અધીત : પ્રમુખીય પ્રવચનો - ૪/પ્રમુખીય : કવિતાની પદાવલી : એક પુનર્પાઠ – ડૉ. ઉષા ઉપાધ્યાય
વર્તમાનની ક્ષણના પૃથુલ ઘેરામાંથી મુક્ત થઈને મારી વહીનાં પાછલાં પાનાંઓ ખોલું છું તો એમાં વંચાય છે ઈ. સ. ૧૯૭૭ના ઑગસ્ટ માસના ‘કંકાવટી’ સામયિકમાં પ્રકાશિત લેખ “કાવ્યમાં પ્રતીકો”. લેખક છે ચન્દ્રકાન્ત ટોપીવાળા. શું લખે છે તેઓ આ લેખમાં? તેઓ કહે છે - “ગણિતમાં અ બ હોય, પણ કાવ્યમાં અ – બ હોય, ક હોય, ગ પણ હોય અને પાછા એક્કેકના અનેકાનેક સંકેતો એકીસાથે અનુભવાતા હોય.” વહીનાં થોડાં વધુ પાનાંઓ ખોલું છું ને ઊઘડે છે સુરેશ જોષીનું ‘કિંચિત્.’ શું લખાયું છે આ ‘કિંચિત્ માં? ‘अथा तो ब्रह्मजिज्ञासा’થી જોઉં છું તો જડે છે કવિકર્મની આ કૂંજી – “દૃઢ બીબાંરૂપ શબ્દને કવિ જાણે સ્પ્રિંગ બોર્ડમાં ફેરવી નાખે છે. એની ઉપ૨ સહેજ ઊભા ન ઊભા ત્યાં તરત એ ઉછાળીને આપણને અનુભૂતિના અપરિમેય વિસ્તા૨માં વિહરવા મૂકી દે છે.” (પૃ. ૧૯) ‘ કવિતાની ભાષાની આ વિસ્મયકારક સંકુલતા અને ધુમ્મસની જેમ વિખેરાતી બંધાતી એની અર્થછાયાઓની ગૂઢ રમણીયતાએ હંમેશાં મારી ભાવકચેતનાને પડકારી છે. એટલે જ ૧૯૭૯માં પીએચ.ડી. પદવી માટેનો વિષય પસંદ કરતી વખતે એ સમયે જેને વિશે ચાર-પાંચ લેખો તથા ‘હદ પારના હંસ અને આલ્બેસ્ટ્રોસ’ જેવા એકાદ પુસ્તકને બાદ કરતાં ગુજરાતીમાં કોઈ સંદર્ભસામગ્રી ઉપલબ્ધ નહોતી એવો સંશોધન વિષય પસંદ કર્યો – “સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતામાં પ્રતીકાયોજન.” એ પછી આજે ૩૬ વર્ષ પછી ‘ગુજરાતીનો અધ્યાપક સંઘ’ના પ્રમુખ તરીકે અધ્યક્ષીય વ્યાખ્યાન માટે વિષય પસંદ કરવાનું આવ્યું ત્યારે પણ નારીચેતના, નારીવાદ વગેરે વિવિધ વિકલ્પો વિચાર્યા પછી છેવટે મારા વક્તવ્યને કાવ્યભાષા ઉ૫૨ જ કેન્દ્રિત કરવાનું ગમ્યું છે. આટલી ભૂમિકા રૂપ વાત પછી હવે કવિતાની ભાષા વિશેની સૈદ્ધાંતિક વિચારણાના ક્ષેત્રમાં પ્રવેશીએ. મારાં પુસ્તક ‘સર્જનપ્રક્રિયા અને નારીચેતના (કેફિયત)’ની પ્રસ્તાવનામાં સર્જનપ્રક્રિયા અને સર્જકચેતના સંદર્ભે કરેલી કેટલીક વિચારણા કવિના સર્જનવ્યાપારને સમજવા માટે અહીં ખપમાં લઉં છું. કલાસર્જન એ વિશિષ્ટ પ્રકારનું આત્મઆવિષ્કરણ છે. જાગૃત-અજાગ્રત માનસની લીલાભૂમિમાંથી પ્રગટતી કલાકૃતિ કલાકારના સમગ્ર સંવિત્તનું પ્રતીક છે. એના હકારાત્મક કે નકારાત્મક અભિગમો, એના આનંદ કે અવસાદ, એના ચિંતન, મનન કે દર્શન - એ સૌની સૂચક અભિવ્યક્તિ એના સર્જનમાં થાય છે. કલાનિર્મિતિની આ પ્રક્રિયા અત્યંત સંકુલ અને સૂક્ષ્મ છે અખો જેને “બાવન બાહેરો” કહે છે તેના પ્રચલિત અર્થસંકેતને અતિક્રમીને કવિતાની ભાષા વિચલન અને વિનિર્મિતિ વડે નૂતન પરિમાણો રચીને જે રમણીયતા સાધે છે