< અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા
અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘જલરવ' વિશે
ડૉ. રાજેન્દ્રકુમાર કે. રોહિત
‘જલરવ' એ વારિજ લુહારનો ગઝલસંગ્રહ છે. જેનું પ્રકાશન પ્રવીણ પ્રકાશન પ્રા. લિ., રાજકોટમાં થયું છે. જેની પ્રથમ આવૃત્તિ ૨૦૨૧ છે. તેમનો પ્રથમ ગઝલસંગ્રહ ૧૯૮૭માં ‘ગોરમ્ભો’ પ્રગટ થયા પછી ચોવીસ વર્ષ પછી એમની પાસેથી બીજો ગઝલસંગ્રહ મળે છે. આ ગઝલસંગ્રહમાં કુલ ૧૦૦ ગઝલોનો સમાવેશ થયો છે. ગોરમ્ભો ૧૯૮૭, જલરવ-૨૦૨૧ આ બે ગઝલસંગ્રહ છે. આ ઉપરાંત ‘આ કે તે’ ગઝલસંગ્રહ, ‘માછલીનું માછલીમાં રૂપાંતર' અછાંદસ કાવ્યસંગ્રહ તથા ‘ધૂળની ઢગલીઓ’ અને ‘મ્હેકતી ખુશ્બુ’ આ તેમના નિબંધસંગ્રહ પ્રકાશ્યમાં છે.
વારિજ લુહારનો જન્મ ૧-૬-૧૯૫૬માં અમરેલી જિલ્લાના ધારી તાલુકાનાં કૂબડા ગામે થયો હતો. એમનું પૂરું નામ વાઘજીભાઈ લાખાભાઈ લુહાર છે. ૧૯૭૫માં કલેક્ટર કચેરી, અમરેલી ખાતે કારકુનના મૌખિક ઇન્ટરવ્યૂ સમયે વાતચીતમાં કહ્યું હતું કે : હું ગઝલ લખું છું ત્યારે તેમણે ગઝલ સંભળાવવા કહ્યું હતું. ત્યારથી તેમનો ગઝલ પરત્વેનો ભાવ તીવ્ર બન્યો. ૧૯૭૫માં બે વર્ષ મહેસૂલ ખાતામાં રાજુલા અને કોડીનારમાં એક વર્ષ નોકરી કરી. ત્યાંથી છટણીનો સમય પસાર કર્યા બાદ તેઓ શિક્ષણ ખાતામાં નિમણૂક પામ્યા હતા. ત્યાંથી તેઓ ૨૦-૫-૧૯૭૮માં અધ્યાપન મંદિર, વડિયામાં જોડાય છે. આટલી જીવનસફરમાં તેમનાં વીસ વર્ષ ખર્ચાઈ જાય છે. ૧૯૮૫માં બે વર્ષ બાબરા ખાતે, ત્યાંથી ધોરાજી ૧૯૮૭-૧૯૯૯ સુધી તેઓ અપ-ડાઉન કરે છે. આમ આ સમયમાં જિવાતી જિંદગીને જીવંત રહેવા મળે છે.
આ સમય દરમિયાન વડિયા ખાતે ‘મન્સૂલ વેલાર'નો ‘શામ-એ-ગઝલ', મુંબઈના સુરેશ જોષીનો ‘સુગમ સંગીત’ અને વડિયા છોડતાં પહેલાં સંત સાહિત્યના મર્મજ્ઞ ‘નિરંજન રાજ્યગુરુ'ના કાર્યક્રમોમાં જવાનું થાય છે. આ રીતે સાહિત્ય અને કળા સાથેનું જોડાણ થતું જાય છે. શ્રી જનક ત્રિવેદી સાથે ‘સરધાસ'ના બે અંક કાઢે છે. નાના અમસ્થા ગામમાં રહીને સાહિત્યિક પ્રવૃત્તિ સાથે સાહિત્યનું સર્જન કરે છે. ત્યાંથી તેઓ રાજકોટ આવીને વસે છે. આ સમય તેમના જીવન માટે અમૂલ્ય હતો.
‘આઝાદ તમન્ના'ના જાન્યુઆરી ૨૦૨૦ના અંકમાં ડૉ. એસ.એસ. રાહી વારીજ લુહારના જીવનકવન વિશે ‘ગઝલના ઉજાસમાં' કૉલમમાં પરિચય આપે છે. આ કવિને ગઝલ સર્જનની ક્ષણો જિવાતી જિંદગીનો અમૂલ્ય, અલૌકિક હિસ્સો હોય એમ લાગે છે. વળી, ગઝલ સર્જનની પ્રક્રિયામાં તેમનો માંહ્યલાને ઢંઢોળે છે. તેમની સર્જનની પળોમાં તેમનો ગમો-અણગમો, સામાજિક નિસ્બત અને સમષ્ટિ સાથે અનુસંધાન રચવા પ્રેરે છે. આવી સર્જન પ્રક્રિયામાં તેઓ પોતાની ઓળખ પણ ભૂલી જાય છે. જેનો અનુભવ એમાંના કાવ્યોમાંથી થાય છે.
વારિજ લુહારને પોતાના ઘરમાંથી પ્રોત્સાહન અને સાહિત્યિક ક્ષેત્રે વિકાસ કરવાની પ્રેરણા બળ મળી રહે છે. જેમ કે તેમની દીકરી દર્શનની નાની નવ વર્ષની દીકરીને ‘અડકો દડકો યાદ હજી’ સાભિનય પઠન કરાવે, નાની બહેન તેમાંથી સવાલો કરે, સિંગાપોર રહેતી દીકરી વિભૂતિની ચૌદ વર્ષની દીકરી અંગ્રેજીમાં કાવ્યો લખે અને સંભળાવે, એનો નાનો ભાઈ આનર્વ ધ્યાનપૂર્વક બધું સાંભળે, પોતાની ગઝલોને તેઓ સમજવા મથે, તેમની કાશ્મીરા દીકરીએ તો આકાશવાણી પર ‘ઢીંગલી પહેરે મેક્સી ને ઢીંગલી પહેરે ફ્રૉક' અને ‘સીમ કરે ટહુકો' રજૂ કરે છે. એમનો દીકરો પણ હિન્દીમાં કાવ્ય રચે છે, તો દીકરાની વહુ પણ સંગીતમાં વિશારદ હોવાથી તેનો લાભ પણ વારિજ લુહારની ગઝલોને પ્રાપ્ત થયો છે. ફેસબુક પર વારિજ લુહારના ગઝલપ્રેમને જીવંત રાખવાનું માધ્યમ બની રહે છે. વારિજ લુહારની ગઝલોને પામતા પહેલાં એમના વિશે થોડુંક જાણવું મહત્ત્વનું બની રહે છે.
