અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘પરબીડિયામાં હવા મોકલી છે…’

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪૮. ‘પરબીડિયામાં હવા મોકલી છે...'
ગઝલસંગ્રહમાં વ્યક્ત થતું મા-બાપનું સંવેદન

પીયૂષ ચાવડા

કવિશ્રી જિતેન્દ્ર પ્રજાપતિ પાસેથી આપણને ‘હું હવે કાગળ ઉપર' (૨૦૧૪) અને ‘પરબીડિયામાં હવા મોકલી છે’ (૨૦૧૬) ગઝલસંગ્રહ પ્રાપ્ત થાય છે. એક નાની એવી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા આ સર્જકની સર્જનક્ષમતા ખૂબ ઊંચી છે. આ સર્જક સતત અભાવ વચ્ચે જીવ્યા છે. એમની કૃતિમાંથી આપણને ઘણાં બધાં સંવેદનો પ્રાપ્ત થાય છે, પરંતુ આપણે અહીં એમની કૃતિમાં વ્યક્ત થતું મા-બાપનું સંવેદન તપાસવાનો ઉપક્રમ સેવ્યો છે. મા-બાપ એ ઈશ્વરનો અવતાર છે. જેને તેમનું સાન્નિધ્ય લાંબો સમય ભોગવવા નહિ મળ્યું એ જ એની પીડા વર્ણવી શકે છે. આ સર્જકને એ કક્ષામાં મૂકી શકાય. પ્રસ્તુત સંગ્રહના નિવેદનમાં સર્જક નોંધે છે, ‘મારી કવિતામાં માતા- પિતાની હાજરીમાં વરસેલા ધોધમાર અજવાળાની પળો છે તો એમના અભાવથી ખડકાયેલા અંધારની પળો પણ છે… પ્રસ્તુત સંગ્રહની શરૂઆત જ કેવા સુંદર મુક્તકથી થાય છે!

‘અડીખમ થઈને જીવન જીવતા જોયા પિતા,
પરિસ્થિતિ કને ક્યારેય ના રોયા પિતા,
સહી દુ:ખની પળોને કાયમી હસતા મુખે,
કરુણતા છે, ખુશી આવી અને ખોયા પિતા.’

આખી જિંદગી દુઃખમાં પસાર થઈ હોય અને સુખની ક્ષણ બસ આવી જ હોય અને પોતાના સ્વજનને ગુમાવવાની કારમી પીડા અહીં હૃદયદ્રાવક રીતે વ્યક્ત કરવામાં સર્જક સફળ થયા છે. મા-બાપનો સંદર્ભ સર્જક જુદી જુદી રીતે આપણી સામે રજૂ કરે છે. ક્યારેક તીવ્ર સ્મરણરૂપે, તો ક્યારેક લાચારીરૂપે, તો ક્યારેક અભાવરૂપે એમ જુદીજુદી ભાવસપાટીએ મા-બાપનું સંવેદન આપણને સ્પર્શી જાય છે. 'મા' સર્જકને સતત યાદ આવે છે. પૃ. ૪ પરની ‘..અને મા યાદ આવી' આખી ગઝલ અદ્ભુત છે. મા ક્યારે ક્યારે યાદ આવે છે તે વિવિધ પ્રસંગો આ ગઝલમાં અંકિત કરવામાં આવ્યા છે. હૃદયને ઠોકર વાગવી. વિકટ અવસર લાવવા, વતનના ઘરમાં જવું, વગેરે સંદર્ભમાં સર્જકને મા યાદ આવે છે. બહેનને સાસરે વળાવવાના પ્રસંગમાં સર્જકને ‘મા'ની વિશેષ ખોટ સાલે છે.

