zoom in zoom out toggle zoom 

< અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા

અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘અને ભૌમિતિકા' - કેટલાક મુદ્દાઓ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૩. ‘અને ભૌમિતિકા’ : કેટલાક મુદ્દાઓ

નીતિન મહેતા

કવિતાની રચના નર્યા વિચારોથી નહીં પણ શબ્દોથી થાય છે એવું માલાર્મેનું કથન જેટલું જાણીતું છે તેટલું જ વાલેસ સ્ટીવન્સનનું કહેવું પણ સાચું 'poem is not a machine made out of words.' સામે પક્ષે વિવેચક કે સહૃદય ભાવક પણ કોઈ thinking machine નથી. તેને પણ ‘વિચાર' અને 'સંવેદના' વચ્ચેના પાયાના તફાવતની જાણકારી છે. તેને એ પણ ખબર છે કે કવિતા માટેના સ્નેહમાં શાનો પરિહાર કરવો અને શાનો સ્વીકાર કરવો. સર્જક અનેક કાવ્યાત્મક પ્રયુક્તિઓનો વિનિયોગ કરી, પોતાના સર્જનમાં, પોતાનો આગવો અવાજ પામવા પ્રયત્નશીલ હોય છે. આની ઓળખ અભિવ્યક્તિથી રચાતી આવતી અનુભૂતિ તરફની ગતિથી મેળવી શકાય છે. કવિએ પોતાની રચનામાં અનુભૂતિનું આલેખન કરતી વખતે બે રીતે બચવાનું હોય છે. એક તો પરંપરાગત ભાષાથી અને બીજું રોજબરોજની બોલાતી ભાષાથી, સાથે સાથે પોતાની આગળના કવિઓની અને પોતાની આગલી રચનાઓની ભાષાથી પણ તકેદારી રાખવાની હોય છે, કારણ કે આ બધાનું વર્ચસા વિરુદ્ધ દિશાનું હોય છે. તેમાં ભાગ્યે જ સમતોલન સંભવી શકે છે. આ સમતોલન કરવા માટે કવિ વિવિધ પ્રકારની પ્રયુક્તિઓનો કાવ્યમાં વિનિયોગ કરે છે, જે આ બધાંને પાસે પાસે લાવે અને તેની ભાતમાંથી એક ટેન્શન જન્માવે, સર્જનાત્મક અવકાશ રચે જેમાં ભાવકની ચેતના અનેક કેન્દ્રોથી વિહાર કરી શકે. કાવ્યમાં આખરે તો ભાષા સ્વયં જ બોલતી હોય છે. હાઈડેગરનો શબ્દ યોજી કહીએ તો language speaks. આ ભાષા દ્વારા અનુભવજગતની મુદ્રાઓ પામી શકાય. ભાષા એ કૃતિ બને, ચેતનાનો જ એ અખિલ અંશ થાય. આ ભાષા એટલે કલ્પન-પ્રતીક- અલંકારની યોજના વચ્ચેનો સર્જનાત્મક સંબંધ.

‘-અને ભૌમિતિકા’ની વાચનપ્રક્રિયા દ્વારા, અભિવ્યક્તિની મુદ્રા દ્વારા કવિ તેના અનુભવવિશ્વની, તેના સંવેદનજગતની કઈ મુદ્રા આપણી ચેતનામાં વિકસાવે છે? આ સંગ્રહમાં બે દિશામાં કામ થયું છે. ગીતો અને અછાંદસ રચનાઓ ભાવાનુભૂતિનાં કેટલાંક ક્ષેત્રોની યાત્રા આપણને કરાવે છે. કવિની ગીતરચનાઓ પ્રણય, પ્રકૃતિ અને અતીત કથાને સ્પર્શે છે જ્યારે અછાંદસ રચનાઓ વ્યક્તિચેતના, સર્જક અને સર્જનના પ્રશ્નો, આપણી કામનાઓનું સ્વરૂપ, સજીવ-નિર્જીવ પદાર્થોનું વિશ્વ અને અમૂર્ત તથા અસંગત વિચારજગતની ગમતી છતાં મૂંઝવી નાખતી સૃષ્ટિનો આપણને પરિચય કરાવે છે.

