< અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા
અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘અજવાસ આવ્યાં એટલે'માં નૂતનનો સંસ્પર્શ
ડૉ. ગિરજાશંકર એસ. જોષી
‘અજવાસ આવ્યા એટલે' (૨૦૧૫) એ દિનકર ‘પથિક'નો બીજો ગઝલસંગ્રહ છે. આ પહેલાં એમનો ‘પીંછું હવાનું’ (૨૦૦૦) નામનો સંગ્રહ પ્રસિદ્ધ થયો હતો. ૧૯૪૭-૪૮થી લખતા આ કવિમાં પરંપરા અને આધુનિકતાનો સમન્વય જોવા મળે છે. ‘અજવાસ આવ્યા એટલે’માં કુલ ૧૦૮ શીર્ષકવાળી ગઝલરચનાઓ છે.
‘ભીંત ભાતીગળ બની, નળિયાય સોનેરી થયાં,
આભથી કિરણો ઢળ્યાં, અજવાસ આવ્યા એટલે.’ (૧)
આ ગઝલસંગ્રહમાં ગઝલ, શબ્દ, કાગળ-પત્ર, પવન, મૌન, દર્પણ, એકલતા અને ચિંતન જેવા વિષયના વિવિધ શેર મળે છે. હવે માણસના મનના બદલાતા ભાવની વાત જોઈએ.
‘લો શરૂઆત તો ગઝલની થઈ,
ને પાછું શું થયું, નથી કહેવું (૧૨)
તો ગઝલ વિશેના અન્ય શેર જોઈએ :
ફક્ત વાંચી લીધી, કર્યો બંધ કાગળ,
કહે શેર થઈને ગઝલમાં ઢળ્યો તું? (૨૬)
લથડી લથડી બેઠું થાતું, ગઝલો જેવી વાતો કરતું.
હોવાનો તરજુમો કરતું અંદર અંદર છલકે છે શું? (૨૯)
આટલા ફેરફારે સજીવ લાગું
કે લખાવી ગઝલ, જિવાડ્યો તેં (૩૨)
કેમ સરખાવી ગઝલ સાથે તને,
કેમ ના આવે કશું યે યાદ પણ! (૫૩)
ગઝલ વિશેના અસંખ્ય શેર આ સંગ્રહમાં મળે છે. અહીં ગઝલકારે ‘ગઝલ' શબ્દનો વિવિધ ભાવસંદર્ભમાં વિનિયોગ કર્યો છે. ગઝલના મત્લાના શેરમાં ગઝલકાર પોતાનું નામ સાંકળે છે કાં તો ‘ગઝલ' વિશેનો શેર આપે છે. સર્જનપ્રક્રિયાની વાત કરતાં યોગ્ય શબ્દ ચયનની મથામણ સર્જકને અકળાવે છે, તે વાત આ રીતે પ્રસ્તુત કરે છે,
‘શબ્દ સંતાતો ફરે,
ને ગઝલ વળ ખાય છે. (૬)
રંગો ઊઘડતા જાય છે
શબ્દ છીએ કે પછી પીંછાં છીએ? (૯)
વિવિધ સંદર્ભો ભળતાં ગઝલ જે રીતે મ્હોરી ઊઠે તે વાત અહીં પ્રસ્તુત થઈ છે. આ સંગ્રહમાં શબ્દ વિશેના વિવિધ ભાવસંદર્ભોવાળા અનેક શેર મળી. આવે છે, તેમાં કવિના ભાવવિશ્વનો સુપેરે પરિચય થાય છે, તો પત્રનો જે મહિમા પ્રેમીજનોને હોય તેની વાત અહીં જોઈએ -
સાવ કોરો પત્ર છે એનો પથિક
તે છતાં કહે છે બધે વંચાવજે (૧૧)
કેટલાં વર્ષો પછી છાંટા થયા,
આ ઇશારો પત્ર માટે છે ફકત. (૩૯)
સાવ કોરો એક કાગળ શું કરું?
ઠામ ઠેકાણું લખેલું જોઈએ. (૫)
તો વાસ્તવની વાત સર્જક દર્પણના માધ્યમ દ્વારા રજૂ કરે છે.
ક્યાં જવા નીકળ્યા ને આવ્યાં ક્યાં અમે,
લ્યો, ફરી દર્પણ સુધી આવી ગયાં. (૩૧)
આ શેરમાં મૌનનો મહિમા કરતાં પ્રેમીજનોની રીતને રજૂ કરી છે.