વારિજ લુહારની ગઝલો આકાશવાણી રાજકોટ, દૂરદર્શન રાજકોટ, અસ્મિતા પર્વ, જીટીપીએલ-માં રજૂ થઈ છે. એમની ગઝલોનું જીવંત પ્રસારણ થયું છે. તેમની ગઝલોને બ્લોગર પર સ્થાન મળેલું છે, સામયિકોમાં તેમની ગઝલો પ્રગટ થતી રહે છે. કૉલમોમાં તેમની ગઝલો સ્થાન મેળવતી હોય છે. આ માહિતી ગઝલકારની ગઝલોમાં રહેલા સત્ત્વને ઉજાગર કરે છે.
‘જલરવ'ની કેટલીક ગઝલોને આધારે એમની ગઝલકાર તરીકેની પ્રતિભાને જોવાનો પ્રયાસ કરવા કરતાં એમની ગઝલોને આનંદ લઈએ.
‘ખોજ ભીતરમાં’ પોતાની જાતને ઓળખવાની વાત સરસ રીતે પાંચ શેરમાં કરવામાં આવી છે. અહીં ગઝલકારે ગંગૂ તેલીને જોયો નથી પણ વાત ભોજની કરે છે ત્યારે ગઝલકારની ઉચ્ચ વિચારભાવનાનો પરિચય આ ગઝલ કરાવે છે.
‘અજવાસના અર્થો'માં નાયકની એકલતાની વાત કરવામાં આવી છે. મળવા અને ભેટવા બધા માગે છે પણ નાયકને આ લોકોનો જ ભય લાગે છે. અજવાસ શું છે? એની જ જ્યાં જાણ ના હોય ત્યારે અંધારું ઘેરી વળે છે. ઘણું બધું ભરીને બેઠી છે પણ એની પાસે શબ્દો નથી તેનો નાયકને ભાર લાગે છે. અહીં ગઝલકાર ફરક-ગરક, કમક-ચમક, અહક શબ્દ વડે જે કામ લે છે ત્યાં કવિની શક્તિનો પરિચય થાય છે.
‘પણોં ખરે છે’ છ શેરમાં રચાયેલી ગઝલ છે. આમાં જીવનને જીવવાની વાતને સાદી સરળ કાવ્યબાની રજૂ કરી છે. ધારમાં, વહેવારમાં, ઉચ્ચારમાં, તકરારમાં, અખબારમાં શબ્દોનો કરેલો પ્રયોગ ધ્યાન ખેંચે છે. ‘ખાસ થઈ જશે ફરી'માં ગઝલકારે પ્રેમમાં ખૂબ જાણીતા મીરાં, કૃષ્ણ, સુરદાસનો સંદર્ભ લઈને પ્રેમ એટલે શું? એ સમજાવવાનો પ્રયાસ કર્યો છે. ટૂંકમાં કહીએ તો મીથનો પ્રયોગ.
‘મળતો નથી હવે તાળો’ જીવનને જેટલું ઉકેલવાનો પ્રયાસ કરો એટલા જ તમે ગૂંચવાતા જાવ છો આ અનુભવ મોટા ભાગના મનુષ્યોનો છે. આ ગઝલકારને પણ આ પ્રશ્ન થાય છે એટલે જ જીવનના આ મોટા પ્રશ્નને ગઝલમાં ઉતારવાનો પ્રયાસ કરે છે. કવિ બાહ્ય સુંદરતાનો ત્યાગ કરીને આંતરિક સુંદરતા પર સવિશેષ ભાર આપે છે.
‘યત્નો નથી કરવા’ જગતને રાજી રાખવા વ્યક્તિ વહેવારને સાચવવા જીવનભર પ્રયાસ કર્યા કરે છે. જીવનમાં દરેક વ્યક્તિ સાથેના સંબંધને સાચવવા કે શણગારવાની મથામણ એટલે કે ‘થાકી ગયા પછી પણ ઊડવાની વાત’ કહીને જીવનના વાસ્તવને ઉજાગર કરવાનો પ્રયાસ કવિએ કર્યો છે. છતાંય જ્યારે માનવી આ બધામાં નિષ્ફળ જાય ત્યારે અંતે તો માત્ર એક જ આશરો હોય છે જે છે એ પરમ પરમાત્માનો સહારો. જેના પર સઘળું છોડી દો. જ્યારે જે થવાનું હશે ત્યારે થશે. એના પર જીવનને ચાલવા દો.
