અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/જુદો ને નરવો ‘ણ' ફેણનો ‘ણ'

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૦. જુદો ને નરવો ‘ણ’ ફેણનો ‘ણ’

વિનોદ ગાંધી

સાતમા દાયકા પછીના લખાતા સાહિત્યમાં બે સ્થિત્યંતરો વચ્ચેનો ગાળો ખૂબ ઓછો રહ્યો છે. સાહિત્યિક પૂર્વગાળાઓમાં વલણોનાં વહેણોમાં જે બદલાવ નિરાંતે આવતો એ બદલાવ આ ગાળામાં લખાતા સાહિત્યમાં ત્વરાએ થવા લાગ્યો. તોયે કોઈ પણ ગાળામાં બને છે તેમ પારંપારિક વલણનું વહેણ વિશાળ પટની નદીમાં વહેતા મધ્યપ્રવાહની જેમ જ વહેતું રહે છે. એ વાત જુદી છે કે એ પરંપરાના પ્રવાહનાં મૂળ નજીકના ગાળામાંથી મળી આવે. આ ભૂમિકાના સંદર્ભે હેલ્પર ક્રિષ્ટીના કાવ્યસર્જનને તપાસવાનો ઉપક્રમ અહીં છે. શ્રાવણનાં વાદળાં એકધારાં અને ધોધમાર નહીં, પણ સમયાંતરે ઝરમરી જાય, એ રીતે સર્જકતાનો સમયાંતરે સમયાંતરે છંટકાવ કરતા કવિ સ્વ. હેલ્પર ક્રિષ્ટીનો લેખનગાળો લગભગ અઢી દાયકાનો રહ્યો છે; જેમાં પરંપરાનાં વલણો અને આધુનિક વહેણનું સંમિલન જોઈ શકાય છે. જેમ બધી જ નદીઓમાં પાણી વહેતું હોય છે, છતાં દરેક નદી બીજી નદીથી જુદી પડે છે; તેમ આ ગાળાના કાવ્યસર્જન કરતા કવિઓમાં કવિ હેલ્પર ક્રિષ્ટી નિજી મુદ્રાથી જુદા તરી આવે છે. સાડાત્રણ દાયકાનું આયુષ્ય ભોગવી મૃત્યુ પામેલા આ કવિના મૃત્યુ પછી બરાબર સાત વર્ષ પછી ૧૯૯૬માં એમનો મરણોત્તર કાવ્યસંગ્રહ ‘ણ ફેણનો ણ’ પ્રગટ થાય છે. ‘કંકાવટી’ આદિ સામયિકોમાં એમની કાવ્યકૃતિઓ અગાઉ પ્રગટ થઈ ચૂકી હતી. આ સંગ્રહમાં કવિની ૩૨ ગઝલો, ૨૪ અછાંદસ કાવ્યો અને બે ગદ્યકાવ્યો સંગ્રહાયાં છે.

પ્રથમ, બે ગદ્યકાવ્યોની વાત કરી લઉં.

પહેલું ગદ્યકાવ્ય છે : ‘અરવ’ અને બીજું છે ‘આજે, કદાચ’. પદ્ય કે છંદાભાસી કે છંદવેશી ગદ્ય જ કવિતાનું વાહક બને એ ભ્રમનું નિરસન આ ગદ્યકાવ્યો કરે છે. ‘અરવ’માં અરવસ્થિતિને નિઃશેષપણે વ્યક્ત કરતાં કલ્પનોમાં અપૂર્વ તાજગીનો અનુભવ થાય છે. બે વસ્તુનું, અરે સમયના એક સ્તર પર બે સ્થિતિઓનુંયે સાથે હોવું નીરવતાના ભંગ સમાન છે એ કવિ કેમ ભૂલ્યા હશે? કદાચ, આ ભેદી અરવતાથી હકડેઠઠ ભરાયેલું કવિમન ઘોંઘાટથી ખદબદે છે ને તેથી બહારની શાંતિ કવિચિત્તની અશાંતિનું કારણ બને છે. ‘આજે, કદાચ’ એ સામસામા મુકાયેલા બે જણની વાત કરતું અને બધું ઊઘડી ગયા પછીની અનુભૂતિનું કાવ્ય છે. અહીં કવિ, કાવ્યનાયક ‘હું’ની સ્થિતિનું બયાન કરી એને સામે ‘તું’ની સ્થિતિ મૂકી જક્સ્ટાપોઝ રચે છે. આ ઉભય કાવ્યોની વ્યંજનાનું વાહન મોટા ભાગે કલ્પનો બને છે. આદિલ મન્સૂરીના પ્રારંભિક સંગ્રહ ‘પગરવ’ અને મણિલાલ દેસાઈના ‘રાનેરી'માં મળતાં ગદ્યકાવ્યોનું નવીન રીતે અનુસંધાન રચી આપે છે. આ બે ગદ્યકાવ્યો.

