અધીત : પ્રમુખીય પ્રવચનો - ૩/સાહિત્યિક વાચનાના ભાવન-વિવેચન વિશે – વિજય શાસ્ત્રી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૦. સાહિત્યિક વાચનાના ભાવન-વિવેચન વિશે
વિજય શાસ્ત્રી

સૌન્દર્યશાસ્ત્ર અને કળાવિવેચન [Aesthetics and Artcriticism]નાં કાર્યક્ષેત્રો જુદાં જુદાં છે. સૌન્દર્યશાસ્ત્ર કુદરતી તેમ જ માનવસર્જિત બંને સૌન્દર્યપદાર્થોનો વિમર્શ કરે છે પણ કળાવિવેચન માત્ર માનવસર્જિત કળાકૃતિઓને જ ચર્ચાનો વિષય બનાવે છે. કુદરતી પદાર્થો જેવા કે મેઘધનુષ્ય, રૂપાળાં પક્ષીઓ વગેરેમાં સૌન્દર્ય હોઈ શકે છે, પણ કળા તો માનવસર્જિત પદાર્થોમાં જ રહેલી છે. સૌન્દર્યશાસ્ત્ર જે તે કળાપદાર્થને અન્ય સન્દર્ભોથી અલગ તારવીને સૌન્દર્ય નિપજાવનારાં લક્ષણો અને સિદ્ધાન્તો તારવે છે પણ માનવસર્જિત સભાન નિર્માણ એવા કલાપદાર્થ ગણાતાં કવિતા અને સાહિત્યનો અભ્યાસ થતો હોય ત્યારે તેને અન્ય સન્દર્ભોથી અલગ તારવવાં મુશ્કેલ છે, કેમ કે સાહિત્ય અનેકાનેક સન્દર્ભો સાથે સંકળાયેલું હોય છે અને તેનો વિનિયોગ પણ અનેક સન્દર્ભે થતો હોય છે. ત્રીસીના ગાળામાં R. G. Collingwood જેવાએ તેના ગ્રન્થ ‘Principles of Art’માં કળાપદાર્થ માટે ‘કળા એ જાદુ નથી, કસબ નથી, કર્મકાણ્ડ નથી, મનોરંજન નથી’ એમ નેતિવાચક પદ્ધતિએ કળાની અનન્યતા સિદ્ધ કરવા મથામણ કરી હતી, પણ ચારેક દાયકા પછી સાહિત્યકલાનો વિચાર અન્ય સન્દર્ભો સાથે જોડીને થવા માંડ્યો. Ronald Peacock, જેઓ યુનિવર્સિટી ઑફ લંડનમાં જર્મન ભાષાસાહિત્યના અધ્યાપક છે, તેમણે કોલિંગવુડનાં વિધાનોને સામે છેડે જઈને એમ કહ્યું કે કળામાત્ર બીજાં ઘણાં તત્ત્વોને પોતાનામાં સમાવતી હોય છે, તેથી કળાની પ્રકૃતિની વ્યાખ્યા કરતી વખતે એ કળા-ઇતર બાબતો પણ લક્ષમાં લેવાવી જોઈએ. તેમના શબ્દો છે : – Since art is so often mixedup with other things; then its nature can only be defined by including in some way these other things.૧ [1] આ શબ્દો નવ્યવિવેચન પછીના છે. નવ્યવિવેચને કૃતિને તેના બાહ્યેતર સન્દર્ભોથી અલિપ્ત કરી, તેની પોતીકી સ્વાયત્તતામાં મૂકીને તપાસવાનો આગ્રહ રાખ્યો હતો. કવિતામાં પ્રયોજાતી ભાષા અલબત્ત, વ્યવહારમાંથી જ આવતી હોય છે, પણ તેનાં પ્ર-યોજન અને અભિગમ સમૂળાં બદલાઈ જાય છે. જેને Hermetic કહી શકાય એવી રચનામાં શબ્દનો – કૃતિની અંદરના જ અન્ય શબ્દ સાથે સંબંધ જોડાતો – રચાતો હોય છે. રોબર્ટ ફ્લાયે આ પ્રક્રિયા એક સરસ ઉદાહરણ વડે