અધીત : પ્રમુખીય પ્રવચનો - ૩/अथ गद्यजिज्ञासा – માય ડિયર જયુ
પ્રથમ વર્ષથી અનુસ્નાતક કક્ષા સુધી એક ટૂંકી નોંધ પૂછવાનો ચાલ છે : ‘.....ની ગદ્યશૈલી.’ મને આજ દિન સુધી એ નથી સમજાયું કે આ ગદ્ય સાથે શૈલીને કોણે અને શા માટે જોડી દીધી છે! કારણ કે ગદ્ય પૂર્ણપણે કૃતિસંલગ્ન હોય છે અને શૈલી બહુશઃ કર્તાસંલગ્ન હોય છે. ચારસો-પાંચસો નિબંધો કે વાર્તાઓ અને પચાસ-સો નવલકથાઓ લખનારાઓએ આપણને ગદ્યવિધાન વિશે સભાન નથી કર્યા કે શું? પૂર્વસૂરિઓએ તો – ભામહથી માંડીને આજ સુધી - કૃતિના અન્ય ઘટકોને અ–નિવાર્ય ગણ્યાં છે તેમાં ગદ્ય કે પદ્યને અવશ્ય સ્થાન છે જ. પરન્તુ શબ્દ અને અર્થ, રસ અને ધ્વનિ, સ્વભાવોક્તિ અને વક્રોક્તિ, અલંકાર અને કલ્પન, છેલ્લી સદીઓમાં પ્રકાર અને આકાર વિશેની ચર્ચા ચાલી છે, તેટલી, પદ્ય વિશે થઈ ખરી, ગદ્ય વિશે નહિ જ નહિ, કે નહીવત્, જ્યારે કે કૃતિના વ્યક્તિત્વ માટે ગદ્ય અનિવાર્ય ઘટક છે એમ સ્વીકારીએ છીએ છતાં. દા.ત., પાંચસો નિબંધો કે વારર્તાઓમાં પાંચ-દસ જ પ્રભાવક નીવડે છે ત્યારે વિચારીએ છીએ ખરા કે આમ થવામાં ગદ્યનો શો હિસ્સો છે? એક જ સર્જક, એક જ કથાનક, એક જ પરિવેશ, પાત્રો અને ભાષામાં ચાલતી ‘ગુજરાતનો નાથ’ સાથે ‘રાજાધિરાજ’ બરોબરી કરી શકતી નથી ત્યારે આપણે વિચારીએ છીએ ખરા કે આમાં ગદ્ય શો ભાગ ભજવે છે? શા માટે કોઈની પચાસ-સો નવલકથાઓમાંથી એકાદ-બે માંડ નોંધપાત્ર લાગે; અને ગોવર્ધનરામની કે મધુરાયની એક કે એકેએક નવલકથા ગદ્યબંધની દૃષ્ટિએ પ્રભાવક લાગે છે? છંદોવિધાન બરોબર હોય, પણ પદ્યત્વ સિદ્ધ થતું નથી ત્યારે કાવ્યત્વ સુધી પહોંચતાં ખોડંગાઈએ છીએ; પણ ગદ્યત્વની સિદ્ધિ-અસિદ્ધિ માટે એટલા સભાન નથી. તે ત્યાં સુધી કે કોઈ પણ ‘લખાણ’ને આપણે ‘ગદ્ય’ માનીને ચાલીએ છીએ. અને એ પરિશ્રમોમાં ક્યારેક ક્યાંક ગદ્યનાં દર્શન પામીએ છીએ ત્યારે गद्यं कवीनां निकषं वदन्ति — નો શાંતિમંત્ર બોલી જઈએ છીએ. જ્યારે કે ગદ્ય કોઈ કૃતિનું ખંડ અંગ નથી હોતું, એ તો કૃતિનું આમૂલાગ્ર ‘પોત’ હોય છે. બીજે હાથે, પેલો શાંતિમંત્ર પરિણામ પછીનો છે. અને ગદ્યનો તો સાદ્યંત પ્રક્રિયા સાથે સંબંધ છે. વિદ્વાનો એને રચનાપ્રક્રિયા કહે છે. કર્તાના ‘અવાજ’ સાથે એ જન્મે છે અને પ્રવર્તે છે. પછી તે પ્રથમ પુરુષ એકવચનનું કથન હોય (નિબંધ), કે બીજો પુરુષ દ્વિવચનનું કથન હોય (કથા), કે ત્રીજો પુરુષ બહુવચનનું કથન હોય (નાટક); કે ક્યારેક જ સફળ, અને મોટે ભાગે નિષ્ફળ, એકનો અવાજ બીજામાં ઘૂસી ગયો હોય! દા.