< અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા
અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘છોડીને આવ તું...'
જિજ્ઞેશ ઉપાધ્યાય
કવિ રાજેશ વ્યાસ ઉર્ફે ‘મિસ્કીન'નો ગઝલ સંગ્રહ ‘છોડીને આવ તું’ સપ્ટેમ્બર-૨૦૦૫માં પ્રગટ થાય છે. આ સંગ્રહમાં સો રચનાઓનો સમાવેશ થયો છે. કવિ પોતાની કેફિયતમાં કહે છે, ‘પહેલી ગઝલ ક્યારે લખી એ યાદ નથી. પરંતુ મા શબ્દ પછી કોઈ બીજો શબ્દ ગમ્યો હોય, મને પોતાનો લાગ્યો હોય તો તે ‘ગઝલ’ છે.’ ઈડરની સાહિત્ય પરિષદમાં પ્રથમવાર શ્રી ગની દહીંવાલાને મળવાનું થાય અને એ પ્રથમ મુલાકાતમાં જ ગઝલ રજૂ કરે...
‘હૃદયની વેદનાનો આંસુથી અણસાર આપું છું,
કથા પૂરી નથી કહેવી નીતરતો સાર આપું છું.’ (પ્રસ્તાવના)
અને આ ગઝલકાર કહે—છોકરા આ તો સરસ ગઝલ લખી છે. આમ ૧૯૭૦ની આસપાસ હું ગઝલ લખું છું ‘તેવી મને ખબર પડી’ તેમ કવિ આ સંગ્રહની પ્રસ્તાવનામાં કહે છે. ૧૯૭૦થી ગઝલ રચનામાં પ્રવૃત્ત થયેલા કવિની રચનાને ૧૯૭૩માં બચુભાઈ રાવતની પસંદગીની મહોર લાગે છે અને સામયિકમાં પ્રગટ થાય છે. આટલાં વર્ષોમાં વિપુલમાત્રામાં ગઝલનું સર્જન આ કવિ કરે છે. પરંતુ આ સંગ્રહમાં મૂકેલી ગઝલો તેની સર્જન પ્રક્રિયાનું વિશિષ્ટ મૂલ્ય ધરાવતી રચનાઓ છે.
કવિએ પરંપરાની સાથે વ્યક્તિગત સંવેદનાઓ કલ્પના અને અનુભવોને આ સંગ્રહની ગઝલમાં વ્યક્ત કર્યા છે. તેનાથી નાવીન્ય તો ઉત્પન્ન થયું સાથે તેને નવો લય આપ્યો, નવા રંગ ભર્યાં અને નવા ઉપકરણોથી ટૂંકમાં એક પરંપરિત અને પ્રાચીન સ્વરૂપને મહદંશે આપણા વાતાવરણ, પરિસ્થિતિ, બૌદ્ધિકતા અને મિજાજની પ્રવક્તા બનાવી, આપણાં ચિંતન, રુચિ, કલા, સૌંદર્ય તથા બૌદ્ધિક અને સાંસ્કૃતિક અપેક્ષાઓને સુપેરે સંતોષી રહે છે. આ સંગ્રહની કેટલીયે રચનાઓ જીવન અને સૃષ્ટિનાં રહસ્યોને ધબકતાં કરે છે. તેમાં દાર્શનિક મિજાજ ઊભો કરી, જીવન, મૃત્યુ, માનવ અસ્તિત્વનું મહત્ત્વ ઈશ્વર સાથેનો તેનો સંબંધ સૃષ્ટિનાં રહસ્યો જેવા અસંખ્ય પ્રશ્નઓનું નિરાકરણ શોધવાનો પ્રયત્ન આ સંગ્રહમાં જોવા મળે છે, તો વતનની સ્મૃતિ કવિનું અનોખું ભાવવિશ્વ પ્રગટ કરે છે.
ગુજરાતી ગઝલની અભિવ્યક્તિનો રંગ સમયે સમયે બહેલાતો રહ્યો છે. આ સંગ્રહમાં વિવિધ રંગો વિષયની વિવિધ છટાઓ છે, સર્જકતા અને સર્જનની સમજ સર્જક કર્મને છાજે છે. સાચી સર્જકતા અને છેતરામણી પ્રસિદ્ધિ વચ્ચે પાતળી ભેદરેખા હોય છે. તેને પરખવી મુશ્કેલ હોય છે. અહીં ગઝલને કવિ સાહિત્યના સંકુચિત માળખાથી વિશાળ ફલક પર મૂકી આપે છે. કવિનો દાર્શનિક મિજાજ અનોખો છે. મત્લા અને મક્તા ગઝલના કેવળ બાહ્ય ઘટકો ન રહેતાં અંતરંગ સાથે તેનો સૂક્ષ્મ સંબંધ હોય છે. મત્લાનો મર્મ પામી જવાય તો પૂરી ગઝલમાં અંકિત પથ ખૂલતો જાય, પરંતુ અહીં આ સંગ્રહની પ્રથમ રચનાનો મત્લા પામી જવાય તો આ આખા સંગ્રહમાં અંકિત થયેલો પથ આપોઆપ ખૂલી જાય છે.
