zoom in zoom out toggle zoom 

< અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા

અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘મૃણાલ' : કાવ્યાત્મક પરિમાણોનું સંકુલ પરિણામ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૨. ‘મૃણાલ' : કાવ્યાત્મક પરિમાણોનું સંકુલ પરિણામ

વિનોદ જોશી

‘સાહિત્યનું અધ્યાપન’ એ શીર્ષક હેઠળની આ બેઠકમાં સુરેશ જોષીની કાવ્યકૃતિ ‘મૃણાલ’ની કૃતિલક્ષી મીમાંસા કરવાનું કામ મને સોંપાયું છે. ખરેખર તો આ કૃતિનું શીર્ષક છે : 'એક ભૂલા પડેલા રોમાન્ટિક કવિનું દુઃસ્વપ્ન', જે પછીથી સુરેશભાઈએ ખપમાં લીધું નથી. ૧૯૭૩માં પ્રગટ થયેલા એમના છેલ્લા કાવ્યસંગ્રહ 'ઇતરા'નું આ અંતિમ કાવ્ય છે.

આ કાવ્ય સુરેશ જોષીની કાવ્યની રૂપનિર્મિતિની વિશિષ્ટ સમજથી માંડી મનુષ્યચેતનાના સંકુલ વિશ્વને તાગવાની એમની કોશિશનો આલેખ બની રહે છે. એક રીતે જોઈએ તો આ કાવ્ય તેના નાયક ‘હું'ની વિશ્રંભકથા છે. બીજી રીતે કહીએ તો તે સમગ્ર મનુષ્યજાતના ચેતોવિસ્તારની જટિલતાનો સૂક્ષ્મ અને સર્વજનીન ચિતાર છે. પ્રેમ અને મૃત્યુ જેવા સનાતન ભાવ અને નિયતિ કાવ્યની મુખ્ય ધરીઓ છે. તેની આસપાસ માનવઅસ્તિત્વની કર્બુર વિભીષિકા, સ્થિતિજડતા, નિરાધારતા અને વિચ્છિત્તિ જેવા સંદર્ભોની ભાતો ફર્યા કરે છે. કાવ્યનો પ્રથમ પાઠ તો કાવ્યનાયકની વિવશતાજન્ય રુગ્ણ મુદ્રાનો પરિચય કરાવે છે. પણ આવૃત્તિ કરતાં જઈએ તેમ તેમ કાવ્યનાયકના દર્શનમાં વ્યવહારોના સામે છેડે બેઠેલા એક બીજા જીવનસત્યનો આસ્તિક પડઘો પણ સંભળાય છે. આખું કાવ્ય વ્યવહારસ્તરેથી ઊંચકાતું રહી મનુષ્યેતનાના કોઈ અગોચર સત્યના ખૂણે સ્થિર થઈ જાય છે. કાવ્યની આવી દાર્શનિક પરિણતી પેલી વ્યવહારસ્તરે હરફરતી રુગ્ણ મનોદશાને એક બાજુએ ધકેલી દે છે. વ્યવહાર અને દર્શનના બે સમાન્તર ચાલ્યા જતા છેડા આ કાવ્યનાં અધિકરણો છે.

કાવ્યનાયિકા મૃણાલને સંબોધીને ‘હું’ અહીં વિશ્રંભકથા કહે છે. એટલે આ કાવ્ય એકોક્તિ પણ છે. આખી કવિતામાં છવ્વીસ વાર મૃણાલને નામથી સંબોધન થાય છે. બીજો પુરુષ એકવચનનાં સર્વનામ તો જુદાં. એ જ રીતે આત્મનામી સંદર્ભોનો પણ કાવ્યનાયક અહીં ભરપૂર પ્રયોગ કરે છે. આ જોતાં આ કવિતા કથન અને નાટ્યના સીમાડે વારંવાર ભેગી થઈ જતી ભાસે છે. તેમાં કથાની આછીપાતળી સેર પણ પડેલી છે. સુરેશ દલાલ કદાચ આ કારણોસર આ કાવ્યને નવા પ્રકારનું ખંડકાવ્ય કહેવા પ્રેરાયા હશે. એમણે તો ‘કાન્ત’ના 'ચક્રવાકમિથુન' અને આ કાવ્યના વસ્તુ-સંબંધે પણ સામ્ય હોવાનું નિરીક્ષણ આપ્યું છે. આ નિરીક્ષણમાં રહેલા તથ્યને નજરઅંદાજ કરી શકાય તેમ નથી.

