અધીત : પ્રમુખીય પ્રવચનો - ૧/ગુજરાતીનો અધ્યાપકસંઘ : ૧૯૪૭–૧૯૭૪
ગુજરાતીને અધ્યાપકસંઘ એ કોઈ રજિસ્ટર્ડ સંસ્થા નથી કે નથી એનું કોઈ લેખિત બંધારણ. એની ઉજ્જવળ પરંપરાએ એ જ એનું બંધારણ છે. દેશભરની યુનિવર્સિટીના ગુજરાતીના અધ્યાપકોના આ સંઘ, લગભગ દર વર્ષે, કોઈને કોઈ અનુકૂળ સ્થળે, પોતાનુ સંમેલન યોજીને, અધ્યયન-અધ્યાપનને તેજસ્વી બનાવવાના હેતુથી વિચારવિનિમય કરે છે. એક જ સ્થળે, જુદી જુદી યુનિવર્સિટીઓના, જુદી જુદી કૉલેજોના, જૂની અને નવી અને હવે તો અનેક પેઢીઓના ગુજરાતીના અધ્યાપકો પોતાના વિષયની ચર્ચા-વિચારણા માટે બે-ત્રણ દિવસ મળે એ દૃશ્ય પોતે જ મંગલ છે પોતાની પૂર્વજ પેઢીના અનુભવસમૃદ્ધ અધ્યાપકો સાથે વિચારવિમર્શ કરીને નવી પેઢીના અધ્યાપકો માર્ગદર્શન મેળવે, નવી પેઢીના અધ્યાપકો પ્રશ્નોને કેવી રીતે વિચારે છે, વાગોળે છે, ઉકેલે છે એની જાણકારી જૂની પેઢીના અધ્યાપકો મેળવે અને એ રીતે આ બે પેઢીઓ વચ્ચેના અનુસંધાનસેતુ પર આ સધ ગતિ કરે છે. ગુજરાતીના અધ્યાપકોનાં નિષ્ઠા અને તપને દઢ કરવામાં આ સંઘનો નમ્ર ફાળા છે. કેટલાક સંનિષ્ઠ અધ્યાપકોના તપથી આ સંસ્થા વગર બંધારણે જીવે છે – કારણ કે અહીં અધ્યાપકો જાતે જ એકત્રિત થઈને સ્વકર્તવ્યનો વિચાર કરે છે. અમારા ત્રણ આદિપુરુષ!–નરસિંહરાવ, કેશવલાલ ધ્રુવ અને રામનારાયણ પાઠક – એમણે ગુજરાતીના વિષયમાં પાયાના ખ્યાલો મજબૂત ફરી આપ્યા છે. અધ્યાપકો અધ્યયનરત રહે, જૂની મૂડી પર મુસ્તાક ન રહે, નવા પ્રવાહોથી પરિચિત રહી સદા તાજા રહે એ જરૂરિયાત પર સંઘે સદા ભાર મૂક્યો છે. સદ્. પાઠકસાહેબથી આરંભી સંઘના સર્વ પ્રમુખો સંઘને સાચી દિશાની દેારવણી આપતા રહ્યા છે. એમાંના કેટલાક પ્રમુખોએ તે સ્વાધ્યાયના ફળરૂપે આગળથી તૈયાર કરેલાં અભ્યાસપૂર્ણ વ્યાખ્યાનો પણ આપ્યાં છે, એમાંથી જળવાયાં તે આ ગ્રંથમાં મુદ્રિત કર્યા છે. આ પરંપરા શ્રી નગીનદાસ પારેખથી આરંભાઈ હતી. અને સદ્ભાગ્યે હજી ચાલુ છે. આરંભમાં, સંઘનું મહત્ત્વનું પ્રદાન યોગ્ય રીતે જ ગુજરાતી વિષયના અભ્યાક્રમોને લગતું રહેલું. મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતીના અભ્યાસક્રમાને સુવ્યવસ્થિત અને શાસ્ત્રીય રૂપ આપવામાં આ સધે ઘણા ઉદ્યમ કર્યો હતો. જુદી જુદી યુનિવર્સિટીઓમાં ગુજરાતીનાં અભ્યાસક્રમની અત્યારે જે એકસૂત્રતા દેખાય છે એ આ સંઘની અવિરત નિષ્ઠાભરી કામગીરીને આભારી છે એમ નમ્રપણે કહી શકાય. સંઘના આ મહત્ત્વના કાર્ય – અભ્યાસક્રમની સફળ આયોજના – પછી અલિયાબાડા સમેલનમાં સદ્. ડોલરરાય માંકડે સૂચવ્યું હતું તેમ, વર્કશોપ જેવી કોઈ રચનાત્મક કામગીરી એ ઇચ્છે તો હાથ પર લઈ શકે. એ એનું બીજું અને મહત્ત્વનું ક્રમણ લેખાશે.
ગુજરાતી ભાષા-સાહિત્યના ઉચ્ચ અધ્યાપનને લગતા "ટલાક સામાન્ય પ્રશ્નો અને મુશ્કેલીઓનો વિચાર કરવા અને ઉપાયે શોધવાના હેતુથી ઉચ્ચ શિક્ષણની જુદી જુદી સંસ્થાઓમાં ગુજરાતી શીખવતા અધ્યાપકો એક સ્થળે એકઠા મળે, એકમેકનો પરિચય સાધી વિચાર- વિનિમય કરે એ ખૂબ જરૂરનું હતું. એવું સંમેલન મેળવવાનો વિચાર પ્રથમ વહેતો મૂક્યો વલ્લભવિદ્યાનગરના વિઠ્ઠલભાઈ પટેલ મહાવિદ્યાલયના ગુજરાતીના મુખ્ય અધ્યાપક ડોલરરાય માંકડે. એમનાં પ્રેરણા અને પ્રયત્નથી વલ્લભવિદ્યાનગરમાં આ સધનું પ્રથમ સંમેલન ઈ. ૧૯૪૭ના નવેમ્બરની તા. ૩, ૪ અને ૫—એ ત્રણ દિવસો દરમિયાન મળ્યું હતું. એમાં રામનારાયણ પાઠક, વિશ્વનાથ ભટ્ટ, વિજયરાય વૈદ્ય, ડોલરરાય માંકડ, મંજુલાલ મજમુદાર, કે. કા. શાસ્ત્રી, ચતુરભાઈ પટેલ, રવિશંકર જોશી, અને અનંતરાય રાવળ, મનસુખલાલ ઝવેરી, યશવંત શુકલ, પ્રેમશંકર ભટ્ટ સમેત બત્રીસેક ગુજરાતીના અધ્યાપકો હાજર રહ્યા હતા. આચાર્યશ્રી છુટાનીએ સ્વાગતપ્રવચન કર્યું હતું. આ સંમેલન અવિધિસરની વિષયવિચારિણી સમિતિમાં ફેરવાયું ત્યારે એક સૂચન અધ્યાપકોના પગારને લગતું પણ રજૂ થયું હતું. પરંતુ પહેલી જ વાર આ રીતે મળીએ છીએ ત્યારે પગારની વાત ન કરીએ એ સંમેલનના ગૌરવના હિતમાં હોવાથી, એ પ્રશ્ન મહત્ત્વનો છતાં, આ વખતે એના પર વિચાર કરવાનું માંડી વાળીએ’એની રજૂઆત પછી, એ સલાહ માન્ય થતાં જરા પણ વાર ન લાગી અને એ પ્રશ્ન પડતો મૂકાયો (-તે આજ દિન સુધી). આ સંમેલનમાં ત્રણ વ્યાપક મુદ્દાઓની ચર્ચા-વિચારણા થઈ હતી : (૧) વમાં ઓછામાં ઓછું એકવાર ગુજરાતી ભાષા-સાહિત્યના અધ્યાપક, એકઠા મળે, પોતાના વ્યવસાયના સર્વસામાન્ય પ્રશ્નો વિચારે, મુશ્કેલીઓનો તોડ કાઢે, એ માટે સંઘની સ્થાપના કરવી. (૨) યુનિવર્સિટીના અભ્યાસક્રમ અને પાઠપુસ્તકો મુકરર કરનારાંમડા વારવાર બેજવાબદાર રીતે અભ્યાસક્રમો અને પાઠપુસ્તકો મુકરર કરે છે અને એમાં કશું ધોરણુ જળવાતું નથી. એટલે એ મંડળોમાં અભ્યાપકોને પૂરતું પ્રતિનિધિત્વ મળે તો જ આ પ્રશ્નનો યોગ્ય નિકાલ આવે. (૩) એકખીજાના વિચાર। સમજવા અને મેળવી જોવાની દૃષ્ટિએ ઉપયોગી વિચારણા : આટઆટલાં વર્ષો ભણતર પાછળ ગાળવા છતાં અને ડીગ્રીએ રળવા છતાં વિદ્યાથી ઓ કોરા ને કોરા કેમ રહે છે, એમના મોં પર કશું ભણ્યાનું... નૂર કેમ નથી હોતું, અભ્યાસ પાછળ મંડી પડવાનો એમને ઉત્સાહ કેમ નથી આવતા, એમને શુ નડે છે, અધ્યાપકોનો એમાં કોઈ દોષ ખરો કે નહિ, નડતરો અને દેાષોનું નિવારણ કેમ કરીને થાય’ – એ બધા પ્રશ્નો એમાં મુખ્ય હતા. પહેલે દિવસે રામનારાયણ પાઠકની, બીજે દિવસે રવિશંકર જોશીની અને ત્રીજે દિવસે વિજયરાય વૈદ્યની ચર્ચા-બેઠકોના પ્રમુખો તરીકે વરણી થઈ હતી. ત્રીજે દિવસે ફલશ્રુતિરૂપે કેટલાક ઠરાવો રજૂ થયા હતા. [૧] “ગુજરાતી ભાષા અને સાહિત્યના ઉચ્ચ શિક્ષણને લગતા અનેક સર્વસામાન્ય પ્રશ્નોના તાત્ત્વિક ઉકેલના એક મહત્ત્વના સાધન લેખે સંમેલનની પ્રવૃત્તિઓને સ્થાયીરૂપ મળે એ ઇષ્ટ છે એમ એ પ્રશ્નની વિચારણાને અંતે ફલિત થયું છે. તેથી, (૧) સંમેલને ગુજરાતીના અધ્યાપકસંઘમાં ફેરવાઈ જવું, (૨) કોઈ પણ યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષાસાહિત્યનું અધ્યાપન કરનાર અધ્યાપક એ સંઘના સભ્ય થઈ શકે, (૩) વર્ષ દરમિયાન અનુકૂળ સ્થાને સંમેલન ભરવું અને (૪) જ્યાં સુધી સુનિયત બંધારણ ઘડવાની જરૂર ન જણાય ત્યાં સુધી, ફરી વાર મળતાં લગી, સમિતિ નીમી તેની દ્વારા સંઘની પ્રવૃત્તિઓ ચલાવવી. [૨] આ સંમેલન મુંબઈ યુનિવર્સિટીને આગ્રહપૂર્વક ભલામણ કરે છે કે, યુનિવર્સિટી ગુજરાતી ભાષા અને સાહિત્યના ઉચ્ચ શિક્ષણને માટે વખતોવખત જે અભ્યાસક્રમ તેમ જ પાઠ્યપુસ્તકો મુકરર કરે છે તેમાં ઉચ્ચ શિક્ષણ આપતા અધ્યાપકોના જ્ઞાનનો, અનુભવનો અને વિદ્યાથી માનસના તેમના પરિચયના વ્યવસ્થિત લાભ નહીં મેળવાતો હોવાથી મુકરર થતા અભ્યાસક્રમ, ઘણીવાર, પોતાના સામાન્ય સ્વરૂપમાં, તેમ જ નિયત પાઠ્યપુસ્તકાના વિશેષ સ્વરૂપમાં, ચોગ્ય રીતે નહી' યોજાયેલા, અધ્યાપકો તેમ જ વિદ્યાર્થીઓ બંનેના કાર્યમાં અનેક વિઘ્નો ઊભાં કરનારા અને પરિણામે અભ્યાસને અરસિક અને નિર્બળ બનાવનારો માલૂમ પડ્યો હોવાનો અધ્યાપકોનો વારંવારનો અનુભવ છે. એટલે યુનિ.ની ગુજરાતીની અભ્યાસસમિતિમાં જરૂર પડે તો ધારાધોરણમાં ફેરફાર કરીને પણુ, ગુજરાતીના અધ્યાપકોને એછામાં ઓછું પચાસ ટકા પ્રતિનિધિત્વ મળવું જોઈએ, જેથી અત્યારે પ્રવર્તતી વિષમતા આપોઆપ દૂર થઈ જાય. [૩] “મુંબઈ યુનિવર્સિટીએ મહાવિદ્યાલયના પ્રથમ અને દ્વિતીય આર્ટ્સના અભ્યાસક્રમમાં ગુજરાતી ભાષાસાહિત્ય માટેનાં પ્રશ્નપત્રો ૧૦૦ને બદલે ઘટાડી ૫૦ માર્કનાં કર્યા તેની સખેદ નોંધ લે છે. ઈતર વિદ્યાવિષયોને મુકાબલે, ગુજરાતી અને ખીજી પ્રાંત ભાષાઓની ઉપેક્ષા આજ સુધી તો થઈ જ છે પણ સ્વરાજ્યમાંય અને તેમાંય વળી પ્રાંતભાષાઓ બોધભાષાઓ પણુ થવાની છે ત્યારે ગુજરાતીનું ગૌરવ અને મહત્ત્વ ઘટાડનારી ઉપર્યુક્ત વ્યવસ્થાનો આ સંમેલન સખત વિરાધ કરે છે અને મુંબઈ યુનિવર્સિટી નવા વર્ષથી ગુજરાતીના પ્રશ્નપત્ર માટે ૧૦૦ માર્ક મુકરર કરે એવી આગ્રહપૂર્વક ભલામણ કરે છે.’ [૪] “મુંબઈ યુનિવર્સિટીનાં વેપારવિષયક મહાવિદ્યાલયો માટે ગુજરાતીને જે અભ્યાસક્રમ યોજાયો છે તે વિદ્યાથીના શૈક્ષણિક વિકાસની દૃષ્ટિએ ખૂબ જ અધૂરો ને અસંતોષકારક છે. એના સ્નાતકો પાસે પૂરતું ભાષાભંડોળ પણ નથી હોતું– ભવિષ્યના ગુજરાતી વેપારી સ્નાતકે પોતાના વ્યવસાયોમાં ગુજરાતીના આવસ્યક ભાષાજ્ઞાન દ્વારા અને સાહિત્યના સકારા દ્વારા વિશેષ કાર્યકુશળ અને સંસ્કારી અને તે અર્થે યોગ્ય વ્યક્તિઓ તથા સંસ્થાઓનાં સલાહસૂચનો મેળવી આખાયે ગુજરાતીના અભ્યાસક્રમની પુનર્ઘટના કરવી.’' આ રીતે, સંમેલન દ્વારા સંઘસ્થાપનાને સ્થાયી રૂપ મળ્યું અને અભ્યાસક્રમવિચારણા સંમેલનના કેન્દ્રમાં રહીં. ભાઈલાલભાઈ પટેલ સાથે વિદ્યાનગર અગેને વાર્તાલાપ, શ્રીમદ્ રાજચંદ્રના આશ્રમનું દર્શન, પોતાને જે આવડે તે રજૂ કરવાની ફરમાયશ ને સાત્ત્વિક મનોરંજન કાર્યક્રમ પણ આ સંમેલનનાં સંભારણાં બની રહ્યાં. સંઘના પ્રમુખે આરંભનાં સંમેલનોમાં અગાઉથી નક્કી થતા નહોતા, પરંતુ હાજર હોય એમાંથી કાલજ્યેષ્ઠ અધ્યાપકાને જુદીજુદી બેઠકોનું પ્રમુખપદ અપાતું. તેમ છતાં કાર્યવાહક સમિતિની રચના થતી હતી અને એના પ્રમુખ તરીકે રામનારાયણ પાઠક અને મંત્રીઓ તરીકે મનસુખલાલ ઝવેરી અને યશવંત શુક્લની વરણી થઈ હતી.
