અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘રોમાંચ નામે નગર’નું ભાવવિશ્વ
પ્રા. વિનાયક રાવલ
આપણે સૌ જાણીએ છીએ કે વ્યવહારમાં શબ્દનો ઉપયોગ અનુભવના કથન માટે કરવામાં આવે છે. કથન દ્વારા અનુભવનું તાર્કિક પાસે રજૂઆત પામતું હોય છે. પરંતુ જેને આપણે લાગણીજીવન કે ભાવજીવન તરીકે ઓળખીએ છીએ એની અભિવ્યક્તિ માટે તો ભાષાના જુદા જ પ્રકારના ઉપયોગની અપેક્ષા રહે છે. કહેવું હોય તો એમ કહી શકાય કે સાહિત્યમાં પ્રયોજાતા શબ્દો અનુભવનું કથન કરવાને બદલે એને પ્રત્યક્ષ રૂપ આપવાનું કામ કરે છે. સાહિત્ય શબ્દોને અભિનવ સંદર્ભોમાં સંયોજીને ભાષાને નવી ચમક આપવાનું કામ કરે છે. શબ્દના વાચ્યાર્થ અને લક્ષ્યાર્થને અતિક્રમીને તે વ્યંગ્યાર્થ સુધી પહોંચે છે. ભાવના આ પ્રકારના પ્રત્યક્ષીકરણ માટે કવિ શબ્દનું ધ્વનિરૂપ, ઇંદ્રિયસંતર્પક પદાવલિ, છંદોલય, અલંકાર, કલ્પન, પ્રતીક વગેરે અનેકવિધ કલાપ્રપંચોનો આધાર લે છે. પરંતુ આધુનિક કવિ છંદને છોડીને ગદ્યલય દ્વારા જે રીતે પોતાનો નિજી ઉન્મેષ પ્રગટ કરે છે તે ધ્યાનાર્હ એટલા માટે બની રહે છે કે એ કામ તલવારની ધાર પર ચાલવા જેવું કપરું કામ છે, એમાં એટલાં બધાં ભયસ્થાનો છે કે કવિ સહેજ ચૂકે તો કાં’ તો એ સપાટ બાનીમાં ઊભીપછાડ ખાય છે, કાં તો બોદા આત્મસંતોષને ઘૂંટે છે, ગુજરાતીમાં છંદને છોડીને અછાંદસમાં ઝુકાવનારા કવિઓની શી દશા થવા પામી છે એ અભ્યાસનો વિષય બનવો જોઈએ.
મને બે કવિમિત્રોના અછાંદસમાં ઊંડો રસ એટલા માટે પડ્યો છે કે એમાં ભાષા સાથે એમણે જે મુકાબલો માંડ્યો છે તે ખરેખર ધ્યાનાર્હ બની રહ્યો છે. આ બંને કવિમિત્રોમાં એક છે મનહર મોદી અને બીજા છે. ઇન્દુ પુવાર. મનહર મોદી વિશે વિગતે ક્યારેક વાત કરવાનો વિચાર છે. પરંતુ આજે તો ઇન્દુ પુવારના તાજેતરમાં પ્રગટ થયેલા 'રોમાંચ નામે નગર'ને લક્ષમાં રાખીને વાત કરવા માગું છું.