કાવ્યનાયિકા મૃણાલ અત્યારે અગોચર છે તે સ્થિતિસંદર્ભને સુરેશભાઈએ અહીં એકોક્તિની પ્રયુક્તિ વાપરી ધૂંધળો રાખ્યો છે. પણ મૃણાલ ‘હું'થી અળગી રહીને પણ 'હું'માં ઓતપ્રોત હોય એવી ચેતનાની ભાત અહીં સતત ખૂલતી રહે છે. આ સંકુલતા પ્રગટાવતી એમની કલ્પનપ્રયુકિત પણ કાવ્યના રૂપનિર્માણના એમના વિશિષ્ટ આગ્રહને પુષ્ટ કરે છે. આધુનિક સંવિદનો સર્વથા મર્મ પ્રગટાવતી આ કૃતિને સુમન શાહ કવિ સુરેશભાઈનું ઓછામાં ઓછું ધોરણ ઉપસાવી આપતી ઉત્તમ રચના, લેખે ઓળખાવે છે.

આ રચનાની સંકુલતા મુખ્યત્વે ત્રણ બાબતોમાં રહેલી છે :

૧. કાવ્યગત સમયસંદર્ભમાં.

૨. કાવ્યનાયકની સાન્નિપાતજન્ય જલ્પના નજીક પહોંચી જતી વિષાદની મુદ્રામાં અને મૃણાલમાં આશ્વસ્ત થઈ શકવાની શ્રદ્ધામાં.

૩. કાવ્યભાષામાં,

'મૃણાલ, મૃણાલ
તું સાંભળે છે?’

કાવ્યના આરમ્ભની આ પંક્તિઓ આપણને નાયક સન્મુખ બેઠેલી મૃણાલનો આભાસ આપે છે. પણ પછી તરત :

‘અત્યારે તું બેઠી હશે તારા પરિવાર વચ્ચે
સુરક્ષિત'

એવી પંક્તિઓ આવતાં જ પેલો આભાસ ઓગળી જાય છે. અને કાવ્યારંભે જ કવિએ વિશ્રંભ એકોક્તિની ચાલ પકડી લીધી છે તેવો ખ્યાલ આવે છે. અહીં, ‘અત્યારે’ એવા શબ્દથી સૂચવાતી વર્તમાન ક્ષણ ફરતાં 'અહીં' અને ‘ત્યાં' જેવા સ્થળસંદર્ભો પણ આખી કવિતામાં ઘૂમરાયા કરે છે. ભૂત અને ભાવિની હકીકત અને સંભવમૂલક સમયરેખાઓ પણ ખેંચાતી રહે છે. પણ જે કંઈ વિસ્તરણ થાય છે તે આ અત્યારે'ના કેન્દ્રમાંથી. તેમાંથી ફેલાતી ત્રિજ્યાઓ એકસાથે અનેક સંકેતોનું પ્રસરણ કરે છે. એ બધાનું કવિતાની ભાતમાં અલગ અલગ રીતે રૂપાયન થયું હોવા છતાં સરવાળે તેનું એક એકમ બની આવે છે. આ 'અત્યાર'ની ક્ષણને સ્થાપી તરત જ કવિ સમયસંકેત આમ બદલી નાંખે છે :

‘ને છતાં મૃણાલ,
વર્ષોના જામેલા થર ઊડી જાય છે એક ફૂંકે.’

પછી વ્યતીતના અદ્ભુતમિશ્રિત આલેખનમાં સરતા જતા કવિ વ્યતીતનું પણ પ્રત્યક્ષ આલેખન આપે છે. એટલે સમયનો સંદર્ભે કાળવાચક અર્થમાં ગૂંચવાય છે. આ ગૂંચ કાવ્યનાયકની મનોસંકુલતાનું સૂક્ષ્મ પ્રતીક બની રહે છે. બહેરો સમય વટવાગોળની જેમ લટકે છે અહીં’ એ પંક્તિ સાથે જ કવિ સમયની નિષ્ક્રિયતાને તાકી ‘અહીં’ એવા શબ્દ સાથે આપણને સ્થળસંદર્ભમાં મૂકી આપે છે. આગળ જતાં, ‘તને મેં જોઈ હતી એકવાર’ એવા વિગતસંદર્ભમાં ફરી ખેંચી જઈ,

‘મૃણાલ, જો ને –
ચારે બાજુ ઊડી રહ્યા પવનના લીરા’

એવી વર્તમાન ક્ષણનો અધ્યાસ રચે છે. કારણ કે છેવટે તો કવિએ નાયકચિત્તમાં ઉપરતળે થઈ ગયેલા સમયનાં સ્થિત્યંતરો વચ્ચે એની સંકુલ વર્તમાન ક્ષણને ઉપસાવવી છે.

