અધીત : પ્રમુખીય પ્રવચનો - ૨/કવિતા : વસ્તુ અને વ્યાકરણ (થોડીક વિચારણા)
કાવ્યમીમાંસામાં કાવ્યને કોઈ ગૂઢ, જાદુઈ શક્તિના આવિષ્કારરૂપ ગણવા સાથે ભાષામાં તેના અવતાર પરત્વે, કાવ્યકૃતિના અન્ય ઉદ્દભવહેતુ વિશે પણ વિચારણા કરવામાં આવી છે. કાવ્યને જાદુ કે ચમત્કાર ગણવા પાછળ તેના ઉદ્ભવની ગૂઢતા અને તેની અસરની અસાધારણતા, વિશિષ્ટતા કારણભૂત હશે. કાવ્યસર્જનના મૂળમાં રહેલી શક્તિ, પ્રતિભા કે કલ્પનાના સ્વીકાર સાથે ભાષામાં તેની નિર્મિતિની સામગ્રી, પ્રક્રિયા અને ઘટક અંશો સંબંધી શાસ્રરચના થઈ છે. કાવ્યશાસ્ત્ર આમ કાવ્યનાં વસ્તુ અને વ્યાકરણ બંનેને આવરી લેતું હોઈ કાવ્યકૃતિની વિવેચના બંને અંગોને અનુલક્ષીને થાય તો જ પરિપૂર્ણ, કાવ્યસમગ્રનું આક્લન કરનારી બને. બેમાંથી એકની ઉપેક્ષા થાય, વ્યાકરણી વસ્તુને ન ગણે ને વસ્તુવાદી વ્યાકરણને ન જાણે તો કવિતાવિચાર અધૂરો રહે, કવિતાની સમજ એકાંગી બને. કાવ્યને તેની અખિલાઈમાં પામવું હોય તો તેનાં વસ્તુ અને વ્યાકરણ બંનેને પામવાનાં રહે. આ પરિસ્થિતિ અને પરિણામના સંદર્ભમાં જ કાવ્યમાં શબ્દ અને અર્થના સહિતત્વની વાત સ્વીકાર્ય અને સુસંગત થાય.
કાવ્યસર્જનની પ્રેરણાની ક્ષણો સંબંધમાં, એ પ્રેરણાની ભૂમિ સંબંધમાં ગૂઢતાનો ખ્યાલ સેવવામાં આવે છે; કારણ કે સર્જનમાત્રને આવિષ્કરણ પ્રતિ પ્રેરનારી શક્તિની ભાળ આપણને મળતી નથી. આપણે જેને પ્રતિભા, શક્તિ કે કલ્પના કહીએ છીએ તેનું પ્રવર્તન તો સર્જાતી કૃતિમાં સાદ્યંત હોય છે, હોવું જોઈએ. કાવ્યનાં આંતરબાહ્ય સર્વ અંગોમાં એનો સ્પર્શ વરતાય છે, વરતાવો જોઈએ. એના વિના કૃતિ કાવ્ય નામને પાત્ર બનતી નથી. એટલે એમ સમજાય છે કે એ ગૂઢ શક્તિ જ કાવ્યકૃતિમાં આરંભથી પરિણામ સુધી વ્યક્ત થતી રહે છે. એના પ્રવર્તનના આરંભને છેડે જે ગૂઢતાનું તત્ત્વ અનુભવાય છે તેને શાસ્ત્રમાં કે વ્યાકરણમાં બાંધીને સમજવાનું મુશ્કેલ છે. જીવનવિચારમાં આપણાં દર્શનો સંબંધમાં જેમ કહેવાનું થાય છે કે પરમ તત્ત્વ તો ક્યાંક એ દર્શનોની પાર છે, બાવનબાહેરું છે, નેતિ નેતિ કહેવડાવે છે એવું છે તેમ કાવ્યશાસ્ત્ર સંબંધમાં પણ એમ કહેવાનું થાય છે કે સર્જનની આ શક્તિ શાસ્ત્રની પાર છે, ગૂઢ છે, કૂટસ્થ છે. આથી કાવ્યનાં બધાં આંતરબાહ્ય તત્ત્વોને વ્યાખ્યાવર્ણનમાં બાંધીને તેમને આપણી બુદ્ધિની પક્ડમાં લાવી આપવાનો પુરુષાર્થ કરનાર કાવ્યમર્મજ્ઞો પણ કાવ્યના આ ગૂઢતાના તત્ત્વનો માત્ર સ્વીકાર કરીને રહી જાય છે, એને વ્યાખ્યાવર્ણનમાં ઉતારી શકતા નથી. એને ઓળખવાની શક્તિ કાવ્યમર્મજ્ઞમાં છે, પણ ઓળખાવવાની નથી. વાલેરી જેવા, કાવ્યસર્જનની પ્રક્રિયા પરત્વે સદા સભાન વિવેચકને એટલે જ વ્યાકરણની બહારની પેલી વસ્તુને ઓળખીને જ રહી જવું પડે છે. તેઓ કહે છે :
'It is not that something more is not needed to make a poet, some virtue which cannot be broken down, which cannot be analysed into definable actions and hours of work. Pegasus-power and Pegasus-hours are not yet legal units of poetic force. There is a special, a kind of individual energy proper to the poet. It appears in him, and reveals him to himself at certain infinitely precious moments.
