જાપાનીઝ કાવ્ય પ્રકારો અને ‘હાઈન્કા’

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જાપાનીઝ કાવ્યપ્રકારો અને ‘હાઇન્કા’
ડૉ. કિશોરસિંહ સોલંકી

છેલ્લા ચારેક દાયકાથી ગુજરાતી સાહિત્યમાં જ્યારે જ્યારે જાપાનીઝ કાવ્યપ્રકારોની ચર્ચા કે વિવેચના પ્રસ્તુત થઈ છે; ત્યારે સ્વાભાવિકપણે ‘હાઇકુ’ જ કેન્દ્રસ્થાને રહ્યું છે, પરંતુ પ્રત્યેક સભ્યતા અને સંસ્કૃતિના મૂળમાં પોતપોતાના પ્રાચીન કાવ્યપ્રકારો અને કાવ્યશાસ્ત્રની વિભાવના મળે છે; તેમ જાપાનીઝ પરંપરામાં પણ પ્રાચીન સુગ્રથિત કાવ્યપ્રકારો અને દૃઢ થયેલી કાવ્યશાસ્ત્રની રૂપરેખા પણ ઉપલબ્ધ થાય છે. જાપાનીઝ સાહિત્યના સમૃદ્ધ ઇતિહાસ તરફ નજર ફેરવીએ તો સ્પષ્ટ જણાય છે કે પ્રાચીન જાપાનીઝ કાવ્યપ્રકારો તેના પરંપરાગત કાવ્યશાસ્ત્રના હાર્દને વળગી રહીને કાળક્રમે પરિવર્તિત થતાં રહ્યાં છે. જેનું સૌથી પ્રાચીન અને પ્રચલિત ઉદાહરણ તે કાવ્યમાં પ્રસ્તુત થતી પાંચ અને સાત ‘ઑન્જી’ (પદ)ની પરંપરા છે. સદીઓ પુરાણી જાપાનીઝ કાવ્યશાસ્ત્રની પાંચ અને સાત ઑન્જી (પદ)ની આ પરંપરા આજે પણ જીવંત છે. એવું માની શકાય કે કદાચ સ્વરૂપની દૃષ્ટિએ સરળ ભાસતા આ પ્રકારમાં સામાન્ય માનવી પણ પોતાનો ફાળો આપી શકે અથવા કદાચ કાવ્યતત્ત્વની ગહનતા સુધી ન પહોંચી શકે, પરંતુ સ્વરૂપને સાચવીને કાવ્ય લખી શકે તે હેતુથી આ પરંપરા જળવાઈ રહી હશે. નિઃશંકપણે કહી શકાય કે જાપાનીઝ કાવ્યનો ઉદ્દભવ અને વિકાસ માત્ર એક વર્ગ પૂરતો સીમિત નહોતો, પરંતુ બહોળા જનસમુદાયના તથા મહાન કવિઓના સહિયારા પ્રયત્નથી આ કાવ્ય-પરંપરા ટકી રહી. વિહંગાવલોકન કરીએ તો સ્પષ્ટ જણાય છે કે સાતમી સદીથી લઈને એકવીસમી સદી સુધીની જાપાનીઝ કાવ્યપરંપરા લોકશાહી ઢબે જળવાઈ રહી છે. તેનું એક ઉત્તમ ઉદ્યહરણ જાપાનીઝ કાવ્યોનો પ્રાચીન ગ્રંથ ‘મેન્યોશ્’ના કવિઓ અને વર્તમાન ‘તાન્કા’ અને ‘હાઇકુ' ક્લબના આધુનિક કવિઓ છે. મેન્યોશ્’ના ૫૩૦ કવિઓમાં મહારાજા, રાજકુમાર, રાજકુમારી, હિતોમારો જેવા મહાન કવિઓ, ખેડૂતો, સરહદે સંઘર્ષ કરતા સૈનિકો તથા ગૃહલક્ષ્મીનાં કાવ્યો મળે છે. વર્તમાન સમયમાં પાંચ અને સાતના જાપાનીઝ જાદુને વળગીને સ્થપાયેલ આધુનિક ક્લબોમાં મહાન કવિ-લેખકોની સાથે સાથે શૅરદલાલો, દુકાનદારો અને બેંકના કારકુનો પણ વ્યક્તિગત સમજણ મુજબ ‘તાન્કા’ અને ‘હાઇકુ’ રચે છે. રાજામહારાજાઓથી લઈને સામાન્ય માનવી સુધી પહોંચેલ જાપાનીઝ કાવ્ય ગુણચેતનાના સાથે સમય અને સરહદને પાર વિવિધ પેટાપ્રકારો સાથે જીવી રહ્યું છે.