‘કહે તો મૃણાલ, આમ કેટલા વીત્યા જુગ?’ એવી પંક્તિ આવે છે ત્યારે કાવ્યનાયકના માનસિક સમયનો વ્યાપ ખરેખર સ્પષ્ટ થાય છે.

કાવ્યના આરમ્ભે, ‘અત્યારે તું બેઠી હશે તારા પરિવાર વચ્ચે' એમ કહેતો કાવ્યનાયક કાવ્યના અંતભાગે, ‘મૃણાલ, હું છું અહીં’ એવો સ્પષ્ટ સ્થળસંકેત આપે છે. ‘અહીં' અને ‘ત્યાં'ની આ બે સ્થિતિચુસ્ત નિયતિ સમગ્ર કાવ્યમાં અનેક સ્થળવિશેષોમાં ફેલાઈ છે. આમ વાસ્તવિક અને વ્યતીત કે કલ્પિત એવા સ્થળસમયના સંદર્ભોમાં કાવ્યનાયકની ચૈતસિક સંકુલતાને કવિએ સાબિત કરી છે.

બીજા પ્રકારની સંકુલતા કાવ્યનાયકના વ્યવહારસ્તરે રહેલા જીવનના નકાર અને નિતાન્ત પ્રેમ વિશેની શ્રદ્ધાના દ્વંદ્વમાંથી પ્રગટે છે. સુમન શાહ લખે છે : ‘અહીં કહેવાતા રોમૅન્ટિક પ્રણય-જીવનોનો ગંભીર ઉપહાસ છે અને સાથે સાથે કહેવાતા સામાજિક લગ્નજીવનનો પણ ઉપહાસ છે.’ આ વાત ખરી છે અને એ આ કવિતામાં અસ્તિત્વની ભૂમિકાએ સ્પષ્ટ થઈ છે. કામનાઓના પોટલાનો બોજ ઉઠાવી કહેવાતો આનંદ મેળવતા મનુષ્યની મરણોન્મુખતા અને જીવન સાથેનો અકાટ્ય વિચ્છેદ આ રચનામાં બહુ ઘેરો અર્થ ભરે છે. મરણાસન્ન હયાતીનો ભય કાવ્યનાયકના સન્નિપાતને અનેક સંદર્ભોમાં અહીં પ્રગટાવે છે. એ તનાવનું બહુપરિમાણી રૂપ જોવા જેવું છે. નાયક મૃણાલની મરણોન્મુખતાને તાકીને પૂછે છે :

‘તારા શ્વાસના ખરલમાં
કોણ ઘૂંટી રહ્યું છે ગરલ?’

-અને પછી મૃત્યુના બિહામણા દૃશ્યને પ્રત્યક્ષ કરી આપે છે :

‘મૃણાલ,
મહેલને મિનારે બેઠું છે એક પંખી
કાળું કાળું ને મોટું મસ
લાલ એની ચાંચ
આંખો એની જાણે અગ્નિની આંચ
ઊડી જશે એ લઈને તને
ભાગી આવ, ભાગી આવ
મૃણાલ, ભાગી આવ.'

– પછી પોતાને વિશે પણ એ કહે છે :

લાળ ઝરતે મોઢે ઘરડું મરણ
ભટકે છે બારણે બારણે
પૂછે છે મારું નામ.’

સ્થિતિજડ વ્યવહારનિયતિથી કાવ્યનાયકને અનુભવાતી ઉબ ભયમાં પરિણમે અને એ પોતાના નિરાલમ્બ જીવનનું એક શૂન્યવાદી(nihilist)ની માફક વિમોચન છે ચાહે છે. મૃણાલને સંબોધીને એ કહે છે :

‘મૃણાલ, તું તો જાણે છે બધું
તો પછી મન્ત્ર મારીને મને કરી દેને પથ્થર
અથવા ફૂંક મારીને મને કરી દેને અલોપ
અથવા ચાંપી દેને કોઈ પાતાળમાં.’