ભીખુ કપોડિયાનાં શરૂઆતના ગાળાનાં કેટલાંક ગીતો રાજેન્દ્ર શાહની લયલઢણો, પદવિન્યાસ અને ઢાળ આદિના સંસ્કારો ઝીલે છે. આ મુદ્દાની ચર્ચા ડૉ. રમણ સોનીએ કરી છે. અહીં મુદ્દો એ છે કે પરંપરામાંથી પોષણ મેળવવું અને તેને પોતાના ભાવજગતની પુષ્ટિ માટે રૂપાન્તરે કેમ પ્રયોજવું એ કવિની મથામણ હોવી જોઈએ. દાન્તેમાંથી જ્હોન ડન તથા ટી. એસ. એલિયટે, પિન્ડારમાંથી બહેન જોન્સને તો આપણે ત્યાં મધ્યકાલીન કવિતામાંથી તથા જૂની રંગભૂમિનાં ગીતોમાંથી નાનાલાલે, આપણાં પ્રાચીન ભજનોના ઢાળમાંથી રાજેન્દ્ર શાહ, મકરંદ દવેએ અને જ્હોન ડનમાંથી નિરંજન ભગતે આવા સંસ્કારો ઝીલ્યા છે અને પોતાની આગવી વ્યક્તિતા જન્માવી છે. આ આખા મુદ્દાને આપણે આંતરકૃતિત્વના સંદર્ભમાં તપાસી શકીએ અને મૌલિકતાના પ્રશ્નની જુદી ભૂમિકાએ રહી તપાસ કરી શકીએ. સામાન્ય અનુકરણ અને સંસ્કારમાં પાયાનો રસકીય ભેદ છે તે સહૃદયોને ભાગ્યે જ સમજાવવાનું હોય. ભીખુ કપોડિયાના શરૂઆતનાં ગીતોમાં રાજેન્દ્ર શાહનાં ગીતોના વાતાવરણના સંસ્કાર ઝિલાયેલા જોવા મળે.

'ટહુકા ઝરે છે કાંઈ લીલા કે આભમાં
અંકાયા રઢિયાળા મેઘધનુરંગ…’ (પૃ. ૨)

અથવા

‘એવી તો ભૂલ ભલી તો કીજે
ના જેના અંકાય કદી મૂલ.' (પૃ. ૪)

સદ્ભાગ્યે પછીથી કવિ એમાંથી મુક્ત થયા છે અને પોતાનો અવાજ શોધી શક્યા છે.

કવિનાં પ્રણયગીતોમાં ‘તમે ટહુક્યાં ને…’, ‘તમે ગયાં ને…’, 'વાંકું પડે તો', 'ટૂંકો', 'રખોપું' મહત્ત્વનાં ગણાવી શકાય. આ ગીતોમાં પ્રણયનું સંવેદન, મુગ્ધતાની ક્ષણો, રોમેન્ટિક વાતાવરણ, મિલન-વિરહની ઊર્મિઓનું સંયત આલેખન જોવા મળે છે. ગીતના સ્વરૂપમાં સાધારણ રીતે લાઘવ, ધ્વનિ, લયનું માધુર્ય, ઊર્મિજન્મ ઉદ્ગાર, કલ્પન તથા ઇન્દ્રિયસંવેદ્યતાને સ્તરે થતું ભાવનું આલેખન, શબ્દની સૌંદર્યમૂલક-સંદર્ભદ્યોતક પસંદગી અને પદાવલિ દ્વારા ભાવની ઉત્કટતા સિદ્ધ થતી જોવા મળે છે. આ બધાં તત્ત્વો દ્વારા ભાવક સાથે એક fictive discourse રચાતો આવે છે. આમ તો ગીતોમાં આવતો lyrical!’ મહત્ત્વનો છે. જોનાર્થેન કલર કહે છે કે the poetic persona is a construct a function of the language of the poem. ગીતોમાં આવતા આ personaનુ, 'Lyrical 'I'નું સર્જન ભાવક સ્વયં કરે છે. ગીતોનાં આ સ્વરૂપ-લક્ષણોની શિસ્ત ભીખુ કપોડિયાનાં કેટલાંક ગીતોમાં જળવાઈ છે. મોટા ભાગનાં ગીતોનું સંવેદનવિશ્વ અંગત છે, અવસરનું છે, તેના કેન્દ્રમાં કોઈક પ્રસંગ છે. ‘તમે ટહુક્યાં ને…’ આ એક પ્રભાવક તથા આસ્વાદ્ય ગીત છે. અવસર આનંદનો છે. ક્રિયા-પ્રતિક્રિયા, ભાવ-પ્રતિભાવની સંગતિ દ્વારા પ્રણયનું સંવેદન, તેની મુગ્ધતા રોમૅન્ટિક વાતાવરણ જન્માવે છે.

