અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘અનેક એક' : ચેતોવિસ્તારની યાત્રા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪૩. ‘અનેક એક' : ચેતોવિસ્તારની યાત્રા

રાજશ્રી જોશી

આપણા આદિ કવિ નરસિંહ મહેતાએ ગાયું છે, ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત ભાસે, દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે, પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા! વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે! જૂજવાં નામરૂપે સચરાચરમાં વ્યાપેલ આ પરમતત્ત્વની ખોજ કવિશ્રી કમલ વોરાના કાવ્યસંગ્રહ ‘અનેક-એક’ની રચનાઓમાં પણ જારી રહેતી અનુભવાય છે. ૨૦૧૨માં પ્રકાશિત ‘અનેક-એક’ શ્રી કમલ વોરાનો બીજો કાવ્યસંગ્રહ છે. આ અગાઉ ૧૯૯૧માં આ કવિ પાસેથી ‘અરવ' નામે કાવ્યસંગ્રહ મળ્યો છે. ‘અનેક-એક’ શીર્ષકની બે રચનાથી કવિ આરંભ કરે છે. ત્યાર પછી ‘અનેક’ અને ‘એક' જેવા બે મુખ્ય વિભાગ છે. ‘અનેક’માં વળી એકથી પાંચ પેટાવિભાગ હેઠળ ત્રણ પંક્તિથી લઈને બે પેઈજની એવી કુલ ૧૬૨ કાવ્યરચનાઓ છે. કવિએ એક જ વિષયવસ્તુ કે ભાવને લઈને કાવ્યગુચ્છો આપ્યા છે. આવી રચનાઓમાં ભાવનો ક્રમિક વિકાસ પણ જોવા મળે છે તો ક્યાંક કવિ કોઈ વિચારની માંડણી કરીને પછીની રચનામાં એને ઉથાપે છે ને વળી નવેસરથી માંડણી કરે છે. ‘એક’ વિભાગમાં ૧૩ મુખ્ય રચનાઓ મળે છે. જેમાં ‘જાદુગર’ શીર્ષક ત્રણ, ‘ખંડિત સત્યો’ શીર્ષક આઠ અને ‘આગિયા’ શીર્ષકવાળી બે રચનાઓ છે. આ તો થયો આ કાવ્યસંગ્રહનો તેની કાવ્યસંખ્યા પ્રમાણેનો પરિચય.

હવે એમાંથી કેટલાંક મને સ્પર્શેલાં, થોડાં વિશેષ જણાયેલાં કાવ્યોની ચર્ચા આપની સમક્ષ મૂકવા માંગું છું. સંગ્રહને આરંભે ‘અનેક-એક’ શીર્ષકે મુકાયેલું કાવ્ય, સંગ્રહની તમામ રચનાઓનું પ્રતિનિધિત્વ કરતી રચના છે. સર્વવિદિત છે તેમ આ સમગ્ર સૃષ્ટિ પેલા સર્વોપરી, સર્વવ્યાપી એવા પરમ તત્ત્વની લીલા છે. પરમ તત્ત્વ એક હતું તે અનેકરૂપે વિસ્તર્યું ને એ વૈવિધ્યસભર સૃષ્ટિને આપણે તો એક અખિલ બ્રહ્માંડ રૂપે જ નિહાળીએ છીએ. આમ એકમાંથી સર્જાયેલ અનેકને કવિ અનેક અને એક, અનેક કે એક, અનેકમાં એક, અનેકથી એક, અનેકનું એક જેવાં વિવિધ રૂપે ઓળખાવે છે. છેવટે તો એક ને અનેક એક જ છે એમ દર્શાવતા ‘અનેકએક / હોય છે.' એમ પ્રતિપાદિત કરે છે. બીજું કાવ્ય પણ આ ભાવનો જ વિસ્તાર સાધે છે. કવિ પરમતત્વ અને જગતની એકરૂપતા દર્શાવવા વિશેષણ-વિશેષ્ય, ઉપમાન-ઉપમેય, ધ્વનિ-શબ્દનાં દ્વન્દ્વ યોજે છે. વિશેષણ-વિશેષ્ય, વચ્ચેનું અંતર ભૂંસાય, ઉપમાન - ઉપમેય સમાન બને અને શબ્દ-ધ્વનિ પરસ્પરમાં સમાવિષ્ટ થાય છે ત્યારે સ્વ-પર, જડ-ચેતન, જીવ-શિવ એવા ભેદો ભૂંસાઈ જાય છે. જ્યાં બંને સમાન છે. અનન્ય છે એવા સાદૃશ્યની અનુભૂતિ શક્ય બને છે. ને એ જ તો છે સમાધિ અવસ્થા. પ્રાચીન સમયથી જેનો મહિમા સ્વીકારાયો છે એવી અવસ્થા, સર્જનના સાક્ષાત્કારની અવસ્થા.