કાવ્યનાયકની આવી વિરતિની ઓથે કવિ કાવ્યનાયકના દ્વૈતને પણ વિલક્ષણ રીતે ઉપસાવે છે :

‘આમ તો છું મારા જેવો જ’

અહીં, ‘જેવો’ એ પદમાં રહેલો સાદૃશ્યાર્થ કાવ્યનાયકની ખણ્ડિત વ્યક્તિમત્તાને અભેદવાચીથી વિરુદ્ધ એવા અર્થમાં સ્થાપી આપે છે. પરંતુ પછી કહે છે :

‘પણ કોઈકવાર લાગે જુદું.’

અહીં, જે ‘જુદું’ કહેવાયું છે એ જ ખરેખર તો કાવ્યનાયકનું ખરું ગન્તવ્ય છે. એ શું છે?

‘શ્વાસની અમરાઈઓમાં ટહુકી ઊઠે કોકિલ
મસ્તકમાં ઠલવાય હજાર અરેબિયન નાઇટ્સ
હાથ લંબાઈને પહોંચે ત્રેતાયુગમાં
ચરણ બની જાય બેદુઈન આરબ
તેથી તો કહું છું મૃણાલ,
ઘેરી લે મને તું બનીને ક્ષિતિજ.
મૃણાલ, નીંદરથી બીડેલાં તારાં પોપચાંમાં
ઢળી જાઉં બની હુંય નીંદરનું એક બિન્દુ’

આ પંક્તિઓ મૃણાલમાં આશ્વસ્ત થઈ શકવાની કાવ્યનાયકની શ્રદ્ધાનો ટંકાર કરે છે ત્યારે વિષાદજન્ય સન્નિપાતનો તદ્દન સામેનો છેડો ઊકલી આવે છે. અસ્તિત્વ સાથે જોડાયેલો જિજીવિષાનો તંતુ ટકી જાય છે. કેવળ મૃણાલ. કાવ્યનાયકની આસ્થા છે. મૃણાલની સ્થિતિમાં પોતાની સ્થિતિનું રોપણ કરી દઈ પોતાનો ઉગાર ઝંખતો કાવ્યનાયક છેવટે એક સમાધાન પર ઉતરાણ કરે છે તેથી આખું કાવ્ય રુગ્ણતાના આક્ષેપથી બચી જાય છે અને કાવ્યનાયકની જલ્પના ભાસતી ઉક્તિઓ સનાતન દાર્શનિક સત્યને તાકતી માલૂમ પડે છે.

રાધેશ્યામ શર્માએ રોમૅન્ટિક અભિનિવેશનું નિગરણ, સમૃદ્ધ સંદર્ભને કારણે ઊભી થતી આસ્વાદક્ષમ સંકુલતા અને ચર્વિતચર્વણા બની ગયેલી બાનીમાં ઉમેરાતું નવજીવન એવાં તત્ત્વો આ કવિતામાં જોયાં છે તે સર્વથા ઉચિત છે. આખું કાવ્ય મેં તેર એકમોમાં વહેંચીને તપાસ્યું છે. આ તપાસ કરતાં મને એમાંનું કેલિડોસ્કોપિક રૂપપરિવર્તન દેખાયું. એક ભાત જોતા હોઈએ ત્યાં જ મૃણાલને થતું સંબોધન બીજી ભાતને આપણી સામે લાવી મૂકે એવું અહીં બન્યા કરે છે. અહીં કાવ્યભાવ ક્રમેક્રમે દૃઢાતો કે પુષ્ટ થતો આવતો હોય એવું નથી બનતું. ક્યાંક કલ્પનખચિત ચિત્રઝુમખાંઓ લળે છે તો ક્યાંક સપાટ સંવાદભાષા પણ અથડાય છે. પરંતુ સંબોધનનો કાકુ છેક લગી જળવાયો છે. એટલે કવિને વિશેષે કરીને વક્તાની મુદ્રા લક્ષિત હોય તેમ સમજાય છે. આ મુદ્રાનું ભાવકચિત્તમાં કવિ સાદ્યંત દૃઢીકરણ કરી શક્યા છે.

