અધીત : પ્રમુખીય પ્રવચનો - ૩/સંસ્કૃતિ, બહુસંસ્કૃતિ અને સાહિત્ય – પ્રવીણ દરજી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૯. સંસ્કૃતિ, બહુસંસ્કૃતિ અને સાહિત્ય
પ્રવીણ દરજી

‘ગુજરાતીનો અધ્યાપક સંઘ’ એના છપ્પનમા અધિવેશનમાં અહીં તલોદ આટ્‌ર્સ-કૉલેજમાં પોતાનું જ્ઞાનપર્વ ઊજવી રહ્યો છે, ત્યારે આપ સૌનું મંચ ઉપરથી, સૌના વતીથી, ઉષ્માભર્યું સ્વાગત કરતાં અનહદ આનંદ અનુભવું છું. ‘અનહદ’ એવું વિશેષણ સકારણ યોજું છું. ખાસ તો તમે મને સર્વાનુમતે ૨૦૦૭ના વર્ષ માટે પ્રમુખપદ આપીને તમારી વર્ષભરની સંનિધિ માટે યોગ્ય લેખ્યો છે. એ રીતે, સાથે હું એક શિક્ષકથી વધુ કંઈ નથી એમ સમજું છું, ત્યારે આપે આવા ગૌરવવંતા પદ ઉપર મને બેસાડી મારામાંના શિક્ષકત્વને ભૂષિત કર્યું છે, એ રીતે પણ. હું આ પદની સાથે એના ઉત્તરદાયિત્વનો વિચાર કરું છું, ત્યારે મને મારી શક્તિઓ કરતાં અશક્તિઓનું વધુ ભાન થઈ રહે છે, પણ આપ સૌ સારસ્વત મિત્રોને આટલી વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત થયેલા જોઉં છુંં, તમારા સૌની અભ્યાસશીલતા અને ઉત્સાહને જોઉં છું, ત્યારે મને લાગે છે કે ૨૦૦૭ની મારી યાત્રા જરૂર આનંદદાયક બનશે. છેવટે હું તમારા સૌના સંગાથથી કંઈક વધુ સ્ફૂર્તિ અનુભવીશ, તમે સૌ મને જુદી જુદી રીતે સંકોરશો એ ઉપલબ્ધિ મારા માટે કંઈ ઓછી નહિ હોય. આવી સહયાત્રામાં છેવટે આનંદ સહ-યાત્રાનો છે. આદાન-પ્રદાનનો છે, વિચાર-વિમર્શનો છે. આપણે સૌએ જાતને વધુમાં વધુ જ્ઞાનસંદર્ભે પ્રશ્નો કરતા રહી, આપણી જીવંતતાનો પરિચય કરતા-કરાવતા રહેવાનો છે. સંઘના આદ્યસ્થાપક રામનારાયણ પાઠક આપણા એવા સમર્થ પૂર્વજ હતા. કવિ ઉમાશંકરે આપણને સૌને, ગુજરાતીના અધ્યાપકોને, માર્મિક ટકોર કરતાં કહેલું, કે આપણે સૌ નરસિંહરાવ અને કે. હ. ધ્રુવના કુળના છીએ, આપણે એ અભિમાન લઈ શકીએ તેવા પૂર્વજો હતા. મિત્રો, તેમનું સ્મરણ આપણા સ્વાધ્યાયદીપને સતત પ્રકાશિત રાખે તેવી અહીં કામના પ્રકટ કરું છું. આપણે તેજસ્વી બનીએ, તપને સંવર્ધીએ... હવે હું આજના એક મહત્ત્વના મુદ્દા વિશે મારા થોડાએક વિચાર આપ સૌની સમક્ષ પ્રસ્તુત કરું છું. મારો વિષય છે, ‘સંસ્કૃતિ, બહુસંસ્કૃતિ અને સાહિત્ય.’ પ્લેટોએ વર્ષો પૂર્વે એમ કહ્યું હતું, કે પરીક્ષણ વિનાનું જીવન સાચું જીવન નથી. એના સમયમાં તો આ વાત સાચી હતી જ, પણ આપણા સમયમાં તેનું આ કથન કદાચ તેથીય વધુ સાચું અને વધુ મહત્ત્વનું છે. સમયની ગતિ તો અજસ્ર રહી જ છે, પણ એ ગતિએ એના માર્ગ બદલ્યા છે. એ ગતિ ઊભી, આડી, ત્રાંસી, સીધી કહો બધી તરફની રહી છે. કશા વિશે આપણી અવધારણા ઊભી થાય, કશોક મત બંધાય ત્યાં જ તે મત કે પછી આપણી અવધારણા ખોટાં પડતાં જણાય, અથવા તો તે વિશેનો અભિપ્રાય બદલવો પડે. ‘ગઈકાલ’ અને ‘આજ’ વચ્ચે તો તેથી મોટું અંતર જણાય જ, પણ ચોવીસ કલાકની ‘આજ’ વિશેય ઠીકઠીક બાંધછોડ કરવી પડે! કશા પણ વિશેનાં આપણાં ગૃહીતો, આપણી માન્યતાઓ તેથી એકરૂપે હવે ટકી શકે તેમ નથી. આપણે એક એવા તબક્કા ઉપર આવીને ઊભા છીએ, કે જ્યાં દિવસો કે કલાકોનું નહિ પણ ક્ષણોનું માહાત્મ્ય છે. જિવાતી ક્ષણ આપણું નકરું સત્ય બની છે. બુદ્ધે જીવનના એક છેડે ઊભા રહી ક્ષણં વિધ્વંસિની વાત કરી હવે આપણે બીજે છેડે ઊભા રહી ક્ષણક્ષણાર્ધમાં નવસર્જનમ્‌નું સત્ય જોઈ રહ્યા છીએ, અથવા તો તેના સાક્ષી બની રહ્યા છીએ. પ્લેટોએ ‘પરીક્ષણ’ની કરેલી વાત એ રીતે વધુ અઘરી છતાં આજે અનિવાર્ય બની છે. ક્ષણેક્ષણનું વીક્ષણ-પરીક્ષણ આપણા સમયનું સત્ય છે. જે એ ચૂકી જાય છે તેની પેલો સમય નોંધ સુધ્ધાં લેતો નથી. આગળ વધીને કહેવું હોય તો કહી શકાય કે હવે સમયમાં પોતાને નહિ, પણ સમયને પોતાનામાં સમાહિત કરવાનું મુહૂર્ત આવ્યું છે. વિશ્વ અને એનો માનવ અગાઉ ક્યારેય આટલાં લવચીક કે સતર્ક ન્હોતાં. આવા સમયમાં ‘સંસ્કૃતિ’ કે એના વિભાવની વાત કરવી એ થોડું મુશ્કેલ કાર્ય છે. કેટલુંક એ સંદર્ભે જતું કરવું પડે, કેટલુંક નવેસરથી વિચારવું પડે. સર્વને માન્ય બને એવાં તારણો ઉપર કદાચ ન પણ આવી શકાય. વળી એવો વિભાવ સંસ્કૃતિવિશેષે, દેશવિશેષે જુદો પડવાનો. એ વિશે મતમતાન્તરો પણ રહેવાનાં. ક્યારેક તો તેમાં પરસ્પરને છેદતાં અંતિમ વિધાનો કે અભિપ્રાયો પણ મળવાનાં. કોઈકને ‘સંસ્કૃતિ’ વિશેનો ખ્યાલ જ ‘નિર્જીવ’ કે ‘બકવાસ’રૂપ લાગવાનો. કોઈકને તેના વિના આગળ વધાય જ નહિ, એવું પણ કહેવાનું પ્રાપ્ત થયું હોય, પણ જ્યાં ‘માનવ’ અને એની ‘કલા કે કલેતર’ પ્રવૃત્તિઓનો પ્રશ્ન આવે છે, ત્યાં ‘સંસ્કૃતિ’ આવીને ઊભી રહે છે. તેથી તેનો આદર કરનાર કે અનાદર કરનારને પણ, એના પરીક્ષણ વિના ચાલે તેમ નથી. આ ‘સંસ્કૃતિ’ સંજ્ઞા વડે આપણને શું અભિપ્રેત છે? આપણો તેની સાથે શો નાતો રહ્યા છે? કેટલાક કહે છે, તેમ તે શું બંધિયાર છે? અથવા કેટલાક કહે છે તેમ, તે સતત ગતિશીલ છે? શું તેનો આધુનિક બોધ સાથે કશો અનુબંધ છે? આ અને આવા અનેક પ્રશ્નો તત્સંદર્ભે કરી શકાય. વ્યાપક રૂપે જોઈએ તો કોઈપણ દેશની સંસ્કૃતિ તેની પ્રજાનું પોતાનું આંતરસત્ય છે. જે એના માટે પર્યંતે પ્રેરક, પોષક અને સંજીવનીરૂપ બને. ચક્રવર્તી રાજગોપાલાચારીએ સંસ્કૃતિનો સંબંધ કોઈપણ જાતિ અથવા રાષ્ટ્રના શિષ્ટ પુરુષોનાં વિચાર, વાણી અને ક્રિયાનાં જે રૂપ જોવા મળે છે, તેની સાથે જોડ્યો છે. કેટલાક સંસ્કૃતિનો સંબંધ જન્મજન્માન્તરો સાથે જોડે છે. કોઈ દેશ જે ભૌતિકતાનું અને વિચારશીલતાનું વાતાવરણ જન્માવે છે, તેને પણ સંસ્કૃતિ કહેનારો વર્ગ છે. વ્હાઈટહેડ કંઈક વધુ સ્પષ્ટ રીતે આ સંજ્ઞાને ખોલી આપે છે અને જણાવે છે, કે તે જ્ઞાન, કળા, નૈતિકતા, વિધિવિધાન, રીતિ-રિવાજો, વિશ્વાસ, સારાં આચરણો વગેરેનું મિશ્રણ છે. ઓક્સફર્ડ ડિક્ષનરી સંસ્કૃતિને સભ્યતાના બૌદ્ધિક પાર્શ્વ રૂપે જુએ છે, તો એન્સાઈક્લોપીડિયા ઓફ હ્યુમન લિટરેચર સંસ્કૃતિને માનવના બધા જ પ્રકારના આંતરિક, બૌદ્ધિક, નૈતિક અને ધાર્મિક જીવનને પ્રકટ કરતી સંજ્ઞા તરીકે ઓળખાવે છે. અહીં ભાવના અને ક્રિયાનું અદ્વૈત પણ પામી શકાય છે. મન અને કર્મ, અંતરંગ અને બહિરંગનું સામંજસ્ય પણ અપેક્ષિત છે. હેર્ડર, ચોક્કસ પ્રકારે, વિશિષ્ટ રીતિએ પ્રકટ થતા જીવન તરીકાને લક્ષમાં લઈને, કલા, જ્ઞાન, વિવિધ સંસ્થાઓ માનવીય વર્તણૂંક, મૂલ્યો વગેરેને ‘સંસ્કૃતિ’ કહેવાનું વલણ દાખવે છે. વિલિયમ્સ, માનવીય વિકાસને વધુ સંનધ્ધ ભૂમિકાએ પામી શકવાનાં સર્વસામાન્ય વલણો રૂપે સંસ્કૃતિની ઓળખ આપે છે. રોલાં બાર્થ કંઈક આધુનિક મિજાજ દાખવી પ્રવર્તમાન ફ્રાન્સમાં જોવા મળતાં પ્રેસ, ફિલ્મ, થિયેટર, સાહિત્ય, વિધિવિધાનો, ન્યાય, પર્યાવરણ, લગ્નો, વસ્ત્રો વગેરેની યાદી આપીને દરરોજના જીવનમાં પ્રકટતી બાબતોનો સંસ્કૃતિ સંદર્ભે સંકેત કરે છે. સમાજશાસ્ત્રીઓ અને નૃવંશશાસ્ત્રીઓ પ્રાચીન રૂઢિઓ, સંસ્થાઓની સમસ્તતાને નિર્દેશવા સંસ્કૃતિ સંજ્ઞાનો ઉપયોગ કરે છે અને સાહિત્ય તેમજ સંસ્કૃતિના પ્રગાઢ સંબંધ ઉપર આંગળી મૂકી આપે છે. કોલરિજ – આર્નોલ્ડ જેવાએ ઉત્કૃષ્ટતા વડે સંસ્કૃતિ નિર્માણ થાય છે, એમ નોંધ્યું છે. હેબડિક્‌ જેવા Sub Culture ઉપર ભાર મૂકે છે. જે જૂથો વિવિધ કારણોસર હાંસિયામાં મુકાઈ ગયાં હોય તેવાં જૂથો જ્યારે પ્રવૃત્ત થાય અને નવા અર્થ-મહિમા સાથે તે પ્રકટી રહે, પ્રભાવક બળો દ્વારા તેમનો સ્વીકાર થાય કે તેનો તેઓ અર્થ પામી રહે એ બાબત ઉપર તેમનું વિશેષરૂપે ધ્યાન રહ્યું છે. લુઈ આલ્થુઝર તેને પરિવાર, શાળા, કાયદો વગેરે સામાજિક સંસ્થાઓ જેવા વિષયો સાથેના સજીવ-જીવાતા સંબંધ રૂપે જુએ છે. ક્યાંક સંસ્કૃતિ Culture અને સભ્યતા Civilizationની કોઈક કોઈક સેળભેળ પણ કરી નાખે છે. ખાસ તો અત્યારના, આપણા સમયમાં એમ બનતું વધુ જોવાય છે. Culture is what we are and Civilization is what we use એ પ્રસિદ્ધ ખ્યાલમાં બંનેની મૂળભૂત લાક્ષણિકતાઓનો જે સંકેત થયો છે, તે અહીં યાદ કરવો રહે. સભ્યતાને કળાકૌશલ, તંત્ર-તરીકા, મનુષ્યની મૂળ જરૂરિયાતો, ઉપયોગિતાઓ વગેરે સાથે સંબંધ છે. જ્યારે સંસ્કૃતિને આપણે જે કંઈક છીએ જેની સાથે અર્થાત્‌ આપણી મૂલ્યચેતના સાથે, પ્રબુદ્ધ ગતિ સાથે સંબંધ છે. સભ્યતા કાર્યકલાપને લક્ષે છે, સંસ્કૃતિ આત્મકલાપનો નિખાર છે. બંનેનું સંતુલન હોય તો સ્થિતિ વરેણ્યરૂપ બની જાય અને એ સંતુલન જોખમાય, સભ્યતા જ સર્વેસર્વા