અધ્યાપકસંઘનું બીજું સંમેલન, ઈ. ૧૯૪૮ના નવેમ્બરની તા. ૫ અને ૬ એ નવસારીમાં મળ્યું હતું. પહેલી બેઠકમાં રામનારાયણ પાઠકના પ્રમુખપદે, અભ્યાસક્રમની ચર્ચા થઈ હતી અને બીજે દિવસે, વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના પ્રમુખપદે મળેલી બેઠકમાં સંઘના ધ્યેય અંગેના ઠરાવ રજૂ થયા હતા. સંઘનાં ધ્યેયોમાં (૧) અધ્યયન-અધ્યાપન તેજસ્વી થાય, (૨) ગુજરાતી ભાષા અને સાહિત્ય અને તેને અનુષંગે જ્ઞાનની વિવિધ શાખાઓનો અભ્યાસ થાય, (૩) એવા અભ્યાસને પરિણામે આવશ્યક મુદ્દાઓ પર ચર્ચાઓ થાય અને જરૂર પડે તો નિર્ણયો લેવાય, (૪) જનસમાજમાં ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિની શુદ્ધ અને શુચિ ભાવના જળવાઈ રહે તે વિશે જાગૃતિ રખાય અને (૫) ઉચ્ચ શિક્ષણમાં ગુજરાતીનો યોગ્ય અભ્યાસક્રમ અમલમાં મુકાય એ હેતુ માટે પ્રવૃત્તિ કરવી. આ ઠરાવની પાછળ દૃષ્ટિ આ હતી : અધ્યાપકોનું મુખ્ય કાર્ય અધ્યયન-અધ્યાપનનું અને સંકારવિતરણનું છે, અને અધ્યાપકોનો આ સંઘ તે કોઈ ક્ષુદ્ર સ્વાર્થો માટે શોર મચાવતા ચળવળિયાનું સંગઠન નથી. આ ઠરાવના અનુસંધાનમાં સંઘની તાત્ત્વિક રચનાત્મક પ્રવૃત્તિ તરીકે પ્રત્યેક અધ્યાપક, સંઘ પ્રીત્યર્થે, સ્વાધ્યાયના ઉત્તમ ફલરૂપ એક લેખ પ્રતિ વર્ષે આપે એવી વ્યવસ્થા કરવા એક સમિતિની પણ રચના કરવામાં આવી હતી. ગંભીર સંકલ્પ : મુંબઈ યુનિવર્સિટીએ ગુજરાતી ભાષા- સાહિત્યના ઉચ્ચશિક્ષણ માટે જે અભ્યાસક્રમ મુકરર કર્યો છે તે અધ્યાપનમાં અનેક રીતે વિઘ્નકર્તા હોવાથી પ્રવર્તતા અસંતાપ અંગે પ્રથમ સંમેલનમાં ઠરાવ થયો હતો. પરંતુ એનું કોઈ અસરકારક પરિણામ આવ્યું. નહોતું (મુંબઈ યુનિ.ની ગુજરાતી વિષયની અભ્યાસસમિતિના એક સભ્યે, પ્રથમ ઠરાવ પછી, સ્થાનિક ગુજરાતીના અધ્યાપકોને પોતાને ત્યાં નિમંત્ર્યા હતા અને સહાય માગી હતી). અધ્યાપકોના અભ્યાસસમિતિમાં સીધા પ્રતિનિધિત્વનો સૈદ્ધાંતિક સ્વીકાર ન થયો હોવાથી, એ માગણી ન સ્વીકારાય તો, સંઘ કોઈ પણ અધ્યાપક-સભ્ય યુનિવર્સિટીનું પરીક્ષકપદ ન સ્વીકારે એવો ગંભીર સંકલ્પ કર્યો હતો. આ સંકલ્પની રૂએ સંઘના પ્રમુખ રા. વિ. પાઠકે યુનિવર્સિટીને તા. ૨૨-૩-૪૯ના રોજ પત્ર લખ્યો અને અભ્યાસસમિતિમાં ગુજરાતીના અધ્યાપકોનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ એવી માગણી કરી. અભ્યાસસમિતિના અધ્યક્ષે, પત્ર મળતા પ્રમુખને મળવા બોલાવ્યા અને ‘કો-ઓપ્શન' માટે પ્રબંધ ન થાય ત્યાં સુધી, સમિતિની બેઠકામાં પાઠયપુસ્તકા નિયત કરવાના કાર્યમાં રા. વિ. પાઠક અને મ. મ. ઝવેરીની સહાય લીધી હતી. અભ્યાસક્રમની ચર્ચાને ઉપાડ વિષ્ણુભાઈએ કર્યો હતો. અભ્યાસ- ક્રમની ત્રણ કક્ષાએ—કૉલેજનાં પહેલાં બે વર્ષ, સ્નાતકકક્ષા અને અનુસ્નાતકકક્ષા—ની અને એનાં વિવિધ પાસાંની, સાહિત્યિક શક્તિના વિકાસની, વિદ્યાથી—સંખ્યાની, ટ્યુટોરિયલ પદ્ધતિના સ્વીકારની, ડીગ્રી કલાસ સુધીના માતૃભાષાના ફરજિયાત શિક્ષણની એમાં વિચારણા થઈ હતી. પ્રત્યેક સ્તરનાં પાઠ્યપુસ્તકો અને પ્રશ્નપત્રોની ઝીણવટભરી આલોચના આ સંમેલનમાં થઈ હતી. એમાં ભગિની ભાષાનું પ્રશ્નપત્ર, સંસ્કૃતિ અને તત્ત્વજ્ઞાનના ઇતિહાસ જેવા વિષયોનું ફરજિયાત શિક્ષણ વગેરે અંગે વિચારાયાં હતાં. ગુજરાતીના અભ્યાસક્રમને સાદ્યંત તપાસી જઈ એનો હેવાલ તૈયાર કરવા માટે એક સમિતિ પણ નીમવામાં આવી હતી. આ સંમેલનમાં અધ્યાપકોને અભ્યાસસમિતિમાં પચાસ ટકા પ્રતિનિધિત્વ આપવા, ગુજરાતીનું પ્રશ્નપત્ર ૧૦૦ માર્ક્સનું કરવા અને એને ગૌણ નહિ પણ પ્રધાન વિષય ગણવા, કૅામના અભ્યાસક્રમની યોગ્ય પુનઃર્ઘટના કરવા—એમ જૂના ચારે ઠરાવોનું પુનરાવર્તન કર્યું હતું અને એમાં ઉપર વર્ણવેલો ગંભીર સંકલ્પ ઉમેર્યો હતો. ભાષાવાર પ્રાંતરચનાનો પ્રશ્ન, દેશની પરિસ્થિતિ થાળે પડે ત્યાં સુધી, મોકુફ રાખવાનો ડરાવ પણ આ સંમેલનમાં થયો હતો. આ સંમેલનમાં ઉચ્ચ શિક્ષણની ખોધભાષા વિશે વિવિધ અધ્યાપકાએ પોતાનાં મંતવ્યા રજૂ કર્યાં હતાં. બોધભાષા માતૃભાષા જ હોય એ સિદ્ધાંતનું તેમજ ખાધભાષા બનવાના ગુજરાતીના સામર્થ્યનું જુદા જુદા દૃષ્ટિકોણથી મન થયું હતું. જો કે બેઠકના પ્રમુખ ડોલરરાય માંકડે સિદ્ધાંત અને સામર્થ્યની દૃષ્ટિએ ગુજરાતીનો પુરસ્કાર કરવા છતાં ભારતીય સંસ્કૃતિની એકવાકચતાના હિતમાં, વિનિમય અને સંગઠનના હિતમાં ઉચ્ચ શિક્ષણની બોધભાષા સમસ્ત દેશમાં રાષ્ટ્રભાષા હિંદી જ હોય એવા આગ્રહ રાખ્યા હતા. કાર્યવાહક સમિતિના અધ્યક્ષ તરીકે રામનારાયણ પાઠક અને મંત્રી તરીકે મનસુખલાલ ઝવેરી અને યશવંત શુકલની વરણી થઈ હતી.
ઈ. ૧૯૪૯ના ઑક્ટોબરની તા. ૧૨ અને ૧૩ એ અમદાવાદમાં, એચ. એલ. કૉમસ કૉલેજમાં, અધ્યાપકસંઘનું ત્રીજું સંમેલન મળ્યું હતું. સંઘના શિરસ્તા મુજબ, પહેલા દિવસના અધિવેશનના પ્રમુખ તરીકે હાજર રહેલા સભ્યામાં કાલજ્યેષ્ઠ અધ્યાપક મંજુલાલ મજમુદારની વરણી થઈ હતી. મત્રીશ્રી યશવંત શુકલે યુનિ.ની અભ્યાસસમિતિઓમાં અધ્યાપકોના પ્રતિનિધિત્વ અંગેની વાટાઘાટોને યુનિ. સાથેના પત્રવ્યવહારનો ખ્યાલ આપ્યો હતો. ઈ. ૧૯૪૯ના જુલાઈમાં મનસુખલાલ ઝવેરી અને ત્યારબાદ ચતુરભાઈ પટેલ મુંબઈ યુનિ.ની સૅનેટમાં ચૂંટાતાં તેએ ગુજરાતી અભ્યાસસમિતિના સભ્ય. બન્યા હતા, અને એ રીતે સમિતિમાં અધ્યાપકોનું પ્રતિનિધિત્વ થયું હતું, પરંતુ અધ્યાપકોના પ્રતિનિધિત્વનો સિદ્ધાંત હજી યુનિ.એ સ્વીકાર્યો નહોતો (એ પછી એકાદ દસકે યુનિ. ઍકટ બદલાતાં, બધી જ કૉલેજોના ગુજરાતી વિભાગના વડા મુંબઈ યુનિ.ની ગુજરાતીની અભ્યાસમિતિના હોદ્દાની રૂએ સભ્યો બન્યા હતા.). એટલે આ સમેલનમાં આ અંગે ફરીથી ઠરાવ થયા. “મુંબઈ યુનિવર્સિટીની ગુજરાતીના ઉચ્ચ શિક્ષણ માટેના અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકો મુકરર કરનારી સમિતિમાં ગુજરાતીના અધ્યાપકોનું પ્રતિનિધિત્વ ઓછામાં ઓછું પ૦ ટકા હોવું જોઈએ એવો ઠરાવ આગલાં બંને સંમેલનોએ યુનિ.ને મોકલી આપ્યો હતો. આ વર્ષ દરમ્યાન પાંચ સભ્યાની બનેલી પ્રસ્તુત સમિતિમાં સંજોગોવશાત્ બે અધ્યાપકો સ્થાન પામ્યા છે, તેમ છતાં સંમેલનની સૈદ્ધાંતિક માગણીને પૂરું અનુમોદન મળવું હજી બાકી છે એમ આ સંમેલન માને છે અને યુનિવર્સિટીને આગ્રહપૂર્વક ભલામણ કરે છે. જરૂર પડતાં યુનિવર્સિટીના ધારાધોરણોમાં ફેરફાર કરીને પણ આ માગણી સિદ્ધાંત રૂપમાં સ્વીકારાય અને એ દિશામાં સત્વરે યોગ્ય પગલાં લેવાય. મુંબઈ યુનિવર્સિટીના તંત્રે આ બાબતમાં જે ઉપેક્ષા દાખવી તેથી ઉચ્ચ શિક્ષણમાં ગુજરાતીના અધ્યયન-અધ્યાપનને હાનિ પહોંચી રહી છે અને પરિણામે યુનિવર્સિટીનું પોતાનું જ એક અંગ પાંગળું રહ્યું છે. આ સ્થિતિનો સત્વરે અંત લાવવો જોઈએ એમ આ સંમેલન માને છે.” બીજા ઠરાવમાં “ગુજરાતમાં સ્થપાયેલી ને સ્થપાનારી યુનિ.ઓને આવકારી હતી. એનાં કાર્યકારી મંડળોમાં શિક્ષણનું પ્રત્યક્ષ કાર્ય કરનાર અધ્યાપકોને યોગ્ય પ્રતિનિધિત્વ મળે એ ઉચ્ચ શિક્ષણના હિતમાં હોઇને તે માટેને પણ પ્રબંધ થાય તેને અત્યંત આવશ્યક માન્યું હતું.’ ત્રીજો બોધભાષા અંગેનો ઠરાવ રજૂ થયો હતો : શિક્ષણની અને જ્ઞાનવિતરણની દૃષ્ટિએ યુનિ.ના સમગ્ર શિક્ષણની બોધભાષા સ્વભાષા જ હાય એ કુદરતી સિદ્ધાંતને ગુજરાતમાં સ્થપાયેલી અને સ્થપાનારી યુનિ.એ સંપૂર્ણપણે સ્વીકારે અને એમ કરીને પ્રજાના જ્ઞાનવિકાસમાં ફાળા આપી કૃતાર્થ બને એવી આ સંમેલન આગ્રહપૂર્વક આશા સેવે છે. પોતાની કારકિર્દીના આરંભકાળમાં વધુમાં વધુ પાંચ વર્ષ સુધી જરૂર પડે તે વિષયે અને અધ્યાપકોની બાબતમાં અંગ્રેજી અને રાષ્ટ્રભાષાને બોધભાષા તરીકે ઉપયોગમાં લેવાની છૂટ રહે પણ તે છૂટના પાંચ વર્ષ પછી અંત આવવો જોઈએ, એમ આ સંમેલન માને છે.' અન્ય ઠરાવોમાં પ્રૌઢ વિષય તરીકે સ્થાન પામેલ ગુજરાતીના અધ્યાપકને દરજ્જો અને દરમાયો. સર્વશિક્ષણસંસ્થાઓના અન્ય વિષયોની સમકક્ષ રાખવાનો આગ્રહ, આર્ટસ-સાયન્સ કૅામર્સમાં ગુજરાતીનું ૧૦૦ ગુણનું પ્રશ્નપત્ર રાખવા, બી.કોમ.માં ગુજરાતીનું એક પેપર દાખલ કરવા અને ઈન્ટર આર્ટસમાં ગદ્યપદ્યસ રાયને બદલે સળંગ શિષ્ટકૃતિ નિયત કરવાના આગ્રહ કરવામાં આવ્યા હતા. બીજા દિવસે ચતુરભાઈ પટેલના અધ્યક્ષપદે સંઘે તૈયાર કરેલ કૉલેજના પ્રથમ વર્ષથી અનુસ્નાતક વર્ગ પર્યંતની અભ્યાસક્રમની રૂપરેખા, ચીવટપૂર્વક વિચારણા કર્યા બાદ, સર્વાનુમતે પસાર કરવામાં આવી હતી. આ સંમેલનમાં એકસૂત્રિત શિક્ષણ' (ડૉ. માંકડ), ‘શ્રીકરી-સીકરી' (સાંડેસરા), મણિલાલના ત્રણ લેખો' (ધી. ઠાકર), નિષ્કુળાનંદની ‘કવિતા’ (‘અનામી') અને નવલિકાની રચનાકળા’ (ધી. પારેખ) એટલા નિબંધો પણ વંચાયા હતા. અધ્યાપકસંઘના ઉપક્રમે ગુજરાત માટેની યુનિ.પ્રવૃત્તિના અગ્રણી દાદા માવલંકર સાથે વાર્તાલાપ પણ યોજાયો હતો અને અનેક પાસાંની વિચારણા થઈ હતી. નવા વર્ષની કાર્યવાહક સમિતિના અધ્યક્ષ તરીકે વિષ્ણુપ્રસાદ ત્રિવેદી અને મંત્રી તરીકે મનસુખલાલ ઝવેરી અને ધીરુભાઈ ઠાકરની વરણી થઈ હતી. સંઘે, અભ્યાસક્રમો, અભ્યાસમિતિ અને અને બોધભાષા અંગેનાં પોતાનાં મંતવ્યો નીડરતાથી રજૂ કર્યાં હતાં. શબ્દરચના હરીફાઈઓમાં જુગારનું તત્ત્વ હોઈ, ગુજરાતીના અધ્યાપકો એમાં ભાગ લે છે તેનો ઉગ્ર વિરોધ પણ શરૂ થયો હતો. નવસારી–સંમેલનમાં એના હેતુઓની પણ ચર્ચા થઈ હતી અને અધ્યાપકો જુગારના સહાયકો અને પ્રચારો બને તો એમની પ્રતિષ્ઠા ઘટે એ પ્રકારે ‘બુદ્ધિપ્રકાશ’ (ડિસેમ્બર, ૧૯૫૦)એ અધ્યાપકસંઘનાં સંમેલનો પ્રસંગે નોંધ પણ મૂકી હતી. (પાંચમા સંમેલન (૧૯૫૧)માં એને વિશે સમાચારપત્રોના સંચાલકો અને સરકાર દ્વારા એ જુગારી વૃત્તિને પાપનારી ને લોકહિતને વિઘાતક પ્રવૃત્તિને બંધ કરવા સત્વરે પગલાં લેવાય એવી માગણી પણ કરી હતી.)
