અધીત : પ્રમુખીય પ્રવચનો - ૩/દાખલા તરીકે, ટૂંકી વાર્તાની ભાષા – સુમન શાહ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૪. દાખલા તરીકે, ટૂંકી વાર્તાની ભાષા –
સુમન શાહ

આપણે સૌ ભાષા વડે, ભાષામાં જીવીએ છીએ. એ આપણાં જી-વ-નોની ધારક છે, આપણાં અસ્તિત્વોની ભૂમિકા છે : જરા વીગતે જોઈએ : એવું જરૂરી નથી કે હું ગુજરાતી છું એટલે મારે ગુજરાતી નામની નક્કી ભાષા વડે, એમાં જ જીવવું પડે. હું ગુજરાતી બોલું લખું વાંચું એ તો એક જોગાનુજોગ છે. હું સૂરતી કે ચરોતરી બોલી વાપરું એ પણ એવો જ જોગાનુજોગ છે. જીવવા માટે હું ફ્રૅન્ચ અંગ્રેજી કે હિંદી પણ વાપરી શકું. જીવવા કે વ્યક્ત થવા મને કશા નક્કી ભાષાતંત્રમાં જોતરાવાની કોઈ ફરજ પાડી શકે નહીં. બીજું, જીવવા માટે મારે શબ્દોની જ ભાષા વાપરવી પડે એવું પણ નથી. હું શબ્દો ઉપરાંત કે શબ્દો વિના, ઇશારાઓ ચેષ્ટાઓ અવાજો રંગો કપડાં ફૅશનો વગેરેનો ય ઉપયોગ કરી શકું – એ બધી ન-શબ્દ ભાષાઓ પણ વાપરું. જીવવા કે વ્યક્ત થવા મને એમાં જોડાતાં કોઈ રોકી શકતું નથી. ત્રીજું, એવું પણ નથી કે હું નગરમાં વસું છું અને ભણેલો છું માટે મારે અહર્નિશ શિષ્ટ માન્ય ગુજરાતી જ વાપરવી પડે. એ જ રીતે કોઈ અભણ ગ્રામવાસીને ય હમેશાં માત્ર પોતાની બોલી વડે, બોલીમાં જ જીવવાનું નથી હોતું. મને થાય, કે મારે બોલીમાં જવું છે, તો જઈ શકું. એ જ રીતે, પેલો ચાહે, તો કશો શિષ્ટ શબ્દ પણ પ્રયોજી શકે. કોઈ કોઈને રોકી ન શકે. ચોથું, મેં ઇશારાઓ વગેરે ન-શબ્દ ભાષાઓની વાત કરી. એમાં પણ હું મુક્ત છું : લાલ રંગ મને, ‘ન જવાય’ એમ સૂચવે, પણ મારે જવું હોય તો જઉં જ. સફેદ રંગ ‘શાંતિ’ બતાવે, કાળો રંગ ‘શોેક’. પણ હું સફેદથી ‘શોક’ દર્શાવું, કાળાથી ‘સૌંદર્ય’, વગેરે કરી શકું. વાત એમ છે કે જીવવા અને વ્યક્ત થવા હું એક નહીં પણ અનેક ભાષારૂપો પ્રયોજું છું – ક્યારેક તો એક જ પ્રસંગે હું શબ્દ અને ન-શબ્દ બંનેને એક્કી સાથે પ્રયોજું છું : જેમકે, હું વિદાય આપવા ‘આવજો’ શબ્દ બોલું છું, પણ સાથોસાથ, હથેળી અને સહેજ ડોકુંય હલાવી રહું છું. હું એક, કે અનેક ભાષાતંત્રોનો બધી જ વખતે અને પૂરેપૂરો ઉપયોગ કરું પણ ખરો, ન પણ કરું – તે તંત્રોને વશ રહું પણ ખરો, ન પણ રહું. એનો અર્થ એ થયો કે કોઈ પણ તંત્ર મને પર્યાપ્ત અને પૂર્ણરૂપે અસરકારક નથી લાગતું : ભાષા મારે મન સાધન છે, વળી, દોદળું સાધન છે. છતાં, મેં મને પ્રાપ્ત બધાં જ ભાષારૂપોમાં જીવવાની અને વ્યક્ત થવાની એક આગવી નિજી રીતિ, શૈલી, પદ્ધતિ ઉપજાવી લીધી છે – એટલે કે મને વ્યક્ત કરનારી એક વ્યક્તિ-ભાષા સરજી લીધી છે. એ વ્યક્તિભાષામાં ઉક્ત બધાં ભાષારૂપોની હરફર છે, બધાં તંત્રોની મદદ છે, છતાં, એ હંમેશાં સ્વ-તંત્રે છે : એ મારી છે, વ્યક્તિની છે, સૌની, સર્વસાધારણ નથી. જોવા જઈએ તો એ મારું સમગ્ર છે – મારું મારાપણું. એ જ મારી વ્યક્તિતા છે, મને જીવતાં જીવતાં લાધી છે. આ વિશ્વમાં મારા હોવાથી મારું જે વિશ્વ રચાયું, મારું જી-વ-ન-વિશ્વ, તેનું એ નિરંતરનું રસાયન છે – મારા સમગ્ર અસ્તિત્વનો એ લેપ છે. એ મારી સરજત છે, તો, એ પણ મને સરજ્યા કરે છે. એ છે તેથી હું છું, હું છું તેથી એ છે અને ત્યાં સુધી જ છે. હું એમાં, એ વડે જીવું છું – હું નથી તો એ પણ નથી. મારી વ્યક્તિભાષા અને હું હરદમ સાથે છીએ. સાહિત્યકલાનો વિષય છે માણસ. પણ કયો માણસ? વડોદરા-અમદાવાદનો ગુજરાતી? કૂકડ ગામનો ગુજરાતી? ગુજરાતી કે ભારતીય? ભારતીય કે હિન્દુ? કે પછી, માત્ર માણસ? જવાબ ચોખ્ખો છે કે ધરતી પર વસતો કોઈપણ માનવબાળ સાહિત્યનો વિષય છે. નગરનો ગામડાનો ભારતીય હિન્દુ વગેરે તો એનાં સર્વસાધારણ રૂપો છે, ઉપરઉપરની ઓળખ આપતાં લેબલો છે, એના આગવા મનુષ્યત્વ પરનાં આવરણો છે. સાચા કલાકારનું કામ એને આ બધી સર્વસાધારણતામાં જોવાનું કે નિરૂપવાનું નથી. એનું કામ તો આ તમામ આવરણોની ગર્ભિતે જીવતા નર્યા માણસને શોધવાનું છે. એવી શોધ થાય અને જે માણસ મળે તે એની વ્યક્તિભાષા સમેતનો, જી-વ-ન-વિશ્વ સમેતનો ખરો માણસ છે. એવો ખરો માણસ જીવન જીવતો અને જીવન વડે જિવાતો માણસ સાહિત્યકલાનો વિષય છે. આ ખરા માણસનું સાહિત્ય રચવું એ મોટો પડકાર છે : નરી કટોકટી છે : વ્યક્તિભાષાનું, જી-વ-ન-વિશ્વનું એક તરફ આગવાપણું છે, તો બીજી તરફ ગુજરાતી નામની ભાષાનું સર્વસાધારણપણું છે. બેનો મેળ શી રીતે પાડવો? નર્યું ટૅન્શન છે : માણસ નામનું નકરું સત્‌ – એને ભાષા નામના તંત્રથી પકડવો ને રજૂ કરવો, બહુ કઠિન કામ છે. વળી, માણસ સ્વ-તંત્રે છે, જ્યારે સાહિત્યની ભાષા, માત્ર ભાષાતંત્રે નથી, તેનું સાહિત્યતંત્ર છે, કલાતંત્ર પણ છે. માણસ નામનું ચૈતન્ય અને ભાષા નામનું તંત્ર : બંને વચ્ચેની આ પાયાની કટોકટી, આ પાયાનું ટૅન્શન, સર્જક માત્ર અનુભવે છે – કદાચ, તેની સર્જક તરીકેની આત્મઓળખ ત્યાંથી શરૂ થાય છે. જોકે આ કટોકટીનો નાશ કરાય છે : બે રીતે : કાં તો વ્યક્તિભાષામાં જીવતા ખરા માણસને રજૂ કરવાની વાતને ભૂલી જવી. સરેરાશ સર્વસાધારણ વર્ગપ્રતિનિધિ નાગરિકને રજૂ કરવો. એમ કરવામાં મુશ્કેલી નથી, બલકે સરળતા છે. એવા માણસનું સાહિત્ય રચવામાં ભાષા અને સાહિત્યભાષા લાગલાં જ મદદે આવી પહોંચશે. અથવા તો, ખરા માણસને તેની વ્યક્તિભાષા સમેત, તેના જી-વ-ન-વિશ્વ સમેત રજૂ કરવાના આગ્રહને વળગી રહેવું. એ માટે ઘણું કરવું રહે: ભાષાને, સાહિત્યભાષાને ખોદવી પડે, તેનાં ગર્ભિત સામર્થ્યોને શોધવાં પડે. એમનાં તંત્રો રચાયાં હોય છે એમ એમની રૂઢિઓ ય પડી ગઈ હોય છે. એમાં કૃતકતાઓ ઘૂસી હોય છે. ‘શિષ્ટ’ ‘સર્જક’ ‘સાહિત્યિક’ વગેરે સમજો સ્થિર થઈ હોય છે. તો વળી, તે-તેની ફૉર્મ્યુલાઓ બની ગઈ હોય છે. એ રૂઢિઓ, એ કૃતકતાઓ, એ ફૉર્મ્યુલાઓને જાણી લેવી, તેમનું જરૂરી ઉલ્લંઘન કરવું અને એમ ભાષામાં પડેલી ભાષાના ખરાપણાને શોધી કાઢવું : ખરા માણસ માટે ખરી ભાષા પ્રગટાવવી : મોટો પડકાર છે, આ બીજી રીત. જોકે, આ વ્યાખ્યાનમાં હું ટૂંકીવાર્તાના દાખલાથી એમ સ્થાપિત કરવા ચાહું છું, કે માણસ અને તંત્ર વચ્ચેની આ કટોકટીનો કોઈ એક રીતે નાશ કરવામાં નહીં, પણ એ કટોકટીને ધારી રાખવામાં, તેનો વિમર્શ-પરામર્શ કરવામાં, તેનું સર્જનશીલ ચિંતન કરવામાં સર્જકની સાચી કસોેટી છે. કટોકટીના એવા નિરંતરના નિદિધ્યાસનથી એની સર્જકતા જે સર્જનફળ પામે છે, તે અનવદ્ય હોય છે – તેમાં માણસ અને તંત્ર બેયનું અભિન્ન રસાયન તરવરતું પ્રકાશે છે. ત્યારે માણસ પોતાનાં તમામ સાંસ્કૃતિક સામાજિક આવરણોથી વિમુક્ત, તેની પોતાની વ્યક્તિભાષામાં, તેના નિજી જી-વ-ન-વિશ્વમાં પ્રગટતો હોય છે. ત્યારે ભાષા પોતાનાં તમામ તાંત્રિક પ્રપંચોથી મુક્ત, પોતાની કહેવાતી સાહિત્યિકતાથી મુક્ત, અદૂષિત, નરી ભાષા હોય છે. બીજી રીતે એમ કહેવાય કે ત્યારે માણસ ઘટના હોય છે, ભાષા ઘટના હોય છે અને કૃતિ નામનું અનન્ય સર્જનફળ પણ ઘટના હોય છે, કહો કે એક ઇવેન્ટ.