બનવા મથે તો માનવીય ચેતના ઉપર કુઠારાઘાત થવાનો. ‘સંસ્કૃતિ’ વિશે કંઈક મુખર કહી શકાય તેવા કેટલાક અભિપ્રાયો-મંતવ્યો આપણે જોયાં. વ્યાપક તપાસમાં આવાં જ તારણો ઉપર આવી શકાય. વળી સમયે સમયે માણસ અંદર-બહારથી ઉત્ક્રાન્ત થતો રહે એટલે એવી સંજ્ઞામાં કેટલાંક ઉમેરણો કે કેટલીક બાદબાકી પણ થતી રહેવાની. કૉવેલ સંસ્કૃતિને તેથી જ ક્યારેય ઉકેલી ન શકાય તેવી સંજ્ઞા કહીને હાથ ધોઈ નાખે છે, તો રેમન્ડ વિલિયમ્સ તેને એક અટપટી સંજ્ઞા રૂપે ઓળખાવે છે. આમ છતાં એક વાત ઉપર સંમત થઈ શકાય તેમ છે. ‘સંસ્કૃતિ’ સંજ્ઞા અર્થબહુલ છે, સમગ્ર માનવ સંવિદ્‌ને પોતાની ઊંડળમાં લેતી સંજ્ઞા છે. સઘળાં મતમતાન્તરો પછી પણ તેને માનવમાં, માનવીય ચેતનામાં રસ છે, એ સર્વસ્વીકૃત બાબત છે. માનવવિકાસની પ્રક્રિયા, તેની સાથે સંલગ્ન સમાજશાસ્ત્ર, ઇતિહાસ, માનવનૃવંશવિજ્ઞાન, ધર્મમીમાંસા, દર્શન શાસ્ત્ર, વિજ્ઞાન-જ્ઞાન-ઈશ્વરવિદ્યા, ટેકનોલોજી, પુરાણતત્ત્વ, ધાર્મિક આસ્થા, કર્મકાંડ, નીતિમત્તા, આત્મા, સાહિત્ય, કળા, વિચારધારાઓ, વિચારતંત્રો વ. સાથે તેનો સંબંધ છે. કહો કે ‘સંસ્કૃતિ’ સંજ્ઞામાં સઘળો માનવઘટાટોપ નિહિત છે. માનવીના વિકાસની, તેના ઉત્થાનની, તેના ચૈતન્યની, તેની મૂલ્યકૂચની, જીવનરીતિઓની સ્પૃહણીય બાબતો તેમાં સમાવિષ્ટ થયેલી જોવાય છે. દેશવિશેષે, પ્રજાવિશેષે તેમાં વૈવિધ્ય જરૂર મળવાનું પણ આ બહુપાર્શ્વી સંજ્ઞામાં સમાન રૂપે માનવ-ઉન્નયનનો પ્રશ્ન મૂળભૂત રૂપે જોવાય છે. ભારત, ચીન અને ગ્રીક જેવી પ્રાચીન સંસ્કૃતિઓની સામે અમેરિકા, બ્રિટન આદિને પોતાનાં મૂળિયાંનો પ્રશ્ન છે, છતાં માનવગૌરવ, માનવઅસ્મિતા, માનવવાદ જેવા પ્રશ્નોમાં સૌની એકવાક્યતા રહી જણાય છે. સંસ્કૃતિનો સમ્યક્‌ અર્થ જ કદાચ જે તે પ્રજાની આવી આંતરયાત્રા છે. ભારતીય સંસ્કૃતિ ઉપર આવીને અટકીએ છીએ ત્યારે સંસ્કૃતિ વિશેનો આપણો વિભાવ વધુ સ્પષ્ટ રૂપે ઊઘડી રહે છે. એવું જ ગ્રીસ કે ચીનની બાબતમાં પણ કહી શકાય. આપણે ત્યાં યજુર્વેદમાં કહ્યું છે, સા પ્રથમા સંસ્કૃતિઃ. આવી સંસ્કૃતિમાં સઘળી જીવનલીલા તો આપણે જોયું તેમ અંતર્હિત છે જ, પણ તેવી લીલાઓને પ્રકટ કરનાર સાહિત્ય પણ અંતઃસૂત્રરૂપ રહ્યું છે. સંસ્કૃતિ-સાહિત્યના અદ્વૈતનો મહિમા તો સઘળે રહ્યો છે, પણ આપણે ત્યાં પરસ્પરની પૂરકતાનું ઉજ્જ્વલ રૂપ સમયે સમયે મળતું રહ્યું છે. સંસ્કૃતિમાંથી સાહિત્યને અને સાહિત્યમાંથી સંસ્કૃતિને બાદ કરવાનું એમ અશક્ય છે. એક ખોડંગાતાં બીજું જરૂર ખોડંગાવાનું. આગળ વધીને ઉમેરવું જોઈએ, કે સંસ્કૃતિના અભ્યાસમાં સાહિત્યનો અને સાહિત્યના અભ્યાસમાં સંસ્કૃતિનો આધાર લીધા વિના ચાલી શકે તેમ નથી. વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓમાં ભારતીય સંસ્કૃતિનો વિશેષ રૂપે સમાવેશ થતો રહ્યો છે. એનો મૂળ સ્રોત વેદ છે. વેદકાળમાં જે સાંસ્કૃતિ માનવમૂલ્યોની પ્રતિષ્ઠા-સ્થાપના થઈ તેને પોતાનામાં સમરસ કરીને જ ભારતીય સંસ્કૃતિ આગળ વધી છે. આ સંસ્કૃતિ વ્યક્તિપરક મૂલ્યોની સાથે સમષ્ટિપરક મૂલ્યોને પણ ઉજાગર કરતી રહી છે. સ્વની અને સર્વના કલ્યાણની તેની કામના રહી છે. તેની ગતિ અસત્યથી સત્ય પ્રતિ, અંધકારથી પ્રકાશ ભણી, મૃત્યુથી અમરત્વ તરફની રહી છે, પણ શરીર કરતાં આત્માને, ચૈતન્યને વધુ મહત્ત્વ આપ્યું છે. ભોગની સામે ત્યાગનો તે મહિમા કરે છે. માનવ તેના દરેક ડગલે ઉત્ક્રાન્ત થતાં થતાં ઈશ્વરત્વ સુધી પહોંચી શકે છે તે અહીં દર્શાવાયું છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની સંતુલા માનવીય ઐશ્વર્યને કેવી રીતે નિખારે છે, તેના અહીં સંકેતો છે. કહો કે અન્નથી બ્રહ્મ અને આનંદથી પરમાનંદની વીથિકાઓ અહીં વિસ્તરેલી છે. અહિંસા, સદાચાર, દયા, દાન, ઇમાનદારી, દાક્ષિણ્ય, અપરિગ્રહ, ઉદારતા, પરોપકાર, કરુણા, કર્મઠતા, ક્ષમા, ત્યાગ, સંતોષ, પવિત્રતા, પ્રેમ, મૈત્રી, સહિષ્ણુતા, ન્યાય, સાત્ત્વિકતા વગેરે માનવીય ગુણોનો અહીં સ્વીકાર થયો છે, તો પરિસ્થિતિ અનુકૂળ કઠોરતા, વીરતા, સાહસિકતા જેવા ગુણોનો પણ એટલો જ આદર થતો આવ્યો છે. ‘સંસ્કૃતિ’ શબ્દમાં જ સમ્‌ + કૃ ધાતુ એવા અગણિત સંસ્કારોને સૂચવે છે. સ્થૂળ અને સૂક્ષ્મ, સજીવ અને નિર્જીવ, પ્રકૃતિ અને મનુષ્ય, એમ સર્વનો અહીં સ્વીકાર અને વિચાર થયો છે. મનુષ્ય અને સૃષ્ટિના ભર્યાભર્યા ચૈતન્યનું અહીં ગાન છે, ગીત-સંગીત છે. એટલે જ માનવની અહીં અમૃતપુત્ર રૂપે ઓળખ અપાઈ છે, માતા-પિતા-ગુરુ-અતિથિ સૌ વંદનીય લેખાયાં છે. સોળ સંસ્કારોનો આદર થતો રહ્યો છે. ભૂમિની માતા રૂપે અને પૃથ્વીના પુત્ર રૂપે માનવની ઓળખ આપવામાં આ સંસ્કૃતિ ગૌરવ અનુભવે છે. કદી મરનાર નથી, કે જીર્ણ થનાર નથી એવી દેવની કાવ્યસૃષ્ટિ જેવા જગતને - તેના સૌંદર્યને નિહાળવાનું સૌને નિમંત્રણ છે અને સૌથી નોંધપાત્ર બાબત તો એ છે, કે આ વૈદિક ઋચાઓએ જાગ્રત, સતર્ક માનવની સદા કામના રાખી છે. યો જાગારઃ તમં ઋચાઃ કામયન્તે - કહીને ફરી ફરી જાગતા રહેવાની સદાકાળ માટે ટહેલ નાખી છે. વ્યક્તિ, પરિવાર, સમાજ, રાજ્ય, રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્ર સુધીનો આ સંસ્કૃતિએ બારીકાઈથી વિચાર કર્યો છે. અહીં કોઈનો દ્વેષ નથી, સાથે રહીને પ્રયત્ન કરવાની, સાથે બેસીને ભોગવવાની વાત છે. વિશ્વ એક નીડ બની રહે તેવી પરમોચ્ચ ભાવના આ સંસ્કૃતિમાં મૂળ રૂપે છે તો યતોધર્મસ્તતો જય - કહીને ધર્મપ્રેરિત કર્મશીલતાનો તેમાં દૃઢાગ્રહ પણ રખાયો છે. આવી પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને તેના વિશેષોની ચર્ચા કરીએ છીએ, ત્યારે જોઈ શકાય છે, કે અહીં સંસ્કૃતિ અને શબ્દ અર્થાત્‌ સાહિત્ય એકમેકથી છૂટાં ન પાડી શકાય એ રીતે ગૂંથાઈ ગયાં છે. મહાભારત, રામાયણ, ગીતા, વેદો-ઉપનિષદો અને આગળ વધીને કહીએ તો કાલિદાસ-ભવભૂતિ સમેતના અનેક સર્જકો અને તેમનું સર્જન જોતાં આ વાત તરત સમજાશે. ‘ભારતીયતા’ જેવી સંજ્ઞાને સ્પષ્ટ કરવામાં પણ આ બંનેના સંદર્ભો જ વધુમાં વધુ ઉપયોગમાં લેવા પડે છે. ભારતીય કાવ્યશાસ્ત્રે પણ કૃતિમૂલ્યાંકનમાં સંસ્કૃતિપ્રેરિત જીવનરીતિઓને સતત લક્ષમાં રાખી છે. પ્રશિષ્ટ કૃતિઓનાં મૂલ્યાંકનો હજી એ ધરી ઉપર રહીને જ આપણું કાવ્યશાસ્ત્ર કરતું રહ્યું છે, એ સર્વવિદિત બાબત છે. આજના બદલાયેલા સાંસ્કૃતિક પરિવેશમાં પણ સાહિત્યકળા અને એના અર્થઘટન સાથે સંકળાયેલી સિદ્ધાંતચર્ચાઓ એક યા બીજા રૂપે સંસ્કૃતિના વિભાવને પોતાની સાથે સાંકળતી આવી છે, પણ એ વાત આગળ ઉપર જોઈશું. કોઈપણ પરિવર્તન અમુક ચોક્કસ વર્ષથી શરૂ થયું એવું ક્યારેય કહી શકાય નહિ. દરેક પરિવર્તન પાછળ એની કોઈક ભૂમિકા રહી હોય છે અને પછી તેમાંથી પરિવર્તનના સંકેતો મળવા માંડે છે અને તે પછી તેમાં અનેક બળો ભળી તેને ‘પરિવર્તન’ જેવી સંજ્ઞાથી ઓળખવાનું શરૂ થાય છે. વીસમી સદીના લગભગ છઠ્ઠા દાયકાથી પરિવર્તનનો આવો એક વૈશ્વિક પરિપ્રેક્ષ્ય ઊભો થતો જણાય છે. દેશ અને દુનિયાભરની પ્રજા ઉપર એનો વ્યાપક પ્રભાવ તો પડે છે જ, પણ જે ઝડપથી માનવસમાજ અને તેની સંસ્કૃતિમાં પરિવર્તન આવે છે. તે લગભગ કલ્પનાનીત ઘટના બની રહે છે. કહો કે પરિવર્તનનો માનવજાતે કદી ન ધાર્યો હોય એવો એ ઉછાળ છે. પહેલાં આધુનિક અને પછીનાં વર્ષોમાં અનુઆધુનિક યુગ તરીકે ઓળખાયેલાં છેલ્લાં પચાસેક વર્ષો ભારત અને દુનિયાના અન્ય દેશો માટે અનેક રીતે ઊથલપાથલના રહ્યા છે. યંત્રસંસ્કૃતિ, વિશ્વયુદ્ધો પછીનાં વીજાણુયંત્રો અને તેના થકી આવેલાં પરિવર્તનોએ માનવીની સમસ્ત ચાલનાને જ બદલી નાખી છે. માણસ એક તરફ અનેક આઘાતજનક ઘટનાઓનો સાક્ષી બને છે, તો બીજી તરફ એની પોતાની કહી શકાય તેવી ધરતી પણ એના પગ નીચેથી સરી જતી અનુભવે છે. વિશ્વના ઘણા દેશો રાજકીય, આર્થિક કે સાંસ્કૃતિક કટોકટીનો ભોગ બને છે. એક બાજુ માહિતીનો તેની સામે ગંજ ખડકાય છે, કમ્પ્યૂટર અને ટી.