અધીત : પ્રમુખીય પ્રવચનો - ૨/અનુગાંધીયુગીન ગુજરાતી કવિતામાં છાંદસ પ્રવૃત્તિ અને શિખરિણી
બૃહદ્ ગુજરાતની યુનિવર્સિટીઓમાં ગુજરાતી વિષયના અધ્યયન અને અધ્યાપનને તેજસ્વી કરવાના આદર્શને વરેલી આ સંસ્થાના અધ્યક્ષપદે આ વર્ષે મને પસંદ કરીને આપ સૌએ મને ઋણી બનાવ્યો છે. આ પદના સ્વીકારની સંમતિ આપી ત્યારે મેં અમુક એક પ્રકારનો સંકોચ અનુભવ્યો હતો, કારણ કે આ સંસ્થાની સ્થાપના કરનારા અને ત્યાર બાદ આ પદને શોભાવનારા વિદ્વદ્વરોનું સ્મરણ કરતાં જ મારી અલ્પતા અનુભવું છું. સંસ્થાએ અધ્યક્ષપદે વરતા પ્રાધ્યાપક પાસે એમનો ‘અધીત' એવો એક સ્વાધ્યાયલેખ રજૂ કરવાની જે ઉત્તમ પ્રણાલી પાડી છે, તદનુસાર હું હવે મારો અધ્યક્ષીય સ્વાધ્યાય ‘અનુગાંધીયુગીન ગુજરાતી કવિતામાં છાંદસ પ્રવૃત્તિ અને શિખરિણી' નમ્રતાપૂર્વક અહીં રજૂ કરું છું. હું તળવિષય ઉપર આવું તે પૂર્વે થોડીક ભૂમિકા બાંધીશ, જે મને આવશ્યક લાગી છે. હવે તો તે સુવિદિત છે કે કવિતા ગદ્ય અને પદ્ય એમ બંને સ્વરૂપે પ્રવર્તે છે છતાં પ્રથમથી જ વિશ્વભરની ભાષાઓમાં તે પદ્યમાં ઢળાતી આવી છે; ભારતમાં છાંદસ કવિતાની દીર્ઘ પરંપરા છે : વૈદિક છંદો અને પ્રશિષ્ટ છંદોની. (− જે કાલિદાસમાં સૌથી વધુ ખીલી ઊઠેલા જણાય છે.) આપણી ગુજરાતી ભાષા ગૌર્જર અપભ્રંશમાંથી આવી છે જેને એક વૈયાકરણે ‘‘संस्कृताढ्या तु गूर्जरी” કહી નવાજી છે, એટલું જ નહીં, તે સંસ્કૃત ભાષા અને પિંગળનો પ્રૌઢ વારસો ધરાવે છે. એને સંસ્કૃત છંદોનું પિંગળ વારસામાં મળ્યું હોવા છતાં ગુજરાતી સાહિત્યની કેટલીક વિશિષ્ટ લાક્ષણિકતાઓ છે એ જોઈ જવા જેવી છે : ૧. આપણું મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય બહુધા પદ્યમય છે છતાં ગણમેળ છંદોનો ઉપયોગ નહિવત્ છે! એણે પ્રાયઃ પદો અને દેશીઓથી કામ ચલાવ્યું છે; બહુજનભોગ્ય ગેયતા એનું પ્રધાન લક્ષણ રહ્યું છે. ૨. મધ્યકાલીન યુગને અંતે ને અર્વાચીન યુગના આરંભે જ, નર્મદદલપતયુગમાં જ, તેને આ બે કવિઓ તથા રણછોડભાઈ દ્વારા મુખ્ય ત્રણ પિંગળ મળે છે; અને આ મળતાં વેંત જ પદો-દેશીઓ લુપ્તપ્રાય થાય છે, ને કહો કે છાંદસી કવિતાનો યુગ બેસે છે છેક ૧૯મી સદીમાં; અને બેસે છે તો પછી એવો બેસે છે કે છંદો છોડવામાં ભારતીય પ્રાદેશિક ભાષાઓમાં કદાચ ગુજરાતી ભાષા સૌથી વધુ સ્થિતિચુસ્ત છે; ૧૯૭૯ની આખર સુધીય આ છૂટાછેડા સંપૂર્ણ રીતે થયા છે એમ કહી શકાય તેમ નથી. કહો કે છેલ્લા સવાસો-દોઢસો વર્ષનો ગુજરાતી કવિતાના તેમાંય માધ્યમનો ઇતિહાસ તે છંદપ્રયોગોનો જ ઇતિહાસ છે; છંદો ગણમેળ છંદો ગુજરાતી કવિતાની એક પ્રધાન લાક્ષણિકતા બની રહ્યા છે! ૩. પરિણામે, પશ્ચિમની કવિતામાં બૅન્કવર્સ આદિ જોઈને આપણે ત્યાં જે પ્રયોગ થયા તેમાં અગેયતા, પ્રવાહીપદ્યત્વ વગેરે સિદ્ધ કરવા જે પુરુષાર્થો થયા તેમાં આ ગણમેળ છંદનું ક્ષેત્ર જ વધુ ખેડાયું છે; નર્મદને આપણા પિંગળના છંદો રાગડા જેવા લાગ્યા છે તેથી આ પ્રયોજન માટે વર્જ્ય લાગ્યા છે. ન્હાનાલાલે 'અપદ્યાગદ્ય'ના નામે કવિતામાં છંદ જ નહીં જોઈએ એવો બળવો કર્યો એનું એક કારણ આ છંદોગાનનો કલકલધ્વનિ જ પશ્ચિમઢબની મહાન કવિતા માટે વાંધારૂપ છે, એ હતું. ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં આ ઘટના તપાસીએ તો કેવી નોંધપાત્ર લાગે છે! હજી હમણાં તો પિતા દલપતરામે ‘‘રૂડા છંદ’’ લખીને પ્રતિષ્ઠિત કર્યા છે ત્યાં તો પુત્ર ન્હાનાલાલ સમૂળગા છંદ જ છોડી દે છે! વિદ્વાનો કહે છે કે છંદોમુક્તિની આ ઘટના ભારતભરની પ્રાદેશિક ભાષાઓમાં સૌ પ્રથમ વાસ્કી છે! એટલે એની ઐતિહાસિક નોંધ લેવાઈ છે; અને છતાં તે સ્વરૂપ પોતાના અનુયાયી મેળવી શકવાને અભાવે, પિંગળમાં એના સ્પષ્ટ સર્વમાન્ય ગુણધર્મો મેળવી આપવાને અભાવે, ન્હાનાલાલની નિજી – અતિવૈયક્તિક ઉપલબ્ધિ જ બની રહ્યું ને છેવટે અકાળે આવ્યું હતું તેમ એકાએક લુપ્ત થઈ ગયું! જોકે એ ન્હાનાલાલની સર્જકપ્રતિભાને ઊર્મિકાવ્યમાં, નાટ્યાત્મક કાવ્યમાં ઠીક ઠીક અનુકૂળ નીવડ્યું હતું, તથાપિ. આ અછાંદસતાની ભૂલ સુધારતા હોય તેમ ન્હાનાલાલના અનુગામી પ્રો. ઠાકોરે ગુજરાતી પ્રતિભાની છંદોનુકૂળતાના વલણને સમજી, શુદ્ધ અગેય પ્રવાહી પદ્યની ચર્ચામાં છંદોની પુનઃસ્થાપના કરી; એટલી સ્વીકૃતિ પછી છંદોને જ એમણે લવચીક, શિથિલ અને અનુનેય બનાવી મૂક્યા, ને એમ કામ પાર પાડ્યું. આપણી ગુજરાતી કવિતા પ્રો. ઠાકોર અને ગાંધીજી એમ બંનેના ખભે ચડી ચાલતી હતી તે જમાનાની ઉત્તરાવસ્થામાં જ કંઈ શુદ્ધ અગેય પ્રવાહી પદ્યનો આગ્રહ ઓછો થઈ જતો લાગે છે, ૧૯૪૦માં પ્રગટેલા પ્રહ્લાદના ‘બારી બહાર'માં જ કવિતા સૌંદર્યાભિમુખ અને અભિવ્યક્તિ પરત્વે ચૂંટાયેલા છંદોનું વલણ ધરાવતી થઈ હતી તે જોઈ શકાશે. મહાકાવ્ય તો નાખી નજરે દેખાતું ન હતું; પણ ગુજરાતી કવિતાનો પુરુષાર્થ પદ્યનાટક પામવા મથતો હતો, તેમાં પણ ‘પ્રાચીના'ના પછી ‘મહાપ્રસ્થાન'માં વનવેલી તરફની તેની ગતિ હોય તેમ જણાય છે; એટલું જ નહીં, તે અરસામાં મને શ્રી સુન્દરમે પોંડિચેરીથી એ મતલબનું લખ્યું હતું કે કવિતામાં પ્રવાહી પદ્ય કરતાં ઘૂંટાયેલા શુદ્ધ છંદોમાં જ કવિની ખરી શક્તિ પ્રગટ થાય છે. અને આપણે જાગીએ છીએ કે સુન્દરમ્ ઉમાશંકર આ બે જ ઠાકોરયુગના પ્રમુખ કવિઓ છે આમ પ્રો. ઠાકોરની હયાતીમાં જ શુદ્ધ અગેય પ્રવાહી પદ્યનું વલણ ઓસરતું ગયું છે ને કંઈક ‘કાન્ત'ના કમનીય ઘૂંટાયેલા છંદો તરફ જાણે કે કવિતા વળી છે! અહીં થોડુંક થોભીનેય વિચારીએ : પ્રો. ઠાકોરના પ્રગલ્ભ ઉદ્દંડ અને યુગવિધાયક છંદસાહસોની વચ્ચે આ ચૂંટાયેલા છંદનું વલણ છેક જ લુપ્ત નહોતું થયું, કહો કે એક પાતળી પણ પ્રબળ ધારા રૂપે પ્રવર્તમાન રહ્યું હતું. તે કેવી રીતે, તે જોઈએ. આપણા નર્મદ-દલપતનાં બે પિંગળોથી જ એ બે વલણો સ્પષ્ટ થઈ જાય છે; દલપતરામના રૂડા છંદ અને નર્મદના અણઘડ છંદોનાં સાહસઃ સુવૃત્ત રચના કરવી છે તો જુઓ દલપતરામ ને સાહસિક રચના કરવી છે તો જુઓ નર્મદનાં સાહસો – એમ વલણ સ્પષ્ટ થાય છે. તે આપણે કંઈક આ રીતે બતાવી શકીએ :
સુવૃત્ત રચના | છંદઃપ્રયોગ |
દલપતરામ | નર્મદાશંકર |
બાળાશંકર | ન્હાનાલાલ |
કાન્ત | પ્રો. ઠાકોર |
પૂજાલાલ | પતીલ |
ઉમાશંકર ઇત્યાદિ | સુન્દરમ્ ઇત્યાદિ |
આ પછી તો અનુગાંધીયુગ બેસે છે જેમાં પ્રગલ્ભ ઉદ્દંડ પ્રયોગોને બદલે સુવૃત્ત રચના તરફ વલણ વધે છે. રાજેન્દ્ર નિરંજન જે આ પેઢીનાં પ્રમુખ નામો છે તે બંને પોતાની સુવૃત્ત રચના માટે જાણીતા છે. કવિતા છાંદસી જ નહીં, સુછાંદસી બનવા મથતી હતી ત્યાં તો કંઈક એકાએક કહી શકાય તેમ અછાંદસતાનું ઘોડાપૂર આવે છે ને આધુનિક કવિતાનો કબજો લઈ લે છે. અને આ અછાંદસ કવિતાના ઘોડાપૂરમાં કોઈ એક છંદનો ટાપુ અદ્યાવધિ અક્ષુણ્ણ રહી ગયો હોય તો તે શિખરિણીનો છે એમ કહેવું એ કેવળ અયુક્ત નથી. આમ કેવી રીતે બની આવ્યું તે જોવાનો આ નમ્ર પ્રયાસ છે. મને એમ કહેવાનું મન થાય છે કે શિખરિણી છંદ જ ગુજરાતી પ્રજાને ને તેની સર્જકપ્રતિભાનો નિજી – નેટિવ છંદ છે. ઠાકોરે શુદ્ધ અગેય પ્રવાહી પદ્યનો પોતાના ‘આરોહણ’માં પૃથ્વી છંદના વિનિયોગે ઉત્તમ નમૂનો આપ્યો છે, એ નિઃશંક વાત છે; એમણે પોતે આવા પ્રવાહી પદ્ય માટે પૃથ્વીની અનુકૂળતાની વકીલાત સુધ્ધાં