(Art of Poetry, p. ૨૧૩)
પણ ભાવકને કદાચ આ ગૂઢ શક્તિ કે પ્રતિભા સાથે સીધી નિસબત નથી; એને સીધી નિસબત તો એ પ્રતિભાના શબ્દમાં વિલસતા સ્પંદ સાથે છે, એ પ્રતિભાની ભાષામાં વિકસતી-વિસ્તરતી લીલા સાથે છે, એટલે કે કૃતિ સાથે છે. જે વ્યક્ત છે તે તો કૃતિ છે, પ્રતિભા નહીં. આપણું વિવેચન અને ખાસ કરીને તો સંસ્કૃતનું મોટા ભાગનું વિવેચન એક દૃષ્ટિએ કૃતિનિષ્ઠ વિવેચન છે. એ કૃતિના જુદા જુદા સર્જકઅંશોનું વિશ્લેષણ-સંયોજન કરે છે અને એમ કૃતિના હાર્દ સુધી પહોંચવા મથે છે. दर्शनात् वर्णनात् च विः એમ કહેવાયું તેમાં પણ દર્શનનો કે વર્ણનનો એકાંતિક મહિમા સ્વીકારાયો નથી. કવિમાં દર્શનની શક્તિ જેવી જોઈએ તેવી જ વર્ણનની પણ જોઈએ. ખરું કહીએ તો એમ કે દર્શનવર્ણનની શક્તિ એટલે કવિપ્રતિભા. કાવ્ય પરત્વે દર્શન વગ૨ જેમ વર્ણન મિથ્યા તેમ વર્ણન વગરનું દર્શન પણ નિરર્થક. કવિ દ્રષ્ટા હોય, પણ માત્ર દ્રષ્ટા ન હોય. જોવું એ એક વાત છે, ને ‘બતાવવું’ વળી બીજી જુદી જ વાત છે. કવિએ જુએ છે ને એના દર્શનને રમણીયતાની આભામાં બતાવે પણ છે. આ રમણીયતાની આભામાં બતાવવાનો પ્રયત્ન એ જ કવિકર્મ. એ કવિકર્મ ભાષા વડે અને ભાષામાં થાય છે એટલે એને ભાષાકર્મ કહીએ તો કહેવાય.
કવિ ભાષામાં કૃતિ રચે છે, દર્શનને વર્ણનમાં ઢાળવા પ્રેરાય છે એ હકીકત જ દર્શાવે છે કે કવિને ભાવકની અપેક્ષા રહે છે. ભાવકની અપેક્ષા એટલે જ પ્રત્યાયનની અપેક્ષા. એવું ન હોય તો કવિનું દર્શન એની એક અંગત બાબત જ રહી જાય. સહૃદયના ચિત્ત સુધી કવિનું દર્શન, એની અનુભૂતિ કે સંવેદન પહોંચે જ નહીં તો પેલા વર્ણનની કોઈ સાર્થકતા જ ન રહે. સર્જક અને ભાવક એકબીજાને ભાવ-પ્રતિભાવને નાતે મળે છે તે તો વર્ણનથી જ. પ્રતિભાવ વગર કવિના ભાવની સાર્થકતા નથી ને કવિકર્મની કૃતાર્થતા નથી. આ સંબંધમાં સાર્ત્રનાં વચનો ધ્યાનાર્હ છે. એ કહે છે:
The relationship between the author and the reader is a & pact......The process of writing however includes as a dialectic correlative the process of reading and these two interdependent acts require two differently active people...Art exists only for and through other people.'
સર્જનની ક્ષણોમાં કવિનું ધ્યાન પ્રત્યાયન ભણી ન હોય એ સ્વીકારીએ તોપણ એમ તો ખરું જ ને કે એ ક્ષણોમાંય કવિ તો ભાવક લેખે ત્યાં ઉપસ્થિત હોય છે જ ને કવિ એના એ ભાવક રૂપને પૂછી પૂછીને નહિ તોય ઓછામાં ઓછું એની સંમતિ લઈને તો સર્જનકાર્યમાં આગળ ગતિ કરતો હોય છે? ટૂંકામાં કહીએ તો કવિના દર્શનવર્ણનની, એના સંવેદનની અને કવિકર્મની સાર્થકતા અને કૃતાર્થતા જ કૃતિને સહૃદયસંવેદ્ય કરવામાં છે; અન્યથા કલાપ્રવૃત્તિ જ મિથ્યાચાર ઠરે છે. અભિનવગુપ્ત આ સંબંધમાં કંઈક આક્રોશપૂર્વક કહે છે :
संवेद्यमसंभावयमानः संवेद्ये संविदं विनिवेशयितुमेव यो न शक्नोति का तत्र विश्रान्तिः ।
કાવ્યનું ઉપાદાન શબ્દ છે, ભાષા છે, ને ભાષા મનુષ્યના પરસ્પર સહકાર-વ્યવહારની નીપજ છે એ હકીકતનો આશ્રય લઈને કાવ્યમાં ભાષાનાં સ્વરૂપ અને કાર્ય અંગે વિવિધ વિચારણાઓ પ્રવર્તે છે. વ્યવહારની ભાષા અને કાવ્યની ભાષા એક જ છે તેથી કાવ્યમાં સમાજસંદર્ભ છેક ટાળી શકાતો નથી એ વાત માનીએ, પણ વ્યવહારભાષા અને કાવ્યભાષા મૂલતઃ એક જ તેથી વ્યવહારમાં ને કાવ્યમાં ભાષા એક જ સ્તરે પ્રવર્તે છે એમ માનવું બરાબર નથી. પ્રયોજનની ભિન્નતાને લીધે કાવ્યમાં ભાષાનું પ્રવર્તન વિલક્ષણતા ધારણ કરે છે. વૈયાકરણોએ સાર્થ વાક્ય માટે વાક્યમાં પદ પરત્વે આકાંક્ષા, યોગ્યતા અને સંનિધિની શરત મૂકી. કાવ્યમાં, લાગે છે કે આ ત્રણમાંથી આકાંક્ષા જ એક અનિવાર્ય શરત ગણાય. કાવ્યના શબ્દો સાકાંક્ષ હોય એટલે કે એક શબ્દ બીજાની અપેક્ષામાં અનિવાર્યતયા પ્રયુક્ત હોય. કાવ્યમાં આપણે જેને અર્થ કહીએ તે આવા સાકાંક્ષ શબ્દોથી ઉદ્ભવે છે ને સ્ફુટ થાય છે.’ કાવ્યમાં શબ્દનો મહિમા કરીએ છીએ ત્યારે આપણે સમજીએ છીએ કે એકલા છૂટા શબ્દનું એમાં કશું મહત્ત્વ નથી. એક શબ્દ બીજા શબ્દ સાથે આવીને, કવિકર્મના કૌશલને લીધે એવો સંદર્ભ રચે છે કે એમાંથી તે શબ્દોના વૈયક્તિક અર્થથી ભિન્ન એવો અર્થ ઉદ્ભવે છે જે સમગ્ર કાવ્યમાં પ્રયુક્ત બધા શબ્દોના અર્થનો સરવાળો નહિ, પણ તેથી કંઈક વિશેષ ને વિશિષ્ટ પણ હોય છે. આ જ કાવ્યાર્થ છે. કાવ્યમાં શબ્દ અને અર્થના સહિતત્વને સમજાવતાં કુંતક કહે છે :
सहितावित्यत्रापि यथायुक्ति स्वजातीयापेक्षया शब्दस्य शब्दान्तरेण वाच्यस्य वाच्यान्तरेण च साहित्यं परस्परस्पर्धित्वलक्षणमेव विवक्षितम् ।
(શબ્દનું પોતાની જાતિના બીજા શબ્દ સાથે અને અર્થનું પોતાની જાતિના બીજા અર્થ સાથે પરસ્પરની સ્પર્ધારૂપ સાહિત્ય જ અહીં વિવક્ષિત છે.)
કાવ્યમાં શબ્દના ઔચિત્ય-અનૌચિત્યનો નિર્ણય પણ આ દૃષ્ટિએ જ થાય. અહીં વ્યવહારમાં વપરાતા શબ્દ અને કાવ્યમાં પ્રયોજાતા એ જ શબ્દ વચ્ચે રહેલો સ્વરભેદ અને પ્રયોજનભેદ સ્પષ્ટ થાય છે. કાવ્યમાં કોઈ શબ્દ એના પોતાના અર્થે કરીને સારો કે નરસો હોતો નથી, એના સ્થાને કરીને સારો કે નરસો થાય છે. શબ્દ કેવા સંદર્ભમાં પ્રયોજાયો છે તે ઉપરથી એના ઔચિત્ય-અનૌચિત્યનો નિર્ણય થાય છે. કાવ્યની ભાષા વ્યવહારની ભાષાથી તત્ત્વતઃ જુદી નથી, છતાં કાવ્યવિશ્વ એક સ્વતંત્ર વિશ્વ હોઈને કાવ્યની ભાષા પરત્વે પ્રવર્તતું ૠત વ્યવહારની ભાષા પરત્વે પ્રવર્તતા તથી ભિન્ન છે એમ કહેવાય. ‘The Language Poets Use'ના કર્તા નોવોટ્ની કાવ્યની ભાષા સંબંધમાં એક મહત્ત્વનું વિધાન કરે છે :
"The question of the diction of poetry is a question of how words affect and are affected by the artistic contexts they enter,. ...There are no bad words or good words; there are only words in bad or good places."