વી. વગેરેએ અને વિજ્ઞાનની અનેક શોધોએ જગતને સાવ સાંકડું કરી નાખ્યું, સંકોચી નાખ્યું. તો બીજી તરફ નૈતિક મૂલ્યો શિથિલ બને છે, હિંસાનું પ્રાબલ્ય વધતું જણાય છે, ક્રાંતિકારક શોધોને કારણે એક બાજુ તેની સુવિધાઓમાં, સગવડોમાં આશ્ચર્યકારક વધારો થાય છે, તો બીજી બાજુ ‘અર્થ’ કેન્દ્ર બિન્દુ બનતાં સાહિત્ય-કલા-વિજ્ઞાન-શિક્ષણ-ધર્મ નવે રૂપે ઊઘડતાં જોવાય છે. સાથે માનવસંવેદનાનો પ્રશ્ન પણ તીવ્ર રૂપે સામે આવીને ઊભે છે. છેલ્લા અઢી-ત્રણ દાયકામાં આવેલા ગ્લોબલાઈઝેશને માનવસંસ્કૃતિ અને તેની પરંપરાગત વિચારધારાઓનું આખું ને આખું ગણિત જ બદલી નાખ્યું છે. રૂપક યોજીને કહીએ, તો આજનો ગ્લોબલ માનવ એક એવી સાંકળથી બંધાયેલો છે, કે જેને એક તરફ પેલું વિશ્વ આખું ખેંચી રહ્યું છે, તો બીજે છેડે એને એની ભૂમિનું પણ ખેંચાણ રહ્યું છે. હવે સ્થિતિનિર્માણ એવું થયું છે, કે એક સીમામાં રહી વિકસવું એના માટે શક્ય નથી. એનો અનુબંધ એમ ‘લોકલ’ની સાથે ‘ગ્લોબલ’નો પણ અનિવાર્ય બન્યો છે. ભલે તેનો દેશ, તેની સંસ્કૃતિ, તેની ભાષા, તેની જાતિ વગેરે સાથેનો તેનો લગાવ રહ્યો હોય કે અન્યો પ્રત્યે ઉપેક્ષાભાવ હોય પણ તકાજો એ છે, કે વિશ્વસ્પંદ જ એનો છંદ બન્યો છે. આજના સમયમાં તેના અસ્તિત્વને જો તે કોઈ અર્થ આપવા માગતો હોય તો કેવળ એ જ એક વિકલ્પ છે. આવા ગ્લોબલે કેનેડા, ઓસ્ટ્રેલિયા અને તે પછી અમેરિકા, ફ્રાન્સ, જર્મની, ઇંગ્લેન્ડ અને ભારત જેવા અન્ય દેશોની ઘણીબધી રીતે સિકલ બદલી નાખી છે. આર્થિક વિકાસકૂચના મુખ્ય ઉદ્દેશને લક્ષમાં રાખીને થઈ રહેલાં પરિવર્તનમાં હવે કોઈપણ વિકસિત કે અલ્પ વિકસિત દેશને પાછળ રહેવાનું પોષાય તેમ નથી. પોતાનું કહી શકાય તેવું તજવું પડે તો તજીને પણ વિશ્વભરનો સમાજ આ દોડમાં સામેલ થયો છે. હવે માનવપ્રગતિનો નકશો આ ગ્લોબલ દોરી રહ્યો છે. માણસ, પછી તે કોઈપણ દેશનો હોય, તેણે એ નકશા પ્રમાણે ગતિ કરવાનું અનિવાર્ય બન્યું છે. હવે સંસ્કૃતિનો, સાહિત્યનો, જીવનનો, જીવનમૂલ્યોનો, સંબંધોનો વિભાવ તેથી ઘણી રીતે બદલાયો છે. હવે પોતાના રાગને બીજા અનેક રાગોમાં ભેળવી દેવાની એક નવી સ્થિતિ આપણી સામે આવી છે. વિશ્વની ઘટનાઓ સાથે તાલ મેળવી રહેલા એક નૂતન માનવનો ચહેરો આપણી સામે ઉપસ્થિત થયો છે. આવી આ નવી પરિસ્થિતિને વિચારકો બે ભિન્ન ભિન્ન છેડેથી મૂલવતા જોવાય છે. એક વર્ગ આ પરિવર્તનથી રાજી નથી. તેવાઓ એમ માને છે, કે આ પરિવર્તનના પવને માનવીના વ્યક્તિત્વને હ્રસ્વ કરી નાખ્યું છે. કમ્પ્યૂટર સભ્યતાને લઈને, ટી.વી. કલ્ચરને લઈને, પારિવારિક ભાવનામાં ઓટ આવી છે. નવી શોધોમાં મુસ્તાક માનવ ઈશ્વરથી પણ હવે ઘણો દૂર જતો ગયો છે. પરિણામે નૈતિક મૂલ્યો ક્ષીણ થતાં ગયાં છે. સામાજિક માળખું પણ તેથી અસ્તવ્યસ્ત બન્યું છે. અર્થપ્રધાનતા જ સર્વેસર્વા બનતાં માણસ વધુ ને વધુ સંવેદનજડ, મૂલ્યજડ બન્યો છે. પશ્ચિમી સંસ્કૃતિનું આક્રમણ અન્ય સંસ્કૃતિઓને તિતર-બિતર કરી નાખશે. ભ્રષ્ટાચાર, હિંસા, આતંક, સંઘર્ષ વ. એનાથી વધ્યાં છે. બજારવાદ વકરતાં માનવની સાથે એનું સાહિત્ય પણ હાંસિયામાં ધકેલાયું છે. જાહેર ખબરો, નફા આધારિત ‘બજાર’, ઉપભોક્તાવાદી વલણ, સેંસેક્સનો ‘ચઢાવ-ઉતાર, તેજી-મંદીના નાટક વિદેશી મુદ્રા અને રોકાણકારોનો પ્રભાવ, સત્તાનાં વરવાંરૂપ, કુટિલતાભરી રાજનીતિ, ભોગવાદી વૃત્તિ-વલણ વગેરે આજના સમાજની ઓળખ બન્યાં છે. ભોગની અતિશયતાએ સ્થિર મૂલ્યોનું હનન કરીને માણસને અર્થનાં અનિષ્ટોમાં રમતા રમકડા જેવો કરી મૂક્યો છે. આ પ્રકારના વિચારકોને પરંપરાવાદી ગણીને સામે નવા પરિવર્તનને ઉમળકાથી આવકારનારો એક બીજો વિચારક વર્ગ પણ છે. તેઓ એમ કહે છે, કે વૈશ્વિકરણ પોતે જ એક વ્યાપક સામાજિકતા છે. અહીં આર્થિક હેતુઓ ભલે પ્રબળરૂપે જોવાતા હોય, બજારની રૂખ ભલે સમગ્ર રૂપે પરિવર્તન પામી હોય તેનાથી જ માનવીય સુવિધાઓ અને સંપન્નતાઓ વધવાની છે. સાંસ્કૃતિક ચેતના વિરુદ્ધ એ બાબત નથી. ઊલટાનું એવી સંપન્નતાથી માનવી વધુ ઉદાત્ત બનશે, જીવનમૂલ્યો વધુ પરિષ્કૃત થશે. અર્થ-વાણિજ્યને જડ પદ્ધતિ માનવી જોઈએ નહિ. આર્થિક સધ્ધરતા જ સર્વક્ષેત્રીય ગતિનું કારણ હોય છે. આવું માનનારા કહે છે, કે ઉદ્યોગપતિના ઉદ્યોગોથી અનેકને રોજી-રોટી-રહેઠાણ મળે છે. શક્તિશાળી રાષ્ટ્ર માટે આર્થિક સંપન્નતા બુનિયાદરૂપ છે. વ્યક્તિની સમૃદ્ધિ તેને વધુ સંવેદનશીલ બનાવે છે. અર્થ નહિ, અર્થનો ખોટો ઉપયોગ વિકૃતિઓ સર્જે છે. વ્યક્તિનો પોતાનો અવિવેક મુશ્કેલી ઊભી કરે છે. હકીકતમાં તો નવું બજાર, અવનવીન શોધો, માહિતીનો ગંજ, ગ્રાહકો, આ સઘળું આજના માનવીને અનેક સુવિધાઓ આપી તેની સમગ્ર જીવનચેતનાને વધુ સક્રિય કરે છે. નગરો અને દૂરનાં ગામડાંઓની પરિસ્થિતિ તેથી બદલાઈ છે. સાહચર્ય, સહઅસ્તિત્વ, સદ્‌ભાવ, સહયોગ વગેરે ગુણોથી સભર આ નવો માનવસમાજ વધુ ઉમદા હશે. સાહિત્ય, આધ્યાત્મિકતા, સંસ્કૃતિજ્ઞાન, માનવતા વગેરે અર્થસંપન્ન સમાજમાં પરસ્પર સંબદ્ધ રહી માનવીય વ્યક્તિત્વને, તેના સ્વત્ત્વને વધુ દીપ્તિવંત કરશે. આજની આપણી વૈશ્વિક સ્થિતિ વિશેના આ બે વિભિન્ન અભિપ્રાયોમાં પોતપોતાની રીતનું સત્ય છે. પરંપરાવાદીઓ અર્થતત્ત્વના પ્રાબલ્યને કારણે ભોગપરાયણતા પ્રત્યે, મૂલ્યવિહીનતા પ્રત્યે સમયસરની ચેતવણી આપે છે. તો નવાને પુરસ્કારનારાઓ અર્થતંત્ર અને તેના બજારને માત્ર ‘બજાર’ કે ‘અર્થતંત્ર’ રૂપે જોતા નથી. તેવાઓ જીવનના સમગ્ર ક્રિયાકલાપમાં તેનો સમાવેશ કરી, એના એક ભાગ રૂપે જુએ છે અને આર્થિક સમૃદ્ધિ માણસને સુખસુવિધા અર્પી આંતરિક સમૃદ્ધિ તરફ દોરી જશે તેવો આશાવાદ પ્રકટ કરે છે. તેઓને પરંપરાવાદીઓની જેમ તેમાં અપ-સંસ્કૃતિ જેવું લાગતું નથી. બલ્કે, સંસ્કૃતિ વધુ સમૃદ્ધ થશે, ચિત્તથી વિશ્વચિત્ત સુધીની યાત્રારૂપ આ પરિવર્તન બનનાર છે તેવું તેઓ ફલિત કરે છે. આપણે આપણા આજના ‘ભારત’ને, આપણી ભારતીય સંસ્કૃતિને, આ બે વિરુદ્ધ અભિપ્રાયોના પ્રકાશમાં જો જોવાનો પ્રયત્ન કરીશું તો વાત કંઈક વધુ સ્પષ્ટ થશે. મહાશ્વેતા દેવીએ તાજેતરમાં આ બે અભિપ્રાયોને એકસાથે નજરમાં રાખીને કેટલાક બુનિયાદી પ્રશ્નો કર્યા છે. આપણે કઈ સંસ્કૃતિને બચાવવાની છે? એકવિસમી સદીની ભારતીય સંસ્કૃતિ એટલે શું? કયું ભારત? છેલ્લા સાઠ વર્ષનો કયો નકશો? એમના આ પ્રશ્નો અનેક ચિત્રો આપણી દૃષ્ટિસમક્ષ રચી આપે છે. ખાદીની સાડી છે, તો બેકલેસ ચોળી કે મિનિ સ્કર્ટ પણ છે, બિકિની પણ. બળદગાડું છે તો ટોયેટોથી શેર્વેલૉક કે બેન્ટલી કાર પણ છે. પ્રક્ષેપાસ્ત્રો, ન્યુક્લિયર શસ્ત્રો, સુપરસોનિક વિમાનો, દૃશ્યશ્રાવ્ય માધ્યમો, કૃત્રિમ ઉપગ્રહો, કમ્પ્યૂટરથી માંડીને બીજી એવી અનેક અદ્યતન ટેકનોલોજી છે તો સામે નરી નિરક્ષરતાનાં ટોળાં છે. સત્ય, શિવ, સુન્દરની સામે ડિસ્કો, સ્ટ્રીપ્સ ડાન્સ કે નગ્ન, અર્ધનગ્ન મોડેલ્સ છે. બુદ્ધિજીવી છે તો જાદુગરો છે. પથારો પાથરીને ફૂટપાથ પર બેઠેલો નાનો વહેપારી છે, તો સામે મલ્ટીપ્લેક્ષ અને મેગામોલ પણ છે. સુમાર વિનાની ભાષાઓ અને એવા જ એના ભાષકો, એવી જ એમની સ્થાનીય વિશેષતાઓ, પ્રશિષ્ટ સંગીતની સાથે ડિસ્કો છે, ક્યાંક શુષ્કતા તો ક્યાંક લીલાશ, ક્યાંક હેન્ડસેટ તો ક્યાંક ચીસાચીસ, ક્યાંક જાતિવાદ અને એના સંઘર્ષ છે, તો ક્યાંક નરી એકતાનાં દૃશ્યો, હિંસા, આપઘાતો, યજ્ઞશાલાઓ, મધુશાલાઓ, મલ્ટીનેશનલ કંપનીઓ, હાથલારીઓ, રોગો, રોગીઓ, યોગ-યોગીઓ, શ્રોતાઓ-કથાકારો બધું કહેતા બધું એકસાથે છે. પરંપરાઓ જીવે છે, તો આધુનિકતા પણ અહીં જીવે છે. એનું સેન્ટ, એના બૂટ, તેનું જાકીટ, તેની ટોપી કે તેનું ટ્રાઉઝર ભલે હોલેન્ડ, ઇંગ્ગ્લેન્ડ, ચીન, રશિયા કે અમેરિકાનું હોય, દિલથી તે ભારતની ભૂમિ સાથે જોડાયેલો છે. અનેક દોરાથી, અનેક ભાતોથી ગૂંથાયેલી શાલ જેવું ભારત છે. અનેક ભારતોને આ ભારત પોતાનામાં છૂપવીને બેઠું છે. આવી સંસ્કૃતિમાં પરિવર્તન આવે, તેમાં શુદ્ધિવૃદ્ધિ થાય, નવું અપનાવે, પોતાને જાળવીને દૂર દૂર દેશાવરો સુધી વિસ્તરે, ફેલાય પણ તેનું નાભિરૂપ તત્ત્વ પેલી ભારતીય માનવતા જ રહે. જે એને માનવ પ્રત્યે, માનવજાત પ્રત્યે વધુ સહિષ્ણુ અને સંપ્રદાય-જાત-જ્ઞાતિથી ઊંચે મૂકી આપે. ભારતીય સંસ્કૃતિ અનેક વિરોધી બળો સાથે પણ એના મૂળ ગર્ભવિચારો - Core Thoughts ને જાળવીને આગળ વધતી રહે છે. ભારતીય સંસ્કૃતિ અત્યારે આવું ભારતીયપણું દાખવી વિશ્વપરિઘ ઉપર ભ્રમણ કરે છે. આઈટીનું બીજ આજે ઘેઘૂર વૃક્ષ બન્યું છે. બાયોટેકમાં તેનું વર્ચસ્વ વિશ્વભરમાં છે. નેનોટેકમાં તેની ગતિ છે. નોલેજ કમિશન કાર્યરત બન્યું છે. સાડા ત્રણસો યુનિવર્સિટીઓ ઉપરથી પંદરસો યુનિવર્સિટીઓ સુધીની દોડમાં તે છે. તેણે અન્ય સંસ્કૃતિઓને પોતાનામાં સમરસ કરી વિશ્વબજારમાં પોતાનો આગવો ચોકો ઊભો કર્યો છે. પોતાની અનેક ત્રુટિઓ-સીમાઓ સાથે પણ જરા જુદી રીતે, એના