કરી છે, છતાં એમના વ્યવહારુ નેતૃત્વે બીજા ગણમેળ છંદોને, જે ૧૧થી ૨૧ શ્રુતિઓના છે જેવા કે મિશ્રોપજાતિ, વસંતતિલકા, મંદાક્રાન્તા, હરિણી, શિખરિણી, શાર્દૂલવિક્રીડિત ને સ્રગ્ધરા – તેને અજમાવી જોવા ભલામણ કરી છે, ખાસ કરીને એમના બીજા મોટા પ્રદાન સૉનેટની રચના માટે. અને કદાચ આ સૉનેટરચનાએ જ પ્રવાહી પદ્યત્વને પ્રચલિત થતાં અટકાવ્યું છે, કારણ કે પેટ્રાર્કશાઈ કે શેકસ્પિયરશાઈ સૉનેટરચના માટે અમુક પ્રકારની પ્રાસરચના આવશ્યક ગણાઈ છે, જે બ્લૅન્કવર્સમાં વર્જ્ય છે કારણ કે બ્લેન્કવર્સ એટલે જ અપ્રાસ પદ્યરચના. આપણી દોઢસોએક વર્ષની કવિતાનો મુખ્ય પુરુષાર્થ તે અગેયતા તરફની ગતિ છે, પઠનક્ષમતા વધારવાનું વલણ છે એમ ખુશીથી કહી શકાશે. નર્મદને છંદોમાં રાગડા વર્તાયા તે વૃત્તિ જ છેવટે આજના અછાંદસમાં પરિણામ આણીને જંપી છે ને મુક્તપઘથી તે પદ્યાત્ મુક્તિ સુધી આવી ગઈ છે! પ્રો. ઠાકોરના પ્રયાસોમાં આ બેય વાનાં છે : (૧) શુદ્ધ અગેય પ્રવાહી પદ્યનો આગ્રહ ને બીજું તે (૨) સપ્રાસ સૉનેટરચના સિદ્ધ કરવી છે તે. અને મને લાગે છે કે અનુગાંધીયુગમાં પરંપરિત, ખંડ, અભ્યસ્ત એમ છંદોવલણ થોડુંક પણ ચાલે છે, પણ ‘આરોહણ' જેવું પ્રવાહી પદ્ય લખાતું ઓછું જ થયું છે; અરે, પ્રલંબ અર્થપ્રધાન રચનાઓ જ લુપ્તપ્રાય થઈ ગઈ છે! પણ સૉનેટ ટક્યું છે એ હકીકત છે. અને ખુદ ઠાકોરમાં શ્રેષ્ઠ સૉનેટ ‘ભણકાર' જે આપણી આખી ભાષાનુંય કદાચ શ્રેષ્ઠ સૉનેટ છે તે પૃથ્વીમાં નથી, મંદાક્રાન્તામાં છે! એટલું જ નહીં, આ મંદાક્રાન્તા ઘૂંટાયેલો પણ છે! ઠાકોરનાં કેટલાંય સૉનેટો શિખરિણીમાં પણ છે, અને તે ઠીક ઠીક સફળ છે. બીજી નોંધપાત્ર ઘટના એ છે કે એમણે મહાકાવ્યની માંડણી કરવા માટે ‘એક તોડેલી ડાળ'ની રચના કરી છે તે આપણા આશ્ચર્ય વચ્ચે શિખરિણી છંદમાં છે! અને તેય ‘કાન્તોપમ' :
નથી પાસે કોઈ મૃદુ હૃદયને શાંત કરવા,
ચુમી આંસૂ, છાતી સરસિ ભિડિ પીયૂષ ભરવા;
(ભણકાર, ૧૯૫૧, પૃ. ૧૨૬)
શિખરિણીમાં કંઈક ગેયતા છે ને તે પૃથ્વી જેવો લઘુગુરુ વર્ણે, ગણવૈવિધ્ય વગેરેથી વધુ સારો પઠનક્ષમ છે એમ એમણે પ્રતિપાદન પણ કર્યું છે છતાં. અનુગાંધીયુગનાં બે પ્રમુખ કવિઓમાં એક રાજેન્દ્ર છે; એમને સૉનેટ માટે હરિણી અનુકૂળ લાગ્યો છે જેટલો તે પૂર્વે કે તે પછી બીજા કોઈનેય લાગ્યો નથી. એને અપવાદરૂપ જ ગણવું જોઈએ. પણ બીજા પ્રમુખ કવિ નિરંજન ભગત કહેવાય છે તો આમ ઠાકોરના પ્રશંસક, પણ એમનામાં કાન્ત જેવું છંદો ઘૂંટીને ચીપીચીપીને લખવાનું વલણ છે. અરે, એમનો જે બૃહદ્કાવ્યસંગ્રહ છે તેનું તો નામ જ ‘છંદોલય' છે! અને ‘છંદોલય' સંગ્રહના સૌથી વધુ ઘૂંટાયેલા કોઈ બે છંદ હોય તો તે વસંતતિલકા અને શિખરિણી છે. શ્રી સુરેશ દલાલે તો નિરંજનના એક વસંતતિલકા આદિના સુવૃત્ત કાવ્ય ‘દિન થાય અસ્ત'ને ગીત જ ગણ્યું છે! ‘દિન થાય અસ્ત’ને શ્રી સુરેશ દલાલે એક ગીતોપમ રચના ગણી ‘નજરું લાગી' ગીતસંગ્રહમાં લીધી છે. આ કૃતિ ઉપજાતિ, દ્રુતવિલંબિત અને વસંતતિલકામાં ગ્રથિત છે. “કુશળ કવિ કોઈ વાર અક્ષરમેળ છંદોના બંધાયેલા કલેવરને પણ ગીતનો ઘાટ આપે છે ત્યારે એ રચનાનું રૂપ પણ કેવું નિખરી આવે છે એ જોવા ‘છંદોલય' પાસે પહોંચી જઈએ તો તૃપ્તિ થયા વિના નહીં રહે! (સુરેશ દલાલ, નજરું લાગી'ની પ્રસ્તાવના) એ ભલે હશે; પણ છંદોલય’નો શિખરિણી છંદ ચીપીચીપીને એવો તો ઘૂંટ્યો છે કે બાળાશંકર કંથારિયાના ‘ક્લાન્ત કવિ'ના શિખરિણી પછી એવો ફરી બીજી વાર કદાચ ઘૂંટાયો નથી. એ તપાસીએ. ‘ક્લાન્ત કવિ'ના શિખરિણીનો કેફી છકેલો લય જુઓ :
- વસંતે હે કાન્તે, રમણીય વનાન્તે...