વાકા પ્રારંભકાળે જાપાનીઝ કાવ્યો ‘વાકા' તરીકે ઓળખાતાં. ‘વાકા'નો અર્થ જ જાપાનીઝ કાવ્ય' થાય છે. ચીનની કાવ્યશૈલીથી વિખૂટા પડીને જે જાપાનીઝ કવિઓએ કાવ્ય સર્જન કર્યું, તેમણે તેને ‘વાકા’ કહ્યું. સાતમી સદીના કવિ-વિવેચકો દૃઢપણે માનતા કે જાપાનીઝ સંવેદના ચાઈનીઝ કાવ્યોમાં કંડારી શકાય તેમ નથી, માટે તેમણે પોતાની આગવી ઓળખ પ્રસ્તુત કરતાં ‘વાકા’ને સહર્ષ વધાવ્યાં. લગભગ હજાર વર્ષ પહેલાં કી-નો-સૂરાયુકી નામના કવિ લખે છે કે; જાપાનની કવિતા (ઉતા)નાં મૂળ માનવહૃદયમાં વિસ્તરીને સંવેદનાઓના સિંચનથી તે અગણિત પર્ણોની જેમ શબ્દોરૂપે અંકુરિત થાય છે.' કાવ્યને અહીં ઉતા’ તરીકે સંબોધતા કવિ ‘વાકા'ની વાત કરે છે. જાપાનીઝ ભાષા મૂળ ચાઈનીઝ ભાષા પરથી બનેલી હોઈ, પાંચમીથી સાતમી સદી દરમિયાન એટલે કે ભાષાના સંક્રાંતિકાળ દરમિયાન ‘વાકા’ સ્વરૂપ ‘ઉતા’ પ્રશિષ્ટ ચાઈનીઝ) તરીકે પણ ઓળખાતું. ‘વાકા’ના વિવેચકો જાપાનીઝ કાવ્યને ચાઈનીઝ પરંપરાથી તેની સંવેદનાના સ્તરે જુદું ગણાવે છે. તેઓ માને છે કે કોઈ પણ સ્તરે વ્યક્તિના જીવનમાં બનતી મહત્ત્વની ઘટના જાપાનીઝ કવિની સંવેદનાને ઝંકૃત કરે છે ત્યારે કાવ્ય સ્ક્રૂરે છે, પરંતુ વ્યક્તિના જીવનની ઘટનાઓ સાથે વણાયેલો પ્રેરણાસ્રોત કુદરત છે ઃ વસંતમાં પણ પીગળ્યાં વિનાનો બરફ, ગ્રીષ્મની રાત્રિઓમાં સફર કરતા આગિયા, ઉનાળાની સવારે ખીલેલાં પુષ્પો, પાનખરનો ચંદ્ર, શિયાળાની શરૂઆતના પહેલવહેલા ઠંડા પવનો, રતાશ પકડતાં મેપલનાં પર્ણો અને શરદઋતુનાં ઉજ્જડ ખેતરો. પ્રત્યેક કાવ્યમાં કુદરતને સાથે લઈને જીવતા જાપાનીઝ કવિઓ કુશળ વણકરની જેમ શોક, દુઃખ, પ્રેમ, આનંદ, હતાશા, આશા જેવી વૈશ્વિક માનવીય સંવેદનાઓને પ્રકૃતિનાં પ્રતીકો સાથે વણી ભાતીગળ ‘વાકા’નું સર્જન કરતા. આ પરંપરા આજ દિન સુધી જળવાઈ રહી છે. ‘વાકા’ કાવ્યો સ્વાભાવિકપણે પાંચ-સાતની શૈલીને અનુસરતા. જાપાનીઝ કાવ્ય પરંપરાની ખૂબી એ છે કે માત્ર પ્રશિષ્ઠ કાવ્યપ્રકારો જ નહિ, પરંતુ લોકગીતો, હાલરડાં અને પ્રસંગોપાત્ત ગવાતાં ગીતો પણ મહદ્અંશે પાંચ-સાતની શૈલીને અનુસરતાં. કદાચ એવું કહેવામાં સ્હેજ પણ અતિશયોક્તિ ના લાગે કે જાપાનીઝ પ્રજાનું વિશ્વવિખ્યાત શિસ્ત તેની કાવ્યરચનામાં પ્રતિબિંબિત થાય છે. એકત્રીસ પદ (ઑન્જી)નું ‘વાકા’ કાળક્રમે પાંચ પંક્તિઓમાં ૫-૭-૫-૭-૭ની શૈલીમાં ગોઠવાઈને પ્રચલિત બનવા લાગ્યું. જે પાછળથી ‘તાન્કા’ તરીકે ઓળખાવવા લાગ્યું. ઈ. સ. ૪૧૮થી ઈ. સ. ૪૭૯ દરમિયાન થઈ ગયેલ રાજા યુર્યકુ રચિત ‘વાકા'નું એક ઉદાહરણ જોઈએ :

વાંસની ટોપલી લઈને, પોતાની ટોપલી સાથે,
અને દાતરડું, પોતાનું દાતરડું લઈને,
હરિયાળી ટેકરીઓ પર ઘાસ વાઢતી કન્યા
હું તેના ઘર વિશે પૃચ્છા કરીશ,
પૂછીશ તારું નામ મને કહે.
યામાતોનો આ પ્રદેશ
સાવ સ્વર્ગ સરીખો,
તે હું છું જે શાસન કરું છું,
તે હું છું જે સત્તા ભોગવું છું,
તેથી જ કહી શકું છું,
મારું સરનામું, મારું નામ.

(અનુ. ઋચા બ્રહ્મભટ્ટ)

‘સેડોકા’ અને મોન્ડો’

‘વાકા' પરથી ઊતરી આવેલા ‘સેડોકા’ અને મોન્ડો’ બંને કાવ્યપ્રકારો સહજીવી હતા. સ્વરૂપની દૃષ્ટિએ જોઈએ તો બંને પદ્યપ્રકારો બે ભાગમાં વહેંચાય છે : પ્રશ્ન અને પ્રત્યુત્તર. જ્યારે એક કવિ ૫-૭-૭ ઑન્જી (પદ)માં પ્રશ્ન કરે અને પોતે જ તેનો ૫-૭- ૭માં પ્રત્યુત્તર આપે ત્યારે ‘સેડોકા’ કાવ્ય રચાતું, પરંતુ જ્યારે એક કવિ ૫-૭-૭ ઑન્જી (પદ)મમાં પ્રશ્ન કરે અને અન્ય કવિ ૫-૭-૭માં પ્રત્યુત્તર આપે ત્યારે ‘મોન્ડો’ કાવ્ય રચાતું. પોતાની આગવી ઓળખ ઊભી કરવા પ્રશ્ન પૂછનાર તથા પ્રત્યુત્તર આપનાર કવિઓ વિવિધ શૈલી કે ઈંગિતાર્થોનો ઉપયોગ કરતા. ‘સેડોકા’ અને મોન્ડો' કાવ્યોમાં જીવનની નીતિ- રીતિને લગતા પ્રશ્નો, ધર્મની વાતો અને ક્યારેક રમૂજને પણ સ્થાન મળ્યું. ‘મોન્ડો’ કાવ્યની વિશેષતા એ હતી કે પ્રશ્ન પૂછનાર કવિની પ્રથમ પાંચ ઑન્જી (પદ)વાળી પંક્તિનો ખૂબ ઓછા ફેરફાર સાથે પ્રત્યુત્તર આપનાર કવિ પુનઃ ઉચ્ચાર કરતા, જુઆન અને ચૂ નામના કવિઓનું ‘મોન્ડો’ અહીં પ્રસ્તુત છે:

નથી વ૨સતો વરસાદ
ધરા રુદન કરે છે જળ અર્થે
પણ સરતાં કેમ નથી આંસુ ?
- જુઆન
નહીં વરસે વરસાદ
તમે કસમયે વહાવ્યાં છે અશ્રુ
જ્યારે થોડોક પણ વરસાદ હતો !

- ચૂ. (અનુ. ઋચા બ્રહ્મભટ્ટ)

ચોકા ‘સેડોકા’ અને ‘મોન્ડો' સાથે કાળક્રમે લુપ્ત થયેલો અને પુનઃજીવિત થયેલો કાવ્યપ્રકાર એટલે ‘ચૉકા’ અથવા ‘નગાઉતા’ (પ્રશિષ્ટ ચાઈનીઝ). ‘ચૉકા’ અર્થાત્ ‘લાંબું કાવ્ય'. ૫-૭-૫-૭-૫... ૭-૭ અથવા ૫-૭-૫, ૫-૭-૫, ૭, ૭ ઑન્જીમાં લંબાણપૂર્વક ચૉકા રચાતાં. પરંપરા અનુસાર ૧૭-૧૯ ઑન્જીની શૈલી જળવાતી અને ૧૪ ઑન્જીથી કાવ્યનો અંત આવતો. આઠમી સદીમાં ખૂબ પ્રચલિત બનેલા ‘ચૉકા’ની કોઈ નિશ્ચિત લંબાઈ ન હોવાથી જાપાનીઝ કવિઓએ ઘણી મોકળાશ અનુભવી; જે સ્વાભાવિકપણે અન્ય પ્રકારોમાં નહોતી. જો કે ‘મૅન્યોશ્’માં ૧૫૦ પંક્તિથી વધુ લાંબું ‘ચૉકા' જોવા મળતું નથી. ઘણી વાર ખૂબ લંબાણપૂર્વક લખાયેલ ‘ચૉકા’ અંતે ‘તાન્કા’થી પૂરાં થતાં અને તેમાં સમગ્ર કાવ્યનો સારાંશ આલેખાતો. આઠમી સદીની શરૂઆતમાં ‘ચૉકા’ કાવ્યોને પ્રચલિત કરવાનું શ્રેય મહાન જાપાનીઝ રાજકવિ લૉર્ડ કાકિનોમોતોનો હિતોમારોને જાય છે. જાહેરજીવનના કવિ તરીકે પ્રસિદ્ધ હિતોમારોએ પરંપરાગત વિષયવસ્તુને વળગી રહીને ‘ચૉકા' રચ્યાં. મહદ્અંશે કરુણપ્રશસ્તિ તેમના ‘ચૉકા’નું હાર્દ બની રહી. દેહાંત પામેલા રાજકુમાર કે રાજકુમારી અથવા શહીદ થયેલા દૂરના ગામનો કોઈ સૈનિક તથા વિચ્છિન્ન થયેલા રાજ્યને કેન્દ્રમાં રાખી હિતોમારો- એ કરુણાસભર ‘ચૉકા’ કાવ્યો રચ્યાં. રાજકવિ હોવા છતાં તેમણે રાજાની કદી ખોટી પ્રશંસા કે સ્તુતિ નહોતી કરી. વિજયની પતાકા લહેરાવતા રાજાને પોતાનાં કાવ્યો દ્વારા સ્પષ્ટપણે કહેતા કે મૃત્યુ શાશ્વત છે, નહિ કે તમારું રાજ અને રાજ્ય. ઈશ્વર પણ મનુષ્યને મૃત્યુથી ઉગારી શકતો નથી, માટે મૃત્યુ જ સર્વોચ્ચ વાસ્તવિકતા છે. હિતોમારોના ‘ચૉકા’માં જીવન અને મૃત્યુ વચ્ચેના સંઘર્ષનો તનાવ અનુભવાય છે અને તેમનાં કાવ્યો જીવનની કટુ વાસ્તવિકતાઓ પરના કટાક્ષ સાથે પૂરાં થાય છે. અન્ય જાપાનીઝ કવિઓની સરખામણીમાં હિતોમારોને પ્રકૃતિ કવિ કહી શકાય નહિ, પરંતુ ખૂબ કુશળતાથી તેઓ કુદરતના કલ્પનોનો ઉપયોગ કરે છે. પ્રકૃતિને રૂપક તરીકે પ્રયોજી તેને મનુષ્યજાતિના જીવંત નિવાસ તરીકે ઓળખાવે છે. હિતોમારોનો દૃષ્ટિકોણ વૈશ્વિક છે. તેમનાં ખૂબ જાણીતાં ‘ચૉકા'માં હિતોમારો સેમિન ટાપુ પર એક મૃત વ્યક્તિના દેહને જોઈને કરુણાસભર ગાન કરે છે. લંબાણપૂર્વક રચાયેલા આ ચૉકામાં તણાઈને દરિયાકાંઠે પડેલો અજાણ્યો માનવી હિતોમારોના મતે આ પૃથ્વી પરનો અને તેમનાં કાવ્યોનો પ્રત્યેક મનુષ્ય છે. જોઈએ: સેમિન ટાપુ પર એક મૃત વ્યક્તિના દેહને જોઈને