‘તારું કશું ન હોય તો છોડીને આવ તું
તારું જ બધું હોય તો છોડી બતાવ તું.’ (પૃ. ૧)
અહીં આ સંગ્રહના પથને પામવા જ સંગ્રહનું શીર્ષક પણ અહીં વિશિષ્ટ રીતે પ્રગટ થાય છે અને ‘મિસ્કીન’ની ફિકરી પણ સાથે પ્રગટ થાય છે, જીવનને આપણે મોહમાયા સ્વપ્ન માનીએ છીએ, પરંતુ એ સ્વપ્ન આપણે સાચવી પણ શકતા નથી અને ત્યાગી પણ શકતા નથી, કવિ અહીં તે માટે આ આહ્વાન કરે છે. મારાપણાનો ત્યાગ કરવો અને બધું છોડી અખિલાઈમાં ઓગળી જવું તેમાં જ જીવનની સાર્થકતા છે. તેથી જ કવિ કહે છે-
ખરેખર હૃદયથી અહંકાર છૂટે,
ઓ સંન્યાસી ત્યારે જ સંસાર છૂટે. (પૃ. ૫૫)
પરંતુ સંન્યાસીની પોતાની એક અલગ ઓળખ હોય છે. તેની એક ભાષા હોય છે, પરંતુ તે વિશિષ્ટ હોય છે.
એક પણ ઇચ્છા નથી ના એક પણ આશા હવે,
મારી નિષ્ફળતા બની ગઈ સંતની ભાષા હવે. (પૃ. ૭૯)
તો ક્યારેક દાર્શનિક મિજાજનું દર્શન જુદી રીતે થાય છે.
એ જ ભણકારા સતત સંભળાય કોઈ શું કરે
આપ મેળે દ્વાર ખૂલી જાય કોઈ શું કરે (પૃ. ૮૬)
તો કવિ પોતાની કેફિયત પણ આ રચનાઓમાં જુદી જુદી રીતે આપે છે. પૃ. ૬ર પરની આ રચના જોતાં તેનો ખ્યાલ આવશે.
છે રિયાસત શબ્દની ને રાજવી રાજેશભાઈ
પાંદડું ફરકે ગઝલ લખવા નવી, રાજેશભાઈ,
ક્યાંક શું ખુદમાંય પણ લટકે છે એ થૈને છબી
એ જ સાબિતી છે કે રેઢા નથી રાજેશભાઈ. (પૃ. ૬૫)
જીવનપથ એટલો મુશ્કેલ છે અને તેમાં આવતા સંઘર્ષોથી માણસ પોતાની પણ ઓળખ ખોઈ બેસે એવું પણ શક્ય છે.
હૈયે તો છું પણ હોઠેથી ભુલાઈ ગયેલો માણસ છું.
હું મારા ડાબા હાથે ક્યાંક મુકાઈ ગયેલો માણસ છું.
સૌ આવી ગુનાહો પોતાના કબૂલીને મનાવે છે મિસ્કીન,
કોને કહેવું હું મારાથી રિસાઈ ગયેલો માણસ છું. (પૃ. ૪)
આ રિસાઈ ગયેલો માણસ ક્યારેક સ્વયંની વાત કરે છે, ત્યારે ભાવનો ચમત્કૃતિજન્ય સંબંધ પણ પ્રગટ કરે છે.
એક હું શબ્દ લાગણીનો છું,
દોસ્ત હું મેઘ વાવણીનો છું.
આવ કે ઝરમરું હું તારામાં,
હું ય પણ મેળો શ્રાવણીનો છું. (પૃ. ૫)
ભાષાના કશાય આડંબર વિના પ્રેમનો અર્થ સરળ અને સોંસરવી શૈલીમાં આપે છે. અભિવ્યક્તિની સરળતા અને ભાષાની સાદગી શેરના સૌંદર્યને વધારી મૂકે છે.
તું વગરનું એમ કેવળ જીવીએ,
બસ પૂરા કરવાનો અંજળ જીવીએ. (પૃ. ૬૬)
કેટલીક વખત કવિની અભિવ્યક્તિ અને ભાવ યોગ્ય લય અને ભાષાના સથવારે નવી નવી અર્થછાયા પ્રગટ કરી શકે છે. મનુષ્ય જીવનમાં પ્રેમ અને વિરહ સ્થાયી તત્ત્વો છે. સાચો પ્રેમ વિરાવસ્થામાં જ પ્રગટે છે. તેથી કવિ કહે છે. (પૃ. ૩)
કેટલીને ક્યાં લગી કરવી હજુ અટક સજનવાં,
કાં હવે આવો કાં તેડાવો લખી કાગળ સજનવાં. (પૃ. ૩૧)
અને એ જ વિરહ યાદના સથવારે તીવ્ર બને છે.