ખાસ કરીને પ્રાકૃતિક રૂપો જેવાં કે હેમંત સવાર, સાંજ, વરસાદ, આગિયા જેવા વિષયોને લઈને કવિ અછાંદસ કાવ્યો રચે છે. સુષમા, નીલિમા અને વિકી જેવાં પાત્રોને સંબોધીને લખેલા, ત્રણેક અછાંદસ કાવ્યો ક્રિષ્ટી પાસેથી મળે છે. ‘હેમંતની સવાર' શીર્ષક હેઠળનાં બે કાવ્યોમાં કવિ વિશેષણોનો નાવીન્યસભર ઉપયોગ કરે છે. ભીંત માટે ‘ઍકૅડેમિક’ અને શિક્ષકના શબ્દો માટે ‘સુષ્ઠસહુ’ વિશેષણો સામસામા ભાવનાં હોવા છતાં અહીં એકબીજાનાં પૂરક બનીને આવે છે. ભીંત માટેનું ‘ઍકૅડેમિક’ વિશેષણ નીરસતા - સ્થૂળતાના અર્થો પ્રગટ કરે છે અને શિક્ષકના શબ્દો માટેનું ‘સુષ્ઠુ’ વિશેષણ ભાવહીન અંતર તરફ અંગુલિનિર્દેશ કરે છે. ‘સુષ્ઠુ'ની દ્વિરુક્તિ ભાવને ઘેરો બનાવે છે. આમ દાંભિક શિક્ષણની પોકળતાનો અર્થ વ્યક્ત કરતાં આ વિશેષણો actual meaningની ઊફરે આ જઈ ચઢે છે. આ જ શીર્ષક હેઠળનું બીજું કાવ્ય આપણા વર્ગખંડો વચ્ચે વહેંચાતા અને મોટા ભાગે વેડફાતા શિક્ષણની સ્થિતિનું બરાબર બયાન કરે છે. હેમંતનાં લક્ષણો વર્ગખંડની અંદર અને વર્ગખંડની બહાર છે, પણ એ સામસામા છેડાનાં છે. ઔપચારિક શિક્ષણ વચ્ચે ગૂંગળાતો જીવ હરિત ઘાસમાંના ઝાકળમાં શકુન્તલાએ આંકેલા અક્ષરો શોધવા છટકી જાય છે. બોધાત્મક શિક્ષણના બોજામાંથી મુક્ત થવા માગતા અને પ્રકૃતિને આશરે પહોંચવા માંગતા કાવ્યનાયકનું આ કાવ્ય છે. કાવ્યજગતની બહાર જઈ, વ્યાપક અર્થમાં તમે આ કાવ્યોને આજના શિક્ષણ પર વ્યંગ કરતાં કાવ્યો કહી શકો. શીર્ષકને કારણે છેતરામણું બનતું ‘સાંજ’ કાવ્ય વાસ્તવમાં તો સાંજના મનોહર રૂપને વ્યક્ત કરવાને બદલે બીજી જ વાત કરી જાય છે. એક બચરવાળ શ્રમિક કુટુંબની રોજની દયનીય સ્થિતિનું બયાન કરી જાય છે. ‘કદાચ, ક્યાંક એકાદ ટમટમતું ફાનસ હશે અને માથે ઘોર અંધારી રાત.' પંક્તિમાં આજે જ આવનારી અંધારી રાતની નહીં, પણ શ્રમિક કુટુંબના અંધારઘેર્યાં ભાવિની વાત પણ છે. ટમટમતા ફાનસના ઝાંખા અજવાળા જેવું જ ઝાંખું ઝાંખું ભાવિ લઈ જીવતા આ શ્રમિક કુટુંબ દ્વારા કવિતામાં નહીં આવેલા બીજા એક વર્ગને ઈંગિત કરી સામાજિક વિષમતા તરફનો નિર્દેશ આમાંથી મળે છે. ‘સફેદ સાંજ'માં કવિએ વર્તમાનની અર્થહીનતાનો બોધ પણ મૂક્યો છે, તો અનાગતની આશાહીનતાને પણ લક્ષિત કરી છે. ‘કવિતાને’ શીર્ષકવાળું કાવ્ય ટૂંકું પણ મર્મગર્ભકાવ્ય કલ્પનોના નાવીન્યથી ભર્યુંભર્યું છે. કવિતાને કવિ ‘મારા પૂર્વજન્મના પોલાણ જેવી…' કહે છે. અનેકગર્ભ રહસ્યોને પ્રગટાવતું આ કલ્પન મજાનું છે.