સમજાવી છે કે ખોરાક માટે માંસ ખરીદવા જનારી વ્યક્તિ જ્યારે શિકાર કરવા જાય અને માંસ પ્રાપ્ત કરે ત્યારે પ્રાપ્ત થતો પદાર્થ [માંસ] તેનો તે જ રહેવા છતાં તેની તરફનાં પ્રયોજન અને અભિગમ બદલાઈ જાય છે, તેવું જ વ્યવહારની ભાષા જ્યારે કાવ્યમાં પ્રયોજાય ત્યારે પણ બને છે. પણ સાતમા-આઠમા દાયકાઓમાં સાહિત્યકૃતિની સ્વનિર્ભર અને સ્વાયત્ત અવસ્થા પરત્વે ફેરવિચાર શરૂ થાય છે. રોનાલ્ડ પિકૉકના મતે સાહિત્યકૃતિના સ્વાયત્ત status –ની વાત એક Utopia છે, વાસ્તવમાં તે સિદ્ધ થતી નથી. સાહિત્યકૃતિ ઇતર તત્ત્વોને પોતાનામાં સમાવીને પોતાનું અસ્તિત્વ સિદ્ધ કરતી હોય ત્યારે એ ઇતર તત્ત્વોને લક્ષમાં લીધા વગર છૂટકો નથી. તેમણે આ વાત સમજાવવા એક દૃષ્ટાન્ત આપ્યું કે જમીનના એક ટુકડાનું બહાર ખોદી કાઢીને પરીક્ષણ કરવાથી તેના ગુણધર્મો જાણી શકાતા નથી, પણ તેના પર વાતાવરણની કેવી અસર થાય છે, તેમાંથી વનસ્પતિ કઈ પેદા થાય છે, તે બધી બાબતો ચકાસ્યા બાદ જ એ જમીન શું છે અને શું આપી શકે તેમ છે તે જાણી શકાય છે, તે જ રીતે કળાપદાર્થ અને ખાસ તો સાહિત્યપદાર્થની પ્રકૃતિ જ એવી છે કે તેનાથી ઇતર તત્ત્વોથી સમ્પૂર્ણ વિચ્છેદ પામી શકે નહિ અને જો તેને તેના અન્ય સંદર્ભોથી વિચ્છેદિત કરી દેવાય તો તેમ કરનાર કળાવિવેચનના ક્ષેત્રમાંથી અજાણતાં સૌન્દર્યશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં સરકી પડે છે. રોનાલ્ડ પિકૉકના મતે કાવ્યભાષા orphic છે એટલે કે બહારના વિશ્વ સાથે પણ સંબંધ ધરાવે છે. તેઓ સાહિત્ય સમેત અન્ય કલાઓને Mode of knowledge કહે છે. કળાકૃતિ વાસ્તવબોધની એક રીતિ છે, તરાહ છે. સાહિત્યકૃતિ ઘણુંબધું છે. કશાકનું પ્રત્યક્ષીકરણ છે, કશાકનું પ્રતીક છે, ક્રીડા છે, અલંકાર છે, સદ્ય પરનિર્વૃત્તિ સાધતી પ્રક્રિયા છે, અનુભવોના સંદર્ભે તે જીવનની સમીક્ષા પણ છે. નાટક અને નવલકથામાં તે વ્યંજનામૂલક જીવનની સમીક્ષા આપે છે તો કૉમેડી અને સેટાયરમાં તે પ્રગટપણે માનવસન્દર્ભો પરત્વે મૂલ્યનિર્ણયો આપે છે. આ યાદી હજુ પણ લંબાવી શકાય તેમ છે. ટૂંકમાં, સાહિત્યકલા બહુઆયામી પ્રક્રિયા છે તેમાં જે Multi valency રહેલી છે તેની ઉપેક્ષા કરવામાં ઘણું ઘણું ચૂકી જવાનું જોખમ રહેલું છે. કળાવિવેચનમાં આ બધી જ બાબતોને સાથે મૂકીને જોઈ શકાય છે. પરિણામે ચર્ચાની ભૂમિકા સર્વગ્રાહી બને છે. કળા અને ઇતર બાબતો, કળા અને વ્યક્તિજીવન, કળા અને સામાજિક પરિમાણ આ બધાં જ પાસાંનો અભ્યાસ શક્ય બને છે.

