અધીત : પ્રમુખીય પ્રવચનો - ૧/ગુજરાતી સાહિત્યમાં અનુષ્ટુપ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩. ગુજરાતી સાહિત્યમાં અનુષ્ટુપ
સુંદરજી બેટાઈ
સામાન્ય પ્રાક્કથન

પદ્ય અને ગદ્ય ઉભય પ્રકારની સાહિત્યપ્રસિદ્ધિ અને તેની ઐતિહાસિક આલોચના અત્યંત સમાનપ્રેરક અને કૌતુકકર છે. એ બંનેના મૂળમાં સંવાદસાધકતાનું તત્ત્વ રહેલું છે. તે તત્ત્વને અનુલક્ષીને પદ્યલય, ગદ્યલય વગેરે શબ્દપ્રયોગો આપણે ત્યાં પ્રચલિત છે. હું પદ્યસંવાદ કહેવાનું વધારે પસંદ કરું છું. લય શબ્દને સંગીતના સંસ્કાર સબળ રીતે વળગેલા છે, એટલે તે છંદ શાસ્ત્રની પરિભાષામાં ન જ વપરાય એવો દુરાગ્રહ ન જ કરાય; પરંતુ સંવાદ સ્પષ્ટતાને વિશેષ ઉપકારક ગણું છું. કાવ્યના અંતર્ગત સંવાદની કે લયની વ્યાકૃતિ-વિશેષ રૂપની કે રૂપવિશિષ્ટ આકૃતિ તે છન્દ. તેમાં આનંદ આપવાની શક્તિનો ભાવ રહેલો છે, જેમ કાવ્યની જન્મભૂમિ કવિનું ચૈતન્યતન્ત્ર, તેમ તેની વ્યાકૃતિની એટલે છન્દની જન્મભૂમિ પણ એ ચૈતન્યતત્ત્વમાં અન્તર્ગત કાવ્યભાવતન્ત્ર. કાવ્યનાં અન્ય તત્ત્વોની જેમ જ છંદ-સંવાદના ઔચિત્યના પ્રથમ નિર્ણાયક તો કવિના પોતાના કલાપૂત કર્ણ, ને તેનો અંતિમ પરીક્ષક સહૃદય કાવ્યભાવતન્ત્રમાં જેમ વિવિધતા રહેલી છે, તેમ તેની વ્યાકૃતિમાં એટલે છંદમાં પણ અનેકવિધતા હોય જ. વાણીના સામાન્ય વ્યવહારથી તેનું વ્યાવર્તન કરનારા આપણે શબ્દ તે પદ્ય. पद् શબ્દ ઉપરથી બન્યો છે. पद्यं चतुष्पदी, तश्च वृत्तं जातिरिति द्विधा એમ પદ્યનાં સ્વરૂપસાધક તત્ત્વોને અનુલક્ષીને સંસ્કૃતમાં તેનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે.પદ્યવિષયક ગ્રન્થો, પ્રાચીન તેમ જ અર્વાચીન, અનેક છે. માધવ જુલિયન પટવર્ધને પોતાના ‘છન્દોરચના’ નામના ગ્રંથમાં અને કે. હ. ધ્રુવે એમની પદ્યરચનાની ઐતિહાસિક આલોચના'માં અને રામનારાયણ પાઠકે એમના છન્દોવિષયક ગ્રંથામાં આ વર્ગીકરણને વધારે વિચાર્યું છે, ને વિસ્તાયું છે. છન્દ શબ્દના અનેક અર્થ ઇચ્છા, આનન્દ, વેદ વગેરે સુવિદિત છે. વેદો પ્રાચીન મન્ત્રદ્રષ્ટાઓના જ્ઞાનાન્દના આવિર્ભાવરૂપ હોવાથી તેમને છન્દ આનન્દ ગરચના—કહેલ હશે કે કેમ તેની તર્ક તપાસમાં અટવાયા વગર બેશક કહી શકાય કે કવિની કાવ્યાનુભૂતિના સ્વાભાવિક આવિર્ભાવની વર્ણબદ્ધતા તે છન્દ, તે આનન્દ આપવાની તેની શક્તિ તે એની વિલક્ષણતા. અંગ્રેજી verse શબ્દને! અર્થ પણ વિલક્ષણ પ્રકારની એટલે વિલક્ષણ આનંદ દેનારી લેખનરીતિ એવા ઘટાવી શકાય. પ્રાચીન સંસ્કૃત છંદોમાં કદાચ સવિશેષ સુભાગ્ય અનુષ્ટુપને વર્યું છે. વૈદિક કાળથી માંડીને આજ સુધી તેનો જીવનપ્રવાહ વહ્યા કર્યાં છે. લાંબા સમયથી અનુષ્ટુપ મારા આકર્ષણ અને અન્વેષણનો વિષય બન્યા છે. તેને વિશે જે વિસ્તૃત લેખયોજના મેં વિચારી છે તેના એક પૂરક ભાગરૂપ આ અન્વેષણલેખ છે. છન્દને હું કાવ્યના સ્વાભાવિક અંગભૂત તત્ત્વ તરીકે જોઉં છું એટલે આ અનુષ્ટુપના વિષયને તેની કાવ્યસિદ્ધિ અને કાવ્યક્ષમતાની દૃષ્ટિએ વિચારું છું એમ સ્પષ્ટ કરવાની ભાગ્યે જ કશી જરૂર હોય. અનુષ્ટુપ વિશે છન્દશાસ્ત્ર જે સામાન્ય મર્યાદા આંકી છે તે અનુલ્લંઘનીય આજ્ઞારૂપે નથી એ તા સિદ્ધ અને પ્રસિદ્ધ, પ્રાચીન તેમ જ અર્વાચીન, કવિઓએ સંસિદ્ધ કરેલા તદિતર પ્રયોગો ઉપરથી સ્પષ્ટ જ છે. અનુષ્ટુપ સામાન્ય રીતે રૂપબદ્ધ વૃત્તોના વર્ગમાં મુકાય છે; પરંતુ બીજાં સંસ્કૃત વૃત્ત જે અર્થમાં રૂપબદ્ધ છે તે અર્થમાં અનુષ્ટુપ રૂપબદ્ધ વૃત્ત નથી. કારણ કે અન્ય વૃત્તોમાં પ્રત્યેક ચરણમાં પ્રત્યેક અક્ષરનું લઘુ કે ગુરુ રૂપ નિશ્રિત હોય છે, જ્યારે અનુષ્ટુપમાં તેમ નથી. અનુષ્ટુપ માત્રાબંધ પણ નથી. આ પ્રાચીન છંદો પોતાની સેવાસિદ્ધિમાં બંધને બંધનમુક્તતાનો અનુભવ કરાવતું કૌતુકકર રૂપવૈવિધ્ય પ્રગટ કર્યુ. છે ને તે તુચ્છાતિતુચ્છથી ભવ્યાતિભવ્ય સુધીના કાવ્યવૈવિધ્યનું સંભાવક બન્યું છે. વ્યાસ વાલ્મીકિ અને કાલિદાસાદિએ આ કાવ્યવાહનને કેવો કસ કાઢ્યો છે તે કોણ નથી જાણતું? અનુષ્ટુપનું એ કૌતુકકર રૂપવૈવિધ્ય વીગતે તો અન્યત્ર જોવા વિચારવાનું ધાર્યું છે. અહીં તો માત્ર એક વીગત નોંધું છું ને તે અનુષ્ટુપના વિષમ ચરણમાં એકલ લઘુની સ્થિતિની (સર્વગુરુ ચરણ અનુષ્ટુપમાં કદી આવી શકે જ નહિ). આવી એકલલઘુ વિષમ રચનામાં લઘુ વર્ણ કાં તો પાંચમે, કાં તા ખીજે, કાં તો બીજે ને કાં તો છઠ્ઠું આવી શકે. ‘तत्र को मोहः कः शोकः’ એ ઈશાવસ્યનું સાતમા શ્લોકનું ત્રીજું ચરણ બીજે એકલ લઘુવાળું જાણીતું છે. અન્યત્ર પણ એવાં વિષમ ચરણો પ્રત્યોજેલાં મળશે. નીચેનાં મહા- ભારતી ચરણા ત્રીજે લઘુ દેખાડે છે ઃ श्रान्ताः प्रसुप्तास्तत्रैमे (આરણ્યક—અધ્યાય ૧૩—શ્લોક ૮૬) भीमस्य पादौ कृत्वा तु (આરણ્યક—અધ્યાય ૧૩—શ્લોક ૮૭) तेजस्विनं तं विद्वांसो (આરણ્યક—અધ્યાય ૧૩—શ્લોક ૧૭) क्रुद्धो हि कार्यं सुश्रोणि (આરણ્યક—અધ્યાય ૧૩—શ્લોક ૧૮) આવાં ઉદાહરણો મહાભારતમાં તેમ જ બીજે ઘણાંય મળશે. આવાં ચરણોમાં ૫-૬-૭ વર્ષાં ગાગાગા એ રૂપના જ આવે એ કહેવાની ભાગ્યે જ જરૂર હોય. પરંતુ વિષમમાં માત્ર છઠ્ઠે લઘુ આવ્યો હોય ત્યારે એ વર્ણો ગાલગા જ હોય ને આખું ચરણ ગાગાગાગા ગાલગાગા એ રૂપનું બને. આવાં વિષમ ચરણો પણ ઘણાંય મળે. પણ કદાચિત્ ચોથે એકલ લઘુ આણવા જઈએ તો ચરણ સાત વર્ણનું—ગાગાગાલ ગાગાગા એ રૂપનું—બનીને ઊભું રહે, ને તે પણ. કવચિત્ ચાલે ખરું. આવી સસવણી વિષમ રચના અનુષ્ટુપની ક્યાંક જોયાનું સ્મરણ પણ છે. આ અને આવા પ્રયોગો ક્યાં કેટલા સુખાવહ તે સ્વીકાર્ય અથવા કલેશકર ને ત્યાજ્ય ગણાય તેનો નિર્ણય સહૃદયો જ કરી લેશે. સમચરણમાં સાધારણ રીતે અતિપ્રાચીન સંસ્કૃત પ્રયોગો બાદ કરતાં સપ્તવર્ણી ચરણુરચના જોવામાં આવતી નથી. આવા અતિપ્રાચીન પ્રયાગોમાંયે સ્વરભક્તિ કે સ ંધિભેદ જેવી કોઈ ઉચ્ચારણપ્રક્રિયા પ્રવર્તી ને એ દેખીતી સપ્તવણી રચનાને હકીકતમાં અષ્ટવર્ણી બનાવી મૂકતી હશે એમ લાગે છે. ઈશાવાસ્યમાંથી અત્યંત જાણીતાં ઉદાહરણો- ‘तद् दूरे तद्वन्तिके’, ‘येडविद्यामुपासते’ આ દૃષ્ટિએ પ્રકાશક બને તેવાં છે. સામાન્યતઃ સમચરણના અંતિમ ચાર વર્ણો ‘લગાલગા 'ને સાચવી સમાલીને જ તેના પહેલા ચાર વર્ણમાં ફેરફાર થાય છે, ને તે જ યોગ્ય છે એમ શ્લોકસમગ્રના છન્દસંવાદની દૃષ્ટિએ અવશ્ય લાગે છે. અનુષ્ટુપના અષ્ટાક્ષરી સમવિષમ ચરણોની લઘુગુરુ રૂપરચનાને વિચ્છિન્ન રૂપે જોવાની નથી. વિષમની રૂપરચના સમને અને સમની રૂપરચના વિષમને સંવાદી બને તો જ ખરા સંવાદ સધાયો ગણી શકાય. સમવિષમને આવે! પરસ્પર અન્વય અસિદ્ધ રહે તો છૂટી ચરણુગત રચના ગમે તેવી હોય તોયે તે બહુ કામની ન રહે. વિષમના ૫-૬-૭ વર્ણોની રૂપરચના તેની પૂર્વના વર્ણોની રૂપરચનામાં ઘણીવાર સંવાદદૃષ્ટિએ વિવિધ ફેરફારો માગી લેતી હૈાય છે તેયે લક્ષમાં રાખવું ઘટે છે. પરંતુ આ નિરીક્ષણના આરંભમાં જ અનુષ્ટુપનો છંદસંવાદ એટલે શું તે સમજી લેવું જરૂરી છે. આમ તે। અનુષ્ટુપ પ્રાચીન–અત્યંત પ્રાચીન કાળથી ઊતરી આવ્યા છે. પરંતુ તેના પ્રાચીન માન્ત્રિક સંવાદ અહી' અભિપ્રેત ન જ હોય, ને નથી જ. માન્ત્રિક અનુષ્ટુપ-સંવાદ તો. ઉદાત્તાદિ સ્વરોના વિશિષ્ટ ઉચ્ચારણ ઉપર આધારિત હતો. એ ઉચ્ચારણ જ જ્યાં લુપ્તવત્ થયું છે ત્યાં તેના ઉપર નિર્ભર સંવાદનો પ્રશ્ન જ રહેતા નથી. અહીં તો મહાભારતાંદિ પ્રાચીન ગ્રંથોમાંના અને વિશેષતઃ વાલ્મીકિ રામાયણમાંના અનુષ્ટુપમાંથી નિષ્પન્ન થતા તે સ ંસ્કૃત કાવ્યકાલમાં પ્રસરતો સંવાદ જ મનમાં રાખ્યો છે. આ સંવાદ ભારતભરમાં સંસ્કૃત કાવ્ય અને પિગળના સંસ્કારવાળાં ચિત્તોમાં લગભગ એકસરખો સિદ્ધ થયેલો છે એમ માનુ છું. વ્યક્તિભેદે પઠનરીતિનો ભેદ પડે ખરા, પણ તેથી મૂલગત છંદસંવાદના સ્વરૂપને ભાગ્યે જ કશી આંચ આવે. આ સામાન્ય સ્પષ્ટીકરણાત્મક પ્રાકથનને વિશેષ ના લંબાવતાં ગુજરાતી સાહિત્યમાં અનુષ્ટુપની કથા શી છે તે જ જોવુ હવે પ્રસ્તુત છે.