મૌન તારું શબ્દથી ઝળહળત વધુ,
રાહ અમને આંખથી ચીંધાડજે. (૨૫)
તો કવિ કેવો પ્રતીકાત્મક રીતે પ્રેમીજનની દશાને નીરૂપે છે.
અહીં ત્યાં બધે વાયા કરે છે,
પવને વળી કોનું ઘર શોધવું છે! (૮૭)
ગઝલના વિવિધ શેરોમાં ચિંતન વિશેની વાત કેવી વિવિધતા સાથે પ્રગટ થઈ છે તે જોઈએ.
લે, બદલ તું જ જાતને
તો બધું બદલાય છે (૫)
ધારણા મુજબ થતું કૈં પણ નથી,
ફક્ત મળતી હાથતાળી હોય છે. (૪૨)
કૈંક વર્ષોના હિસાબો લે પતાવી દઉં હવે,
બાદબાકીને ય સરવાળામાં લાવી દઉં હવે. (૪૩)
કોણ ક્યારે કોનું થાતું હોય છે,
ખુદ કને અટકી અને થાકી ગયા. (૫૦)
બાદબાકી કરતાં કરતાં બાદ થ્યો,
એમ એ પોતાથી યે બરબાદ થ્યો. (52)
પ્હોંચવું માર્ચ સુધી આસાન ક્યાં
ખુદ અને મારી ય છે પહેંચાન ક્યાં? (૬૭)
આજમાં છું એટલે બહુ ખુશ હતો,
બાકી તો ગઈકાલમાં વિવશ હતો. (૭૦)
આ શેરમાં અનુક્રમે પોતાની જાત બદલવાની વાત, ધારણા મુજબ ન થવાની નિયતિ, નવા સંબંધો બાંધવાની, કોઈ કોઈનું નથી એ વાત, સંબંધો તૂટતા પોતે જ બરબાદ થાય એ વાત, તો પોતાની પણ ઓળખ પોતાને નથી એ અને આનંદમાં રહેવા માટે વર્તમાનમાં રહેવાનું ચિંતન પ્રસ્તુત થયું છે, તો આધુનિક માણસની એકલતા - તેના ખાલીપાની વાત સર્જક પ્રતીકાત્મક રીતે નીરૂપે છે.
‘એમ ફળિયે પંખીઓ આવ્યાં, ગયાં,
ખાલીપાને ઢાંકતા અવસર થયા’ (૬૩)
સાવ એકલતા નિભાવું છું ‘પથિક’
જાત જેવી જાત એમાં ખોઈને (૯૭)
તો માણસના બંધનને - વંધ્યગતિશીલતાને આ રીતે રજૂ કરે છે.
એ ઊડે તો કેટલું ઊડી શકે?
પીંજરામાં માર્ગ ક્યાં ખુલ્લો હતો? (૭૧)
માણસનાં બેવડાં ધોરણોની, ચહેરા-મહોરાં લઈને ફરતા માણસની વાત આ શેરમાં સુપેરે પ્રગટી છે.
પરિવેશ નાટક સમો કેમ લાગે છે,
અહીં એક પડદો, અહીં એક મ્હોરું (૭૨)
આ ઉપરાંત બિંબ, અરીસો, મૌન, એકાંત, પંખી, કલમ આદિ વિષયના શેર મળે છે. આ ગઝલસંગ્રહમાં ઘણું જ વિષય વૈવિધ્ય છે.
ગઝલકાર પોતાની વાત સુપેરે પ્રસ્તુત કરવા રચનારીતિના વિવિધ પ્રયોગો કરતો હોય એમ અહીં કલ્પનના એક પ્રકાર લેખે દૃશ્યકલ્પનનો વિનિયોગ બહોળા પ્રમાણમાં થયો છે, તે જોઈએ.
આપણે એવું લખ્યું'તું શું ‘પથિક',
કે ઝરણ કાગળ ઉપર ફૂટ્યાં હતાં. (૨૩)
રૂપાંતર તરલ મૌનનું છે ગઝલ આ,
હશે કોઈ એને અહીં ઝીલનારું. (૧૯)
ભર ઉનાળે ક્યાંક તો વર્ષા થતી,
એમ થોડાં ભેજમાં ભીનાં હતા. (૨૩)
તને આવકાર્યો હશે ઉંબરાએ,
પછી ત્યાં શું તોરણ સમું ઝળહળ્યો તું! (૨૬)
તો અહીં યોજાયેલ શ્રાવ્યકલ્પન જોઈએ :
જિંદગીભર સાંપડ્યો તો સાથ જે,
એ જ તો ખળખળ હતી, ચાલી ગઈ. (૯૩)
બ્હાર કાઢો બ્હાર કાઢે ના અવાજો ફેંકતી,
ખીણ પાડે ચીસ કાળી, આપણે નીકળી જવું. (૯૮)
બે ઇન્દ્રિયથી અવબોધની વાત આ મિશ્રકલ્પન દ્વારા જોઈએ.