*

રોનાલ્ડ પિકૉકની ચર્ચામાં બીજો મહત્ત્વનો મુદ્દો તે સાહિત્યિક વાચનાના ભાવન અંગેનો છે. કોઈ એક ભાવક એક તરફ બને તેટલી વધુ ને વધુ કૃતિઓનો પરિચય કેળવતો-મેળવતો જાય છે તો બીજી તરફ તેનામાં હ્રસ્વીકરણ – Reduction – પણ સક્રિય બનતું જાય છે, એટલે કે તે અમુક ચોક્કસ કૃતિઓ, લેખકો અને સાહિત્યપ્રકારો માટે વધુ ને વધુ લગાવ ધરાવતો થવા માંડે છે. ઘણું ઘણું વાંચવાની સાથે જ ચોક્કસ પસંદગીની કૃતિઓ, લેખકો ને પ્રકારો તરફ તે ઢળતો જાય છે. અમુક, પસંદ કરેલી રચનાઓ પ્રત્યે વિશિષ્ટ આકર્ષણ ધરાવતી તેની વ્યક્તિમત્તા એ કૃતિઓનું વધુ સેવન, સંવનન અને મનન કરતી થઈ જાય છે. પિકૉક નોંધે છે તેમ – – We are naturally interested in etploring a great deal of it; but we are extremely sensitive to the works and authors and kinds that please us particularly and we want to keep with us and read repeatedly.૨ [2] પણ સાચી કલાકૃતિ વિશે બે પરસ્પરવિરોધી ઘટનાઓ બનતી હોય છે. એક તરફ તેની આસ્વાદ્યતા, તેનું સંવેદનવિશ્વ અને તેની ભાવકને દ્રવીભૂત કરવાની ક્ષમતા આપણે માણી-નાણી શકીએ છીએ, તો બીજી તરફ સમય જતાં એ જ કૃતિ કોઈક બિનઅંગત સિદ્ધાન્ત, સૂત્ર કે ફિલસૂફીમાં પરિવર્તિત થતી જતી હોય છે : પરિણામે, તે આ કે તે સમયગાળામાં લખાયેલી હોવા છતાં જે તે સમયગાળામાં જ બંધાઈ ન રહેતાં સમયાતીત, સર્વકાલીન બની રહે છે. પિકૉક તેને માટે ‘Timeless’ અને ‘lndependent of Living time’૩[3] શબ્દો પ્રયોજે છે. અંગત સંવેદનમાંથી ઉદ્‌ભવેલી કૃતિ એક general memory, general mindમાં તબદીલ થઈ જાય છે. ભારતીય રસમીમાંસામાં સાધારણીકરણનો જે ખ્યાલ છે તેને કૈંક અંશે મળતો આવતો આ વિચાર છે. આમ, સંવેદનની ઊર્જા ગુમાવીને કૃતિ થીજી ગયેલા વૈચારિક માળખા કે સિદ્ધાન્ત રૂપે ટકી રહે ત્યારે તે Literature of affinity મટીને Literature of Idea બની રહે છે. તેના સર્જનકાળે તેની તાજી સંવેદનસૃષ્ટિનો જે Impact, જે ઊર્જા, જે effect અને જે force હોય છે તે ઠરી જાય છે, ને તે કશાક સિદ્ધાન્તસૂત્રની વાચક બની રહે છે. આપણા સંદર્ભે કહીએ તો ‘મહાભારત’ જેવું મહાકાવ્ય ‘ધર્મજય અને પાપક્ષય’ એ સિદ્ધાન્તનું વાચક અને વાહક બની રહ્યું છે. કાન્તનાં ખણ્ડકાવ્યો એ ‘માનવી અને નિયતિના સંઘર્ષના પ્રતિનિધિ’ તરીકે ઓળખાવા લાગ્યાં છે. નર્મદ-દલપતની કવિતાને આપણે ‘સુધારાના જુવાળ’ શબ્દોમાં પેક કરી દીધી છે, ઉમાશંકર-સુન્દરમ્‌ની વાત આવે એટલે આપણી પાસે ‘ગાંધીયુગ’ અને ‘દીનજનવાત્સલ્ય’નું બીબું તૈયાર જ હોય છે, પન્નાલાલ – મેઘાણીને આપણે જાનપદી સર્જકોના ચોકઠામાં ફીટ કરી દીધા છે, સુરેશ જોષી એટલે આધુનિકતા અને ઘટનાહ્રાસ, સિતાંશુ એટલે સર્‌રિયલ, ચન્દ્રકાન્ત બક્ષી એટલે ઘટનાવાદી, પશ્ચિમમાં પણ આ વલણ છે જ, કેમ્યૂ એટલે ઍબ્સર્ડ, પ્રુસ્ત, જૉય્યસ અને વર્જિનિયા વુલ્ફ એટલે ચેતનધારાના સર્જકો, નાતાલી સારોત અને રોબ્બ ગ્રિયે એટલે