સાનુકીનો પ્રાંત આ
દરિયાઈ ઘાસથી આચ્છાદિત
તને નીરખતાં ન થાય ધરવ
શું એવું ઊજળું તારું સ્વરૂપ ?
 કે પછી છે સર્વોપરી
 તારા રક્ષક દેવ એટલે...?
 ગગન અને ધરા
 વળી સૂર્ય અને ચંદ્ર જેમ
 તુંય પરિપૂર્ણ, શાશ્વત.
 નાકા નદી પરે
એક દિવ્ય મુખાકૃતિ ભણી
આદરીએ છીએ અમે અમારી યાત્રા.
આ નૌકા હંકારતા
અમે આવી રહ્યા છીએ ત્યારે
વાતા મોસમી પવનો ઓ પારથી.

કિનારાથી હજી ઝાઝા દૂર,જોઈ રહું
અથડાતી, તૂટતી દરિયાઈ લહેરો
અને દેખાય મને કિનારો.
અમારી અસ્થિર નૌકા
મરડે હલેસાં
ભયભીત છું હું, આ સમુદ્રથી.
છે અનેક ટાપુઓ છતાં
નજર સૌપ્રથમ જઈ ઠરે
સેમિનના ખ્યાત દ્વીપ પરે
ખડકાળ અને તોફાની મોજાંથી ગ્રસ્ત સમુદ્રકિનારે.
અને જોઈએ દરિયાકાંઠે
મોજાંઓના કોલાહલ વચ્ચે
તેં સર્જેલું ઓશીકું પર્ણવસ્ત્રનું;
ખડક અને પથ્થરોની શૈયા ૫૨
નિદ્રાધીન છે તું.

કાશ ! જાણતો હોત હું તારા ઘર વિશે
તો જાણ કરી હોત તારા સ્વજનોને.
તારી પત્ની
ખોળતી આવી પહોંચી હોત અહીં.
તારા માર્ગ વિશે અજાણ સાવ જ તે
તેથી ચિંતાતુર
તને ચાહતી, પ્રતીક્ષા કરી રહી તારી
પેલી તારી વહાલસોયી પત્ની
કાશ ! એની પત્ની હોત એની પાસે
સેમિનની આ ટેકરીઓ પર
શોધી લાવત તાજી ઔષધિઓ
તેના માટે.
સતત ઘૂઘવતા અને શમતાં મોજાંઓ સંગે
બનાવ્યું છે ઓશીકું તેણે દરિયાકિનારે
અને આવ્યો છે વિસામો કરવા અહીં

– લૉર્ડ કાકિનોમોતોનો હિતોમારો
(અનુ. વૈભવ કોઠારી)

જાપાનીઝ ‘ચૉકા’ પરંપરામાં દંતકથારૂપ બની ચૂકેલા હિતોમારો આ કાવ્યસ્વરૂપ સાથે અનેક પ્રયોગો કરે છે. માત્ર લંબાણને વળગી ના રહેતાં, એક નાનકડા ચૉકામાં તેઓ એક સૈનિકના મૃત્યુના અનુભવ જેવા ભારેખમ વિષયને ખૂબ સરળતાથી મૂકી આપે છે.

             મૃત્યુ ભણી...
મને લાગે છે હવે
નિરાંત ઝંખે છે લોથપોથ મારો દેહ
'કામો'ની ખડકાળ ટેકરીઓમાં.
અરે...રે ! મારા દુર્ભાગ્યથી સાવ અજાણ
રાહ જોયા કરે છે મારી પત્ની નેજવા તળે.

લૉર્ડ કાકિનોમોતોનો હિતોમારો
(અનુ. ઋચા બ્રહ્મભટ્ટ)

કહેવાય છે કે સમય અને શિક્ષણના અભાવે લંબાણપૂર્વક રચાતાં ‘ચૉકા' કાવ્યોની પરંપરા ક્ષીણ થતી ગઈ. ‘ચૉકા’ના પદ્યસ્વરૂપમાં ગદ્યાળુતા પ્રવેશતી ગઈ અને કાળક્રમે તેના પ્રયોગો લુપ્ત થયા.

રેન્ગા ‘ચૉકા' લુપ્ત થયું, પરંતુ તેના અંત ભાગ જેવી જ શૈલી ધરાવતું ૫-૭-૫-૭૭ ઑન્જીનું ‘તાન્કા’ પ્રચલિત થવા લાગ્યું. આવા સમયે લંબાણ ઇચ્છતા અથવા એકથી વધુ વિષયવસ્તુ સાથે પ્રયોગો કરતા કવિઓ ‘રેન્ગા’ અર્થાત્ શૃંખલાબદ્ધ તાન્કા તરફ વળ્યા. તેવી જ રીતે એકથી વધુ કવિઓ માટે એક સાથે સર્જન કરવા માટે ‘રેન્ગા’ સ્વરૂપ વધુ માફક આવે તેમ હતું. ‘રેન્ગા'માં ‘મોન્ડો' અને ‘સેડોકા'ની જેમ ૫-૭-૫માં પ્રશ્ન પુછાતો અને તાન્કા’ની શૈલીમાં ૭-૭માં પ્રત્યુત્તર અપાતો. આ પ્રમાણે લગભગ ૫૦ જેટલા તાન્કા સુધી આ સિલસિલો ચાલતો. ‘રેન્ગા’ના પ્રથમ ૫-૭-૫ ઑન્જીને ‘હોક્કુ’ કહેવામાં આવતાં, જે પાછળથી ‘હાઈકાઈ' અને ત્યાર બાદ ‘હાઈકુ' તરીકે પ્રચલિત થયાં.

