અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/અદ્યતન કવિતા: ‘મૃત્યુ: એક સર્રિયલ અનુભવ'
પ્રા. ચન્દ્રકાન્ત શેઠ
ખરી પછાડી પુચ્છ ઉછાળી દોડ્યા
કાળા ડમ્મર ઘોડા ધોળે ખડકાળે રથ જોડ્યા.
ભડક્યા સામી છાતી અડધાં કરું બંધ જ્યાં કમાડ
ધડ ધડ ધડ ધડ ધડ આવી સીધા અથડાયા ધાડ
પાંપણ તોડી તોડ્યા ખડકો
ખોપડીઓને ભુક્કે ઊંડે આંખ મહીં જઈ પોઢ્યા.
સેળભેળ ભંગાર પડ્યો ત્યાં ગોળ ગોળ હું ફરું.
મારી ને ઘોડાઓની ફાટેલી આંખે લળી ડોકિયાં કરું
અંદરથી ત્યાં
ક્યાં ક્યાં ક્યાં ક્યાં
ખરી પછાડી પુચ્છ ઉછાળી દોડ્યા
ડમ્મર, ધોળા ઘોડા, કાળે ખડકાળે રથ જોડ્યા.
(મૃત્યુ એક સરરિયલ અનુભવ’
સિતાંશુ યશશ્ચંદ્ર 'ઓડિસ્યુસનું હલેસું’)
‘ઓડિસ્યુસનું હલેસું’માંનું આ કાવ્ય. સિતાંશુની સાહિત્યરસિક વર્ગમાં જાણીતી એવી આ રચના છે. સિતાંશુ પોતેય એક પ્રયોગનિષ્ઠ કવિ તરીકે જાણીતા છે. આ ‘જાણીતા’પણુંયે કાવ્ય પ્રત્યેના અભિગમમાં કંઈક અસર તો કરે જ, એ સ્વીકારવું જોઈએ. સંભવ છે આ કવ્ય સિતાંશુનું છે, માટે એમાં 'કંઈક મહત્ત્વનું હશે.’ એવી લાગણીથી આપણે પ્રેરાઈએ. આપણી અપેક્ષાઓ પણ થોડી વધી જાય. આપણું કાવ્ય ‘શોધવા’યે મંડી પડીએ. આ બધું થવું જોઈએ ત્યાં નું થવું જોઈએ એ પ્રશ્ન જુદો છે, પણ જે એક મનોવૈજ્ઞાનિક પ્રભાવવર્તુળ, એનાથી છેક જ અળગા રહીને એનાથી બચતા રહીને કાવ્ય પાસે આપણે આદર્શની રીતે તટસ્થ એવા ભાવથી જ પહોંચીએ છીએ એમ અનુભવે માની શકાતું નથી. કંઈક અપેક્ષાઓ સાથે, કંઈક સરસિયાલિઝમના ખ્યાલો સાથે, મનુષ્યના સંવેદનવિશ્વની કેટલીક લાક્ષણિકતાઓના ભાન સાથે, ગુજરાતી કાવ્યસાહિત્યની પરંપરાની અમુક જાણકારી સાથે, આ કાવ્ય સમક્ષ મારે ઉપસ્થિત થવાનું બને છે. કાવ્યનું શીર્ષક વાંચું છું : ‘મૃત્યુ’. આટલા વાચનો તો ચિત્તમાં મૃત્યુવિષયક અનેક સંદર્ભો સળવળવા લાગે છે : મૃત્યોમાં અમૃતમ્ ગમય, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, જે જાયું તે જાય, મૃત્યુ મરી ગયું રે લોલ, જ્યારે આ દેહ મહીં દેવે ધીરેલું આયખું ખૂટે,-મૃત્યુના દર્શનના ‘રિયલ' અનુભવો પણ તાજા થાય છે. રડારોળ, શબવાહિની, ચિંતાની જવાળાઓ, ડાઘુઓ, સમાધિ ને પાળિયા, – આવું આવું મૃત્યુ સાથે સંલગ્ન એવું જગત