‘ખબર પડતી નથી’ જગત એ રંગભૂમિ છે. જેમાં પુરુષ નટ અને સ્ત્રી નટી છે. જ્યારે પરમ પરમાત્મા એ એનો દિગ્દર્શક છે. એટલે વિધિ, વિધાન, ભાગ્ય, જગત ઈશ્વરના આધીન છે. ઈશ્વરના નીતિ-નિયમો આગળ કે પ્રારબ્ધ સામે માનવી લાચાર છે. પણ આ જગતના લોકો પણ એકબીજા સાથે જે રમતો રમે છે ત્યારેય અસર તો દરેક વ્યક્તિને થાય છે પણ જ્યારે જેને તમે પોતાના માનો છો એ જ જ્યારે તમારી સાથે પ્રપંચ કે છલ કરે ત્યારે જે આઘાત લાગે છે એ ખૂબ જ દુઃખદાયક હોય છે, જેની વાત આ ગઝલમાં કવિએ કરી છે. ‘તેથી જ ચિંતા થાય છે' માનવીને ચિંતા કોરી ખાય છે, જેનો ઉપાય મળતો નથી. જે ચિંતાનો કોઈ આકાર કે રૂપ નથી. છતાંય આ ચિંતા મનુષ્યને સતત કોરી ખાય છે. કાવ્ય નાયકની આ વેદનાની સાથે ગઝલકાર દેશની ચિંતા તરફ ગતિ કરતાં કહે છે કે દેશની મૂળ સમસ્યા તો ભૂખ્યા લોકો છે. જે જીવનથી જ નહીં મૂળથી જ લાચાર છે. મનુષ્યને જીવંત રહેવા માટેની પ્રાથમિક જરૂરિયાત અન્ન છે. ભૂખ્યા પેટે તો ભજન પણ ન થાય એવી વાત ભજનમાં થઈ છે. પન્નાલાલ તો ‘માનવીની ભવાઈ'માં કહે છે કે : ભીખ કરતાં ભૂખ ભૂંડી. ઉમાશંકર જોશીનું કાવ્ય ‘જઠરાગ્નિ’, સુંદરમનું ‘ત્રણ પાડોશી’, પ્રિયકાંત મણિયારની ‘એ લોકો’ જેવી રચનાનું સ્મરણ થઈ આવે. આજની આ સમસ્યા ગંભીર સમસ્યાને ગઝલકાર પકડે છે. દેશના ગરીબોની ચિંતા પાણીદાર છે. જેના પર ચિંતા ખરેખર થવી જોઈએ. માત્ર ચિંતા જ નહીં એનો ઉકેલ પણ આવવો જોઈએ. દેશની ગંભીર સમસ્યા અને ઉદાત્ત ભાવની હિમાયત આ ગઝલમાં થઈ છે. એનું એક ઉદા. જોઈએ :
‘ભૂખ્યા કે દુખ્યા માણસો મૂડી છે મોટા દેશની,
જે મૂળથી લાચાર છે તેથી જ ચિંતા થાય છે.’ પૃ.ર૦
‘માપસર ઝૂકી ગયા' યુવાનવયમાં યુવાનોને પ્રેમ થતો હોય છે. પ્રથમ દૃષ્ટિએ થયેલા પ્રેમને અભિવ્યક્ત કઈ રીતે કરવો, એને વ્યક્ત કરવાની મથામણ થતી હોય છે અને આ વાત કોઈને કહી શકાતી નથી. ટૂંકમાં ‘ના રહેવાય અને ના સહેવાય' જેવી નાજુક સ્થિતિમાં પ્રેમી પાત્ર હોય છે. એવી કોઈ પરિસ્થિતિ કે સમય મળે જ્યારે પોતાના હૃદયના ભાવોને પોતાની પ્રેયસીને કહી શકે એવો મોકો સતત યુવાન પ્રેમી શોધતો હોય છે પણ આવા મોકા પર પોતાના પ્રેમને અભિવ્યક્ત ન કરી શકે ત્યારની જે પીડા છે એની વાત આ ગઝલમાં છે. આ વાતને ગઝલકારે પ્રયોજેલા પ્રાસ-યોજના ખૂબ મહત્ત્વનું કામ કરે છે. જુઓ : ચૂકી ગયા, ઊઠી ગયા, મૂકી ગયા, ઝૂકી ગયા, ડૂકી ગયા.
‘જાળમાં’ માછીમાર જો માછલીમાં માછલી જુવે, આ તરફનો સૂર્ય ફરી પાછો ઓ તરફ સાંજ જેવી રેશમી આભા ફેરવે, સહેજ આગળ વધવામાં પાછળવાળા પીછો કરે, આપણે તો ઈશ્વરથી ડરીએ, પણ ઈશ્વરને ડર લાગે તો? ગઝલના અંતિમ શેરમાં કવિ હકારાત્મક ભાવ લઈને આવતા કહે છે : જીવવાની ટેવ હોય તો જીવી લેતું જોઈએ. આમ રોજ રોજ મરીને જીવવાથી શું થાય. જીવનને સ્વીકારીને આનંદથી જીવવાની હકારાત્મક ભાવનાને વ્યક્ત કરવામાં આવી છે.
‘ઘાસ ઊભું હોય છે’ – આપણે ઘાસને સામાન્ય ગણીએ છીએ. અહીં ગઝલકાર ઘાસને સામાન્ય ગણવાની ભૂલ કરતા નથી, પણ ઘાસનું નિરીક્ષણ કરીને ઘાસમાં રહેલી શક્તિ અને ઘાસની હકારાત્મક ભાવનાને પકડીને શ્રોતાને સંદેશો પાઠવે છે. જે ઘાસ જંગલના ખૂંખાર વાઘ-સિંહની સામેય અડીખમ ઊભું હોય છે એને કોઈ ભય લાગતો નથી અને એની ઇચ્છા તો જુવો. કોઈ ગાય આવીને મને ખાશે/ચરશે. અહીં ‘ખીલા' પ્રિયકાંત મણિયારનું કાવ્ય અને ‘ઘાસ અને હું' નામક યાદ આવી જાય.
‘ગાય ચરવા આવશે તો તો મજા પડશે ઘણી,
ભીતરે લઈ એક એવી આશ, ઊભું હોય છે.’ પૃ.૨૩
મનુષ્યજાતિ માટેનો મોટો સંદેશો અહીં રહેલો છે.
‘દોડી અને પાછાં આવજો' કોઈ પણ વ્યક્તિ પોતાની મહત્ત્વાકાંક્ષાને પૂર્ણ કરવાના પ્રયાસો કરતા હોય છે. પોતાનાં સ્વપ્નોને સાકાર કરવા વ્યક્તિ ક્યારેક થાકી જાય છે. બની શકે કે વ્યક્તિની ઇચ્છાઓનું સમાધાન થાય અથવા ઇચ્છાઓ પૂર્ણ ન પણ થાય. આવી સ્થિતિમાં મનુષ્ય હિંમત હારવી ન જોઈએ. એવો ઉદાત્ત વિચાર કવિ પાંચ શેરમાં કલાત્મકપણે ગૂંથી લીધો છે.