(p. ૩૨)
કાવ્ય ભાષાપ્રપંચ છે, સમગ્ર કાવ્ય ભાષાનો જ વિસ્તાર છે, ભાષાનું જ सन्तान છે એમ કહેવામાં હરકત નથી. અનુભૂતિ, ભાવ કે સંવેદન એના ઉદ્ભવની ક્ષણમાં તો સ્થિર, નિષ્ક્રિય હોય છે; ભાષામાં વ્યક્ત થાય છે ત્યારે જ તે અસરકારક બને છે; તેની અસરમાં વ્યાપકતા, વ્યાપનશીલતા અને તીવ્રતા આવે છે. એમ સમજાય છે કે કાવ્યમાં ભાવ વર્ણવાય તે પહેલાં ચિત્તમાં ભાષામાં મુકાઈને તે સક્રિય બને છે, ગતિ પામે છે. કોઈ વ્યક્તિના મૃત્યુનો શોક એક ભાવ તરીકે ચિત્તમાં ઉદ્ભવે. પછી તરત એ ભાષામાં મુકાય છે. એ આંતર, અનુદ્ગારિત ભાષાથી જ શોકભાવને અનેક પરિમાણો, સંદર્ભો અને અધ્યાસો પ્રાપ્ત થાય છે ને શોક વ્યાપક તેમ તીવ્ર બને છે. આ દૃષ્ટિએ એમ કહેવાય કે કાવ્યમાં ભાષામાં ઊતરતું સંવેદન એ મૂળનું સ્મૃતિરૂપ સંવેદન છે ને સ્મરણવ્યાપાર પણ એક ભાષા-અન્વિત ભાષાવલંબી વ્યાપાર છે.
ભાવ અને ભાષાનો સંબંધ આવો સમજીએ તો એમ માનવું પડે કે કાવ્ય, શબ્દ, અલંકાર, છંદ, કલ્પન, પ્રતીક જેવાં ભાષાનાં જ વિસ્તારરૂપ અંગોથી રચાય છે; પણ ભાષા સાથે ભાવ કાવ્યના ઉદ્ભવકાળથી જ ભળેલા હોય છે. ભાવ ભાષાને અવલંબીને વિકસે-વિસ્તરે છે તો ભાષા પણ ભાવને અવલંબીને જ એનો વિકાસ-વિસ્તાર સાધે છે. ભાવનો ઉત્કર્ષ ભાષાથી સધાય છે, તો ભાષાનો ઉત્કર્ષ પણ ભાવના નિરૂપણથી થાય છે. ખરેખર તો જે રીતે ભાવ અને ભાષાને કાવ્યવિવેચનમાં એકબીજાની સામે મૂકવામાં આવે છે, બેની વચ્ચે વિરોધ જોવામાં આવે છે, બેમાંથી એકનો પુરસ્કાર એટલે અન્યનો તિરસ્કાર એમ સમજવામાં આવે છે તેમાં તર્કદોષ થતો લાગે છે. ભાષામાં થતા કાવ્યમાંથી ભાવને ગાળી કાઢવાનો હોતો નથી, ઓગાળી દેવાનો હોય છે, ભાષા-આકૃત કાવ્યની બહાર એ દેખાય નહીં એવું કરવાનું હોય છે. એ પાર્વતીથી, દશાંગુલ ઊર્ધ્વ હોય તે ઇષ્ટ નથી ને અર્ધનારી-નટેશ્વરની જેમ સંયુક્ત હોય તે બરાબર નથી. આપણી અદ્વૈત કે તાદાત્મ્યની સૂક્ષ્મમાં સૂક્ષ્મ કલ્પના જેવું કાવ્યમાં એ બેનું હોવું છે. ભાવ અને ભાષાના સંબંધને આવો માનીએ તો કાવ્યમાં શબ્દ અને અર્થ, આકાર અને વક્તવ્ય, મંત્ર અને તંત્ર જેવાં દ્વંદ્વોને એકબીજાનાં વિરોધી નહિ, પણ કાવ્યને પૂર્ણતા અર્પનારાં, અખંડતા આપનારાં સહકારી તત્ત્વો તરીકે સ્વીકારી શકાય. એમને વિરોધી ગણીએ એટલે જ એક કે બીજા તત્ત્વનો પક્ષ કરવાનું થાય ને કોઈ એકનો પુરસ્કાર અને બીજાનો તિરસ્કાર થતાં વિચારણાની સમતુલા જોખમાય. એક વિવેચક આવી સ્થિતિમાં સાચું જ કહે છે કે,
"The very act of finding a phrase is emotive and linked to a chain of emotions, all of which are subsumed in the fundamental emotion of perceiving the heartbeat of life itself......Technique and emotion cannot be considered as being in opposition to each other, save by some crude, convenient and arbitrary act of literary judgment.
(Mario Luzi, T.L.S. Sept. ૨૯, ૧૯૭૨)
મને લાગે છે કે અહીં કાવ્યમાં ભાષાનું મહત્ત્વ ઓછું આંકવાનો પ્રશ્ન નથી, ભાવનું મહત્ત્વ સ્વીકારવાનો પ્રશ્ન છે. કાવ્યમાં બેનું સરખું મહત્ત્વ છે જ તે જોવાનું છે.
