zoom in zoom out toggle zoom 

< અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા

અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘વાસ્યાં કમાડ હવે ખોલો!'

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪૪. ‘વાસ્યાં કમાડ હવે ખોલો!' દલિત
કાવ્યસંગ્રહનાં ગીતોમાં વ્યક્ત થતી દલિત સંવેદના

પ્રા. મહેશ જાદવ

કવિ શ્રી રમણ વાઘેલાના ‘વાસ્યાં કમાડ હવે ખોલો!’ નામે સાલ ૨૦૦૯માં દલિતકાવ્યસંગ્રહ પ્રગટ થયેલ છે. પ્રસ્તુત સંગ્રહમાં કુલ ૬૦ (સાઇઠ) કવિતાઓ છે. તેની કિંમત રૂ. ૭૫ છે. સંગ્રહનાં કુલ ૮૮ (અઠ્યાસી) પાનાં છે. તેમાંથી ૧૪ (ચૌદ) પાનાં અર્પણ, પ્રસ્તાવના, નિવેદન, આભાર, અનુક્રમણિકા વગેરે માટે ફાળવ્યાં છે. કાવ્યરચનાઓ ૧થી ૬૦ પાનાંમાં સમાઈ છે. છેલ્લાં પાનાંઓમાં કવિશ્રીની રચનાઓને વિશે શ્રી રજનીકાન્ત સથવારા, ભી. ન. વણકર, દીપક મહેતા, રૂપાલી બર્ક, દર્શના ત્રિવેદી તથા દલપત ચૌહાણે કરેલાં નિવેદનો છે. તે પછી ગ્રીક કવિ કૉસ્ટન્ટિન કેવેફી રચિત કાવ્યનો અનુવાદ ‘બારીઓ' રચના મૂકવામાં આવી છે. ત્યારબાદ ડૉ. બાબાસાહેબનો સંદેશ છે. કાચાપૂંઠા મઢેલ સંગ્રહના મુખપૃષ્ઠ પરનું ‘ખૂલતાં કમાડ’ ચિત્ર સદીઓથી બંધ બારણે અંધારામાં રખાયેલા દલિતોનાં બારણાં ખૂલે તો બહારનું અજવાળિયું વિશ્વ તેઓ પણ પામી શકે. તેમને હક-અધિકાર છે કે, તેઓને પણ સ્વતંત્રતા મળે એવું માર્મિક સૂચવે છે. છેલ્લા મુખપૃષ્ઠના પાને શ્રી કનૈયાલાલ મ. પંડ્યાના શબ્દોમાં આ કાવ્યસંગ્રહ વિશે વિવેચનાત્મક સંક્ષિપ્ત લેખ છે. આ સંગ્રહની રચનાઓને ‘નકરી પીડાનું સ્વસ્થ આલેખન' શીર્ષક તળે જાણીતા લલિત સર્જકશ્રી મણિલાલ હ. પટેલે આવકારી છે. તો ‘વાસ્યાં કમાડ હવે ખોલોની ભીતરમાં’ રૂપે કવિશ્રીએ પોતાનું અનુભવીય નિવેદન આપ્યું છે.

આ સંગ્રહમાં ૧૪ (ચૌદ) રચનાઓ ગીત સ્વરૂપે છે. ૩૩ (તેત્રીસ) રચનાઓ ગઝલ સ્વરૂપે, ૮ (આઠ) રચનાઓ અછાંદસ, ૧ (એક) હિન્દીમાં છે પણ તેની લિપિ ગુજરાતી છે, 2 (એક) પાટણ પી.ટી.સી. કાંડ પર, ૧ (એક) ગોલાણા હત્યાકાંડ પર તથા ૧ (એક) શહીદ દિનેશ વાઘેલાની સ્મૃતિમાં લખાઈ છે. કુલ રચનાઓમાંથી પ (પાંચ) રચનાઓ શહેરો વિશે છે. આ સર્વ રચનાઓમાં કવિએ દલિતોને સ્પર્શતા લગભગ વિષયો પર પોતાની કલમ અજમાવી છે. તેમણે દલિત કવિતાનું સૌંદર્ય જાળવ્યું છે. તેમાં ગીત અને અછાંદસ સ્વરૂપમાં તેઓ મને સ્પર્શ્યા છે. એમ કહી શકું છું કે, તેઓ પહેલાં દલિતગીતકવિ છે. એનો અર્થ એ નથી કે એમની ગઝલો ગમી નથી. તે સારા ગઝલકાર પણ છે.