ભાષા આપણાં જી-વ-નોની ધારક છે, આપણાં અસ્તિત્વોની ભૂમિકા છે. એ સત્ય પર ઊભા રહીને મેં કેટલાક વિચારો રજૂ કર્યા. પણ ભાષાને વિશેનું બીજું સત્ય એ છે કે એ આપણાં સાહિત્યોની ધારક છે, આપણાં સર્જનોની ભૂમિકા છે. આ બીજા સત્ય પરથી કેટલાક વિચારો રજૂ કરું. સાહિત્યને ભાષા ધારણ કરે એ માનવ-પુરુષાર્થની સંસારમાં નિશ્ચિત પરિપાટી સ્થપાયેલી છે – જેને, આપણે સાહિત્યકલા કહીએ છીએ. એ પુરુષાર્થનાં આવશ્યક પાસાં નક્કી થયેલાં છે : સર્જન અને ભાવન. એ પુરુષાર્થની રીતો પદ્ધતિઓ પણ ચોક્કસ થઈ ચૂકી છે – જેને, આપણે સાહિત્યપ્રકારો કહીએ છીએ. એનાં, આસ્વાદ અને મૂલ્યાંકનનાં ધોરણો પણ નક્કી થઈ ચૂક્યાં છે, એની ફિલસૂફી પણ થઈ છે – જેને આપણે સાહિત્યમીમાંસા ને આગળ વધીને કલામીમાંસા કહીએ છીએ. એનાં અધ્યયન-અધ્યાપન થાય છે – યુનિવર્સિટીઓમાં. એના કાર્યક્રમો રચાય છે – સાહિત્યસંસ્થાઓમાં. ટૂંકમાં, એક શિષ્ટ સંસ્થા રૂપે, એક સાંસ્કૃતિક પ્રવૃત્તિ રૂપે આ સુવિકસિત માનવપુરુષાર્થ સભ્યતામાં સ્થિર થયેલો છે. સંસ્થા છે એટલે લખનારે, વાંચનારે કે વિવેચન કરનારે સાહિત્યપદાર્થની દીક્ષા-શિક્ષા લેવી રહે છે, એના સંસ્કારોથી કેળવાવું પડે છે, એની રીતરસમોથી આચારસંહિતાથી હેવાવું-ટેવાવું પડે છે. સાહિત્યપદાર્થનું સંસ્થાકરણ આપણે ત્યાં નર્મદ-દલપતથી શરૂ થયું : એટલે કે મધ્યકાળમાં નહોતી તેવી, સાહિત્યકાર છું લેખક છું કવિ છું – પ્રકારની સભાનતા, મારે કશોક વિશિષ્ટ સાક્ષરધર્મ છે એવી સમજ, પંડિતયુગમાં એ સભાનતા એ સમજ વધારે ઘડાય છે – સુચિંતિત એવા સાક્ષરજીવન સ્વરૂપે. એક તરફ સંસ્કૃત સાહિત્ય અને બીજી તરફ અંગ્રેજી સાહિત્ય – બેયમાંથી પ્રેરણા લઈને ગુજરાતી સાહિત્ય રચવાના એ અર્વાચીન અભિલાષનું પંડિતો વડે આદર્શીકરણ થાય છે. પરિણામે, સાહિત્ય ત્યારે પેલા વ્યક્તિભાષાથી અને જી-વ-ન-વિશ્વથી સૂચવાતા નકરા ખરા મનુષ્યને ‘વિશે’ નથી, પણ એવા મનુષ્યના ઊર્ધ્વારોહણને ‘માટે’ છે. એના જીવનની અસ્તિત્વશીલ અને વાસ્તવશીલ જીવનભાતોને ‘વિશે’ નથી, પરંતુ સુકલ્પિત ચીજો – આત્મોન્નતિ જીવનધ્યેય આદર્શો કર્તવ્યો – વગેરેને ‘માટે’ છે. કહો કે, સાહિત્ય જીવન ‘વિશે’ નથી, જીવન ‘માટે’ છે. પરિણામે, ત્યારે સાહિત્યનું માધ્યમ ભાષા પણ શિષ્ટ છે, સાહિત્યિક છે – એ, માણસ વડે જિવાતી રોજિંદા વ્યવહારની વપરાશી ભાષા નથી. એ એટલી તો શિષ્ટ અને શિષ્ટમાન્ય છે કે એનો માણસની પેલી વ્યક્તિભાષા જોડે કશો અનુબંધ વરતાતો નથી, બલકે એ ભાષાનું અને એ વડે રચાયેલા સાહિત્યનું સંક્રમણ વ્યાપક નથી બનતું – સીમિત વર્તુળ પૂરતું રહી જાય છે. પરિણામે, સાહિત્ય કોને માટે –? – પ્રકારનો એમાંથી પાયાનો પ્રશ્ન પ્રગટે છે. ત્યારે ભાષાને વિશેના બીજા સત્યની પ્રતીતિ જરૂર થાય છે : એમ, કે શિષ્ટ સ્તરની ભાષા આદર્શ કોટિના સાહિત્ય-અભિલાષની ધારક અને એવા ઉચ્ચાશયી સર્જનોની ભૂમિકા જરૂર થઈ છે. પરંતુ તે જ વખતે આપણને એમ પણ થાય છે કે ભાષાને વિશેના પહેલા સત્યનું વિસ્મરણ થયું છે : ભાષા આપણાં જી-વ-નોની ધારક છે, અસ્તિત્વોની ભૂમિકા છે એ પહેલા સત્યને સાહિત્યકારો વીસરી ગયા છે. એમના સર્જન-પુરુષાર્થમાં ભાષા આગળ થઈ હોય છે, જીવન પાછળ રહી ગયું હોય છે. એમણે પોતાના સાહિત્ય-અભિલાષને આકારવા અમુકતમુક ભાષિક અને સાહિત્યિક ક્ષમતાઓનો તાગ જરૂર કાઢ્યો હોય છે, પરંતુ મનુષ્યની અસ્તિત્વશીલ સંકુલતાઓના તાગ કાઢવાનું તેમનાથી બન્યું હોતું નથી. સુચિંતિત આદર્શો વડે તેમના સર્જનનું નિયંત્રણ થતું હોય છે તેથી, શું ભાષાની કે શું મનુષ્યની નકરી વાસ્તવિકતાઓની જાણ્યે-અજાણ્યે ઉપેક્ષા થતી હોય છે. વૈચિત્ર્ય તો એવું રચાય છે કે જીવન અને જીવનોદ્ધારને માટેની એમની સાહિત્યસાધના પોતાના સાધ્યને વીસરીને વિશેષ તો સાહિત્ય અને સાહિત્યોદ્ધારની બહુધા બૌદ્ધિક પ્રવૃત્તિ બની રહે છે. આપણું પંડિતયુગનું સાહિત્ય આ વાતનું એક ચોક્કસ ઉદાહરણ છે. એ જીવનસાધક પંડિતો સાહિત્ય પોતાની દૃષ્ટિમતિ અનુસારનું જરૂર રચી શક્યા પણ તેના વ્યાપક સંક્રમણને માટેની ભાષા નિપજાવી શક્યા નહીં. એમણે સાહિત્યિક ભાષા જરૂર પ્રગટાવી, પણ તે જ તેમના પ્રસરણની આડે આવી. આખી વાત સૌથી વધુ કઠી હતી ગાંધીજીને. એ વાસ્તવદ્રષ્ટા જીવનસાધકને પંડિતોની શબ્દસૃષ્ટિ સમજાઈ નહોતી. એટલે એમણે કોશિયાને સમજાય તેવા ગીતને મિષે સાહિત્યના સુખદ અને વ્યાપક સંક્રમણની માંગ મૂકી હતી – કહો કે સાહિત્યને એમણે એવું સમધારણ કલ્પ્યું હતું : એટલે કે, ઊંચા આદર્શોના વાયુમંડળમાં ઝાકમઝોળ નહીં, પરંતુ ધરાની ધૂળમાટીના વાસ્તવનો ભેટો કરનારું. આપણું સુરેશ જોષી-પ્રમુખ આધુનિક સાહિત્ય જોતાં જુદું જ જણાશે કે ભાષા આપણાં જી-વ-નોની ધારક છે, સર્જનોની ભૂમિકા છે એ પહેલા સત્યની આપણા આધુનિકોને ઠીક ઠીક પ્રતીતિ હતી. પોતે સમાજસુધારક નથી, રાષ્ટ્રોદ્ધારક નથી, માત્ર સાહિત્યકાર છે, સર્જક કલાકાર છે એવી એમની સભાનતા હતી. અમારે કલાસર્જનધર્મ સિવાયનો કોઈ ધર્મ નથી એવી એમની સમજ હતી. સભાનતા અને સમજ બંને ઉત્તરોત્તર તીવ્ર બનેલાં : પોતે પંડિતોના ખયાલી જીવનસાધકોમાંનો નથી કે નથી પોતે ગાંધીજીના વાસ્તવ-લક્ષી જીવનસાધકોમાંનો – બલકે ઊલટું, પોતે જીવનસાધક છે જ નહીં, કલાસાધક છે. ગુજરાતી સાહિત્યના ઘડતરમાં સંસ્કૃત અને અંગ્રેજી સાહિત્યની બેવડી પ્રેરણાઓ તો હતી જ, તેમાં આધુનિકો વડે વિશ્વસાહિત્યની પ્રેરણા ઉમેરાય છે. એવા વ્યાપક પરિપ્રેક્ષ્યમાં આધુનિકો મનુષ્યને ગુજરાતી કે ભારતીય નહીં, પણ એક અસ્તિત્વ તરીકે ઘટાવે છે, તેની વ્યક્તિભાષાને, તેના જી-વ-ન-વિશ્વને લક્ષમાં લે છે. એમની એવી દૃષ્ટિમતિ વિશ્વસાહિત્ય અને તેને ધારણ કરનારી વ્યક્તિકેન્દ્રી વિચારણાઓ તેમજ અસ્તિત્વવાદી ફિલસૂફી – વગેરેના ગાઢ સમ્પર્કથી કેળવાતી રહે