‘તું સાંજ થઈને આવ
હું મારી ઉદાસીન પાળ પર બેઠો છું.’

સાંજ અને ઉદાસીને નિકટનો સંબંધ છે. તો કવિતાને આ બંને સાથે નિકટનો સંબંધ છે. બલકે કવિતાના પ્રાકટ્યની આ પૂર્વશરતો છે.

‘મહાભિનિષ્ક્રમણ’ સામાજિક વિષમતાનું અને કરુણ તથા કારુણ્યનું કાવ્ય છે. જે ઉંમર વિદ્યાગ્રહણ અને ખેલકલ્લોલની છે એ જ ઉંમરે ચાની રેંકડી પર મજૂરી કરતા કિશોરની દયનીય સ્થિતિને કવિએ વ્યક્ત કરી છે, આ કાવ્યમાં શાળાએથી છૂટી ક્રિકેટ રમતી નિશાળિયાઓની ટીમ સામે કવિએ ચાના એંઠા ગ્લાસ અને ચાની નોંધણી કરતી ડાયરી લઈને જતા કિશોરને મૂકી આપ્યો છે:

‘કોઈએ એના હાથમાંથી
દડો આંચકી લીધો છે
અને પકડાવી દીધા છે
ચાહના બે ગ્લાસ.’

જે સિદ્ધાર્થ જગતનાં દુઃખોનાં મૂળ અને એનાં નિવારણો શોધવા નીકળ્યો ને અંતે ‘બુદ્ધ’ બની પાછો ફર્યો એ ‘બુદ્ધ’ પાસે આ કિશોરની વ્યથાના નિર્મૂલનનો ઉપાય છે? એકના ભાગે કલ્લોલ ને બીજાના ભાગે મજૂરી-કદાચ, વિશ્વારંભથી આમ જ ચાલ્યું આવતું હશે. અનેક સિદ્ધાર્થોના મહાભિનિષ્ક્રમણ પછીથીયે શું વળ્યું! સામાજિક વિષમતાને દર્દનાક રીતે મૂકી આપે છે કવિ હેલ્પર ક્રિષ્ટી.