‘એમ ક્યાંથી ચાલશે' કોઈ પણ વ્યક્તિ પોતાનું મનફાવ્યું ચલાવે ત્યારે સ્વાભાવિકપણે કોઈ પણ વ્યક્તિ એનો સ્વીકાર ન જ કરે. આ ગઝલનો પ્રમુખ સૂર રહ્યો છે. મનફાવ્યું ચલાવે, કૂદવા જેવું નચાવે, ફુગ્ગા જેવી નાવડીમાં છેદ પડાવે - આ બે શેરમાં એક બીજ મૂકીને કવિ ત્રીજા શેરમાં મનુષ્યજીવન પર આવી જાય છે. જે વ્યક્તિ પર વિશ્વાસ મૂક્યો હોય અને તેને વાયદા કર્યા હોય અને એ ભૂલી જાય ત્યારે જે દુઃખનો અનુભવ થાય અથવા તે સમયની પીડા અસહ્ય હોય છે. જેનું સ્થાન પાકું હોય અને એ તેનાં મૂળિયાં તપાસ કરે ત્યારે જે વેદના થાય તેની સરળ કાવ્યબાનીમાં ગઝલકાર કરે છે. જેના પર વિશ્વાસ કર્યો હોય અને એ જ બકરી બની જાય ત્યારે જીવન જીવવાની વાત બાજુ પર રહી એનો આઘાત પણ અસહ્ય હોય છે.
‘એ જ છે ઉકેલ એનો’ આ ગઝલમાં કવિ પ્રિયતમની પ્રિયતમા તરફના અનહદ પ્રેમને વાચા આપે છે. નાયક કહે છે કે - પોતાની પ્રેયસીનો કોઈ પર્યાય ન હોય શકે, શોધવાથી એનો પર્યાય ન મળી શકે. પ્રિયતમાનો પર્યાય પ્રિયતમા જ હોય અન્ય ન હોય. ટૂંકમાં પ્રેમ એક વાર થાય વારંવાર ન થાય. એની વાત અહીં મુકાઈ છે. નાયકનો પ્રેમ કેવો છે તેને દર્શાવવા માટે કવિ પાંચમા શેરમાં આ કહે છે. જુઓ :
‘શેવાળમાં સરકી જતાં જળને કરાવે યાદ કાયમ,
મારી તરસ તું એમ ઠરે એ જ ઉકેલ એનો.' પૃ.૨૬
‘તું જાગી લે તારી ભીતર' પોતાની પ્રેયસીને પોતાના પ્રેમનો સાક્ષાત્કાર કરાવવાનો પ્રયાસ આ ગઝલમાં કવિએ કર્યો છે. પ્રિયતમ અને પ્રિયતમા વચ્ચે કોઈ બનાવ બન્યો હોય અને એકબીજાથી નારાજ હોય ત્યારે મનમાં જે પ્રશ્નો ઊભા થાય છે તેનું સુંદર વર્ણન આ ગઝલમાં થયું છે. જુઓ - તું બોલે તે સાચું હોવ, તો હું બોલું એ ખોટું નથી. તેં આપ્યું પણ મેં ક્યાં આપવામાં બાકી રાખ્યું છે. મૂછો મરડીને મૌન રહ્યો છું, અંધારમાં અજવાળું શોધવાનું હવે છેડી દે, મારી અંદર હું છું ને તારી અંદર શું છે તે શોધી લે. મારું સ્વપ્ન તારું હોય તો તારું સ્વપ્ન અલગ કઈ રીતે હોઈ શકે? આની માર્મિકતાને ગઝલકાર આમ વ્યક્ત કરે છે.
‘શ્વાસે શ્વાસે ઘટતા રહેવું અથવા તો અટકી જાવાનું
સમજણ છેતરવા લાગી છે, જ્ઞાન હજી પણ બહોળું ક્યાં છે?’ પૃ. ર૭.
‘નથી હું મને સમજ્યો’- પાંચ શેરમાં રચાયેલી આ રચના છે. નાયિકાને પામી ન શક્યાની વેદના આ ગઝલમાં વ્યક્ત થઈ છે. અથવા તો નાયિકાને પોતાના પ્રેમની વાત ન કરી શક્યાનું દુઃખ અહીં જોવા મળે છે. આમાં જે કાફિયા છે એ ખૂબ ધ્યાન ખેંચે છે. લલકારવું, પસવારવું, શણગારવું, સમજાવવું અને અવતારવું. રદીફ-અટકી જવું.
‘જાણી શકાયું ક્યાં કદી’ કોઈ કારણસર પોતાની પ્રિયતમા છોડીને ચાલી ગઈ. કેમ? શાથી? એ પ્રશ્નો નાયક સામે છે. જેના જવાબો નાયક પાસે નથી. વિચ્છેદ પ્રેમપીડા અહીં છે. વ્યક્તિના જીવનમાંથી પ્રિય પાત્ર છોડીને જતું રહે એ વેદના પેલા ‘સારસી’ (‘મારા ખેતરના શેઢેથી ઊડી ગઈ ત્યાં સારસી’- રાવજી પટેલ) ના જેવી જ હોય. આ વેદનાને ગઝલકાર નીચેના શેરમાં આ રીતે મૂકી આપે છે -
‘ભૂખ્યા રહેતા પેટને પ્રશ્નો તો એના એ જ છે,
ચૂલો ઠર્યો કે તાવડી, જાણી શકાયું ક્યાં કદી?’ પૃ.૨૯
‘જાણી શકાયું ના કશું’ જીવનના રહસ્યને જાણી ન શક્યાંની વેદના આ ગઝલમાં છે. બીજ કે ભારણ, દર્દ કે દ્રાવણ, વસ્ત્ર કે વાસણ, કોણ જીત્યું અને કોણ હાર્યું રામ કે રાવણ, ધર્મ કે ધારણ- નાયકની આ અસમંજસ સ્થિતિ વડે જીવનના રહસ્યને તાગવાનો પ્રયાસ ગઝલકારે કર્યો છે. અહીં પ્રયોજાયેલા કાફિયા દ્રાવણ, વાસણ, રાવણ, ધારણ અને તારણમાં ગઝલકારનો સારો ભાવ ઝિલાયેલો જોવા મળે છે.
