અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/ઉશનસની કાવ્યધારા : ‘તેજ અને તાસીર'
ચંદ્રકાન્ત શેઠ
ઈ.સ.૨૦૨૦નું આ વર્ષ તે આપણા એક સંવેદનશીલ પ્રશિષ્ટ કવિશ્રી ઉશનસનું જન્મશતાબ્દી વર્ષ. ઉશનસ્ ગુજરાતીના અધ્યાપક સંઘના ૧૯૭૯માં યોજાયેલા અધિવેશનના પ્રમુખ હતા. વળી ‘કુમાર’ ચંદ્રક (૧૯૫૯), નર્મદ ચંદ્રક (૧૯૭૧), રણજિતરામ ચંદ્રક (૧૯૭૨), કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર (૧૯૭૬) તેમજ નરસિંહ મહેતા અવૉર્ડ (૨૦૦૨) જેવા મહત્ત્વના ચંદ્રકો પુરસ્કારોથી વિભૂષિત ગણમાન્ય મૂર્ધન્ય કવિ પણ ખરા. આપણા અધ્યાપક સંઘે એમના વિશે વાત કરવાનો મોકો મને આપ્યો તે માટે હું સંઘનો તેના સૌ પદાધિકારીઓનો આભારી છું. આ વર્ષે સંઘના પ્રમુખપદનો કાર્યભાર સંભાળવા માટે ડૉ. કીર્તિદા શાહને અભિનંદન આપતાં પણ મને આનંદ થાય છે. ગુજરાતીમાં અર્વાચીન કવિતાપ્રવાહને ગતિ તથા દિશા આપવામાં જે કેટલાક તેજસ્વી કવિઓએ મૂલ્યવાન પ્રદાન કર્યું છે તેમાંના એક તે ઉશનસ્, ગુજરાતી કવિતાનો સર્વતોમુખી વિકાસ સાધવામાં જેમ દલપત-નર્મદે, કલાપી- કાન્તે, ન્હાનાલાલ-બલવંતરાયે, સુન્દરમ્-ઉમાશંકરે, રાજેન્દ્ર શાહ-નિરંજન ભગતે તેમ ઉશનસ્-જયંત પાઠકની જોડીએ પણ અજોડ કહેવાય એવી કેટલીક કામગીરી કરી છે. એ જાતનું કામ હરીન્દ્ર દવે-સુરેશ દલાલ જેવાં કવિયુગ્મો દ્વારા આગળ પણ વધ્યું છે. જેમ કલાપી, કાન્ત, ધૂમકેતુ, સુન્દરમ્ વગેરે સર્જકો તેમનાં મૂળ નામો કરતાં ઉપનામોથી સવિશેષ ઓળખાય છે તેવું જ બન્યું છે ઉશનસની બાબતમાં, શ્રીમદ્ ભગવદ્ગીતામાં આવતાં ‘कविनाम् उशना कवि:।’ શ્લોકખંડ પરથી ‘ઉશનસ્’ નામ આપણા આ કવિને સૂઝ્યું હોવાનું જણાય છે. એમનું મૂળ નામ તો નટવરલાલ; રાશિનામ ‘સદ્માતાના ખાંચા’માં દર્શાવ્યું છે તે અનુસાર ચંદ્રકાન્ત છે. પિતાનું નામ કુબેરદાસ પંડ્યા અને માતાનું નામ લલિતાબહેન. ઉશનસનું લગ્ન થયેલું શાંતાબહેન સાથે. પિતાની ગાયકવાડી રાજ્યમાં નોકરી હોઈ બદલીઓ થતી. તેથી ઉશનસનું પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ સિદ્ધપુર, સાવલી, ડભોઈ જેવાં સ્થળોએ થયેલું. તેમણે ઉચ્ચશિક્ષણ લીધું વડોદરામાં. ૧૯૩૮માં મૅટ્રિક થયા બાદ, મુખ્ય વિષય સંસ્કૃત તથા ગૌણ વિષય ગુજરાતી સાથે બી. એ. અને પછીથી મુખ્ય વિષય ગુજરાતી તથા ગૌણ વિષય સંસ્કૃત સાથે એમ.એ. થયા. ત્યારબાદ તેમનું દક્ષિણાયન શરૂ થયું. તેઓ ૧૯૪૭થી ૧૯૫૬ સુધી નવસારી અને ૧૯૫૭થી આયુષ્યના અંતકાળ (૬-૧૧-૨૦૧૧) સુધી વલસાડમાં રહ્યા. વલસાડની કૉલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે ૧૨ વર્ષ અને તે પછી આચાર્ય તરીકે ૧૧ વર્ષ કામ કરી તેઓ ૧૯૮૦માં સેવાનિવૃત્ત થયા. એ દરમિયાન તેમને આબુથી ઉંમરગામ સુધીના ગુજરાતના પ્રાકૃતિક તેમજ સાંસ્કૃતિક વાતાવરણનો લાભ મળ્યો હતો. ઉશનસને ગળથૂથીમાં જ બ્રાહ્મણ-પરંપરાના સંસ્કાર મળ્યા. વેદોપનિષદ તથા કથાપુરાણની