મૂળના-વસુધૈવ કુટુંબકમ્‌–વિભાવનો આજે જગતને અનુભવ કરાવી રહ્યું છે. ‘સંસ્કૃતિ’ની ચિંતા કરનારાઓને અને ગ્લોબલને પુરસ્કારનાઓ સામે પરિવર્તનના આજના સમયમાં એમ કશો વિકલ્પ હાથવગો બને તેમ હોય તો બહુસંસ્કૃતિનાં છે – Multicultureનો છે. આગળ વધીને કહેવું હોય તો સંસ્કૃતિના એક સંયુક્ત રૂપનો Composite Cultureનો વિકલ્પ છે. ભારત અને ચીન જેવા કેટલાક દેશોએ આવી કશી સંજ્ઞા યોજ્યા વિના આજના વિશ્વબજારમાં નિજત્વને સાથે રાખીને બહુસંસ્કૃતિનો રાહ લીધો છે. ટેકનોલોજી અને કળા-વિજ્ઞાન સમેતની એની એવી ગતિ રહી છે. આવી બહુસંસ્કૃતિ શું છે? કળા-સાહિત્ય સંદર્ભે તેની કશી ભૂમિકા ખરી? એની સફળતા-નિષ્ફળતાના કશા સંકેતો મળી શકે? કસોટીની એરણ ઉપર મુકાયેલી બહુસંસ્કૃતિ એ શું આજનું સત્ય છે? સાહિત્ય-સાહિત્યકારનું કોઈ અહીં વિશેષ કાર્ય - Function ખરું? બહુસંસ્કૃતિવાદનાં આંદોલનોનો આરંભ ૧૯૭૦ની આસપાસના સમયમાં અગાઉ ઉલ્લેખ્યું છે તેમ, પશ્ચિમના દેશોમાંથી શરૂ થાય છે. અત્યારે ફ્રાંસના રાજકીય ફલક ઉપર તેનું પ્રભુત્વ જોવાય છે. આરંભે રાજકીય સંદર્ભે તેનું કોઈ સુનિયોજિત સ્વરૂપ પ્રાપ્ત થતું નથી. અમુક-તમુક જૂથો પૂરતું તે આકર્ષણ ધરાવતો હતો. તેથી તેનું વિશદ રૂપ નજર સામે આવી શક્યું ન્હોતું. બન્યું છે એવું કે બહુસંસ્કૃતિવાદ એ કોઈ રાજકીય સિદ્ધાંત-સામગ્રી-ધારા નથી. તેમ વિશ્વમાં માનવી ક્યાં? એવા કોઈ તાત્ત્વિક પ્રશ્નમાં પણ તેને રસ નથી, છતાં અમુક દેશોમાં રાજકીય ગઠબંધન સાથે તે જોડાતો જોવા મળે છે. હકીકતમાં તો માનવજીવનની સમીક્ષા કરતો આ એક વ્યાપક પરિપ્રેક્ષ્ય છે. તેની ચર્ચા કરનારાઓ ઘણી વાર આ મૂળ તત્ત્વેથી ફંટાઈને આડે રસ્તે ચઢી ગયા છે. વાત તો સાંસ્કૃતિક દૃષ્ટિએ માનવીઓ એકમેકમાં ભળે, એ જગતમાં ઊછરે, જીવે, વિકસે, સામાજિક સંબંધોની ગૂંથણી કરે અને એમ સ્વત્વ પ્રમાણે નિખરી આવે તેવી અપેક્ષા રહી છે. અલબત્ત, આ સિવાય પણ એ વિકસી શકે. વળી આમ થતાં સંસ્કૃતિ તેના સ્વરૂપમાં ગહનતા લાવી શકે, એક સીમામાં રહી જગતને માણી-પ્રમાણી શકે, પોતાના વારસા સાથે એકરૂપ બની તેની પુનર્તપાસ કરી શકે. ઉપરાંત ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓએ સદ્‌જીવન માટે ચીંધેલાં દૃષ્ટિબિંદુઓ વચ્ચે માનવ અસ્તિત્વના સમગ્ર અંશને પણ અહીં પામી શકવાની તક રહે છે. સંસ્કૃતિઓની એવી બહુલતા વચ્ચે મનવીની બૌદ્ધિક-નૈતિક ક્ષિતિજો તો વિસ્તરે જ સાથે પોતાના ટૂંપણાથી પણ તે બચે. દરેક સંસ્કૃતિ એની રીતે શ્રેષ્ઠ છે જ, પણ અન્ય સંસ્કૃતિનો સ્પર્શ તેને કંઈક વધુ સમૃદ્ધ બનાવે, તેના આનંદને દ્વિગુણિત પણ કરે. વ્યાપક ફલક ઉપર મુકાતાં તેની ક્રિયાશીલતામાં પણ ફરક પડી રહે. વળી આજના સંકુલ વિશ્વમાં અમુક જ પરિઘ ઉપર જીવવાનું દોહ્યલું બન્યું છે ત્યારે આવી ગતિસભર વૈશ્વિક્તા વચ્ચે જીવવાનું - નવે રૂપે સ્વને પામવાનું પણ અહીં બનતું હોય છે. સંસ્કૃતિની પ્રકૃતિ એકંદરે બહુવાદી - Plural રહી છે. અહીં અનેક સંસ્કૃતિઓની એવી બહુવાદિતા વ્યક્તિને વધુ નિઃસીમ અને દૃષ્ટિવંત બનાવે છે. દરેક સંસ્કૃતિનો પોતાનો કશોક વિશેષ રહ્યો હોય. એટલે અહીં દરેક પરસ્પર પાસેથી કશુંક પામીને વધુ સભર બને છે, તેઓ વચ્ચે સંવાદ રચાય છે, તો તેની સમીક્ષા પણ થાય છે. અભ્યાસીઓ તેથી બહુસાંસ્કૃતિકવાદના પાયામાં મહત્ત્વની ત્રણ બાબતો રહ્યાનો નિર્દેશ કરતા આવ્યા છે. એક આ મિષે માનવીઓનું, માનવજાતનું સાંસ્કૃતિક આંતરજોડાણ. જે જોડાણ તેના દૃષ્ટિકોણમાં જીવનરીતિમાં, માન્યતાઓમાં, વૃત્તિ-વલણોમાં મોટું પરિવર્તન લાવી શકે. બીજી બાબત સાંસ્કૃતિક અનેકત્વ માટેની અપરિહાર્યતા અને ઇચ્છાશક્તિ. માનવની ઇચ્છાશક્તિ વિના, અનેકત્વના મહત્ત્વને પામ્યા વિના બહુસંસ્કૃતિવાદ માટે પ્રવૃત્ત થઈ શકાતું નથી. જો રાજકીય કે ઇતર કારણોસર એવો કશો તકાજો થાય તો તે સમરસતાને બદલે કૃત્રિમ જોડાણ માત્ર બની રહે અને એવાં જોડાણો ટક્યાં નથી તેનાં દૃષ્ટાંતો ઠીકઠીક મળે છે, અને ત્રીજી મહત્ત્વની બાબત છે, દરેક સંસ્કૃતિમાં રહેલી બહુવાદિતા અને બહુસાંસ્કૃતિક પ્રકૃતિનું ગુમ્ફન. દરેક સંસ્કૃતિમાં અન્ય સંસ્કૃતિનાં કેટલાંક લક્ષણો જરૂર મળવાનાં, તેમ તેવી સંસ્કૃતિમાં રહેલી બહુવાદી પ્રકૃતિનું પણ દર્શન થવાનું. એવી બાબતો જ બહુસંસ્કૃતિવાદના પાયાના ગૃહીતને દૃઢાવી શકે તેમ છે. જગતને શું લાભપ્રદ છે? એવો પ્રશ્ન પૂછીએ તો ખુદનાં અને અન્ય વિશેનાં વલણોમાં ઘણું પરિવર્તન થઈ રહે. દરેક વ્યક્તિ પોતાની સંસ્કૃતિ કે મળેલ વારસાના સંદર્ભમાં પોતાનું જે મૂલ્યાંકન કરતો હોય છે, તે પ્રમાણમાં સીમિત રૂપનું છે. જ્યારે બહુસંસ્કૃતિ વચ્ચે તેની સમૃદ્ધિ અને સંકુલતા વચ્ચે તે મુકાય છે, ત્યારે ઉત્કૃષ્ટ રૂપે ખીલી આવવાની તેની સંભાવના વધી જતી હોય છે. સંસ્કૃતિની સમરસતામાં હજી આપણે સાશંક છીએ, તેથી દરેકનો ન્યારો પેંડો એમ સમજીને કોઈક વિચારધારા કે અમુકતમુક દેશનો આપણે વિચાર કરતા આવ્યા છીએ. બહુસંસ્કૃતિવાદમાં એવી મર્યાદાને ઓળંગી જવાની શક્યતા રહી છે. રાજકીય જીવનના પ્રશ્નને લાગેવળગે છે, ત્યાં સુધી તેની સમજ મેળવવા કે તેનું અર્થઘટન કરવા વ્યાપકસ્વરૂપની સંસ્કૃતિના સંદર્ભો પાસે જ જવું પડે. આવો પરિપ્રેક્ષ્ય સારા સમાજમાં જોવા મળતાં વૈવિધ્યોની માવજત કરી શકે છે. વળી ભિન્નભિન્ન સંસ્કૃતિઓ અને તેની વિચારધારાઓ વચ્ચે સર્જનાત્મક સંવાદની ભૂમિકા ઊભી થાય અને સાથે કળા-સાહિત્યના નવા આયામોને પણ તે પ્રેરી શકે. આવા પરિપ્રેક્ષ્યમાં કોઈ જૂથને નિજી રીતે જીવવાનું અનુકૂળ પડતું હોય અને તે અન્ય માટે અડચણરૂપ ન બનતું હોય તો તેનો આદર પણ થવો ઘટે. બહુસંસ્કૃતિવાદમાં પોતે ચુસ્તપણે અમુક સાથે જોડાયેલ છે અને એવું જોડાણ ભીતરી છે, એવો Belongingનો ભાવ જો ન વિકસી શકે તો એવો સમાજ ઝાઝો ટકી શકે નહિ. તે જ્યાં નિવસતો હોય ત્યાંની ભૂમિ, દેશ-રાજકીય જીવન પ્રત્યે તેની એવી પ્રતિબદ્ધતા જ પરિપ્રેક્ષ્યનો પાયો મજબૂત કરી શકે. માનવવંશીય સમુદાયની પરસ્પર માટે રહેલી નિસબત બહુસાંસ્કૃતિક સમાજમાં એના એ જ રૂપે ટકી શકે નહિ. સમાન રસ, સમાન લાગણીઓ, સમાન લક્ષ્યો તેઓને એકસાથે બાંધી રાખતાં હોય છે. એટલે કેટલીક વ્યક્તિઓ માટે અણગમો હોય, અમુકતમુક દૃષ્ટિબિંદુઓ કે જીવનપદ્ધતિઓ સાથે સંમત ન હોઈએ, તો પણ એક ચોક્કસ સમજ સાથે જીવવાનું રહે છે. અહીં કોઈ કારણોસર ભવિષ્યમાં અસ્તિત્વના પ્રશ્નો થાય, તેમ લાગે તો એવો સમુદાય તેમની સરકાર, સંસ્થાઓ કે મૂલ્યો વગેરેની સમીક્ષા કરી પોતાની સમજને અભિવ્યક્ત પણ કરી શકે. બહુસંસ્કૃતિવાદના અભ્યાસીઓ જેને જેને ભૂમિ અને રાજકીય જીવન પ્રત્યે કમિટમેન્ટ કે બિલોંગિંગ કહે છે, એ એમ મહત્ત્વની બાબત બની રહે છે. જૂથ દ્વારા તેનો સ્વીકાર થતાં નાગરિક હક્કો, સુંદર જીવનપદ્ધતિ, સ્વવિકાસ માટેની પૂરતી તકો વગેરે શક્ય બને છે. ક્યારેક આનાથી વિપરીત વસ્તુ પણ જોવા મળે છે. નાગરિક તરીકેના બધા જ હક્કો-લાભો વ્યક્તિ મેળવતો હોય પણ પોતાને તે તે ભૂમિથી ઇતર સમજતો હોય! આ અને આવી કેટલીક બાબતો ઠીક ઠીક ગૂંચવાડા ઊભા કરી શકે તેમ છે. ભારતમાં આપણે એવો અનુભવ ક્યારેક કરીએ પણ છીએ. અન્ય દેશોમાં પણ અવારનવાર આવું બને છે. આવી બહુવિધ સંસ્કૃતિમાં પ્રભાવક વર્ગ, જાતિ ક્યારેક પોતાના વર્ચસ્વને ન્યાયી ઠેરવી અન્યોને પીડાકારી બન્યાં હોય તેવાં દૃષ્ટાંતો મળે છે. ચાર્લ્સ ટેલરે વ્યક્તિને પોતાની ઓળખ અને આત્મસન્માન માટે સામાજિક માન્યતા મળવી જોઈએ એવો આગ્રહ એ સંદર્ભે જ સેવ્યો છે. આવું વારંવાર બને તો સાંસ્કૃતિક-રાજકીય સંઘર્ષ પણ થાય, હિંસાનું વાતાવરણ પણ ઊભું થઈ શકે. તસલિમા અને સલમાન રશદીથી માંડીને સોલ્ઝેનિત્સિન સુધીના અનેક લેખકોની કૃતિઓનું એ નિમિત્તે સ્મરણ કરી શકાય. બહુસાંસ્કૃતિક સમાજોની આ મુશ્કેલી પણ રહી છે. જાતિ, રંગ, પરત્વેનાં દૃષ્ટાંતો બહુ દૂર સુધી ખોળવા જવું પડે તેમ નથી. વંશીય પ્રશ્નોથી ઘણી નામી વ્યક્તિઓને અપમાનિત થવું પડ્યું છે. બહુસંસ્કૃતિવાદ એક તરફ એમ આજનું વાસ્તવ લાગે છે. તો બીજી તરફ આગળ વધેલા દેશોના કડવા અનુભવો જોતાં એ માત્ર એક આદર્શ જ બની રહેશે એવું પણ લાગે. યાસ્મિન બ્રાઉન જેવા ખ્યાત પત્રકારે બહુસંસ્કૃતિવાદનો અનેક આધારો આપીને તેથી ખાસ્સો વિરોધ પણ કર્યો છે. બ્રિટનમાંના પોતાના એવા અનેક અનુભવને ટાંકીને તેણે કહ્યું, કે બ્રિટનમાં એક તરફ બહુસંસ્કૃતિવાદની આચારસંહિતાઓનો મહિમા થતો રહ્યો છે અને બીજી બાજુ તેનાથી વિરુદ્ધની જ પ્રક્રિયાઓ જોવાય છે. અહીં તો ઊલટાનું, જુદી જુદી જાતિઓને વાડાબંધીમાં બાંધવા-જોવાનું શરૂ થયું છે. જાતિ-સંબંધોથી વિકાસ જરૂર સધાતો હશે, પણ અનેક જીવનમાં તે સડો પણ પેદા કરે છે. પોતાની અમુક રંગની ત્વચાને કારણે જ લંડનના ટેક્સી ડ્રાઇવરે ટેક્સીમાં બેસાડવાની તેમને ના પાડી દીધી હતી. એશિયન લોકો માટે જે ખાસ વ્યવસ્થા વિચારાતી હોય છે, તેનાથી અહીં વર્ગભેદ વધતો જણાય છે. સુગ્રથિત સમાજની વાત અહીં એમ વિફળ બનતી લાગે છે. નાનાં ગોરાં ભુલકાં શાળાઓમાં દિવાળી ઊજવે છે, પરંતુ તેમનાં પોતાનાં મૂળિયાં સાથે એનો શો સંબંધ છે, તે તેઓ જાણતાં નથી. કાળાઓ સાથે થઈ રહેલા અમુક પ્રકારના વ્યવહારને લઈને ગોરાઓના સમાજમાં એવી ક્ષુબ્ધતા જોવા મળે છે, કે જાણે વેસ્ટ ઇન્ડિઝ બાજુએથી આવતા પવનમાંથી કશું અર્થદ્યોતક નીપજવાનું નથી! બી.