‘તમે ટહુક્યાં ને આભ મને ઓછું પડ્યું…
ટહુકારે એક એક ફૂટી પાંખો ને હવે
આખું ગગન મારું ઝોલે ચડ્યું.’

એકમાત્ર નાયિકાના ઉદ્ગારથી ચારે બાજુના વાતાવરણમાં વ્યાપેલી પ્રસન્નતા ક્રિયા-પ્રતિક્રિયા દ્વારા પંક્તિ-પંક્તિમાં ઊઘડતી આવે છે. લીલી કુંજમાંથી સારસની જોડ જેવા શબ્દોનું આવવું, વાંસળી સાથે હોડ માંડતું ઉર, હવે મન તો તરસ્યું હરણું ને નાયિકાના ગીતથી કુંજમાંથી ઝરણાનું દડી જવું, આ ચમત્કારની, આનંદની સૃષ્ટિ ગીતમાં વિસ્તરતી જાય છે. આ નાયિકાના ઉદ્ગારથી અંતે થયું શું?

‘રમતીલી લ્હેરખીને મારગ ન ક્યાંય
વન આખું યે લીલેરા બોલે મઢ્યું.’ (પૃ. ૧)

આમ સભરતા અને આનંદનો ભાવ કલ્પનની શ્રેણીથી, પદાવલિની સૌંદર્યયુક્ત-સંદર્ભમય રચનાથી નાયકના પ્રસન્ન મનોગતને ઉઠાવ આપે છે. ‘ટૂંકોમાં વિરહનું સંવેદન કલ્પનોની સમુચિત કલાત્મક યોજનાથી, પ્રકૃતિના પરિવેશમાંથી જન્મતી એકલતાભરી, સૂનકારભર્યા ચિત્તની વેદનાને સાકાર કરે છે.

‘અમે ઈડરિયા ગઢની ઊંચી ટૂંકો
દરિયાવ, તમે સારસનો લઈને ટૌકો ઊડી ગયાં રે…’

‘તમે ટહુક્યાં ને’ કાવ્યના વાતાવરણ કરતાં અહીં જુદું જ વાતાવરણ નિર્માણ પામતું જાય છે. આખી રચનામાં સ્થિરતાનાં એ ગતિશીલતાનાં કલ્પનોની યોજના વેદનાભર્યું બનાવે છે તથા હૃદયમાં વ્યાપેલા સુનકારને તાદૃશ કરે છે.