ચિત્તમાં ઊપસી આવે છે ને સાથે એમ પણ થાય છે કે મૃત્યુનો અનુભવ જિંદગીમાં જરૂર થશે પણ એ અનુભવ થયા કેડે તો લખવા માટે આપણે હોઈશું જ નહીં. બીજાનાં મરણ જોઈએ બીજાંને મરતાં, બીજાંને મરેલાં જોઈએ ને જે લાગણીઓ થાય તે ખરી. એક સુંદર ગુલાબશો હસતો ચહેરો જોઈએ ને એની પાછળ એના અવશ્યંભાવિ મૃત્યુની શ્યામ છાયા તે આપણે નીરખી શકીએ તો આપણે કેવી રીતે એ ચહેરાના સૌન્દર્યને માણવાના? આપણા માટે જન્મ જેમ હકીકત છે તેમ મૃત્યુ પણ હકીકત છે ને છતાં તે હકીકત વેગળી રાખવામાં આપણે કેમ આટલાબધા સક્રિય હોઈએ છીએ? આપણે મૃત્યુવેળાએ કોઈક કલાકારને આનંદ થયાની, કોઈએ પ્રકાશ નીરખ્યાની, કોઈએ ઈશ્વરનું નામ દીધાની – એમ જાતજાતની વાતો સાંભળીએ છીએ ને એવી વાતોય મૃત્યુના પીઠબળે દિમાગમાં જોરદાર રીતે અથડાતી, આપણને જાણે મૂળમાંથી ક્વચિત ક્વચિત્ હચમચાવે છે. આપણે મૃત્યુને કેમ જોઈશું, મળીશું : આપણામાં આપણે આપણું મરણ બાંધીને ચાલીએ છીએ ને એ મરણ જો બાંધેલી ગઠડીમાંથી છટકીને કોઈ સર્પ શું આપણા પર ત્રાટકશે ત્યારે? ‘મૃત્યુ' શબ્દ સાથે જ ચિત્ત આમ તર્કવિતર્કે ચડે છે. મૃત્યુનો 'રિયલ' અનુભવ આપણા પોતાના મૃત્યુનો “રિયલ' અનુભવ શક્ય નથી; ‘સરરિયલ' અનુભવ શક્ય છે. આપણી ચેતનાના અનંત વિસ્તારોમાં અનેક જન્મો ને મરણોની ફસલો આવતી-જતી હોય છે. આપણે આપણી કુંઠિત અવસ્થાની ભૂમિકાની સોંસરા થોડા ઊંડા આપણી અંદર ઊતરીએ કે ચેતનાના અદૃષ્ટપૂર્વ વિસ્તારો અનુભવાય; જેમાં આપણી આકાંક્ષાઓ, આપણી કલ્પનાઓ, આપણી ભયાદિ લાગણીઓ આ બધાના ચિત્રવિચિત્ર સ્પંદાકારો ઊઘડતા, એકબીજામાં ભળતા, રૂપાંતરિત થતા, છટકતા, તૂટતા, ફૂટતા એમ અનેકાનેક ક્રિયાપ્રક્રિયાઓના વિષયરૂપ થતા લહાય છે. આ પરિસ્થિતિમાં એપણી સ્થૂલ ભૂમિકા - વાસ્તવજીવનની અનુભવભૂમિકાનો સદંતર વિલય હોતો નથી, તો સાથે પરાવાસ્તવ જીવનની અનુભવભૂમિકાનો નિષેધ પણ હોતો નથી. વાસ્તવની અપેક્ષાએ જ આપરાવાસ્તવ અનુભવાતું હોય છે. પરાવાસ્તવ વાસ્તવને ભુલાવતું નથી; વાસ્તવને વિલક્ષણ રીતે વિસ્તારે છે. ‘મૃત્યુ'નો 'સરરિયલ અનુભવ’ મૃત્યુની ‘રિયલ’ અનુભૂતિ જ્યારે વ્યાપક અને ગહન થાય છે ત્યારે જે વિલક્ષણ રીતે તેનું રૂપાંતર અનુભવાય છે તેનો અનુભવ છે; સાચેસાચ મરી