તે કાવ્યરસિકોને માટે વિસ્મય, આસ્વાદ અને અધ્યયન – પુનઃ અધ્યયનની બળવાન ભોંય રચે છે. ભાષાવિદ લેવિન વિચલનને કવિતાના સ્વરૂપના વિશેષ ધર્મ તરીકે સ્વીકારે છે. દેરિદાએ સંકેતના સ્વરૂપની વિચારણા કરતાં સંકેત અને સંકેતિત વચ્ચેના દ્વંદ્વ નો નહીં પણ સંકેતની સંકેતિત તરફની વ્યતિકી ગતિનો નિર્દેશ કર્યો છે. સંકેતમાં જે નથી તેની શોધ માટે ભાવક ચિત્ત સક્રિય બને છે. જે છે તેને તે અતિક્રમે છે અને જે નથી તેની દિશામાં ગતિ કરે છે. આ વિચલન અને વિનિર્મિતિને કારણે જ વ્યવહા૨ ભાષા કરતાં કવિની ભાષા જુદી પડે છે. કવિતાની ભાષા વ્યવહાર-ભાષાની સ્વીકૃત વ્યવસ્થા સામેનો વિદ્રોહ છે. વ્યાકરણના સ્થાપિત સીમાડાને તે તોડે છે. ભાષા વડે કવિતા એક તરફ વિશિષ્ટ આકૃતિ રચતી સુનિશ્ચિત વ્યવસ્થાની નિર્મિતિ સિદ્ધ કરે છે, તો બીજી તરફ ભાષાની પૂર્વસ્થાપિત જડ અને બંધિયાર વ્યવસ્થા સામે વિદ્રોહ કરીને વિચલન અને અર્થવિલંબન વડે સંકેતોની વિચ્છિત્તિથી એક નૂતન વિશ્વની રચના કરે છે. પૂર્વે શ્રુતિગમ્ય અને હવે ચક્ષુગમ્ય પણ બનેલી કવિતાનું માધ્યમ ભાષા છે. આ ભાષાને સોસ્યૂરે એક સ્વાયત્ત એવી અર્થ-ઉત્પાદક વ્યવસ્થા તરીકે સ્વીકારી છે. ભાષાનો બાહ્ય વાસ્તવ સાથેનો સંબંધ યાદચ્છિક છે. તેથી જ કોઈ એક વસ્તુ અલગ-અલગ ભાષામાં ઉચ્ચારભેદે પણ એક જ અર્થ આપે છે. આ ‘System of Differences’ સોસ્યૂરના ભાષાવિચારમાં કેન્દ્રસ્થાને છે. ડૉ. ચન્દ્રકાન્ત ટોપીવાળા જેને ‘વ્યતિરેકી વ્યવસ્થા’ તરીકે ઓળખાવે છે અને સિતાંશુ યશશ્ચંદ્ર જેને પ્રભેદોની વ્યવસ્થા’ તરીકે ઓળખાવે છે તેવી ભાષાના વિનિયોગથી કવિ વ્યવસ્થાની, વિઘટન અને સંઘટનની એક સંકુલ સૃષ્ટિ રચે છે. કાવ્યની આવી સંકુલ, સ્વાયત્ત અને અદ્વિતીય નિર્મિતિને આપણે ઇન્દ્રિયગ્રાહ્ય કે મનોગ્રાહ્ય વાસ્તવ સંદર્ભે તેમ જ ભાષા સંદર્ભે પામીએ છીએ. મારા આ વ્યાખ્યાનમાં ઉપ૨ નિર્દેશી છે તેવી કવિતાની ભાષા અને તેના વિશિષ્ટ વિનિયોગે રચાતી કાવ્ય પદાવલીની વિચારણા કેન્દ્રસ્થાને છે. ‘પદાવલી’ માટે અંગ્રેજી શબ્દ છે Diction. એનો કોશગત અર્થ છે – “વાણી અને લેખનમાં શબ્દોની વિશિષ્ટ વરણી અને ગોઠવણી” ગુજરાતી કવિએ એમની કવિતામાં શબ્દોની વિશિષ્ટ વરણી અને ગોઠવણીથી જે નવનિર્મિત સાધી છે તે કેટલાંક દૃષ્ટાંતોથી આ વ્યાખ્યાનના ઉત્તરાર્ધમાં જોઈશું. વ્યવહા૨ ભાષાની જેમ જ ગદ્યની ભાષા કરતાં પણ કવિતાની ભાષાનું રૂપ અને કાર્ય ઘણું ભિન્ન હોય છે. કથ્ય વિષયને પ્રધાનપદે સ્થાપતાં ગદ્યની તુલનાએ કવિતાની ભાષા ઘણી ભિન્ન છે. કવિતામાં કથ્યની સાથે જ અથવા તેના કરતાં પણ ભાષાભંગિ અને તેમાંથી પ્રગટતાં સંકેતો, અર્થ, ધ્વનિ આદિ વિશેષ મહત્ત્વનાં હોય છે. ‘કવિતા’ની ભાષા ભાવક સમક્ષ કથ્ય વિષયને પ્રસ્તુત કરીને પૂર્ણપણે વિલીન થઈ જતી નથી. શ્રવણ કે કથનાંતે પ્રાપ્ત થતા અર્થબોધ પછી પણ કાવ્યભાષા વિ૨મતી નથી, ભાવકની ચેતનામાં નવજન્મ પામે છે. તેથી જ કવિતામાં ભાષાકર્મનો વિશેષ મહિમા રહ્યો છે. સર્જનાત્મક કૃતિની ભાષા અને કવિના ભાષાકર્મના મહિમાને નિર્દેશતાં સુરેશ જોષીએ ‘કિંચિત્ માં નોંધ્યું છે કે “કવિ કશું કહેવા માગતો નથી, એ કશુંક કરવા માગે છે, ને એનું એ કાર્ય તે ભાષાનું પુનર્વિધાન, ભાષાનો અપૂર્વ વિનિયોગ.” (પૃ. ૧૩) ભાષા પ્રત્યાયનનું સબળ માધ્યમ છે અને તે એક વિશિષ્ટ મનો-સામાજિક ઘટના છે. તે એક છેડે મનોસંવેદનો સાથે તો બીજે છેડે સમાજગત, બાહ્યજગતગત વાસ્તવો સાથે જોડાયેલી છે. વ્યાકરણની ચુસ્ત રચના અને વ્યવહા૨ જગતની સ્થૂલ પ્રકૃતિ વ્યવહાર-ભાષાને જડ અને બંધિયાર બનાવે છે. આ ભાષાને કાવ્યની સૌંદર્યનિર્મિતિ માટે જેમ ને તેમ ખપમાં લઈ શકાય નહીં. જેને ‘કવિકર્મ’ કહેવામાં આવે છે તેનો આરંભ આ બિંદુએથી થાય છે. અર્થની ત્વરિત સંક્રાંતિ કરીને વિરમી જતી તથા અર્થના નિયત ચોસલાઓ ધરી દેતી જડ ભાષાને કાવ્યની અપૂર્વ નિર્મિતિ માટે ખપમાં લેતાં પૂર્વે કવિ એના સ્થાપિત-સ્વીકૃત રૂપને તોડે છે અને તેને વળગેલાં સ્વીકૃત સંદર્ભોથી તેને મુક્ત કરે છે. અર્થવિલંબન વડે તે ભાવકચેતનાને અર્થસંસિદ્ધિ માટે પ્રત્યગ્ર બનાવે છે. સંકેતોમાં જે પ્રગટપણે પ્રાપ્ય નથી તેને પામવા ભાવચિત્તને ગતિ આપે છે. અનેકવિધ ધ્વનિરૂપો, ધ્વનિસાહચર્યો અને ધ્વનિ સંયોજનો વડે કવિ ભાષાનીત્વરિત અર્થસંક્રાંતિને અવરોધે છે. કવિ છંદ, લય, અલંકાર, પ્રતીક, કલ્પન આદિ કાવ્યપ્રયુક્તિઓ વડે અર્થવિલંબન સાધી કવિતાના શબ્દને જડ, રૂઢ અર્થસીમાથી મુક્ત કરે છે. લુડવિગ વિટ્ગેન્સ્ટાઇન કહે છે તેમ કવિ વ્યવહાર-ભાષાને તોડે છે. અર્થવિલંબનથી ભાવકને સંકેતિતની ખોજ માટેની દિશામાં ગતિ આપે છે અને નાદ, ધ્વનિ, લય, અલંકાર, પ્રતીક આદિ અનેક વિવર્તો વડે ભાવકચેતનાને ‘રમણીયાર્થ પ્રતિપાદક શબ્દ’ સુધી પહોંચાડે છે. વાલેરી આ વાતને ફોર્મ અને કન્ટેન્ટ વચ્ચેની દોલાયમાન સ્થિતિ રૂપે જુએ છે. વાલેરીના મતે ભાવકનું ચિત્ત “એક વા૨ ફોર્મ તરફથી કન્ટેન્ટ તરફ જાય છે, અને ફરી ફોર્મ તરફ પાછું આવે છે. કાવ્યરચનાનો રસાનુભવ જ્યાં સુધી સ્થાયી હોય છે ત્યાં સુધી આ ઝોલો અટકતો નથી.” (કાવ્યમાં આધુનિકતા’, પૃ. ૫૨-૫૩) વાલેરીની જેમ જ સંસ્કૃત આલંકારિક કુંતકે પણ કાવ્યમાં આવી લોલ જેવી દોલાયમાન સ્થિતિ જોઈ હતી. કુંતકના મતે કવિતા એ એવી કલાકૃતિ છે જેમાં શબ્દ અને અર્થ પ્રતિસ્પર્ધી હોય છે; તેઓ પરસ્પરને પડકાર કરે છે, પરંતુ કોઈ કોઈને હરાવી શકતું નથી. ભારતીય કાવ્યશાસ્ત્રમાં વ્યવહા૨-ભાષાથી વ્યાવર્તન સાધતી