શ્રૌત પરંપરાનો લાભ પણ સહજતયા તેમને મળ્યો. તેમની કવિકર્મ માટેની વૃત્તિશક્તિને પ્રેરે-પોષે એવું પારિવારિક પર્યાવરણ સદ્ભાગ્યે, તેમને સાંપડતું રહ્યું. તેથી તો આરંભે તેઓ ‘પ્રહ્લાદાખ્યાન' અને ‘સુધન્વાખ્યાન' જેવી રચનાઓ કરવા પ્રેરાયેલા. તેમનો સર્જકપિંડ બંધાયો તે તો મૂળભૂત તેમની નૈસર્ગિક કવિપ્રતિભાને લઈને. ‘સમસ્ત કવિતા’ (૧૯૯૬)માં મારી કવિતાસર્જનયાત્રાઃ ‘વહેણ અને વળાંક' લેખમાં શરૂઆતમાં જ તેઓ પોતાની સમગ્ર ચેતનાના ચાલક-ધારક-પ્રવર્તક બળ તરીકે વિસ્મયનો ઉલ્લેખ કરે છે. અપાર કૌતુક-વિસ્મયના કારણે જ તેમના ચિત્તકોશમાંથી કલ્પનસમૃદ્ધ કવિતાની સરવાણી વિના રોકટોક વહેતી રહી. વતન સાવલી તેમની સર્જકતાને સંકોરતું રહ્યું. માતાપિતા-ફોઈ-મામા-ભાઈઓ તેમજ મિત્રો અને ગુરુજનોનો સાથસંપર્ક તેમની સર્જનપ્રવૃત્તિને માટે પ્રોત્સાહક રહ્યો. વળી પ્રશિષ્ટ સાહિત્યનું વાચન-મનન પણ તેમને ઉપકારક નીવડ્યું. તેમણે જ દર્શાવ્યું છે તેમ, કાલિદાસ, શેક્સપિયર, રવીન્દ્રનાથ જેવા વિશ્વસાહિત્યના મનીષીઓના તથા ઘરઆંગણાના કાન્ત, બલવંતરાય, ન્હાનાલાલ, સુન્દરમ્ અને ઉમાશંકર જેવા વરિષ્ઠ સાહિત્યસર્જકોના વ્યાસંગે એમની કવિદૃષ્ટિને સમુચિત દિશામાં વિકસવામાં ગતિ-બળ આપ્યાં. ઉશનસ્ જેવા પટુકરણ સર્જક તત્કાલીન ધર્મ, સમાજ, શિક્ષણ, અર્થકારણ તથા રાજકારણના ક્ષેત્રે જે કેટલાંક સામ્યવાદ, સમાજવાદ, સર્વોદય, ભૂદાન જેવાં વિલક્ષણ આંદોલનો ઊઠ્યાં તેથી પણ પ્રભાવિત થયા હતા. ગાંધીપ્રભાવે તો તેમના વૈયક્તિક ઘડતરમાંયે અગત્યનો ભાગ ભજવ્યો હતો. શ્રીરામકૃષ્ણ પરહંસ, મહર્ષિ અરવિંદ, સંતશ્રી વિનોબા ભાવે જેવી વિભૂતિઓનું તેમને આકર્ષણ હતું. તેથી પ્રકૃતિ, પ્રણય તથા પ્રભુથી અનુપ્રાણિત એમની એક અપૂર્વ ત્રિગુણાત્મક કાવ્યભાવસૃષ્ટિનું નિર્માણ થયું. એ સૃષ્ટિ જેમ વૈવિધ્યપૂર્ણ ને વિશાળ તેમ અવારનવાર ભવ્ય ને રમ્ય હોવાનું પણ પ્રતીત થાય છે. ઉશનસ્ મુખ્યત્વે તો કવિતાના જીવ; પણ ચિત્ર, સંગીત જેવી કળાઓનો રસરંગ પણ એમને ગમતો હતો. એમનામાં એક જવાબદાર નાગરિક સાથે એક આદિવાસી-વનવાસી પણ હતો જોડે એક ‘વ્યાકુળ વૈષ્ણવ' ખરો. ઉશનસ્ પૂર્ણતયા પ્રતિબિંબિત થયા હોય તો કવિતામાં. તેમણે આયુષ્યની અવધિએ - ‘વયસમય'ના અંતિમ તબક્કે પણ કવિતાના શબ્દને છોડ્યો નથી. તેઓ સતત શબ્દને છેડતા રહ્યા તો શબ્દ પણ એમને છેડતો રહ્યો! ઉશનસે પોતાની કારયિત્રી પ્રતિભાથી ઇયત્તા તેમજ ગુણત્તાની દૃષ્ટિએ માતબર કવિતા ગુજરાતી ભાષાને - ગુજરાતને આપી તો ગદ્યમાં સ્મૃતિકથા (‘સદ્માતાનો ખાંચો'), લઘુનવલ (‘વગડો'), હળવા નિબંધો (‘હળવાશની ક્ષણોમાં’) અને એકાંકી નાટકો (ડોશીની વહુ અને બીજાં એકાંકી') આપ્યાં. આ ઉપરાંત એમની કેફિયત અનુસાર નાટક, પ્રવાસ વગેરેનું કેટલુંક સર્જનાત્મક લખાણ પણ અપ્રકાશિત હોવાની વકી છે. ઉશની આત્મમુદ્રાનું ખરું અભિજ્ઞાન તો કવિતામાંથી જ પામવાનું રહે.