‘અમે પથ્થરિયા સૂરજ કાળા, ટોચના
અમારા લખલખતા અંશે કેવી લ્હાય
ટાળી મલક અમારો, ઊડ્યાં ક્યાંય
તરસી પડછાયે વલખે મારી કાય
ઝરણાં ખરતાં પીંછાંને લઈને દડી ગયાં રે…’ (પૃ. ૭)

‘તમે’ અને 'અમે'ની બે ભિન્ન સૃષ્ટિનું નિર્માણ સાથે સાથે થતું જાય છે. ‘રે'ના ઉદ્ગારમાં નિસાસાનો વેદનાજન્ય સૂર ભળેલો જોવા મળે છે જે નાયકની તીવ્ર વેદનાને સાકાર કરે છે. ‘રખોપું'માં દૃશ્યાત્મકતા, પ્રેમની ઝંખનાનું નિવેદન સંકેતોની મદદથી જુદી જ ભાત પાડે છે. આખી રચનામાં આવતા ઊર્મિજન્ય ઉદ્ગારો ભાષાશિલ્પ દ્વારા ઉત્તમ રીતે કવિ આલેખી શક્યા છે. પદાવલિની યોજના વિસંવાદના વાતાવરણને જન્માવે છે અને સક્ષમ રીતે વક્રતાથી તથા સંયતપણે નાયકની વ્યથાનો આપણને અનુભવ કરાવે છે. ‘ગામની પાદર' જેવી રચના વીતી ગયેલા સમયને ફરી પામવા ઝંખતી સ્થિતિને આલેખે છે. આ ખેલના બોલ 'રે રાણી રોટલી કરે, મોરલો આવી બેસતો હવે જમવા’ પછી તો દિન આથમવા આવે છે, ને વીતી ગયેલા સમયનો રંગ જ શેષ રહી જાય છે, થાય છે આ સ્વપ્ન કે પ્રતીતિ? આ રમતને અંતે નાયક એકાકી રહી જાય છે છતાં,

‘સપને ભીની આંખ ને પરીપાંખને સવાર
સાત સમંદર પારના દેશો ભમવા… ગામને પાદર.' (પૃ. ૬)

'આંખ' તથા પાંખના આંતરપ્રાસો સમયની દ્રુતગતિનો, યાત્રાનો સહજ નિર્દેશ કરી દે છે.

ભીખુ કપોડિયાનાં લગ્નગીતોમાં સર્જકતાનો ઉન્મેષ ઉત્તમ રીતે પ્રાગટ્ય પામ્યો છે. 'ગમતા મલક ભણી’ તથા ‘કન્યાવિદાય' (અનિલ જોશી) બન્નેની તુલના કરવા જેવી છે. એક જ પ્રકારની સામગ્રીને બન્ને સર્જકોની સર્જકતા કેવું પરિણામ આપે છે તે જોવું-તપાસવું રસપ્રદ થઈ શકે. ‘સૈયરનો પ્રતિભાવ'માં ફટાણાનો ટોન છે, હાસ્યવિનોદ છે છતાં અંતે વેદનાનું આછું ડૂસકું સંભળાયા વિના રહેતું નથી. ભીખુ કપોડિયાનાં ગીતોમાં શબ્દસંયમ લય-પ્રાસની ઝીણવટભરી કાળજીપૂર્વકની શિસ્ત સહચારી ભાવના આલેખન માટે આવતી પ્રકૃતિની કલ્પનશ્રેણી મહત્ત્વનાં બની રહે છે. આજે લખાતાં મોટા ભાગનાં ગીતોમાં જોવા મળતી રૂપકોની રેઢિયાળ યોજના, મીઠા-ચબરાકીભર્યા ગતકડાં ને ભાવ તથા ભાવનાને નામે લોકગીતોના ઢાળના સામાન્ય અનુકરણો તથા ઘોંઘાટ કરતા ઇન્દ્રિયવ્યત્યયો કરતાં ભીખુ કપોડિયાનાં ગીતો જુદાં તરી આવે છે. કલ્પન, ઇન્દ્રિયપ્રત્યક્ષો, અલંકારયોજના અને શબ્દ શબ્દ વચ્ચે, પ્રાસની યોજનાઓમાં સંગતિ તથા સર્જનાત્મક અવકાશ જ્યાં જ્યાં કવિ સર્જી શક્યા છે ત્યાં ઉત્તમ પરિણામ આપ્યું છે.