કાવ્યભાષાના વિશેષોને શબ્દ અને અર્થના સહિતત્વ, રમણીયાર્થ પ્રતિપાદકતા, વક્રતા, ઔચિત્ય, ધ્વનિ અને રસાત્મકતાથી અભિચિહ્નિત કરાયાં છે. કાવ્યભાષાનો મહિમા કરતાં માલાર્મેએ કહ્યું હતું કે – કવિતા શબ્દ વડે રચાય – છે, ભાવ વડે નહીં. ફ્રેંચ કવિ વાલેરી અને ચિંતક જ્યાં પૉલ સાર્વે કાવ્યભાષા વિશે ઉફરા ચાલીને વિચારણા કરી છે. સાર્ત્રે કાવ્યની ભાષા સંદર્ભે ચર્ચા કરતાં ગદ્યભાષાને કાચ જેવી પારદર્શક કહી છે અને કાવ્યભાષાને સ્વકેન્દ્રી, દૃષ્ટિને કાચમાં જ રોકી રાખનારી, કાવ્ય સિવાય બીજું કશું ન જોવા દે તેવી કહી છે. સાર્ત્રે નિર્દેશી છે તેવી કાવ્યભાષાની અપારદર્શકતા જ ભાવકચિત્તને અગાઉ જોયું છે તેમ ગતિ આપે છે. સંગીતપ્રેમી કવિ વાલેરીની જિકર કવિતાને સંગીતની પેઠે નિર્મળ બનાવવાની રહી છે. તેઓ કહે છે કે – “જે કંઈ કવિતા નથી છતાં કવિતામાં ચારે પાસથી ઘૂસી જઈને વિશુદ્ધ રસસર્જન અને રસાસ્વાદનમાં વિઘ્ન પેદા કરે છે, તેના કલુષિત સ્પર્શમાંથી કવિતાને મુક્ત કરવી જોઈએ. એટલે કાંકરા વીણી કાઢતા હોય એમ કવિતાની થાળીમાંથી વીણી-વીણીને તત્ત્વજ્ઞાન, ધર્મ, નીતિ, સમાજચેતના, વાસ્તવઘટના અને દૃશ્યોનાં વર્ણનો વગેરે બધું ફગાવી દેવામાં આવ્યું.” (કાવ્યમાં આધુનિકતા’, પૃ. ૪૮) એમના મતે કાવ્યસિદ્ધિનો સંપૂર્ણ આધાર કાવ્યભાષાના કવિ દ્વારા થતા વિનિયોગ ઉ૫૨ જ આધારિત છે. આ સંદર્ભે તેઓ કહે છે કે – “કવિતાની સાર્થકતાનો આધાર ભાષા વાપરવાની - રીતિ, નીતિ અને ઉદ્દેશમાં એક મૂલગત પરિવર્તન લાવવા ઉ૫૨ રહેશે.” કોઈ પણ ભાષાના સફળ કવિની કવિતાને તપાસતાં જણાશે કે એણે વ્યવહા૨ભાષાના ઉદ્દેશોને અને રચનાને અતિક્રમી જઈને ભાષાનું એક નિજી મુદ્રા ધરાવતું, પરંપરા સાથે નાભિનાળે જોડાયેલું અને છતાં પરંપરાગ્રસ્ત નહીં એવું રૂપ સિદ્ધ કર્યું હોય છે. તે નવા સંદર્ભો અને અર્થો નિપજાવે છે અને ભાષિક સંદર્ભે પરંપરામાંથી “જે કંઈ લે છે તેનું પુનર્વિધાન કરે છે.” એ વિવિધ ભાષિક પ્રયુક્તિઓનો વિનિયોગ કરીને કાવ્યની ઇબારત રચે છે. કવિ ચંદ્રકાન્ત શેઠ કવિની વાણી વિશે વિચારણા કરતાં કહે છે કે – “કવિની વાણી કાવ્યની ભૂમિકાને કા૨ણે સાધ્યરૂપે અને વાણી- વ્યવહારની ભૂમિકાને કારણે સાધનરૂપે પ્રતીત થાય છે. કાવ્યમાં વાણી સાધ્યરૂપે પ્રતીત થતી હોવાથી સાધનરૂપે મટી જતી નથી. કવિ વાણીના સ્વભાવને, સ્વ- ધર્મને બદલી શકતો નથી; અલબત્ત, તે વાણીને એવી રીતે પ્રયોજી શકે છે કે જેથી એ સાધન છતાં ઉપર કહ્યું તેમ સાધ્યરૂપે પ્રતીત થાય (‘કાવ્યપ્રત્યક્ષ’, પૃ. ૧૫) જે. મિડલટન મરી કહે છે તેમ – “ઉત્તમ કાવ્યમાં વાણીનો પ્રતીત થાય છે એના કરતાં (વિશેષ) કવિનો વાણી પરનો વિજય પ્રતીત થાય છે.” ભાષા અગાઉ નિર્દેશ્યું છે તેમ એક મનોસામાજિક ઘટના છે. તેથી બદલાતા સંદર્ભો, સંવેદનની તીવ્રતા અને કૃતિની આંતરિક જરૂરિયાત કવિની ભાષાનાં કલેવરને બદલે છે. ગુજરાતી ભાષાના પ્રાજ્ઞ વિ-વિવેચક સિતાંશુ યશશ્ચંદ્ર એમના પુસ્તક ‘અસ્યાઃ સર્ગવિધી...’માં કાવ્યભાષાની વિચારણા સાંસ્કૃતિક ઇતિહાસ અને ભૂગોળના સંદર્ભે કરવાની હિમાયત કરે છે. તેઓ કહે છે કે –