નુવાં રોમાં! આ રીતનાં હ્રસ્વીકરણો દ્વારા ઊભી થતી આપત્તિ એ છે કે ભાવક કૃતિના સૂક્ષ્મ અને મૂળભૂત સંવેદનવિશ્વના અણુએ અણુને માણવાને સ્થાને તેના વૈચારિક અને સૈદ્ધાન્તિક અર્કને પકડી લેતો હોય છે. ‘કૃતિ’ને બદલે ‘કૃતિ વિશે’ વધુ જાણતો થઈ જાય છે. મૂળ કૃતિની અવેજીમાં proxy –માં તેના સામાન્ય લક્ષણને વધુ મહત્ત્ત્વ આપતો થઈ જાય છે. આવું બને ત્યારે કૃતિમાં, તેના સર્જનકાળે અનુભવાતાં ઊર્જા, સંવેદન-અસરો જાણે કે બાષ્પીભૂત થઈ જાય છે. કૃતિગત સંવેદન-ઊર્જા પ્રત્યેનો ભાવક પ્રતિભાવ મન્દપ્રાણ બની જાય છે. આવો Low Response એ પિકૉકના મતે કૃતિને ઝટઝટ આ કે તે માળખામાં ગોઠવી દેવાની વૃત્તિનું દુષ્પરિણામ છે. પિકૉક કહે છે તેમ – ‘We institutionalize literature’ સાહિત્યનું આપણે જાણે સંસ્થાકરણ કરી દીધું છે; એક જીવંત સંવેદનાને, જડ, નીરસ, નિષ્ક્રિય એવી વિચારધારામાં ફેરવી નાખી છે. લેબલો અને બેનરોમાં પૂરી દીધી છે. – All works, like all ideas, are co.present to the mind as ideas, whatever their origin, but not as ‘forces’ with effect.૪ [4] કૃતિનો ઉદ્‌ભવ સર્જકની અંગત સિસૃક્ષામાંથી ભલે થતો હોય પણ એ જ સિસૃક્ષાગત કલ્પનાતત્ત્વને બળે કૃતિગત વૈયક્તિક વિશ્વ બિનંગત સમષ્ટિગત વ્યાપ પણ ધારણ કરે છે. personal મટી Human બને છે. એક supra – personal order ધારણ કરે છે. આમ, કૃતિમાં અભિવ્યક્તિ અને દાર્શનિકતા સમાન્તરે ચાલે છે. કૃતિગત સર્જકતત્ત્વોનો પરિચય કરાવ્યા બાદ પિકૉક ભાવકચિત્તના વિશ્લેષણ તરફ વળે છે. તેમના મતે અમુક કૃતિઓના સામર્થ્યથી ભાવક વાકેફ હોય છે, છતાં પણ એ કૃતિઓ પ્રત્યે તેને ખાસ કશો ઉમળકો થતો નથી. પિકૉકે warmth શબ્દ પ્રયોજ્યો છે. ભાવક અમુક કૃતિઓની Outer ring આગળ જ અટકી જાય છે. બીજી કેટલીક Middle Belt ધરાવે છે જેમાં ભાવક સ્વસ્થ, સમતોલ ચિત્તે અવગાહન કરે છે, પણ જે Inner ring છે ત્યાં ભાવકને આત્મીયતાનો અનુભવ થાય છે. આપણને જેમ કોઈ વ્યક્તિ માટે અહૈતુક પ્રીતિ થાય છે તેમ આવી Inner ring ધરાવતી કૃતિ માટે ભાવકને અતિશય ઉમળકો થાય છે. because of some intuitive sympathy, some correspondence between them and either our nature, or our present needs or phase of development.૫ [5] આવી કૃતિઓને પિકૉક part of ourselves ગણાવી Literature of affinity તરીકે ઓળખાવે છે જેમાં આપણને power અને relevance બંનેનો અનુભવ થાય છે. પિકૉકનાં આ નિરીક્ષણો પર John Hollowayના વિચારોનો ખાસ્સો પ્રભાવ જણાય છે. હોલોવેના મતે આપણા વિવેચને કવિતાને એક રોમરોમ સંવેદન છલકાતી જીવંત કૃતિને સ્થાને અમુકતમુક વિચારધારાની વાહક બનાવી કશાક Paradigmને આધારે અનુભવના વિષયને બદલે ‘ચર્ચાનો વિષય’ બનાવી દીધી છે! તેમણે બહુ આકરા શબ્દોમાં કહ્યું કે આ પરિસ્થિતિને બદલવાની તાતી આવશ્યકતા છે we must turn from static to dynamic from the answers that the work thought to make to power it generates from thinking of poem as embodied doctrine to thinking of it as embodied energy not meang, but art A work of art is an event before it is a meaning : as also it is power, before it is beauty.