- ઘટા ઘેરી આવ્યે ઘન તણી છટાથી ચઢી અટા
જીભને ટેરવે રમી રહે એવી રસઘન પંક્તિઓ બાળાશંકરના એક ‘ક્લાન્ત કવિ' જેવા કાવ્યમાંથી મળે છે તેટલા પ્રમાણમાં ભાગ્યે જ કોઈ અન્ય ગુજરાતી એક કૃતિમાં જડશે. (ઉમાશંકર જોશી, ‘ક્લાન્ત કવિ’ની પ્રસ્તાવના, પૃ. ૭૩) “બાળાશંકર જેવો ઉચ્ચારભોગ્ય શિખરિણી કે શાર્દૂલ ગુજરાતી કવિતામાં દેખાયો નથી. શિખરિણી જેવા પ્રગલ્ભ છંદનો ‘વસંતે હે કાન્તુ, રમણીય વનાત્તે' જેવા ઉદ્ગારમાં વ્યક્ત થતો થનગનાટ તે જગન્નાથ પંડિતના ‘દિગન્તે શૂયન્તે' વગેરે ઉગારોના પડઘારૂપ હશે કે બાળાશંકર અને ‘ગંગાલહરી'નો ગાયક જગન્નાથ બંને ‘સૌંદર્યલહરી'ના ગાયક જેવા પાસેથી એ છટા શીખ્યા હોય. (ઉમાશંકર જોશી, ‘ક્લાન્ત કવિ'ની પ્રસ્તાવના, પૃ. ૭૪)
નિરંજન ભગતના કાવ્યનું શીર્ષક છે ‘જાગૃતિ' :
છકેલી ફાલ્ગુની છલબલ છટા શી પૃથિવીની
(વગેરે વગેરે)
(બૃહદ્અંદોલય, પૃ. ૩)
હવે આ શિખરિણીનો છાક જુઓ. આવું તો કાન્તના સુઘડ શિખરિણીમાં પણ નથી. કાન્તના ‘વસંતવિજય'માં શિખરિણી દ્વારા પાંડુને કેફ ચઢે છે, છાક ચઢે છે એ જુદી વાત છે. મને લાગે છે કે નિરંજનના આ શિખરિણીમાં જરૂરથી જરાક વધારે ‘છાક' છે; એટલું જ નહીં, કવિ કંઈક વાગાડંબરમાં સરકી ગયા હોય એમ લાગશે. આવો છંદ, લખનાર કવિની કોઈ ભાવમુદ્રા – વ્યક્તિત્વ અંકિત કરતો નથી એમ કોઈને લાગે તો એકદમ નકારી શકાય તેમ નથી. ‘છંદોલય'માં શિખરિણીનો સુપેરે વિનિયોગ થયો છે, ને ‘ખંડશિખરિણી'માં કાન્ત, ન્હાનાલાલ, દેશળજી, ઉમાશંકર, પ્રહ્લાદના પ્રશિષ્ટ વૃત્તિવાળા ખંડશિખરિણીના તે વારસદાર જણાય છે. મને અહીં એમ ઉમેરવાનું પણ મન થાય છે કે અનુગાંધીયુગમાં કોઈ એક છંદ ‘ખંડ’ અવસ્થામાંય ટકી રહ્યો હોય તો તે ખંશિખરિણી જ છે જેનો અદ્યાપિ આદર્શ તો કાન્તનું ‘ઉદ્ગાર’ કાવ્ય જ રહ્યું છે. એટલે જ મને એમ કહેવાનું મન થાય છે કે અનુગાંધીયુગમાં ઠાકોર નહીં, પણ કાન્તની ‘નરી કમનીયતા' જ આપણા છંદોનો આદર્શ રહ્યો છે. અહીં હું શિખરિણીની અદ્યાવિધ આવી લોકપ્રિયતાનાં કારણમાં થોડોક ઊતરીશ. એ આપણા ગુજરાતીના લોહીનો નિજી છંદ બન્યો તેની પાછળ કયાં કારણો હશે? શું સંસ્કૃત પ્રશિષ્ટ કાવ્યો જેવાં કે પુષ્પદંતના ‘શિવહિમ્ન: સ્તોત્રનો ગંભીર ઘોષ, પંડિત જગન્નાથની ‘गंगालहरी’નો મૃદુ લય આપણને ગળથૂથીમાં મળ્યો હશે, એ કારણ હશે? કે ભવભૂતિનાં નાટકોના પ્રૌઢ શિખરિણીનો લય લોહીમાં ઊતર્યો હશે કે પાઠ્યપુસ્તકોમાં આવતા નર્મદના ‘કબીરવડ’નો શિખરિણી હશે કે ન્હાનાલાલના સ્તુતિઅષ્ટક ‘પ્રભો અંતર્યામી'વાળો શિખરિણી હશે? બાળાશંકરનો સૌંદર્યમંડિત શિખરિણી હશે કે કાન્તના ‘ઉપહાર'નો કમનીય શિખરિણી હશે? સુન્દરમ્નાં ‘બુદ્ધનાં ચક્ષુ'નો કે ‘ત્રિમૂર્તિ’કાવ્યનો શિખરિણી હશે કે ઉમાશંકરના પ્રૌઢપરિપક્વ એવા ‘રહ્યાં વર્ષો તેમાં' સૉનેટદ્વયનો શિખરિણી હશે? કે પછી આ બધાંનું ઝીણું ઝરણ ઝમ્યું હશે આપણી સમગ્ર સર્જક ચેતનામાં? લોહીમાં? શું હશે? એમ બને કે આ બધાનો સૂક્ષ્મ સંસ્કાર આપણા ચિત્તમાં આ બધી પેઢીઓ દ્વારા સ્થિર થયો હોય. ચાલો, આપણે થોડુંક એનું સ્વરૂપ તપાસીએ. પ્રો. ઠાકોરે અજમાવી જોવા કહેલા ગણમેળ છંદો ૧૧ શ્રુતિથી તે ૨૧ શ્રુતિ સુધીના છે. તેમાં કવિને મુક્તપણે બોલવામાં મિશ્રોપજાતિનું પંક્તિમાપ કંઈક ટૂંકું પડ્યું હોય એમ બને. ખુદ વસંતતિલકાને પંદર શ્રુતિનો કરવાનું વલણ વસંતમૃદંગ જેવા પ્રયોગમાં જોઈ શકાશે. બીજી બાજુ ૧૯, ૨૧ શ્રુતિઓ વધુ લાંબી પડી હોય, એટલે છેવટે આપણી મધ્યમમાર્ગીય પ્રજા દ્વારા ૧૭ અક્ષરના ગણમેળ છંદો - જેવા કે મંદાક્રાન્તા, શિખરિણી, હરિણી અને પૃથ્વી વધુ ખેડાયા હોય. આમાં મંદાક્રાન્તાના બંધારણમાં પ્રથમ ચાર શ્રુતિઓ સાથેલાગી ગુરુ અને ત્યાર પછી પછીની પાંચ શ્રુતિઓ સાથેલાગી લઘુ હોવાથી ગુજરાતી કવિતાની વધુ કુદરતી બોલચાલની પસંદગી કરતી ચાલને અનુકૂળ લાગી નથી, અસ્વાભાવિક