કાવ્યની ભાષામાં બે તત્ત્વોની પ્રવૃત્તિ જણાય છે : ધ્વનિ અથવા નાદની અને વાચાની. ઉદ્દગારની પહેલાંનો સંબંધ સંગીત સાથે છે ને એમાં લય, તાલ, છંદ આદિનો સમાવેશ થાય છે, બીજાનો સંબંધ અર્થ સાથે છે ને એમાં કાવ્યની બધી ભાવસંપત્તિનો સમાવેશ થાય છે. કાવ્યની ભાષા માત્ર સંગીત જ નથી આપતી. બંને તત્ત્વો મળીને કાવ્યને એક બહુપાર્શ્વ સંકુલ રચના બનાવે છે. એ નથી કેવળ સંગીત કે નથી કેવળ વાચા. માત્ર સંગીત હોત તો કાવ્ય અર્થલીલાથી વંચિત રહેત ને કેવળ અર્થયુક્ત ઉદ્ગાર હોત તો એ ગદ્યથી વધારે આકર્ષક ન હોત. નાદ અને ઉદ્ગારના યુગપત્ પ્રવર્તનથી કાવ્યમાં જે અસ્પષ્ટાર્થતા કે નિશ્ચિત એક જ અર્થના અભાવની સ્થિતિ ઉદ્દભવે છે તેમાં જે એનું આકર્ષક અને વિશિષ્ટ કર્તવ્ય પણ રહેલું સમજાય છે. કાવ્યમાં અનેક અર્થોની શક્યતા ને ક્ષમતા હોય એનો અર્થ એ નથી કે કાવ્ય ભાવકને ગૂંચવનારું ને અર્થપ્રાપ્તિને પ્રતિકૂલ, અર્થનો નિષેધ કરનારું હોય. એક જ નિશ્ચિત અર્થનો અભાવ એટલે સુસંગત એવા અનેક અર્થનો સંભવ. આવો સંભવ એ કાવ્યનું એક આગવું લક્ષણ અને તેની સંપત્તિ છે. કાવ્યની વાણી જેમ મુખર ન હોય તેમ વધારે પડતી સ્પષ્ટાર્થ પણ ન હોય. કાવ્ય ઓછાબોલું તે બંને તત્ત્વ પરત્વે : એ એના સંગીતમાં ખેંચી જઈને આપણને અર્થથી વેગળા ન કરે અને અર્થમાં બાંધીને ભાષાના સંગીતથી વંચિત ન કરે. વળી અર્થ પરત્વે ઓછાબોલું એટલે થોડાક શબ્દોમાં ઘણુંબધું કહી જાય એવું જ નહીં, જે કહે તેના અર્થ વિશે સંદિગ્ધતા રચી આપે એવું પણ. કવિતાનાં સંગીત અને તેના અર્થ સંબંધમાં વાલેરીનું એક વિધાન કાવ્યના સ્વરૂપનો સાચો ખ્યાલ આપે છે:
“Poetry is not music; still less is it speech. It is perhaps this ambiguity that makes its delicacy. One might say that it is about to sing, rather than it sings, and that it is about to speak rather than it speaks. It dare not sound too loud nor speak too clearly."
(Art of Poetry, p. ૧૦૭)
કાવ્યને કલાપ્રવૃત્તિ ગણીએ એટલે એ સભાન પ્રવૃત્તિ છે એમ સ્વીકારવું પડે. સભાનતા વગર વ્યવસ્થા અને સંવાદ ન આવે. અન્ય કલાઓમાં પણ આપણે આવી સભાનતા પ્રવર્તતી જોઈએ છીએ. કવિ પોતાના ઉપાદાન, ઓજારો અને લક્ષ્ય પરત્વે પણ સભાન હોય. એમ હોય તો જ એને ઈષ્ટ એવી રૂપઘટના કરી શકે. વસ્તુજગત અવ્યવસ્થિત છે, એમાં વસ્તુઓ અને ઘટનાઓના પરસ્પર સંબંધના તંતુઓ પાતળા અને શિથિલ હોય છે ને એમનું અખંડ દર્શન પણ અશક્ય હોય છે. કાવ્યમાં વસ્તુઓ તથા ઘટનાઓ પરત્વે દૃઢ સંબંધથી રચાયેલો સંવાદ જોવા મળે છે. જેવાં અવ્યવસ્થા અને વિસંવાદ વસ્તુજગતમાં છે તેવાં જ આપણી ચિત્તસૃષ્ટિમાં પણ છે. કલા આ બંને સૃષ્ટિઓને કૃતિમાં ઉતારીને એમને વ્યવસ્થા અને સંવાદ અર્પે છે. આમ હોઈ કાવ્યસર્જનમાં જ્યારે સ્વૈરતા અને સ્વયંસંચાલનની હિમાયત