‘પ્રસંગોપાત્ત સંભારતી રહી એની છવિ કાયમ;
વળાવી બહેન પીયુ ઘર અને મા યાદ આવી!’ (પૃ. ૪)

આવી જ રીતે પૃ. ૨૮ પરની ‘મા’ શીર્ષક અને રદીફવાળી ગઝલમાં સર્જક કૈંક આવું બયાન કરે છે - નસેનસમાં વાવાયેલી મા ક્યારેય ભુલાતી જ નથી. મા પોતાનાં સુખદુઃખનો પણ વિચાર કરતી નથી. આપણે પરિસ્થિતિનું બહાનું કાઢીએ છીએ, પરંતુ મા બધે સરળતાથી ગોઠવાઈ જાય છે. આપણે જ્યારે મુશ્કેલીમાં મુકાઈ જઈએ છીએ ત્યારે મા અચૂક યાદ આવે છે. આ ગઝલના છેલ્લા શેરમાં તો માને સર્જક પ્રભુથી પણ સવાઈ બતાવે છે

‘પ્રભુ હોવા વિશે શંકા નથી સ્હેજેય;
મને લાગી પ્રભુથી પણ સવાઈ મા!’

સર્જકને દેવલોક પામેલી મા સતત યાદ આવ્યા કરે છે. માની યાદ સતત પીડા આપે છે. કારણ કે મા સદેહે તેમની વચ્ચે નથી, પરંતુ માનાં દર્શન સપનાંમાં થતાં એક ટાઢકની અનુભૂતિ સર્જક કરે છે. તેનું બયાન આ રીતે થયું છે -

‘મા આજે સપનામાં આવી.
આંખોમાં શી ટાઢક થઈ ગઈ.’ (પૃ. 52)

માનું સ્મરણ સર્જકને પારાવાર પીડા આપે છે. કાશ મા તેમની વચ્ચે હોત... આંખના વાદળા શબ્દપ્રયોગ દ્વારા રૂપક અલંકાર પ્રયોજી પોતાની પીડા સર્જક અસરકારક રીતે આમ આલેખી શક્યા છે –

‘યાદ આવી મા મને આજે ફરી,
વાદળાં બે આંખનાં વરસી ગયાં.’ (પૃ. ૫૭)

બીજા એક શેરમાં ‘આંખોનું રણ’ એવા સંદર્ભ સાથે રૂપક અલંકાર યોજી સર્જકે માના સ્મરણ સંદર્ભે સુંદર દૃશ્ય-સ્પર્શ્ય કલ્પન પ્રયોજ્યું છે. ‘અમને’ શબ્દપ્રયોગ પ્રયોજી પોતાના ભાઈભાંડુની વાત પણ સરસ રીતે વણી લે છે -

‘અચાનક અમને મા ફરીથી યાદ આવી છે,
અચાનક આજ બે આંખનું રણ પલળી ગયું પાછું.’

માનું સ્મરણ વારતહેવારે સતાવતું રહ્યું છે. સ્મરણની સાથે માનો અભાવ પણ કેટલાક શે’રોમાં ઊડીને આંખે વળગે છે. માવતર વગરનું જીવન જીવવું ખૂબ જ અઘરું છે. માવતરની છત્રછાયા વગરનું જીવન જાણે ઈશ્વર વગરનું જીવન છે. આ વાત પ્રસ્તુત શેરમાં સુંદર રીતે રજૂઆત પામી છે -

‘નિહાળી છે અમે એ પળ અહીં ઈશ્વર વગરની રાત,
પડીતી જિંદગીમાં જ્યાં કદી માવતર વગરની રાત.’ (પૃ. ૧૦)

‘મા' શબ્દ જ એવો છે જે બોલતાંની સાથે આયખું ભર્યું ભર્યું થઈ જાય છે. માને જેટલી પોતાના સંતાનની ચિંતા હોય છે તેટલી ચિંતા જગતમાં બીજાને કોઈની નહિ હોય, પરંતુ સર્જકની મા તો દેવલોક પામી છે માટે તેની ચિંતા કરવાવાળું કોઈ નથી. ઝખમ પંપાળવા માટે મા નહિ આવે એ સંદર્ભનો શેર નોંધવા જેવો છે-

‘મા નથી રહી દોસ્ત, જાતે બાંધ પાટો,
કોઈ નહીં સમજે ઝખમ પંપાળવામાં!’