બી.સી. અને એફ.ટી.એસ.ઈ. કંપનીઓની કાર્યશૈલી અને માળખું જોતાં બહુસંસ્કૃતિવાદ ત્યાં કશું ઉકાળી શક્યો નથી એવું લાગે. બહુસાંસ્કૃતિક પરિવેશમાં ઊછરેલા યુવાનોની મુલાકાતમાં બ્રાઉનને તેમની વિચારસરણી નિર્વીર્ય લાગી છે. એક કાળા યુવાનને બહુસંસ્કૃતિનો મુદ્દો બિચારાં-બાપડાં વૃદ્ધો માટેનો લાગ્યો છે! બીજા યુવાન એશિયનના અભિપ્રાયમાં પણ એવી જ તીખી પ્રતિક્રિયા વ્યક્ત થઈ છે. તે કહે છે, ‘બહુસંસ્કૃતિવાદ નીરસ સંજ્ઞા છે. સંકીર્ણ, ભૂખરી અને નરી ગ્રામ્ય. યુરોપીયનોનો તો તેમાં સમાવેશ જ થતો નથી. વિવિધ રંગોના ઊનના નકામા ઢગલામાંથી ગૂંથવામાં આવેલા જૂના-જર્જરિત સ્વેટર જેવી તે છે.’ બ્રાઉને તાજેતરમાં ‘બહુસંસ્કૃતિવાદ પછી’ એવા ગ્રંથને પ્રકાશિત કરીને બ્રિટિશ ઓળખને વિકસાવવા માટે બહુસંસ્કૃતિવાદને દફનાવી દઈ કેટલાક નવાં સૂચનો સામૂહિક વિકાસ અને ઓળખ માટે કર્યાં છે. બહુસંસ્કૃતિના બે છેડાઓનો જ્યારે વિચાર કરીએ છીએ, ત્યારે ઓસ્ટ્રેલિયાના બહુસંસ્કૃતિવાદની આપણે વિશેષ રૂપે નોંધ લેવી પડે તેમ છે. ત્યાં ઉભય પ્રકારનાં સત્યો જોવા મળ્યાં છે. બહુશઃ ત્યાં બહુસંસ્કૃતિનો પ્રશ્ન રાજકીય ક્ષેત્રે વધુ સંકળાયેલો રહ્યો છે. બહારથી આવીને જે પ્રજાએ તે દેશમાં વસવાટ કર્યો છે, જે પ્રજા અંગ્રેજી બોલી શકતી નથી તેઓ માટેનો એ માનવીય વિચાર છે. ઓસ્ટ્રેલિયા અલબત્ત, તેથી સમૃદ્ધ પણ બન્યું છે. આ ઉમદા વિચારે માઈગ્રન્ટસ્‌ પ્રજા મૂળની પ્રજા સાથે એકસૂત્રે જોડાઈ ગઈ છે, તેઓના સાંસ્કૃતિક વૈવિધ્યનો સ્વીકાર થયો છે. તેઓના ઉત્કર્ષ માટે રાજ્યના ભંડોળમાંથી ખાસ રકમ ફાળવવામાં આવી છે. મૂળની અને બાહ્ય પ્રજાને Re-orient કરીને Harmonius Community - રચવાનો અહીં પ્રશસ્ય પ્રયત્ન જોવાય છે. સામાજિક સુમેળ, સમાન તકો, સાંસ્કૃતિક અભિજ્ઞતા એવા ત્રણ મહત્ત્વના મુદ્દા ઉપર અહીં એમ બહુવિધ સંસ્કૃતિનાં કેટલાંક ઊજળાં પરિણામો મળ્યાં છે. સામાન્ય લોકોમાં ‘વાદ’ તરીકે ભલે બહુસંસ્કૃતિવાદ પ્રચલિત બન્યો નથી, પણ રાજકીય ક્ષિતિજે તે મુખ્ય ધારકબિન્દુ બન્યો છે. કેટલાકને અહીંની બહુસંસ્કૃતિનાં ઉજમાળાં પાસાં જોઈને તેમાં a Vision for the future જણાયું છે. કેટલાકે અહીંની બહુસંસ્કૃતિથી પ્રભાવિત થઈ તેને ‘a way of Perceiving Australian Society as a whole’ એમ પણ કહ્યું છે. પણ આજ ઓસ્ટ્રેલિયામાં બીજા એક વર્ગનો અભિપ્રાય બહુસંસ્કૃતિ માટે સાવ ભિન્ન રહ્યો છે. પ્રો. જ્યોફરી બ્લેઈની એમ કહે છે, કે આ વાદ તો ધીમેધીમે જાતિવાદનું રૂપાળું, સ્વરૂપ ધારણ કરવા તરફ વળ્યો છે. અહીં બીજા લોકોને ભોગે વંશીય - ethnic જૂથોને સબસીડી અપાય છે! એટલે ભલે સૂર એનો દેવદૂતનો હોય, પણ છે તો એમાં દંભનું અવર રૂપ જ. તેઓને બહુસંસ્કૃતિ તેથી નૈતિક, બૌદ્ધિક અને આર્થિક એમ બધી રીતે શરમજનક બાબત લાગી છે. ઝુબ્રીકીને પણ આ બહુસંસ્કૃતિ સંજ્ઞા સંદિગ્ધ અને ડોળઘાલુ પ્રતીત થઈ છે. તેઓને તે નકારાત્મક દિશામાં લઈ જતી વસ્તુ લાગી છે. તો હોવાર્ડ, કીટિંગ અને ગોબો જેવા વિચારકોને રાજકીય સ્તરે પરિણામગામી બનેલી ઓસ્ટ્રેલિયાની બહુસંસ્કૃતિ અનેક રૂપે ફળદાયી જણાઈ છે. તેવાઓ તેથી તેને ‘Many cultures, one Aurstralia’ કહેવા પણ પ્રેરાયા છે. ત્યાંના શાસકોનો તે માટે કેવો મોટો આશાવાદ રહ્યો છે, તે તેઓ દર વર્ષે એકવીસ માર્ચના દિવસને બહુસંસ્કૃતિવાદના સંદર્ભે ઊજવે છે, એ ઉપરથી સમજાય છે. એ દિવસને તેઓએ આપેલું Harmony Day નામ પણ તત્પરત્વે સૂચક બની રહે છે. આપણે જોયું, કે બહુસંસ્કૃતિ વિશે સ્પષ્ટ રૂપે બે વિચારધારાઓ પ્રવર્તે છે. જેમ તેની શક્તિઓને નજરઅંદાજ કરી શકાય તેમ નથી, તેમ તેની સીમાઓને પણ લક્ષમાં લીધા વિના ચાલે તેમ નથી. આથી બહુસંસ્કૃતિ જો કેવળ અને કેવળ રાજકીય સંદર્ભે પાંગરે, શાસકાધીન બની રહે તો તો તેમાં રહેલી શક્યતાનો પ્રજા-સમૂહને કેટલો લાભ મળે તે વિશે શંકા રહેવાની. Assimulation કે Intergrity ને બદલે વાત પછી Plurality કે Hybridityથી જ અટકી જાય. પોતાની વિશેષતાઓ જાળવીને એક પ્રજા રૂપે તેનું ઉમદા, પ્રગતિકારક રૂપ નિખરી આવવું જોઈએ. એ વાત મહત્ત્વની છે. એક એશિયન કન્યાને બ્રિટનમાં જે દુઃસહ ઘટનાનો ભોગ બનવું પડ્યું હતું તેનું અહીં સ્મરણ થઈ આવે છે. તેની સાથે ત્યાંના એક ગોરાએ અને તેના પરિવારે કરેલા દુર્વ્યવ્હારથી તો તે ત્રાસી ગઈ હતી, પણ એ પરિવારે જ્યારે તેઓને પસંદ તેવા યુવક સાથે તેને લગ્ન કરવા દબાણ કર્યા કર્યું અને એ યુવકે કન્યાની અનિચ્છાએ વારંવાર તેનું જાતીય શોષણ કર્યું, ત્યારે તે પૂરેપૂરી હેબતાઈ ગઈ અને બ્રિટન વિશે પણ નિર્ભ્રાર્ન્ત થઈ ગઈ. તે કન્યાએ આક્રોશ સાથે ત્યારે જે કહ્યું તે ઘણીબધી રીતે સૂચક છે. જુઓ, ‘આ બહુસાંસ્કૃતિકવાદ તો માત્ર એક આચ્છાદન છે. જુદી જુદી કોમની કન્યાઓ સાથે કેટલાક માણસો જે બદતર વ્યવહાર કરી રહ્યા છે, તેને ઢાંકવા માટેનું આ એક તરકટ છે. નેતાઓ અને રાજકારણીઓને આનાથી દૂર રાખો, હાંકી કાઢો.’ બહુસંસ્કૃતિના રૂપાળા નામ તળે રાજકારણ જો એની ખીચડી પકાવે તો તેનાં પરિણામો ઉપરછલ્લાં જ મળે. વર્ણસંકરતા સિવાય કશું હાથ ન લાગે. એ જ રીતે જો કેન્દ્રમાં માત્ર મૂડી, બજાર અને ઉપભોક્તા હોય અને વાત ત્યાં જ અટકી જતી હોય, માનવીના સમગ્ર રૂપને, તેની આંતર-બાહ્ય સમૃદ્ધિને વિકસાવવાનો કે દૃઢાવવાનો સ્પષ્ટ ઉપક્રમ ન હોય તો ત્યાં પણ એવી બહુસંસ્કૃતિ સંજ્ઞાની ભીતરમાં કેવળ Diversity જ બચે છે. શાસકોએ બહુસંસ્કૃતિનો એમ વ્યાપક હેતુઓના સંદર્ભે - પૂર્ણ માનવ્યના સંદર્ભે - વિચાર કરવાનો રહે છે. Humanness એ જ એનો સ્પષ્ટાર્થ કે એ જ એનો ગર્ભિતાર્થ રહેવો જોઈએ. સંસ્કૃતિવાદને આવકારનારાઓ તેને વ્યવહારુ Pragmatic અને નીતિવિષયક Policy oriented ગણાવે છે. તેઓની શુભનિષ્ઠા વિશે શંકા કરી શકાય તેમ નથી. બહુસંસ્કૃતિ તેવાઓ માટે અમૂર્ત વિચાર નથી તો રામરાજ્યની કોરી કલ્પના પણ નથી, પણ માનવહિતાર્થે ક્રિયાન્વિત કરી શકાય તેવી વિચારણાનો ગુમ્ફ છે. આવી ક્રિયાન્વિતતાનાં કેટલેક ઠેકાણે સારાં ફળ મળ્યાં પણ છે. સંસ્કૃતિ, બહુસંસ્કૃતિ કે બહુસંસ્કૃતિ પછી - એમ ગમે તે વિકલ્પ વિચારીએ વ્યાપકતાની પોતાની જ એવી મર્યાદા છે, કે તેમાં ઉત્તમ પ્રકટે તો નબળું પણ ખેંચાઈ આવે. બહુસંસ્કૃતિનું પણ એ સંદર્ભે જ મૂલ્યાંકન થઈ શકે, પણ અત્યારે જગત, માનવ જે ઝડપથી વિસ્તરતાં રહ્યાં છે, વિશ્વ જે રીતે એક global village બની ગયું છે, એ જોતાં સીમા-સીમાંકનો, અમુક-તમુક જ વિચારધારાઓ એવું હવે ભાગ્યે જ ટકી શકશે. હવે દિવસો-કલાકોથી ક્ષણો ઉપર આવીને સમય પોતાને સિદ્ધ કરી રહ્યો છે. કહો, કે આખો પરિપ્રેક્ષ્ય ક્ષણ ઉપર આકારાઈ રહ્યો છે. ક્ષણ વીતી તો ઘણું વીતી ગયું એમ લાગવાનું. એકસાથે અનેક સંસ્કૃતિઓનું, અનેક માનવીય જૂથોનું, અનેક હેતુઓથી, વિચારધારાઓથી પ્રેરાયેલા માનવીઓનું હોવું, એ બાબત આપણી વાસ્તિવકતા બની છે. આપણાં મૂળને વળગીને આપણા ઘરની બારી ખુલ્લી રાખવાની છે, દશે દિશાઓમાંથી પવન આવે-જાય તેવું આવાગમન અને તેનાથી સંપન્ન માનવીય ચેતના એ આ ક્ષણનું સત્ય છે. ગાંધીજી એ વાતને ઘણાં વર્ષો પૂર્વે પામી ગયા હતા. આપણે બહુસંસ્કૃતિ સંજ્ઞાને વૈશ્વિક પરિવર્તનના આપણા સમયમાં Multiculturalism was always a conceptual muddle of prescription and description એમ કહીને, હસીને અભરાઈ ઉપર ચઢાવી શકીએ તેમ નથી. બધી શક્તિ-સીમાઓને લક્ષમાં રાખ્યા પછી પણ લોકલ-ગ્લોબના સમન્વયવાળું કોઈક વિશેષ સંસ્કૃતિ રૂપ બહુસંસ્કૃતિમાંથી જ ઊભું કરી શકાય. માત્ર સ્મરણમાં એ રાખવું રહે કે બજાર, ઉપભોક્તા, અર્થ અને અન્ય અકલ્પ્ય શોધો સાથે માનવીનું જીવન જોડાયેલું છે, એ બાબત ન ભુલાય. એ જીવન વધુ સુંદર બને, સુંદરતમ બને, ક્યાંય અળપાય નહિ એ મુદ્દો કેન્દ્રમાં રહેવો જોઈએ. સંસ્કૃતિથી બહુસંસ્કૃતિ તરફ વિસ્તરી રહેલા આજના આ અટપટા વિશ્વને પામવું સાથે પમરાવવું એ પડકાર જેમ આજના ચિંતક-વિચારક સામે છે, તેમ આજના કળાકાર સામે પણ છે. કળા અને સંસ્કૃતિનો ભાગ્યે જ અલગ રૂપે વિચાર કરી શકાય. મનુષ્ય, એનું જીવન, એની સંસ્કૃતિ જ કોઈક ને કોઈક રૂપે કલાની ભોંય બનતાં હોય છે. કલાનાં સમીકરણો સમયે સમયે બદલાતાં રહ્યાં છે, એ ખરું પણ એવાં સમીકરણો જીવનનો છેદ ઉરાડવામાં સફળ થયાં નથી. સૂર્ય-ચંદ્ર કે તારકો આકાશની જાજમ ઉપર એના સૌંદર્યને ઉપસાવતાં રહ્યાં છે એવું જ કંઈક કળાનું છે. જીવન-સંસ્કૃતિ-મનુષ્ય એવી કળા સાથે અભિન્નતા દાખવે છે. કળા કે એના અર્થઘટન સાથે સંકળાયેલી સિદ્ધાંતચર્ચાઓ તેથી જ એક યા બીજા રૂપે સંસ્કૃતિ-બહુસંસ્કૃતિના વિભાવને પણ એની સાથે સાંકળે છે. નવ્ય વિવેચન કે સંરચનાવાદ, અનુસંરચનાવાદ કે ઉત્તર સંરચનાવાદની આબોહવામાં પણ એવો સંદર્ભ સાવ ભુલાયો નથી. કૃતિની બહાર જવું પડે તો જઈને કૃતિચર્ચા થયાના અપવાદો મળી રહે છે. પ્રશિષ્ટ કૃતિઓની તપાસનાં ધોરણો એલિયટ જેવાને પણ અલગ ભૂમિકાએથી બતાવવાં પડ્યાં છે, તે જાણીતી બિના છે. કલાસર્જનની જેમ કલામૂલ્યાંકન અને તેના અર્થઘટનની સામે પણ એમ નવા પ્રશ્નો ઉપસ્થિત થયા છે. સાંસ્કૃતિક અભ્યાસનું (Cultural studies) આજના સંદર્ભમાં એમ મહત્ત્વ વધી જાય છે. કળાસર્જન તરફ વળીએ તે પહેલાં સાંસ્કૃતિક અભ્યાસનાં કેટલાક ગૃહીતો તપાસવાનું અનિવાર્ય બને છે. આવી તપાસ એક તરફ અર્થઘટનને તો બીજી તરફ સંસ્કૃતિને વધુ નજીકથી સમજવાની ભૂમિકા પણ પૂરી પાડી શકે. સંસ્કૃતિનો અર્થ ભાષા, જ્ઞાન, માન્યતાઓ, નીતિ, કાયદો, રીતિરિવાજો કે કળા એવો ભલે કરીએ, પણ એ એની એક સ્તરે થતી ઓળખ છે, પણ તે સાથે સંસ્કૃતિનાં રૂપો અને સામગ્રીને પણ લક્ષમાં લેવાં પડે. એમ કરવા જતાં સાહિત્ય અને વિવેચન માટે કેટલુંક ભાથું જરૂર મળી રહે. જીવનની એક રીતિ તરીકે સંસ્કૃતિમાં ઉન્નત વર્ગનાં વિવિધ ઘટકોનો સમાવેશ થતો હતો અથવા તો તે તરફ વધુ ધ્યાન કેન્દ્રિત થતું હતું, પણ આધુનિક સાંસ્કૃતિક વિવેચનના ઇતિહાસમાં ‘નિમ્ન’ અને ‘મધ્યમવર્ગીય’ સંસ્કૃતિની અભિજ્ઞતા પણ પ્રકટી છે. હવે લોકપ્રિય અને સમૂહકળાઓ અને એના પ્રયોગો પણ ઉમેરાતા રહ્યા છે, એટલું જ નહિ સાંસ્કૃતિક વિવેચકો એવાં જૂથો, સમૂહો, લોકપ્રિયતા, સાથે રોજિંદા જીવન પ્રત્યે ગંભીરતાપૂર્વક એકાગ્ર બન્યા છે. એવા જીવનમાં જોવા મળતા વિચારો, મૂલ્યો વગેરે એમના રસનો વિષય બન્યાં છે. સંસ્કૃતિજન્ય આવા અભ્યાસમાં ટેલિવિઝન, સિનેમા, વિજ્ઞાપનો, રોકસંગીત, સામયિકો લઘુમતીઓનું સાહિત્ય, વિજ્ઞાનકથા, સાહસકથાઓ, રોમાન્સ, ગોથિક નવલકથાઓ વગેરે પણ સમાવાયાં છે. વિશેષે તો એમાં સામગ્રી કેવી રીતે ગોઠવવામાં આવે છે, તેની ઉપયોગિતા કેવી છે અને વિતરણાદિ કેવી રીતે થાય છે, તે બાબતનું તેમાં લક્ષ રખાય છે. ક્યારેક અહીં વિવેચકોને આજકાલ પ્રકટ થતા લોકપ્રિય રોમાન્સોમાં વધુ રસ પડ્યાનું પણ જણાયું છે. એમાં હિસ્સેદાર સંસ્થાઓનો શો ફાળો રહ્યો છે, પ્રકાશન કરતી સંસ્થાઓ, પુસ્તક વિક્રેતાઓ વગેરે કેવી રીતે આ રોમાન્સના સ્વરૂપને નવ્ય ઘાટ આપી રહે છે, કે તેની માવજત કરે છે, અથવા એવા સ્વરૂપને હજી વધુ નિખારવા શું શું કરી શકાય તેમજ એ માટેનું આખું તંત્ર-નેટવર્ક કેવી રીતે રચાય છે તેનો અભ્યાસ પણ કેટલાક વિવેચકો ઉત્સાહથી કરે છે. આવી સંસ્થાઓ કે ઘટકો સેટેલાઈટ સાથે સંકળાયેલાં હોવાથી કેટલાંક પરીક્ષણો એકથી વધુ માર્ગો તરફ દોરી જનારાં પુરવાર થતાં હોય છે. દૃષ્ટાંત તરીકે રોમાન્સ લઈએ તો ધારાવાહિક શ્રેણીઓમાં ટેલિવિઝન સૉપ ઓપેરા કે સ્ત્રીસંબંધિત સામયિકમાં આ સ્વરૂપ કેવી રીતે પ્રયોજાય છે તેનું પૃથક્કરણ કરવામાં આવે તો તરત જ તેની સાથે પ્રકાશકો, સાહિત્યના એજન્ટો, પુસ્તક વિક્રેતાઓ ટેલિવિઝન કાર્યક્રમના આયોજકો, સામયિકના તંત્રી-સંપાદકો અને લેખકો-ચર્ચાપત્રીઓ વગેરે સંકળાતા જણાશે. આવાં એકમેક સાથેનાં જોડાણો સાંસ્કૃતિક અભ્યાસને સર્જવામાં, તેને એક ચોક્કસ પરિરૂપ આપવામાં કે તેના વ્યાપારીકરણમાં અગત્યનો ભાગ ભજવે છે. આવું પૃથક્કરણ એ સાંસ્કૃતિક અભ્યાસ માટેનું મુખ્ય પરિબળ બને છે. વળી સંસ્કૃતિનો અભ્યાસ કરનારાઓ માટે વિવિધ પદ્ધતિઓ, સર્વે, ક્ષેત્રીય કાર્ય વગેરે પર આધારિત અભ્યાસ, કૃતિઓનાં અર્થઘટનો, ઐતિહાસિક ભૂમિકાસભર અભ્યાસ, ચર્ચાઓમાંથી મળેલાં તારણો, સંસ્થાકીય અભ્યાસ તેમજ બહુચર્ચિત વિચારસરણીઓ પણ મહત્ત્વનાં સાબિત થાય છે. ચોક્કસ વિચારસરણી ધરાવતા વિવેચકોની નિસબત, વિચારો, સંવેદનો, માન્યતાઓ અને મૂલ્યો વગેરે સાથે હોય છે. સંસ્થાકીય પરીક્ષણને તેઓ ટાળે છે. તો ધંધાકીય વર્ગો સાથેનાં જોડાણોમાં તેથી વિરુદ્ધ જોવા મળે છે. કેટલાક સાહિત્યિક વિવેચકો સંસ્કૃતિના અભ્યાસની તરફેણ કરતા નથી. તેઓનું માનવું છે, કે સંસ્કૃતિનો અભ્યાસ વર્ગભેદ કે વર્ગસંઘર્ષ પ્રભાવકતા, લઘુમતીઓ, રાજકીય વગ અને આદર્શો વગેરે સાથે સંકળાયેલો હોય છે. પરિણામે તેવાઓ તેનું રાજકીયકરણ કરવા ઇચ્છે છે. આનાથી સાવ ઊલટું, આવી ચર્ચાઓ બહુસંસ્કૃતિવાદ સુધી લઈ જઈ શકે. ત્યાં જાતિ, વર્ગ, લિંગભેદ વગેરે સાહિત્યિક પરિશીલન અને કૃતિનો સઘન અભ્યાસ સામા પક્ષે પરિણામો લાવનારો બને એવો મત પણ છે. કેટલાક સાહિત્યના સંશોધકોએ સંસ્કૃતિના અભ્યાસને સાહિત્યની ઐતિહાસિક તપાસપદ્ધતિ સાથે સાંકળવાનો પ્રયત્ન કર્યો છે, તે પણ અહીં યાદ કરવું જોઈએ. જેમ કે શેક્‌સપિયરનાં નાટકો, ચાર્લ્સ ડિકન્સની નવલકથાઓ અથવા થોમસ હાર્ડીની નવલકથાઓ કે વોલ્ટ વ્હીટમેનની કવિતાઓ જેવી કૃતિઓમાં વર્ગભેદો, વર્ચસ્‌ ભોગવતાં પરિબળો, જાતિગત ઘટકો અને લિંગભેદ જેવાં ઘટકો કેવી સક્રિયતા ધરાવે છે, તેની તપાસ કરે છે. આ સંદર્ભે જે વિવેચનાત્મક આંદોલન ઊભું થયું તે નવ્ય ઇતિહાસવાદ રૂપે ઓળખાયું. સ્ટીફન ગ્રીનબ્લાટે ૧૯૮૦ના અરસામાં New Historicism જેવી સંજ્ઞા તે સંદર્ભે પ્રયોજી છે. આવા નવ્ય ઇતિહાસવાદીઓ સાહિત્યકૃતિને સ્વાયત્ત પદાર્થ લેખતા નથી. તેઓ તેને વિશિષ્ટ પ્રકારના સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય સંદર્ભોમાંથી પ્રકટતી સામગ્રીના સ્રોત રૂપે જુએ છે. અહીં એમ સાહિત્ય વિશેનું તેમનું આ દૃષ્ટિબિંદુ સાહિત્યિક અને અસાહિત્યિક કૃતિઓ અને સ્વરૂપો વિશેના પરંપરાગત ભેદને નકારે છે. નવ્ય ઇતિહાસવાદીઓનો માર્ગ કંઈક એમ ભિન્ન છે. તેઓ કોઈ ચોક્કસ યુગના બળો, તેમનો પરસ્પરનો સંબંધ, એ સર્વ સાહિત્યનું કઈ રીતે નિર્માણ કરે છે તે, સામગ્રીનો વ્યાપકપણે કઈ રીતે ઉપયોગ થઈ શકે તે, ડાયરીલેખન, પ્રવાસલેખો, કાયદાકીય દસ્તાવેજો, તબીબી સામગ્રી, કાયદાની કલમો વગેરે સામગ્રીનો હિસ્સો કેવો હોઈ શકે તે - એવી અનેક ઝીણીઝીણી બાબતો ઉપર લક્ષ કેન્દ્રિત કરે છે. અલબત્ત, કેટલાક વિવેચકો આવી ઐતિહાસિક સાહિત્યિક તપાસનો સ્વીકાર કરતા નથી. તેને તેઓ સાંસ્કૃતિક અભ્યાસ જ લેખતા નથી. સંસ્કૃતિગત અભ્યાસમાં આપણને આમ ‘અર્થઘટન’ અને ‘સાહિત્ય’નો જુદી રીતે ઉત્તર મળી રહે છે. ‘સાહિત્ય’ અંગેનો વિભાવ અહીં વ્યાપકરૂપમાં પમાતો જોવા મળે છે. લોકપ્રિયતાનું અને સાથે ઉન્નતભ્રૂઓનું - બંને પ્રકારનું સાહિત્ય સમાવેશ પામે છે. શિષ્ટ સ્વરૂપોની સાથે આપણે જોયું તેમ બ્લ્યૂ કવિતાઓ, રોમાન્સ, સૉપ ઓપેરા સુધીનો તેનો વ્યાપ છે. સ્થળ-સમય અમુક પ્રકારની વસ્તી એ સર્વ સાથે તેનું વિભાવન પણ અલગ રૂપે થવાનું. આવા સાહિત્યમાં state of society ખાસ જોવાય. ‘અર્થઘટન’નો પ્રશ્ન પણ કંઈક વધુ ખુલ્લો રહ્યો છે. તેમાં કૃતિગત સમજૂતી, અંગત પ્રતિભાવો, રસપ્રદતાની સાથે સંસ્થાકીય પરીક્ષણો, વિચારધારાઓ ક્ષેત્રીયકાર્ય આધારિત તારણો વગેરે પણ ઉમેરાય છે. સંસ્કૃતિગત આવા અભ્યાસમાં આત્મલક્ષિતાને Subjectivity ને ખાસ્સું મહત્ત્વ અપાયું છે. તેની સાથે પછી જોડાય છે ક્રિયાન્વિત અસંપ્રજ્ઞાત, સામાજિક-ઐતિહાસિક