ભીખુ કપોડિયાનાં ગીતોનો એક છેડો પરંપરા સાથે જોડાયેલો છે તો તેની અછાંદસ રચનાઓ બીજા સમય સાથે આપણને સાંકળે છે. આ રચનાઓનું સંવેદનવિશ્વ મર્યાદિત છતાં નિરાળું છે. કવિ અનેક વિષયોને તાગવા મથે છે. એક જ ભાવ-વિષયને અનેક કોણથી તપાસવાની, તેનાં જુદાં જુદાં સ્વરૂપો આલેખવાની કે એક જ થીમના માળખામાં રહી જુદી જુદી રચનારીતિએ તેને જોવાની રીત અહીં નથી. સંવેદનનાં જુદાં જુદાં ફલક પર લટાર મારવાનું કવિને ગમે છે પણ એમાં ક્યાંક ક્યાંક સંગીન કામ થયું છે. અછાંદસ રચનાઓ આજે જે કંઈ જિવાય છે તેના વેરવિખેર ટુકડાઓને, સ્થિર તથા ગતિશીલ પદાર્થવિશ્વને, પ્રાણીસૃષ્ટિને રૂપક, મેટાફર તથા પ્રતીકથી માણવા-જાણવાનો પ્રયત્ન કરે છે. કેટલીક રચનાઓમાં માન્ય ભાષા તથા ગ્રામપરિવેશને નિરૂપતી બોલીનો નિરૂપણપદ્ધતિ તરીકે વિનિયોગ થયો છે. ડૉ. રમણ સોની નોંધે છે એમ અદ્યતન સંદર્ભોની સાથે પરંપરાગત ઉપમારીતિ એ પ્રયોજતા રહ્યા છે. તેથી ઘણી વાર

ટ્યૂનિંગ થતું નથી. આમાં અપવાદરૂપ રચનાઓ છે તેની પણ તેમણે નોંધ લીધી છે.

‘જોડા'માં સમયનો વ્યાપ મહત્ત્વનો છે. આદિમતાથી શરૂ થઈ વર્તુળ અંતે બર્બરતામાં વિરમે છે. ‘જોડા’ કાવ્યના વિસ્તરતા મેટાફર રૂપે જોઈ શકાય. કવિએ સમગ્ર સંસ્કૃતિની યાત્રા એની સાથે સાંકળી લીધી છે. સંસ્કૃતિ-વિકૃતિની ગતિ અહીં નિરૂપાઈ છે.

‘ઝાડની છાલ ચામડામાં વટલાઈ ગઈ
ને જોડાના છોડા જોટાજોટ આવી ઊભા
પછી તો પર્વત-કેડીઓ, જંગલ, ખીણ
નાળાં, નદીઓ
કોઈ એક જિરાફી મકાનના દાદરની
ઠપ ઠપ ઠપ ઠપ ચડઊતરમાં રમમાણ થઈ ગયા.'

આ જોડાની યાત્રા નગર સુધી વિસ્તરે છે, આગળ જતાં જોડાને આંગળીઓ ફૂટે છે, પછી નખ ઊગે છે. આ નખની સાથે આપણી બર્બરતા- ક્રૂરતા જોડાયેલાં છે, જે મનુષ્યજાતિનો જાણે કે સ્થાયી ભાવ છે. ફરી અવળી યાત્રા આરંભાય છે સંસ્કૃતિથી વિકૃતિ તરફની. ‘કીડી, જંતુ, જીવ-જનાવર હાજર.' જોકે ‘સૌ ચૂપ'. પાષાણી ભીલ પણ આ ઘટનાથી સ્તબ્ધ છે. મૌન છે. માત્ર જોડાને જોતો જ રહે છે.

