અધીત : પ્રમુખીય પ્રવચનો - ૧/ગુજરાતી કોશ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨. ગુજરાતી કોશ
ભોગીલાલ સાંડેસરા
‘કોશ’ શબ્દ વિષે

‘કોશ’ના વિવિધ અર્થોમાંના એક છે – ભંડાર, ખજાનો, ભંડોળ, મૂડી. એ અર્થ ભાષાની સંચિત સમૃદ્ધિને લાગુ પાડતાં શબ્દોનો ભંડાર’ એવો ભાવ સમજાયો. અંગ્રેજી Thesaurusને પણ ગ્રીકમાં મૂળ અર્થ ભંડાર’ કે ખજાનો’ છે અને લગભગ અઢારમા સૈકાથી તે ‘શબ્દકોશ’ કે ‘જ્ઞાનકોશ’ એવા અર્થમાં અંગ્રેજી ભાષામાં વાપરવા શરૂ થયેલા છે. Dictionary શબ્દનું મૂળ લૅટિનમાં છે અને Lexiconનું મૂળ ગ્રીકમાં છે, અને એ બંનેને વ્યુત્પત્યર્થ પણ ‘શબ્દસંગ્રહ? એટલો જ થાય છે. જર્મન શબ્દ Worter- buch પ્રમાણમાં સાદો છે; એનો અંગ્રેજી તરજુમો Word-book એવો થતો હોઈ ‘શબ્દ-પોથી’ એવો અર્થ તે વ્યક્ત કરે છે. ભાષાના શબ્દસંગ્રહ માટે શબ્દકૈાશં એ વાચક કેટલો જૂનો છે તે આપણા જ્ઞાનની અત્યારની સ્થિતિમાં નિશ્ચિતપણે કહેવાનું મુશ્કેલ છે; પણ ‘કોશ’ના મુકાબલે તે અર્વાક્ત છે એટલું નક્કી છે. ‘કોશ’ના અનેક અર્થોમાંથી શબ્દસંગ્રહવાચક અર્થ વ્યક્ત કરવા માટે—અને એ અર્થ તો સાહિત્યનો સારો એવો વિકાસ થયા પછી જ વ્યક્ત કરવાની જરૂર પડે—પાછળથી તે યોજાયો હોવો જોઈએ. આમ છતાં યોગ્ય સંદર્ભમાં પ્રસ્તુત અર્થ વ્યક્ત કરવા માટેનું ‘કાશ’ શબ્દનું સામર્થ્ય પૂર્વવત્ રહેલું છે.

કોશનું મહત્ત્વ

પ્રત્યેક ભાષાનું શબ્દભંડોળ એના ભાષકોના ભૂતકાલીન વૃત્તાંતનું, વર્તમાન સ્થિતિ અને કંઈક અંશે ભાવિ. આકાંક્ષાઓનું—એક દરે એ બોલનારી પ્રજાના સમગ્ર જીવન અને ચિંતનનું દર્પણ છે. ભૌતિક અથવા બૌદ્ધિક ક્ષેત્રમાં નવીન સિદ્ધિની પ્રાપ્તિ સાથે અથવા નવા ફેરફારોના પરિણામરૂપે કોઈ પણ ભાષાનો શબ્દસંચય વિસ્તૃત થાય છે તેમ જ જૂના શબ્દો નવા અર્થોમાં વપરાતાં એ રીતે પણ ભાષાની સમૃદ્ધિ વધે છે. ભાષાના શબ્દસંચયનું સર્વાંગી અધ્યયન એટલે એ ખોલનારી પ્રજાએ જીવનનાં વિવિધ ક્ષેત્રેમાં પ્રાચીન કાળથી માંડી આજ સુધી કરેલાં કાર્યોનો, એના ઐતિહાસિક સંપર્કોના અને અદ્યતન પ્રવૃત્તિઓનો, એની લાક્ષણિકતાઓ, ખૂબીએ અને ખામીઓનો ઇતિહાસ, ભાષામાં રહેલા માનવતત્ત્વના અભ્યાસ એની ધ્વનિપ્રક્રિયા કે સ્વરવ્ય જનપ્રક્રિયા દ્વારા નહિ, પણ મુખ્યત્વે એના શબ્દભડાળ દારા જ થઈ શકે. શબ્દભંડોળના વિકાસ સાથે નવા નવા શબ્દારોની રચના આવશ્યક બને છે. શબ્દભંડોળની—નવાં શબ્દરૂપોની કે નવા અર્થોની—વૃદ્ધિ એ કોઈ પણ જીવંત ભાષાની લાક્ષણિકતા છે. પરંતુ જગતમાં જેટલી ભાષાએ બોલાય છે અથવા બોલાતી હતી, એ સર્વમાં કંઈ શબ્દકોશો રચાયા નથી. સામાન્ય જીવનવ્યવહારથી વિશેષ એવી ગંભીર વિદ્યાને લગતી કશી પણ પ્રવૃત્તિઓ કરવા માટે કોશ અત્ય ત આવશ્યક છે, અને એવી પ્રવૃત્તિઓ જ્યાં ઓછાવત્તા પ્રમાણમાં થઈ છે ત્યાં તત્કાલીન જરૂરિયાતોને અનુલક્ષીને નાના-મોટા કોશો અથવા વિશિષ્ટ પ્રયોજનલક્ષી શબ્દસંગ્રહે! અવશ્ય તૈયાર થયેલા છે. આથી જ, રાજકોશને શબ્દકોશ સાથે સરખાવતાં એક સંસ્કૃત સુભાષિતકારે કહ્યું છે— कोशस्येव महीपानां कोशस्य विदुषामपि । उपयोगो महान् यस्मात् क्लेशस्तेन विना भवेत् ॥ રાજાઓની જેમ વિદ્વાનોને કોશનો મહાન ઉપયોગ છે, કેમ કે તે વિના (એમને) કલેશ થાય છે.

પ્રાચીન શબ્દકોશો

જગતની જે જે પ્રાચીન ભાષાઓ ઠીક પ્રમાણમાં સાહિત્યિક પ્રયોગ પામી છે એ સર્વમાં એક અથવા બીજા પ્રકારના સંખ્યાબંધ કોશો થયા છે; તેમ જ જે ગ્રંથો કે ગ્રંથકારો ધાર્મિક દૃષ્ટિએ અતિ પવિત્ર કે સાહિત્યિક દૃષ્ટિએ પ્રશિષ્ટ તથા સન્માનપાત્ર ગણાયા છે તેમના પણ, સતત અધ્યયન કે અર્થવિમર્શને પરિણામે, શબ્દકાશે તૈયાર થયા હોય એવું આજ દિન સુધી બન્યું છે. વૈદિક શબ્દસંગ્રહ ‘નિઘંટુ’ ઉપર યાસ્કાચાર્યની ટીકા તે ‘નિરુક્ત’(ઈ. સ. પૂર્વે ૭૦૦ આસપાસ). સંસ્કૃતમાં એ પછી બહુસંખ્ય કોશ થયા છે, જેમાં – અમરકોશ સૌથી પ્રસિદ્ધ છે. વ્યાકરણમાં જેવી પાણિનિની પ્રતિષ્ઠા છે, લગભગ એવી કોશોમાં ‘અમરકોશ’ની પ્રતિષ્ઠા છે. ગુજરાતના આચાર્ય હેમચંદ્રે ચાર એવા કોશો રચ્યા છે, જે પ્રાચીન ભારતની ખાસ કરીને સંસ્કૃત અને પ્રાકૃતની—કોશરચનાપ્રવૃત્તિના લાક્ષણિક ઉદાહરણરૂપ છે. એમના ‘અભિધાન-ચિંતામણિ’માં, ‘અમરકોશ’ની પતિએ, એક અનર્થના અનેક શબ્દોના સંગ્રહ છે;’ અને અનેક શબ્દના અનેક અર્થાની નોંધે છે. વૈશ્વિક શબ્દોના સંગ્રહને ‘નિઘંટુ' કહેતા તેમ વનસ્પતિનાં નામોના સંગ્રહને પણ ‘નિઘંટુ’ કહેતા. હેમચંદ્રે ‘નિઘંટુશેષ' નામે કોશ રચેલો છે તે વનસ્પતિશાસ્ત્ર અંગેનો છે. સંસ્કૃત ભાષાના અભિધાનકોશોમાં પરિચિત ન હોય એવા પ્રાકૃત દેશી શબ્દોનો (જેમાંના કેટલાક તત્સમ, તદ્ભવ કે સંશયયુક્ત તદ્ભવ હોવાનું વિદ્વાનને જણાયું છે) કોશ ‘દેશી-નામમાલા’ પણ હેમચંદ્રની રચના છે. ‘દેશી નામમાલા 'ને બાજુએ રાખીએ તો, બાકીના ત્રણેય પ્રકારના કોશા સંસ્કૃતમાં વખતે-વખત રચાયા છે. હેમચન્દ્રની પૂર્વે થયેલા, ભોજરાજાના સમકાલીન કવિ ધનપાલને પાઈઅલચ્છી’ નામને પ્રાકૃત લઘુ કોશ પ્રાકૃત ભાષા-સાહિત્યના પ્રારંભિક વિદ્યાર્થીઓ માટે રચાયેલો જણાય છે. મુસ્લિમ રાજ્યકાળમાં ફારસી રાજ્યવ્યવહારની ભાષા બન્યા પછી વહીવટકર્તાઓ, વિદ્વાનો અને વિદ્યાર્થીઓના ઉપયેગ માટે ફારસી શબ્દોના સંસ્કૃત અર્થો આપતા દ્વિભાષી કોશો અનેક થયા છે. જુદે જુદે સમયે રચાયેલા, આવા દ્વિભાષી, કોશોના સમુચ્ચય કોશસંગ્રહ’ એ નામથી વડોદરા પ્રાચ્ય વિદ્યામંદિર તરફથી પ્રગટ થતી ગાયકવાડ્ઝ આરિયેન્ટલ સિરીઝ માટે હમણાં તૈયાર થાય છે. આ પ્રકારના ફારસી હિન્દી કે પારસી-વ્રજકોશો પણ કેટલાક છે. અલાઉદ્દીન ખિલજીના રાજકવિ અમીર ખુશરૂએ (ઈ. સ. ૧૨૫૮-૧૩૧૭) ફારસી અરબી મૂળના શબ્દોના ઉત્તર ભારતની તત્કાલીન લોકભાષામાં (જેને અત્યારે હિન્દી કહીએ તો કદાચ ચાલે) અર્થો આપતા, ૮૩ ચોપાઈનો એક લઘુ શબ્દસંગ્રહ તૈયાર કર્યો હતો, જે खालिक वारो सिरसनहार એવા તેના પ્રારંભિક શબ્દ ઉપરથી ખાલિક બારી’ તરીકે ઓળખાય છે. કચ્છ ભુજના રાજા લખપતના આશ્રિત જૈન યતિ કનકકુશલના શિષ્ય કુંવરકુશલે (ઈ. સ.ના ૧૮મા સૈકા) - પારસી નામમાલા’ નામે ફારસી-સંસ્કૃત કોશનો ત્રજ ભાષામાં અનુવાદ કર્યો હતો. આપણા સાહિત્યમાં અર્વાચીન યુગના અરુણાદય પહેલાં ત્રણેક સૈકા સુધી વ્રજભાષા એ સારાયે ઉત્તર અને પશ્ચિમ ભારતની માન્ય સાહિત્યભાષા હતી. અને એથી એમાં છંદ અને અલંકારની જેમ કોશના પણ અનેક ગ્રન્થો રચાયા છે, જેમાં ‘માનમંજરી’કદાચ સૌથી વધારે પ્રસિદ્ધ છે. ભુજમાં જૈન મુનિની કવિતાની ‘શાળા'એ વ્રજના કોશસાહિત્યમાં પણ નોંધપાત્ર ફાળા આપેલા છે. સંસ્કૃત અને તત્ક્રુત્થ ભાષાઓમાં રચાયેલા આ કોશા તે તે ભાષાના વિદ્યાર્થીઓ, કવિઓ, કવિપદેચ્છુઓ, વિદ્વાનો, ગ્રન્થકારો કે કવચિત્ વહીવટકર્તાઓના ઉપયોગ માટે રચાયેલા હતા. આધુનિક કોશોમાં હોય છે એવો વર્ણાનુક્રમ એમાં નથી. સામાન્યતઃ મુખપાઠે કરવા માટે રચાયા હોઈ એ બધા કોશો પદ્યમાં છે; અને કોઈ પણ પુસ્તકની નકલો બહુ મર્યાદિત સંખ્યામાં કાઢી શકાતી હાઈ પુસ્તકમાત્ર દુર્લભ અને કીમતી હતુ. એ સમયમાં ગ્રન્થરચના કે કાવ્યરચનામાં સમુચિત શબ્દો શોધનારને તેમ જ એ શબ્દોના સાહિત્ય તેમ જ પરંપરાને માન્ય એવા નિશ્ચિત અર્થ જાણવા ઇચ્છનાર વિદ્યાથીને કે અભ્યાસીને મુખપાડે કરાતી આ કોશરચનાઓ સાચા ઉપયોગની નીવડતી હતી. આથી સંસ્કૃત વાડ્મયના કોઈ પણ પ્રકારના ગ્રંથ ઉપરના ગમે તે આધારભૂત ટીકાટિપ્પણમાં સુપ્રસિદ્ધ કોશોનાં અવતરણો કે પ્રમાણો વારંવાર ટાંકેલાં જણાશે. ગુજરાતની પ્રાદેશિક ભાષામાં—જેને પાછળથી ‘ગુજરાતી’ નામ મળ્યું —છેલ્લાં લગભગ એક હજાર વર્ષથી સાહિત્યરચના થયેલી છે, પરંતુ સંસ્કૃત, પ્રાકૃત કે વજના શબ્દકોશોની સાથે તુલના કરી શકાય એવા કોશો જૂના સમયમાં તેમાં રચાયા નથી. એનું કારણ કદાચ એ હોય કે વિદ્વાનોનું ભાષાજ્ઞાન અને શબ્દજ્ઞાન સંસ્કૃત અને વ્રજના કોશ-અલંકાર આદિથી પોષાતું હતું, અને સંત કવિઓને એવી કોઈ આગંતુક સહાયની જરૂર ઘણુંખરું નહોતી. હા, જૂની ગુજરાતીમાં પણ કંઈક શબ્દકોશના જેવી ગણી શકાય એવી કેટલીક રચનાઓ છે ખરી. એ રચનાઓ તે ઔક્તિકો સાથેના શબ્દસંગ્રહે. મારુ-ગૂર્જર કે જૂની ગુજરાતી ખોલતા વિદ્યાર્થીઓને તેમની પોતાની ભાષા દ્વારા સંસ્કૃત ભણાવવા માટે થયેલી પાઠ્યપુસ્તિકા તે ઔક્તિક.’ તેરમા સૈકાના સંગ્રામસિંહકૃત ‘બાલશિક્ષા’ (સં. ૧૩૩૬=ઈ. સ. ૧૨૮૦) અને ચૌદમા સૈકાના કુલમંડનગણિકૃત ‘મુગ્ધાવબોધ ઔક્તિક'થી (સ. ૧૪૫૦=ઈ. સ. ૧૩૯૪) માંડી લગભગ અઢારમા સૈકા સુધી અનેક નાનાંમોટાં ઔક્તિકો રચાયાં છે. પ્રત્યેક ઔક્તિકમાં વ્યાકરણની સાથે એક શબ્દસંગ્રહ હોય છે, જેમાં ગુજરાતી શબ્દોના સંસ્કૃત અર્થ આપેલા હોય છે. અકારાદિક્રમે નહિ ગોઠવેલા છતાં આ નાનકડા ગુજરાતી-સંસ્કૃત શબ્દકાશે છે, અને સાહિત્યમાં નહિ પ્રયાજાયેલા અથવા જવલ્લે પ્રયોજાયેલા ઘણા વાચકો, નિશ્ચિત અર્થો સાથે, એમાંથી મળે છે. બધાં ઔક્તિકોના શબ્દસંગ્રહો એકત્ર કરવામાં આવે તો જૂની ગુજરાતીમાં એક સંક્ષિપ્ત પણ પ્રમાણભૂત શબ્દકોશ આપો-આપ તૈયાર થાય એટલું જ નહિ, પણ જુદાં જુદાં ઔક્તિકોએ આપેલા એક જ શબ્દના વિભિન્ન અર્થોને કારણે એવા શબ્દોની વિભિન્ન અર્થ છાયાઓ તેમ જ ઐતિહાસિક અર્થવિકાસ જાણવામાં સરળતા થાય.