૬ [6] હૉલોવેના આ ઉદ્‌ગારો ટાંકતા હોવા છતાં પિકૉક તેની સાથે સમ્પૂર્ણ સંમત થતા નથી. તેમના મતે સાહિત્યકૃતિના સંપર્કમાં આવતો ભાવક Ideas અને Sensibility બંને ધ્રુવો વચ્ચે પરિભ્રમણ કરતો હોય છે. જ્યારે આપણે કૃતિને વૈચારિક દૃષ્ટિકોણથી તપાસીએ છીએ ત્યારે તેની પ્રકારગત લાક્ષણિકતાઓ તારવીએ છીએ, બદલાતી તરાહો નિહાળીએ છીએ, પણ જ્યારે કૃતિને આસ્વાદના દૃષ્ટિકોણથી તપાસીએ છીએ ત્યારે તદંતર્ગત સંવેદનાઓની તરાહોને વશ થઈ જઈએ છીએ. અત્યંત પરાઅંગત – Ultra personal એવી અનુભૂતિ કરીએ છીએ. સંશોધન સંવેદનને અને સંવેદન સંશોધનને પુષ્ટ કરતાં રહે છે. Literature of affinity અને Literature of Curiousity એવા બે ભેદ સગવડ માટે છે, બંને એકસાથે પ્રવૃત્ત થાય છે. વેદનશીલતાની કેળવણીને લીધે જે લેખકો અને કૃતિઓ આપણી જાત માટે દૂરનાં, ઇતર અને અપ્રસ્તુત લાગતાં હતાં તે ક્રમશઃ આત્મીય અને પ્રસ્તુત બનતાં જાય છે. આમ સ્વ-ના, ચિત્તના બ્લૅન્કસ્પોટ્‌સ ખૂલતા જાય છે, તો બીજી તરફ બૌદ્ધિક કવાયત પણ થતી રહે છે. સી. એસ. લૅવિસે સાહિત્યકૃતિને ‘સ્વ-નો વિસ્તાર’ કહેલી તેનાથી આ જુદી વાત છે. લૅવિસને અભિપ્રેત એવો આધ્યાત્મિક વિકાસ પિકૉકના મતમાં નથી. દરેક વ્યક્તિમાં ઓછીવધતી માત્રામાં જે સર્જનશીલતા રહેલી છે તેને સક્રિય કરવાની વાત પિકૉકને અભિપ્રેત છે. Self-Identification અને self affirmationની વાત તે ભારપૂર્વક જણાવે છે. વૈયક્તિક રુચિ અને ચોક્કસ માળખામાં નિર્માણ પામતી કૃતિ વચ્ચેનું nter-action તેમના મનમાં છે. છેવટે ભાવનપ્રક્રિયાના આ બે પ્રવાહો વિવેચનપ્રક્રિયાના પણ બે પ્રકારો જન્માવવામાં કઈ રીતે ભાગ ભજવે છે તેની ચર્ચા થઈ છે. વિવેચનની એક ધારા અર્થઘટનનો મહિમા કરે છે, જેમાં વેદનશીલતાની પ્રબળતા, તીવ્રતા, ચાલકતત્ત્વ હોય છે. કૃતિ અને ભાવકના સંવેદનવિશ્વની એકરૂપતા, સગોત્રતા તેના પાયામાં રહેલી હોય છે. ટાગોરે ‘પ્રાચીન સાહિત્ય’માં કરેલાં ‘શાકુન્તલ’ અને ‘ટેમ્પેસ્ટ’નાં વિવેચનો આના નમૂના ગણી શકાય. જ્યારે વિવેચનની બીજી ધારા સિદ્ધાન્તો, ધારાધોરણો, સ્વારૂપક લક્ષણો અને ઐતિહાસિક માળખાંઓમાંથી ઉદ્‌ભવે છે. લક્ષણો અને સ્વરૂપોનું અપાર વૈવિધ્ય આ ધારાને ઠીક ઠીક સંકુલ બનાવે છે. પરિણામે સર્જકો અને કૃતિઓ સંપૂર્ણ નહિ પણ આંશિક રીતે સ્વીકાર્ય બને છે. આવા વિવેચનમાં સ્વીકૃતિ-સંમતિની મહોર અપેક્ષિત હોવાથી વાદવિવાદ, વિતંડા અને પારસ્પરિક હુમલાઓનો સંભવ વધે છે. વાદવિવાદના પાયામાં જે તે વિવેચકની કોઈ ચોક્કસ તાત્ત્વિક વિચારધારા અને / અથવા tempramental diversity કામ કરતી હોય છે. Literature of affinity એ Committed testનું તો