વરસાદ બાર થંભ્યો હવા નીતરી ગઈ,
ને યાદ ઘરમાં ભેજ બની વિસ્તરી ગઈ. (પૃ. ૬૪)
ઘણી રચનાઓમાં શેરનાં બે ચરણો વચ્ચે ભાવનો ચમત્કૃતિજન્ય સંબંધ અનુભવાય છે. પ્રથમ ચરણમાં રહસ્ય સર્જાય અને બીજા ચરણમાં જનોઈ વઢ ની ઘાની જેમ તેનું ઉદ્ઘાટન થાય આ મિજાજ આ કવિની સાચી ઓળખ છે.
એ પરાયાં હોય છે, બીજાને ખપનાં હોય છે.
દોસ્ત આ આંખો મહી જે કૈંક સપનાં હોય છે.
કોણ જાણે કેમ ટીપાં થઈને પડતાં ખરી,
કાળજે પાણીનાં જે દસ-બાર દરિયા હોય છે. (પૃ. ૫૧)
પરમ તત્ત્વને પામવાની, તેની લાગણીને સ્પર્શવાની એક તરસ જાણે તરબતર થવા માટે ઈશ્વરને વિનવે છે. આ તડપ અને તૃપ્તિ વચ્ચેની સ્થિતિ છે. તરસવું અને વરસવું વચ્ચેની પરિસ્થિતિનો મર્મ સ્પર્શી શેર જોઈએ.
ખૂબ તરસ્યો છું ધોધમાર વરસ,
તોડ બંધન બધા ધરાર વરસ.
કોઈ ટહુકે છે ખૂબ આઘેથી,
ચાલ મિસ્કીન મુશળધાર વરસ. (પૃ. ૧૩)
તો તેવી જ એક બીજી રચના
વરસી રહ્યો છું કાંઈ અંદર-બહાર આજે,
જીવી રહ્યો છું અઢળક અપાર આજે. (પૃ. 22)
કેટલીક રચનાઓમાં વતનની સ્મૃતિ અનોખું ભાવ વિશ્વ ઊભું કરે છે. વતનનાં સ્મરણથી સાહચર્યનો સહવાસનો મહેકનો અને હૂંફનો ભાસ થાય છે. કવિ ‘વતન ગુચ્છ’ શીર્ષકથી એકસાથે છ રચના આપે છે (પૃ. ૨૪થી ૨૯) તો અંતમાં વતનમાં... શીર્ષકથી બે રચના (પૃ. ૮૮, ૮૯) ઉપરાંત ‘નવશેકો સ્વાદ...’ ‘એ દિવસો..’ જેવી રચનાઓ પણ વતનની સ્મૃતિ જાગ્રત કરે છે.
ગામ આવતા પહેલાં આવી ધૂળ દોડતી મળવા,
સાવ અડોઅડ વગડો ઊભો આંખોને સાંભળવા. (પૃ. ૮૮)
પરંતુ વતનની સ્મૃતિની સાથે જ કવિને માતાપિતાનું એટલું તીવ્ર સ્મરણ થાય છે, કે તે સ્મરણ આ રીતે પ્રગટે છે.
રજા પડે જે જતો વતનમાં બા-બાપુની સાથે,
અને આવતી બાળીભોળી એકલતા સંગાથે. (પૃ. ૯૧)
અંતમાં કવિ એકલતા સાથે એકાકાર થતા જણાવે છે.
તું સાચું સગપણ એકલતા, ખળખળતું આંગણ એકલા,
જીવતરનું દર્પણ એકલતાં, સપનાંનો ફાગણ એકલતા,
આ કયા જન્મનું ઋણ ગમે ત્યાં પગલું મૂકતાં મળતી રે એકલતા,
બારે મેઘ કરીને ખાંગા મનના ખૂણે વરસી રે એકલતા. (પૃ. ૯૫)
પ્રબળ ઊર્મિઆવેગ, વિચાર, કલ્પના આદિતત્ત્વોનો સમન્વય અંતે તો સૌંદર્યરસમાં પરિણમતો અનુભવાય છે. આ રચનાઓમાં સંભળાતો કવિનો પહેલો, સીધો, પ્રત્યક્ષ અવાજ વિચારરૂપે, લાગણીના-ભાવના આવેગરૂપે, કલ્પનારૂપે આપણી સુધી પહોંચે છે. આ રચનાઓ આપણાં ચિત્તમાં ભાવની ઉત્કૃષ્ટતતાનો સંસ્કાર મૂકી જાય છે. અહીં આલેખાયેલો વિષય પ્રેમનો હોય, પ્રકૃતિનો હોય કે પ્રભુદર્શનનો એમાંની સંવેદના ભાવકને સ્પર્શી જાય છે, કલ્પનાની અપૂર્ણતા, ભાષાની સરળતા અને સફાઈ, દિલની સચ્ચાઈ અને પારદર્શકતા અને ભાવની અભિનવતા જેવા ગુણો વડે અહીં કેટલીક રચનાઓ કવિત્વની ઉચ્ચતા સાધી શકી છે.