કોશની વ્યાખ્યા

આ જૂના કોશોની વાત થઈ. આધુનિક સમયમાં કોશની આવી કંઈક વ્યાખ્યા સામાન્યતઃ અપાય છે, જે જૂના કોશોને પણ લાગુ પડે છે : કોશ એટલે કોઈ ભાષા, ખોલી કે વિષયને અકારાદિક્રમે અથવા બીજા કોઈ નિશ્ચિત ક્રમે ગેટવેલે, તે જ ભાષામાં કે બીજી કોઈ ભાષામાં અર્થ કે સમજૂતી આપતા શબ્દસંગ્રહ. જુદાં જુદાં પ્રયોજનાથી રચાયેલા કોશો માટે અંગ્રેજીમાં Dictionary ઉપરાંત Vocabulary, Glossary, Index, Concordance આદિ વાચકો છે, પણ આપણી ભાષાઓમાં તો ‘કોશ’, ‘શબ્દકોશ’ અને ‘સૂચિ’ શબ્દ સંદઅનુસાર જરૂરી અર્થ વ્યક્ત કરે છે. કોશ, આમ તો, ભાષાના તમામ શબ્દસમૂહનો અથવા તેના એક- દેશનો સંગ્રહ તથા સમજૂતી આપે છે. હવે, વસ્તુઓ, વ્યક્તિઓ અને સ્થળોનાં વાચક નામો એ હકીકતમાં શબ્દો જ છે અને તેમની વિગતે સમજૂતી આપવાનું આવશ્યક હોય છે, તેથી એ પ્રકારના શબ્દોને કોશમાં સ્થાન મળે છે. જ્ઞાનના વિસ્તાર તેમ જ વિશિષ્ટ વિષયોનું ખેડાણ વધતાં જે તે વિષયોના કે જ્ઞાનની વિશિષ્ટ શાખાઓના કોશ તથા પરિભાષાના કોશો રચાય છે. આ પ્રકારના સેંકડો કોશો. પાશ્ચાત્ય ભાષાઓમાં છે એ આપને સુવિદિત છે, પરંતુ, આ લખતી વખતે મને યાદ આવે છે તેમ, અત્રત્ય તથા પાશ્ચાત્ય થોડાક વિષયકોશોનાં નામ અહીં ટાંકું છું. તે ઉપરથી મારું કહેવાનું સ્પષ્ટ થશે—રૂઢિપ્રયોગ કોશ’, ‘ભૌગોલિક કોશ,’ પૌરાણિક કથાકોશ’, ન કથાકોશ’, ‘ચરિત્રકાશ’, ‘દાર્શનિક કોશ’, ‘વહાણની પરિભાષા’ Dictionary of Geography, Dictionary of Universal Biography, Dictionary of National Biography, Dictionary of Events, Dictionary of American History, Dictionary of Folklore and Mythology, Dictionary of Sociology, Political Dictionary, Dictionary of Economics, Dictionary of Economic Products, Dictionary of Psychology, Dictionary of Linguistics, Dictionary of Education, Dictionary of Jurisprudence, Dictionary of Place-names, Dictionary of platitudes, Dictionary of Islam, American Stamp-collector's Dictionary, Dictionary of Music and Architecture, Dictionary of Hindu Architecture, Concise Oxford Dictionary of Music, Dictionary of Classical Literature and Antiquities, Dictionary of Literary Terms, Dictionary of American English, Dictionary of Slang, Lingo-Dictionary of American Under-world, Vedic Index, Pali Proper-names, Dictionary of Sanskrit Grammar ઇત્યાદિ પુરાણોમાં ‘ગુજરાત’ અને ‘જૈન આગમ-સાહિત્યમાં ગુજરાત’ જેવાં ગુજરાતી પુસ્તકોમાં પણ સ્થળનામો કે વ્યક્તિ વિષે તે તે મૂલ પ્રથામાં પ્રાપ્ત થતી માહિતી સંકલિત કરીને કોશપદ્ધતિએ અકારાદિક્રમે આપવામાં આવી છે, એ અર્થમાં તે વિશિષ્ટ વિષયના કોશો જ છે. આમ અનેક વિષયોના અને તેમનીયે શાખા-પ્રશાખાઓના કોશો થતાં થતાં એ સર્વ જ્ઞાનશાખાઓને આવરી લેતા નાનાશા અથવા વિશ્વકોશો રચાય છે. પરંતુ આ વ્યાખ્યાનમાં હું શબ્દકોશ એટલે શબ્દાશની વાત કરીશ, કોઈ પણ મોટા શબ્દકોશમાં જ્ઞાનકોશનાં અમુક લક્ષણ આવવાનાં, તેમ છતાં ગૌણમુખ્યભાવથી જોતાં તેનું ધ્યાન પ્રધાનતયા વસ્તુઓ ઉપર નહિ, પણ તેમના વાચક શબ્દો ઉપર છે; એનુ ધ્યેય ભાષાની સંચિત શબ્દાર્થ –સંપત્તિને વ્યવસ્થિત અને શાસ્ત્રીય સંગ્રહ છે.

ગુજરાતીમાં કોશપ્રવૃત્તિ

આ દૃષ્ટિએ ગુજરાતી ભાષામાં તથા ગુજરાતી ભાષા વિષે. થયેલી કોશરચનાપ્રવૃત્તિની સંક્ષિપ્ત સમાલોચના પહેલાં હું કરીશ, અને તેમાં હમણાં સુધી થયેલા પ્રત્યેક કોશનો ઉલ્લેખ નહિ કરતાં આપણી કાશપ્રવૃતિમાં સીમાચિહ્નરૂપ હોય, ઐતિહાસિક દૃષ્ટિએ નોંધપાત્ર હાય કે બીજી કોઈ રીતે ગણનાયોગ્ય હોય એવા કોશાની જ વાત કરીશ. અર્વાચીન કાળમાં, ઓગણીસમી સદીની અધવચમાં, ગુજરાતી કોશરચનાની પ્રવૃત્તિ ગંભીરપણે હાથ ધરવામાં આવી ત્યાર પહેલાં અંગ્રેજીમાં કેટલાક મહત્ત્વના કોશો–ખાસ કરીને જ્હૉન્સન (૧૭૫૫), બર્કલે (૧૭૭૪), શેરિડન (૧૭૮૦), વેલ્સ્ટર (ન્યૂયૉર્ક, ૧૮૨૮; લંડન, ૧૮૩૨), રિચાર્ડસન (૧૮૩૬), ઓજીલ્વી (૧૮૫૦-૫૫) આદિના કોશો પ્રગટ થઈ ગયા હતા અને કોશરચનાની એકંદર પદ્ધ નિશ્ચિત થઈ ચૂકી હતી. આધુનિક ગુજરાતી કોશા મુખ્યત્વે તેમની પહેલાંના અંગ્રેજી કોશો જોઈને તથા બંગાળી, મરાઠી આદિમાં રચાયેલા કોશો ઉપરથી સ્વભાષાસેવાની પ્રેરણા લઈને થયેલા છે. પણ એ પ્રકારના કોશો જોતાં પહેલાં, પ્રમાણમાં ઠીક જૂના સમયમાં પ્રગટ થયેલા એક બે શબ્દસંગ્રહોનો ઉલ્લેખ હું કરું.