***
કવિ શ્રી ઉશનસે એમના છેલ્લા કાવ્યસંગ્રહ ‘શબ્દને મેં પ્રેમ ભણી વાળ્યો છે’- (૨૦૦૭)માં છેલ્લાં પાને આપેલી સર્જનાત્મક ગ્રંથોની યાદીમાં કુલ ૨૫ કાવ્યસંગ્રહો છે, જેમાંનો એક ગ્રંથ ‘કિંકિણી’ તો એમણે ૧૯૭૧માં સંપાદિત કરી આપેલો ગીતસંગ્રહ છે. એ યાદીમાં ૨૦૦૭માં પ્રકાશિત થયેલો ‘ગઝલની ગલીમાં’ ગઝલસંગ્રહ નોંધવાનો રહી ગયો છે. જેમ ‘કિંકિણી’ તેમ ૭૫ વર્ષ થતાં ઉશનસે ૭૫ કાવ્યોનો એક ચયનગ્રંથ ‘મારી કાવ્યચયનિકા' (૧૯૯૬) પ્રસિદ્ધ કરેલો અને તે પછી ૨૦૧૨માં ‘વનોમાં, પ્હાડોમાં’ એ નામનો પોતાનાં પસંદગીનાં પ્રકૃતિકાવ્યોનો ગ્રંથ સંપાદિત કરી આપેલો. આ બંને ગ્રંથો પણ એમની ઉપર્યુક્ત છેલ્લી યાદીમાં સમાવવાના રહે. ઉશનસને ૭૫ વર્ષ થતાં, ૧૯૫૫થી ૧૯૯૫ સુધીમાં પ્રગટ થયેલી એમની સર્વ કાવ્યરચનાઓને સમાવી લેતો ‘સમસ્ત કવિતા'નામે બૃહત કાવ્યગ્રંથ ૧૯૯૬માં પ્રસિદ્ધ થયો. આ સંગ્રહમાં ૧૯૯૫ સુધીમાં રચાયેલી ૯૬ કાવ્યરચનાઓનો સંગ્રહ ‘રૂપ-અરૂપ વચ્ચે' એમાં સમાવેશ પામી શક્યો નથી; કેમ કે એ પ્રકાશિત થયો ૧૯૯૬માં. એમના ‘સમસ્ત કવિતા'ના સંગ્રહોમાં છેલ્લા ત્રણ કાવ્યસંગ્રહો ‘મારી પૃથ્વી’; ‘મારું આકાશ’ તથા ‘મને ઇચ્છાઓ છે’ની પ્રથમ આવૃત્તિની સાલ પણ ૧૯૯૬ છપાયેલી મળે છે! (અન્યત્ર તે સંગ્રહોની ૧૯૯૫ની સાલ તો નોંધાયેલી છે.) વળી ‘સમસ્ત કવિતા’માં ‘આર્દ્ર’ (૧૯૫૯) તથા ‘મનોમુદ્રા' (૧૯૬૦)નો પૂર્વાપર ક્રમ પણ સચવાયો નથી. વસ્તુતઃ તો ‘સમસ્ત કવિતા’નો બીજો ખંડ બહાર પડી શકે એટલા (આઠ) કાવ્યસંગ્રહો તો પછીથી પ્રકાશિત થયેલા હોવા ઉપરાંત કદાચ અગ્રંથસ્થ કાવ્યરચનાઓ જો રહી ગઈ હોય તો તૈય એમાં આવરી લેવાનાં રહે. ઉશનસના જીવન તેમજ કવનના કેન્દ્રમાં છે પ્રેમ. ઉશનસે એમના છેલ્લા કાવ્યસંગ્રહ ‘શબ્દને મેં પ્રેમ ભણી વાળ્યો છે'માં નિવેદનમાં લખ્યું છે : ‘જીવનભરના પ્રશ્નોનો અને સર્વે સંઘર્ષોનો અંત હવે માત્ર ‘પ્રેમ'ના અઢી અક્ષરમાં કર્યો છે. વયના