અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘પરંતુ' – સર્વશક્તિનો આવિષ્કાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૬. ‘પરંતુ’ – સર્વશક્તિનો આવિષ્કાર

જયદેવ શુક્લ

નિજી રણકો સિદ્ધ કરવા મથતા કોઈ પણ સર્જક માટે પૂર્વસૂરિઓની અસરમાંથી હેમખેમ મુક્ત થવું અને સમકાલીનોની ભીડ વચ્ચેથી દૂર જઈ ટટ્ટાર ઊભવું અ-નિવાર્ય હોય છે. જો સર્જક એ ન કરી શકે તો થોડા ચમકાર પછી નિષ્ફળતાને પામી સમકાલીનોની ભીડમાં ભળી જાય છે. સમકાલીનોની ભીડમાં ન ભળનાર, રમેશ પારેખ અને અનિલ જોષી જેવા સમર્થ પૂર્વ સૂરિઓની છાયા તળેથી પસાર થઈ ‘ચર્વિતસ્ય ચર્વણમ્' ન કરવાની આકાંક્ષા પ્રથમ કાવ્યસંગ્રહ ‘પરંતુ’માં, સર્ગશક્તિના આવિષ્કાર દ્વારા, સિદ્ધ કરનાર વિનોદ જોશી આઠમા દાયકાનો એક ધ્યાનાર્હ કવિ છે. ‘પરંતુ'નાં તેતાલીસ કાવ્યોમાંથી એકત્રીસ ગીતો, સાત સૉનેટ અને પાંચ સોરઠા-દુહાબદ્ધ રચનાઓ છે. આરમ્ભે વિનોદનાં ગીતો વિશે વિચારીએ. નજીકના ભૂતકાળમાં જ, ગીતના સ્વરૂપની શક્યતાઓ ખર્ચાઈ ચૂકી હોવાનું લાગતું હોય ત્યારે, ગીતના સ્વરૂપ સાથે સામે વહેણે કામ પાડવા એક યુવાન કવિ ઉદ્યત બને એ આપણી રસપૂર્વકની તપાસનો વિષય બનવો જોઈએ. સૌપ્રથમ પ્રશ્ન તો એ થાય કે ગીતોના સર્જન માટેની વિનોદની કોઈ ચાલના ખરી? ઉત્તર અત્યન્ત સ્પષ્ટ છે : રતિભાવ. રતિભાવનાં બે મુખ્ય આવિષ્કરણો તે સમ્ભોગ અને વિપ્રલમ્ભ શૃંગાર. કેટલાંક ગીતોમાં વિનોદે સમ્ભોગ અને વિપ્રલમ્ભ શૃંગારને પ્રતીકાત્મક રીતે, મનભરીને ગાયો છે. સ્મરણ, પરિરમ્ભણ, કેલી, ક્રીડા આદિને રૂપબદ્ધ કરવામાં વિનોદને પ્રશસ્ય સફળતા પણ સાંપડી છે. આ ગીતોની અન્ય લાક્ષણિકતાઓ હોય તો, તે છે નાયિકાનાં સ્પન્દનોનું ઝીણવટભર્યું આલેખન અને ગીતોમાં પ્રયોજાયેલા વિવિધ લય-ઢાળોનું પ્રભાવક સૌન્દર્ય. આ સર્વમાં પ્રગટતું કવિનું ભાષાકર્મ તાજપભર્યું અને આસ્વાદ્ય છે. ‘પ્રોષિતભર્તૃકા’ને પ્રતીકાત્મક આરમ્ભ જોઈએ.

‘આછાં આછાં રે તળાવ
એની ઘાટી રે કંઈ પાળ
પાળે ઊગી ચણોઠડી એના વેલાને નહીં વાડ...’