પરિવેશ, તેનો પ્રભાવ અને વ્યક્તિની બહુવિધ ક્ષમતાઓ. આવો વિભાવ વિવેચકોની સાથે સાથે આ પ્રકારનું વલણ ધરાવતા કળાસર્જક માટે પણ ઉપકારક બની શકે તેવો મત પણ રહ્યો છે. સંસ્કૃતિગત અભ્યાસના મુદ્દામાંથી, કૃતિના અર્થઘટન કે સાહિત્યના વિભાવ આદિના વિચારમાંથી કોઈકને સંભવ છે, કે પાછા ફરી રહ્યાનો અનુભવ થાય, શુદ્ધ કળા વિશેનું ગણિત બુઠ્ઠું થઈ જતું જણાય. સંસ્કૃતિગત અભ્યાસની સામે રૂપરચનાનાં ગૃહીતો પણ સાવ સામા છેડાનાં બની જતાં જણાય. સંસ્કૃતિગત અભ્યાસ વ્યાપક ફલક ધરાવે છે. જ્યારે રૂપરચનાનું ફલક સંકીર્ણ છે. પહેલાને મનોવિજ્ઞાન, સમાજવિદ્યા, રાજ્યશાસ્ત્ર વગેરેમાં રસ છે, તો બીજું સૌંદર્યશાસ્ત્ર અને કાવ્યશાસ્ત્ર સાથે સંલગ્ન છે. જોનાથન કલર સંસ્કૃતિગત અભ્યાસને લક્ષમાં રાખી સાહિત્ય અને સંસ્કૃતિના પરિશીલનને આજના સંદભે વિદ્યાસંસ્થાઓ સાથે સાંકળવા પ્રયત્ન કરે છે. તેઓને તેમાં સાહિત્ય-સંસ્કૃતિની કેટલીક વ્યાપક સમસ્યાઓના ઉત્તરો મળતા જણાયા છે. વાચન-અર્થઘટન, પરંપરા-રાષ્ટ્રીયવાદ, મૌલિકતા-આંતરકૃતિત્વ, સાહિત્યિક શિક્ષણ-સામાજિક નેતૃત્વ, કાવ્યશાસ્ત્ર અને વાક્‌ચાતુર્ય વગેરે વિશે પણ તેમણે તે સંદર્ભે સમુચિત વિચાર કર્યો છે. આંતરવિદ્યાકીય અધ્યયન તરીકે અહીં સંકેતવિજ્ઞાનને પણ ભૂલવું ન જોઈએ. સામાજિક કે સાંસ્કૃતિક પ્રવૃત્તિના ભાગરૂપ એવા સંકેતોનું અસ્તિત્વ હોય છે. અહીં સાહિત્ય અને સંસ્કૃતિના અભ્યાસની આવી મથામણમાંથી એમ કહી શકાય - કદાચ કે આવી સહસ્થિતિ વધે તો સંખ્યાબંધ રાષ્ટ્રીય પરંપરાઓનો અભ્યાસ શક્ય બને. પ્રાચીન કૃતિઓનું, તેનાં પ્રાપ્ય અર્થઘટનોનું પુનઃપરીક્ષણ, પરિશીલન થઈ શકે. આગળ વધીને એવી આશા પણ રાખી શકીએ, કે ભવિષ્યની વિવેચનપદ્ધતિ માટેની શક્યતાઓ પણ અહીંતહીંથી જ ઉદ્‌ઘાટિત થતી જોઈ શકાય. વાત છેવટે આ કે તે વિચારધારાની ન હોવી જોઈએ. સાહિત્ય અને અર્થઘટનની એવી સઘળી ધારાઓની સમયે સમયે ચકાસણી થવી જોઈએ, વિમર્શન થવું જોઈએ, મૂલ્યાંકન થતું રહેવું જોઈએ. ધારા કરતાં પેલું પરીક્ષણ જ સિદ્ધાંત બની રહે! આપણા સમયનું અને હવે પછીનું Poetics કદાચ Poetics of difference હોય તો નવાઈ નહિ. તો આજનું આ બહુસંસ્કૃતિવાળું અને આવતીકાલનું બહુસંસ્કૃતિની દિશામાં આગળ વધતું વિશ્વ અને એનું સાહિત્ય કેવુંક હશે? એની કોઈ નિશ્ચિત કુંડળી તો માંડી શકાય જ નહિ, કારણ કે સાહિત્ય અને વિશ્વ - બંનેની ઉપર સૂર્ય અને ચંદ્ર બંનેની ગતિ કલ્પનાતીત રહી છે. કોઈકને આજના આપણા વિશ્વ વિશે અવળો અથવા એની રીતે કદાચ સાચો એમ આવો પ્રશ્ન કરવાનું મન પણ થાય – Clash of Cultures? Clash within cluture કે cultures? એકસાથે સંખ્યાતીત વિરોધો આ વિશ્વમાં જોવા મળે છે. જેટલા તેના માટે સકારાત્મક આધારો છે. તેટલા જ નકારાત્મક આધારો પણ છે. છતાં આજના વિશ્વે દૂરના છેવાડા સુધીના માણસની ગતિ બદલી નાખી છે, તેના વિચારો, ધારણાઓ, માન્યતાઓમાં અપૂર્વ કહી શકાય તેવું પરિવર્તન આવ્યું છે. કહો કે મનુષ્ય જાગતો થઈ ગયો છે, જગતનો થઈ ગયો છે. છેલ્લા ત્રણેક દાયકાઓએ તેની ઓળખ બદલી નાખી છે. સ્થાનીય અને વૈશ્વિકનો પ્રથમ વાર આટલો ગાઢ સંબંધ અનુભવવા મળે છે. સૌ હવે પોતાની ઓળખ ઊભી રાખીને વર્ણ, જાત, વેશ વિનાની નવી દુનિયા માટે, તેની સાર્થકતા માટે સજ્જ થઈ રહ્યાં છે અથવા તો તે માટે પોતાની જાતને, કશુંક જતું કરવું પડે તો જતું કરવાની તૈયારી સાથે પરિવર્તન સંદર્ભે પ્રશ્ન પૂછી રહ્યા છે. બહુવિશ્વપણાનો સ્વીકાર એમ સૌને માટે લગભગ દુર્નિવાર ઘટના બની રહી છે. હું ભારતનો, અમુક કોમ કે ધર્મનો - એટલી કે એવી ઓળખ હવે ઓગાળવી પડશે. વ્યક્તિત્વની આંતરિક રેખાઓ, તેનામાંનું સર્જકત્વ, તેનામાંનું સ્થાન, તેનો પ્રયત્ન એ તેની સાચી ઓળખ લેખાશે. વિશ્વ અને એનો માનવી એની એક આંખે સ્વપ્ન જુએ છે, અને બીજી આંખે યથાર્થ જુએ છે. જે છે તે આજ છે, આવતીકાલે કશું નહિ. એક રૂપક યોજીને કહીએ તો આજનું બહુસંસ્કૃતિ વિશ્વ કંઈક અંશે પીઝઝા જેવું છે. પીઝઝા હટ અહીં ભારતમાં, ભારતના કોઈ શહેર કે નગરમાં, મેકડોનાલ્ડ અમેરિકાનું, પીઝઝા વાનગી તરીકે મૂળ ઈટલીના અને ખાનાર ગ્રાહક બેઠો હોય બ્રિટન, ચીન કે ભારતનો કોઈ શહેરીજન અથવા તો ગામડાનો માણસ! એમાં પીઝઝા બેઝ, મકાઈના દાણા, સોસ, ચટણી, ચીઝ, ડુંગળી, કોબીચ, ગાજર અને કેપ્સીકમ વગેરેનું ચટાકેદાર મિશ્રણ હોય. આવું મિશ્રણ ઓળખાય પીઝઝા તરીકે! અનેક એવાં વૈવિધ્યો વચ્ચે પેલા પીઝઝાની જેમ અવનવીન સંસ્કૃતિઓભર્યું છતાં એક Composite World આપણી સામે આવ્યું છે. તીવ્ર ગતિવાળા, અસંખ્ય રંગોથી દીપ્ત વિશ્વ અને એનાં બહુઆયામી માનવીને કેવી રીતે પામવાં અને પ્રકટ કરવાં તે આજના સર્જક માટે મસમોટો પ્રશ્ન છે. અહીં સ્થિરતા કરતાં અસ્થિરતા વધુ છે, ધ્યેય નહિ, ધ્યેયો છે. અનેક ચાલનાઓ અને અનેક રસ્તાઓ છે. ગતિ જ ગતિ છે. આવો માનવી ‘આજ’ અને ‘ભૂતકાળ’ બંને વચ્ચે વિભાજિત છે, તો સ્વ અને સમષ્ટિ બંનેને એકસાથે રાખવા-જોડવા પણ ઉદ્યુક્ત છે. એની ચેતનામાં સમય, ભૂભાગ સર્વની અવળસવળ થઈ ગઈ છે. આજના સર્જને આજનાં આવાં વિશિષ્ટ મૂલ્યોને અને સંવેદનોને એમ ઉજાગર કરવાનાં છે. પછી એ કોઈ પણ દેશનો સર્જક, કોઈ પણ ભાષામાં ભલે લખતો હોય. નવા સંદર્ભે, નવા પરિપ્રેક્ષ્યો, નવા આયામોના આવિષ્કાર માટે તેનું ભાષાજગત પણ એવું નૂતનતાભર્યું ને સક્ષમ હોવું ઘટે. વળી એ પણ ધ્યાનમાં રાખવું રહે કે તેની સામેનો ભાવક પણ બહુવિધ રુચિવાળો, અધીર અને અનેક વિષયોમાં હરફર કરનાર છે, સાથે અર્થ તરફ વિશેષ ઢળેલો છે. તેની ગતિ તેને ભીતરથી નિર્જીવ કે જડ ન બનાવી મૂકે તે માટેની પણ એ સર્જકે તેના સાહિત્યમાં સતર્કતા રાખવાની છે. આવા સર્જકને હવે આત્મવંચના રાખવાનું પાલવે તેમ નથી. લાંબી રેસના અશ્વની જેમ પળેપળમાંથી ધીરતા સાથે પસાર થવાનું છે. આગળ-પાછળ, આજુ-બાજુ ઉપર-નીચે સઘળે અતંદ્ર આંખે વિલોકવાનું છે અને એવી પળોમાંથી સર્જનપળને ગ્રહી લેવાની છે. પોતાનો જ કહી શકાય એવો રસ્તો અહીં સર્જકને કામ આપી શકે તેમ છે. આપણા નિરીક્ષણને કવિતા પૂરતું સીમિત રાખીને આજના સાહિત્ય વિશે કંઈક આ પ્રકારના સંકેતો આ તબક્કે પામી શકાય. અલબત્ત, વ્યાપક પરિપ્રેક્ષ્યમાં એવી તપાસ કરનારને અહીં દર્શાવ્યું છે. એ સિવાયનું પણ બીજું ઘણું મળી રહે. અહીં આજના સાહિત્યની વાત કરીએ તે પહેલાં એક બાબત એ પણ સ્મરણમાં રાખવી જોઈએ, કે બહુસંસ્કૃતિ વિશેની આપણી આજની વિભાવનાના મૂળમાં તો છેવટે ‘માણસ’ અને તેનું વ્યાપક રૂપ જ રહ્યું છે. સમયે સમયે તે વિશે આપણને કેટલાક સંકેતો પ્રાપ્ત થયા છે. ખાસ કરીને ભારત, ચીન જેવા પ્રાચીન દેશોમાં, તેના સાહિત્યમાં, એવી સંવેદનાઓ પ્રકટ થતી રહી છે. આપણા ઋષિઓએ સર્વ દિશામાંથી શુભ વિચારો પ્રાપ્ત કરવાની કામના રાખી છે. વિશ્વને એક નીડ રૂપે નિહાળ્યું છે. માનવ માત્રના ઉત્કર્ષને ઇચ્છ્યો છે. સાથે જ કાર્ય કરવાનું, સાથે જ ભોગવવાનું, કોઈનો દ્વેષ ન કરવાનું, સર્વની તેજસ્વિતાનું ગાન કર્યું છે. અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા તેમજ બીજા અનેક ટાપુઓના સાહિત્યમાંથી પણ બહુસંસ્કૃતિની સંવેદના વાંચી શકાય છે. અમેરિકાના વૉલ્ટ વ્હીટમેન જેવા કવિનો (૧૮૧૯-૧૮૯૨) કોઈ આજના બહુસંસ્કૃતિના વિચારસંદર્ભે વિચાર કરે તો આશ્ચર્ય પામીએ એટલા અને એવા સગડ આ સંજ્ઞા વિશે પ્રાપ્ત થઈ રહે તેમ છે. ખાસ કરીને તેમના ‘Leaves of Grass’ જેવા સંગ્રહમાં એ પ્રકારના અનેક સૂરો મળી આવે છે, એવું જ વિલક્ષણ શબ્દભંડોળ પણ તેમનામાંથી પ્રાપ્ત થઈ રહે છે. આજની બહુસંસ્કૃતિના મિજાજની કવિતાનું પગેરું તેથી કેટલાક વ્હીટમેનમાં જોવા લલચાયા પણ છે. જુઓ કેટલીક પંક્તિઓ એ દિશામાં કેટલું ને કેવું સંકેતે છે!

Do I Contradict myselft?
Very Well then I contradict myself,
(I am Large, I Contain Multitudes.)
અથવા આ પંક્તિઓને બહુસંસ્કૃતિ સંદર્ભે વિસ્તારો...
I inhale great draughts of space,
The east and the west are mine,
and the north and the South are mine.
S
Will you give me yourself!
will you come travel with me
shall we stick by each others as long as we live?
અથવા એવી બીજી પંક્તિઓ વાંચો –
I am for those who walk abreast
with the whole earth,
who inqugurate one to inaugurate all.