શકાતું નથી-એ મર્યાદાના અર્થમાં જોઈએ તો એ અનિવાર્યપણે દૈહિક નહીં એવો ચૈતસિક-માનસિક અનુભવ છે. મૃત્યુના આવા અનુભવમાં જ ‘સરરિયાલિઝમ'નાં લક્ષણો અનિવાર્યપણે સ્ફુરતાં જણાય છે. સિતાંશુએ તેથી મૃત્યુ સંદર્ભે સરરિયલને બદલે રિયલ અનુભવની વાત કરી હોત તો તેથી પ્રતીતિકરતાનો પાયાનો પ્રશ્ન ઊભો થાત! આ કાવ્યમાં મૃત્યુનું બયાન ગતિરૂપે-ગતિના પ્રતીક એવા અશ્વ દ્વારા થયું છે. જોકે ગતિનું એ પ્રતીક અશ્વ, તે પણ ખડકાળા રથથી યુક્ત છે. ખડકાળો રથ, વિના અશ્વે તો સ્થિતિનું-સ્થગિતતાનું જ પ્રતીક બની જાય. ખડકાળા રથ સાથેનું અશ્વનું જોડાણ સ્થિતિ-ગતિના સંકુલ સંબંધનું, જીવનમૃત્યુના નિગૂઢ સંબંધનું દ્યોતક ન ગણાય? અશ્વ-જોતરેલા રથ દ્વારા એક ગતિશીલ હસ્તીનું સૂચન થઈ જ જાય છે. મૃત્યુનું કાળાડમ્મર ઘોડારૂપે દર્શન થયું - એમાં ભયાદિ ભાવોનુંયે સૂચન નહીં? જે અજ્ઞાત, જે ભયંકર તેને કાળાડમ્મર રંગમાં અવલોકવામાં એક મનોવૈજ્ઞાનિક સત્યનો જ સંચાર વરતાય. એ કાળાડમ્મર અશ્વની ગતિને ઉઠાવ આપવામાં ખરીનો પછડાટ, પુચ્છનો ઉછાળ જેમ કારણભૂત તેમ રથ અને તેય પાછો ખડકાળ, ધોળો, તેય પણ ઓછો જવાબદાર નહીં! સિતાંશુ કેવળ મૃત્યુનું કલ્પનાદર્શન કે સ્વપ્નદર્શન કરતો નથી, એનું કાવ્ય રચે છે ને તેથી શબ્દો એની સર્વ શક્તિઓ સાથે એના આશયને અનુવર્તે છે. કાળડમ્મર ઘોડા દેખાય તે પહેલાં એના ડાબલા સંભળાય છે. અવાજ દ્વારા અશ્વ આપણા કાવ્યાનુભવના પ્રદેશમાં પ્રવેશે છે ને ચક્ષુમાંયે ન ભુલાય એવી રૂપમુદ્રાએ અંકિત થાય છે. ઊછળતું પુચ્છ, સામી છાતી, કાળો નહીં પણ કાળો ડમ્મર વાન - આ સર્વથી અશ્વોની (અશ્વ નહીં) આક્રમક ગતિનું ચિત્ર આપણે અનુભવીએ છીએ. આપણો અનેકનો અનુભવ છે મૃત્યુને મુડદાંની આંખોમાં જોવાનો. ફાટેલી આંખો! ક્યાંક અકસ્માત જો જોયો હોય, ખોપરીના ભુક્કા, ઘડી પહેલાંની એક સુડોળસજીવ આવ કૃતિ, એનું વેરણછેરણ થઈ જવું. ‘સેળભેળ ભંગાર'થી આ મૃત્યુના આકસ્મિક આઘાતનું ઊંડું બળ, ઊંડો પ્રભાવ પામી શકાય છે. મૃત્યુનું આગમન એની દેમાર દોડ. એ સામે બંધ કમાડરૂપે વ્યક્ત થતો પ્રતિકાર પણ એ ટકવાનો નહીં. ‘ધડ ધડ ધડ ધડ’ ધાડ્ કરતાંકને અથડાતી એ હસ્તી સામે કેમ બચી શકાય? બચાવની મજબૂતમાં મજબૂત આડશોય તૂટી