પ્રગલ્ભતાપૂર્ણ આરમ્ભની સાથે જ ગીત વિકસતું જાય છે. પ્રથમ અન્તરામાં નાયિકા નાયક સાથે સ્વપ્નમાં રતિક્રીડાનો આવેગ અનુભવે છે. અહીં 'વાંસ’ અને 'ફાંસ' પ્રાસની સાભિપ્રાયતા પ્ર-માણી શકાય છે તેમ, ‘ભટકાણો ભરનીંદરમાં'ના ‘ભ’ના આવર્તન દ્વારા બળકટ અનુભવ પામી શકાય છે. આમ છતાં નોંધવું જોઈએ કે પ્રથમ અન્તરાની આરમ્ભની પંક્તિઓ મુખરતાની સરહદમાં લગભગ પ્રવેશી જાય છે. અન્તરાને અન્તે આવતો ‘વળગાડ' શબ્દ નાયકના સ્મરણ વિના ક્ષણાર્ધ પણ રહી ન શકતી નાયિકાની મન:સ્થિતિને પ્રગટ કરે છે. માન્યતા છે કે વળગાડને કારણે શરીર લેવાતું જાય, કશે ચેન ન પડે, એકના એક વિચારોથી મન ઘેરાયેલું રહે. આવું વિરહમાં પણ બનતું હોય છે. આ સાધમ્યનો લાભ કવિએ 'વળગાડ' શબ્દ દ્વારા ઉચિત રીતે લીધો છે. બીજા અન્તરામાં કવિએ પવનના સ્પર્શે ફરફરતા કમખાને વર્ણવી નાયિકાએ અનુભવેલો ઉન્માદ અને વાસ્તવિક સ્થિતિ યુગપત્ રીતે અભિવ્યંજિત કર્યાં છે.

‘કમખો ટાંગું રવેશમાં કે ખળભળતો વટોળ
પોચાં પારેવડાં કાંઈ રાંક
હાંફે અધમણ ને નવટાંક.’

અહીં સ્તનોને પારેવડાં કહેવામાં ઝાઝો ચમત્કાર કે નાવીન્ય નથી. પણ 'રાંક' વિશેષણ દ્વારા એકલતાનો જે ભાવ વ્યક્ત થાય છે તે ‘હાંફે અધમણ ને નવટાંક'થી દ્વિગુણિત બને છે. હાંફ સમયમાં વિસ્તરે છે, વજનમાં નહીં એની કવિને જાણ છે. તેમ છતાં નાયકના સ્પર્શ વિના રાંક બનેલાં, હાંફતાં-નિસાસા નાખતાં પીન પયોધરો છે તેનું ઇંગિત વજનના ઉલ્લેખથી થાય છે. અન્તમાં 'સવ્વા લાખ' મોતી સારતી ને ‘મખમલિયે ઓછાડ’, ‘ટચાક ટીલડી’ ટાંકતી વિરહી નાયિકાનું ચિત્ર પ્રાપ્ત થાય છે. ‘પટેલ-પટલાણી' વિનોદનું નોંધનીય ગીત છે. આ અને અન્ય કથાગન્ધી ગીતોમાં ગીતના ખણ્ડ પછી બૈ યા ત્રણ દૂહા મૂકવાનો પ્રયોગ ધ્યાનાર્હ છે. ‘પટેલ-પટલાણી'ના ત્રણ ખણ્ડની ત્રણ ત્રણ પંક્તિઓ ‘માગે માદળિયું’થી અન્ત પામે છે; જ્યારે ગીતની છેલ્લી ત્રણ પંક્તિઓ ‘વાગે વાંસળિયું'થી અન્ત પામે છે જે સૂચક છે. પટલાણીની ન તોષાતી કામના માગે ‘માદળિયું' તથા અન્ય સંકેતોથી સૂચવાય છે. અન્તમાં પટેલને પ્રાપ્ત થતા જોબનની તથા પટલાણીના સન્તોષની વાત ‘વાગે વાંસળિયું'થી સ-રસ રીતે વ્યક્ત થઈ છે.