છે. આધુનિકોને મન સર્જન નિતાંત વૈયક્તિક ચીજ છે. કલા પોતાના જ બલે પોતાની જ સર્ગશક્તિથી પ્રગટનારી વસ્તુ છે એવી એમની દૃઢ માન્યતા છે. કૃતિ પૂર્વે કશું નથી, પછી પણ કંઈ નથી : છે તે સ્વાયત્ત શબ્દસૃષ્ટિ છે. એ જ, સાહિત્યનું પ્રયોજન છે, એ જ, પરિણામ છે. સૌંદર્ય કે આનંદ સિવાય સાહિત્ય પાસેથી કશું માગી ન શકાય, મેળવી ન શકાય. આ સઘળી સમજ અનુસારનું સાહિત્ય રચવું તે સાહસ હતું. આપણા આધુનિકોએ એ સાહસ પરંપરાવિચ્છેદ અને પ્રયોગશીલતા વડે અવશ્ય આકાર્યું – આપણા ઇતિહાસની એ ઘટનાને આપણે અભૂતપૂર્વ કહી શકીએ એટલો બધો એમાં પ્રામાણિક શક્તિસ્ફોટ હતો. એવા સાહસમાં ભાષાને દેખીતી રીતે જ સાધન તરીકે ન જોવાય તે સ્વાભાવિક હતું. આધુનિકોએ ભાષા પણ મનુષ્યની વ્યક્તિભાષા અને તેના જી-વ-ન-વિશ્વની જેમ સામગ્રી ગણીને તેને પણ લક્ષ્યગણી સાધ્ય ગણી. પરિણામે, આધુનિકો મોટી થાપ ખાઈ ગયા : જી-વ-નો અને સર્જનોની ધારક તેમજ ભૂમિકા બનનારી ભાષા જાણ્યે-અજાણ્યે સાહિત્યને જ આગળ કરી રહી, મનુષ્યને નહીં. અસ્તિત્વનો તાગ લેવાની નેમ હતી, તે માટે ભાષાનો ય તાગ લેવો જરૂરી હતો – છતાં, વાચકો અટવાય એવું એ, સાહિત્યિક સાહિત્ય બની રહ્યું. સાહિત્ય જીવન ‘માટે’ નહોતું, જીવન ‘વિશે’ હતું, છતાં પરિણામ વિપરીત હતું. મારે ઉમેરવું જોઈએ કે આધુનિકોનો સાહિત્ય-અભિલાષ શુદ્ધ કલા-અભિલાષ હતો એ સાચું, પરંતુ તે પણ આધુનિકો વડે સાહિત્યપદાર્થના એવી રીતે ભાતે થયેલા આદર્શીકરણનું જ ફળ હતું. આધુનિકો પોતાની સર્જનસાહસિકતા વડે પોતાને પ્રાપ્ત સંસ્થાકરણથી છૂટ્યા હતા, છતાં, એમનું ય ઠીક ઠીક નવા પ્રકારે સંસ્થાકરણ થયેલું. કલાપરક આદર્શોએ એમના સર્જનને નિયંત્રિત કરેલું, સંસ્થાકરણે એમના વ્યવહારોને. પરિણામે, આધુનિક સાહિત્યની ભાષાનું અને તે વડે રચાયેલા સાહિત્યનું સંક્રમણ પણ વ્યાપક ન બન્યું. વ્યક્તિભાષા અને જી-વ-ન-વિશ્વનો કલા-શબ્દ રચવા નીકળેલી ભાષા શિષ્ટ જ હતી, સાહિત્યિક જ હતી, બલકે ખાસ્સી સર્જનાત્મક હતી. એનોય પ્રભાવ એટલે જ સીમિત-વર્તુળ રહ્યો. એણે પણ, સાહિત્ય કોને માટે –? પ્રકારના પાયાના પ્રશ્નને આગવી રીતે દોહરાવી આપ્યો. આધુનિકોએ પ્રયોજેલા કલાકીમિયા વિશે અને સવિશેષ તો એમણે કહેલા ભાષાવિનિયયોગ વિશે સૌથી વધુ વાંધો પડ્યો થોડાક અનુ-આધુનિકોને. એટલે એઓએ આપણા ગ્રામજીવનની તળપદતાને લક્ષ્ય કરી અને ગુજરાતી ભાષાની વિવિધ બોલીઓના સીધા વપરાશને આગળ કર્યો. આમાં આપણું દલિત-સાહિત્ય અને કહેવાતું નારીવાદી સાહિત્ય પણ, જોગાનુજોગ, સમાસ પામ્યું. એટલે, ઘડીભર તો ત્યારે એવું લાગવા માંડેલું કે ગાંધીજીના પેલા કોશિયાને માટેનું સાહિત્ય આપણે ત્યાં હવે હાથવેંતમાં છે. ગાંધીજીનો પંડિતો સામેનો વાંધો, અનુ-આધુનિકોનો આધુનિકો સામેનો વાંધો : બંને સરખા લાગે છે, છતાં સરખાવી જોવા જરૂરી છે : કોશિયાને સમજાય તેવા ગીતને મિષે ગાંધીજીએ, સાહિત્ય કોને માટે –? પ્રશ્નને જરૂર વાચા આપેલી. અનુ-આધુનિકો પણ તળપદતાનો અને બોલીઓનો આગ્રહ ધરીને પરોક્ષપણે એ જ પ્રશ્ન પૂછી રહ્યા હોય એવું લાગે છે. પરંતુ એમનો એ આગ્રહ ટૂંકીવાર્તા પૂરતો જ છે. વળી, એથી કશું આમૂલ પરિવર્તન આવે એવું પણ નથી : કેમકે, અનુ-આધુનિકોએ આધુનિકોના આડેધડ વિસ્તરેલા વર્તુળનો વિરોધ કર્યો છે, તેના કેન્દ્રસમા સુરેશ જોષીનો નહીં – બલકે, પોતાની વાત અને વાર્તા બેયના કેન્દ્રમાં સુરેશ જોષીને જ સ્થાપી રાખ્યા છે. પોતાને પરિષ્કૃતિકાર કહી જુદા પાડ્યા પછીય અનુ-આધુનિક કહેવાનું ચાલુ રાખ્યું છે, આધુનિક પરંપરાના વિસ્તારક તરીકે ઓળખાવવાનું નકાર્યું નથી. સંખ્યાબંધ પરિષ્કૃત કે અનુ-આધુનિક ટૂંકીવાર્તાઓનો કલાપ્રપંચ આધુનિકોનાથી ભાગ્યે જ જુદો જોવા મળે છે – જેમ સંખ્યાબંધ ગાંધીવાદી સાહિત્યકારોની અનેકાનેક કૃતિઓમાં પંડિતયુગની કલાપદ્ધતિ કોઈ ને કોઈ રૂપેરંગે અવશ્ય જોવા મળેલી. ખરેખરું, કોશિયાભિમુખ કે ગાંધીસમ્મુખ સર્જન ગાંધીયુગમાં જ દુર્લભ હતું, જેમ, ખરેખરું પરિષ્કૃત સર્જન આજે દુર્લભ છે. બંને વાંધા વિશે નવા જ પ્રશ્નો પૂછી શકાય એમ છે, વળી, તે પણ એવા જ, પાયાના પ્રશ્નો છે : કોશિયાને સમજાય તે સાહિત્ય? સમજાય તે માટે સાહિત્ય એટલા બધા હળવા હોવું જરૂરી છે? એ છેવાડાના માણસને લક્ષ્ય કરીએ તો જ સાહિત્ય સમધારણ થાય? કે કોશિયાને સાહિત્યાભિમુખ કરવાથી થાય? સર્જક એના લગી જાય?ઃ કે એ સર્જક લગી? હકીકત એ છે કે બંને પરસ્પરને પામવા ઝંખે, તો કોઈ એક બિન્દુ પર મળી શકે છે. આપણે એ મિલનબિંદુ શોધીએ તેમાં ઔચિત્ય છે. વધુ ને વધુ વિચારો એ વિશે પ્રગટે એમાં સાર છે. અનુ-આધુનિકોને પૂછી શકાય કે ભાષાપ્રયોગનો વાંધો આધુનિક કથાસાહિત્ય અંગે અને તેમાં ય ટૂંકીવાર્તા અંગે જ કેમ? અન્ય આધુનિક આવિષ્કારો – કવિતા નિબંધ નાટક – વગેરેમાં બોલીઓનો આગ્રહ કેમ નહીં? સમગ્ર આધુનિક ગુજરાતી સાહિત્યની પરિષ્કૃતિ કેમ નથી વિચારાઈ? વળી, તળપદ ગ્રામજીવન બોલી અને સરળ વાર્તાપ્રપંચ ઉપરાંતના, નાગર શહેરીજીવન શિષ્ટ-ભાષા અને અ-સરળ વાર્તાપ્રપંચ – જેવાં તત્ત્વોથી પણ પરિષ્કૃતિ થઈ શકે એ શક્યતાને શા માટે ચાતરી લેવાઈ છે? એક-નો-એક અનુ-આધુનિક વાર્તા લખે ત્યારે બોલીમાં, ને કાવ્ય લખે ત્યારે શિષ્ટમાં – એવું કેમ? શહેરને પણ પોતાનું આગવું તળપદ છે, શિષ્ટ-ભાષાને પણ પોતાની શહેરી બોલીઓ છે, વળી, સાહિત્યસંસારમાં આધુનિક અને પરિષ્કૃત વચ્ચેની પણ સ્થિતિઓ છે, પદ્ધતિઓ છે એનો વિચારવિમર્શ કેમ નથી કરાતો? વગેરે. બંને વાંધા માત્ર વાંધા નથી. એની ગર્ભિતે સર્જકને સીધો કે આડકતરો આદેશ આપવાનું થાય છે : એક જ આદેશ : જે ભાષામાં જેવું લખો છો, તેવું ન લખો – અમે કહીએ છીએ તેમાં, તેવું લખો. બંને વાંધાના જનકો અને પ્રવક્તાઓ સાહિત્યના ઉપભોક્તા વાચકનો પક્ષ લે છે એટલે એમાં