જાય. બચાવનોય કદાચ પ્રશ્ન નથી. મૃત્યુની ગતિમાં આપણી અનવરોધકતા પુરવાર થઈને રહે છે ને એ એક મર્મદારક સત્ય તો છે જ; જેઓ કોટકિલ્લા વચ્ચે મૃત્યુની ગતિથી બચવાની મૂઢતા આચરે છે તેને તો આ સત્ય ઉપરતળે કરી મૂકે! આ મૃત્યુની ગતિનો અનુભવ આપણે આપણા માધ્યમમાં કરી ન શકીએ? આપણે આપણી બહાર જઈને આપણને અનુભવી ન શકીએ? રથ ને અશ્વ, આ બધું આપણી કલ્પનાએ જ રચેલું, એટલું જ નહીં, એ બધું આપણામાંથી રચાયેલું, આપણી ફાટેલી આંખ ને અશ્વની ફાટેલી આંખ વચ્ચે એક ચૈતસિક સાતત્યનો મૂળભૂત સંબંધ છે જ. મૃત્યુ આ આવ્યું, આ મારામાં પેઠું ને આ… આ સોંસરું વીંધીને ચાલ્યું? જે દૂર હતું ત્યારે કાળું ડમ્મર - બિહામણું લાગતું હતું તે હવે શ્વેત લાગે છે. મૃત્યુ પણ સતત રૂપાંતરિત થાય છે ને તે આપણા બળે- આપણા થકી. ગતિનું જ લક્ષણ છે રૂપાંતર, મૃત્યુ દ્વારા રૂપાંતર, મૃત્યનું પોતાનું ને આપણું. કદાચ આપણા દ્વારા જ મૃત્યુનુંયે રૂપાંતર! સિતાંશુના ચિત્તમાં આ બધું હશે યા નહીં, એની તો મને જાણ નથી; પણ આ બધું ચિત્તમાં પરપોટાય છે ખરું. રાતદિવસનાં રૂપ પણ અશ્વમાં ભળી જતાં લાગે! મૃત્યુ આવે છે, પણ ક્યાંથી એ પ્રશ્ન સિતાંશુએ કર્યો નથી; કદાચ એ કરતાં વધારે મર્મવેધક પ્રશ્ર્ન મૃત્યુ આપણને ભેટીને પછી ક્યાં જાય છે, આપણને વિખેરીને ક્યાં જાય છે એ છે. જવાબની આશાએ આ પ્રશ્ન પુછાય જ નહીં. પરંતુ મૃત્યુની દિશા-ગતિની અકળતા, એની રહસ્યાત્મકતા વ્યંજિત કરવા જ પુછાયેલો પ્રશ્ન આ જણાય છે. કાવ્ય વંચાતું ગયું; એનો લય - એની ભાષા અશ્વ રથને ચલાવવાની ભારે જવાબદારી અદા કરે છે. એક મહાકાય રથ આવે છે, આવે છે; આપણે એને રોકવા કશુંયે કરી શકીએ તે પૂર્વે તો એ આવી લાગે છે, નજીક, કેટલો નજીક? આંખ મીંચવાનીયે જાણે અવકાશઘડી મળતી નથી. એ અવાજ-એ ગતિ! આખો ને આખો તોતિંગ રથ સીધો જ આ આંખમાં કશુંયે જાણે જોઈ શકાતું નથી; ચક્રભ્રમિત દિમાગ, ચારેકોર પોતાના વેરણછેરણ અવશેષ..