‘પછી તો એક કીડીએ જોડાના પેટાળમાં પેસીને
ભાળ કાઢી કે
અંદર ખીલીઓએ માથોડાં ઊંચક્યાં છે
ને એમ
એ ગંજાવર હાથી થવાની તૈયારીમાં છે.’ (પૃ. ૪૫—૪૬)

ભીલ તો પ્રતિક્રિયા રૂપે ઘાસિયું પહેરણ જોડા પર ફેંકી જંગલમાં અલોપ થઈ જાય છે છતાં પહેરણ નીચેના જોડાના નખનો વિસ્તાર અટકતો નથી. સંસ્કૃતિના અનેક વાઘાઓ માણસજાત પહેરે પણ તેની બર્બરતા, અમાનુષીપણું તો નખની જેમ વધતાં જ રહ્યાં છે. અહીં કથન તથા વર્ણન દ્વારા મનુષ્યની વિકૃતિ તથા ક્ષયિષ્ણુ થતી જતી આપણી સંસ્કૃતિના સંકેતો કલાત્મકતાથી કવિ વિકસાવી શક્યા છે.

'અળસિયું' કવિની મહત્ત્વની રચના છે. અળસિયું એ પૃથ્વીનો, માટીનો સજીવ જીવ. ચંચળતા, ગતિશીલતા, પરિવર્તનશીલતા તેના ગુણ. આ ઇન્દ્રિયસંવેદ્યતાને સ્તરે રહી કવિ વર્ણવે છે :

‘આ અળસિયાને
ટેબલ પર મૂક્યું
ખચ્ એક
ખચ્ બે
ને એમ ફૂટપટ્ટીના
કપાયેલા ત્રણ અલગ અલગ ઇંચ
યરલવ કક્કો વલવલતા,
અલેવલે થઈ
એમ જ રહી ગયા’ (પૃ. ૪૭)

કવિ ટેબલ પર મુકાતા અળસિયાને બતાવે છે. પછી તેને કાપવાની ક્રિયા વર્ણવે છે. ડૉ. સુમન શાહે અહીં દૃશ્યસ્પર્શની સેન્દ્રિયતા જોઈ છે. અહીં સાથે સાથે આશ્ચર્યનો ભાવ પણ છે અને પકડમાં ન આવી શકતાં એકનાં અનેક તત્ત્વોની વાત પણ કવિ ગૂંથી દે છે.

ત્રીજી રચનામાં રૂપાન્તરની પ્રક્રિયા વર્ણવી છે. સમયની ગતિ સાથે પરિવર્તનની વાત મીંડું, થરમૉમિટર અને પેન્સિલના સંકેતો દ્વારા કવિ રચતા આવે છે. પણ આ અળસિયાને નર્યા પદાર્થરૂપે, પળે પળે રૂપ બદલતા પદાર્થરૂપે જ માત્ર જોઈએ અને આપણી લાગણી ભાવનાઓ પદાર્થોમાંથી ફિલસૂફી તારવવાની વાતને બાજુએ રાખીએ, તેનું કૌસીરણ કરીએ તોપણ નર્યા પદાર્થરૂપે જ, જે છે તે રૂપે જોવું પણ રસપ્રદ નીવડે ચોથી રચનામાં નિયમોનું વિશ્વ અને તેની સાથે સંકળાયેલો પૃથ્વીનો આ જીવ બન્નેની સામસામા છેડાની વાસ્તવિકતાનું નિરૂપણ છે. મૂર્ત-અમૂર્ત વચ્ચેના સંબંધની સમસ્યા તથા તેમાંથી જન્મતી વ્યર્થતાનો અણસાર એમાં છે. ભૂમિતિ અને વ્યાકરણ બન્નેને આ અળસિયાં ગણકારતાં નથી.

‘પણ અળળળ આ અળસિયાં તો અળવીતરાં!
ભૂમિતિ કે વ્યાકરણ
કાગળ પરથી લસરક લસરી જ
પડે ત્યાં!’ (પૃ. ૪૮)

‘અળસિયાં’ વિશેની છેલ્લી રચના રોમૅન્ટિક પરિવેશ પૂરતી જ મર્યાદિત નથી. સમગ્રને આશ્લેષમાં લેવાની આપણી વ્યર્થતા જ તે દ્વારા છતી થઈ જાય છે. વાતાવરણ અહીં રોમૅન્ટિક છે છતાં ભાવ તેના સામા છેડાનો છે. ડૉ. સુમન શાહના મતે રોમૅન્ટિસિઝમની પ્રતિદિશા તરફની આ રચના છે. સમગ્રપણે આ પાંચે રચનાઓ બદલાતાં જતાં અળસિયાનાં રૂપોને આલેખે છે. સ્થિરતા, વ્યવસ્થા, આકારબદ્ધતાની સામે બધી જ રચનામાં અળસિયાંની ગતિશીલતાને કવિ મૂકી આપે છે.