આ કાવ્યસંગ્રહની રચનાઓ વિશે નામાંકિત વિદ્વાનોએ એમના વિચારો રજૂ કર્યા છે. એ સર્વેના વિચારોથી ઉત્તમ, ઊતરતા, એમનાથી વિરુદ્ધ કે એમના જેવા વિચારો મારે મૂકવા નથી. વિવેચન પણ કરવું નથી. બલ્કે મારે તો આ કાવ્યસંગ્રહમાંની મને ગમેલી, મને અસર કરી ગયેલી ગીતરચનાઓ અને તેમાં મારા દિલતસમાજનો અવાજ ઘૂંટાયો છે, તે જણાવવું છે.

સરવાળે સુણે ના આર્તનાદ, રાત બિચારી રોતી,
દિ' જોવાનું સપનું કેવું? તિમિર સરીખી જ્યોતિ!
(સાંપ્રત એક અવળવાણી, પાન નં. ૨૧)

દલિતોનો આર્તનાદ કોણ સાંભળે? એની દશાએ રાત પણ બિચારી બની આંસુ સારે છે. એના જીવતરમાં અંધારાં જ છવાયેલાં રહે છે. એને દિવસ જોવો એક સપનું છે. એનો ઉજાસ પણ અંધાર છે. જેવી રીતે રાતને દિવસ જોવાનું સપનું સાકાર થતું નથી, તે રડે છે. તેવી રીતે દલિતજનને પણ સુખ જોવાનું સપનું સાકાર થતું નથી. એનો આ આર્તનાદ સાંભળનાર કોઈ નથી ત્યારે આપણામાં એ દુઃખિયા માટે સંવેદના પ્રસ્તુત ‘વાસ્યાં કમાડ હવે ખોલો!’ કાવ્યસંગ્રહની રચનાઓ જગવે છે.

સંગ્રહમાંનાં ચૌદ ગીતોમાંથી ‘હવે વાસ્યાં કમાડ તમે ખોલો; ‘સમજણની વાટ', ‘કરમ અમારું કાઠું’, ‘લોક અજાણ્યું લાગે’, ‘થાકી જવાયું પ્રવાસમાં', ‘સરાસરી આપણે', ‘ગીત’, ‘અમે તો’, ‘આપણે તો’ જેવાં નવેક ગીતો વધુ સ્પર્શ્યાં છે. તો ‘તો ઘણું’, ‘તંતરનું આ જંતરમંતર’, ‘આપણે’, ‘આવી ચડ્યા', ‘મ્હાલું સપનાં જેવું’, ‘સંવેદના’ જેવી ગઝલોમાં વ્યક્ત થયેલી દલિત સંવેદના વધુ સ્પર્શી છે. તદુપરાંત અછાંદસ રચનાઓમાંથી ‘આહુતિ’, ‘યુદ્ધ અને બુદ્ધ', ‘જીવ્યે મર્યે જતા અમે…!’ જેવી રચનાઓ આપણને ઢંઢોળે છે. વિચારતા કરે છે. કવિ શબ્દને કેવી કેવી રીતે પ્રયોજે છે તથા તેમાંથી નીકળતો ભાવ ભાવકને કેવો તરબોળ કરે છે. પ્રસ્તુત કાવ્યસંગ્રહમાંથી પસાર થતાં દલિતોની આંતરિક અને બાહ્ય પીડા, શોષણ, સુખ-દુ:ખ, વ્યથા, ચેતના, આક્રોશ વગેરે જેવી બાબતોમાં તેમની નિરૂપણરીતિમાં નવી જ તાજગી મળી છે. કવિની પ્રત્યેક ગીત, ગઝલ કે અછાંદસ રચનામાં ચેતના-સંવેદના પ્રગટી છે.

સંગ્રહની પ્રથમ ગીતરચના ‘વાસ્યાં કમાડ હવે ખોલો!'માં કવિ વીસમી સદીમાં દલિતોની દશાની વાત મૂકે છે તે, છેક ‘આહુતિ' નામે પચાસમી અછાંદસ રચના એકવીસમી સદીના પ્રવેશદ્વારે આવે છે, ત્યાં સુધી લંબાય છે. એ લંબાણ વચ્ચેના અંતરમાં દેશ અને દુનિયામાં અનેક પ્રકારનાં પરિવર્તનો આવ્યાં છે. છતાં દલિતોના વિશેની માન્યતા ને માનસિકતા એની એ જ છે. એમણે તો મને-કમને સમયે સમયે તેમના હક અને અધિકાર માટે આહુતિઓ જ આપવાની છે. એની ક્યાંય નોંધેય ન લેવાય. જેની લીલીછમ ધતુરાના પાન સમી વેદનાઓ આપણને આ કાવ્યસંગ્રહમાંથી પસાર થતાં અનુભવાય છે.