પણ લાગી હોય. હરિણીમાં પ્રથમ દશ શ્રુતિઓ મંદાક્રાન્તાથી ઊલટાસૂલટી રીતે આવે છે એટલે હરિણીનો લય પણ સ્વાભાવિક વાણીથી ઊલટો લાગ્યો હોય એમ બને. પૃથ્વી શા માટે પાછળથી ઉવેખાયો હશે એ પૂરું સમજાતું નથી, કદાચ એની ઠાકોરશાઈ બરછટતાની છાપ નડી હોય. હવે રહે છે માત્ર શિખરિણી. અને શિખરિણીનું બંધારણ આપણી વાણીની સ્વાભાવિક ચાલને પ્રતિકૂળ નથી લાગતું. પંક્તિના આરંભે પ્રથમ શ્રુતિ લઘુ સાચવ્યા પછી પાંચ શ્રુતિઓ ગુરુ આવે છે અને એમ ‘ય’ અને ‘મ’ ગણ બને છે જે લહેકામાં થોડોક આરોહ રચી આપે છે. પછીથી આવતી પાંચ લઘુ શ્રુતિઓ ઉચ્ચારવામાં અવરોહ - ઢાળ અનુભવાય છે. પરિણામે શિખરિણીનો લયગ્રાફ ઢોળાવ ચડીને ઊતરવા જેવો આકારાય છે. આરંભે શ્વાસ ચડ્યો હોય તેને અવરોહમાં અનુકૂળતા મળે છે; ત્યાર પછી પણ ગણવૈવિધ્યને કારણે એકસૂરીલાપણાથી બચી જવાય છે. ય, મ, ન, સ, ભ લગા-માં આકારાયેલા ૧૭ અક્ષરોમાં શિખરિણીમાં શિખર-આરોહણ ને અવરોહણ અને પછી થોડુંક તળેટીમાં સમથળ ચાલવાની ગતિ આકારાયાં હોઈ ‘શિખરિણી’ નામ સાર્થક થાય છે. પરિણામે શિખરિણીની યાત્રા ગમે છે. એટલે જ યુગેયુગના પલટાતા ભાવોને ઝીલવા એ સક્ષમ બન્યો છે. ગુજરાતી ભાષામાં એ દોઢસોએક વર્ષથી સતત વિકાસશીલ રીતે ચાલુ રહ્યો છે છેક આજ સુધી. સૉનેટ પૂરતું કહું તો સંખ્યાની દૃષ્ટિએ સૌથી વધુ સૉનેટો શિખરિણીમાં હોવાનો સંભવ છે. કવિ એક રગે ચડી ગુજરાતી શ્વાસોચ્છ્વાસને અનુકૂળ એવા આ શિખરિણીમાં અનેકાનેક ભાવચ્છવિ અવતારે છે એને લપટી લઢણ નહીં કહી શકાય; નહીં તો આધુનિક વિપુલ અછાંદસી કવિતામાંય આવી લપટી લઢણના દોષનું આરોપણ કરવા વારો આવશે. બીજી પણ એક તપાસના અંતે એમ જણાયું છે કે ઠાકોરના હાથમાંથી મુક્ત થતાં સૉનેટ સ્વરૂપ સુઘડતાનો સંસ્કાર પામ્યું છે, એ કેવળ અર્થપ્રધાન લિરિક રહ્યું નથી; પણ અનુગાંધીયુગના સુઘડ કવિઓને હાથે તે સુવૃત્ત પણ બન્યું છે; ને આમ તે સુકવિતા રહીને જ અઘતન નવા સંસ્કારો ઝીલવા પ્રવૃત્ત થયું છે. અનુગાંધીયુગના સુછાંદસી કવિતાના ગાળામાં પ્રગટ થયેલા કાવ્યસંગ્રહોમાં અન્ય ગણમેળ છંદોની સાથે શિખરિણીની સ્વાભાવિક પ્રચુરતા છે તો બીજા અછાંદસ ગાળામાં એ એકલો જ ટકી રહ્યો હોય તેવો ગણમેળ છંદ જોવા મળે છે! અનુગાંધીયુગના સુછાંદસી કવિતાના ગાળામાં નિરંજન ઉપરાંત, બાલમુકુન્દ, ઉશનસ્, જયંત પાઠક, હરીન્દ્ર, સુરેશ દલાલ, પ્રજારામ વગેરેમાં તે સહજ જોવા મળશે, અરે, આંખે વળગશે, અને બીજા અછાંદસ ગાળામાં લાભશંકર, સિતાંશુ, જગદીશ ઉપરાંત આદિલના ‘પગરવ'માં, રાવજીના ‘અંગત’માં, ચિનુના ‘ઊર્ણનાભ’માં, રામચંદ્ર પટેલની ‘મારી અનાગસિ ૠતુ’માં, પ્રબોધ જોશીના ‘મારે નામ આપવું બાકી છે!'માં એ અવનવે રૂપે નવીનવી ક્ષમતાએ દેખા દે છે. એને કવિને પડેલી કેવળ એક લપટી ટેવ માત્ર ગણી કાઢવાનું મન થતું નથી; પણ શ્રી રઘુવીરે મારા ‘સ્પંદ અને છંદ’ની પ્રસ્તાવનામાં જે તારણ કાઢ્યું છે તેને જ હું તો અહીં ટાંકીશ : ‘સંસ્કૃત વૃત્તોની સિદ્ધ થયેલી પ્રવાહિતામાં પણ હજી આગળ વધવાની શક્યતાઓ છે એ સૂચવવાની જવાબદારી ઉશનસે છોડી નથી; શિખરિણી લખીને ‘જૂના' બની જવાના જોખમને એ ઓળંગી જશે. (પૃ. ૩) કાવ્યસ્વરૂપોની રૂઢતાની બાબતમાં તે ‘અરૂઢ પદાવલી' અને ‘મોકળાશથી પ્રગટતી લાગણીઓ'ને આજના કવિની ખાસિયત તરીકે ગણાવી આમ સમાપન કરે છે : 'બાહ્ય પરિવર્તન વિનાનો વિકાસ કંઈ ઓછા ગૌરવનો અધિકારી નથી.' (પૃ. ૭) શિખરિણીએ જુદા જુદા શક્તિશાળી કવિઓને હાથે જુદી જુદી છટા-મુદ્રા ધારણ કરી છે તેનો આસ્વાદ ખરેખર આનંદપ્રદ છે. બાળાશંકરનાં ક્લાન્ત કવિ'નો સૌંદર્યમંડિત જરાક છાક-કેફવાળો, કાન્તના ‘ઉપહાર’નો ને ‘ઉદ્ગાર’નો નર્યો કમનીય, સુન્દરમ્-ઉમાશંકરનો પરિપક્વ, ‘શેષ’નો ‘ઉસ્તાદને’ તથા ‘ઉમામમહેશ્વર’માંનો વાતચીતિયા છટાવાળો, નિરંજનની ‘જાગૃતિ’નો લયદક્ષતાવાળો, આ બધા પછીય આધુનિક કવિતા પ્રવૃત્તિમાં