માંગ-મૂલ્ય-પુરવઠાની ભાત ઊભી થાય છે. સર્જકોને અમુક એક પ્રકાર-સ્વરૂપના સર્જન માટે દોરવણીઓ આપવા જતાં છેવટે એમાંથી એક સ્વનિર્મિત નેતાગીરી અને છેલ્લે, તેનું રાજકારણ પ્રગટે છે. બોલીવાળા અને શિષ્ટવાળા, એમ પક્ષાપક્ષી અને ખેંચાખેંચી : બોલીવાળા બોલીનું ખેંચે, શિષ્ટવાળા શિષ્ટનું. આધુનિકો આધુનિકોને પોંખ્યા કરે, અનુ-આધુનિકો અનુ-આધુનિકોને. બંને પક્ષ પોતાને અનુકૂળ ધોરણો ઉપસાવે છે, તેના આગ્રહો રાખે છે અને પછી એ ધોરણો-આગ્રહો વડે કર્તાઓનાં કે કૃતિઓનાં મૂલ્યાંકનો કરે છે. બંને પક્ષનું વર્તન ક્રિયા-પ્રતિક્રિયાની ભાતમાં હોય છે. બંનેને લાગે છે કે કલાનું સત્ય પોતાની જ છાબમાં છે, વળી એમ પણ લાગે છે કે તે સત્ય પૂર્ણ સત્ય છે...! આ પક્ષાપક્ષીનો નાશ થાય તેમાં ઔચિત્ય છે. એને, સાહિત્યવિચારની સર્વગ્રાહી અને મૂળગામી ફિલસૂફીનો આધાર નથી – એ મનગમતાં ખંડદર્શનોમાં રાચે છે – એનું નિરસન થાય તેમાં સાર છે.

ભાષા આપણાં જી-વ-નોની ધારક, આપણાં અસ્તિત્વોની ભૂમિકા એવા પહેલા સત્યના પ્રકાશમાં સાહિત્યકારો અસ્તિત્વગત ગૂંચો ને ગૂંચોના ગૂંચવાડા સરજ્યા કરે અને ભાષા આપણાં સાહિત્યોની ધારક, આપણા સર્જનોની ભૂમિકા એવા બીજા સત્યના પ્રકાશમાં એઓ ભાષાલીલાને નામે શબ્દગત ગૂંચો ને ગૂંચવાડા સરજ્યા કરે – તે બંને, દુર્ઘટનાઓ છે. એવા બંને પક્ષે વહેંચાઈ જતા સાહિત્યમાંથી કોઈ એકની તરફદારી કરીને આદેશોની નેતાગીરી ઊભી કરવી કે એવી તરફદારીને જ આદર્શો ગણીને કોઈ એકના કેન્દ્રમાં સાહિત્યપદાર્થનું સંસ્થાકરણ કરવું – એ તો મહા દુર્ઘટના છે. પ્રારંભે મેં માણસ અને તંત્ર બેયનું અભિન્ન રસાયન ધરાવતા અનન્ય સર્જનફળની સ્પૃહા વ્યક્ત કરીને તેને એક ઘટના ગણી છે – એ ઘટનાનો આ પક્ષાપક્ષીમાં તો કશો સંભવ જ નથી દેખાતો! અહીં એ વિશે થોડા વિચારો રજૂ કર્યા છે : માણસ અને તંત્ર બેયનું અભિન્ન રસાયન સિદ્ધ કરતું અનન્ય સર્જનફળ ઓછામાં ઓછી આટલી સંપદા જરૂર ધરાવે છે : માણસ નામનું ચૈતન્ય એક ફૅક્ટ છે, તો સાહિત્ય એક ફિક્શન છે. એક હકીકત, એક આભાસ. ભાષા હકીકતને આભાસમાં બદલી નાખવાનું કરે છે, છતાં, અહીં બધું જ ફિક્શનલ નથી હોતું. એ જ રીતે, બધું જ ફૅક્ચ્યુઅલ નથી હોતું. કહો કે, ફિક્શનમાં ફૅક્ટ અને ફૅક્ટમાં ફિક્શન ઝલમલે છે. એ માટે સર્જકે પેલી કટોકટીને ધારી રાખી છે. વ્યક્તિ કે તંત્ર કોઈ એકનો પક્ષ લઈ બીજાનો નાશ નથી કર્યો અને એટલે જ એની સર્જકતા મૂળગામી બની છે, રૅડિકલ. એક તરફ માણસને એ આવરણો ભેદીને નગ્ન સ્વરૂપે તેની વ્યક્તિભાષામાં, તેના જી-વ-ન-વિશ્વમાં ગ્રહે છે, – એટલે કે, માણસને વિશેનાં સર્વસાધારણ મંતવ્યોને સ્થાને તેને તેના વડે જિવાયેલાં વૈશિષ્ટ્યોમાં ગ્રહે છે, કહો કે એક અનાવૃત મનુષ્યને ગ્રહે છે : રસવાદીઓએ રતિ હાસ શોક વિસ્મય વગેરેને મનુષ્યના મુખ્ય ભાવો કહ્યા છે તે દરેક ભાવ એક જાતનું સાધારણીકરણ છે, જનરાલિઝેશન. દરેકનું સાધારણીકરણ થવાથી કેટલાંક સત્યો દેખા નથી દેતાં, પણ તેનું વિસ્મરણ ન થવું જોઈએ. આ રહ્યાં એ સત્યો : દરેક ભાવ એટલો બધો મુખ્ય, એવો પરિશુદ્ધ અને એટલો બધો સ્પષ્ટરૂપે ચોક્કસ ભાવે અકબંધ નથી હોતો – તે નથી સૂચવાતું, કહો કે ભુલાઈ જાય છે. જેમકે, મારો રતિ મારો છે, શાસ્ત્રકારની વ્યાખ્યા મુજબનો નહીં – એ રતિ હોતે છતે કશી વેદના-વ્યથાથી મિશ્રિત હોય એમ બને, તે વડે હું મારું કશું જાતીય પલાયન પણ સિદ્ધ કરતો હોઉં એમે ય બને. મારો શોક મારો છે – તેમાં ય, લાગણીઓ દુઃખ ઉપરાન્તની હોય એમ બને – એટલે કે, મારા શોકનું જીવન અસ્થિર અને ભંગુર બની રહે તેવી તેમાં કશા ભાવિની સુખસૂચક આશાકિંકિણી પણ રણઝણતી હોય. આવું જ મારા બધા મુખ્ય ભાવોને વિશે સમજવાનું છે : એ ‘મુખ્ય’ કહેવાયા છે પણ એ ‘મારા’ છે એ હકીકતની ઉપેક્ષા કરવાનું સર્જકને કદી પાલવે નહીં. ‘મારા’નો અર્થ જ એ છે કે તે સંમિશ્ર છે, શબલિત છે, સંદિગ્ધ છે અને એમ સાવ જ અંગત છે. મૂળગામી સર્જકતા ભાવનું રસમાં રૂપાંતર કરનારી ચેતના જરૂર છે, પણ એણે આપણી ભાવસૃષ્ટિમાં આવાં સંમિશ્ર અસ્પષ્ટ શબલિત સંદિગ્ધ અંગત સ્વરૂપોને ગાળી નાખવાનાં નથી, બલકે તે-તેની તેવી સત્તાનો સામનો કરી સર્જનમાં તે-તેનો તાગ મેળવવાનો છે, હિસાબ આપવાનો છે. નહીંતર, માણસની ભરી-ભરી ભાવસૃષ્ટિનું કોષ્ટકો અનુસારની કૃતક રસસૃષ્ટિમાં હ્રસ્વીકરણ થઈ ગયું હોય, એક બનાવટી રૂપ ઊભરી આવ્યું હોય – જેને આપણે હરખભેર કલા કલા કહેતા હોઈએ! બીજી તરફ એ સર્જકતા એ અનાવૃત મનુષ્યને રજૂ કરનારી એટલી જ અનાવૃત ભાષા શોધી લે છે – અનાવૃતિ ભાષા એટલે કે શિષ્ટ, સાહિત્યિક કે અ-શિષ્ટ, બોલી – વગેરે તમામ આવરણોથી મુક્ત, અદૂષિત ભાષા. ભાષાવિજ્ઞાનીઓએ ગુજરાતી મરાઠી હિંદી બંગાળી મલયાલમ સ્પૅનિશ ડચ ફ્રૅન્ચ વગેરેને મનુષ્યની ભાષાઓ કહી છે તે દરેક ભાષા પણ એક જાતનું સાધારણીકરણ છે, જનરાલિઝેશન. દરેકનું સાધારણીકરણ થવાથી કેટલાંક સત્યો દેખા નથી દેતાં, પણ તેનું વિસ્મરણ ન થવું જોઈએ : આ રહ્યાં તે સત્યો : ગુજરાતી વગેરે દરેક ભાષાને પોતાની વિશેષતા છે તે તો તેના નામથી જ સૂચવાઈ જાય છે, પણ દરેકને પોતાની મર્યાદા પણ છે : દાખલા તરીકે, સ્પૅનિશથી અમુક વિવક્ષા સંતોષાય તે ગુજરાતીથી ન સંતોષાય અને ઊલટું એ જ રીતે, સૂરતી બોલીથી જે મનોભાવને વાચા મળે તે શિષ્ટ-માન્ય ગુજરાતીથી ન મળે. અને ઊલટું. વાતનો સાર એ છે કે કોઈપણ ભાષાસ્વરૂપને આપણે સંપૂર્ણ અને પર્યાપ્ત માધ્યમ નથી લેખી શકતા અને તેથી કોઈપણ એકને પૂરેપૂરું સર્જનમૂલ્ય પણ નથી આપી શકતા. એટલું જ નહીં, માણસ તો પોતાના વિવક્ષાતોષને સારુ ન-શબ્દ ભાષાસ્વરૂપોને પણ એટલી જ મજાથી, એટલી જ બિનધાસ્તીથી પ્રયોજતો હોય છે એ સત્યને પણ, શું શિષ્ટવાળા કે શું બોલીવાળા વીસરી જતા હોય છે. ભાષા ભાષાવિજ્ઞાનીની દૃષ્ટિમતિથી