ડ્રમંડની ‘ગ્લોસરી' (ઈ. સ. ૧૮૦૮) તથા બીજા શબ્દકોશો

ઈ. સ. ૧૮૦૮માં પ્રગટ થયેલી, આર. ડ્રમંડકૃત ગ્લોસરી’ ખૂબ રસપ્રદ અને નોંધપાત્ર છે. જેમ પહેલું વિસ્તૃત ગુજરાતી વ્યાકરણ અંગ્રેજકૃત, ગુજરાતનો પહેલો ઇતિહાસ ‘રાસમાળા’ અંગ્રેજકૃત, તેમ જ ૧૫૩ વર્ષ પહેલાંના આ પ્રથમ ગુજરાતી શબ્દસંગ્રહ પણ અંગ્રેજકૃત છે. એનો કર્તા ડ્રમંડ અંગ્રેજ અમલદાર હતો અને તેણે પોતાની નિવૃત્તિના થોડા સમય પહેલાં જ પશ્ચિમ ભારત પ્રત્યેના પોતાના પ્રેમની નિશાની તરીકે એ છપાવ્યો હતો એમ પ્રસ્તાવના ઉપરથી જણાય છે. વળી, આ પુસ્તક પહેલાં તો થોડાક મિત્રોના ઉપયોગ માટે તૈયાર કર્યું હતું પણ પાછળથી તેઓના આગ્રહથી એ છપાવ્યુ. એમ પણ કર્તા કહે છે. શરૂઆતમાં (પૃ. ૧–૨૮) કર્તાએ ગુજરાતી અને મરાઠી ભાષાનુ રૂપરેખાત્મક વ્યાકરણ એની અંગ્રેજી સમજૂતી સાથે આપ્યું છે; એમાંનું ગુજરાતી લખાણ ગુજરાતી લિપિમાં અને મરાઠી લખાણ બધુ મરાઠી લિપિમાં છે. એ પછી ‘ગ્લાસરી’શી નીચે એક ગુજરાતી-અંગ્રેજી શબ્દસંગ્રહ છે, જેમાં કુલ ૪૬૩ ગુજરાતી શબ્દોની વિસ્તૃત અંગ્રેજી સમજૂતી પૂરતા વિસ્તારથી, વસ્તુની સાંસ્કૃતિક અને ઐતિહાસિક ભૂમિકા પરદેશી વાચકોને બરાબર સમજાય એ રીતે આપી છે, અને આ પુસ્તક અત્યારે ગુજરાતી વાચકો માટે પણ કોઈ પ્રાચીન હસ્તપ્રત જેટલું દુર્લભ હોઈ એમાંની કેટલીયે વાતો તત્કાલીન ગુજરાતની સામાજિક સ્થિતિ સમજવા માટે બહુ અગત્યની છે. નીચેના શબ્દોની સમજૂતીઓ એનું ઉદાહરણ છે અગનીદાહ, આંગડીઆ, બામન, બાવચા, બાએડી (ગુજરાતમાં બધે સ્ત્રીને ‘બાયડી’ કહે છે. માત્ર સૂરત જિલ્લામાં ‘બૈરી’ કહે છે, પણ ત્યાંયે પત્નીને ‘બૈયર’ કહે છે—એવો સૂક્ષ્મ ભેદ કર્તાએ નોંધ્યો છે!) ભાટ, ભવાઈ, ભુમીદાહ, ધાવ, ઢેડા, દુબલા, પારસી, ઈનામ, ઢંઢેરા, દંડ, દુમાલી, ગરાશ, હલાલખોર, જાગીર, જલદાહ, જમાબંદી, કણબી, મહાજન, મનોતેદાર, મહીવાશી, મજૂરી, નઆત (નાત), મજમુંદાર, પગી, રેખતા, સવારી, સુખડી, ટાંકુ ઇત્યાદિ. કર્તાને ગુજરાતની લોકસ્થિતિ, રીતરિવાજ, ભાષા અને વહીવટનો પ્રત્યક્ષ અને ઘનિષ્ઠ પરિચય છે એ સ્પષ્ટ જણાય છે. ‘ગ્લોસરી’ સાદ્યન્ત અકારાદિ ક્રમે નથી, વચ્ચે વચ્ચે કંઈક અવ્યવસ્થા છે. પરંતુ આખા શબ્દ-સંગ્રહ અનેક રીતે અભ્યાસપાત્ર છે. મુદ્રિત પુસ્તકો કેટલીક વાર હસ્તપ્રતો કરતાંયે અનેકગણાં વિરલ અને મૂલ્યવાન હોય છે, તેવું આ છે. મુદ્રણકળાનો આરંભ થયો ત્યાર પછી થોડાક દસકામાં છપાયેલાં ગુજરાતી પુસ્તકો, જેમને પુસ્તકાલય-વિજ્ઞાનની પરિભાષામાં Incuna- bula કહી શકાય, જે વિષે આપણો વિદ્યારસિક વર્ગ પણ બહુ ઓછું જાણે છે, તેમની વિગતવાર વર્ણનાત્મક સૂચિ જુદાં જુદાં પુસ્તકાલયો અને સંગ્રહોને આધારે હવે તૈયાર થવી જોઈએ. આવું બીજું એક નોંધપાત્ર પુસ્તક તે સારાબશા ડાસાભાઈકૃત Idiomatic Exercises illustrative of the phraseology and structure of the English and Gujarati Languages છે (મુંબઈ, ૧૮૪૧). આ પુસ્તકનુ ગુજરાતી શીર્ષક આ પ્રમાણે આપ્યું છેઃ ‘અંગરેજી તથા ગુજરાતી ભાશા બોલવાની રીતી-એનાં કાએદાનાં તથા તેવોની બનાંવટનાં દાખલાની વાકેઆવલી.’ આ રીતસરનો કોશ નથી, પણ વિલ્સનની Idiomati Exercisesનું મૂળ સાથે ગુજરાતી ભાષાન્તર છે. અંગ્રેજી વાક્યો અને તેમનું ગુજરાતી ભાષાન્તર સામસામાં પાના ઉપર છાપ્યાં છે. નામ, વિશેષણ અને ક્રિયાપદ એ વિભાગોમાં અકારાદિ ક્રમે અંગ્રેજી શબ્દોનાં, વાક્યપ્રયોગમાં, ઉદાહરણ આપ્યાં છે. ઉદાચિત અંગ્રેજી શબ્દો ઇટાલિકમાં અને તેમના ગુજરાતી પર્યાયો મોટા અક્ષરોમાં છાપ્યા છે, એટલે આશરે ૨૫૦૦ મહત્ત્વના શબ્દોનો અંગ્રેજી-ગુજરાતી કોશ આ પુસ્તકમાં આપોઆપ મળી જાય છે; જોકે અનુવાદની ભાષા બિલકુલ પારસીશાઈ છે. ગુજરાતી ભાષાનો રીતસરનો શબ્દકોશ તો ત્યાર પછી પાંચ વર્ષે, ઈ. સ. ૧૮૪૬માં મળે છે. તે છે મિરઝા મહંમદ કાઝીમ અને નવરોજી ફરદૂનજીનો ગુજરાતી-અંગ્રેજી કોશ. ખંભાતના મિરઝા મહંમદ કાઝીમે સાત વર્ષની મહેનતે તે તૈયાર કર્યાં હતો અને મુંબઈની વડી અદાલતના દુભાષિયા નવરોજી ફરદૂનજીએ બે વર્ષનો સમય લઇને તેમાં સુધારાવધારા કર્યા હતા એમ અંગ્રેજી પ્રસ્તાવનામાં જણાવેલું છે. સુરતના દલપતરામ ભગુભાઈએ તૈયાર કરેલા ગુજરાતી કોશની હસ્તપ્રત તેમના પુત્ર મોતીરામ પાસેથી ‘જમશેદજી જીજીભાઈ ટ્રાન્સલેશન ફંડ’ તરફથી ખરીદીને સુધારાવધારા કરનારને સોંપવામાં આવી હતી એવી પણ તેમાં તોંધ છે. અર્થાત્ દલપતરામ ભગુભાઈના કોશને આમાં અંતર્ગત કરવામાં આવ્યે છે. પશ્ચિમ અને મધ્યભારતની મહાન વ્યવહારભાષા’ (Grand Commercial Language of Western and Central India) ગુજરાતીનો કોશ રજૂ કરતાં પ્રસ્તાવનાલેખક ગૌરવ અનુભવે છે. આ કોશમાં આશરે ૧૫૦૦૦ શબ્દો છે, પણ પુષ્કળ શબ્દો રહી ગયા છે એ પરત્વે કર્તા સભાન છે. વિવિધ ભારતીય ભાષાઓમાં પ્રયોજાતા વહીવટી શબ્દોનો કવાર્ટો સાઇઝમાં ૭૨૮ પાનાંને એક મોટો શબ્દસંગ્રહ (ગ્લોસરી) એચ. એચ. વિલ્સને ઇસ્ટ ઇન્ડિયા કંપનીની આજ્ઞાથી અંગ્રેજી સમજૂતી સાથે તૈયાર કરેલો છે (લંડન, ૧૮૫૫), તેમાં સંખ્યાબંધ ગુજરાતી શબ્દો પણ આવે છે. અરદેશર ફરામજી મુસ અને નાનાભાઈ રૂસ્તમજી રાણીનાકૃત અંગ્રેજી અને ગુજરાતી કોશ આઠ ભાગમાં પૂરો થયો હતો, અને તેનો પહેલો ભાગ ૧૮૫૭માં પ્રગટ થયેલો છે. એમાં આશરે ૫૦૦૦૦ શબ્દો છે. એ કોશ આખો છપાઈને બહાર પડે તે પહેલાં જ, તેનો સંક્ષેપ મુસ અને રાણીનાએ કવિ નર્મદાશંકર લાલશંકરની સહાયથી, ‘અંગ્રેજી તથા ગુજરાતી ન્હાનો કોશ’ એ નામથી ૧૮૬૨માં છપાવ્યો છે. એમાં આશરે ૨૦૦૦૦ શબ્દો છે. આવો સંક્ષિપ્ત કોશ શાળાપયોગી હોઈ એનું પ્રકાશન ત્વરાપૂર્વક થયું છે એ વિષે પ્રસ્તાવનામાં જણાવ્યું છેઃ “અંગ્રેજી તથા ગુજરાતી મ્હોટી ડિક્ષનરી જે એચ અક્ષર સુધી ચાર ભાગમાં છપાઈ પ્રકટ થઈ છે અને જેના બીજા ભાગોનું કામ આગળ ચાલુ જ છે, તે સઘળા ભાગો પૂરા થયા પછી તે પુસ્તકનો આવો એક સંક્ષેપ છાપી પ્રગટ કરવાનો બનાવનારાઓએ નિશ્ચય કર્યો હતો. પણ તે મ્હોટું આખું પુસ્તક તૈયાર થાએ તેથી આગમછ સઘળાને કામજોગ થઈ પડે એવી એક મુખતેશર ફરંગ તઈઆર થઈ બહાર પડેલી જોવાની કેટલાક મિત્રો તથા આ કામના આગેવાન મદદગારની તથા નિશાળના ઉપયોગ માટે એવા એક પુસ્તકની ખુટ છે એ વિષે થોડુંએકની વાત ઉપર કેળવણી ખાતાના ડરેકટર મી. હાવરડની પણ ઇચ્છા જણાયાથી આ પુસ્તક જલદીથી તઈઆર કરી બહાર પાડયુ છે.’ આ સંક્ષેપના કામમાં જોડાયાને પરિણામે નર્મદાશંકરને કોશના કામની વિશેષ તાલીમ મળી હોય અને ગુજરાતી ભાષાનો કોશ પ્રગટ કરવાનો તેનો સંકલ્પ દૃઢીભૂત થયો હોય એ સંભવિત છે. કરસનદાસ મૂળજીનો ‘ગુજરાતી અને અંગ્રેજી કોશ’ સને ૧૮૬૨માં પ્રસિદ્ધ થયો છે અને તેમાં આશરે ૧૦૦૦૦ શબ્દો છે. એનું કામ કર્તાએ ૧૮૬૦માં શરૂ કર્યું હતું અને એ જ વર્ષમાં કરસનદાસ માધવદાસના આશ્રયથી (જેમને તે અર્પણ થયેલો છે) તે બહાર પાડ્યો છે. શાળાપયોગી આ લઘુકાશ છે, પણ પ્રારંભકાળનું પ્રકાશન તથા આપણા એક અગ્રણી સુધારકની કૃતિ હોઈ નોંધપાત્ર છે. પ્રસ્તાવનામાં કર્તાએ પોતાને આધારભૂત નીવડેલા જે કોશોનો ઉલ્લેખ કરેલો છે તેમાં રોબર્ટસનના ‘અંગ્રેજી-ગુજરાતી શબ્દકોશ પણ છે. ૧૮૬૨ પહેલાં પ્રકટ થયો હોઈ રોબર્ટસનને આ કોશ ઐતિહાસિક રીતે અગત્યનો છે, પણ એની નકલ મારા જોવામાં આવી નથી. કોઈ સાહિત્યરસિક એને લગતી વિગતો પ્રગટ કરશે તો ઉપયોગી થશે. શાપુરજી એદલજીકૃત ‘ગુજરાતી અને અંગ્રેજી કોશ’ની પહેલી આવૃત્તિ ૧૮૬૩માં અને બીજી આવૃત્તિ ૧૮૬૮માં પ્રગટ થયેલી છે. ત્રણ વર્ષની મહેનતને પરિણામે એ તૈયાર થયો હતો એમ કર્તા જણાવે છે. એમાં આશરે ૨૭૦૦૦ શબ્દો છે. શરૂઆતમાં Origin and Character of Gujarati Language નામના ૨૪ પાનાંનો અંગ્રેજી લેખ કર્તાએ આપ્યા છે. એમાં ગુજરાતી ભાષાનો ઇતિહાસ આપવાનો પ્રયત્ન કરવા સાથે જૂની ગુજરાતીના તથા કર્તાના સમયની અર્વાચીન ગુજરાતીના નમૂના પણ ટાંકવામાં આવ્યા છે. લેખ તદ્દન સાધારણ છે, પણ ગુજરાતી કોશકારો પૈકી આ પહેલા જ લેખકે કોશના આમુખ તરીકે ભાષાનો ઇતિહાસ આપવાનો પણ પ્રયત્ન કર્યો છે તે હકીકત નોંધ માગી લે તેવી છે. કવિ હીરાચંદ કાનજીકૃત ‘કોશાવળી’ (ગુજરાતી કોશ ૧૩ની) સને ૧૮૬૫માં પ્રગટ થયેલી છે. આમાંના શબ્દો આધુનિક પદ્ધતિએ અકારાદિક્રમે, જરૂર હોય ત્યાં અર્થો સાથે, સંઘરાયા હોવા છતાં વસ્તુતઃ એ જૂની પરિપાટીના કોશો છે એમ કહેવું વધારે ઉચિત થશે. પહેલો એકાક્ષરી કોશ અને બીજો અનેકાર્થકોશ છે. આ બન્ને પ્રકારના અનેક કોશો સંસ્કૃતમાં છે. ત્રણથી બાર સુધીના કોશો કવિઓને અનેક પ્રકારનાં ચિત્રકાવ્યોની રચનામાં ઉપયાગી થાય એ પ્રકારના છે, અને તેરમો અનુપ્રાસકોશ છે. સંસ્કૃત સાહિત્યશાસ્ત્રમાં પ્રમાણમાં ઉત્તરકાલીન એક શાખા ‘કવિશિક્ષા'ની છે, જેનો આશય કવિઓ અને કવિપદેચ્છુઓને કવિકર્મને અંગે વ્યવહારુ સૂચનો અને સહાય આપવાનો છે. અમરચન્દ્રસૂરિકૃત ‘કાવ્યકલ્પલતા તથા તે ઉપરની ‘કવિશિક્ષા’ નામે સ્વોપજ્ઞ ટીકા આ પ્રકારના સાહિત્યનો એક પ્રતિનિધિરૂપ નમૂનો છે. ધર્મદાસગણિકૃત કવિશિક્ષાના સંસ્કૃત ગ્રન્થ ‘વિદગ્ધ-મુખમંડન’ કવિ હીરાચંદે છપાવેલા છે, એટલે તેની પણ કંઈક અસર આ કોશાવળી’ ઉપર હશે. જૂની શૈલીની કવિતા રચનારાઆને કોશાવળી’ ઠીક ઉપયાગી નીવડી હશે એમાં શંકા નથી. વળી કોશાવળી’ એ કોઈ સંસ્કૃત કોશોને કવિશિક્ષાના સંસ્કૃત અને પણ ગુજરાતી શબ્દોની શોધ અને સંગ્રહ નમૂનો લઈને ગ્રન્થોમાંથી પ્રસ્તુત ભાગોનો અનુવાદ નથી, સંસ્કૃતનો કરવામાં કવિ હીરાચંદે ઘણી મહેનત લીધી છે એમાં શંકા નથી. સૈયદ અબદુલ્લા અને ખીમજી પ્રેમજીકૃત ‘શબ્દનાં મૂળ’ (અમદાવાદ, ૧૮૯૮) ‘સાત ચોપડીઓમાંથી તથા બોલવા ચાલવામાં વપરાતા અરબી, ફારસી ને હિંદુસ્તાની શબ્દોનો સંગ્રહ, ગુજરાતી શીખનાર અને શિખવાડનારના ઉપયોગ સારું’ પ્રગટ થયેલો છે. જે શબ્દો આગળ કર્તાએ ‘હિં...' (=હિંદુસ્તાની) એવો નિર્દેશ કર્યો છે તે પણ મોટે ભાગે ફારસી, અરબી કે તુર્કી મૂળના છે. મૂળ ભાષામાં શબ્દો કયા રૂપે છે એનો નિર્દેશ પણ કર્તાએ કર્યો છે. ગુજરાતી ભાષાનો આ પહેલાં જ ફારસી-અરબી કોશ છે, અને તેમાં આશરે ૨૫૦૦ શબ્દો છે. સૈયદ નિઝામુદ્દીન નુરુદ્દીન હુસયનીકૃત-ઉર્દુ-મિશ્ર ગુજરાતી કોશ’ (વડોદરા, ૧૯૧૨) તથા અમીરમીયાં હમદૂમીયાં ફારૂકીકૃત ‘ગુજરાતી ફારસી અરબી શબ્દોનો કોશ (ગુજરાત વર્નાકયુલર સોસાયટી, અમદાવાદ, ૧૯૨૬) એ બન્નેની આ પુરોગામી કૃતિ છે, અને ગુજરાતી ભાષામાં વપરાતા ફારસી-અરબી મૂળના ઘણાખરા શબ્દની નોંધ આ ત્રણેય કોશો મળીને લે છે. મહીપતરામે ‘વ્યુત્પત્તિ’ (મુ`બઈ, ૧૮૮૧) તૈયાર કરવામાં સૈયદ અબદુલ્લા તથા તેમના શબ્દસ ગ્રહની સહાય લીધી હતી. ‘વ્યુત્પત્તિ- પ્રકાશ’ ઉપરાંત છોટાલાલ સેવકરામકૃત ‘ગુજરાતી શબ્દમૂળદર્શક કોશ’ (ભુજ, ૧૮૭૯) અને પ્રભાકર રામચદ્ર પડિતકૃત ‘અપભ્રષ્ટ શબ્દપ્રકોશ’ (વડોદરા, ૧૮૮૦) ગુજરાતીના નાનકડા વ્યુત્પત્તિકોશ આપવાના પ્રયત્નો છે, પણ આજે એમનું મૂલ્ય કેવળ ઐતિહાસિક જ છે.

