અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/બળવંતરાયની કવિતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૫૨. બળવંતરાયની કવિતા

ચંદ્રકાન્ત ટોપીવાળા

ગુજરાતી સાહિત્યમાં બ.ક.ઠાકોર પંડિતયુગ અને ગાંધીયુગના મધ્યવર્તી કવિ છે. પંડિતયુગના ઊર્મિપરાયણ, આદર્શપરાયણ વાયવી પરિબળો અને ગાંધીયુગનાં વિચારપરાયણ, વાસ્તવપરાયણ નક્કર પરિબળો વચ્ચે જ એમનું મૂલ્યાંકન શક્ય છે. પંડિતયુગને એનાં પરિબળોથી મુક્ત કરનાર અને ગાંધીયુગને એનાં પરિબળો તરફ ગતિશીલ કરનાર એમનું કવિકર્મ એ અર્થમાં સાપેક્ષ છે. બળવંતરાયની રચનાઓની સાપેક્ષતા બીજી રીતે પણ નોંધપાત્ર છે. એમની રચનાઓ સ્વપ્રેરિત છે એથી વધુ અનુપ્રેરિત અને વિશેષ તો પ્રતિપ્રેરિત છે. કવિ બળૂકો હોય ત્યારે પુરોગામીઓના સંસ્કારોને આકલિત કરી કવિતાનું એક પોતાનું મૉડલ ઘડી લેતો હોય છે. કાન્ત, ન્હાનાલાલ, કલાપી આપણા આવા સહજ કવિઓ છે. આ કવિઓની રચનાઓમાં આંતરકૃતિત્વ (Intertextuality)ના સંકેતો નિશ્ચિત છે. તો સામે પક્ષે કવિ પોતાની પ્રતિભા કરતાં પોતાની વૈયક્તિકતા માટે વધુ સભાન અને સજાગ હોય ત્યારે સંસ્કારોથી બીજે છેડે જઈ સ્વપ્રતિષ્ઠ થવા ઇચ્છે છે. અન્યના સંસ્કારોથી ઝનૂનપૂર્વક છૂટા પડી એ પોતાની કવિતા માટે મૉડેલ કરતાં પ્રતિ-મૉડેલ (Anti model) તૈયાર કરે છે. એની રચનાઓમાં પૂર્વસૂરિઓના સંકેતોની સામેના પ્રતિસંકેતો સહેતુક ગોઠવાયા હોવાથી એમાં એક પ્રકારની સાપેક્ષતા પ્રવેશે છે. બળવંતરાય ઠાકોર એવા અલ્પપ્રતિભા પ્રયત્નસાધ્ય ઉત્પાદ્ય કવિ છે. એમની રચનાઓમાં પ્રતિકૃતિત્વ (Anti texuality)ના સંકેતો સ્પષ્ટ છે. આથી જ કાન્ત, ન્હાનાલાલ અને કલાપીની હસ્તી વગર બળવંતરાયની કવિ હસ્તી કલ્પવી મુશ્કેલ છે. બળવંતરાયે આ ત્રણે કવિઓના કવિતામૉડેલથી વિપરીત એવું પોતાનું કવિતામૉડેલ રચ્યું. એ કોઈને અનુસરવા માગતા નહોતા. ‘ખુદકલમી’ બનવાની એમની નેમ હતી. ‘પરપ્રત્યયનેયબુદ્ધિથી લખવું એ કરતાં ન લખવું બહેતર' એવી એમની ખુદવફાઈ હતી. કાન્તની ઊંચી કમનીયતા આગળ જો પોતે એનું અંધ અનુકરણ કરવા જાય તો એ અવતરણની આસપાસ છેક કાળું પડી જાય, એવાં પોતાની મર્યાદાના ભાનથી તેઓ કહે છે કે કાન્તની સુંદરતા ઉછીની લઈને હું આગળ ચાલું તો એમાં મારું શું વળે?’ આ કારણે એમણે પહેલો પ્રતિકાર કર્યો કાન્તની કવિતાનો. કાન્તની 'લલિત કોમલ' પદાવલીની સાથે હઠપૂર્વક એમણે એમની રચનાઓમાં બરછટ શૈલીનો, ખરબચડા પોતનો અને ખાબડખૂબડ શબ્દ-સંયોજનોનો પુરષ્કાર કર્યો. શ્લોકબદ્ધતા અને પ્રાસચુસ્તતા સામે શ્લોકભંગ, યતિભંગ અને પ્રાસરહિતતા દ્વારા પદ્યની પ્રશિષ્ટ નિયંત્રિતતામાં પ્રવાહિતા દાખલ કરી. પૃથ્વીવૃત્તની સળંગતા પ્રયોજી. એ રીતે જોઈએ તો એમનું 'આરોહણ' કાવ્ય, ખંડકાવ્યની સામે મુકાયેલો પ્રતિખંડકાવ્યનો નમૂનો છે. કાન્તથી સદંતર ઉફરા જવામાં એમણે વિશિષ્ટ રીતે સાધેલું એ પરિણામ છે. એમનો બીજો પ્રતિકાર ન્હાનાલાલની કવિતા અંગેનો છે. ફૂલણ ફિસિયારીવાળી ખોટા ઓપથી આદર્શપરાયણ લાગતી અને કેવળ ભાષાની બલિહારી બનવા માગતી ન્હાનાલાલની રચનાઓમાં એમણે અતિઅલંકૃત શબ્દાડંબર અને નિરર્થક ભાવનામયતા જોયાં. પરિણામે, વાસ્તવપરાયણતા સાથે એમણે કઠોર સાંપ્રત જગતસ્થિતિને અરંજિત અભિવ્યક્તિ આપી અને યુદ્ધ વાર્ધક્ય મૃત્યુ જેવા, અભાવાત્મક વિષયોને સ્પર્શ કર્યો. ન્હાનાલાલની અતિમધુર શ્રવણરંજની રચનાઓની અપેક્ષાએ ભાષાની અગેવતા, દુર્બોદતા અને કર્કશતાને બરાબર ઉપસાવી. જર્મનનો 'પારિસપ્રવેશ'ની પાંચ રચનાઓ આનાં ચોક્કસ નિદર્શનો છે. કલાપીની કવિતા એમના પ્રતિકારનું ત્રીજું અને મહત્ત્વનું લક્ષ્ય છે. કાચી લાગણીના ઉદ્રેકથી પોચટ આંસુ સારતી’ અને હૃદયના સીધા ઉદ્ગારો બનતી નરી આત્મલક્ષિતાની સાથે બળવંતરાયે રચનાઓમાં પરલક્ષિતાને મુખ્ય ગણી. જુસ્સો અને અન્તઃક્ષોભની માન્યતાને દૃઢાવતી લાગણીની અતિરેકતાને ખાળવા એમણે બીજે અંતિમે પહોંચી વિચારપ્રધાન કવિતાને દ્વિજોત્તમ જાતિની કવિતા ગણી. અલબત્ત, એમણે પ્રયોજેલી ‘વિચારપ્રધાન’ સંજ્ઞા આ અંતિમ છેડાને સૂચવે છે પણ સાથે-સાથે નવીનતા, મૌલિકતા, સર્જકતાની માત્રા પર પણ ભાર મૂકે છે. ટૂંકમાં, કલાપીની લાગણીગર્ભ કે ઊર્મિંગર્ભ કવિતાનો પ્રતિકાર કરી એમણે વિચારગર્ભ કે અર્થગર્ભ કવિતાનો સમાદાર કર્યો. આમ અંગત લાગણીનો ફુવારો બનેલી કલાપીની કવિતાથી છૂટા પડી બળવંતરાય ‘વિચારના ફુવારા' તરફ જાય છે, એટલે કે કલાપીની