‘કરતાલ જેવું કૈં નથી' સમયની સાથે બધું બદલાતું હોય છે પણ અહીં તો કાવ્યનાયકને એવો અહેસાસ થાય છે કે કશું બદલાયું જ નથી. બધું જ ગઈકાલના જેવું જ છે. નાયક હજી એનો એ જ છે. પોતાની નવી કોઈ ઓળખાણ ઊભી કરી શક્યો નથી. આ જ નાયકને લોકો છેતરી ગયા હોવા છતાંય આજે ય છેતરી જાય છે. ખેલને સમજવાનો પ્રયાસ નાયકનો છે. પોતાના ભાગ્યમાં કોઈ રૂમાલ આંસુ લૂછવા નથી-નો વસવસો અહીં જોવા મળે છે. અહીં નાયકના જીવનની એકલતા સાથે માણસો પોતાને છેતરી જાય છે એનું દુઃખ ગઝલકારે વ્યક્ત કર્યું છે. છેલ્લા મત્લામાં આમ કહે છે - નાયક નરસિંહ મહેતાની જેમ ભક્તિમાં તર / રસબોળ થવા માગે છે પણ નાયકના હાથમાં તો કરતાલ નહીં મદિરાનો પ્યાલો છે.
‘નામ લઈ નરસિંહનું રસબોળ થાવા જાઉં છું.
હાથમાં પ્યાલી જ છે કરતાલ જેવું કૈં નથી.’ પૃ.૩૧
‘આંખમાં દૃશ્યો અધૂરાં' આ ગઝલમાં નાયક પોતાની જાતને ઓળખવાનો પ્રયાસ કરે છે. પોતાના સ્વને પામવાની મથામણ અહીં જોવા મળે છે. નાયકનાં પોતાનાં સ્વપ્નો છે. આ સ્વપ્નોનું આવનજાવન થાય છે. પણ સત્ય/સચ્ચા બનતા નથી. જેનો ભાર નાયકને કોરી ખાય છે. પરિણામે નાયકની વેદનાને ગઝલકાર ગઝલના મત્લામાં આમ વ્યક્ત કરે છે -
‘શ્વાસ સામે ઝૂઝવું કે જીવના પડખે થવું?
ના કશું સમજાય ને હું ચિત્તને ઘૂર્યાં કરું.' પૃ.૩૨
‘શક્યતા શોધી જુવો' - વ્યક્તિની સામે અનેક શક્યતાઓ હોય છે અને એ શક્યતાને પહોંચી વળવાના ભરપૂર પ્રયાસો કરે છે. પણ શક્યતાઓ અને વાસ્તવ વચ્ચે મોટી ખાણ રહેલી છે. જેનો ભાર કોઈ પણ વ્યક્તિને થાય એ સ્વાભાવિક છે. છતાંય વ્યક્તિ એ શક્યતાઓ તરફ દોડ લગાવતી હોય છે એની વાત પાંચ શેરમાં કવિએ કરી છે.
‘ટોચ પરથી દૃશ્ય’ ચોક્કસ ઊંચાઈ પર જોઈએ એટલે કે ચોક્કસ સમય વીતી ગયા પછી એક નજર નાયક પોતાના ભૂતકાળ પર નાખે ત્યારે જે વાસ્તવ/સચ્ચાઈ સામે આવે એનું આલેખન કરીને કવિ કેટલાક નહીં મોટા ભાગની વ્યક્તિની પીડાને વ્યક્ત કરે છે. ઊંચાઈ પરથી ખીણ પર નજર નાખો તો સ્પષ્ટ કશું દેખાય નહીં, વિચારીએ તો ઘણું બધું લીધું પણ ભાગ્યમાં એ બધું ક્યાં છે? તાકાત બતાવવા વજ્ર જેવી છાતી આપી પણ મીણનું પૂતળું એક પણ ન મળ્યું. દરેકને આપેલા કોલ-વચન પૂરાં કર્યાં પણ હાથમાં શું આવ્યું?-નું દુ:ખ આ નાયકને કોરી ખાય છે. હાથમાંથી રેતી સરે એમ બધું સરી ગયાનો થડક અહીં જોવા મળે છે.
‘એટલે તો પ્રશ્ન છે’ કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાના નિકટના સ્વજન કે પ્રિય પાત્રથી છેતરાય ત્યારે જે વેદના ઊભી થાય તેની વાત આ ગઝલમાં કરવામાં આવી છે. માણસની પાસે જીવન છે પણ એ જીવવા કરતાં મરી મરીને જીવે છે, અધૂરી પ્રાર્થના લઈને ફરે છે, કાંગરો ઊભો છે, મહેલ ચણે છે, ભગવાનનાં ચરણ પકડીને પ્રાર્થના કરી પણ ભગવાન તો પોતાનું ધાર્યું કરે છે. આ એ જ દુનિયા છે અને એ જ લોકો છે જે વિશ્વાસ આપે છે અને વિશ્વાસ-ભરોસો તોડે છે. ‘એટલે તો પ્રશ્ન છે'માં કાવ્યનો ભાવ ગૂંથાઈને આવે છે. અહીં ભગવાન અને ભગવાને બનાવેલા માનવીને બારોબાર પકડીને નાયકની સંવેદનને વાચા આપે છે. જુઓ : ગઝલના મત્લામાં
‘આ એ જ દુનિયા અને લોકો ય એના એ જ છે,
આપી ભરોસો છેતરે છે એટલે તો પ્રશ્ન છે.’ પૃ.૩૫
‘એ રીત કૈં સારી નથી' કોઈ પ્રિય પાત્ર આમ જ જીવનમાંથી કાઢી મૂકે ત્યારે કોઈ પણ પ્રિયતમને મોટો આઘાત લાગે જ. એની વેદના તો મીરાંની ભાષામાં કહીએ તો ‘ઘાયલ કી ગત ઘાયલ જાણે' અહીં પણ નાયકને લાગે છે કે કોઈ વ્યક્તિ નખમાંથી મેલ કાઢે એમ મૂળમાંથી કાપી નાખે, પ્રશ્નોના ઉત્તર ન આપે - આ બધું સારું નથી… કોઈક તો કારણ આપવું જોઈએ. પણ નાયિકા કોઈ જવાબ આપતી નથી. પ્રેમ કેટલો કરે છે એ કઈ રીતે જોશો, વરસાદમાં ભીનાં થયેલાં કપડાંમાં વરસાદ ન શોધી શકાય. અહીં પ્રેમનો આત્મસાત થાય, પ્રેમની અભિવ્યક્તિ ન થાયની વાત ગઝલકારે કરી છે. આને આમ સંબંધને તોડી ન નખાય. નાયકની વેદના તો ત્યારે દાદ માગે છે. જ્યારે પોતાનો કોઈ પ્રિયજન પોતાનાં આંસુ લૂછનાર હોય. આ નાયકનાં જીવનમાં એવી વ્યક્તિનો અભાવ અહીં વ્યક્ત થાય છે.