- “કાવ્યભાષાનો પ્રશ્ન અમૂર્ત રૂપે અને સંદર્ભો વિનાના શૂન્યાવકાશમાં ન જોતાં, આપણી પોતાની સાંસ્કૃતિક ભૂગોળના તેમ જ આપણા સાંસ્કૃતિક ઇતિહાસના સંદર્ભમાં તપાસીએ, ત્યારે એ પ્રશ્નનાં રસપ્રદ પાસાં નજરે ચઢે છે. ભારતીય ભાષાઓ માટે કાવ્યભાષાનો પ્રશ્ન એક વિશાળ ભૌગોલિક ક્ષેત્રમાં વસેલી દીર્ઘ ઇતિહાસસાતત્યવાળી પ્રજાના જીવનની આંતરિક ગૂંથણીનો પ્રશ્ન છે.” (પૃ. ૫૯)
- “સામાન્ય અને વિશેષ બંનેનો સમાવેશ કરવાનું દુષ્ક૨ કાર્ય કાવ્યભાષાએ કરવું પડે છે. ઇતિહાસ અને ભૂગોળની વ્યાપક સંરચનાઓમાં છેક સુધી સંચરણ કરવું અને એ રીતે એમને સ્થિરતા અને પુષ્ટિ આપવાનું કામ પણ કાવ્યભાષાએ કરવાનું છે. સાથોસાથ એ સંરચનાઓના અતિશાસનને, જડતાને અને સ્વ-અંશ-વિધ્વંસક વલણોને પડકારવાનું કામ પણ કરવાનું છે.” (પૃ. ૬૦)
ગુજરાતી કવિતાની ભાષા સિતાંશુ યશશ્ચંદ્ર કહે છે તેમ “વ્યવસ્થા, વિદ્રોહ, વિવર્ત અને વૈકલ્પિક વૈશ્વિકતાની રચના”ની ક્ષમતા ધરાવતી ભાષા છે. શ્રી ચંદ્રકાન્ત ટોપીવાળા ‘લઘુ સિદ્ધાંતવહી’માં એક મનોવિજ્ઞાની સંશોધક જૂથને ટાંકીને કહે છે તેમ “કવિતા મસ્તિષ્કના પક્વ કોષો માટે છે, કવિતા ધીમેથી, નજીકથી અને સઘન રીતે પુનઃ પુનઃ વાંચવાની વસ છે.” (પૃ. ૧૬૯) કવિ ઉમાશંકર જોશીએ કવિતાને આત્માની માતૃભાષા’ કહી છે. આ સંદર્ભે તેઓ કહે છે કે – “કવિતા આત્માની માતૃભાષા છે. કલાનું સર્વોચ્ચ શિખર છે. માનવસંસ્કૃતિના સત્ય અને સૌંદર્યનો એમાં ચરમ આવિષ્કાર છે.” આપણે જાણીએ છીએ તેમ શબ્દ અને અર્થનું સહિતત્વ એટલે કવિતા, શબ્દાર્થો સહિતૌ કાવ્યમ્. પરંતુ કવિતાના યાદચ્છિક સહિતત્વથી કવિતાનું નિર્માણ થતું નથી. શબ્દ અને અર્થની એ સહોપસ્થિતિ રસમય હોવી જોઈએ. રસાનુભૂતિ કરાવવાના તેના સામર્થ્યથી ચેતોવિસ્તા૨નો અનુભવ કરાવતી કવિતાને માટે જ કાવ્યાચાર્યોએ ‘સદ્ય: પરનિવૃત્તયે’ સંજ્ઞા યોજી છે. “સદ્યઃ પરનિવૃત્તયે” અર્થાત્ લૌકિક સુખ-દુઃખાદિ સંવેદનાઓથી ભાવકને તત્કાળ મુક્ત કરીને બ્રહ્માનંદ સહોદર આનંદનો અનુભવ કરાવનાર સર્વ કળાઓમાં સર્વોપરી ગણાયેલી આ કવિતાકળાના વિવિધ સંઘટક-તત્ત્વો છે. કવિતાનું પ્રાણતત્ત્વ લય છે અને છંદ દ્વારા લય સધાય છે તેથી કવિતામાં છંદનો મહિમા થયો છે. પરંતુ અહીં એક સ્પષ્ટતા જરૂરી બને છે કે છંદ કાવ્યોપકારક લય સિદ્ધ કરી આપતું એક ઉપકરણ છે. તે