ત., કથા-નાટકમાં નિબંધ અને નિબંધમાં વૃત્તાંત. अपाद्ः पद् सन्तानो गद्यम् કહેનાર દંડીએ શિષ્ટનું અનુશાસન પામેલી વાણીનું ગૌરવ કર્યું છે ત્યાં સર્જકપ્રતિભાને પહેલી સલામ છે. પ્રતિભાનુશાસિત વાગ્વ્યાપારમાં મને તો ‘પદ્ય નૃત્ય કરતું અને ગદ્ય ઠેકડા મારતું’–ની સમજણ એકદમ વાહિયાત લાગે છે. કથનાત્મક વાગ્ભંગી (narrative discourse) સ્વ-રૂપ અનુરૂપ લય ધારે તો/ત્યારે કથકનો અવાજ અને કૃતિનું પોત આપોપું નિખરે. એ મિસાલે મને ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’ અને ‘મરણોત્તર’ જોડાજોડ બેઠેલાં ભળાય છે. વિદ્વાનો એ ‘અવાજ’માં વલણ, સૂર, કાકુ આદિને સમાવશે અને માત્રાભેદ પરખશે એમ માનું છું. એક વાત, આલંકારિક ગદ્યને સર્જનાત્મકતાનું છોગું લગાવવાની વાત પણ પાયાવિહોણી છે. બીજી વાત, ફ્રીવર્સ, મુક્ત છંદ, ડોલનશૈલી, અછાંદસ આદિની વિભાવના અને પ્રયોગોએ स-पाद કે अ-पादનાં ચોગઠાં ક્યાં રહેવા દીધાં છે! વાત ઠ્ઠઞ્દ્બ-ચ્દ્બદ્બઘ્ આગળ આવી ઊભે છે. કર્તાએ કર્તાએ અને કૃતિએ કૃતિએ એક જ છંદનું પ્રવર્તન સફળપણે અલગ અલગ મુદ્રા ધરાતું જોવાતું હોય ત્યાં ગદ્ય માટે ગદ્યબંધ અને ગદ્યલય સિવાય શું માણવું–નાણવું અને પ્રમાણવું?! એ માટે આપણે વળી પાછાં શબ્દ અને વાક્ય પાસે આવી ઊભીએ છીએ. પણ એ માટે આપણે વ્યાકરણવિચાર સામે આવવાને બદલે ઉક્તિવિચાર સામે આવતાં હોઈએ તો કેવું સારું! કથનાત્મક વાગ્ભંગી તે ઉક્તિવૈચિત્ર્ય એમ સ્વીકારીએ અને શબ્દચયન નહિ, પણ પર્યાયચયનને સ્થાન આપીએ તો ગદ્યબંધના અધ્યયન-અધ્યાપનમાં પ્રવેશીએ. એ માટે યશવંત શુક્લ અને સુરેશ જોષી જેવી ઉચ્ચારવિદ્યા, વિનોદ અધ્વર્યુ જેવો નાટ્યપાઠ, લાભશંકર ઠાકર જેવો અછાંદસ-પાઠ અને મધ્યકાલીન સિદ્ધ કથાકારો જેવો વાર્તાપાઠ આત્મસાત્ કરવાના રહે. અધ્યાપકનું આ કૌશલ જ વર્ષાન્તે મુખ્ય પ્રશ્ન તરીકે મૂકી શકે કે ‘....ની ગદ્યસંરચના તપાસો.’ કારણ કે સાહિત્યકળાના આસ્વાદનું ધારકબળ જ ગદ્ય (કે પદ્ય) હોય છે ને!
જાન્યુ. ૨૦૦૩, મુંબઈ
(અધીત ૨૫–૨૬)