ચોથું સંમેલન ‘ઈ. ૧૯૫૦માં વડાદરામાં મળ્યું હતું. પરંતુ એને વિશેની વિગતો પ્રાપ્ત થઈ શકી નથી. પાંચમું સંમેલન ઈ. ૧૯૫૧ના નવેમ્બરની તા. ૬ અને ૭ એ એમ. ટી. બી. કૉલેજ, સુરતમાં મળ્યું હતું. આચાર્ય શ્રી દેસાઈએ સ્વાગત કરતાં કેળવણીના કેટલાક પ્રશ્નોની ચર્ચા કરી હતી. પ્રમુખસ્થાનેથી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશતો મોટો સમુદાય, સવારની કૉલેજોને કારણે નોકરી સાથે અભ્યાસની અપાતી સગવડ વગેરેની ઉચ્ચ શિક્ષણનાં ધોરણો પર પડતી અસર વિગતે વર્ણવી હતી. ઉપરાંત, શ્રમશિક્ષાની સાથે વિનયનના વિષયોને અભ્યાસ અતિશય જરૂરી છે. એમ જણાવ્યું હતું. વિષ્ણુભાઈએ ગદ્ય વિશેના પોતાના વિચારા રજૂ કરતુ સરસ વ્યાખ્યાન પણ આ સંમેલનમાં આપ્યું હતું. કેટલાક ઠરાવો થયા હતા. એમાં, શબ્દરચના હરીફાઈ બંધ કરવા માટે સરકારને વિનંતી કરતા ઠરાવની વાતનો નિર્દેશ ઉપર કરી દીધો છે. દર વર્ષે` અધ્યાપકોની સમિતિને જે પુસ્તકો ઉત્કૃષ્ટ કે વિશિષ્ટ લાગે તેનું એ અભિનંદન કરશે એવું વિચારાયું હતું. આ ઉપરાંત, યુનિવર્સિટી-શિક્ષણનાં પ્રથમ બે વરસમાં કોઈ પણ એક લેખકને ઉત્તમ સંચય નિયત કરવા માટે, વિનયનનાં પહેલાં બે વરસમાં ગુજરાતી પ્રશ્નપત્રમાં છંદ, અલંકાર તથા ગુજરાતી સાહિત્યના ઇતિહાસને સ્થાન આપવા માટે અને પાંચે યુનિ.ઓમાં ગુજરાતીનો અભ્યાસક્રમ શકચ એટલે અંશે સમાન અને સમકક્ષ હોય એ માટે ઠરાવો થયા હતા. આ સંમેલનમાં વિષ્ણુપ્રસાદ ત્રિવેદી પ્રમુખ હતા અને ચંદ્રકાંત મહેતા તથા કુંજવિહારી મહેતા મંત્રી હતા.
છઠ્ઠું સંમેલન, ઈ. ૧૯પરના ઓક્ટોબરની તા. ૨૫, ૨૬ એ, ભવન્સ કૉલેજ, અંધેરી–મુંબઈમાં મળ્યું હતું. આ સંમેલનમાં ચતુરભાઈ પટેલ પ્રમુખસ્થાને હતા. ‘શિક્ષણનો આદર્શં એ વિષય પર, ગૌરીપ્રસાદ ઝાલાના પ્રમુખપદે, અધ્યાપકોએ ચર્ચા-વિચારણા કરી હતી. સાતમું સંમેલન, ધર્મેન્દ્રસિંહજી કૉલેજ,રાજકૈાટમાં, મનસુખલાલ ઝવેરીના પ્રમુખપદે, ઈ. ૧૯૫૩ના ઑકટોબરની તા. ૧૩, ૧૪એ મળ્યું હતું. યુનિવર્સિટીના અભ્યાસક્રમો–અનુભવોની આપ લે,’ ‘ગુજરાતી ભાષા અંગેના પ્રશ્નો', ‘વર્ષના સાહિત્યફાલનું અવલોકન', ‘શિક્ષણના પ્રશ્નોની વિચારણા' એ વિશે આ સંમેલનમાં વિચારણા થઈ હતી. મંત્રી ઉપેન્દ્ર પંડ્યા હતા. એનું મંગલ પ્રવચન ત્યારના સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્ય પ્રધાનશ્રી ઢેબરભાઈએ આપેલું.
આઠમું સંમેલન, ઈ. ૧૯૫૪ના ઑક્ટોબરની તા. ૧૨, ૧૩ એ, વિસનગરમાં મળ્યું હતુ. પ્રિ. દેશપાંડેએ સ્વાગતપ્રવચન કર્યું હતું અને બબલભાઈ મહેતાએ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. એની પહેલી બેઠકના પ્રમુખ રવિશંકર જોશી, બીજી બેઠકના પ્રમુખ ચતુરભાઈ પટેલ અને ત્રીજી બેઠકના પ્રમુખ યશવંત શુકલ હતા. પ્રથમ બેઠકમાં અધ્યાપકસંઘ તૈયાર કરી આપેલી અભ્યાસક્રમની રૂપરેખા પ્રમાણેનો અભ્યાસક્રમ ગુજરાત યુનિવર્સિટીએ સ્વીકાર્યો એ તો આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સંમેલનમાં, એક ઠરાવમાં, મહારાજા સયાજીરાવે યુનિવર્સિટીને આગ્રહભરી વિનંતિ કરી હતી કે યુનિવર્સિટીના શિક્ષણક્રમમાં ગુજરાતી ભાષા-સાહિત્યને સ્વાભાવિક રીતે જે સ્થાન હોવું ઘટે તે વહેલી તકે આપવા માટે જરૂરી પ્રશ્નબંધ. કરે. ઇન્ટરકોમ અને ઇન્ટર સાયન્સમાંથી ગુજરાતીનો વિષય કાઢી નાખવામાં આવ્યા છે તે ફરી દાખલ કરવામાં આવે અને ત્રણ કલાકનો તેમજ ૧૦૦ ગુણવાળો પ્રશ્નપત્ર સર્વ વિદ્યાવિભાગોની ઇન્ટર કક્ષા સુધી દાખલ કરવામાં આવે. એજ રીતે ખીજા ઠરાવમાં મુંબઈ યુનિવર્સિટીને આગ્રહભરી વિનંતી કરી હતી કે પ્રાદેશિક ભાષાઓનો અભ્યાસક્રમમાં યોગ્ય પ્રબંધ કરે અને ઇન્ટર આર્ટ્સમાં મરાઠી, ગુજરાતી વગેરે પ્રાદેશિક ભાષાઓનો ૭૫ ગુણનો પ્રશ્નપત્ર બે ને બદલે ત્રણ કલાકનો અને ૧૦૦ ગુણનો કરે. આ સંમેલનમાં ઉત્તર ગુજરાતની અર્વાચીન બોલીના જૂના ને મધ્યકાલીન ભાષા સાથેનો સંબંધ' (ઇન્દ્રવદન અ. દવે) એ શોધપત્ર વંચાયો હતો અને અધ્યાપકાને વર્ષના શ્રેષ્ઠ પુસ્તક વિશે સમીક્ષાલેખ લાવવા વિનંતી કરાઈ હતી. કૉલેજમાં કવિ ન્હાનાલાલના તૈલચિત્રનું આ પ્રસંગે અનાવરણ થયું હતું. મંત્રી હસિત બૂચ હતા. કાર્યવાહક સમિતિના અધ્યક્ષ તરીકે ઉમાશંકર જોશીની અને મત્રીઓ તરીકે ઈશ્વરલાલ દવે અને ઇન્દ્રવદન અ. દવેની વરણી થઈ હતી.
નવમું સંમેલન ગોવર્ધનરામ-જન્મશતાબ્દી પ્રસંગે, ૧૯૫૫નાં ઑક્ટોબરની તા. ૨૫મીએ નડિયાદમાં મળ્યું હતું. આ સંમેલનમાં માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણમાં ભાષાના અધ્યાપનની વ્યવસ્થા વિશે સવિવાદ યોજાયો હતો. સવારની બેઠકના પ્રમુખ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી હતા અને બપોરની બેઠકનું પ્રમુખપદ વિજયરાય વૈદ્યે સંભાળ્યું હતું. સાહિત્ય પરિષદનું સંમેલન પણ નડિયાદમાં યોજાતું હોઈ આ સંમેલનની કામગીરી એક દિવસ પૂરતી મર્યાદિત કરી અધ્યાપકસંઘે પરિષદના સંમેલનમાં ભાગ લીધો હતો. આ સંમેલનમાં – વલ્લભ વિદ્યાપીઠ તે આવકારી, કાયદાથી હિંદી બોધભાષા મૂકવામાં આવી છે તેથી યુનિવર્સિટીની સ્વાયત્તતાને હાનિ છે અને એક ગ્રામ વિદ્યાપીઠ બોધભાષા તરીકે પોતાના ગ્રામસમાજની ભાષાને બદલે ખીછ ભાષા સ્વીકારે એથી એના આશયોને આંચ આવે એમ છે. માટે હજીય તે પોતાનું કાર્ય વધુ સફળતાથી ચાલે તે સારુ યોગ્ય બોધભાષા સ્વીકારવા માટે કાયદામાં ફેરફાર કરાવવામાં આવશે એવી આશા પ્રગટ કરતો ઠરાવ કરવામાં આવ્યો હતો. બીજા એક ઠરાવમાં પીએચ.ડી.ના અભ્યાસ માટે અધ્યાપકોને માર્ગદર્શન અધ્યાપકની દોરવણી વિના છૂટ આપવા યુનિવર્સિટીને વિનંતી કરાઈ હતી અને હવે પછીના સંમેલનમાં અન્ય ભાષાઓના અધ્યાપકોને પણ નિમંત્રવાનું ઠરાવવામાં આવ્યું હતું. આગામી સંમેલનના પ્રમુખ તરીકે અનંતરાય રાવળની અને મત્રી તરીકે ઈશ્વરલાલ દવે અને કુંજવિહારી મહેતાની વરણી થઈ હતી. દસમું સંમેલન ઈ. ૧૯૫૬ના નવેમ્બરની તા. ૫ અને ૬ એ.એમ.ટી.બી. કૉલેજ-સુરતમાં મળ્યું હતું. નવમા નડિયાદ-સંમેલનમાં થયેલા ઠરાવ મુજબ આ સુરત-સંમેલનમાં ભાગ લેવા માટે સમગ્ર ગુજરાતની અને મુંબઈ શહેરની યુનિવર્સિટીઓના ભાષાવિષયોના સર્વ અધ્યાપકોને નિમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સંમેલનમાં પહેલી બેઠકના પ્રમુખ અનંતરાય રાવળે વર્તમાન યુનિવર્સિટીઓમાં બૌદ્ધિક શિસ્ત વિશે અને બીજી બેઠકના પ્રમુખ એસ. આર. ભટ્ટે ‘ઉચ્ચ શિક્ષણની સમસ્યાઓ' વિશે વિગતે ચર્ચા કરી હતી. ત્રીજી બેઠકમાં કાન્તિલાલ વ્યાસના પ્રમુખપદે, ‘ત્રિવાર્ષિક અભ્યાસક્રમ'ની વિચારણા થઈ હતી. આ સંમેલનમાં, ભાષાવિષયોના શિક્ષણના પારસ્પરિક સંબંધ વિશેની ચર્ચાએ વિશેષ ધ્યાન ખેંચેલું.