વહેલી પરોઢે થયો એક ટહુકો,
થયું, કોઈએ સૂર્યને અર્ઘ્ય આપ્યો. (૪)
મ્હેકનો દરિયો જ્યાં છલકાયો હતો,
એ જગાએ બંધ બંધાયો હતો. (૯૦)
પવન માણી રહ્યો છે મ્હેકને ત્યારે,
ખૂણા પર જઈ બગીચામાં ઊભો છું હું. (૯૧)
સ્પર્શ ભીની પળ હતી, ચાલી ગઈ,
રાત પણ ઝળહળ હતી, ચાલી ગઈ. (૯૩)
તો પુરાકલ્પન દ્વારા રજૂઆતનું નૂતન પરિમાણ સિદ્ધ થયું છે. અહીં જટાયુ, મીરાં, કર્ણ, શબરીના સંદર્ભો નવી અર્થચ્છાયા સાથે પ્રસ્તુત થયા છે.
હજી પાંખ વીંઝાતી ફફડાટ સાથે,
હજી કોઈ આભે જટાયુ ઊડે છે. (૨૦)
તોય બસ મેવાડ તરતો હોય છે,
ધાબળો મીરાંનો મેં ઓઢ્યો નથી. (૨૪)
ક્યાંકથી વહેણ ફૂટ્યું લાગે છે,
શબ્દ ગંગાની ધાર ચાલે છે. (૮૧)
બોર એઠું ખાઈને હું શું કરું?
બોર એવું ક્યાં હતું શબરી-સબર. (૩૬)
સામટું જંગલ ફરી મહેકી ગયું.
એઠાં એઠાં બોરની છે વાત આ. (૭૩)
આ ગઝલસંગ્રહમાં નળિયાં, ભીંત, અવકાશ, તોરણ, પંખી, પીંજર, ગઝલ, અરીસો, કમાડ દ્વાર, તાવીજ, પવન, કાગળ, કલમ, રૂમાલ, દરિયો, બિંબ, વસ્ત્ર, પાંખ, પથિક, હસ્તરેખા, સપનું, પડછાયો જેવાં ભાવપ્રતીકો યોજાયાં છે. આધુનિક ગઝલકાર બોલચાલની ભાષાનો વિનિયોગ કરતો હોય છે, તેમ અહીં પણ સર્જક એ પ્રયોગ કરે છે!
એ તો વસંતી વસ્ત્રોમાં આવી'તી પાનખર,
પર્ણો ખર્યા પછી મને એની ખબર પડી. (૬૮)
માત્ર જોવા નથી પણ બને તો,
આંખમાં દૃશ્યને આંજવાં છે. (૭૭)
એક રસ્તો, એક દિશા, ને અમે,
આવતાં જતાં મળ્યાં, કહેવું છે કે! (૧૦૩)
‘તે પંખીને શું કહ્યું', ‘લો કહી દો હા’, ‘આથી વધારે શું', જેવી અસંખ્ય ગઝલોમાં બોલચાલના શબ્દોનો વિનિયોગ થયો છે!
આ સંગ્રહની ‘રેતીમાં એક ઘર’, ‘કશું બોલાતું નથી’, ‘બારણાં ખુલ્લાં હતાં', ‘જળ વગર', ‘અધ્ધર થયા’, ‘ભીંજાય છે’, ‘એની ખબર પડી’, ‘પડછાયો હતો’, ‘હું કૈ નથી’, ‘માળો કર્યો’, ‘નગર શોધવું છે’, ‘વિચારોના તરાપામાં', ‘વાત ના કર’, ‘આંગળી ખુદની જ ઝાલી’, ‘અમારી કલ્પના તો છે', ‘કહ્યું છે કે’, ‘પરીન્દુ પાંખ ફેલાવી’, ‘ખરલમાં યાદ રેડી છે’ જેવી ગઝલો વિષય અને ભાનિર્વહનને કારણે ધ્યાન ખેંચે છે.