*

બાબારાવ તાત્યારાવજી રણજીત અને શાસ્ત્રી શંકરલાલ મહેશ્વરકૃત ‘સંસ્કૃત તથા ગુજરાતી કોશ’ (મુંબઈ, ૧૮૭૧) આશરે ૧૨૦૦૦ શબ્દોના ઉત્તમ શાળાપયોગી કોશ છે અને શંકરલાલ શાસ્ત્રીની સંસ્કૃત અને ગુજરાતીની સઘન વિદ્વત્તાનો લાભ તેને મળ્યો હોઈ તે એક પ્રમાણભૂત કૃતિ બની છે. જામાસ્પજી દસ્તૂર મીનાચેહેરકૃત ‘પેહેલવી-ગુજરાતી અને ઈંગ્રેજી શબ્દકોશ’ (મુંબઈ, ૧૮૭૭) એક વિરલ શબ્દસંગ્રહ છે. એમા માહિતીપૂર્ણ અંગ્રેજી પ્રસ્તાવના ઉપરાંત એવો જ ગુજરાતી ‘દિબાચો’ છે. આ પહેલા અને કદાચ અત્યાર સુધી તો છેલ્લો પહેલવી ગુજરાતી શબ્દકોશ છે.

‘નર્મકોશ’

કવિ નર્મદાશંકરનો ‘નર્મકોશ’ એ ગુજરાતી કોશસાહિત્યના ઇતિહાસમાં સૌથી મોટુ સીમાચિહ્ન છે. એની પહેલાંના કોશો ગુજરાતી અંગ્રેજી કે અગ્રેજી-ગુજરાતી અર્થાત્ દ્વિભાષી હતા. પરન્તુ ગુજરાતી શબ્દના અર્થ ગુજરાતીમાં આપે અને તેને સાહિત્યનાં પ્રમાણોથી પુષ્ટ કરે, ઉચ્ચારાનુસારી જોડણીની કંઈક વ્યવસ્થા ગોઠવે અને ભાષાના ઇતિહાસનો ખ્યાલ રાખી શકચ હોય ત્યાં શબ્દનાં મૂળનો નિર્દેશ કરે એવો કોશ તૈયાર થવાની અપેક્ષા હતી અને એ અપેક્ષા એક સાચા ભાષાપ્રેમી,વિદ્વાન અને કવિને હસ્તે પૂરી થઈ એ ગુજરાતી ભાષાનું સદ્ભાગ્ય છે. મુંબઈમાં નિશાળોના વિદ્યાર્થી એને ‘નર્મકવિતા'માંના ઘણા શબ્દોના અર્થ સમજાતા નહોતો, તેમને માટે નાનો શબ્દાર્થકોશ તૈયાર કરતાં કરતાં કવિને મોટા કોશ રચવાનું સૂઝ્યું. એને પહેલો ભાગ સને ૧૮૬૧માં, બીજો ૧૮૬૨માં અને ત્રીજો ૧૮૬૪માં પ્રગટ થયો. ચોથો ભાગ ૧૮૬૬માં છપાઈને તૈયાર થયો. પણ મૂળ ગ્રાહકોમાંના ઘણા તૂટી ગયા હોવાથી તે પ્રસિદ્ધ ન કર્યા. બેએક વર્ષ કોશનું કામ નર્મદે પડતું મૂક્યું, પણ ૧૮૬૭માં પાછું શરૂ કર્યું. અને રાતદિવસ એની પાછળ ગાળી એ વર્ષની આખર સુધીમાં ગ્રન્થની સમાપ્તિ કરી દીધી. કોશના જે ભાગ અગાઉ છપાઈ ગયા હતા તેમાં પણ સુધારોવધારો કરીને ૧૮૬૯માં આરંભથી જ કોશ ફરી છપાવવો શરૂ કર્યાં, અને ૧૮૭૩માં સંપૂર્ણ કોશ પ્રગટ કર્યા. એમાં ૨૫૦૦૦ કરતાં વધુ શબ્દો છે. વિવેચક નવલરામે આ કોશ વિષે એ સમયે લખેલા શબ્દો આજે પણ એટલા જ સાચા છે: “નર્મકોષ એ નર્મદાશંકરના લાંબા ધીર ઉદ્યોગ, ભાષા-જ્ઞાન અને શાંત સૂક્ષ્મબુદ્ધિનો માટો કીર્તિસ્તંભ છે. ગુજરાતી ભાષામાં મૂળ કોષ નહિ ત્યાં આવડો મોટો અને આવો સારો, એક જ માણસના ઉદ્યોગથી અને તે પણ બીજાં સાક્ષરી અને સંસારી કામે અને ઉપાધિની વચમાં બનવો એ ગુર્જર ભાષાને ખરેખરી અભિવંદના આપવા યોગ્ય વાર્તા છે.” વળી નવલરામ લખે છે: “એ (ગ્રંથ) સંપૂર્ણ છે એમ અમે નથી પ્રયત્ને સંપૂર્ણ થાય એ વાત જ અશક્ય છે તો પણ જ્યારે મોટો મરાઠી કોશ રચાયો ત્યારે ઠામઠામ સરકાર તરફથી કેવી ખોળ ચાલી રહી હતી, પંડિતોની સભા શબ્દ પરખવાને અને તેના અર્થનિર્માણ કરવાને કેવી બેસી જ રહી હતી, અને પ્રત્યેક શબ્દ કેટલા કેટલા હાથમાંથી ઘડાતો ઘડાતો આવી કોષકારની કલમમાંથી ઊતરતો હતો, એ વાતના જ્યારે વિચાર કરીએ અને બીજી તરફ આ કોષકાર એકલો જ કોઈ વિદ્વાનની મદદ વિના, અને કોઈ શ્રીમંતની વિના, જાતે કંઈ શ્રીમંત હૂંફ ન છતાં, આવા મહાભારતકાર્યમાં મંડી રહ્યો અને સિદ્ધિ પામ્યો એ વાતના જ્યારે વિચાર કરીએ ત્યારે એમ તો કહ્યા વિના નહિ ચાલે કે નર્મદાશંકરે ઘણો ઉદ્યોગ, વિદ્વત્તા અને સૂક્ષ્મબુદ્ધિ આ ગ્રંથમાં દર્શાવી છે અને ગુજરાતીઓને અત્યંત આભારી કીધા છે. ‘જય જય ગરવી ગુજરાત'નું અમર ગીત રચીને કપરા આર્થિક સંજોગોમાં પણ જેણે આ મહાગ્રંથ કોઈ વ્યક્તિને નહિ, પણ સમસ્ત ગુજરાતી પ્રજાને અણુ કર્યા એનું ધૈય, વેધક દૃષ્ટિ અને ઊંડા ગુજરાતપ્રેમ ચિરસ્મરણીય છે. નર્મદ પછીના તમામ ગુજરાતી કોશકારોએ અનિવાર્યપણે ‘નર્મકોશ’ના આધાર લીધા છે. ‘નર્મ પર્યાયકોશ’ અને ‘નર્મ ધાતુકોશ’ રચવા માટે નર્મદે સામગ્રી એકત્ર કરી હતી, પણ એ કામા પૂરાં કરવાની અનુકૂળતા પછી તેને મળી લાગતી નથી. ‘નર્મકોશ’માં ગુજરાતી ભાષાને તેનો પહેલો શિષ્ટ, શાસ્ત્રીય ધોરણે રચાયેલો, સાહિત્યિક રચનાઓના આધારો વડે સમર્થિત અર્થવાળો કોશ મળ્યો, અને તે સાથે વિદ્યારસિક ગુજરાતીના ભાષા-કૌતુકને પણ વિશિષ્ટ ઉત્તેજન મળ્યું. નર્મકોશની ‘મુખમુદ્રા’માં નર્મદે પોતે જ સ્વીકાર્યું છે તેમ, ગુજરાતી ભાષાનો પર્યાપ્ત શબ્દસંગ્રહ કંઈ એમાં થઈ શક્યો નથી. કેટલાક કોશકારો અને ભાષારસિકોને, આથી, એ દિશામાં કામ કરવાને ઉત્તેજન મળ્યું. ગુજરાતીનો ગુજરાતી અને અંગ્રેજી કોશ’ (રાજકોટ, ૧૮૮૫) રચનાર કાલીદાસ બ્રીજભૂખણદાસ અને બાલકીસનદાસ બ્રીજ ભૂખણદાસ પોતાના ગ્રંથની ગુજરાતી પ્રસ્તાવનોમાં (પૃ. ૧) લખે છે: “કાઠીયાવાડમાં વપરાતા ખાસ શબ્દો પણ આ કોશમાં દાખલ કર્યા છે અને તેથી કરીને જે બીજા પુસ્તકમાં આ શબ્દો આપ્યા નથી તેના કરતાં આ પુસ્તક તે પ્રાંતને વધારે ઉપયોગી થશે.’’ ગુજરાતના સમર્થ પત્રકાર-ફિલસૂફ વાડીલાલ મોતીલાલ શાહના પિતા મોતીલાલ મનસુખરામ શાહ’ કૃત ‘ગુજરાતી શબ્દાર્થ કોશ’ (પ્રથમ ખંડ, વીસલપુર, તા. સાં, ૧૮૮૬; બીજી આવૃત્તિ, ૧૮૮૮)નું ઉપશીર્ષક છે: ‘ગુજરાતી નર્મકોશ અને ગુજરાતી શબ્દસંગ્રહમાં નહિ આવેલા શબ્દોના અર્થ' કર્તા લખે છે: નકોશ અને ગુજરાતી શબ્દસંગ્રહમાં એ બે પુસ્તક! ગુજરાતી ભાષાના શબ્દાર્થ કોશ તરીકે પ્રગટ થયાં છે. પરંતુ તેમાં ધરગથ્થુ, ખેડૂત, કારીગરા તથા વેપારીઓમાં વપરાતા ઘણા શબ્દો રહી ગયેલા છે. તે પૈકી અત્યુપયોગી એવા ૧૪૦૦ શબ્દોનો સંગ્રહ મેં આ પુસ્તકમાં કર્યાં છે.” આમાં નર્મકોશ’ની સાથે ‘ગુજરાતી શબ્દસંગ્રહ 'નો ઉલ્લેખ છે તે કયાં? ૧૮૮૬ પહેલાં આ નામનું પુસ્તક કાણે પ્રગટ કરેલું? એ વિષે વધુ માહિતી અપેક્ષિત છે. વા. મો. શાહના અભ્યાસી ત્રિભુવન વીરજીભાઈ હેમાણી મારા ઉપરના એક પત્રમાં જણાવે છે કે પ્રસ્તુત ‘ગુજરાતી શબ્દાર્થ કોશ’ના ત્રીજો ખંડ તથા ત્રીજો એક પારિભાષિક કોશ’ મોતીલાલ શાહે તૈયાર કર્યો હતો; એ બંને અપ્રગટ છે. ‘ગુજરાતી શબ્દાર્થ સંગ્રહ’, ભાગ ૧ના (અમદાવાદ, ૧૮૯૫) કર્તા પટેલ જેસંગ ત્રીકમદાસ અને ત્રિભોવન ગંગાદાસ (‘મોજે બાવળા તાલુકે ધોળકા જીલ્લે અમદાવાદની સરકારી ગુજરાતી નિશાળના આસીસ્ટંટ') લખે છે : “પ્રથમ કવિ નર્મદાશંકર લાલશંકરે ગુજરાતી ભાષાનો નર્મકોશ કાઢેલો પરતુ તેમાં મહી નદીની ઉપર તરફના લોકોમાં બોલાતા ઘણાએક શબ્દો નહીં આવેલા તે ઉપરથી અમોએ ૧૨૦૦ જેટલા શબ્દોના સગ્રહ. કરી આ પ્રથમ ભાગ છપાવી બહાર પાડયો છે અને પુસ્તકની જો લોકોમાં સારી બુજ થયેલી માલમ પડશે તા તેને બીજો ભાગ જોગવાઈ અને બહાર પાડવા ચુકશું નહીં. આ પ્રકારનો બીજો રસપ્રદ સંગ્રહ તે ગોવિંદભાઈ હાથીભાઈ દેસાઈકૃત ‘પ્રાંતિક શબ્દસંગ્રહ’ (વીસનગર, ૧૯૦૦) છે. ભૂતપૂર્વ વડોદરા રાજ્યના કડી પ્રાન્તમાં (હવે મહેસાણા જિલ્લામાં) વપરાતા તળપદા શબ્દોનો આ સંગ્રહ છે અને ગોવિન્દભાઈ દેસાઈ વીસનગરમાં પ્રાંતન્યાયાધીશ હતા (પ્રાન્ત અથવા જિલ્લાનું વડું મથક એ વખતે કડી કે મહેસાણા નહિ, પણ વીસનગર હતું) ત્યારે એ શબ્દે એકઠા કરીને અર્થો સાથે પ્રગટ કરેલા. પ્રસ્તાવનામાં તેઓ લખે છે : “કડી પ્રાન્તમાં આવનાર નવા અમલદારોને આ શબ્દોની માહિતી ન હોવાથી સરકારી કામ કરવામાં અડચણ પડે છે એમ જણાયાથી આ શબ્દો એકઠા કરી છાપવામા આવ્યા છે.

અન્ય સીમાચિહ્નો

‘નર્મકોશ’ પછી ગુજરાતી કોશસાહિત્યનાં સીમાચિહ્નો તે લલ્લુભાઈ ગોકળદાસ પટેલષ્કૃત ‘ગુજરાતી શબ્દકોશ’ અને ગુજરાત વર્નાકયુલર સે।સાયટી-પ્રકાશિત ‘ગુજરાતી શબ્દકોશ’ છે. વચ્ચેના સમયમાં થયેલા નોંધપાત્ર કોશોમાં નીચેનાનો ઉલ્લેખ કરવો જોઈએઃ ઉકરડાભાઈ શીવજી નેણસીનો ‘ગુજરાતી-અંગ્રેજી શબ્દકોશ’ (મુંબઈ, ૧૮૭૪)અંગ્રેજો સાથે સંબંધ ધરાવતા મુંબઈના વેપારી-વર્ગ માટે તૈયાર થયેલો જણાય છે. શિવશંકર કસનજી સંપાદિત ‘ગુજરાતી ઇન્ટુ ગુજરાતી એન્ડ ઈંગ્લીશ ડિકશનરી (મુંબઈ, ૧૮૭૪)માં આશરે ૨૪૦૦૦ શબ્દ છે અને તેમાં ગુજરાતી શબ્દના ગુજરાતી તેમ જ અંગ્રેજી પર્યાય આપ્યા છે, રોબર્ટ માન્ટન્ગોમરી, અંબાલાલ સાકરલાલ દેસાઈ અને મણિધરપ્રસાદ તાપીપ્રસાદે રચેલો ‘અંગ્રેજી અને ગુજરાતી કોશ’ (મુંબઈ, ૧૮૭૭) મુંબઈના કેળવણી ખાતાના વડા જે. બી. પીલની સૂચનાથી તૈયાર થયો હતો ત્રણે કોશકારોએ સયુક્ત રીતે એનું કામ સને ૧૮૭૧માં આરંભ્યું હતું, અને થોડાં વર્ષ બાદ એનું પ્રકાશન થયું હતું. પૂરતા સુધારાવધારા સાથે અંબાલાલ સાકરલાલ દેસાઈએ તૈયાર કરેલી એની બીજી આવૃત્તિ સને ૧૯૧૦માં પ્રગટ થઈ હતી, અને એક પ્રમાણભૂત કાશ તરીકે લોકપ્રિય થઈ હતી. ત્યારથી એ અખાલાલના કોશ તરીકે ઓળખાય છે. વડોદરા કલાભવન તરફથી પ્રા. ત્રિભુવનદાસ કલ્યાણદાસ ગજ્જરે સને ૧૮૯૧ના અરસામાં વેસ્ટરના અંગ્રેજી કોશના શબ્દોના ગુજરાતી, મરાઠી, હિન્દી, બંગાળી અને સંસ્કૃત (કવચિત્ ફારસી અને અરબી) પર્યાયો આપતો એક મહાકોશ તૈયાર કરાવેલો છે. એના આશરે ૮૦ હસ્તલિખિત પ્રત્થા વડોદરા પ્રાચ્યવિદ્યા મન્દિરમાં સચવાયેલા છે. આજે પણ શાસ્ત્રીય પર્યાયયોજનામાં તથા પારિભાષિક કોશ-રચનામાં આ અપ્રગટ ગ્રન્થો ખૂબ ઉપયાગી નીવડવાનો સંભવ છે. આ ઉપરાંત નીચેના કારો! પણ ગણનાપાત્ર છે: પર્યાય શબ્દોની અર્થચ્છાયાઓ ઉદાહરણ સાથે સમજાવતો, લલ્લુભાઈ પ્રાણવલ્લભદાસ પરીખનો લઘુગ્રન્થ શબ્દાર્થ ભેદ (ધોળકા, ૧૮૯૧); વ્યાસ અને પટેલનો ‘સ્ટાન્ડર્ડ અગ્રેજી-ગુજરાતી શબ્દકોશ’ (પહેલી આવૃત્તિ, અમદાવાદ, ૧૮૯૪); વિઠ્ઠલ રાજારામ દલાલકૃત ‘શબ્દાર્થસિન્ધુ-ગુજરાતી શબ્દાર્થસંગ્રહ’ (પહેલી આવૃત્તિ, મુંબઈ, ૧૮૯૫); મલ્હાર ભીકાજી બેલસરેનો ગુજરાતી-અંગ્રેજી કોશ (પહેલી આવૃત્તિ, અમદાવાદ, ૧૮૯૫); હરગોવિદાસ ગ. મરચંટનો સંસ્કૃત-ગુજરાતી લઘુકોશ શબ્દાર્થસિન્ધુ’ (મુંબઈ, ૧૮૯૫); ભગુભાઈ એફ. કારભારીની ‘ઇંગ્લીશ-ગુજરાતી ડીક્ષનેરી’-સર રમણભાઈ નીલકંઠના પુરાવચન સહિત (અમદાવાદ, ૧૮૯૯); સવાઇલાલ છોટાલાલ વોરાકૃત સંસ્કૃત-ગુજરાતી કોશ ‘શબ્દચિન્તામણિ’ (વડોદરા, ૧૯૦૦). આ છેલ્લો ગ્રન્થ આશરે ૭૦૦૦ શબ્દોના પ્રમાણભૂત બૃહદ્ સંસ્કૃત-ગુજરાતી કોશ છે, અને અંગ્રેજી નહિ જાણનારા ગુજરાતી વિદ્વાનોની બેત્રણ પેઢીઓએ એનો પૂરો ઉપયોગ કરેલો હોઈ આજે પણ યોગ્ય સુધારણા સાથે એનું પુનર્મુદ્રણ હરેક રીતે આવકારપાત્ર બને એમ છે. આ ‘શબ્દચિન્તામણિ’ સાથે તુલના કરી શકાય એવા વિસ્તૃત કોશ!–ગિરજાશંકર મયાશંકર મહેતાકૃત ‘સંસ્કૃત-ગુજરાતી શબ્દાર્થકોશ’ (અમદાવાદ, ૧૯૨૯-૩૦), મુનિશ્રી મુક્તિવિજયજી સંપાદિત સંસ્કૃત-ગુજરાતી શબ્દરત્નમહોદધિ’ (અમદાવાદ, ૧૯૩૭–૪૧) અને મુનિશ્રી રત્નચંદ્રકૃત સંસ્કૃત મૂળરૂપો તથા ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી અર્થો સાથેનો સચિત્ર બૃહદ્ ‘અર્ધમાગધી કોષ’ (ભાગ ૧ થી પ, ઇન્દોર અને મુંબઈ, ૧૯૨૩–૩૮), ત્યાર પછી ઘણે વર્ષે થયેલા છે. વીસમી સદીના પહેલા દશકામાં પ્રગટ થયેલા દ્વિભાષી કોશોમાં બી. સી. દેસાઈના અંગ્રેજી-ગુજરાતી કોશ (અમદાવાદ ૧૯૦૬) નોંધપાત્ર છે.