‘અનેક-૧’માં કવિ સર્જનપ્રક્રિયાની અનુભૂતિને વાચા આપે છે. ‘કોરા કાગળ' શીર્ષકે ૧૩ કાવ્યોનું ગુચ્છ મળે છે. કોરા કાગળને કવિ પવિત્ર કહે છે. જેના પર અક્ષરે નથી પડ્યો, જે કાગળ હજી કોઈ સીમિત અર્થમાં બંધાયો. નથી. શબ્દોના ચક્રવાતે ચડ્યો નથી તે કાગળને કવિ કોરો રાખવા ઇચ્છે છે. ચારે તરફ શબ્દોના, ભાષાના અવિચારીપણે થતા ઉપયોગની સામે કવિને મૌન રહેવું છે. કોરા કાગળ દ્વારા જ અભિવ્યક્ત થવું છે. પોતાની વાચા અને ભાષાને ઘૂંટતા કવિને એક અક્ષર પણ પાડવો દુષ્કર લાગે છે. વિદ્યાદેવીને, કાવ્યદેવીને કવિનું નિવેદન છે ‘ક્ષરઅક્ષરને નિઃશેષ કર, નિઃશેષ કર.’ નર્યા વાણીવિલાસ પ્રત્યે કવિનો આ મૌન પ્રતિકાર છે. એ પછીનું કાવ્યગુચ્છ ‘લખતાં લખતાં' પણ આ ભાવને દૃઢાવે છે. સર્જન સાયાસ પ્રવૃત્તિ નથી, સહજ પ્રક્રિયા છે એ અહીં વ્યક્ત થયું છે. સહજ ઉદ્રેકથી સર્જનપ્રવૃત્ત થતા કવિને ઝગમગ અક્ષરોમાં ઊઘડતું આકાશ, ઊછળતો સમુદ્ર, સમુદ્રમાં ઝબૂકતાં પંખી મળી આવે છે. શબ્દમાંથી પ્રગટતા અર્થના અજવાળાનો આહ્લાદ હજી તો અનુભવાય ત્યાં તો તે ખોવાતો જાય છે. પણ છતાં લખતાં લખતાં અટકવું કપરું છે. કવિને પ્રશ્ન થાય છે કે પોતે લખતાં લખતાં વિસર્જિત થાય છે કે રચાતા આવે છે? કારણ સર્જન પહેલાંની મનોવૃત્તિ / ચિતવૃત્તિ હવે બદલાઈ ચૂકી છે. એક નવા આહ્લાદનો, અભિવ્યક્તિના સંતોષનો જ અનુભવ બાકી રહે છે. ત્યાર પછીના ગુચ્છનું શીર્ષક છે ‘કલમ'. સર્જકની સર્વ અનુભૂતિ શબ્દમાં યથાતથ મૂકવી અશક્ય છે. સૂક્ષ્મ અનુભૂતિને સ્થૂળ શબ્દરૂપ આપવામાં ઘણું કહેવાનું પૂર્ણપણે કહી શકાતું નથી. જેટલું કહેવાય છે તેમાં યે અસ્પષ્ટતા તો રહે જ છે. છતાં અવ્યક્તને વ્યક્ત કરવાનું આ જ માત્ર માધ્યમ છે દ્વિધામાં કવિ કહે છે એક તરફ અક્ષરોનું આક્રમણ છે ને બીજી તરફ કોરા કાગળનું- મૌનનું આકર્ષણ છે. બંને વચ્ચેના અવકાશમાં / નિઃશબ્દ રહી / બેઉ તરફના આવેગને ખાળું છું.’