અગિયારમું સંમેલન, ઈ.સ. ૧૯૫૮ના નવેમ્બરની તા. ૫ અને ૬ એ, યશવંતભાઈ શુક્લના પ્રમુખપદે, શામળદાસ કૉલેજ-ભાવનગરમાં મળ્યું હતું. આ પ્રસંગે આચાર્ય શ્રી સેન્ડિલે સ્વાગત અને રવિશંકર જોશીએ મંગલપ્રવચન કર્યું હતું. પ્રમુખસ્થાનેથી યશવંતભાઈ શુકલે કહ્યું હતુ કે અધ્યાપકમાં વિદ્વાન વસે છે, વસવો જોઈએ... વિદ્વત્તાની સૌથી વધુ અપેક્ષા અધ્યાપકમાં જ રાખી શકાય, ને તે માટે ગુજરાતીના અધ્યાપકા માત્ર ગુજરાતીનુ એકાંગી અધ્યયન કરી બેસી ન રહે પણ ઇતિહાસ, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, માનસશાસ્ત્ર, તત્ત્વજ્ઞાન, વિજ્ઞાનની વિવિધ શાખાએ ઇત્યાદિમાંથી કોઈ પણ એક વિષય પોતાનો કરે, તો એમના અધ્યયનમાં નવું તેજ આવે ને તે વિશેષ જીવનસ્પર્શી ખને...' સંમેલનમાં નગીનદાસ પારેખના પ્રમુખપદે ‘નવીન કવિતા’નાં અલાબલની વિચારણા કરતા સંવિવાદનુ આયોજન થયું હતું. આ સંમેલનમાં દર્શન અને ચિંતન’, ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’, ભાંગ્યાના ભેરુ’, ‘લીલુડી ધરતી’, ‘અભિનવ રામાયણ’, ‘ઉગમણો દેશં એ પુસ્તકાની અધ્યાપકાએ સમીક્ષા કરી હતી. દર્શક’ પણ આ સંમેલનમાં હાજર રહ્યા હતા અને એમણે. પોતાની સર્જનષ્ટિ અને સર્જનદૃષ્ટિને વ્યક્ત કરતું મનનીય પ્રવચન કર્યું હતું. આ સંમેલનમાં ગુજરાતી ભાષાની અક્ષમતા વધારવા નવા પર્યાયો યોજવામાં ગુજરાતીના અધ્યાપકો ઉપરાંત તદ્વિવિદ્યાનોય યોગ જરૂરી ગણાવાયો હતો. ઉપરાંત, ગુજરાતી ભાષામાં ઉત્તમ અનુવાદો સુલભ થાય, ગુજરાતી ભાષા ને સાહિત્યનો કડીબદ્ધ સુવિસ્તૃત ઇતિહાસ તથા વ્યાકરણગ્રંથ રચાય, ગુજરાતીનો પાઠ્યક્રમ સમગ્રદષ્ટા વિચારીને તૈયાર થાય એમાં ગુજરાતીના અધ્યાપકોની કિમતી સહાય માગવામાં આવી હતી. સંમેલનમાં ખાસ ઠરાવ કરીને ગુજરાતી ભાષા-સાહિત્યના જુદી જુદી યુનિવર્સિટીઓના પાઠ્યક્રમને નવેસરથી વિચારીને સુવ્યવસ્થિત બનાવવા માટે સ્નાતકકક્ષા અને અનુસ્નાતકકક્ષાની, અનુક્રમે ચિમનલાલ ત્રિવેદી અને યશવંતભાઈ શુકલને આવાહક નિયુક્ત કરીને, બે સમિતિઓ રચવામાં આવી હતી. (એ સમિતિઓએ જુદી જુદી યુનિવર્સિટીઓના ગુજરાતીના અધ્યાપકોનો સંપર્ક સાધી પાઠયક્રમની સુવ્યવસ્થા માટે વિચારણા કરી હતી.) નવા વર્ષના પ્રમુખ તરીકે નગીનદાસ પારેખની અને મંત્રી તરીકે જશભાઈ પટેલની વરણી થઈ હતી.
૧૨મું સંમેલન ઈ. ૧૯૫૯ના ડિસેમ્બરની ૨૬મી તારીખે વલ્લભવિદ્યાનગરમાં મળ્યું હતું. વરાયેલા પ્રમુખ નગીનદાસ પારેખ હાજર રહી શકે તેમ ન હોવાથી લાકભારતીના મનુભાઈ પંચોળી ‘દર્શક’ની આ સંમેલનના પ્રમુખ તરીકે વરણી થઈ હતી. શ્રી એચ.એમ. પટેલ અને શ્રી ભાઈલાલભાઈ પટેલના સ્વાગત-પ્રવચન પછી પ્રમુખ મનુભાઈ પંચોળીએ સાહિત્ય અને અધ્યાપકનું રાષ્ટ્રોપયોગી સ્થાન નિર્દેશ્યું હતું. ભાષામાં સેળભેળ કરનારાઓને દંડપાત્ર લેખી, અધ્યાપક ધર્મરો અંગે મનનીય વિચારો રજૂ કર્યા હતા : અભ્યાસ- નિયત પુસ્તકો શીખવતાં અંદરથી આસ્થા હોવી જોઈએ... અધ્યાપકનો ભાવાનુભવ વિદ્યાર્થીનો ભાવાનુભવ થવો જોઈએ....; કેળવણીનો પ્રશ્ન એ પક્ષના પ્રશ્ન નથી, રાષ્ટ્રના પ્રશ્ન છે...' આ સંમેલનમાં, ‘કૉલેજોમાં ગુજરાતીનું અધ્યયન-અધ્યાપન’ એ વિશે યોજાયેલ સંવિવાદમાં પાઠ્યપુસ્તકોથી આરંભી, સાહિત્યના ઇતિહાસ, છ દાલંકાર અને વ્યાકરણનું શિક્ષણ, ભાષાવિજ્ઞાનનુ અભ્યાસક્રમમાં સ્થાન, નાટયપ્રવૃત્તિ તેમજ ટ્યૂટોરિયલ પદ્ધતિ જેવાં વિવિધ અંગોની ઝીણી વિચારણા થઈ હતી. ઉમાશંકર જોશીએ, આ પ્રસંગે, અધ્યાપન નિમિત્તે ‘અધીત’તે તેજસ્વી બનાવવાનું કહી, પ્રથમ સ્વાઘ્યાય અને પછી પ્રવચન પર ભાર મૂક્યો હતો. આ સંમેલનમાં તપસ્વિની’, ‘હરિસંહિતા’, ‘સ્વપ્નપ્રયાણ’, ‘સદૂગત ચંદ્રશીલાને’,‘વિશેષ કાવ્યો’, ‘ઉઘાડી બારી’, અભિરુચિ’, દિવાને સાગર’ જેવી કેટલીક કૃતિઓ વિશેના અભ્યાસો રજૂ થયા હતા. સંમેલનમાં બે ઠરાવ થયા હતા. એકમાં, ત્રિવાર્ષિક ડિગ્રી અભ્યાસક્રમને લક્ષમાં રાખીને ગુજરાતી ભાષાસાહિત્યના અભ્યાસક્રમની પુનર્વિચારણા આવશ્યક ગણી હતી અને સ્નાતક-અનુસ્નાતક કક્ષાએ વિગતવાર અભ્યાસક્રમ તેમજ પ્રત્યેક વિગત માટે શું-કેટલુ વાંચવુ જોઈએ તેની પણ નોંધ તૈયાર કરવાની જરૂર નિહાળી હતી અને એ માટે સમિતિઓની રચના કરી હતી. બીજા એક ઠરાવમાં, મુંબઈ રાજ્યની યુનિવર્સિટીઓને, ગુજરાતી વગેરે ઉત્તર ભારતીય ભાષાઓને મુખ્ય વિષય તરીકે લઈને સ્નાતક થનાર વિદ્યાથી માટે દક્ષિણ ભારતની કોઈપણ એક ભાષાની કસોટી (Test)માં ઉત્તીર્ણ થવું અનિવાર્ય હોવું જોઈએ એવી ભલામણુ કરી હતી. આગામી સ ંમેલનના પ્રમુખ તરીકે નગીનદાસ પારેખની અને મંત્રી તરીકે મૂળશંકર ભટ્ટ અને જશભાઈ પટેલની અને પછીથી સંમેલન અમદાવાદમાં મળવાનું નક્કી થતાં ત્રીજા મંત્રી તરી કે ચિમનલાલ ત્રિવેદીની વરણી થઈ હતી.
અધ્યાપકસંઘનું ૧૩મું સંમેલન લોકભારતી સણાસરામાં મળવાનું હતું, પરંતુ ત્યાંની કેટલીક અનિવાર્ય મુશ્કેલીઓને કારણે એ સંમેલન ઈ. ૧૯૫૦ના ડિસેમ્બરની તા. ૨૬-૨૭એ અમદાવાદમાં–સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં યોજવામાં આવ્યું હતું. ફાધર વાલેસના સ્વાગત-પ્રવચન પછી, સંમેલનપ્રમુખ નગીનદાસ પારેખે રસાભાસ વિશે વ્યાખ્યાન આપ્યું હતું. સંમેલનના પ્રમુખ સ્વાધ્યાયના વિષય પર પ્રથમવાર લિખિત વ્યાખ્યાન લઈને આવ્યા, અને એ રીતે નવી પ્રણાલી ઊભી કરી–જે વિરલ અપવાદો બાદ કરતાં આજ દિન સુધી ચાલુ રહી છે. અધ્યાપકોની ૭૦ જેટલી સંખ્યા આ સંમેલનમાં ઉપસ્થિત રહી હતી. એમાં વ્યાકરણવિષયક પ્રશ્નોની ચર્ચા'ની ખીજી બેઠકમાં ડૉ. પ્રબોધ પડિત, ડૉ. હરિવલ્લભ ભાયાણી અને પ્રા. કે. કા. શાસ્ત્રીએ એ વિષયની મનનીય ચર્ચા-વિચારણા કરી હતી. સંમેલનનું એ સંભારણું બની રહી. બીજે દિવસે, ‘અધ્યાપનના પ્રશ્નો'ની બેઠકને ચાર પેટાચર્ચામાં વહેંચી હતી : (૧) મહાવિદ્યાલયના પહેલા અને ખીજા વર્ષમાં કાવ્યસંગ્રહ ભણાવવાની ઇષ્ટ પદ્ધતિ, (૨) સ્નાતકકક્ષાએ સાહિત્ય-તત્ત્વવિચારના નિરૂપણની શક્ય પદ્ધતિઓ, (૩) ‘ટૂંકી વાર્તા ઃ એક સાહિત્યપ્રકાર’ –એ વિષય શીખવવાની યોગ્ય પદ્ધતિ અને (૪) પૂર્વસ્નાતક અને સ્નાતકકક્ષાએ સાહિત્યના ઇતિહાસ શીખવવાની પતિએ. આ ચારે વિષયના ઉપક્રમ જુદા જુદા અધ્યાપકોએ કરી ચર્ચાની માંડણી કરી હતી અને પછી ચર્ચા ખુલ્લી મૂકવામાં આવી હતી. આ ચર્ચાનું સ્તર પણ આગલા દિવસની બેઠક જેવું ઉચ્ચ રહ્યું હતું. એ દિવસે સાંજે વર્ધની વિશિષ્ટ કૃતિની ચર્ચા થઈ હતી. પ્રવેશકો’ ‘ચાંદો શેં શામળો’ ‘પડધા અને પડછાયા કુદરતની કેડીએ’ કૃતિઓની અધ્યાપાએ સમીક્ષા કરી હતી. આ સંમેલનમાં સંધની ભવિષ્યની કાર્યવાહી અંગે પણ વિગતે વિચારણા થઈ હતી. એમાં, વર્ષની કૃતિ’ની ચર્ચામાં અન્ય ભાષાના સાહિત્યની વિશિષ્ટ કૃતિઓનો અભ્યાસપૂર્ણ પરિચય આપી શકાય એમ સ્વીકારાયું હતું. ઉપરાંત, અધ્યયન-અધ્યાપનના કોઈ સૈદ્ધાંતિક, તાત્ત્વિક, ઐતિહાસિક પ્રશ્ન પરત્વે બેચાર અધિકારી અધ્યાપકોને અભ્યાસલેખ તૈયાર કરવાનું સોંપવું અને અન્ય અભ્યાસીઓ તેના મુદ્દાઓની વિચારણા કરી લાવે એવું વિચારાયું હતું. અધ્યાપનને તેજસ્વી બનાવવા અર્થે જ્ઞાનવિસ્તાર વ્યાખ્યાનગુચ્છ સંઘ તરફથી યોજાય અને અધિકારી વ્યક્તિએ એમાં વ્યાખ્યાના આપે એવી પણ વિચારણા થઈ હતી. ડૉ. પ્રબોધ પંડિતને ‘વ્યાકરણ’ કે ‘ભાષાશાસ્ત્ર’વિશે આવાં વ્યાખ્યાને આપવા વિનંતી કરવાનું - પણ નક્કી થયું હતું. બની શકે એટલા વધુ અધ્યાપકોને ડેલિગેટો તરીકે આંશિક કે પૂરી આર્થિક સહાય આપીને માકલવા સંસ્થાના આચાર્યોને વિનંતી કરવાનું અને અધ્યાપક ન હોય એવા વિદ્વાનોને સંમેલનમાં આવવા ને અભ્યાસપૂર્ણ વ્યાખ્યાન આપવા વિનંતી કરવાનું સ્વીકારાયું હતું. આ સંમેલનની બધી બેઠકોમાં ચર્ચાનુ ધોરણ ખૂબ ઊંચું રહ્યુ અને સંમેલનમાં ચર્ચાના વિષયો માટે નિશ્ચિત ધોરણ સ્થપાયું. આગામી સંમેલનના પ્રમુખ તરીકે ભોગીલાલ સાંડેસરાની અને મંત્રીઓ તરીકે મૂળશંકર ભટ્ટ અને ચિમનલાલ ત્રિવેદીની વરણી થઈ હતી.