Literature of Idea એ Committed curiousityનું પરિણામ છે. આ સંદર્ભે Wolfgang Iserનો મત પણ પિકૉકને મળતો આવતો હોઈ જોવા જેવો છે. તેમના મતે સાહિત્યકૃતિને આ કે તે ઘટના યા સંવેદનાના દસ્તાવેજ તરીકે જોવાની જરૂર નથી. સાહિત્યકૃતિ તો તેના સર્જકે રચેલા વાસ્તવનું ભાવક વડે થતું પુનઃસર્જન છે. વાચકના ઊર્મિશીલ પ્રતિભાવો સાહિત્યિક વાચનમાંથી ઉદ્‌ભવે છે, જ્યારે ભાવક વડે થતું વૈચારિક આકલન પ્રતિભાવોની પરમ્પરામાંથી જન્મે છે. તેમના શબ્દો છે : – the literary work is to be considered not as a documentary record of something that exists or has existed, but as a reformulation of an already formulated reality.... A theory of response has its roots in the text, a theory of reception arises from a history of reader’s judgments.૭ [7] કૃતિપાઠ પ્રત્યે સંવેદનામૂલક પ્રતિભાવ દાખવતો ભાવક જ્યારે જે તે કૃતિને પોતાના સ્વનો પર્યાય ગણે છે ત્યારે પણ ‘what are the conditions under which he (મૂળમાં we છે) would making such statment?’ એ પ્રશ્ન તો ઉત્પન્ન થાય જ છે, જેના જવાબમાં ભાવકે કૃતિના અને વ્યાપકપણે જોતાં સાહિત્યતંત્રના સમગ્ર માળખાની તપાસ કરવી જ પડે છે. આમ, વેદનશીલ પ્રતિભાવ અને કૃતિની સંરચના બંનેને જોડવાનું સૂચન મૅલ્વિન રડાર કરે છે તે સ્વીકાર્ય બને તેવું છે.૮ [8] ગાડામેર જેવા વિચારકે તો કૃતિ પ્રત્યે ચુંબકીય આકર્ષણ ધરાવતી માનસિકતા માટે lngenio સંજ્ઞા વાપરી છે અને તેને રુચિ – સાહિત્યિક રુચિથી અલગ પણ ગણી છે. સાહિત્યિક રુચિ માટે તેમણે lngenioથી આગળ વધીને gusto સંજ્ઞાનો પ્રયોગ કર્યો છે.

૨૦૦૮, મુંબઈ
(અધીત ૩૧)

  1. ૧. Peacock Ronald : Criticism and Personal Tast clarendon Press : Oxford : ૧૯૭૨ : P. ૧૫
  2. ૨. એજન : પૃ. ૧૬
  3. ૩. એજન : પૃ. ૧૬
  4. ૪. એજન : પૃ. ૧૮
  5. .
  6. ૬. Holloway John : The colours of clarity London : ૧૯૬૪ P. ૧૪૩-૪.
  7. ૭. Iser Wolfgang : The Act of Reading Routledge a Keganpaul : ૧૯૪૮ P. X
  8. ૮. Rader Melvin : A Modern Book of Esthetics fourth Edition : 1973 : Holt, Rinehart and Winston In New york : P. 516

સંદર્ભ
૧. Peacock Ronald : Criticism and Personal Tast clarendon Press : Oxford : ૧૯૭૨ : P. ૧૫
૨. એજન : પૃ. ૧૬
૩. એજન : પૃ. ૧૬
૪. એજન : પૃ. ૧૮
૬. Holloway John : The colours of clarity London : ૧૯૬૪ P. ૧૪૩-૪.
૭. Iser Wolfgang : The Act of Reading Routledge a Keganpaul : ૧૯૪૮ P. X
૮. Rader Melvin : A Modern Book of Esthetics fourth Edition : 1973 : Holt, Rinehart and Winston In New york : P. 516
૯. Gadamer Hams – Georg : Truth and Method Second Edition Translation Revised by Joel Weinsbeimer and Donald G. Marshall, Cross Road, New york 1990 P. 35.