આ કાવ્યમાં પ્રયોજાયેલાં અસંખ્ય કલ્પનો કોઈને ભરમાર પણ લાગે. વસ્તુત: કાવ્યભાષાને આવો પુટ આપવા પાછળ મને કવિની સાભિપ્રાયતા દેખાય છે. કવિએ કાવ્યનાયકની જે મુદ્રા ઉપસાવી છે તેનાં ત્રણ લક્ષણો છે. એક તો, એ ભૂલો પડેલો છે. બીજું, એ રોમૅન્ટિક છે. અને ત્રીજું, એ દુ:સ્વપ્ન જોઈ રહ્યો છે. આ બધું ઉપરાંત કાવ્યનાયક કવિ છે, એમાં આ ત્રણે લક્ષણોનો ઉપચય છે; તેથી એની ભાષાની આ માવજત સાર્થક છે. વળી એકેએક કલ્પન કાવ્યનાયકની ઉક્તિરૂપે છે. તેથી તેના પર કવિ એવા કાવ્યનાયકની સત્તા કામ કરે છે. કવિ સુરેશ જોષી પોતાના કવિપદને વેગળું કરી દઈ કાવ્યનાયક એવા કવિમુખે ભાષા પ્રગટાવે છે. આ પ્રયુક્તિ આ કાવ્યની કલ્પનાપ્રચુરતા, વૈવિધ્યભરી લયછટાઓ, પ્રાસાત્મકતા વગેરેને સુરેશ જોષી નિરપેક્ષ એથી મહત્તા આપે છે.

સુરેશ જોશી પ્રણિત આ કાવ્યભાષા પછીથી ગુજરાતી કવિતામાં એક વિલાસના સ્તરે ઊતરી ગઈ હોવાનું દેખાય છે. પણ મને તો સર્જક સુરેશ જોષીના બધા સર્જક ઉન્મેષોમાં મુખ્યત્વે આ પ્રકારની ભાષાની હેરફેર દેખાય છે. એને મેનરિઝમ કહીએ તોપણ ખોટું નથી. પરન્તુ અહીં, આ કવિતા પૂરતી સુરેશ જોષીની કાવ્યભાષાની પ્રસ્તુતિ મારી સમજનાં ધોરણોથી મને વિલક્ષણ અને અનવદ્ય લાગી છે.

કાવ્યનો વિષય પ્રેમ છે. પણ પ્રેમની સાથે અસ્તિત્વની અપરિહાર્ય નિયતિ જેવા ગંભીર સંદર્ભને જોડવાનું તથા તેનો સેન્દ્રિય પિણ્ડ રચવાનું કામ સરળ નથી. આ કવિતા સુરેશ જોષીની રૂપપરકતાનો ખ્યાલ આપે છે, સાથોસાથ કાવ્યોપકારક પ્રયુક્તિઓના વિનિયોગની શક્યતાઓ પણ જતાવે છે. સિત્તેર પછીની આધુકિ ગુજરાતી અછાંદસ કવિતામાં જે ઉન્મેષો પ્રગટ્યા તેનું મુખ્ય પ્રસ્થાનબિંદુ સુરેશ જોષીની આ અને આવી અન્ય કાવ્યરચનાઓ છે. આ કવિતા તો સંકુલ ભાવવિશ્વને જ વિષય બનાવે છે, તેથી તેમાં પ્રયોજાયેલી કાવ્ય-પ્રયુક્તિઓ સહજ નભી જાય છે. પરન્તુ આ સિવાયની સુરેશ જોષીની અને એમના સમકાલીન કે અનુગામી કવિઓની આ પ્રકારની કવિતામાં પ્રામાણિક સર્જકતા કેટલી તેવો પ્રશ્ન પણ થાય.

મેં અહીં માત્ર પહોળાં નિરીક્ષણો આપ્યાં છે, કારણ કે મારે મર્યાદિત સમયમાં વાત કરવી પડી છે. પણ એટલું ચોક્કસ છે કે આ કાવ્યમાં ઝીણું કાંતવા બેસાડવાના ભરપૂર ઉદ્દીપકો છે. એ કામ મારા ખાતે ઉધાર રાખું છું.


* મુંબઈ ખાતે એમ. ડી. શાહ મહિલા કૉલેજ, મલાડમાં ગુજરાતીના અધ્યાપક સંઘના અધિવેશન પ્રસંગે તા. ૯ માર્ચ ૧૯૯૧ના રોજ આપેલ વક્તવ્ય (‘અધીત : પંદર’)