‘અનેક-રમાં પથ્થર, ખડક અને કિલ્લા વિષયક કાવ્યો છે. ‘ખડક' કાવ્યમાં જમીન પર, નદીકિનારે, સમુદ્રકિનારે આવેલા, ક્યારેક ઝાકળબુંદ ઝીલતા, ક્યારેક નદીના નીરની ભીંસમાં વીંટળાતા, સમુદ્રનાં પ્રચંડ મોજાંનું જોમ ઝીલતા, વાવાઝોડા ને ઝંઝાવાતમાંયે અડીખમ ટકી રહેતા મજબૂત ખડકો, જે પોતાનામાં જળભંડાર પણ સંઘરી બેઠા છે ને ક્યાંક ઊંડે એમાં લાવારૂપે અગ્નિ પણ રહેલો છે એવા ખડકોની વિશેષતા કવિએ આલેખી છે. ‘કિલ્લો' શીર્ષકની પાંચ રચનાઓમાં કવિ હાથી-ઊંટ, બુરજો-કાંગરા, બખ્તર-તલવાર-ભાલા, રણશિંગાં, દુશ્મનછાવણી, સૈન્ય વગેરેના ઉલ્લેખ દ્વારા પ્રાચીન કિલ્લાનું તાદૃશ ચિત્ર આલેખે છે; પરંતુ એ આલેખન જ માત્ર કવિને ઉદ્દીષ્ટ નથી. તેમણે તો જીર્ણશીર્ણ થતા કિલ્લા અને યુદ્ધ હારીને પાછા ફરતા સૈન્યને પણ સર્જનપ્રક્રિયા સાથે સાંકળ્યાં છે. પોતાની કોઈ અનુભૂતિની અભિવ્યક્તિ સાધવા અક્ષરો તો ગોઠવ્યા પણ તેમાં પૂર્ણ અભિવ્યક્તિ ન થઈ શકી અક્ષરો જાણે વેરવિખેર થઈ ગયા ને કાગળ ખસી ગયો ફરી કદાચ મૌન જ શ્રેષ્ઠ અભિવ્યક્તિ બની રહે છે.

અનેક-૩ વિભાગમાં જળવિષયક રચનાઓ છે. આવી એક રચનામાં કવિ જળનાં વિવિધ રૂપોનો પરિચય આપે છે. જળ આપણું એક આદિમ તત્ત્વ છે. સૃષ્ટિને વીંટળાઈને રહેલાં ખળભળતાં, ઊછળતાં, ફોરાં ફોરાં થઈને પછડાતાં જળરૂપની સાથે જ વરાળ-વાદળ સ્વરૂપે સૂર્યની સમીપે પહોંચતાં, ક્યાંક હિમ થઈને ઠરીને રહેલાં તો પોતાનામાં વડવાનલ છુપાવીને રાખતાં જળને વનસ્પતિમાં રંગ, રસ, ગંધ ને ફળરૂપે પરિપ્લાવિત થતું કવિ વર્ણવે છે. સૃષ્ટિની ઉત્પત્તિ જળમાંથી થઈ છે અને જલપ્રલય વડે જ સૃષ્ટિનો અંત આવવાનો છે એ મિથનો સંદર્ભ અહીં જોઈ શકાય છે.