…… ને જ્યારે કળ વળે છે ને આંખ જોવા કરે છે ત્યારે તો પેલા અશ્વ-રથ ક્યાંના ક્યાંય દૂર નીકળી ગયા હોય છે. પ્રશ્નાવશિષ્ટ ચેતના બચી શકી, ભંગારમાંયે ટકી શકી એ જ જો માનવું હોય તો આશ્વાસન. કાળાડમ્મર ઘોડા ધોળા બની ગયા – એને લેખવો હોય તો આપણો વિજય… આપણી મૃત્યુને પ્રભાવિત કરવાની શક્તિ, આપણે આપણા મૃત્યુને જોઈ-કલ્પી શકીએ એવી આપણી ચૈતસિક ઉદ્ગતિમાં જ શોધવી ઘટે. કાવ્ય સંક્ષિપ્ત છે, પણ એની સંક્ષિપ્તતા એમાં જે મૃત્યુની ગતિની ક્ષિપ્રતા છે તેની અભિવ્યંજક છે. મૃત્યુ આંખ સામે આવે છે, પણ કાન દ્વારા અનુભવાય છે. મૃત્યુ એટલે અંત નહીં, ગતિનું સાતત્ય, ચૈતસિક રૂપાંતરનું મૃત્યુ. મૃત્યુ એટલે બહારથી અંદર ને અંદરથી બહાર એક અનવરુદ્ધ ચાલતી ગતિક્રિયા. મૃત્યુની ગતિનો મર્મ છે જીવનની તોતિંગ હસ્તીમાં. એ હસ્તીનું જેટલું વજન, એની પ્રબળ ગતિ મૃત્યુની. સિતાંશુ કાળા ડમ્મર ઘોડાને ધોળા ડમ્મર ઘોડા બનાવીને, ધોળા ખડકાળા રથને કાળા ખડકાળા રથમાં રૂપાંતરિત કરીને અટક્યો; સંભવ છે રૂપાંતરની અલૌકિક ક્રિયા-ચૈતસિક ગતિનો ચમત્કાર-સમયની અનવરુદ્ધ ગતિનો ચમત્કાર પેલા ડમ્મર ધોળા ઘોડાને જ કાળા ખડકાળા રથમાં પરિવર્તિત કરીને પ્રગટ થાય. (પણ કાવ્યકાવ્યે કલાના પોતાના સ્વરૂપાંતરના નિયમો હોય છે.) સિતાંશુએ આ કાવ્યમાં અમૂર્ત મૃત્યુને મૂર્ત ગતિ રૂપે અનુભવવાની શબ્દાર્થ દ્વારા, લય, કલ્પનાદિનાં સુંદર સંયોજન દ્વારા તક આપી, એ રીતે આપણો પોતાનો જ કંઈક સાક્ષાત્કાર કરવાની અપૂર્વ કલાભૂમિકા પૂરી પાડી તે માટે આહ્લાદ જ છેવટે વ્યક્ત કરવાનો રહે.
*
(હો રાજ રે હું તો તળાવપાણી ગૈતી-એ ઢાળમાં ગાવા માટે)
મારા રળજી રે અમોને કૂવે પાણી મોકલ્યાં
અમારે ન'તું જવું ને તોય તમે ધક્કેલ્યાં!
કાળજકૂણા કાંટા વાગ્યા...
મારા રળજી રે અમારી પરવાળાની પાની
દેડકો જોઈ ગયો ઉઘાડી-તીતીઘોડે પાડી તાલી
કાળજકૂણા કાંટા વાગ્યા...
મારા રળજી રે કાંટા છાનામાના વાગ્યા
નબરા મેળ વગરના પાક્યા-
કાળજકૂણા કાંટા વાગ્યા...
મારા રળજી રે તમે જે રશિયે તાર કરાવો (કે)
ઝટ ઝટ ચાંદલિયો મંગાવો, મારી પાનડિયો ઢંકાવો
કાળજકાંટા અમને વાગ્યા…
મારા રળજી રે તમારા હોઠ તણો શો હધડો
પોપટ-પેટ કપાવી લાવો-નાજુક પાની પર બંધાવો
કાળજકૂણા કાંટા વાગ્યા...
મારા રળજી રે વચમાં મંદિરના શ્રીજીએ
મારી પાનીને પંપાળી-ઓય મા પાંપણથી પંપાળી
કાળજકાંટા અમને વાગ્યા…
મારા રળજી રે અમારે ન'તું જવું ને તોયે તમે ધકેલ્યા
કૂવે પાણી ભરવા ઠેલ્યાં-અમને કાજળકાંટા, વાગ્યા.