અલબત્ત, કેટલીક જગ્યાએ તે પ્રણાલિકાગત કલ્પનાઓથી આગળ વધી શક્યા નથી.
હરપળ સીતા હરણ થતું રહે જોઉં છું,
હરપળ જટાયુ જેટલો લાચાર હોઉં છું. (પૃ. 52)
તેવી રીતે દાર્શનિક મિજાજ સુંદર છે, પરંતુ વિશિષ્ટ ક્રાંતિ કે અછૂતી વાત કરી શક્યા નથી, સમાજ અને સત્યતાના કેટલાક સ્વીકૃત સિદ્ધાંતો જીવન સ્તરના છે. વિચારોનો સ્વભાવ હોય છે. ભૂત અને ભાવિમાં વહી જવાનો તેથી સુક્કાં પાંદડાં હવામાં જે દિશામાં ઊડી જાય એવી સ્થિતિગતિ કવિની હોય. વિચારોનું વહેણ વિગત છે. વ્યતીત છે. ભૂતકાલીન છે અને ક્યારેક અનાગત છે.
પરંતુ અંતની (પૃ. ૮૭) કેટલીક રચનાનો અભ્યાસ કરતા એવો પ્રશ્ન પણ જરૂર થાય છે. ગઝલની અસલિયત ક્યાં? સ્વરૂપ સંયોજનમાં ગઝલ સ્વરૂપના મિજાજ વિશેષની સ્વાયત્તાનો પ્રશ્ન ઉપસ્થિત થવાનો જ, છંદ, ભાષા કે અભિવ્યક્તિના પ્રયોગોમાં ગઝલના અંતરતત્ત્વ કે સ્વરૂપનિધિને અવગણીને થતા આવિષ્કારો ક્યારેક મુગ્ધ અડપલાં જ નીવડે, ગઝલ પ્રેર્મોમિની વાહક હોવાથી ગઝલમાં સૌંદર્ય સ્વછંદતાથી નહીં બલ્કે કલાની શિસ્ત અને સાહિત્યિક બંધનોથી ખીલી ઊઠે છે. છતાં એમ જરૂર કહેવું પડે કે આ માણસ પાસે ગઝલ તત્ત્વની સાફ સૂઝ છે. કાફિયા જાળવવાની ચીવટ રદિફ જાળવવામાં નથી, અહીં ફારસીને બદલે સંસ્કૃત અને તળપદા સ્વરૂપ વપરાયા છે, તેથી મધુર પદાવલીઓથી ઊભું થતું લયમાધુર્ય અહીં છે. ગઝલ સ્વરૂપની નજાકતને ઝીલે એવા હળવાફુલ શબ્દોથી યોગ્ય ગોઠવણીથી પણ એક માધુર્ય ઉદ્ભવે છે, જે કર્ણપ્રિય લાગે છે અને હૃદયને પ્રફુલ્લિત કરે છે. અહીં પરંપરાની ગઝલનો સ્વભાવ છે, પણ આકાર નથી, ગઝલનાં સ્વભાવના અર્થમાં કશી કચાશ પણ અનુભવાય છે. તેથી શુદ્ધ ગઝલના શુદ્ધ શુદ્ધ સ્વરૂપને જ કેન્દ્રમાં રાખી રાજેશ વ્યાસની આ રચનાઓની વાત કરવી મુશ્કેલ છે. તો અહીં પ્રગટ થતી દાર્શનિક મિજાઝની ગઝલને આધ્યાત્મિક પણ કરી ન શકાય, કારણ આધ્યાત્મ ત્યાં જ કવિતામાં આવે જ્યારે કવિ સાધક હોય. અહીં ગઝલમાં સંવેદનશીલતાની સીમા વિસ્તરે છે. જરૂર તેથી આપણે પણ આ સંગ્રહની રચનાઓ માટે કવિ સંગ્રહની પ્રસ્તાવનામાં કહે છે, તેમ એક વિશિષ્ટ મૂલ્ય ધરાવતી વિશિષ્ટ ગઝલો જ કહીશું.’
❖
(‘અધીત : ત્રીસ')