બીજા કાવ્યના પ્રથમ ખંડની છેલ્લી પંક્તિ- જળ… ભળી ગયાં જળમાં

બીજા ખંડની છેલ્લી પંક્તિ - જળ… મળી ગયાં જળને

ત્રીજા ખંડની છેલ્લી પંક્તિ - જળ… કળી ગયાં જળને…

વડે કવિ જળના સર્વવ્યાપી રૂપને સંદર્ભે સર્વવ્યાપી પરમ તત્ત્વનું સૂચન કરે છે. પરમ તત્ત્વ સર્વવ્યાપી હોવા છતાં એને કળવું મુશ્કેલ છે. એમાં ભળીને જ એને પામી શકાય. કવિએ ક્રિયાપદો દ્વારા આ ભાવ મૂર્ત કર્યો છે. ‘તરંગો’ ગુચ્છનું પ્રથમ કાવ્ય એક સુંદર શબ્દચિત્ર તો છે જ છે ‘સમુદ્ર / ઊછળી રહ્યો છે તરંગોમાં / તરંગો / ઊછળી રહ્યાં છે / સમુદ્રમાં - સાથે સાથે જીવ-શિવના અવિનાભાવી સંબંધ સાથે પણ એને જોડી શકાય. બીજું કાવ્ય મધુર કલ્પનલીલા છે - ‘તરંગ / સૂર્યને / સમુદ્રમાં આઘે આઘે વહાવી / ઊંડે તાણી જઈ / પ્રચંડ જળરાશિમાં / વેરી દે છે.’

આ કાવ્યસંગ્રહની સૌથી નાની પણ જેને સંગ્રહના અન્ય કાવ્યોને પામવાની ચાવી ગણી શકીએ તે રચના ઘટ આ પ્રમાણે છે - ‘ઘટમાં / કંકર પડે / તરંગિત જળ / રણકી ઊઠે.' નાનકડી એક કાંકરી શાંત જળને તરંગિત કરવા માટે પૂરતી છે. એક નાનું શું સંવેદન ચૈતન્યવિસ્તારની અનેક શક્યતાઓ સજી શકે છે. લાઘવ છતાં કવિએ રણકારને ઇન્દ્રિયપ્રત્યક્ષ કર્યો છે. પૃથ્વીના ૩/૪ ભાગમાં મહાસાગરો આવેલા છે એ વિજ્ઞાનનું સત્ય છે; પરંતુ કવિની નજર તો એ પ્રચંડ જળરાશિને શતસહસ્ત્રશત શીર્ષક ઉછાળતા, બલિષ્ઠ બાહુઓ વીંઝતા, મહાકાય તરંગલીલાથી ગરજતા, પોતાનામાં વડવાનલ સમાવીને રહેલા, નર્યા બળશાળી કોઈક વ્યક્તિરૂપે જાણે કલ્પે છે. સમુદ્રના