સ્વયં કાવ્ય નથી. સર્જકે સિદ્ધ તો કરવાનું છે કાવ્ય. તેથી છંદોબદ્ધ કવિતા જ ઉત્તમ કવિતા છે અને છંદવિહીન કવિતા ઊતરતી કોટિની છે તેવું સમીકરણ ખોટું છે. કવિતાની રૂપનિર્મિતિમાં આમ અનેક ઘટકો-ઉપકરણો મહત્ત્વનો ભાગ ભજવે છે. સંવેદન બદલાતાં અભિવ્યક્તિ બદલાઈ અને તેથી ઉપકરણો પણ બદલાયાં. પ્રતીક, કલ્પન, પુરાકલ્પન, મધ્યકાલીન કવિતાનો લય અને પૂર્વસૂરિઓની પંક્તિઓ – વિશ્વ સાથેનું અનુસંધાન, ઉદ્બોધનાત્મક રીતિ, પ્રશ્નાર્થો અને ક્રિયાપદોથી ખચિત રીતિ, વિડંબના, અનર્થકતા અને પ્રલાપ, બાળકથા, મદારીનો ખેલ, મરશિયા, વ્રતકથાનો લય, લોકબોલી અને લોકગીતોનો લય વગેરેના વિનિયોગથી આધુનિક કવિએ કવિતાની પરંપરાપ્રાપ્ત પદાવલીને નવેસરથી સર્જી છે. કવિ સિતાંશુ યશશ્ચંદ્રની કવિતામાં દંતકથા, લોકકથા અને બાળકાવ્યોના વિવિધ લય-સંદર્ભો, સંકેતો અને લઢણોના વિનિયોગ દ્વારા ભાષાની પૂર્વપરિચિતતા અને અપરિચિતતા વચ્ચેની યાદચ્છિક રમણાથી ભાવક ચેતનાને પડકારાઈ છે. અને એ રીતે તેના ચિત્તને ભાષાની નવનિર્મિતિને પામવા ગતિ અપાઈ છે. બાળગીતના પ્રાસાનુપ્રાસ અને લય વડે તેનો પ્રસ્તુતકર્તા સામાન્યતઃ બાળમાનસને વિસ્મયભરી કલ્પનાસૃષ્ટિમાં લઈ જાય છે. આ પરંપરાપ્રાપ્ત સંદર્ભને તોડીને, એનેઅતિક્રમી જઈને સિતાંશુ યશશ્ચંદ્ર નગરજીવનની નિષ્પ્રાણતાને પ્રત્યક્ષ કરાવવામાં : બાળગીતના લયને યોજે છે. ઉ. ત., ‘દા. ત., મુંબઈ : હયાતીની તપાસનો એક સરરિયલ અહેવાલ’ કાવ્યની આ પંક્તિઓ જુઓ
“એને જાણે કે ખાસ
લીલું ભાવે છે ઘાસ, ઘાસ તો મળે ક્યાંથી?
તેથી આ શહેર પવનોની પાળે, આ શહેર મરણોની ડાળે
મરી ગયેલા સસલા વાળો ચાંદો ઊગ્યો છે એના ચોકમાંજી
તેથી ગંધ તો મારે જ મારા ભાઈયું !” (પૃ. ૯૦)
કવિએ અહીં ભાવકની ચેતનામાં રહેલાં પૂર્વસ્થિત (a priori forms) ભાષા રૂપને ખપમાં લીધું છે. કવિને અભિપ્રેત તો છે નગરજીવનની ચેતનહીનતા, નિષ્પ્રાણતા – પરંતુ તેના સમરેખ કથનને બદલે કવિ ભાવકચેતનામાં રહેલા પૂર્વસ્થિત બાળગીતના લયને યોજીને તેને પોતાની કવિતા સાથે જોડે છે. એ છેતરામણી પરિચિતતાથી કાવ્યમાં પ્રવેશેલા ભાવકને તરત જ કવિ પરિચિત અર્થસંદર્ભોની બંધ ગલી (ડેડ એન્ડ) પાસે લાવીને છોડી દે છે અને ભાવકચેતનાને કવિ અભિપ્રેત અર્થસંદર્ભની દિશામાં ગતિ આપે છે. કાવ્યમાં ચંદ્ર સાથે સંકળાયેલા રમણીયતા, શીતળતા અને પ્રસન્નકરતાના અધ્યાસો વડે કવિને અભીષ્ટ એવી નગરજીવનની નિષ્પ્રાણતા સવિશેષ વેધકતાથી પ્રગટી છે. આધુનિક કવિની આ પ્રકારની ભાષા-ઇબારતના એકાધિક દૃષ્ટાંતો લાભશંકર ઠાકર અને સિતાંશુ યશશ્ચંદ્રની કવિતામાં જોવા મળે છે. એમાંથી કેટલાંક દૃષ્ટાંતો જોઈએ –
“ગાજ૨ તો ભઈ ખવાય
રાતામાતા થવાય
ઘડો પાણી પિવાય
વાઘ થકી ના બિવાય.”