પાકટપણાથી જીવનની સમજ પણ પાકટ થઈ છે કે પ્રેમ જ જીવનનું ચાલક અને ધારક બળ છે.' (શબ્દને, પૃ. ૩) ઉશનસ્ પ્રેમનું નામ પાડ્યા વિના પણ એમની કવિતામાં તેનાં વિવિધ ભાવસ્વરૂપોનું દર્શન-નિરૂપણ કર્યું જ છે. જેમ પ્રકૃતિપ્રેમ તથા વિશ્વપ્રેમ એમના પૃથ્વીપ્રેમ, રાષ્ટ્રપ્રેમ અને વતનપ્રેમમાંથી તેમ મનુષ્યપ્રેમમાંથી પણ પામી શકાય છે. દીનદલિતો પ્રત્યેનો વાત્સલ્યપ્રેમ; જાતિય જીવન એ લગ્નજીવનમાં અનુભવાતો. સાયુજ્યપ્રેમ આ સર્વેમાં મનુષ્યહૃદયના પ્રેમનાં ભાવાત્મક અને ભાવનાત્મક રૂપો પ્રગટ થતાં હોય છે. ઉશસનનો અધ્યાત્મપ્રેમ, લૌકિકથી અલૌકિક ભૂમિકા સુધીનો પોતાનો વ્યાપ-વિકાસ દાખવતો ‘પરમ પ્રેમ પરબ્રહ્મ'નું સત્ય પ્રતિષ્ઠિત કરીને રહે છે. ઉશનસને માટે પ્રેમ અને પ્રકૃતિનો સંબંધ અવિયોજક છે. તેઓ કહે છે: ‘પ્રકૃતિનો મને પ્રેમ છે, ને પ્રેમ એ જ મારી પ્રકૃતિ છે, બધું એકાકાર થઈ ગયું છે.’ (‘પ્રકૃતિ'ના અર્થભેદ પણ ધ્યાનમાં લેવા જોઈએ ખરા!) ઉશનસની કવિતામાં પ્રેમ તથા પ્રકૃતિનો વિસ્મયાનંદ તો વળી-વળીને પ્રાપ્ત થાય છે. એ રીતે એમના કાવ્યલોકમાં આશ્ચર્યલોકની ઝાંખી કરી શકાય એમ છે. એમની કવિતામાં છેલ્લે-છેલ્લે તો ભાવક ‘પ્રશમાનન્દ’થી આર્દ્ર થાય છે એવો પણ કવિનો સદાશય વ્યક્ત થાય છે. કવિ ઉશનસનો કોઠો પ્રેમના શબ્દથી તથા શબ્દના પ્રેમની સદ્ય ભીંજાય એ પ્રકારનો છે. તેમણે કહ્યું જ છે : ‘દૃષ્ટિ ભીની ભીતર કરું તો ક્યાંય કોરી ન માટી.’ આ ઉશનસ્ તો રસરૂપરંગ ને ગંધના જીવ. ઇંદ્રિયાતીતને પણ ઇંદ્રિયગ્રાહ્યરૂપ આપવામાં પ્રશસ્ય પટુતા દાખવે એવા. જેવો વિશ્વદર્શનમાં તેવો જ ઉત્કટ રસ એમનો આત્મદર્શનમાં. તેથી તો તેઓ કહી શકે છે: ‘ભીની માટી ગંધે ઉશનસ્ તણો પ્હાડ ઝમતો.’ સુન્દરમે ‘હું માનવી માનવ થાઉં તો ઘણું’- એમ કહેલું તો એમને જ પગલે ચાલીને આ કવિએ કહ્યું:
‘હું માનવી ઢેકું વસુંધરાનું
માણી રહ્યું દુર્દમ દિવ્યગંધ
અણુ-અણુ કો અણજાણ કુળની.