પ્રાચીન ગુજરાતી

પ્રાચીન ગુજરાતી કવિતાનું વ્યાપક પદ્યવાહન સંસ્કૃત વૃત્ત નહોતું એ ખરું છે, છતાં સંસ્કૃત વૃત્તો પ્રાચીન ગુજરાતી કવિતામાં પ્રયોજાતાં જ નહોતાં એમ પણ નથી. ડૉ. ભોગીલાલ સાંડેસરાએ ‘પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના’ નામના લઘુ ગ્રંથમાં આ વિષય સદૃષ્ટાન્ત નિરૂપ્યો છે. પણ એમણે ટાંકેલાં અનેક દૃષ્ટાન્તોમાં અનુષ્ટુપનું તે માત્ર એક દૃષ્ટાન્ત છે, ને તે છે રત્નેશ્વરના ભાગવતમાં ખીજા સ્કંધના દશમા અધ્યાયના આરંભે મૂકલે! નીચેના અનુપ: દશે ભાગવતાખ્યાન-વિષે મુનિ જણાવશે; પરિક્ષિત-પ્રશ્ન-સન્દેહ-અંગ-ભંગ જણાવશે.૧ પ્રથમ ચરણને અંતે સમાસ પૂરા ન થતાં દ્વિતીય ચરણમાં પ્રસરે છે તે આ ઉદાહરણમાં લક્ષ ખેંચે છે. ડૉ. સાંડેસરાએ નોંધેલાં વિવિધ વૃત્તોમાં આ અનુષ્ટુપની એકલ સ્થિતિ આપણા પ્રાચીન સાહિત્યમાં અનુષ્ટુપના વિરલ પ્રયોગની કદાચ દ્યોતક છે. હેમચન્દ્રના સમયમાં પણ સ્થિતિ કંઈક આવી જ હશે એમ લાગે છે. હેમચન્દ્રે અપભ્રંશ વ્યાકરણમાં અનેક પદ્યો ઉદાહરણ તરીકે ઉતાર્યા છે. તેમાં માત્ર એક અનુષ્ટુપનું છે. તે તે સાદુંસીધું છે. જીએ એ ઉદાહરણ : खेड्डयं कयमम्हेहि निच्छयं किं पयम्पह | अणुरत्ताउ भत्ताउ अम्हे मा चय सामिय ॥૨ અર્વાચીન સાહિત્ય વિશે વિચાર કરતાં સર્વપ્રથમ સ્મરણ નર્મદનું થાય જ ને ખરે નર્મદ જ આપણો પ્રથમ પિંગળકાર હતો. ‘ગુજરાતી ભાષામાં કોઈ પણ કવિએ કોઈપણ રીતનું પિંગળ બાબતનું પુસ્તક બનાવ્યું નથી; ને હિન્દુસ્તાની ભાષાના ગ્રંથો ઉપરથી શિખવાનું ઘણું કઠણ પડે છે, ને એમ થવેથી કવિતા તરફ થયેલું વલણ પાછું હઠી જાય છે અને તે થકી કાવ્યવિદ્યાનો ઘટાડો થાય છે. આ ઉપર લખેલી અડચણો દૂર થવા સારુ અને લોકોનો કવિતામાં પ્રવેશ થવા સારુ આ ગ્રંથ મેં મારી અલ્પ બુદ્ધિ પ્રમાણે બનાવ્યો છે.’’ આજથી બરાબર ૧૦૭ વર્ષ પૂર્વે ઉપરનાં વચનો કવિ નર્મદા- શંકરે પોતાના પિંગળપ્રવેશ'ની પ્રસ્તાવનામાં લખ્યાં હતાં. અલબત્ત, દલપતરામે કકડે કકડે પિંગળ ‘બુદ્ધિપ્રકાશ'માં આપવાની શરૂઆત, ઈ. સ. ૧૮૫૫માં એટલે નર્મદાશંકરને ગ્રન્થ ‘પિંગળપ્રવેશ’ પુસ્તકાકારે પ્રગટ થયો તેની બે વર્ષ પહેલાં કરી હતી. દલપતપિંગળ ગ્રન્થાકારે તો નર્મદના પિંગળપ્રવેશ પછી પાંચ વર્ષ એટલે ઈ. સ. ૧૮૬૨માં બહાર પડ્યું. નર્મદના ‘પિંગળપ્રવેશ'માં અષ્ટાક્ષરી ચરણોવાળાં વૃત્તોમાં પહેલું અનુષ્ટુપનું આપ્યું છે. તેની સમજ આપતાં ૫-૬-૭ વર્ણ વિષે નીચેની વ્યવસ્થા દર્શાવી છે : પહેલા ચરણમાં યગણ (=લગાગા) અથવા નગણ (=લલલ) બીજા ચરણમાં જગણુ (=લગાલ) ત્રીજા ચરણમાં યગણ (=લગાગા) અથવા નગણ (=લલલ) ચોથા ચરણમાં જગણ (=લગાલ) ઉપરની વ્યવસ્થાનાં ઉદાહરણ તરીકે નીચેની રચના એમણે આપેલી છે : (૧) બ્રહ્મફૂલ ખિલે રાને વિરલા જન જોય રે; નીતિકુંજે વળે ભાવે ગંધ દુર્લભ લેય રે. (૨) સ્વલ્પ સાધૂ તસિ તા તપભગ ભ્રમી થયો; અપ્સરાને નિરખતો દેવને વિસરી ગયા. એણે દર્શાવેલી વ્યવસ્થાને જરા જુદી રીતે મૂકીએ તો અનુષ્ટુપના વિષમ ચરણમાં આઠ વર્ણીમાંના છેલ્લા ચાર વર્ણનો લઘુગુરુન્યાસ લગાગાગા અથવા લલલગા જોઈએ અને સમ ચરણમાં છેલ્લા ચાર વર્ણ : લગાલગા જોઈએ. વિષમ ચરણનાં એક વૈકલ્પિક ન્યાસ એણે દર્શાવ્યો છે તે એને વિશેષ છે. જોકે ખીજા વિકલ્પો, પણ પ્રચલિત છે. એક બીજો વિશેષ પણ નોંધવા જેવો લાગે છે. ઉપર આપેલા ઉદાહરણ (૨)માં પહેલા અને ત્રીજા ચરણમાં એમ બંને ઠેકાણે પ-૬-૭-૮ વર્ણો લલલગા આણ્યા છે. સાધારણ રીતે એક જ શ્લોકમાં આમ બે વાર બનતું બહુ જોવામાં આવતું નથી, તે એમ ન બને તે મને ઠીક પણ લાગે છે. પણ જવા દઈએ એ વીગત.૩ ‘પિંગળપ્રવેશ'માં ઉદાહરણરૂપે મૂકેલા બે અનુષ્ટુપો ઉપરાંત પણ નર્મદે પોતાની લાંબી કૃતિઓમાં છૂટક છૂટક અનુષ્ટુપો મૂકેલા છે.૪ ગોપીગીત'નો અંતિમ શ્લોક આ પ્રમાણે છે : એ પ્રકારે પ્રલાપે તે ગીત ઊંચે સ્વરે રુએ; કૃષ્ણ અર્થે ગોપિયો તે બ્હાવરી પડિને જુએ.પ અહીં ત્રીજા ચરણમાં ૫-૬-૭-૮ વર્ણો ગાલગાગા આણ્યા છે. સંસ્કૃતમાં આ પ્રકારના ન્યાસ અનેક સ્થળે જોવા મળે છે ને તે વકતવ્યને અનુરૂપ હોય ત્યારે આસ્વાદ્ય પણ લાગે છે. નર્મદે પોતાના પિંગળમાં કરેલી લક્ષણુબંધીમાં આ વિકલ્પ દર્શાવ્યા નથી તે ભલે. ઋતુવર્ણન’૬માં નીચેનો જરા અસુભગ લાગતો શ્લોક આવે છે : ઘરકામ આટોપીને વાતો કરતિ સુંદરી ઋતૠતવિલાસોની રોજે તે રસમાં પુરી. અહીં પ્રથમ ચરણમાં પાંચમા અક્ષર લઘુ આણવા ‘આટાપીને’ બદલે ‘અાટોપીને’ કરવું પડ્યું છે. ત્રીજા ચરણમાં શુદ્ધ રીતે વાંચીએ તો પહેલો નગણ આણ્યો ગણાય જે અનુષ્ટુપમાં ભાગ્યે જ નભે— ન જ નભે. જો તેમાં ‘ત્રીજો વર્ગ ‘ઋ’ ગુરુ વાંચીએ તો ઉચ્ચારણ કઢંગું બને : આમ ઉભયતઃ આપત્તિ નડે છે. બીજા પણ ઘોડા અનુષ્ટુપો ઋતુવર્ણન'માં જોવા મળે છે. પરંતુ એકંદર છાપ સુઘડતાની કે સુભગતાની ઊઠતી નથી. નર્મદીય પદ્યરચનાની સામાન્ય નિષ્ફળતાઓ એના અનુષ્ટુપોને પણ નડી છે. અત્યંત નિર્બળ ઉદાહરણ જોવું હોય તો ‘ઋતુવર્ણન'માંનો વર્ષાવિષયક નીચેનો શ્લોક ટાંકી શકાય : શરદિ આધિથી ગાત્રો શિથિલ તે થઈ પડી; સજ્જડ ટ્ઠાડી ને ફીકી જાણે કરાં રૂપે ઘડી. અહીં એ પણ કહેવું જોઈએ કે અનુષ્ટુપમાં નિષ્ફળ રચનાઓ નર્મદના દૃષ્ટાંત પછી પણ અનેકવાર ગુજરાતી કવિતાએ દેખાડી છે. સંસ્કૃત વૃત્તોમાં પ્રાસનો—નરસિંહરાવ જેને અન્ત્ય યમક કહે છે તેનો—આદર જોવામાં આવતો નથી. ગુજરાતીમાં પણ પ્રાસનો અત્યાદર ન થાય તે ખાટું નથી. નર્મદના અનુષ્ટુપોમાં ચરણ ૨-૪ને પ્રાસ કયાંક કયાંક આવે છે, ક્યાંક નઠારો આવે છે, ક્યાંક નથી આવતો એમ સ્થિતિ છે. પણ અનુષ્ટુપમાં પ્રાસનો વિષય હમણાં ચર્ચવાનો નથી. નર્મદીય પદ્યરચના વિશે લખતાં એના પિંગળવિષયક પુરુષાર્થ ને માનપૂર્વક સંભારવા ઘટે છે. એના પુરુષાર્થીના પ્રમાણમાં અને સિદ્ધિ ન વરી તેનું કારણ કંઈક અંશે એની પોતાની પ્રકૃતિમાં, કંઈક અંશે કદાચ એની અધૂરી વિકસેલી શ્રવણપટુતામાં, કંઈક અંશે આપણી તત્કાલીન છન્દોવિષયક ને ભાષાવિષયક નવપ્રારભની શિથિલ સ્થિતિમાં જોઈ શકાશે. પણ આ પ્રકારના અન્વેષણનો અહીં પ્રસંગ જ નથી. રચ્યા છે રૂડા છન્દ દલપત્તરામે’ એ પંક્તિ સુપ્રસિદ્ધ છે તે ખરે જ ગુજરાતની પ્રજાના શ્રવણને વિવિધ ધૃત્તરચના ને જાતિ-રચનાઓના પરિચય કરાવવામાં જેમ નદના તેમ દલપતરામનો ઉત્સાહપૂર્ણ ઉદ્યમ અત્યંત ઉપકારક બન્યો છે. દલપતત પિંગળ અનુષ્ટુપના રૂઢ લક્ષણનો અનુવાદ કરીને કહે છે: પાંચમે લઘુતા તોળો, ગુરુ છઠ્ઠો લખ્યો ગમે, બીજે ચોથે પદે બોલો શ્લોકમાં લઘુ સાતમે.