‘એટલું નક્કી જ છે’ - કોઈ પણ વ્યક્તિએ પોતાની તાકાત-વિશ્વાસ પર જ પોતાની દોડ લગાવવી જોઈએ. જો કોઈ વ્યક્તિ પોતાની મર્યાદા ચૂકી જાય ત્યારે એને સફળતા નહીં ભારોભાર નિષ્ફળતા જ પ્રાપ્ત થાય છે. જેની વાત આ ગઝલમાં મૂકવામાં આવી છે. એને સમજાવવા માટે કવિ ઊંડાણ જોઈને જ પાણીમાં ઊતરવું જોઈએ, ઇચ્છાના ઘોડા પર ચઢવું ન જોઈએ. અઘરી રમત ન રમવી જોઈએ. નક્કી કશું જ ન હોય ત્યારે નક્કી કશું જ ન કરવું અને જો આપની પ્રાર્થના ત્યાં પહોંચી શકતી ન હોય તો ધ્યાન જ ન આપવું. અહીં ગઝલકાર ‘એટલું નક્કી જ છે’ રદીફનો ઉચિત પ્રયોગ ધ્યાન ખેંચે છે. અહીં બે અર્થ થઈ શકે. એક પ્રણય અને પરમાત્મા. ટૂંકમાં ઇશ્કે હકીકી અને ઇશ્કે મિજાજી.
‘પિયરની યાદો…બચપણથી લઈને…’ ભારતીય નારી જ્યારે લગ્ન કરીને સાસરે જાય છે ત્યારે એનું પોતાનું પિયર યાદ આવે જ. જ્યાં એનો જન્મ અને ઉછેર થયો છે. એ ધરા સાથે સુખદુ:ખના અનેક પ્રસંગો એના સ્મૃતિપટ પર છવાયેલ હોય એ સ્વાભાવિક છે. જેની ઊણપ પરિણીત સ્ત્રી અનુભવે જ. આ નાજુક ભાવો લઈને ગઝલકાર ગઝલ દ્વારા સ્ત્રીની ખાલીપાની વાત કરે છે. સાદી-સરળ કાવ્યબાનીમાં મોટી વાતને ગઝલકાર છ શેરમાં વ્યક્ત કરે છે ત્યારે આ રચના ધ્યાન ખેંચે છે.
‘આખેઆખું ગામ પરાયું,
ફાટ્યો કમખો યાદ હજી છે.' પૃ.૩૮
‘સમજણ બધી છૂટી અને માણસની મથામણને અંતે જ્યારે નિષ્ફળતા મળે અર્થાત્ સત્યનું જ્ઞાન થાય અને પોતે રચેલાં સ્વપ્નો તૂટી જાય તેની વેદના અહીં રજૂ કરવામાં આવી છે. ધ્યાની કે જ્ઞાની થવા મથતા રહેતા નાયકને સમજાય છે ત્યારે એની સમજણ છૂટી જાય છે અને સત્યનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. કલ્પનાના ઘોડા પરથી જ્યારે વાસ્તવની જમીન પર માનવી પટકાય ત્યારે વાસ્તવનું દર્શન થાય એ સમયે જે સત્ય છે એ એની સામે ઊભું હોય છે.
‘ધ્યાની થવા, શાની થવા મથતો રહ્યો સદા,
સમજણ બધી છૂટી અને ઉત્તર મળી ગયો.’
‘મળશે ખરેલ એક-બે પીંછાં’ જીવનમાં હજુ કશુંક છે મારી પાસે - એટલે કે કાવ્યનાયકનો આશાવાદ અહીં અભિવ્યક્ત થયો છે. પોતાની જાત પરનો વિશ્વાસ હજી અકબંધ છે તેની પ્રતીતિ નાયકને છે. મનુષ્ય જન્મની સાથે જ મૃત્યુ પણ લઈને આવે છે. જ્યારે મૃત્યુ આવે છે ત્યારે કોઈ દાવા-દલીલ ચાલતી નથી. અહીં કુદરતના નિયમની જિકર કવિએ કરી છે.
‘છેવટે થાકી જવાયું' એકલતા, ખાલીપો અને નિષ્ફળતાના ભાવને અભિવ્યક્ત કરતી આ રચનામાં કવિ હારીને જીતી ગયા પણ આકાશ ચોખ્ખું દોર્યું હતું ત્યાં ‘ધુમ્મસ' આવી જવાથી જીવનમાં જે પ્રશ્ન ઊભો થાય છે એ જીવન માટે અઘરો અને મુશ્કેલભર્યો છે. નાયકે ગીત ગાવું છે પણ ગળું સાથ નથી આપતું. ખૂબ દોડધામ પોતાના અસ્તિત્વ માટે કરે છે પણ આ કાવ્યનો નાયક પોતાનું સ્થાન શોધી શક્યો નથી. વેદના કે પીડા નાયકની છે.