લલ્લુભાઈ પટેલનો કોશ

નડિયાદના લલ્લુભાઈ ગોકળદાસ પટેલે સને ૧૮૯૨માં ૪૦૦૦૦ શબ્દોનો અંગ્રેજી—ગુજરાતી શબ્દકોશ છપાવ્યો હતો. “ત્યાર પછી આવા (એટલે કે શબ્દોની ગુજરાતી સમજૂતી આપતા) કોશની જરૂર જણાયાથી ૧૮૯૪થી ગુજરાતી ભાષાના જુદા જુદા લેખકોનાં પુસ્તકો વાંચવા માંડ્યાં ને વેલ્સ્ટરની સ્ટાઇલનું અનુકરણ કરી અવતરણ મૂકવાં એવો નિશ્ચય થવાથી તેનો સંગ્રહ કરવા માંડ્યો. આગળ કોશકાર કહે છે: “આ કોશ ખરું જોતાં નર્મકોશને આધારે જ લખાયેલ છે. કહેવત અને રૂઢિપ્રયોગ નર્મ પ્રમાણે જ રાખવા ઉપરાંત રૂઢિપ્રયોગકોશનો આધાર લીધો છે ને કેટલાક સ્થળે સ્વેચ્છાનુસાર અર્થ કરી મૂકવામાં આવ્યું છે.” (પ્રસ્તાવના, પૃ. ૧). લલ્લુભાઈના ‘ગુજરાતી શબ્દકોશ’ની પહેલી આવૃત્તિ સને ૧૯૦૮માં પ્રગટ થઈ, અને બીજી આવૃત્તિ કેટલાંક વર્ષ બાદ ૧૯૨૫માં પ્રસિદ્ધ થઈ હતી. કોઈ વિશિષ્ટ સંસ્થાગત સહાય કે આશ્રય વિના, આ પ્રકારનો કોશ એકલે હાથે તૈયાર કરનાર નર્મદ પછીના પહેલા કોશકાર લલ્લુભાઈ છે. જોકે એમનો કોશ નર્મદને આધારે થયેલો છે એ તેમણે પાતે. જ સ્વીકારેલું છે.

સોસાયટીનો ‘ગુજરાતી શબ્દકોશ’

આવો બીજો મહત્ત્વનો કોશ તે ગુજરાત વર્નાક્યુર સોસાયટીએ છપાવેલો ‘ગુજરાતી શબ્દકોશ’ (અમદાવાદ ૧૯૧૨થી ૧૯૨૩) છે. ભાષાશુદ્ધિને પ્રધાનપદ આપી રચાયેલા આ કોશનો પહેલો ‘સ્વર- વિભાગ’ સને ૧૯૦૮માં ઊજવાયેલા સોસાયટીના હીરકમહોત્સવના સ્મારક નિમિત્તે પ્રસિદ્ધ થયો હતો. સોસાયટીના માનાર્હ મંત્રી લાલશંકર ઉમિયાશંકરના શબ્દમાં કહીએ તો, “કોશનું કામ એક જણથી બને નહિ એવું હોવાથી સને ૧૮૭૦માં સોસાયટીએ શબ્દસંગ્રહ. કરવાનો આરંભ કેળવણી ખાતાની સૂચના અને મદદથી કર્યો હતો, ખાસ માણસા રેકી સન ૧૮૭૪-૭૫ સુધી તે કામ ચલાવ્યું. સન ૧૮૯૩માં શબ્દોની જોડણીનો પ્રશ્ન ઉપસ્થિત થયો, અને તે દરમિયાન સર થીઓડર હોપ સાહેબે મહેરબાની કરી પોતાની વાચનમાળામાંથી કાઢેલા શબ્દોનો સંગ્રહ સાસાયટીને આપ્યા. તે પછી ૧૮૯૭માં કેળવણી ખાતાએ જોડણી મુકરર કરવાનું કામ સોસાઈટીને સાંપ્યુ. તે અન્વયે સને ૧૮૯૭માં સોસાઈટીએ જોડણી મુકરર કરવાના હેતુથી એક શબ્દસંગ્રહ તૈયાર કરાવી છપાવ્યો. વિદ્યાના ઉપર કાગળ લખી સૂચનાઓ મંગાવી. પરંતુ બહુ જ થાડી અને એકબીજા વિરુદ્ધ પડતી સૂચનાઓ આવી. તે પછી કેળવણી ખાતાએ વાંચનમાળામાં ફેરફાર કરવાને રિવિઝન કમિટી’ નીમી અને તેણે નવી વાંચનમાળા માટે જોડણીના નિયમો નક્કી કર્યા. શાળાખાતાના એ નિયમોને અનુસરી હાલ તરતને માટે પોતાના શબ્દસંગ્રહનો એક આધારભૂત શાળાપયોગી કોશ તૈયાર કરવાના કમિટીએ ઠરાવ કર્યો, તેથી સોસાઈટીએ આજ સુધી એકઠા કરેલા કોશના મોટો સંગ્રહ ઉપરથી, મિ. મણિલાલ છબ્બારામને રોકી, આ ‘સ્વરવિભાગ’ વિદ્યાના અને લોકોની સૂચનાઓ મેળવવાને ‘પ્રુફ કોપી’ તરીકે તૈયાર કરી છપાવ્યા છે. આ રીતે સોસાયટીના કોશનો છેલ્લો ભાગ ૧૯૨૩માં બહાર પડ્યો. આ ઉપરથી પ્રમાણભૂત બૃહદ્ કોશ તૈયાર કરવાની સોસાયટીની યોજના પ્રસંગોવશાત્ અધૂરી રહીં. પણ ભવિષ્યમાં એવો કોશ રચવામાં ઉપયોગી થાય એ દૃષ્ટિએ વ્યુત્પત્તિ, અર્થ અને પ્રયોગોનો ઉદાહરણ સાથે એક નમૂનારૂપે, સોસાયટીના પ્રમુખ કેશવલાલ ધ્રુવે તૈયાર કરેલો ‘प વર્ણનો કોશ’સંસ્થા તરફથી સને ૧૯૪૪માં પ્રગટ થયો છે. આ પછી ગણેશદત્ત શર્માનો વિસ્તૃત ‘હિન્દી-ગુજરાતી શબ્દકોશ’ (વડોદરા, ૧૯૨૪), જીવનલાલ અમરશી મહેતાકૃત ‘ગુજરાતી-શબ્દાર્થ - ચિંતામણિ’ (અભદાવાદ, ૧૯૨૫) તથા ભાનુસુખરામ મહેતા અને -ભરતરામ મહેતાએ પિતાપુત્રે તૈયાર કરેલો ૫૧૦૦૦ કરતાં વધુ શબ્દોનો ‘ગુજરાતી-અંગ્રેજી કોશ’ (વડોદરા, ૧૯૨૫) ખાસ ઉલ્લેખ માગી લે તેવા છે.

‘જોડણીકોશ’ અને ‘ભગવદ્ગોમંડલ’

પરન્તુ વર્નાક્યુલર સોસાયટીના કોશ પછીનાં, અને અત્યાર સુધી તો છેલ્લાં, ગુજરાતી કોશસાહિત્યનાં સૌથી મહત્ત્વનાં સીમાચિહ્નો બે– ગુજરાત વિદ્યાપીઠનો સાર્થ જોડણીકોશ’ અને ગોંડળના ઠાકાર સાહેબ ભગવતસિંહજીએ તૈયાર કરાવેલો ‘ભગવદ્ગોમંડલ’. વિદ્યાપીઠના કોશની પહેલી આવૃત્તિ કેવળ ‘જોડણીકોશ’ તરીકે સને ૧૯૨૯માં પ્રસિદ્ધ થઈ. ત્યાર પછી ૧૯૩૧માં પ્રગટ થયેલી બીજી આવૃત્તિમાં અર્થ ઉમેરવામાં આવ્યા અને કોશનું શબ્દભંડોળ ઉત્તરોત્ત વધતું રહ્યું. ૧૯૪૯માં બહાર પડેલી ચોથી આવૃત્તિમાં વ્યુત્પત્તિઓ આપવાને પ્રયાસ પણ થયો છે. વિદ્યાપીઠના કોશની સૌથી મોટી સેવા ગુજરાતી ભાષાની જોડણીને નિશ્ચિત અને વ્યવસ્થિત રૂપ આપવામાં રહેલી છે. હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી એવો, ઉત્કટ પણ બુદ્ધિયુક્ત ભાષાભક્તિથી પ્રેરાયેલો ગાંધીજીનો આદેશ, નિદાન સાહિત્યપ્રેમી અને શિક્ષણરસિક વર્ગોમાં, વિદ્યાપીઠના કોશની સહાયથી પળાતો થયો છે અને જોડણીનાં નિશ્ચિત ધોરણ માટે સમસ્ત ગુજરાત એ એક જ ગ્રંથ તરફ મીટ માંડતું થયું છે તથા અગાઉની જોડણીવિષયક ચર્ચાઓ લગભગ ઐતિહાસિક અગત્યની બની છે એ વાત સર્વ પરિચિત હોવા છતાં કંઈ નાનીસૂની નથી. વિદ્યાપીઠના મોટા કોશને આધારે થયેલા વિનીત કોશ’ અને ‘ખિસ્સાકોશ’ પણ એ કાર્યને ઉપકારક બની રહ્યા છે. ‘ભગવદ્ગોમંડલ’એ ગુજરાતી ભાષાનો એક માત્ર બૃહદ્ કોશ છે. સને ૧૯૨૮માં એના કામનો આરંભ થયો; પહેલો ભાગ ૧૯૪૪માં પ્રસિદ્ધ થયો તથા નવમો-અને છેલ્લો-ભાગ ૧૯૫૫માં પ્રગટ થયો. કવાર્ટ સાઇઝનાં કુલ ૯૨૭૦ પાનાંમાં એનું મુદ્રણ થયું છે અને એમાં એકંદર ૨૮૧૩૭૭ શબ્દોનો, ૫૪૦૪૫૫ અર્થોનો તથા ૨૮૧૫૬ રૂઢિપ્રયોગોના સમાવેશ કરવામાં આવ્યો છે. આવા મહાકોશના શબ્દસંગ્રહ તથા તેની સંકલના, સંપાદન અને મુદ્રણ અસાધારણ આયોજના, ખંત, જહેમત અને અર્થવ્યય માગી લે છે અને આવું મોટું કામ ગુજરાતમાં થયું એ ખરેખર ગૌરવ લેવા જેવું છે. જોકે કેટલીક રીતે આ ગ્રન્થ શબ્દકોશ ઉપરાંત જ્ઞાનકોશ જેવો થઈ ગયો છે; એમાં અપાયેલા બધા—ખાસ કરીતે સંસ્કૃત-તત્સમો આપવાનું આવશ્યક નહોતું, કેમ કે એ શબ્દો ભાષામાં ભાગ્યે પ્રયોજાય છે. શબ્દાર્થો નિશ્ચિત કરવાની દૃષ્ટિએ અવતરણો ઘણુંખરું નોંધાયા નથી એ વસ્તુ ખટકે એવી છે. નવેસરથી એકત્ર થયેલાં હોવા વિગતવાર ઉલ્લેખ સાથે તે આ રીતે અધૂરા ઉલ્લેખો સાથે અવતરણો આપવાની રીત ગુજરાતી કોશમાં નર્મદ અને લલ્લુભાઈના સમયથી ચાલી આવે છે એમાં આવશ્યક પૂર્તિ ‘ભગવદ્-ગોમંડલ’ દ્વારા થઈ શકી હોત. આમ છતાં ગુજરાતી ભાષાની વિરાટ શબ્દસંપત્તિ અને એના અર્થવૈવિધ્યનું પ્રથમ વાર સમગ્રદર્શન ‘ભગવદ્ગામંડલે’ કરાવ્યું છે (જો કે બોલીઓના, જ્ઞાતિઓ અને જાતિઓના, ખેતી વ્યવસાય અને કારીગરીના બહુસખ્ય શબ્દો હજી વણનોંધાયા રહ્યા છે એમાં શંકા નથી). ગુજરાતમાં તો કોશને લગતું આવું ભગીરથ કામ આ પહેલાં થયું નથી; ભારતમાં પણ વારંવાર થયું નથી. ભગવદ્ગામંડલ’માં સાદ્યંત જોડણી વિદ્યાપીઠના કોશ અનુસાર રાખવામાં આવી છે,૩ એ ઉચિત થયું છે.