ભલે ‘ગુજરાતી’ કહેવાઈ, હીકકતે તે ‘મારી’ ગુજરાતી છે, વળી, ‘માત્ર’ ગુજરાતી પણ નથી, ગુજરાતી ‘ઉપરાંતની’ પણ છે. એ મારી ‘માત્ર ભાષા’ છે, મારાપણું એ વડે છે, મારાપણાથી એ છે. સર્જકથી આ સત્યોની ઉપેક્ષા ન થઈ શકે તે સમજાય તેવું છે. ભાષાના સાધારણીકરણથી ખસીને એ માણસની માત્ર ભાષાને વિશે, તેના વૈશિષ્ટ્યને વિશે ધ્યાન ધરે તો ભાષાના અનાવૃત રૂપને પામી શકે, ભાષાની નગદ અભિવ્યક્તિતાને પામી શકે. સર્જકતા મૂળગામી છે એમ કહેવાનો અર્થ જ એ છે કે માણસની વ્યક્તિતાનું એ આમ ભાષાની અભિવ્યક્તિતા શોધી-સંશોધીને તેની જોડે સાયુજ્ય સાધે છે. આમ બે ય વ્યક્તિતાને શોધતી આ મૂળગામી સર્જકતાને પ્રતાપે કૃતિ ઘટના બને એ સંભવ વધી જાય છે. કૃતિ અપૂર્વ છે, વિશિષ્ટ છે કે અદ્વિતીય છે એમ કહેવાનો મારો અર્થ તો એ છે કે તે પરંપરાગત, આધુનિક કે અનુ-આધુનિકનો નમૂનો નથી, પરંતુ ઘટના છે.

અનન્ય સર્જનફળ નામની ઘટના પ્રગટે તે માટે સાહિત્યકારે પણ અવિઘ્ના સંવિતબુદ્ધિ કે નિરાવરણચિતિ થવું પડે છે : એનો અર્થ એ કે પોતાનાં તમામ સંસારી, વ્યવહારુ સ્વરૂપો ભેદીને એટલે કે, પોતાનાંય સાધારણીકરણોથી છૂટીને પોતામાં બેઠેલા સર્જકની સમ્મુખ થવું. દાખલા તરીકે, ટૂંકીવાર્તા લખવાની છે, તો એ સર્જકમાંના વાર્તાકારની ચેતનાને, – એટલે કે, એવી વિશિષ્ટ સર્જકચેતનાને પ્રગટાવવી. તેને ધારવી અને તેનો કથાબીજ જોડે સન્નિકર્ષ રચવો. ચોક્કસ સર્જનની ધારણા-અવધારણાને વિશે ચોક્કસ ધ્યાન ધરવું, ધ્યાતા થવું – વગેરે. પરિણામે, તે સર્જનને અનુરૂપ અને અનુકૂળ સર્જનવ્યાપાર સૂઝે છે. એક તરફ છે કથાબીજ – જે હજી સર્જનની પૂર્ણતા નથી પામ્યું, અ-સિદ્ધ છે. બીજી તરફ છે ટૂંકીવાર્તા નામના સાહિત્યપ્રકારની સમજ, એને કલાકૃતિ તરીકે આવિષ્કૃત કરનારાં કેટલાંક ઉપકરણોની સમજ – બંને સં-સિદ્ધ છે. અ-સિદ્ધ અ-પૂર્વ છે, ઇતિહાસમુક્ત છે. સં-સિદ્ધ ન-પૂર્વ છે, ઇતિહાસઆબદ્ધ છે. બેનો મેળ શી રીતે પાડવો? અહીં પણ અ-સિદ્ધ અને સં-સિદ્ધની કટોકટી જન્મે છે; તેનો પણ સામાન્ય વાર્તાકારો નાશ કરી લેતા હોય છે. કથાબીજ જોડે તરડમરડ કરીને ટૂંકીવાર્તા બનાવી લેવી – એટલે કે, સં-સિદ્ધની સમજથી અ-સિદ્ધ જોડે સમાધાન કરી લેવું : અથવા તો, કથાબીજને પ્રામાણિકપણે વફાદાર રહેવું, તેનો ક્ષય ન થાય એવા સર્જકસંકલ્પને વળગી રહેવું – એનો અર્થ એ કે ટૂંકીવાર્તા લાંબી-ટૂંકી આછી-પાતળી કે ભારેખમ જે બને તે બને – તેની પરવા ન કરવી : ટૂંકમાં, ટૂંકીવાર્તા નામના સાહિત્યપ્રકારની તરડમરડ : અ-સિદ્ધના લાભમાં સં-સિદ્ધનો ક્ષય. કટોકટી ટાળવાની આ બંને રીતો જાણીતી છે : પહેલી રીતથી પ્રગટે છે પરંપરાગત સ્વરૂપની ટૂંકીવાર્તા, તો બીજી રીતથી પ્રગટે છે પ્રયોગશીલ સ્વરૂપની ટૂંકીવાર્તા. હું સૂચવી રહ્યો છું – ત્રીજી રીત : કટોકટી સાચવવાની રીત. અનન્ય સર્જનફળ નામની ઘટના પ્રગટે તે માટે ટૂંકીવાર્તાના આ સર્જકે અ-સિદ્ધ અને સં-સિદ્ધ વચ્ચેની કટોકટીને ધારી રાખી હોય છે, તેનો વિમર્શ-પરામર્શ કરી તેનું સર્જનશીલ ચિંતન કર્યું હોય છે. તેને કથાબીજ સાચવવાની ઇચ્છા જરૂર હોય છે, પણ ટૂંકીવાર્તાની કલાને ભોગે નહીં, તો તેને ટૂંકીવાર્તા સાચવવાની ય ઇચ્છા હોય છે, પણ કથાબીજનો ક્ષય કરીને નહીં. તેની આ, વિરોધોનાં સત્ય સારવી સાચવી લેવા ઝંખતી સર્જન-ઇચ્છા સમજવા જેવી છે : એમાં એ ઇચ્છે છે અ-સિદ્ધ અને સં-સિદ્ધનાં, બેયનાં, કેટલાંક અનિવાર્ય તત્ત્વોનું સાયુજ્ય – જે એક ત્રીજી જ અભિન્ન હસ્તી રૂપે પ્રગટી આવે – જેને છેવટે અનન્ય સર્જનફળ કહી શકાય. દાખલા તરીકે, ટૂંકીવાર્તા – એમ કહીને મેં મારા આ સમગ્ર વ્યાખ્યાન-મંતવ્યને સીમિત કર્યું છે. એ સીમામાં રહીને વિચારી શકાય કે કથાબીજ અને ટૂંકીવાર્તા વચ્ચેની કટોકટીને સાચવવાને માટે બંનેનાં કયાં અનિવાર્ય તત્ત્વોને સાચવી લેવાં જરૂરી છે : કથાબીજ પરત્વે કહું તો તેનું બીજપણું એક એવું અનિવાર્ય તત્ત્વ છે જેને સાચવવું રહે. બીજપણું એટલે સર્જનફળ તરીકે પ્રગટવાની એની ક્ષમતા. એ ક્ષમતા સર્જન દરમિયાન અળપાઈ ન જાય, નષ્ટભ્રષ્ટ ન થઈ જાય તે જોવું રહે છે. એ કથાબીજ વાસ્તવમાંથી મળેલું છે, કે કલ્પેલું, એ કથાબીજ ગ્રામજીવનમાંથી છે, કે શહેરીજીવનમાંથી – તે મહત્ત્વનું નથી. એની સત્ત્વશીલતા ટકી રહે તે મહત્ત્વનું છે. આ કથાબીજ મેં સર્જકે સેવ્યું છે. તે સ્વયં સત્ત્વશીલ જરૂર હોય, પણ તે સત્ત્વ મારાથી ઝડપાયું છે માટે તેમાં મારો દૃષ્ટિકોણ કે દૃષ્ટિક્ષેપ કે દૃષ્ટિકાપ પણ ભળ્યો છે – જેને આપણે ટૂંકીવાર્તાનું કથનકેન્દ્ર કે પૉઇન્ટ ઓવ વ્યૂ કહીએ છીએ. હું બીજની સત્ત્વશીલતા ટકાવવા જતાં કથનકેન્દ્રના લાભને ચૂકી જઉં તે ન ચાલે, એ જ રીતે, હું કથનકેન્દ્રના આક્રમણે કરીને સત્ત્વને કચડું-મચડું તે પણ ચાલે. હું બંનેને સાચવું – એટલે કે બંને વચ્ચે સર્જકને શોભે તેવો સેતુ રચું એ જ કટોકટી ધારણ કરવાનો સાચો માર્ગ છે. ટૂંકીવાર્તા પરત્વે મુખ્યત્વે સાચવવા જેવાં અનિવાર્ય તત્ત્વો બે છે : એક તો તેનું ટૂંકાપણું અને બીજું તે તેનું વાર્તાપણું. રચના કોઈપણ સંજોગોમાં ટૂંકી અને સાથોસાથ, વાર્તા રહેવી જ જોઈએ. ટૂંકાપણું લાઘવ છે, લંબાઈ નહીં. એવું લાઘવ જે એકત્વની અસર ફેલાવે છે. લાઘવથી એકત્વ સિદ્ધ થાય છે અને એકત્વથી લાઘવ : બંનેની ઉપકારક સ્પર્ધા હોય છે. વાર્તાપણું એટલે, હું કહું છું, તમે સાંભળો છો – અને જે સાંભળો છો તે માંડીને, મજા પડે એમ કહેવાતી, એક વાત – એ વાત માણસની વાત છે. અને માણસ તે પેલો વ્યક્તિભાષામાં ઝિલાતો, જી-વ-ન-વિશ્વમાં પ્રગટતો નર્યો માણસ. એ ભણેલો હોય, અભણ હોય, એ ગ્રામવાસી હોય, નગરવાસી હોય – તે મહત્ત્વનું નથી, એનું માણસપણું રજૂ થયા કરે તે મહત્ત્વનું છે. કથાબીજ અને ટૂંકીવાર્તાનાં આટલાં અનિવાર્ય તત્ત્વોનું