૮ નર્મદના ‘પિંગળપ્રવેશંમાં વિષમચરણના ૫-૬-૭ વર્ણના વિકલ્પ નોંધ્યો છે તે દલપતપિંગળે નથી નોંધ્યા તે લક્ષમાં આવશે. દલપત- રામે શ્લાક અર્થાત્ અનુષ્ટુપના ઉદાહરણ તરીકે ‘પ્રસ્તાવામાં પછી પડે' એ ધ્રુવચરણવાળી સ્વરચિત રચના મૂકી છે. ‘દીક્ષા આ દલપતની'ના બાર અને ઉપર ટાંકેલો લક્ષણદશી શ્લોક મળીને એકંદર તેર અનુષ્ટુપો એમના મેં જોયા છે. દલપતકાવ્યના પહેલા ભાગમાં આરંભે એક અને બીજા ભાગની પાદટીપોમાં ૧૨-૧૫ સંસ્કૃત અનુષ્ટુપો પ્રાચીન ગ્રન્થાના ટાંકી છે ખરા, પરંતુ એ બંને ગ્રન્થોમાં એમણે પોતે કરેલી અનુષ્ટુપ-રચના મારા જોવામાં આવી નથી. જે જોવામા આવી છે તે દલપતપિંગળમાંની જ છે, ને તે પસ્તાવાના કામ કરવા વિશે’ એ શીર્ષક નીચે દલપતકાવ્ય ભાગ બીજામાં પૃ. ૨૮૮ ઉપર છાપેલી છે. ત્યાં તે ‘દલપતપિંગળ’માંથી જ ઉતારવામાં આવી હશે. દલપતકાવ્ય ભાગ ખીન્નમાં પાટીપોમાંના સંસ્કૃત અનુષ્ટુપોમાં વિષમચરણના ૫-૬-૭ વર્ણના અન્ય વિકલ્પો પણ દેખાય છે એટલે દલપતરામને એવા વિકલ્પો અપિરિચત નહોતા એમ ત કરાય; પરંતુ એમને અભીષ્ટ પ્રકાર તો પોતે લક્ષણશ્લોકમાં દર્શાવેલો છે તે જ લાગે છે. ઉદાહરણોમાં સર્વત્ર એ જ પ્રકાર જોવામાં આવે છે. બીજો વિશેષ એમના અનુષ્ટુપોનો તે બધાની સપ્રાસતા છે. ઠાલા ઠોઠ નિશાળિયાથી માંડીને આલસ્યોંધ સુધીનાં વિવિધ દૃષ્ટાન્ત વડે પોતે આપવા ધારેલી સાચી શિક્ષા’ ને ઠાવકી રીતે તેમાં દઢાવ્યા કરી છે. જેમ નર્મદની સળંગ અનુષ્ટુપ-રચના જોવામાં આવતી નથી, તેમ દલપતની છૂટક છૂટક અનુષ્ટુપ-રચના જોવામાં આવતી નથી અથવા એમ કહું કે મારા જોવામાં આવી નથી,

પંડિતયુગ અને પછી

નર્મદ-દલપતે કરેલી પદ્યપ્રવૃત્તિ વિપુલ અને વૈવિષ્યયુક્ત હતી; પણ તેમાં સુરુચિયુક્ત કલાવિવેક પ્રવર્તાવવાનું તો એમના પછીની પેઢીને ઐતિહાસિક ક્રમે પ્રાપ્ત થતું હતું ને તે પેઢીએ તે પૂરી ગંભીરતાથી સ્વીકાર્યું ને અદા પણુ કર્યુ. અનુષ્ટુપનો ગુજરાતી ઇતિહાસ પણ એ જ ક્રમ દર્શાવે છે. છન્દારચનામાં વૈચિત્ર્યસાધક દૃષ્ટિથી અનેક પ્રકારના પ્રયોગો-પ્રયત્નો એ પેઢીએ કરેલા તે અભ્યાસીઓને અપરિચિત નથી. અહીં તે। અનુષ્ટુપને જ નજર આગળ. રાખ્યો છે. એ યુગના અગ્રણી કવિ નરસિંહરાવ, કાન્ત, બળવંતરાય ઠાકોર અને કવિ ન્હાનાલાલની અનુષ્ટુપ-પ્રવૃત્તિને આ અન્વિક્ષણમાં મુખ્યત્વે વિચારણામાં લીધી છે. પહેલાં નરસિંહરાવની અનુષ્ટુપ-પ્રવૃત્તિ જોઈએ. સાધારણ રીતે નાનામોટા કદની છન્દવૈવિષ્યવાળી અનેક કૃતિઓમાં ગીતિ, સોરઠા, દોહરા ઇત્યાદિની પેઠે છૂટક છૂટક અનુષ્ટુપો પણ એમણે દાખલ કર્યાં છે. એમના અનુષ્ટુપો સાધારણ રીતે રાજમાગી છે ને તે બધા પ્રાસયુક્ત કે છાયાપ્રાસ-યુક્ત જણાય છે. કવચિત્ એક ચરણમાં આદરેલો સમાસ તેની પછીના ચરણમાં એ પૂરા કરે છે. જુઓ નીચેનું ઉદાહરણ : નૌકા પેલી સરે જ્યોસ્નાપૂરમાં તે સમી સ્થિતિ દિવ્યતા પામતી તારી મધુરી મૂર્તિની હતી.૯ અહીં ‘જ્યોત્સ્ના’ શબ્દ ગુરુ-અન્ત હોવાને કારણે સમાસ ભેદાતો હોવા છતાં ખટક લાગતી નથી. જો આ રીતના સમાસભેદના પ્રસંગે ભેદસ્થાને લઘુ આવે તો ખટક લાગે ખરી. પણ એવી ખટકનું દૃષ્ટાંત નરસિહરાવભાઈમાં મારા જોવામાં આવ્યું નથી. કવચિત્ વિભક્તિપ્રત્યયને પણ એમણે નામથી આ રીતે છૂટો પડવા દીધો છે, જુઓ— (૧) રોતી રોતી પડી નિદ્રા-મહિ તોય નિસાસથી ઊછળે ઉર, જાણે એ સ્વપ્નવાણી પ્રકાશતી;૧૦ તેમ (૨) કરી કંઠ ઊંચો કાંઈ અબોલા ક્ષણ એ રહે; પછી દીન બની સ્વપ્ના તણી વાર્તા બધી કહે;૧૧ પહેલા ઉદાહરણમાં ‘મહિ' અને ખીજામાં “તણી” અનુક્રમે ‘સ્વપ્ના’થી છૂટા પડ્યા છે, ને તે નભી જાય એવા લાગે છે; પરંતુ ‘મહિં’ ને બદલે ‘માં’ અને ‘તણી’ ને બદલે ‘ની’ આણ્યો હોય એવા પ્રયોગને ન જ મળી શકે. અનુષ્ટુપના નરસિંહરાવે બેવડાવ્યું છે ને વૈચિત્ર્ય આણુવાનો પ્રયત્ન કર્યો છે. જુઓ— રોતી રોતી પડી નિદ્રા-મહિં તેય નિસાસથી ઊછળે ઉર, જાણે એ સ્વપ્નવાણી પ્રકાશતી;૧૨ વેળ એ! આવી વેળએ!’ બેવડાયેલાં કે અભ્યસ્ત ચરા સપ્રાસ હોય તો બંધ સુદૃઢ લાગે—પણ એવો દૃઢ નિયમ ન કરાય. અનુષ્ટુપનાં ચરણોને આરંભે કે અંતે આમ અભ્યસ્ત કરાયાનાં દૃષ્ટાંતો ગાંધીયુગીન કવિઓમાં પણ જોવામાં આવે છે. નર્મદની આખી કૃતિ અનુષ્ટુપની હોય તેવી જોવામાં આવતી નથી; દલપતરામની સળંગ શિક્ષાકૃતિનો ઉલ્લેખ ઉપર કર્યો છે. નરસિંહરાવભાઈની આખી કૃતિ અનુષ્ટુપની એક જ જાણી છે ને તે એમના ઉત્તરકાલીન નિવેદની નિદર્શક બની રહે છે. એ કૃતિ તે ‘मित्रावरुणौ’ તે ઉત્તર, જે જેમની તેમ અહીં ઉતારવી યોગ્ય લાગે છે : કુસુમો તો થયાં મ્લાન, વીણાના તાર તૂટિયા, નૂપુરે કિંકિણી સર્વે વાગે છે ખોખરી હવાં. રહ્યો માત્ર હવે ગૂઢ કરુણારસ તે વડે ભલે આ ઉરની ભૂમિ ભીંજાતી સર્વદા રહે. કલા ને રસની ચર્ચા થઈ નીરસ તે પડી! મન્થનો ઉરમાં ઊંડાં થઈ રહેશે ઘડીઘડી. વારિમન્થનમાંથી શું નવનીત ગ્રહ્યું તમે? જ્ઞાનની જ્યોત ઝંખાઈ. ભલે તે તમને ગમે. મૂઢ આશ્ચર્યથી જોઉં મિત્ર ને શિષ્યમંડલ શુષ્કારણ્ય વિષે પીએ અમી માની કટુ જલ.