(સર્જકની આંતરકથા, ૧૯૮૪, પૃ. ૧૩૬)
કોઈ તરુવરની જેમ આ કવિવરને ‘ધૂળરસ’ સાથે ‘નભોરસ’ની પણ તરસ રહે છે. તૃણથી તે તારક સુધી વિસ્તરી તેમણે ઘાવાપૃથિવીની વારસાઈની ગરિમા તથા ધન્યતા પ્રતિષ્ઠિત કરવાનું લક્ષ્ય કાવ્યક્ષેત્રે સતત દૃષ્ટિ સમક્ષ રાખ્યું. આ ‘મેદાનના માણસ’ (શબ્દને, પૃ. ૩૯)ને ‘ભીતરના ધક્કા’ ‘ઠેઠના ઠેલા'ની અપેક્ષા પણ રહેતી હતી. એમને તો તૃણથી તારક સુધીના વિસ્તારને પોતાની ઊંડળમાં લેવાનું ગમ્યું. તેમણે તો કહ્યું:
‘હું તારકો ને તૃણની બિચોબિચ.
છું તારકો ને તૃણથી ખીચોખીચ;’
(સમસ્ત કવિતા, પૃ. ૩૪૫)
ઉશનસને તો મૃણ્મય મુન્મયમાં કે પલટાવાય તેની ખેવના રહેતી હતી. તેઓ સ્પષ્ટ કહે છે : ‘નથી હું આવ એકલો, વહુ સમષ્ટિને વ્હાલમાં.' (શબ્દને, પૃ. ૧૭૦) તેઓ પોતાને ‘અખંડ ચાલતી ઘટમાળના અંશ' રૂપે નિહાળે છે. તેવો અધ્યાત્મદૃષ્ટિએ પોતાની મનઃસ્થિતિનો અંદાજ આપતાં કહે છે:
‘અહંકાર ઓગાળી જેવો
નીતર્યો હું ઓમકારે,
સમરસ થઈ સૌ સંગાથે હું,
સરી રહ્યો સંસારે.’
(શબ્દને પૃ. ૨૩)
વળી શબ્દનો પ્રેમ એમના કવિહૃદયને કેવી અસર કરે છે એ દર્શાવતાં તેઓ લખે છે :
‘શબ્દ મારો પ્રેમ, પ્રેમનો
શબ્દ અરે પાગલપણ,
પ્રેમની છાલકછોળ શબ્દને
ઠેલે છે આગળ પણ,
ઉશનસ્ એથી ઊછળ્યો ખુદને
એનો ઊર્ધ્વ ઉછાળ્યો છે
શબ્દને મેં પ્રેમ ભણી વાળ્યો છે.
(શબ્દને. પૃ. ૧૧)
આપણા પ્રમુખ કવિઓ સુન્દરમ્ તથા રાજેન્દ્ર શાહની જેમ, ઉશનસે વિપુલ પ્રમાણમાં પચીસેક) કાવ્યગ્રંથો આપ્યા છે. તેમાં કાવ્યોનાં વિષયો, સ્વરૂપો વગેરેનું ખાસું વૈવિધ્ય છે. આમ તો નાટ્યાત્મક કવિતાના પ્રયત્નો ‘પ્રાચીના'ના કવિ ઉમાશંકરને અનુસરી ‘નેપથ્ય' (૧૯૫૬)માં તથા’ આરોહ-અવરોહ'માં કર્યા છે; પરંતુ મુખ્યત્વે તેઓ ઊર્મિકવિ ને એમાંયે આપણા એક ઉત્તમ સૉનેટ-કવિ છે. ‘પ્રસૂન’થી આરંભાયેલી એમની કાવ્યયાત્રાએ ‘મનોમુદ્રા' પછી કાવ્યજ્ઞો તથા કાવ્યરસિકોનું વિશેષભાવે ધ્યાન ખેંચ્યું. ‘તૃણનો ગ્રહ’ (૧૯૬૪) તથા ‘સ્પંદ અને છંદ' (૧૯૬૮)થી. ૧૯૬૦થી ૧૯૭૦ના ગાળામાં ઉશનસે પોતાના કવિત્વનો ઉત્તમ ફાલ આપણને આપ્યો. ઉશનસે દેશવિદેશમાં અનેક