કરવામાં આવે છે ત્યારે તે કલાના મૂલમાં જ ઘા કરનારો વિચાર સમજાય છે. કવિ પોતાના સંવેદનને તપાસે નહિ, તે કલામાં આવિષ્કારને પાત્ર છે કે અપાત્ર તેનો વિવેક કરે નહિ, ને પોતાની જાતને કોઈ અજ્ઞાત શક્તિને વશ કરી દઈ સર્જનમાં પ્રવૃત્ત થાય તો એમાંથી કલાકૃતિ ભાગ્યે જ સંભવે. સર્જનમાં હું કોઈ પ્રકારની દરમિયાનગીરી કરતો નથી, केनापिदेवेन हृदिस्थितेन જેમ લખાવાય છે તેમ લખું છું એમ કહેવામાં કોઈ ગૌરવ નથી; એટલું જ નહીં, પણ કલાપ્રવૃત્તિ પ્રત્યેનું અજ્ઞાન અને કલાધર્મની ઉપેક્ષા છે. ‘નકશાહુકુમ ઇમારત ચલે, વૃક્ષ ચલે નિજ લીલા' એમ કહીને સ્વૈરતાનો બચાવ કરવામાં કશો વિવેક નથી. ઇમારત નકશા પ્રમાણે રચાય છે તો વૃક્ષના ઊગવામાં ને વિકાસમાં કોઈ આંતર ૠત પ્રવર્તતું હોય છે. આ વિચારના પ્રકાશમાં જોતાં મને સર્રિયલ કે અજાગ્રત મનના આવેગોના આલેખનની સ્વૈરતાનો દાવો શંકાસ્પદ લાગે છે. કવિ ચિત્તના અજ્ઞાત પ્રદેશોમાં પહોંચી જાય, તેની ગતિવિધિને ત્રીજા નેત્રના પ્રકાશમાં જુએ ને એમાં રહેલી અવ્યવસ્થા, સંકુલતા, વિસંવાદનો આલેખ કલાકૃતિમાં આપે એ ખરું, પણ એ ધ્યાનમાં રહેવું જોઈએ કે કલાકૃતિમાં આપવું એટલે જ વ્યવસ્થામાં મૂકવું, સંવાદમાં મૂકવું, વિશદતામાં મૂકવું. અજ્ઞાત મનના પ્રદેશનું દર્શન કાવ્યમાં હોય, પણ કાવ્ય કંઈ અજ્ઞાત મનના પ્રદેશમાં રચાતું નથી. એ તો જાગ્રત ચિત્તની એક સભાન પ્રવૃત્તિ છે, મનુષ્યના સંસ્કાર અને તેની સંસ્કૃતિની નીપજ છે. અજ્ઞાત મનની ભીતરમાં કાળા અશ્વોની દોડાદોડ ગમે તેમ, ગમે ત્યારે ને ગમે તેટલા સમય સુધી ચાલે, પણ કાવ્યમાં તો એ દોડાદોડને નિયંત્રિત કરવી જ પડે છે, એને કલાના પાત્રમાં સમાવવી ને શમાવવી પડે છે. સર્રિયલ કવિતા એવું ઓળખાણ કાવ્યના વસ્તુ માટે જ સાચું, એની અભિવ્યક્તિ કે ટેનિક પરત્વે તો નહીં જ; કવિતાના સર્વસાધારણ વ્યાકરણથી એનું વ્યાકરણ જુદું નથી. કવિ આદિમ વૃત્તિઓ અનુભવે ત્યારે તે એક પ્રકારની પ્રાકૃતતાની ભૂમિકાએ પહોંચે, પણ કલામાં જ્યારે એ વૃત્તિઓ અને આવેગોને ઉતારે ત્યારે તો એ સંસ્કૃતિની સરહદમાં ને આબોહવામાં રહીને એમ કરતો હોય છે. એની પ્રાકૃત વૃત્તિઓ અને આવેગો પણ સંસ્કૃત અવસ્થાના વિરોધમાં જ તીવ્ર અને અસ્વાદ્ય બનતા હોય છે. આદિમતા કે પ્રાકૃતતા કલાનો પ્રાણભૂત અંશ નથી. કલાસર્જનની સામગ્રી છે. એટલે કૃતિમાં તો પેલી વૃત્તિઓ અને આવેગો સંમાર્જિત, કલોચિત ઘાટમાં જ પ્રગટ થાય, કલાના વ્યાકરણ અનુસાર જ તેમનું આલેખન થાય. આદિમતા કે વન્યતાના અનુભવને પ્રગટ કરતું કાવ્ય આકારમાં તો સપ્રમાણ અને સૌષ્ઠવાપન્ન જ હોય. આવી કૃતિમાં કોઈ Inverted sophistication જુએ ને દોષ ગણે તો તે બરાબર નથી. કલા એટલે sophistication તો ખરું જ, ઓછામાં ઓછું રચના પરત્વે તો ખરું જ; એટલે Inverted sophistication ખરેખર તો Artistic presentation જ છે.