૧૩ એમના અનુષ્ટુપોનું સામાન્ય સ્વરૂપ કેવું છે તે ઉપર કહેલુ. જ છે. આ કૃતિની રચના પણ તેનું સમન કરે છે. માત્ર એક વિશેષતા નોંધવા જેવી લાગે છે. કાન્તની પેઠે બીજે ચરણે વત્તો-ઓછો દૃઢ વિરામ રાખવે જ એનો અતૂટ નિયમ એમને લાગતો નથી. જરૂર હોય ત્યાં બીજા ચરણને ત્રીજામાં ને ત્રીજા ચરણને ચોથામાં એ વિસ્તરવા દે છે. ઉપર ટાંકેલા શ્લોકમાંનો બીજો અને પાંચમો શ્લોક આ વાતની પ્રતીતિ આપશે. ગુજરાતી પદ્યરીતિના સંસ્કરણના ઇતિહાસમાં નરસિંહરાવની જોડેજોડે જ કાન્તને સંભારવા જ પડે. એમની સફાઈ ઊડીને આંખે બાઝે તેવી છે, અને પ્રાસ વગેરેમાં દલપતરામી આગ્રહ—ભલે વધારે સંસ્કાર પામીને—દૃઢરૂપે પ્રર્તતો લાગે છે. જુદાંજુદાં કાવ્યોમાં ને ખાસ કરીને એમનાં સાત ખંડકાવ્યામાં છૂટા છૂટા અનુષ્ટુપે એમણે યોજ્યા છે. વસ્તુના સ્પષ્ટીકરણ કે કથનના અનુસંધાન તરીકે તેનો ઉપયોગ બહુધા થયેલા જણાય છે. કવચિત્ પાત્રની કે પ્રસંગની કે પરિસ્થિતિની સુરેખ તસ્વીર પણ અનુષ્ટુપની ચતુષ્પદી મર્યાદામાં કાન્તે આંકી દીધેલી જોવા મળે છે. આ દૃષ્ટિએ નીચેના શ્લોકો જોવા જેવા છે: (૧) “હા ધિક્! હા ધિક્! કૃતઘ્ની હું આમ મૌન ધરી રહું; આવતું વાદળું દેખી મુખથી ન કશું કહું”,૧૪ (૨) સતી બેભાન શય્યામાં ગંધથી જ પડી ગઈ; સૂતો જ્યોતિષી પ્યાલીને છાતી સાથે જડી દઈ.૧૫ (૩) કાલાહલ થવા લાગ્યા અરુણોયથી બધે; પૂર્વની રક્તિમા સાથે સહુ આક્ષોભ એ વધે.૧૬ (૪) ઝીણા વલ્કલને આજે એણે અંગે ધર્યું હતું; તુ નહીં લાવણ્યને ઓછું વનવાસે કર્યું હતું.૧૭ (૫) પ્રસરી રહી ચાપાસ શાખાઓ શૈલરાજની : ન જણાય જશે કેવી સધ્યા એ મધ્ય આજની! (૬) “રજનીથી ડરુ તોયે આજે એ લેખતી નથી; ક્યાં છો? કચ! સખે! ક્યાં છો કેમ હું દેખતી નથી?૧૯ (૭) વિશુદ્ધ સ્નેહનું જોડુ વિશ્વસોમાં વહે : વિલાસી વિશ્વ ને તારા નભથી નિરખી રહે! આવાં બીજાં સ્થાનો પણ જોનારને જડશે જ. ‘પૂર્વાલાપ’માં જુદે જુદે ઠેકાણે ૯૦ ઉપરાંત અનુષ્ટુપો ગોઠવાયેલા છે. તેનું પદ્ય-બંધારણ તપાસતાં તે દલપતરામને અનુસરતા જણાય છે. સમવિષમના ૫-૬-૭ વર્ણો સત્ર રૂઢ માપમાં જ મૂક્યા છે. વિષમ ચરણમાં ૫-૬-૭ વર્ણો વિશે જે બીજા વિકલ્પો સિદ્ધ થયા છે તેનો ઉપયોગ કાન્તમાં કશેય કર્યો જાણાતો નથી. અનુષ્ટુપમાં બીજા અને ચોથા ચરણને એમણે અચૂક પ્રાસબદ્ધ રાખ્યાં છે. આ બધું સુઘડ ને સાભિપ્રાય જણાય છે તોયે તેમાં યાન્ત્રિકતા વરતાયા કરે છે. કોઈ લાંબી સળંગ અનુષ્ટુપ-રચના કરવાનું એમને હાથે બની આવ્યું. હોત તો કદાચ એમની એકધારી અનુષ્ટુપ-રચનામાં વૈવિધ્ય કદાચ આવ્યું હોત, કદાચ ન પણ આવ્યું હોત. કાન્તની એકંદરે પદ્ય-પદ્ધતિ ખીજા વિકલ્પને વધારે પુષ્ટિ આપે એવી છે. ‘અપાવરણ પ્રાર્થના'માં૨૧ નીચેનો સુપ્રસિદ્ધ અનુષ્ટુપ કાન્તે મૂક્યો છે: हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखम् । तत्त्वं पूषन्नपावृणु सत्यधर्माय दृष्टये | આનો અનુવાદ કાન્તે નીચે મુજબ ત્યાં આપ્યો છેઃ

સુવર્ણમય પાત્રેથી સત્યનું મુખ બંધ જે, ઉઘાડી આપ તુ, પૂષન્! સત્યધર્મદ્ગર્થ તે! મૂળમાં પણ પહેલું, બીજું ને ચોથું એ ત્રણ ચરણો રૂઢ માપમાં જ છે. માત્ર ત્રીજા ચરણમાં ૫-૬-૭ વર્ણો વિષમમાં લગાગા રાખવાની રૂઢિનો આદર થયો નથી ને એ વર્ગો લગાલ આવ્યા છે. એટલે વિષમસ્થાને સમમાપ આપ્યાનો પ્રસંગ છે.૨૨ છંદોદૃષ્ટિએ તે સુભગોચ્ચાર્ય પણ કદાચ નથી. કાન્તે તેના અનુવાદમાં આ દેખીતી શિથિલતા ટાળવા રૂઢ માર્ગ લઈ લીધો છે. ‘પ્રાચીન માન્ત્રિક પઠનરીતિ અનુસાર ગુરુસ્થાને આવેલા આ ‘વ્'નો મેળ કેમ બેસાડાતો હશે તે હું જાણતો નથી, પણ જેમ વ્યાકરણમાં તેમ છંદમાંયે આર્ષ પ્રયોગો ક્યાં નહોતા થતા? અહીં પણ છંદવિષયક આ પ્રયાગ ગણી તેને ગુજરાતી અનુવાદમાં પણ આણ્યા હાત તો ખોટું નહોતું. કેશવલાલભાઈએ૨૩ પણ આ જ શ્લોકના અનુવાદ કરતાં તેનો પદ્યબંધ સીધોસટ બનાવી દીધો છે. અનુષ્ટુપમાં વત્તાઓછા દૃઢ વિરામ માટેનું એકમ કાન્તે બબ્બે ચરણનું રાખ્યું. જણુાય છે. એમના અનુષ્ટુપોમાં ‘ઘણુંખરું બબ્બે ચરણના વાક્યખંડ પડે છે. આખું વાકચ ચારે ચરણમાં પથરાતુ જોવા મળતું નથી. ‘વસંતવિજય'માં નીચેનું ચતુષ્પદી અનુષ્ટુપ વાક્ય છે ખરું : ધીમે શયનને છેડી જરા એ હાર જાય જ્યાં, “નહીં નાથ! નહીં નાથ! શબ્દે એ સંભળાય ત્યાં. આવું અન્યત્ર પણ ક્યાંક ક્યાંક મળી આવે કદાચ. કાન્તે અનુષ્ટુપની લાંખી રચના કરી જ નથી એટલે ચાર ચરણથી વધારે વિસ્તારવાળી વાકચરચના તો એમનામાં સંભવે જ શી રીતે? કાન્તના અનુષ્ટુપોની ચર્ચા કરતાં ઇશાવાસ્યના પેલા શ્લોકના અનુવાદ નિમિત્તે કેશવલાલભાઈનો ઉલ્લેખ આવ્યો છે તો એ વ્યુત્પન્ન છંદશાસ્ત્રીની અનુષ્ટુપ-રચનાઓ અહીં જ જરા અવલોકી લઈએ. એમણે સ્વતંત્ર કાવ્યરચનાએ બહુ કરી નથી અનુષ્ટુપ-કૃતિ પણ મારા જાણ્યામાં નથી; પરંતુ સંસ્કૃત નાટકોના અનુવાદનિમિત્તે એમણે અનુષ્ટુપો સારા પ્રમાણમાં લખ્યા છે. એ બધા તો ફરી જોવાનું બન્યું નથી; પરંતુ એમના સાહિત્ય અને વિવેચન’ ભા. ૧માં સંગ્રહેલા અનુવાદોમાંના અનુષ્ટુપો જોતાં વિષમના ૫-૬-૭ વર્ણના લઘુગુરુન્યાસમાં મોટે ભાગે એ સામાન્ય લક્ષણને અનુસરે છે, અને બીજા તથા ચોથા ચરણના પ્રાસ પણ સામાન્યતઃ સાચવે છે. કર્વાચત પ્રાસ જતો કરે છે ત્યાં છાયાપ્રાસને આવવા દે છે. વિષમચરણના ૫-૬-૭ વર્ણના વિવિધ વિકલ્પોમાં એમનો ઇષ્ટ ક્યાંક ક્યાંક જ આવે વિકલ્પ ‘લલલ’નો જણાય છે. પણ તે યે છે. ઇશાવાસ્યના એમના અનુવાદમાં આવી યોજના પાંચેક વખત આવે છે : ચર એ અચર એ; પાસે એ, વેગળા ય એ :૨૪ એકથી મૃત્યુ તરીને પામે અન્યથા અમૃતે.૨૫ એકંદર એમના અનુષ્ટુપોની રચના એમની ઇતર છન્દરચનાની જેમ વરતાઈ આવે એવી ચીવટભરી ને સાફ હોય છે. પ્રાસાગ્રહ ક્યાંક ક્યાંક શબ્દને અયોગ્ય સ્થાને ખેંચી જઈને કથનબળને હાનિ કરતો લાગે એમ પણ બની બેસે. કેશવલાલભાઈના (અને કાન્તના પણ) અનુષ્ટુપો જોડે સરખાવતાં કલાપીના અનુષ્ટુપો તેની સ્વભાવસરલતાથી લક્ષ ખેંચનારા બની રહે છે. ‘વીણાનો મૃગ’, ‘ગ્રામ્યમાતા’ ઇત્યાદિ એમની લાંબી રચનાઆમાં વચ્ચે વચ્ચે અનુષ્ટુપો આવે છે તે બહુધા પ્રાસાદિક જણાય છે. ‘ગ્રામ્યમાતા’માંના ચારે અનુષ્ટુપે ઋજુમાગી ને પ્રાસમુક્ત છે, પણ તેની પ્રાસમુક્તતા ગુણરૂપ લાગે છે. અથવા ત્યાં પ્રાસની અપેક્ષા જ મનમાં ઊઠતી નથી એમ કહીએ. કાંક સંસ્કૃત શબ્દના હસ્વ સ્વરને દીર્ઘ વાંચવા પડે છે તે અરુચિકર અવશ્ય લાગે છે, પણ એવું તો આજની ગુજરાતી કવિતા પણ કાં નથી કરતી? ‘વીણાના મૃગ'માંના અનુષ્ટુપો પણ ઋજુમાના છે તે ક્યાંક તે સપ્રાસ, ક્યાંક અપ્રાસ ને ક્યાંક છાયાપ્રાસવાળા છે. આ હૃદયકામલ ને ભાવમધુર કવિની ઋજુતાનો, સૌમ્યતાનો, આર્દ્રતાનો પરિચય, એમની અન્ય કૃતિઓની પેઠે, એમની એક નાની પણ ખૂબ જાણીતી અનુષ્ટુપ-કૃતિમાંયે થાય છે. એ કૃતિ તે શિકારીને' : તે આખી જ અહી ઉતારી લઉં છું :