• લાભશંકર ઠાકર
“તડકો દોડે છે
તડકો ઊંઘે છે
તડકો બોલે છે
તડકો નાચે છે.”
• લાભશંકર ઠાકર
“ભાલુ ભાલુ રીંછાજી
ક્યાં છે તમારાં પીંછાજી?
પોમ્પાઈ અર્થાત્ બોમ્બાઈ નગરમાં
એક ખેલ યાને વહાણ નામે ભૂલ”
• સિતાંશુ યશશ્ચંદ્ર
“મેરબાન સાબલોક, તાલિયાં બજાવ
યે લોખંડની મોટી સાંકલ છે. સાંકલમાં /
સાતસો સિત્યાનબ્બે કડી છે.
આપકા હાથ લગાવ.
અરે, ડરના મત ! કંઈ હર્જ છે.નથી /
આપકા હાથ લગાવ / તૂટે છે? / ના?
અચ્છા. । મેરબાન સાબલોક, તાલિયા બજાવ
હમે ફક્ત છાતી ફુલાવીને આ લોખંડની સાંકલ
તોડી નાખીશું. / બીજા કોઈ સાધન બગૈર /
મેરબાન સાબલોક, તાલિયાં બજાવ.”
• સિતાંશુ યશશ્ચંદ્ર
રાવજીએ એમનાં ‘સ્વ. હુંશીલાલની યાદમાં’ કાવ્યમાં વિડંબના માટે આ ઉદ્બોધનાત્મક રીતિનો અને મરશિયાના લયનો વિનિયોગ કર્યો છે -
સચરાચર હે ! હજી તમારા થૂંક તણી ભીનાશ હવામાં.
“શ્રીવિલય તમારો માન્યામાં ના આવે
તમારા થૂંકની ગંગા વહે છે કાનમાં બાપા
તમાચ થૂંકની જે જે થતી’તી ગામમાં બાપા
તમારા થૂંકથી લાખો-કરોડો રૂપિયા ભેગા થતા’તા
તમારા થૂંકથી બંગલા બેઠા થતા’તા.”
આ ઉપરાંત આધુનિક કવિએ કાવ્યપંક્તિમાં આવતા એકાદ ક્રિયાપદને સ્થાને ક્રિયાપદોની બહુલતાથી ચિત પદાવલી યોજી છે.
“એટલેસ્તો હાથમાં આવ્યું તેને /
વીંખ્યું, પીંખ્યું, ચાટ્યું, પલાળ્યું,
ફાડયુ, ફોડ્યું, ઢોળ્યું અને
ઘરવ્યું માટીમાં “
• ગુલામ મોહમ્મદ શેખ
“તડકાના સ૨વ૨માં
તડકો ડૂબે.
તડકો દોડે છે
તડકો ઊંઘે છે
તડકો બોલે છે
તડકો નાચે છે તડકો તડકો તડકો
ચારે કોર.”
• લાભશંકર ઠાકર
વિસંગતતાભરી, અત્યંત સંદિગ્ધ અને ક્વચિત્ અર્થહીન ભાસતી ભાષિક સંરચના આઠમા દાયકાની કવિતામાં વ્યાપકપણે સ્વીકારાઈ હતી. ગુલામ મહમ્મદ શેખ, સિતાંશુ યશશ્ચંદ્ર, લાભશંકર ઠાકર અને ચંદ્રકાન્ત શેઠની આઠમા દાયકાની કવિતામાં વ્યવહાર ભાષાને તોડીને વિચલન સાધતી આવી કાવ્યભાષા જોઈ શકાય છે. પૂર્વપરિચિત સંદર્ભથી ભાવકચેતનાને આકર્ષીને, પરિચિત અર્થસમીકરણની તેની ધારણાને તોડીને અર્થની નવનિર્મિત તરફ ગતિ આપતી કાવ્યભાષા સંદર્ભે લાભશંકર ઠાકરની મારે નામને દરવાજે કાવ્યસંગ્રહની આ કવિતા જોઈએ –
“હું હવે પાંખો વગરનો
બંગલો જૂનો જીરણ
બારીઓ ખખડે ખરે રેતી
અને હું ઊડવા મથતો
હવે રણરેતમાંથી ઊડવા મથતો.”