આ વિશાળ જળપ્રવાહને વર્ણવ્યા પછી કવિ તરત જળના વાયુસ્વરૂપ વાદળની રમણા આલેખે છે. ખળભળવું, ઊછળવું, વહેવું, ઝરવું, ઝમવું થંભવું, થીજવું જેવી જળની તમામ ગતિ અહીં અટકી ગઈ છે - ‘માત્ર નિરુદ્દેશે આકાશે બસ મુક્ત ભ્રમણ, વિહાર અને બુંદ-બુંદ રૂપે વિસ્તાર શેષ રહે છે. વરસીને, વિખેરાઈને વાદળો એ જ જળરાશિમાં લુપ્ત. જેમ કવિએ તરંગો અને સમુદ્રને અભિન્નરૂપે ઓળખાવ્યાં છે. તેમ ક્ષણ અને સમયની અભિન્નતા પણ કવિ આલેખે છે. સમય તો શાશ્વત, અનાદિ, અનંત છે. આપણે એને ક્ષણોમાં માપીએ છીએ ને ક્ષણો તો પરપોટા જેવી ભંગુર છે. ક્ષણોને ભલે આપણે સમયને માપવાનો એકમ ગણી હોય પરંતુ ક્ષણ એ સમય નથી. પસાર થતી ક્ષણોને કોઈ રોકી, અટકાવી, પાછી લાવી શકતું નથી. આપણે તો અથથી ઇતિ, ઉત્પત્તિથી લયની વચ્ચે વિસ્તરતી ક્ષણોના માત્ર સાક્ષી બની રહીએ છીએ. કવિની કલ્પનલીલાનું વધુ એક જીવંત ઉદાહરણ અહીં આમ મળે છે - ‘કદાવર કાળમીંઢ ખડક પર બેઠું પતંગિયું / પાંખો / સંકોરતું / સરી જાય / હળવે હળવે... / ખડક ઊંચકાય / ઊડ ઊડ થાય.’ કદાવર કાળમીંઢ ખડક નાજુક પતંગિયાની સહોપસ્થિતિ દ્વારા કવિ ફરી જાણે પરમ ચૈતન્યના સ્પર્શે જાગી ઊઠતી આપણી કાળમીંઢ ચેતનાનો નિર્દેશ કરે છે. પાંખો સંકોરીને સરી જતા પતંગિયાનો સ્પર્શ ખડકને પણ સજીવન કરી જાય છે. પૃષ્ઠ-૧૩૬ પરની એક રચનામાં પણ આ જ ભાવ આલેખાયો છે. ખુરશી પર એક પંખી આવીને બેસે ને ખુરશીમાં ઝાડ જાગી ઊઠે છે. ડાળ, પાંદડાં, પુષ્પો, ફળથી ઝાડ લચીં પડે છે; પરંતુ એ ઝાડ મૂળિયા વિનાનું છે.