તાન્કા ‘તાન્કા’ અર્થાત્ ‘નાનું કાવ્ય'. મહદ્અંશે ચાઈનીઝ શબ્ધવલિને વળગી રહેતાં અનેક લંબાણપૂર્વક રચાતાં કાવ્યો જાપાનના બહોળા જનસમુદાય વચ્ચે ટકી શક્યાં નહિ, તદ્ ઉપરાંત ચીનથી જુદી પોતાની આગવી ઓળખ ઊભી કરવા તથા સામાન્ય જાપાનીઝ સુધી પહોંચવા, જાપાનીઝ કવિઓ ‘તાન્કા’ તરફ વળ્યા. ૫-૭-૫-૭-૭ ઑન્જી (પદ)ના તાન્કા’માં પણ અનેક પ્રયોગો થયા. જેમાં આઠમી સદીના અંતે ‘તાન્કા’ના યતિમાં ફેરફાર આવવા લાગ્યો. જેમાં ૫ અને ૭ (યતિ), ૫ અને ૭ (પતિ) અને અંતે ૭ ઑન્જીની શૈલીમાં તાન્કાનું સર્જન થયું. આઠમી સદીના કવિ લેડી કાસા આ પ્રકારના પ્રયોગ માટે પ્રખ્યાત થયાં :

સહુને સૂવા માટે સૂચવતો
થઈ રહ્યો ઘંટનાદ,
પણ મારા પ્રિય પાત્રના વિચારોમાં લીન
સૂઈ શકું પણ કેમ કરીને ?
- લેડી કાસા (અનુ. વૈભવ કોઠારી)

ઈ. સ.ની નવમી સદીથી લઈને ચૌદમી સદી દરમિયાન તાન્કાના યતિ પહેલી અને ત્રીજી પંક્તિને અંતે મૂકવામાં આવતા અને કાવ્યને ત્રણ ભાગમાં વહેંચતા : ૫-૭-૫, ૭- ૭. ત્યાર બાદ પંદરમી સદી પછી ૫-૭-૫, ૭-૭ની શૈલીમાં ‘તાન્કા' સ્વરૂપ સ્થિર થયું. આમ, ‘તાન્કા’ રચતા જાપાનીઝ કવિ વાચિક ધ્વનિ અને વાક્યરચનાની શૈલીના ઊંડા જાણકાર રહેતા.

પોતાના વ્યાપક વિષયવસ્તુ સાથે ‘તાન્કા’ કવિ ખૂબ સરળતાથી સામાન્યજન સુધી પહોંચ્યાં. રાજદરબારની વાતો, બૌદ્ધ ધર્મની કથાઓ અને મધ્યમ વર્ગની સંવેદનાઓ તેમ જ ઇન્દ્રિયગત પ્રકૃતિના અનુભવો ‘તાન્કા’ના કેન્દ્રસ્થાને રહ્યાં. વિરહ, પ્રેમ, એકલતા અને વિચ્છિન્નતાની વેદના-સંવેદના ઝીલતાં ‘તાન્કા’ કાવ્યો રાજવી ઘરાનાના અગ્રણીઓ, સૈનિકની પત્ની, સૈનિકના પિતા, ખેડૂત, ગૃહલક્ષ્મી અને સુવિખ્યાત કવિઓ દ્વારા રચાયાં. અહીં કેટલાંક ઉદાહરણો જોઈએ :

(૧) રાહ જોઈ અને
     ઝૂરી તવ કાજ
     શરદના પવનના સ્પર્શે
     પડદો મારો હલી રહ્યો.
             – રાજકુમારી નુકાદા
(૨) પ્રાસાદ ભણી જતો પંથ
     સૂર્યસ્નાન કરી રહ્યો મહેલ
     ટોળાબંધ સંચરી રહ્યા જનો
     પણ જેને ઝંખતી રહી હું
     તે તો એકલ અને એકમેવ.
(૩) ‘સ્વર્ગ અને ધરા’
     જ્યારે તેમનાં નામ થશે વિલીન
     ત્યારે જ પ્રિય,
     તું અને હું
     મળીશું નહીં કદાચ.
             – પ્રસિદ્ધ કવિ હિતોમારો કાસુ
(૪) હું છું સફર માંહે
    પણ રાતે, પેટાવું તાપણું
    ગવર અંધકારે, મારી પ્રિયા
    ઝૂરી રહી હશે મારા કાજે.
              – મિબુ ઉતામારો
(૫) ઘરે જ અહીં રહીને
    તને સ્મરી રહ્યો હોઈશ ? ના !
    ઇચ્છું, તું ધારણ કરતો એ વિશાળ
    તલવાર બની,
    રક્ષા તવ દેહ તણી કરું.
              – કુસાકાબે ઓમિનીનાકા નામનાં
                સૈનિકના પિતા દ્વારા રચિત તાન્કા
(૬) તને જ્યારે નિહાળું
     પગપાળા જતો, શ્રમિક વદનવાળો
     મારો ઊજળો અરીસો
     બની જતો સાવ અર્થહીન.
               એક સૈનિકની પત્ની દ્વારા રચાયેલ તાન્કા
               (અનુ. વૈભવ કોઠારી)