સાયુજ્ય ઇચ્છી શકે તે સર્જકને તરત સૂઝશે આ : રચનાને અનુરૂપ અને અનુકૂળ સર્જનકર્મ – કહો કે તે રચનાને જ અનુરૂપ, તેને અનુકૂળ, તે રચનાનું જ સર્જનકર્મ : એક વિશિષ્ટ, એટલે કે, તેની જ રૂપનિર્મિતિ, જેનો સહજ ઉદ્‌ભવ થયો છે : એટલે કે, રૂપની પણ એવી જ વ્યક્તિતા. અહીં કશાં તૈયાર રૂપોનોે, કે સન્નિધીકરણ, પીઠ-ઝબકાર જેવી પૂર્વસિદ્ધ ટૅક્‌નિકોનો મહિમા નથી – મહિમા છે વસ્તુ રૂપ બની જાય તેવું સર્જનકર્મ ઊભું કરવાનો. રૂપોની અનંત શક્યતાઓમાંની યોગ્યતમ શક્યતાને આકારવાનો. અનિવાર્ય તત્ત્વોનાં સાયુજ્ય અને તદ્‌નુરૂપ સર્જનકર્મને વિશેનું આ સઘળું સર્જનશીલ ચિંતન – ક્રીએટિવ કન્ટેમ્પ્લેશન – સર્જકચિત્તને સભર-સભર કરી મૂકે, છતાં તે ચિંતન જ રહે છે. તેનું સ્વયંસંપૂર્ણ અને પર્યાપ્ત કૃતિ તરીકેનું પ્રાગટ્ય બાકી રહે છે. વાત તો એમ છે કે એ ચિત્તસાત સર્વને પ્રગટવું પડશે ભાષામાં : એ અર્થમાં સર્જન, માત્ર ભાષાકૃતિ છે અથવા સર્જન માત્ર, ભાષાકૃતિ છે. એ મુખ્ય કારણે, દાખલા તરીકે, ટૂંકીવાર્તા રૂપે સીમિત કરેલા મારા મંતવ્યને હવે હું દાખલા તરીકે, ટૂંકીવાર્તાની ભાષા – એમ વધારે સીમિત કરું છું :

સાહિત્ય કે કલા માત્ર, આભાસ છે – ફિક્શન. છતાં એમાં બધું જ ફૅક્‌ચ્યુઅલ કે બધું જ ફિક્શનલ નથી હોતું. સાહિત્યપ્રકારની પ્રકૃતિને કારણે પણ ફેર પડે છે : જેમ કે નાટકમાં ફેક્ટ-ફિક્શનના આટાપાટા હોય છે છતાં રંગભૂમિ પર સઘળું ફેક્ટ રૂપે ખડું કરાય છે. કાવ્યમાં ફિક્શનાલિટી વધુમાં વધુ હોઈ શકે, જ્યારે કથામાં, ફેક્‌ચ્યુઆલિટી. ભલે પછી આજે નવલકથા અને ટૂંકીવાર્તા બેયને આપણે ફિક્શન કહેતા હોઈએ. બાકી, કશુંક છે નામના ફૅક્ટની એ ટૂંકીવાર્તા નામની ફિક્શન છે. કથામાં તુલનાએ વધુમાં વધુ ફૅક્‌ચ્યુઆલિટી અનિવાર્ય છે એમ સ્વીકારીએ તો, ત્યારે ટૂંકીવાર્તાની ભાષા સાધન છે, માધ્યમ છે. સાધન કે માધ્યમ રહીને જ એ પેલી અનિવાર્ય ફૅક્‌ચ્યુઆલિટીને સાચવી શકે. ભાષા અહીં વાસ્તવની શબ્દસૃષ્ટિ ઊભી કરે છે, વિશ્વને શબ્દરૂપ આપે છે પણ એની રીત વિશ્વનો ભાષામાં અનુ-વાદ કરવાની છે. ભાષાનો આ અનુવાદશીલ વિનિયોગ ટૂંકીવાર્તાની ભાષાનો પહેલો પ્રકાર છે. રચનાને અનુકૂળ રૂપની વ્યક્તિતા ભાષાનો અનુવાદશીલ વિનિયોગ માગતી હોય, તો વાત સરળ બની જાય છે : સંખ્યાબંધ સામાન્ય વાર્તાકારો ભાષાનુવાદની મજૂરી ખુશીથી કરતા ક્યાં નથી? છતાં, હું સૂચવું છું તે આ, કે રૂપની ગમે તેવી વ્યક્તિતા હોય, માણસ કથા રચે છે એટલે ક્યાંક ક્યારેક તો એણે ભાષાનો અનુવાદશીલ વિનિયોગ કર્યે જ છૂટકો. કથા કહેવાની વસ્તુ છે એ એની બીજી અનિવાર્યતા છે : કહેવી પડે. સમયમાં કહેવાય છે. કહેવાની વસ્તુ છે એટલે સાંભળવાની પણ છે : સાંભળવી રહે. એ સંભળાય છે પણ સમયમાં. ભાષાનું આ કાલપરક સ્વરૂપ – ટૅમ્પોરલ – કથા માટે અકાટ્ય છે. આજે કથા ભલે કહેવાતી નથી, લખાય છે ને તેથી સંભળાતી નથી, વંચાય છે – એટલે કે કથક અને શ્રોતા બેયની આજે અનુપસ્થિતિ છે. પરંતુ તેથી જ, ટૂંકીવાર્તાના સર્જકે સાવધ રહેવાનું છે : તેની સામે ભલે શ્રોતા નથી પણ કોઈ અદૃશ્ય શ્રોતાને ધ્યાનમાં રાખીને લખે – એટલે કે એવી રીતે લખે જાણે કહેતો હોય, બોલતો હોય. ટૂંકીવાર્તા ટેલ છે તે હવે તો આવા નૂતન અર્થમાં જ ટેલ છે. ટૂંકીવાર્તાની ભાષા લેખનવાચનની હોવા છતાં આમ કથન-શ્રવણની હોવી ઘટે છે : બોલાતી-સંભળાતી ભાષાનો આ એવો કથનશીલ વિનિયોગ છે અને ટૂંકીવાર્તાની ભાષાનો એ બીજો પ્રકાર છે. આ બંને વિનિયોગો વખતે ભાષા ટૂંકીવાર્તાનું સાધન છે. જોકે અનુવાદશીલ વિનિયોગની તુલનાએ કથનશીલમાં ભાષાનું સાધનપણું વધારે ચોખ્ખું છે : કથનશીલ વિનિયોગની ભાષા કાલમાન કાકુ લહેકા લઢણો જેવાં, લિપિમાં બધી જ વખતે ન દેખાતાં, છતાં, અનિવાર્ય એવાં ભાષિક તત્ત્વો સાથે પાનું પાડનારી ભાષા છે. ભાષાનું કાલપરક સ્વરૂપ અહીં આ બધાં સુપ્રા સૅગ્મૅન્ટલ તત્ત્વોમાં વિલસે છે અને કથન-શ્રવણથી આકારાતા રચનાના સમગ્ર અર્થબોધમાં હમેશાં નિર્ણાયક રહે છે – સ્પષ્ટ કરવું ઘટે કે એ તત્ત્વોથી જ અર્થબોધની સંપૂર્તિ અને સંપૂર્ણતા લાધે છે. રચનાને અનુકૂળ રૂપની સર્જક ગમે તેટલી વ્યક્તિતા ઊભી કરી હોય – એણે ભાષાનો આ કથનશીલ વિનિયોગ ક્યાંક ક્યારેક નહીં, પરંતુ બધે હમેશાં કરવો જ પડવાનો. કથા એ વિના કથા નથી અને એનું શ્રવણ એ વિના શ્રવણ નથી. ભાષાના આ બંને વિનિયોગોથી વિશ્વને રજૂ કરી શકાય છે અને એટલે ટૂંકીવાર્તાનો એમાંથી એક પ્રમુખ એવો તરીકો પ્રગટે છે – રીપ્રેઝન્ટેશનલ ફિક્શનનો : અનુવાદ અને કથનને રસ્તે પ્રસ્તુતીકરણની વાર્તાકલા પ્રગટે છે. પરંતુ બને એવું કે અમુક રચનાનું સર્જનશીલ ચિંતન એમ સૂચવે કે અનુવાદ કે કથનની ભાષાથી વાત અહીં બને : વિશ્વ જ એવું કે અનુવાદ, કથનથી વ્યક્ત ન થાય : ભાષાની ઓછપ વરતાય, મર્યાદાઓ. પેલું અ-સિદ્ધ ભાષાસમેતનાં તમામ-સં-સિદ્ધને હંફાવે એવું દુર્ગ્રાહ્ય હોય. એવા સંજોગોમાં ભાષા સાધન હોય તે પૂરતું નથી હોતું, બલકે એ સાધનને જ સિદ્ધ કરવું રહે છે – એટલે કે, એવા સંજોગોમાં, ભાષા, સાધ્ય હોય છે. આ દૃષ્ટિદોર અનુસારના ભાષાના બીજા બે વિનિયોગો સૂચવું છું – તે અનુક્રમે ટૂંકીવાર્તાની ભાષાના ત્રીજા અને ચોથા પ્રકારો છે. કથા હમેશાં કહેવા-સાંભળવાની વસ્તુ છે એ સાચું છે, પરંતુ એ જોવા-જાણવાની વસ્તુ પણ છે : એનું જેમ કથન – નૅરેશન – થાય તેમ તેનું આલેખન – કીસ્ક્રિપ્શન – પણ થાય. એક હતો રાજા, એક હતી રાણી – એવા કથનને, આ રાજા છે, આ રાણી છે – એવા આલેખનથી રજૂ કરીએ તો તે અદૃશ્ય બને, તે માત્ર સાંભળવાની વસ્તુ ન રહે, બલકે બધી જ્ઞાનેન્દ્રિયોનો વિષય બની શકે. કથન સમયમાં હોય છે તેથી કહેવાયેલું વહી જાય છે. જ્યારે આલેખન અવકાશમાં હોય છે તેથી તેનો પુનઃ પુનઃ બોધ મેળવી શકાય છે : રાજા