શિકારીને

રહેવા દે! રહેવા દે! આ સંહાર યુવાન તું! ઘટે ના ક્રૂરતા આવી : વિશ્વ આશ્રમ સંતનું, પંખીડાં, ફૂલડાં રૂડાં, લતા આ ઝરણાં, તરુ : ઘટે ના ક્રૂર દૃષ્ટિ ત્યાં : વિશ્વસૌન્દર્ય કુમળું. તીરથી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતા મથે; તીરથી પક્ષી તો ના ના, કિન્તુ સ્થૂલ મળી શકે. પક્ષીને પામવાને તો છાનો તું સુણ ગીતને; પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને, સૌન્દર્યો વેડફી દેતાં ના ના સુન્દરતા મળે; સૌન્દર્યો પામતાં પહેલાં સૌન્દર્ય બનવું પડે. સૌન્દર્યે ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે; પોષવું, પૂજવું એને એ એનો ઉપભોગ છે. રહેવા દે! રહેવા દે! આ સંહાર યુવાન તું! બધે છે આર્દ્રતા છાઈ, તેમાં કૈં ભળવું ભલું. કલાપીના અનુષ્ટુપોનું ઉપર કરેલું લક્ષદર્શન આ કૃતિના અવ- લોકનથી પણ યથાર્થ જ લાગશે. અત્યાર સુધીમાં ગુજરાતી કવિતામાં અનુષ્ટુપને કોઈએ મન ભરીને ઉલ્લસાવ્યો, વિલસાવ્યો હોય—કોઈએ તેને કાવ્યલાડ લડાવ્યાં હોય તો તે કવિ ન્હાનાલાલે શરદપૂનમ’માં એકાન્તરે ગૂંથાયેલા બધા જ અનુષ્ટુપો મનોગુંજનને સુખભર અનુભવ આપી રહે છે. ‘તાજમહેલ’માં પણુ એ જ રીતે યોજાયેલા અનુષ્ટુપો એવો જ અનુભવ કરાવે છે. આવાં બીજા સ્થાને! પણ કવિની રચનામાં સુલભ છે. ‘શરદપૂનમ'ના બધા જ અનુષ્ટુપો રાજમાર્ગી છે ને પ્રાસ તથા છાયાપ્રાસ બંને તેમાં સદૃશ્ય છે. પણ તેને વિશિષ્ટતા બક્ષનારું તત્ત્વ તેમાંના ભાવહલોળ છે. થોડાં ઉદાહરણો જોઈએઃ શાન્તિ શાન્તિ હતી ગાઢ હૈયામાં અંતરીક્ષમાં; ત્યાં સન્ધ્યાના મહાઆરે દીઠી ઊગન્તી પૂર્ણિમા. અંતરે ઊઘડવાં, સિન્ધુ સળકયો, જાગી ચેતના, અને ગુંજી રહી મિઠ્ઠી ગોષ્ઠિની મંદ મૂર્છના. હસે છે સ્નેહની લ્હેરે જેવું તું ઓ સુધામુખિ! હસે છે એવું અત્યારે ચારુ ચન્દ્રકલા, સખિ! ગાજે છે મધ્યરાત્રી ને ગાજે છે તેજનિર્ઝરી, ગાજે છે ખોખરા શબ્દે દૂર સાગરખંજરી. સાગરે ભરતી જામી, ને જામી ભરતી ઉરે. ઘેરા ઘેરા અનેરા ત્યાં જાગ્યા સંગીતના સૂરે.૨૬ આ શ્લોકોમાંની આકર્ષક ઉક્તિછટા કવિના વ્યક્તિત્વથી સુઅંકિત છે તે આપોઆપ લક્ષમાં આવશે. વિષમ ચરણમાં ૫-૬-૭ વર્ણોના અન્ય વિકલ્પો પણ કવિ પ્રસંગે પ્રસંગે યોજે છે ને તે કાવ્યભાવને પોષક બની રહે છે: રાધિકાનાં ગીત ગાતી ઊભીને નદીને તટ ભણે છે એહ પાષાણા પ્રેમમન્ત્રો સનાતન.૨૭ આ શ્લોકનું પ્રથમ ચરણ આ દૃષ્ટિએ વિચારી જુઓ. વિષમ ચરણમાં ૫-૬-૭ વર્ણાના લઘુગુરુન્યાસમાં વિસવાદી રચના થયાનાં ઉદાહરણ પણ કવિમાં કયાંક ક્યાંક આવી ગયાં છે : પ્રેમની જોગણ કો આ જુએ વ્હાલાની વાટડી.૨૮ પાથરી પદ્મવધેર ગોરંભે વડલો વડો.૨૯ વિષમમાં પાંચમાને લઘુ રાખીએ તે છઠ્ઠાનેયે લઘુ કરીએ તો સાતમાનેયે લઘુ કર્યે જ છૂટકો. આનો અર્થ એ થયો કે વિષમમાં ૫-૬-૭ વર્ણા છંદસંવાદને આઘાતક થયા વગર લલગા કદી ન આવી શકે. ઉપરનાં ઉદાહરણોનું પઠન કરી જોતાં આ વાતની પ્રતીતિ કોઈનેયે થઈ જશે. આવા દુર્વાિદ્ય પ્રયોગો કવિએ ‘પિતૃતર્પણ’માં પણ કરેલા છે. વિષમમાં પાંચમો વર્ણ લઘુ રાખવાને બદલે ગુરુ કરીએ તો સામાન્ય નિયમે ગુરુ રખાતો છઠ્ઠો વર્ણ લઘુ બનીને સાતમાને પણ કેટલીકવાર લઘુ કરે. જુઓ— આદ્ય દ્રષ્ટા આ યુગના’૩૦ એ આ કવિનો જ પ્રયોગ. અનુષ્ટુપના ૫-૬-૭ વર્ણના આઠ વિકલ્પો સંભવે છે : (૧) લલલ (૨) લલગા (૩) લગાગા (૪) ગાગાગા (૫) ગાગાલ (૬) ગાલગા (૭) ગાલલ અને (૮) લગાલ. આમાંથી આઠમો તો સમચરણનો આગવો જ બની રહ્યો છે. બાકીનામાંથી લલગા અને ગાગાલ વિષમ ચરણની રચનામાં સંસ્કૃતમાં તો કવિસંમત બની શકયા જણાતા નથી. પ્રો. ઠાકોર, શેષ ઇત્યાદિમાં આવા પ્રયોગો આવે છે ખરા, પણ તે સુભગ લાગતા નથી. ખબરદારનો પણ એક પ્રયોગ જોયો છે : ‘સૌનાં કાલાં વચનોને’૩૧ અનુષ્ટુપ આમ તે અષ્ટાક્ષરી ચરણની રચના છે, છતાં નવ— અક્ષરી ચરણો પણ પ્રાચીન સંસ્કૃત કવિઓએ પ્રસંગે કરેલાં જાણ્યાં છે. ‘जनमेजयस्य राजर्षेः’ એ મહાભારતનું આવી રચનાનું જાણીતું ઉદાહરણ છે. કવિ ન્હાનાલાલે તાજમહેલને વર્ણવતાં રસીલાં રસયમુનામાં વહન્તાં કંઈ આવતાં, તેમને દાખતો પન્થ ઊભા છે એ સુહાગમાં. એ શ્લોક લખ્યો છે. અહીં પહેલા ચરણમાં નવ અક્ષરો આવ્યા છે—પણ તે એટલા અસહ્ય નથી લાગતા, તેમ ‘जन्मेजयम्य राजर्षे: અથવા ‘व्यंमनं चतुष्टयं पोक्तम्’ જેવા મહાભારતી ચરણની નવાક્ષરી રચના જેવા સહ્ય કે સુખનિર્વાહ્ય પણ નથી લાગતા. આ ઉદાહરણમાં બીજો વર્ણ ‘સી' લઘુ કરી જુએ ને સાતમો વર્ણમુ' ગુરુ કરી જુઓ તો સ્થિતિ જુદી જ વરતાશે. આખા ચરણનો ન્યાસ લલગા. લલલગા ગાગા એમ બની જશે તે તે કાનને વધારે રુચિકર પણ લાગશે. હું માત્ર લઘુગુરુયોજનાની દૃષ્ટિએ બોલું છું. ‘યમુના નું યમૂના’ ઉચ્ચારણુ અશુદ્ધ ને તેથી કઢંગું યે લાગે જ. પણ જ્યાં આવા પ્રસંગ ન હોય ત્યાં ઉપર સૂચવેલી નવાક્ષરી રચના ભાગ્યે જ કશી ખટક પેદા કરે. નવીન ગુર્જર રાષ્ટ્રે એ’ એ કવિનું જ બીજું નવવર્ણી ચરણ જુઓ. તેમાં લઘુગુરુયોજના લગાલ ગાલલ ગાગાગા એમ આવી છે ને તે એટલી અસુભગ નથી લાગતી. ‘વિનતા. ઉપવને લુપ્તા’ જેવાં ચરણે! ઉપજાવી તપાસી જોવાથી વધારે સ્પષ્ટતા થશે. ઉપર નાંધેલ સંસ્કૃત ચરણમાં લલગા લગાલગાગાગા ન્યાસ છે તેને દિક્સૂચક ગણી શકાય. પરંતુ આ પૃથક્કરણ લંબાવવા ઇચ્છતો નથી ને અહીં એની બહુ આવશ્યકતા પણ નથી. મને ઇષ્ટ તો નર્મદ-દલપતથી શરૂ થતી ને દલપતપુત્ર સુધી વિસ્તરેલી