zoom in zoom out toggle zoom 

< અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા

અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/બ્રહ્માનંદનાં પદોનું દૃષ્ટિમંત સંપાદન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩૨. બ્રહ્માનંદનાં પદોનું દૃષ્ટિમંત સંપાદન

પ્રા. ડૉ. કે. જે. વાળા

આપણા મધ્યકાલીન કવિઓનું પ્રદાન તેમની વિશિષ્ટતાઓને કારણે અનેક રીતે અત્યંત પ્રભાવક હોય છે. આ સર્વ કવિઓ એમના વ્યક્તિત્વ અને કૃતિત્વને કારણે ચિરંજીવ સ્થાન પામેલા છે. વળી આ સર્વ કવિઓ ભલે કોઈ સંપ્રદાય સાથે સંકળાયેલા હોય, આમ છતાં એમણે જે લખેલું છે એમાં અનાયાસ સર્જનાત્મક સૌંદર્ય પ્રકટ્યા વિના રહેતું નથી.

આપણે જો એના પર દૃષ્ટિપાત કરીશું તો આનંદઘન, નરસિંહ મહેતા. ભાલણ, મીરાં, અખો, પ્રેમાનંદ, પ્રીતમ, ધીરો, ભોજો અને દાયારામ એ સર્વ કવિઓ સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના આપણા કવિઓ નિષ્કુલાનંદ, બ્રહ્માનંદ, પ્રેમસખી પ્રેમાનંદ જેવા કવિઓનાં પદોમાં અનેક વાર આપણને સૌંદર્યલક્ષી કવિતા સાંપડે છે. એ પદોને તો આપણે આપણી કવિતાનો ‘અમર વારસો’ કહીએ છીએ, પરંતુ આ કવિઓનાં પદોનો ઊંડો અભ્યાસ કરીને એમાંથી ઝળહળતાં રત્નો જેવી રચનાઓનું સંપાદન કરનારા અભ્યાસી, સાક્ષરો, વિદ્વાનો આપણે ત્યાં વિરલ છે.

આ પરિસ્થિતિમાં જ્યારે બ્રહ્માનંદનાં પદોનું ‘રે સગપણ હિરવરનું સાચું’ નામનું સંપાદન આપણને મધ્યકાલીન સાહિત્યના મર્મી, અભ્યાસી ડૉ. બળવંતભાઈ જાની પાસેથી સાંપડે છે, ત્યારે સહેજે આનંદ થાય છે. ડૉ. બળવંતભાઈ જાની કેવળ મધ્યકાલીન સાહિત્યના જ અભ્યાસી એવું નથી. આમ તો એમણે આધુનિક કથાસાહિત્યનો પણ ઊંડો અભ્યાસ કરેલો છે. સર્જાતા સાહિત્યના સતત સંપર્કમાં છે. આધુનિક ભારતીય તેમજ પાશ્ચાત્ય સાહિત્યનાં સંમેલનો, પરિષદોમાં ઉપસ્થિત રહીને એમણે અભ્યાસપત્રો પણ પ્રસ્તુત કર્યા છે. ઇતિહાસના પણ તે મર્મદર્શી અભ્યાસી છે. એમની આ ઊંડી અને વ્યાપક અધ્યયનદૃષ્ટિ એમના લોકસાહિત્યના સંપાદનો અને મધ્યકાલીન કવિઓનાં પદોનાં સંપાદનોમાં આપણને સર્વત્ર પ્રગટ થતી દેખાય છે.