‘ભૌમિતિકા’માં સર્વાશ્લેષી રૂપને પામવું કઈ રીતે એ પ્રશ્ન છે. તેને માત્ર મર્યાદિત આકારમાં જ ગ્રહી શકાય. ભૂ-ભૂમાના સંદર્ભો કવિએ સાથે સાથે વણી લીધા છે. આ રચનામાં કવિએ શબ્દસંકેતોને વિસ્તાર્યા છે ને અતિભૌતિકને અંતે તો ભૌતિકતાના પરિમાણથી પામવાની ઝંખના વ્યક્ત કરી છે. પૃ. ૫૪ પરની શીર્ષક વિનાની રચના પણ મહત્ત્વની છે. મુશ્કેલી એ છે કે આ વિશ્વને બાવન અક્ષરથી જ સમજવાનું છે અને બારાખડીના બાવન અક્ષરમાં જ વ્યક્ત કરવાનું છે. આ વિશ્વ ક્યાંક સમજાય છે, ક્યાંક સમજાતું નથી. ભાષાથી કે ભાષા વિના તે પૂરેપૂરું આત્મસાત્ થતું નથી. આ બન્ને રચના માનવી અને વિશ્વ વચ્ચે પ્રવર્તતી અસંગતિની વાત અમૂર્ત ભાષાયોજનાથી, સંકેતવિહીન, સંદર્ભવિહીન ભાષાયોજનાથી કરે છે. કવિએ શબ્દના, અર્થના સંકેતો અવળસવળ કરી નાખ્યા છે અને તે દ્વારા વ્યર્થતા અને નર્થતાને ઉપસાવવાનો પ્રયત્ન કર્યો છે. જીવનની અસંગતિ, સામગ્રીની અસંગતિ, અ-તાર્કિક યોજનાથી વ્યક્ત થઈ છે.