અહીં “હું બંગલો જૂનો જીરણ” પંક્તિ ભાવકને મીરાંની કાવ્યપંક્તિ “જૂનું થયું રે દેવળ” સાથે જોડે છે. પરંતુ બીજી જ પંક્તિથી કવિ મીરાંની એ કવિતાના સમીકરણાત્મક નિરૂપણોના કળણમાંથી ભાવકને ઉપાડી લઈ “અને હું ઊડવા મથતો” પંક્તિ સામે ખડો કરી દે છે. અર્થવિલંબન વડે સધાતું વિચલન ભાવકને અર્થની નવનિર્મિતિ માટે ઉશ્કેરે છે. ક્ષણેક્ષણે વિલય પામતા ક્ષયિષ્ણુ માનવજીવન અને સપ્રાણ ગતિયુક્ત ચૈતન્ય માટેની તેની અભીપ્સા વચ્ચેના સંઘર્ષને વ્યક્ત કરવામાં કવિની આવી સંકુલ ભાષિક સંરચના પરિણામગામી બની છે. આધુનિક કવિઓએ પ્રાચીન કવિતાની ઉદ્બોધનાત્મક શૈલીનો પણ લાક્ષણિક વિનિયોગ કર્યો છે. તમિલ કવિતા તિરુક્કુરળ’નું એક દૃષ્ટાંત જોઈએ. “હૈ ચંદ્ર, તારું કલ્યાણ થાવ! આ સુંદરીની જેમ તારો ચહેરો ચમકે તો હું તને પણ ચાહીશ.” પ્રણયના ભાવસંવેદન માટે યોજાયેલા આ ડિકશનને નિરંજન ભગતે ‘હે મૃત્યુ!’ કાવ્યમાં મૃત્યુ સંદર્ભે યોજ્યું છે. કવિ વિનોદ જોશીની કવિતામાં પ્રણય-સંવેદનની નૂતન અભિવ્યક્તિ માટે પરિચિતથી અપરિચિત તરફ લઈ જઈને કાવ્યાનુભવને સંસિદ્ધ કરતી પદાવલીનું એક દ્રષ્ટાંત જોઈએ –
“મારગ કેરા ચીંથરા સળવળ દોડયા જાય
વિમલી તારે દેશ તાકો થઈને ઉખળે.”
અહીં પૂર્વપંક્તિમાં ‘ચીંથરા’ જેવા પરિચિત લોકઅધ્યાસને ‘મારગ’ ઉપર આરોપિત કરીને કવિ વિયોગવિક્ષિપ્ત કાવ્યનાયકની મનોદશાને ચીંધી આપે છે. સાધારણ જણાતી આ પંક્તિ બીજી પંક્તિમાં “વિમલી તારે દેશ”થી ટેક ઑફ કરીને “તાકો થઈને ઉખળે માં“ ચીંથરાના વિરોધ “તાકો” શબ્દથી અપૂર્વતા સાધે છે. બે જ પંક્તિના લઘુફલક ૫૨ કાવ્યનાયકની ભાવપરિવર્તનની રમણાને પ્રત્યક્ષ કરી આપવામાં ભાષાની લાક્ષણિક ઇબારત કેવી અર્થસમર્પક બની રહે છે તેનું આ આસ્વાદ્ય દૃષ્ટાંત છે. પરંપરાગત કવિતામાં સાંપડતા તૈયાર અર્થપલટથી ટેવાયેલો ભાવક આ આધુનિક કવિતામાં પ્રવેશે છે ત્યારે ભાવનના સર્જનશ્રમને ન ઓળખનારી તેની ભાવકચેતના પીંજરના પંખીની માફક અનંત શક્યતાઓથી ભરેલા અર્થના આકાશને માપવા-પામવામાં પીછેહઠ કરે છે. સર્જકકર્મની જેમ જ ભાવનકર્મ માટેની સજ્જતાનો પડકાર ઝિલાય તો જ ભાવકચેતનાનો ક્ષિતિજ વિસ્તાર સંભવે માતૃભાષામાં આ ભાવકત્વનો અને તેથી જ સર્જકત્વનો પણ ચેતોવિસ્તાર સધાય એમાં જ આપણું અધીત રહેલું છે.
સંદર્ભસૂચિ :
૧. અપરિચિત અ અપરિચિત બ ચંદ્રકાન્ત ટોપીવાળા
૨. અસ્યા : સર્ગવિધો... - સિતાંશુ યશશ્ચંદ્ર
૩. કવિતા કાનથી વાંચો – નિરંજન ભગત
૪. કાવ્યપ્રત્યક્ષ - ચંદ્રકાન્ત શેઠ
૫. કાવ્યમાં આધુનિકતા – અબુ સઇદ ઐયુબ
૬. બહુ સંવાદ – ચંદ્રકાન્ત ટોપીવાળા
૭. સંસર્જનાત્મક કાવ્યવિજ્ઞાન – ચંદ્રકાન્ત ટોપીવાળા
૮. સંસ્કૃતિ : પરિભાષા એવં સ્વરૂપ – રાઘવેન્દ્ર મનોહર -
૯. હદ પારના હંસ અને આલ્બેસ્ટ્રોસ - ચંદ્રકાન્ત ટોપીવાળા
૧૦. Michel Foucault, ‘Language Countermemory Practice’. Basil Blackwell Oxford ૧૯૭૭
૧૧. Simon During. ‘Faoucault and Literature’ – Towards a Genealogy of writing, London, Routiedge, ૧૯૯૨
૧૨. Bruns Gerald. ‘Modern Poetry and the idea of language : a Critical and, historical Survey.’