લાગણીની તાબેદારી (emotional subjection) ત્યજી એમણે બૌદ્ધિક કામગારી (Intellectual working) અખત્યાર કરી. આ માટે એમણે સૉનેટ જેવા અતિનિયંત્રિત અને સુબદ્ધ સ્વરૂપને પ્રયોજી, પલોટી, સુસ્થિર કર્યું. વિવિધ બિનંગત વિષયોને સૉનેટમાલાઓના ચિંતનદોરમાં પરોવવાનો એમનો પુરુષાર્થ આગળ તરી આવ્યો. આમ, આ ત્રણ કવિઓ પરત્વેની પ્રતિકારાત્મકતા એમની રચનાઓનું ચાલક બળ બની છે, પણ તેથી બન્યું એવું કે સતત ચાલતી એમની પ્રતિકારાત્મકતાએ એમની પ્રયોગક્રિયાને હદથી વિશેષ વકરાવી છે. આ પછી એમની રચનાઓમાં બિનજરૂરી અ-લાલિત્ય, અનુચિત વિસંવાદિતા, વિષમ વિચારવિસ્ફોટ, વિખંડિત સૌષ્ઠવ અને વ્યતિભંગ, શ્લોકભંગ, લયભંગ દ્વારા પ્રવેશેલી વારંવારની સ્ખલિત પ્રવાહિતા જોવા મળે એ સ્વાભાવિક છે. એમ કહી શકાય કે આત્મપ્રતિષ્ઠાની સભાનતાએ એમને જુદા કાર્ય તરીકે ઉપસાવવામાં સહાય જરૂરી છે; પરંતુ એ જ આત્મપ્રતિષ્ઠાની અતિસભાનતાએ એમને સારા પરિણામ તરફ જતાં અટકાવ્યા છે. બળવંતરાયની નીવડેલી રચનાઓનો વિચાર કરીએ છીએ ત્યારે ભણકારા', 'વધામણી', 'જૂનું પિયરઘર', 'પ્રેમની ઉષા’, ‘વર્ષાની એક સુંદર સાંજ' જેવી જે-જે, રચનાઓ સ્મૃતિએ ચડે છે સર્વ રચનાઓ કાન્તની નિકટ રહેવાના સુભગ પરિણામ રૂપ રચનાઓ છે અને છતાં એમાં બળવંતરાયનો પોતીકો એક સંસ્પર્શ મોજૂદ છે. ‘આરોહણ' કાન્તથી દૂર જવા છતાં સંસિદ્ધિને વરેલી રચના છે; પરંતુ અન્યત્ર અતિસભાનતાએ એમને પૂરી યારી આપી નથી. સાથે-સાથે એ વાત પણ એટલી જ સાચી છે કે બળવંતરાયની આ આત્યંતિકતા કે સભાનતા ન હોત તો પંડિતયુગના સ્વપ્નલોકને ગાંધીજીએ ચીંધેલા વાસ્તવલોક સાથે સંયોજવાનું કાર્ય સુકર ન બન્યું હોત. પંડિતયુગની લાગણી અને બળવંતરાયનો વિચાર સંયોજિત થઈ ગાંધીયુગમાં કાવ્યક્ષેત્રે વિચારમય લાગણી કે લાગણીમય વિચાર બન્યો. એ કારણે જ ગાંધીયુગના કેટલાક રૂડાં પરિણામો શક્ય બન્યાં. ટૂંકમાં, બળવંતરાયે માત્ર જુદી કવિતા રચી નહીં, પણ જુદી કવિતા માટે જુદું સિદ્ધાંતતંત્ર નીપજાવ્યું એનો જોરદાર પ્રચાર-પ્રસાર કર્યો અને પંડિતયુગથી ગાંધીયુગમાં થયેલી કવિતાની સંક્રાન્તિને એક મૂલ્યવાન અને વેગવાન મધ્યસ્થી પૂરી પાડી.

(‘અધીત : તેતાળીસ')