‘રસ્તો નથી મળતો હજી'માં નાયકનો નાયિકા તરફનો અનહદ પ્રેમ છે. પણ નાયિકા તરફથી મળેલો પ્રતિભાવ નકારાત્મક હોવાથી દુ:ખી છે. આ પ્રિયતમની વેદના છે. કોઈ પણ પ્રિયતમા ચપટી વગાડીને દૂર કરી નાખે પછી પોતાના તરફ આંગળી ચીંધે ત્યારે જે પીડાનો અનુભવ નાયક કરે એ સંવેદનાને અહીં વ્યક્ત કરવામાં આવી છે. નાયક વિચારે છે કે જેને સ્વપ્નમાંય સંગ કરવા ઇચ્છતા નથી અને એ જ આખી રાત જગાડે, ગવાહી આપી હોય અને રસ્તા વચ્ચે રોકી લે, જે બીજ નાયકે વાવ્યું હતું એ જ મને એક એક પાંદડે પીધો હતો. આ નાયકને પોતાની પ્રેયસી પરનો ભરોસો તૂટ્યા પછી પોતાની જાતને ડુબાડી દે છે. નાયકની સંવેદના તો ત્યારે ભારરૂપ ધારણ કરે છે જ્યારે નાયકને પોતાની પ્રિયતમાની હથેળીમાં વિશ્વ દેખાય છે એટલે કે નાયકનું જીવન જ એની પ્રિયતમા છે. પણ એનામાં નાયક નથી. આ વેદના નાયક માટે અસહ્ય બની જાય છે.
‘તારી હથેળી જેવડા આ વિશ્વમાં
રસ્તો નથી મળતો હજી સીધો મને.' પૃ.૪૨
‘છે મૌન છાતી સોંસરું' - એકલતા માનવીને કેવી કોરી ખાય છે. આ વિષય લઈને કવિએ સરસ ગઝલ આપી છે.
‘થાકી ગયેલા કંઠમાં ગીતો કદી ક્યાં ખૂટતા?
છે મૌન છાતી સોંસરું ને પીંજરામાં કંઈ નહીં.' પૃ.૪૩
‘કૈંક તો કારણ હશે' પ્રેમ થયા પછીની વાત અહીં કવિ કાવ્યવિષય બનાવે છે. પ્રથમ પ્રેમ થયા પછી જે નાયકને અનુભૂતિ થાય છે જેની વાચા કવિ આપે છે. પ્રેમ બધું સકારણ નથી હોતું. બસ આમ જ બધું બને છે અને એમાં જ નાયક ઢગલો બની જાય છે.
‘ફૂલોનું ફરકે અંગ એનું કૈંક તો કારણ હશે!
ખૂશ્બો કરી લે વ્યંગ એનું કૈંક તો કારણ હશે!’ પૃ.૪૪
‘માર્ગ શોધું છું’ જીવનનો માર્ગ અને પ્રણયનો માર્ગ આ બંને વિષયને કવિ કેન્દ્રમાં રાખીને ગઝલ આપે છે. ન જીવનમાં કોઈ કે ના પ્રણયમાં ચોક્કસ મુકામે પહોંચી ન શક્યાની પીડા કેન્દ્રમાં છે.
હું એકલો મારી જ રીતે માર્ગ શોધું છું,
પોતીકી પડતાળે મને ભૂલો પડાવ્યો છે. પૃ.૪૫
‘પોતે જ પોતાના વતી’ આ ગઝલમાં કવિ એકલતાની પીડાને આલેખે છે. પોતે જ પડકાર ફેંકવાનો અને પોતે જ પડકાર ઝીલવાનો, પોતે જ હુંકાર ભરવાનો, અસવાર જેવું કૈં ન હોય અથવા ભ્રમમાં જ રાચવાનું, ઓળખ વિના આવતા હોય અને પારખી ન શકતા હોય-અણસારથી માનવાનો, આ બધી માયા તો પળવારમાં પરખાય જાય અને તેને ઝીલવાના. જે ક્યારેય એક વિચારે ભેગા થયા નથી એક એક વાતે અળગા થવાનું હોય, માત્ર બસ ભણકારમાં જ જીવવાનું. આ પીડા નાયકને કોતરી ખાય છે.
'ભેટો થયો કે ભાસ' પરમ પરમાત્માની પ્રાપ્તિની એષણા આ ગઝલમાં કરવામાં આવી છે. સાહેબ એટલે કે પરમાત્મા. કોઈ પણ ભક્તને ઈશ્વરનાં દર્શન કરવાની ખેવના હોય જ અને એ એની તલપ હોય, આ સ્વાભાવિક છે. એટલે જ આ નાયક કહે છે કે સાહેબ, મેં તમને ક્યાંય જોયા નથી છતાંય એમનો હુકમ માન્યો છે. એમનો ભેટો થયો કે આભાસ કંઈ સમજાયું નહીં. એમનાં ઝળહળ નિવાસો જોયાં છે પણ એમને ક્યારેય જોયાં નથી. ઈશ્વરનાં દર્શન થયાં નથી છતાં ક્યારેય મેં જીવ બાળ્યો નથી. મેં વ્હેણનું પાણી પીધું છે પણ ધસમસતા ધોધ ખાળ્યો નથી. આ નાયકની સંવેદના છે પણ ગઝલના અંતે મત્લામાં ભાવને પરાકાષ્ઠાએ લઈ જાય છે. જુઓ-
ખેતર વચ્ચાળે ખોરડું ઘેઘૂર વડલાઓ છતાં,
પળવાર ક્યાંયે ઢોલિયો ઢાળ્યો નથી સાહેબજી, પૃ.૪૭
‘તેજનો તણખો બની’ આ ગઝલમાં કાવ્યનાયક બધું ભોગવે છે તેની પીડા છે. આપણે જ સૂરજ બનવાનું, આપણે જ ઝૂમવાનું, સાપનો મહિમા કાંચળી ભોગવે, માર્ગ તો ભેગા જ થઈ આપણે તો કેડી બની જવાનું, સાત સાગર ભલે ભેગા થાય આપણે તો નદીનું રૂપ લઈને ડૂબી જવાનું. ભલેને ચારેબાજુ ધુમ્મસ હોય આપણે તો પવન પાંખો પહેરી ઓગળી જવાનું, માત્ર તેજ તણખો બનીને ઊડી જવાનું. અહીં ગઝલકાર વિશેષ કોઈ ખેવના રાખવાની નહીં, આપણે ભાગે જે આવ્યું છે કરી જવાની વાત કરે છે. આપના નસીબમાં જે હોય એનો જ સ્વીકાર કરીને જે નથી એનો વસવસો કરવાથી દૂર રહેવાની હિમાયત આ ગઝલમાં અભિવ્યક્ત થઈ છે.