‘રે સગપણ હિરવરનું સાચું' પુસ્તક નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ દ્વારા પ્રકાશિત થાય છે. વળી શ્રી બળવંતભાઈએ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને સત્સંગીઓનો પણ સતત સંપર્ક રાખેલો છે. આથી બ્રહ્માનંદનાં પદોનું ચયન કરતી વેળા તેમનો અભિગમ બધી જ રીતે ઉચિત રહ્યો છે. લેખક સંપાદકીયમાં સ્પષ્ટતા કરે છે. ‘ઈસ.૧૯૯૯માં તારીખ ૫, ૬, ૭ મે મારા દરમિયાન સ્વામિનારાયણ ગુરુકુળના સૌજન્યથી સ્વામી શ્રી શાસ્ત્રી નારાયણ સેવાદાસજીના માર્ગદર્શનમાં પરિસંવાદનું આયોજન કરેલું ‘બ્રહ્માનંદ મને ઊંચી કક્ષાના સંતભક્તને મોટા ગજાના કવિ લાગ્યા છે. તેમના સમગ્ર સર્જનનો પરિચય તથા મેં પસંદ કરેલા આસ્વાદમૂલક અવબોધ કથા અહીં પ્રારંભે મૂકેલ છે.’ આ સંપાદન આ રીતે એક પરિસંવાદ નિમિત્તે થયેલા પરિશીલનનું પરિણામ છે. ડૉ. જાનીની વાત સાચી છે, કે બ્રહ્માનંદ ઘણા મોટા ગજાના કવિ છે. વળી પોતે નોંધેલ છે, તેમ છેલ્લા એકાદ દાયકાથી તેઓ બ્રહ્માનંદનાં અભ્યાસમાં વ્યસ્ત હતા. આથી આ સંપાદન વિશાળ પટ પરના સંપાદકના અભ્યાસનું પરિણામ છે. એ આપણે નોંધવું જોઈએ. અહીં બ્રહ્માનંદના કુલ ૬૧ પદોની વરણી કરીને ગ્રંથસ્થ કરવામાં આવ્યાં છે. બ્રહ્માનંદની જ્ઞાનદૃષ્ટિ તેમજ પ્રેમલક્ષણા ભક્તિ ઉભયનાં પદો અહીં સારી સંખ્યામાં લેવાયાં છે. ખરેખર તે જ્ઞાન-વૈરાગ્ય કરતાં બ્રહ્માનંદની સગુણ ભક્તિની સાક્ષી આપે એવાં ઘણાં પદો લેવાયેલાં હોઈ આ સંપાદન સત્સંગીઓને તેમજ સાહિત્યના અભ્યાસીને એકસરખી રીતે પ્રસન્ન કરે તેવું છે. પદો વિશે ચર્ચા કરતાં પહેલાં ડૉ. બળવંતભાઈએ પ્રારંભમાં જે ૩૮ પાનાંઓમાં વિસ્તરતો ઉપોદ્ઘાત રૂપે જે અભ્યાસલેખ મૂકેલો છે એમાં બ્રહ્માનંદના જીવનકવન વિશેની સંશોધનદૃષ્ટિ અને અધ્યયનદૃષ્ટિ ઉત્તમ રીતે પ્રકટતી જોઈ શકાય છે. બ્રહ્માનંદની વ્યક્તિમત્તાને સ્ફુટ કરવા એમણે એમના જન્મસમય, જન્મસ્થળ, તેની જ્ઞાતિવિશેષ, તેમનો પ્રારંભિક ઉછેર તથા આ મધ્યકાલીન કવિએ એની કવિ તરીકેની સજ્જતા કેવી રીતે કેળવી છે, તેના ઉપર ઝીણવટભર્યો દૃષ્ટિપાત કરેલો છે. ચારણ હોવાને નાતે બ્રહ્માનંદજીમાં પોતીકી પ્રતિભા હતી, પણ પછીથી એમણે કાવ્યરચનાના કાવ્યસર્જનનું જે શિક્ષણ મેળવ્યું એમાંની ઘણી વિગત આ સંપાદનમાં અહીં સૂક્ષ્મ રીતે દર્શાવેલ છે. ‘ભુજની એ કાવ્યશાળામાં સૌથી વધુ સમય સુધી રહીને કાવ્યશિક્ષણ મેળવેલું. છંદ-અલંકારનું પિંગળનું એમ માત્ર કાવ્યશિક્ષણ જ નહીં, પરંતુ વિદુરનીતિ, ચાણક્યનીતિ, અંગદનીતિનો અભ્યાસ કરેલો. ગવિદ્યા, અશ્વવિદ્યા અને સામુદ્રિક શાસ્ત્રોનો અભ્યાસ પણ કરેલો, ઉપરાંત સિતાર, મૃદંગ અને નરઘાના વાદનમાં પણ પ્રવીણતા પ્રાપ્ત કરેલી. પછી કાવ્યપાઠનું અધ્યાપનકાર્ય પણ કરાવેલું. ત્યારબાદ અનેક રજવાડામાં કાવ્યકળાનો પરિચય કરાવવા નીકળેલા. અનેક રાજવીઓએ પ્રલોભન પણ આપેલું પણ લાડુદાન તો મસ્ત અલગારી કવિ, ભાવનગર નજીકના ગઢપુર નિવાસી સહજાનંદ સ્વામીથી દીક્ષિત થયેલા અને પછી ‘શ્રી રંગદાસ' એવું સાધુનામ પ્રાપ્ત થયેલું.' (પૃષ્ઠ-૬)