પ્રવાસો કર્યા તેનાં ફળસ્વરૂપે તેમની પાસેથી સ્થળવિશેષને લગતાં અનેક કાવ્યો-સૉનેટો, સૉનેટમાળાઓ વગેરે મળે છે. આ સંદર્ભમાં ‘ભારતદર્શન’ (૧૯૭૪), ‘પૃથ્વીને પશ્ચિમ ચહેરે’ (૧૯૭૯) જેવા કાવ્યસંગ્રહો તો ‘અનહદની સરહદે’ જેવી સાપુતારા, ડાંગ જેવા વન્ય અને પહાડી પ્રદેશોને લગતી સૉનેટમાળાઓ આપણને સાંપડી છે સ્થળદર્શનની કવિતામાં ઉશનસની આગવી દૃષ્ટિસંવેદનાની આગવી ગતિ હોવાનું સ્વીકારવું પડે. ઉશનસ્ વતનમાં જો માનો ચહેરો જોયો છે તો વનવગડામાં પોતાની આદિમતાને અનુભવી છે. ઉશનસે મુંબઈ, અમદાવાદ જેવાં નગરોને કવિતામાં સ્કેચીઝમાં ચમકાવ્યાં છે. જોકે એમને વનોમાં ને પહાડોમાં જે પોતીકાપણું - આત્મીયતા લાગે છે તે નગરોમાં લાગતાં નથી. તેમણે તો ‘કેદી' કાવ્યમાં પોતાને સભ્યતાના જન્મટીપ કેદી તરીકે ઓળખાવ્યા છે! ઉશનસને યંત્રયુગીન ભૌતિકવાદી સંસ્કૃતિમાં શ્રદ્ધા હોય એવું લાગતું નથી. ઉશનસે ૧૯૭૧માં ‘કિંકિણી’માં પોતાનાં ગીતો સંગૃહીત કરીને આપેલાં; પરંતુ ‘વ્યાકુળ વૈષ્ણવ’ (૧૯૭૭) તો ‘ગીતાંજલિ’કાર રવીન્દ્રનાથની અસર હેઠળ રચાયેલો, ‘પ્રીતિ-ગીતિની એકાકારતા’ દર્શાવતો એમનો ગીતસંગ્રહ છે. પરંપરાગત ગીતસ્વરૂપની મુદ્રા ઉશનસૂના ‘ગીતિ’ સ્વરૂપમાં કંઈક અનોખી લાગે! આ પછી ઉશનસે એમના છેલ્લા કાવ્યસંગ્રહમાં (શબ્દને,માં) અધ્યાત્મ, ચિંતન, પ્રણય ને પ્રકૃતિ – એવા ચાર વિભાગમાં ૫૪ ગીતરચનાઓ આપી છે. કેટલીક રચનાઓને એમણે ‘પદ'નામ આપ્યું છે. જોકે ગીતરચનામાં ઉશનસ્, ન્હાનાલાલ, સુન્દરમ્ કે રાજેન્દ્ર શાહના જેવા ગીતના ઉમાંગ ઊછળતા ઉપાડ ને નિર્વાહ દાખવી શકતા નથી. ‘ધન્ય ભાગ’ કે ‘રામની વાડીએ’ જેવી ગીતરચનાઓ પણ એમની ઝાઝી ‘શિશુલોક’ (૧૯૮૪) શિશુજગતનું લીલામય દર્શન કરાવતો-વસ્તુવૈશિષ્ટ્યે મહત્ત્વનો કાવ્યસંગ્રહ છે, ‘સ્પંદ અને છંદ’માં હાઈકુમાળાનો પ્રયોગ પણ થયો છે. ઉશનસ્ ગઝલના કાવ્યસ્વરૂપને ‘ગઝલના વળાંકે’(૨૦૦૪) તથા ‘ગઝલની ગલીમાં' (૨૦૦૭) અજમાવ્યું છે. એમણે આ સંદર્ભમાં કહેલી વાત ધ્યાને લેવા જેવી છે. તેઓ કહે છે :
‘ગીતમાં જાઉં, જાઉં ગઝલમાં;
વાત રહે એની એ જ અસલમાં.’