કવિએ કાવ્યસંગ્રહનું નામ ‘વાસ્યાં કમાડ હવે ખોલો' પણ આ સંગ્રહની પ્રથમ ગીતરચનાની શીર્ષકપંક્તિનું યોગ્ય રાખ્યું છે. ગીતરચનાનો લય, તેનું લાઘવ, તેનો અંત્યાનુપ્રાસ, શબ્દોની પસંદગી તથા તેની ઉચિત ગોઠવણી, તેમાંથી સ્ફુટ થતા અર્થો વગેરે હૃદયગમ્ય બને છે. તેમાં મુકાયેલ વિચાર એટલે કે, કમાડ અમે નહીં પણ તમે ખોલો. કારણ કમાડ અમે નહીં તમે બંધ કર્યાં છે, એની ચાવી તમારા પાસે છે. એ ખૂલશે તો કમાડ બહારનો ઉજાશ અમે મેળવી શકીશું. કવિ કહે છે, વરસોથી અમે મૌન રહ્યા હવે સામી છાતીએ બોલશે. આ બોલમાં નિરૂપાયેલ દલિતપીડા, શોષણ, તરસ, અન્યાયનો ઘૂંટાતો અવાજ અને તેમાં ઉજાગર થતી ચેતના જુઓ, કાવ્યસંગ્રહના પ્રથમ ગીત ‘હવે વાસ્યા કમાડ તમે ખોલો’ની આ પંક્તિઓ,

પિવાતા લોહી વચ્ચે જિવાતા જીવતરના લીરેલીરાયે રોજ ઊડે,
જળની મશક મારી કાંધે ને તોય એક ટીપુંયે જળનું નહિ મોઢે.
બેઉ પગે બાંધી છે યુગોથી બેડીઓ, હળવેથી કોઈ હવે ખોલો!
હવે વાસ્યાં કમાડ તમે ખોલો!
ભીતરના ઓરડામાં બાઝ્યાં છે જાળાં ને તમરાંયે અંધારે રુએ,
કયા રે મલકની આ પીડાઓ સામટી વીસમી સદીમાંયે દૂઝે.
ભોગળ પણ થાકી છે વરસોની વીતકથી, રસ્સીનો વળ હવે ખોલો!
હવે વાસ્યાં કમાડ તમે ખોલો!

આ પંક્તિઓમાં દલિતોનું થતું શોષણ અને તેમાં દોજખભર્યું તેમનું જીવવું. તરસ છિપાવવા તેમની પાસે પાણી છે, પણ તેનું એકેય ટીપું તેઓથી પામી શકાતું નથી. કારણ આજકાલની નહીં પરંતુ યુગોથી તેમના બંને પગોએ આભડછેટ રૂપી બેડીઓ જડી દીધી છે. તેમાં વાંક એટલો કે, તેઓ દલિત છે. એ વેદના અહીં નિરૂપણ પામી છે.

દલિતોને વરસોથી તેમના યોગ્ય જીવનથી દૂર રખાયા છે. ત્યારે તેમને મળેલી અન્યાયી ને અમાનવીય પીડામાં મૌન રહ્યા છે. તેમની આ મૌન અવસ્થાની ભીતર ચેતનાનો સાગર સૂસવાતો તેની ચરમસીમાએ છે. આ પીડાઓ વીસમી સદીમાં આવ્યા તોય પીછો નથી છોડતી. દુઃખી કરે છે. તેઓ હવે શબ્દોનીય શરમ રાખશે નહીં. સામી છાતીએ બોલશે. માટે તમામ રીતે કરેલાં બંધ કમાડ હવે ખોલો. પોતાનામાં સમાવો. આ મને તો કવિએ કરેલું વિનંતીગીત લાગ્યું છે. તેમાં હળવાશથી મુકાયેલ, સ્પર્શોથી શરમાતા શબ્દો, રવરવતી વેદના, પાંપણનાં દ્વાર, જીવતરના લીરેલીરાયે, ભીતરના ઓરડામાં બાઝ્યાં છે જાળાં, ભોગળનું થાકવું ને રસ્સીનો વળ વગેરે જેવા શબ્દસૌંદર્યની ભીતર મુકાયેલ દલિતોનું વાસ્તવિક જીવન અર્થસભર બન્યું છે.