પ્રાસ્તાવિક અભ્યાસલેખમાં બ્રહ્માનંદ અને સહજાનંદ સ્વામીનો સંપર્ક, સહજાનંદ સ્વામીએ આપેલું નવું નામ બ્રહ્માનંદ તેમની કાવ્યસર્જનકળાનો થતો જતો વિકાસ, બ્રહ્માનંદ સ્વામીમાં રહેલી મંદિરનું નિર્માણ કરવાની શક્તિ, સૂઝ, વહીવટી કુનેહ, તેમની સૌંદર્યદૃષ્ટિ આ બધી બાબતોનો યથોચિત ઉલ્લેખ કરીને ડૉ. બળવંતભાઈએ બ્રહ્માનંદજીનું વ્યક્તિ ચિત્ર સરસ રીતે ઉપસાવ્યું છે. જોઈ શકાય છે, કે કેટલીક બાબતોનો અહીં પ્રથમ વાર જ નિર્દેશ થાય છે. એ રીતે

આ પૂર્વેના બ્રહ્માનંદોના સંપાદનો કરતા આ સંપાદન વિશિષ્ટ બની રહે છે. અભ્યાસલેખમાં પદકવિ બ્રહ્માનંદજીની પદાવલિ, એની ભાષા, એમનું કવિત્વ, સૌરાષ્ટ્રી, વ્રજ, હિન્દી, સિંધી, રાજસ્થાની એમ ઇતર ભારતીય ભાષા પરનું એમનું પ્રભુત્વ, એમનાં પદોની કેવી વિશિષ્ટતા બની રહે છે. તે પણ સરસ રીતે સ્ફુટ કરવામાં આવ્યું છે. સંપ્રદાયની સાધનામાં ઉપયોગી થાય એવા જે ગ્રંથો એમણે લખેલાં છે, એનો પણ અહીં સમાવેશ થયેલો છે. ડૉ. જાનીને બ્રહ્માનંદજીનું સાહિત્ય સર્જન ચતુર્વિધ પ્રકારનું જણાયું છે. (૧) ચરિત્રમૂલક (૨) સિદ્ધાંતમૂલક (૩) તત્ત્વદર્શનમૂલક અને (૪) ઊર્મિમૂલક. તેઓએ એમના આ ચારેય પ્રકારના સાહિત્યનો અહીં પ્રારંભે પરિચય આપેલો છે. તે કેવળ ટૂંકી નોંધ જેવો પરિચય નહીં, પણ એમનાં પદોમાંથી અવતરણો આપતાં આપતાં તેમણે આ ચતુર્વિધ પ્રદાનનો સરસ રીતે પરિચય કરાવ્યો છે. સિદ્ધાંતમૂલક સાહિત્યના પણ ઉપપ્રકારોમાં સુમતિ પ્રકાશ, ધર્મવંશપ્રકાશ, સતીગીતા, શિક્ષાપત્રી