‘પટેલ કોરો ઓરસિયો પટલાણી ચંદનડાળ કે માગે માંદળિયું’

દ્વારા પટેલ-પટલાણીની સ્થિતિનો વિરોધ દર્શાવવામાં કવિ સફળ થયા છે. ‘કોરો ઓરસિયો' દ્વારા પટેલની સક્રિયતાના અભાવનું, 'રબ્બરદેહ’પણાનું અને 'ચન્દનડાળ’ દ્વારા પટલાણીની સજીવ સુગન્ધમયતા વ્યંજિત થાય છે. પછીના ખણ્ડમાં કાવ્ય વળાંક સાધે છે :

‘ધણણણ તોપું ગડગડી પીથલપુર મોઝાર'

આ ગડગડાટીના સંકેતથી પટલાણી પણ પાછાં વળે છે એ ક્ષણનું કલ્પન અત્યન્ત આસ્વાદ્ય છે :

‘પરપોટામાં પડી ગયો રે ગોબો અંતરિયાળ કે માગે માંદળિયું'

પરપોટામાં ઘોબો પડવાની કાવ્યાત્મક અભિવ્યક્તિ પટલાણીના અહંકાર ને વટ ખણ્ડિત થયા તેનો નિર્દેશ કરે છે. અન્તે

‘પટેલ ભીનો ભાદરકાંઠો પટલાણી ખંડેર કે વાગે વાંસળિયું'

પટેલ-પટલાણીની સ્થિતિનું બદલાયેલું રૂપ ભાવકને સ્પર્શે છે. ‘આપન્નસત્ત્વા નવોઢા'નો રોમાંચ આખાય ગીતમાં સહજ રીતે મ્હોર્યો છે. પરોઢમાં માણેલા રતિસુખના આનન્દ-સત્તોષની સખી સમક્ષ અભિવ્યક્તિ કરતાં અનુભવાતો સંકોચ; છતાંય કહેવાની આતુરતા, આ-ક્ષણ પર્યન્ત અનુભવાતો રોમાંચ નાયિકાની આ ભાવશબલતા આપણને ભાવી જાય છે.

‘પરોઢમાં પરસેવો માણારાજ
કે આખી રાત કરેલું ઝાંખું ફાનસ રાગે ચડ્યું રે મૂઈ!’

‘રે મૂઈ'ના સમ્બોધનમાં આત્મીયતા તો છે જ, સાથે આનન્દની વાત કહેવાના તાણ પણ એમાંથી પ્રગટે છે. રતિક્રીડાના ઉન્માદને નાયિકા સચોટ રીતે વ્યક્ત કરે છે.

‘સેંથીનું સિંદૂર ઢોલિયે પાંગત પરિયંત કૉળ્યું
અમે, (કહું? લે કહી દઉં) નવતર કાજળકંકુ ઘોળ્યું.’

પરોઢે માણેલો આનન્દ માત્ર કંકુ ઘોળ્યું દ્વારા નહીં, 'કાજળકંકુ ઘોળ્યું' દ્વારા પ્રસર્યો છે. નાયિકાએ જે ચરમકોટિનો અનુભવ કર્યો તેની ઊંચાઈ અન્તિમ કડીમાં સિદ્ધ થઈ છે.

‘હવે કહું નહીં કહેતાં આવે લાજ
કે અમને ઝમરક દીવડે કલ્પતરુનું ફૂલ જડ્યું રે મૂઈ!’

અન્ય ગીતોમાં 'હો પિયુજી' અને ‘કારેલું કારેલું' વર્ણસંવાદ - શબ્દસંવાદની વિશિષ્ટ આયોજનાથી પ્રભાવક બન્યાં છે. ‘કચક્કડાની ચૂડી રે’માં પણ કવિકર્મનો સ્પર્શ માણી શકાય છે. ‘ફાંસ જરા શી વાગી ગઈ’માં ગીત અને ગઝલ પરસ્પરમાં મળી-ભળી ગયાં છે. ‘કાગળ તે શેં લખીએ?’નું કારણ તો આંખમાં આંજેલું કાજળ ‘ઝળહળ રાતી પાઘલડીને છોગે જઈને…’ ભળતાં નાયિકાનું વિશ્વ બદલાઈ ગયું, તે છે. ‘ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્’નો પ્રગલ્ભ શૃંગાર જુદી રીતે વ્યક્ત થયો છે. આરમ્ભના ખણ્ડ પછી આવતા દૂહામાં જે સાદૃશ્ય રચાયું છે તે સ્પર્શ, સુગન્ધ ને રંગનાં સંવેદનોને એકસાથે મૂકી આપે છે :