શ્રમજીવીદર્શનનાં ગાંધીયુગનાં કાવ્યોથી આ કાવ્યો અભિવ્યક્તિના સંદર્ભે જુદાં પડે છે. મેઘાણીનાં ‘બીડીઓ વાળો’, ‘દૂધવાળો’, ‘હથોડાનું ગીત’ કે ઉમાશંકરના ‘પહેરણનું ગીત’, ‘ઘાણીનું ગીત’ કે સુન્દરમૂના આ વિષયક કાવ્યો યાદ આવ્યા વિના રહે નહીં. ‘વરસાદ' કાવ્ય ચોમાસામાં ઘરહીન શ્રમજીવીની હાલત કેવી દયનીય, નિઃસહાય બની જતી હશે એનું અભિધાના સ્તરે વર્ણન કરતું કાવ્ય છે :

‘આજે ખડિયામાં તેલ નથી
માંગી આણેલી તાડપત્રીમાંથી ખૂણેખૂણો ચૂએ છે
એક ફાટેલી છત્રી હતી તેય કોઈ
ચોરી ગયું છે.
પ્રેમથી સીવેલી જૂની પુરાણી ગોદડી પણ
પલળીને લથબથ થઈ ગઈ છે.’

આ બધી પંક્તિઓની વચ્ચે સ્થિતિની કરુણતાને વેધક બનાવી મૂકે છે આ એક જ પંક્તિ:

‘કૅલેન્ડરમાં નથી
પણ આજે એકાદશી છે.’

આ પંક્તિપૂર્વે કવિએ ‘લીપેલો ચૂલો ફસડાઈ પડ્યો છે.’ પંક્તિ મૂકી સ્થિતિની કરુણતાને બેવડાવી આપી છે ને કવિના કૅમેરાએ જે ઝીલ્યું છે તે દૃશ્ય તો જુઓ કે ઝૂંપડીને અથડાઈને, ભાંગી નાંખીને એક અનાજની ટ્રક જતી રહી છે. જોકે કવિએ કાવ્યાંતે ‘ડબલ ટીનટેડ ગ્લાસની કૅબિનમાં ખુરશી સાચવીને એઠો છે એક નખ્ખોદિયો' પંક્તિ મૂકીને બોલકા બનવાનું કેમ પસંદ કર્યું હશે?

અન્યોકિત પ્રકારમાં મૂકી શકાય એવા 'આગિયા' શીર્ષક હેઠળનાં ચાર લઘુકાવ્યો 'હાઈકુ' પ્રકારની અર્થઘનતા ધરાવે છે.

ગઝલ હેલ્પરનું માનીતું કાવ્યસ્વરૂપ રહ્યું છે. મોટા ભાગે અમર્યાદિત છંદોમાં એની ગઝલ વિહરે છે, પણ ખટકો થાય એવો છંદોભંગ કે લયભંગ એની ગઝલોમાં જણાતો નથી. એણે ટૂંકી બહરની ગઝલરચનાઓમાં પ્રયોગો કર્યા છે. ત્રણ રચનાઓને સમાવતા એના એક ગઝલગુચ્છને એ દિશાના એના પગલા રૂપે તપાસવા જેવો છે. ત્રણે ગઝલમાં બદલાતા ક્રિયારૂપોવાળા કાફિયા એકના એક જ રહ્યા છે, જ્યારે રદીફ બદલાયા છે. જુઓ, પહેલી રચનામાં-

ને પછી ખોલું ફરી,
ને પછી વાંચું ફરી.

બીજી રચનામાં-

હું ફરી ખોલું તને
ને પછી વાંચું તને

અને ત્રીજી રચનામાં -

તું ફરી ખોલી શકે,
ને મને વાંચી શકે.