(‘મિસ જૂલિયટીનું પ્રણયગીત”, રાવજી પટેલ, ‘અંગત’)
કવિઓએ હમેશાં ગંભીર રહેવું જરૂર હોતું નથી. કાવ્ય એ સાધના હશે. પણ સાચા કવિને મન તો કાવ્ય એ ‘લીલા’ જ છે, અલબત્ત, 'લીલા' 'સાધના રૂપે ઘટાવાય તો વાંધો નહીં અને ‘લીલા'માં રમતનો ભાવેય ખરો! શબ્દો મળ્યા છે, તો ચાલો એની સાથે થોડા હળવી રીતે રમી લઈએ-આવું પણ કવિને થઈ આવે. ક્યારેક એકાદ કૅન્વાસ પર રંગોને યથેચ્છ રમાડી લેવાની વૃત્તિ ચિત્રકારમાં પણ બળ કરતી નથી? રાવજીએ મિસ જૂલિયટીનું પ્રણયગીત લખ્યું છે, એક રમતની રીતે. અલબત્ત, સારી રમતમાં એના પોતાના આગવા નિયમો જળવાતા હોય છે ને તે અહીં બરોબર જળવાયા જણાશે; પણ કાવ્ય કશુંક ગંભીર ભાવકની ગાંઠે બંધાવી દેવાના ખ્યાલથી લખાયું લાગતું નથી; મોજ-તોફાન તરંગ-તુક્કાના મિજાજથી લખાયેલું જણાય છે. એમાં રાવજીના કવિમિજાજમાંનો એક પ્રકારનો ઉઘાડ-એક જાતનો ઉલ્લાસ પ્રતીત થાય છે. જે કંઈ કવિતાના નાતે ચાખ્યું માણ્યું છે તેનો ચટાકો અહીં બોલે તો તે માણવા જેવો જ હોય. રાવજી, ઉમાશંકરનો શબ્દ વાપરીને કહું તો ‘હાડે’ કવિ; ને તેથી જ ગમે તેવી ભાષા-ગતિમાં બહુધા એ કવિતાનું જે ગુરુત્વબિન્દુ એ તો જાળવીને જ રહે છે એમ મને લાગે છે. આ કાવ્ય છે પ્રતિકાવ્યના વર્ગનું. ‘હો રાજ રે, હું તો તળાવપાણી ગૈ'તી'ના ઢાળમાં ઉતારેલું. ગાવું તો પડે જ. ત્યાર પછી, નહીં નહીં, ત્યારે જ તેનો આસ્વાદ મળે. કાવ્યની રચનામાં લોકગીતની અદબ જળવાઈ છે. લોકઢાળની પસંદગી, લોકબોલીના શબ્દો, લોકકવિતાનાં કલ્પનો-આ બધી સામગ્રી બરોબર ખપે લગાડાઈ છે. ‘મારા રળજી રેનું સંબોધન દરેક કડીને મજબૂત સંબોધનાત્મક ભૂમિકા રચી આપે છે. ‘૨ળજી' માટે ‘મારું' સાર્વનામિક વિશેષણ, પણ પછી તો પંડ માટે પ્રયોજાય છે. 'અમે' સર્વનામ! ક્યાંક મારી પાની' જેવો પ્રયોગ થાય તો માફ. જૂલિયટી ને તેય પાછાં ‘મિસ' જૂલિયટી; એમના ઠસ્સાનું દ્યોતક બને છે એમના મુખમાંનું ‘અમે’ સર્વનામ. આ મિસ જૂલિયટીને કાંટા વાગ્યા ને તેય કાળજકુંણા. જે વસ્તુ વાગી છે, એ એટલી નાજુક છે કે તેથી જ તેને આ વાગી છે તેની હાલત વધુ પડતી ગંભીર છે. રશિયા તાર કરાવવાની ને ચાંદલિયા મંગાવવાની જરૂર પણ તેથી જ પડી છે. કવિની વિનોદવૃત્તિ ચાલુ જમાનાની વૈજ્ઞાનિક ખોજનોય પોતાના હિતમાં કાવ્યના હિતમાં ઉપયોગ કરી દે છે. પ્રેમની કહેવાતી વેદના સાથે જ વિનોદની એક આછી સેર તે ભેળવી દે છે. આ વ્યંગવિનોદના