‘કોણી જાણે કેવડો પેડું મઘમઘ થાય’

નાયિકાની કોણી કેવડાના આકાર અને રંગ સાથે જોડાય છે. કવિએ સુગન્ધનો સન્દર્ભ કોણી સાથે ન જોડતાં ‘પેડું મઘમઘ થાય' એમ કહ્યું છે. આ જ ગીતનો દૃશ્ય-શ્રાવ્ય કલ્પનોથી મણ્ડિત એક દૂહો જોઈએ :

‘રગ રગ ઝાલર રણઝણે નખનખ દીવા થાય
કુંજલડી સંતાય ધસમસ ધીંગા વાદળે.’

વિનોદ પાસે લય-ઢાળોનું જે આકર્ષક વૈવિધ્ય છે તેનો પરિચય ‘પરંતુ’માંનાં ગીતો આપે છે. આ લય-ઢાળોના વૈવિધ્યને કારણે પ્રત્યેક ગીતમાં સર્જાતી વિવિધ ભાત વિશે તેમજ લોકગીતોના ઘટકોના કવિએ કરેલા સર્જનાત્મક વિનિયોગ વિશે એક જુદો લેખ કરી શકાય.

*

ગીતોમાં સર્ગશક્તિનો આવિષ્કાર દાખવનાર વિનોદ સૉનેટના સ્વરૂપને પણ સામર્થ્યપૂર્વક સિદ્ધ કરે છે. સાત સૉનેટોમાંથી ત્રણ પૃથ્વીમાં, બે માલિનીમાં, એક હરિણીમાં અને એક શિખરિણીમાં પ્રાપ્ત થાય છે. ‘એક અનુભૂતિ કાવ્યસર્જનની’ અને ‘શબ્દપ્રસવ'માં કાવ્યસર્જન પૂર્વેનાં અને કાવ્યસર્જનની ક્ષણનાં ભીતરીસંચલનો ઓજસમય બાનીમાં શબ્દસ્થ થયાં છે :

‘મૃદંગ ધ્રબધ્રુબ્ધ્રિબાંગ્ધનનધન્ધનાધન્ન - ચૂપ્
અચાનક, હવા બધી સડક, સ્તબ્ધ શાં ટેરવાં;
ઝૂક્યું ગગન ત્રાડ દૈ અધધ ભીંત આઘી ખસી
કરાલ, જડ અંધકાર ખખડી ખબક્ ખાબક્યો.’

આંખમાંથી પડતાં સ્વપ્નો, હણહણતા અક્ષર, કશોક ખળભળાટ, દૃશ્યો વગેરે કડડ કરતાં જમીન પર પડે છે ત્યાં જ દિશા હચમચે છે:

‘અચાનક જ ચીસ કો કારમી
સટાક્ કરતી વેતરી ગઈ જ વાયુનું વસ્ત્ર ત્યાં!’

અન્દરની ચીસથી વાયુનું વસ્ત્ર ચીરાઈ જવાની વાત બૉદલેરીય સૃષ્ટિ સુધી આપણને લઈ જાય છે. અન્તે રઘવાટ શમી જાય છે અને શબ્દ પાંગરે છે તેનું નિરૂપણ આસ્વાદ્ય અને ઉચિત બાનીમાં પ્રાપ્ત થાય છે :

‘બધો જ રઘવાટ શૂન્ય થઈ શબ્દમાં પાંગર્યો
તરંગ ઊંચકી ખભે તટ સ્વયં હવે લાંગર્યો.’