ગુચ્છની પ્રથમ બે રચનાઓનો કર્તા ‘હું’ છે, જે ‘તું’ના સંદર્ભમાં ખોલવા, વાંચવાની અને એમ અનેક ક્રિયાઓ કરે છે, જ્યારે ત્રીજી રચનામાં ‘તું'ને ઉદ્દેશીને પોતાના સંદર્ભમાં જ ‘તું મને પણ ખોલી, વાંચી શકે'ની શક્યતાઓ એ દર્શાવે છે. જોકે આ ગુચ્છની મર્યાદા એ છે કે સ્વાયત્ત ગઝલ તરીકે ત્રણ ગઝલને તપાસતાં એ ઊણી ઊતરે. એ ત્રણે ગઝલનો સંદર્ભ એ ત્રણેને એકરૂપે જોવાથી જ પમાય. સૉનેટગુચ્છમાં તો ભાવવિકાસ સધાતો હોવાથી કવિતાનો વિકાસ પણ અનુભવાય, પણ ગઝલ એ એક એવું સ્વરૂપ છે કે જેમાં ગઝલનો પ્રત્યેક શેર સ્વાયત્ત હોય. ત્યાં ભાવપ્રાપ્તિ માટે એક આખી ગઝલને બીજી ગઝલનો આધાર લેવો પડે તે કઠે છે. 'રે ભૈ અચ્ચરકચ્ચર' જેવા લાંબા અને લોકગીતના અંત્ય લટકાલયવાળા ફૂમતાળા રદીફવાળી સંગ્રહની પ્રથમ રચના વાચને સારી લાગે છે. એની ટૂંકી બેહરની ગઝલ ‘એક’ ઊંડા અર્થને તાકે છે. અમે, તું, હું, જેવા સર્વનામી શીર્ષકોવાળી રચનાઓમાં અન્ય રચનાઓની જેમ જ આત્મલક્ષી ભાવ વ્યક્ત કરે છે. પગરવ, સમય, તિમિર, સંધ્યા, શૂન્યતા, ક્ષણ, ચહેરા જેવાં શીર્ષકોવાળી રચનાઓમાં એક જ વિષય પર લખાયેલી, એક જ ભાવને એક શી રચનામાં વ્યક્ત કરતી ગઝલો છે. વળી આ શીર્ષક જે-તે ગઝલના રદીફ બનીને આવે છે. આ સંદર્ભે શ્રી રતિલાલ 'અનિલ'નું નિરીક્ષણ સાચું જ લાગે છે કે એક જ ગઝલમાં વિરોધી ભાવોના એકબીજાની સામે છેડેના ઉછાળા એની ગઝલોમાં જોવા નહીં મળે.

એની મોટા ભાગની ગઝલો પહેલો પુરુષ એકવચનમાં છે, એ પોતાની વાત કરે છે ત્યારેય અને બીજાને સંબોધે છે ત્યારેય. વળી આઠમા નવમા દાયકામાં ચલણી થયેલા વિષયો પર એની કલમ ચાલે છે ત્યારેય ‘હું’ ડોકિયું કાઢ્યા વગર રહેતો નથી. ઉદાહરણ રૂપે ‘પગરવ' :

(મને છોડીને હું ચાલ્યો ગયો છું.
છતાં આ શ્વાસમાં પડઘાય પગરવ.)

જ્યારે કાવ્યસ્વરૂપ લેખે હાથવગી લાગતી ગઝલ ઉપર કવિપદવાંચ્છુઓ હાથ અજમાવતા હતા એ ગાળામાં જ હેલ્પર આવે છે ને ગઝલના સ્વરૂપને એ ખેડે છે, છતાં સ્થૂળ અને ઊડીને આંખે વળગે એવા વિરોધાભાસો શેરમાં મૂકી પ્રથમ વાચને જ બોદું આકર્ષણ જન્માવતી ગઝલો એ લખતો નથી. એની ઘણી ગઝલોના ઘણા શેર સૂક્ષ્મ ભાવિવરોધાભાસો રચે છે; એટલું જ નહીં, એ ભાવસંવેદનોમાં ઊંડાણ પણ તાકે છે. જીવન અને જગત પરત્વેનો એનો દૃષ્ટિકોણ સાહિત્યિક આધુનિક કાળનો રહ્યો હોવા છતાં એમાં બોલકો વિષાદ કે વિરોધ નથી. એનો વિષાદ ઘૂંટાયેલો છે, તેથી વાચકને તરત ગૂંગળાવી નાંખતો નથી. એની ગઝલમાંનો ભાવિવરોધ સૂક્ષ્મ હોવાથી એ તરત જ મહેફિલી દાદ ન મેળવે એ હકીકત છે, તો હકીકત એય છે કે એના ભાવિવરોધને ગઝલનો આકાર કેટલે અંશે ઉપકારક અને અનુકૂળ રહ્યો છે, તેય વિચારણીય મુદ્દો લાગે છે. ગુજરાતી ગઝલ ગમે તેટલા ભાવાભિવ્યક્તિનાં ઊંચાં શિખરો સર કરે પણ ગઝલના અનિવાર્ય એવા ‘મિજાજ’ વગર એ લખાય તો એ એ સ્વરૂપની દૃષ્ટિએ ઊણી જ લાગવાની. ઘણી ગઝલો મિજાજ સિવાયનાં તત્ત્વોથી આકર્ષતી હશે ત્યારે એનું બાહ્ય માળખું ગઝલનું હશે પણ આંતરમાળખું એ સિવાયના કાવ્યસ્વરૂપનું કે નજીકનું હશે એ ભૂલવું ન જોઈએ. મિજાજ તો ગઝલનું વ્યાવર્તક સ્વરૂપગત તત્ત્વ છે. મિજાજ ફક્ત Paradoxથી જ આવે એ ભ્રમણાથી અન્ય કવિઓની જેમ હેલ્પર છેતરાતા નથી. રૂઢ ગઝલમાં આવતા મક્તાના શેરનો કવિ હેલ્પર ઉપયોગ કરતા નથી. એની ગઝલના ટાંકવા જેવા શેરમાંથી બેત્રણ જોઈએ :