નર્યો નિખાલસ-નિરાડંબર વિશ્રબ્ધ સાદગીપૂર્ણ અને આપણા નગરજીવનના કઠોરભાવના પ્રત્યાઘાતે ગ્રામ-ગોપ-વન્ય-આદિમ-જીવનના, પ્રેમના અનાવૃત ભાવવિવરણ માટેનો એમ. કેટકેટલી ભાવચ્છાયાને વ્યક્ત કરવા તે મથ્યો છે! કહો કે આ શિખરિણી છંદ જ આજની અદ્યતન કવિતાના સમુદ્રમાં ભૂશિરની માફક માથું લંબાવીને પડ્યો છે કશાક ગયા યુગના કાવ્યક્ષમ સુચારુ એવા તત્ત્વનું અનુસંધાન ચાલુ રાખવા માટે, જેથી આ આખો યુગ જ ‘જાગતિક વિસ્તૃષ્ણા’રૂપ જ ન ગણાઈ જાય તે જોવાનું કામ જાણે એને માથે આવી પડ્યું છે; એવા ભાવોનું એ આજેય પ્રતિનિધિત્વ કરે છે. અને જાણે કે એને માથે જાણ્યેઅજાણ્યે એવી જવાબદારીય આવી પડી છે કે કોઈ વાર અતિઅછાંદસતાની પ્રજાને સૂગ ચડે ત્યારે અને છંદો તરફ વળવાનું પાછું મન થાય ત્યારે એને આધારે-આધારે પાછા પિંગળના સુચારુ શિસ્તમાં પાછા આવી શકાય એ માર્ગ ખુલ્લો રાખવો. આમ એક રીતે આ શિખરિણી છંદ અદ્યતન ભાવોને પોતાના લયમાં વ્યક્ત કરવા મથતો લાગે છે તો બીજી રીતે તે વીતી ગયેલા યુગનું પ્રતિનિધાન પણ ચાલુ રાખે છે; એટલું જ નહીં, આગામી સંભવિત એવી અતિઅછાંદસી પરિસ્થિતિમાંથી સહીસલામત ટાપુ ઉપર પાછા વળવાનો તરણોપાય પણ બનવાની ક્ષમતા ધરાવે છે. સમગ્રપણે હવે આપણે આ સ્થળેથી શિખરિણી જે બેત્રણ પ્રમુખ છટાઓ ખીલવે છે તેની નોંધ લઈશું. એક છે નિરંજનની ‘જાગૃતિ'નો શિખરિણી, જેની ટૂંકી તપાસ આપણે ઉપર કરી છે. કદાચ ખુદ નિરંજનને એ અતિછાક બીજી વાર ગમ્યો નથી. એમના બીજા શિખરિણી આવા અતિછાકથી મુક્ત છે તે જોઈ શકાય. આ ‘જાગૃતિ'ના શિખરિણીમાં નિરંજનની છંદોદક્ષતાથી અતિક્રમી જઈને નિરંજનના વ્યક્તિત્વની કશી છાપ ઊઠતી નથી; અને છંદો દક્ષતા કરતાં કવિની ભાવમુદ્રાના વાહક બનવા જોઈએ તે તરફ નવી કવિતાની ગતિ છે એટલે ત્યાર પછી કોઈ બીજા કવિએ આવું કેવળ છંદોદાક્ષિણ્ય તાક્યું નથી તે નોંધપાત્ર છે. પછી તે કૃતિ સૉનેટ હોય કે ના હોય, તોપણ. આપણે કેટલાક આવા પ્રતિનિધિરૂપ શિખરિણીને તપાસીએ, માણીએ. શ્રી લાભશંકર ઠાકરના કાવ્યસંગ્રહ 'વહી જતી પાછળ રમ્યઘોષા' ૧૯૬૫માં પ્રગટ થાય છે તેમાં તેમનો ઉત્તમ સુચારુ પ્રશિષ્ટ છંદ તો મિશ્રોપજાતિ છે; પણ એક કૃતિ ‘ચક્રપથ' પૃ. ૨૩, ૨૪, ૨૫ ઉપર છે તે શિખરિણીમાં છે. રોજિદા જીવનના યાંત્રિક એકધારા ઢસરડાની ગતિવિધિ એમાં પ્રગટ કરવાનો જે ઉપક્રમ છે તેમાં તે ઠીક ઠીક સફળ થયા છે. કવિએ આ કૃતિમાં શિખરિણીને થોડોક અત્રતત્ર ખંડ કે અભ્યસ્ત કર્યો છે, પણ બહુધા એ અખંડપણે વહે છે. પ્રથમ પંક્તિનો ઉઘાડ જ તરત આ અનુભૂતિને અંકિત કરી આપે છે :
ઘરેડુ ને સૂકો નિજ જીવનનો ચક્રપથ આ
(પૃ. ૨૩)
આ કૃતિના ટીકાકાર શ્રી જયંત પંડ્યા લખે છે : “આ બધી લીલા ખંડ અભ્યસ્ત શિખરણીમાં યોજાઈ છે. દેહ-મનના વેરાયેલા કણો અને તેને ગ્રથિત કરવાનો પેલા ઝરણનો તરફડાટ, વેરાયેલા શિખરિણી ખંડોમાંથી પામી જઈએ એવું કૌશલ એ સુખદ અકસ્માત હોય અથવા કવિની સ્થાપત્યસૂઝ પણ હોઈ શકે. (પૃ. ૯૮) ‘શુષ્ક ઘરેડ઼તા છતી કરવામાં એક ઉપકરણ તરીકે છંદ પણ કાવ્યની મદદે આવ્યો છે. (પૃ. ૯૭). આદિલનો કાવ્યસંગ્રહ ‘પગરવ' (૧૯૬૬) આમ તો નૂતન ગઝલના પ્રયોગોથી ધ્યાન ખેંચે છે; પણ આખા સંગ્રહમાં એક સૉનેટ (પૃ. ૮૮) પણ છે ને તે શિખરિણીમાં છે! શીર્ષક છે બળેલાં ખંડેરે' :
બળેલાં ખંડેરે મૃત સમયનું પ્રેત ભટકે,
સૂકેલાં વૃક્ષોથી તિમિરનભના હાથ લટકે
– વગેરે
(પૃ. ૨૩)
સાવ સાદી ચાલમાં ચાલતો, પિંગળનું બરાબર શિસ્ત પાળતો ને પંક્તિને અંતે યતિ તથા પ્રાસ જાળવતો આ શિખરિણી છે! છ, છ, ને પાંચ શ્રુતિનાં ચોસલાં બરાબર કંડારાયાં છે! પ્રવાહી પદ્યની કશીય ઝંખના નથી જાણે. એવી છંદની ગતિ છે; અને છતાં આ નૂતન કવિની કૃતિ છે! એમાં વીતેલા યુગની ભાવાનુકૂળતા ને સાદગી પણ છે, જે હૃદયને તરત સ્પર્શી જાય છે :
લપાતી છાયાઓ સમયવનમાં સાદ દઈને
મને એ બોલાવે ગતજનમનું નામ લઈને.