હાઇકુ સત્તરમી સદીના અંતે તાન્કા’ તથા ‘રેન્ગા’ના પ્રથમ ૫-૭-૫નાં સંયોજનો ‘હાઇકુ’ સ્વરૂપે પ્રચલિત બન્યાં. બાશો (ઈ. સ. ૧૬૪૪-૯૪) અને બુસોન (ઈ. સ. ૧૭૧૬-૮૩)ને હાઇકુ કાવ્યપ્રકારને જાપાનીઝ સાહિત્યમાં અગ્રિમ સ્થાન આપવાનું શ્રેય જાય છે. બાશો માટે ‘હાઇકુ’ સરળતાથી જનસામાન્ય સુધી પહોંચાડવાનો પ્રકાર હતો. તેઓ માનતા કે સ્વસ્થ અને આદર્શ મન ધરાવતો કવિ વિશાળ જનસમુદાય સુધી પહોંચી સમાજને પણ પોતાના માર્ગે દોરી જાય તે જરૂરી છે. તેમ કરવામાં સ્વાભાવિકપણે તેણે રોજિંદી ભાષા સૌંદર્યમય અને સાહિત્યમય કરવી પડશે. તદ્ઉપરાંત, સત્તર પદના કાવ્યમાં તેણે પ્રકૃતિની અગોચ૨ દૃષ્ટિને ઝડપી લઈ તેનાં જ તત્ત્વો દ્વારા સામાન્ય માનવી સુધી પહોંચાડવી પડશે. બુસોન માટે ‘હાઇકુ’ અંગત લાગણીઓ પ્રસ્તુત કરવાનું માધ્યમ બન્યું. તેમનાં પ્રભાવશાળી હાઇકુ માત્ર વ્યક્તિગતસ્તરે ના રહેતાં, વૈશ્વિક બન્યાં. વ્યક્તિગત સ્તરે અનુભવાયેલ વ્યથા વૈશ્વિક પીડા તરફ અનુકંપા બની હાઇકુમાં ઊતરી આવી. બંને કવિ, બાશો અને બુસોન, દૃઢપણે માનતા કે હાઇકુમાં કિગો’ અર્થાત્ “ઋતુ દર્શાવતો શબ્દ’ હોવો જ જોઈએ અથવા વર્ષ દરમિયાન જે-તે સમયની ઋતુ દર્શાવતા ઇંગિતાર્થો સામાન્ય વાચક સમજી શકે તે મુજબ પ્રસ્તુત થવા જોઈએ. વળી તેમના માટે એ પણ જરૂરી હતું કે “કિગો’ હાઇકુમાં રહેલી કવિની કેન્દ્રસ્થ લાગણીને પ્રસ્તુત કરે અને તે સ્વયંસ્પષ્ટ હોય. કદાચ વિદેશી વાચકો માટે બાશો અને બુસોનના ‘કિગો’ સમજવા અઘરા પડે, પરંતુ જાપાનીઝ વાચકો માટે તે સર્વગ્રાહ્ય હતાં.

પ્રાચીન સરોવ૨
દેડકું કૂદે છે અંતર
પાણીનો અવાજ.
-બાસો (અનુ. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ)
મક્ષિકા, નિશા
ભાસે છે ખૂબ દીર્ઘ
સાવ અટૂલી.
– બુસોન (અનુ. ઋચા બ્રહ્મભટ્ટ)

અહીં, જાપાનીઝ વાચકો માટે તળાવનાં શાંત પાણીમાં કૂદતો બાશોનો દેડકો વસંતનું પ્રતીક બન્યો અને મધરાતે એકલી પડેલી બુસોનની માખી ગ્રીષ્મઋતુના આગમનનું પ્રતીક બની. કાળક્રમે હાઇકુ ‘સંવેદનાનું સાહિત્યસ્વરૂપ' બની જાપાનીઝ કાવ્ય પરંપરામાં અગ્રિમ સ્થાને રહ્યું. વિશ્વના ખૂણેખૂણે આ કાવ્યપ્રકાર સરળતાથી પહોંચી ગયો. વીસમી સદીમાં હાઇકુનું સ્વરૂપ ભારતભરમાં પ્રચલિત બન્યું. કવિવર રવીન્દ્રનાથ ઠાકુર પણ તેના પ્રયોગોમાંથી બાકાત રહ્યા નહિ. ભારતની લગભગ તમામ ભાષાઓમાં ‘હાઇકુ’ રચાતાં થયાં. મૂળ જાપાનીઝ ‘ઑન્જી' (પદ)ના સીમાડા તોડીને ૫-૭-૫ અક્ષરોનું હાઇકુ ભારતીય કાવ્યસ્વરૂપ બની ગયું.