ઐતિહાસિક સિદ્ધાન્તાનુસાર રચાયેલા કોશની આવશ્યકતા

આમ એક શતાબ્દી કરતાં વધુ સમય થયાં ગુજરાતીના અનેક કોશો રચાયા છે તથા વિવિધ ઉદ્દેશોથી કોશરચનાના વિવિધ પ્રયત્નો થતા રહ્યા છે એ ભાષાવિષયમાં એક પ્રકારની જાગૃતિ સૂચવે છે. અઘરા શબ્દોના અર્થો આપતાં આપતાં નર્મદને કોશ કરવાનું સૂઝ્યું, અને છેક હમણાં ‘ભગવદ્ગોમંડલ'માં ગુજરાતી ભાષાનો સૌથી મોટો શબ્દભંડાર ગ્રન્થસ્થ થયો. વચ્ચેના સમયમાં અનેક કોશકારાએ તથા. કોશના કામમાં રસ લેનારી સંસ્થાઓએ એ દિશામાં અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરીને એ ક્ષેત્રમાં કંઈ કંઈ ફાળો આપ્યો છે. ‘ભગવદ્ગોમંડલ'નું વિશાળ શબ્દભંડાળ એકત્ર કરવાનું શ્રેય જેમ એકમાત્ર કોશકાર્યાલયના તથા બહારના આ વિષયમાં રસ લેનાર અનેક કાર્યકર્તાઓને છે તેમ પૂર્વે થયેલા કોશો અને કોશકારોને પણ છે, અને ‘ભગવદ્ગોમંડલ'ના છેલ્લા-નવમા ભાગની પ્રસ્તાવનામાં આ સર્વ પૂર્વસૂરિઓનું ઋણ મુક્ત કંઠે સ્વીકારવામાં આવ્યું છે. પરન્તુ વિદ્યાપીઠના કોશથી તેમ જ ‘ભગવદ્ગોમંડલ’થી ગુજરાતી કોશ પરત્વે ઇતિકર્તવ્યતાનો આનંદ માનવાનો નથી. જગતની સમૃદ્ધ અને સુવિકસિત ભાષાઓમાં કોશરચનાની જે પદ્ધતિનો સમાદર છે અને વિનિયોગ થયેલો છે તેને પ્રયોગ ગુજરાતી ભાષામાં થવાનો હજી બાકી છે. કોશરચનાની અૈતિહાસિક પદ્ધતિની હું અહીં વાત કરું છું. ઓક્સફર્ડની ‘ન્યૂ ઇંગ્લિશ ડિક્શનેરી’ આ પદ્ધતિએ રચાયેલા મહાકોશના સર્વોત્કૃષ્ટ નમૂનો છે; અંગ્રેજી ભાષા પણ શાસ્ત્રીય કોશરચનાની બાબતમાં કદાચ યુરોપની સર્વ ભાષાઓમાં માખરે છે. જ્હૉન્સનનો અંગ્રેજી કોશ સને ૧૭૫૫માં પ્રગટ થયો ત્યારથી લગભગ એક સદી સુધી અંગ્રેજી ભાષાસાહિત્યમાં તે પ્રમાણભૂત મનાતો રહ્યો. કોશ એ ભાષાના પ્રવર્તમાન સાહિત્યિક પ્રયોગનું શિષ્ટ ધોરણ બાંધી. આપે છે એ ખ્યાલ ત્યાં સુધી સામાન્ય હતો. પરન્તુ આર્કબિશપ્ આર. સી. ફ્રેન્ચ, જેણે ખાસ કરીને અંગ્રેજી શબ્દોના ઇતિહાસને અનુલક્ષીને ‘સ્ટડી ઑફ વર્ડ્ઝ’ નામે વ્યાખ્યાનમાળા સને ૧૮૫૧માં તૈયાર કરી-અને તે એટલી લોકપ્રિય થઈ કે ૧૮૯૬ સુધીમાં તેની ૨૬ આવૃત્તિઓ થઈ ચૂકી હતી તેણે ઇંગ્લૅંડની ફિલોલોજિકલ સોસાયટી. સમક્ષ ૧૮૫૭માં વાંચેલા Some deficiencies in Existing English Dictionaries એ નામના એક નિબંધમાં અૈતિહાસિક ધોરણે રચાવા જોઈતા શબ્દકોશનો ખ્યાલ રજૂ કર્યો હતો (તેનો આ નિબંધ આજે એક શતાબ્દી કરતાં વધુ સમય પછી પણ ધ્યાનથી વાંચવા જેવો છે) અને ઐતિહાસિક અંગ્રેજી કોશનું કાર્યં મુખ્યત્વે તેની પ્રેરણા અને આગ્રહથી ફ્રિલોલોજિકલ સોસાયટીએ હાથ ધર્યુ હતું અને પાછળથી ઑકસફર્ડ યુનિવર્સિટીના ઉપક્રમે તે આગળ ચાલ્યું હતું. સાસાયટીએ એકત્ર કરેલ શબ્દભંડોળ અને અવતરણોની સામગ્રીને આધારે કોશના પહેલા સંપાદકે સને ૧૮૭૮માં કામ શરૂ કર્યું અને સંપૂર્ણ કોશ ૧૯૨૮માં પ્રગટ થયો. (તેર ગ્રન્થોમાં એનું પુનર્મુદ્રણ પછી ૧૯૩૩માં થયું છે.) કોશના મુદ્રણનું કામ ફેબ્રુઆરી ૧૮૮૪થી એપ્રિલ ૧૯૨૮ સુધી ચાલ્યું. કોઈ પણ જીવતી ભાષામાં શબ્દભંડોળની વૃદ્ધિ અને નવા અર્થોનો આગમ એ અત્યંત સ્વાભાવિક પ્રક્રિયા છે. અંગ્રેજી ભાષાના આ મહાકોશને છપાતાં ૪૫ વર્ષ લાગ્યાં હતાં. લગભગ અડધી સદી જેટલા આ સમય દરમિયાન—ખાસ કરીને પ્રારંભના મૂળાક્ષરોથી શરૂ થતા શબ્દકોશ બાબતમાં-શબ્દભંડોળમાં જે વિકાસ અને પરિવર્તન થયાં હતાં એની પૂરી નોંધ અર્થાત્ અરધી સદીના ભાષા-વિકાસની નોંધ કોશકારોએ લેવાની હતી, અને તે માટે કોશની પૂર્તિને એક આખો ગ્રન્થ પ્રકટ કરવો પડ્યો. કોશમાં અર્થનિર્કા માટે લગભગ ૧૭૦૦૦ ગ્રંથોમાંથી અવતરણો લેવાયાં છે—લેખો, વર્તમાનપત્રો આદિનો સમાવેશ એમાં થતો નથી–અને સમસ્ત અંગ્રેજી સાહિત્યની એના કરતાં મોટી અને આધારભૂત સન્દર્ભ સૂચિ બીજે કયાંય નથી. આટલા વિપુલ સાહિત્યની શબ્દપ્રયોગો તથા અવતરણોની દૃષ્ટિએ તારવણી કોણ કરી શકે? કોશકાર્યાલયના થોડાક કર્મચારીઓના ગજા બહારની એ વાત છે. ઇંગ્લેંડ અને અમેરિકામાં વસતા સેંકડો વિદ્યારસિક ‘વાચકો’એ એ કામ બહુ મોટા પ્રમાણમાં કર્યું હતું, અંગ્રેજી ભાષાનો આ સૌથી પ્રમાણભૂત કોશ છે. પરંતુ સામાન્ય વાચકો માટે એનો વારંવાર ઉપયોગ કરવાનું જરાક કઠિન હોઈ અૈતિહાસિક કોશનો સંક્ષેપ બે મોટા ગ્રન્થ રૂપે પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે, અને તે ઉપરથી થયેલો ઑકસફર્ડનો સંક્ષિપ્ત અંગ્રેજી કોશ દરેક વિદ્યાર્થી માટે પણ હાથવગો છે. વિપુલ લિખિત સાહિત્ય અને લાંબો ઇતિહાસ ધરાવતી કોઈ પણ ભાષા માટે ઐતિહાસિક કોશનું કામ કેટલું. લાંબું, શ્રમસાધ્ય છતાં કેટલું મહત્ત્વનું છે એ બતાવવા માટે આ વિગતો અહીં ટાંકી છે. (સંસ્કૃત ભાષા માટે આ પ્રકારના કોશ રચવાના કામનો આરંભ વીશેક વર્ષ પહેલાં ડેક્કન કૅાલેજ તરફથી થયો છે. સેંકડો વર્ષ લાંબેા ઇતિહાસ ધરાવતી સંસ્કૃત જેવી ચિન્તનસમૃદ્ધ ભાષા માટે કોશ રચવાનું કામ બહુ વિસ્તૃત છતાં સંકુલ અને સૂક્ષ્મ આયોજના માગી લે તેવુ છે પરન્તુ વિશાળ માનવસમુદાયમાં જીવનનાં બધાં ક્ષેત્રોમાં વ્યવહાર પામતી કોઈ પણ આધુનિક ભાષામાં તો કોશ રચાતો અને છપાતો હોય ત્યારે પણ નવા શબ્દો અને નવા અર્થો વિકાસ પામતા હોય છે, એટલે તેની કોશરચનાના પ્રશ્નો વળી કેટલીક રીતે જુદા પ્રકારના છે.) કોશરચનાની નૂતન પદ્ધતિ પ્રમાણે, કોશ એ ભાષાના તમામ શબ્દોની માત્ર નોંધ નથી, પણ ઐતિહાસિક ક્રમે અર્થવિકાસની તપસીલ અને સમજૂતી છે. અત્યાર સુધીના આપણા લગભગ બધા કોશોમાં શબ્દોના અર્થો અૈતિહાસિક તો શું, તાર્કિક ક્રમે પણ ગોઠવેલા હોતા નથી; અર્થાના ક્રમ ઘણુંખરું આકસ્મિક જ હોય છે. ખરું જોતાં, પ્રત્યેક શબ્દ, પ્રત્યેક રૂપ અને પ્રત્યેક અર્થ પહેલપ્રથમ ભાષામાં ક્યારે પ્રયોજાયેલ મળે છે, અને પ્રસ્તુત શબ્દ કે અર્થ પ્રયોગલુપ્ત થઈ ગયા હોય તો ક્યારે થયા છે એની તથા એ સાથે સંબંધ ધરાવતી બીજી મહત્ત્વની બાબતોની આધારભૂત નોંધ શબ્દકોશમાં હોવી જોઈએ; એ સામગ્રીના પાયા ઉપર કોશમાંની વ્યાખ્યાઓ અને અર્થો અપાવા જોઈએ તથા જે અર્થા કાળક્રમે પહેલા હોય તેમને પહેલા મૂકવા જોઈએ. ટૂંકમાં, કોશમાંના પ્રત્યેક શબ્દની સાથે તે તે શબ્દાર્થની સાહિત્યાદિનાં અવતરણોને આધારે રચાયેલી પ્રમાણભૂત જીવનકથા આવવી જોઈએ. અવતરણોની શક્ય તેટલી વ્યાપક શોધ અને સંગ્રહ તથા કોશમાં તેનો શાસ્ત્રીય ક્રમબદ્ધ વિનિયોગ એ ઐતિહાસિક કોશની પહેલી અનિવાર્ય શરત છે. આ પ્રકારના કોશમાં વ્યુત્પત્તિ પણ આવશ્યક છે. કોઈ પણ શબ્દ જે તે ભાષાનો ભાગ બન્યો ત્યાં સુધી તે, એ શબ્દના રૂપનો ઇતિહાસ તે વ્યુત્પત્તિ છે, અને શબ્દ તથા એનો ભાષાગત ઇતિહાસ આલેખવા માટે વાસ્તવિક ભૂમિકા તે પૂરી પાડે છે. અર્થવિમર્શ અને વ્યુત્પત્તિચર્ચા કેટલીક વાર સાથોસાથ જ થઈ શકે છે. આ માટે ભાષાનાં બને એટલાં વધારે લખાણો શબ્દાર્થ પ્રયોગની દૃષ્ટિએ તપાસવાં જોઈએ. કોઈ પણ ભાષાનો અથવા તેના સાહિત્યનો આરંભ ક્યારે ગણવો એ ગાણિતિક ચોક્કસાઈથી કહી શકાય એવી વાત નથી, એટલે એમાં અંદાજી ગણતરીએ ચાલ્યા વિના ઉપાય નથી. ઑકસફર્ડના કોશ માટે અગ્રેજી ભાષાનો ઐતિહાસિક પ્રારંભ બારમી સદીની અધવચથી ગણવામાં આવ્યો હતો; એ સમયે પ્રયોગલુપ્ત બન્યો હોય એવા કોઈ શબ્દ કોશમાં લેવામાં આવ્યો નથી. પણ એ સમયના પહેલાં તેમ જ પછી પણ પ્રયોજિત હોય એ બધા શબ્દો લેવાયા છે. શબ્દાર્થપ્રયોગનાં અવતરણ માટે સોળમી સદીની અધવચ સુધીનું સર્વ તથા ત્યાર પછીનું બને તેટલું (ખાસ કરીને મહત્ત્વના લેખકોનું તથા વિશિષ્ટ વિષયોનું) સાહિત્ય તે માટે તપાસવામાં આવ્યું છે. ગુજરાતીનો ઇતિહાસ લાંબો અને સમૃદ્ધ છે અને તેની લિખિત સાહિત્યસંપત્તિ વિપુલ છે. ગુજરાતીને માટે હું માનું છું કે આચાર્ય હેમચન્દ્રનું ‘સિદ્ધહેમ’ વ્યાકરણ રચાયું. ત્યારથી એટલે કે લગભગ ઈ. સ. ૧૨૫થી માંડીને યારામના અવસાનકાળ (ઈ. સ. ૧૮૫૩) સુધીનુ બને તેટ” સાહિત્ય આ દૃષ્ટિએ તપાસવું જોઈએ તથા ત્યાર પછીના વિશિષ્ટ લેખકો અને વિષયોના ચૂંટેલા ગ્રન્થોમાંથી અવતરણો એકત્ર કરવાં જોઈએ. હવેના સમયમાં કોશરચના એ કોઈ એક માણસનું કામ નથી. જ્હૉન્સન, વેબ્સ્ટર કે નર્મદે એકલે હાથે કોશ ‘લખેલા’ એ જમાનો વીતી ગયા છે. ગુજરાતીના છેલ્લા બે ઉત્તમ કોશો-વિદ્યાપીઠને ‘જોડણીકોશ’ અને ‘ભગવદ્ગામંડલ’ એ વ્યક્તિની નહિ, પણ સંસ્થાની કે વિદ્યાવિભાગની રચનાઓ છે. આધુનિક કોશરચનાશાસ્ત્રનાં પ્રયોજનો અને ઉદ્દેશો અનેક નિષ્ણાત કાર્યકર્તા અને વાચકો’ને સુયોજિત સહકાર માગી લે છે. ઓક્સફર્ડના અંગ્રેજી મહાકોશના પહેલા ભાગની સને ૧૮૮૮માં બહાર પડેલી પ્રસ્તાવનામાં મુખ્ય સંપાદકે નોંધ્યું છે કે એ સમય સુધીમાં કોશના કામ માટે ૧૩૦૦ ‘વાચકો'નો સહકાર મેળવી શકાયો હતો! કોઈ પણ વિકસતી ભાષાનું શબ્દભંડોળ એવી રાતે વૃદ્ધિ પામતું જાય છે કે જુદાં જુદાં શાસ્ત્રોના શબ્દોના સાચા અને સ્પષ્ટ અર્થો આપવા માટે તે તે શાસ્ત્રોના નિષ્ણાતોની સેવાએ આવશ્યક જ નહિ, અનિવાર્ય છે. પરન્તુ શાસ્ત્રોના પારિભાષિક શબ્દો પણ સામાન્ય વપરાશના શબ્દના અર્થ સંકોચથી કે બીજી સાદસ્યમૂલક પ્રક્રિયાઓથી નિષ્પન્ન થાય છે, એટલે એ સર્વશબ્દાર્થાને યોગ્ય સંદર્ભ અને ક્રમમાં મૂકવા માટે સાહિત્ય, ભાષા અને સાંસ્કૃતિક ઇતિહાસના જાણકારાની પાછી જરૂર પડે છે.