આલેખાય, રાણી આલેખાય – બંને એકમો જોડે-જોડે મુકાય – એટલે કે તેમનું કમ્પોઝિશન થાય : કમ્પોઝિશનનો વિશેષ લાભ એ કે બંનેને એક જ અવકાશમાં યુગપત્‌ પામી શકાય, આનુપૂર્વીમાં કે પુનરાવૃત્તિમાં. ભાષાનો આ આલેખનશીલ વિનિયોગ છે અને ટૂંકીવાર્તાની ભાષાનો ત્રીજો પ્રકાર છે. એ માટે ભાષાને વાળવી-ઢાળવી પડે છે, સાધવી પડે છે : ભાષાનું આ અવકાશપરક સ્વરૂપ છે, સ્પેસિયલ. આલેખનશીલ વિનિયોગની ભાષા જક્‌સ્ટાપોઝિશન, ઍસેમ્બ્લાજ કે કૉલાજ જેવી, સ્પેસિયલ આટ્‌ર્સમાં એટલે કે ચિત્ર શિલ્પ અને સ્થાપત્ય-કલાઓમાં વપરાતી પદ્ધતિઓનો આશ્રય કરે છે. ટૂંકીવાર્તા કથાની પોતાની મૂળ પ્રકૃતિનું ઉલ્લંઘન કરીને આલેખનની રસમોમાં પ્રવેશે છે : શ્રાવ્ય પર દૃશ્યનું આરોપણ થાય છે, અથવા કહો કે, શ્રાવ્ય પોતાની અધૂરપોનું દૃશ્ય વડે નિરસન કરે છે. રચનાને અનુકૂળ રૂપની વ્યક્તિતા સાથે આલેખનશીલ વિનિયોગનો મેળ વરતાતો હોય તો જુદી વાત છે – બાકી, ટૂંકીવાર્તા માટે એ બધી જ વખતે જરૂરી નથી – એવું ખરું કે એક જ રચનામાં કથનશીલ અને આલેખનશીલ વિનિયોગો હોય – અને તેવા મિશ્રણને પ્રમાણી શકાય. છતાં, કમ્પોઝિશનલ ફિક્શનનો એક જુદો જ તરીકો આ વિનિયોગથી સ્ફુર્યો છે. પરંપરાગત ટૂંકીવાર્તા બહુશઃ રીપ્રેઝન્ટેશનલ હતી, આધુનિક બહુશઃ કમ્પોઝિશનલ. એમાં પેલા અ-સિદ્ધને પહોંચી વળવાનો નુસખો લાધ્યો છે, તો એમાં વેરવિખેર, અનેકસૂત્રી, એકમ-એકમમાં વિભક્ત એવા સમસામયિક સંસારને રજૂ કરવાની ક્ષમતા પણ લાધી છે. એમાં આપણા જમાનાની એવી તાસીરનો દાબ છે, તો એવા દાબને એ વડે કલાકારે પોતાની કૃતિથી વાળેલો જવાબ પણ છે. કથા માણસની વાત છે, પણ માણસ કથામાં રજૂ થઈ જાય એટલો સીધો નથી, એવો સરળ નથી, એની વ્યક્તિભાષાનો, એના જી-વ-ન-વિશ્વનો ભાષા ‘અનુવાદ’ આપી શકે, તેનું ‘કથન’ કરી શકે કે ‘આલેખન’ – ત્યાં લગી બધું બરાબર છે, પણ માણસની સંકુલતાનો કશો છેવટનો છેડો મળતો નથી, તેનાં ઊંડાણોનો કશો છેલ્લો તાગ કઢાતો નથી. તેનું અસ્તિત્વ સ્વભાવે કરીને જ હંમેશનું ઇર્રિડ્યુસિબલ છે, નિઃશેષ ન કરી શકાય તેવું, અખૂટ. બીજી તરફ, માણસની વાત માંડનારી ભાષા પોતે પણ એક દોદળું સાધન છે. તેની ગમે તેટલી વ્યક્તિતા સધાઈ હોય, તે દગો દઈ શકે એવું અવિશ્વસનીય કરણ છે. આમેય ભાષાથી કશું નિઃશેષ કહેવાતું નથી, આશરે કહેવાય છે : આમ, એક તરફ અખૂટ મનુષ્ય અને બીજી તરફ ‘આવી’ ભાષા : એવા વિલક્ષણ પ્રસંગે સર્જકે પોતાના તમામ સામર્થ્ય વડે ભાષાને સાધ્ય ગણી પરિશુદ્ધ અને નવપ્રાણિત કરી લેવી રહે છે : ભાષાનો એ ચોથો વિનિયોગ છે – સર્જનાત્મક વિનિયોગ છે. સર્જનાત્મક એટલા માટે કે એ વડે એ પોતાને પણ સરજે છે. ટૂંકીવાર્તાને માટેની ભાષાના આ ચોથા પ્રકારમાં સર્જકની અને તે જેમાં લખતો હોય તે ભાષાની આકરી કસોટી છે. આ ચોથા પ્રકારમાં ભાષાને વિશેનું પહેલું સત્ય, કે એ, આપણાં જી-વ-નોની ધારક છે, અસ્તિત્વોની ભૂમિકા છે – અતિ તીવ્રતાથી પ્રતીત થાય – એટલી બધી તીવ્રતા પ્રગટે કે ધારક અને ભૂમિકા બનનારી ભાષાનું કશું સત્‌ ન અનુભવાય, એનું કશું જોર જ ન વરતાય – બલકે એ ભાંગી પડતી અને વિલોપન પામતી ભાગી જતી જણાય. એટલે કે, ભાષાને મ્હાત્‌ કરનારી મનુષ્યની નરી અસ્તિતા એની તમામ મૂળ ભાતોમાં અનુભવાય. ત્યારે, દેખીતી રીતે – સર્જકે નવ્ય શબ્દ સરજીને જ પોતાના કશા પણ આવિષ્કારનો ઉપાય રચવો પડે એ સમજાય તેવું છે. આ વિનિયોગ ઘણે ભાગે કાવ્યસર્જનમાં હોય, તો આ વિનિયોગને અનિવાર્ય બનાવતી કશી પણ કલાના સર્જનમાં હોય. એનો પરચો મળ્યો છે આપણને કોઈ મલાર્મેમાં, કોઈ વાલેરીમાં, તો કોઈ કાફકામાં બોર્હેસમાં કે બૅકેટમાં ‘વેઇટિન્ગ ફૉર ગોદો’માં, તો ક્વચિત્‌ સુરેશ જોષીની – ‘અને મૃત્યુ’ જેવી ટૂંકીવાર્તામાં. આ કે એવાં દૃષ્ટાંતોમાં આપણે જોયું છે કે કથાસાહિત્યનું કાવ્યાયન સંભવે છે અને કલા પોતાના પ્રકારોની મર્યાદાઓ તેમજ સીમાઓ લોપીને શબ્દાખ્ય જ્યોતિ સ્વરૂપે ઝળહળે છે. ‘અનુવાદ’ ‘કથન’ ‘આલેખન’ અને ‘સર્જનાત્મક’ – ટૂંકી વાર્તાની ભાષાના મેં આ જે ચાર વિનિયોગો તારવ્યા તે દરેક પણ એક જાતનું સાધારણીકરણ છે, જનરાલિઝેશન. દરેકનું સાધારણીકરણ થવાથી કેટલાંક સત્યો દેખા નથી દેતાં, તેનું પણ વિસ્મરણ ન થવું જોઈએ : આ રહ્યાં તે સત્યો : ટૂંકીવાર્તાની ભાષાના આ દરેક વિનિયોગને પોતાની વિશેષતા છે તે તો તેના શીર્ષકથી જ સૂચવાઈ જાય છે, પણ દરેકને પોતાની મર્યાદા પણ છે. દાખલા તરીકે, ‘અનુવાદ’ અને ‘કથન’થી બહુધા કથાતત્ત્વ સિદ્ધ થાય છે, પણ ત્યારે ‘આલેખન’ અને ‘સર્જનાત્મક’થી મળનારા લાભ નથી મળતા – એટલે કે એ પ્રસંગે કથાને કલાતત્ત્વ સિદ્ધ કરવાનું ઝાઝું નથી બની શકતું. એવું જ, જો ‘આલેખન’ અને ‘સર્જનાત્મક’થી અનેકશઃ કલાતત્ત્વ સિદ્ધ થાય છે, તો, ત્યારે, ‘અનુવાદ’ અને ‘કથન’ના લાભ નથી હોતા – બલકે કથાતત્ત્વને ખમવું પડતું હોય છે, તેનો અકારણનો હ્રાસ અનુભવાય છે. આનો અર્થ એટલો જ કે આ દરેક વિનિયોગ અધૂરો છે, અપર્યાપ્ત છે, સમર્યાદ છે. ટૂંકીવાર્તાની ભાષાનો આ દરેક વિનિયોગ તેના શીર્ષકથી વિશિષ્ટ અને સ્વયંપૂર્ણ સૂચવાય છે : જેમકે, ‘અનુવાદ’ – પણ ‘અનુવાદ’માં ‘કથન’ કે ‘આલેખન’નાં કોઈક સ્થાને કશાંક તત્ત્વો નહીં જ હોય એમ કહી શકાતું નથી. એમ જ, કહેવું પડશે કે ‘આલેખન’ ક્યારેક ક્યાંક ‘સર્જનાત્મક’ હોય છે અને ‘સર્જનાત્મક’ પણ કિંચિત્‌ અનુવાદશીલ કથનશીલ કે આલેખનશીલ હોય જ છે. આ સત્યો એમ દર્શાવે છે કે કોઈ એક ટૂંકીવાર્તા કોઈ એક ભાષાવિનિયોગથી ભલે હોય, તેમાં તેનો વિશેષ પ્રકાશે, પણ એક સારી ટૂંકીવાર્તા તો આ ચારેય વિનિયોગોની વિશેષતાઓનો લાભ લેતી હોય અને એમ અધૂરપો અને મર્યાદાઓને ઉલ્લંઘી જતી હોય – અલબત, બધું એક સમજદાર સર્જકને છાજે તેવા અધિકારથી અને ભર્યાભર્યા વિવેકના નિયંત્રણ હેઠળ થયું હોય.