સેન્ચૂ હાઇકુને સમાંતર અઢારમી સદીના અંતે સત્તર ઑન્જ (પદ)વાળાં સેન્યૂ કાર્યો રચાવા લાગ્યાં. તેમાં હાઇકુનાં બંધનો નહોતાં અને ભાષા પણ તળપદી વપરાતી. પ્રકૃતિનાં પ્રતીકોનો આગ્રહ સેન્યૂમાં રાખવામાં આવતો નહિ. કહેવાય છે કે માત્ર ૧૭ ઑન્જી સાથે પ્રયોગો કરતાં અને કાવ્ય કે તેની ભાષા મર્યાદાઓ ઓળંગતા કવિઓ માટે સેન્ટ્રે કાવ્યપ્રકાર મોકળું મેદાન આપતો, પરંતુ મહદ્ અંશે સાહિત્યના શિસ્તમાં માનનારી જાપાનીઝ પ્રજાએ સેન્ચૂને જાકારો આપ્યો. ઈ.સ. ૧૯૩૦ પછી જાપાનની સરકારે સાહિત્યના દુરુપયોગ સામે અનેક નિયંત્રણો મૂક્યાં, તેની સાથે મુક્ત-પ્રયોગોની સંખ્યા ઘટી અને ‘તાન્કા’ તથા ‘હાઇકુ’ અગ્રસ્થાને રહ્યાં. આધુનિક જાપાનમાં તેનું એટલું પ્રભુત્વ રહ્યું કે રોજ સવારે અખબાર મૂકવા આવનાર અખબારની સાથે ‘તાન્કા’ કે ‘હાઇકુ’નું સામયિક પણ મૂકી જતો. હાલમાં રચાતાં ‘તાન્કા’ અને ‘હાઇકુ’માં પાશ્ચાત્ય સંસ્કૃતિની ઝલક જોવા મળે છે. જાપાનીઝ વિવેચકો માને છે કે ‘તાન્કા’ અને ‘હાઇકુ’ના સદીઓથી ટકી રહેવા પાછળનું કારણ માનવીય સંવેદના છે. બંને કાવ્યપ્રકારો ‘કેમ બન્યું’ના સ્થાને ‘શું બન્યું’નો માનવીય અનુભવ પ્રસ્તુત કરે છે અને તેની સાથે માનવીય સંવેદનાનો અતલ ખજાનો ખૂલી જાય છે. જાપાનીઝ વિવેચકો કહે છે કે સાચા જાપાનને ઓળખવા તેના ઇતિહાસ અને ભૂગોળ નહિ, સમાજશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર નહિ; પરંતુ તેના ‘તાન્કા’ અને ‘હાઇકુ’ વાંચો. સાચી જાપાનીઝ સંવેદના લોકશાહી ઢબે તેના કાવ્યમાં સચવાઈ રહી છે. કદાચ આ જ કારણસર બંને કાવ્યપ્રકારો મને ખૂબ સ્પર્શી ગયા અને મેં તેમાં પ્રયોગો કરવાનું શરૂ કર્યું. ‘હાઈકુ' અને ‘તાન્કા' જુદા જુદા નહિ લખવાને બદલે મેં બંને સ્વરૂપ એક કરી ‘હાઇન્કા’ કાવ્યો રચવાનું શરૂ કર્યું. આ ‘હાઇન્કા' જાપાનીઝ કાવ્યપ્રકારો ‘હાઇકુ’ અને ‘તાન્કા'ના સંયોજનથી સર્જાયા છે. ‘હાઇકુ’માંથી ‘હાઈ' અને ‘તાન્કા’માંથી ‘ન્કા’ લઈને શ્રઇન્કા' એવી નવો શબ્દપ્રયોગ કર્યો છે. એમાં જાપાનીઝ પરંપરા મુજબ પ-૭- ૫, ૫-૭-૫, ૭-૬ની શૈલી અપનાવી છે. ૨૦૧૦માં પ્રકાશિત થયેલ મારા કાવ્યસંગ્રહ 'હાલ બે ભાગમાં વિભાજિત છે. જેની પ્રથમ ભાગ 'હડકામાં એંસી હાછે જે ઉપર જણાવ્યું તે મુજબ ૫૦૫, ત્ ૫-૭-૫, ૭-૭ અક્ષરોની રચનામાં સર્જાયા છે. દ્વિતીય ભાગ 'હા' કહ્યોમાં એકથી વધુ હાઇન્કાને શૃંખલાબદ્ધ ઢબે ઢાળવામાં આવ્યાં છે. ઇન્હામાં એક જ વિષયવસ્તુની માવજત કરવામાં આવી છે, જ્યારે હાઇન્કા કાવ્યોમાં એકથી વધુ વિષયવસ્તુને સમાવી લંબાણપૂર્વકના કાવ્યોમાં પ્રસ્તુત કર્યા છે. અહીં, જાપાનીઝ પરંપરાગત કાવ્યસ્વરૂપ ‘ચોંકા’ તથા રૅન્ગા'ની શૈલી સાથે આ કાવ્યો સરખાવી શકાય, પરંતુ ‘હાઇકા' જ્યાં લંબાણપૂર્વક રચાયું છે ત્યાં છ પંક્તિ બાદ આવતા ૭-૭ અક્ષરોની એ પંક્તિઓને કારણે તે જુદું પડે છે. સંગ્રહના પ્રથમ ભાગના હાઇન્કાનો પ્રયોગ નિઃશંકપણે ચૉકા'ને મળતો આવે છે. આ સાથે મેં એ વાતનું પણ ધ્યાન રાખ્યું છે કે મારા હાઇકામાંથી હાઇકુ અને તાન્કાને જો અલગ તારવવામાં આવે તો બંનેનું સ્વતંત્ર અસ્તિત્વ જળવાઈ રહે અને છતાં અર્થસભર બની રહે. ઉદાહરણ તરીકે જોઈએ તો –

પલાશ ખીલ્યો
સૃષ્ટિ શોભાયમાન
પ્રગટે બ્રહ્મા !

અહીં પ-૭-૫ વર્ષોનું સ્વતંત્ર હાઇકુ બને છે અને શેષ ભાગમાં અર્થસભર સ્વતંત્ર ‘તાન્કા’ રચાય છે :

ડાળી-પાંદડે
કરાય કેસરિયાં
ખેલાય હોળી
ઊડે નવોઢા સાડી
વને વસંતોત્સવ ! (પૃ. ૬૮)