‘રોમાંચ નામે નગર'માં પ્રવેશતાંની સાથે જ પ્રતીતિ થવા પામે છે કે અહીં ભાષા પ્રતિભાષાના સ્તરે ચાલે છે. પરંપરાગત શૈલીનો વ્યુત્ક્રમ અહીં જોવા મળે છે. છિન્નતર્ક વાક્યખંડોના કોલાજ દ્વારા અભિનવ કેલિડોસ્કોપીય વિવિધ ભાત પણ અહીં જોવા મળે છે. વક્રતાગર્ભ ત્રિધાનો પણ અહીં અપરંપાર છે. વિવિધ ગદ્યલયોમાં પ્રગટ થતો કવિનો એક આગવો ઉન્મેષ અહીં જોવા મળે છે. પરંપરાનાં રૂઢ પ્રતીકોને અરૂઢરૂપમાં ઢાળવાનું કામ પણ અહીં થયું છે. પરંતુ ભાષા વિશે કે રચનારીતિની પ્રયુક્તિઓમાંથી નિર્માણ થતી આ સંગ્રહની આકૃતિ વિશે ડૉ. ચિનુ મોદીએ એક જુદા લેખમાં વાત કરેલી છે તેથી એને ઝાઝું સ્પર્ધા વિના 'રોમાંચ નામે નગર'ના ભાવવિશ્વ વિશે વાત કરવાનો જ ઉપક્રમ રાખું છું.
સંગ્રહના પ્રથમ કાવ્યમાં ‘જાત ચોરાયાની પ્રતીતિ’ થયા પછી જાતને શોધવા માટે જાતને પામવા માટે - જાતની ઓળખ માટે સતત ભાષાના માધ્યમ દ્વારા મથામણ કરતાં કરતાં સંગ્રહના છેલ્લા કાવ્યમાં વ્યક્તિત્વલોપની – ‘બીડી પીવો બીડી / કેમ કે એમાં સળગ્યા પછી / રાખ થવાનું સામર્થ્ય’ વાત સુધી કવિ પહોંચે છે ત્યારે એક વાત તો સ્પષ્ટ થાય છે કે આ સંગ્રહના ભાવવિશ્વનું જે એક વર્તુળ રચાય છે; એની ગોળાકાર રેખાઓ છે સ્વની ઓળખની. એ માટેનું ચાલક પરિબળ અને વ્યવધાનરૂપ પરિબળ છે મન. કવિ એથી જ સતત ‘ઇચ્છાઓને ખાંડવાની’ અને ‘બાંધેલી ગાંઠો છોડવાની’ વાત સાથે 'હે મન', 'હોજી રે. મનવા ક્યાં છે મારી ચાલ', ‘મનવા મારા ઠાલા દાલા વાગે છે કેમ ઠેસ?’, ‘ચલો મનજી મુસાફર નિજ દેશ ભણી’ જેવા કાકુઓમાં આખી વાત ઢાળે છે. જાતની ઓળખ કે જાતને પામવામાં જેમ મન વ્યવધાનરૂપ છે એ જ રીતે ભાષા પણ વ્યવધાનરૂપ છે એટલે જ કવિના આક્રોશ અને કવિના દૃષ્ટિબિંદુને વ્યક્ત કરતી આ પંક્તિઓ જોવા જેવી છે :
- ‘વાઘાઓમાં વાણી ગાંઠી' (પૃ. ૪)
- ‘ભાષાની ભાંગ પીને જાંઘ ખણું
વાણીનો વેપલો કરવા ટોપી, ટીલું ને ટાલ ધરું’. (પૃ. ૮)
- ‘બકવાસના વાઘા પહેરાવાથી
મ્હોરાં માણસ નથી થતાં.' (પૃ. ૬)
- કેમેરાની ભાષાના ભણેશરી થવાથી મારા માણસ હોવાના
બકવાસના સો વિકલ્પને બારસો શક્યતાઓ આપી શકું છું ખરો!’ (પૃ. ૩૨)
- ‘ભાષા ભાડૂતી બાઈ છે ભાડું આપો ત્યાં સુધી તમારી પાસે પછી બીજાની પાસે' (પૃ. ૪૪)
- ‘અર્થોની ઠાઠડી બંધાઈ ગઈ છે.’ (પૃ. ૪૫)
- ‘હું અવાજનો આખો ને આખો નકશો છું.