છંદ સાંભળીએ તો તરત કાન્ત યાદ આવે. ક્યાંય લઘુગુરુની જાણે છૂટ લેવામાં નથી આવી. કાન્ત પણ ખુશ થાય એવું છંદોવિધાન છે. હવે રાવજીનું ‘અંગત' (૧૯૭૧) જોઈએ. પૃ. ૧૦ ઉપ૨ ‘ભાઈ', પૃ. ૧૮ ઉપર ‘એક મધ્ય રાત્રે', પૃ. ૨૩ ઉપ૨ “બસસ્ટેન્ડ પર રાત્રે', પૃ. ૪૧ ઉપર ‘શયનવેળાએ પ્રેયસી’ આમ ચારેક કૃતિઓ શિખરિણીમાં છે ને તે સૉનેટની ટેવે આવેલો છંદ નથી; કારણ કે એ કૃતિઓ સૉનેટ થવા મથતી નથી. આ કૃતિઓનો શિખરિણી કંઈક આદિલ જેવો છે; એ આપણને સ્પર્શી જાય છે નરી ઋજુ વાણીથી. આમ નરી ૠજુ વાણીને નિરાડંબર, નિખાલસ પ્રેમભરી વાણીને આપણે નૂતન કવિતાનું જ લક્ષણ ગણીશું. આદિલમાં નથી તે રાવજીમાં છે તે લક્ષણ તે ધરતીની તાજી ગંધ,[1] ને કંઈક કલાપીનું અનુસંધાન હોય તેવું તત્ત્વ, જેમ કે :
નવા દુર્વાંકુરો ફટફટ થતા, સ્હેજ ચમક્યું
સૂતેલી પત્નીનું શરીર; ઝબક્યો હુંય, પરખી.
જરા મેં પંપાળી પ્રથમ. ઉર મારુંય છલક્યું.
વીતેલાં વર્ષોમાં કદીય નવ ચાહી પણ તને.
સ્તનોનાં પુષ્પોમાં શરમ છૂપવીને રડી પડ્યો.
(પૃ. ૧૮)
અલબત્ત, અહીં આદિલના પિંગળની અનવદ્ય શુદ્ધિવાળું પદ્ય નથી; પણ નિખાલસતા ને ‘સ્તનોનાં પુષ્પો' જેવી નરી સ્વાભાવિક ઋજુતાથી તે આપણને સ્પર્શી જાય છે અવશ્ય, જે રાવજી તથા નવી કવિતાનું એક પ્રમુખ લક્ષણ છે. ચિનુ મોદીના ‘ઊર્ણનાભ’(૧૯૭૪)માં ઘણીબધી શિખરિણી વૃત્તની સૉનેટ અથવા ઇતર રચનાઓ છે. સંગ્રહમાં પૃષ્ઠસંખ્યા છાપી જ નથી! પણ શીર્ષક છે, ‘દર્દીની શુશ્રૂષામાં રાત' :
ભરાયે આંખોમાં ગુલબી ગુલબી ઊંઘ નહિ, તે
ભરું ખાલી આંખે :
આમાં ‘ગુલાબી ગુલાબી' છંદમાં મધ્યે બેસતું નથી તેથી ‘ગુલબી ગુલબી’ એમ કરવું પડ્યું છે તે જોઈ શકાશે. આદિલ, રાવજીના શિખરિણી કરતાં ચિનુનો શિખરિણી વધુ સંકુલ ભાવોમાં પ્રવર્તે છે તેથી જ આ નિર્વાહ્ય ગણાય; વળી કૌંસનો ઉપયોગ પણ આ સંકુલતાને સંકેતે છે. પછી ચિનુનો શિખરિણી જ્યાં પુખ્ત બનતો આવે છે ત્યાં તો એ છંદ છોડી જ દે છે! પણ ચિત્તુની ચિત્તમુદ્રા ઝીલતો છંદ તો શિખરિણી જ છે એ નક્કી; આધુનિક ગુજરાતી કવિતામાં સર્રિયલ કવિતાની આગેવાની સંભાળનાર કવિ શ્રી સિતાંશુ યશશ્ચંદ્રના ઓડિસ્યુસનું હલેસું' (૧૯૭૪)ના ૪૫મા પૃષ્ઠ ઉપર એક શિખરિણીકૃતિ છે આખા સંગ્રહમાં એક કે બે છાંદસ કૃતિઓ છે તેમાંની એક ‘ફરી ચાલવું’. આ કૃતિની સુયિલ અનુભૂતિ પ્રગટાવવા તરફ ગતિ છે તે જોઈ શકાશે, છતાં એ પણ જોઈ શકાશે કે છંદની બાની પ્રશિષ્ટ કક્ષાની છે ને છંદ પોતે પણ પ્રશિષ્ટ કક્ષાએ ટકી રહેવા મથી રહ્યો છે :
પડેલાં પર્ણોના સમૂહ મહીં વાયુ હીબકતો,
ભુલાયેલી કોઈ ત્રુટિત લિપિમાં વાક્ય લખતો,
ભુલાયેલા અર્થો અગમ બનતાં વાક્ય ભૂંસતો.
(પૃ. ૪૫)
સ્વ. કવિશ્રી જગદીશ જોશીમાં પણ શિખરિણી કવિના વ્યક્તિત્વનો વાચક બનવા મથે છે. છેક ૧૯૭૭માં રામચંદ્ર બ. પટેલ ‘સુક્રિત'નો કાવ્યસંગ્રહ ‘મારી અનાગસિ ઋતુ' પ્રગટ થાય છે. આ સંગ્રહની પ્રમુખ છાપ પેસ્ટોરલ – ગ્રામગોપજીવનની, રાવજી શાખાની છે; એનો સૂર નૉસ્ટાલ્જિક છે, એને કવિ શિખરિણીના લયમાં પક્ડવા મથે છે. મને લાગે છે કે આવા નૉસ્ટાલ્જિક ગોપભાવો, પ્રણયભાવો અને કુટુંબભાવોને શિખરિણી પોતાના લયમાં ઠીક રીતે ઝીલવા મથે છે. પૃ. ૩૭ ઉપર કૃતિ છે થઈ હું'. તેની બાની જુઓ :
ભલું પો ફાટે ને ઝડપ દઈ ઊઠી ભળકડું
ભરી લૈ આંખોમાં હરખભર હું ખેતર મહીં
પહોંચી કૂવાનું હીરણરૂપ ખેંચી ખિલખિલ...