દડદડ દડવા, દિશાએ દિશાએ, સાથેસાથે, પવન છે પવનને, ઝરમર ઝરમર, અઢળક અઢળક, લથડીલથડી, વસતી જ વસતી, ઝાડ તો ઝાડ છે. તરુના તરુ પણ, ક્યાં છે, ક્યાં છે, ક્યાં જેવા દ્વિરુક્તિ કે રવાનુકારી શબ્દો યોજીને ગઝલમાં લય નીપજાવી ભાવસંવેદનને ઘૂંટે છે.
આ સંગ્રહમાં ધોરિયો, છીંડું, બારું; પગપાળા ફાલવા, વાયદો, ભરમ, ઠેકાણું, છટકી, ઝઝોડી, છકડો, મ્હોરું, ભોંઠો, ફાલી, અટકચાળો, નેડો, પલીતો, ઉઝરડા, કાપા, અડાબીડ, ખુલ્લેઆમ જેવા તળપદા દૃશ્ય શબ્દોનો પણ ગઝલમાં વિનિયોગ થયો છે.
ગઝલકાર મોટા ભાગે મધ્યમકક્ષાની બહરમાં ગઝલ રચે છે. અપવાદ બાદ કરતાં પ્રલંબબહર અને લાંબો રદીફ ‘ખરલમાં યાદ રેડી છે’ એ ગઝલમાં ‘છે વધુ તો શું કરું બીજું!' એ રદીફ છે, તો ‘લડખડો છો’ એ ગઝલમાં એકાક્ષરી રદીફ ‘છો’ છે. ‘વાત ના કર ગઝલમાં હમરદીફ - હમકાફિયામાં ગઝલ છે. આમ, ગઝલ સ્વરૂપમાં દિનકર ‘પથિકે' પ્રયોગ પણ કર્યા છે.
આમ, ‘અજવાસ આવ્યા એટલે'માં વિષય અને રચનારીતિના વિવિધ જોયા પછી એમ કહી શકાય કે આધુનિક માણસનો અસ્તિત્વબોધ, એકલતા, ખાલીપો જેવાં ભાવ સંવેદનોનું નિરૂપણ થયું છે, તો એમણે આધુનિક ગઝલની તરાહોનો પણ ભરપૂર પ્રયોગ કર્યો છે. એમની ગઝલ અપૂર્વતાનો અનુભવ કરાવે છે. ગઝલકારનો પ્રયાસ કવિતા સિદ્ધ કરવાનો રહ્યો છે. સરળતા એ એમની ગઝલનો ગુણ છે. સરળતાનો મહિમા થયો છે તે જોઈએ-
અપેક્ષા અમારે હતી ભીડની ક્યાં,
તમે એક છો તો છે વસતી જ વસતી. (૫૭)
‘પથિક'ની ગઝલમાં જીવનનો અનુભવ-ચિંતનનો સહજ વિનિયોગ જોવા મળે છે. કવિતા નિપજાવવા માટે ગઝલકાર લેખનની વિવિધ રીતિનો વિન્યાસ કરે છે, તે અસ્તિત્વબોધ અને એકલતાનો સંકેત કરતાં કહે છે :
આગવો પરિચય નહિ આપી શકું,
હોઉં તો હોવાથી કંઈ સમજાય ને! (૧૦૪)
બસ હયાતી રોજ પહેરું એ રીતે,
જેમ પહેરું કોઈ વસ્ત્રો ધોઈને. (૯૭)
સાવ એકલતા નિભાવું છું ‘પથિક’,
જાત જેવી જાત એમાં ખોઈને. (૯૭)
‘અજવાસ આવ્યા એટલે'માં જોડણીની અસંખ્ય ભૂલો આ ગઝલસંગ્રહની મોટી મર્યાદા છે જે સુધારી લેવી જોઈએ. એકંદરે આ સંગ્રહની ગઝલમાં પરંપરાનું પરિશીલન અને આધુનિકતાનો સંસ્પર્શ જોવા મળે છે. દિનકર ‘પથિકે’ કરેલી કવિતા કરવાની મથામણ- કવિકર્મ ધ્યાન ખેંચે છે.
❖
(‘અધીત : ચાલીસ')
(અજવાસ આવ્યા એટલે : દિનકર ‘પથિક', શ્રીમતી જશવંતીબહેન ત્રિવેદી, ભાવનગર, પ્રથમ આવૃત્તિ : ૨૦૧૫, કિંમત : રૂ. ૧૦૦/-)