સર્જક પાસે મા નથી તો જિંદગીના રસ્તા ખૂબ કપરા લાગે છે એ ભાવ સંદર્ભવાળો આ શેર ચોટદાર છે -

‘જિંદગી ચાલતી'તી એ રસ્તા નથી,
આજ મારી પાસે મારી મા નથી.’ (પૃ. ૧૫)

પોતાની સ્વપીડામાંથી બહાર નીકળી આ સર્જકની પીડા પરકાયામાં પ્રવેશ કરતી દેખાય છે. જે વૃદ્ધ પિતા માટે પોતાના જ ઘરમાં જગ્યા નથી અર્થાત્ તેમનાં સંતાન તેમને સાચવતાં નથી એ સંદર્ભનો શેર સીધો હૃદયના મર્મસ્થાનને ભેદે છે. વૃદ્ધ બાપની પીડાને સર્જક આ રીતે આલેખે છે -

‘શું થશે લાચાર ઘરડા બાપનું?
બાપ પાસે જે ઘરે જગ્યા નથી.' (પૃ. ૧૫)

માવતરનું સ્મરણ અને તેમાંથી ઊભો થતા વિષાદના આલેખનની સાથેસાથે મા-બાપે સંતાનની ખુશી માટે કેવું કેવું અને કેટકેટલું વેઠવું પડે છે તેની વાત પણ થોડા શેરોમાં કરી છે. પોતાના સંતાનને ભણાવવા અભાવગ્રસ્ત પરિસ્થિતિમાં એક પિતાની સ્થિતિ કેવી લાચાર બની જાય છે. પોતાની ખુદ્દારી પણ વેચી નાખતા પિતાની પીડા આ રીતે બયાન થઈ છે.

‘આંખોના પાણીથી સંતાડી પરબારી વેચી છે.
ભણાવવા દીકરાને એક બાપે ખુદ્દારી વેચી છે.’ (પૃ. ૫)

બીજા એક શે'રમાં મજૂરી કરીને પોતાના સંતાનનું ભરણપોષણ કરતી માનું દર્દ આ રીતે કંડારાયું છે -

‘એક ટંકનું પેટ ઠારવા ક્યારેક તો એવુંય બન્યું છે.
માએ પરસેવો પાડી કાપેલી ભારી વેચી છે.’ (પૃ. ૫)

દુનિયાનો કોઈ પિતા એવું ન ઇચ્છતો હોય કે પોતાની દીકરીનાં લગ્ન ન થાય, પરંતુ આ જગતમાં એવા પિતા પણ છે જેની પાસે દીકરીને વળાવવા માટે પૂરતા પૈસા નથી. પોતાની જાતને પણ ગીરવે મૂકવી પડતી હોય છે. છતાં બહારથી ખુશ રહેવાનો ડોળ કરવો પડતો હોય છે. આ લાચારી હૃદયદ્રાવક રીતે આ રીતે રજૂઆત પામી છે -

‘પહેરીને વળાવી દીકરી જે શાનથી બાપે
પ્રથમ તે પાઘડી ગીરવે કોઈ દુકાનમાં આવી.' (પૃ. 22)

આમ, પ્રસ્તુત ગઝલસંગ્રહમાં મા-બાપનું સંવેદન એવું તો ચોટદાર રીતે રજૂ થયું છે કે જેનાં મા-બાપ હયાત છે એવા ભાવકનું ચિત્ત પણ ક્ષુબ્ધ થઈ જાય. ભાવકની આસપાસ એક દિવ્ય આભનું તેજવલય ઊભું થાય છે. આ સર્જકની પીડાને સલામ...

(‘અધીત : ચાલીસ')


(‘પરબીડિયામાં હવા મોકલી છે...' : જિતેન્દ્ર પ્રજાપતિ, પ્રથમ આ. ૨૦૧૬, પ્ર. જિતેન્દ્ર પ્રજાપતિ, કિંમત : રૂ. ૧૨૫/- પૃ. ૮૧)