મારું વ્યાખ્યાન ‘ચૈતન્ય અને તંત્ર’ અથવા ‘સાધારણીકરણ અને વિશેષીકરણ’ જેવાં ફિલોસૉફિકલ મૉડેલ પર ઊભું છે. સામાન્ય રીતે આપણે ક્યારેક ચૈતન્યનો પક્ષ કરીએ છીએ તો ક્યારેક તંત્રનો, ક્યારેક સાધારણીકૃત સત્યનો તો ક્યારેક વિશિષ્ટનો. જ્યારે હું કોઈ એકનો પક્ષ કરવામાં નથી માનતો, બલકે બેયનાં અનિવાર્ય તત્ત્વોનું સાયુજ્ય ઝંખું છું. શિષ્ટમાન્ય ભાષા અને બોલી – માંથી જ્યારે કોઈ બોલીનો પક્ષ કરે છે ત્યારે ચૈતન્ય તરફ ખસે છે અને જ્યારે કોઈ શિષ્ટમાન્ય ભાષાનો પક્ષ કરે છે ત્યારે તંત્ર તરફ ખસે છે. બંને કશાકની અપેક્ષાએ કશાકને ચૂકી જાય છે, વળી, ભૂલી જાય છે કે બંને ‘કશાક’ને પોતપોતાની રીતનાં સત્યો છે. આવા પક્ષપાતી આગ્રહોથી ટૂંકીવાર્તાની ભાષાને જે-તે બીબાંમાં ઢાળવાથી વિશેષ કંઈ થતું નથી – ઢળાયું કે ઢાળ્યુંનો રાજીપો જરૂર થાય છે. જોવા જઈએ તો, સર્જનના મામલામાં આથી મોટું કશું સંકટ નથી. સુવિદિત છે કે અમુક ગાળાના અમુકતમુક નામીચા કવિઓનાં કાવ્યોને કારણે એક સર્વસાધારણ કાવ્યબાની જન્મી આવે છે ને પાછળપાછળ તેની ફૅશન આવી લાગે છે. નવાગંતુક પણ સારા કવિ માટે આ મોટું સંકટ ગણાય અને એ જો ખરેખરનો સારો હોય તો એવા સં-સિદ્ધ સંપ્રાપ્તને ઉલ્લંઘી જાય. જોકે અમુક ગાળાના અમુકતમુક નામીચા વાર્તાકારોની ટૂંકીવાર્તાઓને કારણે સાહિત્યસંસારમાં કશી સર્વસાધારણ વાર્તાબાની જન્મ્યાનું જાણ્યું નથી. ટૂંકીવાર્તાની સર્જનપ્રકૃતિ જ કદાચ કાવ્યથી જુદી છે – એને સૃં-સિદ્ધ કશુંય ફાવે નહીં, એ પોતાના અ-સિદ્ધને અનુરૂપ અનુકૂળ સિદ્ધ શું તેને જ તાકે. છતાં સારો વાર્તાકાર સારા કવિજનની જેમ વાર્તાબાની જો જન્મી હોય, તો તેને અચૂક ઓળંગી જાય છે – ભલે પછી એ વાર્તાબાની આધુનિકોના શિષ્ટ સર્જક અને કલાકીય સંસ્કારનું ફળ હોય, કે ભલે પછી એ વાર્તાબાની અનુ-આધુનિકોના બોલીપરક લેખનીય અને તળપદતા-તરફી પરિષ્કારનું ફળ હોય. એક મનુષ્ય-અસ્તિત્વ તરીકે હું જેમ મારી વ્યક્તિભાષામાં જીવું છું, વ્યક્ત થઉં છું તેમ એક ટૂંકીવાર્તા પણ તેની પોતાની, એક આગવી વાર્તાભાષામાં હોવી ઘટે છે, વ્યક્ત થવી ઘટે છે – આ મારો દૃઢ મત છે. મારી વ્યક્તિ-ભાષામાં શિષ્ટમાન્ય ગુજરાતી ઉપરાંત સૂરતી કે ચરોતરી બોલી કે ફ્રૅન્ચ અંગ્રેજી કે હિંદી વગેરે પરભાષાની, જરૂરત પ્રમાણેની, જે મુક્ત હરફર હોય છે, એમાં ઇશારા ચેષ્ટાઓ અવાજો રંગો કપડાં ફૅશનો વગેરે ન-શબ્દ ભાષાઓનો જેમ જ્યારે જેવો વપરાશ હોય છે તેવું જ એક ટૂંકીવાર્તાની ભાષાનું સમજવાનું છે : તેમાં જરૂર પડ્યે ‘અનુવાદ’ તોે જરૂર પડ્યે ‘કથન’, ‘આલેખન’ કે ‘સર્જનાત્મક’ વિનિયોગોની એવી જ હરફર હોવી ઘટે છે – શિષ્ટ કે અ-શિષ્ટ, સ-શબ્દ કે ન-શબ્દ કશાં પણ ભાષાસ્વરૂપોનો વિવેકભર્યો વપરાશ હોવો ઘટે છે. મનુષ્ય નામના ચૈતન્ય પાસે ભાષા નામના તંત્રનો કશો પણ વિનિયોગ અધૂરો અને અપર્યાપ્ત છે અને તેથી એવા કોઈ એક વિનિયોગમાં વાર્તાને પૂરી દેવી તે અબુધતા છે. ખરેખર તો તંત્રે સુઝાડેલા ઉચિત વિનિયોગોને ચૈતન્યથી રસિત કરવા, પ્રાણસભર કરવા તે જ સર્જન-પડકાર છે. ભાષાની વ્યક્તિભાષા જોડે દૃષ્ટોદૃષ્ટ થાય, સાયુજ્ય પ્રગટે ને બેયની કશીક અભિન્નતા અનુભવાય તેમ કરવું તે પડકાર છે. આખી ને આખી ટૂંકીવાર્તા જેમ માત્ર શિષ્ટમાન્યમાં ન હોઈ શકે તેમ કશા માત્ર બોલીવિશેષમાં પણ ન હોઈ શકે – જેમકે તે માણસની વાર્તા છે, તેના જી-વ-ન-વિશ્વની વાર્તા છે – કોઈ દેશકાળઆબદ્ધ સામાજિકની નાગરિકની કે રાષ્ટ્રજનની નથી. મારી વ્યક્તિભાષા જેમ મારું જીવન-માધ્યમ છે તેમ કોઈ એક ટૂંકીવાર્તાની આગવી વાર્તાભાષા તેનું સર્જન-માધ્યમ છે. હું જેમ મારી રીતેભાતે મારી શૈલીએ મારા આગવાપણામાં પ્રગટું છું તેમ મારી ટૂંકીવાર્તાનું પણ થવું ઘટે છે. મારી વ્યક્તિભાષાનો નિર્ણાયક અને ઘડવૈયો જેમ હું છું તેમ મારી ટૂંકીવાર્તાની વાર્તાભાષાનો નિર્ણાયક અને ઘડવૈયો પણ હું – તેનો સર્જક – જ હોઈ શકું : એ પરત્વે મને કોઈ આધુનિકવાળો કે અનુ-આધુનિકવાળો કશું કહી શકે નહીં, દોરી શકે નહીં. મારા મતનો સાર એમ ઝમે છે કે એક સારી ટૂંકીવાર્તાની વાર્તાભાષા તેની પોતાની છે : તેમાં મનુષ્યચૈતન્ય અને ભાષા બેયનાં અનિવાર્ય તત્ત્વોનું અભિન્નત્વ પ્રગટ્યું હોય છે : એવી વાર્તા ગુજરાતીમાં હોતે છતે ગુજરાતીમાં નથી, તે પોતાની ગુજરાતીમાં છે – એટલું જ નહીં, તે પોતાની ગુજરાતીમાં હોતે છતે, માત્ર ભાષામાં છે : એવી વાર્તા એમાં રજૂ થયેલા મનુષ્ય જેટેલી જ નોખી-અનોખી, જુદી કે વિશિષ્ટ છે. સ્વીકારો કે આવી વિરોધાભાસી ભાતમાં જ ટૂંકીવાર્તાની ભાષાસમજ ચિહ્નિત થયેલી છે. આભાર.

ઑક્ટો. ૨૦૦૧, મુંબઈ
(અધીત ૨૫–૨૬)