(ગઝલની ગલીમાં, પૃ. ૫)
ઉશનસને મતે જે કહેવું છે તે સવિશેષ અગત્યનું છે. તેથી કેટલીક વાર કવિતાની સુઘડતા-સફાઈ માટે લેવાવી જોઈએ એવી કાળજી કે ચીવટ ન લેવાયેલી પણ લાગે! ઉશનસ્ એટલે ગતિ. તેમણે પોતે જ કહ્યું છે :
‘ઉશનસને સૌ ઉચ્છલ ગમતું,
ના રસ એને છીછરા છલમાં’
(ગઝલની ગલીમાં, પૃ. ૫)
ઉશનસની કાવ્યરાશિમાં ઉપર્યુક્ત કાવ્યસંગ્રહો ઉપરાંત ‘અશ્વત્થ’ (૧૯૭૫), ‘રૂપના લય' (૧૯૭૬), ‘પૃથ્વીતિનો છંદોલય’ (૧૯૯૩), ‘એક માનવી લેખે’ (૧૯૯૬), ‘મારાં નક્ષત્રો' (૧૯૯૭), ‘છેલ્લો વળાંક' (૨૦૦૫) તથા ‘ઉપાન્ત્વ'નો સમાવેશ થાય છે. ઉશનસ્ લાક્ષણિક રીતે રૉમૅન્ટિક કવિ તો સાથે-સાથે ક્લાસિકલ કવિ પણ લાગે. બલવંતરાય તથા સુન્દરમ્ એ બંનેય કવિઓની કેટલીક લાક્ષણિકતાઓના અનુસંધાનમાં ઉશનસની લાક્ષણિકતાઓનું અવલોકન રસપ્રદ જણાય. ગાંધીયુગીન તેમજ અનુગાંધીયુગીન પરિબળોનો પ્રભાવ ઝીલતાં-ઝીલતાં ઉશનસનો કાવ્યપ્રવાહ પોતાની રીતે આગળ વધ્યો છે. એમની કવિતાની સ્થિતિગતિમાં દાયકે-દાયકે અવનવા વિવર્તો-પરિવર્તો આવતા રહ્યા છે. એક તબક્કે ‘સર્વોદયના કવિ'ની છાપ ઊભી કરે એવી કવિતાથી શરૂઆત કરનારા આ મૂલ્યનિષ્ઠ સર્જક ૧૯૬૦ પછી, ૧૯૭૦ના અરસામાં સૌંદર્યલક્ષી શુદ્ધ કવિતાનાં વલણો તરફ વળે છે. ગુજરાતી છંદોબદ્ધ કવિતામાં ને એમાંય સૉનેટમાં અને તેમાં પણ ‘શ્વાસવા' ને ‘લોહીવગા' શિખરિણી છંદમાં પોતાની તેજસ્વી કાવ્યમુદ્રા અંકિત કરનારા આ કવિ ૧૯૭૬થી ૧૯૮૦ દરમિયાન અછાંદસ તરફ અને તેમાંય અછાંદસ સૉનેટ તથા, ગીત તરફ વળે છે એ ધ્યાન અને ચિંતનનો વિષય બને એવી ઘટના છે. આ પ્રવાસપ્રિય કવિ પોતાને બિનધાસ્ત ‘સહજયાત્રી’ તરીકે ઓળખાવતાં કહે છેઃ
‘સહજમાર્ગનો હું તો યાત્રી,
સહજ મળે તો માણું :
આ કરવું, આ ના કરવું
હું મનાઈ કોઈ ન માનું.’
(શબ્દને. પૃ. ૨૩)
સરહદમાં અનહદ અને અનહદમાં સરહદ દર્શાવનારા આ અધ્યાત્મચિંતક કવિ વિશ્વયાત્રાની સાથે અંતર્યાત્રાનો મહિમા પ્રીછનારા ‘અખિલાઈમાં પરમ સુષમાકાર' (શબ્દને. પૃ. ૯૬) ધારણ કરવાની ખેવના રાખનારા કવિ. કોઈની કંઠી બાંધ્યા વિના, વિના કોઈ ગ્રંથિ, મુક્તપણે ‘સંસારે મુગ્ધ ભ્રમણ' કરવાની મનીષાવાળા કવિ એમને આપણે સાર્થકતાના કવિ તરીકે પૃથ્વીતત્ત્વનો પ્રકર્ણ દર્શાવનારા, ઘાવાપૃથિવીના પનોતા વારસદાર કવિ તરીકે જોઈ શકીએ. પૃથ્વી તેમજ આકાશનું ઉશનસની કલ્પનપ્રેરિત કવિષ્ટિએ દર્શન કરતાં એ બંનેની ભવ્યતા ને રમ્યતાનો સરસ સાક્ષાત્કાર આપણને થાય છે. તડકાની તાજગી, વસંતનો વૈભવ તેમજ તૃણબ્રહ્મનું તેજ આપણને આ ‘આરણ્યક' કવિના કેલીડોસ્કૉપમાં અવનવી રીતે દેખવા-માણવા મળતું હોય છે. પ્રકૃતિરસ, ઇંદ્રિયરસ તથા અધ્યાત્મનું ત્રિવેણીતીર્થ એમના કાવ્યપ્રદેશનું પ્રબળ આકર્ષણ છે. ઉશનસની કવિતાબાનીનું પોત ખાદીના જેવું રુક્ષ લાગે; પરંતુ એ રુક્ષતા એમની કવિત્વશક્તિનું ઓજસ દાખવતી હોય છે. જેમ બલવંતરાયની તેમ ઉશનસની કવિતામાં અર્થલક્ષિતા, શ્રવણગ્રાહ્યતાના મુકાબલે સવિશેષ વજનદાર મનોગ્રાહ્યતા, અર્થઘનતા, સચોટતા તથા રજૂઆતની અપૂર્વતા અને ઉત્કટ કૌતુકરાગિતા જોવા મળે છે. પૃથ્વીની પ્રથમ વરસાદી ગંધે ઉત્તેજિત થઈ ‘રાગાવેશે’ આ કવિ પોતાના નિરૂપણમાં ઈંદ્રિયગ્રાહ્યતા સાથે ઇંદ્રિયવ્યત્યયનો આશ્રય લઈ કહે છે :
‘પ્રથમ વ્હેલી હેલી આલાલીલી પ્રથમી ગંધ,
કોઈ ઋણાનુબંધે મ્હેક્યો આદિમય સ્મૃતિસંબંધ!’