નાયકની વેદનાને ગઝલકાર આ શેરમાં વ્યક્ત કરે છે –
‘સાત સાગર સામટા સામા મળે તો થાય શું?
લઈ નદીનું રૂપ બસ ડૂબી જવાનું આપણે.’ પૃ.૪૮
'વહેતી વાંસળી જેવું' છ શેરમાં રચાયેલી આ ગઝલરચનામાં કૈંક ભીનું હૃદયમાં હશે એ વિષય છે. અહીં નાયિકના સાંનિધ્યમાં વિતાવેલી ક્ષણ સાહ્યબી જેવી લાગી હશે, ભલે પણ સુકાય એની ભીનાશ હશે એની ડાળખીનાં વસ્ત્રો રાધાનાં હતાં. ત્યાં કોઈ વાંસળી જેવું હશે. જ્યારે તારા હોઠ પર નામ શ્યામનું આવ્યું હશે. ત્યારે તારું એ મૌન પાલખીના જેવું થયું હશે. ફૂલ અને સુગંધ પણ હતી. પછી કાંચળી જેવું હશે. જે જીવી લીધું છે તે પછી કામળી જેવું હશે. અહીં ગઝલકાર નાયિકાની ઉપસ્થિતિ નથી એ દરમિયાન નાયક માટે અસહ્ય છે છતાંય એ જે અનુભવે છે એ ખૂબ અસરકારક રીતે વ્યક્ત કરે છે. રાધા અને કૃષ્ણનાં નામ લઈને પ્રેમનાં એ રૂપ દર્શાવીને રાધાની કૃષ્ણ વિનાની રાધા એટલે કે એકલતાની વાત કરે છે. મીથનો સરસ પ્રયોગ થયો હોય એવું મને લાગે છે. આ ગઝલમાં એક એક શેર એકબીજામાં જોડાઈને ગઝલના કેન્દ્રમાં રહેલ ભાવને સરસ રીતે ઉપસાવી આપે છે.
વારિજ લુહારની મોટા ભાગની ગઝલ રચનાઓ પાંચ શેરમાં જ સર્જાઈ છે. અમુક ગઝલરચનાઓ છ શેરમાં રજૂ થઈ છે. અહીં કવિકર્મ ધ્યાન ખેંચે છે. કવિને જે વિષય અભિપ્રેત છે એ ભાવસંવેદનને બરાબર સમજે છે અને પછી એ ભાવ સંવેદનને વ્યક્ત કરવા માટે એવા જ પ્રકારની શબ્દાવલિનો ગઝલમાં ઉપયોગ કરે છે. જે કવિના વિષય નહીં પણ ગઝલના વિષયને પૂર્ણપણે ઉપસાવી આપે છે. ગઝલની વિષયવસ્તુ પણ ધ્યાન ખેંચે છે. ગઝલ હોય ત્યાં પ્રેમ-વિરહ, પીડા, દર્દ જેવા વિષય તો હોય જ પણ માણસ આખરે પોતાની જ ખોજ કે પછી પરમ તત્ત્વને શરણે જાય છે એવા વિષયની સાથે ગરીબ વર્ગની વેદના પણ ગઝલમાં લઈ આવે છે.
ગઝલમાં નિરૂપાયેલા રદીફ : ‘જાણી શકાયું ના કશું', ‘કરતાલ જેવું કૈં નથી’, ‘લાગ્યું તને?’, 'એ રીત કૈં સારી નથી’, ‘એટલું નક્કી જ છે', 'યાદ હજી છે'. ‘ઉત્તર મળી ગયો’, ‘પિંજરામાં કૈં નથી’, ‘કૈંક તો કારણ હશે', ‘માર્ગ શોધું છું’, ‘મને ભૂલો પડાવ્યો છે’, ‘હું ઝીલ્યા કરું’, ‘નથી સાહેબજી', 'જવાનું આપણે’, ‘જેવું હશે’.
ગઝલમાં નિરૂપાયેલા કાફિયા : દ્રાવણ, વાસણ, રાવણ, ધારણ અને તારણ, ઝૂર્યા કરું, પૂછ્યા કરું, પૂર્યા કરું. ચૂસ્યા કરું, તૂટ્યા કરું/ ટાલ, પડતાલ, ચાલ, રૂમાલ, કરતાલ/ શોધી જુઓ, ઓઢી જુઓ, બોલી જુઓ, નોંધી જીઓ, દોડી જુઓ, રોકી જુઓ/કાઢવો, કાપવો, આપવો, ધારવો, નાખવો, માગવો/તરવું, પડવું, ચડવું, રમવું, કરવું, ધરવું/દડકો, કરચો, છડકો, લટકો, મચકો, કમખો, સડકો/ આવશે, લાગશે, શોધશે, ચાલો/છવાયું, ગવાયું, થવાયું, અવાયું/કીધો મને, ચીંધી મને, દીધો મને, પીધો મને, સીધો મને/પરસાળે, અજવાસે, વરમાળે, વચગાળે/ ડચકાર/અણસાર, પળવાર, ભણકાર/ભાળ્યો, ટાળ્યો, ગાળ્યો, બાળ્યો, ઢાળ્યો/ઊગી, ઝૂમી, ધ્રૂજી, છૂટી, ડૂબી/ડાળખી, સાહ્યબી, વાદળી, વાંસળી, પાલખી, કાંચળી, કામળી આ યાદીને હજી પણ લંબાવી શકાય.
❖
(‘અધીત : પિસ્તાળીસ')