કાવ્યનું એની સકલતામાં ગ્રહણ માત્ર તર્કબુદ્ધિથી થતું નથી એ સાચું, પણ તર્કબુદ્ધિ કાવ્યના ગ્રહણનું એક પ્રાથમિક સાધન છે એ ભૂલવા જેવું નથી. કાવ્ય પ્રથમ તો સમજાવું જોઈએ; એ વગર તો એમાં આપણો અનુપ્રવેશ જ અશક્ય બની જાય. સમજ્યા પછી કાવ્યને પામવા માટે ચિત્તનાં બીજાં અનેક કરણો પ્રયોજવાનાં હોય છે જે ભાવકને આસ્વાદ સુધી પહોંચાડે છે. કાવ્યમાં એક તબક્કે Thought કે Argument પુરસ્કૃત થતો હતો ને કાવ્ય સળંગ તર્કવ્યાપારથી સમજાવું જોઈએ એવી મતિ પ્રવર્તતી હતી. આ મતિ કલ્પનવાદ, પ્રતીકવાદ જેવી કાવ્ય અંગેની વિચારધારાઓના આઘાતથી નિર્બળ બની. કાવ્યમાં તર્કપ્રધાન ભાવવિચારનિરૂપણને સ્થાને કલ્પનો અને પ્રતીકો દ્વારા ભાવવિચારને મૂર્ત કરવાનો ઉપક્રમ સ્વીકારાયો. આથી એક બાજુ કાવ્યમાં પ્રત્યક્ષવત્તા વધી તો બીજી બાજુ તેના અર્થગ્રહણમાં એક પ્રકારની ધૂંધળાશ કે સંદિગ્ધતા પ્રવેશી, પ્રસ્તુત-અપ્રસ્તુત વચ્ચેનો સંબંધ શિથિલ થયો ને કલ્પનો-પ્રતીકો જેમને બદલે આવે છે તે ભાવ કે વિચાર જ અળપાઈ જાય એવું બન્યું. ભાષા જ્યારે પ્રાથમિક અવસ્થામાં હશે, પૂરી કાર્યક્ષમ નહિ હોય ત્યારે માણસ કલ્પનોમાં જ વિચારતો હશે, એટલે કે કોઈ પ્રત્યક્ષ વસ્તુ દ્વારા પોતાની લાગણીઓ અને વિચારો પ્રગટ કરતો હશે. આ કલ્પનો કાવ્યમાં યોજાતાં આપણે પેલા આદિમ વ્યક્તિઉપાય ભણી વળ્યા છીએ એમ કહેવાય. કવિતામાં કલ્પનવાદ અને પ્રતીકવાદના પ્રવર્તનમાં બુદ્ધિવિરોધી Anti-intellectual movementનો પ્રભાવ જોવા મળે છે. વિચારપ્રવૃત્તિને એણે તુચ્છ અને હીન ગણીને અવગણી ને કાવ્યમાં એનો બને તેટલો તિરસ્કાર કરવાનું વલણ પ્રવર્તાવ્યું. આને પરિણામે કવિતાના ભાવનમાં, તેના વિવેચનમાં અસ્પષ્ટતા અને અનિશ્ચિતતા આવી. વિચારવાનો નિષેધ થતાં કાવ્યના સાંગોપાંગ અર્થગ્રહણનો આગ્રહ પણ શિથિલ બન્યો ને કાવ્યનું સમગ્રતયા નહિ પણ આંશિક વિવેચન કરવાનું વલણ વધ્યું. આથી એક અનિષ્ટ બાબત તો એ બની કે વિવેચકે કૃતિના સમજાય એવા અંશોને પણ, સમજાવવું એ અનિષ્ટ પ્રવૃત્તિ છે એમ ગણીને, ટાળવાનું વલણ દાખવ્યું. પ્રતીકવાદી આંદોલનની અસર વિશેનું વિલિયમ એમ્પસનનું એક નિરીક્ષણ ધ્યાનપાત્ર છે. એ કહે છે :
"The effect of the symbolist movement is that you are forbiden to do it (thinking, arguing) with no reason given; except that the anti-intellectual movement which has been one of the causes of symbolism, tells you that thinking is sordid and low-class.
કાવ્ય અનેક કલ્પનો અને પ્રતીકોમાં રચાયું હોય ત્યારે ક્યારેક એક કલ્પનનો બીજા કલ્પન સાથે, એક પ્રતીકનો બીજા પ્રતીક સાથે સંબંધ જોડવાની મુશ્કેલી ઊભી થતી જોવા મળે છે. કલ્પન અને કલ્પન વચ્ચે, પ્રતીક અને પ્રતીક વચ્ચે કૃતિમાં જે અવકાશ રહે છે તેને ભાવકે પૂરી લેવાનો હોય છે. આ ક્રિયામાં જો કલ્પન-પ્રતીક સંયોજનની કડી પૂરી પાડી ન શકે તો કૃતિને અખંડ અને અશેષપણે પામવામાં એને મુશ્કેલી અનુભવવી પડે. કૃતિ એક સુસંબદ્ધ, સુસંગત એકમ હોવી જોઈએ એમ માનીએ તો તેના બધા અવયવો પરસ્પર નિબદ્ધ, બંધાયેલા હોય. આવી કલ્પન-પ્રતીકપ્રધાન રચનાઓનું વિવેચન પણ ક્યારેક વળી રૂપકમાં કે પ્રતીકમાં થાય છે; વિવેચક પણ જાણે કલ્પન-પ્રતીકના પ્રયોગમાં કવિ સાથે હોડમાં ઊતર્યો હોય એવું કરે છે ત્યારે આપણો કૃતિ અને તેનું વિવેચન બંનેને સમજવાનો ઉદ્યમ નિષ્ફળ રહે છે.