‘વર્તુળ’ શીર્ષકની હેઠળની એક રચનામાં કવિ વર્તુળ અને કેન્દ્રની પરિભાષામાં પરબ્રહ્મ અને જીવસૃષ્ટિના સંબંધની વાત કરે છે. વર્તુળ દોરાયેલું હોય તો જ કેન્દ્રને કેન્દ્રપણું મળે છે અન્યથા તો તે એક ખાલી ટપકું છે - અર્થહીન; પરંતુ એ સાથે જ કેન્દ્ર વગરનું વર્તુળ માત્ર શૂન્ય ચકરાવો છે. પરસ્પરને અવલંબીને જ કેન્દ્ર અને વર્તુળ પોતપોતાનું પોતાપણું સિદ્ધ કરી શકે છે. આ ગુચ્છામાં કેન્દ્ર, ત્રિજ્યા, પરિઘ અને વર્તુળની ભૌમિતિક પરિભાષામાં કવિએ કેન્દ્ર અને વર્તુળના અદ્વૈતને વ્યક્ત કર્યું છે.

‘બધાં જ શરીરો વચ્ચે / જેટલું આકર્ષણ હોય / સામું / બરોબર એટલું જ / અપાકર્ષણ હોય છે' - આ કાવ્યનું શીર્ષક છે ‘સિદ્ધાંત', હા.. અભિધાના સ્તરે તપાસીએ તો આ કાવ્ય એક સિદ્ધાંત આપીને વિરમી જાય છે પરંતુ ભાવની ગહનતા સંદર્ભે એની વ્યંજનાઓ વિસ્તરતી વિસ્તરતી ક્યાંય અસ્તિત્વવાદની આધુનિક ફિલસૂફી સુધી ખેંચી જાય છે. માનવી પાસે અભિવ્યક્તિનું, પ્રત્યાયનનું સૌથી ઉત્તમ માધ્યમ છે ભાષા સૂક્ષ્મ અને સંકુલ એવી અનુભૂતિઓને ભાષા દ્વારા જ અસરકારક રીતે સંક્રમિત કરી શકાય છે; પરંતુ જે કાંઈ ભાષામાં મુકાય છે તે એના એ જ અર્થમાં પ્રત્યાયિત થયું છે એમ કહી શકાય નહીં. તેથી પ્રત્યાયનમાં સૌથી મોટો અંતરાય પણ ભાષા જ બનતી હોય છે. કવિએ કહ્યું છે વ્યક્તાવ્યક્ત વચ્ચે / ભાષા અંતરાય / અવ્યક્ત, વ્યક્ત ભાષાથી જ / અંતર ઓછાં કરે / એ જ અંતર રાખે. આ ભાવ પહેલા ‘કલમ' ગુચ્છનાં કાવ્યોમાં પણ જોયો છે.

અનેક (૫)ની બજારમાં, બજાર, ખુરશીઓ જેવી રચનાઓ સાંપ્રત સમયને સ્પર્શે છે. આપણો જમાનો Marketingનો છે. જે વધુ સારી રીતે પોતાની Productનું Marketing કરી શકે તે વધુ કમાઈ શકે. કવિ કહે છે -

‘બોલે છે તે બોર વેચે છે
બૂમો પાડે છે તે વધુ બોર વેચે છે’

‘ગાઈ-વજાડી ગાજે તે ટપોટપ બોર વેચે છે’-પાકાં બોર સાથે અધકાચાં, સડી ગયેલાં, કાંકરાવાળાં બોર પણ વેચી શકાય જો તમે એને રંગબેરંગી, ચળકતાં પડીકામાં વેચો તો. આ બજારમાં જે ચૂપચાપ બેસીને, ચાખી-ચાખીને બોર વેચે છે તેણે બેસી જ રહેવું પડે છે. જાતભાતના દંભ દેખાડા, ભપકા પાછળ સત્ય તો બિચારું ક્યાંય સંતાતું ફરે છે. આપણી આસપાસના રાજકારણીઓ, ધર્મગુરુઓ, સૌનો સંદર્ભ અહીં સાંકળી શકાય. શબરી પણ યાદ આવે. ‘બજાર’ રચનામાં આમ તો રાઈના પર્વત વેચાઈ રહ્યા છે પરંતુ કોઈક આવીને ચપટી રાઈ માંગે તો આખું બજાર મૂંઝાઈ મરે. જોકે પર્વત માંગનારને પણ બજાર તો હેબતાઈને જોઈ રહે છે. તથાગત બુદ્ધને યાદ કરીએ તો ચપટી રાઈ આપવાની પાત્રતા કોની? પાત્રતા વિનાનો સમૂહ બૂમબરાડા પાડીને તરણું પકડાવી દે તો પછી ન દેખાય તોપણ તેની પાછળ રહેલા ડુંગરને તમારે જોવો / સ્વીકારવો જ પડે. ‘કાળું ધોળું’ શીર્ષકે કવિ છ રચનાઓ આપે છે. કાળાશને ધોળાના સંદર્ભે અને ધોળાને કાળાશને સંદર્ભે જ બરાબર ઓળખાવી શકાય. એકની ઓળખ બીજા વિના અધૂરી છે. આ સંદર્ભને પાપ-પુણ્ય, જ્ઞાન-અજ્ઞાન, સત્-અસત્ સુધી વિસ્તારી શકાય.