(ગુજરાતી-હિન્દી) સંપ્રદાય પ્રદીપ, વર્તમાન વિવેક, ગોલોકદર્શન, ધર્મસિદ્ધાંત, ધર્મકુલ ધ્યાન, વગેરેને આવરી લેવામાં આવ્યા છે. સંક્ષેપમાં કહીએ તો એમના બધા મહત્ત્વના ગ્રંથોનો લેખના પૂર્વાર્ધમાં વિસ્તારથી પરિચય આપી પછી બ્રહ્માનંદનાં પદોનો પરિચય એમણે આપેલો છે. જેમાં બાળકૃષ્ણલીલાનાં પદો, ગોપીકૃષ્ણ પ્રીતિનાં પદો, રાસલીલામૂલકપદો, રાધા અને કુબ્જામૂલક પદો, સહજાનંદ ભક્તિનાં પદો, તત્ત્વદર્શનમૂલકપદો, બોધ ઉપદેશમૂલકપદો એમ એમના પદ સાહિત્યમાંથી ભાવબોધ પ્રમાણે વિભાગો પાડીને પ્રત્યેક વિભાગનાં પદોનું સુંદર સરસ અને અભ્યાસમૂલક વિવેચન કરેલું છે. સમગ્ર અભ્યાસલેખ કોઈ પણ અભ્યાસીને આ સંપાદનમાં વિહરવા માટેનાં ખુલ્લાં દ્વાર જેવો બની રહે છે. આ અભ્યાસ લેખમાં ડૉ. બળવંતભાઈ જાનીની સંશોધનાત્મક, આલોચનાત્મક તેમજ આસ્વાદ, રસાસ્વાદમૂલક સહૃદયતા વારંવાર પ્રકટ થતી દેખાય છે.

જે ૬૧ પદો પસંદ થયાં છે, તેમાં ‘અધમ ઉદ્ધારણ' જેવું ભેરવરાગનું પદ લેવાયું છે. તો ‘આજની ઘડી’, ‘આ તન રંગ પતંગ’, ‘એક વાત સુણો’, ‘કહોને ઉદ્ધવજી' જેવાં જ્ઞાન ને ભક્તિના પદો અહીં સંપાદિત થયાં છે, તો ‘ઝલંત શ્યામ', ‘કૃષ્ણ સંગાથે’, ‘નટવર કહાં', ‘નારાયણ નામ લઈને’, ‘મોહન વરને બાંધે', ‘સિર સાટે નટવરને વરીએ' જેવાં તેનાં પ્રસિદ્ધ પદો તથા કૃષ્ણલીલાનાં પદો, અષ્ટકો, રાસ અષ્ટક વગેરે યોગ્ય રીતે પસંદ થયાં છે. અહીં જ્ઞાનભક્તિ અને કૃષ્ણલીલાનાં પદો વિપુલ પ્રમાણમાં છે. જેના પરથી શોધક અપાયું છે. તે ‘મે તો સગપણ કીધું રે શામળિયા સાથે' એ સુંદર ગરબીપદ છે. જેમાં ગોપીએ માવજી-મોહન સાથે તન, મન, ધન બધું વારી જઈને, લોકલજ્જા ત્યાગીને, દુર્મતિ દુર્જનોની પરવા કર્યા વિના મતવાલા મોહન સાથે સગપણ કરવાનું આહ્વાન આપેલું છે. ડૉ. બળવંત જાનીએ આ પદને અનુલક્ષીને સંપાદનનું શીર્ષક નક્કી કરવામાં ઔચિત્ય દાખવ્યું છે. બધાં પદોની વરણી વ્યાપક અને સૂક્ષ્મ દૃષ્ટિએ થયેલી હોઈ. આ સંપાદન આપણે ત્યાં અનેક રીતે અનોખું બની રહેશે.

(‘અધીત : ત્રીસ’)