આજે મુજ કાને,
ગંધ જ શ્રેણું, ગંધ જ સ્પરશું,
ગંધ જ ચાખું જાણે!
ગંધ-આધારે ખુદને પામું મૂળમાં, આંખે બંધ!
(શબ્દને, પૃ. ૬૮)
આ કવિને જે કંઈ અમૂર્ત છે તેને કલ્પનોના કીમિયાથી મૂર્તરૂપ આપવાનું ગમે છે. એમાં જે-તે વસ્તુ કે પદાર્થને સમસ્ત ભાવે સમસ્તના સંદર્ભમાં સાપેક્ષતાના પરિપ્રેક્ષ્યમાં જોવા-માણવા-પ્રમાણવાની એમની મનોવૃત્તિ કારણભૂત છે. ઉશનસનો જેમ ચિત્તકોશ તેમ શબ્દકોશ પણ સમૃદ્ધ છે. અઢારે વર્ણની જેમ સંસ્કૃત તત્સમ-તદ્ભવ શબ્દોથી માંડીને દૃશ્ય-તળપદા-શબ્દોનો- રૂઢિપ્રયોગોનો અવનવી વાચિક લઢણોનો મોટો ખજાનો છે. આ મધુર નમણા ચહેરાઓને ભવોભવનો ઋણી’ કવિ પળે મળે તે પદમણી' એ ન્યાયે - એમની પાસેથી ધસી આવતી પદાવલીને પોતાના કામમાં જોડી દેતા હોય છે પછી એ શબ્દો ‘ઢેફું’ કે ‘ગંડુ’ જેવા હોય કે ‘પાશેરામાં પહેલી પૂણી’ કે ‘સાત સાંધે ત્યાં તેર તૂટે' જેવા રૂઢિપ્રયોગો કે લોકોક્તિઓ હોય. આવવા દો જેણે આવવું, આપણાં મૂલવશું નિરધાર' જેવા રાજેન્દ્રીય મિજાજથી તેઓ કાવ્યબાની સાથે કામ પાડતા હોય છે. આમ તો સંસ્કૃત કાવ્યશાસ્ત્રની પરિપાટી અનુસાર ઉશનસ્ ઓજસ્ ગુણ ધરાવતા વિચિત્ર માર્ગના કવિ લેખાય. એમની કાવ્યશૈલી નારિકેલ પાક જેવીયે લાગે; પરંતુ ઉશનસના કવિત્વને વ્યાપ અને ઊંડાણથી જોનારા જાણે છે કે બહારથી કઠોર લાગતા આ કવિ કાર્કશ્યથી કશું કચડાય નહીં એની સાવધાની રાખનારા કવિ છે. તેઓ તો શિયાળામાં તડકા નીકળે એમ હૂંફાળી કવિતા લઈને નીકળનારા કવિ! તૃણ અને તારકો વચ્ચે ઝૂમતાં-ઝૂમતાં ‘લીલા ટહુકા'થી મનખાની માટીને પણ મીઠી ને મુલાયમ કરવાની ભાવના સેવનારા ભાવુક કવિ. આપણે વિના કોઈ વિઘ્ન એમની કવિતામાં સીધેસીધા સમરસ થઈ શકીએ તો એ જ હશે આપણી એમને સાચી જન્મશતાબ્દી-વંદના!
અષાઢે
અષાઢે તણખલું ના તોડીએ જી,
એ જી, એ તો ફૂટતું રે ઘાસ,
એમાં ધરતીના શ્વાસ,
એની પત્તીની પીમળમાં પોઢીએ જી. – અષાઢે.
પ્રભાતે પછેડિયું ના ઓઢીએજી,
એ જી, આવ્યાં અજવાળાં જાય,
આવ્યા વાયુયે વળી જાય,
આવ્યા રે અતિથિ ના તરછોડીએ જી. – અષાઢે.
તારે આંગણિયે ઊગ્યું એ પરોઢિયું જી,
એ જી, એ તો ફાગણ કેરું ફૂલ,
એમાં એવી તે કઈ ભૂલ?
પરથમ મળિયા – શું મુખના મોડીએ જી. – અષાઢે.
❖
(‘અધીત : તેતાળીસ')