કાવ્યસંગ્રહના ‘એક’ વિભાગને આરંભે આગિયાના એક ઝબકારાથી ભેદાતા પ્રગાઢ અંધકારની રચના મૂકી છે. આગિયાનો ઝબકાર તો ક્ષણિક જ હોય પરંતુ તે એ ક્ષણ પૂરતો અંધકારને દેખાડી આપે. કવિ કહે છે ‘ક્ષણભર તો ક્ષણભર / રમ્ય આકૃતિઓ રચાય' ‘ફળ' નામની રચનામાં નિષ્પર્ણ ઝાડની ટગલી ડાળે પતંગિયાના બેસવાથી ઝાડમાં જાગી ઊઠતી જીવંતતા કવિ આલેખે છે. પતંગિયાના સ્પર્શે ઝાડ ઊડવા પ્રયત્નશીલ બન્યું ને તરત થડમાંથી શાખા- પ્રશાખા-પ્રશાખાઓ સુધી જળ રૂપે જીવનરસ વહી આવ્યો. થડથી શાખાઓ સુધી ધસધસ વહી આવતા જળશહેરને કવિ ‘પડઘા પડઘા પડઘમ પડઘઘમ પડડઘમ' જેવા શ્રુતિગોચર કલ્પન વડે પ્રત્યક્ષ કરે છે. ઊડતા ઝાડની ટોચે કવિ દેખાડે ‘ઝૂલમ ઝૂલે ફળ' - ફરી નરસિંહ - ‘વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું.' યાદ આવે.

કવિ શ્રી કમલ વોરાનો આ કાવ્યસંગ્રહ ભાવ, ભાષા અને રચનારીતિના ઉન્મેષોની રીતે ઘણો વિશિષ્ટ છે. મુખપૃષ્ઠ ઉપર શ્રી અતુલ ડોડિયાનું ચિત્ર છે જેમાં આપણે સામાન્ય ગણતરી માટે ખપમાં લઈએ છીએ તે એક પછી એક ચાર ઊભી લીટીઓ અને પછી એને છેદતી એક આડી લીટીનું પછી એવા એક ખંડમાં બીજી લીટીઓ ઉમેરાતી જાય છે. અંદરનાં કેટલાંક પાન ઉપર પણ આવાં ચિત્ર છે. અગાઉ નિર્દેશ કર્યો છે એમ કવિ કોઈક સંવેદનને સ્થાપતા- સ્થાપતા જાણે આડી લીટીથી ઉથાપી દે છે ને ફરી નવો વિચાર સ્થાપવા પ્રવૃત્ત થાય છે. અનેક રચનાઓમાં વ્યક્ત કરાયેલો એક જ તર્ક સંગ્રહના શીર્ષક ‘અનેકએક'ને સાર્થક ઠેરવે છે. સર્જનપ્રક્રિયાની સૂક્ષ્મતાથી લઈને સમસામયિક સંવેદનો સુધી કવિનો વ્યાપ અનુભવી શકાય છે. દેખીતી સાદી, સરળ વાણીમાં ગહન તત્ત્વજ્ઞાનની અભિવ્યક્તિ કવિ સાધી શક્યા છે. લાઘવ, ચોટ અને અનુભૂતિની સચ્ચાઈનો રણકો આ કવિની લાક્ષણિકતા જણાય છે. તેથી અભિધાના સ્તરે પ્રયોજાતી ભાષા પણ રસધ્વનિનો અનુભવ આપે છે. વેદ, ઉપનિષદ, ભગવદ્ગીતા, નરસિંહ, કાન્ત, રાજેન્દ્ર શાહ વગેરેના સંદર્ભો અહીં કવિ મૌલિક રીતે ખપમાં લે છે. ગુજરાતી સાહિત્યમાં જોવા મળતાં કાવ્યોની પરિપાટીમાં આ કાવ્યસંગ્રહ પોતાની અસામાન્યતાથી વધુ સંતપર્ક બની રહે છે. અંતે કવિની પંક્તિ સાથે જ મારી વાત પૂરી કરું -

‘કથ્યું છતાં અકથ રહ્યું
કથનમાં યે અકથ રહ્યું'

- તેને વિદ્વતજનો ક્ષમ્ય ગણશે એવી અપેક્ષા.

(‘અધીત : સાડત્રીસ')