ક્યાંક ટપકું કરી દો હું ઓળખાવા માંડીશ’ (પૃ. ૨૨)
- ‘ભાષાની માની પોક’ (પૃ. ૮૪)
- ‘ભાષા ભમરીનો આછો આછો ગણગણાટ સંભળાય છે.' (પૃ. ૬૭)
આ બધું હોવા છતાં Man has to live - માણસે જિંદગી તો જીવવાની જ રહે છે. એટલે આ સંગ્રહમાં એક બાજુ હોવાપણાનો – beingનો - સ્વીકાર છે અને બીજી બાજુ જીવન જીવવા માટેના જે આયામો માનવી કરે છે એમાંના ભ્રમ, એમાં આવતી - ચાલતી મથામણો અને સંઘર્ષની વાત પણ છે. જેમકે :
- ‘સાલા! ભેદની ભવાઈના ભવાયા
મેઈક-અપ કરવાથી પાત્ર ભજવી શકાતું નથી.’ (પૃ. ૫)
- ‘હું હું છું એ સાબિત કરવા માટે પોસ્ટમેનને બોલાવી લાવવો પડે છે.’ (પૃ. ૨)
- ‘જંગ આખરી જંગ ખેલવા બેઠો છું.
ખાંડાના કંઈ ખંગ ખેલવા બેઠો છું.’ (પૃ. ૫)
- મારું હોવું એટલે જ –
લાલ બસ, નિયોન લાઇટ્સના થાંભલા, બાગ
બગીચા કૂતરાં કબૂતર - મારે હવા થવું છે. (પૃ. ૨૮)
- 'સાત અધ્યાય પછી
મારે નહીં કોઈને પણ - આ જ કહેવાનું છે,
સમજ્યો, માણસભાઈ!’ (પૃ. ૪૧)
- ‘માણસ તરીકે
આપણે કોઈપણ પ્રવૃત્તિ કરીએ
હરીએ ફરીએ ફેરી લગાવીએ
પૈસા કમાઈએ
કોઈને ચાહીએ
કોઈને હેઈટ કરીએ
પાણી પાણી થઈએ
સમયસર હાજરી આપીએ
ચા નાસ્તો કરીએ
અરે, પેલું બધું કરીએ
અને લીલાછમ સતત જીવતા
એક બગીચાને
વારંવાર આપધાતની એલર્જી થઈ જાય
એમાં આકાશને કઈ રીતે કહી શકીએ કે
કે ખૂલે આસમાન પડો,
ધરતી પર પડો,
સબ તહસનહસ કર દો
ખુરદા બુલા દો સબ કા.' (પૃ. ૪૭-૪૮)
સમજી શકાશે કે અહીં હોવાથી - ન હોવા સુધીની તથા સ્વ ઓળખ ગુમાવ્યા સુધીની વાતો છે. માનવી આખર છે શું? એ શું કરે છે? એના ઉકેલ કે જવાબ મેળવવા તરફની આ ગતિ નથી. પરંતુ મર્યાદાઓ, મજબૂરીઓ, લાચારીઓ અને નિયતિ આ બધાની સામે કે સાથે પણ જીવન તો જીવવું જ પડે છે. એક બાજુ જાતને પામડાની-ઓળખવાની શોધ અને એની બીજી બાજુ અસ્તિત્વને ટકાવી રાખવા માટેના મુકાબલા ને મથામણો. હેતુહીન અને અસંગત વિશ્વમાં પણ જીવન તો જીવવું જ પડે છે. એ માટેનો આક્રોશ, એ અંગેનો મૂંઝારો અને એ અંગેની વાસ્વતવભરી વેદનાનાં આ તો થોડાંક જ દૃષ્ટાંતો છે. આ માટે 'સક્કર પારા સ્ટાઈલ’, ‘ચંદુ ચણીબોરિયાને ચણીબોર થવાનો પ્રૉબ્લેમ', 'મારા 'ઢ' આકારના પ્રૉબ્લેમ વિશે', ‘સમજ્યો, માણસભાઈ', ‘મારી પાસે એક એકાન્ત છે' જેવાં કાવ્યોમાંથી પસાર થવું ઘટે.