અહીં, ૫-૭-૫-૭-૭ વર્ણોનું તાન્કા આગળના હઇકુ સાથે સંયોજાઈ ‘ઘઈન્કા’ સ્વરૂપ રચે છે. જાપાનીઝ હાઇકુ અને તાન્કાની પરંપરા જાળવીને મેં પ્રકૃતિવર્ણનો પણ આપ્યાં છે. કિગો' અર્થાત્ ઋતુ સૂચક શબ્દોનો પ્રયોગ પણ ભારતીય સંદર્ભે આપવાનો પ્રયત્ન કર્યો છે. મને લાગે છે કે મારા હાઇન્કામાં જીવતાં મોર, લક્કડખોદ, સાપ, કાગડા, કૂતરાં, માખી, આગિયા જેવાં પશુ-પક્ષીઓ અને જીવજંતુઓ તથા કેસૂડા, રાજવૃક્ષ, તુલસી, બાવળ જેવાં વૃક્ષો તથા છોડ સાથે કાવ્યનું સામંજસ્ય સાધે છે. અરવલ્લીની પર્વતમાળાના અને દીવના દરિયાકાંઠાની પ્રકૃતિના ભિન્ન સ્વરૂપ સાથે હાઇન્કા સમભાવ અનુભવે છે. ક્યાંક ભાવવ્યત્યય સર્જાય છે, તો ક્યાંક ઇન્દ્રિય-વ્યત્યય. જેમ કે,

સુક્કી ભીનાશ
સળવળે, માછલી
જળને ઝંખે
પળને ડંખે
પરપોટા, તળાવે
તિમિર ટોળાં
વૈધવ્ય તગે પાળે
લીલાશ ખરે ડાળે ! (પૃ. ૨૨)

જાણે-અજાણે અનુભવેલી ગત્યાત્મકતા હાઇન્કામાં રૂપાંતરિત થાય છે:

વહેતી ગંગા
પૂર્વાકાશે ઊગતું
સ્વર્ણિમ આભ
ન્હાતાં કિરણો
ધબકે ધોરી નસ
નિર્મલ સ્વચ્છ
ખેલે, ઊછળે, વંદે
ધરા હૈયે આનંદે ! (પૃ. ૨૭)

હાઇન્કા રચતો કવિ ગુજરાતી છે તે અંત્યાનુપ્રાસના ઉપયોગથી પ્રસ્તુત થાય છે. ગુજરાતીમાં કાવ્ય સર્જનની ટેવને કારણે ઘણા હાઇન્કામાં ‘કર્ણે, પર્ણો, પાંપણે' જેવા અંત્યાનુપ્રાસ સ્વાભાવિક ગોઠવાઈ જાય છે; અથવા તો એમ કહી શકાય કે કદાચ આપણી ભાષાની સુલભતાને કારણે આ શક્ય બને છે, જે જાપાનીઝ હાઇકુ અને તાન્કામાં પણ નથી પ્રયોજાતું. વળી, સ્વાભાવિક રૂપે રૂપક અને ઉપમાના પ્રયોગો પણ ભારતીય પરંપરા ઉજાગર કરે છે. ‘ત્રિપર્ણ બિલી / શોભે શંક૨ શિરે' કે ‘દૂર્વા ભાર્ગવી’ના પ્રયોગો વિના મારાં હાઇન્કા અધૂરાં ભાસે. લંબાણપૂર્વક રચાયેલાં હાઇન્કા કાવ્યોમાં મેં ક્યાંક ક્યાંક છૂટ લઈને કાવ્યનો અંત ૭-૭ને બદલે ૫-૭-૫ વર્ષોથી કર્યો છે. મારા ગુજરાતી સાહિત્યના બંને પ્રયોગો ‘લલિત-નવલ’ (અરવલ્લી) તથા ‘હાઇન્કા’ને જે પ્રતિસાદ સાંપડ્યો છે તે અવર્ણનીય છે. હું માનું છું કે આવા પ્રયોગો ગુજરાતી સાહિત્યને વધુ સમૃદ્ધ બનાવશે. મારા કાવ્યસંગ્રહ ‘હાઇન્કા’ને જે હૂંફભર્યો પ્રતિભાવ મળ્યો છે, તે અંગત રીતે મારા માટે સાહિત્યજગત તરફથી મળેલ અણમોલ પુરસ્કાર સમ છે. નવાં સ્વરૂપોને સહર્ષ સ્વીકારતાં અને અપનાવી લેતાં ગુજરાતી સાહિત્યજગતનો હું સદાય ઋણી રહીશ. આભાર.

: સંદર્ભસૂચિ :

  • બૉનાસ, જેફ્રી (અનુ.) અને એન્થોની શ્રેઈન (સં.), “ધ પેન્ગવીન બુક ઑફ જાપાનીઝ વર્સ.' લંડન : પેન્ગવીન બુક્સ લિમિટેડ, ૧૯૬૪.
  • બ્રહ્મભટ્ટ, અનિરુદ્ધ, 'કિમપિ', અમદાવાદ : આર. આર. શેઠની કંપની, ૧૯૮૩,
  • બ્લીથ, આર. એસ. એ હિસ્ટ્રી ઑફ હાઇકુ'. ટૉક્યો : ધ હોકુસીડો પ્રેસ, ૧૯૭૧ સાતો, હિરોઆકી (અનુ. અને સં.) જાપાનીઝ વિમેન પોએટ્સ એન એન્થોલોજી ન્યૂયોર્કઃ એમ. ઈ. શાર્પ, ૨૦૦૭,
  • સોલંકી, કિશોરસિંહ. ‘હાઇન્કા.' અમદાવાદ પાર્શ્વ પબ્લિકેશન, ૨૦૧૦
    • હાઇન્કા
    • તૃપ્તાગ્નિ વર્ષા
    • વાદળાગ્નિ વિદ્યુત
    • દરિયે મોજાં
    • પાતાળ અગ્નિ
    • ઉદાગ્નિ અદૃશ્ય
    • સવાર-સાંજ
    • પૃથ્વી-ધો-અંતરીક્ષ
    • સૂર્યાગ્નિ ચક્ષુભ્યૉમ્.

– કિશોરસિંહ સોલંકી