ઈ. ૧૯૬૧ના નવેમ્બરની તા. ૨ અને ૩ એ, ભોગીલાલ સાંડેસરાના પ્રમુખપદે, લોકભારતી–સડગોસરામાં ૧૪મું સંમેલન મળ્યું હતું. મનુભાઈ પંચાળાએ સ્વાગતપ્રવચન કર્યું" હતું અને મૂળશંકરભાઈ ભટ્ટે લોકભારતી સંસ્થાનો પરિચય આપ્યો હતો. સંમેલનપ્રમુખે ‘ગુજરાતી કોશ’ વિશે વ્યાખ્યાન આપ્યું હતું. ખીજી બેઠક ‘વર્ગમાં અધ્યાપનકાર્ય દ્વારા થતા વિવેચનનું સ્વરૂપ’ વિશે હતી. યશવંતભાઈ શુકલે ચર્ચાને આરંભ કર્યાં પછી અનેક અધ્યાપકોએ એનાં વિવિધ પાસાં ચર્ચ્યાં હતાં. વિદ્યાર્થીઓની સાહિત્યરુચિ કેમ ઘડવી?' એ ત્રીજી બેઠકની ચર્ચાનો આરંભ નગીનદાસ પારેખે કર્યો. આ સંમેલનમાં ઉપેન્દ્રભાઈ પંડ્યાએ અને હીરાબહેન પાઠકે અનુક્રમે ‘ક્લાન્ત કવિ' અને ‘ચક્રવાકમિથુન’ એ સાહિત્યકૃતિ વર્ગમાં શીખવવાના પ્રત્યક્ષ પાઠ આપ્યા હતા. યશવંતભાઈ શુકલે ‘રાઈનો પર્વત’ના ૪થા અંકની રાઈની સ્વગતોક્તિનું અને મનુભાઈ પંચોળીએ ‘પરથમ પરણામ મારા’ કાવ્યનું ભાવવાહી પડેન કર્યું હતું. બીજે દિવસે પ્રબોધભાઈ પંડિત ભાષાવિજ્ઞાનવિષયક વ્યાખ્યાન આપવાના હતા, પરંતુ તેઓ ન આવી શકતાં જયંત કોઠારી અને અનિરુદ્ધ બ્રહ્મભટ્ટે કાવ્યશાસ્ત્રને લગતા કેટલાક પ્રશ્નોની ચર્ચાથી બેઠકના આરંભ કર્યો હતો. ‘અર્ઘ્ય'માં અભ્યાસક્રમને લગતા કેટલાક મુદ્દાઓ ચર્ચાયા હતા. છેલ્લી બેઠકમાં, સુરેશભાઈ જોષી ‘અસ્તિત્વવાદ’ વિશે વ્યાખ્યાન આપવાના હતા, પરંતુ તેઓ ન આવી શકતાં મનુભાઈ પચોળીએ ‘આપણા પ્રાણપ્રશ્નો અને આપણી મુખ્ય ત્રણ નવલો’ વિશે વિચારગર્ભ વ્યાખ્યાન આપ્યું હતું. વર્ષની વિશિષ્ટ કૃતિઓમાં અંતરપટ’ ‘વાર્તાવિમશં’ ‘રેસિસ્ટન્સ, રેબેલિયન ઍન્ડ ડેથ’, ‘પૃથ્વીની પરકમ્મા', ‘નભેાવિહાર'ની સમીક્ષા થઈ હતી. રાતના ભજનકાર્યક્રમ અને શત્રુંજય પર્યટન પણ આ સંમેલનનાં સંભારણાં બની રહ્યાં. આગામી સંમેલનના પ્રમુખ તરીકે સુંદરજી બેટાઈની અને મંત્રી તરીકે ચિમનલાલ ત્રિવેદી અને ઇન્દ્રવદન અં. દવેની વરણી થઈ હતી.
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના નિમંત્રણથી, ઈ. ૧૯૬૨ના ઓક્ટોબરની તા. ૨૪-૨૫ એ, સુંદરજી બેટાઈના પ્રમુખપદે, વડોદરામાં ૧૫મુ સંમેલન મળ્યું હતું. કુલપતિશ્રી જ્યોતીન્દ્ર મહેતાએ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રમુખશ્રીએ ‘અધ્યાપકીય દૃષ્ટિકોણ’ (જુઓ, સુવર્ણમેઘ’) વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા અને ‘અનુષ્ટુપ’ વિશે લખવા ધારેલું અધ્યક્ષીય વ્યાખ્યાન તૈયાર ન થયું હોઈ, એ નિબંધ રૂપે ભવિષ્યમાં આપવાનું વચન આપ્યું હતું (-જે પાછળથી એમણે પાળ્યુ છે એ આ ગ્રંથમાં જોઈ શકાશે.). બીજી બેઠકના ચર્ચાવિષય હતા- સાતા સાહિત્યના વિવેચનના પ્રશ્નો'. એના પ્રસ્તાવક-સંચાલક ઉમાશ કરભાઈ જોશી હતા. ખીજે દિવસે ‘મહાવિદ્યાલયોમાં કવિતાશિક્ષણના પ્રશ્નો’ એ પરિસંવાદનુ સંચાલન વડાદરા યુનિ.ના અગ્રેજી વિભાગના અધ્યક્ષ પ્રા. વામન યશવંત કંટકે કર્યું હતું. ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસનું અધ્યયન-અધ્યાપન’ની બેઠકનું સ ંચાલન ભાગીલાલ સાંડેસરાએ કયુ હતું અને એમાં રમણલાલ મહેતા, ઉમાકાન્ત શાહ, મંજુલાલ મજમુદાર વગેરેએ ચર્ચાને આગળ વધારી હતી. ત્રણે ખેડકાનાં પ્રાસ્તાવિક વક્તવ્યા અભ્યાસપૂર્ણ હતાં. આગામી સંમેલનના પ્રમુખ તરીકે કાન્તિલાલ વ્યાસની અને મંત્રીએ તરીકે ઇન્દ્રવદન દવે અને શિરીષ માંકડની વરણી થઈ હતી.
ગંગાજળા વિદ્યાપીઠના નિમંત્રણથી, ઈ. ૧૯૬૩ના ઓક્ટોબરની તા. ૩૧ અને નવેમ્બરની તા. ૧ એ, કાન્તિલાલ વ્યાસના પ્રમુખપદે, ૧૯મું સંમેલન અલિયાબાડામાં મળ્યું હતું. ગુજરાત યુનિ.ના કુલપતિશ્રી લાલભાઈ દેસાઈના ઉદ્ઘાટન-પ્રવચન પછી, પ્રમુખશ્રીએ ‘કાવ્યમાં ધ્વન્યાત્મક પ્રતીકોનો વિન્યાસ’ વિશે વ્યાખ્યાન આપ્યું હતું. સંમેલનની બીજી બેઠકનો વિષય હતોઃ ‘મહાવિદ્યાલયમાં આંતરિક મૂલ્યાંનના પ્રશ્નો.’ અલીઅબાડાની ઍજ્યુકેશન કૉલેજના આચાર્ય ગૌરીભાઈ ભટ્ટે વિષયની ભીમિકા બાંધી આપ્યા પછી, એ પદ્ધતિના ગુણદોષોની જુદી જુદી યુનિવર્સિટીઓનાઅધ્યાપકોએ અનુભવમૂલક સમીક્ષા કરી હતી. ‘અર્ધ્ય’ વિભાગમાં ઉપેન્દ્રભાઈ પંડ્યાએ ‘મુકુન્દરાય’ વાર્તાની ચર્ચા આરંભી હતી અને એ અંગે ઠીકઠીક ઊહાપોહ થયો હતો. બીજે દિવસે ‘કવિ અને છંદ’ની બેઠકનું સંચાલન હીરાબહેન પાઠકે કર્યું હતું. એ ચર્ચાનું સ્તર પણ ઘણું ઊંચું રહ્યું હતું. (એમાં રજૂ થયેલાં કેટલાંક વક્તવ્યો ‘પરબ’માં પ્રગટ થયાં હતાં.) વર્ષની વિશિષ્ટ કૃતિઓ તરીકે ‘વાગીશ્વરીનાં કર્ણફૂલો’ અને ‘આકાર’ની આલોચના થઈ હતી. સંમેલનનું પૂર્ણાહુતિ વ્યાખ્યાન ડોલરભાઈ માંકડે આપ્યું હતું. એમાં સંઘના ધ્યાનમંત્ર તરફ ધ્યાન દોરી, અભ્યાસક્રમોની આયોજના અને પરિસંવાદ-ચર્ચાની બંને ભૂમિકાઓ પસાર કરી, સંઘ, હવે ત્રીજી ભૂમિકામાં પ્રવેશી રહ્યો છે ત્યારે, વર્કશોપની આયોજના પર વિશેષ ભાર મૂકવાનું સૂચન કર્યું હતું. સંમેલનમાં નીચેના ઠરાવો થયા હતાઃ (૧) ‘ગુજરાતીના અધ્યાપક-સંઘનું અલીયાઆડામાં મળેલું આ સોળમું સંમેલન એમ ઠરાવે છે કે ગુજરાત પ્રદેશમાં કામ કરતી યુનિવર્સિટીઓએ ડિગ્રીનો ત્રિવાર્ષિક અભ્યારક્રમ અપનાવ્યો છે અને તેને અનુલક્ષીને ટ્યૂટોરિયલ પદ્ધતિ, સેમિનાર પદ્ધતિ, અભ્યાસજૂથો રચવાની પદ્ધતિ વગેરે પદ્ધતિઓ ઉપર ભાર મૂક્યો છે તે માટે ગુજરાત યુનિવર્સિટી, મ. સ. યુનિવર્સિટી અને સરદાર વલ્લભભાઈ વિદ્યાપીઠ ખરેખર ધન્યવાદને પાત્ર છેઃ સાથોસાથ આ સંમેલન આ ત્રણે યુનિવર્સિટીઓનું ધ્યાન ખેંચવાની રજા લે છે કે અભ્યાસક્રમ, શિક્ષણપદ્ધતિ, પરીક્ષણ-પદ્ધતિ, શૈક્ષણિક સાધનો, વિદ્યાર્થીઓ અને અધ્યાપકોની સુયોગ્ય પસંદગી, ખર્ચની પૂરતી જોગવાઈ વગેરેનો સર્વતોમુખી ખ્યાલ કર્યા વિના જો ત્રિવાર્ષિક અભ્યાસક્રમ અમલમાં ચાલુ રહેશે તો સચિન્ત કરી મૂકે તેવાં જે ચિહ્નો અત્યારે જોવા મળે છે તે આ નથી વ્યવસ્થાનાં મુખ્ય પ્રયોજનોનો હાનિ પહોંચાડશે; તેથી આ સંમેલન ઉપરની ત્રણે યુનિવર્સિટીઓને વિનંતી કરે છે કે હેતુઓમાં, પદ્ધતિઓમાં અને અભ્યાસક્રમોમાં એકસૂત્રતા જળવાય તેવો પ્રબંધ કરવા, અધ્યાપકોને આ નવી અધ્યાપન-પદ્ધતિઓનો પ્રત્યક્ષ પરિચય થાય તે કરવા અને નાણાં વગેરે જરૂરી સાધનો ઊભાં કરવા ત્રણે યુનિવર્સિટીઓ એકઠી મળીને યોગ્ય વ્યવસ્થા કરે.’ [૨] ‘અલીઆબાડામાં મળેલું ગુજરાતીના અધ્યાપકસંઘનું આ સોળમું સંમેલન ગુજરાતી ભાષા-સાહિત્યના સર્વ અધ્યાપકોને વિનંતી કરી છે કે ગુજરાતી સાહિત્યનાં વિવિધ અંગો અને તેને સ્પર્શતા વિવિધ પ્રશ્નોનો તલસ્પર્શી અભ્યાસ કરવા વાસ્તે સ્વયંસ્ફૂર્તિથી અભ્યાસજૂથો રચીને કાર્યનો આરંભ કરે; વધુમાં ૧૯૬૩-૬૪ના વર્ષ માટેની કાર્યવાહક સમિતિને આ સંમેલન વિનંતી કરે છે કે એક કે બે વિષ ઉપર કેન્દ્રિત થાય તેવી અભ્યાસજૂથોની રચના માટે જરૂરી ભૂમિકા તે રચી આપે.’ ૧૭મા સંમેલનના પ્રમુખ તરીકે જ્યોતીન્દ્રભાઈ દવેની વરણી થઈ હતી (પરંતુ ૧૭મા અને ૧૮મા સંમેલનમાં પણ તબિયતને કારણે તેઓ ઉપસ્થિત ન રહી શકતાં, ૧૯મા સંમેલનના પ્રમુખ તરીકે તેમની વરણી થઈ હતી.) હવે પછીનાં સંમેલનોના મંત્રીઓ તરીકે ઇન્દ્રવદન દવે અને ચિમનલાલ ત્રિવેદી સ્થાયી મંત્રીઓ તરીકે કાર્ય કરે અને જે સ્થળે સંમેલન મળે એ સ્થળના ગુજરાતીના અધ્યાપક સ્થાનિક મંત્રી તરીકે રહે એવો નિર્ણય લેવાયો હતો.
તલોદની કૉલેજના નિમંત્રણથી, ઈ. ૧૯૬૪ના ઑક્ટોબરની તા. ૨૨, ૨૩એ, રામપ્રસાદભાઈ શુક્લના પ્રમુખપદે, સંઘનું ૧૭મું સંમેલન મળ્યું હતું. પ્રમુખશ્રીએ સાહિત્યમાં ઉચ્ચાવચતાના ખ્યાલ વિશે, કાલિદાસ અને વાલ્મીકિનાં અનુક્રમે મેઘદૂત અને કિષ્કિન્ધાકાંડમાંનાં વર્ષાવર્ણનોની તુલના કરીને, સમજ આપી હતી અને સૌંદર્યનો ક્યાસ કાઢવામાં પ્રતિરૂપ, કલ્પનાનું સાતત્ય અને સંહતિને લક્ષમાં લેવા પર ખાસ ભાર મૂક્યો હતો. સાહિત્યમાત્રનું સ્વારસ્ય તેનો મર્મ પકડવામાં છે એ મુદ્દાને એમણે ઉછિત ઉદાહરણો દ્વારા ઊપસાવી આવ્યો હતો. બપોરની બેઠકમાં ‘નાટક-સ્વરૂપ અને શિક્ષણ’ એ વિષયની ચર્ચામાંડણી ધીરુભાઈ ઠાકરે કરી હતી. અનેક અધ્યાપકોએ પણ એ રસમયઅને મર્મલક્ષી ચર્ચામાં ભાગ લીધો હતો. બીજે દિવસે ‘અધ્યાપનના પ્રશ્નો’ની બેઠકનો આરંભ પ્રેમશંકરભાઈ ભટ્ટે કર્યો હતો અને પછી અધ્યાપનનાં વિવિધ પાસાંની ચર્ચા થઈ હતી. ‘સમાજદર્પણ’, ‘ગ્રેટ ઍક્સ્પેક્ટેશન’નો ગુજરાતી અનુવાદ ‘અને આશા બહુ લાંબી’, ‘બાપુનાં સંભારણાં’ અને મરાઠી નાટ્યકૃતિની ‘વિશિષ્ટ કૃતિ’ તરીકે સમીક્ષા થઈ હતી. ૧૯૬૫ના ઑક્ટોબરમાં સંઘનું સંમેલન, જુદી જુદી યુનિવર્સિટીોમાં વેકેશન સમય જુદો જુદો હોવાથી, આયોજનની પ્રતિકૂળતાને કારણે, મળી શક્યું નહોતું. નોંધઃ આ સ્થળે એક ઘટનાનો અહીં નિર્દેશ કરવો જોઈએ. તા. ૨૯-૧૦-૬૩ના રોજ કલકત્તામાં વસતા ગુજરાતીઓ તરફથી અધ્યાપકસંઘ પર એક પત્ર આવ્યો હતો. એમાં કલકત્તા યુનિવર્સિટીના ગુજરાતીના અભ્યાસક્રમમાં અત્યંત સામાન્ય અને મરાઠીમાંતી અનુવાદિત કરેલાં પુસ્તકો બિનજવાબદાર રીતે એક અધ્યાપકે પાઠ્ય પુસ્તકો તરીકે નિયત કર્યાં હોવાની ફરિયાદ હતી. અધ્યાપકસંઘે આ બાબત પરત્વે કલકત્તા યુનિવર્સિટીના કુલપતિશ્રી અને કુલસચિવશ્રીને તા. ૧૧-૯-૬૪ના રોજ પત્રો લખી ધ્યાન ખેંચ્યું હતું. તા. ૧૭-૯-૬૪ના રોજ એમણે એ પત્રના ઉથ્તરમાં યોગ્ય પાઠ્યપુસ્તકોની યાદી સંઘ પાસે માગી હતી. સંઘે તા. ૩૦-૯-૬૪એ, સંઘના કેટલાક સભ્યોના સહકારથી, વિવિધ કક્ષાને અનુરૂપ એકાધિક પાઠ્યપુસ્તકોવાળી યાદી કલકલ્તા યુનિ.ને મોકલી હતી. સંઘના નિષ્ઠાભર્યા કાર્યને કલકત્તા યુનિવર્સિટીએ સહકાર આપ્યો હતો.