કવિ બિનઅંગત બનીને અંગતતાને આલેખે છે. કવિ એટલા માટે એમ કરે છે કે તને પામવાની - ઓળખવાની પ્રક્રિયા એ વિના અધૂરી જ રહે. એથી જ સંગ્રહનાં કેટલાંક કાવ્યોમાં 'ઇન્દુ' એવું નામ આવે કે સંગ્રહનાં બધાં જ કાવ્યોમાં ‘હું’, 'અમે', 'મારું', ‘મારી', 'મારો' જેવા શબ્દો આવે ત્યાં પણ જોઈ શકાય છે કે કવિએ સ્વાનુભવને સર્વાનુભવ સુધી પહોંચાડવામાં સફળતા પ્રાપ્ત કરી છે. આત્મલક્ષિતાનું પરલક્ષિતામાં થતું રૂપાંતરણ જ સર્વાનુભવરસિક બની શકે છે. જુઓ :
- ‘હું તો બેઠો છું
મીણ બનીને બેઠો છું.’ (પૃ. ૫)
- ‘તીડા એટલું જોઈ આલ કે કઈ ચાલ હું ચાલું? ‘ક્યાં' છે મારી ચાલ?' (પૃ. ૬)
- ‘હું પણાની વારતા વાંચી ખરી, સાચી ઠરી...
વાત સુણીને બોલી ઊઠજો વાહ અમારા લંબુ! (પૃ. ૧૨-૧૩) ‘હું પુલનો થાંભલો થઈશ’ (પૃ. ૧૬)
- ‘હું ટેલિપથી છું હું ટેલિપથી છું હું ટેલિપથી છું' (પૃ. ૧૭)
- ‘એના ચહેરા પરનો રોમાંચ - હું જીવું છું' (પૃ. ૧૮)
- ‘મારામાં ગરમાગરમ પવનનો જુવાળ આવે છે’ (પૃ. ૨૦)
- ‘હું રોમાંચને રોજ ઉગાડવા મથું છું.’ (પૃ. ૨૧)
- ‘હું ચોખંડું હૃદય ધરાવું છું.' (પૃ. ૨૨)
- ‘હું ગુરુ મોહનગિરિની દુકાને જવા / સ્કુટરને કિક મારું છું’ (પૃ.૯૯)
- ‘હું ઇન્દુ ગુલમહોરોની જ્ઞાતિ ધારણ કરું છું’ (પૃ. ૩૪)
- ‘સ્કુટર ખખડી ગયું છે સાવ,
જતું ખખડતું ને ખોડંગાતું કે નદી
એની પર અસવાર એક
નામ છે જેનું ઈન્દુ પુવાર ને
હોડીની ઇમેજ જેના શ્વાસમાં સમયમાં
પાણીના મૂળનાં બનાવતો ચલચિત્ર જે
લોંગ શોટમાં લાગતી હતી ભરપૂર નદી
જોયું ક્લોઝઅપ મહીં તો
હતું તે નર્યું ચળકતું સરકતું (પૃ. ૧૦.)
ખાલી ખાલી મૃગજળ માત્ર!’
- ‘જાવ યાર ઇન્દુ પુવાર
તમે વળી પાછી આ પિન્કી મૉન્ટુની મિથમાં ક્યાં પડ્યા?’ (પૃ. ૧૦૩)
સંગ્રહનાં લગભગ બધાં જ કાવ્યોમાં અંગતતા બિનઅંગતપણે-તાટસ્થ્યથી નિરૂપાઈ છે. પરંતુ જ્યાં અંગતતા બિનઅંગત બનતી નથી ત્યાં કવિતા ન થતી હોય એવાં સ્થાનકો આ સંગ્રહમાં છે પણ તે જૂજ. બાકી ‘ડેટાકલેક્શન' કે ‘મારું સ્કુટર' જેવાં કાવ્યોમાં અંગતતા ભરચક હોવા છતાં સર્વાનુભવરસિક બને છે. એમાં કવિનો સાધારણીકરણનો કસબ જ કામ કરે છે.