તત્ત્વનો સંચાર કાવ્યારંભથી જ છે; ને તેવી જ કવિ એવાં ચિત્રો શબ્દોમાં ઉપસાવે છે જે રમતિયાળ વૃત્તિ સાથે, કહેવાના પ્રણયની વિડંબનાનું પણ દર્શન કરાવે મિસ જૂલિયટીની પરવાળાની પાની આ પ્રણયજન્મે ઉઘાડી રહી (કે ઉઘાડી થઈ ગઈ?) ને એ જોવાનું દુશ્ચરિત કોઈ દેડકાથી (એ કૂપમંડૂક તો નહીં હોય ને!) થઈ ગયું. અને એમ જે કોઈ તીતીઘોડાથી તાલીયે પડાઈ ગઈ. આ દેડકો ને આ તીતીઘોડો - મિસ જૂલિયટીનો પ્રેમ નહીં પામનારા અભાગી અદેખા એકમાર્ગી પ્રણયવીરો જ હશે ને? મિસ જૂલિયટીની પ્રણયવેદના એવી તો ઉત્કટ છે, એ વેદના એવી તો વકરેલ છે, કે હવે કેવળ શબ્દોથી એ વેદના મટે એમ નથી. હવે તો જોઈએ ક્રિયા. રળજીને તેથી પોપટપેટ કપાવી લાવવાની ને નાજુક પાની પર એ બંધાવી આપવાની વિનંતી મિસ જૂલિયટી તરફથી થાય છે. મિસ જૂલિયટી મંદિરના શ્રીજીએ પણ પોતાની આ જખ્મી પાનીને પાંપણથી પંપાળ્યાની માહિતી રવજીને આપે છે. શ્રીજીયે બગડ્યા? એમનો પાંપણસ્પર્શ (અથવા તેમની કુદૃષ્ટિ?) મિસ જૂલિયટીને અનુકૂળ નીવડ્યો લાગતો નથી! એમના ‘ઓય મા’ ઉદ્ગારમાં પ્રતિકૂળતા જ સમજવી ને? આવાં મિસ જૂલિયટી પોતાને જે પ્રણયકાંટો વાગ્યો તેની સઘળીયે જવાબદારી લાદે છે રળજી પર; કેમ કે રળજીએ કૂવે મિસ જૂલિયટીને પાણી ભરવા નહોતું જવું તોય ધકકેલ્યાં. હવે તો રવજીએ જ મિસ જૂલિયટીની વેદનામુક્તિ માટે કંઈક કરવું ઘટે. એની જ નૈતિક જવાબદારી કાવ્યાંતે પહોંચતા સુધીમાં તો સ્પષ્ટ ભાવે મિસ જૂલિયટી ઠસાવે જ છે. આ કાવ્યમાં ગંભીર બોધ શોધવા જવાથી કવિને ન્યાયને બદલે અન્યાય જ થાય. ‘પ્રણયગીત' જેવો શબ્દ શીર્ષકમાં વાપર્યો છે તે પણ આપણાં કહેવાતાં પ્રણયગીતોની જ વિડંબના માટે; કાવ્યમાં પ્રણયની છે તે કરતાં આપણા પરંપરાગત પ્રણયગીતોના ઢાંચાની વિડંબના છે. આપણાં પ્રણયગીતોના લયલહેકા, એની ચાલચલગત વગેરેનો લાભ લઈ રાવજી જૂલિયટીનું- ભૂલ્યો, મિસ જૂલિયટીનું એક સ્મરણીય પાત્ર સર્જે છે. આમ તો કવિને તળાવપાણી જનારી ને વડોદરાના વૈદ બોલાવનારી, પેલી કેર કાંટો સહન કરનારી, લોકગીતની નાયિકાની મજાક કરવાની, એની ગીતબાનીની કંઈક હળવી રીતે પોકળતા ઉઘાડી પાડવાની તોફાની વૃત્તિ જ આવું લખવા પ્રેરી શકી છે; પણ આવી રમતમાંયે કવિનો એક પ્રકારનો સર્જનોલ્લાસ છતો થયા વિના રહેતો નથી. આ પ્રકારનું કાવ્ય આપણા પ્રતિકાવ્યના સ્વલ્પ ભંડારમાં એક ગણનાપાત્ર અર્પણરૂપ છે એ નિશ્ચિત છે.
(‘અધીત : બે')
❖