zoom in zoom out toggle zoom 

< અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા

અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘એક્કેય એવું ફૂલ' : લાભશંકર ઠાકર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૫. ‘એક્કેય એવું ફૂલ' : લાભશંકર ઠાકર

પ્રિયકાન્ત મણિયાર

કાવ્યમાં લય મહત્ત્વનો છે. વિદ્યાર્થીઓને એ સમજાવવું જોઈએ. વિદ્યાર્થી કાવ્યનો પાઠ કરી આપે એ મહત્ત્વનું છે. કાવ્યનો છંદ ઓળખી બતાવે તે એટલું બધું મહત્ત્વનું નથી.

આ કાવ્યમાં 'ફૂલ' શબ્દ અગત્યનો છે. તેની આસપાસ આખું કાવ્ય રચાયું છે. બીજો શબ્દ છે ‘ખીલવું' ક્રિયાપદ, ‘ખીલવું' ક્રિયાપદ પણ આખા કાવ્યમાં પ્રસરેલું છે. આ બે મુખ્ય શબ્દો છે. બીજા પણ કેટલાક શબ્દો છે જે આપણું ધ્યાન ખેંચે કાવ્યશિક્ષણની પદ્ધતિ એવી હોવી જોઈએ કે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતાં કરતાં પ્રશ્નોત્તરી થાય અને એવી કોઈ પ્રક્રિયા થાય તો વિદ્યાર્થીનું ઇન્વૉલ્વમેન્ટ વધારે થાય. વર્ગમાં પિસ્તાળીસ મિનિટ કામ કરવાનું છે, તેમાં સાહિત્યનો આખો ઇતિહાસ કે વૈભવ-વારસો આપી દેવાનો નથી. વિદ્યાર્થી પાસે મગજ છે, કાન છે. આપણી પાસે વિશેષ જે છે તે આપવાનું છે.

કવિ શબ્દને ફૂલ કહી વાત કરે છે. કવિ પાસે અમુક પ્રકારનું સંયત તંત્ર છે. એમાં આપણને કોઈ વાર સ્ટુપિડિટી લાગે, પણ એમાં જ એની વિશેષતા છે. ‘એક્કેય એવું ફૂલ' એમ કહેવાય છે કે તરત જ તેમાં રસ પડે છે. ફૂલ એટલે જ સૌંદર્ય સૌંદર્ય ચાક્ષુષ વસ્તુ છે. ફૂલ ચાક્ષુય છે, સ્પર્શક્ષમ છે. ફૂલ સેન્સ્યુઅસ તો છે પણ વર્તમાનની વાત પણ છે.

કાવ્યમાં સતત અનુભવાતા લહેકાઓ નોંધપાત્ર છે. કાવ્યની વાક્છટાઓ આકર્ષક છે. બિલકુલ બોલચાલની છટાઓ તેમાં જણાય છે. કાવ્યમાં જ્યારે કોઈ લય હોય છે કે કોઈ શબ્દ વપરાય છે ત્યારે તેનો પણ ઇતિહાસ હોય છે. કવિનું તેની સાથે ઍસોસિયેશન હોય છે. કવિ એક ઋતુને કાંઠો બનાવે છે અને બીજી ઋતુને નૌકા બનાવે છે તે જરા વિચિત્ર લાગે છે. ફૂલ ગટગટાવી પી જવાની વાત કરે છે તેમાં ફલ પેય નથી પણ કવિ તેની મસ્તી અનુભવે છે, એમ આમ કવિ જ કહી શકે-જે ચાક્ષુષ છે, સ્પર્શક્ષમ છે, નશ્ય છે તેને ગટગટાવવાની વાત કવિ જ કરી શકે.

કવિને સૂર્ય ફૂલ જેવો લાગે છે. જીવનનું મૂળભૂત તત્ત્વ છે સૂર્ય. સૂર્યના ખેંચાણમાં આખી પૃથ્વી ગાયબ થઈ જાય. તે ક્યારે થઈ જશે એ કંઈ કહેવાય નહીં. સમુદ્રને પણ વૃક્ષ રૂપે જોવાની કવિની દૃષ્ટિ આપણી ભાષામાં અનન્ય છે.

‘ભમરા સમો ભમતો પવન’ અને ‘ભમરા સ્વયં' કવિને ખીલેલા લાગે છે. ભમરા જેવા પવનની વાત કરતાં કરતાં સદ્ય ભમરા પણ યાદ આવી જાય છે. પછી કવિ કહે છે કે હું આ બધું શું બોલી ગયો? ‘ફૂલથી કે ભૂલથી?’ આ સ્લીપ ઑફ ટંગ હશે એવું લાગે. પણ એવું કંઈ હોતું નથી. અનકૉન્શ્યસ મનમાં તે પડેલું જ હોય છે. ભૂલોને પણ કવિ ફૂલો કહે છે. જગતમાં જે કંઈ પાપ છે, તે ફૂલ જેવાં છે. આમાં કવિનું કોઈ લૉજિક નથી એવું નથી.

કવિને પંચમહાભૂતાત્મક સૃષ્ટિ સુંદર લાગે છે. એની સાથેનો જે અભિગમ છે તે આનંદનો છે. શબ્દ કાનથી પામી શકાય છે, તે પણ ફૂલ જેવા છે. સેન્સુઅસ વિશ્વ સાથેનો જ અનુભવ છે તે અહીં પ્રગટ થાય છે.

(‘અધીત : સાત')