ભૂમિકારૂપ કામો

ગુજરાતી ભાષા પાસે છેલ્લાં લગલગ એક હજાર વર્ષોમાં રચાયેલા લિખિત સાહિત્યનો વારસો અવિચ્છિન્ન અને અને અવિકલ રૂપમાં છે. આધુનિક યુગમાં આવતાં કોઈ પણ ભાષાને ગૌરવરૂપ થઈ પડે એવી ગદ્યસાહિત્ય અને ગદ્યકારોની તેજસ્વી પરંપરા આપણી પાસે છે. આપણા વિદ્યમાન સાહિત્યને આધારે ગુજરાતી મહાકોશના કામનો આરંભ કરવાને અનુકૂળ સંયોગો પેદા થાય ત્યાર પહેલાં કેટલાંક ભૂમિકારૂપ કામા કરવાં જોઈએ. જૂના ગ્રન્થોની શાસ્ત્રીય વાચનાઓનાં તથા તે તે ગ્રન્થના અથવા વિશિષ્ટ યુગોના અને કવિઓના શબ્દકોશની રચનાનાં તેમ જ વિશિષ્ટ શબ્દો કે શબ્દસમૂહોના કાલાનુક્રમિક અધ્યયનનાં કામોનો સમાવેશ આમાં થવો જોઈએ. ભાષાની અર્થાભિવ્યક્તિને ખીલવવામાં જેમણે નોંધપાત્ર ફાળો આપ્યો છે તે બધા સાહિત્યકારો, કવિઓ, ગદ્યકારો અને ચિન્તકોની આધારભૂત શબ્દસૂચિઓ થઈ શકે. ગુજરાતમાં-ખાસ કરીને મધ્યકાળમાં સંસ્કૃતની એ પ્રાદેશિક શૈલી અસ્તિત્વમાં આવી હતી, જેને કેટલીક વાર ‘જૈન સંસ્કૃત’ નામથી ઓળખાવવામાં આવે છે. એ પ્રકારના સંસ્કૃતમાં રચાયેલા સાહિત્યના સેંકડો શબ્દપ્રયોગોના વાસ્તવિક અર્થક્ ઉકેલવામાં જૂનું ગુજરાતી સાહિત્ય સહાયભૂત થાય છે તેમ જૂના ગુજરાતી શબ્દોના અર્થો નિશ્ચિત કરવામાં એ પ્રાદેશિક સંસ્કૃત ઉપયોગી થાય છે, અને એથી ‘જૈન સંસ્કૃત’ના ગ્રન્થોના કોશો એક તરફ સંસ્કૃત અને બીજી તરફ ગુજરાતીનો અર્થવિકાસ સમજવા માટે અગત્યના છે. ગુજરાતની જુદી જુદી પ્રાદેશિક બોલીઓની તથા જાતિઓ, જ્ઞાતિઓ તેમ જ વિવિધ વ્યવસાયે અને હુન્નરોની પૂરી શબ્દાવલિઓ હજી થઈ નથી. જુદા જુદા ધંધાદારીઓની ગુપ્ત ખોલી – ‘પારસીઓનો સંગ્રહ પણ આવશ્યક છે. ગુજરાતીના કોશ માટે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને ભગિની ભાષાઓના અભ્યાસીઓ આપણી પાસે હોય તેમ ફારસી, અરબી, તુર્કી, પોટુગીઝ, ડચ તથા મુખ્ય દ્રાવિડી ભાષાઓના અને ગુજરાત તથા આસપાસના પ્રદેશોના આદિવાસીઓની બોલીઓના જાણકારો પણ હોય. એ સર્વના એકત્ર પુરુષાર્થ અને સહકારથી ગુજરાતી મહાકાશના કાર્ય તરફ ગતિ થઈ શકે. ગુજરાતીના અધ્યાપકોની આ માટેનાં કામોમાં ફાળા આપવાની પહેલી ફરજ છે, એટલું જ નહિ, એમ કરવાની તેમની વિશિષ્ટ યોગ્યતા પણ છે. મહાવિદ્યાલયોમાં શિક્ષણ અને સંશાધનનું કામ કરતા ગુજરાતીના સો કરતાં વધુ અધ્યાપકો છે. તેઓ પોતાની રુચિ અનુસાર આ દિશામાં કંઈ ને કંઈ કામ કરતા રહેવાનો નિશ્ચય કરે તે ઐતિહાસિક સિદ્ધાન્તાનુસાર રચાવા જોઈતા ગુજરાતી ભાષાના મહાકોશની ભૂમિકા થોડાંક વર્ષોમાં બંધાય એમાં શંકા નથી.

૧૪મું સંમેલન

ટીપ
૧. શ્રીધર સેનકૃત એક સંસ્કૃત કોશનું નામ ‘વિશ્વલોચનકોશ’ છે તે કેટલુ સમુચિત અને કવિત્વમય છે!
૨. શરૂઆતના બધા કેશોમાં પ્રસ્તાવના ધણુંખરુ' અંગ્રેજીમાં અને કોઈ વાર અંગ્રેજી અને ગુજરાતી એમ બેય ભાષામાં હોય છે. માત્ર નર્મ-કોશ’ એમાં અપવાદ છે; એમાં માત્ર ગુજરાતી ‘મુખમુદ્રા' છે.
૩. ‘જોડણીકોશ’ અને ‘ભગવદ્ગોમંડલ’ના લગભગ સમસામયિક એવા કેટલાક કોશોને અહીં ઉલ્લેખ કરું : ત્રિવેદી હરિશંકર દલપતરામકૃત શબ્દા-ર્થમાલા (સાદરા, ૧૯૩૭) પર્યાયોનું જ્ઞાન કરાવવા માટે ‘અમરકોશ’ની પદ્ધતિએ ગુજરાતી પદ્યમાં રચાયેલો કોશ છે. મૂળવંતરાય ત્રિપાઠી અને નીતિરાય વેરાકૃત ‘ગજવે ધૂમતો ગુજરાતી શબ્દકોશ’ (જૂનાગઢ, ૧૯૪૦), રમણલાલ અમૃતલાલ દેસાઈકૃત. ‘અજોડ અંત્યાક્ષરી સાર્થ શબ્દકોશ’ (વડાદરા, ૧૯૪૫), કેશવરામ કા. શાસ્રીકૃત ‘લઘુકોશ’ (અમદાવાદ, ૧૯૫૦) અને ‘ગુજરાતી ભાષાને અનુપ્રાસ શબ્દકાશ, ખંડ ૧, દ્વિઅક્ષરી અિક્ષરી શબ્દ’ (અમદાવાદ, ૧૯૫૧) તથા એ જ લેખકનો ‘પાયાને ગુજરાતી કોશ’ (સુરત, ૧૯૫૬) અને ઉપેન્દ્ર ભટ્ટ અને રતિલાલ નાચકકૃત ‘નાનો કોશ’ (પહેલી આવૃત્તિ, અમદાવાદ, ૧૯૫૬) નોંધ માગી લે છે. ખીજો અનેક શાળાપયોગી કોશો-દ્વિભાષી, ત્રિભાષી તેમ જ એકભાષા-પ્રગટ થયેલા છે, પણ એ સર્વની યાદી કરવાનું બની શક્યું નથી.