‘સમજણની વાટ' નામે રચના મને ગમતાં દલિતગીતોમાંની એક છે. દલિતને રસ્તો સમજવાનો ભાવ અહીં વ્યક્ત થયો છે. હજુ તેઓ દોજખભર્યાં ભીતરના જીવતરને સમજી શક્યા નથી. ત્યાં બહારનું જીવન કેવી રીતે સમજે, તેથી કવિ કહે છે કે, ‘હજી સમજણની વાટ ઘણી દૂર છે.' અહીં ‘વાટ' શબ્દના ઘણા અર્થ થાય છે, (વાટ એટલે (૧) રાહ જોવી (૨) રસ્તો (૩) દિવેટ) મંજિલે પહોંચવાની સમજણનો મૂળ માર્ગ ઘણો દૂર છે ત્યાં મંજિલ પામવાની વાત ક્યાં કરવી? કારણ જુઓ,

સુક્કા આ સમદરમાં તરફડતી માછલી ને મગરમચ્છોનું ઘણું શૂર છે.
હજી સમજણની વાટ ઘણી દૂર છે!

અહીં કવિ બે પરિમાણો (દૃશ્યો) યોજે છે. એક બાજુ દલિતજીવન સુક્કા થઈ ગયેલ સાગરમાં જેમ માછલી તરફડે તેમ તરફડે છે. તેને જીવવું છે. જ્યારે બીજી બાજુ બહાર કિનારા પર મગરમચ્છો તેનો શિકાર કરવા તેની રાહ જોઈને બેઠા છે. આમ, દલિતોનું તો માછલીની જેમ બંને બાજુએથી મોત જ છે. એમાંથી બચવાનો રસ્તો કઠિન છે, એટલી વાત સમજવી ઘણી દૂર છે. કારણ કે રસ્તામાં તેને કેવી પીડા જીરવવી પડે છે, કેવાં દુ:ખો સહેવા પડે છે. તેની વાચા પછીની ગીતપંક્તિઓમાં છે. જુઓ,

સર્પોની કાંચળીથી સરકંતી વેદના ને વગડામાં વલવલતી વાણી,
ક્યાંથી સંભળાય ભલા દુર્ગમ આ ઝાડીમાં ચીસભરી અનહદ કહાણી?
કાંટા ને ઝાંખરાંને ગોપવીને જાવું ક્યાં, હાથી મદમસ્ત ગાંડોતૂર છે!
હજી સમજણની વાટ ઘણી દૂર છે!

લપકતી કાન મહીં સીસાની જ્વાળાઓ, પોથીના શબ્દો હજી દૂર છે.
પીળા પ્રસ્વેદોની નદીયુંના તીરેથી વહેતું જીવતર આખું ધૂળ છે!
મંદિરના આરસ તો તરસે છે પગલાંને, ગંગા-જમનાનું વ્હેણ દૂર છે!
હજી સમજણની વાટ ઘણી દૂર છે!

આ ગીત એના લય અને પ્રાસથી રળિયામણું બન્યું છે. પણ એમાં નિરૂપાયેલ વાસ્તવિક જીવતર ગીતને એની કરુણતા બક્ષે છે. કવિએ આ ગીતમાં માછલી, મગરમચ્છ, સાપ, હાથી જેવા શબ્દો લાક્ષણિક અર્થો મૂકીને દલિતપીડાને જીવંત કરી છે. વેદનાને સાપ જેમ તેની કાંચળી ઉતારતાં વેદના અનુભવે તેવી છે. વાણી વગડામાં વલવલે, ચીસો પાડે જ્યાં કોઈ સાંભળનારું નથી. મંદિરના આરસ, ગંગા-જમનાનું વહેણ દલિતોના સ્પર્શ માટે તલસે છે, પણ અદલિતો દૂર રાખે છે. તેઓના ભગવાન અભડાઈ જાય. વેદના માટે કવિએ પ્રયોજેલાં કલ્પનો વેદનાની ચરમસીમા છે.

‘કરમ અમારું કાઠું' ગીતમાં પહેલાં કવિ વિચારોમાં ખોવાયા છે. તે જુએ છે પોતાનું દલિત હોવાપણું અને એમાં મળેલ જીવનને. પછી જાણે નિરાશા સાથે પોતાના મનને કહી નાખતા હોય તેમ જુઓ,

કરમ અમારું કાઠું મનવા, કરમ અમારું કાઠું!
મળ્યું છે મોટું ચાઠું મનવા, કરમ અમારું કાઠું!
મનવા, કરમ અમારું કાઠું!
દુ:ખનું ઓસડ દ્હાડા એવું કૈંક અમે તો જાણ્યું,
જીવતર આખું દુ:ખની વચ્ચે ખેરની માફક તાણ્યું.
લાજ-શરમના ઊડતા લીરા, સહુએ માર્યું પાડું!
મનવા, કરમ અમારું કાઠું!

કવિને મળેલું દલિત હોવાનું જીવન ‘ચાઠું’ લાગે છે. કારણ દલિતો ગમે તેટલા ધમપછાડા કરે, ગમે તેટલી પ્રગતિ સાધી લે તોપણ, તેનું દલિત હોવું એ કરમની કઠિણાઈ છે. કવિ અહીં ‘ખેર’ શબ્દ ઉપમા અલંકારમાં મૂકીને લક્ષણાશક્તિ પ્રગટાવે છે. ‘ખેર' શબ્દનો એક અર્થ ભલે, હશે, ફિકર નહિ થાય છે, બીજો અર્થ ધૂળ, ખેરો અને ત્રીજો અર્થ ખેરનું ઝાડ થાય છે. ખેરનું વૃક્ષ ઘણું ઉપયોગી હોય છે, પણ તેનો આ ઉપયોગ તેને મિટાવી દઈને થાય છે. કવિ જીવનને ‘ખેર' સમું કહીને પેલા ત્રણેય અર્થો સાર્થક કરે છે. આ જીવનમાં અપમાન મળે છે શરીરમાં પળેપળ ઘા એટલા થાય છે કે હવે તો લોહી પણ નીકળતું નથી. કરેલી કાળી મજૂરીની પીડા હથેળીમાં ને ઉઘાડા પગમાં ભોંકાયેલ બાવળના કાંટાની વેદના છે. તરસમાં પાણી નથી મળતું, મળે છે મૃગજળ. એમાંય આજેય એટલે કે, એકવીસમી સદીમાંય લોક અભડાય. કવિને આ બધું પીડે છે. છતાં અહીં કશુંય આક્રોશથી કે બંડ પોકારીને કહેવાતું નથી. કહી શકાતું પણ નથી. તેથી જ તેઓ આ સ્થિતિને પોતાના કરમનો દોષ દેતા જણાય છે. ગીતમાં મન મનાવી લેવાનો ભાવ પ્રગટ્યો છે.

‘લોક અજાણ્યું લાગે' ગીતરચનામાં કવિ જે શહેરમાં રહે છે તેમાં તોફાન ફાટી નીકળે છે. ઘાતકી ઓળાઓ બંદૂક તાકે છે. ગલીએ ગલીએ ધૂંઆદાર ઘટનાઓ ઘટે છે. તેમાં પંખીના સૂચક અર્થમાં એક વ્યક્તિ ફસાયો છે. તે પોતાનો નિવાસ શોધતો ફરે છે. નિવાસ નથી મળતું. તેને અજાણ્યું લાગે છે. કવિ ચિત્ર રજૂ કરે છે જુઓ,

ધૂંઆધાર ઘટનાઓ ઘૂમે ગલીએ ગલીએ નાકે,
રક્તવિહીન ઓળાઓ બંદૂક કોની સામે તાકે?
એક અજાણ્યું પંખી માળો શોધી શોધી થાકે!
સાવ અજાણ્યું શહેર અને આ લોક અજાણ્યું લાગે!

જ્યારે શહેરમાં તોફાન ફાટે તેમાં માણસની દશા કેવી થાય છે, તેની સજીવારોપણ અલંકારમાં આ પંક્તિ જુઓ, ઊભી વાટની કોરે કોરે થોર ઊગેલા ભાગે! અહીં જીવન ભયભીત નિરુપાયું છે. રસ્તા પરના કાંટાળા થોર ઊગેલા ભાગવું પડે, તોફાનોમાં એનાથી વરવું દૃશ્ય અન્ય કયું હોઈ શકે!