સંગ્રહનાં કાવ્યોમાં આદિમ આવેગોના વાસ્તવનો સ્વીકાર સમય, સંજોગ અને શક્યતાના ત્રિપાર્શ્વી પરિમાણથી કરવામાં આવ્યો હોઈ વધારે સંતર્પક બને છે. જેમ કે
- ‘હમણાં જ એક વેલને મૂળસમેત
મેં ઉખાડી નાખી છે,
ફૂલ, કળીઓ પાંદડાં સુકાવાની પ્રોસેસ
હું મારી પ્રોસેસમાં ઉમેરી દઉં છું'
- ‘સમાધિ નામનું ફેફસું મારા કામનું નથી.’ (પૃ. ૯૯)
- 'ટેશડા મારો ટોપના પેટના'
- ‘એક સરસ મજાનું કેળું લટકી રહ્યું છે હલી રહ્યું છે છોલાઈ રહ્યું છે ખવાઈ રહ્યું છે ખવાઈ ગયું છે.….…. (પૃ. ૫૬)
- ‘સમયને એકસોવીસના મસાલામાં
અથવા કોઈપણ પ્રકારની ટેબ્લેટ્સમાં ગળ્યા કરે છે’ (પૃ. ૪૬)
- ‘માટીને મસળવાનું ગમે છે મને' (પૃ. ૪૨)
- ‘બીડી પીવાની તલપ ખરાબ હોવા છતાં એમાં બકવાસની સો શક્યતાઓ મેં જોઈ છે.' (પૃ. ૩૨)
- ‘હું એક મૂળો છું.
અઘોર અંધકાર એમાં વસે છે એકલો રે લોલ' (પૃ. ૬૮)
- ‘વાર માત્ર પિસ્તોલનો ઘોડો દાબવામાં આવે એટલી જ છે.’ (પૃ. ૧૦)
આ બધાં માટે કવિ પાછાં મધ્યકાલીન પરિવેશ અને એનાં ઉપકરણો લઈ આવે છે એના મૂળમાં રાજપૂત ઘરાનાના સંસ્કાર પડેલા છે. નગર, નગર ફરતો કિલ્લો, કિલ્લાની આસપાસ કોટ, કોટને તોતિંગ દરવાજો, દરવાજાને ડોકાબારી, ડોકાબારી ખૂલવાની રાહ જોવી આ બધાં પ્રતીકો તો મધ્યકાળની ભક્તિકવિતામાં પણ આવે છે પરંતુ માનવજીવન-માનવશરીર-માનવઇન્દ્રિયો- માનવનાં અંગઉપાંગ અને માનવશરીર સાથે સંકળાયેલા આત્મા સાથે સંકળાયેલા આ બધા શબ્દો અહીં સંકળાય છે ‘મનવા મારા ઠાલા ઠાલા વાગે છે કેમ ઠેસ?’ના ચિત્કાર સાથે અને પછી સર્જાય છે એક ચમત્કારજન્ય ઘટનાનો સિલસિલો. ડોકાબારી ખૂલવાની રાહ જોવાય છે ત્યાં તો પૂર્ણવિરામ મૂકી દીધું છે. પરંતુ પછી જે ઘટનાઓનો ક્રમ છે એ ક્રમ માનવીના જીવન જીવવા માટેના ઉધમાત સાથે સીધો સંકળાય છે. તંબુ બાંધવા ખીલા ખોડાય, તંબુમાં મોટું દૈત કાણું હોય, કાળી ઘોડી થનથન થાય, કાગડો કાળી વાયકા લઈને ઊડે એ બધામાં મધ્યકાલીન પરિવેશ હોવા છતાં આજના માનવમાત્રના જીવન જીવવા માટેના ઉધમાતને એની જોડે પરોવી આપે છે. રિંગમાસ્ટરના રાજીપાથી આપણે નવાઈ ન પામીએ પણ હાથમાં ચાબુકને બદલે ચપટી ચોખા હોય અને ચોખા ચારે દિશામાં ફેંકાય, કંકાવટીનાં કંકુ ઢોળાય, પાંજરામાં