ઈ.સ. ૧૯૬૬ના ડિસેમ્બરની તા. ૩૦-૩૧એ, બહાઉદ્દીન કૉલેજના નિમંત્રણથી, કે. કા. શાસ્ત્રીના પ્રમુખપદે, સંઘનું ૧૮મું સંમેલન જૂનાગઢમાં મળ્યું હતું. પ્રમુખશ્રીએ ‘વ્યાકરણ અને ભાષા’ વિશે વ્યાખ્યાન આપ્યું હતું. બીજી બેઠક ‘ગુજરાતી વિષયની વ્રતમાન પરીક્ષાપદ્ધતિમાં તત્કાલ સૂચવી શકાય તેવા કેટલાક સુધારા’ વિશે હતી. ચર્ચાનો આરંભ કનુભાઈ જાનીએ કર્યો હતો. એ બેઠકમાં પરીક્ષણપદ્ધતિ, આંતરિક મૂલ્યાંકનપદ્ધતિ, કાર્યભાર, પ્રશ્નપત્રોનું ઘડતર અને એમની સમીક્ષાનું મહત્ત્વ, અનેક પરીક્ષાકેન્દ્રોનાં ભયસ્થાનો, પુસ્તકાલયનો વિશેષ ઉપયોગ, નિયત સંખ્યાનાં ઉત્તરપત્રોની વહેંચણી-તપાસણી, નિબંધ-પ્રકારના અને વસ્તુલક્ષી પ્રશ્નોમનું પ્રમાણ, પરીક્ષણનાં ઊંચાં અને કડક ધોરણોની જરૂર વગેરે અનેક મુદ્દાઓ વિશે ઝીણવટભરી વિચારણા થઈ હતી. ત્રીજી બેઠકનો વિષય ‘ગુજરાતી સાહિત્યનું ઇતિહાસલેખન અને અધ્યાપકો’ હતો. એની ચર્ચાનો આરંભ કખ્તસિંહ પરમારે કર્યો હતો. એ બેઠકમા ગુજરાતીમાં લખાયેલા સાહિત્ય-ઇતિહાસોની ઐતિહાસિક ક્રમે સમીક્ષા થઈ હતી. એમાં ઇતિહાસ-લેખનની વિવિધ પદ્ધતિઓ, અન્ય ભાષાના એવા નમૂનાઓ, એમાં માહિતી-સામગ્રી, મૂલ્યાંકન-વિવેચન આદિનું પ્રમાણ, સામગ્રી-નિર્માણ માટે અધ્યાપકનું કર્તવ્ય, એકાદ વ્યક્તિના પ્રયત્નથી મળતો ‘દૃષ્ટિકોણ’ અને સમૂહના સંકલિત પ્રયત્નોથી પેદા થતી ‘સામગ્રી’ વગેરે અનેક પાસાં વિગતે ચર્ચાયાં હતાં. પછીની બેઠક–‘સહૃદયતાના અંતરાયો’-ની ચર્ચા હીરાબહેન પાઠકે આરંભી હતી. રુચિભેદ, શ્રદ્ધાભેદ, સંપ્રદાયભેદ અને ટેક્નિકભેદે આવતાં રસાસ્વાદનાં વિઘઅનોની અનેક અધ્યાપકોએ રસભરી ચર્ચા કરી હતી. ‘કુલકથાઓ’ ‘મહાપ્રસ્થાન’ કૃતિઓની સમીક્ષા થઈ હતી. સંઘના સભ્ય-અધ્યાપકો ડોલરભાઈ માંકડ અને ઉમાશંકરભાઈ જોશીની અનુક્રમે સૌરાષ્ટ્ર અને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે થયેલી નિયુક્તિ અંગે સંઘે હર્ષ અને ગૌરવની લાગણી વ્યક્ત કરી એમને અભનંદન આપતા ઠરાવ કર્યા હતા.
ઈ. સ. ૧૯૬૭ના ડિસેમ્બરની તા. ૩૦-૩૧એ, જ્યોતીન્દ્રભાઈ દવેના પ્રમુખપદે, સંઘનું ૧૯મું સંમેલન, આર્ટ્સ કૉલેજ મોડોસામાં મળ્યું હતું. એમાં ઝીણાભાઈ દેસાઈ અને ચુનીલાલ મડિયા પણ હાજર રહ્યા હતા. ઉમાશંકરભાઈ જોશીના મંગલ પ્રવચન પછી પ્રમુખશ્રીએ ભાષા અને સાહિત્યના અધ્યાપન અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. એ પછી કવિશ્રી કાન્તની શતાબ્દી નિમિત્તે ‘કવિ કાન્ત’ વિશે પરિસંવાદ યોજાયો હતો. હરિવલ્લભ ભાયાણી એના પ્રસ્તાવક હતા. એમણે કવિના છંદોને માર્મિક રીતે તપાસ્યા હતા. ઝીણાભાઈ, મડિયા, ‘ઉશનસ્’, હીરાબહેન, વિનોદ અધ્વર્યુ, પ્રેમશંકર ભટ્ટ, યશવંતભાઈ અને ઉમાશંકરભાઈએ કવિ કાન્તની વિચારણા, છંદ દ્વારા કવિકર્મ, કવિતાનાં શિલ્પ-સ્થાપત્યની સૂઝ, કવિનું ગદ્ય વગેરે મુદ્દાઓ લઈ સરસ ચર્ચા કરી હતી. પછીની બેઠક ‘નિબંધ-સ્વરૂપ અને શિક્ષણ’ વિશેની હતી. જિતેન્દ્ર દવેએ ચર્ચાનો આરંભ કર્યો હતો. આ બેઠકમાં નિબંધનાં લક્ષણો, એમાંની ભાવસામગ્રી અને વિચારસામગ્રી, એનું ‘ફૉર્મ’, એના શિક્ષણપ્રશ્નો વગેેરની વિચારણા થઈ હતી. આગામી સંમેલનના પ્રમુખ તરીકે હરિવલ્લભ ભાયાણીની વરણી થઈ હતી.
એમ. એન. કૉલેજના નિમંત્રણથી, સંઘનું ૨૦મું સંમેલન, હરવલ્લભ ભાયાણીના પ્રમુખપદે, તા. ૩૧-૧૨-૧૯૬૮ અને તા. ૧-૧-૧૯૬૯ા દિવસોએ વિસનગરમાં મળ્યું હતું. શ્રી ‘સુંદરમ્’ પણ પહેલા દિવસે હાજર રહ્યા હતા. પ્રમુખશ્રીએ ‘સ્નાતક-અનુસ્નાતકકક્ષાએ અધ્યયન-સંશોધનના કેટલાક પ્રશ્નો’ એ વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું. સંમેલનની બીજી બેઠકનો ચર્ચાવિષય હતો–‘તે તે સયના જીવનસંદર્ભમાં પલટાતું જતું નવલકથાનું સ્વરૂપ’. ત્રીજી બેઠકમાં ‘મધ્યકાલીન સાહિત્યકૃતિના શિક્ષણ પાછળની દૃષ્ટિ’એ વિષય પર પરિસંવાદ યોજાયો હતો. યશવંતભાઈ શુક્લ, રામપ્રસાદ શુક્લ અને અન્ય અધ્યાપકોએ, પલટાયેલા સમયના યુગસંદર્ભમાં આપણે ત્યાં નિરૂપાયેલા નવલકથાના સ્વરૂપની, ઉદાહરણો આપી મીમાંસા કરી હતી. મધ્યકાલીન સાહિત્યકૃતિની બેઠકમાં જયંત કોઠારી, મોહનભાઈ પટેલ, કે. કા. શાસ્ત્રી, પુષ્કરભાઈ ચંદરવાર વગેરેએ વર્તમાન ધોરણો, તત્કાલીન ભાષાસ્વરૂપ, સામાજિક સંદર્ભ-સાંસ્કૃતિક દૃષ્ટિ, સૌંદર્યદૃષ્ટિ, શબ્દકોશનું મહત્ત્વ, એના શિક્ષણનું પ્રયોજન વગેરે પાસાંને આવરી લેતી ચર્ચા કરી હતી. ‘અર્ધ્ય’માં ગુજરાતીનું પહેલુ એકાંકી, તાલીમ-શિબિરોનું મહત્ત્વ, પીએચ.ડી.ના માર્ગદર્શન માટે અભ્યાસ વિષયોની સંકલિત યાદીની અગત્ય, ગુજરાતીનાં આઠ પ્રશ્નોપત્રોવાળો અભ્યાસક્રમ તેમજ સમકાલીન સાહિત્યના પ્રશ્નપત્રની આવશ્યકતા વિશે વિચારો રજૂ થયા હતા. એમ. એ.ના ગુજરાતીના અભ્યાસક્રમ આઠ પ્રશ્નપત્રો આપવાની વિચારણા કરી, સંઘનો અભિપ્રાય યુનિવર્સિટીને મોકલવા માટે સમિતિ નીમવામાં આવી હતી. (એની બેઠક તા. ૯-૪-૬૯ના રોજ અમદાવાદમાં મળી હતી, પરંતુ વિચારણાને અંતે ગુજરાતીનાં આઠ પ્રશ્નપત્રોવાળા અભ્યાસક્રમનો વિચાર પડતો મૂકવાનું સમિતિને ઉચિત લાગ્યું હતું.) ઉમાશંકરભાઈ જોશીના કાવ્યસંગ્રહ ‘નિશીથ’ને અર્પણ થયેલા ભારતીય જ્ઞાનપીઠના પારિતોષિક અંગે અભિનંદન આપતો ઠરાવ થયો હતો. ઇન્દ્રવદન દવેએ સંઘના મંત્રી તરીકે હવે પછી ચાલુ રહેવાની પોતાની મુશ્કેલી જણાવતાં, આગામી સંમેલનના મંત્રીઓ તરીકે ચિમનલાલ ત્રિવેદી અને જિતેન્દ્ર દવેની અને આગામી સંમેલનના પ્રમુખ તરીકે રામપ્રસાદભાઈબક્ષીની વરણી થઈ હતી. (પરંતુ તા. ૫-૩-૬૯ના પત્રથી એમણે ‘અનિવાર્ય સિવાયની પ્રવૃત્તિ ઓછી કરવા જેવી વયની અવસ્થા થઈ હોઈને’ નિમંત્રણનો સાભાર અસ્વીકાર કર્યો હતો. એ પછી કારોબારીએ ભાઈળાલભાઈ કોઠારીને ૨૦મા સંમેલનના પ્રમુખપદનો સ્વીકાર કરવા નિમંત્રણ આપ્યું હતું. પરંતુ એમના તા. ૧૨-૧૧-૭૦ના પત્રથી ‘ખૂબ સંકોચ સાથે મારે એનો અસ્વીકાર કરવો પડે એવી સ્થિતિ મારી આંખોએ ઊભી કરી છે’ એવું જણાવ્યું હતું અને સંઘે વિશેષ આગ્રહ કહતાં, તા. ૧૯-૧૧-૭૦ના પત્રથી ‘વ્યાખ્યાન સિવાય આ પદનો સ્વીકાર થઈ શકે જ નહિ એવી મારી દૃઢ માન્યતા છે.’ એમ લખી, સંયોગોવશાત ત્યારે એ શક્ય ન હોવાથી, એમણે પણ નિમંત્રણનો સાભાર અસ્વીકાર કર્યો હતો.)