‘થાકી જવાયું પ્રવાસમાં' ગીતમાં કવિ પ્રશ્ન પૂછે છે જુઓ,

કેમ થાકી જવાયું પ્રવાસમાં?
એમ થાકી જવાયું પ્રવાસમાં.

આ જીવન એક પ્રવાસ છે, એમાં થાકી જવાય એનાથી વિશેષ બીજી કઈ વેદના હોઈ શકે અહીં પ્રથમ પંક્તિમાં કવિ પ્રશ્ન ‘કેમ’ પૂછીને તરત જ બીજી પંક્તિમાં એનો જવાબ ‘એમ’ના સ્વરૂપે આપી દે છે. કવિ આ ‘કેમ’ અને ‘એમ’ની વચ્ચે જિવાતા જીવનના પ્રવાસમાં જે રીતે જિવાયું તેમાં થાકી ગયા છે. કારણ કે તે ‘વેઠ’ રૂપે વેઠીને જિવાયું છે. એનો જવાબ આપી શકાતો નથી. કારણ, હળેલા-મળેલા લોકો હજુયે પૂછે છે એનું એ જ. જે સદીઓથી પુછાતું આવ્યું છે એ. હવે કેટલાને એના જવાબ આપવા. આ વેદના કાંટાની માફક ખૂંચે છે. તેથી કવિને થાક લાગે છે. ગીતમાં આવતા પ્રાસ ગીતને શોભાવે છે.

'સરાસરી આપણે' ગીત દલિતજીવનની દોજખભરી જિંદગીનો અનુભવ કરાવતું ગીત છે. દલિતજીવન સરાસરી એટલે કે સરેરાશ હોય છે.

ઊભી બજારે લોક હરખાતું જાય, કોઈ નજરુંયે ના નાખે એ તાપણે!
આમ જીવવાનું સરાસરી આપણે!

દલિતોનું જીવન ‘તાપણા' જેવું છે. તાપણું સળગે છે. તેની આગે બીજાને હૂંફ મળે છે. એનું કામ ટાઢ ઉડાડવા પૂરતું જ. એના જીવનનું કોઈ મહત્ત્વ હોતું નથી. એની સામે નજર મિલાવીને કોઈ જોતું પણ નથી. જુઓ,

વર્ષોની વેદનાનું પડ જો ઉખેડશો તો પરપોટા નદીયું થૈ વહેશે.
દુ:ખ સહ્યે જાવ તોય ઉપરથી ડામ દઈ ‘છાનો મર’ બે શબ્દો કહેશે.
જોવું ના સાંભળવું, કહેવું ના કથવું, પૂછું: કોના બરાબરી આપણે?
આમ જીવવાનું સરાસરી આપણે!

દલિત કોઈની બરાબરી ન કરી શકે. તેની વેદના આજકાલની નથી. એ તો વરસોની છે. હવે તો એ પરપોટા રૂપે પડ બની ગઈ છે. એને ઉખેડશો એમાંથી નદીનું રૂપ થઈ વહેવા માંડશે. એ દુઃખ સહન કરતો જાય તોય તેને ડામ દેવામાં આવે છે. એ વેદનાની ચીસ પાડે તો ‘છાનો મર' કહી ચૂપ કરી દેવામાં આવે છે. આ બધું સહન કરવામાં કવિ પોતાનાને જ કોના બરાબરી આપણે? -નો સવાલ કરે છે. આ ગીત મને લલિત ગીતકવિ રમેશ પારેખ તથા કવિ હરીન્દ્ર દવેની યાદ અપાવી જાય છે. તેમાં મુકાયેલ ભાવ, તેનો અંત્યાનુપ્રાસ અને તેનો લય મનભાવન છે. દલિતો વાતોમાં ભોળવાઈ જાય છે. કોઈ જો ઉપદેશ આપે તો આખું ગામ ખાલી થઈ જાય. આવા ધાર્મિકપણામાંય અહીં અધાર્મિક રીતે કવિના શબ્દોમાં ઠૂંઠાની જેમ અહીં જણ જો કપાય, તો તમાશો થાય છે. અહીં કલરવ કરવાની આશા નથી. અહીં વેદના તીવ્ર બને છે. આક્રોશ થાય છે, પણ તે સામના માટેનો નથી. સરાસરી રૂપે સ્વીકાર કરવાનો છે.