અનુષ્ટુપની વિકાસયાત્રાનું વિહંગ-દર્શન કરવા કરાવવાનું છે. આ યાત્રાને એક છેડે સ્વામિનારાયણ સંપ્રદાયથી પ્રભાવિત કવિ દલપતરામ પેલો ઠોઠ નિશાળે જૈ એ. ચરણથી શરૂ થતી શિક્ષાશિક્ષાપત્રીની સળંગ અનુષ્ટુપ-રચના હાથમાં લઈને ઊભા છે ને બીજે છેડે દલપતપુત્ર ન્હાનાલાલ ભાવસમૃદ્ધના શ્લોકો સંભળાવી રહ્યા છે. ભાવનાગભીર, કાવ્યષુલંદ પિતૃતર્પણ’૩૨ રહ્યા છે : પિતાજી! પત્ર તે પુષ્પ એ જ આવી વસંત આ ઃ ટ્હોકે છે કોકિલા એવા છે સ્મરણો અહા! આંબાની ડાળ મ્હોરીને મુજ મ્હોરિયો. હું ય તે લઈ આ વીણા સ્મરું છું ગુણ આપના; પુણ્યશ્લોક પિતા! મન્ત્રો જપું છું. પિતૃજાપના. શું શું સંભારું? ને શી શી પૂજું પુણ્યવિભૂતિ એ? પુણ્યાત્માનાં ઊંડાણા તા આભ જેવાં અગાધ છે. બહુ અવગણ્યા, તાત! અસત્કાર્યા, અનાદર્યા, ને અપમાનને ગારે આ હાથે દેવ અર્ચિયા. સૌ અળવીતરાંની એ ક્ષમાઓ તાત! અર્પજો; ન જોતા માટીને, દેવા! માનજો પંક પંકજો. અદીઠા સિન્ધુની આવે ગર્જના ક્ષિતિજે તરી, ગર્જે છે પડછન્દા કો એવા અંતર્ગુહા ભરી. ઘોરે જેવા મહાઘો ઘેરો તોફાનોને ધ્વનિ, સમસ્ત જીવનકેરો ઘોરે એવો મહાધ્વનિ. અને એ સ્મૃતિના ઊર્મિ, પડઘા ભૂતકાલના, ને બધા મૂંઝવે એવા ખાલ જે મુજ બાલ્યના; તે સૌમાં તરતો, જાણે ચન્દ્રમા વ્યોમના જલે, સુણ્યો આકાશવાણી શો, શાન્તિનો શબ્દ એક મેં. શમાવે પ્રભુના શબ્દો આ કાલાહલ વિશ્વનો, એ શબ્દે એમ મારા યે શમ્યો પોકાર ઉરનો. વર્ષી માધુર્ય દેવોનું, અંધકાર ઉજાળતો, પુરાણા યે યુગોને એ ઓળંગી શબ્દ આવતો. જ્યોત્સ્નાની ધારમાં જેવો ભર્યો મન્ત્ર સુધામય, એવો ગેબી સુણ્યો મન્ત્ર ‘પિતૃદેવો ભવ, પ્રિય!' કોઈ પ્રયોગશોખ આ કૃતિની પ્રેરણા નથી. અંતઃકરણની ભાવાનુભૂતિ જ તેમાં અભિવ્યક્તિ પામી છે, તે એ અભિવ્યક્તિ અત્યંત પ્રસાદપૂર્ણને પ્રભાવક સ્વરૂપની છે. ગાંધીયુગીન કવિઓનીકેટલીક કૃતિઓમાં આ કૃતિનો પ્રભાવ પડ્યો છે તેની નોંધ લેવી ઘટે છે. ખરે જ ‘પિતૃતર્પણ’ ગુજરાતની અનુષ્ટુપ-કાવ્યર્થાસદ્ધિનું મનોરમ શિખર છે. અનુષ્ટુપના ગુજરાતી ઇતિહાસની આલાચનામાં હવે બળવંતરાય ઠાકોરની રચના ક્રમપ્રાપ્ત છે. ગુજરાતી છન્દોરચનાના ઇતિહાસમાં પ્રો. ઠાકારે અનેકાનેક અખતરા કરી જોયા છે. અંગ્રેજીના જેવું સળંગ પાઠ્ય અગેય પદ્યવાહન ગુજરાતીને પ્રાપ્ત કરાવવાની બુદ્ધિથી એમના વિવિધ પ્રયાગે! થયેલા છે. એમાંના કેટલાક ચિન્ત્ય, કેટલાક નિઃસંશય વર્જ્ય, અને કેટલાક સિદ્ધ પ્રકારના છે. સિદ્ધ પ્રકારમાં એમનો પ્રવાહી પૃથ્વી. ચિન્ત્ય અને નિઃસંશય વર્જ્ય પ્રકારો કયા કયા તે વિશે મતભેદને અવકાશ રહે. પરંતુ એમની પછીના પ્રસિદ્ધ ગુજરાતી કવિઓની છન્દોરચના આ દૃષ્ટિએ દિક્સૂચક બની શકે. એ કવિઓએ પ્રવાહી પૃથ્વીને સ્વીકારી જ લીધો છે, તે તેને સંવર્ધ્યો-સંસ્કાર્યો પણ છે. ઉમાશંકરનું વિરાટ પ્રણય’ અને સુન્દરમ્’નું ‘સળંગ સળિયા પરે’ તેનાં બહુ જાણીતાં પ્રમાણુરૂપ છે. પણ આપણે તો પ્રો. ઠાકારના અનુષ્ટુપ જ અહીં જોવા છે. આમ તો અનુષ્ટુપને વૈદિક, ઔપનિષદિક, સંસ્કૃત ઇત્યાદિ કવિઓની કલમ સદીએથી પલોટતી આવી છે ને અનેક પ્રકારનાં સુભગ વૈવિધ્યો તેમાં સિદ્ધ થઈ ચૂકેલાં છે. નવાં વૈવિધ્યોનો તેમાં અવકાશ નથી એમ પણ ક્ષણવાર કદાચ કોઈને લાગે. પણ એમ માની લેવામાં જોખમ છે. નવું કલામય વૈવિધ્ય કોઈ નવી લેખણ આ છન્દમાંયે નિપજાવી આપે એમ બને પણ. પણ આપણે પ્રો. ઠાકોરની રચનાઓ જ જોઈએ. જાદૂને ઝંખતા લોક કલા કવિતા સર્વને જાદૂ ગણી શકે જો તો સત્ય ને સુન્દરે ગણે.૩૩ આપણે અત્યાર સુધી કરેલા નિરીક્ષણમાં બહુધા વિષમચરણો જ તપાસ્યાં છે. એનો અર્થ એવો નથી કે સમચરણોમાં તપાસવા જેવું કંઈ જ નહોતું. અહીં સમચરણ (બીજુ ચરણ) લગાર વિચિત્ર બન્યું છે. સામાન્ય રીતે સમચરણના બીજા ચાર વર્ણો લગાલગા સિદ્ધ થયેલા જણાયા છે. અહીં એ વર્ણા ગાગાલગા આવ્યા છે. મને લાગે છે કે સમચરણના પાંચમા અક્ષરને ગુરુ કરીને અહીં કશુ કમાવા જેવું થયું નથી. એક બીજું ઉદાહરણ જોઈએ : ‘ખાવું, ચ્હા, ખેલ ને સૂવું, આળોટવું વાગોળવું.’૩૪ નર્મદે આ ચરણુ લખ્યુ હોત તો હિંમતથી ‘વાગોળવું’નું ‘વગોળવું’ કરી નાખીને પાંચમો લઘુ કદાચ એણે સાચવી લીધો હોત. છંદના લઘુગુરુ સાચવવા જતાં પ્રો. ડાકાર શબ્દને નથી જ બગાડતા એમ નથી. ઉપરના ચરણની પછી તરત આવતા ‘બધી ય. મનુ પ્રવ્વૃત્તી’ એ ચરણમાં ‘પ્રવૃત્તિ'નું પ્રવૃત્તી એવું વિચિત્ર રૂપ એમણે બનાવેલું જ છે, તે ત્યાં છઠ્ઠા વર્ણ ને ગુરુ રાખવા સિવાય ખીન્ને કશે! હેતુ જણાતા નથી. આળોટવું વાગોળવું'માં કથનભારની દૃષ્ટિ હોવા સંભવ છે. કથન ભારરૂપ બને છે અવશ્ય, પણ છન્દોલય અનુષ્ટુપને મટીને રિગીતના ચરણની અંતિમ ચૌદ માત્રાના બની બેસે છે. પૃથ્વી, શાર્દૂલ, વસંતતિલકા ઇત્યાદિ વૃત્તોમાં પોતે કરેલા વિકારોનું વ્યાવર્તન કરવા પૃથ્વીતિલક, પૃથ્વીજાતિ, મુક્તશાર્દૂલ, મુક્તપૃથ્વી, વસંતતિલકા વગેરે છંદનામો એમણે યોજ્યાં છે, પણ અનુષ્ટુપ વિશે એવું કશું કરેલું નથી. પણ ‘કૌતુક! કૌતુક! નામની રચનામાં કાઈને પણ કૌતુક જ થાય એવી અનુષ્ટુપ-રચના એમણે કરી છે. અનુષ્ટુપમાં ચરણારંભે વ ‘ન’ગણ્ (લલલ) તેમાં બે વાર આવ્યો છે તે તો ઠીક. પરંતુ ગૂંથું અનુષ્ટુપ બંધે’ એવી પ્રગટ પ્રતિજ્ઞા છે એ સમચરણમાં પણ અનુષ્ટુપના આઠ અક્ષર સિવાયનું બીજું આવશ્યક વર્ણબંધન એમણે પાળ્યું નથી. વળી વિષમના ૫-૬-૭ વર્ણ લગાલ કરીને સામાન્ય નિયમ જતા કર્યો છે, પણ તેમ કરીને સાતમે લઘુ હોય તો છઠ્ઠો પણ લઘુ કરીને જે સંવાદ સધાય છે તે યે જતો કર્યાં છે. સમચરણોને સ્થાને વિષમનાં માપ યથેચ્છ મૂકેલાં છે. કવચિત્ વિષમને ઠેકાણે સમ પણ આવે છે. માત્ર આઠ અક્ષર સાચવીને ગાડું ગબડાવ્યું લાગે છે. ને પરિણામે કેવળ દુષ્પઠ રચના થઈ છે. છન્દ કે કાવ્ય કોઈ પણ દૃષ્ટિએ તેનો બચાવ થઈ શકે તેમ નથી. માત્ર પહેલાં બે ચરણો સહ્ય, ને છેલ્લાં બે શુદ્ધ આવ્યાં છે. ઉપરની ચર્ચાથી રખે કોઈ એમ માની બેસે કે અનુષ્ટુપ પ્રા. ઠાકોરને અસાધ્ય છે. એ ચર્ચા તો એમની પ્રયાગપ્રગલ્ભતા એમને કેટલી હદે ખેંચી જાય છે તેના નિદર્શન લેખે કરી છે. સુભગ રચના પણ એ કરી જાણે છે તે દર્શાવવા નીચેની ત્રિશ્લોકી રચના ટાંકું છું : શ્રી પુજાલાલને : કવિમાતાની દૃગ ૬ બાલક વ્હાલું માતાનું, કર્તાનૂં વ્હાલું પુસ્તક, શીળે તેજે વધાવંતી પાતી પ્રેમસુધા દગ દેવ દે અપદીર્ઘાયુ, અલ્પ કે નાલ્પ નામના, દેખે તોય ન દેખે તે દૈવચેષ્ટિત, એ દૃગ. થાય તે કર લેન્ટે તૂ દૈવ તારી મઝા કજા, એથી અપ માતાની સુધાસ ક્ષમા દૃગ. અહીં દરેક શ્લોકાન્ત ‘દગ’ શબ્દ મૂક્યો છે તેનું ઔચિત્ય આપોઆપ સ્ફુરે તેવું છે. પરંતુ પ્રવાહી અનુષ્ટુપના પ્રબળ પ્રયોગ તો પ્રો. ઠાકોરે પોતાની દુષ્કાલનો૩૭ નામની પ્રલંબ કૃતિમાં કરેલો છે. પૂરી ૩પર પંક્તિની આ રચના ગુજરાતી અનુષ્ટુપ-રચનાઓમાં કદાચ સૌથી લાંખી છે. આ તો એમણે લખવા ધારેલી ત્રિસેર કૃતિની માત્ર પહેલી સેર છે. આમ ‘રેવા’, ‘એક તોડેલી ડાળ’ ઇત્યાદિની પેઠે આ પણ પ્રો. ઠાકોરની અપૂર્ણ રહેવા પામેલી કૃતિ છે. એમણે અગેય પ્રવાહી પદ્યરચનાની દિશામાં કરેલા આગ્રહી ઉદ્યમના અંગરૂપ જ આ અનુષ્ટુપ-પ્રયોગ છે. કે. હ. ધ્રુવના ‘વનવેલી'ના ઊહાપોહની હવામાં જ થોડા જ દિવસોમાં આ પહેલી સેર લખી’ એમ ‘દુષ્કાલ’ના ટિપ્પણમાં લેખકે પોતે જ નોંધ્યું છે. લખતાં પહેલાં પ્રવાહી પદ્યરચનાઓનો મારા પ્રિય વિષય ઉપર વધુ જ્ઞાન મેળવવાની ખાતર મહાભારતના પ્રવાહી અનુષ્ટુપ બરાબર જોયો એમ પણ એમણે ત્યાં જ નોંધ કરી છે. કાવ્યદૃષ્ટિએ આ કૃતિ ભલે પ્રો. ઠાકોરની ચિન્ત્યકક્ષાની કૃતિઓના વર્ગની હોય. આપણે તો એમનો છંદપ્રયોગ જ અહીં જોવો છે. પહેલી સેરની ૧૯ પંક્તિનો ખંડ આખો પદ્યદૃષ્ટિએ સીધો શેરડે ચાલ્યો જાય છે, ને બાકીના ખંડોમાં પણ ઘણીબધી પંક્તિમાં એ જ રીતની છે. મહાભારતી અનુષ્ટુપની લાક્ષણિકતા તેમાં બહુ વરતાતી નથી. ઉદાહરણ તરીકે વિષમના ૫-૬-૭ વર્ણના વિવિધ વિકલ્પો બહુ જોવા મળતા નથી. ૩૫૨ પક્તિઓના ૩૫૨ વિષમ ચરણોમાંથી પાંચેક ઠેકાણે પ-૬-૭ વર્ણો લલલ અને ચારેક ઠેકાણે લલગા આણેલા છે. ક્યાંક ક્યાંક સમસ્થાને વિષમ માપનાં ચરણોમાં ૫-૬-૭ વર્ણો લલલ રૂપના આવે છે તે જુદા. આ લલલ તે। અનુષ્ટુપનાં વિષમ ચરામાં લયસિદ્ધ ઠરેલા છે, પણુ લલગાનું તેમ નથી. એકાદ બે વાર ચરણારભે નગણ પણ દેખાય છે તે તે સંવાદબાધક બને છે. એકદરે વિષમચરણુરચનાની મહાભારતી મુક્તતા પ્રા. ડાકોરમાં અહીં તા ઝાઝી જણાતી નથી. એમનાં સમચરણામાં મુક્તતા વારંવાર જોવા મળે છે ખરી, પણ તેને ભાગ્યે જ મહાભારતી ગણાય. કેટલીક વાર વિષમ અને સમ ચરણો વચ્ચે એમને અભેદ ઇષ્ટ લાગ્યા છે, જે ક્યાંક કાર્ય સાધક જણાય કદાચ; પરંતુ એકંદરે વિચારતાં જ્યાં વિષમ ચરણને સાભિપ્રાય અભ્યસ્ત ન કર્યાં હૈાય ત્યાં તો પરિણામ વિસંવાદક આવે એમ મને લાગે છે. સમચરણના ત્રીજા ચોથા વર્ણોના લઘુત્વગુરુત્વ વિશે છન્દશાસ્ત્રો આજ્ઞારૂપે ભલે કશું ન કહ્યું હોય, તોપણ કવિકર્ણે સમગ્ર ચરણ સવાયુક્ત બને તે તા જોવાનું રહે જ છે. કેટલાંક ચરણો એવાંયે છે જેનો સમ કે વિષમ કોઈ ઠેકાણે છન્દોબંધમાં ન બેસી શકે. ભલે તે થોડાં, પણ છે ખરાં. મને ભીતિ છે કે સમચરણોના વિષયમાં રાજમાને ત્યાગ કરીને પ્રે. ઠાકોરે અનેક ઠેકાણે દુ:સાહસ કર્યાં જેવું કર્યું છે. એકાદ એ શ્લાકમાં તે ચરણો બધાં અષ્ટાક્ષરી હોવા છતાં છ દસ વાદ આનુષ્ટુપ ન રહેતાં ગઝલી રૂપનો ભાસ આપે છે. પરંતુ અગેય પ્રવાહી પદ્યરચનાના એક હિંમતભર્યા પ્રયોગ લેખે ‘દુષ્કાલ’ ની નિરીક્ષા કરવી ઘટે છે. હવે જોઈએ કાવ્યાભિજ્ઞ છન્દશાસ્ત્રાલોચક ‘શેષ'ના અનુષ્ટુપો. કાવ્યવિવેચક સદ્ગત રામનારાયણુભાઈ કાન્તની છન્દોરચનાની રૂપનિષ્ઠાનો ગુણ પુરસ્કારે છે ને સ્તુત્ય પણ ગણે છે; પણ ‘શેષ’ તરીકે છંદોરચનાની બાબતમાં એમનો નવપ્રયોગશોખ એમની પાસે પ્રગલ્ભ પ્રયોગો કરાવે છે એ એમનો એક વિશેષ છે. એમના અનુષ્ટુપો એ ષ્ટિએ જોવા જેવા લાગે ‘એક સન્ધ્યા'માં પ્રધાન છન્દ મિશ્રોપજાતિ રાખ્યો છે, પરંતુ પક્તિ ૧૫ થી ૨૬ના કાવ્યખંડ ‘અંધારામાં દ્યુતિ જેની થકી બાલ્ય શમી ગયું.'૩૮ એ અનુષ્ટુપ-ચરણોથી પૂરા કર્યાં છે. અહીં ‘દ્યુતિ'નો ‘તિ’ ગુરુ ગણીએ તા રૂઢ માપનું વિષમ ચરણ બને, હ્રસ્વ ગણીએ તો અરૂઢ ને લગાર અસુભગ પણ બને. તેની કારણચર્ચા પ્રો. ઠાકોરને અંગેની ચર્ચામાં કરેલી છે તે અહીં પુનરુક્ત કરવાની જરૂર નથી. આ જ કાવ્યમાં પંક્તિ ૮૦મીમાં થોન્જેલાં ચરણ રમણીય જણાશે. પરંતુ એ આખી કૃતિને રમણીય ઐક્ય અર્પતો શ્લોક તો યોગ્ય રીતે જ કાવ્યને અંતે આવે છે: ખભેથી લૈ ઉકેલી મેં આઢાડયો ત્યાં સરિતટ ઓઢાડે જેમ આકાશ પૃથ્વીને રજનીપટ!૩૯ અહીં છન્દની રૂપષ્ટિ ભલે કાન્તનુ સ્મરણ કરાવે, પણ તેમાં ભૂત થયેલું કાવ્યરૂપ ‘શેષ’નું પોતાનું જ પ્રતીત થાય છે. ને છન્દમાંયે છેવટે જોવાનું તો કાવ્ય જ રહે છે ને? એ જ રીતે ‘ઓચિન્તી ઊર્મિ'માં એક આરંભે ને એક અંતે એમ બે અનુષ્ટુપો આવે છે. તે બંનેની માપઢતા તે સપ્રાસતાથી કાઈને પણ કાન્તનાં અનુષ્ટુપો સાંભરી આવે, પણ તેમાંનું કાવ્ય તો શેષનું જ લાગે. અંતમાં અનુષ્ટુપમાં તો સવિશેષ.૪૦ આરંભે— અજાણી દિશથી આવે ઓચિન્તી ઊર્મિ વાયુની, ઉઘાડે પોથી, વાસેલી જતને, ગત આયુની. અંતે— ઓચિન્તી વાયુ-ઊર્મિથી વાસેલી પોથી ઊઘડે, પર્ણોમાં ગૂઢ ઢંકાયું, હિમબિન્દુ ખરી પડે. ‘ખિન્ન સખાને’ કરાવતી કૃતિ છે. પક્તિ ૫-૬ તેમાં ગોઠવેલા છે. પહેલા પણ એમાં ગોઠવેલા છે. પણ પહેલા પ્રાસયુક્ત છે ને ખીજામાં ચરણા ઋજુમા નાં છે. અને ૫ંક્તિ ૩૪-૩૭ એમ અનુષ્ટુપ પણ સંવાદી મિશ્રછન્દોરચનાનો આસ્વાદ શ્લોકમાં પ્રાસ નથી, છેલ્લા બેમાંથી પહેલો પ્રાસયુક્ત આભાસપ્રાસ છે. ત્રણેનાં વિષમ ચરણો ઋજુમાં છેલ્લા તેમાં છન્દ અને કાવ્યનો પરસ્પર અન્વય છંદનું માપ સશોધવા ખાટી થવા ન દે તેવા સધાયો છે. જુઓ એ શ્લોકો: સન્ધ્યા ને ખીજ બંનેયે અંગ એક જ દૃશ્યનાં! અંતરો કાલનાં જૂઠાં, ભૂતનાં ને ભવિષ્યનાં!