૨૧મું સંમેલન, ઈ. ૧૯૭૧ના ડિસેમ્બરની તી. ૨૭-૨૮એ, આર્ટ્સ-સાયન્સ કૉલેજ, સુરેન્દ્રનગરમાં, પ્રેમશંકરભાઈ ભટ્ટના પ્રમુખપદે મળ્યું હતું. સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિશ્રી અનંતપ્રસાદ બક્ષીએ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રમુખશ્રીએ ‘મધ્યકાલીન સાહિત્યમાં શૃંગાર’ વિશે વ્યાખ્યાન આપ્યું હતું. બીજી બેઠકમાં ‘સાહિત્યસ્વરૂપોના અધ્યાપનના પ્રશ્નો’ ચર્ચાયા હતા. ચર્ચાનો આરંભ અનંતરાય રાવળે કર્યો હતો. સાહિત્યપ્રકારોનાં ઘટક તત્ત્વો, વિકાસ, તુલના અને એ પ્રકારની પ્રશિષ્ટ કૃતિઓના અધ્યયન દ્વારા સાહિત્યપ્રકારોનું અદ્યાપન કઈ રીતે કરી શકાય એ એમણે વિગતે અને વિશદતાથી સમજાવ્યું હતું. ઈશ્વરલાલ દવે અને અન્ય અધ્યાપકોએ ચર્ચાને આગળ લંબાવી હતી. ‘સમકાલીન સાહિત્યનું અધ્યાપન’ની બેઠકનો ચર્ચા-આરંભ ઉશનસે કર્યો હતો. આપણે સર્જનક્ષેત્રે આગળ અને વિવેચનક્ષેત્રે પાછળ હોવાથી વર્ગમાં એનો લાભ વિદ્યાર્થીઓને મળતો નથી એમ કહી, એમણે, સમકાલીન સાહિત્ય માટે સામયિકો સાથે વિદ્યાર્થીઓનો નાત બંધાવો જોઈએ એવી હિમાયત કરી. જયંતભાઈ પાઠક વગેરેએ પણ જ્ઞાનવિસ્ફોટ વિદ્યાર્થીઓ સુધી પહોંચતો નથી એવી ફરિયાદ કરી. ત્રીજી બેઠક–‘પીએચ.ડી. સંશોધન અને માર્ગદર્શન’-ની ચર્ચા-માંડણી હરિવલ્લભ ભાયાણીે કરી હતી. માર્ગદર્શક અને વિદ્યાર્થીઓને લગતી મુશ્કેલીઓ રજૂ કરી, માર્ગદર્શકની સજ્જતાના પ્રશ્નને એમણે વિગતે છણ્યો હતો. આ પછી આ અંગે પૂરેપૂરાં સાધન-સામગ્રીની તપાસ, વિદ્યાર્થીની નોંધણી પૂર્વે કસોટી-ચકાસણી, જુદી જુદી યુનિ.ઓમાં વિષયો બેવડાય નહિ તેની જાણકારી અને દેખરેખ વગેરે વિવિધ સૂચનો વિચારાયાં હતાં. એમ. એ.માં ડેઝર્ટેશન જેવું એક પ્રશ્નપત્ર રાખવાનું પણ સૂચન થયું હતું. અન્ય બેઠકમાં અધ્યાપકો દ્વારા ઓપવર્ગો ચલાવવા અંગે પણ સૂચવાયું હતું. ‘કથોપકથન’, ‘યુગે યુગે’, ‘મધ્યકાલીન સાહિત્યમાં તત્ત્વ વિચાર’ વગેરે કૃતિઓની સમીક્ષા થઈ હતી. આગામી સંમેલનનાં પ્રમુખ તરીકે હીરાબહેન પાઠકની અને મંત્રીઓ તરીકે ચિમનલાલ ત્રિવેદી અને કનુભાઈ જાનીની વરણી થઈ હતી.
ગુજરાત વિદ્યાપીઠના નિમંત્રણથી, સંઘનું ૨૨મું સંમેલન, ઈ. ૧૯૭૧ના ઑક્ટોબરની તી. ૨૮-૨ એ, હીરાબહેન પાઠકના પ્રમુખપદે, અમદાવાદમાં મળ્યું હતું. કુલપતિશ્રી રામલાલ પરીખે સ્વાગત-પ્રવચન કર્યું હતું. (સંમેલનનું ઉદ્ઘાટન રસિકભાઈ છો. પરીખ કરવાના હતા, પરંતુ અસ્વસ્થ તબિયતને કારણે તેઓ ઉપસ્થિત ન રહી શકતાં તેમણે શુભેચ્છાઓ મોકલી હતી અને બેત્રણ વાતો એમાં દર્શાવી હતીઃ યુનિવર્સિટીકક્ષાએ ગુજરાતી ભાષા-સાહિત્ય શીખવવાની પહેલ ગુજરાત વિદ્યાપીઠે કરી હતી અને બળવંતરાયની કવિતા તરફ વિદ્યાપીઠમાંથી જ પહેલીવાર પ્રજાનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.) પ્રમુખશ્રીએ ‘કાવ્યમાં રહસ્ય, ઘટકાંશ અને કાર્યપ્રયોજન-એનો આંતરસંબંધ’ વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું. બપોરની બેઠકમાં બે વિષયોની ચર્ચા યોજી હતીઃ (૧) યુનિવર્સિટીના અભ્યાસક્રમોમાં પ્રાચીન-મધ્યકાલીન સાહિત્યનું પ્રમાણ, સ્થાન અને પ્રયોજન. (૨) વર્ગમાં કાવ્યશિક્ષણ. પહેલી ચર્ચાનો આરંભ વિજયરાય વૈદ્યે કર્યો હતો. એ પછી મધ્યકાલીન કૃતિનું અબ્યાસમાં ઘટતું જતું પ્રમાણ, મોટે ભાગે નરસિંહ પછીના સાહિત્યને એમાં મળતું સ્થાન, એ કૃતિઓ શીખવતાં પડતી મુશ્કેલીઓ, એ માટે મધ્યકાલીન સાહિત્યના કોશની જરૂર, સાહિત્યદૃષ્ટિએ મધ્યકાલીન કૃતિના મૂલ્યાંકનની આવશ્યકતા, ઉત્તમ કૃતિઓ-ખંડો જ નિયત કરવા પર ભાર મૂકવાની અગત્ય, વિદ્યાર્થીની રસવૃત્તિને કલેશ ન થાય એ રીતે કલ્પનાની અને ભાષાની કેળવણી માટે એને સ્થાન આપી, લુપ્ત થયેલા શબ્દો, પ્રયોગોને અભિવ્યક્તિક્ષમતા વધારવા ઉપયોગમાં લેવાની જરૂર વગેરે મુદ્દાઓની ચર્ચા થઈ હતી. ‘કાવ્યશિક્ષણ’ અંગે પણ જુદાંજુદાં દૃષ્ટિબિંદુઓથી વિવિધ પદ્ધતિઓની રજૂઆત થઈ. બીજે દિવસે સવારની બેઠકમાં ‘વિદ્યાર્થીની ભાષાભિવ્યક્તિના પ્રશ્નો’ની ચર્ચાનો આરંભ શાન્તિભાઈ આચાર્યે કર્યો હતો. ભાષાની અનેક શૈલીઓ (સામાજિક વર્તુલો, જ્ઞાતિ, સ્થળ, સામાજિક દરજ્જો વ)નો પરિચય આપી એમણે શબ્દારથનું દારિદ્ર, અસ્પષ્ટતા, કોશના ઉપયોગનો અને લાઘવનો અભાવ વગેરે મુદ્દાઓ રજૂ કરી એમણે ઝીણવટથી તપાસ્યા હતા. એ પછી ઉચ્ચારણની તાલીમનું મહત્ત્વ, અભિવ્યક્તિનું સામર્થ્ય, પરીક્ષાપદ્ધતિની અપેક્ષાઓ સાથેની સુસંગતતા, ટ્યૂટોરિયલ પદ્ધતિ વ. અનેક મુદ્દાઓ ચર્ચામાં ઊપસ્યા હતા. પછીની બેઠક–‘વિવેચનનું પ્રયોજન’–ની ચર્ચા-માંડણી કરી નગીનદાસ પારેખે. વિવેચનને એમણે તત્ત્વવિચાર અને કૃતિવિચારના બે મુદ્દાઓામં વહેંચી, એમને અનુક્રમે કાવ્યવિચાર, સ્વરૂપવિચાર અને અર્થવિચાર, શિલ્પવિચારના પેટા મુદ્દાઓ દ્વારા આ પ્રશ્નને તપાસ્યો હતો અને આસ્વાદમાં મદદરૂપ થવાનું (અને આનંદ-અભિવ્યક્તિનું) પ્રયોજન સ્ફુટ કર્યું હતું. એ પછી વિવેચનના કેન્દ્રમાં સંવેદનાની સ્થાપના, એના અધ્યાપકીય, પત્રકારી અને શુદ્ધ પ્રકારો, કૃતિનિષ્ઠ વિવેચનનો મહિમા અને એમાં ભળતા અનેક પ્રશ્નો વ. અંગે મુક્તપણે ચર્ચા થઈ હતી. ‘અર્ધ્ય’ વિભાગમાં સાહિત્ય-ઇતિહાસ, ભાષાનો પ્રશ્નપત્ર, ઓપવર્ગો, વર્ગ-ખંડના પ્રશ્નો, વિવિધ અભ્યાસજૂથો દ્વારા અભ્યાસતારણોનું મહત્ત્વ, ગ્રંથસૂચિ વગેરે અંગે વિચારો રજૂ થયા હતા. ‘પરલોકે પત્ર’, ‘સંતોના અનુગામી’, ‘ચૌરંઘી’ એ કૃતિઓનાં વિવેચનો થયાં હતાં. ગ્રંથ-સંદર્ભસૂચિ તૈયાર કરવા માટે સમિતિની પણ રચના થઈ હતી. હવે પછીનાં સંમેલનોના પ્રમુખોનાં વ્યાખ્યાન પર ચર્ચા કરવાનું સૂચન થતાં તે સ્વીકારાયું હતું. આગામી સંમેલનના પ્રમુખ તરીકે ધીરુભાઈ ઠાકરની અને મંત્રીઓ તરીકે ચિમનલાલ ત્રિવેદી અને કેશુભાઈ પટેલની વરણી થઈ હતી.
ઈ. ૧૯૭૨ના ઑક્ટોબરની તા. ૨૨-૨૩એ, આર્ટ્સ-કૉલેજ, માણસામાં, ધીરુભાઈ ઠાકરના પ્રમુખપદે, ૨૩મું સંમેલન મળ્યું હતું. ઉમાશંકરભાઈ જોશીએ એનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રમુખશ્રીએ ‘નવલકથામાં પ્રથમપુરુષપ્રયોગ’ વિશે વ્યાખ્યાન આપ્યું હતું અને એ પછી વ્યાખ્યાનના મુદ્દાઓ પર અનેક અધ્યાપકોએ વિવિધ દૃષ્ટિબિંદુથી પોતાનાં મંતવ્યો દર્શાવ્યાં હતાં. બીજી બેઠકનો ચર્ચા વિષય હતો–‘પ્રાદેશિક નવલકથાઃ સ્વરૂપ અને ભાવન.’ ચર્ચાનો આરંભ ચિનુભાઈ મોદીના નિબંધવાચનથી થયો. એમણે પાત્ર-પ્રસંગનિરૂપણમાં પ્રાદેશિક લાક્ષણિક પરિસ્થિતિ, બોલી, સ્થળ-સમય-વાતાવરણની પ્રદેશગત વિગતોની ચકાસણી, સ્થાનિક રંગથી આવી કૃતિનું જુદાપણું, પ્રદેશવિશેષ દ્વારા સર્વદેશીય સંવેદનોનો સ્પર્સ વ. મુદ્દાઓ પ્રશ્નરૂપે રજૂ કરી પ્રાદેશિક નવલકથાના માનદંડો દર્શાવ્યા. એ પછી ‘આંચલિક’, ‘જાનપદી’ જેવા શબ્દો સ્પષ્ટ કરાયા અને પ્રદેશપ્રધાનતાનો મહિમા, એ દ્વારા નિશ્ચિત સંસ્કૃતિ, ભાષાભેદોની ઝીણવ વગેરે મુદ્દાઓ તપાસાયા એ પછીની, ચર્ચા ‘પદ્યનાટક અને રંગમંચ’ વિશે હતી. એમાં સુમનભાઈ શાહે એલિયટના નમૂનાઓ પરથી બંધાયેલા આ સ્વરૂપની વાત કરીને એના પદ્યમાધ્યમથી મળતા લાભોને તપાસ્યા. ચંદ્રકાંત શેઠે ગુજરાતીમાં થયેલા વિવિધ પ્રયોગોની સોદારણ વાત કરી. હરિવલ્લભ ભાયાણીએ પદ્યભાષાની, અને અન્ય અધ્યાપકોએ રંગભૂમિ, અભિનેતા વ. સંદર્ભમાં આ સ્વરૂપની ચર્ચા કરી. ત્રીજી બેઠક–‘યુનિવર્સિટીકક્ષાએ લોકસાહિત્યના અધ્યયન-અધ્યાપનના પ્રશ્નો’-ની ચર્ચાનો આરંભ મોહનભાઈ પટેલે કર્ય અને પ્રાગજીભાઈ ભાંભી વગેરેએ શુદ્ધ લોકસાહિત્યની લોકબોલીની અભિવ્યક્તિક્ષમતાની, લોકજીવનના અસલી રંગની, લોકસાહિત્યની સીમાઓની, એના સંશોધન-સંપાદનના મહત્ત્વની અને શિક્ષણ-પ્રમાણ અને એ માટેની સજ્જતાની ચર્ચા કરી. ‘અર્ધ્ય’ વિભાગમાં અભ્યાસલેખોના વાર્ષિકની, વસ્તુલક્ષી પ્રશ્નપત્રોની, અનુવાદકાર્ય અંગેની તેમજ હસ્તપ્રતવાચનની પ્રત્યક્ષ તાલીમની, મૌખિક પરીક્ષાના મહત્ત્વની તેમજ-ભાષા-વ્યાકરણ-નિબંધનાં પ્રશ્નપત્રો અંગે રજૂઆત થઈ. ‘કાન્ત તારી રાણી’, ‘રૂમનો ટી. બી. પેશન્ટ’ કૃતિઓની સમીક્ષા થઈ. આગામી સંમેલનના પ્રમુખ તરીકે ચંદ્રવચન મહેતાની અને મંત્રીઓ તરીકે ચિમનલાલ ત્રિવેદી અને ચિુભાઈ મોદીની વરણી થઈ.
