંભળનારના ત્રણે તાપ દૂર થાય, વૈકુંઠની પ્રાપ્તિ થાય, જગદીશની કૃપા પ્રાપ્ત થાય અને એની બધી જ પીડા દૂર થાય એમ જણાવે છે. કાવ્યાંતે પ્રેમાનંદ પોતાનો પરિચય આ પ્રમાણે આપે છે -

‘વીરક્ષેત્ર મધ્યે વાસ વાડીમાં, વિપ્ર ચતુર્વિશી જાત,
પ્રેમાનંદ આનંદે કહે, જ્ય જ્ય વૈકુંઠનાથ.’

આમ, ‘ઓખાહરણ' પ્રેમાનંદની આરંભની કૃતિ હોઈ ‘નળાખ્યાન', ‘કુંવરબાઈનું મામેરું' કે 'સુદામાચરિત્ર' જેવાં આખ્યાનોની તુલનામાં શક્ય છે કે ઓછી કલાત્મક લાગે તેમ છતાં આખ્યાન સ્વરૂપની પ્રેમાનંદની યશોદાયી કૃતિ છે.

(‘અધીત : બેતાળીસ)