‘પૃથ્વી’માં રચાયેલાં આ સૉનેટોમાં તથા ‘Ecotasy’માં કવિનું છદપ્રભુત્વ તરત જ ધ્યાનમાં આવે છે. રવાનુકારી તથા તત્સમ શબ્દો વડે સૉનેટોનું વિશિષ્ટ પોત પણ રચાયું છે. ‘એક અનુભૂતિ-કાવ્યસર્જનની’માં 'ધ્રબધ્રબ્ધ્રિબાંગ્’ જેવા નાદમૂલક વર્ણસમૂહો મૃદંગવાદનમાંથી નીપજતા નાદને કે મૃદંગના શાસ્ત્રીય તાલતોડાને ઉચિત રીતે વ્યક્ત કરી શકતા ન હોવા છતાં આન્તરિક ખળભળાટને વ્યક્ત કરી શકે છે એ નોંધવું જોઈએ. ‘પરિરંભન’માં સડકની વચ્ચે, નખશિખ અઘોરી, સમ્પૂર્ણ વંઠેલી અને માંસલ એવી ઘોરતી રાત્રિનું ચિત્ર અત્યન્ત Sensuous છે. તેરમી પંક્તિમાં શગ ધીમી કરતાં જ ઘર સંકેલાઈને ગોખલામાં આવી સ્થિર થાય છે એ દૃશ્ય-સંવેદન સૂઝપૂર્વક આલેખાયું છે. અન્તે સ્વપ્નમાંથી વાસ્તવમાં આવતા, ભોંઠા પડતા નાયકની સ્થિતિથી સૉનેટ પૂરું થાય છે. ‘હવા' સૉનેટમાં અમૂર્તને મૂર્ત બનાવવામાં, શ્રુતિગોચર બનાવવામાં વિનોદને પ્રશાસ્ય સફળતા સાંપડી છે. સોરઠા-દુહાબદ્ધ રચનાઓમાં ‘પ્રેયસીનું Vision અનુભવ્યાનો સાર’ તો વિનોદનું ખ્યાત કાવ્ય છે. એનો આરૂઢ-તળપદો નોંધપાત્ર છે :

‘વિમલી તારી યાદનો બરો મૂતર્યો બાપ
રાતે આવ્યો તાવ, રૈયું ગણગણ ગોશલો.’

અહીં બરો (અને તે પણ યાદનો!), તાવ અને હૈયામાં થતો ગણગણાટ - બધું ઉચિત રીતે જોડાઈ ગયું છે. કાવ્યના ઉત્તરમાં જત લખવાનું આટલું...’માં કાવ્યનાયકની સ્થિતિ જોઈ-જાણી નાયિકા પણ રઘવાઈ બની ઉત્તર આપવા મથે છે ત્યારે

‘આંગળિયુંમાં આજ અક્ષર ઘોડા ખેલવે' છે.

નાયિકા પોતાની મનઃસ્થિતિનો પરિચય અત્યન્ત કાવ્યાત્મક રીતે આપે છે.

‘જળની સો સો દાંડલી નેવે તરફડ થાય
ફળિયે સળગી જાય કૂંપળ તારી યાદની.’

‘જળની સો સો દાંડલી’ દ્વારા કવિ આપણા મનમાં શાતાનું અને આનન્દનું ચિત્ર ક્ષણાર્ધ માટે ઉપસાવા દે છે. પંક્તિનું ઉત્તર પદ ‘નેવે તરફડ થાય’ આવતાં પછડાતી, તૂટતી ને તરફડતી દાંડલીઓ શેષમાં રહે છે. વિરહાનુભવની, દૃશ્યશ્રાવ્ય કલ્પન દ્વારા, વેદનાપૂર્ણ અભિવ્યક્તિ અહીં પામી શકાય છે.