‘ભલે ધોધમાર વરસ્યો વરસાદ' ગીતરચનામાં કવિને વરસાદ ધોધમાર વરસ્યો એની પડી નથી. કેમ કે,

લીલાંછમ્મ પાંદડાંની તીણી-શી વેદનાની કોણ કરે સહેજે દરકાર?
ભલે ધોધમાર વરસ્યો વરસાદ!

એ ધોધમાર વરસાદ પેલા લીલાંછમ્મ પાંદડાં ઉપર પડે છે. તેની તીણી વેદનાની સહેજ પણ દરકાર કોઈ કરતું નથી. લીલાંછમ્મ પાંદડાંમાં યુવાની અને એમાંય દલિતજનની યુવાનીમાં મળતી વેદના સૂચિત થાય છે. નેવાંમાંથી વહેતું પાણી સંવાદ રચે છે. તે સાંભળી નળિયાં મલકાય છે. આ વહેતા પાણીમાં કાગળની હોડીઓ તરાવવી છે પણ, તે તરશે કે નહીં એ વહેમ છે. આ સ્થિતિએ પણ પેલા જળનું છલકાઈ જવું. અહીં વરસાદને સુખના અર્થમાં વરસાવ્યો છે. આ બધું આકાશે થતી વીજળીના ચમકારા જેટલું છે. પછી તો આખોય અવતાર એના એ જ અંધારાંથી ઓઢવાનો છે. તેથી જ કવિ કહે છે,

ભીની આ રાતોને કેમ કરી સમજાવું

જલતા આ આયખાની વાતો?
ઈંધણ તો દૂર ભલા ખૂટ્યાં છે આંસુ,
કેમ ભરવી અહીં પોશ પોશ રાતો?
ભરચક ચોમાસે મ્હારે શોધવાની કેડી ને ઝંખનાનો સુક્કો સહવાસ!
ભલે ધોધમાર વરસ્યો વરસાદ!

‘અમે તો’ આ ગીત દુ:ખ અને પીડાનું છે. આખા ગીતમાં વેદના જ વેદના છે. તેની પ્રથમ પંક્તિ જ જુઓ,

અમે તો અઢળક આંજ્યાં દુઃખ!
રાત-દિવસની પીડા પલપલ, સો જોજન દૂર સુખ!
સપનાંઘેલી આંખો પૂછે : ક્યાં છાયો - ક્યાં ધૂપ?
અમે તો અઢળક આંજ્યાં દુઃખ!

કવિએ આંખમાં મેશની જગ્યાએ દુ:ખ આંજ્યાં છે. શબ્દની લક્ષણા શક્તિ સુપેરે પ્રયોજી છે. જે કલાત્મકતા છે. સુખ તો જોજનો દૂર છે. પલપલની પીડા છે ત્યાં દુઃખ આંજેલી છતાં સપનોમાં ઘેલી થયેલી આંખોને ક્યાંય છાંયો કે ધૂપ જેવું કશુંય દેખાતું નથી. સુખ કહી શકાય એવું ક્યાંય નથી. આગળ વધી કવિ ઉત્પ્રેક્ષા અલંકારમાં કહે છે તે જુઓ,

વ્હાલવિહોણા દિવસો તરસે, જળ ના લ્હોતું મુખ!
ઝાડુ સરખી જિંદગી જાણે ધૂળ-કંકરની રુખ!
અમે તો અઢળક આંજ્યાં દુ:ખ!

દુ:ખીજનોને કોણ વહાલ કરે. ઉપમા અલંકાર રચીને જિંદગીને ઝાડુ સાથે સરખાવીને તેમાં ‘જાણે’ રૂપી ઉત્પ્રેક્ષા(શક્યતા) ઊભી કરીને જિંદગીને ધૂળ- કાંકરાની રૂખ કહે છે. ઝાડુ વડે ધૂળ-કાંકરાની રુખ એટલે કે કચરો વાળી શકાય છે. આ ગીતમાં કવિએ નરી વેદના જે દલિતજન માટે સહજ બની ગઈ છે તે, શબ્દોની આડશે મૂકી આપી ચેતના જગાડી છે.