એક બાજુ આમ કાવ્યનું કાવ્ય જેવું વિવેચન થાય છે તો બીજી બાજુ એનું એક પદાર્થ લેખે શુદ્ધ વસ્તુલક્ષી વિવેચન થાય છે. કાવ્ય જાણે કવિના સંવેદનથી સાવ મુક્ત એવી રચના હોય એમ એના ભાષા-અંગને તપાસવામાં આવે છે. એક તરફ આપણે એમ કહીએ છીએ કે કવિ ભાષાના વ્યાકરણના નિયમને વશ નથી; એ નિયમો મરોડે છે, તોડે છે ને પોતાની કૃતિ પૂરતું એનું નવું આગવું વ્યાકરણ નિપજાવે છે, અને બીજી બાજુ આપણે કવિની કૃતિને ભાષાનાં structures જે સર્વસામાન્ય છે, universal છે તેમાં ઢાળીને તેનું વિશ્લેષણ કરીએ છીએ. આમ તો કાવ્ય ભાષામાં થાય છે એટલે ભાષાના નિયમોને એ અધીન ગણાય. પણ કાવ્ય માત્ર ભાષા જ નથી, એ કેવળ વસ્તુ કે પદાર્થ નથી, એમાં કવિનું કેટલુંક અંગત પણ ઓતપ્રોત છે ને આ અંગત એવું વિશિષ્ટ છે કે તે ભાષાની universal વ્યવસ્થામાં નયે બેસે. આત્મલક્ષી તત્ત્વ (subjective element) ભાષાલક્ષી વિવેચનમાં શી રીતે પકડાય? કાવ્ય સર્જન છે, રચના નથી; creation છે, construction નથી. રચનાને શાસ્ત્રમાં પૂરેપૂરી પમાય, પણ શાસ્ત્ર દ્વારા સર્જન શી રીતે પમાય? ભાષાનાં structures કાવ્યની ભાષાના કાવ્યપરક કાર્યને, ભાષાના Poetic functionને શી રીતે સમજાવી શકશે? ભાષાલક્ષી વિવેચનની આ સમસ્યા છે. એનો ઉકેલ હાથવગો નથી, એટલે કાવ્યને પામવાના અનેક ઉપાયોમાંના એક ઉપાયને આપણે એની મર્યાદા સાથે સ્વીકારીએ, પ્રયોજીએ ને સમજીએ કે જેમ ચૈતન્ય શાસ્ત્રોની જ્ઞાનમર્યાદામાં પૂરું આવતું નથી તેમ કાવ્ય પણ વિવેચનશાસ્ત્રની પકડમાં પૂરું આવતું નથી. આથી જ જીવન વિશે તેમ કાવ્ય વિશે સતત કુતૂહલ અને વિસ્મયભાવ રહે છે, અને રહેવાનાં. કાવ્ય અવ્યાખ્યેય ને અવર્ણનીય રહ્યું છે અથવા એમ કે વ્યાખ્યા અને વર્ણનમાં પૂરું પમાયું નથી એ જ એની અલૌકિકતાનો પુરાવો છે. અહીં વળી પાછું આપણે માટે કાવ્યસર્જનની ગૂઢતામાં પ્રવેશવાનું જોખમ ઊભું થાય છે એટલે આ વાતને અહીં જ છોડીએ.
સર્જન માત્રની ગતિ ગીતામાં વર્ણવાઈ છે તેવી સમજાય છે. એ આદિમાં અવ્યક્ત કે અમૂર્ત હોય છે; મધ્યમાં વ્યક્ત થાય છે, મૂર્ત એટલે કે આકાર ધારણ કરે છે, પ્રત્યક્ષ થાય છે ને અંતમાં વળી અવ્યક્ત કે અમૂર્ત થાય છે, સૂક્ષ્મ તત્ત્વરૂપે વ્યાપી રહે છે. કાવ્યની વાત કરીએ તો તે કવિચિત્તમાં એક અમૂર્ત ભાવરૂપ હોય છે, કૃતિમાં તે આકારમાં પ્રત્યક્ષ થાય છે ને અંતમાં ચિત્તમાં સૂક્ષ્મ વૃત્તિ રૂપે વ્યાપી રહે છે. કાવ્યનું આ ચિત્તમાં વૃત્તિ રૂપે વ્યાપી જવું, અથવા એમ કહો કે થોડી ક્ષણો માટે ચિત્તનું, ભાવનપ્રાપ્ત ભાવદશામાં રમમાણ થવું એ જ કાવ્યનો અર્થ છે. અર્થની સિદ્ધિ માટે જ કાવ્યમાં ભાષાનો સમસ્ત પ્રપંચ પ્રવર્તતો હોય છે; જોકે તેથી આ ભાષાપ્રપંચને અર્થની અપેક્ષાએ ગૌણ કે ઊતરતો ગણવાનો નથી. અર્થ કાવ્યનો આત્મા છે ને ભાષા તેનું શરીર છે એમ કહેવામાં કદાચ ઉચ્ચાવચતા સૂચવાય છે; એટલે એમ કહેવું યોગ્ય થશે કે કાવ્યરૂપ સૂક્ષ્મ તત્ત્વના અર્થ અને શબ્દ એ પ્રકટ અંશો કાવ્યમાં સામગ્રી અને સાધન તરીકે પ્રવર્તે છે ને ક્રમશઃ પોતાનો વિલય સાધીને ભાવકને કાવ્યનો અનુભવ કરાવે છે. કાવ્યસિદ્ધિ એટલે આ બંને અંશોની પૃથાનો કાવ્યમાં લોપ, મોક્ષ, સાધન અને સાધ્યની એકાકારતા, એમનું અદ્વૈત. સર્જનપ્રક્રિયા અને તેના પરિણામને વિવેચકના શાસ્ત્રજ્ઞાનથી નહિ, પણ કવિની સહજ પ્રજ્ઞાથી વર્ણવતી સેફેરિસની આ પંક્તિઓથી મારું વક્તવ્ય પૂરું કરું :
As you are writing
The ink grows less
The sea increases.
તા. ૨૫-૧૦-૧૯૮૦