*

કાવ્યસંગ્રહના આરમ્ભે વિનોદે શ્રી બાલમુકુન્દ દવેની પંક્તિઓ ટાંકીને ‘પ્રીતનાં ગીતો’ ગાવાનો પોતાનો સંકલ્પ જાહેર કર્યો છે. એક જ વિષયના પરિધિમાં કામ કરવાનું આહ્વાન સ્વીકારવાની સાથે એકસૂરીલાપણાનો ભય પણ અવગણવા જેવો નથી. ‘પરંતુ’માંનાં સોપારી ગીતો, ‘ભૂલચૂક લેવીદેવી', 'કાલનો દી' જેવી રચનાઓ-રચનાંશો રમતમાં કે ચબરાકિયાપણામાં સરી જતી, જતાં લાગે છે. ‘ભીની ભીની લ્હેરખી' ‘ઝાટકે રે' જેવાં ગીતો તથા ‘બાળપણ સ્મૃતિ, નામનું સૉનેટ ખાસ વિશિષ્ટતા સિદ્ધ કરી શકતાં નથી. ‘કરી કાળોતરો’ જેવા ગીતમાં પ્રયોજાયેલું રૂપક ખૂબ વપરાઈને લીસું થઈ ગયું છે. આવા રૂપક દ્વારા કોઈ અસાધારણતા સિદ્ધ ન કરી શકાય તો એને પ્રયોજવાની લાલચ કવિએ ન રાખવી જોઈએ. ‘આપન્નસત્ત્વા નવોઢા'માં આવતા ‘પરિયત’ (પર્યન્ત) અને 'કલ્પતરુ' જેવા સંસ્કૃત શબ્દો પ્રસ્તુત ગીતની બાનીમાં આગંતુક લાગે છે. એ જ રીતે ગીતનું ભારેખમ શીર્ષક પણ ખૂંચે છે. ‘હો પિયુજી'માં ‘સરવરિયાં તળિયાં લગ વીંખ્યાં મળી કમળની કૂંચી રે’ જેવી સર્જનાત્મકતા સિદ્ધ કરતી પંક્તિઓ ગીતમાં મળતી હોવા છતાં પ્રથમ અન્તરા અને બીજા-ત્રીજા અન્તરા વચ્ચે સૂક્ષ્મ તિરાડ રહી ગઈ છે. ‘કમળની કૂંચી’ મળ્યા પછી ‘આંગળિયે અવાવરું પરપોટા’ ને ‘ઘરવખરીમાં પડતર પીંછું અને પવન કદરૂપા’ હોવા પાછળનું કારણ યા તેનું સૂચન ગીતમાં શોધી શકાતું નથી. ‘કાગળ તે શેં લખીએ’ની અન્તિમ બે પંક્તિઓ પર અનિલ જોષીના પ્રસિદ્ધ ગીત 'કન્યાવિદાય'ની ‘કેસરિયો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે’ પંક્તિની સૂક્ષ્મ અસર નોંધી શકાય.

*

‘પરંતુ'માં કવિપ્રતિભાનો પરિચય આપનાર વિનોદ જોશી હવે પછી કઈ દિશામાં ગતિ કરશે તે જોવું ગમશે. ‘પરંતુ’ ‘કવિલોક'ની નવ્ય કવિ શ્રેણીનું પ્રથમ પ્રકાશન છે. 'કવિલોક' ટ્રસ્ટને શ્રેણીના સાહસ માટે અભિનન્દન!

*

અન્તમાં ‘પરંતુ' નિમિત્તે સામ્પ્રત ગુજરાતી કાવ્ય-સાહિત્ય વિશે ઊભા થતા બે-ત્રણ પ્રશ્નો મૂકવાનું ગમશે : 1. સામ્પ્રત પરિસ્થિતિમાં એવી કઈ આન્તરિક જરૂરિયાત છે કે કવિ ગીતો લખવા પ્રેરાય છે? 2. જે કવિઓ લોકગીતોની ‘લોકઢાળોની અસરો ઝીલી’ આગવી રીતે, ભાષાકર્મના વિશેષથી કાવ્યત્વ સિદ્ધ કરે છે તેને 'અદ્યતન’ કહી શકાય? 3. ભાવક તરીકે સહૃદયો પણ ક્યારેક ગીત-ગઝલથી જ વધુ રીઝી જાય છે એ પાછળનાં પરિબળો ક્યાં?[1]

(‘અધીત : નવ')


  1. ઓગણત્રીસ-ત્રીસ ડિસેમ્બર, ‘ચોર્યાસીના દિવસો દરમિયાન પાટણ-કૉલેજમાં મળેલા ‘ગુજરાતીને અધ્યાપક સંઘ’ 35 અધિવેશનમાં ‘અર્ધ્ય’ વિભાગમાં રજૂ થયેલી કૃતિ-સમીક્ષા– સુધારા-વધારા સહિત.