ઈ.સ. ૧૯૭૩ના ડિસેમ્બરની તી. ૨૭-૨૮ એ, નવજીવન આર્ટ્સ-કૉમર્સ કૉલેજના નિમંત્રણથી, ચંદ્રવદન મહેતાના પ્રમુખપદે, ૨૪મું સંમેલન દાહોદમાં મળ્યું હતું. પ્રમુખશ્રીએ ‘ગુજરાતીના અભ્યાસક્રમમાં નાટકનું શિક્ષણ’ એ વિશે વ્યાખ્યાન આપ્યું હતું. વ્યાખ્યાનને અંતે ન્હાનાલાલના અકબરશાહની એકોક્તિનું લયવાહી પઠન કરી ચર્ચાના વિષયને પૂર્ણ રીતે સાર્થક બનાવ્યો હતો. સંમેલનમાં ચર્ચાના મુખ્ય બે વિષયો હતાઃ પહેલી બેઠકમાં ‘વર્ગમાં એકાંકીશિક્ષણ’ની ચર્ચા થઈ. આરંભે બે નિબંધો વંચાયા હતા. એ પછી અનેક અધ્યાપકોએ આ વિષયને જુદી જુદી રીતે ચર્ચ્યો. એમાં વાચિક અભિનય, સર્જનાત્મક પ્રક્રિયા, માનસિક રંગભૂમિની તાલીમ, ભાષાના અલગ, અભિવ્યક્તિ વગેરે મુદ્દાઓ મુખ્ય હતા. સહવાચન, શ્રાવ્ય ઉપરાંત દૃશ્ય પાસા પર ભાર મૂકવાની જરૂર, પ્રયોગશાળા અને ‘ટેઈપ'નાં સાધનો, પઠનનું મહત્ત્વ, પાત્રવિકાસના નકશાનુ શિક્ષણમાં મહત્ત્વ વગેરે કેટલાક મુદ્દાઓ ચર્ચામાંથી સ્ફુટ થયા. બીજી બેઠકમાં ‘સમકાલીન કથાસાહિત્ય અને જીવન'ની ચર્ચાનો આરંભ ભૂપેશ અધ્વર્યુના નિબંધવાચનથી થયો. ગુજરાતી કથા- સાહિત્યમાં વ્યાપક નિર્વેદભાવ, વાતાવરણ, દિશાહીન સપાટ ચહેરાના વિ–નાયક, સમાજસેવિકાના સ્વાંગ ત્યજતી નવલકથા, ‘પ્રતિનવલોની રચના, ઘટનાલાપના પ્રયાગા, જીવનની અસંગતતાને સાક્ષાત્ કરવા અર્થવિચ્છેદ, ભાષાનાં નવાં નવાં ઓજારો, ચાક્ષુષ ગદ્યનું સર્જન, ઘટનાનું પ્રતીકરૂપ વગેરે મુદ્દાઓને નવલકથાઓમાંથી ઉદાહરણો ટાંકીને અનેક અધ્યાપકોએ ચર્ચ્યા. ‘વેરાનજીવન’, ચંદ્રકાંત બક્ષીથી ફેરો’, સાત એકાંકી, અને માર્ટનની‘જીઈન'ની સમીક્ષા પણ થઈ. અભ્યાસક્રમો અંગેની તૈયાર કરેલી પ્રશ્નોત્તરી જયંત કોઠારીએ અધ્યાપકોને આપી. એ દ્વારા અધ્યાપકોના પ્રતિભાવો અભ્યાસસમિતિને પહોંચતા કરવાનુ શક્ય બનાવી શકાય. સંમેલનમાં એક મહત્ત્વનો ઠરાવ થયો— ‘ગુજરાતની યુનિવર્સિટીઓમાં અંગ્રેજી વિના એસ.એસ.સી. પરીક્ષામાં ઉત્તી થયેલા વિદ્યાર્થીઓને પણ કૉલેજ-પ્રવેશ આપવાની જે નીતિ અખત્યાર કરવામાં આવી છે તેને પરિણામે યુનિવર્સિટીકક્ષાએ ફરજિયાત અંગ્રેજી વિષયના સ્થાન અંગે કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થયા છે. આ બાબતમાં ગુજરાતીના અધ્યાપક સંઘના ૨૪મા સંમેલન પ્રસંગે મળેલી આ સભાની દૃઢ માન્યતા છે કે- (૧) જગતના અનેક વિષયોના તથા એમાં થતી રહેતી પ્રગતિની જાણકારી માટેના એક માધ્યમ લેખે તથા સંશોધન માટેના એક સહાયક સાધન લેખે–ટૂંકમાં ગ્રંથાલયની ભાષા તરીકે–અંગ્રેજીનુ મહત્ત્વ સ્વયંસ્ફુટ છે. આથી ઉપર દર્શાવેલા વિદ્યાર્થીઓને માટે પણ ઓછામાં ઓછું Comprehension-ભાષાગ્રહણકક્ષાનું અંગ્રેજીનું શિક્ષણ સ્નાતક પદવી સુધી આવશ્યક ગણાવુ જોઈએ. (૨) જો કોઈ પણ કારણસર ઉપરની વ્યવસ્થામાં ફેરફાર કરવાનો આવે તો અંગ્રેજી વિષયને સ્થાને વિવિધ વિષયોને લગતી ગુજરાતીની અભિવ્યક્તિ પુષ્ટ થાય તે પ્રકારનો ગુજરાતી ભાષા- શિક્ષણનો ફરજિયાત પાઠયક્રમ ચારે વર્ષ માટે નિયત કરવો જોઈએ, કેમ કે માનવવિદ્યા તથા વિજ્ઞાન વગેરેના અનેક વિષયોના વિપુલ સાહિત્યનું, સ્વતંત્ર ગ્રંથલેખન, અનુવાદ વગેરે દ્વારા, ગુજરાતીમાં નિર્માણ કરવાના કાર્યને આપણે અભિવ્યક્તિક્ષમતાની આવી ઘનિષ્ઠ તાલીમ પામેલા શિક્ષિતો દ્વારા જ પહોંચી શકીએ. (૩) અંગ્રેજીને સ્થાને ફરજિયાત ગુજરાતીને બદલે હિન્દી વિષય રાખવાથી કશો ઉપયોગી હેતુ નહીં સરે કેમ કે ગુજરાતીભાષીને માટે હિન્દી ભાષાનું શાળાકક્ષાએ અપાતું સાત વર્ષનું ફરજિયાત શિક્ષણ અને ગ્રંથાલયની ભાષા તરીકે ઉપયાગમાં લેવા માટે પર્યાપ્ત છે; એટલું જ નહિ પણ આમ કરવાથી ગુજરાતી ભાષામાં વિદ્યાકીય સામગ્રીનું નિર્માણ કરવાના મૂળભૂત કાર્યને ભારે હાનિ પહોંચશે એમાં શંકા નથી.’’ આગામી સંમેલન રજતજયંતી–સંમેલન તરીકે ઊજવવાનું નક્કી થયું. પ્રમુખ તરીદે સુરેશભાઈ જોશીની અને મંત્રીઓ તરીકે ચિમનલાલ ત્રિવેદી અને ચિનુભાઈ મોદીની વરણી થઈ. હવે, ઈ ૧૯૭૪ના નવેમ્બરની તા. ૯-૧૦એ, સંઘનું ૨૫મું સંમેલન, મહિલા કૅાલેંજ, ભાવનગરમાં, સુરેશભાઈ જોષીના પ્રમુખપદે, મળી રહ્યું છે. એમાં નિયત થયેલા ચર્ચા-વિષયો છે : (૧) ભાષાવિજ્ઞાન અને સાહિત્યિક વિવેચન, (૨) સાહિત્યમાં કલ્પન, પ્રતીક અને પુરાકલ્પનનુ સ્વરૂપ અને કાર્ય (૩) વિદ્યાર્થીઓના પરીક્ષણ અને મૂલ્યાંકનના પ્રશ્નો (૪) મારા સ્વાધ્યાય. ગુજરાતીના અધ્યાપકો ઉપરાંત અન્ય ભાષાના કેટલાક અધ્યાપકોને પણ આ સંમેલનની ચર્ચાઓમાં ભાગ લેવા નિમંત્રણ આપવામાં આવ્યું છે. ભારતમાં યુનિવર્સિટીકક્ષાએ ગુજરાતીના શિક્ષણનો આરંભ થયો ત્યારે મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં નરસિંહરાવ દિવેટિયા અને અમદાવાદની ગુજરાત કૉલેજમાં કેશવ હર્ષદ ધ્રુવની ગુજરાતીના અધ્યાપકો તરીકે નિયુિક્ત થઈ હતી. ગુજરાત વિદ્યાપીઠમાં રામનારાયણ પાર્ક એ સ્થાન શૈભાળ્યું હતું. આજે અનેક યુનિવર્સિટીઓમાં અને અનેક સંલગ્ન કૉલેજોમાં અમારા એ ત્રણ આદિ અધ્યાપકોનો વંશવેલો વિસ્તરીને વટવૃક્ષ જેવો બન્યો છે. પરદેશમાં ગુજરાતીનું શિક્ષણ આપતા અધ્યાપકો પણ છે. ગુજરાત-મહારાષ્ટ્ર સિવાય પણ કેટલોક સ્થળે ગુજરાતીનું અધ્યાપન થાય છે. એકલા ગુજરાત- મહારાષ્ટ્રમાં ગુજરાતીના અધ્યાપકોની સંખ્યા આશરે પાંચસો ઉપરાંતની છે. ગુજરાત યુનિવર્સિટીમાં આશરે ૨૫૦, ગુજરાત વિદ્યાપીઠમાં ૮, સૌરાષ્ટ્ર યુનિ. માં આશરે ૭૫, વલ્લભ વિદ્યાનગરમાં ૨૩, વડોદરા યુનિવર્સિટીમાં ૧૨, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આશરે ૭૦ અને મુંબઈ યુનિવર્સિટીમાં ૮૨ ગુજરાતીના અધ્યાપકા (એસ. એન. ડી. ટી. યુનિ.ના અધ્યાપકો સમેત). દિલ્હી, પૂના, કલકત્તા જેવાં સ્થળાના અધ્યાપકા એમાં ઉમેરીએ તો એ આંકડો સવાપાંચસો જેટલો થાય. આ સંઘની ઈ. ૧૯૪૭ના નવેમ્બરમાં સ્થાપના થઈ. નવેમ્બર ૧૯૭૪માં એને બરાબર ૨૭ વર્ષ પૂરાં થાય છે. પ્રતિકૂળ સંયોગોને કારણે વચમાં એ વર્ષ-૧૯૫૭ અને ૧૯૬૫માં-એનાં સંમેલના યોજી શકાયાં નહિ, એટલે આજે, ૨૭મા વર્ષે, એનું ૨૫મું રજત-જય તી સંમેલન ઊજવાય છે. ૨૫ સંમેલનોમાં અધ્યાપકસ ધે જે શૈક્ષણિક— સાહિત્યિક કામગીરી કરી છે એનું, ઉપલબ્ધ માહિતીને આધારે, અહીં ટૂંકું નિરૂપણ કર્યું છે. આ સંઘે, ઉચ્ચ શિક્ષણમાં ગુજરાતીના અભ્યાસક્રમ અંગે આરંભથી અત્યાર સુધી સતત ચિંતન કર્યું છે, એમાં અવ્યવસ્થા દેખાતાં એનો સવિનય વિરોધ કરી, સતત ક્રિયાશીલ રહી, અભ્યાસક્રમમાં વ્યવસ્થા અને એકસૂત્રતા આપ્યો છે. અધીત તેજસ્વી બનાવવાના એના ધ્યાનમંત્રથી એ સહેજ પણ ચ્યુત થયો નથી. પરિષદો કે જ્ઞાનસત્રો કે લેખક મિલનો જેવી વિવિધ વિષયોની સાહિત્યની ચર્ચાવિચારણા અને શિક્ષણ સંસ્થાએ જેવી અધ્યાપન-વિચારણા એનાં મિલનોમાં થતી આવી છે. આ સંઘ, શૈક્ષણિક પ્રશ્નો વિશે પોતાના સ્વચ્છ અને સુચિંતિત અભિપ્રાય નીડરતાપૂર્વક સતત ઉચ્ચારતા રહ્યો છે. ગુજરાતીના અધ્યાપકોના સંઘ હોવા છતાં અન્ય ભાષાના અધ્યાપકોને અને સાહિત્યસેવીઓને પણ નિમ ત્રણા આપી સંમેલનોમાં એમની સાથે વિચારવિનિમય કર્યો છે. ગુજરાતીના અધ્યયન-અધ્યાપન માટે અન્ય ભાષાઓના અધ્યયન-અધ્યાપનનું મહત્ત્વ એણે પ્રમાણ્યું છે, અને એ માટે સ્પષ્ટ વિચારો પણ રજૂ કર્યા છે. હા, ટાંચાં સાધના જેવી કેટલીક મુશ્કેલીઓને કારણે કેટલાક વિચાર અમલમાં મૂકી શકાયા નથી. ગુજરાતીના અધ્યાપકો માટે આ સંઘ આત્મશિસ્તની તાલીમશાળા જેવો રહ્યો છે. પ્રેમ-ઉષ્માભર્યા અને અભ્યાસપરાયણ સંમેલન દ્વારા ગુજરાતીના અધ્યાપકોને આ સંઘે એકસૂત્રે બાંધ્યા છે અને એમને અધ્યયન-અધ્યાપનમાં સ્ફૂર્તિવંત રાખ્યા છે. એનું શ્રેય એના આદ્યસ્થાપક ડોલરરાય માંકડને તેમજ યશવંતભાઈ શુક્લ જેવા એના સતત ક્રિયાશીલ સભ્યોને પણ છે.
૧ પ્રજાબંધુ, ૩૦-૧૧-૧૯૪૭, ૨ ગુજરાત સમાચાર, ૧૮-૧૧-૪૮; પ્રજામ`ધુ, ૨૧-૧૧-૪૮. ૩ પ્રજાબંધુ, ૩૦-૧૦-૪૯, ૪ બુદ્ધિપ્રકાશ, નવેમ્બર, ૧૯૫૧; સંસ્કૃતિ, ડિસેમ્બર ૧૯૫૧; ગુજરાતમિત્ર, ૧૯૫૧, ૫ ધમેન્દ્રસિંહજી કૉલેજ, રાજકાટ, વાર્ષિક અંક, ૧૯૫૪, ૬ ગુજરાત સમાચાર, ૧૭–૧૦ ૫૪. ૭ સંસ્કૃતિ, નવેમ્બર ૧૯૫૫, ૮ સંસ્કૃતિ, ડિસેમ્બર, ૧૯૫૮. ૯ જનસત્તા, ૨–૧–૬૦. - ૧૦ ગુજરાત સમાચાર, ૧૨,૧૯-૧૧-૧૯૬૧. ૧૧ સંસ્કૃતિ, ઓક્ટોબર, ૧૯૬૨. ૧૨ જનસત્તા, -૧૧-૬૩; ગુજરાત સમાચાર, ૧૦-૧૧-૧૯૬૩, ૧૩ ગુજરાત સમાચાર, ૧, નવેમ્બર. ૧૯૬૪ ૧૪ મોડાસા કૉલેજનું વાર્ષિક, ૧૯૬૮, ૧૫ ગુજરાત સમાચાર, ૧૩-૧-૭૧; સદેશ, ૩૦-૧૨-૭૦ (કૃતિ); દૃષ્ટિ, ૧૦-૨-૭૧. ૧૬ ગુજરાત સમાચાર, ૭-૧-૭૪, સંદેશ, ૪-૧-૭૪, દૃષ્ટિ, ૧૦-૧-૭૪. નોંધ આ લેખ માટે વર્તમાનપત્રો અને સામયિકોની જૂની ફાઈલોમાંથી માહિતી મેળવવા ઉપરાંત અનેક અધ્યાપકમિત્રોને પત્રો લખેલા. સર્વ શ્રી ભાગીલાલ સાંડેસરા, મનસુખલાલ ઝવેરી, હીરાબહેન પાઠક, રમણલાલ શાહ, કુંજવિહારી મહેતા, ઉપેન્દ્ર પંડયા, નટુભાઈ રાજપરા વગેરેએ શ્રમ લઈને મને માહિતી પૂરી પાડી છે. સંઘ તરફથી એમના પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરું છું.