તો તારે ય સખે! સન્ધ્યા કાજ ના ક્રંદવું ઘટે, બીજથી નવું એયે સન્મ્યાને વંધ્યું જ છે,૪૧ શેષની ઉત્તમોત્તમ કૃતિઓમાં ‘સિન્ધુનું આમંત્રણ 'ની ગણના થાય છે. તેમાં અનુષ્ટુપ અને સ્ત્રગ્ધરાનો ભાવગંભીર કાવ્યસંવાદ ચિત્તોત્કર્ષક બને છે. ૧૧ શ્લોકોની આ કૃતિમાં શ્લોક ૧-૨, ૫-૬ અને ૯-૧૦-૧૧ એટલા અનુષ્ટુપના છે. અનુષ્ટુપની લાંબી સળંગ રચનામાં વિષમ ચરણના ૫-૬-૭ વર્ણોનું વૈવિધ્ય અચિન્તિત પણ આવવાના જેટલો સંભવ તેટલો આમ છૂટક છૂટક આવતા અનુષ્ટુપોની બાબતમાં કદાચ નથી. પરંતુ આ ગંભીર અનુભૂતિની ભાવાન્નત કૃતિમાં છન્દવિષયની શેષ'ની સભાન પ્રયાગવૃત્તિએ જાણે સ્વાભાવિક સ્મૃતિને માર્ગ આપી દીધો છે. સાતે અનુષ્ટુપો છન્દોબંધની દૃષ્ટિએ બહુધા રાજમાગી રહ્યા છે. એ બધા જ ઉતારવાનો લોભ રોકી શકાતો નથી : આનન્દસિન્ધુ આમન્ત્રે સ્વયં હસ્ત ઉછાળતો, રંગબેરંગી ઝાંાનાં મોતીઓ વરસાવતો.૧ નહિ મા, નહીં કેડી, દ્વાર કે દરવાન ના. જ્યાં હો ત્યાંથી અહીં આવો પાડ કે અહેસાન ના,૨ સહસ્ર સ્રોતથી ઘેલી નદી જીવનની વહે, ઘડી શુદ્ધ ઘડી મેલી, ક્ષણે ના સરખી રહે. પ તેમાં આ તટથી પેલે જતાં જન મથી મથી, અનુકૂલ નહીં આવો પ્રવાહોના જ પંથથી. ૬ સુણાયે સાદ એ દેશ–કાલની પાર દૂરથી, લોક લોક તણા ઊંડા અંતરતમ ઉરથી, ૯ ‘નિત્ય એ શબ્દ આવે છે, સત્ય એમાં કશું નથી, જવાશે જઈશું ત્યારે’ કરી કોઈ પ્રમાદથી ૧૦

ગયું ના, પણ એ સિન્ધુ હજી હસ્ત ઉછાળતો આમંત્રે રંગબેરંગી મોતીઓ વરસાવતો. ૧૧ આ શ્લોકાને ઉપર મહુધા રાજમાગી કહ્યા છે તે સાભિપ્રાય કહ્યા છે. સમચરણોમાં છેલ્લા ચાર વર્ણો અચૂક લગાલગા આવે. ઉપરના બીજા શ્લોકમાં ચોથું ચરણ પાડ કે અહેસાન ના’ છે તેમાં છેલ્લા ચાર વર્ણો ગાગા લગા’ છે એમ મુદ્રણદૃષ્ટિએ લાગે, પણ ‘અહેસાન’ શબ્દનો ‘હે’ ગુજરાતીમાં ક્રેત ઉચ્ચારાય છે એટલે તે લઘુને સ્થાને લગારે કલેશકર થતા નથી તે છંદસંવાદ બરાબર સચવાઈ રહે છે. પરંતુ ૯મા શ્લોકમાં ચોથું ચરણ અંતરતમ ઉરથી’ છે પરંતુ ત્યાં ત્રીજો વર્ણ લઘુ છે, ને તેનું ગુરુ ઉચ્ચારણ અશક્ય છે, ને છન્દાલય ગુરુની અપેક્ષા રાખતા લાગે છે. પણ તે કાવ્યસમગ્રનો સંવાદ એવો બળવાન છે કે આવી આવી વીગતોની રોકટોક સહન કરવાના ચિત્ત ઇન્કાર કરે છે. પણ આપણે જેને પ્રવાહી અનુષ્ટુપ કહીએ છીએ તેનું દૃષ્ટાન્ત ‘ડુંગરની કોરે'૪૨માં મળી રહે છે. આ ૨૯ ૫ંક્તિની રચનામાં પંક્તિ ૪, ૫, ૯ અને ૧૭નાં વિષમ ચરણામાં ૫-૬-૭ વર્ણને સામાન્યેતર રૂપમાં એટલે અનુક્રમે લલલ, ગાલગા, લલલ, અને લલલ એ રૂપમાં આવવા દીધા છે ને તે બધા સંવાદી બન્યા છે; પરંતુ બે સ્થળે (પં. ૮ અને ૧૪ માં) સમચરણો જરા સવાબાધક આવી ગયાં છે. ‘ખીણ કરાલ કાલની’ એ ચરણ ત્રીજા વર્ગની લઘુતાને કારણે સહેજ ખટકાય છે. અનુષ્ટુપમાં ૫-૬-૭ વર્ણો સિવાયના વર્ણો માટે નિશ્ચિત વિધિ છન્દઃશાસ્ત્રે દર્શાવ્યો નથી એ ખરું છે; પણ જ્યાં કશું કહ્યું ન હોય ત્યાંયે શ્રુતિસુખ કે લયસંવાદને અલિખિત નિર્ણાયક તત્ત્વ તરીકે સ્વીકારવું ઘટે છે. આ કાવ્યમાં એક બીજી વિશેષતા પણ આવી છે. ને તે છે સમચરણને બેવડાવવાની. આવો એક પ્રયોગ નરસિંહરાવે કર્યાનું આપણે જોઈ ગયા છીએ. આમ બેવડાવેલાં ચરણો સપ્રાસ હોય તો કદાચ ઉક્તિબંધ વધારે દૃઢ ને આકર્ષક બને. હવે ‘શેષ'ની એક વધારે લાંબી અનુષ્ટુપ-રચના ઉપર જરા નજર નાખી લઇએ. ગાંધીયુગ’માં૪૩ પંક્તિ ૨૬ થી ૨૯ નો ઉપનોતિ બાદ કરતાં બંને અધ્યાયો અનુષ્ટુપમાં છે. તેમાં ક્યાંક ક્યાંક જરા અડવાં કે ઉભડક લાગે એવાં ચરણા આવી ગયાં છે. પંક્તિ ૧૧મીમાં વિષમચરણ તરીકે ‘હેમકરીટધારિણી’ એ સંસ્કૃત સમાસ આવે છે. સમને સ્થાને તે નભી જાય ખરા. વિષમમાં તે વસમો થઈ પડે છે. પક્તિ ૧૭મીમાં ભેદમાં ઐકય આણશે’ એ ચોખ્ખું સમચરણ વિષમને સ્થાને આવ્યું છે. ‘શેષ’ની છન્દોબુદ્ધિને આવું ભાગ્યે જ સ્વીકાર્ય હોય. મારો તર્ક તો એવો છે કે મૂળમાં શેષે કદાચ ૧૬મી પંક્તિમાંના સમચરણને ત્રેવડયુ હોય—કથનને વેગસબલ કરવાને માટે. અલબત્ત, સ ંસ્કૃતમાં, ખાસ કરીને વૈદિક ને ઔપનિષદિક કાળમાં, કયાંક કયાંક વિષમને સ્થાને સમચરણ જોવા મળે છે. શ્વેતાશ્વેત ઉપનિષાદના બીજા અધ્યાયના પહેલા શ્લોકના પૂર્વાર્ધમાં બંને ચરણો સમમાપનાં છે : युञ्जानः प्रथम मनस्तत्त्वाय सविता धियः એ જ સ્થાને છઠ્ઠો શ્લોક આખો સમમાપ છે: अग्निर्यत्राभिमथ्यते वायुर्यत्रधिरुध्यते । सामा यत्रातिरिच्यते तत्र संजयते मनः ॥ કયાંક નવવર્ણી ચરણ પણ એમણે આણ્યું છે, અને કયાંક વિષમના ૫-૬-૭ વર્ણો જ્યાં ‘લલલ'ની અપેક્ષા જગાડતા હોય ત્યાં ‘લલગા’આણેલા છે. આવા આવા ‘શેષ'ની અન્ય લાંબી અનુષ્ટુપ-કૃતિઓમાં પણ ડોકાઈ જતા પ્રયોગવિશેષો સહેજે લક્ષમાં આવી જાય એવા છે, એટલે ઉદાહરણો ટાંકવાનું બિનજરૂરી છે. આવા પ્રયોગા હૃદ્ય છે કે નહિ તેનો નિર્ણય તે તે સ્થાન જોઈને કાવ્યરસિકો તે પિંગલરસિકો પોતાની મેળે જ કરી લેશે. એકંદરે વિચારતાં ‘શેષ 'ના અનુષ્ટુપો બે વર્ગમાં વહેંચાઈ જતા જણાશે : એક વર્ગ કાવ્યની સ્વાભાવિક ક્રૂતિ દર્શાવનારા અનુષ્ટુપાને, ને બીજો વર્ણ પિંગલકારની પ્રત્યોગપ્રગલ્ભતાની સભાન પ્રવૃત્તિ થઈ હોય તેવાનો. આ બીજા વર્ગમાં એમના કેટલાક કદાચ પ્રાચીન માન્ત્રિક માપને અનુસરીને કરેલા પ્રયોગોને પણ ગણી લઉં છું. એ પ્રયાગે આજે શ્રવણસુખદ નથી લાગતા તેનું કારણ ઉદાત્તાદિ સ્વરોને અનુસરીને હવે છન્દો રચાતા કે પઠાતા નથી તે હકીકતમાં રહેલું છે. ગાંધી–પેઢીના નાનામોટા અનેક કવિઓએ પણ વિશિષ્ટતાપૂર્વક અનુષ્ટુપને કાવ્યસેવામાં પ્રયોજ્યા છે. પણ તેનું નિરીક્ષણ કરવાનો લોભ જતો કરીને આ લાંબા અનુષ્ટુપ-અન્વિક્ષણને અત્યારે તે અહીં જ સમેટી લેવું યોગ્ય ગણું છું.

૧૫ મું સમેલન

ટીપ
૧. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના - પૃ. ૫૮
૨. સિદ્ધહેમગત અપભ્રંશ વ્યાકરણ —પૃ. ૯૧
૩. यावत् स्थास्यन्ति गिरयः सरितश्च महीतले । त्तावद् रामायणकथा लेाकेषु प्रचरिष्यति ॥
આ સુપ્રસિદ્ધ શ્લોકમાં બંને વિષમૈામાં ૫-૬-૭ વર્ણો લલલ છે ને તે રુચિકર પણ છે.
૪. નર્મદની આખી કૃતિ અનુષ્ટુપમાં રચેલી મે હજી તેઈ નથી.
૫. નર્મકવિતા—પૃ. ૧૦૩,
૬. નર્મ કવિતા—પૃ. ૧૨૧, શ્લોક ૯.
૭. ન કવિતા—પૃ. ૨૪૧. શ્લોક પર.
૮. દલપતપિંગળ અને અલંકારદર્શન, પૃ. ૩૧.
૯. ‘तद्गुण’-શ્લોક ૧૬ મો.
૧૦. મહાભિનિષ્ક્રમણ-શ્લોક ૧૭મો.
૧૧.ઉત્તરા અને અભિમન્યુ-ક્ષોક ૬ઠ્ઠો.
૧૨. મહાભિનિષ્ક્રમણ—લોક ૧૭ મો,
૧૩. નરસિંહરાલ સ્મારક અંક—ગુજરાત-માર્ચ ૧૯૩૭-પૃ. ૫૯૦
૧૪–૧૫. અતિજ્ઞાન
૧૬-૧૭. વસંતવિજય
૧૮. ચક્રવાકમિથુન.
૧૯-૨૦. દેવયાની.
૨૧. પૂર્વાલાપ-પૃ. ૧૭૮.
૨૨. વિષમસ્થાને સમમાપ અન્યત્ર પણ પ્રાચીન કૃતિઓમાં ઘણીવાર મળે છે. શ્વેતાશ્વતરમાંથી રમાવો દાખલે।. આ લેખમાં અન્યત્ર ઉતારેલો જ છે.
૨૩. જુએ ‘સાહિત્ય અને વિવેચન’—પૃ.૧૦૦,
૨૪. સાહિત્ય અને વિવેચન—ભાગ ૧—પૃ. ૯૯.
૨૫. સાહિત્ય અને વિવેચન—ભાગ ૧ પૃ. ૧૦૦,
૨૬. ‘શરદપૂનમ’ માંથી
૨૭. ‘શરદપૂનમ’ માંથી,
૨૮, ‘તાજમહેલ’ માંથી
૨૯. ‘સન્ધ્યા’ માંથી,
૩૦. ‘પિતૃતર્પણ’ માંથી.
૩૧. રાષ્ટ્રિકા-પૃષ્ઠ ૧૦૩
૩૨. આપણી કવિતાસમૃદ્ધિ-આવૃત્તિ ૧લી—પૃ. ૬૧–૬૪.
૩૩. ‘ભણકાર’ રૃ. ૧૭ ઉપર ‘કવિતા અને જાદુ’ નામની રચનાને અંતે
૩૪. ‘ભણકાર’ પૃ: ૧૪ પર ‘દુર્દિન : એક પત્ર કે ફોતરુમાં છેવટે મૂકેલા અનુષ્ટુપોમાં,
૩૫. ભણકાર પૃ. ૧૨૧.
૩૬. ભણકાર પૃ. ૧૩૭.
૩૭. ભણકાર-બીજી ધારા-પૃ. ૩ થી ૨૨.
૩૮. શેષનાં કાવ્યો–પૃ. ૨૮
૩૯. શેષના કાવ્યો—પૃ. ૩૧
૪૦ જુઓ ‘શેષનાં કાવ્યો’ પૃ.૪૪-૪૫,
૪૧. શેષનાં કાવ્યો—પૃ. ૧૩૪
૪૨. શેષનાં કાવ્યો—પૃષ્ઠ ૧૨-૧૩,
૪૩. વિશેષ કાવ્યો-પૃ. ૨૧-૨૪.