બહાર કે અંતરમાં ખોવાતો નથી,
તે છતાંયે ક્યાંય દેખાતો નથી.
હું અરૂપોમાં વિખેરાયો હઈશ,
કાળના હાથે સમેટાતો નથી.

કોઈ પડશે નહીં ફરક ચાલો,
બસ તરફની નદી તરફ ચાલો.

હેલ્પર નિજી મુદ્રાવાળાં કલ્પનો યોજે છે; જે દૃશ્ય, શ્રાવ્ય પણ હોય છે.

કેટલાંક ઉદાહરણો :

* હવે તું ક્યારેય પાછું ફરીને જોતી નહીં
ખારનો થાંભલો થઈ ગયેલા સમયને.
* હવે ક્યાંક રસ્તામાં આવે છે દંતકથાનું સરોવર.
* મારી ઓરડીમાં ભટકતી અતૃપ્ત ઇચ્છાઓનો ટીપે ટીપે ટપકવાનો અવાજ.
* હથેળીઓની રેખાઓમાં સૂતેલા ભવિષ્યનો પડખું બદલવાનો અવાજ
* આગળ અડધો ભૂંસાયેલો પહાડ છે
પાછળ આછા અજવાળાની કેડી છે.
* સુષમા, તારો સાદ
વહેલી સવારના ઝાકળ બિન્દુની સ્વગતોક્તિ
* શબ્દમાંથી છલકાતા જળ જેવી
* મારા પૂર્વજન્મના પોલાણ જેવી

તો વિચારોનાં બારીબારણાં, સિગ્નલોની શંકાશીલ આંખો, આત્મભાનની ચાદર, નીરવતાની ભીંત શબ્દની ચક્રાકાર સીડી આદિમાં રૂપક અલંકાર અને એ સિવાય ઉપમાનો પણ એ ઉપયોગ કરે છે.

પોતાના શહેરના લાડીલા કવિની રચનાઓ ગ્રન્થસ્થ કરી પુસ્તક આકારે પ્રકાશિત કરતી લાયન્સ ક્લબ સુરતને એ માટેય અભિનંદન આપવા ઘટે કે એણે સાહિત્યજગતે કરવું જોઈતું કામ ઉપાડી લીધું છે.

ગુજરાતી કવિતાના ઇતિહાસમાં ભલે ઝાંખા અક્ષરે, પણ ગુજરાતી ગઝલના ઈતિહાસમાં ઉજમાળા અક્ષરે જેનું નામ લખાશે ને લેખાશે તે કવિ હેલ્પરને મૃત્યુએ વહાલો કર્યો, એમાંયે કંઈ કારણ તો હશે ને!

(‘અધીત : એકવીસ’)