પુરાયેલો સિંહ સોળમો અવતાર હોય અને તંબુમાંથી વાઘ આવ્યો રે વાઘ'ની સાથે જ ‘ધાજો રે ધાજો'નો અવાજ આવે એમાં નાવીન્ય છે. પણ આ બધાંને અંતે આવતી ‘મનવા મારા'ની વાત બધું એક સૂત્રે સાંધી આપે - બાંધી આપે છે. જિંદગીના બહુરંગી આયામો - તોડ કરવાની વાત, બેંડવાજાં, કોરસગીતો, અંગેઅંગના ખેલ, મોતના ગામે મરજીવાનું મ્હાલવું, તાતી તલવારનું તણાવું, તંબુનું મોટું થવું. લોકો ફોટો પાડે, ફોટામાં આવતો સોળમો અવતાર બૂમો પાડે અને ફરી પાછું ‘મનવા મારાનું સાંધિક ગાન શું ફલિત કરે છે? એ જ કે નિરર્થકતા અને સાર્થકતાના બધા જ દ્વન્દ્વ અને એ બધાંની પિરણિત આખરે તો માનવીના મનની જ સરજત છે. ‘મનવો મારો નાગડો, ખભે નાખતો ખેસ’ની સાથે કાવ્યાત્તે આવતો 'વાહ અમારા લંબુ!’ જેવો ઉદ્ગાર કવિને સીધા જ સાંધી લઈને કાવ્યને એક નવું પરિમાણ બક્ષે છે. ‘કમળવન’, ‘સિંહાસને', 'ભમ્મર, કોઠી’, ‘તેજપુંજનો મણિ', 'વેશપલટો' જેવા અનેક શબ્દો સંગ્રહનાં કાવ્યોમાંથી પ્રાપ્ત થાય છે.
સંગ્રહનાં કાવ્યોમાં એક બાજુ જાતને ઓળખવાની-પામવાની-શોધવાની વાત છે તો બીજી બાજુ કવિનો ગ્રામજીવન અને પ્રાકૃતિક તત્ત્વો સાથેનો લગાવ જેમાં પ્રગટ થવા પામ્યો છે એમાં સદાયના વનવાસી ઇન્દુપુવારનો પરિચય પ્રાપ્ત થાય છે. આવાં કાવ્યોમાં એક તરફ નગર સંસ્કૃતિ તરફનો આક્રોશ અને વ્યક્તિત્વ ઓળખની કપાઈ ગયેલી નસની વેદના છે તો બીજી બાજુ કાળક્રમે એના તરફ પેદા થયેલી મમતા અમદાવાદ વિષયક સર્જાયેલાં ત્રણ કાવ્યોમાં જોવા મળે છે. કવિએ પ્રસ્તાવનામાં જ કહ્યું છે : ‘સદાયના વનવાસી નગરવાસી થયા, એનો અહોભાવ આજે અમારા ચહેરા પર તરવરી રહ્યો છે! આ જ આનંદ અને અહોભાવ હો ઝાડ મારા', 'રોમાંચ નામે નગર', ‘નદી છે લીલીછમ છે વહેતી છે’ અને ‘માટી, કાળું ગુલાબ ને ત્રીજી આંખ' જેવાં કાવ્યોમાં ભરચક જોવા મળે છે. પરંતુ એ સિવાય પણ નીચેની પંક્તિઓ જુઓ :
- ‘નદી તારે કાંઠે બેસવાનો અમારો આનંદ' (પૃ. ૭૬)
- ‘થૅન્કસ, ડિયર તડકાના ટુકડા!’ (પૃ. ૭૮)
- ‘મારો રસ્તો વૃક્ષોનો છે
મારો અવાજ પાણીનો છે
ને મારો પડછાયો પારેવાનો છે' (પૃ. ૨૦)
- ‘વૃક્ષ થવાની ઘેલછા અને મારો હાથ જમીન એક છે.’ (પૃ. ૨૧)
- ‘ગોરસ આંબલી અને મારી જમીન એક છે.’