મને મારો પ્રણયકાવ્યોનો, વનકાવ્યોનો, ગૃહકાવ્યોનો શિખરિણી તરત યાદ આવે છે. એની પણ તપાસ કરવી ગમે. પણ મારે માટે તે અનુચિત છે એમ ગણી અટકું છું. છેક ૧૯૭૮માં પ્રગટ થયેલા શ્રી પ્રબોધ જોશીના મારે કોઈ નામ આપવું બાકી છે' કાવ્યસંગ્રહમાં ‘પત્ર' (પૃ. ૨૦), ‘હશે ધાર્યું’ (પૃ. ૨૫) ‘કેટલાં કાવ્યો નોંધું? જ્યાં છંદરચના છે તો તે શિખરિણીમાં છે. એના ઉપરણામાં મેં ભાઈ પ્રબોધની અને એ રીતે નવી કવિતાની ભાવભંગિની ક્ષમતા ધરાવતા શિખરિણીનો ઉલ્લેખ કર્યો જ છે. એટલે હજી મને એમ લાગે છે કે શિખરિણી અવનવો અવતાર ધારણ કરીને અછાંદસના પૂર વચ્ચેય ટકી રહેશે. પોતે પોતાની આંતરબાહ્ય કાયાપલટ કાયાકલ્પ કરી કરીનેય ટકી રહેશે, એવી શ્રદ્ધા જન્માવે છે. છેક હમણાં જ, પ્રગટ થયેલા ભાઈ સુરેશ દલાલના છેલ્લા કાવ્યસંગ્રહ ‘પિરામિડ'માં પણ તે દેખા દે છે! મુંબઈની અર્બન બીજા પ્રવાલદ્વીપની મુંબઈગરી નિર્ભ્રાન્ત ચેતના વચ્ચેય. પૃ. ૧૩, ૧૪, ૧૫, ૧૬ એ ચાર પૃષ્ઠોમાં ૧૯૭૧થી ૧૯૭૨ની તારીખવાળી રચનાઓમાં એ એકમાત્ર ગણમેળ છંદ ટક્યો છે, અલબત્ત, સૉનેટોમાં મુંબઈગરી અર્બન ચેતના વચ્ચે પણ અરવિંદની સમાધિ પાસે' નામની કૃતિ પણ છે. અનુગાંધીયુગની અદ્યાવધિ શિખરિણી કવિતાપ્રવૃત્તિનું કંઈક આવું વર્ગીકરણ કરી શકાશે :
અનુગાંધીયુગની સુછાંદસી કવિતાપ્રવૃત્તિમાંના કેટલાક કવિઓ અનુગામી અછાંદસી ગાળામાં ઉપર દર્શાવેલી વિવિધ શાખાઓના શિખરિણી અજમાવતા જોઈ શકાશે. કવિ જે શાખાનો શિખરિણી હાથ ઉપર લે છે કે તરત જ એને અનુવર્તી એવી બાની એને હસ્તગત થાય છે ને તે તે શાખાની તે નીપજ બની રહે છે. ક્યારેક ગોપ-ગ્રામકૃષિ, કુટુંબ-વનભાવોની સંકુલ સંસૃષ્ટિરૂપ પણ પરિણામ આવે છે જેની શબલિતતા આસ્વાદ્ય બની રહે છે. કેવું લાગે છે આ બધું? શું તારવીશું આ ઉપરથી? શું શિખરિણી છંદ આપણી પ્રતિભાને પડી ગયેલી કોઈ એક લપટી ટેવ છે? કે કોઈ એક મૂડમાં હોઈએ, તો એક જ છંદની લઢણે ચડી જવાય છે? કે પછી નવી ને સંપૂર્ણ આધુનિકતામાં આપણને પૂરી શ્રદ્ધા નથી? કે પછી આપણી કેટલીક ધડકનો નગરચેતના વચ્ચેય હજી જૂની રીતે જ ધડકે છે? શિખરિણી છંદ એ સૉનેટને લીધે જ ટક્યો છે? કે એક વાર શિખરિણી છંદ હાથમાં લીધો કે જૂની બાની, લઢણો, અલંકારો બધો એનો સંસાર આપણને વળગે છે, એવું છે? શું છે આ બધું? આમ આપણે અનુગાંધીયુગના સુછાંદસી કવિતા તથા અછાંદસી કવિતા એમ બંને ગાળાના પ્રમુખ કવિઓની વિશિષ્ટ શિખરિણી કૃતિઓ નમૂના રૂપે જોઈ, તપાસી છે. અને એકંદર આમ તારવણી કરવાનું મન થાય છે ઃ આ છંદ બંને છેડાનું ‘અતિ' વર્જ્ય ગણનાર ડાહી એવી મધ્યમમાર્ગી ગુજરાતી સર્જકપ્રતિભાને વધુ અનુકૂળ આવ્યો છે. એને કોઈ લપટી ટેવ ગણવાને બદલે, પ્રજાનું સ્વભાવગત મધ્યમમાર્ગી વલણ કહી શકાશે. યુગે યુગે જે નવી અનુભૂતિઓ, વાદો, પ્રશ્નો આવ્યા ત્યારે તે તમામ છટાઓ પોતાનામાં ધારવા આ છંદે આંતરિક શક્તિ બતાવી છે. જરૂર પડી ત્યારે ખંડ, અભ્યસ્ત થઈ, બાનીમાં વાચેતનામાં, મોકળાશથી સમકાલીન લઢણો ઊપસાવી છે; પણ પોતાનું છાંદસ તત્ત્વ છોડ્યું નથી. પાછળથી નવાં ગીત ગઝલ “જે નૂતન કવિતા રૂપે જન્મ્યાં છે તેના બાહ્ય દેહમાં પણ જાતજાતના પ્રયોગો થતા રહ્યા છે; એવું શિખરિણી છંદમાં ઉદ્દંડપણે થયું નથી. ઊલટું એવું જોવા મળે છે કે શિખરિણી કશીક આમન્યા પાળે છે. કાન્ત જેવું કમનીય થવું, બાળાશંકર જેવું છકેલું થવું, આદિલ, રાવજી જેવું ઋજુ થવું, એ જ એનો અદ્યતન અભિગમ રહ્યો છે. પ્રણય-ગ્રામ-ગોપ-વનજીવનમાં પાછલા પગે આદિમતા સુધી જઈ રમમાણ થવું એ જેવું શિખરિણીમાં ફાવ્યું છે તેવું બીજા કોઈ એક છંદમાં કવિતાને ફાવ્યું નથી. કાં તો અછાંદસ અથવા તો શિખરિણી છંદ એ જ એનાં હૃદયવગાં સ્વાભાવિક અને સક્ષમ માધ્યમો છે. અંતમાં મારો આ નાનકડો ને નમ્ર શિખરિણીનો સ્વાધ્યાય આધુનિક અછાંદસતા વચ્ચે હજીય ઊંડો અભ્યાસ કરવા કોઈને વધુ પ્રેરશે તો એ રીતે આપણા યુગયુગના વિશિષ્ટ માધ્યમ એવા છંદોનો અંતરંગ, બહિરંગ અભ્યાસ કરવા કોઈને પ્રેરશે તો મને આનંદ થશે. ફરીથી આ વિદ્વદ્ભોગ્ય પદે આરૂઢ થવા આપે મને પસંદ કરી મને મારો સ્વાધ્યાય રજૂ કરવાની તક આપી ને આમ સહી લીધો તે માટે આપ સૌનો આભાર માની અહીં વિરમું છું. વલસાડ, ૨૫-૯-'૭૯
- ↑ આ જ શાખાનો કૃષિગંધી શિખરિણી શ્રી માધવ રામાનુજના ૧૯૭૨માં પ્રગટ થયેલા 'તમે'માં જોઈ શકાશે.