‘આપણે તો’ ગીત રચનામાં કવિ જુદી રીતે પ્રગટ થયા છે. પોતાના દલિતસમાજના લોક સુખી થાય પછી ભૂતકાળ ભૂલી જાય છે. કવિ કટાક્ષ ને વ્યંજનામાં કહે છે જુઓ,

આપણે તો આપણાથી નોખા!
નિર્ધનને ઘેર કદી મૂકીએ ના પગ
અને વાંસા પર ફેરવીએ ન હાથ,
ધનના ઢગલા પર બેઠેલા મહાજનને
ઝૂકી ઝૂકીને કહીએ નાથ,
કદી ઈશ્વરને મૂકીએ ના ચોખા! આપણે તો…

સુખી થઈ ગયેલ દલિત પોતાના જ બાંધવોથી અલગ પડી જાય છે. ગરીબના ઘેર પગ પણ મૂકતો નથી કે પાસે જઈને તેની પીઠ પર પ્રેમનો હાથ પણ ફેરવતો નથી. લાલચુ અને સ્વાર્થીલો થઈ જાય છે. સંપત્તિવાનને ઝૂકીને પોતાનો નાથ બનાવે છે પણ ઈશ્વર જેવા પોતાના ગરીબ જનને મદદ કરતો નથી. તે ઈશ્વરને પણ ધોખો દે છે. દલિતોને આવી પણ પીડા કોતરી ખાતી હોય છે. કવિ તેની તરફ ધ્યાન દોરે છે. કવિ વધુમાં કહે છે તે જુઓ,

પારકા ને પોતાના પાડીને ભેદ
ભલા વાંચીએ રાતદિન વેદ,
ઊગેલા અર્થોને મૂળસોતા કાપીએ
અને વર્ણોમાં ભારોભાર ખેદ,
હવે માણસને મળીએ થૈ નોખા! આપણે તો..

.

જ્યારે પોતાના જ દૂર થઈ જાય, અંદરોઅંદર ભેદ પાડે, એકબીજાની પ્રગતિને અવરોધે, આવા અજ્ઞાની થઈ પાછા વાંચે વેદ. માણસ થઈને માણસના રૂપે ન મળે ત્યારે પેલી દલિત હોવાપણાની પીડામાં વધારો કરે છે. અહીં કવિને સુખી દલિતે દુ:ખી દલિત માટે કરેલા કમાડ બંધને ઉઘાડવાની ચેતના પણ જગાડવી છે.

આમ, પ્રસ્તુત ગીતરચનાઓમાં કવિ વલોવાયા છે. એકેય ગીત સુખનો અનુભવ કરાવતું નથી. એથી જ કદાચ ઉત્તમ દલિતગીત બન્યાં છે. રચનામાં આશાઓ છે ને નિરાશાઓ પણ છે. આક્રોશ છે પણ તીવ્ર નથી. એ જ કવિની રચનાઓની ખૂબી છે. કહેવાની વાતને વધુ અસરકારક બનાવીને કઠણ હૈયાના ભાવકને પણ સ્પર્શે એવી ભાષાશૈલીનો ઉપયોગ કર્યો છે. પોતાની વાત મૂકવામાં કવિએ જરૂર પડ્યે કલ્પનો, પ્રતીકો, રૂપકો, અલંકારોનો ઉપયોગ કરીને અર્થનો સુપેરે વિનિયોગ કર્યો છે.

મને એમ થાય કે, કોઈ પૂછે કે દલિતકવિતાનું સૌંદર્ય શું? તો તેનો જવાબ આપું કે, દલિતકવિતામાં પીડાનું, વેદનાનું, શોષણનું, અન્યાય અને આક્રોશની તીવ્રતાનું સૌંદર્ય હોય છે. એમાં સુખનું સૌંદર્ય ભાગ્યે જ મળે. કારણ કે, તેમાં સુખ મેળવવાની મથામણનું સૌંદર્ય હોય છે. છતાં તમે કવિ શ્રી રમણ વાઘેલાના દલિતકાવ્યસંગ્રહ ‘વાસ્યાં કમાડ હવે ખોલો!’ને વાંચી લો. હા, આજના સમયમાં દલિત શિક્ષિત બન્યો છે. બાબાસાહેબના પ્રતાપે સુખી પણ થયો છે. તેને દલિત હોવાની અનુભૂતિ ન પણ થઈ હોય. છતાં તેને તેની સ્વતંત્રતાનું તેના અધિકારનું સુખ મળે તો… હવે પછીની દલિતકવિતાનાં વહેણ પલટાય પણ ખરાં.

(‘અધીત : આડત્રીસ')