પરસ્પરના સહવાસમાં જ માનવીય અસ્તિત્વની ગરિમા રહી છે. એ વાત વ્હીટમેને આમ ‘લીવ્ઝ ઓફ ગ્રાસ’માં ઉત્તમ રીતે પ્રકટ કરી છે. કેમ્બ્રિજના એક જુવાનિયાએ સાચ્ચે જ ‘મારામાં એક નવો માણસ જન્મ્યો છે.’ એવું તેની કવિતા વાંચીને કહેલું! આપણા અર્વાચીન કાળના ભારતીય ભાષાના ટાગોર વગેરે કવિઓને પણ આ સંદર્ભે યાદ કરી શકાય. આપણે ત્યાં ગ્લોબલાઈઝેશન આવ્યું તે પૂર્વે અમેરિકામાં ૧૯૬૮-૭૨નો ગાળો ઘણી રીતે સૂચક હતો. ત્યાંની સામાજિક-રાજકીય પરિસ્થિતિ પણ ત્યારે નવી રીતે અલબત્ત, આકાર લઈ રહી હતી. આવાં-ગાર્દ આંદોલન સાહિત્યક્ષેત્રે ત્યારે મહત્ત્વનું પુરવાર થતું જણાય છે. થિયોદોર રુથક, જ્હોન બેરીમેન, રોબર્ટ ડંકન, ઓલ્સન વગેરેએ જૂનાને પડકાર્યું હતું. લઘુમતીનો અવાજ વિયેટનામ યુદ્ધ, નિકસનનું પદભ્રષ્ટ થવું, નાગરિક હક્કો માટેની રેલીઓ, આર્થિક ઘટકરૂપે આફ્રિકનોનો પ્રવેશ, Bills of Rights વગેરે અનેક ઘટનાઓ અને તત્પશ્ચાત્‌ સામાજિક, કળાકીય સમાનતા, પરદેશીઓનો કાયમી વસવાટ વગેરે જુદી રીતે એક વિશિષ્ટ પ્રકારના બહુસાંસ્કૃતિક સમાજ તરફ દોરી રહ્યાં હતાં. કળાજગત ત્યારે એક નૂતન સંચાર અનુભવે છે. હવે અહીં કલ્પનાશીલતા વડે પ્રકટતાં સ્વરૂપો પૂર્વનિર્ણીત ન્હોતાં, નવાં જ હતાં. બિટ-હિપ્પી આંદોલનો પણ પછી ભળે છે. ચિત્રકળા અને કવિતા બંને ફંટાય છે. અગાઉ કવિતા કે અન્ય કળાઓમાં સમાવાયા ન્હોતા એવા વિષયો અને સ્રોતો સર્જકોની કૃતિઓમાં જુદી જુદી પૃષ્ઠભૂમિઓમાંથી આવવા માંડે છે. ઑલ્સન Colonial અનુભૂતિને અવતારે છે, તો એડવર્ડ ડોર્ન Gunslingerમાં નવી સ્થિતિને અનેક કથનબિંદુઓના વિનિયોગથી તાદૃશ કરી આપે છે. ડૉર્ન દિવસભર વપરાયા કરતી ભાષા-શબ્દપ્રયોગો, Drug Cultureની ભાષા, ત્યાંનાં નગરોમાં પ્રયોજાતી ભાષા, સલૂનની, Cowboysની ભાષા વગેરેને યોજીને બહુસંસ્કૃતિ અને એના ‘લોક’ના કેલિડોસ્કોપિક ભાતો-રંગોને ઉપસાવે છે. સાદી ભાષાનું Mock heroicના મેટાફરમાં રૂપાંતરણ કરી બહુવિધ સમાજને કવિતામાં તેની અનેકવિધ લાક્ષણિકતાઓ સાથે તે બિંબાવે છે. એઝરા પાઉન્ડ જેવા જુદી જુદી સંસ્કૃતિઓ પાસે પહોંચી જઈ યુરોપ અને ઓરિએન્ટ બંનેની ગૂંથણી કરી નવ્ય કાવ્યવિશ્વ સર્જે છે. આ બધા આયામો ઉત્તરોત્તર નવાં કાવ્યસ્વરૂપો જન્માવે છે. નવા વૈવિધ્યસભર સ્રોતોની શોધ, પોએટિક કે વાસ્તવ એવાં સ્થળ વિશેની વિશિષ્ટ અનુભૂતિ - વગેરે નવી સાહિત્યિક પરંપરાનું નિર્માણ કરતાં રહે છે. જેરોમ રોથેન બર્ગ ત્યાં આવા પડકારો ઝીલવામાં અગ્રેસર છે. અમેરિકન-ભારતીય કવિતા, આફ્રો-અમેરિકન બ્લ્યૂઝ અને નેરેટિવ્ઝ વગેરે વિષયો પરની કવિતાનાં તે પ્રકાશનો કરે છે. તેણે પ્રકાશિત કરેલી એન્થોલોજીમાં અમેરિકન લોકગીતો, સ્પેનિશ, અમેરિકન અને ઓરિએન્ટલ અમેરિકન કવિઓ લીધા છે. ‘બહુસંસ્કૃતિવાદ’ શબ્દ તો પાછળથી પ્રચલિત બન્યો, પણ તે પૂર્વે કવિતામાં એમ બહુસંસ્કૃતિવાદ પોતાની રીતે અવતરી ચૂક્યો હતો. પછીનાં વર્ષોમાં ગિન્સબર્ગ જેવા પોતાની કવિતામાં બૌદ્ધ પરંપરાનો વિનિયોગ કરી બહુસંસ્કૃતિ સંવેદના સંદર્ભે નવાં પરિમાણો ઊભાં કરી રહે છે. ભારતનો તેમનો જ્હોન કીજર સાથેનો પ્રવાસ પણ જુદી રીતે ઉપકારક બનતો જણાય છે. સ્નીદર જેવો કવિ જાપાન જઈને ઝેન બુદ્ધિવાદ અને જાપાનીઝ પરંપરાઓનો અભ્યાસ કરીને સંસ્કૃતિઓ અને પરંપરાઓમાંથી નિષ્પન્ન થતા કાવ્યત્વની શોધ કરે છે. રિચાર્ડ ગ્રોસીન્ઝર અને ડેનીસ ટેડલોકનાં ‘જર્નલ’ પણ પ્રભાવક બને છે. રોબર્ટ કેલી, ચક સ્ટેઈન, ડોનાલ્ડ વગેરેની કવિતા એકદમ ધ્યાન ખેંચે છે. કહો કે અહીં અમેરિકામાં એક અર્થમાં બહુસંસ્કૃતિવાદ રાજકીય સ્થિતિની સાથે સાથે એટલો જ સાહિત્યિક પ્રવૃત્તિનો વાચક પણ બન્યો છે. અમેરિકાના કેટલાક કવિઓ બહુસંસ્કૃતિના નવા વિભાવને કવિતામાં પ્રકટ કરવા મેક્સિકો અને દક્ષિણ અમેરિકાના પ્રવાસો કરે છે. પ્રત્યક્ષ અનુભવને કારણે ત્યાંનાં શહેરોની નારકીય સ્થિતિનું તેમણે કરેલું વર્ણન દ્યોતક બન્યું છે. તો લઘુમતીઓની સિદ્ધિઓને પણ કવિતામાં તેવાઓએ વિશિષ્ટ રીતે પ્રકાશિત કરી આપી છે. આવાં નિરૂપણોમાં Visionary mythologyની સાથે Sophisticated astronomy અને સાહિત્ય ભાષાની ભવ્યતા પણ છે. ઓકતાવિયો પાઝ જેવા કવિએ મેક્સિકો દક્ષિણ આફ્રિકા અને ભારતની સંસ્કૃતિના સંપર્કમાંથી રચાયેલાં, પોતાનાં વિશિષ્ટ સંવેદનોવાળાં કાવ્યોથી ભાવકોને પ્રભાવિત કર્યા. તેમની રોજિંદી ભાષાનો ખ્યાલ આપતી વિશિષ્ટ કાવ્યબાની ઓછાં કલ્પન-અલંકરણોથી પણ ઘણાં ભાવવિવર્તો ઊભાં કરી શકી છે. ડેવિડ એન્ટીન જેવો કવિ કવિતાનું નવું Performingનું સ્વરૂપ પ્રકટાવે છે. અમેરિકાના એક કવિજૂથે કાવ્યાનુવાદના અનેક સંચયો આપી ઇતર સંસ્કૃતિઓમાંના કાવ્યવીક્ષણને પ્રત્યક્ષ કરી આપવાનો પ્રયત્ન પણ કર્યો છે. ક્લિટોન વગેરેના અનુવાદના કે બીજા એવા કેટલાક સંચયો પણ મળી આવે છે. જેમાં કશો દેખીતો ઉદ્દેશ ન હોય છતાં જુદી જુદી સંસ્કૃતિઓમાંના લઘુમતીના કવિઓની કે બીજા પ્રમુખ કવિઓની કવિતા તેમાં મળે, તેમના દ્વારા માનવ અને વિશ્વને જોવાનો દૃષ્ટિકોણ પ્રાપ્ત થઈ રહે. આવાંગાર્દે આવાં વર્ષોમાં અમેરિકન રૂઢ કવિતાની અને મુખ્ય પ્રવાહની કવિતાને નવા સંદર્ભે નજીક લાવવાનો પ્રયત્ન પણ કર્યો છે. ‘Spring and All’માં વિલિયમ કાર્લોસ વિલિયમ્સ સર્જનપ્રક્રિયાને સર્જન અને વિસર્જનની સમાન્તરપણે ચાલતી પ્રક્રિયા રૂપે ઓળખાવે છે. એવાઓને મતે સર્જનમાં કશું નિશ્ચિત-નિર્ણીત ન ચાલે. કલ્પનાશીલતાની પ્રક્રિયામાં પ્રવેશતાં જગત અને સર્જન વિશેનું વિલક્ષણ દર્શન ત્યાં આવિર્ભાવ પામે છે. ચોક્કસ ગૃહીતોને પણ તેમના મતે અહીં કોઈ સ્થાન નથી. બહુસંસ્કૃતિનો આવો કવિ પુરોગામીઓના પ્રભાવથી સદંતર મુક્ત થવા મથ્યો છે. એમ કરવા માટે તે અલબત્ત, પોતાની તીવ્ર કલ્પનાશક્તિનો અને નવા આયામોનો જ આશરો લે છે. તેને હવે અગાઉના Voices of authorityમાં કશો રસ રહ્યો નથી. અમીરી બારકા, ગુસ્તાફ, લોરેન્જો, વાન્ડા કોલેમ વગેરેની કાવ્યપ્રવૃત્તિ આવા નવા પ્રસ્થાનની સૂચક છે. અહીં બહુસંસ્કૃતિને પ્રકટ કરતું સાહિત્ય એક વિશાળ નદનો આકાર ધારણ કરે છે. એમાં નાની નાની સરિતાઓ છે, તો સંખ્યાબંધ નિર્ઝરો પણ છે. તેમાં વહેળા-વોકળા પણ ભળ્યા છે. માત્ર અમેરિકા પૂરતું જ આ સત્ય નથી, જ્યાં જ્યાં બહુસંસ્કૃતિ વિસ્તરી છે, ત્યાંના સાહિત્યમાં સમાન રૂપે એવું તત્ત્વ જોવા મળ્યું છે. એમાં મેઝો-અમેરિકન સંસ્કૃતિ-સાહિત્ય હોય, નેટિવ અમેરિકન કથાસાહિત્ય-મીથ હોય, ભારતીય બુદ્ધવાદ કે જાપાનનો અધ્યાત્મવાદ હોય, ફ્રેન્ચ-રશિયન કવિતા હોય, ભૂગોળ, નૃવંશવિદ્યા હોય, ગૂઢવિદ્યા-જ્યોતિષ વિદ્યા હોય, બજાર અને એના નાનાવિધ નુસખા હોય અને એવું ઘણુંબધું. દેશવિશેષે, સ્થળ સંસ્કૃતિ વિશેષે વળી બીજાં સ્થાનીય તત્ત્વો ઉમેરાય તે જુદાં. આ અને મનુષ્યનાં પોતાનાં ચલન-વલન એ સર્વના ગુમ્ફમાંથી Multicultural છબી પ્રકટી રહે. અમેરિકી અને અન્ય કવિતાએ પ્રકટ કરેલા આ અને આવા સંકેતોમાંથી બહુસંસ્કૃતિ સાહિત્યની કેટલીક લાક્ષણિકતાઓ એમ પ્રાપ્ત થઈ રહે. આવી કવિતા કે એવા સાહિત્યમાં માનવ અનુભૂતિનાં આગવાં રૂપો પ્રકટતાં જોવાય છે. પરંપરાગત અને સ્થાપિત માપદંડોથી તેને મૂલવી શકાય તેમ નથી. Institutionalized સાહિત્ય સામેની પ્રતિક્રિયા હવે સાહિત્યમાં બહુસંસ્કૃતિ ભાતોને સમાવી ભાષાકળામાં પ્રકટેલા માનવાનુભવોમાં ભાવકને જોતરે છે. આમ તેણે પોતાનાં આગવાં સ્વરૂપો અને વિભાવો જન્માવી આપ્યા છે. કવિતા કે કથાસાહિત્યમાં આવતા એવા અવાજો-સૂરોમાં કોઈ ઉચ્ચાવચતાનો પ્રશ્ન હોતો નથી. આવા સાહિત્યને Minority કે Majority નું સાહિત્ય પણ કહી શકાય તેમ નથી. એમ કહી શકાય કે આ પ્રકારનું સાહિત્ય માનવને અન્ય ધર્મ, જાતિ, વ્યવસાય, રંગભેદ વગેરે તત્ત્વોથી અલગ કરી ‘માનવ’ તરીકે પ્રકટ કરે છે. સર્જકનું લક્ષ્ય Just a Various Culturalism inside the poetry itself રહ્યું છે. સર્જકનો શબ્દ અગાઉના કરતાં હવે વધુ બહુમુખી બન્યો છે. એના અવાજમાં વિશ્વના અનેક અવાજો સંભળાય છે. સંરચનાના પિંજરામાંથી બહાર નીકળી વિષય-રચનાની લાલિમામાં તે કર્યો છે. તેનો રસ Poetry comes first, not the politics of the poetry scene માં રહ્યો છે. એક જ રેખામાં આવતાં બિન્દુઓમાંથી રેખા બને તેમાં તેનો રસ નથી. તે બિન્દુઓ બિન્દુ રૂપે રહે, સમાન્તરે ન પણ હોય, આડાંઅવળાં હોય. આવાં અનેકાનેક બિન્દુઓનાં ઝૂમખાંઓમાંથી તે પોતાની રચનાનો નકશો લઈ આવે છે. આજના સમયના આ સર્જકને ભાષામોરચે જ માત્ર નહિ, પણ વિરોધોથી ભરેલા, માનવતાને ઘાતક નીવડે એવાં બળો સામે પણ લડવાનું છે. ‘લોક’ તેનો ખીલો છે. ગુજરાતી સાહિત્યમાંથી છેલ્લાં ત્રીસેક વર્ષમાં કે તેના અગાઉનાં થોડાંક વર્ષોમાંથી આવા સંકેતો પ્રાપ્ત થઈ શકે તેમ છે. વતનપરસ્તી, અતીતઝંખા, દલિતસાહિત્ય, ડાયોસ્પૉરિક સાહિત્ય, નારીચેતના સાહિત્ય, લોક-લોકવિદ્યા, લોકધારાઓમાં વધતો રસ, પરંપરાગત એસ્થેટિકસની અવગણના, રૂપરચનાને બદલે કથા-સંવેદન અને તેના અમુક પ્રકારના નિરૂપણનું વધેલું વલણ, બોલચાલ કે વ્યવહારના સ્તરેથી ભાષાનો વિનિયોગ કરવાની કે તેવાં પ્રતીકો-કલ્પનો-પુરાકલ્પનોના ઉપયોગની વધેલી વૃત્તિ, અનુવાદ પરત્વેની ખેંચાણ, અમુક જૂથ કે અન્યાયનો ભોગ બનેલા શ્રમિકો-પીડિતો-આદિવાસીઓ પ્રત્યે લગાવ-તે અંગેનું સર્જન અથવા અન્ય કળાઓમાં તેવાં વિષયવસ્તુઓ, વૈશ્વિક સંદર્ભો, અન્ય સંસ્કૃતિ કે ઇતર દેશના ભૂભાગ, સર્જન વગેરેના સંદર્ભો કે તેમાંની હરફર, કૃતિને મુલવવાના બદલાયેલા માપદંડો – આ કે એવું અન્ય અહીં યાદ કરી શકાય. ભારત અને ભારતની સંસ્કૃતિને પ્રણામ કરીને બહુવિધ સંસ્કૃતિઓને પ્રણામ કરીએ. ઇચ્છીએ કે બહુવિધ સંસ્કૃતિઓ અને તેના સાહિત્યનો Core thought પણ સર્વ આકર્ષણોથી ઉપર ‘માનવ’ અને ‘માનવતા’ હોય. માનવગૌરવના સ્થાપન માટેની આ અને આવી બીજી મથામણો વધતી રહો.

૨૦૦૭, તલોદ
(અધીત ૩૦)