આ સિવાય સર્જકતાના પ્રશ્નો નિરૂપતાં ક્રિયાપદોથી મુક્ત થવાની ઝંખના એક બાજુ છે તો 'કવિકથન'માં કીડી, લેખણ, કવિ-કવિતા વચ્ચે, સર્જક-સર્જકતા વચ્ચેના સંબંધની વાત બાળજોડકણાના, ઉદ્બોધનના લહેકાથી આલેખી છે. કામના, જાતિયતાની વાત કરતી ‘રીંછ’ ‘આકડો’ જેવી રચનાઓ, 'ખમીસ', ‘ડેન્ટલ ક્લિનિક'માં આવતા અતિવાસ્તવના ટુકડાઓ, આસ્વાદ્ય છે. ‘રાત્રે ઑફિસ'માં સૂરજનું ચકતું ટીપતા ઘડિયાળી લુહારની તથા ‘આખીય રાત અંધારું અજવાળાનો કાગળ ટાઈપ કર્યા કરે’ની કલ્પના ગમી જાય એવી છે. સંગ્રહની છેલ્લી રચના ‘રાજાની પાંચ અને એના કર્તૃત્વ વિશે’માં સર્જનથી વિસર્જન સુધીની ગતિનો આલેખ છે. પંચેન્દ્રિય, પંચ મહાભૂતોથી શ્વસતા આ જીવને વળગેલી ઇચ્છાઓ, અભાવોની વાત કવિ રમતિયાળ રીતે, હળવાશથી, વિવિધ લય-પાઠના ટુકડાઓના મિશ્રણથી કરે છે. મોટા ભાગની અછાંદસ રચનાઓ પ્રતીક્ષાની, અભાવની, વ્યર્થતાની, આદિમતા અને બર્બરતાની સંવેદનાને આલેખે છે. તેમાં ક્યાંક વિડમ્બનાનો સૂર પણ વચ્ચે વચ્ચે સંભળાયા કરે છે તો સાથે સાથે વચ્ચે વચ્ચે અટકીને, બૌલીને અન્ય કાવ્યપ્રકારો, રજિસ્ટર્સનો વિનિયોગ કરીને કવિ વક્તવ્યના સંકેતો વિસ્તારતા જામ છે. અહીં આવતાં ‘હું’નાં રૂપો એકબીજા સાથે સંગતિ, વિરોધ રચે છે, એકબીજાની સ્પર્ધા કરે છે. એકબીજાને સામસામા છેડેથી જુએ છે, એકબીજાની ઇચ્છા અને અનિવાર્યતાને તપાસે છે, છંછેડે છે. ટૂંકમાં એક ‘હું’ અને બીજા ‘હું’ વચ્ચે અહીં તાણનો સંબંધ છે. (આ માત્ર ભીખુ પડિયાની કવિતા પૂરતું જ મર્યાદિત નથી, આધુનિક કવિતામાં આવતાં ‘હું’નાં રૂપોનાં આ લક્ષણો છે.) કવિએ આ વાતને વેદનારૂપે, એકલતારૂપે, અભાવાત્મકતાથી, વિસંવાદથી અને પૂરી સૂઝબૂઝપૂર્વક કેટલીક રચનાઓમાં ગૂંથી છે. જ્યાં આ શક્ય બન્યું નથી ત્યાં રચનાઓ સમીકરણમાં સરી પડી છે અને તેમાં ભાવનો પુદ્ગલ રચાતો નથી. એકંદરે ‘-અને ભૌમિતિકા’ની મોટા ભાગની રચનાઓમાં કવિનો શબ્દસંયમ, બારીક નકશીકામ, ભાષા સાથેનું ગૌરવપૂર્ણ વર્તન આપણા ભાવનનું આકર્ષણ બને છે. આ જ સંદર્ભમાં સહેજ જુદી રીતે એડમન્ડ ઝીબેનું એક કથન યાદ આવે છે :

‘શબ્દો સામાન્ય હોતા નથી. તેને કોઈ વિધિ-નિષેધ નડતા નથી. આખરે તો બધા સરવાળા ચુપકીદી ધારણ કરે છે તો તેમાં બીજું શું ઉમેરીશું? આપણે શબ્દોનું ઋણ ચૂકવનારા જીવો છીએ, જે ઋણ કદી પૂરું થવાનું નથી. આ પૃથ્વી પરથી શબ્દો છેકી શકાશે નહીં. કવિતા હંમેશાં લખાતી રહેશે. પણ કવિ આગળ ચેતવણીનો સૂર ઉચ્ચારે છે, ‘કવિતાને એક પણ વધારાના વિચારથી, વધારાના કલ્પનથી કે વધારે પડતા મૌનથી ભારેખમ ન બનાવશો. દરેક પુસ્તકનું પોતાનું આગવું વાતાવરણ હોય છે. આ પુસ્તક ઘણી વાર તો આકાશના ભાર કરતા હળવું હોય છે તો રણ ઘણીવાર શૂન્યતાથી કચડાઈ મરતું હોય છે.’

અંતે એટલું જ કહીએ કે કવિ જો શબ્દનું ગૌરવ કરશે તો કવિતા કવિનું ગૌરવ કરશે અને એમાં જ ભાવકતાનું ગૌરવ પણ ભળેલું જ હશે. (૮-૩-૯૧)

(‘અધીત : પંદર')

સંદર્ભ :
(૧) ‘-અને ભૌમિતિકા' : અવલોકન-ડૉ, રમણ સોની, એતદ્ - જૂન ૧૯૮૯
(૨) ‘આઠમા દાયકાની કવિતા' : સંપાદક : સુમન શાહ
(૩) 'ધ બુક ઑફ ક્વેશ્વન' : એડમન્ડ ઝીબે