- ‘ખિસકોલીની + મારી આંખો એક થઈ
મારું મૌન + લીમડાની ભાષા થઈ.’ (પૃ. ૨૧)
- ‘ઝૂંપડી પાસે ઊગેલી લીલી કૂંપળનો ભેદ પમાયો નથી’
- ‘હું નદી સાથે જોડાયેલા નગરનો રંગ પાણીમાં ડૂબી ગયો છે એમ માની ડૂબકી મારી દઉં છું તેવે સમયે ભીની ભીની રેતી રેતી મારી આવતી આવતી ક્ષણ વિશે વાત વાત કહેવાનું શરૂ શરૂ કરે છે કરે છે.’ (પૃ. ૩૯)
- ‘તારી લીલીછમ ડાળખી તો આપ!’
કવિની આ આખી ભાવસૃષ્ટિ બદ્ધ થઈ છે અછાંદસમાં. કવિ કબૂલે છે કે 'અછાંદસ જ લખીશ એવો નિર્ણય છે મારો. મારી કાવ્યવિભાવનાની નસ આ અછાંદસે જ ઓળખી છે એવું સતત મને લાગ્યા કર્યું છે.’ સંગ્રહની ‘બે અછાંદસ સોનેટ' કે 'અછાંદસ છું' એ રચનાઓને પાસપાસે મૂકીને અવલોકવાથી પ્રતીતિ થશે કે લીલુંછમ સુડોળ લિરિકલ વૃક્ષ અને હું વચ્ચેના સંવાદમાંથી અવતરતી 'અછાંદસ છું, અછાંદસ છું, અછાંદસ છું’ની ઉદ્ઘોષણા જ આ બંને કાવ્યોના કેન્દ્રમાં છે. કવિનો અભિગમ ગીત, ગઝલ, હઝલ કે બીજા લિરિકલ સ્વરૂપોના મુકાબલે ‘અછાંદસના સ્વરૂપમાં સ્પષ્ટ રીતે જઈને ઠર્યો છે.
આ સંગ્રહના ભાવવિશ્વ વિશે વાત કરતાં મને યાદ આવે છે સ્ટીફન સ્પેન્ડરે કહેલી આગવા વૈયક્તિક દર્શન (own individual vision) અને ઘરગથ્થુ ચિંતન (Homemade philosophy)ની વાત. સ્ટીફન સ્પેન્ડરે આ બે તત્ત્વોને આધુનિક સાહિત્યનાં સર્વસાધારણ લક્ષણ માન્યાં છે. રેમ્બોએ મંત્ર-તંત્ર, મદિરા, મૈથુન, સંત્રાસ વગેરે દ્વારા ઇન્દ્રિય-અનુભવને છિન્નવિચ્છિન્ન કરી દઈને અગોચર વિશ્વનું અનુસંધાન કરનાર કવિને પરમેશ્વર જેવા સારા થવાની શક્તિ ધરાવનાર 'દ્રષ્ટા'ને સ્થાને સ્થાપ્યો છે. આ સંગ્રહનાં કાવ્યો આસ્વાદતાં જ આ બધું યાદ આવે છે એના બે હેતુ છે.
(૧) અહીં કવિનું આગવું વૈયક્તિક દર્શન અને ઘરગથ્થુ ચિંતન આપણા ઇન્દ્રિય અનુભવને છિન્નભિન્ન કરી દે છે અને
(૨) આપણને આપણી જાતની શોધ માટે ઉદ્યુક્ત કરે છે.
❖
('અધીત : અઢાર’)